The Mohmad Rafi books and stories free download online pdf in Gujarati

ધ મહંમદ રફી

ધ મહંમદ રફી: સદીનો શ્રેષ્ઠ અવાજ


24 ડિસેમ્બરે જેમનો જન્મદિવસ આવે છે એ મહંમદ રફીને આ સદીની શરૂઆતમાં, એટલે કે 2001ની 7 જાન્યુઆરીએ હિરોહોન્ડા અને સ્ટાડસ્ટના સંયુક્ત ઉપક્રમે 'બેસ્ટ સિંગર ઓફ ધ મિલેનિયમ' જાહેર કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં બીજા બધા ગાયકોની તુલનાએ 70 ટકા વોટ એકલા રફીની તરફેણમાં પડ્યા હતા. જોકે, રફીનો અવાજ અને લોકપ્રિયતા એવી કોઈ દાખલા-દલિલોની મોહતાજ નથી.

સંગીતકાર રવિએ એક વાર વિવિધ ભારતી પર કહ્યું હતું કે, "એક યુગ હતો કે અમારા બનાવેલા બે ગીતો 'બાબુલ કી દુઆએ લેતી જા' અને 'આજ મેરે યાર કી શાદી હૈ' વિના ભારતમાં લગ્ન પૂરા થતા જ ન હતા." આ બંન્ને ગીતો રફીએ ગાયેલા છે. રફીએ પોતાની સમગ્ર કારકિર્દીમાં માત્ર એક ગીત 'બાબુલ કી દુઆએ લેતી જા' જ ગાયુ હોત તો પણ તેઓ અમર થઈ ગયા હોત. હિન્દુસ્તાનભરના પિતાઓની કન્યાવિદાય વેળાની વેદનાને રફીએ આ ગીતમાં વાચા આપી છે. રવિએ કીધેલા આ બે ગીત સિવાયનું પણ એક ગીત લગ્નોમાં અચૂક વાગતુ, વાગે છે. એ ગીત એટલે 'નયાદૌર'નું 'યે દેશ હૈ વીર જવાનો કા'. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ દસ દેશભક્તિ ગીતોની યાદી બનાવવી હોય તો આ ગીતના સમાવેશ વિના તે યાદી અધુરી ગણાય. રફીએ આ ગીત મડદા બેઠા કરી દે એવા જોશીલા અંદાજમાં ગાયુ છે. જાનમાં આ ગીત વાગવાનું શરૂ થાય એટલે જાનૈયાઓ જાનૈયા મટીને જાણે કે લડવૈયા બની જાય. 'મેદાન મેં અગર હમ ડટ જાયે, મુશ્કિલ હે કી પીછે હટ જાયે...' એ પંક્તિ આવતા સુધીમાં તો નાચવામાં કોઈ આડુ ઉતરે તો એને પણ અડફેટે લઈ લેવામાં આવે. અનેક લગ્નપ્રસંગોમાં તમે દુલ્હનના મંડપમાં આગમન વેળા રફીનું 'બહારો ફૂલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ' વાગતા સાંભળ્યું હશે. આખી એક પેઢી રફીના ગીતો વગાડતા વગાડતા જ પરણી છે.

'ધૂમ મચાલે...' અને 'કાંટા લગા(રિમિક્સ)...' યાદ છે? એક સમયે આ બે ગીતોએ કેવો ઉપાડો લીધો હતો! આ ગીતોને આજે કાળું કૂતરુંય યાદ કરતુ નથી. કેટલી અલ્પજીવી સાબિત થઈ આ ગીતોની લોકપ્રિયતા? એની સામે રફીનું 'શીરડીવાલે સાંઈબાબા' જુઓ. 'અમર અકબર એન્થની'ની રિલિઝને 37 વર્ષ થયા હોવા છતાં આ ગીત જ્યારે પણ સાંભળો ત્યારે કરકરુ ને તાજુ જ લાગે છે ને? મેં તો નોંધ્યુ છે કે ટ્રેનમાં ગાનારાઓ સૌથી વધુ 'શીરડીવાલે સાંઈબાબા...' અને 1964માં આવેલી ફિલ્મ 'દોસ્તી'ના જ ગીતો ગાતા હોય છે. 'જાનેવાલો જરા...', 'રાહી મનવા દુ:ખ કી ચિંતા...', 'મેરા તો જો ભી કરમ હે...' અને 'ચાહુંગા મેં તુજે...' ફિલ્મ સંગીતના ઈતિહાસમાં એક માઈલસ્ટોન છે. રફીએ કુલ મળીને 1930 જેટલી ફિલ્મો માટે ગાયુ છે પણ જો તેમણે માત્ર 'દોસ્તી' માટે જ ગાયુ હોત તો પણ આપણે તેમને ભુલી શકેત ખરા?

સદીના શ્રેષ્ઠત્તમ અવાજના આ સૂરીલા શહેનશાહનો જન્મ 24 ડિસેમ્બર 1924ના રોજ અમૃતસર પાસેના કોટલા સુલ્તાનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ હાજી અલી મહંમદ અને માતાનું નામ અલ્લારખ્ખી. રફીનું પોતાનું બાળપણનું હુલામણુ નામ 'ફીકો' હતું. રફીના ખાનદાનનો મુળ ધંધો લાહોરના નૂર મોહોલ્લામાં હેરકટિંગનો. પરંપરાગત મુસ્લિમ પ્રણાલી મુજબ રફી તેમની કઝીન બશિરા સાથે પરણ્યા. બશિરાનું લાડનું નામ 'માઝી'. જે પછીથી બિલ્કિસ બાનુ તરીકે ઓળખાયા. રફીને સંતાનમાં ચાર પુત્રો અને ત્રણ પુત્રી. ઉસ્તાદખાન અબ્દુલ વહીદખાન ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં અને પંડિત જીવણલાલ ભટ્ટ પાસેથી સંગીતની તાલિમ મેળવનારા રફી કોઈ કારણસર પોતાના સંતાનોને ફિલ્મ લાઈનમાં નહોતા આવવા દેવા માંગતા. બાંદ્રાની સેન્ટ ટેરેઝા સ્કૂલમાં ભણતા પુત્ર શાહિદને એની સ્કૂલમાં સિંગિંગ કોમ્પિટીશનમાં ભાગ લેવો હતો. તેમણે રફી સાહેબને તેમનું ગીત 'આજા તુજકો પુકારે મેરે ગીત...' શીખવવા વિનંતી કરી. રફીએ ચોખ્ખી ના પાડી દીધી. કહ્યું કે, 'યે તેરે બસ કી બાત નહીં હૈ, જાઓ પઢો.' પિતાએ ઘસીને ના પાડી દેતા છંછેડાયેલા શાહિદે રફીને બદલે કિશોર કુમારે ગાયેલુ અનામિકાનું ગીત 'મેરી ભીગી ભીગી સી...' ગાયીને બીજો નંબર મેળવ્યો. પ્રથમ નંબરે આવેલા છોકરાએ રફીનું ગીત ગાયેલુ...!!!

જેમને રફીએ બાળપણમાં ગીત શીખવવાની ના પાડી દીધેલી એ શાહિદ રફી તાજેતરમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હેટ સ્પીચર્સ ઓવૈસી બ્રધર્સની પાર્ટી એઆઈએમઆઈએમની ટીકીટ પરથી લડેલા. શાહિદ રફીએ કદાચ રફી સાહેબના તમામ ગીતો નહીં સાંભળ્યા હોય કાં તો ઔવેસી બ્રધર્સની ભગવાન રામને ગાળો દેતી સ્પીચીસ નહીં સાંભળી હોય. રફી સાહેબના ગીતો જ કોઈપણ માણસમાં બિનસાંપ્રદાયીકતા જગાવવા પૂરતા છે ત્યારે એમનો પોતાનો જ પુત્ર એક હળાહળ કોમવાદી પાર્ટી સાથે કેવી રીતે જોડાઈ શકે? રફી સાહેબ એક ગાયક તરીકે જ નહીં પણ એક માણસ તરીકે પણ ઓલિયા જેવા લાગે. બિનસાંપ્રદાયીકતાની મિશાલ પ્રસ્તુત કરવી હોય તો રફી સાહેબના ગીતોનો એક આખો આલ્બમ બનાવી શકાય. રફી સાહેબે ગાયેલા હિન્દુ ભજનો અને દેશભક્તિ ગીતોનો એક સૂરીલો ઈતિહાસ છે. રફી સાહેબે ગાયેલુ 'મન તડપત હરિદર્શન કો આજ' જેવું હિન્દુ ભક્તિગીત બોલિવુડના શ્રેષ્ઠત્તમ ગીતોમાં સ્થાન પામે છે. ભારત સરકારે રફીના મૃત્યુ બાદ તેમના માનમાં બે દિવસની જાહેર રજા જાહેર કરી હતી. રફી સાહેબને ભારત રત્ન મળે એ માટે કૈંક સંસ્થાઓ પ્રયત્નરત છે. ભારત રત્ન મળે કે ન મળે પણ સંગીતપ્રેમીઓ માટે રફી સાહેબ ઓલરેડી ભારતરત્ન છે. જેમને ભારત રત્ન શું છે એ નથી ખબર એમને પણ ખબર છે કે રફી સાહેબ શું છે. સંગીતના ભારતરત્ન રફી સાહેબનો પુત્ર એક ધર્માંધ અને કટ્ટર પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડ્યો? 'ના હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હે ઈન્સાન બનેગા...'જેવા ગીત ગાનારાનો પુત્ર લોકોને કટ્ટરવાદી બનાવતી પાર્ટીનો ઉમેદવાર બને ત્યારે સાલુ લાગી આવે. થાય કે રફી સાહેબે શાહિદ રફીને બાળપણમાં ગીતો ગાતા શીખવી દીધુ હોત તો કદાચ આ દિવસ ન આવેત.

હિન્દી ફિલ્મોમાં રફીના પ્રથમ ગીત વિશે મતમતાંતર પ્રવર્તે છે. કેટલાક 1944માં આવેલી ફિલ્મ 'ગાંવ કી ગોરી'ના ગીત 'અજી દિલ હો કાબુ મેં તો દિલદાર કી એસી તેસી'ને રફીનું પ્રથમ ગીત ગણાવે છે, તો સંગીતકાર નૌશાદ રફીએ પહેલુ ગીત તેમના સંગીત નિર્દેશન હેઠળ 'પહેલે આપ' ફિલ્મમાં 'હિન્દુસ્તાન કે હમ હૈ હિન્દુસ્તાન હમારા' ગાયુ હોવાનું જણાવે છે. એ જે હોય તે પણ રફીને પાર્શ્વગાયનની પહેલી તક આપવાનો યશ પંજાબી ફિલ્મ 'ગુલ બલોચ' માટે સંગીતકાર શ્યામસુંદરને આપવો પડે. શ્યામસુંદરના સંગીત નિર્દેશન હેઠળનું 'સોણીયે હીરીયેની તેરી યાદોંને બહોત સતાયા' એ રફીનું સૌ પ્રથમ ગીત.

રફી સાહેબના અવાજનો સૌથી વધુ ઉપયોગ સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે 373 ગીતો માટે કર્યો છે. શંકર-જયકિશન 346 ગીતો સાથે બીજા નંબરે આવે. રફી સાહેબ પાસેથી રવિએ 242, ચિત્રગુપ્તે 230 અને ઓપી નૈયરે 194 ગીતો ગવડાવ્યા છે. સોલો ગીતોની વાત કરીએ તો રફી સાહેબ પાસે શંકર-જયકિશને 212, લક્ષ્મી-પ્યારેએ 191, રવિએ 132, ચિત્રગુપ્તે 106 અને ઓપી નૈયરે 58 સોલો ગવડાવ્યા છે. રફીએ ચિત્રગુપ્ત, નૌશાદ, ઓપી નૈયરથી માંડીને બપ્પી લહેરી અને અનુમલિક સુધીના સંગીતકારો સાથે કામ કર્યુ છે. આ બધા સંગીતકારોમાંથી રફીના કંઠનો સૌથી સારો ઉપયોગ કોણે કર્યો એ વાતે મતભેદ હોઈ શકે પરંતુ રફીના પોતાના પ્રિય સંગીતકાર ઓપી હતા. રફીનું પોતાનું ગાયેલુ સૌથી માનિતુ ગીત 1949માં આવેલી ફિલ્મ 'દુલારી'નું 'સુહાની રાત ઢલ ચુકી, ના જાને તુમ કબ આઓગે...' હતું. (આ ગીતની પેરોડી થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ 'અતિથિ કબ જાઓગે'માં હતી.) અન્ય ગાયકોમાં રફીને મન્નાડે સૌથી વધુ પ્રિય હતા. રફીએ જાહેરમાં કબુલ્યુ હતું કે, લોકો મારા ગીતો સાંભળે છે પણ મારે જ્યારે સારા ગીતો સાંભળવા હોય છે ત્યારે હું માત્ર મન્નાડેને સાંભળુ છું. શાયર ગાલિબની યાદમાં દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તલત મહેમુદ ગાતા હતા ત્યારે સ્ટેજ પાછળ દૂરદર્શનના એક સિનિયર ડાયરેક્ટર સમક્ષ રફી સાહેબ બોલી ઉઠ્યાં હતા કે, 'તલત ક્યા સૂરીલા ગાતા હૈ, વાહ!' પોતાના જ હરિફ કલાકારની જાહેરમાં પ્રશંસા કરવાની આવી ઉદારતા-મહાનતા નિખાલસતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકોમાં જોવા મળતી હોય છે.

મહંમદ રફીએ સૌથી વધુ 390 વાર મજરૂહ સુલતાનપુરીના ગીતોને કંઠ આપ્યો છે. રફીએ આનંદ બક્ષીના 374, રાજેન્દ્ર કૃષ્ણના 364, હસરત જયપુરીના 284, શકિબ બદાયુનીના 239 એમ કુલ મળીને 274 ગીતકારોના ગીતો ગાયા છે. 1966માં આવેલી ફિલ્મ 'જોહર ઈન કશ્મીર' માટે ઈન્દિવરે લખેલા અને રફીએ ગાયેલા 'જન્નત કી હૈ તસવીર, યે તસવીર ન દેંગે, કશ્મીર હમારા હૈ, હમ કશ્મીર ન દેંગે...' ગીત માટે પાકિસ્તાને રફી પર કાયમી પ્રતિબંધ મુક્યો હતો. 1959માં આવેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'માં 'તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હે ઈન્સાન બનેગા' ગાવા માટે રફીને અને લખવા માટે સાહિર લુધિયાનવીને વિશ્વભરના ખરા બિનસાંપ્રદાયીકો કદી નહીં ભુલી શકે. અમદાવાદના ઉમેશ માખીજા, બેંગ્લોરના નારાયણ, દિલ્હીના વિજય કલામ, મદ્રાસના સંજીવ રાજપુત, ભુજના અશોક જાની તેમજ શબ્બીર કુમાર, મિલનસિંહ જેવા ડાયહાર્ડ રફીપ્રેમીઓએ મળીને એક સેક્યુલર ફોરમની રચના કરી છે. સેક્યુલર ફોરમ રફીના ચાહકોને એકત્ર થવાનું એક ઉમદા પ્લેટફોર્મ છે. અહીં સૌ સાથે મળીને રફી સાહેબને ભારતરત્ન એનાયત થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદના ઉમેશ માખીજાએ પોતાના ઘરમાં એક રૂમ રફી સાહેબને સમર્પિત કરીને સજાવ્યો છે. રફીના બીજા એક ચાહક રાજેન્દ્ર ઘડીયાળી દર ગુરૂપૂર્ણીમાએ અચુક રફીની પૂજા કરે છે. મુંબઈમાં વસતા ભરત દવેએ રફી સાહેબના મૃત્યુ બાદ દર 31 જૂલાઈએ તેમની મઝાર પર ફૂલ ચડાવવાનો શિરરસ્તો જાળવ્યો છે. જામનગરમાં રફીની એક અનરજિસ્ટર્ડ ક્લબ ચાલે છે. આ ક્લબના સભ્યો જ્યારે એક-બીજાને મળે કે ફોન કરે ત્યારે 'જય રફી' બોલીને જ વાતની શરૂઆત કરે છે. આ દેશમાં રફીને એટલી હદે ચાહનારાઓ પણ વસે છે કે તેમની હાજરીમાં કોઈ રફી સાહેબના નામ પાછળ સાહેબ લગાવવાનું ભુલી જાય તો પણ ચીડાઈ જાય.

રફીએ સૌથી વધુ 903 ગીતો આશા ભોંસલે સાથે ગાયા છે. 903માંથી 803 યુગલ અને 100 સમુહમાં. 'સર પર ટોપી લાલ હાથ મેં રેશમ દા રૂમાલ...' (તુમસા નહીં દેખા), 'ઉડે જબ જબ ઝુલ્ફે તેરી...' (નયા દૌર), 'ઈક પરદેશી મેરા દિલ લે ગયા...' (ફાગુન), 'ચુરા લીયા હૈ તુમને જો દિલ કો...' (યાદોં કી બારાત), 'હે અગર દુશ્મન...' (હમ કિસીસે કમ નહીં) જેવા સૂરીલા ગીતોની ભેટ આપણને રફી-આશાની જોડીએ આપી છે. ઉત્તરાયણ પર કદી વાગતું સાંભળ્યુ નથી પણ મારી દ્રષ્ટિએ આજ સુધીનું શ્રેષ્ઠ ઉત્તરાયણ ગીત 1957માં આવેલી ફિલ્મ 'ભાભી' માટે રફી-લતાએ ગાયેલુ 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...' છે. લતા મંગેશકર સાથે રેકોર્ડિંગ હોય તે દિવસે તો રફી પોતાની ડાયરીમાં નોંધતા કે, 'આજ બરાબરી કા મુકાબલા હોગા.' રફી-લતાની જોડીએ આપણને 'ધીરે ધીરે ચલ નીલે ગગન મેં' (લવમેરેજ), 'દિલ તેરા દિવાના હે સનમ' (દિલ તેરા દિવાના), 'જો વાદા કિયા વો...' (તાજમહલ), 'તુમ્હારી નજર ક્યું ખફા હો ગઈ...' (દો કલિયાં), 'બેખુદી મેં સનમ...' (હસીના માન જાયેગી), 'ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની' (કાંરવા), 'તુમ જો મિલ ગયે હો...' (હંસતે ઝખ્મ), 'વાદા કરલે સાજના' (હાથ કી સફાઈ), 'ઈસ રેશમી પાજેબ કી જનકાર કે સદકે...' (લૈલા-મજનુ) જેવા કાનેન્દ્રીયને મઘમઘાવી દેતા ગીતો આપ્યા છે.

'યે જિંદગી કે મેલે...' (મેલા), 'ઈક દિલ કે ટુકડે હજાર હુએ' (પ્યાર કી જીત), 'મુહબ્બત કે ધોખે મેં કોઈ ન આયે...' (બડી બહેન), 'હુએ હમ જીનકે લિયે બરબાદ...', 'મેરી કહાની ભુલનેવાલે...'(બંન્ને ગીતોની ફિલ્મ: દિદાર), 'યે કુચે યે નિલામ ઘર...', 'યે મહેલો યે તખ્તો યે તાજો કી દુનિયા...' (બંન્ને ગીતોની ફિલ્મ: પ્યાસા), 'અય દિલ હે મુશ્કીલ જીના યહાં...' ('સીઆઈડી'નું આ ગીત 2008માં આવેલી ફિલ્મ 'મુંબઈ મેરી જાન'ના અંતમાં વાગે છે.), 'ના કિસી કી આંખ કા નૂર હું...' (લાલ કિલ્લા) જેવા 1960 સુધીના ગીતો માટે તો આખુને આખુ રાજકોટ રફીના નામે કરી દેવાની ઈચ્છા થઈ આવે. દર્દના તો રફી બેતાજ બાદશાહ હતા. હું મુકેશનો પણ કટ્ટર ચાહક છું છતાં સેડ સોંગ માટે હું પહેલો નંબર તો રફીને જ આપુ. 'હાથી મેરે સાથી' ફિલ્મના ક્લાઈમેક્સમાં હાથી મરી જાય ત્યારે આપણને થતી આપણુ કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી પીડા એ રફીએ ગાયેલા 'નફરત કી દુનિયા કો છોડકર...' ગીતની જ કમાલ કે નહીં? બાકી આ ફિલ્મના મોટાભાગના ગીતો કિશોર કુમારે ગાયા છે પણ સેડ સોંગ 'નફરત કી દુનિયા...' લક્ષ્મી-પ્યારેએ ખાસ રફી પાસે જ ગવડાવ્યું. એવી જ રીતે ફિલ્મ 'ફર્ઝ'માં કિશોર દા'ના અન્ય ગીતોએ ધૂમ મચાવી હોવા છતાં 'દર્દ-એ-દિલ...દર્દ-એ-જીગર...' માટે લક્ષ્મી-પ્યારેએ રફીનો જ કંઠ લીધો છે. એવું જ 'મુકદ્દર કા સિંકદર'ના સંગીતમાં પણ જોઈ શકાય છે. આ ફિલ્મના કિશોરે ગાયેલા 'રોતે હુએ આતે હે સબ...' ગીતમાં આવતી 'જિંદગી તો બેવફા હે...' એ દર્દીલી કડીઓ કલ્યાણજી-આણંદજીએ રફી પાસે ગવડાવી છે. ફિલ્મના બીજા તમામ ગીતોમાં કિશોર અને એક ગીતમાં મહેન્દ્ર કપુરનો અવાજ છે.

'ઈસ ભરી દુનિયા મે કોઈ ભી હમારા ન હુઆ...' (ભરોશા), 'યાદ ન જાયે બીતે દિનો કી...' (દિલ એક મંદિર), 'નસિબ મેં જીસકે જો...' (દો બદન), 'અકેલે હૈ ચલે આઓ...' (રાઝ), 'આજ પુરાની રાહો સે...' (આદમી), 'દિલ કે ઝરોખે મેં...' (બ્રહ્મચારી), 'દોનોને કીયા થા પ્યાર મગર...' (મહુવા), 'યે દુનિયા યે મહેફિલ...' (હીર-રાંઝા), 'ખુશ રહે તું સદા...', 'ખીલોના જાનકર...' (બંન્ને ગીતોની ફિલ્મ: ખીલૌના), 'નજર આતી નહીં મંઝીલ' (કાંચ ઓર હિરા) જેવા અનેક કલેજા ચીરી નાખતા દર્દીલા સોંગ્સ ગાનારા રફી સાહેબ બનાવટમાં પણ ઉદાસ ચહેરો રાખી શકતા ન હતા. તેમના ચહેરા પર હંમેશા એક ક્યુટ સ્માઈલ રમતુ રહેતુ. એક વાર તેમના સંગીતબદ્ધ ગમના ગીતોના આલબમ પર છાપવા માટે સંજીવ કોહલીને રફી સાહેબના ઉદાસ ફોટાની જરૂર પડી. પરમેનન્ટ હંસતો ચહેરો રાખનારા રફીનો ઉદાસ ફોટો પાડવાનું એક સેશન ગોઠવાયુ. એ સેશનમાં પણ ચોવીસ પચ્ચીસ વાર ફોટોગ્રાફરે પ્રયત્ન કર્યો ત્યારે માંડ મેળ પડ્યો. ગીતો તો ગીતો પણ અમે તો રફી સાહેબના સ્માઈલના પણ ચાહક છીએ. રફીનું સ્માઈલ તેમની અંદરના એક પવિત્ર પ્રકાશનો પડછાયો માત્ર છે. અને તેથી જ આપણે જ્યારે પણ 'એક થા ગુલ ઓર એક થી બુલબુલ...' (જબ જબ ફૂલ ખીલે), 'પાસ બેઠો તબિયત બહલ જાયેગી...' (પુનર્મિલન), 'બહારો ફૂલ બરસાઓ...' (સુરજ), 'લીખ્ખે જો ખત તુજે...' (કન્યાદાન), 'આને સે ઉસકે આયે બહાર...' (જીને કી રાહ), 'ઈક બંજારા ગાયે...' (જીને કી રાહ), 'બદન પે સિતારે લપેટે હુએ...' (પ્રિન્સ), 'આયા રે ખિલોનેવાલા...' (બચપન), 'ગુલાબી આંખે જો તેરી દેખી...' (ધ ટ્રેન), 'ઈક ના ઈક દિન યે કહાની બનેગી...' (ગોરા ઓર કાલા) અને 'ચાંદ મેરા દિલ...' (ચાંદની) જેવા ગીતો સાંભળીયે ત્યારે એ ગીતોમાં આપણને રફી સાહેબના હદયની પવિત્રતાનો સ્વર્ગીય ટચ અનુભવાયા વિના રહેતો નથી. અને કદાચ એ જ કારણોસર રફી સાહેબ તેમની વિદાયના 35 35 વર્ષ બાદ પણ એક ગાયક તરીકે જ નહીં વ્યક્તિ તરીકે પણ રીતસર પૂજાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો