ધૂમકેતુનો વાર્તાવૈભવ
સૌરાષ્ટ્રના જલારામ બાપાના ગામ વીરપુરના વતની એવા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ગુજરાતી ભાષાના કથા સાહિત્યના અગ્રણી વાર્તાકાર તરીકે સ્થાન મેળવનાર ધૂમકેતુ. ગુજરાતી ભાષાના નવલિકા સમ્રાટ એટલે ધૂમકેતુ. ગુજરાતને વાર્તાવંતુ બનાવનાર એટલે ધૂમકેતુ. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ધૂમકેતુનો ઉછેર થયો. બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન સમાજના સામાન્ય અને પછાત ગણાતા સ્તરની અનેક વ્યક્તિઓના સંપર્કમાં તેઓ આવ્યા હતા. સામાન્ય પ્રજાજીવન વિશેના જીવંત નિરીક્ષણો તેમની વાર્તાઓમાં વાંચવા મળે છે. તેઓ પોતે જ લખે છે, “ વીરપુરથી જેતપુર સુધીના આ ચાર ગાઉના રસ્તાએ મને જેટલો કલ્પના રસ પાયો છે એટલો ભાગ્યે જ બીજા કોઈ રસ્તાએ પાયો હશે.” કુદરતી સૌન્દર્ય નિહાળવાના સંસ્કાર ધૂમકેતુના સર્જક ચિત્તે ઝીલેલા છે.
૧૯૨૩થી તેઓ અમદાવાદમાં સ્થિર થયા. પહેલાં તેઓ શેઠ અંબાલાલ સારાભાઈની ‘ધી રીટ્રીટ’ બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ ૧૯૨૫થી સર ચીનુભાઈ બેરોનેટની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરીનું સ્થળાંતર કર્યું. આ ખાનગી શાળા સાથે દર ઉનાળે ભારતના જુદાજુદા સ્થળોએ પ્રવાસ કરવાનું બન્યું હતું. એ પ્રવાસના અનુભવો એમની ટૂંકી વાર્તાના લેખનમાં ક્યારેક કાચી સામગ્રી રૂપ બની રહેતા. આમ તો તેમણે ગદ્ય સાહિત્યનાં ઘણાં સ્વરૂપો ઉપર હાથ અજમાવ્યો છે. પરંતુ નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના સ્વરૂપે તેમને ચિર યશ અપાવ્યો છે.
૧૯૨૩મા ‘મળેલું’ નામે એમની પાછળથી ખૂબ જાણીતી બનેલી ટૂંકી વાર્તા ‘પોસ્ટઓફીસ’ ‘સાહિત્ય’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧’ વાર્તાસંગ્રહ પ્રગટ થયો.
ધુમકેતુએ વાર્તા લખવાની શરૂઆત કરી એ પહેલાં શહેરના શિક્ષિત સમાજનું જીવન આલેખાતું. એક મર્યાદિત ફલકમાંથી પાત્રો આવતા. પરંતુ ધૂમકેતુએ વાર્તામાં પરિસ્થિતિ, સ્થળ, કાળ અને પાત્રોનું વૈચિત્ર્ય અને વૈવિધ્ય આપ્યું. છેવાડાના, તરછોડાયેલા સ્થળે પણ પ્રેમનું સંવેદન વસી શકે છે એ ધૂમકેતુએ બતાવવાની શરૂઆત કરી. ટૂંકી વાર્તાના ફલકને એમણે વિશાળતા અર્પી. ગુજરાતના ગામડાથી માંડીને હિમાલયની પર્વતમાળા સુધીની સફર એમની વાર્તાઓમાં ફલિત થાય છે. તેમણે જ બતાવ્યું કે મનુષ્યના પ્રેમ, વિષાદ, વાત્સલ્ય જેવાં સંવેદનોને તેના સામાજિક મોભા સાથે કાઈ લેવાદેવા નથી. સામાજિક મોભો ધરાવતા એક શિક્ષિત પોસ્ટમાસ્તરમાં જે વાત્સલ્યભીનું પિતૃહૃદય ધબકી રહ્યું છે તે જ પિતૃહૃદય સમાજથી કંઇક તિરસ્કૃત એવા અને અશિક્ષિત ગરીબ કોચમેન અલી ડોસામાં પણ ધબકી રહ્યું છે. સામાજિક કે આર્થિક બાહ્ય આવરણોને ભેદીને પેલા સનાતન મનુષ્યના હૃદયધબકારને ધૂમકેતુની વાર્તાઓએ પ્રગટાવ્યો છે.
વાર્તા કહેવાની ધૂમકેતુની અનોખી છટા છે. ક્યારેક તો જાણે વાર્તા પ્રત્યક્ષ રીતે કહી સંભળાવાતી ના હોય એવો રણકાર એમાંથી જાગે. વાર્તાઓમાંથી બોલચાલના લહેકા પકડી શકાય છે. જેમકે તેમની ‘રજપુતાણી’ વાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.
ગુજરાતને પ્રાચીન તથા મધ્યકાલીન વાર્તાઓની ચાલી આવતી કળાને ટૂંકી વાર્તાના કલેવરમાં ઢાળી ધૂમકેતુએ પહેલી વાર આપી છે. ‘સોનેરી પંખી’ , ‘પૃથ્વી અને સ્વર્ગ’ તેનાં ઉદાહરણો છે.
પોસ્ટઑફિસવાર્તામાં પુત્રી મરિયમના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપવામાં આવ્યું છે. તેની આ લાગણીની મજાક ઉડાવનારો, ભદ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરનારો પોસ્ટમાસ્તર આ તીવ્રતા ત્યારે અનુભવે છે જ્યારે તેની બીમાર પુત્રીના વાવડ લાંબા સમય સુધી મળતા નથી. અને અલી ડોસાની પુત્રીના છેવટે આવેલા પત્રને તે જાતે આપવા જવા તૈયાર થાય છે. અંતે આ પત્ર જ ડોસાની મોક્ષપ્રાપ્તિનું કારણ બંને છે. આ ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકી વાર્તા છે. ‘ધ લેટર’ કરીને તેનો અંગ્રેજીમાં અનુવાદ પણ થયેલો છે.
ભૈયાદાદા પણ ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા છે. રેલવે અધિકારી ઉમરલાયક થયેલા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે. પચીસ વર્ષથી ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.
તો ‘જુમો ભિસ્તી’ વાર્તામાં જુમાનો સુખ દુઃખનો સાથી એવો એકમાત્ર પાડો ‘વેણુ’. જે તેની સમૃદ્ધિનો પણ સાક્ષી છે અને પડતીનો પણ. બીજા મિત્રો તો જુમાનો સાથ છોડીને ચાલ્યા જાય છે પણ વેણુ વફાદારી નિભાવે છે. અનેક રંગો જોયા પછી પણ જુમો ભિસ્તી અને વેણુ બંને સાથે હતા.લેખક પોતે જ તેમની ગાઢ મિત્રતાના સંદર્ભે કહે છે, “ અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા.” રેલવેનાં પાટામાં જ્યારે આ જ મૂંગું પ્રાણી વેણુ પોતાના માલિક જુમાને વેણુનો પગ ફસાઈ જાય છે અને જુમો તેણે બચાવવાના સઘળા પ્રયાસો કરી છુટે છે. છેવટે તે વેણુને વળગીને બેસી રહે છે. પણ ટ્રેન આવતાં વેણુ જુમાને હડસેલો મારીને તેનો જીવ બચાવે છે. વેણુ પર આખી ટ્રેન પસાર થઈને ચાલી જાય છે. લોહીનું ખાબોચિયું વાચકના રૂંવાડા પણ ઉભા કરી દે છે. જુમાના મુખે પડાતી બુમ ‘વેણુ, વેણુ, વેણુ’ આપણા અંતરમાં પણ પડઘાય છે.
તો ‘એક ભૂલ’ વાર્તા પ્યારેમોહન અને બંસીની પ્રેમકથા લઈને આવે છે. નાનપણથી સાથે શાક માર્કેટમાં ઉછરતા અને અચાનક વિખૂટાં પડી ગયેલા બે લાગણીસભર હૈયાં. શ્રદ્ધા અને આશાથી એકબીજાનો પ્રેમ પામવાની રાહમાં જિંદગી વિતાવે છે ત્યારે સ્મરણમાં થાય કે પ્રેમનું સંવેદન હિમાલયની ટોચથી બકાલીનાં શાકના બાચકાં સુધી વિસ્તરેલું શાશ્વત તત્વ છે.
શ્રોતામિત્રો, વાર્તાઓ તો એવી ઘણી છે જે આપણને ધૂમકેતુની રસળતી શૈલી અને કથાનક દ્વારા બાહ્ય દુનિયાથી વિમુખ કરાવે. તેમની વાર્તાઓમાં ધૂની કલાકારો, મસ્ત પ્રેમીઓ અને ખયાલેમસ્ત આદમીઓના પાત્રચિત્રણ ઘણાં મળશે. બુદ્ધિથી નહિ પણ માત્ર લાગણીથી વિચારનારા પાત્રો પણ અહીં છે. ગુજરાતના જીવનની તલપદીય સંસ્કારિતાને તેમણે મૂર્ત કરી છે. (સ્ત્રી હૃદય, ગોપાલ, એની સમજણ, સત્યનું દર્શન, ભૈયાદાદા, જુમો ભિસ્તી વગેરે)
આધુનિક યંત્ર સભ્યતાના ભણકારા ‘ભૈયાદાદા’ અને ‘કવિતાનો પુનર્જન્મ’ વાર્તામાં સંભળાઈ જાય છે.
ટૂંકી વાર્તાના આરંભમાં કઈ રીતે કાપો મુકવો, વાર્તાને મધ્યભાગમાં કઈ રીતે બહેલાવવી અને અંતિમ ચોટ શી રીતે મારવી એના એક સરસ ઉદાહરણ જેવી વાર્તા એટલે ‘પ્રેમાવતી’. તેજસ્વી પ્રેમાવતી અને એનો મડદાલ પતિનું વર્ણન અહીં કર્યું છે અને ફોજદાર દ્વારા તેની તેજસ્વિતાની ખંડીતતાનો પ્રયાસ કરવા છતાં પણ સ્ત્રીની આંતરિક તેજસ્વિતાનું હનન કોઈ કરી શકતું નથી, મૃત્યુ પણ નહિ એવી વાત પણ દર્શાવી છે.
અહીં માર્મિક વિનોદવૃત્તિ દાખવતી ‘એક ટૂંકી મુસાફરી’ , ‘હતા ત્યાં ને ત્યાં’ જેવી હાસ્યરસિક વાર્તાઓ છે તો ‘ભૈયાદાદા’માં બદ્રીનાથનો સ્થળપ્રેમ, ‘પોસ્ટઓફીસ’માં પિતૃપ્રેમ અને ‘જુમો ભિસ્તી’માં મિત્રપ્રેમ ખૂબ લાગણીસભર રજૂઆત પામ્યો છે. અહીં માનવેતર પાત્રો પણ એટલા જ સર્જનાત્મક અને પ્રતીકાત્મક રીતે ઉપસ્યાં છે. ‘ભીખુ’ વાર્તા દ્વારા આના-બે આના માંગીને પેટિયું રળતાં, સમાજથી તિરસ્કૃત એવા બાળક ભીખુમાં પણ પોતાનાં ભંડારડા પ્રત્યેનો પ્રેમ અને એમના માટેની ત્યાગ વૃત્તિ શહેરી રોશનીથી ઝળહળતા, દંભી અને કહેવાતા ઉચ્ચ વર્ણ પર કદાચ લપડાક જ છે. ‘ગોવિંદનું ખેતર’ વાર્તામાં ગ્રામીણ જનજીવન આલેખાયું છે. ‘એક વિચિત્ર અનુભવ’, ‘સરયુ નદીને કિનારે’, ‘પરિવર્તન’ વગેરે વાર્તાઓ શહેરી સમસ્યાને વિષય બનાવે છે.
નવલિકા લેખન ધૂમકેતુનો પ્રથમ પ્રેમ હતો.
રંગીન પાત્ર સૃષ્ટિ, પ્રકૃતિ વર્ણન દ્વારા કથાને આગળ વધારવી, રોમેન્ટિક શૈલી, ભાવ સભરતા, અંતની ચોટ, આરંભની ઉત્સુકતા, સરળ ભાષા શૈલી જેવાં લક્ષણો તેમની વાર્તાઓ ધરાવે છે. હા, વિષય અને શૈલીનું પુનરાવર્તન તેમની વાર્તાની મુખ્ય મર્યાદા છે. એટલે ઘણી બધી વાર્તાઓમાં પાત્રો નિર્જીવ રમકડાં જેવાં પણ બની જાય છે. ક્યાંક વાર્તા જીવનદર્શન કરાવતી સુત્રાત્મકતા પણ ધારણ કરે છે. લાગણી નિરૂપણની અતિશયતા પણ ક્યારેક કઠે છે.
તેમ છતાં ‘જુમો ભિસ્તી’, ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.
એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત જ છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’ (૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની ૫૦૦ જેટલી નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વાર્તાઓ પણ અહીં છે.
આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. તેમની વાર્તાઓ કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ – તણખો જ – મૂકે છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એમાં કોઈ બેમત નથી.