tare vakhan karva hoy to.. books and stories free download online pdf in Gujarati

તારે વખાણ કરવા હોય તો...

વખાણ કરવાં હોય તો

બધાની હાજરીમાં કરને!

ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ

દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,

આ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે,

આ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે,

હે દોસ્ત! એની યાતના, એનો જ ત્રાસ છે.

-યોસેફ મેકવાન

માણસ પાસે આપવા માટે કંઈ પણ ન હોય તો પણ તેની પાસે એક વસ્તુ તો હોય જ છે, એ છે આપણા દિલમાંથી નીકળતા શબ્દો. શબ્દોનું કોઈ મૂલ્ય નથી. એટલે જ શબ્દો અમૂલ્ય છે. ફૂલો કાં તો ચૂંટવાં પડે છે અને કાં તો ખરીદવાં પડે છે. શબ્દો ખરીદવા પડતાં નથી. શબ્દો તો બધા પાસે હોય જ છે. જરૂરી માત્ર એટલું જ હોય છે કે આપણા દિલમાં શબ્દોનો બગીચો હોવો જોઈએ. ફૂલો વાસી થઈ જાય છે. શબ્દો હંમેશાં તાજા રહે છે. શબ્દો ભુલાતા નથી. શબ્દો યાદ રહે છે. શબ્દો પડઘાતા રહે છે. શબ્દો સજીવન છે. વારંવાર આઈ લવ યુ કહેનારા કેટલા લોકો પોતાની વ્યક્તિ કંઈક સારું કરે ત્યારે એવું કહેતા હોય છે કે પ્રાઉડ ઓફ યુ?

વખાણ કરવાં એ પ્રેમનો જ એક પ્રકાર છે. આપણે વખાણ કરવામાં પ્રામાણિક હોતા નથી. કોઈને સારું લગાડવા માટે ઘણી વખત ખોટાં વખાણ કરતા હોઈએ છીએ. આપણને ખબર હોય છે કે એની વાતમાં કે એના કામમાં કોઈ દમ નથી છતાં આપણે તેને કહીએ છીએ કે, મસ્ત રહ્યું યાર. દાદ દેવી પડે તને. વખાણ કરતી વખતે ઘણી વખત તો આપણે ‘બળતા’ હોઈએ છીએ. પ્રશંસા કરવામાં ઈમાનદાર હોય એવી વ્યક્તિઓ ખરેખર કેટલી હોય છે? શબ્દોના સદુપયોગ કરવાના મામલે તમે ઈમાનદાર છો?

એક પતિ-પત્નીની વાત છે. પતિને પત્નીમાં કોઈ ને કોઈ ખામી જ દેખાય! કંઈ પણ વાત હોય તો પતિ તરત જ ટોકે કે તને કંઈ ખબર નથી પડતી! આવડી નાની વાત તને કેમ નથી સમજાતી? તને તારા ઘરના લોકોએ કંઈ શીખવ્યું જ નથી? પત્ની આવાં ટોણાં સાંભળીને મનોમન વસવસી જાય. એક દિવસ પત્નીએ તેના પતિને પૂછ્યું કે મારામાં બધું જ ખરાબ છે? કંઈ જ સારું નથી? તને કેમ માત્ર મારી નબળાઈ જ દેખાય છે? તને તારામાં જે ખામી છે એ દેખાતી નથી? મેં તો કોઈ દિવસ તને એમ કહ્યું નથી કે તને કંઈ ખબર પડતી નથી. તારામાં પણ એવું ઘણું છે જે મને ગમતું નથી, જે વાજબી નથી. હું એ બધી વાતને નજરઅંદાજ કરું છું. એક તું છે કે મારામાં ખામી જ શોધતો રહે છે!

તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની બૂરી આદતો શું છે? એવી કઈ કઈ બાબતો છે જે તમને નથી ગમતી? શોધવા બેસશો તો એવી ઘણી બાબતો મળી આવશે. હવે થોડુંક એ વિચારો કે તમારી વ્યક્તિમાં સારી બાબતો કઈ છે? થોડીક મહેનત કરશો તો ચોક્કસ મળી આવશે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. બધામાં પ્લસ અને માઇનસ હોય છે. બધામાં બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. માણસને સ્વીકારવા માટે કે પોતાની વ્યક્તિને પ્રેમ કરવા માટે તેને માત્ર બ્લેક કે વ્હાઇટની નજરથી ન જુઓ, ગ્રે શેડ્સથી જ માણસ સાચી રીતે ઓળખાતો હોય છે.

પ્રેમ કે પ્રેમલગ્નની નિષ્ફળતા પાછળનું એક મોટું કારણ એ પણ હોય છે કે પ્રેમમાં હોય ત્યારે આપણને પ્રેમી કે પ્રેમિકાની સારી બાજુ જ દેખાતી હોય છે અને પછી નજરિયો બદલાઈ જાય છે. ફોકસ ચેઇન્જ થઈ જાય છે. આપણી નજર બદલીને બૂરી બાબતો તરફ જ મંડાઈ જાય છે. અગાઉ ગમતું હતું એ સૂક્ષ્મ થઈ જાય છે અને ન ગમતી બાબતો વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે. વાત તો આપણે એવી કરતા હોઈએ છીએ કે તારી આ એક ખૂબી પર મારી આખી જિંદગી કુરબાન, પ્રેમિકાના ગાલનો તલ કે વાળની લટમાં પણ આપણને જિંદગીનું કારણ દેખાય છે. બાદમાં એની કોઈ ખૂબી સ્પર્શતી નથી. સારી વાત હોય તો પણ આપણે તેને દિલથી સ્વીકારતા નથી. સ્વીકારીએ તો પણ તેમાં કંજૂસાઈ કરીએ છીએ.

એક પતિ-પત્ની હતાં. બંને પ્રેમથી રહેતાં હતાં. પત્નીમાં અનેક ગુણ હતા. જોકે પતિ ક્યારેય તેનાં વખાણ ન કરતો. એક દિવસે પતિએ તેના મિત્રોને ઘરે પાર્ટી માટે બોલાવ્યા. પત્નીએ બધા માટે ખૂબ પ્રેમથી અને મહેનતથી જમવાનું બનાવ્યું. બધા જમતા હતા ત્યારે પતિએ અચાનક જ કહ્યું કે, યોર એટેન્શન પ્લીઝ, આજે મારે એક વાત કરવી છે. પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે, તારા હાથમાં જાદુ છે. તેં ખૂબ જ સરસ જમવાનું બનાવ્યું છે. આપણા મિત્રોને ઘરે જમવા આવવાનું મન થાય છે તેનું સૌથી મોટું કારણ તારા હાથે બનાવાયેલી રસોઈ છે. આઈ થેન્ક યુ ફોર યોર મસ્ત મસ્ત ફૂડ... બધા ફ્રેન્ડ્સે તાળી પાડી અને કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. પાર્ટી પતી પછી પતિ-પત્ની એકલાં પડ્યાં ત્યારે પત્નીએ તેના પતિને કહ્યું કે, થેન્ક્યૂ. આજે તેં મારા બધાની વચ્ચે વખાણ કર્યાં. અગાઉ તું વખાણ કરતો પણ બધા ચાલ્યા જાય પછી મને એકલીને કહેતો કે જમવાનું મસ્ત હતું. મને ઘણી વાર તને એવું કહેવાનું મન થતું કે વખાણ કરવાં હોય તો બધાની સામે કરને! આજે તેં એમ કરી બતાવ્યું.

પતિએ સ્વીકાર્યું કે એ મારી ભૂલ હતી. હકીકતે મને મારી ઓફિસના એક છોકરાએ આ વાત શિખવાડી. એ છોકરો ખૂબ મહેનતું છે. હું મારી ચેમ્બરમાં તેના ઘણી વખત વખાણ કરતો. આજે બધા બેઠા હતા ત્યારે મેં તેનાં વખાણ કર્યાં. એ પછી તેણે આવીને કહ્યું કે સર, તમે બધાની વચ્ચે મારાં વખાણ કર્યાં એ મને ગમ્યું. પાર્ટીમાં બધા મિત્રો જમતા હતા ત્યારે મને એ વાત યાદ આવી કે હું તારાં વખાણ શા માટે ખાનગીમાં કરું છું? તારામાં ખૂબી છે એને એપ્રિસિએટ કરવી જ જોઈએ.

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે ટીકા જાહેરમાં કરીએ છીએ અને વખાણ ખાનગીમાં કરીએ છીએ. આપણે આપણું વર્તન જ બદલીને ઊલટું કરી દેવાનું હોય છે. વખાણ જાહેરમાં કરો અને ટીકા કરવી હોય તો ખાનગીમાં કરો. એક વાત યાદ રાખો, તમે તમારી વ્યક્તિ માટે જાહેરમાં જેવું બોલશો અને વર્તન કરશો એવું જ લોકો કરશે. તમે ટીકા કરશો તો લોકો પણ ટીકા જ કરવાના, તમે વખાણ કરશો તો બધા સારું બોલશે. આપણે જો એવું ઇચ્છતા હોઈએ કે આપણી વ્યક્તિને લોકો આદર આપે તો એની સૌથી પહેલી શરૂઆત આપણાથી જ થવી જોઈએ.

આપણે આપણી વ્યક્તિની તારીફ કરી શકતા નથી. કેટલાં મા-બાપ એમનાં સંતાનોનાં વખાણ એની સામે કરતાં હોય છે? સામા પક્ષે કેટલાં સંતાનો એમનાં મા-બાપને એપ્રિસિએટ કરતાં હોય છે. તમે તમારાં મા-બાપને ક્યારેય કહ્યું છે કે અમને આટલી સુંદર લાઇફ આપવા બદલ થેન્ક્યૂ. આપણે કેટલું બધું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ? આપણે આભાર ન માનીએ તો પણ આપણી વ્યક્તિ આપણા માટે જે કરતી હશે એ કરવાની જ છે. જો તેનો આભાર માનીશું તો તેને પોતાની લાગણી સાર્થક લાગશે. કદર કરવી એ કલા છે. હોટલમાં વેઇટર પાણીનો ગ્લાસ આપશે તો પણ આપણે થેન્ક્યૂ કહી મેનર્સવાળા હોવાનું સાબિત કરીશું, મા કે બહેન રોજ ગમે એટલું કરશે તો પણ તેના માટે આપણા મોઢામાંથી બે શબ્દો નહીં નીકળે. તમે તમારી વ્યક્તિને પ્રેમ કરો છો તો તેની કદર કરો. ક્યારેક તો કહી જુઓ કે તારી મારા પ્રત્યેની લાગણીનો મને ગર્વ છે! તમે માત્ર નજર બદલો, સામેવાળી વ્યક્તિનો નજરિયો બદલાઈ જશે!

છેલ્લો સીન:

ખુશામત કરતા બધાને આવડે છે. પ્રશંસા કરવાની કલા બહુ ઓછા લોકોને હસ્તગત હોય છે.

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 02 ડિસેમ્બર 2015, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)

kkantu@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED