તારાથી વિશેષ આ દુનિયામાં
બીજું કંઈ છે જ નહીં!
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર,
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર.
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું? કોને ખબર.
-રમેશ પારેખ
‘પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોય? હા, હોય છે. એ દરેક માટે જુદી જુદી હોય છે. હું તારા પ્રેમમાં પડ્યો એ મારી પ્રેમમાં પડવાની ઉંમર હતી. દરેક માણસ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેના માટે એ પ્રેમમાં પડવાની ઉંમર હોય છે. પ્રેમ ઉંમર જોઈને નથી થતો, પ્રેમ વાતાવરણને જોઈને નથી થતો, પ્રેમ કંઈ જ જોઈને નથી થતો, પ્રેમ બસ થઈ જતો હોય છે. મને તારી સાથે પ્રેમ તો વર્ષો પહેલાં થયો હતો, પણ હું હજુ તને પ્રેમ કરું છું. પહેલાં જેવો જ. હા, રીત કદાચ થોડી બદલાઈ હશે. હવે હું ગાંડા નથી કાઢતો. પહેલાં તારા માટે રોજ ફૂલ લાવતો. હવે ફ્રિક્વન્સી ઘટી ગઈ છે. ચોકલેટ લાવતો હતો, પણ મને ડાયાબિટીસ થયો પછી તેં ચોકલેટ ખાવાનું બંધ કરી દીધું! અડધી ચોકલેટ મને ખવડાવવાની આદત જો તને હતી! હવે કદાચ હું પહેલાં જેટલાં ‘સરપ્રાઇઝીસ’ નથી આપતો, મેં તને છેલ્લી ગિફ્ટ ક્યારે આપી હતી એ મને યાદ નથી. આમ છતાં એનો મતલબ એ નથી કે હું તને હવે પ્રેમ નથી કરતો. એવો જ પ્રેમ કરું છું, જેવો આજથી અઢી દાયકા અગાઉ કરતો હતો.’
લવમેરેજની પચીસમી એનિવર્સરીએ એક વ્યક્તિ તેની પત્નીને લેટર લખતો હતો. તેણે લખ્યું, ‘આ પચીસ વર્ષમાં હું તારી સાથે કેટલી વખત ઝઘડ્યો છું? ગણ્યું નથી. એમ તો મેં તને કેટલાં ચુંબનો પણ ક્યાં ગણ્યાં છે? તું કેટલી વખત મોઢું ફેરવીને સૂઈ ગઈ છે? યાદ નથી. શા માટે યાદ રાખવું જોઈએ? યાદ રાખવા જેવું બીજું ક્યાં ઓછું છે! મેરેજ અગાઉ મેં તને કહ્યું હતું કે તારાથી વિશેષ મારા માટે આ દુનિયામાં કંઈ જ નથી. આજે પચીસ વર્ષ પછી પણ એ જ કહું છું. હવે કદાચ હું પહેલાં કરતાં વધુ દૃઢ થયો છું.’ એટલા માટે કે આ વર્ષો દરમિયાન તેં મારી દરેક વાત માની છે, દરેક આદતો પાળી છે, મારા ગમા સ્વીકાર્યા છે, મારા અણગમા નજરઅંદાઝ કર્યા છે.’
‘જિંદગીમાં મારા કારણે તારે ઘણી તકલીફો સહન કરવી પડે છેને? એક વખત નાના સેન્ટર ઉપર મારી ટ્રાન્સફર થઈ ત્યારે મેં તને પૂછ્યું હતું કે, તને ત્યાં ફાવશે? તેં હસીને કહ્યું કે, તું સાથે હોય તો મને જંગલમાં પણ ફાવે. તું મારી સાથે ચાલી નીકળી હતી. મને બે ઘડી એવો વિચાર આવ્યો હતો કે તને જો મોટા શહેરમાં રહેવું હોય તો રહેવા દઉં. જોકે, અંદરખાને તો એવું જ ઇચ્છતો હતો કે તું મારી સાથે આવે. થોડોક સ્વાર્થી તો ખરોને! તું આવી. મને ખબર છે તને ત્યાં ફાવતું ન હતું. તું ગમતું હોવાનું નાટક કરતી. હું એ વિચારતો રહેતો કે શું કરું તો તને ત્યાં થોડુંક ગમે. થોડા સમય પછી અગાઉના શહેરમાં જ ફરીથી ટ્રાન્સફર થઈ ગઈ. હું દોડીને આવ્યો. તને વળગીને વાત કરી કે આપણે પાછા આપણા શહેરમાં જશું. હવે તું ખુશ છેને? તેં ત્યારે પણ એવું જ કહ્યું કે તું જ્યાં હોય ત્યાં હું ખુશ જ છું.’
‘આ પચીસ વર્ષમાં જિંદગી સાવ ઇઝી તો નથી રહી. ઘણાં ચડાવ-ઉતાર આવ્યા છે. તું તો જરાયે નથી ડગી. તેં મને પણ જરાયે ડગવા નથી દીધો. મને ઘણી વખત વિચાર આવે છે કે તું ન હોત તો હું ડગી ગયો હોત? કદાચ હા, કદાચ લડી પણ લીધું હોત. જોકે, એ લડાઈ આટલી ઇઝી ન હોત, જેટલી તારા કારણે સહજ બની ગઈ. તું આમ તો કંઈ સવાલ કરતી હોતી નથી, પણ એક સવાલ તેં મને ઘણી વાર પૂછ્યો છે. હું તને કેટલી વહાલી છું? પ્રાયોરિટી આપવાની હોય તો તું મને કયા સ્ટેજ પર મૂકે? હું તને એક જ જવાબ આપતો આવ્યો છું કે તારાથી વિશેષ કંઈ જ નથી. આજે પચીસમા વર્ષે પણ એ જ કહું છું કે તારાથી વિશેષ કોઈ હતું નહીં અને હશે નહીં.’
પત્નીને આ લેટર આપ્યો. વાંચીને તેની આંખોના ખૂણા ભીના થઈ ગયા. તેણે કહ્યું કે તને શું કહું? મને તારા જેવું લખતા નથી આવડતું. પતિએ કહ્યું કે તને મારા જેવું લખતા નથી આવડતું, પણ મારા કરતાં સારું જીવતા આવડે છે, મારા કરતાં સારો પ્રેમ કરતા આવડે છે. એક દિવસ આ જ પત્ર આ કપલની દીકરીના હાથમાં આવી ગયો. તેને વિચાર આવ્યો કે હું અને મારાે પ્રેમી આટલા પ્રેમથી રહી શકીશું? તેને થયું કે, ચાલ લેટરને સાચવી રાખું. પોતાના મોબાઇલથી તેણે આ લેટરનો ફોટો પાડી લીધો. ફોટો પાડતી હતી ત્યાં જ તેની મમ્મી આવી ગઈ. મમ્મીએ હસીને કહ્યું કે કોઈનો લેટર વાંચવો એ સારી વાત નથી. દીકરીએ કહ્યું, સાચી વાત છે મમ્મી, લેટર ન વાંચવો જોઈએ. જોકે, આ મારા માટે માત્ર લેટર નથી, એક લેસન છે. જીવવા માટેનું, પ્રેમ કરવા માટેનું અને એકબીજાને સતત ચાહતાં રહેવાનું. આ લેટર સાચવી રાખવાનું એક કારણ એ પણ છે કે મેં ગઈ કાલે જ મારા પ્રેમીને એમ જ કહ્યું છે કે, મારા માટે તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ જ નથી. હવે મને વિચાર આવે છે કે, ડેડે તને કહ્યું એમ પચીસ વર્ષે હું પણ એને કે એ મને એવું કહી શકશે કે તારાથી વિશેષ ત્યારે પણ કંઈ ન હતું અને આજે પણ કંઈ નથી. કદાચ કહી શકીશ. ક્યારેક કંઈક ખૂટતું, કંઈક છૂંટતું કે કંઈક તૂટતું લાગશે ત્યારે આ લેટર વાંચી લઈશ.
પ્રેમ અને દાંપત્યમાં કંઈ ફરક છે? લગ્ન પહેલાં હોય એ પ્રેમ અને લગ્ન પછી હોય એ દાંપત્ય? પ્રેમ કેમ ઓસરી જાય છે? આમ જુઓ તો પ્રેમ એ કંઈ નવી વસ્તુ નથી! પ્રેમ તો યુગોથી થતો આવ્યો છે. સદીઓ પહેલાં પણ પ્રેમ હતો, અત્યારે પણ છે અને આ જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી પ્રેમ હોવાનો છે. પ્રેમ થવો એ પૂરતું નથી, પ્રેમ ટકવો એ મહત્ત્વનું છે. મેઇડ ફોર ઇચ અધર લાગતાં કપલ એકબીજાથી મોઢા ફેરવવા માંડે ત્યારે પ્રેમ કણસતો હોય છે. એક કપલે લવમેરેજ કર્યા. થોડા સમય પછી પત્નીને પૂછવામાં આવ્યું કે ખુશ છે? તેણે કહ્યું કે આમ તો ખુશ છું, કોઈ પ્રોબ્લેમ થયો નથી, પણ સાચું કહું આ મેરેજ ટકાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. જ્યાં કંઈ સહજ ન હોય ત્યાં મહેનત કરવી પડતી હોય છે. ઘણાં એવું પણ કહેતા હોય છે કે, ન ફાવે તો છૂટા પડી જવાનું. ફાઇન, બહુ ઇઝી છે. પ્રેમથી રહેવું જ અઘરું હોય છે. એક છોકરીએ મેરેજ કરતા પહેલાં તેની ફ્રેન્ડ સાથે વાત કરતી વખતે કહ્યું કે, નહીં ફાવે તો હું કહી દઈશ, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આ સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું કે, તેં હજુ તો તેની સાથે એક રસ્તા પર ચાલવાનું શરૂયે નથી કર્યું ત્યાં તારા અને મારા રસ્તાની વાત કેમ કરે છે? રાઇટ મેન કે રાઇટ વુમન હોતાં નથી, એ સાથે રહીને બનતાં હોય છે. તું રાઇટ બન, તારી વ્યક્તિ ઓટોમેટિક રાઇટ બનશે. રોંગ બને તો તું તારે છોડી દેજે, પણ રાઇટ બનવાની શરૂઆત તો કર.
એક સાઇકિયાટ્રિસ્ટ પાસે એક છોકરી આવી. તેણે કહ્યું, હું ડિસ્ટર્બ છું. તંગ આવી ગઈ છું. મેં જેની સાથે લવમેરેજ કર્યા છે એ માણસ સાથે મને ફાવતું નથી. તેની આદતો ગમતી નથી, સ્વભાવ વિચિત્ર થઈ ગયો છે. મારે એની સાથે નથી રહેવું. એ પણ હવે મારી સાથે રહેવા ઇચ્છતો નથી. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, એક કામ કર, તને એનામાં જે કંઈ ગમતું ન હોય એનું એક લિસ્ટ બનાવ. બે દિવસ પછી તું એ લિસ્ટ લઈને મારી પાસે આવજે. છોકરી ચાલી ગઈ. બે દિવસમાં તેણે યાદ કરી કરીને પતિના નેગેટિવ પોઇન્ટ્સની નોંધ કરી. એ ફરી સાઇકિયાટ્રિસ્ટ પાસે ગઈ. લિસ્ટ આપ્યું. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, તારી આ બધી વાત સાચી છે. એ એવો જ છે. જો આ બધી આદતોમાં એ બદલાવ લાવે તો તને તેની સાથે રહેવામાં કંઈ વાંધો નથીને? છોકરીએ કહ્યું કે, ના તો મને કંઈ વાંધો નથી. સાઇકિયાટ્રિસ્ટે ડ્રોઅરમાંથી એક કાગળ કાઢ્યો. છોકરી સામે ધરીને કહ્યું કે, આ લે, આ લિસ્ટ તારા પતિએ આપ્યું છે. તું તારામાં એ સુધારવા તૈયાર છે? સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, દરેક માણસમાં કંઈક તો પ્રોબ્લેમ હોવાનો જ. આમ તો એ પ્રોબ્લેમ નથી હોતા, પણ થોડીક આદતો, કેટલીક માન્યતાઓ અને થોડીક જીદો હોય છે. એકબીજાને પ્લસની સાથોસાથ માઇનસ પોઇન્ટ્સ સાથે અપનાવવા એ જ પ્રેમ છે, એ જ લગ્ન છે અને એ જ દાંપત્યજીવન છે.
પ્રેમ પચીસ દિવસનો હોય કે પચીસ વર્ષનો, પ્રેમ હોય છે. હા, ફરક એટલો હોય છે કે પચીસ વર્ષનો પ્રેમ એ વાતની સાબિતી છે કે અમે સતત પ્રેમ કરતા રહ્યા છીએ. સતત પ્રેમ કરવો અઘરો નથી, ઉત્કટ પ્રેમને જીવનમાં ટકાવી રાખવાનો હોય છે. પહેલી વખત કહેલી વાત આખી જિંદગી યાદ રાખવાની હોય છે, તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં!
છેલ્લો સીન :
પ્રેમનું મૂલ્ય ઘણી વખત પ્રેમ છૂટી ગયા પછી સમજાતું હોય છે, એવા સમયે બહુ મોડું થઈ ગયું હોય છે. પ્રેમનું મૂલ્ય પછી પીડા બની જતું હોય છે. -કેયુ
('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)