એક હતી ગોટી Nayana B Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી ગોટી

Nayana Mehta

nayanabmehta@gmail.com

-: એક હતી ગોટી:-

‘શૈલી, ઉઠી જા બેટા. જો આ ચકલી બારીની પાસે બેઠી બેઠી ‘શૈલી ઊઠ’ ‘શૈલી ઊઠ’ એવું કહે છે. સંભળાય છે તને ?’

આંખો ચોળતી શૈલી ઉઠતાંવેત ચકલીના ‘ચીં’ ‘ચીં’ માંથી ‘શૈલી’ સાંભળવા કાન સરવા કરવા લાગી. તેની આંખોમાં પ્રશ્નાર્થ ચિન્હ ઊભરી આવતું જોઈ પૃથા હસી પડી.

‘અરે બકા... ચકલી કંઈ આપણી જેમ થોડી બોલે ? પણ જો તારી સામે જોઇને ચીં ચીં કરે છે કે નહીં ?’ એટલે તને જ કહેતી હોય સમજી ?

ભોળી, મીઠડી,શૈલી પોતાની મમ્મીની વાતમાં વિશ્વાસ કરી લે છે. માની લે છે કે ચકલી પોતાને જ ઉઠાડે છે. એની આંખમાનું પ્રશ્નાર્થ ચિહ્ન જતું રહે છે. પણ પાછો કાલોઘેલો પ્રશ્ન, ‘પણ ચકલીને મારું શું કામ છે ? મને શું કામ ઉઠાડે છે ?’

પૃથા લાડકી દીકરીને તેડી લેતી કહેવા લાગી, ‘બેટા એને તું ગમે છે એટલે તું આમ ઊંઘી રહે તો એને સૂનું સૂનું લાગે છે. એને તો તું દોડતી,રમતી,ગાતી હોય તો જ ગમે.’ બોલતાં બોલતાં પૃથાએ શૈલીને બ્રશ કરવા માટે બેઝીન પાસે રાખેલા સ્ટૂલ પર ઉભી રાખી દીધી. શૈલી સુસ્તિ ઉડાડતી હસતી હસતી બ્રશ હાથમાં પકડતી અરિસામાં પોતાને જોઈ રહી. પાછી ગાવા લાગી,

‘ચીં ચીં કરતી ચકીરાણી મને બહુ છે વ્હાલી,

રોજ સવારે મીઠા સાદે ઉઠાડતી બહુ વહેલી.’

પૃથાની, શૈલીને ઉઠાડવાની જુદી જુદી રીતોને લીધે રોજ એની એક આગવી સુંદર સવાર ઉગે.આ જ કારણે શૈલીને ખિસકોલી, કીડીઓ, વાંદરા, પક્ષીઓ સાથે અલગ નાતો બંધાય.

એકવાર શૈલીના ઘરની બાલ્કનીમાં ચકલીએ માળો બાંધ્યો. એમાં પાછા ઈંડા મૂક્યાં. શૈલીની જિજ્ઞાસા સંતોષવા ઈંડા શું છે ? એમાંથી કેવા નાનકડાં બચ્ચાં આવશે ! ચકલી એમના માટે દાણા શોધી લાવશે. તેમને મોંમાં મૂકીને કેવું ખવડાવશે ? વગેરે વાતો પૃથા સમજાવતી રહેતી હતી.

શૈલીની નાની આંખો વારેવારે નવાઈથી ઉભરાઈ જતી. જ્યારે પણ સમય મળે ત્યારે ચકલી શું કરે છે ? ઈંડા ફૂટ્યાં કે નહીં ? તેનું ધ્યાન રાખતી રહેતી. એક દિવસ અચાનક ચકલીના માળામાંથી ઝીણી ઘૂઘરીઓ વાગતી હોય તેવા મીઠા અવાજ સંભળાવા લાગ્યા. શૈલી દોડાદોડ કરતી માળામાં જોવા લાગી... “હા ભઈ... ઈંડા તોડીને ઝીણા બચ્ચાં બહાર આવતાં હતાં !” ઝીણી ઝીણી પાંખો, બચુકડાં પગ ને ઝીણકડી મજાની ચાંચ!! શૈલી તો ખુશી અને આશ્ચર્યથી ગાંડી થઇ નાચવા લાગી.. નાચતી જાય ને ગાતી જાય.

‘ઈંડા ફૂટ્યાં બચ્ચાં બહાર

ચાલો ચાલો જોવા યાર

ઝીણી ઝીણી ચાંચ છે!!’

નાની નાની પાંખ છે!!

વળી એકવાર શૈલીએ ચકલીને પોતાના બચ્ચાંની ચાંચમાં ચાંચ નાખી દાણા ખવડાવતી પણ જોઈ! અચાનક શૈલીને થયું ‘લાવ આ ચકલી અને બચ્ચાં માટે દાણા ને પાણીની સગવડ હું જ કરી આપું.’ તેને તો માળાની નજીક પાણી ભરેલું નાનું કોડિયું અને એક ડીશમાં જુવારના દાણા રાખી દીધાં. બસ પછી તો શૈલી જાણે ચકલીના પરિવારની જ સભ્ય હોય તેમ માળાની આજુબાજુ જ રહેતી. બે બચ્ચાં ને ચકલીના સંસારને ધ્યાનથી જોતી અને માણતી. એણે તો ચકલી નું નામ પણ રાખી દીધું ‘ગોટી’ ને બચ્ચાના નામ રાખ્યા ચક ને બક. બચ્ચાં ધીરે ધીરે મોટા થવા લાગ્યાં પણ એમને ઉડવાની કંઈ જરૂર જ પડતી નહીં. કારણકે, દાણા અને પાણી તો સાવ ચાંચવગા જ રહેતાં ! ખલાસ થવા આવે કે શૈલી વળી કોડિયું અને ડીશ ભરી કાઢે. ગોટી પણ ઘણા દિવસથી ઉડી જ નહોતી. શૈલીએ પૃથાને પુછ્યું, ‘મમ્મી હવે આ બચ્ચાં ઉડશે ક્યારે ?’ ‘જ્યારે તેમનામાં પૂરતી તાકાત આવશે ત્યારે ઉડશે.’ પાછા થોડા દિવસ ગયાં. બચ્ચાં તો ઉડે જ નહીં. ! પૃથાને પણ થયું , ‘હવે તો બચ્ચાં ઉડવા જોઇએ...કે પછી એમને પણ નબળી પાંખો હોય એવું તો નહીં હોય ?’

એકવાર પૃથાએ જોયું કે ગોટી પોતે પણ ઉડવા કોશિશ કરતી હતી પણ જાણે ઉડવાનું જ ભૂલી ગઈ હોય તેવું લાગતું હતું ! પૃથાને અચાનક આખી વાત સમજાઈ ગઈ.તૈયાર દાણા-પાણી મળતાં હતાં એટલે ગોટી ને ઉડવાની જરૂર જ નહોતી પડતી. એને ઉડવાની આદત જ જતી રહી હતી. પછી ચક-બક ને શીખવાડવાની તો વાત જ ક્યાં ?

તેણે શૈલીને સમજાવ્યું, ‘ જોયું શૈલુ...ભગવાને આપણને જે અંગો આપ્યાં હોય તેનો બરાબર ઉપયોગ કરવો જોઇએ નહીં તો આપણા એ અંગો નકામા બની જાય.’

શૈલીએ સચિંત પૂછ્યું, ‘ તો હવે આ બધાં નહીં ઉડી શકે ?’

પૃથા, ‘ જરૂર ઉડશે. બસ એમનાં દાણા પાણી રાખવા બંધ કરી દે.’

શૈલીએ દાણા મૂકવા બંધ કર્યાં. પણ પાણી તો ભરતી જ. એને સમજાતું નહીં કે ગોટી પાણી શી રીતે લાવે ને બચ્ચાંને પીવડાવે ?

શૈલીએ દાણા રાખવાનું બંધ કર્યું. એટલે ધીમે ધીમે ગોટી દાણા શોધવા બહાર જવા લાગી. થોડા દિવસમાં બરાબર ઉડવા લાગી અને બચ્ચાંને પણ શીખવાડવા લાગી. ચક-બક પણ નાની પાંખો ફફડાવતાં ગોટી ની સાથે થોડું થોડું ઉડવા લાગ્યાં! શૈલી વળી ખૂશ ખૂશ થઇ ગઈ. વળી, બે હાથ ફેલાવી ઉડવાની એક્ટીંગ કરતી દોડતી જાય ને ગાતી જાય.

‘પાંખો નાની ફફડાવીને

બચ્ચાં જુઓ બધે ફરે

ચીં ચીં ચીં ચીં બોલીને

મમ્મી સાથે જુઓ ઉડે’

હજુ ચક ને બક પૂરું ઉડવાનું શીખ્યા ય ન હતાં ત્યાં એક સાંજે ગોટી દાણા લેવા ગઈ હતી તે પાછી જ ના ફરી. રાત પડી એટલે ભૂખ્યાં ચક ને બક ઘૂઘરિયાળા અવાજે રાડો પાડીને થાક્યાં ને પછી શાંત થઇ ગયાં. શૈલીને ચક ને બક ઢીલાં પડી ગયાં જોઇને બહું દુ:ખ થતું હતું. તેણે રાત્રે મોડે સુધી ગોટી પાછી ના ફરી એટલે મમ્મીને કહ્યું ,

‘મમ્મી, ગોટી હજુ આવી જ નથી. ચક ને બક રડીરડી ને થાક્યાં. મારા મૂકેલા દાણા પણ ખાતાં નથી.’

‘અરેરે ! ગોટીએ સાંજ સુધીમાં આવી જવું જોઈતું હતું.’ પૃથા ‘હા મમ્મી, ગોટી સારી મમ્મી નથી એને ચક ને બકની ચિંતા જ નથી.’ ‘એવું ના કહીએ બેટા. કોઈપણ પંખી સાંજ પડે પોતાના માળામાં પાછું આવી જ જાય. ગોટી તો પાછી મમ્મી છે એ તો એના બચ્ચાં માટે આવ્યા વગર રહે જ નહીં.’ મા-દીકરી આમ ચિંતા કરતાં મોડેથી ઊંઘ્યાં.

સવારે જોયું તો હજું ગોટી તો આવી ન હતી ! ચક-બક એકબીજા પર ડોકી ઢાળીને સૂતા હતાં. શૈલીને ગરીબડાં બચ્ચાં જોઈ રડવું આવી ગયું. સવારનું કામ ઝડપથી પૂરું કરી પૃથા અને શૈલી ગોટીની શોધમાં નીકળી પડ્યાં. ઝાડપર જોય, વિજળીના તારને થાંભલે જોય, અરે ! ઝૂના ચીડિયાઘરમાં પણ જોઈ લીધું પણ ગોટીનો કોઈ પત્તો ના મળ્યો. એક તો ઉત્તરાયણ એક બે દિવસમાં જ આવતી હતી એટલે જ્યાં ત્યાં ફાટેલાં ને ફસાએલા પતંગો ને દોરીના ગૂંચળા હોવાથી આવડી નાની ગોટીને શોધવામાં તકલીફ પડતી હતી.

પૃથાને દોરીના ગૂંચળા જોઈ અચાનક વિચાર આવ્યો, ‘ક્યાંક ગોટીના પગ દોરીના ગૂંચળામાં તો નહીં ફસાયા હોય ? એમ હોય તો તો બિચારી ગોટી ઉડી જ ના શકે.’

‘શૈલી પેલી તારી બેનપણી ક્ષમાની મોટીબેન ઉત્તરાયણમાં કોઈ પક્ષી બચાવો અભિયાનમાં સેવા આપવા જાય છે ને ?’ ‘હા, મમ્મી અહીં નજીકમાં જ પક્ષીઓનો કેમ્પ છે એમાં જ જાય છે.’ ‘શૈલુ ચાલ તો આપણે પહેલાં ત્યાં જ તપાસ કરીએ.’

કેમ્પમાં દાખલ થતાં જ બે સ્વયંસેવકને પૂછતાં દીપા ત્યાં જ હતી તેમ જાણવા મળ્યું. પાંચ મિનિટમાં દીપા એમને મળવા આવી ગઈ.

‘અરે ! શૈલી તું અહીં ક્યાંથી ?’ કહેતાં દીપાએ પૃથાને જોતાં ‘નમસ્તે આન્ટી’ કહ્યું. પૃથાએ ગોટીની વાત દીપાને સમજાવી. ‘દીપાદીદી તમારા કેમ્પમાં અમારી ગોટી આવી છે ?’ શૈલીએ પૂછ્યું. ‘શૈલુ તમે બંને અહીં જ ઊભા રહો હું તપાસ કરીને આવું છું.’ કહી દીપા ગઈ.

પાંચ મિનિટમાં પાછી આવતાં જ દીપા બોલી ‘એક ચકલી ગઈકાલે સાંજે આવી છે એના પગમાં કાચપાયેલી પતંગની દોરી ફસાતાં કાપા પડ્યાં છે અને એક પાંખને પણ નુકસાન થયું છે. દૂરથી તમે જોઈ લેજો કે એ તમારી ગોટી તો નથી ?’ ‘દૂરથી કેમ દીપાદીદી નજીક જવા દેજો ને.’ શૈલી અધીરી થઇ ગઈ. ‘ ના બકા, પક્ષીઓ આમ પણ માણસોથી ડરે એમાં આ તો ઘાયલ પક્ષી એટલે માણસ નજીક આવે તો ફફડી મરે.’

‘તો દીદી તમે પણ માણસ જ છો ને ? તમે તો નજીક જાઓ છો.’ ‘અરે બડબડ બબલી, અમને તો પક્ષીઓ ઓળખી ગયા છે ઉપરથી અમારા ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરીને લાડ કરતાં હોય છે.’દીપાએ સમજાવ્યું. ત્યાં તો દૂરથી જ સળીયાવાળા નાના બોક્ષમાં શૈલીએ ગોટીને જોઈ. ગોટીએ પણ શૈલી ને જોઈ ગોટી એની એક સાજી પાંખ ફફડાવવા લાગી. જાણે એને ઉડીને શૈલી પાસે આવવું હતું ! દીપા સમજી ગઈ કે એ શૈલીની ચકીદોસ્ત ગોટી જ છે.

કેમ્પના સંચાલક સંજયભાઈની મુલાકાત કરાવી દીપાએ શૈલી અને પૃથા ગોટી માટે આવેલા તે વાત કરી. ‘તમારી ગોટીને તમારે ઘરે લઇ જવી છે પણ. શૈલી બેટા ગોટીની સારવાર કરવી પડે તેમ છે. કાચવાળી દોરીએ એને ઘણું નુકસાન પહોચાડ્યું છે.’

‘તો અંકલ તમે અમને ગોટીને નહીં લઇ જવા દો તો એનાં નાના બચ્ચાં ચક-બક ઝૂરીને મરી જશે. ને મને પણ...’ શૈલી પૂરું બોલે તે પહેલાં રડી પડી.

‘બેટા તારી ગોટીને ફક્ત એની પાંખ સાજી થાય ને પગના કાપા રુંઝાય એટલા દહાડા જ રાખીશું. ચક-બક ને સવારે અમારો સ્વયંસેવક તારા ઘરેથી લઇ જશે, એમને ગોટી સાથે જ રાખીશું. બસ ?’

‘ને અંકલ હું ?’ શૈલીએ આંસુભરી આંખે પૂછ્યું.

‘બેટા તું અહીં ના રહી શકે. પણ હા ગોટી અને ચક-બક ને મળવા જરૂર આવી શકે. આમતો અમે અજાણ્યાને પક્ષી પાસે જવા દેતાં નથી પણ તું કાંઈ ગોટી માટે અજાણી નથી એટલે જવા દઈશું.’

પૃથા અને શૈલી ઘેર આવ્યાં. બીજી સવારે બર્ડ કેમ્પમાંથી દુષ્યંત નામનો સ્વયંસેવક આવ્યો. ચક-બક ને સાથે લાવેલી બાસ્કેટમાં સાચવીને મૂકીને લઇ ગયો. શૈલી રડતાં-રડતાં ‘આવજો’ કહેતી રહી. શૈલીને ગોટી અને ચક-બક ભેગાં મળ્યાં તેનો આનંદ હતો. પણ પછી ચાર-પાંચ દિવસ પછી ત્રણે ખુલ્લા આકાશમાં ઉડી જશે આ મોટી દુનિયામાં ખોવાઈ જશે એ વાતની બીક લાગતી હતી.

પૃથાએ શૈલીને પોતાની આગવી રીતથી સમજાવ્યું કે પશુ,પંખી ને માણસો સહુની અલગ દુનિયા હોય. સહુને પોતાની જિંદગી જીવવાનો હક હોય. આપણે તેમને પ્રેમ કરી શકીએ. એમની કાળજી રાખી શકીએ પણ એમને છૂટથી પોતાની રીતે જીવતાં ના રોકી શકીએ. શૈલીએ ભારે હૈયે મમ્મીની વાત પર વધુ એક વાર વિશ્વાસ મૂકી દીધો. જાણે મોટી થઇ ગઈ હોય તેવી ઠાવકી થઈને ધીમા અવાજે ગણગણવા લાગી,

ચકી દોસ્ત ચકી દોસ્ત

જ્યાં રહે ત્યાં રહેજે મસ્ત

‘ગોટી,ગોટી’ પાડીશ સાદ

ચક-બક ને તું કહેજે યાદ

