Featured Books
શ્રેણી
શેયર કરો

સારું ન બોલ તો કંઇ નહીં, તું ખરાબ તો ન બોલ

સારું ન બોલ તો કંઇ નહીં,

તું ખરાબ તો ન બોલ

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

આંસુમાં ઊંડે ઊતરવું પણ પડે, મૂળ એનું ક્યાં છે જોવું પણ પડે,

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી, ક્યાંક અધવચ્ચે અટકવું પણ પડે.

-મહેશ દાવડકર

તેં મારા માટે બોલેલા દરેક શબ્દ હજુ મારા અસ્તિત્વમાં પડઘાય છે. નીરવ શાંતિમાં તારા શબ્દોનું સંગીત ગુંજવા લાગે છે. કોલાહલ હોય તો પણ સૌથી પહેલાં તારા શબ્દો જ સંભળાતા રહે છે. તેં મારાં વખાણ કર્યાં છે. મારી સફળતાની તારીફ કરી છે. હતાશ હોય ત્યારે પ્રેરણા આપી છે. હસતી હોય ત્યારે સાથે હસ્યો છે. રડવું આવી ગયું હોય ત્યારે સાંત્વના પાઠવી છે. તેં કહ્યું હતું, હું ગમે ત્યાં અને ગમે તેવા સંજોગોમાં હોઈશ તારા માટે મારા મોઢામાંથી પ્રાર્થના જ નીકળશે. મારી દુઆઓમાં તું સાથે જ હોઈશ. મારે ત્યારે પૂછવાની જરૂર હતી કે દુઆઓમાં સાથે હોઈશ પણ બદદુઆઓમાં? કદાચ તેં આ પ્રશ્નનો જવાબ એવો આપ્યો હોત કે તારા માટે કોઈ દિવસ બદદુઆ ન જ હોય! અચાનક આ શું થયું? હા, આપણે જુદા પડી ગયા. આપણા રસ્તા બદલી ગયા. રસ્તા ભલે બદલી ગયા, પણ શબ્દો કેમ બગડી ગયા? તારી પ્રાર્થનાઓમાં હવે હું નથી, કંઈ વાંધો નહીં પણ તારી બદદુઆમાં હું કેમ છું? મારા વિશે ખરાબ બોલતી વખતે તારું દિલ જરાયે ડંખતું નથી?

તેં આપેલાં વચન અને તેં કરેલી વાતોની કદર પણ તને નથી? જુદા પડતી વખતે તેં કહ્યું હતું કે, હું બધી યાદોને મારા દિલના એક ખૂણામાં સંઘરી રાખીશ. તું યાદ આવશે ત્યારે એ ખૂણાને થોડોક પંપાળી લઈશ. ભૂતકાળની થોડીક ક્ષણો આંખોમાં તાજી કરી લઈશ. હવે કદાચ તારી આંખો લાલ થઈ ગઈ છે એટલે એ ક્ષણો તાજી નથી થતી. શું બધું એટલું વાસી થઈ ગયું છે કે તારા મોઢે મારા માટે અપશબ્દો નીકળે છે. રિલેશન જ્યારે ડાઉન થાય ત્યારે શબ્દો ‘અપ’ થઈ અપશબ્દો બની જાય? ક્યાં ગયો ગ્રેસ? ક્યાં ગયું ગૌરવ? ન તું ખરાબ હતો, ન હું બૂરી હતી. સમય અમુક સપનાંઓ પૂરાં થવા દેતો નથી. એક સપનું પૂરું ન થયું. આ સપનું માત્ર તેં જ નહોંતું જોયું, મેં પણ જોયું હતું. માત્ર તારું સપનું જ નથી તૂટ્યું, મારું ડ્રીમ પણ ડિસ્ટ્રોય થયું છે. તને વેદના છે તો મને પણ દર્દ છે. તને અફસોસ છે તો મને પણ અધૂરપ છે. કમ સે કમ આપણા સુંદર ભૂતકાળ ઉપર કાળી ટીલી ન માર... આવા વિચારો આવે ત્યારે મનમાં એક સવાલ એ પણ જાગે કે કદાચ હું તેને આવી વાત કરું કે તેને લખીને મોકલું તો તેને કોઈ ફેર પડશે ખરો? આવું થાય પછી તો કોઈ વાત સાંભળવા પણ ક્યાં તૈયાર હોય છે! જુદા પડી જવાનું બને પછી કોઈ વાત ‘સાંભળવા’ માટે નથી હોતી, બધી જ વાત ‘સંભળાવવા’ માટેની બની જાય છે. વાંક તારો હતો, ભૂલ તેં કરી હતી, તેં મને છેતર્યો, તેં દગો કર્યો, તેં મારી જિંદગી ખરાબ કરી નાખી, તેં માત્ર તારો જ વિચાર કર્યો... આપણે એક પણ મોકો ચૂકતા નથી!

બ્રેકઅપ, ડિવોર્સ, દોસ્તીમાં દરાર કે સંબંધોની કરવટ પછી આપણે એવા થઈ જઈએ છીએ, જેવા આપણે હોતા નથી. નારાજગી એટલી હદે આપણી માથે સવાર થઈ જાય છે કે આપણને સારા-નરસા કે સારા-ખરાબનો ભેદ જ સમજાતો નથી. તસવીરો સળગાવી દીધા પછી પણ ચહેરાને નજર સામેથી ખસવા દેતા નથી. સેલફોનનું બધું ડિલીટ કરી દીધા પછી પણ આપણે કંઈ ઇરેઝ કરી શકતા નથી. બ્રેકઅપ થયા પછી એક છોકરીએ લખ્યું હતું કે, ના મેં કંઈ જ ડિલીટ કર્યું નથી. એક ફોલ્ડર બનાવીને રાખ્યું છે. એ માત્ર પાસવર્ડથી જ ખૂલે છે. હું આ ફોલ્ડર ખોલતી નથી. બસ સાચવી રાખ્યું છે. તિજોરીમાં લોકો જેમ દાગીનો સાચવી રાખે એમ જ. આ ફોલ્ડરનો પાસવર્ડ તારું નામ છે. એક એવો દોસ્ત, જે મારી જિંદગીમાં ખુશી બનીને આવ્યો હતો. નટખટ, તરંગી, મનમોજી, થોડોક ક્રેઝી અને થોડોક જિનિયસ! હવે એ નથી પણ યાદો તો છેને. એ દિવસો સુંદર હતા. એ ક્ષણો ભવ્ય હતી. એ દોસ્ત ઉમદા હતો! જુદા પડ્યા પછી કેટલા લોકોની લાગણી આવી હોય છે?

એક કપલની આ વાત છે. મેરેજ પછી ધીરે ધીરે સમજાયું કે બંનેના વિચારો ખૂબ જ અલગ છે. રોજ એક ઘટના બનતી. કારમાં જતી વખતે બંને ટિસ્યૂનો ઉપયોગ કરતા. ટિસ્યૂથી હાથ કે મોઢું લૂછી લીધા પછી પતિ ટિસ્યૂનો ડૂચો કરીને હવામાં ઉછાળતો. પત્નીની આદત એવી હતી કે ટિસ્યૂથી લૂછી લીધા પછી પણ એ ટિસ્યૂને આખો ખોલી ફરીથી તેની ગડી વાળી કચરાપેટીમાં ફેંકવા માટે રાખી મૂકતી. પતિ કહેતો કે જે વસ્તુનું કામ પૂરું થઈ ગયું એનું આટલું જતન શા માટે? પત્ની કહેતી કે, આ મારી આદત છે. સમય જતો ગયો. બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધતું ગયું. અાખરે બંને જુદાં પડી ગયાં. ડિવોર્સ પછી પતિને ખબર પડી કે એ ક્યારેય કોઈના મોઢે મારું ખરાબ બોલતી નથી. ટીકા કરતી નથી. એવું જ કહે છે કે,બસ ન ફાવ્યું. એ ખરાબ માણસ ન હતો. એ કદાચ એની જગ્યાએ બરાબર હતો. હું કદાચ મારી જગ્યાએ યોગ્ય હતી. અમે માત્ર ખોટી જગ્યાએ ભેગાં થઈ ગયાં હતાં. જુદાં પડ્યાં એટલે એ કંઈ ખરાબ નથી થઈ જતો.

એક વખત એ યુવાને તેની ભૂતપૂર્વ પત્નીને મેસેજ કર્યો કે મને એ વાતનો ગર્વ છે કે તું મારું ખરાબ નથી બોલતી. ઊલટું કંઈક સારું હોય તો મારું સારું બોલે છે. યુવતીએ માત્ર એટલો જ જવાબ લખ્યો કે હું હજુ એ જ વ્યક્તિ છું, જે ટિસ્યૂને પણ ગડી વાળીને રાખે છે. આપણે તો જેટલો સમય રહ્યા એટલો સમય કડવાશ ન હતી, હળવાશ જ હતી. મને કોઈ ફરિયાદ નથી. તારા માટે મારી પાસે હંમેશાં શુભકામનાઓ જ છે.

દરેક સંબંધ આખી જિંદગી નભે એવું જરૂરી હોતું નથી. સમયની સાથે સંબંધો પણ બદલે છે. સંબંધો બદલે તેનો વાંધો ન હોવો જોઈએ. હા, એ સંબંધોને કોસીને કે તેના વિશે ખરાબ બોલીને તેનું અપમાન ન કરવું જોઈએ. એક મિત્રએ તેના દોસ્તને લખ્યું કે, તું સારું બોલી ન શકે તો કંઈ વાંધો નહીં, પણ ખરાબ તો ન બોલ. મારા ઘણાં વિરોધીઓ મારું ખરાબ બોલે છે, તેને હું ગણકારતો નથી. એ તો એવું જ કરવાના છે. તું તો એવું ન કર. ક્યારેક ક્યાંક ભેગા થઈ જઈએ તો આંખ મિલાવી શકાય એટલો તો સંબંધ હજુ બચ્યો છે. મળી જઈએ ત્યારે નજર નીચે ન નમાવવી પડે અેટલી તો આપણા સંબંધની કદર કર!

આપણે જ્યારે કોઈના વિશે કંઈ બોલતા હોઈએ છીએ ત્યારે લોકો માત્ર એ વ્યક્તિ વિશે જ નથી વિચારતા, એ તમને પણ જજ કરતા હોય છે કે, આ માણસ કેવો છે? ગઈ કાલ સુધી એ જેની સાથે ખાતો-પીતો અને હસતો-રમતો હતો એનું જ ખરાબ બોલે છે. કોઈનું બૂરું બોલતી વખતે આપણી પણ એક ઇમ્પ્રેશન બનતી હોય છે! એમાં પણ જેની સાથે સારો સમય વિતાવ્યો હોય, જેની સાથે સુખ માણ્યું હોય અને દુ:ખ વખતે જેની પડખે રહ્યા હોઈએ એ ન હોય તો પણ એની યાદો સાચવી રાખવાની હોય છે. સંબંધ ભલે ગુમાવી દીધો હોય, પણ એ સંબંધનો ‘ગ્રેસ’ ન ગુમાવવો જોઈએ!

છેલ્લો સીન:

સંબંધો તમે કેવી રીતે વાગોળો છો તેના પરથી તમારી સંવેદનાઓ દુનિયાને સમજાતી હોય છે. -કેયુ

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)

kkantu@gmail.com