પ્રેમ એટલે ગળ્યુ ગાંડપણ Amit Kaafi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એટલે ગળ્યુ ગાંડપણ

5|[D

V[8,[

U?I]\\ UF\\056PPPPP

VlDT JF3[,F ïSFOLð

amitkaafi@gmail.com

એટલે તો વાંચવી આંખો ગમે છે એમની,

રોજ એક નવી મળે છે ટૅગલાઇન પ્રેમની.

- અમિત 'કાફી'

કોઇ મહોબ્બત,કોઇ પ્રેમનાં નામથી ઓળખે છે.કોઇ ઈશ્ક,કોઇ ચાહતનાં નામથી જાણે છે,તો કોઇ Love થી પહેચાને છે.ભાષા પ્રમાણે નામ અલગ અલગ હોવા છતાં એનાં વિશેની સમજણ દરેકમાં એકસરખી ઊગતી હોય છે.કોઇમાં સમજણ વહેલી ઊગે છે તો કોઇમાં પ્રેમ વિશેની સમજણ મોડી ઊગે છે, પણ ઊગતી જરુર હોય છે.દિવસનાં અજવાળાથી રાતનાં અંધારા સુધી પ્રેમનાં મુદ્દાને વિસ્તારી શકાય છે.મહોબ્બતથી લઇ ઇબાદત સુધી વાતને લઇ પ્હોંચી જવાતું હોય છે.પ્રેમની કોઇ ચોક્કસ તસ્વીર નથી કે કોઇ ચોક્કસ માપ નથી,ફક્ત અહેસાસ છે.પ્રેમને વ્યક્ત કરવા માટેનો કોઇ ચોક્કસ સમય પણ નથી કે કોઇ ચોક્કસ માળખું પણ નથી હોતું.પ્રેમ પર કેટલાય લેખો,કેટલીય કથાઓ,કેટલાય ગીતો,કેટલીય કવિતાઓ,ગઝલો,નઝમો,શાયરીઓ લખાઈ ચૂકી છે,એનો અર્થ એ નથી કે પ્રેમ એ ચવાઇ ગયેલો કે ચૂંથાયેલો વિષય છે,એને જેટલી વાર વાંચવામાં આવે,લખવામાં આવે કે અનુભવવામાં આવે એટલીવાર એ નવી જ અનુભૂતિ લઇને પ્રગટ થતો અહેસાસ છે.શ્વાસોનાં કિનારાથી અહેસાસોનાં ટાપુ સુધી પ્રેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે.પ્રેમ વિશે લખવું આમ જોઇએ તો અઘરું છે,પણ એટલું અઘરું પણ નથી.પ્રેમ વિશે જેટલું લખીએ એટલું ઓછું જ છે.

જેમ વરસાદ કોઇને પૂછીને નથી વરસતો એમ પ્રેમ પણ કોઇને પૂછીને નથી વરસતો.પ્રેમના દરિયામાં પડ્યા પછી દરેક મનુષ્ય મોજાંની જેમ ઊછળીને ઓગળતી હોવા છતાં તેને એવો અહેસાસ થતો હોય છે કે જાણે તેઓએ પ્રેમનો આખો દરિયો ઓળંગી લીધો છે.પ્રેમ એ સૌથી ઉત્તમ કોટીનો વિષય છે,કારણ કે તેમાં હદયનો ઉપયોગ કરવાનો હોય છે.પ્રેમ થકી મનુષ્ય સપનાઓને જીવંતરુપમાં જોઇ શકે છે.પ્રેમ થકી જ મનુષ્ય કુદરતની સુંદરતાને પામી શકે છે.પ્રેમ થકી જ પૃથ્વીની મહાનતાનો ખ્યાલ આવે છે.પ્રેમનાં સાંનિધ્યમાં શાંતિ,પ્રસન્નતાનો અનુભવ થતો હોય છે.પ્રેમ થયા પછી માણસ યાદોનાં કિલ્લાની નિયમિત મુલાકાત લેતો થઇ જાય છે,જાણે પોતાનો કિંમતી ખજાનો એણે આ કિલ્લામાં દાટ્યો હોય એમ.પ્રેમનાં પ્હાડો પર પ્હોંચવાનો આનંદ શું હોય છે એ પ્રેમમાં જીવનાર વ્યકિત ખૂબ સારી રીતે જાણે છે.પ્રેમમાં દુનિયા ગમવા લાગતી હોય છે,વધુ એક દિવસ જીવવાની ઈચ્છા જાગતી હોય છે.પ્રેમને કોઇનાં ટેકાની જરુર ક્યારેય પડતી નથી,પ્રેમ ખુદ પોતાનાં પગ પર ઊભો રહીને પોતાનાં પ્રશ્નો હલ કરી શકવાની તાકત ધરાવે છે.પ્રેમમાં જીવનનાં દરેક રંગની માત્રા જોવા મળે છે.પ્રેમને હારવાનો પણ નથી હોતો,એને જીતવાનો પણ નથી હોતો,પ્રેમમાં બની શકે એટલાં બસ સૌએ જીવવાનાં પ્રયત્નો કરવાનાં હોય છે.આપણી સામે કોઇ આવતાં હદયનાં કંપનો વધવા લાગે કે ખુલ્લી આંખે સપનાઓનું વતૃળ રચાવા લાગે કે ચહેરા પર માસૂમીયતનો ભાવ જાગવા લાગે કે એની માટેનો અહેસાસ અનોખો થવા લાગે એનો અર્થ એ થયો કે આપણે પ્રેમમાં જીવીએ છીએ.પ્રેમમાં દિવસ ક્યારે પસાર થઇ જતો હોય છે,એની ખબર પડતી નથી હોતી,રાત ક્યારે વહી જતી હોય છે,એની પણ જાણ થતી હોતી નથી.પ્રેમમાં પોતાની જાતને એકદમ નજીકથી જોવાતી અને જીવાતી હોય છે.પ્રેમ થયા પછી સહનશક્તિ અને સમજશક્તિમાં વૃધ્ધિ આપોઆપ થવા લાગતી હોય છે.પ્રેમમાં હરપળ મજાની અને સુહાની થતી જતી હોય છે.એક માત્ર પ્રેમ જ ઇશ્વરનાં કાને અથડાતો અવાજ છે,જે સાંભળીને ઇશ્વર પણ આ જીવ સૃષ્ટિની મદદ કરવા દોડી આવે છે.પ્રેમ કદી પણ ઘરડો થયો નથી અને ઘરડો થવાનો નથી,હંમેશા યુવાનીની લીલોતરી એનામાં જોવા મળી છે.પ્રેમની ઓકાતની વાત કરું તો એનામાં એકલતાને ઓગાળવાની તાકાત રહેલી છે.પ્રેમને પાંગરવા માટે વિશ્વાસની ખૂબ આવશ્યકતા રહે છે.પ્રેમને દોલત કે મિલકત સાથે કોઇ લેવા-દેવાં નથી.પ્રેમ પોતે જ એક એવી દોલત કે મિલકત છે કે એની સામે દુનિયાની તમામ વસ્તુઓ નકામી લાગે છે.પ્રેમને આજ દિન સુધી સમયની સાંકળથી કેદ કરી શકાયો નથી અને કોઇ સરહદથી બાંધી શકાયો નથી.આ જગતમાં સૌથી વધુ મને કોઇ પાસે આઝાદી લાગી છે તો એ પ્રેમ પાસે લાગી છે.પ્રેમમાં જાસૂસ નથી બનવાનું પણ એને મહસૂસ કરવાનો છે.પ્રેમ એ ભોગથી યોગ તરફની યાત્રા છે.પ્રેમ નિખાલસતા અને પવિત્રતા જેવા ગુણોથી સંપન્ન છે.ફૂલોમાં જેમ તાજગી રહેલી છે,એમ પ્રેમ પણ તાજગી સભર છે.પ્રેમ એ ઉનાળાનાં તડકાને પોતાનાં પડખામાં કરી શકે છે,ચોમાસાનાં વરસાદને મધુર સંવાદમાં બદલી શકે છે,શિયાળાની ટાઢ સાથે સંબંધ ગાઢ કરી શકવાની સૂઝ ધરાવે છે,એટલે જ પ્રેમ એ પોતાની મોસમ ખુદ બનાવે છે.પ્રેમની સોબત મળે પછી ફકીર પણ અમીરીનો અનુભવ કરવા લાગે છે.પ્રેમ એ શ્વાસોનો નહીં પણ અહેસાસોનો બંધાણી છે. પ્રેમનો ચળકાટ જ એવો છે કે સોનાની જેમ એને પણ કદી કાટ લાગ્યો નથી અને લાગવાનો નથી.પ્રેમ શીખીને કરવાનો નથી હોતો ,એનાં કોઇ ટ્યુશન લેવાનાં નથી હોતાં.બસ પ્રેમ થઇ જતો હોય છે.પ્રેમને અભિવ્યકત કરવા માટે ઘણીવાર શબ્દોની મૌજૂદગી કરતાં મૌનની મૌજૂદગી વધારે મહત્વની બની જતી હોય છે.I Love You કહેવાથી સામેવાળી વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થાય એ જરૂરી નથી હોતું,ઘણીવખત આ ત્રણ શબ્દ ન કહેવાથી પણ સામેવાળી વ્યક્તિ તમારા હદયમાં રહેલી લાગણીને સમજી જતી હોય છે,બસ એ જ પ્રેમની ઊંચાઈ છે.પ્રેમને વહેવારની જેમ અપનાવવાનો નથી હોતો એને તો તહેવારની જેમ હરપળે ઊજવવાનો હોય છે.માત્ર એક પ્રેમનું વિટામીન મળતાં જ હારેલો માણસ ફરી જિન્દગી સામે લડવા બેઠો થઇ શકે પ્રેમ એ સઘળા દર્દોની દવા છે,પ્રેમ એ એકલતાની પીડા પર લગાવવામાં આવતી જડીબુટ્ટી છે.પ્રેમને સંગીત સાથે પણ ગહેરો સંબંધ રહેલો છે,પ્રેમ એ સૂરોનો સમૂહ છે.જેટલા સંગીતની નજીક એટલી પ્રેમની અનુભૂતિ જલ્દી થાય છે.પ્રેમ એ કરોળિયાનું જાળું છે.પ્રેમ એ દેહનું અજવાળું છે.પ્રેમ એ આયોજન વગરની યોજના છે.એને માટે કોઇ પૂર્વતૈયારી કરવાની નથી હોતી.પ્રેમ હંમેશા અલ્પવિરામમાં જ રહ્યો છે,એને ક્યારેય પૂર્ણવિરામ લાગ્યું નથી અને ક્યારેય લાગવાનું નથી.પ્રેમને ખતરામાં નાંખવા શંકા અખતરાઓ કરતી રહે છે,પણ અંતે તેનાં સઘળા પ્રયાસો નાકામયાબ રહે છે.પ્રેમમાં ઘાયલ અને પાગલ બનવાની ઘટના એકસાથે ઘટતી હોય છે.પ્રેમ એ કોઇ અણીદાર વિચારોની શૂળ નથી,પણ હદયમાંથી ઉદભવતી ભાવનાઓનું મૂળ છે.પ્રેમને વ્યક્ત કરવા માટેનાં પ્રતીકો જુદા જુદા હોઈ શકે,પણ કહેવાનો અર્થ તો એક જ નીકળતો હોય છે.પ્રેમને મૂડ ચડે ત્યારે તે રાતોને ચગદી આંખોનાં રસ્તે થઇને ઊજાગરાઓનાં પ્રદેશ સુધી પ્હોંચી જતો હોય છે.પ્રેમ વગર જિન્દગીનો બોજ ઊઠાવવો મુશ્કેલ બની જતો હોય છે.પ્રેમ એ વણ ઉકેલાયેલું રહસ્ય છે.પ્રેમ એ શક્યતાઓથી ભરેલું વિસ્મય છે.પ્રેમ એ અંધ વિશ્વાસની છડી નથી પણ અહેસાસોની મહત્વની કડી છે. પ્રેમ એ માસૂમીયતનાં ધાગાથી ગૂંથાયેલું આસન છે.પ્રેમ એ હદયનું પાટનગર છે.પ્રેમનો પત્ર લખતી વખતે મગજને બાજુ પર રાખીને ફક્ત હદયનો જ ઉપયોગ કરીને પત્ર લખવાનો હોવાથી મુક્તપણે લાગણીઓ વ્યક્ત કરી શકાતી હોય છે.પ્રેમ એ કોઇ ભ્રમ નથી,પણ પરાક્રમ છે.પ્રેમ થયા પછી અવલોકન કરવાની શક્તિ વધારે વિકસિત થઇ જતી હોય છે,પ્રેમ થયા પછી રાતોમાં મનગમતાં સપનાંઓની આવ-જા શરુ થઇ જતી હોય છે,હકીકતની દુનિયા સાથે સપનાઓની દુનિયા જોડાઈ જતી હોય છે.પ્રેમનો મિજાજ અતરંગી,બિન્દાસ હોવાથી એ ભાવ જગતમાં શહેનશાહનો દરજ્જો ધરાવે છે.પ્રેમમાં જીવેલી ઉંમર,પ્રેમમાં માણેલી પળો,પ્રેમમાં ઘૂંટેલી ઘટનાઓ,પ્રેમમાં વાવેલી ઈચ્છાઓ ક્યારેય ભૂલાતી નથી હોતી.પ્રેમનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે,કેટલાય પાત્રોને એને અમર કરી દીધા છે,જ્યારે જ્યારે પ્રેમની વાત નીકળે ત્યારે ત્યારે આપણે એ પાત્રોને યાદ કરવા પડે છે.પ્રેમ એ ચમત્કારનું વિજ્ઞાન નથી પણ આત્મ સાક્ષાત્કાર કરવાનું સોપાન છે.

અગર પ્રેમ વિશે વધુમાં કહું તો.....

પ્રેમ એટલે વહેતી નદી,

પ્રેમ એટલે પળમાં સદી.

પ્રેમ એટલે પોતાનો અંત,

પ્રેમ એટલે ઇશ્વરનો પંથ.

પ્રેમ એટલે બગીચાનું ફૂલ,

પ્રેમ એટલે એક સાચી ભૂલ.

પ્રેમ એટલે લાગણીની દુકાન,

પ્રેમ એટલે બાળકની મુસ્કાન.

પ્રેમ એટલે જાદૂઈ પર્સ,

પ્રેમ એટલે ખુદનો સ્પર્શ.

પ્રેમ એટલે ભૂલ-ભૂલામણી,

પ્રેમ એટલે પેલી લજામણી.

પ્રેમ એટલે ભીતરી પ્રવાસ,

પ્રેમ એટલે જીવનનો શ્વાસ.

પ્રેમ એટલે ભોળું બાળપણ,

પ્રેમ એટલે ગળ્યું ગાંડપણ.....

- અમિત 'કાફી'