હોંકારા., પડકારા કરતી ગાતી ભાષા Raksha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોંકારા., પડકારા કરતી ગાતી ભાષા

હોંકારા, પડકારા કરતી ગાતી ભાષા

-રક્ષા શુક્લ

‘ડગુમગુ કે દંડવત્ ના થાતી ભાષા,

હોંકારા, પડકારા કરતી ગાતી ભાષા.’

અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભુત્વ સામે જ્યારે માતાપિતા અને શાળાસમાજને લાચાર જોઈએ છીએ ત્યારે કવિશ્રી હરદ્વાર ગોસ્વામીનો આ શેર વિસરાતી જતી માતૃભાષાની મહત્તા માટે નવી આશા જન્માવે છે. માતૃભાષાને શિક્ષણમાં મોખરાનું સ્થાન આપવા નવું જોમ આપે છે.

યુનેસ્કોએ કરેલા એક અભ્યાસ મુજબ માતૃભાષા આધારિત શિક્ષણ વધુ ફળદાયી નીવડે છે એમ સાબિત થયું છે. અને એટલે જ ૧૯૯૯માં યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીના દિવસને ‘માતૃભાષા દિવસ’ તરીકે મનાવવો એમ નક્કી કર્યું છે. જેનો ઉદ્દેશ માતૃભાષા આધારિત શિક્ષણનો પ્રસાર અને પ્રચાર કરવાનો છે. ઘણા મહાન લેખકો ઉત્તમ સાહિત્ય પોતાની માતૃભાષામાં જ આપી ગયા છે. તેમનું આ મૌલિક સર્જન એ માતૃભાષાની જ દેણગી છે.

ફોર્ચ્યુન મેગેઝીનમાં નોંધાયેલું કે માતૃભાષા એ હૃદયની અને મનની ભાષા છે. માના ગર્ભમાંથી જ બાળક એ સાંભળતુ આવે છે. કોઈ જાગૃત પ્રયત્નો વગર અનાયાસે જ બાળક માના ખોળામાં એ શીખે છે. અને એટલે જ એના અસ્તિત્વ સાથે વણાયેલી આ ભાષામાં વિચારતા કે વ્યક્ત થતા બાળક તણાવમુક્ત અને સહજ હોય છે. આત્મવિશ્વાસથી ભરસક હોય છે. માતૃભાષામાં મૌલિક કલ્પનાવિહાર કરી શકતું હોવાથી બાળક પોતાના સર્જનમાં પૂર્ણ રીતે ખીલી શકે છે કારણ કે તેની સંવેદનાઓ, વિચારો, કલ્પનાઓ બધું શરૂઆતથી માતૃભાષામાં જ વિકસેલું હોય છે. માતૃભાષા એ બાળકની વ્યક્તિગત, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ છે. બીજી ભાષાઓ શીખવા માટે પણ તે મજબુત પાયો પૂરો પાડે છે.

આજકાલ બાળકો નાના હોય ત્યારે આયા રાખવાની ફેશન શરુ થઇ છે. માતાપિતાને પોતાના જ બાળક માટે સમય નથી. વળી બાળક થોડું મોટું થતા એને પ્લે ગ્રુપમાં મુકવામાં આવે છે. જે માતાપિતા પાસે પોતાના માટે બાળક સમય નથી એમણે મોટી ઉંમરે એકલા રહેવાની ટેવ પાડવી પડશે. કારણ કે બાળક એની હાજરીથી ટેવાયેલું જ નથી. એટલે પછીથી એને પારકાં જ પોતાના લાગવાના. બાળકના મુળિયાં આમ પોતાની જ ભાષા અને સંસ્કૃતિથી જુદા થતા જાય છે. આ શિક્ષણનો પરાજય છે. અત્યારે તો બાળકને કોમ્પુટર કે ટેકનોલોજીને હવાલે જ કરી દેવામાં આવે છે. પછી બાળક જાતે એ માધ્યમો દ્વારા દિશાહીન શિક્ષણ મેળવે છે.

આજે શિક્ષણ કે ઉચ્ચ જીવનધોરણ, કુદરતી આપત્તિઓ કે બેરોજગારી જેવી કેટલીયે સમસ્યાઓથી દુનિયાના બધા દેશો લડી રહ્યા છે. તેથી સૌ વૈશ્વિકરણ તરફ વધી રહ્યા છે. વૈશ્વીકરણ જેવી ઘટનાના અઢળક લાભો છે. એટલે જ હવે બધા દેશોમાં માતૃભાષાના શિક્ષણને ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે. એકબીજાની સંસ્કૃતિનું ગૌરવ કરવાને મહત્વ અપાઈ રહ્યું છે. સેકન્ડ લેગ્વેજ દુનિયાને જોવા માટેની બારી ભલે હોય પણ એનું શિક્ષણ માતૃભાષા દ્વારા થવું જોઈએ એવું ઉદારવાદી વલણ આજે સૌ કોઈ અપનાવી રહ્યું છે.

ચીનમાં માતૃભાષાનું લોકોને એટલું બધું સન્માન અને ગૌરવ છે કે તેઓ પોતાની દુકાન કે ઓફીસના હોર્ડિંગમાં, ઓળખપત્રમાં કે જાહેરાતોમાં પોતાની જ ભાષાનો ઉપયોગ કરે છે. અથવા તો ચાઇનીઝ અને અંગ્રેજી બંને ભાષાનો. તેઓ કહે છે કે સામેવાળો અમારી ભાષા ભલે ન જાણતો હોય પણ અમને અમારી ભાષાનું ખુબ ગૌરવ છે તેથી અમે એને જ મહત્વ આપવાના. ચીનમાં એક પંજાબી રેસ્ટોરાંની બ્હાર માત્ર પંજાબીમાં જ હોર્ડિંગ લખેલું હોવાથી ત્યાં ગ્રાહકો ખુબ ઓછા આવતા. પણ પછી કોઈના કહેવાથી જ્યારે તેઓએ સાથે ચાઇનીઝ ભાષામાં પણ લખાણ મૂક્યું તો તરત જ વધુ ગ્રાહકો ત્યાં આવવા લાગ્યા. આને કહેવાય માતૃભાષા તરફનો અનન્ય પ્રેમ !

માતૃભાષાની જાગૃતિ વિષે કોઈક ઉદાહરણીય પગલાં વિષે સાંભળીએ ત્યારે રાજીપો થાય. દૂરદર્શનમાં ઉચ્ચારણની ભૂલોને કારણે હમણાં જ કોઈ ન્યુઝરીડરને સસ્પેન્ડ કર્યાની વાત ખુબ અભિનંદનીય છે. આવું બનશે તો જ માતૃભાષા માટેનું ગૌરવ અને જાગૃતિ લોકોમાં વધશે. આકાશવાણીના કેટલાક ઉદઘોષકોને લીધે માતૃભાષા ઘણી ઉજાગર થઇ છે કારણ કે તેમના ઉચ્ચારણો ઉત્તમ કક્ષાનાં હોય છે. અંગ્રેજોના સમયથી જ માતૃભાષાનું માધ્યમ ત્યજીને અંગ્રેજીનો આશરો લેવાવા લાગ્યો. એ પછી તો અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પણ મિશનરી સ્કુલોમાં જ લેવાય એમાં મોટપ ગણાવા લાગી. જે માનસિકતા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટતી જાય છે. આર્થિક નબળા ગણાતા લોકોમાં ય અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકને ભણાવવાનો રીતસર ક્રેઝ છે. પણ બે ભાષાઓના દ્વન્દ્વને લીધે આજે બાળકની મૂળ ઓળખ ખોવાઈ ગઈ છે. તે આઇડેન્ટિટી લોસથી પીડાય છે. અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.

એક સરસ વાત અહીં કહેવી ગમશે. એક તમિલ કુટુંબ. જર્મની બદલી થઇ. બાળકને શાળામાં દાખલ કરવા ગયા. શાળાસંચાલકોએ પંદર દિવસનો સમય માગ્યો અને પછીથી તમિલ કુટુંબને બોલાવી કહ્યું કે અમે છાપાંઓમાં જાહેરાતો આપી પણ અમને તમિલ ભણાવી શકે તેવા શિક્ષક મળ્યા નથી. માતાપિતાએ કહ્યું કે ભલે તમે અંગ્રેજીમાં ભણાવો અમને કોઈ વાંધો નથી. ત્યારે તેઓએ કહ્યું કે નાં, એક જવાબદાર શાળા તરીકે મુલ્યો સાથે અમે સમાધાન કરી શકીએ નહીં. હા, એની માતા કે પિતા જો આ શાળામાં શિક્ષક તરીકે જોડાઈને બાળકને શિક્ષણ આપે તો અમને વાંધો નથી. અમે નિયમ મુજબ એને વેતન પણ આપીશું. આ આખી વાતમાં શાળાસંચાલકોનો અન્ય ભાષા માટેનો આદર, માતૃભાષા પ્રત્યેની લાગણી ઉપરાંત બાળકને એની જ માતૃભાષામાં ભણાવવાના હક્ક પ્રત્યેની જાગૃતિ કાબીલેદાદ છે.

આપણી ભાષાની ઉત્કૃષ્ટતા તો જુઓ ! અંગ્રેજીમાં ચેક લખતી વખતે લખાય 'one thousand only'. કોઈપણ રકમ ત્યાં માત્ર લાગે છે, અપૂરતી. જ્યારે ગુજરાતીમાં આપણે ચેકમાં લખીએ છીએ 'એક હજાર પૂરાં'. વધુ માટેના કોઈ અભરખા નહિ. આપણી ગુજરાતી ભાષા ભરીભાદરી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ દ્રાક્ષની છે. આપણી રુદ્રાક્ષની છે. શિક્ષણ એટલે માર્ક્સ કે ડીગ્રી નહિ. પણ માનવ ઘડતરની એક જીવંત પ્રક્રિયા. આ મૂળ વાત જ્યારે સરકાર, માતાપિતા અને શિક્ષકોને સમજાશે ત્યારે જ શિક્ષણનો શુભારંભ થયો ગણાશે. પછીથી જે ડોક્ટર, એન્જીનીયર કે એકાઉટન્ટ મળશે તે તો એની આડપેદાશ હશે. અત્યારે આ આડપેદાશને જ મુખ્ય માનવાની ભૂલ આપણે વરસોથી કરતા આવ્યા છીએ.

ગુજરાતીઓની ભોજનપ્રીતિ વિશ્વવિખ્યાત છે તેમ ભાષાપ્રીતિ હોત તો ! તો પ્રવાસે જતા પહેલા ખાખરા-થેપલાંને બદલે નર્મદ કે નિરંજનના પુસ્તકો સાથે લેત. ગાંધીજી તો ભાષાશુદ્ધીના પણ એટલા જ આગ્રહી હતા. તેઓ કહેતા કે 'જે શુદ્ધ ભાષા લખવા ઈચ્છે છે એ તેનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ બતાવે છે.' અંગ્રેજીમાં સ્પેલિન્ગ્ઝ લખવાની વાતમાં આપણે ખુબ જાગૃત રહીએ છીએ. પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ માની માતૃભાષામાં આપણને 'દિવાળી'માં 'દિ' હ્રસ્વ કરવો કે દીર્ઘ એ બાબત મહત્વની લાગતી જ નથી. પરંતુ Mondayના સ્પેલિંગમાં 'mo' આવે કે 'ma' એ બાબતે આપણે વિચારીને લખીએ છીએ. જોડણીની ભુલોવાળી ભાષા વાપરનારને ગાંધીજી 'જંગલી' કહે છે. જો માતૃભાષા માટે ગર્વ હોય તો અંગ્રેજી લખતી વખતે લોકો જોડણીકોશ પાસે રાખે છે તેમ ગુજરાતી લખતી વખતે પણ રાખવો જોઈએ.

સંસ્કૃતના એક શ્લોકમાં પ્રાર્થના છે,

‘वाचं प्रविश्य मम सत्यस्वरुप ईश I
शुध्धां कुरु ननु मे वाचमिमाम् अशुध्धाम् II’

અર્થાત ’હે સત્યશુદ્ધસ્વરૂપ ઈશ, મારી વાણીમાં પ્રવેશીને વાણીની અશુધ્ધિને દુર કરો.’ જો અંતર્યામી ઈશ્વર સાથેના વ્યવહારમાં પણ વાણીની અશુધ્ધિ ન ચાલે તો પછી આપણાં બાહ્ય સામાજિક વ્યવહારમાં ચાલે ? જોડણીની નાની ભૂલથી અર્થના અનર્થ થઇ જાય. ‘પતિ ગયા’ ને બદલે ‘પતી ગયા’ બોલવાથી કેવો ગોટો થઇ જાય એ તો ગુજરાતી સુપેરે જાણનાર જ સમજી શકે. રાજા અશોક નવી રાણીને પરણ્યા એટલે બાળપુત્રને મિત્રને ત્યાં મોકલી આપ્યો. કુમાર મોટો થતાં મિત્રે પૂછાવ્યું કે શું કરવું. તો અશોકે સંદેશો આપ્યો કે ‘कुमारो अधियउ ‘- કુમારને ભણાવો.’ ઈર્ષાથી સળગતી નવી રાણીએ નેત્રના કાજળથી સળી વડે ‘अ’ ઉપર ટપકું કરી નાખ્યું. અને થયું ‘कुमारो अंधियउ’- ‘કુમારને આંધળો કરો.’ કુમારે પણ પિતાની આજ્ઞા પાળવા પોતાની બંને આંખોમાં પોતાના હાથે જ ખીલા ભોંકી દીધા. માત્ર અનુસ્વારનો જ ફેર અને વિનાશ !

માતૃભાષાના શિક્ષણમાં સૌ પ્રથમ તો એનું લિપિશિક્ષણ સરળ બનાવવું પડે. યુગ પરિવર્તન સાથે જેના કોન્સેપ્ટ બાળક સહેલાઈથી સમજી શકે એ શબ્દો લેવા.માતૃભાષાનો આખો કક્કો બદલવો પડે તો આભ ન તૂટી પડે. ભલે ગુગલનો 'ગ' અને ચેટનો 'ચ', નેટનો 'ન' અને મોબાઈલનો 'મ' કહેવું પડે. આ પછીથી બાળકને ભાષા આધારિત જુદીજુદી ગેઈમ્સ બધું શીખવી શકાય. વનરાજ માલવીએ જેમ 'English for You' જેવા પુસ્તકો આપ્યા તેવી રીતે ગુજરાતીમાં પણ આપી શકાય.

માતૃભાષા એ ઘરમાં સૌને સાધતી મહત્વની કડી છે. બાળકે માતૃભાષામાં જ સઘળી સંવેદનાઓ અનુભવી હોય છે. નવી પેઢીને ગુજરાતી ભાષા તરફ વાળવા પ્રથમ તો ઘરમાં જ એનું વાતાવરણ સર્જાવું જોઈએ. આજે અંગ્રેજીમાં બોલવું એ ગર્વ મનાય છે એટલે પોતાની માતૃભાષામાં બોલતા બાળક નાનપ અનુભવે છે. આવું કેમ ? ઘરના વ્યવહારમાં માતૃભાષા જ બોલાવી જોઈએ. વડીલોની વાતોમાં પણ માતૃભાષા માટેનો પ્રેમ, સન્માન અને ગૌરવની, ભૂતકાળે આપેલા અમૂલ્ય વારસાની, સંસ્કૃતિની અને ઉત્તમ સાહિત્યની વાતો વણાવી જોઈએ. જેથી સંતાનોને પોતાની ભાષા અને મહાન સંસ્કૃતિ માટે આદર અને ગૌરવ જન્મે. ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય’ દ્વારા ગુજરાતી ભાષાની નિસ્વાર્થ સેવા કરી ગુજરાતના ગામડે ગામડે અને ઘરેઘરમાં ગુજરાતી સાહિત્યને પહોંચાડીને લોકભોગ્ય બનાવ્યું છે. આ રીતે તેમને સામાન્ય જનોને વાંચતા કર્યા. અનેક ભાષાઓના ઉત્તમ અને લોકભોગ્ય થયેલા ગ્રંથોને શોધી તેમને ગુજરાતી ભાષામાં ઉતાર્યા. મણીલાલ વ્યાસે તેમને ‘ગુર્જર સાહિત્યના ગૌરવમણિ’ કહ્યા છે. અગણિત વિષયો પરના ૩૦૦ પુસ્તકોની ૧૭ લાખ કોપીઓ કરી તેમણે ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી. કોલેજમાં આવનાર સંતાન માટે માબાપ ક્યા કપડા કે શુઝ લાવવા તે વિચારે છે પરંતુ એની વાચનભૂખ સંતોષવા ક્યા પુસ્તકો લાવવા એ વિચારતા નથી. પછી બકુલ ત્રિપાઠી કહે છે તેમ ભણીને પણ ‘બાર્બેરિયન’ જેવા સંતાનો પાકે છે.

વળી એ પણ જોવું રહ્યું કે વડીલો ટી.વી. કે મોબાઈલ જેવા સાધનોનો બિનજરૂરી ઉપયોગ ટાળે. ગ્રૂચો માર્ક કહેતા કે ‘I must say I find television very educationl because the minute somebody turns it on I go the library and read a good book. ઘરમાં રોજ સૌએ ગુજરાતીમાં વાચન કે લેખન કરવું જોઈએ. જેથી બાળક પણ તેમાં રસ લે અને સ્વતંત્ર રીતે લખતા-વાંચતા શીખે. સંતાનોને વાર્તાઓ કહેવી કે સારા પુસ્તકોનો ટુંકસાર પણ કહેવો. સૌ વાંચી લે પછી પુસ્તકના જ કોઈ પાત્રો કે પ્રસંગની ચર્ચા પણ સાથે બેસી કરી શકાય જેથી બાળક એને વધુ સમજે. માતાપિતાએ ક્યારેક સંતાનોને પોતાના કે એના બાળપણની વાતો પણ માતૃભાષામાં જ કરવી. એ તેઓને ગમતી હોય છે. વારે-તહેવારે ભેટરૂપે સૌએ એકબીજાને પુસ્તકો ભેટ આપવાનો ચીલો પાડવા જેવો ખરો ! ગુણવંત શાહે લખ્યું છે ‘જે ઘરમાં પુસ્તકો ન હોય એવા ઘરમાં દીકરી ન દેવી.’ ટી.વી.ના ન્યુઝ કે કંઈપણ માતૃભાષામાં જ જોવાનો આગ્રહ રાખવો. સંગીત પણ ઘરમાં માતૃભાષામાં જ સંભાળવું જેથી સંતાનની સંવેદનાઓ માતૃભાષામાં વિકસે. માતૃભાષાને લગતા કોઈ કોર્સ ચાલતા હોય તો ત્યાં પણ એ જઈ શકે. ગુજરાતી જ બોલતા બીજા બાળકો વચ્ચે સંબંધો વિકસે એવું કરવું અને તેઓ સાથે કોઈવાર પિકનિક કે તહેવારોની ઉજવણી વગરેનું આયોજન કરવું. આનાથી બાળક પોતાની ઉત્તમ સંસ્કૃતિ સાથે હોંશેથી જોડાશે. એવું પણ કરી શકાય કે સંતાનની શાળામાં જઈ તેના શિક્ષકો સાથે માતાપિતાએ પોતાની આ અપેક્ષાની વાત કરાય જેથી શિક્ષકો પણ બાળકને માતૃભાષા તરફ ગતિ કરવામાં પ્રોત્સાહિત કરે.

અંતમાં આપણા જાણીતા કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટનાં પુત્રી સુજાતા ભટ્ટની એક સંવેદનશીલ કવિતા ‘સર્ચ ઓફ માય ટંગ’ની વાત કરાવી મને ગમશે. તેઓ કહેતા કે ‘મેં મારી જાતને હંમેશા એક એવા ભારતીય તરીકે જોઈ છે જે ભારતની બહાર છે.’ માતૃભાષા તેને કુટુંબ અને બાળપણ સાથે જોડતી એક મહત્વની કડી લાગે છે. પોતાની માતૃભાષા ગુમાવવાનો ભય ઘેરી વળતા લખાયેલી આ કવિતા છે. તેમની આ કવિતામાં સુજાતા ભટ્ટ વિકલ્પે ગુજરાતી ભાષા પણ વાપરે છે અને દર્શાવે છે કે

તેઓ કેવી રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી બોલવા તરફ પ્રવૃત્ત થયા. સુજાતા ભટ્ટને પોતાની માતૃભાષા ગુમાવવી એ શરીરનો એક ભાગ ગુમાવવા જેવું લાગતું. આપણે થોડી પંક્તિઓ જોઈએ.

‘ And if you lived in a place you had to

speak foreign tongue

your mothertongue would rot

rot and die in your mouth

until you had to spit it out

I thought, I spit it out

But overnight while I dream

મને હતું કે આખી જીભ, આખી ભાષા

મેં થૂંકી નાખી છે.

પરંતુ રાત્રે સ્વપ્નમાં મારી ભાષા પાછી આવે છે.

ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ

મોઢામાં ખીલે છે.

ફળની જેમ મારી ભાષા, મારી જીભ

મોઢામાં પાકે છે.

It graws back…..

Everytime I think I’ve forgotten,

I think I’ve lost the mothertongue

It blossoms out of my mouth.’

અત્યારે અર્થપૂર્ણ શિક્ષણ એટલે જ્ઞાત તરફથી અજ્ઞાત તરફ જવું. જે મોટાપાયે અસરકારક બની રહ્યું છે. એટલે બહુભાષી શિક્ષણનો પાયો તો માતૃભાષા જ જોઈએ. ટૂંકમાં સો વાતની એક વાત કે માતૃભાષાનું ગૌરવ તો આપણે પોતે જ કરવાનું છે. એના માટેનો આદર આપણા જ હૃદયમાં સ્થાપિત થવો જોઈએ. ચઢાણ કપરા તો છે પરંતુ ગુજરાતી ભાષા ગિરનારની જેમ અડીખમ રહેવાની જ એ નિ:શંક વાત છે.