બુક રીવ્યુ: "શ્યામ એક વાર આવોને આંગણે"
લેખક: દિનકર જોશી.
શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું છે. હું કૃષ્ણને “ ફેક્ચ્યુઅલી મેનીપ્યુલેબલ ગોડ" કહું છું. કૃષ્ણનો વ્યાપ એટલો છે કે એ આપણી કલ્પના મુજબના થઇ જાય છે. આપણે એને રમતું તોફાની બાળક પણ બનાવી શકીએ અને ગીતાનું જ્ઞાન આપનાર યોગેશ્વર પણ.! એવી જ રીતે કૃષ્ણના જીવનકાળની ઘટનાઓના પણ અલગ અલગ સંદર્ભો અને અર્થઘટનો થયા છે અને એ બધા પોતપોતાની રીતે પ્રસ્તુત પણ હોય જ છે. અને એટલે જ વાચકને પણ પોતાની કલ્પનાના કૃષ્ણ કોઈ ને કોઈ લખાણમાંથી મળી જ જાય છે.
દિનકર જોશીની વાત કરીએ તો “મહાભારતમાં માતૃવંદના” અને “પિતૃવંદના” પુસ્તકોમાં એમણે મહાભારતના સ્ત્રી તથા પુરુષ પાત્રોને અનુક્રમે માતા તથા પિતાના સ્વરૂપે વર્ણવ્યા છે. ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓ એ એમની નોંધપાત્ર દેન છે. કવિ નર્મદ, હરિલાલ ગાંધી, મહંમદઅલી ઝીણા, ટાગોર, સરદાર વગેરે પર એમણે નવલકથાઓ લખી છે. કૃષ્ણ પરના ગ્રંથોનો અભ્યાસ કરી, એના અર્થઘટનમાં કલ્પનાના રંગો પૂરી, આ પુસ્તકને નવલકથા સ્વરૂપે મૂક્યું છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે એમણે લીધેલા ગ્રંથ-સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. જે એમના જણાવ્યા મુજબ મહાભારત, હરિવંશ, શ્રીવિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત ઉપરાંત અગ્નિપુરાણ, બ્રહ્મવર્ત પુરાણ અને પદ્મપુરાણ તેમજ શ્રી બન્કિમબાબુથી લઈને કરસનદાસ માણેકના લખાણોનો ઉલ્લેખ કર્યો છે.
વાતની શરૂઆત અર્જુનવિષાદયોગથી થાય છે, પણ અહીં અર્જુનનો વિષાદ અલગ છે. કૃષ્ણનું દેહાવસાન થયું છે અને અર્જુનને કૃષ્ણવિહોણી દ્વારકામાં જવાનું છે, એ અર્જુનનો વિષાદ છે. એ પછી લેખક અર્જુન અને ઉદ્ધવના માધ્યમ દ્વારા કૃષ્ણના જીવનમાં આવેલા અનેક પાત્રોની મુલાકાત કરાવે છે જેમ કે વાસુદેવ-દેવકી, સત્યભામા, દ્રૌપદી, અશ્વત્થામા, અક્રૂર આ તમામને કૃષ્ણના જીવનકાળ દરમિયાન એમની સાથે અતિ નિકટથી માંડીને દૂરના સંબંધો રહ્યા હોય, છતાં તેઓએ કૃષ્ણને સમજવામાં, એમને માપવામાં, થાપ ખાધી છે. અને આજે જયારે કૃષ્ણ નથી ત્યારે તેમને એ સમયનું કૃષ્ણનું આચરણ અને એમની અમાપ શક્તિ અને પ્રેમ સમજાય છે.
સાથે સાથે લેખકે ઘણી એવી વાતો પણ મૂકી છે કે જે આપણે જાણતા હોઈએ, પણ એની પાછળની સંપૂર્ણ વિગત કે એનો સાર કે હેતુ જાણતા ન હોઈએ. જેમકે, “કાબે અર્જુન લૂંટિયો” વાળો પ્રસંગ, સ્યમન્તક મણીવાળો સંપૂર્ણ પ્રસંગ અને કૃષ્ણ “રણછોડ” કહેવાયા એ વાત અને એમ કહેવાવું એમણે શા માટે પસંદ કર્યું એ વાત પણ!
ઉપરાંત આ કથામાં કંસના જન્મ વિશેની પણ વાત જાણવા મળે છે. અહીં રામાયણ સાથે સરખાવીએ તો રાવણના સારા ગુણોનું ઘણી જગ્યાએ વર્ણન મળે છે, પણ કંસ વિષે આપણે મોટા ભાગે નકારાત્મક વાતો જ જાણી હોય. અહીં લેખક કંસના જન્મ વિશેનું રહસ્ય આપીને જણાવે છે કે કંસ એવો જુલ્મી થયો એમાં એના સંજોગોનો દોષ હતો. કંસની માતા એ અવહેલના સહેવી પડેલી. લેખક અહીં કંસ અને કૃષ્ણ વચ્ચે કંસની અંતિમ ક્ષણો એ સંવાદ કરાવે છે, જેમાં કંસ રાજ્ય નીતિ અને સામાજિક નીતિ વિષે કહે છે, “ જે સમાજે એક નિર્દોષ નારીની અવહેલના કરી, જેના પાતિવ્રત્યની પૂરી ખાતરી હોવા છતાંય માત્ર પ્રતારણા નો ભોગ બનેલી નારીને જે સમાજે આજીવન બહિષ્કૃત કરી, એ સમાજના આ નિર્વીર્ય વાદેરાઓને શાસન કરવાનો અધિકાર શી રીતે સોંપી શકાય?” અને એટલે જ એ ક્ષણે કૃષ્ણના મનમાં વરસો પછી કોઈક પળે ભૌમાંસુરના કારાવાસમાંથી મુક્ત થઇ, દ્વારકાના રાજમહેલમાં પ્રતિષ્ઠિત થનારી સ્ત્રીઓનું ભવિષ્ય કંડારાઈ ચૂક્યું હતું. પવન રેખા (કંસની માતા) યાદવ પરિવારોમાં ઉપેક્ષિત જીવન વ્યતીત કરી ચુકેલી એક નારી અને એને થયેલો અન્યાય પુનરુક્તિ પામે નહિ એ માટેનો નિર્ણય મનોમન પ્રગતી ચૂક્યો હતો.
અહીં એક બીજી વાત પણ લેખકે નોંધી છે કે યાદવ અક્રૂર પણ એક સમયે કૃષ્ણ પ્રત્યે છૂપો દ્વેષભાવ ધરાવતા હતા અને સત્યભામાને વરવા માંગતા હતા. એવી કબોલાત તેઓ ઉધ્ધ્દ્વ પાસે કરે છે.
હસ્તિનાપુરથી મથુરા થઈને અંતે ઉદ્ધવ છેક છેલ્લે કૃષ્ણના દેહવિલયના સમાચાર આપવા રાધા પાસે ગોકુળમાં પહોચે છે, અને ઉદ્ધવને કૃષ્ણના બાળપણ ની યાદો ઘેરી વાલે છે. કાલીય નાગના દમન વખતે કૃષ્ણ કહે છે, “હવ્વા, જળ, પૃથ્વી, આકાશ અને સૂર્ય, આ તો પંચમહાભૂતો ઉદ્ધવ! એ કોઈ વ્યક્તિના સ્વામિત્વ હેઠળ કડી ન મૂકી શકાય. એનો રક્ષક તો બહુજાણ હિતાય બહુજન સુખાય એના વ્યાપમાં સમષ્ટિને સમાવી લે.આ જળભંડાર મુક્ત થવો જ જોઈએ.
અને અંતે ઉદ્ધવ જયારે રાધાને મળે છે, ત્યારે દંગ રહી જાય છે. કેમકે રાધાને કાળ કે વૈધવ્ય કશું સ્પર્શ્યું જ નથી.! રાધા એવી ને એવી જ છે. રાધા કહે છે, “કૃષ્ણના સ્પર્શ પછી એ ભિન્ન દેહનું ભાન જળવાયું છે એ કેવડું મોટું આશ્ચર્ય કહેવાય.!” ફરી કહે છે, “વિદાયની ક્ષણે કૃષ્ણે કહેલું કે જ્યાં સુધી આ ક્ષણની સુગંધ જાળવી રાખીશ ત્યાં સુધી તને કોઈ વિખૂટી નહિ પાડી શકે! ઉદ્ધવ, કૃષ્ણે એમનો જ ત્યાગ કર્યો છે જેઓએ કૃષ્ણને વિદાય આપી હતી.” અને ત્યારે ઉધ્ધ્દ્વ સમજે છે કે જે ક્ષણથી કૃષ્ણે મથુરાગમન કર્યું એ ક્ષણથી કૃષ્ણનો વ્યાપ રાધાના અસ્તિત્વના રોમેરોમમાં ફરી વળ્યો છે. અને એ રાધાના વિશ્વના સ્પર્શે ઉદ્ધવની શૂન્યતા અને આસક્તિ પણ ખરી પડે છે અને તેઓ પણ હિમાલયમાં ચાલ્યા જાય છે.
અને આ પ્રવાસમાં જે લેખક કહેવા માંગે છે એ જ સમજણ આપણને પણ પણ આવે છે, “જે ક્ષણે આપણામાં ઉદ્ધવ અને રાધા શ્વસી લેશે, એ ક્ષણે અમૂર્તની ઝંખના પૂરી થશે. ઉદ્ધવ અને રાધા પોતાને આંગણે શ્યામને નોતરતાં નથી, કેમકે તેઓ સ્વયં, સદાય કૃષ્ણના આંગણે જ વસે છે.” ઉદ્ધવ અને રાધાની આ ભૂમિકાની શોધ એટલે આ નવલકથા.
“ત્વદીયં વસ્તુ ગોવિન્દમ તુભ્યમેવ સમર્પયેત” આમ કહીને કૃષ્ણને જ સમર્પિત કરાયેલી આ નવલકથા એક વાર વાંચીને શ્યામને આંગણે બોલાવાવનો અનુભવ કરવા જેવો ખરો.