વીરપ્પન

-: વીરપ્પન :-

કંદર્પ પટેલ

હિન્દુસ્તાનમાં ’૮૦ અને ’૯૦ના દશકમાં જયારે ડાકૂઓની વાર્તાઓ કોઈ મુખ્ય પાત્રના સ્વરૂપે ભજવવામાં આવતું ત્યારે તેની પાછળની કહાનીમાં ક્રુરતા, અનાથ બાળપણ, પ્રેમ અથવા ભાવુક ચરિત્રનું સર્જન કરવામાં આવતું. આવા ડાકૂઓ ત્યારે આપણી વચ્ચે જ હયાત હતા, ધીરે-ધીરે ઉછરી રહ્યા હતા.

આ દરેક પૈકી એક ખૂંખાર, ખૌફનાક અને ખુરાફાતી વીરપ્પન. દરિંદગીની ચરમસીમાનો સ્વાદ ચાખેલો અનિષ્ટ. કુખ્યાત તસ્કર અને વૈશી ઘાતક.

બિહામણું, જુગુપ્સિત, ભીષણ, ભયાવહ અને વિકરાળનો સમાનાર્થી – વીરપ્પન.

કોઈના માટે મસીહા, ઉદ્ધારક, રક્ષક.

-: અનુક્રમણિકા :-

 • વીરપ્પન : મૂર્તિમંત અનિષ્ટ
 • વીરપ્પન – મુથુલક્ષ્મી : લવ સ્ટોરી
 • કિડનેપિંગ (રાજકુમાર અને એચ. નાગપ્પા)
 • વીરપ્પન : 3rd ડિગ્રી ખૌફ
 • ખાત્મો : ઓપરેશન કોકૂન
 • મુથુલક્ષ્મી (વીરપ્પન વિષે)
 • જાણ્યું - અજાણ્યું (રોચક ફેકટ્સ)
 • ૧. વીરપ્પન : મૂર્તિમંત અનિષ્ટ

  કૂજ મુનિસ્વામી વીરપ્પા ગૌડન – વીરપ્પનનો જન્મ ૧૮ જાન્યુઆરી, ૧૯૫૨માં કર્ણાટક રાજ્યના ગોપીનાથમ નામના ગામમાં થયો હતો. તેમનું કુટુંબ અને ગામના અન્ય કુટુંબો પારંપરિક ગોવાળો હતા. આ ગામ તમિલનાડુની બોર્ડર પર આવેલું છે. બાળપણના દિવસોમાં તે ‘મોલાકાઈ’ નામે સંબોધવામાં આવતો હતો. તેના પિતા અને અન્ય સંબંધીઓ પણ કુખ્યાત શિકારી અને તસ્કર હતા. વીરપ્પનને આ માહોલ જન્મ સાથે ગળથૂથીમાં જ મળ્યો હતો. તસ્કરી અને શિકાર વિરાસતમાં મળ્યા હતા. માત્ર દસ વર્ષની ઉંમરથી જ તેણે આ પ્રવૃત્તિઓ શરુ કરી દીધી હતી.

  વીરપ્પનના સંબંધી, સેવી ગૌડન – ની દેખરેખ હેઠળ તેણે જંગલ વિસ્તારમાં તસ્કરી શરુ કરી. શરૂઆતમાં તેણે માત્ર ચંદનના લાકડાઓ અને હાથીદાંત એકઠાં કરવાની શરૂઆત કરી. હાથીદાંત ખૂબ ઊંચા દામે વેચાતાં હોવાથી તેણે હાથીઓનો શિકાર કરવાનું શરુ કર્યું. ૭૫ કરોડના ચંદનની તસ્કરી અને ૮૮૦૦૦ પાઉન્ડના હાથીદાંતની હેરાફેરી વીરપ્પને કરી હતી. લગભગ ૯૦૦ જેટલા હાથીઓને તેમના દાંત માટે શિકારનો ભોગ બનાવ્યા હતા. તે હંમેશા ૪૦ લોકોના સમૂહમાં સાથે રહેતો હતો. આ ટોળું હંમેશા સાથે મળીને અપહરણ, તસ્કરી અને હત્યા કરતા હતા. માત્ર સત્તર વર્ષની ઉંમરે તેણે સૌથી પહેલી હત્યા કરી. અઢાર વર્ષે તે એક અવૈધ ગેંગનો સભ્ય બની ગયો. ત્યારબાદ આવનારા અમુક વર્ષોમાં તેના પ્રતિસ્પર્ધીને મોતને ઘાટ ઉતારીને પોતે જ સંપૂર્ણ જંગલનો કારોબાર પોતાના હાથમાં લઇ લીધો. ચંદન તેમજ હાથીદાંત વડે કમાયો.

  ૨. વીરપ્પન – મુથુલક્ષ્મી : લવ સ્ટોરી

  ૨૯ વર્ષનો વીરપ્પન માત્ર ૧૬ વર્ષની મુથુલક્ષ્મીને પોતાનું દિલ દઈ બેઠો હતો. વર્ષ ૧૯૮૯માં મુથુલક્ષ્મીને વીરપ્પને પહેલી જ વખત જોઈ. બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે તે ધર્માપુરી જીલ્લાના ગામ નેરુપુર જઈ રહ્યો હતો. એ સમયે લોકો કોઈ પણ મડાગાંઠનો ઉકેલ લાવવા માટે અદાલત કરતા વીરપ્પન પાસે જવાનું પસંદ કરતા હતા. મુથુલક્ષ્મી તમિલનાડુના ધર્માપુરી જીલ્લાના એક ગરીબ ખેડૂતની દીકરી હતી. નેરુપુર જતા સમયે મુથુલક્ષ્મીને વીરપ્પને કાવેરીમાંથી પાણી લાવીને આવતી જોઈ હતી. તે સમયથી તેને એ ગમી ગઈ હતી.

  ત્યારે વીરપ્પને મુથુલક્ષ્મીને કહેલું કે, “હું કદી લગ્ન કરવા નથી માંગતો. પરંતુ, તને જોઇને નિર્ણય બદલી નાખ્યો.”

  ઉપરાંત, પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે તેણે મુથુલક્ષ્મીને એવું કહેલું કે, “જો તું લગ્ન માટે ઇનકાર કરીશ તો મારા જીવનમાં આ પ્રકારની પળ ભવિષ્યમાં કદી નહિ આવે.”

  ત્યારબાદ, મુથુલક્ષ્મી અને વીરપ્પને ૧૯૯૦માં લગ્ન કર્યા.

  વીરપ્પન સાથે લગ્ન કર્યા પછી પણ મુથુલક્ષ્મી તેની સાથે તમિલનાડુ, કર્ણાટક અને કેરાલાના જંગલોમાં જ રહેતી હતી. લગ્ન પછી વીરપ્પન ત્રણ દીકરીનો પિતા બન્યો. તેમાંની એક દીકરીની વીરપ્પને હત્યા કરી નાખી. અન્ય બે દીકરીઓ યુવરાની અને પ્રભા છે. વિવાહ પછી વીરપ્પન અને મુથુલક્ષ્મીએ એક કરિયાણાની દુકાન ખોલી હતી. તેણે કદી પણ તેવો દેખાવ નહોતો કર્યો કે, તેની પાસે ભરપૂર માત્રામાં પૈસા છે. તેની દીકરી યુવરાની પણ અન્ય બાળકોની સાથે બહુ સામાન્ય રીતે રહેતી હતી.

  પરંતુ, વીરપ્પનની પત્ની મુથુલક્ષ્મી કહે છે કે - વીરપ્પન પ્રેમાળ પિતા હતો. તેણે કદી પણ મુથુલક્ષ્મીને જંગલમાં આવવા નથી કહ્યું, જેથી બાળકોની સારસંભાળમાં કોઈ ઉણપ રહી જાય.

  ૩. કિડનેપિંગ (રાજકુમાર અને એચ. નાગપ્પા)

  જાણીતા વ્યક્તિનું અપહરણ કરીને સરકાર પાસે ખંડણી માંગવી એ વીરપ્પનના કાર્યોમાનું એક હતું. વર્ષ ૧૯૯૭માં વીરપ્પને મારાપાલા વિસ્તારમાં ફરજ પરના નવ જંગલખાતાના અધિકારીઓને કિડનેપ કર્યા. તે અધિકારીઓને કોલેગલ તાલુકાના બુરુડેના જંગલોમાં લઇ ગયો. આ અધિકારીઓને પાછા આપવાના શરત હેઠળ તેણે લિખિતમાં સરકાર વીરપ્પનની માંફી માંગે તેવું કહ્યું. અંતે, ૭ અઠવાડિયા પછી વીરપ્પનની દરેક શરતો પૂરી થયા પછી દરેક અધિકારીઓને છોડ્યા.

 • સુપરસ્ટાર રાજકુમાર
 • સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા વીરપ્પનને પકડવા માટે નિયુક્ત કરાયેલા ઓફિસર રાઘવેન્દ્ર કુમાર દ્વારા સુપરસ્ટાર રાજકુમારને રોકવામાં આવ્યા હતા. પરંતુ, પોતાને કિડનેપ કરવાની વાતને ક્ષુલ્લક ગણીને રાજકુમારે ગણકારી દીધી. અંતે, રાજકુમાર તમિલનાડુના ગજનૌર સ્થિત પોતાના ફાર્મહાઉસમાં ૧૦-૧૨ સિપાહીઓની દેખરેખ હેઠળ રોકાયા હતા. તેઓ ત્યાં પોતાના નવા ઘરના ગૃહપ્રવેશની વિધિ માટે આવ્યા હતા.
 • ૩૦ જુલાઈ, ૨૦૦૦ના દિવસે રાત્રે સાડા નવ વાગ્યે વીરપ્પને રાજકુમારના ફાર્મહાઉસ પર એટેક કર્યો. રાજકુમારના દીકરાના કહેવા મુજબ, “રાજકુમારના પત્ની, રાજકુમાર પોતે અને અન્ય કુટુંબીજનો ટી.વી. જોઈ રહ્યા હતા. તે સમયે વીરપ્પન ત્યાં આવ્યો અને કન્નડ ભાષામાં કહ્યું, ‘મારે સર જોઈએ છે !’ ગભરાયેલા કુટુંબીજનો તેને રાજકુમાર સુધી લઇ ગયા.”
 • રાજકુમારને ઘરમાંથી બહાર કાઢીને વીરપ્પન ફરી ઘરમાં ગયો. તે રાજકુમારના જમાઈ ગોવિંદરાજ, સંબંધી અને આસિસ્ટન્ટ ફિલ્મ ડિરેક્ટર નાગેશને બહાર લઇ આવ્યો.
 • તે સમયે તમિલ મેગેઝિન ‘નક્કીરન’ ના એડિટર આર. ગોપાલ વીરપ્પન સાથે સમાધાન મંત્રણા કરવા માટે તૈયાર થયા. આર. ગોપાલ તેના પહેલા પણ વીરપ્પન સાથે અન્ય મંત્રણાઓ કરી ચુક્યા હતા. તે ઘણીવાર જંગલમાં ગયો હતો અને વિડીયો ટેપ્સ રેકોર્ડ કરી હતી.
 • વીરપ્પને ‘કાવેરી જલ વિવાદ’ માટે તમિલનાડુને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ઉપરાંત, તમિલ ભાષાને કર્ણાટકની બીજી સત્તાવાર ભાષા બનાવવાની માંગ કરી. તેમજ તમિલ ઉગ્રવાદીઓને તમિલનાડુની જેલમાં ભરવામાં આવે.
 • આ દરેક શરતો માન્ય રાખીને ૨૦ કરોડની ખંડણી કર્ણાટક સરકારે ભરી અને તેના બદલામાં વીરપ્પને ૧૦૮ દિવસ પછી રાજકુમારને કોઈ પણ પ્રકારના નુકશાન પછી છોડવામાં આવ્યા.
 • એચ. નાગપ્પા
 • એચ. નાગપ્પાને ૨૫ ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ કર્ણાટકના ચામરાજનગર જીલ્લાના એક ગામમાંથી વીરપ્પન દ્વારા કિડનેપ કરાયા હતા. નાગપ્પા કર્ણાટકના ભૂતપૂર્વ મિનિસ્ટર હતા. વીરપ્પનને પકડવા માટે કર્ણાટક અને તમિલનાડુના જોઈન્ટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને નાગપ્પાને વીરપ્પન પાસેથી છોડાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો. તેને છોડવા માટે વીરપ્પનનું એન્કાઉન્ટર કરવાનું હતું, જે નિષ્ફળ ગયું. અંતે, નાગપ્પા ત્રણ મહિના પછી કર્ણાટકના જંગલમાં મૃત શરીર સાથે મળ્યા.
 • આ ઘટના પછી કર્ણાટક સરકારે વીરપ્પનને પકડવા માટેની ઓફર વધારીને પાંચ કરોડની કરી હતી.
 • આ વર્ષો દરમિયાન વીરપ્પને ઘણા બધા પોલિસ અધિકારીઓ અને અન્ય જાણીતી વ્યક્તિઓએ અપહરણ કરીને સરકાર પાસે ખંડણી માંગી હતી. ખંડણીની રકમ વીરપ્પન જંગલમાં અનેક જગ્યાએ દાટીને રાખતો હતો. વર્ષ ૨૦૦૨માં તેમના સાથી કાર્યકરો પાસેથી પોલિસે ૩.૩ મિલિયન જેટલી રકમ પકડી પાડી હતી.

  ૪. વીરપ્પન : 3rd ડિગ્રી ખૌફ

  વીરપ્પનને એવું લાગતું હતું કે, તેની બહેન ‘મારી’ અને તેનો ભાઈ ‘અર્જુનન’ની હત્યામાં પોલિસ જવાબદાર છે. તેથી ૧૯૮૭માં તેણે એક વન્ય અધિકારી ચિદમ્બરમની હત્યા કરી. ૧૦ નવેમ્બર, ૧૯૯૧માં એક IFS ઓફિસર પી. શ્રીનિવાસને પોતાની જાળમાં ફસાવીને તેની બેરહેમીથી હત્યા કરી. તેમજ કોલેગલ તાલુકાની પાસે હરિકૃષ્ણ તથા શકીલ એહમદ નામના બે વરિષ્ઠ IPS ઓફિસરોને પકડીને તેની સાથે અન્ય કેટલાયે પોલિસ ઓફિસરોની હત્યા કરી.

 • પોતાના ગામના વીરપ્પનની છબી રોબિનહૂડની હતી. ગામના નિવાસીઓ તેના માટે કામ કરતા હતા અને પોલિસની ગતિવિધિઓ વિષે સૂચના આપતા હતા. તેમજ તે નિવાસીઓ વીરપ્પન તેમજ તેના સાથીઓની ટોળકીને વસ્ત્ર તેમજ ભોજન પૂરું પડતા હતા. આ દરેક કાર્યો તેઓ માત્ર વીરપ્પનના ડરથી કરતા હતા. ઘણીવાર વીરપ્પન ગામલોકોને પૈસા પૂરા પાડતો, જેથી તે પોલિસની નજરમાંથી બચી શકે. તેમજ જે ગ્રામીણ લોકો પોલિસને વીરપ્પન વિષે સૂચના આપતા હતા તેને તે બહુ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારતો હતો.
 • વીરપ્પનને રાજકીય પક્ષોનો સાથ મળ્યો હતો. પટ્ટાલી મક્કલ કાચી (PMK) જેવા તમિલ ઓર્ગેનાઈઝેશન દ્વારા વીરપ્પનને ઘણી મદદ મળી હતી, જે તેની જ જાતિના વાન્નિયાર લોકોનું હતું. તમિલનાડુના ભૂતપૂર્વ ચિફ મિનિસ્ટર એમ. કરુણાનિધિ, જેઓ દ્રવિડ મુન્નેત્ર કઝાઘમ (DMK) ના આગેવાન હતા. તેમનું વીરપ્પન તરફ નરમ વલણ હતું. તેમણે વીરપ્પનને શરણાગતિ સ્વીકારવા માટે ૧૯૯૭ સુધી અંતિમ સમય આપ્યો તેમજ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ને થોડા સમય સુધી તેને એન્કાઉન્ટરમાં ન કરવાનો ઓર્ડર આપ્યો હતો.
 • તમિલ નેશનલ રીટ્રીવલ ટ્રૂપ્સ (TNRT) અને તમિલનાડુ લિબરેશન આર્મી (TNLA) એ વીરપ્પનની રોબિનહૂડની છબી ટકાવી રાખવામાં મદદ કરી હતી. જયારે તે કોઈ વ્યક્તિનું અપહરણ કરતો ત્યારે તેના માટે સમાધાન કરીને તેના માટે ડ્રાફ્ટ સરકાર વતી તૈયાર કરી આપતા હતા.
 • એક વખત વીરપ્પન પકડાયો હતો અને ત્યારે તેણે અન્ય હાઈપ્રોફાઈલ લોકોને બોલાવ્યા અને તેમના દમ પર ત્યાંથી તે નીકળવામાં સફળ થયો.
 • વીરપ્પન અભણ અને બિનજાગૃત અધિકારી હતો. પરંતુ, તેના પબ્લિક રિલેશન્સ (PR) બહુ મજબૂત હતા. તેમજ ન્યૂયોર્ક અને લંડન જેવા શહેરોમાં તેના પબ્લિક રિલેશન્સ ઓફિસ (PRO) હતા.
 • વર્ષ ૧૯૮૬માં વીરપ્પન પકડાયો છતાં તે છૂટી ગયો. તેની ગિરફતમાં રહેલો ફોટોગ્રાફર કૃપાકરનું કહેવું છે કે, પોલિસને તેણે એક લાખ રૂપિયા આપ્યા હતા અને તે છૂટવામાં સફળ થયો.
 • તે જયારે માત્ર ૧૦ વર્ષનો હતો ત્યારે તેણે હાથીની હત્યા કરી હતી. તેણે ૧૮૪ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમના ૯૭ જેટલા વન્ય અધિકારીઓ અને પોલિસ હતા. તેમજ ગ્રામીણ લોકોની પણ હત્યા કરી હતી.
 • તે કેરાલા, કર્ણાટક અને તમિલનાડુની બોર્ડર પર પોલિસના છાપાથી બચવા માટે તે ‘ગોરિલા પદ્ધતિ’નો તેનાથી છૂપવા માટે ઉપયોગ કરતો.
 • ૫. ખાત્મો : ઓપરેશન કોકૂન

  વીરપ્પનને પકડવા માટે તમિલનાડુના સરકારે જે ઓપરેશન ઘડ્યું તે ‘ઓપરેશન કોકૂન’ તરીકે ઓળખાય છે. વીરપ્પન અને તેના સાથીઓ સત્યમંગલમના જંગલોમાં રહેતા હતા. જે કેરાલા, કર્ણાટક અને તમિલનાડુની બોર્ડર પર ફેલાયેલા હતા. આ ઓપરેશનના ચિફ હેડ - એડિશનલ ડાઈરેક્ટર જનરલ ઓફ પોલિસ, કે. વિજય કુમાર હતા. તમિલનાડુ અને કર્ણાટકની સરકારોએ સાથે મળીને વીરપ્પનને પકડવા માટે જોઈન્ટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી.

  વીરપ્પન જંગલના દરેક વિસ્તારો જાણતો હતો. તેથી એક માત્ર ઉપાય એ હતો કે તે, ગમે તે રીતે જંગલની બહાર નીકળે. પોલિસના રિપોર્ટ પ્રમાણે, પોલિસ દસ મહિનાઓથી પ્લાન ઘડી રહી હતી. જેમાં પ્લાનનું અમલ ૩ અઠવાડિયા અને છેલ્લું ઓપરેશન માત્ર ૪૫ મિનિટ ચાલવાનું હતું. STFના જવાનો સુથાર, કડિયા અને લોકલ સર્વિસ માટે સમગ્ર ગામમાં અલગ-અલગ વહેંચાઇ ગયા. આ વિસ્તારોમાં વીરપ્પન સામાન્ય રીતે આવન-જાવન કરતો હતો. સમય જતાં વીરપ્પનના ચાર સભ્યો ઓછા થઇ ગયા. વીરપ્પન પોતાની આંખના ઈલાજ માટે જંગલમાંથી બહાર નીકળવા ઈચ્છતો હતો. ઓપરેશનના દિવસે તેણે જંગલમાં એમ્બ્યુલન્સ બોલાવી. જે ધર્માપુરી જીલ્લાના પાપીરાપટ્ટી નામના ગામ પાસે ઉભી હતી. જે ખરેખર પોલિસનું વાહન હતું. તેમના ૩૫ લોકોની ગેંગને લઈને તે ગાડી આગળ ચાલી. જેમાં એક પોલિસ ઓફિસર પણ હતો. કેટલાક સિક્યોરીટી ઓફિસરોએ રસ્તા પર ટેન્ક આડશ તરીકે રાખી હતી. અમુક પોલિસ ઓફિસરો જંગલની ઝાડી પાછળ છુપાયા હતા. જે પોલિસ ઓફિસર ગાડીમાં હતો તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો. આ રસ્તામાં પડેલી ટેન્કને દૂર કરવાના હેતુસર એમ્બ્યુલન્સની બહાર નીકળીને ભાગી જવામાં સફળ થયો. આ ક્ષણોમાં STFના જવાનો પર વીરપ્પન અને તેના સભ્યોએ ગોળીબાર કરવાનું શરુ કર્યું. STFના જવાનોએ તેમનું ગ્રેનેડ અને ગોળીબાર વડે એન્કાઉન્ટર કર્યું. એમ્બુલન્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. STFના જવાનોએ ૧૨ બોર રેમિંગટન પંપ એક્શન ગન, બે AK-૪૭, એક સેલ્ફ લોડિંગ રાઈફલ, બે હેન્ડ ગ્રેનેડ અને ૩.૫ લાખ કેશ મળ્યા.

  ૧૮ ઓકટોબર, ૨૦૦૪માં વીરપ્પનની હેવાનિયત પર પૂર્ણ વિરામ લાગ્યું.

  ૬. મુથુલક્ષ્મી (વીરપ્પન વિષે)

  - ૧૯૯૦માં વીરપ્પનને પકડવા માટે બનાવેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ચિફ શંકર બિદારી વિષે કહે છે કે, તેઓ સદ્દામ હુસૈન કે મુઅમ્મર ગદ્દાફી કરતા વધુ ક્રૂર હતો.

  - ડેપ્યુટી કમાન્ડર ઓફ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તરીકે શંકર બિદારી વીરપ્પનને પકડવા માટે ગ્રામીણ સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચાર કરતો હતો.

  - માત્ર વીરપ્પનની પત્ની હોવાના કારણે તેણે મુથુલક્ષ્મી પર મર્ડર અને અન્ય કેસ તેના પર લગાવ્યા હતા. ૧૫ દિવસ સુધી મુથુલક્ષ્મીને રાખીને તેને ઇલેક્ટ્રિક શોક આપવા સુધીના અત્યાચાર તેમણે તેના પર લગાવ્યા હતા.

  - મુથુલક્ષ્મી કહે છે કે, વીરપ્પન ખૂબ સારો પતિ અને પિતા હતો. તેમણે કદી પણ તેના પર અમાનુષી અત્યાચારો કર્યા નથી.

  ‘वीरम विधैक्का पट्टथु’ – આ તમિલ શબ્દોનો હિન્દીમાં અર્થ થાય છે, ‘અહી વીરતાના બીજ વવાય છે.’ આ શબ્દ વિકરાળ જંગલોમાં ઝાડીઓની વચ્ચે રહેલ એક પથ્થરનો ખૂંટો તેની સાબિતી આપે છે. આ સ્મૃતિલેખ નીચે વીરપ્પનની કબર છે. પશ્ચિમ તમિલનાડુ અને ચમરાજનગરના ગ્રામીણો દર વર્ષે મોટી સંખ્યામાં ત્યાં આવે છે. ત્યાંના ગ્રામીણ લોકો માને છે કે, જંગલ અને પોલિસની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમને બચાવનાર વીરપ્પન જ હતો. તેઓ તેને મસીહા માને છે.

  STFના જવાનો દ્વારા થયેલા એન્કાઉન્ટરને મહદઅંશે મુથુલક્ષ્મી નકારે છે. તેઓ કહે છે કે, તેમની આંખોની દ્રષ્ટિ લગભગ ખોવાઈ ચૂકી હતી. તેઓ જંગલમાં આમતેમ ઘૂમ્યા કરતા હતા. તે સમયે જાળ બિછાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.

  ત્યાંના સ્થાનીય નિવાસી અને સંબંધી કહે છે કે, તેઓને ઈડલી બહુ પસંદ હતી. મટન સાથે કરી તેઓ ખૂબ લિજ્જતથી જમતા હતા. ખાવાનું પીરસનાર વ્યક્તિ પર વીરપ્પનને બહુ ભરોસો હતો. તેમાં ઝેર મિલાવીને તેને ઈડલી આપવામાં આવી અને તે બેહોશ થઇ ગયા. ત્યારબાદ તેને પોલિસના હવાલે કરી દેવામાં આવ્યા. ત્યાં તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો અને તેમની હત્યા કરવામાં આવી.

  આ વાર્તાઓ વીરપ્પનને તેના મસીહા તરીકેની છાપને કાયમ રાખવા માટે બનાવી હોવાનું પણ જણાય છે.

  દરેક જગ્યાએ વીરપ્પનન બહુ મોટી સંખ્યામાં સમર્થક હતા. આવું મુથુલક્ષ્મી કહે છે.

  મુથુલક્ષ્મી કહે છે કે, તેના બીજા બાળકના જન્મ સમયે તેની આસપાસ લગભગ ૧૦ જેટલી મહિલાઓ હતી. તેઓ પોલિસ સામે લડી રહી હતી. વીરપ્પનની પુણ્યતિથી પછી જમવાનું આપતી સમયે કહે છે કે, આજે પણ પોલિસ તેમને ધમકાવે છે. તેઓ માને છે કે, વીરપ્પનની મૃત્યુ એનકાઉન્ટર થયું તેના ઘણા દિવસો પહેલા જ કરી દેવામાં આવ્યું હતું.

  ૭. જાણ્યું - અજાણ્યું (રોચક ફેકટ્સ)

 • પ્રસિદ્ધ અભિનેતા રાજકુમારના અપહરણ પછી વીરપ્પને તેના ઘરને નવો લૂક આપ્યો. તેમાં તેણે એમ. એફ. હુસૈનની પેઇન્ટિંગ લગાવ્યું. તેની ઈચ્છા હતી કે એક દિવસ તેઓ પોતાની તસ્વીર બનાવે.
 • વીરપ્પન પાસે સ્મગલિંગના અઢળક ધન પછી પણ તેને અશ્લીલ ફિલ્મો જોવી પસંદ હતી. તે બ્લેક & વ્હાઈટ ટી.વી. રાખતો હતો. છતાં, તેના ગંદા વસ્ત્રોની જગ્યા કદી પણ સાફ-સ્વચ્છ વસ્ત્રોએ લીધી જ નહિ.
 • તે તેની ‘કોટ્ટાબોમન’ મૂંછ માટે બહુ જાણીતો હતો. તેને પોતાની મૂંછો બહુ પ્રિય હતી.
 • વીરપ્પનની ગેંગમાં માત્ર ૪૦ લોકો હતા. જેઓ વીરપ્પનના ઈશારા પર પોતાના પ્રાણ દેવા અને લેવા માટે તૈયાર હતા.
 • વીરપ્પનને કર્ણાટકનું સંગીત બહુ પ્રિય હતું.
 • તે કલાપ્રેમી હતો. તેણે અંગ્રેજી ફિલ્મ ગોડફાધર લગભગ ૧૦૦થી વધુ વખત જોઈ હતી.
 • તે કાલી માં નો ભક્ત હતો. તેણે એક કાલીમંદિર પણ બનાવડાવ્યું હતું.
 • ૧૯૯૩માં પોલિસને તેની પત્ની મુથુલક્ષ્મીને એરેસ્ટ કરી લીધી. દીકરીના રડવાના અવાજથી પોતાને પણ પોલિસ પકડી પડે તેથી ત્યારે પોતાની જ નવજાત બાળકીને મારી નાખી હતી.
 • *****

  Contact: +91 9687515557

  E-mail: patel.kandarp555@gmail.com

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Rathod

  Rathod 3 માસ પહેલા

  Narendra PARMAR

  Narendra PARMAR 12 માસ પહેલા

  Dinesh

  Dinesh 1 વર્ષ પહેલા

  Mohit

  Mohit 1 વર્ષ પહેલા

  Shailesh Gohil

  Shailesh Gohil 2 વર્ષ પહેલા