તણખો Riya Mankad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તણખો

માતબર ગજાના સાહિત્યકાર શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ ને કયો સાહિત્યપ્રેમી ગુજરાતી નહિ ઓળખતો હોય?

શ્રી ઉમાશંકર જોશીએ એકવાર લખ્યું હતું કે, ‘ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢમૂલ થયો......ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતા એ વખતે હિંદમાં પાંચ-છ વાર્તાલેખકો હોય તો પણ મોટી વાત છે.’ તેમણે કુલ અગિયાર ખંડમાં પથરાયેલી તેમની નવલિકાઓ દ્વારા વાચકોને મહાલવા માટે એક નવા સંસારનું નિર્માણ કરી આપ્યું છે. આ ઉપરાંત ચૌલુક્ય યુગની સોળ, ગુપ્ત યુગની તેર અને સાત સામાજિક નવલકથાઓ તથા સાત જીવનલક્ષી કૃતિઓ, નવ ચિંતનાત્મક કૃતિઓ અને બાલસાહિત્યના બાંસઠ જેટલા પુસ્તકો પણ આપ્યા છે. એમના વિષે અને એમના સર્જનો વિષે ઘણું બધું લખાયું છે અને મારા જેવાની વાત તો નગારખાનામાં તતૂડીના અવાજ જેવી જ લાગે.

અહિ તેઓએ પોતાના કેટલાક વિચારો રજુ કર્યા છે જે હું સર્વેને જાણવા ઈચ્છુક છું.

ઈશ્વરને આ છ વસ્તુઓ નથી ગમતી,

અભિમાન ભરેલી દ્રષ્ટિ

અસત્યભાષી જીભ

નિર્દોષને હણનારી શક્તિ

ભયંકર કલ્પનાઓ કરતી ઉર્મિ

અસત્યને પડખું દેતી બુદ્ધિ

ભાઈઓ વચ્ચે કંકાસ જન્માવતી દગાબાજી.

કેટલાક પુસ્તકો માત્ર વાંચવા માટે છે,

કેટલાક જોઈ જવા માટે તો,

કેટલાક સમજવા માટે છે,

કેટલાક મૂકી દેવા માટે તો

કેટલાક ન જોવા માટે છે,

બહુ જ થોડા શીખવા માટે છે અને

વારંવાર નિરખવા માટે તો કોઈક જ છે.

માણસ સ્વર્ગ મેળવવા માટે જેટલો પ્રયત્ન કરે છે એનાથી અડધો જ પ્રયત્ન પોતાનું મન સમજવા માટે કરે તો સ્વર્ગ એને અહીં જ મળે.

એક વખત મને આમ વિચાર આવ્યો,

હોડી હોય, અનંત સાગર હોય,

કોઈ એક પ્રિયજન સાથે હોય, થોડાં પુસ્તકો હોય,

ક્યાં જવાનું છે તે નક્કી ન હોય,

કેટલાક મિત્રોએ આ સાંભળીને મને કહ્યું,

કે આ તો કવિતા છે !

પણ કવિતાએ પોતે મને કહ્યું

કે એ જ તો જીવન છે.

સુખ શોધનારાઓને સુખ આ રીતે મળ્યું છે,

પોતાની મર્યાદા જાણીને એ મર્યાદાના કુંડાળામાં,

જે સુંદરમાં સુંદર રીતે પોતાનો વેશ ભજવી ગયા,

તે સઘળા સુખની ઝાંખી પામ્યા.

જીવન હોવું એનો અર્થ એ જ છે કે

સિદ્ધાંતો હોવા,

એના વિના માણસનો વિકાસ શક્ય નથી,

માણસની સૌપ્રથમ ફરજ જીવન જીવવાની છે,

એટલે કે જે જીવન ભાવનામાં આવે છે

એને જીવનમાં ઉતારવાની છે.

સઘળી ગેરવ્યવસ્થા આમાંથી જન્મે છે,

મનુષ્ય પોતાને ‘માલિક’ માને છે અને

‘માનવ’ નથી માનતો એમાંથી.

કોઈપણ ‘માલિક’ જો પહેલા ‘માનવ’ બને

તો ઘણાખરા પ્રશ્નો પતી જાય !

કવિતા વાંચવા માટે નથી

આત્માની સાથે વાત કરવા માટે છે.

માણસની પોતાની કહેવાય એવી એક વસ્તુ

એની પાસે છે

એ છે એની વિચાર કરવાની સ્વતંત્રતા

જો તેનો બરોબર ઉપયોગ થાય

તો એને વાણીની સ્વતંત્રતા નિરર્થક જણાશે,

એને તરત ખબર પડશે કે,

જરૂર તો વાણીના સંયમની છે,

વાણીની સ્વતંત્રતાની નહીં !

વય સાથે વૃદ્ધાવસ્થાને સંબંધ નથી,

વૃદ્ધાવસ્થાને સંબંધ છે યુગ સાથે,

જે યુગ સાથે રહી ન શકે તે વૃદ્ધ.

જે યુગને સમજે તે યુવાન.

આ એક નવાઈની વાત નથી ?

બીજમાંથી વૃક્ષ ઉગતું માણસો હંમેશા જુએ છે,

છતાં શિશુમાંથી સમાજ થવાનો છે એમ કોઈ માનતું જ નથી.

જે મળ્યું છે એનો હીન ઉપયોગ કરવો

એના જેવી બીજી કોઈ જ અધાર્મિકતા નથી.

મૈત્રી માણસ – માણસની સમજણ માટે છે,

અત્યારે એનો ઉપયોગ અરસપરસ મળવા માટે,

સાહેબજી હાજી કરવા માટે,

બહુ તો ચા-પાણી માટે અને વધુ તો

પાછળની નિંદા માટે થાય છે.

આ ભણેલા જીભમિત્રો – ઈશ્વર એમનાથી બચાવે !

નિવાસ બાંધો ત્યારે એમાં જીવન જીવવા માટેના માળાની તૈયારી રાખજો,

એમાં ઠઠારો ઓછો કરશો તો ચાલશે,

પણ તમારો એ માળો છે એ ભાવના હણાય

તો એનો હેતુ માર્યો જશે.

પછી એ નિવાસ નહીં હોય,

શ્રીમંત ભિખારીનો મહાલય હશે.

‘પુસ્તકોને તમે ધિક્કારો છો, કાં?’

‘કોઈ ફિકર નહીં, દરેક પ્રજાએ પડતા પહેલાં એમ જ કર્યું છે.’

નબળો માણસ નીતીના ચાલુ ધોરણ સ્વીકારી લે છે,

સમર્થ માણસ પોતાની નીતીના ધોરણ જાતે ઘડે છે.

પોતાની વૃત્તિઓના અભ્યાસમાંથી માણસ જે મેળવી શકે,

એ વિશ્વની તમામ સમૃદ્ધિ કરતા વધુ મૂલ્યવાન હોય છે.

ફનાગીરીને વર્યા સિવાય સત્યની શોધ કોણ કરી શક્યું છે ?

કરુણ મૂર્ખતા તો આ છે –

સત્યની વાત કરવી અને ફનાગીરીથી ભડકીને ભાગવું.

બિલિપત્ર

આપત્તિ સહન કરવાની શક્તિ વિરલ છે,

પણ સંપત્તિ સહન કરવાની શક્તિ તો અતિવિરલ છે.

-ધૂમકેતુ

એક ચિનગારી જેમજ જેમ જ જયારે ધૂમકેતુનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તણખા'નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્‍યારે સાહિત્‍યાવકાશમાં આ તણખાના તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠયા. પહેલા જ પુસ્‍તકથી સર્વશ્રેષ્‍ઠ વાર્તાકાર તરીકે પ્રજામાં હૃદયમાં છવાઈ ગયેલા ગૌરીશંકર ગોવર્ધનરાય જોષી ‘ધૂમકેતુ'નો જન્‍મ તા.૧૨/૧૨/૧૮૯૨ના રોજ સૌરાષ્‍ટ્રના હાલ રાજકોટ જીલ્લાના વીરપુર (જલારામ) ખાતે થયો હતો. તેઓ ત્રણ ભાઈ હતા અને ધૂમકેતુ સૌથી નાના હતા. બાલ્‍યાવસ્‍થાના તેમના નામ મણીરાય અને ભીમદેવ હતા. તેમના પૂર્વજો બગસરા ભાયાણી પાસેના કેરાળા ગામના વતની હતા. ધૂમકેતુના પૂર્વજોનું કુટુંબ ભાભાના નામથી ઓળખાતું. આ ભાભા કુટુંબના બે વડીલો જીવરામ બાપા અને રતનજી બાપા બંને કેરાળા છોડીને જલારામ બાપાના વીરપુર આવેલા. જીવરામબાપાના વંશજ સ્‍વ. ગોવર્ધનરાય જોષી સંવત ૧૮૪૧ માં એટલે કે ૧૮૮૬માં વીરપુર આવીને વસ્‍યા હતા. તેઓએ જીવનભર ગોરપદુ અને વૈદકની સલાહ તથા પોતે બનાવેલી દવાઓ પણ આપતા.

તેઓ મેટ્રીક થયા ત્‍યાં સુધી તેમની ગણના કવીરાજ તરીકે થવા લાગી હતી. તેમણે બી. એ., એમ. એ., એલ. એલ. બી.નો અભ્‍યાસ કર્યો. ધૂમકેતુને નાનપણથી વાંચનનો શોખ હતો અને પિતાએ વસાવેલા પુસ્‍તકો વાંચતા.

ધૂમકેતુએ બીલખામાં સંસ્‍કૃત ભાષા ઉપર પ્રભુત્‍વ મેળવ્‍યુ હતું અને તેઓ શ્રી નથુરામ શર્માની છાયામાં આવવાથી જીવનના ઘડતરમાં ‘શુદ્ધ મનોબળ' નામનો લેખ ધૂમકેતુનો પ્રકાશિત થયો હતો. ૧૯૨૦ સુધીમાં તો તેમણે લેખન ક્ષેત્રે સારી પ્રગતિ કરી. શ્રી અમૃતલાલ શેઠના રાણપુરથી ‘સૌરાષ્‍ટ્ર' સાપ્‍તાહિકમાં તેમની ‘પૃથ્‍વીશ' નવલકથાના હપ્‍તા શરૂ થયા. ૧૯૨૩માં તેઓ અમદાવાદ ખાતે સ્‍થાયી થયા હતા.

એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકાલેખનની આબોહવા સર્જાઈ હતી પણ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાયા. એમની નવલિકાઓમાં સામાન્ય, દીન દરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ક્રાંતિકારક હતો. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે તો વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓ સંગ્રહસ્થ છે.

તેમણે અનેક હૃદયસ્‍પર્શી, ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી છે. એમનામાં રહેલા શિક્ષકે પ્રૌઢ શિક્ષણ વાંચનમાલા, સંસ્‍કારકથાઓ, બોધકથાઓ, મહાભારતની વાતો તેમજ ટાગોર - જીબ્રાન વગેરેની વાણી ગુજરાતને પીરસી લોક શિક્ષણનું કાર્ય કર્યુ છે. ‘નવચેતન' માં ‘પૃથ્‍વીશ' ધારાવહીરૂપે પ્રગટ થઈ હતી. ‘ચાઘર' ની સાહિત્‍ય ગોષ્‍ઠિમાં ભાગ લેતા તેમની ‘પોસ્‍ટ ઓફીસ' નામની વાર્તા દેશ-વિદેશની દસેક જેટલી શ્રેષ્‍ઠ વાર્તાઓના સંગ્રહમાં સ્‍થાન પામી. અવંતિનાથ, આમ્રપાલી, ચૌલાદેવી, રાજસન્‍યાસી, કર્ણાવતી જેવી નવલકથા અને પાનગોષ્‍ઠિ જેવા નિબંધ સંગ્રહો તેમણે આપ્‍યા છે. તેમણે ગુજરાતના લોકોને નાના - મોટા ગણીને ૨૦૦ જેટલા પુસ્‍તકોની ભેટ આપી છે.

ગાંધીજીની ચળવળે લોકોનું ધ્‍યાન શહેરો તરફથી ગામડા તરફ દોર્યુ. તે સમયે ધૂમકેતુની વાર્તાઓ ગામડાની વાતો કરતી આવી પહોંચી. ઘણા બધાનું જીવન ઘડતર કરવામાં આ વાર્તાઓએ પરોક્ષ ફાળો આપ્‍યો. લોકહૃદયમાં આ વાર્તાઓએ જે સ્‍થાન મેળવ્‍યુ છે. તેનું સનાતન મૂલ્‍ય હંમેશને માટે રહેશે. ગુજરાતના ટુંકી વાર્તાના પ્રથમ કક્ષાના સર્જક તરીકે તેમનું નામ કાયમ રહેશે. અમેરીકામાં ‘ટુ સ્‍ટોરીઝ ફ્રોમ મેની લેન્‍ડઝ' વાર્તાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. આ પુસ્‍તકમાં ૪૦ રાષ્‍ટ્રોની વાર્તા છે. ભારતનું પ્રતિનિધિત્‍વ પોસ્‍ટ ઓફીસ (ધ લેટર) વાર્તા કરે છે. તેમના વાર્તાસંગ્રહો અને નવલકથાઓ હિંદીમાં પણ ભાષાંતર થઈ ગયા છે. પોતાનું જીવનચરિત્ર ‘જીવનપંથ' અને ‘જીવનરંગ' તેમણે બે પુસ્‍તકોમાં આલેખ્‍યુ છે.

બોંતેરમું વર્ષ હતું ત્‍યારે ‘ધ્રુવાદેવી' નવલકથા લખાઈ રહી હતી ત્‍યારે તેમને હર્નિયાનો દુઃખાવો થયો અને હોસ્‍પિટલમાં દાખલ કર્યા. તા. ૧૧/૩/૧૯૬૫ ના રોજ તેમનો સ્‍વર્ગવાસ થયો. તેમના પત્‍નિ કાશીબેને તેમની સાહિત્‍ય સેવાને માટે બહુ પ્રેરણા આપી હતી. શ્રી ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુન્‍શી જેવા સાહિત્‍યકારોએ તેમને ભાવાંજલી અર્પી હતી. ધૂમકેતુ નિખાલસ હૃદયના હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા ધૂમકેતુ આપણા સૌના માટે ગૌરવરૂપ છે , અને ગુજરાતી સાહિત્યમાં એક તણખો ભૂંસાઈ ગયો પણ તેઓશ્રી તેમના સાહિત્ય દ્વારા શાશ્વત રહેશે.

  • રિયા ઉર્વશી માંકડ