સમયનો પલટો Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમયનો પલટો

સમયનો પલટો - ૧

______________________________________________________________

પૂજન ખખ્ખર

"હેલ્લો,રીયા?"

"હા,તન્મય બોલ.!"

"અરે! તને યાદ છે ને કે આજે આપણી પ્રથમ ઓફિસ્યિલ ડેટ છે?"

"હાં બાબા, તે મને કાલ રાતથી આજ સુધીમાં ૮ ફોન કર્યા છે.."

"ડ્રેસ કોડ પણ છે ભૂલતી નહિં.. તારે ગાઉન પહેરવાનું છે અને હું શૂટ પહેરીશ."

"હા, હું બ્લ્યુ કલરનું ગાઉન અને તુ વ્હાઈટ કલરના શર્ટ સાથે બ્લ્યુ ટાઈ અને બ્લેક શૂટ પહેરવાનો છે. મને બધુ યાદ છે ડોન્ટ વરી.."

"એકદમ બરાબર બોલી.. તો બરાબર ૭ઃ૩૦ વાગ્યે પહોંચી જજે હોટેલે.."

"ચોક્ક્સ.બીજું કાંઈ..???"

"ના, આઈ એમ એક્સાઈટેડ અબાઉટ ઓલ ધીસ.." તન્મય એકદમ જ હરખાતા અવાજે બોલ્યો.

"મી ટુ યાર.. ચલ ત્યાં મળીએ.. ટેક કેર..બાય! લવ યુ!"

"લવ યુ ટુ! બબાય.."

(તન્મય અડધી કલાક વહેલો પહોંચી જાય છે અને ત્યાં જઈને બધો જ બંદોબસ્ત કરે છે. વેલકમ ડ્રીંકથી લઈને મ્યુઝીક (પ્રેમના ગીતો કે જે રીયાને ખૂબ જ ગમે છે) ત્યારબાદ સ્પેશિયલ એક ટેબલ કે જેની આજુબાજુ કોઈ જ નહિં તેમજ રિયાની ફેવરીટ ડિશીઝનો પણ પૂરે પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને અંતમાં ડેઝર્ટ કે જે પણ રિયાનું ફેવરીટ છે. હોટેલની અંદર અને બહારના ગેઈટથી રીયા અંદર આવે ત્યાં સુધી કેમ અને શું કરવું એ તન્મય વેઈટરને સમજાવી રહ્યો હતો. તન્મય આ પ્રેમભરા વાતાવરણમાં કોઈ દખલ કરે એવું ઈચ્છતો નહોતો. તેથી જ તેને એકસાથે ૭ ટેબલ બુક કરાવ્યા હતા અને તેની બંને બાજું ત્રણ ટેબલ મૂકીને તેઓ બરાબર વચ્ચે બેસશે તેવું નક્કી કર્યું હતું. આ સાતે-સાત ટેબલની ફરતે લાલ રંગના ફુગ્ગા જ હતા. તો વળી, ટેબલ પર ગુલાબની પાંદડી અને છત પર સફેદ અને વાદળી કલરના ફુગ્ગા. માહોલ જાણે પ્રેમમાં જ જામ્યો હોય એવું લાગતું હતુ. તેની સામે એક બોર્ડ હતું જેમાં તન્મયએ એક ચિત્રકારને બોલાવી રીયાનું ચિત્ર બનાવ્યું હતું. આ ચિત્રમાં રીયાને જાણે કેદ કરી લીધી હોય એવુ લાગતું હતુ. ચારેકોર રૂમ સ્પ્રે પોતાની છલક આપી રહ્યું હતુ. હજુ તન્મય બધી જ સરપ્રાઈઝની ગોઠવણી કરી રહ્યો હતો.તન્મય આજે ખૂબ જ ઉત્સુક હતો કેમકે તેની આ પ્રથમ ડેટ હતી. ૭ દિવસ પહેલા એને પ્રેમનો એકરાર કર્યો હતો અને રીયાએ તેની આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને તે પણ તન્મયને ખૂબ જ પસંદ કરતી હતી. હવે માત્ર દસ જ મિનિટની વાર હતી તન્મય ખૂબ જ બેબાકળો હતો અને તે રીયાની રાહ જોતો જોતો પોતાના ટેબલ પર બેસી જાય છે.)

(તન્મય દિપેનકુમાર ચોવટીયા..દિપેનકુમાર ચોવટીયાનો સુપુત્ર કે જે આજના જમાના પ્રમાણે ફાસ્ટ, ફોરવર્ડ અને સોફેસ્ટિકેટેડ છે. ૬ ફુટ્ટ હાઈટ, ઘઉં વર્ણ વાન, સુંવાળા વાળ, પીંગરી આંખો, સુદ્રઢ અને ભરાવદાર શરીર, તેજ ધરાવતુ કપાળ અને ચમકદાર ચહેરો ધરાવતો તન્મય એક નો એક દિકરો છે. તે એવા ઘરમાં રહે છે કે જ્યાં દર અઠવાડિયે પાર્ટી થાય છે અને તે પોતાના બધા જ ફ્રેન્ડસને ઈનવાઈટ કરે છે. આ પાર્ટીમાં એક રૂમમાં તન્મય પોતાના મિત્રો સાથે મજા કરે છે તો દિપેનભાઈ કોર્પોરેટ લેવલની પાર્ટી કરે છે અને તેમના પત્ની દિવ્યાબેન કિટી પાર્ટી કરે છે. નોકર ચાકર અને ગાડી બંગલાથી લઈને દિપેનકુમારનું શહેરમાં ધનવાન લોકોમાં નામ ચર્ચાય છે. તે ૨૫ વર્ષથી મુખ્ય બે ધંધા કરે છે એક કાલાકપાસ અને બીજો પ્લાયવુડ શીટ. આ બંને ધંધા નાના ભાઈ સાથે ભાગીદારીમાં છે અને હમણાં કન્શટ્રક્શનમાં તેજી હોવાથી હમણાં છેલ્લા ૫ વર્ષથી તેમાં ઝંપલાવ્યુ છે. તન્મય પણ એમ.એસ.શાહ એન્જિનિયરિંગ કૉલેજમાં સિવિલ બ્રાન્ચમાં અભ્યાસ કરે છે. દિપેનકુમારનો મુખ્ય ધ્યેય તન્મયને સેટ કરવાનો છે.)

(રીયા હસમુખકુમાર શેઠ કે જે એક ખુબ જ પ્રેક્ટિકલ અને ફોરવર્ડ સ્વભાવની જીદ્દી છોકરી છે. તે અત્યારે રાજકોટની નામયુક્ત એન્જિનીયરીંગ કૉલેજમાં અભ્યાસ કરે છે. તે બાળપણથી જ ખૂબ હોંશિયાર છે. તેના પપ્પા(હસમુખભાઈ)ને તેની બંને પુત્રી પર ગર્વ છેઅને તેને થોડો વધારે વિશ્વાસ તેની મોટી દિકરી રીયા પર છે કેમકે તે બાળપણથી જ સમજદાર છે. રીયાને વધુ પડતો ઘોંઘાટ ગમતો નથી એટલેકે તે મુખ્યત્વે શાંત સ્વભાવની છે જેને વાંચવુ અને લખવું ખૂબ જ ગમે છે. તેના શોખમાં મુખ્યત્વે સાહિત્યને લગતું વધારે હોય છે. તે પોતે તન્મયના પ્રેમમાં કેમ પડી ગઈ એ એને ખબર નથી પરંતુ આ બધુ સાત દિવસમાં જ થઈ ગયું હતું. તે હોટેલ જવા માટે ઉત્સુક છે અને આજે સોનામાં સુગંધ ભળી છે કેમકે તેના મમ્મી-પપ્પા અને તેની બહેન આજે લગનમાં બહારે ગયા છે. તેથી, ઘરમાં તે સાવ એકલી છે. તે મોટા ભાગે શાંત હોવાથી તેને પ્રસંગોમાં જવુ ઓછું ગમે છે. હસમુખભાઈ છતા તેને વ્યવહારું રાખવાનો પૂરતો પ્રયત્ન કરે છે પરંતુ આજે કૉલેજમાં કશું સબમીશન હોવાથી તે નહિં આવશે તો ચાલશે એમ હસમુખભાઈએ કહ્યું હતું. તેઓ બધા આજે મોડી રાત્રે પરત ફરવાના હતા. તેથી રીયા તરત જ હોટેલ જવા માટે નીકળી. ઘરના કોઈ ના હોવાથી તે ડેટ રૂપે આ પ્રેમને આગળ વધારવાનો મોકો ઝડપી લે છે.)

( "રોલ નં. ૫૬!"

"યસ ટીચર!" એક નાનો અને તીણો અવાજ આવ્યો.

.

.

.

.

"રોલ નં. ૬૨!"

"યસ ટીચર!" એક પહાડી અને ગાઢ અવાજ આવે છે.

(હાજરી પૂરી થતા જ બેલ પડે છે અને રીસેસ પડે છે.)

"હાય રીયા.. આપણે ફરી આ જ ક્લાસમાં આવ્યા. આઈ એમ સો મચ એક્સાઈટેડ.." તન્મય એકદમ ગભરાતા બોલ્યો.

"હા, મને પણ ખબર નહોતી કે આપણે ફરી આ જ ક્લાસમાં આવશુ. હજી લાસ્ટ યરમાં તો આપણે ખાલી ફ્રેન્ડસ થયા અને ફરી આ વર્ષે પણ ભેગા મજા આવશે." રીયા પણ ગભરાતા એકશ્વાસે બોલી ગઈ.

"હા, આપણી આ વખતની નવરાત્રી અને એન્યુઅલ ફંક્શન્સ એકદમ જોરદાર રહેશે." તન્મય એકદમ ઉલ્લાસ સાથે બોલ્યો.

"અને આ વખતની ડ્રોઈંગ કોમ્પિટીશન અને સુલેખન સ્પર્ધામાં હું જ જીતીને રહીશ." રીયા ઉમેરતા બોલી.

"રેવા દે હાં.. સુલેખન સ્પર્ધામાં તો હું ને ચાહત જ નંબર લઈ જંપીશું.."

"જોઈએ એતો ચાલ.. અત્યારે આ નાસ્તો કર.." રીયાએ લંચબોક્સ સામે ધરતા કહ્યું.

"હા.. આજે તો તુ પાકો નાસ્તો લાવી છે ચાલ ટેસ્ટ તો કરવા દે.."

આ રીતે હસ્તા બોલતા રીસેશમાં બધા ભૂલકાઓ નાસ્તો કરે છે તો ક્યાંક કોઈ એકબીજા સાથે બાજે છે તો કોક શાંતિથી પોતાનું કામ કરી રહ્યું છે. એક જ શાળામાં ભણતા તન્મય અને રીયા અત્યારે ધોરણ ૬ માં છે અને તેઓ એકબીજાને ૫માં ધોરણથી ઓળખે છે. બુકની આપ-લેમાં અને બીજા ઘણા કામમાં તેઓ એકબીજાને મદદરૂપે આવે છે. તેઓ શાળાના બધા જ પ્રોગ્રામોમાં ભાગ લે છે. જો કે બેયની પસંદ અલગ છે પરંતુ બેય એકબીજા સાથે શેર બધી વાતો કરે છે. આ રીતે રીસેશ પતે છે અને જાની સાહેબ સમાજવિદ્યાનો તાસ લેવા આવી પહોંચે છે અને તેની ટેવ પ્રમાણે તે આવતા વેત બધાને પ્રશ્નોત્તરી કરે છે. આજે તન્મય ગભરાયેલો છે કેમ કે તેને ગઈકાલે કરેલું વાંચ્યુ નથી. જોગાનુજોગ જાની સાહેબ તેને જ ઊભો કરે છે અને તેને ભારતની મૂળભૂત ૧૦ ફરજો વર્ણવવાનું કહે છે કે જે તેને છેલ્લા તાસમાં કરાવેલી હતી. તન્મય અચકાતા અચકાતા માત્ર બે જ ફરજો બોલે છે અને જાની સાહેબ ખારા થઈ ને તેને બેન્ચ પર ઊભા રહીને આખો તાસ ભરવાનું કહે છે. તન્મય તેની આજ્ઞાનું પાલન કરે છે અને બેન્ચ પર ઊભો રહી જાય છે. તે હાથ ઊંચા કરે છે કે તરત જ તેની નજર નીચે જાય છે અને બાજુંના જ પાર્ટમાં રીયા ગુજરાત સમાચારના ઝગમગના અંકમાં કલર પૂરી રહી હોય છે. તે ચિત્ર દોરવાની તૈયારીમાં હોય છે કે થોડી જ વારમાં જાની સાહેબ તેને બેસાડી છે. જાની સાહેબને ખબર છે કે આ ક્લાસમાં પ્રથમ નંબર ચાહત બોડા બીજો નંબર તન્મય ચોવટીયા અને ત્રીજો નંબર રીયા શેઠ નો જ હોય છે અને તે માને છે કે કોઈ કારણ સર જ તન્મયને નહિં આવડતુ હોય.)

રીયાના જીવનમાં આ એક જ એવો કિસ્સો છે કે જે તેને બરાબર તન્મય સાથે યાદ છે. આથી, પાછલા સાત દિવસથી તે આ દિવસને સતત વાગોડ્યા કરે છે. તેને તેઓ બંને શાળામાં છૂટા ક્યારે પડ્યા એ પણ યાદ નથી. માત્ર ૭ માં ધોરણમાં એટલી ખબર પડી હતી કે તન્મય અને તે પરિવાર બીજે ચાલ્યા ગયા છે. અચાનક જ ડ્રાઈવર કહે છે કે "મેડમ હોટેલ પહોંચી ગયા.."ને રીયા અચાનક પોતાના એ ભૂતકાળના દિવસમાંથી બહાર આવે છે અને જુએ છે તો સામે હોટેલ આવી ગઈ હોય છે. તે ગાડીમાંથી બહાર ઉતરે છે અને હોટેલના મેઈન ગેઈટ તરફ પ્રસ્થાન કરે છે. તે હજુ ગાડીમાં આવેલા એ દિવસમાંથી બહાર આવી શકી નથી. તે વિચારે છે કે સમય ક્યાં લઈ ગયો. કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે આ એ તન્મય મને ફરી પાછો કૉલેજમાં મળશે અને એ પણ કૉલેજ શરૂ થયાના બે મહિના પછી. હકીકતમાં તો અમારી મિત્રતા આ કૉલેજની મુલાકાત પહેલા જ થઈ ગયેલી હતી. સિમ્પલ ચેટ અને દરરોજની વાતો કરતા કરતા આ મિત્રતા ૭ દિવસ પહેલા જ પ્રેમમાં પલટી હતી. સમય હવે એમને ક્યાં લઈ જશે એ એને પણ ખબર નથી. સાત દિવસથી પોતાનામાં આવી ગયેલો બદલાવ જોયરીયા એકદમ જ આશ્ચર્ય હતી. તેને કદી ના ગમતું પણ હવે ગમવા લાગ્યું હતું. તે તેના મમ્મી સાથે સારી રીતે રહેવા લાગી હતી. તેની નાની બહેન સાથે હમણાં અઠવાડિયાથી ઝઘડી ન હતી. તે ખૂબ જ ઉત્સાહમાં હતી. તેનુ આ વર્તન જોઈ તેના મમ્મી-પપ્પાને પણ પ્રશ્ન થતા હતા પરંતુ તેઓ આજના જમાનામાં છોકરાઓમાં આવેલા બદલાવોથી વાકેફ હતા. તેથી, તેઓ બહુ જ દખલ અંદાજી રીયાના જીવનમાં કરવા નહોતા માગતા અને તેને ફ્રીડમ આપીને જીવવા એની રીતે જીવવા દેતા હતા.

અચાનક દરવાજે અવાજ આવે છે કે “રીયા મેમને આ બહાદુર સિંહના નમસ્કાર!” રીયાને ત્યારે ખબર પડે છે કે તે જોતજોતામાં તો દરવાજે પહોંચી ગઈ. રીયા પ્રવેશ કરે છે અને અંદરનું જોઈને તંગ રહી જાય છે. તે વિચારે છે કે હું અહિં પહેલા પણ આવી છું અને અત્યારે આ આખું અલગ છે. આ તન્મયનો કમાલ છે કે રીનોવેશન છે. દરવાજાથી આગળ ડગલા ભરતા એક વેઈટર એક નાનકડું બોર્ડ લઈને ઊભો છે અને તેમાં લખ્યું છે કે

"જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં છબી તારી જડે.." અને આની સાથે રીયાનો ફોટો હોય છે અને નીચે તન્મયના ફોટા પાસે ખાલી જગ્યા હોય છે. રીયા તે ખાલી જગ્યા ને પૂરે છે..

"તમારા દરેક આંખનો પલકારો છે મારા હ્રદયનો ધબકારો.."

રીયા મનોમન એકદમ જ ખુશ છે. તેને ક્યારેય ન અનુભવેલી લાગણી તે આજે અનુભવી રહી છે. રીયા ફટાફટ તન્મયને મળવા ઈચ્છે છે. તેથી તે ઝડપથી ચાલવા લાગે ્છે. અચાનક, એક વેઈટર તેને રોકી લે છે. તેના હાથમાં સ્ટીક પકડાવી દે છે. પહેલા તો રીયા મારે તેને જ મળવું છે એવી વેઈટર પાસે જીદ કરે છે પછી "તમે સ્ટેપ જેમ જલ્દી ફોલો કરશો એમ વહેલા મળશો.." આમ કહેવાથી તે સ્ટિકને હાથમાં પકડી લે છે. પછી વેઈટર તેને ઊંધા ફેરવી દે છે અને રીયા કંઈ વિચારે એ પહેલા તો તે ત્યાંથી જતો રહે છે. સ્ટિકને પારખતા રીયા નીચે લખેલી સૂચના વાંચે છે કે જેમાં લખ્યું હોય છે કે "પ્રેસ ઈટ".

રીયા એ બટનને પ્રેસ કરે છે અને સામે દિવાલ પર રીયા અને તન્મયના બાળપણના ફોટોનો સ્લાઈડ શો શરૂ થાય છે. હકીકતમાં તે સ્ટિક રીમોટ કંટ્રોલ(પ્રોજેક્ટર સ્વિચ) હોય છે, જે આ ચાલુ કરે છે. રીયાને તેના સ્કૂલના દિવસો..તેઓએ માણેલું સ્કૂલનું એક ફંક્શન બધું નજર સામે આવી જાય છે. તેના અને તન્મયના ફોટોઝ અને આ બધું જોય રીયા એકદમ જ ભાવુક થઈ જાય છે. અંતમાં તેમાં સૂચના આવે છે કે "ટર્ન બેક એન્ડ વોક".

રીયા સૂચનાઓનું પાલન કરે છે. તે જેવી આગળ વધે છે કે તેને એક ડ્રોપબોક્સ મળે છે અને તે તેમાં જોવે છે તો એક નાનકડું હ્રદય તેમાં હોય છે કે જે એક બાજુએથી ખૂલે છે. રીયા તેને ખોલે છે તો તેમાં લખલું હોય છે કે "ઈટ્સ માય હાર્ટ એન્ડ યુ કેપ્ટ ઈટ! સેવ ઈટ એન્ડ સ્ટોર ઈટ! -તન્મય". રીયા જાણે પોતે સપનામાં હોય એમ લાગે છે. હવે તો બસ તેને તન્મયને મળવું છે. તે ડ્રોપબોક્સમાં લખ્યું હોય છે કે હવે જમણી બાજુથી આગળ વધો અને ડાબી બાજુ પર ટેબલ નં ૪ પર તમને તન્મય મળશે. રીયા બીજું કશું જ જોયા વગર તે તરફ ડોટ મૂકે છે. તે જેવી ડાબી બાજુ વળે છે ત્યાં તો ચારેકોર લાલ-સફેદ-વાદળી રંગના ફુગ્ગા રસ્તા પર આવે છે અને બધા જ લાલ રંગના ફુગ્ગામાં "આઈ લવ યુ રીયા" એમ કાળા અક્ષરથી લખ્યું હોય છે. રૂમમાં આવતા અત્તરની સુગંધ પણ રીયાની ફેવરીટ છે. તે ક્ષણવાર તો પ્રેમ ભર્યા આ વાતાવરણમાં મંત્ર મુગ્ધ બની જાય છે.

તે હવે ટેબલ તરફ જાય છે અને તેને એક નહિં પણ અઢળક વાત આજે તન્મયને કહેવી છે. પ્રશ્ન એ છે કે તે છે ક્યાં? તે જેવી ટેબલ પર બેસવા જાય છે કે તરત જ પાછળથી કોઈ વેઈટર બોલે છે કે "સાહેબે બેસાડવાની ના પાડી છે." આ સાંભળતા જ રીયા બોલી ઊઠે છે કે "તમારો સાહેબ છે ક્યા?" કંઈ જ જવાબ નો મળતા રીયા હવે બેચેને થઈ ગઈ છે. હવે તેનાથી તન્મયની રાહ જોવાતી નથી.આમ, માહોલમાં શાંતિ છવાય જાય છે. ત્યાં અચાનક જ ડગલાનો અવાજ આવે છે અને રીયા આ પગલા ઓળખી જાય છે.

બસ આ રીતે તન્મય આવે છે અને..

ક્રમશઃ..