મનુન - ૧ Darshan Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનુન - ૧

પ્રસ્તાવના

એકાંતમાં જાણે અર્ધ-પારદર્શક વ્યક્તિત્વ ચળકતું રહે છે. જાત સાથે સવાલ-જવાબની કાર્યવાહી ચાલતી રહે છે. દિવસ કેવો રહ્યો તેનું પરિણામ પોતાના પક્ષમાં આવે તે માટે હું પુરેપુરી કોશિશ કરું છું. ક્યારેક બિજાને દુ:ખી કરી પોતે સાચા ઠર્યા તેની ખુશિ અનુભવાય, તો ક્યારેક પોતે સાચા હોવા છતા ખોટા ઠર્યા તેનું દુ:ખ થાય. અંતે દરેક સવાલના જવાબમાં મારો મારા પ્રત્યેનો પક્ષપાત અડગ રહે છે. વ્યક્તિત્વને જેવું છે તેવું સાચવીને છેલ્લા પન્ના સુધી પહોંચાડવા માટે પુરેપુરી કોશિશ કરી છે. અહીં લખેલા દરેક વિચાર દરેકને અર્થપુર્ણ લાગસે, તેવું નિરર્થક હું વિચારતો નથી. અને જે પણ વિચાર સાવ વાહીયાત લાગે, તે અવગણવા વિનંતી. આ મારો મારા પ્રત્યેનો પક્ષપાત સમઝીલો.

“પણ એક શરત એ,કે
વાક્યના સથવારે તો જ અર્થ જડશે...જે
વાતાવરણમાં ઘુંટ્યુ છે; તે
વાતાવરણ પામવું પડશે.”

૧ - હાઈવૅ

સાંજ તેનું બચ્યુ ખુચ્યુ અજવાળું સમેટવા માંડી હોય. ઈયરફોનમાં ચાલતા ગીત મારું ચાલવાનું સરળ અને ટુંકું કરી મુકે છે. જીન્સના ખીસ્સામાં હાથ અને હૈયામાં શ્વાસ ઉંડે સુધી ધકેલીને ક્ષિતિજ નિહાળતા જઇને ચાલી પડવાનું.

હૉસ્ટેલથી હાઇવૅ જતા લગભગ એક ગીત લાગે, કેટલો સમય કે કેટલા મીટર એ ખ્યાલ નથી. હાઇવૅ જઇને હું જેના ઉપર બેસુ તે પથ્થરથી શક્તિપુર કંઇક ફલાણા કિલોમીટર દુર હશે. રસ્તાથી વિરુધ્ધ દિશા તરફ ઢળેલો અને માથેથી ગોળાકાર એ પથ્થર પર બેસતા ફાવે નઇ, પણ ચલાવતો...

“અવાજશુન્ય અને અગણીતવિચારમય વાતાવરણ,

જાણે કોઇ બાળકને ખુલ્લો બગીચો જડી જાય છે.

એક ભીડ છે જેને સમઝી, સમઝાવી થાક્યો.

અને આ શહેરનો દરરોજ વ્યાસ વધી જાય છે.”

રોજ આ પથ્થર પર આવીને બેસવાનું આદત કહી શકાય. આમતો આ જગ્યા શહેરથી બહાર કહેવાય, પણ સતત આંખોમાં હેડ્લાઇટ્સની અવરજવર અને કાનમાં વાગતા હૉર્નસ તો ખરાજ. અને આ બધી ખલેલ સાથે તાલબધ્ધ લયબધ્ધ ચાલતા મારા ગીત. આ ઊંડા ઊંડા ગીત અને હવાકાંપ વાહનોના અવાજ વચ્ચે જે પ્રવાહ રચાય, તેની પાછળથી મારું મન ના પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય. આ સમયે હું મારી જાતનું બસ ‘હોવું’ અનુભવી શકુ છુ. સારા હોવું કે ખરાબ, હું વિચારવા નથી માંગતો.

“હ્રદયે ઠંડક, તળીયે તાપ,

તો ક્યારેક આંખે ચોમાસા આવતા રહ્યા...

આતો ગીત ખુબજ સારું હતું,

તો હાથ પકડી ચાલતા રહ્યા...”

એક સાંજની વાત છે, જેની રાત આજે પણ મારા મનમાં થઇ નથી. એક કાર ધીમી પડીને મારી આગળ આવી ગોઠવાઇ ગઇ. મને ખાતરી હતી કે કોઇ સરનામું પુછવા માટે જ કાચ ખુલ્યો હશે, અને હું એ વ્યક્તિ સાથે આંખ મીલાવ્યા વગર નિશબ્દપણે ત્યાંથી ચાલી નીકળ્યો...

એકધારું વિચારવાથી કે એકધારું જોઇ રહેવાથી જે નીપજ વહી નીકળે, તે કોઇ રસ્તે ચાલતું જોઇ જાય તો હાવભાવ શું આપવો???

ખેર, હું અને મારા ગીત...

“એક નિશાની જોઇને વળી જઉં છુ,

અને રોજ એ રસ્તાને મળી જઉં છુ.

ગુંચવણો દુર કરી દિવસના સફરની,

સાંજે પાછો ઘરે ફરી જઉં છુ...”

૨ - દોસ્તોની બેઠક

“જ્યારે દોસ્તોની બેઠકનું વાતાવરણ,

તારા નામે થાય.

મારી વાત ત્યાંથી શરું થાય,

કે,તારી વાત ના થાય.”

દોસ્તોની બેઠકમાં દરેક દોસ્તને દરેકની વાતમાં પુરી સમગ્રતા સાથે તલ્લીન થઇ જવાનો કાયદો છે (ભલે વાતમાં રસ હોય કે ના હોય). અને સાંજના વાતોએ વળગેલા જો રાત વટાવી ગયા, તો પછી ઘડીયાળને કોઇ ભાવ નથી પુછતું. અનુભવોની આપ-લે થતી રહે છે; અને તે અનુભવને યાદ કરવું અનુભવ્યા જેટ્લું જ રોમાંચક બની રહે છે.

“રાત્રે ઘરની વાટ વટાવીને,

ખાણી પીણી બધું જ પતાવીને,

ચીંતાવાળી વાતો ભુલાવીને,

વાતવાતમાં તાળીયો પડાવીને,

થઇ જશે કહી, ખભો થપથપાવીને,

વાતને પછી આમ આગળ ધપાવીને,

જ્યારે દોસ્તોની બેઠકનું વાતાવરણ...

૩ - સુશબ્દ

“અખુટ પ્રસંસા વિચારી વિચારી,

બસ નામ લખી કલમ સ્તબ્ધ છે.

તુ સુશબ્દોના વિશાળ ગધ્યનો,

શબ્દ સમુહ માટે એક શબ્દ છે.”

નબળી પરીસ્થીતી છે, અને હકારાત્મક વિચારે ચડ્યો છુ એવું નથી. મને ખરેખર એવું લાગે છે કે આજે છે એથી સારું જીવન હોય જ ના શકે. આપણે વાત વાતમાં નથી કહેતા! જેવો જેવો અનુભવ!!

તો, જો જીવનમાં એવા વ્યક્તિઓની કમી હોય કે જેમની તમે ખુલીને તારીફ ના કરી શકો, તો જાણવું કે કંઇક ગડબડ છે. આવા કીસ્સામાં માણસ આ બે વિકલ્પમાં અટવાઈ પડે... “કાંતો સંગત ઉપર શંકા કરી શકે, કાંતો વ્યક્તિને પરખવાના દ્રષ્ટિકોણ ઉપર.”

ઘણાખરા કિસ્સામાં જ્યારે સો સંગત બદલી દિધા પછીયે મેળ ના પડે ત્યારે જઇને માણસ બિજો વિકલ્પ પસંદ કરતો હોય છે. તો પહેલા કેમ નઇ?

“તને વાંચતો જઉં છુ, તને લખતો જઉં છુ.

ખોભો ભરી દરીયો છે’ને ડુબતો જઉં છુ.”

૪ - બારી

“જ્યાં એકાંત, બારી અને સ્વ મળી ગયા,

ત્યાં કંઇક અદભુત નજારા જડી ગયા.

અમૂક વીષય પર કવિતા બની ગઇ,

તો અમુક વિષય ભાષા બની ગયા.”

જ્યારે એકાંત, બારી અને સ્વ મળી જાય ત્યારે બારી અને અરીસામાં ફર્ક નથી રહેતો. જીવનની દરેક અવઢવનું નીધાન આ દિવાલમાં પડેલા બખોલામાંથી મળી રહે છે.

“નજરનો અંત દુર સૌથી આચ્છા ડુંગર સુધી હશે.

શરુઆત વિચારોની ત્યાંથી થશે કે, ત્યાં શું હશે?”

ઘડિયાળ ઘડી વાળીને મુકાઇ ગયા પછી દિવસ શું ને રાત શું?

“હજી ઊંઘ ક્યાંક વાટમાં છે,

હજી વ્યસ્ત કોઇક વાતમાં છે.

નજર સામા નજારા પર નથી,

વચ્ચે ક્યાંક અવકાશમાં છે.”

૫ - મથાળું

કેટકેટલી માથાકુટ પછી મથાળાને પહેલા પાને સ્થાન મળતું હોય છે. એક મથાળાને સમઝવા પુસ્તકના દરેક પાના મથી પડે, અને છતાંયે છેવાડે અલ્પવિરામ મુકવૂં પડે. એ જે એક શબ્દ છે, તેમાં છુપાયેલો અર્થ એક પુસ્તક પુરતો સિમીત કઇ રીતે હોય શકે? ખાસ કરીને ત્યારે જ્યારે તેમાં અનુભવ ઠલવાયા હોય.

અનુભવો સતત થતા રહે છે. અને અનુભવોથી થતા નફોખોટ એથીયે છેક સુધી થતા રહે છે. પરીણામે દિન-પ્રતીદિન પુસ્તકમાં નહીં તો વિચારોમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. પ્રશ્નો ઊભા થાય છે, આશ્ચર્યમાં પડી જવાય, ગુંચવાઇ અને અટવાઇ પણ...

“અઢળક અર્ધ, પુર્ણ, ઉદ્દ્ગાર, પ્રશ્નાર્થ પછીયે,

અલ્પવિરામ મુકવું છે...

અને પગને અંગુઠે મહત્તમ અધ્ધર થઇ,

માત્ર તારું નામ ઘુંટવું છે.”

૬ - ફક્ત ચાખી જ નથી

“ફક્ત ચાખી જ નથી,

બલ્કી પેટ ભરીને ખાધી છે.

કોઇ કઇ રીતે કહી શકે?

કે આ દ્રાક્ષ તો ખાટી છે.”

શિયાળ આપણને મન મનાવતા શીખવાડી ગયું નઇ? જોઇતી વસ્તુ જ્યારે ના મળે ત્યારે તેના પ્રત્યે અણગમો બતાવવા છપ્પનની છાતી જોઇએ. અને જ્યારે તે આપણને અતિશય મળી રહે ત્યારે અણગમો આપમેળે પેદા થાય છે. હદથી વધારે તો પ્રેમ પણ ના પચે, બીજી વાત તો દુરની છે.

શિયાળની દ્રાક્ષ ખાવા પ્રત્યેની ઇચ્છાશક્તિ જ નબળી હતી, બાકી દ્રાક્ષને ખાટી કહેવાનો હક એણે કોને આપ્યો?

“હસવું, રડવું, ગુસ્સો અને લાગણી,

ખર્ચી કેટલી છે જાણી ના...

તે તો છબછબીયા કરીને માપી લીધુ,

કે કોણ કેટલું પાણીમાં?...”

૭ - પ્રવાહ

“વ્રુક્ષ વાવવાથી જેમ ફળ ના થાય,

તેમ પ્રેમ લગ્ન કદી સફળ ના થાય.”

ઉપર લખેલા બીજા વાક્યમાં ઊંડી શ્રધ્ધા રાખનાર વ્યક્તિ પણ હોંશભેર હાથ અધ્ધર કરીને બોલી પડશે કે પહેલું વાક્ય તો ખોટું છે.

જો બરાબરની ડાબી બાજુએ પ્રેમ હોય, તો બરાબરની જમણી બાજુએ સુખ સિવાય બિજું શું હોય શકે? આ સમીકરણમાં ગાણીતીક દાખલા જેમ ડા.બા.=જ.બા. જેટલી સત્યતા રહેલી છે.

વ્રુક્ષ અને વ્યક્તિ બન્નેની બાબતમાં ‘જતન’ કરવાની વ્યાખ્યા ખોરવાઇ ચુકી છે. હત્તર જાતના રસાયણો વાપરીને, જતન કરવા જેવી મથામણથી છુટકારો મેળવીને, માણસ માનવસર્જિત સ્વાદથી ટેવાઇ જાય છે અને પછિ ગર્વભેર કહે છે કે અમારે ત્યાં તો હાઇબ્રિડ કેરી થાય છે. આવા કિસ્સામાં આંબો પણ એક વ્રુક્ષ હોવાની વીશાળતાથી વેગળો રહી જાય છે.

“ચાલ, મનના ખુણે થોડી આશા સાચવી રાખીયે,

ચાલ, શરુઆત કરી છે તો પ્રવાહ જાળવી રાખીયે...”

૮ - કિટ્ટા

“પરસ્પર અખુટ સંવાદો થકી

પ્રવાહમાં કેટલીયે ગર્તશ્રુંગ રચી.

ગરમાહટ જ્યારે હુંફ થવા મથી

ત્યારે, ચોમાસુ નામે ઘટના ઘટી.”

લ્યો, તપતપતા ઉનાળાને પણ ઠંડાહીમ શીયાળા સુધી પહોંચવું હોય તો આખેઆખુ ચોમાસુ વટાવવું પડે છે. વાત હિંસક નહીં પણ મિઠા ઝગડાની કરીયે...

ઝગડો થયા પહેલા, ઝગડો થયા પછી અને ઝગડો પુરો થયા પછિ આ ત્રણેય અવસ્થામાંની કઇ અવસ્થામાં તમને સામે વાળી વ્યક્તિ પ્રત્યે વધારે લાગણી હશે? જવાબ પણ સાવ ઝગડાળુ છે નઇ?

સંબંધો ફિક્કા ના પડી જાય તેની કાળજી રાખવી હોય તો ઝગડાને પ્રેમ કરવા જેવો છે. મિઠો ઝગડો દિવસે દિવસે બે વ્યક્તિના પ્રેમમાં વધારો કરતો રહે છે અને તે બે મુર્ખા હવે ઝગડો નહીં કરવાના વાયદા કરતા અને તોડતા રહે છે.

“બો દિવસે આજે એ સાથ થઇ;

તો થોડી ગમ્મતની મારી ઇચ્છા થઇ ગઇ...

પછી શાંતીથી ઘડીક વાત થઇ;

ત્યાં’તો મમત, મીઠો કજીયો અને કિટ્ટા થઇ ગઇ.”

૯ - કલ્પના

મનગમતી વસ્તુ/વ્યક્તિનું નામ પડતા જ મનમાં

તરત કલ્પી લેવાય...

કલ્પનાઓ કરવી કેટલી રોમાંચક હોય છે.

ખુલ્લી આંખે જાણે સપના જોવા.

આસપાસ શું ચાલે છે?

શું લેવાદેવા?

કોઇ મલકાઇ શકે,

કોઇ હસી શકે,

તો કોઇ રડી પણ,

કોઇ તારટપાલ નથી અહિં

માણસ આખેઆખો ફંગોળાય જાય છે

ફરવું હોય ત્યાં ફરે,

કરવું હોય એ કરે.

ના દોડવું પડે ના ચાલવું

હલવુંયે ના પડે

ના કાંઇ બોલવું…

કલ્પનામાં કાયદા કેવા?

અહીં પાંખો હોય છે

અને આખેઆખુ આકાશ

જેની જેટલી લાગણી

તેટલી પાંખો ખુલે

અહીં કવિતા લખી શકાય

ગીતો ગાય શકાય

ચિત્રો દોરી શકાય

રંગો પુરી શકાય

ચપટી પણ વગાડી શકાય

એક મિનીટ!

ચપટી પણ વગાડી શકાય?

“ક્યાં ખોવાય ગયો દોસ્ત?

તે પેલી નદી જોઇ? કેટલી સુંદર હ્તી ને?”, મિત્ર બોલ્યો.

“કાલે એમણે તને જોઇ હતી, ખુબ સુંદર લાગતી હતી;

...એવું મિત્રો કહેતા હતા...

આજે અમે ફર્યા તે જગ્યા પણ, ખુબ સુંદર લાગતી હતી;

...એવું મિત્રો કહેતા હતા...

૧૦ - સરવાળે

“પુરી કવિતાની આશા રાખી જ નથી,

ચલ થોડા શબ્દો બની તો જઇએ.

પછી કાવ્યપંક્તિના છેવાડે છેવાડે,

મારી મચોડીને મળી તો જઇએ.”

દુ:ખી થવા માટે પકડેલી આંગળી તરછોડી હાથની માંગણી કરવી ફરજ્યાત છે.

જીવનને જીવવા કરતાં જીવનમાં આગળ વધવું એ વધુને વધુ આગળ વધતું જાય છે. ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ખુશ ના જોઇ શકતી હોય તેમ અવારનવાર પુછ્યા કરે છે, કે આંગળી તો પકડી હવે હાથ ક્યારે પકડશો?

તો, વાત સાવ સીધી છે...

“કંઇક નવું આવે તેમ જતું જવાનું હતું,

અને ‘છે’ બદલાયને ‘હતું’ થવાનું હતું.

‘હશે માની લિધું, તે ખરેખર હશે ખરું?

કે, સરવાળે હતું ન હતું થવાનું હતું!”

૧૧ - સુરજનું તો રોજનું

“સો સુરજના સુર્યાસ્તની ગરજ સારે,

એવી સાંજ સપનામાં સુતી હતી.

સુંદરતાના અનુમાનની છેલ્લી શક્યતા સુધી,

તારી હકિકત આવીને ઉભી હતી..”

એક નીરર્થક વિચાર અહીં પ્રસ્તુત છે. જો સુરજ કોક’દી એક મહીનાની રજા લઇ બેસે, તો ત્રીસમી રાત્રે ઘરની છત ઉપરનો માહોલ જોવા જેવો હશે. દરેકના ચહેરાનું સ્મીત જવાનું નામ નહીં લે, અને આંખોમાં એક લાં...બી હાંસ્સ્સ... પણ હકીકત તો સાવ ફિક્કી ફસ્સ છે ને. સુરજ નિયમિત છે. આ સુરજનું તો રોજનું છે.

જો સુર્યોદય અને સુર્યાસ્ત જેવી અદ્ભુત ઘટના નિયમિત હોવાથી નોંધપાત્ર નથી રહેતી, તો તારા અને મારા મળવાની ઘટના ખુબ જ સારુ છે કે નિયમિત નથી.

આજસુધીના સૌથી સુંદર સુર્યાસ્ત કે જે કવિઓની કવિતાઓમાં અને લેખકોનાં લેખોમાં રચાયા છે, તેવા સો સુરજના સુર્યાસ્તની ગરજ સારે એવી સાંજ સપનામાં સુતી હતી...

૧૨ - તારા અને મારા વચ્ચે

“શું છે તારા અને મારા વચ્ચે?

આ સવાલ ચર્ચામાં છે...

જગ્યા નથી હવાને’ય સરકવા વચ્ચે,

લ્યો, જવાબ ચર્ચામાં છે.”

“ખુલીને પ્રેમ કરવાવાળાની

લોકો ચર્ચા કરે છે, અને

ચર્ચા કરવાવાળા પોતે

ચર્ચામાં ના આવી જાય,

તે માટે કાળજી પુર્વક

પ્રેમ કરે છે. બાકી

પ્રેમ તો દોસ્ત બધા જ કરે છે.”

હું આ કવિતાના પ્રેમમાં છુ...

“દુનિયા ટપકું બની ભુંસાઇ જાય,

એ ઉંચાઇએ બન્ને જવા જોઇએ...

કાં’તો મન ઉભરાઇ જવા જોઇએ,

કાં’તો હોઠ દુખી જવા જોઇએ.”

૧૩ - મોકળાશ

“એક કોરું કાગળ ફરી ચીતરાઇ જશે,

થોડું ભિંજાઇને ફરી સુકાઇ જશે;

છેલ્લે, થાકીને પછી ડાયરીમાં બાંધી,

નાનું યુધ્ધ ક્યાંક ખુણે મુકાઇ જશે.”

નાના મોઢે મોટી વાત ના થાય, તેની ખુબ કાળજી રાખી પણ થયું એવું કે મોટા મોઢે ખોટી વાતનું પ્રમાણ વધતું ગયુ, અને હવે એવી પરિસ્થિતિ આવીને ઊભી છે કે ‘નાના મોઢે, મોટી વાત કર્યા વિના છુટકો નથી. જવાનિયાઓના ટોળાનો હસવાનો અવાજ સંભળાય છે, જો ધ્યાનથી સાંભળો તો... સમાજ, ધર્મ અને જાતપાતના અમુક એવા કાયદાઓ ઉપર કે જેમાં કોઇ તથ્ય કે તર્ક નથી. છતાંયે તેઓ ઇજ્જતથી ચલાવે છે. અગર તેવા લોકો આ કવિતાઓ વાંચી રહ્યા હોય તો પુસ્તક સફળ થઇ.

“યુધ્ધને કાંઇ ખુણો ફાવતો હશે?

તેને તો મોકળાશ જ પરવડે...”

૧૪ – જીદ

“તેને જ લગતી દરેક વાતમાં;

આ ‘જ’ ખુબ જ જીદ્દી છે.”

“જીદ બઉજ સાચવીને કરવા જેવી છે. તે હંમેસા જીત હાંસલ કરે જ છે. પછી તે વ્યક્તિના હિતમાં હોય કે ના હોય.

એક વ્યક્તિ એક તરફી પ્રેમમાં પડે છે, અને તે સામે વાળી વ્યક્તિને હેરાન પરેશાન કરી મુકે છે. અહીં, ફક્ત પોતે ખુશ રહેવાની જીદ છે.

એક વ્યક્તિ એક તરફી પ્રેમમાં પડે છે, અને તે સામે વાળી વ્યક્તિને તેની રીતે જિવવા દે છે. અહીં બન્નેની ખુશીની જીદ છે.

જો વ્યક્તિની જીદમાં ક્યાંય હિત ના જડતું હોય તો તે વ્યક્તિ પ્રેમશુન્ય હોય શકે. પ્રેમપુર્ણ જીદના છેવાડે સાફસુતરી માણસાઇ અને સો ટંચની ભલામણ ઊભી હોય છે.

“જીદ જો જચે,

તો કવિતાઓ રચે છે.

અને અગર નહીં;

તો ક્યાં કોઇ બચે છે?”

૧૫ – તને કેવું લાગશે?

“આ જ બે સુંદર પંક્તિનું રહસ્ય, દુનીયા શું માનશે?

જવાબમાં પરત સવાલ છે; કે ‘તને કેવી લાગશે?’”

પેન પકડતા જ મુંઝવણોની મારામારી શરું, અને તેની શબ્દોમાં ગોઠવણી એટલે મારી કવિતા. મારો પ્રયત્ન મુંઝવણને શબ્દોમાં એવી રીતે ગોઠવવાનો હોય છે કે તેમાં લઘુત્તમ મુંઝવણ બચે. શુન્યત્તમ ની શક્યતા શુન્યત્તમ છે.

એકલા હાથે કરેલું કોઇ પણ કામ જ્યારે બીજાના માટે થતું હોય, ત્યારે પૂરેપૂરો શ્રેય માત્ર કામ કરનારને જ આપવો યોગ્ય નથી.

જેમ કે,

“આ જ બે સુંદર પંક્તિનું રહસ્ય, દુનીયા શું માનશે?...

૧૬ - નજીક-નજીક

વેગળા વેગળા કરી મુકવાનું કામ આ નકારાત્મક વિચાર સિવાય કોણ કરી શકે!

બે બાય ત્રણની બારીમાંથી ડોકીયું કરી વિચારીયે તો, પ્રુથ્વીની વિશાળ ક્ષિતિજરેખાના કોઇ એક બિંદુએ જે સુરજ ડુબકી લગાવે, તે તેમાં તેર લાખ જેટલી પ્રુથ્વી સમાવી શકે અને અધુરામાં પુરા, લોકોને નડતા ગ્રહો એકબીજાને નડ્યા વગર નિયમિતપણે જે સૌરમંડળમાં ફર્યા કરે, તેવાં સૌરમંડળ પૂરી આકાશગંગામાં લગભગ સો લાખ કરોડની સંખ્યામાં હશે, હવે વિચારને’ય ત્યાં પહોંચતા વિચાર કરવો પડે છે કે, બસ્સો પચીસ લાખ કરોડ આકશગંગા અખીલ સ્રુષ્ટિમાં પથરાયેલી છે.

“આપણે કેટલા નજીક-નજીક છીયે નઈ?

“વિચારોને પમાડતા એવા ભવ્ય મોકળાશમાં,

તુ સીમીત ત્યાં સુધી રહીજ નથી,

જ્યાં સુધી આંખોના તાબામાં સમાતા ક્ષેત્રફળમાં;

માત્ર આકાશ સિવાય બીજું કંઇજ નથી.”

“દરેક કવિતામાં મન ઢોળાયું છે,

હવે કાંઇ ભુસે નઇ તો વાંધો નઇ.

અધુરામાં પુરું જે લખ્યું તે આ છે;

હવે કાંઇ સુઝે નઇ તો વાંધો નઇ.”