એક ચાન્સ Soniya Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાન્સ

Soniya Thakkar

soniyathakkar.90@gmail.com

એક ચાન્સ

રવિવારનો સૂર્ય દરરોજ કરતા કૈંક અલગ હોય છે. ઊગે છે તો એના સમયે પણ લોકોની સવાર થોડી મોડી પડતી હોય છે. સવારના દસ વાગ્યા ને ધ્વનિની આંખો ખૂલી ! ચા બનાવી છાપું હાથમાં લેતા પહેલાં તારીખિયામાંથી પાનું ફાડ્યું, પણ એકને બદલે બે ફાટી ગયાં. ૩૦ નવેમ્બર ને સોમવાર પર નજર પડતાં જ ધ્વનિની આંખમાં એક ચમક આવી ને ગઈ થોડી ઉદાસી પણ વ્યાપી વળી.

૩૦ નવેમ્બર એની અને વ્રજની એ પહેલી મુલાકાત…

આજે બધું ફિલ્મની જેમ નજર સામે તરવરી રહ્યું.

‘ફ્રેન્ડ સાથે અમદાવાદ ફરવા જવાનો પ્લાન છે..’ એમ કહી સવારની અમદાવાદ તરફ જતી ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું. વ્રજ પણ આગલા દિવસે મિત્રના ઘરે અમદાવાદ પહોંચી ગયો હતો.

વોટ્‍સ અપમાં રાતે ૧૨ વાગ્યા સુધી વ્રજ સાથે વાતો કરી ધ્વનિએ સૂવાનો પ્રયાસ કર્યો, પણ વિચારોમાં અટવાઈ.

‘એ કેવો દેખાતો હશે? ફોટા તો જોયા જ છે, પણ રીયલમાં? હું વાત શું કરીશ?’ આવા અસંખ્ય વિચારો પથારીમાં પડખાં ઘસતાં રહ્યાં. અનેક વાર આંખો ખૂલી ગઈ ને ઘડિયાળ જોઈ પાછું દિલ મનાવ્યું કે સવાર પડવાને હજુ વાર છે.

એલાર્મ વાગતાં પહેલાં ઊઠીને જલદી તૈયાર થઈ સ્ટેશન પહોંચી ગઈ. પ્લેટફોર્મ પર એકલી પડેલી ધ્વનિને અનેક વિચારો ઘેરી વળ્યા.

એક વર્ષ પહેલાં ફેસબુક પર વ્રજની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સામાન્ય રીતે તે અજાણી વ્યક્તિને કોઈ દિવસ મિત્ર બનાવવાનું પસંદ ન કરે, પણ વ્રજની અજાણી પ્રોફાઈલ પણ જાણીતા હોવાનો આભાસ ઊભી કરતી હતી.

તેણે તરત જ માહિતી જોઈ.. કોઈ કંપનીમાં કામ કરતો વ્રજ વેરાણી કવિતાનો શોખીન હોય એમ લાગ્યું. જાત-જાતની પ્રેમભરી સુંદર કવિતાઓથી એનું ફેસબુક છલોછલ હતું. ધ્વનિ એક પછી એક કવિતા વાંચતી ગઈ. કોઈ હેન્ડસમ હીરો જેવો એનો દેખાવ હતો.

અવઢવને અંતે વ્રજની ફ્રેન્ડ રિક્વેસ્ટ તેણે એક્સેપ કરી.

બીજા દિવસે મેસેજ આવ્યા, ‘થેંક યુ ધ્વનિ જી.’ ‘હાઉ આર યુ?’

ફેસબુક પર અજાણ્યાને રીપ્લાય આપો પછી કેવો ત્રાસ શરૂ થાય તેનો ધ્વનિને અનુભવ હતો. એટલે વ્રજને જવાબ ન આપ્યો. પ્રત્યુત્તર ન મળવા છતાં દરરોજ વ્રજ તરફથી ‘હાય, ગુડ મોર્નિંગ, હેવ અ નાઈસ ડે’ના મેસેજ આવવા લાગ્યા.

ધ્વનિ પણ અજાણી સુગંધ તરફ ખેંચાવા માંડી. ધીમેધીમે વાતચીત શરૂ થઈ, ‘હાય’ ‘હલ્લો’થી શરૂ થયેલી વાતોએ અનેક શિખરો સર કરી લીધા.

હવે તો ધ્વનિની સવાર વ્રજના ‘ગુડ મોર્નિંગ’ના મેસેજ અને રાત ‘ગુડ નાઈટ’ના મેસેજથી થતી. તેમને ફેસબુકનું વળગણ નહીં પણ એકબીજાના સાથનું વ્યસન થઈ ગયું હતું. ફોટાની આપ-લે તથા નંબર પણ એકબીજા સુધી પહોંચી ગયા હતા! પણ ફોન પર વાત નહોતી થઈ.

એક દિવસ સવારથી વ્રજના મેસેજ નહોતા. છેલ્લા છ-આઠ મહિનામાં પહેલી વાર બન્યું હશે કે સાંજ થવા છતાં વ્રજ ઓનલાઈન ન આવ્યો હોય. અંતે રાત્રે ૮ વાગ્યે મેસેજ આવ્યો કે ‘આઈ એમ ઈન હોસ્પિટલ.’ ને તરત ઓફલાઈન !

ધ્રૂજતાં હાથે ધ્વનિએ પહેલી વાર વ્રજને ફોન લગાડ્યો… ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’ એટલા સરસ અવાજમાં વ્રજે કોલરટ્યુન પોતાના જ અવાજમાં મૂકી હતી કે તે સાંભળતી જ રહી ગઈ.

‘અચાનક શું થઈ ગયું?’થી વાતની શરૂઆત થઈ. અંતે જ્યારે ધ્વનિએ ફોન મૂક્યો ત્યારે તેના દિલમાં ઊંડે ઊંડે એક અહેસાસ થઈ ગયો હતો કે વ્રજ તેના જીવનમાં મિત્રથી પણ વિશેષ બની ગયો છે. બંને વચ્ચે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા. પેલી બાજુ વ્રજના ચહેરા પર એક અદ્‍ભુત સ્મિત હતું. અનાથ વ્રજને કોઈ મળ્યું હતું કે જે તેને સમજી શકે, ને દુઃખમાં પડખે રહી શકે. ધ્વનિના એક ફોને તેના જીવનમાં વસંતની ગૂંજ ઊભી કરી હતી. દર્દની દવા તેને હાથ લાગી હતી.

અચાનક જ ટ્રેનની વ્હીસલ વાગી અને ભૂતકાળમાંથી ધ્વનિ બહાર આવી. ઝડપથી ટ્રેનમાં ચડી એક જગ્યા શોધી ગોઠવાઈ ગઈ.

વોટ્‍સ અપ ચાલુ કરી વ્રજને મેસેજ કર્યો, પણ એ ઓફલાઈન હતો. આંખો બંધ કરી તે યાદોમાં ખોવાઈ ગઈ.

દવાખાનેથી પાછા ફરીને વ્રજે પહેલાંની જેમ જ ફેસબુક પર મળવાનું ચાલુ કરી દીધું. હવે બંનેની વાતોમાં એકબીજા માટે કાળજી છલકાતી હતી.

‘પ્લીઝ, મારે તને એક વાર મળવું છે.’ વ્રજ રોજ એક જ જીદ કરતો.

‘ના.’ ધ્વનિ પાસે પણ એક જ જવાબ હતો.

‘કેમ?’

‘એમ જ.’

વ્રજને આ ‘એમ જ’નો જવાબ ગળે ઊતરતો નહોતો.

‘ધ્વનિ તારે આજે કહેવું જ પડશે.’ કોઈ બીજી વાત કર્યા વગર વ્રજે ફોનમાં સીધું જ પૂછી લીધું.

‘શું?’ ધ્વનિ વિચારે ચઢી.

‘એ જ કે તું મને કેમ મળવા નથી માગતી.’

‘પ્લીઝ યાર, આ વાત નહીં..’

‘તને મારા સમ છે.’ વ્રજની જીદ અડગ હતી.

થોડી વારની ખામોશી પછી વ્રજને આખરે જવાબ મળ્યો ખરો !

‘વ્રજ ! તને ન મળવાનું મારી પાસે કોઈ રિઝન નથી, પણણ..’

‘તારી ગાડી આ પણણ પર જ આવીને કાયમ અટકી જાય. મન થાય છે કે ડિક્ષનરીમાંથી આ પણ જ કાઢી નાખું.’ આટલું સાંભળતાં ધ્વનિના ખડખડાટ હાસ્યએ વ્રજને વિમાસણમાં મૂકી દીધો.

‘ધ્વનિ, મારે તારું આ મુક્ત હાસ્ય મારી આંખોથી જોવું છે. ક્યાં સુધી આમ ફેસબુક, વોટ્‍સ અપ કે ફોનથી જ વાત કરતા રહીશું. માત્ર એક વાર મારે તને મળવું છે.’

‘વ્રજ, હું માનું છું કે ઓનલાઈન સંબંધો આપણી ઓફલાઈન જિંદગીમાં ભારે ઝંઝાવાત ઊભો કરતા હોય છે. સોશિયલ મીડિયા સિવાય મારી એક દુનિયા છે અને તું એમાં ક્યાંય નથી. આપણી ઓનલાઈન મિત્રતા સીમિત રહે તો સારું. મને ડર છે કે ક્યાંક..’

‘તું બહુ વિચારે છે યાર… જીવનમાં આટલું વિચારવાનું ન હોય. મન ભરીને માણવાનો સંબંધને. પછી ભલે એ ઓનલાઈન હોય કે ઓફલાઈન. મારે તારી દુનિયામાં એક સ્થાન જોઈએ છે એટલે જ તને મળવું છે.’ વ્રજે સ્પષ્ટ વાત કરી.

‘સારુ, માત્ર એક વાર… પછી બીજી વાર જીદ નહીં કરવાની. મને ઓનલાઈનમાંથી ઓફલાઈન થતાં વાર નહીં લાગે.’

‘યા… યે હુઈના બાત. દેવી આખરે પ્રસન્ન થયાં ખરાં ! બોલો, કેટલા નાળિયેર ચડાવું ?’

બંને તરફ મુકત હાસ્ય ફેલાઈ ગયું ને ૩૦ નવેમ્બરની પહેલી મુલાકાત ડન થઈ.

ધ્વનિએ વોટ્‍સ અપ ચાલુ કર્યું પણ વ્રજનો કોઈ રીપ્લાય નહોતો. કાલુપુર આવતાં તે ઊતરી. સ્ટેશનની બહાર આવી તેણે ફોન લગાડ્યો.. ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’

‘ક્યાં છો?’ ધ્વનિએ સવાલ કર્યો.

‘જરા પાછળ ફરીને તો જો..’

ધ્વનિ પાછળ ફરી કે એક સ્મિતમઢ્યો ચહેરો તેને દેખાયો. ધડકતા હૃદયે તે વ્રજ પાસે પહોંચી. ફોટામાં દેખાતો હતો તેના કરતા વધુ ચોકલેટી હીરો આજે તેની સામે ઊભો હતો એ વાતનો વિશ્વાસ થતો નહોતો.

‘હાય, કેમ છો?’ વ્રજે શરૂઆત કરી. ધ્વનિના સ્મિતે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો.

‘કાંકરિયા જઈએ? ત્યાં શાંતિથી વાતો કરીશું. ફ્રેન્ડની બાઈક છે એટલે વાંધો નહીં.’ વ્રજે થોડી વારે ધ્વનિને પૂછ્યું.

બંનેની પહેલી મુલાકાતની સફર શરૂ થઈ. ટ્રાફિકની વચ્ચેથી બાઈક કાઢતાં કાઢતાં વ્રજે ધ્વનિ સાથે વાતનો દોર શરૂ કર્યો. ધીમે ધીમે ધ્વનિનો ડર પણ ઓછો થતો જતો હતો. અજાણ્યા પણ જાણીતા વ્રજ પર તેને વિશ્વાસ આવવા માંડ્યો હતો.

મિત્રો, પરિવાર, શોખ, જોબ એવી અનેક વાતો બંને વચ્ચે થતી રહી. શબ્દોમાં અને સાથમાં કેવો અજબ નશો હોય છે તેનો બંનેને અનુભવ થયો.

કાંકરિયા પહોંચી બંનેને કોઈ હેરાન ન કરી શકે અને શાંતિથી વાતો કરી શકાય તેવું સ્થાન વ્રજે શોધી કાઢ્યું.

‘યુ આર લૂકિંગ નાઇસ.’ વ્રજે ધ્વનિની આંખોમાં આંખ પરોવી કહ્યું.

સ્કાય બ્લુ કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સપ્રમાણ શરીર, ઉજળો વાન અને આકર્ષક ચહેરો કોઈ ફિલ્મી હીરોઈન કરતા જરા પણ ઓછો ઊતરતો નહોતો.

‘થેંક યુ’ હાસ્ય સાથે તેણે જવાબ વાળ્યો.

‘મને કલ્પના નહોતી કે હું તને મળી શકીશ.’

‘મને પણ.’

‘શું થયું છે તને આજે. ફોનમાં તો કેટલું બોલતી હોય છે ! કેમ આટલી બધી ચૂપ છે?’ વ્રજે સવાલ કર્યો.

‘એમ જ.’

‘ના, એમ જ નહીં. શું ચાલે છે તારા મનમાં? બોલ..’ વ્રજે હાથ પકડતાં કહ્યું.

‘હું આ પહેલાં કોઈને આવી રીતે મળી નથી, એટલે થોડો ડર લાગે છે. ને ઘરે ખોટું બોલી છું ક્યાંક પકડાઈ ગઈ તો આવી બનશે.’ ધ્વનિએ સાચી વાત કરી.

‘ઓહો… એમાં આટલું બધું શું ડરવાનું! હું પણ કંઈ અનુભવી નથી. તને જ પહેલી વાર આમ મળું છું.’ વાત બદલવા વ્રજે મોબાઈલમાં પ્રવાસના ફોટા બતાવવા માંડ્યા.

જાતજાતના ફોટામાં ધ્વનિ અટવાતી ચાલી. કેટલી બધી વાતો સાથે ફોટા બતાવતો વ્રજ પણ ખીલતો જતો હતો.

થોડી વારે અચાનક જ વ્રજે ધ્વનિને પોતાના તરફ ખેંચી અને ગળે લગાવી લીધી. ધ્વનિ પણ તે બાહુપાશમાં જકડાઈ ગઈ.

એક ક્ષણ… બે ક્ષણ… ત્રણ ક્ષણ…

થોડી વારે વ્રજે તેનો હાથ પકડ્યો, ‘આઈ લવ યુ ધ્વનિ..’

આ સાંભળતાં જ તે હાથ છોડાવી ઊભી થઈ ગઈ, વ્રજ આશ્ચર્યમાં પડી ગયો.

‘હું એટલે જ તને મળવા નહોતી માંગતી. મને ખબર જ હતી કે તું..’ ધ્વનિ સહેજ દૂર બેસી ગઈ.

‘એટલે તું પણ મને પ્રેમ કરે છે?’ વ્રજ એકદમ ઉત્સાહમાં આવી ગયો. ‘તો અત્યાર સુધી બોલતી કેમ નહોતી?’

‘કારણ કે હું આપણા આ પ્રેમ પર પૂર્ણવિરામ મૂકી દેવા માંગતી હતી.’

‘વ્હોટ?’

‘જો વ્રજ, આપણે એકબીજાને હજુ ઓળખતાં નથી. રોજ રોજ મળવાની શક્યતાઓ નથી. અને મારો પરિવાર આપણા પ્રેમસંબંધને કદાચ સ્વીકારે નહીં. ને આ સંઘ કાશીએ પહોંચશે એવું લાગતું નથી.’ ધ્વનિએ ચોખવટ કરી.

‘અરે પાગલ, તે આટલું બધું વિચારી નાખ્યું. મેં તો એમ નક્કી કર્યું હતું કે આજે તને મારા દિલની વાત કરીશ. પછી સમય કાઢી આપણે મળતા રહીએ અને યોગ્ય લાગે તો તારા પરિવારને વાત કરીએ. મારે સંઘ કાશીએ નહીં પણ મારા ઘર સુધી જ લઈ જવો છે મારાં દેવી !’ ધ્વનિનો હાથ પકડી વ્રજે વાત કરી,

‘પણ વ્રજ, તું સમજતો નથી. મારો પરિવાર જ્ઞાતિ બહાર લગ્ન માટે ક્યારેય નહીં માને. ભવિષ્યમાં છુટા પડવાનું છે તો આજે જ કેમ નહિ. આપણે ક્યારેક ઓનલાઈન કે ફોન પર વાત કરી લઈશું. આમ પણ સોશિયલ મીડિયાના સંબંધો પર વિશ્વાસ કરવા જેવો નથી.’

‘ધ્વનિ, સોશિયલ મીડિયા પર મળતાં બધાં જ લોકો ખરાબ હોય એમ ન હોય. કોઈક મારા જેવું પ્રેમભૂખ્યું થોડો સ્નેહ શોધી લે તો એમાં ખોટું કાંઈ નથી. હું માનું છું કે ઓનલાઈન સંબંધોને ઓફલાઈન જિંદગીમાં લાવવાનો એક ચાન્સ તો આપવો જોઈએ. હું તારી પાસે એ એક ચાન્સ માગું છું. તને લાગે કે હું લાયક નથી તો કાયમ માટે દૂર થઈ જઈશ.’ વ્રજે કાકલૂદી કરી.

‘ના, મારા ઘરે ખબર પડશે કે હું આમ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરું છું તો આવી બનશે. પ્લીઝ વ્રજ..’ ધ્વનિને વિનંતીનો સૂર કાઢ્યો.

‘ઓકે. હવે આ વિશે વાત નહીં, હું આપણી આ પહેલી મુલાકાતને બગાડવા નથી માગતો. ચાલ...’ વ્રજે હાથ પકડી ધ્વનિને ઊભી કરી.

પછી તો બંને આખો દિવસ ખૂબ જ ફર્યાં. ૩૦ નવેમ્બરને એક તહેવાર કરતાં વધુ સારી રીતે ઉજવી. આખું કાંકરિયા પગતળે ખૂંદી વળ્યાં. હોટલનું લંચ હોય, નાળિયેર પાણી કે લારીની પાણીપુરી બંનેને આ બધાનો સ્વાદ અનોખો લાગ્યો. ઓનલાઈન સંબંધો આજે ઓફલાઈન બની એક દિવસ જીવી ગયા.

સાંજે વ્રજે ધ્વનિને ટ્રેનમાં બેસાડી. ‘મારી વાત પર વિચાર કરજે ને એક ચાન્સ આપજે.’ ટ્રેન ઊપડી ને ધ્વનિની આંખે પૂર છલકાયાં. મોબાઈલમાં વ્રજની તસવીર જોતાં તે બોલી, ‘સોરી વ્રજ, હું મારા પરિવારને બહુ સારી રીતે ઓળખું છું. આપણા સંબંધને એ લોકો ક્યારેય એક ચાન્સ નહીં આપે. આપણા સંબંધોની સીમા સોશિયલ મીડિયામાં જ રહેશે. દિલના દરવાજે ભલે દસ્તક પડે, પણ પરિવારની મર્યાદા અતિક્રમી હું તને મારી ઓફલાઈન જિંદગીમાં ક્યારેય નહીં લાવી શકું.’

અચાનક જ ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા. સફાળી જાગી ગઈ હોઈ એમ ધ્વનિ બેબાકળી બની ગઈ. આંખમાં આંસુ હતાં અને હાથમાં તારીખિયાંનાં પાનાં ! નજર સામે ફરીથી ૩૦ નવેમ્બર ભજવાઈ ગઈ, પણ એ વીતેલી તારીખ અને કાલની તારીખ ભલે સરખી હોય પણ એની જિંદગીમાં ઘણું બદલાઈ ગયું હતું.

વ્રજ સાથે રોજ સોશિયલ મીડિયાથી વાતો થતી, પણ પ્રેમ કે લગ્નની વાત આવે એટલે ધ્વનિ મૌન ધારણ કરી લેતી. ધીરેધીરે વ્રજે પણ એ વિશે પૂછવાનું બંધ કરી દીધું. ધ્વનિના લગ્નની વાતો ચાલતી હતી એ જ સમયમાં દાદાનું અવસાન થયું ને માળો વીંખાઈ ગયો. સરકારી નોકરી લઈ ધ્વનિ નામનું પંખી પોતાની પાંખો ફફડાવી પરિવારથી દૂર થઈ ગયું. માતા-પિતાની લગ્નની વાતો તે સતત નકારતી રહી. ધીમેધીમે વ્રજે પણ ઓનલાઈન આવવાનું ઓછું કરી પોતાના કામમાં ધ્યાન પરોવ્યું.

આજે ધ્વનિને વ્રજ સાથે વાત કરવાનું બહુ જ મન થયું. અનાયાસ જ નંબર લગાડ્યો, ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’ રિંગટોન સાંભળી ચહેરા પર એક ચમક દોડી ગઈ.

‘બોલ ધ્વનિ..’ જાણે વર્ષો પછી અવાજ સાંભળતી હોય એમ લાગ્યું.

‘કેમ છે?’

‘બસ, પહેલા હતો એવો જ. તું કેમ છે?’ વ્રજની ઉદાસી તેણે સાંભળી.

‘મારે તને મળવું છે, આપણા સંબંધોને એક ચાન્સ આપવો છે.’ ધ્વનિએ સીધો જ ધડાકો કર્યો.

‘વ્હોટ? રિયલી… તું ક્યાંક મજાક તો નથી કરતી ને?’ ઉત્સાહમાં વ્રજ બોલી પડ્યો.

‘ના, આ મજાક નથી. મને બહુ મોડું સમજાયું કે પ્રેમને પાંગરવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ. ઓનલાઈન કે ઓફલાઈન એવા લેબલ સંબંધોને ક્યારેય ન લાગવા જોઈએ. આઈ એમ સોરી..’ ને તે અનાયાસે રડી પડી.

‘પ્લીઝ, તું રડ નહીં. આ અનાથના નીરવ જીવનમાં તું રણકાર લઈને આવી હતી એટલે જ મેં તારી સામે પ્રસ્તાવ મૂક્યો હતો. હું આજેય તારી રાહ જોઉં છું. મોડેમોડે પણ મારાં દેવી પ્રસન્ન થયાં ખરાં !’ એક મુક્ત હાસ્ય સાથે વ્રજે વાત કરી.

‘ઓકે તો ફાઈનલ. કાલે ફરી પાછા આપણે મળીએ. આ ૩૦ નવેમ્બરે આપણા પ્રેમને એક ચાન્સ આપીએ.’ ને ફોન મૂકાઈ ગયા.

પછી ધ્વનિએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું, “દરેક સંબંધોમાં સુંદર ભવિષ્યનું બીજ પડેલું છે, તેને વિકસવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.” ફીલિંગ હેપ્પી…