અદભૂતતાનો એ અનુભવ Akash Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદભૂતતાનો એ અનુભવ

અદભૂતતાનો એ અનુભવ – સોમનાથ

-આકાશ પારેખ

ભારતના પશ્ચિમે તેમજ ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણે અરબસાગરના કિનારે આવેલુ બાર જ્યોર્તિલિંગોમાનું એક એટલે સોમનાથ. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઇને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઇરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારોએ પ્રયત્ન કરેલો છે ત્યારે તેમની સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યુ છે અને જ્યારે જ્યારે તેનો વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરી બાંધવામાં આવ્યું છે. ભારતના જ ઇતિહાસ જેવો ઇતિહાસ સોમનાથનું આ મંદિર ધરાવે છે. સ્થપના, વિકાસ, આક્રમણ, વિધ્વંસ, જીર્ણોદ્ધાર ની આ પરમ્પરાને દેશ - વિદેશી, ધર્મ - ધર્માન્ધ પરિબળોએ જાળવી રાખી અને ત્યારબાદ આધુનિક ભારતમાં આધુનિક સોમનાથનું નિર્માણ થયેલ છે. પ્રભાસ પાટણના નામે ઓળખાતો આ પ્રદેશ હવે સોમનાથ તરીકે પર્યટકોને એક દરિયાકિનારાના પ્રવાસન સ્થળ તરીકે અને ભક્તો એક પાવન નગરી તરીકે મુલાકાત લે છે.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ.૬૪૯ની સાલમાં વલભી ના રાજા પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ઇ.સ. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે મંદિર પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. ત્યારબાદ ઇ.સ.૮૧૫ માં ગુર્જરપ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ત્રીજી વખત રેતિયા પથ્થર વાપરીને મંદિરનું નિર્માણ કર્યું.

ઇ.સ. ૧૦૨૬ જ્યારે ગુજરાત ગુર્જરપ્રદેશ તરીકે જાણીતો હતો અને તેનું પાટનગર વનરાજસિંહ ચાવડાએ સ્થાપેલ અણહિલપુરપત્તન હતું કે જે અત્યારે પાટણ તરીકે જાણીતું છે તે વખતે ગુજરાતના સુવર્ણકાળના વંશજ એવા ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર થયેલ હતો. એ જીર્ણોદ્ધાર પાછળનું કારણ સોમનાથની ભવ્યતા અને ભીમદેવની પ્રેમ વ્યાકુળતા તેમજ રાજધર્મ નિભાવવાની નિષ્ફળતા તેમજ મહંમદ ગઝનીની ભારત લૂંટી લેવાની લાલસા.

પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરમાં થયેલા નૃત્યોત્સવ દરમ્યાન મુખ્ય નર્તકીની પુત્રીના પહેલ વહેલા નૃત્ય જોતાં ભીમદેવ તેના પર મોહી પડ્યાં. એ વખતે ભીમદેવના જાસૂસે સમાચાર આપેલ કે મહંમદ ગઝની પાટણ લૂટીને હવે સોમનાથ લૂંટવા આવે છે. સોમનાથના મુખ્ય પૂજારી જે રાજાની બાજુમાં બેઠેલ વાત સાંભળતા જ રાજાને કંઇ જ ન કરવા અને ભગવાન ભોળાનાથ બધું સંભાળી લેશે. ભીમદેવે તો પણ સેનાપતિને મહંમદ ગઝનીને રોકવા મોકલ્યા અને પોતે નૃત્યોત્સવમાં ધ્યાન આપવાનું પસંદ કર્યુ. આ તરફ ગઝનીને રસ્તામાં સેનાપતિ મળતા તેને સોમનાથનો માર્ગ પુછ્યો. પૂજારીની સાંભળેલી વાત કે ભોળાનાથ સંભાળી લેશે એ મનમાં રહી જતાં તેણે સાચો માર્ગ બતાવતા રોકવાનો કોઇ પ્રયત્ન ન કર્યો. આ તરફ આ વાતથી અંજાણ ભીમદેવે બીજો કોઇ બચાવ કરવા પગલાં નહોતાં ભર્યા. મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો ખજાનો, મુખ્ય લિંગ (કે જે હાલ ભોયરામાં છે) તોડી પડાયું, પૂજારીઓ અને યાત્રાળુમઓની કત્લેઆમ જોઇ ભીમદેવ બેભાન થઇ ગયેલાં. તેમનાં પર લાગેલું આ સૌથી મોટું કલંક હતું. બાદમાં નર્તકી-પુત્રી સાથે પાટણમાં લગ્ન કરેલાં. બચપણથી જ શિવને સર્વસ્વ માનતી પત્નીની માનસિક સ્થિતિ સોમનાથના વિધ્વંસ બાદ બગડતાં અને પોતાના પરનું કલંક દૂર કરવા ભીમદેવે ઇ.સ.૧૦૨૬માં પ્રથમ વખત સોમનાથનું પુન: નિર્માણ કરાવ્યું.

તે બાદ પ્રથમ મુસ્લિમવંશ ગુજરાતનો એવા ખિલજીવંશના અલ્લાઉદ્દીન ખિલજીએ ઇ.સ.૧૨૯૯ માં ગુજરાતનો કબજો મેળવતાં કર્યો. તે બાદ ઇ.સ.૧૩૯૪માં ફરી બંધાયેલ. અંતિમ મુસ્લિમ અને મુઘલવંશના ધર્માન્ધ ઔરંગઝેબે પણ ઇ.સ. ૧૭૦૬ સોમનાથને લૂંટેલ તેમજ તોડી પાડેલ છે અને ત્યાં મસ્જિદ બનાવી દીધેલ.

લોખંડી પુરૂષ તથા પહેલા નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી આજનું સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું અને ઔરંગઝેબે બનાવેલ મસ્જિદ તેનાથી થોડી દૂર લઇ જવાઇ છે. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ડૉ. શંકર દયાળ શર્માએ દેશને સમર્પિત કર્યું. જ્યારે ૧૯૫૧માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

મારી પ્રથમ મુલાકાત સોમનાથ મહાદેવ સાથે ૨૦૧૧માં થઇ હતી. તે મુલાકાત એક ઇતિહાસ જાણવાના ઉત્સુક તરીકે, અનેક સવાલના જવાબની આશા રાખતા એક ભક્ત તરીકે અને કુદરતના એ અદભૂત સૌંદર્યને માણતા એક પર્યટક તરીકે ખૂબ જ સફળ રહી. ખરેખર તો કોઇ પણ પ્રવાસની મજા સાથે પ્રવાસમાં આવનાર મિત્રોને કારણે જ આવતી હોય છે પરંતુ ઘણાં સ્થળોએ એવી અનુભૂતિ થતી હોય છે કે નઝરે મિત્રો કરતા વધુ પોતાનુ મન ઝળકે છે. એ બાદ દર વર્ષે મુલાકાત થતી રહી. સૌપ્રથમ સોમનાથ આવતાં જ મોતી, કાચ, છીપલાંની વિવિધ વસ્તુઓના, શિવ અને શાલિંગ્રામના લિંગ, ખાણી-પીણીનાં બજાર પર ઉભા રહ્યા વગર પ્રવાસ શરૂ થતો નથી. તરત જ વીર હમીરસિંહ ગોહિલનું એક હાથે ભાલો અને બીજા હાથે ઘોડાની લગામ પકડેલું શિલ્પ નજરે ચઢે છે. કે જાણે આખું એમનું બાવલું સોમનાથના પ્રાંગણનો રસ્તો બતાવતા હોય. મોબાઇલ અને પગરખાં જમા કરાવી, હોમગાર્ડસ અને પોલીસને આંતરતા, સોમનાથની વીસીડી વેચતાં પેલા નાના ભુલકાઓની સામે મલકાતા, બીલિપત્રો અને પુષ્પો વેચતા ફેરીયાઓને ટાળતા અને આરતીનાં સમયને ધ્યાન રાખતા સૌપ્રથમ ચેકીંગ થયા ન થયા જોઇને પ્રાંગણમાં દાખલ થયાં.

હા, ચામડાનું પાકીટ લઇ જવાની છૂટ જાણી ભગવાન પણ જાણે પૈસા ખાવાં માંગતાં હશે નો વિચાર આવ્યા વગર રહ્યો નહીં. પહેલેથી જ ભગવાનને માનતા પણ તેના માધ્યમો(વચેટીયાં)ને અજાણતાં વ્યક્તિત્વ તરીકે ચઢાવો, પૂજા કરાવવી, પ્રસાદ ખરીદવો, બીલિ-ફૂલો-દૂધ ધરાવવું એવા નીતિ-નિયમો વિશે કોઇ તથ્ય સમજાયું નથી. હૈયાંમાં પ્રભુનું પ્રત્યે ભક્તિની લાગણી હોય એટલાથી જ ભગવાન ધરાઇ જતાં હોય છે. આમ પણ, જ્યાં હ્રદયની જરૂર હોય ત્યાં મગજનો ઉપયોગ ટાળવો જોઇએ. તેથી મન શુદ્ધ હોય એ પ્રાથમિકતા છે શરીરની વાત ગૌણ વિષય છે.

પ્રાંગણમાં કબૂતરોને ચણતાં દેખી, કલાપીનો કેકારવની પંક્તિઓ “રે પંખીડા! સુખે થી ચણજો, ગીતવા કાંઇ ગાજો” યાદ આવી. હવે અમદાવાદમાં ચકલી-કબૂતરો જોવા મળતા જ ન હોઇ મનને હરખાવે તેવું દ્રશ્ય ખરેખર આનંદ આપનારું રહ્યું. આગળ સરદાર વલ્લભભાઇ પટેલનું પૂતળું જાણે એમ કેહતું હોય કે આ મંદિર પણ મારી જેમ લોખંડી જ છે. મંદિરના પ્રથમ દ્વાર પર પહેલા જે કામ દ્વારપાળ કરતાં હતાં તે આજે પોલીસ કરે છે. ડાબી બાજુથી છેક મંદિરના પાછળના ભાગ સુધી નાના નાના ધાસના ચોસલાઓ ની વચ્ચેથી મંદિર ફરતે રસ્તાઓ અને ત્યાંથી સમુદ્રતટ જોવા અને બેસવા બાકડાંઓ આવેલા છે. મંદિરનો આકાર અને તેની બાહ્ય દેખાવનું જેટલું શબ્દોથી વર્ણન કરવું તેટલું ઓછું છે. તેવી જ રીતે પદ્મશ્રી પ્રભાશંકર સોમપૂરા કે જે મુખ્ય સ્થપતિ હતાં તેમનું અને તેમના પરિવારનું આ મંદિરના સ્થપત્યો માટે આભાર માનવો ઓછો છે. સમય જતાં જતાં પિલ્લર પરના રંગો નવા સોનેરી રંગથી બદલાઇ ગયેલ છે. પ્રસાદ, દાન અને ભેટ માટેની બોક્ષ ઓફિસો પ્રવેશતા બંને બાજુએ દેખાય છે. મંદિરમાં રહસ્યમય સુગંધ અને સોમનાથના જયનાદ સાથે પ્રવેશતા કંઇક અલગ જ અનુભવ થતો જણાય છે. આરતીના સમયે જાણે ભગવાન પણ ખૂબ બીઝી હોય તેમ દર્શન આપતાં ખચકાટ અનુભવે છે. શાળાએ શનિવારે સવારે કરતાં પીટી પરેડ જેવા દર્શનથી બાકી રહી ગયાની લાગણી સાથે સોમનાથને પીઠ દેખાડી ઉભા રહેલ રક્ષકોની આંખો સેરવી થાંભલા પાછળની જગ્યા મારી પસંદગીની રહેલ છે. એની બાજુમાં જ શરણાઇવાળા ભાઇ આરતી માટે તૈયારી કરતા કરતા મારી હોશિયારીને ચિટીંગ સમજી મરકતા મરકતા શરણાઇમાં હવા ફુંકવા માટેના લાકડાની ભૂંગળી ભરાવે છે. દરવખતની જેમ આજે પણ મારી સામે રક્ષકો અને પૂજારીઓ વચ્ચેની સંતાકુકડીમાં થપ્પો મારો નહી થાય એ વાત તો નક્કી હતી.

શંખનાદ, ધંટનાદ સાથે નગાડા અને શરણાઇનો સૂર મળતાં જ એક અલગ જ અનુભવ થાય છે. આરતીની સાથે ગુગળની સુગંધ અને લોકોની તાલીઓ સમગ્ર મંદિરમાં પ્રસરતી જોવા મળે છે. એક એવો અનુભવ જ્યાં તમે તમારા અંતરાત્માની સાથે રૂબરૂ થતાનો અહેસાસ અને ત્યારે જ શરણાઇ નગાડાની વધતી ઘટતી તરંગોની આવૃત્તિનો સંગમ થાય છે. મંદિરનું વાતાવરણ કંઇક અલગ જ હકારાત્મક પ્રેરણા ઝરતું થઇ જાય છે. મારી ખુદની વાત કરતા એ સમય ખરેખર મારા માટે ગંગા નદીમાં સ્નાન કર્યા કરતા પણ મહત્વનું રહેલ છે. ગંગામાં લોકો ભૂલોના પશ્ચાતાપ કરવા જાય છે પરંતુ અહીંની આરતી કરતા કરતા આંખો સમક્ષ દરેક ભૂલ અને ગુના નજર સમક્ષ દેખાતા હોય અને પ્રત્યેક આંખે ભરાઇ આવતાં અશ્રુઓ જાણે દરેક ભૂલો માટે પડતા હોય તેવો અનુભવ મારી સાત વખતની આરતી વખતે થયેલ છે. આરતી પુર્ણ થયા બાદ જમણી બાજુના દરવાજેથી નિકળતા મન શાંત અને ચિત્તમાં એકાંતનો એહસાસ અનમોલ છે. બહાર નીકળતા જ સામે ભગવાનના જ્યોર્તિલિંગ અને જુદા જુદા અવતારોની પ્રતિકૃતિઓ, પાર્વતી મંદિરના ખંડિત અવશેષો અને નાઇટ શો માટેની બેઠકો વટાવતાં સમુદ્રદર્શન થાય છે. ત્યાંથી ફરતા મંદિરને ચક્કર મારતા ફરી એ અનુભૂતિમાં શાંત રહી બસ સમુદ્રને જોતા રહેવાનો આનંદ વાગોળવો મુશ્કેલ છે. મંદિરની ટોચ પર ધજાને લહેરાતી જોઇ ધન્યતાને પામીને બહાર આવતા ગણપતિ અને હનુમાનજીના દર્શન કરી અને છેલ્લે જતા જતા એક આખરી પાછા ફરીને સોમનાથ તરફ ફરી આવવાનું વચન આપી વિદાય લીધી.

સોમનાથનો દરિયાકિનારો પણ સોમનાથ મંદિરની જેમ અદભૂત છે. ત્યાં પણ ખાણી-પીણી અને કટલરી તેમજ અનેક વસ્તુઓનું બજાર છે. ઘણી ભીડ હોવા છતાં પણ એક અલગ જ નૈસર્ગિક અનુભવ અપાવી શકે તેવો સોમનાથનો દરિયાકિનારો છે. તરવા લાયક તો નહીં પરંતુ પગ પલાળવા લાયક તો છે જ. સોમનાથનો દરિયાકિનારો એક શાંત, ચિંતામુક્ત સમય, ગર્જના કરતા સમુદ્રના મોજા ને કાંઠે આવતા જોવાની આહલાદકતા અર્પે છે. ઘોડેસવારી અને ઊંટસવારી એ અહીંના ખાસ આકર્ષણ છે.

અન્ય જોવાલાયલ સ્થળો પ્રભાસ પાટણની આસપાસમાં:

લક્ષ્મીનારાયણ મંદિર કે જે સોમનાથનાં દરિયાકિનારે આવેલું ભગવાન લક્ષ્મીનારાયણ (ભગવાન વિષ્ણુના અવતાર)નું આધુનિક સ્થાપત્ય છે. આ મંદિર તેના ૧૮ સ્તંભો પર કોતરેલ ભગવાન શ્રીક્રિષ્ણના ગીતોપદેશ માટે પ્રખ્યાત છે. તેની નજીકમાં જ ગીતામંદિર આવેલું છે.

ગીતામંદિર એ ત્રિવેણી ઘાટ પર બંધાયેલ છે જ્યાં ત્રણ નદીઓ સમુદ્રને મળે છે. તે ૭૦ ના દશકમાં બિરલા પરિવાર દ્વારા બંધાયેલ એક સુંદર સ્થાપ્ત્ય છે કે જે શ્રીક્રિષ્ણને સમર્પિત છે.

સુંદર સફેદ આરસપહાણના માળખાવાળી ગૂંચવણભરી દિવાલો પર ગીતાના સ્તોત્રો કોતરવામાં આવેલ છે. મંદિરની અંદર આ શાનદાર સ્થાપત્યની સુંદરતા એવી રીતે કે મુલાકાતીઓ તેમના અવાજ એક પડઘા તરીકે સંભળાય તેવી રીતે બાંધવામાં આવે છે.

પરશુરામ મંદિર પવિત્ર નદીઓના ત્રિવેણીસંગમે કે જ્યાં ભગવાન પરશુરામે તપશ્ચર્યા હાથ ધરી હતી એવી માન્યતા ધરાવતા સ્થળે આવ્યું હોવાનું માનવામાં આવે છે. ભગવાન પરશુરામનું આ દુર્લભ મંદિર એક મનોહર સ્થળ તરીકે મુલાકાતીઓને આનંદ પૂરો પાડે છે. દંતકથા અનુસાર, પરશુરામને રાજા દ્વારા શાપ આપવામાં આવતાં, પોતાની જાતને મુક્ત કરવા માટે એક ગંભીર તપશ્ચર્યાને પસાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે, તે અહીં હતું કે ભગવાન શિવ છેવટે પરશુરામને તેમના શ્રાપ માંથી રાહત આપી.

ત્રિવેણીસંગમએ ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતી ના સંગમ આ બિંદુએ જ્યાં નદીઓ શકિતશાળી અરબી સમુદ્ર મળે છે તે સોમાંચનીય સ્થળ છે. ત્રિવેણી સંગમ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર મોક્ષ તીર્થ માનવામાં આવે છે.લોકો માને છે કે આ પવિત્ર ઘાટ પર નદીમાં શરીર ડુબાડવાથી તેમના જીવનમાં પ્રતિબદ્ધ બધા પાપોની ભાવના સાફ થાય છે. લક્ષ્મીનારાયણ અને ગીતા મંદિર ઘાટના કિનારે સ્થિત થયેલ છે.

શશિભૂષણ મહાદેવ સુંદર સમુદ્ર કિનારા નજીક હાઇવે પર લગભગ ૪ કિમી શહેર દૂર સ્થિત છે. ભીડભંજન ગણપતિ તારણહાર સ્વરૂપે છે અને શિવ સાથે અહીં પૂજા થાય છે.

સૂર્યમંદિર પણ ત્રિવેણી ઘાટ નજીક આવેલું છે અને સૂર્ય ભગવાન માટે સમર્પિત દુનિયામાંના થોડાક મંદિરોમાનું એક છે. અહીં હાથી, સિંહ અને અન્ય વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ મંદિરમાં નિરૂપણ છે. આ હિન્દૂ સાંસ્કૃતિક વારસા અને ધર્મ પ્રશંસા કરવામાં આવે તે માટે સમર્પિત દુર્લભ પવિત્ર સ્થળો પૈકીનું એક છે.

એક રાજા દ્વારા લગભગ 200 વર્ષ પહેલાં બનેલ કામનાથ મહાદેવનું આ મંદિર હવે સોમનાથ પાસે આવેલું સૌથી લોકપ્રિય મંદિરો પૈકીનું એક છે. રાજા માનતા હતા કે મંદિર નજીકના તળાવમાં ડુબાકી મારવાથી કોઈપણ રોગનો ઇલાજ કરી શકાય છે. ખાસ કરીને દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન આ મંદિર સુંદર પ્રકાશથી અજવાળે છે અને સુંદર પ્રસંગ માટે શણગારવામાં આવે છે.

વર્ષ ૧૯૪૯ ના અંતમાં બાબા નારાયણદાસ દ્વારા આ મંદિરની શોધ થઇ હતી. આ ગુફા પાંચ પાંડવ ભાઈઓને માટે સમર્પિત કરવામાં આવી હતી. આ મંદિર સ્થાન એવી જગ્યા એ આવેલ છે કે જ્યાંથી સમગ્ર શહેરમાં એક સાથે જોવા મળે તેમ છે. આ મંદિર ઘોંઘટરહીત હોઇ બદલામાં શાંતિ, એક સંપૂર્ણપણે ઠંડકપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ આપે છે.

મારા માટે તો દર વર્ષની મુલાકાત પ્રભાસ પાટણની એક નવી જ જગ્યા, નવા જ અનુભવો અને કંઇક અનોખા લોકો સાથે મળી પોતાનામાં નવીનતા લાવવા માટેનું સ્થળ બની ચુકેલ છે. ખરેખર તો બસ આરતી વખતે મળતો આત્મસંતોષ જ મુખ્ય આકર્ષણ છે મારે માટે.

તો આપ પણ લ્યો મારા બોલ અને તમારી આંખો થકી.. અદભૂતતાના એ અનુભવની!!!

આકાશ પારેખ.