સ્વામી વિવેકાનંદની સુવર્ણમુદ્રા Keyur Kotak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વામી વિવેકાનંદની સુવર્ણમુદ્રા

જીવનનો

એક વાર હું કાશીમાં એક જગ્યાએથી પસાર થતો હતો. ત્યાં એક બાજુ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુ ઊંચી દિવાલ હતી. તે જગ્યાએ ઘણા વાંદરા હતા. તેમણે મને ત્યાંથી પસાર ન થવા દેવાનું નક્કી કર્યુ. તેઓ કિકિયારી કરવા લાગ્યા, ચીસો પાડવા માંડયા, મારા પગે ચોંટવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેઓ મારી નજીક આવ્યા, એટલે મેં દોડવાનું શરૂ કર્યું. પણ જેમ હું જેમ વધુ ઝડપથી દોડતો ગયો તેમ વાંદરાઓ પણ ઝડપથી પાછળ પડ્યા અને તેઓ મને બચકાં ભરવા આવ્યા. તે જ વખતે અચાનક એક અજાણ્યા ભાઈ આવી ચડ્યા. તેણે મને બૂમ પાડી કહ્યું, 'વાંદરાની સામે થાઓ.' હું પાછો ફર્યો અને વાંદરાની સામે થયો, એટલે તેઓ પાછા ફર્યા અને આખરે નાસી ગયા.

જીવનનો આ એક બોધપાઠ છેઃ ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓમાંથી આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હઠે છે. ભય, મુશ્કેલી અને અજ્ઞાનને નસડાવાં હોય તો આપણે તેમની સામે લડવું પડશે. આપણે સ્વાતંત્ર્ય મેળવવું હોય તો પ્રકૃતિ પર વિજય મેળવીને જ પ્રાપ્ત થશે, નહીં તે નાસી છૂટીને. નામર્દને કદી વિજય સાંપડતો નથી.

મારા યુવક મિત્રો ! સુદ્રઢ બનો. નબળા લોકોને માટે આ જિંદગીમાં અથવા બીજી કોઈ જિંદગીમાં કોઈ સ્થાન નથી. નબળાઈ ગુલામી તરફ દોરી જાય છે. તે સર્વ પ્રકારનાં માનસિક અને શારીરિક દુઃખો લાવે છે. નબળાઈ મૃત્યુ છે. આપણી આજુબાજુ અસંખ્ય જીવાણુઓ રહેલા છે, પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ અને શરીર તેમને સંઘરવાને તૈયાર તેમ જ અનુરૂપ બને ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતાં નથી. દુઃખના અસંખ્યા જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઊડતા હોય, કંઈ વાંધો નહીં ! જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં.

તુલસીપત્રઃ શક્તિ જીવન છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા બોજ છે, દુઃખ છે, મૃત્યુ છે.

તમે માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં. માનવજાતના 99 ટકા લોકો ગુલામની જેમ કાર્ય કરે છે અને તેનું ફળ દુઃખ સ્વરૂપે મળે છે, કારણ કે આ બધું સ્વાર્થવૃત્તિથી પ્રેરાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરો ! પ્રેમથી કાર્ય કરો ! પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ મળે છે. પ્રેમથી કરેલું એક પણ કાર્ય એવું નથી જેને પરિણામે સુખ અને શાંતિની પ્રતિક્રિયા ન મળે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે. પણ જ્યાં સુધી સ્વતંત્ર્તા ન હોય ત્યાં સુધી પ્રેમ ન જ આવે.


ગુલામમાં સાચો પ્રેમ ન સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો અને કામ કરાવો તો એ વેઠિયાની જેમ કામ કરશે. પણ એનામાં પ્રેમ હશે નહીં. ગુલામની જેમ આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન હોય તે સ્વાભાવિક છે. તેના પરિણામે આપણું કાર્ય સારું થતું નથી. સગાઓ, મિત્રો અને આપણા પોતા માટે પણ કરેલાં કામો પણ આવાં જ છે.


સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામનું કાર્ય છે. ગુલામની જેમ કાર્ય કરવાથી સ્વાર્થીપણું અને આસક્તિ આવે છે, પણ આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનો આનંદ આવે છે. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણા પ્રગતિ રુંધાય છે. એટલું જ નહીં દુઃખ પણ ઉત્પન્ન થાય છે. તમે તમારા બાળકોને જે આપ્યું છે, તેના બદલામાં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખો છો? તમારા બાળકો માટે કામ કરવાને તમે ફરજ માનો છો અને ત્યાં તમે કોઈ બદલાની અપેક્ષા રાખતા નથી. કોઈ પણ વ્યક્તિ કે શહેર કે રાષ્ટ્ર માટે તમે જે કાંઈ કરો ત્યારે તમારાં બાળકો માટે કરેલા કાર્ય જેવો ભાવ રાખો. બદલામાં કશી આશા ન રાખો.

તમારા મગજમાં ઠાંસેલી અને જીવનભર વણપચી રહીને કાળો કેર વરતાવતી માહિતીનો સંચય એટલે કેળવણી નહીં. જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે., તેના ચારિત્ર્યનો વિકાસ કરે તેવા વિચારની આપણને જરૂર છે. માત્ર પાંચ જ વિચારો પચાવીને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં વણી લીધા હોય તો આખું પુસ્તકાલય ગોખી નાખનાર કોઈ પણ માણસ કરતાં તમે વધુ કેળવણી પામેલા છો. કેળવણી અને માહિતીના અર્થમાં કશો જ ફેર ન હોય તો, પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ ઠરે અને સર્વજ્ઞાનસંગ્રહો ઋષિમુનિઓમાં ખપે.

સાધારણ જન સમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે તેને શું આપણે કેળવણી કહીશું? કેળવણીનો હેતુ શો છે?

આપણે એવી કેળવણીની જરૂર છે જેના વડા મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ. કેળવણી માત્રનો હેતુ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો છે. માનવને વિકાસના પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઇચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય. લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓની અત્યારે આપણા રાષ્ટ્રને જરૂર છે.

જેની સામે થવાની કોઈ હિંમત પણ ન કરે, જે સૃષ્ટિના ગુપ્ત રહસ્યને ભેદી શકે અને તેનો તાગ મેળવી શકે, જે મરજીવા બનીને સમુદ્રના તળિયે મોતનો સામનો કરીને પણ જીવનનું રહસ્ય શોધી શકે એવા રાક્ષસી મનોબળની આપણે જરૂર છે. માનવને 'માનવ' બનાવતો ધર્મ આપણે જોઇએ. માનવને 'માનવ' બનાવે તેવા સિદ્ધાંતો આપણે ઇચ્છીએ છીએ. આપણે સર્વત્ર માનવને 'સાચો માનવ' બનાવી એવી કેળવણી ઝંખીએ છીએ.

માર મારવાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તે રીતે આપણે આપણા બાળકોને કેળવવા મથતી પદ્ધતિ રદ કરવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણા બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્યને સુધારવા બળજબરીથી થતા પ્રયાસો હંમેશા એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે.

આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નકારાત્મક વિચારો મનુષ્યને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાના સંતાનોને વાંચવા લખવા કાયમ ટોક ટોક કર્યા કરે અને ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કર્યા કેર ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.

ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો અને કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ વધારી સારી રીતે કરી શકે, તે માર્ગ તેમને દર્શાવવો જોઇએ. શિષ્યની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવો જોઇએ. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય કરી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં કરી શકો નહીં. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે અને આપણે તેને માત્ર જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેના માટે કરવાનું છે.

તુલસીપત્રઃ તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં, તો પછી એ શિયાળ બની જશે

જ્ઞાન મેળવાની કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એકાગ્રતા છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી મનની બધી શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્રબિંદુ પર લાવે છે અને તત્વો પર ફેંકે છે. આ તત્વોનું વિશ્લેષણ થાય છે અને રસાયણશાસ્ત્રી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ખગોળવેત્તા પણ પોતાના મનની શક્તિને એકત્ર કરીને એક જ કેન્દ્ર પર લાવે છે અને પોતાના દૂરબીન દ્વારા પદાર્થો પર ફેંકે છે. પરિણામો તારાઓ અને સૂર્યમંડળો સામે આવીને પોતાનું રહસ્ય ખુલ્લું કરે છે.


એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય. બૂટપોલિશ કરતો કોઈ છોકરો પોતાનું કામ એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરીસા જેવા કરી શકશે. રસોઇયો એકાગ્રતાથી રસોઈ કરશે તો ભોજન સ્વાદિષ્ટ બનશે. પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ, તેટલું કામ સારું. એકાગ્રતા એક પોકાર છે, એક ધક્કો છે, જે કુદરતના દ્વાર તમારી સમક્ષ ખુલ્લા મૂકી પ્રકાશનો ધોધ વહેતો કરે છે.


સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે મુખ્ય ભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં છે. પ્રાણઓમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે અને તેઓ લાંબા સમય સુધી એક વસ્તુ પર એકાગ્રતા સાધી શકતા નથી. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના તફાવતના મૂળમાં પણ એકાગ્રતાનો જ સવાલ છે. નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા માનવીની તુલના કરી જુઓ. આ બંનેમાં ભેદ કેવળ એકાગ્રતાની માત્રાનો જ છે.


કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તેની સફળતાનું રહસ્ય એકાગ્રતા જ છે. ઘણનો ઘા ક્યારે મારવો, અંદરનું દ્વાર ક્યારે ખખડાવવું એટલું આપણે જાણીએ તો પછી બ્રહ્માંડ તો પોતાનો ખજાનો-રહસ્યો તમારી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. પણ પ્રહાર કરવાની આ તાકાતની જનેતા કોણ છે? એકાગ્રતા.

તુલસીપત્રઃ એક વિચારને પકડીને તેની જ ઉપાસનો કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ ધપો. ચોક્કસ તમારો સૂર્યોદય થશે

ઊભો થા અને યુદ્ધ કર,
એક ડગલું પણ પીછેહટ ન કર,
છેલ્લે સુધી લડત ચાલુ રાખ,
પરિણામ ભલે ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે!
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય!
મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમા શું?
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહટ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે....
પુરુષાર્થ કરો,
પ્રકાશ માટે પુરુષાર્થ કરો!
આગળ ધપો!

જાગો વીર!
સદાય શિર પર
ચક્રાવા લ્યે કાળ.

છોડો નિજનાં સ્વપ્નાં,
ભય શો?
કાપો, કાપો આ ભ્રમજાળ.

બધી શક્તિ અને
સામર્થ્યનું મૂળ
જગદંબાનું હું સંતાન છું.

મારે મન
શિર ઝુકાવતી,
ખુશામત કરતી,
કકળાટ કરતી,
અધમ નિષ્ક્રિયતા અને નર્ક
બંને સમાન.

બસ એક જ પ્રાર્થના મારી કે
મારે કાયરને મોત મરવું ન પડે.
જે કાયર છે તે મૃત્યુ પછી
જન્મે એક જંતુરૂપે કાં
બને અળશિયું.

લાખો વર્ષની તપસ્યાને અંતે
કાયરને માટે
ન કોઈ ઉદ્ધાર.

સત્ય મારો પરમેશ્વર ને
વિશ્વ મારો દેશ.

વીરભોગ્યા વસુંધરા

મિત્ર! પ્રથમ માણસ બનો. પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કાંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વૈષ, એ કૂતરાં જેવો એકબીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.

‘તુલસા આયા જગતમેં જગત હસ્યો તુમ રોય;

વૈસી કરની કર ચલો, તુમ હસો જગ રોય.’

એવું જો તમે કરી શકો તો ખરા માણસ; નહીંતર જનમ ધરીને વળ્યું શું?

‘દુનિયાને જે કહેવું હોય તે કહે. હું તો ધર્મને માર્ગે ચાલીશ.’ વીરપુરુષોનો સાચો રસ્તો આવો છે. નહિતર માણસને જો આ માણસ શું કહે છે અને પેલો માણસ શું લખે છે તે જ રાતદિવસ ધ્યાનમાં લેવાનું હોય તો આ દુનિયામાં કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. તમે આ સંસ્કૃત શ્લોક જાણો છો?

‘નીતિનિપુણ માણસો ભલે નિંદા કરે કે સ્તુતિ કરે; લક્ષ્મી આવે કે ભલે ઠીક પડે ત્યાં જાય; મરણ આવે થાય કે પછી યુગો થાય, પણ ન્યાયના પંથથી વીરપુરુષો કદી ચલાયમાન થતા નથી.’ લોકો તમારી સ્તુતિ કરે કે નિંદા કરે, ભાગ્ય તમારા પર રૂઠે કે રીઝે, તમારું શરીર આજે પડે કે યુગો પછી પડે, પણ સત્યના માર્ગેથી તમે ચલાયમાન ન થતા. શાંતિને કિનારે પહોંચતાં પહેલાં માણસને કેટલાં તોફાનો અને વિરાટ મોજાંઓનો સામનો કરવો પડે છે! જેમ મનુષ્ય વધારે મહાન તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે. વ્યાવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે.

જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે!’ આ છે પુરુષાર્થ, મર્દાનગીભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.

જે લોકો જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. વીરભોગ્યા વસુંધરા! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે, તે અચૂક સત્ય છે. વીર બનો. હંમેશા બોલોઃ ‘મને કોઈ ડર નથી,’ દરેકને કહોઃ ‘નિર્ભય બનો.’

તુલસીપત્રઃ ભય નરક છે, ભય અધમ છે, ભય મિથ્યા જીવન છે.

આવેશ જેમ ઓછો, તેમ કામ વધુ સારું થાય. આપણે જેમ વધુ શાંત હોઈએ તેમ આપણે માટે વધુ સારું. તેનાથી આપણે કામ વધુ કરી શકીએ. આપણી લાગણીઓ પર આપણો કાબૂ નથી રહેતો ત્યારે આપણી ઘણી શક્તિ વેડફી નાખીએ છીએ. આપણા જ્ઞાનતંતુઓ ભાંગીએ નાખીએ છીએ, આપણા મનને ખલેલ પહોંચાડીએ છીએ અને કામ સાવ થોડું થાય છે. જે શક્તિ કાર્યરૂપે પરિણમવી જોઈતી હતી તે માત્ર લાગણીના ઊભરારૂપે ખર્ચાઈ જાય છે અને કાંઈ વળતું નથી. મન શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારું કામ કરવામાં વપરાય છે.

જગતમાં જન્મેલા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રોને વાંચશો તો તમને જણાશે કે એ વ્યક્તિઓ અસાધારણ શાંત સ્વભાવની હતી. કોઈ વસ્તુ તેમની મનની સ્વસ્થતાને ડગાવી શકતી નથી. જે માણસ ગુસ્સે થઈ જાય છે તે બહુ કામ કરી શકતો નથી. જે વ્યક્તિને કોઈ પણ બાબત ગુસ્સે ન કરી શકે તે ઘણું કાર્ય પાર પાડે છે. જે માણસ ગુસ્સાને, ધિક્કાને અને બીજા કોઈ પણ આવેશને વશ થાય છે તે કાર્ય ન કરી શકે. તે માત્ર પોતાની જાતને નિરાશ કરે છે. તેના કાર્યમાં કંઈ ઊતરતું નથી. શાંત, સમતોલ અને સમાન દૃષ્ટિવાળું મન જ વધુમાં વધુ કામ કરે છે.

હકીકતમાં વિશ્વની સર્વ શક્તિઓ આપણી છે. આપણે જ આપણી આંખો આડા હાથ ધઈને અંધારું છે, અંધારું છે એમ બૂમો પાડીએ છીએ. તમે જાણો છો કે આપણા આસપાસ અંધાર ું નથી. હાથ ખસેડી લો એટલે અજવાળું દેખાશે. ખરેખર અંધકારનું અસ્તિત્ત્વ નથી, નિર્બળતાનું અસ્તિત્ત્વ નથી. આપણે બૂમો પાડીએ છીએ કે આપણે દુર્બળ છીએ, આપણે અપવિત્ર છીએ. તમે તમારી જાતને ખોટી આંકી રહ્યાં છો. તમે તમારી જાતને સંમોહિત કરીને કંઈક નીચી, નિર્બળ અને કંગાળ કલ્પીએ રહ્યાં છો. આ જ તમારી મોટીમાં મોટી ભૂલ છે. આપણે નિર્બળ છીએ એ માનવું મોટામાં મોટું પાપ છે. આપણામાં અનંત શક્તિ છે. ઊઠો, જાગો અને આ શક્તિનો સ્વસ્થતાપૂર્વક ઉપયોગ કરો.