Featured Books
શ્રેણી
શેયર કરો

ફકીરના વેશમાં અલગારી હિમાલય યાત્રા - part 1

હિમાલય શબ્દ જ એટલો વિશાળ છે કે એની સામે બધું જ નાનું લાગે. ખુમારી, દિલ લગી , જુસ્સા , હિમત અને આધ્યાત્મનું જીવતું જાગતું પ્રતિક એટલે હીમાલય.

આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવા ની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, કોઈ ટેબલેટ, ના કોઈ કેમેરા, ના વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ . બીજો કોઈ સાથ સંગાથ પણ નહી .

પણ આ અચાનક હિમાલય જવાનું ભૂત મને કઈ રીતે વળગેલું ? એ કહેવા જાઉં તો સ્મૃતિ ભૂતકાળ માં જતી રહે.

હિમાલય પર અલગ અલગ સંદર્ભમાં ભરપુર લખાણ લખાયું છે. ફિલોસોફી & Indian Spiritual Masters ને મેં ઘણા વાંચેલા . પણ મેં હમેશા મેં જોયું કે સાલા આ બધાનું કનેક્શન ક્યાંક ને ક્યાંક હિમાલય સાથે જોડાયેલું હોઈ છે.એટલે મારામાં હિમાલય નું કુતુહલ જાગેલું. કઈક તો હોવું જ જોઈએ કે આધ્યાત્મિક માણસ એ તરફ ચુંબક માફક ખેચાય છે.

આજ દરમ્યાન લાઇબ્રેરી માં મેં કુંદનિકા કાપડીયા દ્વારા અનુવાદિત પુસ્તક “હિમાલયના સિદ્ધ યોગી (Living With Himalayan Master – Swami Ram ) વાંચેલું.

એના એક એક પાના વાંચતો ગયો ને અંદર થી દ્રઢ નિર્ણય થતો ગયો કે આપણે એક દિવસે તો હિમાલય જવું જ છે. ને એ પણ કોઈ મોજ મજાની યાત્રા માટે નહી પણ એક અંતર યાત્રા માટે.

આ બુકમાં કેટલાય હિમાલયના યોગ ગુરુઓની કહાનીઓ છે. હું વાંચતા વાંચતા અવાક થઇ ગયો. મેં બુદ્ધ , મહાવીર, કૃષ્ણ, વગેરે ને વાંચ્યા પણ આવા કોઈ જીવતા માણસને કદી જોયેલ નહી. આવા માણસ ને રૂબરૂ મળવાની મારી ઉત્કંઠા વધતી જતી હતી. ભવિષ્યમાં હિમાલય યાત્રા પાક્કી. ત્યાં કોઈ આધ્યાત્મિક પુરુષ કે જે ખુદના અનુભવનો માણસ હોય તે જરૂર મળશે જ કે જે મને મારા અંદર ચાલતા હજારો પ્રશ્નો ના જવાબ આપે.

આ જ સમયે હું વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ ને પણ વાંચી રહ્યો હતો. પણ લાઈબ્રેરીમાં એ બુક જયારે ફરી મુકવા ગયો ત્યારે હિમાલયના એક હાલના જીવિત અને સંસારી માણસ “ SHREE M “ ( મહંમદ અલી ) ની આત્મકથા તરફ મારું ધ્યાન પડેલું. દક્ષીણ ભારતના એક ફાર્મસી કરતા આ મુસ્લિમ યુવાનને પણ હિમાલયનું અદભુત વળગણ લાગેલું અને કઇ પણ લીધા વિના ટ્રેનમાં બેસીને એણે ખેડેલી અદભુત હિમાલય યાત્રા, કઠોર પગપાળા ચાલીને એક આધ્યાત્મિક ગુરુની શોધમાં એક એક આશ્રમ ફર્યાની કહાની, અને કંટાળીને આત્મહત્યા કરવા જતા ગંગોત્રી પર એક યોગ ગુરુ મહેશનાથ સાથે ની મુલાકાત અને એ પછીના તેના 3 વર્ષના હિમાલયના અદભુત અનુભવો ની કહાની વાંચતા જ દિલ બોલી ઉઠ્યું કે બસ હવેતો હમણાં જ હિમાલય જવું જ જોઈએ.

હિમાલય જતા પહેલા જ, પુસ્તકો ના માધ્યમ થી હું હિમાલય ની આસપાસ ના પ્રદેશોથો પૂર્ણ રીતે પરિચિત થઇ ચુક્યો હતો, કહું કે હિમાલય મય બની ગયો હતો. બસ હવે ખાલી ખુદનો અનુભવ જ બાકી હતો,

પણ હિમાલય જવા માટે સમય કાઢવો મારા માટે ઘણો મુશ્કેલ હતો, એકબાજુ માથા પર GPSC CLASS 1-2 ની પરીક્ષા અને બીજી બાજુ GPSC માં મારી લેકચરશીપ. મારી હિમાલય યાત્રા માં બિચારા GPSC નાં વિદ્યાર્થીઓ તો રખડી જ પડે ને .

પણ ત્યાં જ ‘ભાવતું તું ને વૈદે બતાવ્યું’ તેમ થયું.અચાનક સમાચાર મળ્યા , ડીસેમ્બર માં લેનારી અમારી GPS ની પરીક્ષા હાલ પુરતી મુલતવી રખાઈ છે. વાહ! માર્ગ મોકળો થયો !

આ જ દરમ્યાન દિવાળી નો માહોલ હતો. ક્લાસમાં 8-10 દિવસ ની આમપણ રજા મળવાની જ હતી.

આનાથી વધુ સુવર્ણ સમય શું હોઈ શકે? લોકો , મિત્રો, વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે જવાનો પ્લાન કરતા હતા અને હું હિમાલય નો . હવે તો હિમાલય ગયે જ પાર. કઈ પણ થાય આપણે જવું જ છે. પાક્કો નિર્ધાર. દ્રઢ સંકલ્પ........

ટ્રેન વિશે મેં તમામ તપાસ કરી નાખી. પણ હું કઈ AC કે સ્લીપિંગ માં બુકિંગ કરાવીને શાંતિથી જવા માંગતો ન હતો . મારે તો એક રોમાંચિત યાત્રા જ કરવી હતી અલગારી બની ને ...

NO PRE-BOOKING. સીધુજ ટ્રેન માં ઘુસી જવાનું. જ્યાં જગ્યા મળે ત્યાં ફકીરની જેમ બેસી જવાનું ને જગ્યા ના મળે તો દરવાજા પાસે ઉભું રહેવાનું. એક એક સ્થળોને આંખો માં ભરતા જવાના .

લોકો & મિત્રો ના કહેવા પ્રમાણે આટલી લાંબી મુસાફરી આવી રીતે કરવી એ ભયંકર કહી શકાય , પણ મને એની કઈ જ પડી ન હતી.

વર્ષોથી આવી યાત્રાનું સપનું હતું . જેમાં કોઈ PRE-PLANING નહી. બસ મંઝીલ જ્યાં લઇ જાય ત્યાં, જેમ લઇ જાય તેમ નદી ની જેમ વહેતા વહેતા ચાલતું રહેવું. Total Surrender to Nature .

રવિવાર ના દિવસે સાંજે 8 વાગ્યા સુધી મારા GPSC ના લેકચરો હતા. ને એ પતાવી સીધુજ રેલ્વે સ્ટેશન તરફ જવાનું હતું. ને શરુ થવાની હતી મારી રોમાંચિત યાત્રા.

લેક્ચરમાં મેં મારા ઇતિહાસ ના વિદ્યાર્થી મિત્રો ને મેં જાણ કરી કે હું આવી રીતે હિમાલય જવાનો છુ. તો બધા મજાક માં કહેવા લાગ્યા. “સાહેબ, પાછા આવજો, ત્યાં જ રહી ન જતા, નહિતર અમે GPSC માં લટકી જઈશું”

શનિવાર સુધી માં એક મિત્ર ને બાદ કરતા બધા જ મિત્રો રૂમ છોડીને ઘરે ભાગી ગયા હતા. પણ જતા જતા મને કહેતા ગયેલા કે, “A least એક સાદો મોબાઈલ તો તારી સાથે લઈજ જજે . ગમે ત્યારે કામ આવી શકે”

પણ હું એ વાતના પણ સમર્થનમાં ન હતો, મોબાઈલ સાથે હોઈ તો તમે એમાં જ પડ્યા રહો. હિમાલય નો સંપૂર્ણ આનંદ પછી ક્યાં રહે?

મારે તો સંપૂર્ણ રીતે હિમાલય ને નખશીખ પી જવો તો. મોબાઈલ થી લોકો ના સંપર્ક માં રહેવું , લોકો CALL કરી કરી પૂછ્યા કરે, ફોટોગ્રાફ્સ પાડતા રહેવા, એથી મારે દુર રહેવું હતું. 8-10 દિવસ સામાન્ય દુનિયા થી સદંતર અલગ. કોઈ જ જાણીતું નહી, કોઈ સંપર્ક નહી, ખાલી ત્યાં તમે અને પ્રકુતિ બે જ હોઈ. આ મિલન માં કોઈ જ વિધ્ન આવે તે હું ઈચ્છતો ન હતો.

અંતે રવિવાર આવ્યો. એક બાજુ લેકચર પતી રહતા હતા ને બીજી બાજુ મારો ઉત્સાહ વધી રહ્યો હતો. હિમાલય મને બોલાવતો હતો. “ આવી જ દોસ્ત , જલ્દી આવ, મને માણી લે, નિહાળી લે”.

રવિવારે રાત્રે ૮ વાગ્યે લેકચર પતાવીને હું જલ્દીથી રૂમ પર પહોચ્યો. મારો મિત્ર મારી રાહ જોઇને બેઠો હતો, એ મને કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુકવા આવવાનો હતો. મારે યાત્રાની તૈયારી કઈ ખાસ કરવાની નાં હતી, મારે તો પહેરેલા કપડે જ નીકળવાનું હતું. સામાનમાં એક નાની બેગ, એક ચાદર, ૩ પુસ્તકો બસ. બીજું કઈ જ નહિ...........

( મેં આ યાત્રા કેવી રીતે શરુ કરી ? હું કેવી રીતે હિમાલય પહોચ્યો ?ત્યાં કોને કોને મળ્યો?? હિમાલયના ચલમ ગાંજા વાળા બાવાઓ સાથે મેં કેવી મુલાકાતો કરી ?? ને ત્યાં કેવી મુશ્કેલીઓ સહન કરી તે બીજા ભાગમાં વર્ણવીશ.... )

આભાર.

  • વિવેક ટાંક