નિષ્ફળ બીઝનેસમેન Amit Gabani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ફળ બીઝનેસમેન

''આજકાલ તો ધંધા માં બહુ મંદી આવી ગઈ છે, કોઈ પણ ધંધા માં હમણાં તો પડવા જેવું જ નથી ભાઈ''

શેરી ના નાકે પાન નાં ગલ્લા ઉપર બેસી ને લાખો અને કરોડો નો વહીવટ થતો હોય એવી વાતો થઇ રહી હતી, આમ પણ માણસ આખા દિવસ નો કામધંધા માં થાકી ગયેલો હોય અને પછી મિત્રો સાથે બેસી ને પાન મસાલા ખાતા ખાતા જે આરામ મળે એ જરાય મુકવા જેવો નાં હોય, સુરત માં વરાછા વિસ્તારમાં કાઠીયાવાડી લોકો જ વસે છે જે કોઈ કામધંધા અર્થે સૌરાષ્ટ્ર માં થી સુરત આવ્યા હોય, આ કાઠીયાવાડી પ્રજા બહુ મહેનતુ, પત્થર માં થી પણ પાણી કાઢે એવી.

રોજ ની જેમ ઘનશ્યામ પણ આવતો દેખાયો અને એના મિત્રો એ ચિચિયારીઓ પાડી ને એનું સ્વાગત કર્યું, પણ આજે ઘનશ્યામ નો ચહેરો ઉતરી ગયો હોય એવું લાગતું હતું, એક મિત્ર એ એને મસાલો પણ ઓફર કર્યો પણ એની ય એણે લેવાની નાં પાડી. તો પછી મિત્ર એ પૂછી જ લીધું કે કેમ ઘના આજે ઢીલું ઘેંસ જેવું મોઢું કરી ને આવ્યો છે. તો ઘનશ્યામ કહે કે ''ધંધામાં બહુ મંદી છે યાર''

નાનપણ થી જ ભણવામાં હોશિયાર ઘનશ્યામ અવ્વલ નંબર માં જ પાસ થતો, એટલે થોડું અભિમાન પણ ખરું કે હું મારા ગામડાં ની સ્કૂલ નો ટોપર. બાપુ ખેતી કરી ને ઘર નું ગુજરાન ચલાવતા અને બા સીધીસાદી ગૃહિણી. પાંચ વીઘા જમીન ની ખેતી અને ઘનશ્યામ ને એની મોટી બહેન એમ ઘર માં ગણી ને ચાર સભ્યો નું કુટુંબ. આખા ગામ માં પહેલી વાર HSC પાસ કરવા વાળો પહેલો વિદ્યાર્થી હતો ઘનશ્યામ. બાપુ ની છાતી તો ઘનશ્યામ ને જોઈ ને ગજગજ ફૂલી જતી.પહેલી વાર એ ગામ ની બહાર ભણવા માટે ગયેલો ત્યારે બસ સુધી મુકવા માટે આખું ગામ ભેગું થયેલું એ હજુ પણ ઘનશ્યામ ને યાદ આવે. કોલેજ કરતી વખતે ઘનશ્યામ હમેશા સ્વપ્નો ની દુનિયા માં ખોવાઈ જતો. એને હમેશા એવા જ વિચારો આવ્યા કરતા હતા કે આપણે તો આ ધંધો કરીશું ને પેલો ધંધો કરીશું . ઘણા બધા પૈસા કમાઈ ને સુરત માં મોટો બંગલો ને મોટી ગાડી લઇ ને પછી જ લગ્ન કરવા છે . કોલેજ કર્યા પછી એને નોકરી ની ઘણી સારી તકો હાથ માં આવી પણ એને તો મગજ માં એક જ વાત આપણે તો ધંધો જ કરવો છે બસ. પછી કોઈ એ સમજાવ્યો પણ ખરો કે કોઈ પણ ધંધો કરવો હોય તો પહેલા એ ધંધા ની આંટીઘુટી સમજવી પડે અને પહેલા નોકરી પણ કરવી પડે તો જ આ આંટીઘુટી સમજાય નહિ તો પૈસા નું પાણી જ થઇ જાય આમ ને આમ તો. પણ ઘનશ્યામ તો આવી વાત માનવા જ તૈયાર નહિ એણે તો બાપુને ગામ જઈ ને સમજાવ્યા કે આપણે આ જમીન માં થી ૩ વીઘા વેચી દઈ એ તો આટલા રૂપિયા આવે અને એમાં થી નાનો એવો ટ્રાન્સપોર્ટ નો ધંધો ખોલી શકાય અને એ પણ સુરત જેવા શહેર માં.

બહુ સમજાવટ પછી પણ બાપુ માનવા તૈયાર નાં થયા, બાપુ હમેશા એવું કહેતા કે જમીન તો આપણી માં કહેવાય. માં ને કોઈ દિવસ વેચાય નઈ. જ્યારે બાપુ નાં માન્યા ત્યારે એણે બા ને દાણો ચાંપ્યો અને બાપુ ને આડકતરી રીતે મનાવી ને જ રહ્યો ઘનશ્યામ. પછી તો જમીન નાં પૈસાથી એણે ટ્રાન્સપોર્ટ નો ધંધો ચાલુ કર્યો. સુરત માં દુકાન પણ ભાડે રાખી પણ અણઆવડત અને બસ ધંધો જ કરવો છે એવું ભૂસું મગજ માં હોવાનાં કારણે ધંધો ચાલ્યો જ નઈ. પછી તો મંદી નું બહાનું કાઢી ને ધંધો જ બંધ કરી દીધો ઘનશ્યામ એ.

આ સમયગાળા માં બાપુ નું પણ બીમારી ને કારણે બહુ નાની ઉમરમાં અવસાન થઇ ગયું , આપણે એકવાર નિષ્ફળ ગયા પણ બેસી થોડું રહેવાય છે, ગામડે જઈ ને બા ને મનાવી ને બીજી ૨ વીઘા જમીન પણ વેચી ને પૈસા ભેગા કર્યા, માં પણ હવે બીમાર રહેવા લાગી હતી અને સતત કહેતી હતી કે મારી હયાતી માં તું લગ્ન કરી લે તો માર્યા પછી મારા આત્મા ને શાંતિ મળશે, પણ ગાડી બંગલા સિવાય લગ્ન કરે એ ઘનશ્યામ શાનો, દુનિયા માં ઘણા મહાન બીઝનેસમેન ને તો ઘણી બધી નિષ્ફળતા મળી છે પણ તેઓ સતત સંઘર્ષ કરી ને સફળ થયા છે. તો આપણે પણ સફળ થઈશું જ એવું ઘનશ્યામ વિચારતો.

બીજીવાર જમીન વેચી ને જે પૈસા આવ્યા એ માં થી એણે કપડા ની દુકાન ખોલી. સુરત માં હમણાં થી કાપડ નું માર્કેટ બહુ સારું હતું તો આપણે પણ એમાં થી કમાઈ લઇએ ને. દિવાળી નાં ટાઇમ માં એક મહિનો દુકાન ચાલી પણ ખરી પણ પછી પાછી મંદી. ઘનશ્યામએ અહી એકવાર પાછી એ જ ભૂલ કરી કે કોઈપણ અનુભવ વગર જ બીજો ધંધો ચાલુ કર્યો અને નિષ્ફળ રહ્યો.

મહાન માણસો ના જીવનચરિત્ર માં થી માત્ર અને માત્ર ઉપદેશ મળે છે એનો મતલબ એવો જરાય નથી કે તમે એ પ્રમાણે જ ચાલો. તમારે તમારો રસ્તો જાતે જ કંડારવાનો છે. અનુભવ જ માણસનો સૌથી મોટો દોસ્ત છે નહિ કે કોઈ નું જીવન કે કોઈ આદર્શ વ્યક્તિ .એટલે જ જીંદગી માં કોઈ પણ સફળ કે નિષ્ફળ વ્યક્તિ ને આદર્શ માનવા કરતા પોતાની જાત ને આદર્શ માનો.

આ કહાની તમને કેવી લાગી એ જરૂર જણાવશો . ફીડબેક આપી શકો છો અથવા ૯૯૦૪૨૫૦૪૨૪ પર વોટ્સએપ કરી શકો છો.