તુ અને હું Kamini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુ અને હું

Kamini Mehta

mitrakaminimehta@gmail.com

તુ અને હું

“હૈપી વેલેંટાઇન ડે.. વિલ યુ બી માઇ વેલેંટાઇન્.?” ધરતીના હાથમાં લાલગુલાબ હતુ એ ઘુટનો પર બેસી તેને પ્રપોઝ કરી રહી હતી. અંબર ચમકીને બે ડગલા પાછળ હટી ગયો.આ ક્ષણોં આવશે એ તેને ખબર હતી. પણ આજે આવશે તેનો અંદાજ નહોતો.જ્યારે ધરતી માટે પ્રપોઝ કરવા માટે આના સિવાય બીજો સારો દિવસ કયો હોઇ શકે..

“ શું કરે છે તુ ધરતી.? તને ખબર છે ને આપણે બે નદીના બે કિનારા જેવા છીયે.. જે ક્યારેય મળતા નથી. તુ ક્યાં ને હું ક્યાં.. તુ સ્માર્ટ, દેખાવડી.,. પૈસાદાર બાપની એક માત્ર દિકરી.. હું મુફલિસ, જેને ન કોઇ આગળ ન પાછળ. તુ મારી સાથે પરણીને ક્યારેય સુખી નહી થાય.”

“ત્યાં જ તારી ભૂલ થાય છે અંબર. સુખ નામના પ્રદેશને અમીર ગરીબ સાથે કોઇ લેવાદેવા નથી. મારો જ દાખલો લેને. .. મમ્મી આખો દિવસ ક્લબ અને પાર્ટિઓમાં વ્યસ્ત હોય છે અને પપ્પા બિઝનેસમાં .. ધનના ઢગલા વચ્ચે હું સુખને શોધતી રહું છુ. સુખી થવા માટે પ્રેમ જોઇએ ...પૂર્ણ પ્રેમ.. અનકંડિશનલ લવ..હું તને અનકંડિશનલ લવ કરુ છુ.”

“ આ બધા ડાયલોગ ફિલ્મોમાં વાર્તાઓંમાં સારા લાગે ધરતી.. વાસ્તવિક જીવનમાં જ્યારે સત્ય સાથે પનારો પડે, ત્યારે લવ ફવ બધુ કપૂરની જેમ હવા થઇ જાય.આપણા સ્વભાવ એક બીજાથી એકદમ અપોઝિટ.. તુ ચુલબુલી,..તેજતર્રાર.. હું શાંત પ્રક્રુતિનો .. તુ ધરતી ને હું અંબર.. આપણે ક્યારેય એક ન થઇ શકીયે..તુ મને પામવાની જીદ છોડી દે.”

“ અપોઝિટ ઓલવેઝ એટ્રેક્ટ .. ભલે આપણા નેચર જુદા હોય.અંબર અને ધરતી એકબીજી વગર રહી જ ન શકે.. એક બીજા વગર તેમનુ કોઇ અસ્તિત્વ જ નથી .” ધરતી પોતાની દલીલ ને વળગી રહી.

અંબરે તેને ઘણી રીતે સમજાવી.. પણ ધરતી ન માની. અંબરને પામવા માટે તેણે પિતાનુ મહેલ જેવું ધર છોડી દીધુ ને અંબરના વનરૂમ કિચનમાં રહેવા આવી ગઇ . થોડા મિત્રોની હાજરીમાં બન્ને પરણી ગયા.અને તેમનો સુખથી નિતરતો.. મહેંકતો સંસાર શરૂ થયો.

અંબર સવારે જોબ પર જતો. સાંજના વાયોલીન શિખવાડવાના બે ત્રણ ટ્યુશન કરતો. અને પછી લો કોલેજમાં ભણવા જતો. ઘણુ સંઘર્ષમય જીવન હતુ.પણ ધરતીએ પોતાના પ્રેમ, સમજણ અને સ્નેહથી સંસારને મધુરતાથી ભરી દીધો. તે શોખીન હતી. ઘરને સરસ સજાવતી.ખાવાની અલગ અલગ ડીશ બનાવતી.. આજુ બાજુ બધાના સાથે ખુબ મનમેળ રાખતી. “તુ આ બધુ કેવી રીતે મેનેજ કરે છે ધરતી..? મારા ઓછા પગારમાં.”...અને ધરતી તેની મોઢા પર હાથ મુકી દેતી.. “તેની ચિંતા તમે કરવાની છોડી દો વકીલ સાહેબ..તમારા ભણવા પર કોંસનટ્રેટ કરો..’

અંબર પોતાના મિત્રોમાં ધરતીના વખાણ કરતો. “ઘરનુ મેનેજમેંટ તો મારી ધરતીનુ..મને લાગે છે જો તેને દેશનુ મેનેજમેંટ સોપવામાં આવે તો દેશની બધી ખાદ પૂરી થઇ જાય.”તેના મિત્રોને આમેય તેની ઇર્ષા આવતી . કાગળો દહિથરુ લઇ ગયો. ની લાગણી થતી. બધાને એમ હતુ કે આ લગ્ન કંઇ લાંબુ ખેંચશે નહીં. પણ બધાના આશ્ચર્ય અને અદેખાઇની વચ્ચે અંબર અને ધરતીનો સુખી સંસાર વહ્યે જતો હતો.

ક્યારેક અંબરને વાયોલીનના પ્રોગ્રામ મળી જતા.જેમા પૈસા સારા મળતા. ધરતી તેના પ્રોગ્રામમાં ફ્રંટ સીટ પર બેસી તેને વાયોલીન વગાડતા જોયા કરતી. અનિમેષ.... . અંબરના આ રૂપના પ્રેમમાં જ તો તે પડી હતી.

કોલેજના સાંસ્ક્રતિક પ્રોગ્રામના રિહર્સલમાં તેણે પહલી વાર વાયોલીન વગાડતા જોયો હતો. તલ્લીન.. જેમ સમાધીમાં હોય તેમ અંબર વગાડતો હતો. ધરતી ત્યારથી જ તેના પ્રેમમાં પડી ગઇ હતી.પણ અંબર એને ખાસ ભાવ આપતો નહોતો. બસ પોતાના કામથી કામ રાખતો. શાંત સ્ટુડિયસ છોકરો.. પણ એ છોકરો પિગળ્યો જ્યારે કોલેજ ડે પ્રોગ્રામમાં ધરતીએ એના સુરીલા કંઠે ગાયુ...

તુ અને હું જાણે સામા કિનારા .ને વચ્ચે આ વહેતુ તે શું..

વાણી તો જાણે વાદળ વૈશાખના.. મૌન કંઇ કહેતુ તે શું..

ઓડિયંસએ તેને તાળીઓથી વધાવી. પણ તેને તો દરકાર હતી અંબરની તાળીઓની. અને જ્યારે અંબરે તેને બિરદાવી ત્યારે તે સાતમા આસમાનમાં વિહરવા લાગી અને અંબરને પામવાના સપના જોવા લાગી. ધીરે ધીરે બન્ને એકબીજાની નજીક આવતા ગયા.જ્યારે અંબરને ધરતીના સામાજિક સ્ટેટ્સની ખબર પડી ને તેને ધરતીને મળવાનુ બંધ કર્યુ.. એ ધરતી થી દૂર રહવા લાગ્યો. પણ અંતે ધરતીના પ્રેમે એને હરાવી જ દીધો.

અંબરને ખબર ન પડે તેમ ધરતી આજુબાજુના છોકરાઓને ભણાવતી હતી. ફાજલ સમયમાં તેમની માટે સ્કૂલના અઘરા પ્રોજેક્ટ બનાવી આપતી જેના એને સારા પૈસા મળતા. ..ઘરકામમાં થી નવરી પડે કે કંઇ નુ કંઇ કરતી હોય.પોતાના પિતાનુ ઘર તો તેને છોડી દીધુ હતુ.સાસરીમાં કોઇ હતુ નહી. સગા કે વહાલા જે ગણો તે આ પડોશી જ હતા.

જોત જોતામાં વરસ વીતી ગયુ. “હેપી વેલેંટાઇન ડે અંબર.”. ધરતીએ સવારે તેને ઉઠાડતા ઉષ્મા ભર્યુ આલિંગન આપ્યુ. “આજે આપણને મળ્યાને વરસ પૂરૂ થયુ.. લેટ્સ સેલિબ્રેટ..”

“ ઓ ધરતી હું તને કહેતા જ ભૂલી ગયો. મને આજે સાંજના એક કોંસર્ટમાં વાયોલીન વગાડવા માટેનુ આમંત્રણ મળ્યુ છે. મોટા મોટા દિગ્ગજો સાથે એક ફ્લોર પર મને વાયોલિન વગાડવાનો મોકો મળશે. તુ આવીશને મને સાંભળવા.”.

“ઓ.”. ધરતી નુ મોઢુ વિલાઇ ગયુ..તેણે સાંજના અંબર માટે સરપ્રાઇઝ પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. ચાર પાંચ મિત્રો ને ડીનર પર આમંત્રિત કર્યા હતા.

“ ના,.. આજે મને જરા ઠીક નથી “.. તેણે બહાનુ કર્યુ.”.કેમ શું થયુ.?”.અંબરને ચિંતા થઇ.. “નથીંગ ટુ વરી .. તુ પરવાર.. તને લેટ થઇ જશે.”

ઓફિસની લોબીમાં અંબર લિફ્ટની રાહ જોતો ઉભો હતો. તેના બે કલીગ આપસમાં કોઇની વાત કરતા હતા... “પેલો મહેરા છે ને,તેની બૈરી બહુ ફટાકડી છે. મેહરાના ટુકા પગારમાંએ ઘરને ફાંકડુ ચલાવે છે. નીત નવા દાગીના ઘડાવે છે. કેવી રીતે મેનેજ કરતી હશે બધુ..?’

“અરે ઘણા રસ્તા હોય છે કમાવવાના.. નોકરીમાં રચ્યાપચ્યા પતિદેવને ખબર પણ ન પડે તેવી રીતે હવે આ ગૃહણીઓ કમાતી થઇ ગઇ છે. તે છાપામાં જાહેર ખબર નથી જોઇ.. ‘કમ્પની મળશે સારા ઘરની ગૃહંણીઓની’”.તેને ગંદી રીતે આંખ મારી.

આ મને સંભળાવવા કહેતો હશે.. અંબર ત્યાંથી હટી ગયો. લાગ્યુ કે તેની પીઠ પાછણ બન્ને એના પર હસતા હતા.

અઢી ત્રણ વાગે તે થિયેટર પર પહોંચ્યો. ચાર વાગેથી કોંસર્ટ શરૂ થવાનો હતો. પ્રોગ્રામ પહેલા લાઇટ રિફ્રેશમેંટની વ્યવસ્થા હતી. થોડુ ખાઇ તે બાથરૂમ તરફ ગયો.રસ્તામાં એક રૂપાળી વેઇટ્રેસએ તેની સામે સ્મિત કર્યુ..”સર, મેરા કાર્ડ”.. કાર્ડ લઇ તેને ખિસામાં મુકી દીધુ. તેને એમ કે કેટેરિંગવાળાનુ કાર્ડ હશે.

પાછા ફરતા પાછી પેલી વેઇટ્રેસ મળી.. “સર, દેખા આપને મેરા કાર્ડ.?”

“ હાં ,..હાં, અચ્છી કેટરિંગ સર્વિસ હે આપકી.”

“સર, વો કેટરિંગ વાલે કા નહીં, મેરા પર્સનલ કાર્ડ હે. જબ આપકો જરૂરત હો મેં આપકો એંટરટેંટ કર સકતી હું.” પેલી મારકણું હસી. અંબરને પસીનો આવી ગયો. “એંટરટેંટ.?” તો પેલો કપૂર સાચુ કહેતો હતો.. સારા ઘરની છોકરીયો એ આવા ધંધા કરતી હશે.. !!

કોંસર્ટ ચાલુ થઇ પણ આજે અંબરનુ મન ક્યાંય નહોતુ. તેણે શું વગાડ્યુ..કોની સાથે વગાડ્યુ.. શેંમાય તેનો જીવ નહોતો. તેનુ પત્યુકે તે તરત નિકળી ગયો.ઘરે પહોંચ્યો ત્યાં સુધી તેનુ મગજ વિચાર વંટોળમાં અટવાએલુ હતુ.તેની મનની શાંતી છિન્ન ભિન્ન થઇ ગઇ હતી. સદા શાંત રહેતો અંબર આજે તપી ગયો હતો. મિત્રોએ વાત કરી તે મને ચેતવવા માટે જ કરી.. ટુંકી આવકમાં ધરતી આટલુ વ્યવસ્થિત ઘર ચલાવી જ કેવી રીતે શકે.

ઘરે પહોંચ્યો તો પાર્ટી ચાલતી હતી મિત્રો તેને ઘેરી વળ્યા. “હેપી વેલેંટાઇન ડે.. દોસ્ત, તારા પ્રેમની સાલગિરહ મુબારક હો.”. પણ આજે અંબર કંઇ સાંભળવાના મુડમાં નહોતો. ધરતીએ નવી સાડી પહેરી હતી. નવા દાગીનામાં તેનુ સુંદર મુખ ઓપતુ હતુ. નવા દાગીના.. અંબરનુ શંકાનુ ઝાળુ ઓર મજબૂત થયુ. આજે તે ધરતીને પ્રેમાળ નજરથી ન જોઇ શક્યો. એનો મૂડ જોઇ મિત્રો એ વહેલા નિકળી ગયા.

ધરતી એ પાછળથી આવી તેના ગળામાં હાથ નાખ્યો. “કેવી લાગી મારી સરપ્રાઇઝ ?..તેના હાથમાં ગિફ્ટનુ બોક્સ હતુ.. “આ મારા ડિયર માટે ગિફ્ટ.” મોંઘામાં નુ રિકોર્ડ પ્લેયર હતુ જે લેવાની તેને ઘણા સમયથી ઇચ્છા હતી. “કેવી લાગી મારી ગિફ્ટ .?”. ધરતી લાડમાં પૂછતી હતી.. અંબરે તેનો હાથ પોતાના ગળામાં થી ઝટકો મારી દૂર કર્યો..ધરતીને નવાઇ લાગી. “શું થયુ.?. તારો પ્રોગ્રામ... “

“ મારે તારી પાસેથી પાઇ પાઇ નો હિસાબ જોઇયે છે.”. ધરતી કંઇ સમજી નહી.. “હિસાબ? ..કેવો હિસાબ..?”

“આ બધા ખર્ચા તુ કાઢે છે કેવી રીતે..? આ પાર્ટીઓ..આ નવા દાગિના બધુ આવે છે કેવી રીતે? એ જાણવુ છે મારે.”

તેના અવાજનો ટોન સાંભળી ધરતીનો ચહેરો તપેલા તવા જેવો થઇ ગયો . “યુ મિન કે આ ઘરનો ખર્ચો ચલાવવા હું શું આડા અવળા કામ કરુ છુ.એ જાણવુ છે તારે.”. એ તિરસ્ક્રુત નજરે અંબર સામે જોઇ રહી. “આ દાગિના સાચા નથી, ખોટા છે.” તેને અંદરથી હિસાબની ડાયરી લાવી તેના સામે ફેંકી. “લે જોઇ લે .શું જોવુ છે તારે.?.અને આ દાગિના.. વિશ્વાસ ન હોય તો ખરાઇ કરાવી લેજે.” માળા કાઢીને તેના પર ઘા કર્યો….”.સ્ત્રી બધુ ચલાવી શકે છે પણ પોતાના ચારિત્ર પર આક્ષેપ ક્યારેય નહી.. તુ આર્થિક રીતે ગરીબ હતો એ મને મંજૂર હતુ , પણ આજે તુ મનથી ગરીબ થઇ ગયો છે અને તે મને મંજૂર નથી. તુ મારા પર શંકા કરે છે.. મારા પર.. .? રડતી રડતી ધરતી બોલી “આ શંકાના વાદળ વચ્ચે આપણુ સહજીવન શક્ય નથી .હવે હું અહીં તારી સાથે રહી શકુ નહીં.” તેણે બેગમાં પોતાના કપડા ભર્યા અને ઘરની બહાર નિકળી ગઇ. અંબરમાં એટલીએ હામ નહોતી કે તેને રોકે.. પૂછે આટલી મોડી રાતે ક્યાં જઇશ ?

તે ડાયરી જોઇ રહયો. બે છેડા ભેગા કરવા ધરતી ટ્યુશન કરતી હતી.! મને એણે આ વાત જણાવી કેમ નહીં.. તો તો મને શંકા આવત જ નહીંને.. અંતે તો મેલ ઇગો.. નમે કેમ..

ધરતી અંબરનો નંદનવન શો સંસાર રોળાઇ ગયો..લોકો સંભળાવતા.. અમે નહોતા કહેતા ..આ કજોડુ લાંબુ ખેંચશે જ નહીં. સોનાના મહેલમાં રહેતી ધરતી અભાવો ભર્યા જીવનમાં સેટલ ન જ થઇ શકે. અંબર કેમ કરીને કહે કે આમાં મારો મારો ને ફક્ત મારો જ વાંક છે. ધરતી તો આજે પણ પવિત્ર છે.ખોટુ લાંછન મેં તેના પર લગાડ્યુ છે. તે ધરતી માટે ઝુરતો. મનોમન તેની માફી માંગતો. પણ હવે શો ફાયદો..

પાછુ એક બળબળતુ વરસ નિકળી ગયુ. આજે પાછો વેલેંટાઇન ડે છે.જુવાન હૈયા થનગનતા હતા. અંબરને ધરતીની તિવ્રતાથી યાદ આવતી હતી . ધરતી સાથે પોતે પરણવાની ના પાડી તો ધરતી કેવી હઠ પર અડી ગઇ હતી. અને તેને પામીની જ જંપી. તો શું હું હઠ પર અડી ધરતીને ન પામી શકુ. તેને મનોમન નિર્ણય લીધો અને ધરતી જ્યાં રહેતી હતી તે લેડિસ હોસ્ટેલની બહાર જઇ ઉભો રહ્યો. જેવી ધરતી બહાર આવી કે ઘુટનો પર બેસી પડ્યો... “હેપી વેલેંટાઇન ડે ધરતી..વિલ યુ બી માય વેલેંટાઇન..?”

.તેની આખોંમાં થી આંસુ વહેતા હતા. એ આંસુઓની પવિત્રતાથી પેલુ પ્રેમનુ ઝરણુ કલ કલ કરતુ વહી નિકળ્યુ.