પ્રેમ – મારી નજરથી Zalak Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ – મારી નજરથી

પ્રેમ – મારી નજરથી

પ્રેમ – એક ભીની સુંવાળી લાગણી

પેટમાં પતંગિયું ઉડ્યુંને ઉપરની લીટી વાંચીને !?!?! (જવાબ નહી આપો તો ચાલશે, હું સમજી ગઈ.. ;)) ઘણું બધું બીજું પણ સમજુ છું. પણ બધું ક્યાં શબ્દોમાં કહેવાય છે. પ્રેમ પણ એમાંથી એક છે, તો પણ શબ્દો શોધવાનો આજે પ્રયન્ત કરીશ.

આ ટેકનીકલ ગર્લ જેટલો ટેકનોલોજીને જેટલો પ્રેમ કરે છે એનાથી પણ વધારે એની લાગણી ને કરે છે. પ્રેમની ક્યાં ટેકનોલોજી છે. એતો માત્ર ટેલીપથી છે. (મારો જાત અનુભવ છે આ) પ્રોફેશનથી tester છું પણ મેં મારી લાગણીઓને કોઈ વાર test નથી કરી. હું મારી લાગણીને taste કરી શકું test નહી. મારા શિવજીએ મને એ શીખવાડ્યું જ નથી.

પ્રેમ – એને મળવાની ઈચ્છા એટલે સાગરને મળવા દોડતી નદી યાદ આવી જાય.. ખરુંને!!?!?!

બધા કહે છે કે પ્રેમ અધુરો રહી જાય છે, કારણ કે એ પ્રેમમાં અઢી અક્ષર છે અને અઢી અક્ષર અધૂરા કહેવાય!!! પરંતુ હું કહીશ કે પૂર્ણ પણ અઢી અક્ષર જ છે, તો પ્રેમ હંમેશા પૂર્ણ જ હોય છે.!!! અધુરી રહી જાય છે આપણી આપણા સ્વજન પ્રત્યેની અપેક્ષાઓ। ને દોષ બધો આવે છે પ્રેમ પર. ખરુંને?!! લાંબો વિચાર કરજો, જવાબ ફક્ત હા જ આવશે। (આ એક સત્ય અનુભવ છે)

પ્રેમ કરો એટલે અધુરો જ રહેશે એવું શું કામ વિચારવાનું ?! જે તમારું છે એ તમારાથી દૂર ક્યાંય જતું જ નથી. એતો બસ પરિસ્થિતી થોડી આડીઅવળી સર્જાય છે. પણ આખરે આપણું આપણી જોડે આવે જ છે. શું તમે તમારા પ્રેમ માટે પરિસ્થિતીનો સામનો કરવા જેટલી હિંમત પણ ના રાખી શકો ?! તો મને આશ્ચર્ય જરૂર થવાનું.

પ્રેમ શબ્દનો યાદ કરો ને કૃષ્ણને યાદ ના કરો એવું બને જ નહિ. રાધા-કૃષ્ણ અને મીરાં-કૃષ્ણને તરત જ બધા યાદ કરે. રુક્ષ્મણીજી કૃષ્ણના પત્ની હતા પણ બધા યાદ તો રાધાને કરે. સત્ય છે હું પણ સંમત થઈશ. પરંતુ, કોઈ એ વિચાર કર્યો છે કે પ્રેમ તો શિવજીએ એ પણ પાર્વતીને કર્યો હતો. એક પોતાનું સ્વમાન મુકીને દક્ષના યજ્ઞમાં ગયાતા એ પ્રસંગ યાદ કરી લેજો. બધા કહે છે પ્રેમ હોય તો રાધા-કૃષ્ણ જેવો. પરંતુ હું કહીશ કે પ્રેમ હોય તો શિવ જેવો. ભલેને કોઈ માને કે ના માને. હું તો એવું જ માનું છું ને એવું જ માનવાની છું કે પ્રેમ હોય તો શિવ જેવો. મને હંમેશાથી એવું લાગે છે કે શિવને પાર્વતી માટે વધારે પ્રેમ હતો, કૃષ્ણના રાધા માટેના પ્રેમ કરતા.મારા શિવજી પર કોઈએ ધ્યાન આપ્યું જ નથીને.આ કહું છું ત્યારે મનેએ પણ યાદ છે કે પ્રેમ ની તુલના કરવી એ કોઈ કાળે યોગ્ય વસ્તુ નથી. કરાય પણ નહિ, હું એ વાત સાથે સંમત છું. કદાચ આ તુલના કરતા વધારે મારા વિચારો જ છે. મને એ પણ ખબર છે કે આ લાગણીને માપવી એ એનું અપમાન કહેવાશે. આ કંઈ માપવાની વસ્તુ નથી, એનેતો માત્ર અનુભવવાની હોય.

કોણ કહે છે પ્રેમ ફક્ત પ્રેમી/પ્રેમિકા વાળો જ હોય છે.?! પ્રેમ તો કોઈ નો પણ હોઈ શકેને? માં-બાપ, મિત્ર, સખી, ભાઈ, બહેન કે કોઈ બીજાનો પણ.!! એ ક્યાં કોઈનો બંધાયો છે અને બંધાશે?!! પણ આજકાલ મેં એવું વધારે જોયું છે, કે જેવું પ્રેમ શબ્દનો ઉપયોગ કરોકે તરત જ લોકોને પ્રેમી/પ્રેમિકા સિવાયના વિચાર આવતા જ નથીને. આ પણ મેં એમ જ નથી લખ્યું સો ટકાવાળો જાતઅનુભવ છે. આનાથી પણ વધારે જયારે જયારે પ્રેમ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે ત્યારે લોકો એને સીધું જ શારીરિક સંબંધ સાથે જોડી દે છે. આમાં કોઈ એક જ વયનો વર્ગ નથી આવતો, ઘણા બધા આવે છે. શું આ લાગણી આટલામાંજ સમાઈ ને રહી ગઈ છે?? ઘણા લોકોની ગેરસમજને દૂર કરવા પ્રયત્નો કર્યા છે, પણ મને આનો કોઈ ઈલાજ દેખાયો નથી. ગુજરાતીમાં કહેવત છે ને કે “લોકોનાં મો પર ગરણું નથી દેવાતું!” આ કહેવત મને ત્યારે સમજાણી।. હું આવા લોકોની માનસિકતા સમજી નથી શકી અને મારે સમજવી પણ નથી. એમનાં એ વિચારોને દૂરથી જ નમસ્કાર.

કેટલાય લોકો આપઘાત કરે છે એમ કહીને કે અમે આખી જિંદગી સાથે નથી રહી શકીએ. તો એનાથી શું તમારો પ્રેમ મારી જવાનો છે દૂર રહેવાથી? આતો માત્ર પરિસ્થિતિ છે. સાથે રહેવાને જ પ્રેમ કહેવાય એવું કોણ કહે છે? મનેતો એવું લાગે કે દુનિયાનું આ અંતર તમારી લાગણીને વધારી કે ઘટાડી શકતું નથી.! આજકાલ મેં ઘણીવાર અનુભવ કર્યો છે કે સાથે બેઠેલા લોકો ઘણા દૂર લાગે અને હજારો કીલોમીટર દૂર હોય એ પણ સાવ નજીક લાગે. ઘણા માણસોનો પ્રેમ એવો હોય છે કે દુનિયાની નજરે અંતર ભલે હજારો કીલોમીટરમાં હોય પણ આ લાગણી અને એનો એ અનુભવ તમને કહી જાય કે એ અહી જ છે તમારી નજીક જ. એકદમ નજીક. મન કહી જાય મારા અને મારા સ્વજન વચ્ચે અંતર છે જ ક્યાં?!! (અહો આશ્ચર્યમ ને!! પણ મારા માટે સત્ય છે)

પ્રેમ કરો એટલે અધુરો જ રહેશે એવું કેમ માની લેવાનું? જે તમારું છે એ તમારાથી ક્યાંય દૂર જતું જ નથી. એતો ફક્ત પરિસ્થિતિ થોડી અનુકુળના હોય એવી સર્જાય છે. શું તમે તમારા સ્વજન માટે અને એમના પ્રેમ માટે એટલું પણ સામનો નથી કરી શકો એમ? જો જવાબ ના હશે તો મને આશ્ચર્ય થશે!!! પ્રેમ દુઃખ જ આપશે એં કેમ વિચારે છે બધા હજુ સુધી હું સમજી નથી શકી. કદાચ મને હવે એ સમજવું પણ નથી. કારણ મને ખબર જ છે. પ્રેમ દુઃખ નથી આપતું, દુઃખ આપે છે તો તમારી આશાઓ અને અપેક્ષાઓ. પ્રેમના બદલામાં પ્રેમ જ મળશે એવી અપેક્ષઓ. થોડો લાંબો વિચાર કરજો, સમજાઈ જશે. મેં તો અનુભવ પણ કરી લીધો છે. તમે પણ કરજો, પછી તમે પણ નહિ માનો કે પ્રેમ દુઃખ આપે છે. કોઈને નિસ્વાર્થ પ્રેમ કરી જુઓ, બધું સમજાઈ જશે. હું મારા સ્વજનને પ્રેમ કરું છું, એ પણ કોઈ જ આશા વગર. હું ખુશ છું. તમે પણ પ્રયત્ન કરજો , આશા છે કે તમને પણ ખુશી મળશે જ.!!

પ્રેમ – ક્યાં નથી. તમે આસપાસ નજર તો કરો જરા બધે જ દેખાશે તમને.

  • નદી સાગરને કરે છે એ.
  • આકાશ ધરતીને કરે છે એ.
  • સુરજ વાદળને કરે છે એ.
  • છેલ્લું છે પણ છેલ્લું નથી એ તમારા સ્વજનનો એ હુંફાળો સ્પર્શ.