ખર્ચો અને જીવન - એક કળા Vimesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખર્ચો અને જીવન - એક કળા

થોડાક દિવસો પહેલાં, મારે સરકારી નોકરીમાંથી સેવા નિવૃત્ત એક જૂથ સાથે બેસવાનું થયું. થોડીવાર સુધી, વરસાદ, રાજકારણ, ચૂંટણી, સમાજ, બજાર એવી બધી વાતો ચાલ્યા પછી, અચાનક જ પેન્શનની વાત ચાલુ થઈ. થોડાક બળાપા સાથે લગભગ બધાયના કપાળ પર ચિત્ર વિચિત્ર રેખાઓ ઉપસવા લાગી. ક્યાંક પોતાના ફુલ એન્ડ ફાઈનલના આવેલા પૈસાનું સેફ ઈન્વેસ્ટમેન્ટ જાણી, ખુશીની રેખાઓ હતી, તો ક્યાંક દીકરા માટે લીધેલી લોન પર વધતા જતા વ્યાજ દરની ચિંતા. આ બધા ય વચ્ચે એક રસિક ચર્ચા છેડાઈ.

‘કાંતિભાઈ, માળું, આ પેન્શન ટાઈમ પર મળી તો જાય છે, પણ મોંઘવારીનું તો જુવો … !!! … એક રૂપિયો બચતો નથી ..’

‘શું વાત કરે છે ? તને કેટલું મળે છે ?’

‘બધું કપાયા પછી નવ આઠસો ..’

‘સાલું, વાત તો સાચી … શું બચે એટલામાં .. (!!!)’

વાત આટલા એકના બળાપા અને બીજાના સમર્થનથી અટકી જવાની જગ્યાએ, વિષય વગરની પરિષદમાં, દાવાનળની જેમ ફેલાવા લાગી. મારે ય વાંધા છે, ને મારે ય તકલીફ પડે છે. આ દરમ્યાન હું એક મૂક શ્રોતા હતો. આમે ય આટલા બધા વડીલો, જેમાં લગભગ બધા ય કોઈક ને કોઈક સરકારી નોકરીમાંથી, કોઈક ને કોઈક હોદ્દાના, જીવનભરના અનુભવોનો ખજાનો લઈને બેઠેલા હોય, અને આપણે માત્ર સરકારી ઓફિસોમાં કોઈક દિવસ કોઈક નાના કાગળ માટે ભાંજગડ કરવા જવાનું હોય, ત્યાં એમની વાત સાંભળવી એ જ એક રસ્તો હતો. વળી, વડીલોની વાત ક્યારે કયા પાટે જાય, એ કળવું લગભગ મુશ્કેલ હોય છે. એ દરેક વાતને એક સમજણપૂર્વક રજૂ કરે ખરા, પણ એમની વાતની ગાડી એક સાથે બે ટ્રેક પર દોડી શકતી હોય છે. અને આપણે ક્યાંક ગોથું ખાઈ જઈએ, તો મગજમાં બેન્ડ વાગે, એના કરતાં એ વાત વચ્ચે હુંકારો ભરવા બોલાવે નહીં ત્યાં સુધી બોલવું ન જોઈએ. બસ એવું જ કાંઈક થયું મારી સાથે. આ ખર્ચા-રામાયણ વચ્ચે બે-ત્રણ વખત મને પણ ‘હેં ને ભાઈ .. !!!’ કહીને ચર્ચામાં જોડાવા ખુલ્લું નિમંત્રણ આપવામાં આવ્યું. થોડીક વાર તો હું મુંઝાયો, પણ છેવટે મેં દીર્ઘ શ્વાસ ફેફસાંમાં ભરીને તમામનાં મોઢાં સિવાઈ જાય એવું કડવું કડવું ઉચ્ચારણ શરૂ કર્યું.

‘પૈસાની જરૂર તો કોને નથી, પણ જો તમે તમારા પોતાના માટે વાત કરતા હો, તો પેન્શનમાંથી પૈસા વધવા જોઈએ. નવ-દસ હજાર ઓછા નથી ..’

સામે પક્ષેથી આખા જૂથમાં એકાદ મિનિટ માટે સોપો પડી ગયો ને જાણે ખુલ્લો બળવો પોકારવા માટેના હથિયાર સમા પ્રશ્નો દરેક નિવૃત્ત મનમાં તૈયાર થવા લાગ્યા. સાથે સાથે પોતાની ઠેકડી ઉડાડવાની આ છોકરાની હિંમત કઈ રીતે થઈ, એવો ભાવ પણ કોઈ કોઈના ચહેરા પર સ્પષ્ટ થવા લાગ્યો. એકાદ થોડા વિચક્ષણ બુધ્ધિમાન જાપાની જેવી ઝીણી આંખો કરી ને મારી આગળની વાત સાંભળવાનો અથવા તો મારા મગજમાં બંધાઈ રહેલા ‘યુધ્ધ પહેલાંના’ શસ્ત્રાગાર જેવા જવાબો, શું હોઈ શકે એ ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય એમ લાગ્યું.

‘ઘર તમારું પોતાનું છે. વર્ષે દહાડે બે સિઝનનું મળીને, ઘરે ખાવા માટે પૂરું થાય એટલું મુખ્ય ધાન (ઘઉં, મકાઈ, થોડી તુવર અને અથવા અન્ય) પોતાના ખેતરમાં પાકે છે. એક સાથે આખા વરસ માટે મરચું, હળદળ, જીરૂ, મેંથી, રાઈ, મગ અને અન્ય જરૂરી કરિયાણું એક સાથે એની સિઝનમાં ભરી લેવામાં આવે છે. ઢોર હવે કોઈએ રાખ્યા નથી, એટલે ખેતરમાં થતા પાક દરમ્યાન પેદા થતો ઘાસચારો લગભગ અડધા વરસના દૂધનો ખર્ચો કાઢી આપે છે. (ત્રણથી ચાર કિલોનો ઘાસનો એક પૂળો સરેરાશ આઠથી બાર રૂપિયે વેચાય છે.) હવે બચે છે એ બધું ય ગણીએ તો આખો મહિનો મોજથી કાઢવા માટે ત્રણથી સાડા ત્રણ હજાર પૂરતા થઈ પડે. અને જો એથી વધારે થાય તો એની ગણતરી કરવી જોઈએ. આખા ય વર્ષમાં ઘરે આવતા પ્રસંગ, શ્રાવણ માસ અને દિવાળીના મહિના છોડીને આ ગણતરી યોગ્ય છે. હવે તમે જે માનો એ …’

‘એક જ માણસ માટે ને?’

‘ના, અંકલ, એક નિવૃત્ત દંપતી માટે. ગામડા ગામમાં રુટીન લાઈફ બસર કરવા માટે સાડા ત્રણ હજાર પૂરતા હોવા છતાં બસ્સો પાંચસો આમ તેમ થાય ત્યાં સુધી ઠીક છે, પણ જો છેક સાડા નવ હજાર ઓછા પડી જાય એમ લાગતું હોય તો એ વિચારવા જેવી વાત છે, અને એ પણ તમારે પોતે.’

‘અલ્યા, આ કાલનો છોકરો આપણને શું કરવું એ શિખવાડે છે, તને ખબર છે મારે દિવસની દસ સિગારેટ જોઈએ છે. મહિનાનું અંદાજે ગણે તો ય પંદરસો એમ જ થઈ જાય.’

‘બેશક, એ વાત સાચી છે કે પંદરસો થઈ જાય પણ એ જરૂરિયાત નથી, રુટીન નથી અને જો આપણે સામાન્ય સંજોગોની વાત કરીએ તો બધા જ લોકોને મહિને પંદરસો રૂપિયાની સિગારેટ નથી જોઈતી, અને એ માટે તમે તમારા જ ઘરમાં તમારા પત્નીનું ઉદાહરણ લઈ શકો છો … !!!’

હજી સુધી પોતાને ચોક્કસ ડિફેન્સીવ મુદ્રામાં અનુભવી રહેતા તમામ ચહેરાઓ પોતાની વાત ઉપર ગ્લાનિ અનુભવવા લાગ્યા. મારો આશય એમાંથી એકેયનું અપમાન કરવાનો નહોતો પણ આખી જીંદગીનું અનુભવોનું ભાથું ભેગું કરીને જ્યારે કોઈકને પ્રેરણા આપવાની ઉંમરે પહોંચેલા આપણા વડીલો જો ખરેખર યુવાનોને જીવન જીવવાના સરળ નુસખા સમજાવવાની હાલતમાં ના હોય ત્યારે દુઃખ થાય. જીવન અને ખર્ચો એક બીજાની સાપેક્ષ બાજુઓ છે જેમાં કહી શકાય કે જીવન જીવવું હોય તો ખર્ચો કરવો પડે અને ખર્ચો કરીએ તો જ જીવન જીવાય. પણ બંને સરળ કઈ રીતે બનાવી શકાય એ જોવું અને જાણવું મહત્વનું છે. પચ્ચીસ વર્ષની વયે પિતાની પદવી મેળવી લેનાર યુવાન વિચારે છે કે એણે જે તકલીફો વેઠી છે એ એના બાળકને ના વેઠવી પડે. પણ એ વખતે એણે આર્થિક, સામાજીક અને માનસિક આપદા વખતે એના કઈ રીતે ઉકેલ મેળવ્યા હતા એ શીખવાડવાનું ભુલી જાય છે અને એની કહાની એનું બાળક જ્યારે પિતા બને છે ત્યારે ફરીથી ભજવવા લાગે છે. એય એના પિતાની જેમ વિચારે છે અને ફરીથી એજ સાયકલનું પૈડું ચાલું.

જીવનમાં સમજદારીભર્યા ખર્ચ અંગે કેટલીક વાતો, અથવા ટીપ્સ તરફ નજર કરીએ, તો સવારે બ્રશ કરતી વખતે બ્રશના બધા જ દાંતિયા ઉપર પેસ્ટ દબાવીને ચોપડવા કરતાં જરૂર પૂરતી પેસ્ટ કાઢીને બ્રશ ઉપર હાથેથી ફેલાવીએ, તો પેસ્ટ લગભગ એક અઠવાડિયું વધારે ચાલે છે. ન્હાવા માટે ગીઝર શરૂ કર્યા પછી, તમારા જોઈતા ટેમ્પરેચરનું પાણી ગરમ થઈ જાય, એના ટાઈમનું એક બે દિવસ ધ્યાન રાખો અને એને રોજ એકાદ મિનિટ ઘટાડતા જાઅો, જે લગભગ ત્રણ મિનિટ સુધી ઓછો કરી નાખો, જે તમારા મહિનાના લાઈટ બિલમાં ઓછામાં ઓછી પચાસ રૂપિયા સુધીની બચત કરાવશે. ઘરનો દરેક સભ્ય ન્હાયા પછી, સાબુ ફરીથી એના પ્લાસ્ટીક બકેટમાં મૂકે તો ઓછો ઓગળે છે, અને રોજ એવું કરવાથી સાબુ ઓછામાં ઓછા બે દિવસ વધારે ચાલે છે. સામાન્ય રીતે કામના સમયે પહેરવાનાં કપડાં, આપણે સારી બ્રાન્ડનાં અથવા વિષય પ્રમાણે કહીએ તો બીજાં કપડાંના પ્રમાણમાં, વધારે મોંઘાં હોય છે, તો જ્યારે આપણે કામથી પરત આવી જઈએ તરત એને બદલી ઘરે પહેરવાનાં સાદાં અને કંફર્ટેબલ કપડાં પહેરવાથી એમનુંયે આયુષ્ય વધશે. એ જ રીતે શૂઝને કાઢી તરત એના ઉપર સાદાં કપડાંથી ફટકો મારી દેવામાં આવે, તો એક દિવસ પોલીશ ઓછી કરવી અથવા કરાવવી પડે છે.

ઓહ …. !!! કેટલા બધા નુસખા. નાની નાની વાતો જેને તમારા મિત્રો કંજૂસાઈનું નામ આપી શકે છે, પણ દોસ્ત, આ હકીકતે જીવન જીવવાની કળા છે. ઉપરના ઉદાહરણને જમાના સાથે સરખાવું, તો એક સરકારી નિવૃત્ત અધિકારીને કશું કામ કર્યા વગર, મહિને સાડા નવ હજારથી લઈને સાડા ચૌદ હજાર જેટલી માતબર રકમ મળે છે, જે માત્ર એ વડીલને એમની અને એમની પત્ની પાછળ જ ખર્ચ કરવાની હોવા છતાં ઓછી પડે છે, જ્યારે એક યુવાન પોતાના ઘરથી પાંચસો, હજાર કે બે હજાર કિલોમિટર દૂર રહે છે. આખો દિવસ કામ, ધંધો અને મજૂરી કરે છે અને મહિને સાડા પાંચથી છ હજાર જેટલું કમાઈ લે છે. અને એમાંથી પોતાનું, પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવ્યા પછી પણ, ગામડે મા-બાપને ગુજારા માટે કાંઈક મોકલે છે!!!! એ પણ ભાડાના ઘરમાં રહીને … !!!

સાચે જ કરકસર, કંજૂસાઈ અને આવડતની વચ્ચે ખૂબ જ પાતળી ભેદ રેખા હોવા છતાં, આપણે ક્યારે ય શું કરવું એ વિચારીને કશું કરતા નથી. કશુંક કરીને પછી હવે શું કરશું એવું વિચારીએ છીએ.