નજરઅંદાજ- નજરનો ખાસ અંદાઝ Hetal Rao દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નજરઅંદાજ- નજરનો ખાસ અંદાઝ

નજરઅંદાજ- નજરનો ખાસ અંદાઝ

નજરઅંદાજ શબ્દ हिन्दी ભાષામાંથી લેવાયેલો શબ્દ છે. हिन्दी શબ્દકોશમાં આ શબ્દનો અર્થ જણાવ્યો છે. ઉપેક્ષા કરવી, નાપસંદ કરવું, ઉદાસીનતા, તિરસ્કાર, નિરાદર, અવહેલના અથવા ધ્યાન ન આપવું વગેરે. આપણે આપણી રીતે તેના અર્થઘટનમાં “હશે હશે.... “ની લાગણી અથવા “let go”ની ભાવના તરીકે પણ મૂલવીએ છીએ.

પણ શું આપને અર્થઘટનો સુધી જ આપની જાતને સીમિત રાખીશું? શબ્દોનાં મર્મ અને હાર્દ સુધી પહોચવાનો પ્રયત્ન તો કરીએ!

“નજરઅંદાજ” શબ્દ સાંભળીને એવું લાગે કે કેટલો સહજ અને સરળ છે! લાગે કે હું એ કરી શકું છું “બડે આરામ સે...” કદાચ આપણામાંના ઘણા નથી જાણતા કે નજરઅંદાજ કરવાની પ્રક્રિયા તમે ધારો છો એટલી સહજ અને સરળ તો નથી જ. આમેય સહજતા અને સરળતા ય ક્યાં સહજ અને સરળ છે?

તમને આ અઘરાપણાનો અણસાર આ વાત પરથી આવશે. મારા એક મિત્ર દંપતી, એમની દીકરી કે જેની ઉંમર પાંચ વર્ષની છે અને જેને અંગુઠો ચૂસવાનીઆદત છે, તેને લઈને બાળકોના ડોક્ટર પાસે ગયા. આ આદત છોડાવવા માટે યોગ્ય ઉપાય બતાવવા જણાવ્યું. તો ડોકટરે ખૂબ જ સહજતાથી કહ્યું કે તમે જયારે તેની પાસે હોવ ત્યારે આ આદતને “નજરઅંદાજ” કરો. બસ, આટલું જ પુરતું થઇ પડશે. અને ધીરે ધીરે એની જાતે આ ટેવ ભૂલી જશે. આ ઉપાય સાંભળીને દંપતી મનમાં ખૂબ રાજીપો અનુભવતું હતું. કારણકે આટલો સરળ રસ્તો તેમને કલ્પ્યો નહોતો.

ઘર આવીને તેમણે પોતાની રીતે “નજરઅંદાજ” કરવાનું શરુ કર્યું. એકવાર, બેવાર, ત્રણવાર, ચારવાર, પાંચવાર, ..... બસ, પછી તો ન જ રહેવાયું. આ આદતને વળગી રહેવા માટે તેઓથી બાળકને વઢી જ નંખાતું. ગુસ્સો પણ થઇ જાય, રક્-ઝક્ પર વાત આવી ચડે અને ક્યારેક તો રુદનનો બંધ પણ તૂટી પડે. અથવા તો એવું પણ બનતું કે વાલી રીતસરની કાકલૂદી પર ઉતરી આવે અથવા લોભામણી કે લલચામણી શરતો અને અવનવા પ્રલોભનો ને પ્રસ્તાવોનો સિલસિલો શરૂ થાય.

જો કે આ બંનેય પરિસ્થિતિમાં નુકસાન વાલીને પક્ષે છે. તાત્કાલિક પરિણામ મળશે નહિ એ વાત વાલીએ મનમાં દ્રઢ કરીને પછી અન્ય પગલાં લેવાથી ઘણાં અંશે વર્તનમાં ફર્ક પડી શકે. કહેવાનો મતલબ એ નથી કે વાલી તદ્દન ખોટા છે. આપણે આપણા વ્હાલકેરાં બાળકને સરેઆમ, આમ ખરાબ આદતને વળગી રહેલાં ન જોઈ શકીએ . “એને નજરઅંદાજ ન કરી શકીએ.” ન ચલાવી શકીએ .

પણ એથી થશે શું? બાળક તો એની રીતે જ એનો જવાબ વ્યક્ત કરશે. અગાઉ કરતા પણ વધુ સજ્જડતાથી એ અંગુઠો ચૂસશે .

આ તો થઇ બાળકની વાત. પણ બીજા ઘણાં પ્રસંગો રોજ આપણી જિંદગીમાં, આપણી આસપાસ બને છે જેને નજરઅંદાજ કરીને ઘણાં પ્રશ્નોને સમસ્યા બનતા પહેલા ઉગારી શકાય છે. જેમ કે, તમારા પતિ અથવા પત્નીની રોજ નાહીને શરીર લૂછેલો ભીનો ટુવાલ પલંગ પર નાખીને ચાલ્યા જવાની આ ટેવ, તમે કેટલો સમય નજરઅંદાજ કરી શકો? અથવા તો ઓફિસેથી ઘરે આવીને પગમાંથી મોજા કાઢી ગમે ત્યાં નાંખી દેવાની ટેવ અથવા પત્નીની વગર પૂછે બધી વાતમાં સલાહ આપવાની ટેવ,..... આ યાદી ઘણી લાંબી થઈ શકે છે.

તમને ચોક્કસ થશે કે આ બધાને નજરઅંદાજ કરવું એ સહન કર્યા કરવા બરાબર છે અથવા તો જો એને રોકવામાં નહિ આવે તો એમાં ક્યારેય બદલાવ થવાનો જ નહિ.

નજરઅંદાજ કરવું એટલે એમ નહિ કે એને કંઈ જ ન કહેવું, બસ જોયા કરવું. તમે નમ્રતાથી એમ તો કહી જ શકો કે આજે હું ટુવાલ અથવા મોજાં લઇ લઉં છું પણ આવતીકાલથી તમે યાદ રાખીને ઠેકાણે મૂકજો. આમ કરવાથી સામાન્યતઃ ખૂબજ ટૂંકા ગાળામાં (દા.ત. પંદર દિવસમાં ) પૂરેપૂરું નહિ તો મહદંશે સારું પરિણામ મળી શકે છે. પણ ત્યાં સુધી, આપણે પોતાના મગજને ઠેકાણે રાખી, નમ્રતાથી, સહજતાથી , આ પ્રમાણે વાક્ય બોલવાની અને રૂમાલને ઠેકાણે મૂકવાની ધીરજ તો દાખવવી જ પડે .

આપણે પણ આપણા સિવાય બીજા કોઈની નાનકડી ભૂલનાં બદલામાં ‘લડી લેવાના’ લડાયક મૂડમાં વધારે હોઈએ છીએ. એથી સમસ્યા ઘટવાને બદલે વધુ ઉગ્ર બની જાય છે અને જો એમ ન કરતા હોય તો સામેલા માણસનાં માથે ટકોરા મારવાનું તો આપણે ભાગ્યે જ ભૂલીએ છીએ.

આપણે પોતાની જાતને આ દુનિયાના ખૂબ જ સારા, સજ્જન, સદ્ગુણોથી સભર અને એક મળવા જેવા માણસ માનતાં હોઈએ તો એમાં કંઈ જ ખોટું નથી. પણ, આપણી આસપાસનાં લોકોમાં, “આપણા” સદ્ગુણોનાં કોઠાર ઠલવવાનો આગ્રહ યોગ્ય તો નથી જ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એકસરખી નથી. તો બધાનાં વાણી, વર્તન, વિચાર એક જેવા ક્યાંથી હોય? તો શું બધી જ બાબતો કે આદતો જે સામાજિક અથવા વ્યવહારું યોગ્ય ન જણાય તો કાંઈ ન કરવું !! વાત એમ નથી. પરંતુ તત્કાલના ધોરણે બીજાઓને તમારા જેવા કરવાનો હઠાગ્રહ, દુરાગ્રહ સેવશો નહિ.

ભીતરથી, હ્રદયથી તે વ્યક્તિ માટે મોકળાશ અનુભવો. જયારે તમે, તે તમારાથી થોડો જુદો છે, એમ દ્રઢપણે માનવા લાગશો તો આ મોકળાશ એને વધારે સમય અને વધુ મોકા આપવાની વાત બહુ ઝડપથી સમજી શકાશે અને અમલમાં મૂકી શકાશે.

ક્યારેક..... કરી શકાય તેવા, આપણા રોજિંદા જીવનના અને સૌએ અનુભવેલાં ઘટનાક્રમો : આજે હોમવર્ક કરવાનો મૂડ નથી! ભલે, કંઈ વાંધો નહિ , નજરઅંદાજ કરો. “ કાલે કરી લેજે.” દીકરી સ્કૂલમાંથી વાળ છુટ્ટા કરીને આવી !! નજરઅંદાજ કરો , “ કાલથી બાંધીને આવજે.” ફલાણા સંબંધીના ત્યાં જવાનું હતું, ભૂલી ગયાં !!! કંઈ વાંધો નહિ , નજરઅંદાજ કરો, “ કાલે જઈ આવજો.” એ જ સમયે વાતનું વતેસર કરી, તમે બરાડા પડી, ગમે તેટલું સાચું બોલશો, એનો કોઈ અર્થ નથી સરતો. જો કંઈ ખરેખર અડી નાં પડ્યું હોય તો ક્યારેક નજરઅંદાજ કરવામાં ખૂબ જ મજા છે.

હા, છેલ્લે બે લીટીની શાયરી,

ફરી-ફરીને નજરો તારા પર જ ફરતી’તી, રૂપને નજરઅંદાજ કરવું કેટલું અઘરું છે !

-હેતલ રાવ