તારા પ્રત્યે એને
લાગણી હતી ખરી?
ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ
થી કભી, અબ મગર વો ચાહ નહીં,
ઉનસે પહલી સી રસ્મો-રાહ નહીં,
કુછ-ન-કુછ હુસ્ન ભી તો હૈ મુઝરિમ,
સબ-કા-સબ આંખ કા ગુનાહ નહીં.
-મંજૂર આરિફ.
માણસને માત્ર સંબંધ જ જોઈતો હોતો નથી. સંબંધની સાબિતી પણ જોઈતી હોય છે. મારા સંબંધનો પડઘો પડવો જોઈએ. હું બોલું ત્યારે હોંકારો મળવો જોઈએ. મારી વાત એણે સાંભળવી જોઈએ. એની વાત એણે મને કહેવી જોઈએ. આપણે કોઈને મેસેજ કરીએ અને એનો જવાબ ન મળે તો આપણને માઠું લાગી જાય છે. મેં એને વિશ કર્યું અને એણે મને થેંક્સનો મેસેજ પણ ન કર્યો! આપણે ક્યારેય એવું માનતાં નથી કે મારે કરવું હતું એ મેં કર્યું, એને યોગ્ય લાગે એમ એ કરે. આપણે વિચારો કરવા લાગીએ છીએ કે એણે મને કેમ જવાબ ન આપ્યો? એને હવે મારામાં રસ નથી? હવે એને મારી કોઈ જરૂર નથી? હવે એને બીજા મિત્રો મળી ગયા હશે? મેં મેસેજ કરીને મૂર્ખાઈ કરી? મારે શા માટે સામેથી વહાલા થવાની જરૂર છે? આપણે ભાગ્યે જ એવો વિચાર કરીએ છીએ કે એ કંઈ તકલીફમાં તો નહીં હોયને? બનવાજોગ છે કે એનો ફોન જ બંધ હોય! કોઈક કારણ હોય જેનાથી એ જવાબ ન આપી શક્યો હોય! ના,આપણે તો પ્રતિસાદ જ ઇચ્છતા હોઈએ છીએ. જવાબ તો આપવો જ જોઈએ, એવું આપણે માની લઈએ છીએ. કમ્યૂનિકેશનનાં સાધનો વધ્યાં એમ માણસની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. રિપ્લાય પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે!
હવે સંબંધો 'અનલિમિટેડ' થઈ ગયા છે. કેટલાં બધા કોન્ટેક્ટસ આપણા મોબાઇલમાં હોય છે. દુનિયાના ગમે તે છેડેથી ગમે તે વ્યક્તિ આપણને મેસેજ કરે છે. વર્તુળ એવડું મોટું થઈ ગયું છે કે આપણે પોતે જ તેમાં ભૂલા પડી જઈએ. એક સમયે મિત્રો બહુ થોડા હતા પણ મૈત્રી ગાઢ હતી. આજે મિત્રો અનેક છે પણ દોસ્તીને શોધવી પડે છે.
લાગણી શોધવાનું સર્ચ મશીન હોતું નથી. ફ્રેન્ડ મળી જાય છે પણ ફ્રેન્ડશિપ મળતી નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં કંઈ ખોટું નથી પણ તમારી અપેક્ષાઓને એટલી બધી વધારી ન દો કે એ પછી તમને જ દુઃખી કર્યે રાખે! અત્યારે તો સંબંધો વધારવાની હોડ ચાલી છે. ફેસબુક પર ફ્રેન્ડ્સના ફિગરથી આપણે આપણાં સર્કલનો અંદાજ બાંધી લઈએ છીએ. આશા તો એવી રાખીએ છીએ કે આ સંબંધો આખી જિંદગી ચાલે અને આપણે ઇચ્છીએ ત્યારે આપણને જવાબ મળે. દરેક સંબંધમાં રિસ્પોન્સ મળે એવું જરૂરી નથી.
સંબંધો અમર્યાદિત રાખો તેનો વાંધો નથી પણ અપેક્ષાઓ મર્યાદિત રાખો. દરેક માણસના 'ઈમોશન'નું એક ચોક્કસ લેવલ હોય છે. માણસ જેમ વધુ ઈમોશનલ હોય એમ એણે સંબંધ બાબતે વધુ 'એલર્ટ' રહેવું જોઈએ. સંબંધો સુખ પણ આપે છે. સંબંધો પેઈન પણ આપે છે. કોઈ સાથે 'એટેચ' થાવ ત્યારે એની સાથે 'કટ ઓફ' થવાની પણ થોડીક તૈયારી રાખવી પડે છે. કટ ઓફ થઈ ન શકનાર વ્યક્તિ પીડાતી રહે છે. દરેક વ્યક્તિને આપણાં પ્રત્યે લાગણી હોય એ જરૂરી નથી. આપણી સાથે જોડાયેલી વ્યક્તિને પણ માત્ર આપણા માટે જ લાગણી હોય એવું જરૂરી પણ નથી અને શક્ય પણ નથી. કોઈ સંબંધ તૂટવાના કારણે જો આપણે દુઃખી થતાં હોય તો તેના માટે ઘણા બધા અંશે આપણે જ જવાબદાર હોઈએ છીએ.
માણસે બ્રેકઅપ મેનેજ કરતાં પણ શીખવું જોઈએ. કોઈ સંબંધનો અંત આવે ત્યારે માણસ પાસે માત્ર બે જ રસ્તા હોય છે. એક તો એમાં પડયા રહેવું અને દુઃખી થયે રાખવું અને બીજો રસ્તો એ કે તેમાંથી નીકળી જવું. પ્રેમીઓનું બ્રેકઅપ અને પતિ-પત્નીના ડિવોર્સ થતાં રહે છે. આ બે સંબંધ સિવાયના પણ કેટલા બધા સંબંધો તૂટતા રહે છે. કાચનું વાસણ તૂટે ત્યારે આપણે કાચના ટુકડાથી માંડી નાની-નાની કરચ પણ ભેગી કરીને ફેંકી દઈએ છીએ. ભેગા કરતી વખતે પણ ધ્યાન રાખીએ છીએ કે ક્યાંક વાગી ન જાય! સંબંધો પણ કાચના જ બનેલા હોય છે. ક્યારેક કોઈક ફૂટી પણ જાય. દુઃખ પણ થાય. એની કરચ વાગવા દેવી કે ન વાગવા દેવી એ આપણે નક્કી કરવાનું હોય છે.
એક માણસનો સંબંધ તૂટયો. એ ડિસ્ટર્બ હતો. એક ફિલોસોફરને તેણે વાત કરી. ફિલોસોફરે કહ્યું કે અમુક સંબંધો અને અમુક માણસો આપણી જિંદગીમાં મહેમાન બનીને આવે છે. મહેમાન કાયમી રહેતા નથી. એ તો આવ્યા ત્યારે જ નક્કી હોય છે કે એ જવાના છે. તમે એને કાયમી માની ન લો. તમે મહેમાનગતિ કરી એ પૂરતું છે. મહેમાન ઘરેથી જાય પછી આપણે ઘરને પાછું સમુંનમું કરી લઈએ છીએ. મહેમાનને આપેલાં ટુવાલ-નેપ્કિન પણ ધોવામાં નાખી દઈએ છીએ. કોઈ સંબંધ જાય ત્યારે આપણે પાછા સરખા થઈ જવાનું હોય છે. ઘણા મહેમાન ગમતાં પણ હોય છે પણ એય જવાના હોય છે. કોઈ બે-ચાર દિવસના હોય તો કોઈ બે-ચાર મહિનાના હોય! આપણે કાયમી તેને પકડી ન રાખી શકીએ! આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ છીએ. આપણને અમુક સ્થળ ગમી પણ જાય છે. એ સ્થળે રહેવાનું પણ મન થાય છે. આપણે ત્યાં રહી શકતા નથી. વધુમાં વધુ બે-ચાર દિવસનો સ્ટે વધારી દઈએ. અંતે તો પાછા જ ફરવાનું હોય છે. આપણે પણ ક્યાં દરેક સંબંધને કાયમી જાળવી શકીએ છીએ?
એક યુવાન એક હિલ સ્ટેશન પર ફરવા ગયો. એ જે હોટલમાં રોકાયો હતો ત્યાં જ એક બીજો યુવાન પણ રોકાયો હતો. બંને સવારે બ્રેકફાસ્ટમાં ભેગા થઈ ગયા. સાથે ફરવા જવાનું નક્કી કર્યું. ત્રણ-ચાર દિવસ બંને બહુ પ્રેમથી ફર્યા. બંને બહુ સારા મિત્રો બની ગયા. આખરે જુદા પડવાનો સમય આવ્યો. એક યુવાને બીજા પાસેથી તેનો કોન્ટેક્ટ નંબર માંગ્યો. બીજા મિત્રએ કોન્ટેક્ટ નંબર આપવાની ના પાડી. મારે નથી આપવો! શું જરૂર છે? આપણે મળ્યા, જુદાં પડયા. સાથે મજા કરી. એકબીજાની યાદો સાથે છે, એ પૂરતું નથી? આપણે શા માટે દરેક સંબંધ કાયમ રાખવા જ ઇચ્છીએ છીએ? એક સંબંધ માટે આટલો સમય પૂરતો નથી? આપણે હવે કદાચ ક્યારેય નહીં મળીએ. માનો કે ક્યાંક મળી જઈશું તો પાછી આવી જ મજા કરીશું! પાછા મળી જઈએ ત્યારે કદાચ આવી જ મજા ન પણ આવે અને કદાચ આનાથી પણ વધુ મજા આવે. આ સંબંધને ખેંચવાની શું જરૂર છે? આપણે એકબીજાને કોન્ટેક્ટ આપીશું, પછી ધરાર બંધાયેલા રહીશું. એકબીજાનો જવાબ નહીં મળે તો દુઃખી થઈશું. એ દોસ્ત! આટલું જ રાખ. ચાલ સરસ મજાની યાદો સાથે છૂટાં પડીએ. એ યુવાને ખરા દિલથી હગ કર્યું અને પછી તેની બેગ ઉપાડી ચાલવા લાગ્યો. આપણે કોઈને આટલી સહજતાથી આપણી જિંદગીથી દૂર જવા દઈએ છીએ? ના, પકડી રાખીએ છીએ. એ છટકી જાય તો એને કોસતાં રહીએ છીએ. કોઈ સંબંધ પૂરો થાય ત્યારે એવું પણ ન વિચારો કે એને મારા પ્રત્યે લાગણી હતી કે નહીં?
સંબંધો સમાપ્ત થતાં હોય છે. ક્યારેક સુખ સાથે અને ક્યારેક દુઃખ સાથે, થોડીક મીઠી યાદો સાથે અને થોડીક કડવી યાદો સાથે! દુઃખ પણ થાય. દુઃખ થવું પણ જોઈએ. ચ્યુંઇંગમ ગમે એવી મીઠી હોય તોપણ એ ક્યારેક તો સ્વીટનેસ ગુમાવે જ છે. ટેસ્ટ વગરની ચ્યુંઇંગમ ક્યાં સુધી ચાવતા રહેવું છે એ નક્કી કરવું પડે છે. સંબંધો તૂટવાનો અફસોસ પણ ન કરો. રાતે ઊંઘમાં આવતાં સુંદર સપનાં પૂરાં થઈ જ જતાં હોય છેને? સુંદર સપનાને અને સુંદર સંબંધોને વાગોળો પણ એનો વલોપાત ન કરો!
છેલ્લો સીન :
એકડો આવડી જાય પછી બાળક પણ એને ઘૂંટવાનું છોડી દે છે. માણસને સંબંધ સમજાઈ જાય પછી પણ કેમ એને વાગોળતાં રહીને દુઃખી થવાનું છોડતો નથી? -કેયુ
(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)
kkantu@gmail.com