લિ. પ્રમાણિક ફાંકોડી
કંદર્પ પટેલ
રાજસત્તામાં ભાગ લેવાની વૃત્તિની સાથોસાથ નિસર્ગના વિકાસક્રમમાં સમજપૂર્વક સામે ચાલીને ભાગ લેવાની વૃત્તિ વિષેની વિચારણા જરૂરી છે. એકહથ્થુ સત્તા કેવળ રાજાશાહીનો ઈજારો હતો તેમ માનીને ચાલવું યથાર્થ નહિ થાય. મનુષ્યના સ્વભાવને મર્યાદાઓ રહેલી છે.
"વધારેમાં વધારે મેળવવું, ઓછામાં ઓછી મહેનતે મેળવવું, મેળવેલું છોડવું નહિ, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઈરાદા સાથે તેને પકડી રાખવું."
આવી સ્વભાવમર્યાદાને કારણે સામંતશાહી સર્જાઈ અને આજે લોકશાહીના ઓઠા હેઠળ ટોળાશાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્વરાજના સમપ્રમાણ દર્શન માટે જરૂરી છે કે આ વિકૃતિઓને ખાળવાનો આપણે પુરુષાર્થ કરીએ. ગણતંત્રની વ્યવસ્થાનો એક પાયો છે, "સત્તાને વહેંચીને ભોગવો."
જેમ એકાંગી રાજનીતિનો પ્રશ્ન વિચારણા માંગે છે તેમ એકાંગી લોકનીતિનો પ્રશ્ન પણ વિચારણા માંગી લે છે. આપણી પ્રજાએ જો ગતિશીલતા સાચવવી હશે તો આ સેંકડો વર્ષોની ત્રુટીની અસર અને તેનો ઉપાય પણ વિચાર્યા સિવાય છૂટકો નથી. રાજકીય ક્ષેત્રે વ્યાપેલ અપરિપક્વતા, સામાજિક ક્ષેત્રે સંકરતા અને આર્થિક ક્ષેત્રે આજે જે સ્વાર્થવૃત્તિ દેશમાં જોવામાં આવે છે - જે ભયંકર વિકૃતિનું પરિણામ છે.
આ વિચારધારાને ધ્યાનમાં રાખીને અનુભવેલ અને અવલોકેલ અનુભવોની હારમાળા પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
: અનુક્રમણિકા :
એક્સક્લુઝિવ ઓનેસ્ટ મોમેન્ટ્સ
ફૌજી : યુથ અને યુદ્ધ
હોસ્પિટલ @શાસ્ત્રીનગર
ગુજરાત મેલ – ૧૨૯૦૨ અપ
*એક્સક્લુઝિવ ઓનેસ્ટ મોમેન્ટ્સ*
(ટ્રેનના ઉપરના બેંચ પરથી કંપાર્ટમેન્ટમાં નીચે થોડી જગ્યામાં રમી રહેલ એક બાળક અને આજુબાજુના લોકોને જોઇને લખાયેલ લખાણ)
આ બાળક કંઇક વિચારતું હતું.
શું વિચારતું હશે? પોતાના સપનાઓ વિષે? ના. હજુ તેનામાં એ સ્વાર્થરૂપી સપનાઓ જોવાની તાકાત કે બુદ્ધિ નથી. ટ્રેઈનની વિન્ડોની કિનારીએ પોતાની દાઢી ડગડગ રાખીને ટગર-ટગર બહાર જોઈ રહ્યું છે. કોઈ સુપરફાસ્ટ ટ્રેઈન ઝડપથી સટ્ટાક નીકળી જાય ત્યારે તાળી પાડતું હતું. તેની મમ્મી થોડી-થોડી વારે એ ચાદરને ઓઢાડ્યા કરતી હતી. પોતાના ખોળામાં બેસાડતી. વળી, ખોળામાંથી ઉતરીને બારી પાસે જતો રહે અને બહાર જોયા કરે. ક્યારેક ઊંઘ આવે તો મમ્મીના ખોળામાં માથું નાખીને સુઈ જાય. ઉઠીને ફરી પપ્પા સાથે રમત કરે.
પપ્પા ગલગલિયા કરીને પૂછે, “કોનો ડાહ્યો ડાહ્યો દીકરો? બોલો બોલો. મમ્મી નો કે પપ્પા નો?
“અહ..હા...હા...મમ્મીનો.”
અને મમ્મી વ્હાલથી ફરી ખોળામાં લઈને રમાડવા લાગે. પોતાની બાજુમાં સુવડાવીને તેના શરીરનું અંગ ચાદરથી ઢંકાયા વિનાનું ન રહે તેનું ધ્યાન રાખે. મમ્મી ત્યારે માથામાં હાથ ફેરવીને સુવડાવે. પપ્પાના ખોળામાં પગ રહે અને મમ્મીના ખોળામાં માથું રહે તેમ એ બાળક સુઈ જાય.
એટલામાં જ કોઈ માર્કેટિંગનો ‘માણહ’ ટ્રેઈનમાં ચડ્યો. લોખંડની પાઈપ પર હૂકથી પોતાનો થેલો ભરાવીને એક બોક્સ ખોલ્યું. તેમાંથી એક ચેઈન કાઢીને એ લોખંડની પાઈપ પાસે એ ચેઈન ઘસવા લાગ્યો.
“સોના-ચાંદીના ભાવો આસમાને ચડયા છે ભૈઇ,
પેટ્રોલ-ડીઝલને ન પહોંચાય ભૈઇ,
તેમાં કેમ કરીને પોસાય ભૈઇ....!
૨ મિનીટ સાંભળો. એ ભાઈ, ઓ બૂન. જરા આ બાજુ જુઓ.
વડોદરાની અમારી કંપની લઈને આવી છે, ચેઈન.
સાદી ચેઈન લેવા જશો તો ૫૦-૬૦-૭૦ રૂપિયાની મળશે ભૈઇ,
અમે આપીએ છીએ માત્ર ૧૦ રૂપિયામાં...!
સ્પેશિયલ ઓફરમાં તમને મળશે એક ડાઈમંડ લગાવેલ વીંટી, ૧ ચેઈન સાથે ૧ ચેઈન ફ્રી.
૧૦ રૂપિયામાં આખો સેટ મળશે ભૈઇ,
ખાસિયત છે મજાની આની,
જો પડી જાય પાણીમાં કે ઘસાઈ જાય લોખંડ સાથે,
રંગ જાય તો આવતી કાલે જ પૈસા પાછા.
માત્ર ૧૦ રૂપિયામાં ભૈઇ.
બોલો સાહેબ, લઇ લો. બોલો બહેન, લઇ લો.
સોને સે કમ નહિ,
ખો જાયે તો ગમ નહિ.”
એ ભાઈ અમારા એક કમ્પાર્ટમેન્ટમાં જ ૧૭ સેટ વહેચી અને વેચી ગયો. માત્ર ૧૦ મિનીટમાં ૧૭૦ રૂપિયાનો રોકડો ધંધો. એ પણ રાત્રે ૧૦ વાગ્યે. એ બાળક જે પોતાના મમ્મી-પપ્પાના ખોળામાં સુતું હતું, એ ઉભું થયું. તાળીઓ પાડવા લાગ્યું. જીદ કરવા લાગ્યું. ચેઈન જોઈ. ડાઈમંડની વીંટી જોઈ. હાથમાં આમ-તેમ ફેરવીને જોઈ રહ્યો. બધી આંગળીઓમાં ટ્રાય કરી. છેવટે અંગૂઠામાં વીંટી પહેરીને ફરી સુઈ ગયું. મમ્મીના ખોળામાં સૂતા-સૂતા ઉપર જોઈને હસી રહ્યું હતું. જાણે, મને વીંટી બનાવતું હતું. અચાનક હસવું આવી ગયું. ખબર હતી કે, પપ્પા-મમ્મી વીંટીનું ચૂકવણું કરવાના જ છે.
અદભુત હોય છે, આ નિ:સ્વાર્થ બાળકો. ટ્રેઈનના જનરલ ડબ્બામાં આટ-આટલા અવાજ વચ્ચે પોતાના હિસ્સાની મોજ લૂંટી લે છે.
*ફૌજી : યુથ અને યુદ્ધ !*
“અરે, જરા દસના કેળા કરી આપજો ને ! શું ભાવ ચાલે છે ?”
“દસના ત્રણ !”
“આટલો ભાવ હોતો હશે કાકા ? તમે તો યાર ભારે મોંઘુ કરી મુક્યું છે.”
હજુ કંઈ જવાબ મળે તે પહેલા કેળાની રેંકડી પાસે ઉભેલ કૉલેજીયન જુવાનનો અન્ય મિત્ર આવ્યો.
“શું ભાવે આપ્યા કેળા ? મારે પણ લેવાના છે.”
“દસના ત્રણ ! દસના ત્રણ !” પેલો મિત્ર અને રેંકડી લઈને ઉભેલા કાકા, બંનેએ જવાબ આપ્યો.
“ના પોસાય, ના પોસાય. ચાલ ને, અહી રિલાયન્સ ફ્રેશમાંથી જ લઇ લઈએ. થોડું સસ્તું તો મળશે જ ! મારે એમ પણ ઘરવખરીનો બીજો સામાન પણ લેવાનો છે.”
“સારું ચાલ, જઈ આવીએ. કાર્ડ લઈને આવ્યો છે કે કેશ થ્રુ પેમેન્ટ કરીશું ?”
આ બધી વાતો ચાલી રહી હતી અને પેલા લારી પર એક પગ ચઢાવીને ઉભેલા ભાઈ આ બંનેની વાત સાંભળી રહ્યા હતા. તેમના હાથમાં છરી હતી. તેમણે એવું હતું કે, બંનેમાંથી કોઈ એક તો ઓર્ડર આપશે જ ને ! શર્ટના ત્રણેક બટન ખુલ્લા હતા. પેન્ટને ચેઈન નહોતી અને ચોમાસાના ડટ્ટી વિનાનાં કાળા ચપ્પલ પહેર્યા હતા. હવે રેંકડીમાં સાત-આઠેક લૂમ પડી હતી. લારીની નીચે બાંધેલી એક ઝોળીમાં પાણીનું કેન અને ફાટેલો થેલો હતો. આગળના બંને ટાયર પંક્ચર હતા અને તેની આગળ ઈંટની આડશ મૂકવામાં આવેલી હતી. ચહેરા પર દિવસનો થાક સ્પષ્ટ જણાતો હતો. ચિકાશયુક્ત ચહેરો અને પરસેવો ગરીબીમાં પસાર થતાં જીવનની સાબિતી આપતા હતા.
આ બંને જુવાનિયાઓની વાત સાંભળીને તેના ખિસ્સામાં દિવસના અંતે થવા જઈ રહેલા અમુક વકરાની લાલચ છીનવાઈ ગઈ.
ત્યાં જ પછીથી આવેલા મિત્ર એ પૂછ્યું, “તે શા માટે ધક્કો ખાધો ? મને ફોન કરીને કહી દીધું હોતે તો હું રૂમ પર સમાન લેતો આવતે ને !”
“અરે ના, રૂમ પર ‘બ્લેક’નું પેકેટ લઇ જવાનું છે. વળી, મને મગજમાં ન આવ્યું કે તું નીચે આવ્યો છે !”
આ બંને કૉલેજીયન મિત્રોએ ટી-શર્ટ અને બરમુડા પહેર્યા હતા. હાથમાં મિનિમમ ૧૦-૧૫ હજાર આસપાસની કિંમતના મોબાઈલ ફોન હતા. બંને રિલાયન્સના તાજેતરમાં નવા લોન્ચ થયેલા કાર્ડના રિવ્યુ વિશેની વાતો કરી રહ્યા હતા. અંતે, રિલાયન્સ ફ્રેશમાંથી કેળા અને અન્ય સમાન લઈને ફરી એ જ રેંકડી પાસે આવ્યા. રેંકડીની પાછળના પણ પાર્લર પાસે ઉભા રહીને શોખથી સિગારેટ ફૂંકી.
“સાંજે જમ્યા પછી ફૂંકવાની ટેવ પડી ગઈ છે.”
બીજો ફૂંકતા-ફૂંકતા બોલ્યો, “આ ટેવ બહુ સારી નહિ. ક્યારેક બરાબર છે. પણ, રોજની ટેવ ખોટી !”
ત્યારબાદ, બંને રેંકડી પાસેથી પસાર થયા ત્યારે અચાનક ભારત-પાકિસ્તાન યુદ્ધની વાત ચાલુ થઇ.
“શું લાગે છે ? થશે કે કેમ ?”
“આ મુસ્લાઓએ તો હેરાન કરી નાખ્યા છે. બધી દાઢીને ભડાકે જ દેવી જોઈએ.”
“એ બધું છોડ. નોકરીનું કરવું પડશે કંઇક, બાકી બિસ્તરાં-પોટલાં કરીને ઘરે જવું પડશે. આ રિલાયન્સ ફ્રેશમાં રોજ વેકેન્સી પડતી લાગે છે નહિ ? બોર્ડ લગાવેલું જ હોય !”
એક ઓફિસર જેવો દેખાતો એક ઉંમરલાયક વ્યક્તિ, જે રેંકડીની બાજુમાં બેઠો હતો તે ઉભો થયો.
“મૂર્ખ ! તને દસ રૂપિયાના ત્રણ કેળા લેવામાં તકલીફ પડતી હતી. તને સિગરેટ ફૂંકવામાં મજા આવી અને ખાસ્સી સસ્તી પણ લાગી. તારી જેવા જ છોકરાઓ વોટ્સએપ પર દેશભક્તિના મેસેજ ફોરવર્ડ કરીને દેશને ગુમરાહ કર્યા કરે છે. પહેલા તારું આઈ.ક્યૂ લેવલ ચેક કર અને પછી યુદ્ધની વાતો કરજે. વિચારવા માટે ઘણા બીજા મુદ્દાઓ છે, એ વિચાર. તારા જેવા લાખો છોકરાઓ મેટ્રો સિટીઝમાં નોકરી-ધંધાના બહાને ઘરે પોતાના પેરેન્ટ્સને ઉલ્લુ બનાવીને બેરોજગારીની સ્થિતિમાં રખડે છે. તમે તમારા કુટુંબને વફાદાર ન રહી શકો તો દેશને વફાદાર તો શું રહેશો ? હું મુસ્લિમ છું, પરંતુ મને યુદ્ધના બહાને ઝેર ઓકાય તે મંજૂર નથી. સન ’૯૯ની એક રેજીમેન્ટમાં હું ફરજદાર તરીકે હતો. સોશિયલ મિડિયામાં પત્રો લખીને કે પ્રશ્નો પૂછીને ગુસ્સો ઠાલવવો એ સહેલું છે, સરહદ પર જા ત્યારે સમજાશે.
જો તારામાં શક્તિ હોય તો એ પણ વિચાર ! જો એક કંપની ફેબ્રિકસ, ઓઈલ અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે પહેલેથી જ સર્વેસર્વા હોય તો તેને કરિયાણું, ઘરવખરીની વસ્તુઓ વેચાય ખરા ? તું જે આજે બેરોજગાર રખડી રહ્યો છે તેનું મૂળ આવી જ કંપનીઓ છે. છતાં, તું એકસાથે ઢગલાબંધ ચીજવસ્તુઓ ત્યાંથી જ ખરીદી રહ્યો છે. હવે તારી પાસે એક જ રસ્તો છે, એ જ રિલાયન્સ મોલમાં શાકભાજી અને કેળા વેચવાવાળો બની જા ! ત્યાં રોજ વેકેન્સી પડે છે અને તારા જેવા ડિગ્રીધારી ડોબાઓને આ રેંકડીની પડતર કિંમતે નોકરીએ રાખે છે. AC વાળા મોલમાં ઉભા રાખીને તમારી બેઈજ્જતી થાય છે. યુદ્ધને પડતું મૂક અને તારા જીવતરને લગતું કંઇક કર.”
(અંકુર ચાર રસ્તા, GSC બેંક @નારણપુરા.)
*હોસ્પિટલ @શાસ્ત્રીનગર*
સવારના દસેક વાગ્યે ‘હોસ્પિટલ રિસેપ્શન કાઉન્ટર’ પર કૉલ આવવાના શરુ થયા. જેમને સારવાર લેવાની છે અથવા રિ-ચેકઅપ માટે બોલાવ્યા છે તેવા પેશન્ટ્સ આવવા લાગ્યા. તેમના હાથમાં રહેલી થેલીની અંદરની કન્સલ્ટ ફાઈલમાં ડૉકટર સાહેબનો સમય ‘સવારના ૧૦:૦૦ થી બપોરના ૧:૩૦ સુધી’ લખેલો છે. ‘વેઈટિંગ એરિયા’માં બેસવાની સૂચના મળે છે. લગભગ સાડા દસ વાગ્યા આસપાસ અન્ય કન્સલ્ટિંગ / જનરલ પ્રેકટીશનર ડૉકટર્સ આવવાની શરૂઆત થાય છે. મેઈન સર્જન / સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અગિયાર વાગ્યે પહોંચે છે.
પોતાની કેબિનમાં જઈને AC, વિડીયોકેમ અને અન્ય ઉપકરણો શરુ કરે છે. તેની બાજુમાં એક ટ્રેઈની / ઇન્ટર્નશીપ કરતી કૉલેજ રનિંગ / પાસઆઉટ ગર્લ ડૉકટરની ગતિવિધિઓ જોઇને ભવિષ્યમાં તબીબી કેમ કરવી તે જોવા ઉભી રહે છે. એડમિટ કરેલ પેશન્ટ્સના બેડ પાસે જઈને તેમનું ડેઈલી એનાલિસિસ થાય છે. બહાર બેઠેલ પેશન્ટ્સ એકબીજા સાથે વાતો કરવાનું શરુ કરે છે. હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ TV સિરિયલો જોયા કરતી હોય ત્યારે તેમને ‘ડોક્ટર સાહેબ ક્યારે આવશે ?’ એ પ્રશ્નના જવાબમાં હંમેશા એક્સક્યુઝ તરીકે ‘હમણાં આવશે, બેસો.’ મળે છે. OPD માટે રાહ જોઈ રહેલા પેશન્ટનો લગભગ ૧૨ વાગ્યે ટર્ન આવે છે. તેમાં વળી અન્ય કોઈ ડોકટર દ્વારા સજેસ્ટેડ પેશન્ટ્સને પહેલા ચાન્સ મળે છે. તેઓને માટે ‘ફ્રી ટ્રીટમેન્ટ’ હોય છે. સામાન્ય પેશન્ટ્સ માત્ર ડૉકટરનો ચહેરો જોવા માટે અમુક પ્રકારની ટોકન અમાઉન્ટ ભરીને લગભગ બે કલાક રાહ જુએ છે. અચાનક ‘રિસેપ્શન કાઉન્ટર’ પરની LED એક નંબર રિફલેકટ કરે છે.
“ટોકન નંબર વન-થ્રી.”
હાંફળો-ફાંફળો પેશન્ટ રિસેપ્શનિસ્ટ પાસે જાય છે.
“મારો નંબર આવી ગયો. જાઉં ?”
સિરિયલ જોવામાં મશગુલ બનેલી એ યુવતી બે વખત બોલ્યા પછી જોયા વિના જવાબ આપે છે. માત્ર પાંચ મિનિટમાં તે પેશન્ટ ડૉકટરની કેબિન બહાર નીકળે છે. તેને સીધો જ હોસ્પિટલ અફિલિએટેડ લેબોરેટરી અને મેડિકલનો રસ્તો તે જ ‘સિરિયલ-ભૂખી’ રિસેપ્શનિસ્ટ દ્વારા બતાવી દેવામાં આવે છે. અગિયાર વાગ્યે આવેલો વ્યક્તિ એ રાહે બેઠો હોય છે કે મિનિમમ તેનો નંબર ૧:૩૦ વાગ્યા પહેલા નિશ્ચિંતપણે આવી જ જશે. દરેક સરકારી ઓફિસોમાં જેમ દર વખતે છેલ્લે અમુક વ્યક્તિઓ લંચ પહેલા બાકી રહી જ જાય છે, તે જ પરિસ્થિતિ હોસ્પિટલ્સમાં હોય છે.
***
વાર્તા અહી શરુ થાય છે.
“ક્યારે ટર્ન આવશે ?”
“હવે સાહેબનો જવાનો સમય થયો. હવે તેઓ સાંજે પાંચ વાગ્યે આવશે. ટોકન તમારી પાસે રાખો. એ પ્રમાણે પાંચ વાગ્યે આવી જાઓ.” રિસેપ્શનિસ્ટ પોતાનું ટિફિન કાઢતાં બોલી.
“ઠીક છે.”
ડૉકટર સાહેબ મારતે ઘોડે દોઢ વાગ્યે પોતાની કારની ચાવી લઈને કેબિનમાંથી બહાર આવે છે.
“સાહેબ, મેં સવારે સાડા નવ વાગ્યે અપોઈન્ટમેન્ટ લીધી હતી. મને સવારે સાડા અગિયાર વાગ્યે અપોઈન્ટમેન્ટ મળી હતી. પેશન્ટ ગઈકાલ રાતનું તકલીફમાં છે. તમારે જલ્દીથી સારવાર કરવી પડશે.”
“સાંજે આવી જાઓ ને, પાંચ વાગ્યે ! જોઈ લઈશું ત્યારે ! ત્યાં સુધી અમુક પેઈન રિલીફ મેડિસીન્સ લઇ લો.” વાત નકારીને ડૉકટર સાહેબ આગળ ચાલ્યા.
“જુઓ સાહેબ, એવું ન ચાલે. અહી સવારના દસ વાગ્યાના ‘વેઈટિંગ એરિયા’માં બહુ શિષ્ટાચાર સાથે બેઠા છીએ. પેશન્ટને પણ એ વિશ્વાસ અપાવ્યો છે કે, હમણાં જ વારો આવી જશે. જો તમારે પાંચ વાગ્યે જ સારવાર કરવાની હતી તો પછી સવારના અગિયાર વાગ્યાની અપોઈન્ટમેન્ટ કેમ આપો છો ? હું દરરોજના અમુક રૂપિયાનો પગારદાર માણસ છું. મારી સાથે જે વ્યક્તિ છે, તે છેલ્લા બે દિવસથી ઘરે છે. કામ અમારું બંનેનું અટક્યું છે. બાર વાગ્યે સારવાર લઈને સીધો કંપની પર કામ કરીને અડધા દિવસના પગારની આશા સાથે અહી આવ્યો છું. તમે અમારા બંનેનો ‘સમય વ્યસ્તતા’નો ચાર્જ આપો અને ફાઈલ ચાર્જ કેન્સલ કરો. ત્યારબાદ અમે પાંચ વાગ્યે ફરી આવીશું. લોકો તબીબની નાડપારખું આવડત જોઇને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી કરતા હોય છે. જેને લીધે અમે પણ અહી આવ્યા છીએ.”
“અરે યાર, બહુ સમયે આવું શાંતિથી બોલીને અંદર ઘુસણખોરી કરી જનાર વ્યક્તિ જોયો. આવો, અંદર ! જોઈ લઈએ દર્દીને !”
મારો મિત્ર અને હું કેબિનમાં અંદર ગયા. ડૉકટર સાથે અમુક જનરલ વાતો થઇ.
“સત્યાગ્રહ માટેની તારી વાત મને ગમી. વ્યક્તિ સિદ્ધાંતનિષ્ઠ હોવા છતાં ઘણીવાર તેનાથી કર્તવ્યચૂક થતી હોય છે. તેને પોતાનું કર્તવ્ય યાદ અપાવવા માટે આવો નાનો ઇન્સિડેન્ટ ઈનફ છે, જેમ કે હું ! સમાજમાં મોટો વર્ગ એવો છે કે, કર્તવ્યચૂક છે. તેમને પોતાનું કર્તવ્ય યાદ અપાવવા માટે માત્ર આવ્યા યુવાનોની અને નાના અમસ્તા શાંતિપૂર્ણ વિરોધની જ જરૂર છે. ગાંધીચીંધ્યો માર્ગ ‘આઉટડેટેડ’ છે કે નહિ એ પ્રશ્ન જ ન હોવો જોઈએ. આવજે દોસ્ત, મળીશું.”
(લાઈવ આલેખન: ૯ ઓગસ્ટ, ૨૦૧૬. સાંજના સાત વાગ્યે)
*ગુજરાત મેલ – ૧૨૯૦૨ અપ*
(ગુજરાત મેલ – ૧૨૯૦૨ અપ, એક્સક્લુઝિવ રિપોર્ટ)
નડિયાદ રેલ્વે સ્ટેશનથી રાત્રે ૧૧:૦૦ વાગ્યે સુરત જવા માટે ગુજરાત મેલમાં બેઠો. ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટમાં સહેજ જગ્યા મળી. સામેની સીટમાં પાંચેક મુસાફરો બેઠા હતા. ફાતિમા નામની મહિલા પોતાના બે જોડિયા બાળકોને શાંત કરાવી રહી હતી. તેનો પતિ ઈકબાલ ફાતિમાની મદદ કરી રહ્યો હતો. ઈકબાલ અને તેની પત્ની ફાતિમા મુંબઈ જઈ રહ્યા હતા.
મારી સાથે નડિયાદથી અન્ય યુગલ પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યું. દેખાવે તે યુગલમાંની સ્ત્રી થોડી ખોંચરી આઈટેમ હોય તેવું જણાયું. ગમે તે રીતે તેણે જગ્યા પડાવી લીધી. ફાતિમા અચાનક ધીરે-ધીરે રડવા લાગી. બંને બાળકો સતત રડ્યે જતા હતા.
“ઈકબાલ, છોકરાઓ બહુ રડે છે. શું કરું ?”
“તેમને સૂવડાવવા માટે પણ અહી જગ્યા નથી. કઈ રીતે શાંત કરીશું ?”
મારી સાથે નડિયાદથી ચડેલ યુગલમાંની તે સ્ત્રીએ ફાતિમા જોડે જગ્યા બાબતે અને સામાન મૂકવા બાબતે ઝઘડો કર્યો. તેનાથી ફાતિમા વધુ વ્યથિત થઇ. વાત-વાતમાં સંભળાયું કે, ઈકબાલના પિતાજીની અચાનક તબિયત બગડવાને લીધે તેઓ મુંબઈ જઈ રહ્યા છે. પોષાક પરથી તેઓ સમૃદ્ધ પરિવારના અને બહુ નેકદિલ જણાઈ રહ્યા હતા. ઈકબાલ બંને બાળકોને શાંત પાડવા માટે જનરલ ડબ્બાના દરવાજા પાસે લઇ ગયો. થોડો ઠંડો પવન આવે અને બાળકો શાંત થઈને સૂઈ જાય તેવા વિચારે ફાતિમા પણ તેવું કરવા રાજી થઇ.
હું પણ ડબ્બાના દરવાજા પાસે જ ઉભો હતો. ઈકબાલ પરિસ્થિતિ હળવી કરીને દુઃખ વહેંચવા માંગતો હોય તેમ તેણે મારી સાથે વાત કરવાનું શરુ કર્યું.
હજુ નિકાહને બે-અઢી વર્ષ જેવું જ થયું હતું. ઉપરાંત, બાળકોને રડતાં જોઇને ફાતિમા પણ રડવા માંડે છે, તેવું તેણે શેર કર્યું. ઉપરાંત, તેમના લવ-મેરેજ હતા એટલે તેઓ મુંબઈથી શિફ્ટ થઈને અમદાવાદ રહેવા આવ્યા હતા. છતાં, અબ્બાની શારિરિક નાદુરસ્તીને લીધે તેઓ બાળકોને લઈને પહેલી જ વાર મુંબઈ જઈ રહ્યા હતા. કદાચ, મુદ્દલનું વ્યાજ જોઇને હૃદય પીગળી જાય. ફાતિમાને પણ તેમના અબ્બા-અમ્મી પ્રત્યે માન હતું.
એટલી વારમાં જ, મારી સાથે નડિયાદથી ચડેલ એ યુગલમાંની સ્ત્રી ઉભી થઈ. પોતાના થેલામાંથી બાંધણી કાઢી અને ફાતિમાને આપી.
“લ્યો બૂન ! આંય ઉપેરના ઈ-સ્ટીલના હરિયા હાર્યે બાંધી દ્યો. બે આંટી મારશો તો બેય બાળ્ક્યોને ઘોડિયા જેવું થી ઝાહેં. પછી, ઠેઠ લગણ હેરાન નૈઇ કરે.”
ફાતિમાએ કમ્પાર્ટમેન્ટમાં ઉપરના બેંચના સ્ટીલ રેક સાથે બાંધણી બાંધી. બંને છોકરાઓને સૂવડાવ્યા.
મહત્વની વાત એ હતી કે, જે સ્ત્રી સાથે ઝઘડો કરેલો તેને જ પોતાના બેગમાંથી બાંધણી આપી. ઉપરાંત, બાળકોને પવન ન લાગે તે માટે ચાદર જેવું જાડું મખમલનું કાપડ પણ આપ્યું.
ફાતિમાની આંખોમાં એક પ્રશ્ન હતો. જે એ સ્ત્રી જાણી ગઈ.
તે સ્ત્રીએ હાથ પકડીને કહ્યું, “માફ કરજો, બૂન ! મારે હમણાં જ મિસ-કેરિજ થી ગ્યું છ. એટલે થોડું મગજ ગરમ રે છે. એમાંય બાળકો ભાળું એટલે મને ઉપેરવાળા પર ગુસ્સો ચડે છે.” તે સ્ત્રીથી વધુ ન બોલાયું અને ચૂપ થઇ ગઈ. ફાતિમાનું ‘થેંક યુ’ તેણે મનોમન સ્વીકારી લીધું.
સુરત સ્ટેશન ઉતરતી વખતે, તે બાંધણીની ઝોળીમાં સૂતેલા બાળકનો ફોટો પડવાનું મન થયું. અને, ફાતિમા તેમજ ઈકબાલની પરવાનગી લઈને મેં એ ફોટો ક્લિક કર્યો.
(૮ ઓક્ટોબર, ૨૦૧૬ - રાતના ૨:૩૦ વાગ્યે, સુરત રેલ્વે સ્ટેશન પર)