જળ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જળ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા

જળ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા

“ જે ડાળ પર બેઠાં એને જ કાપવાં બેઠાં?

જે જીવાડે છે આપણને એને જ મારવા બેઠાં?”

સૌ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે જળ વ્યવસ્થાપન એટલે શું? શાબ્દિક અર્થ જોવા જઈએ તો જળની વ્યવસ્થા. પણ કેવી વ્યવસ્થા, કેવા જળની વ્યવસ્થા, કોના માટેની વ્યવસ્થા? એ બધાં પ્રશ્નો પણ પાછળ ને પાછળ ચાલ્યા આવે. જળ-સંરક્ષણ અને જળ-વ્યવસ્થાપન એકબીજાના પુરક છે એ વાત ને તો કોઈ નકારી શકે નહિ. પાણી, જળ, Water, અંબુ, નીર, પય, પુષ્કર, વારિ વગેરે કંઈ-કેટલાંયે નામો પણ બધાનો અર્થ એક જ શબ્દમાં કહેવો હોય તો એ છે...’જીવન’. દુનિયાની કોઈ પણ લેબોરેટરીમાં કૃત્રિમ રીતે પાણી બનાવી શકાતું નથી. જેમ જાદુગર જાદુ બતાવે, એ જાદુ શીખવાડે થોડો? એમ ભગવાને પણ અમુક બાબતો એમના હાથમાં જ રાખી છે. ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે કોને ખબર? કદાચ ભગવાન પાણી બનાવવાનું એ જાદુ આપણને શીખવાડી પણ દે, પણ લેબોરેટરીમાં તો પાણીનું ટીપું માત્ર બને અને આપણે તો જરૂર છે પાણીના ધોધમાર વરસતા ધોધની, ખળખળ વહેતી નિર્મળ નદીઓની, અવિરત વહેતા ઝરણાંઓની, જે લોકોની અને તમામ નાનામાં નાના જીવ ની જરૂરિયાતો સંતોષી શકે. આ વાતને દુનિયાની કોઈ પણ અત્યાધુનિક લેબ કે કોઈ વૈજ્ઞાનિકો પણ હકીકત નું સ્વરૂપ આપી શક્યા નથી. અને તેથી જ આપણે જળ ક્ષેત્રે અનેકવિધ સમસ્યાઓ ભોગવી રહ્યા છીએ.

આપણાં જીવન માટે પાણીનું જીવંત હોવું ખુબ આવશ્યક છે. પણ જીવંત = જીવ + અંત , પૃથ્વી પરની દરેક વસ્તુઓ નાશવંત છે, કહેવાય છે કે કંઈ જ શાશ્વત નથી, કાયમી નથી. પણ, પાણી બાબતે આપણાં પ્રત્યે ભગવાન હજી એટલો નિષ્ઠુર નથી થયો. આજ સુધી તો પાણી છે અને તેથી જ આપણે પણ છીએ. કાલે હશે કે નહિ એની ખબર નહિ. આજકાલ નહિ પણ છેલ્લાં ઘણા સમયથી પાણી પ્રત્યેનું આપણું વલણ, ના ના ‘વર્તન’ કદાચ ભગવાનને આપણાં પ્રત્યે નિષ્ઠુર બનાવી દે તેવું થઇ ગયું છે. આપણા ઘરોમાં આવતા અખબારોમાં રોજ એવા એકાદ સમાચાર તો ચોક્કસ પણે મળી જ આવશે કે, જેમાં પર્યાવરણ પરત્વે આપણી ક્રુરતા જોવા મળે. અને એટલે જ સમગ્ર વિશ્વ ગ્લોબલ-વોર્મિંગ જેવી કુદરતી સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. અને હવે તો ખરેખર એ પણ વિચારવા જેવું લાગે છે કે આ સમસ્યાઓને કુદરતી કહેવી કે કૃત્રિમ? કારણકે એ બધી છે તો માનવસર્જિત જ. દિવસે-દિવસે માનવી એટલી બધી હદે સ્વાર્થી બનતો જાય છે કે ન પૂછો વાત.

પર્યાવરણની વાત આવે અને ગુજરાતી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ કવિશ્રી ઉમાશંકર જોશીને યાદ કર્યા વિના કેમ ચાલે?

“ વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી,

પશુ છે, પંખી છે વનોની છે વનસ્પતિ. ”

કુદરતી સંસાધનોનાં સ્ત્રોત જે ઝડપથી વિનાશના આરે જઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે ખુબ જ નજીકના ભવિષ્યમાં આપણને જીવવા માટે વધારે પડતી કહી શકાય એવી મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. અમુક નિરીક્ષકો એવું માને છે કે ૨૦૨૫ સુધીમાં લગભગ અડધું વિશ્વ પાણી આધારિત રોગ, નિર્બળતા નો સામનો કરી રહ્યું હશે અને ૨૦૩૦ સુધીમાં વિશ્વના અમુક વિકાસશીલ દેશો કે જેમાં પાણીની જરૂરિયાત પુરવઠાનાં ૫૦% જેટલી વધુ હશે. પૃથ્વીનાં 1/3 જેટલાં ભાગમાં પાણી છે. તેમાં ૯૭% જેટલું પાણી સમુદ્રો ધરાવે છે. જે ખારું અને રોજ-બ-રોજના જીવનમાં ઉપયોગમાં ન લઇ શકાય તેવું છે. બાકીના 3% માં ૨.૪% પાણી હિમ નદીઓ અને ગ્લેશીયેર્સ ધરાવે છે. જેમનું પાણી તાજું તો છે, પણ ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. હવે વધ્યાં બાકીના માત્ર ૦.૬% જે ભૂસપાટી સ્ત્રોત એટલે કે જમીન પર મળી આવતા પાણીના સ્ત્રોત જેવા કે નદી, સરોવર અને તળાવ ધરાવે છે કે જેમાંથી આપણે સૌ જીવીએ છીએ. સ્વચ્છ અને પીવાલાયક પાણી, માનવ અને અન્ય જીવ-સૃષ્ટિ માટે આવશ્યક છે. અને તે માટેનો એકમાત્ર કુદરતી સ્ત્રોત વરસાદ જ છે.

પૃથ્વી પરનું ઉપયોગી એવું આ ૦.૬% પાણી આવે છે ક્યાંથી? પૃથ્વી પરના સમુદ્રોમાંનું પાણી સૌપ્રથમ બાષ્પીભવન પામે છે અને તે વરાળના આકાશમાં વાદળાં બંધાય છે. એ વરાળ ઠરી જાય કે તરત જ વરસાદ વરસી પડે છે. પૃથ્વી પરનું પાણી હંમેશા એક ચક્ર રૂપે ફરતું રહે છે. તેને જળચક્ર કહે છે. વરસાદરૂપે જમીન પર પાછા આવતા પાણીમાંથી અમુક ભાગ સપાટી પરના જળસ્ત્રોતોમાં સંગ્રહ પામે છે. બાકીનું પાણી તેનો રસ્તો કરીને ભૂગર્ભજળરૂપે સંગ્રહિત થાય છે. પૃથ્વી પરના ૧૦૦% માંથી માત્ર ૦.૬% પાણીનો જ વિશ્વ આખું રોજ-બ-રોજનાં જીવનમાં ઉપયોગ કરે છે. આ ૦.૬% પાણીનો ઉપયોગ ઘરમાં, સવારની દૈહિક ક્રિયાઓથી માંડીને, ઘરના કામો જેવાંકે કપડા ધોવામાં, વાસણ માંજવામાં, રસોઈ બનાવવામાં, ઘરની સાફ-સફાઈમાં, અને સૌથી મહત્વનું, જીવન ટકાવી રાખવા પીવા માટે થાય છે. ઉદ્યોગો પણ જે પાણીનો ઉપયોગ કરે છે તે આ ૦.૬% માનું જ છે. ખેતી જેવી મહત્વની બાબતને તો આ સમયે કેવી રીતે ભૂલી શકાય? ખેતરોમાં પાક ઉગાડવા માટે, બાગ-બગીચાઓમાં, મનોરંજન માટેની જગ્યાઓ પર ફુવારાઓમાં, વગેરે કંઈ-કેટલાંય સ્થળોએ જે પાણી ઉપયોગમાં લેવાય છે તે આ ૦.૬% માંથી જ છે. હવે થોડીવાર માટે વિચારો કે માત્ર એક દિવસ માટે આ ૦.૬% પાણી માંથી જો તેનું અડધું પણ આપણી પાસે થી લઇ લેવામાં આવે તો શું થાય? લગભગ કલ્પના કરવી જ મુશ્કેલ છે. અરે! માત્ર એક નાની એવી પરિસ્થિતિ કલ્પી લો કે ઘરની ઉપરની ટાંકીમાં પાણી નથી, અને માત્ર કલાક-બે કલાક માટેજ વીજળી પણ નથી તેથી પાણી પણ મોટર વડે ઉપર ચડાવી શકાય તેમ નથી તો પણ કેટલા બધાં કામ અટકી પડે છે ને!

અંગ્રેજી શબ્દ Management નો ગુજરાતી અર્થ થાય વ્યવસ્થાપન. અને બીજો એક શબ્દ છે Powerfull & Effective Management, મતલબ કે સમજણપૂર્વકનું વ્યવસ્થાપન. એટલે કે આપણી પાસે જેટલું છે તેટલામાં કેવી રીતે સારું જીવી શકાય તેનું વ્યવસ્થાપન. ૦.૬% પાણીના જથ્થાનું એવું વ્યવસ્થાપન કે વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે અને એ પાણીનો સાચો, સારો અને ખરા અર્થમાં સુંદર કહી શકાય તેવો ઉપયોગ થાય.

“ પાણી ખર્ચાય નહી પણ વહેંચાય,

પાણી વેડફાય નહી પણ સચવાય.”

પણ જળનું વ્યવસ્થાપન તો ત્યારે થશે ને જ્યારે જળ હશે? સૌપ્રથમ તો આજે જરૂર છે જળ-સંરક્ષણની. પાણીની ઉપલબ્ધતા અને G.D.P.(Gross Domestic Product) વચ્ચે સીધો સંબંધ છે. વિશ્વ આખાનાં અર્થતંત્રમાં પાણી એ મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં તમામ જગ્યાએ યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. વિશ્વની કુલ વસ્તીનાં લગભગ ૪૦% લોકો ૧૦ થી ૨૪ વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે. તેમાં પણ ૨૦૨૦ સુધીમાં ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ બનશે તેવું આંકડાઓ કહે છે. કારણકે વિશ્વની કુલ વસ્તીના ૧૭.૫% યુવાનો ભારતમાં વસે છે. જે આપણાં માટે ખુબ જ ગર્વની વાત છે. યુવાનોની વાત હોય ત્યારે ઉશનશ ની બે પંક્તિઓ યાદ આવે કે,

“ ગમે ન શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ,

સાધુતા નહિ વાર્ધક્યે, વ્યર્થ તો જીંદગી ક્રમ.”

યુવાનીકાળ જ એનું નામ છે. જયારે શરીર માં જોમ હોય, જુસ્સો હોય અને કંઇક કરી બતાવવાની ઝંખના હોય. માણસનો સુવર્ણકાળ એટલે યુવાની.પર્યાવરણ, જળ-વ્યવસ્થાપન અને જળ-સંરક્ષણ બાબતે પણ યુવાનો જ નવાં વિચારો, નવાં સૂચનો, નવી પદ્ધતિઓ આપી શકે.

યુવાનીમાં કંઇક પરાક્રમ કરવાનું છે, પણ આજના સમયમાં પરાક્રમ એટલે વિશ્વને કશુંક નવું આપવું તે. વિશ્વ આખા માટે કંઇક સારું કરવું તે. દુનિયા સુંદર તો છે જ પણ તેને વધારે સુંદર કેવી રીતે બનાવી શકાય તેવા કામો કરવા તે પરાક્રમ. યુવાનો પાસે જે ક્ષમતા છે, નવા વિચારોની, શરીરની, સાહસ કરવાની અને કપરી પરિસ્થિતિઓનો સામનો કરી તેમાંથી પાર ઉતારવાની તે કદાચ બીજા કોઈ વર્ગમાં નથી. જે સતત કંઇક નવું શીખતો રહે, જીવનને સરળ અને સુંદર બનાવતો રહે તે યુવાન. પછી ભલેને તે ૮૦ વર્ષની ઉંમર ધરાવતા કોઈ વડીલ જ કેમ ના હોય. પણ ૨૫ વર્ષનો છોકરો હોય અને કશુંક નવું કરવાની, નવું શીખવાની કે નવું વિચારવાની જેનામાં તાલાવેલી જ નથી તે ૨૫ વર્ષે પણ વૃદ્ધ છે. ગમે તેવાં ઝંઝાવાતો, તોફાનો સામે પણ ઝીંક ઝીલે, છેક સુધી ઝઝૂમે તેનું નામ યુવાની.

યુવાનો જળ-વ્યવસ્થાપન અને જળ-સરંક્ષણ માટે શું કરી શકે? તેમની ભૂમિકા શું હોઈ શકે?

 • સૌપ્રથમ તો યુવાનો પાણી બચાવતા શીખે.
 • જરૂર પુરતો જ ઉપયોગ કરવો અને પાણીનો વ્યય ન થાય તેની પુરતી કાળજી રાખવી.
 • નહાવામાં ૧ થી દોઢ ડોલ પાણી પુરતું છે. તેના કરતા વધરે વપરાશ એ પાણીનો બગાડ જ છે.
 • અમુક યુવાનોને દાઢી કરતી વખતે વોશ-બેસીનનો નળ ચાલુ રાખી તેનો કર્ણ-પ્રિય અવાજ સાંભળવો ખુબ જ ગમતો હોય છે પણ એ કુટેવ છે, સુધારો.
 • પીવાના પાણીનો ઉપયોગ હાથ-મો ધોવામાં ન જ કરવો. નછૂટકે કરવો પડે તો પણ બને એટલું ઓછું પાણી વાપરો.
 • ઘરમાંથી અને ઉદ્યોગોમાંથી નીકળતા નકામાં પાણીનો બીજો શું ઉપયોગ થઇ શકે? એ અંગે ના વિચારો અમલમાં મુકવા.
 • ઢાળવાળી સપાટી પર વરસાદી પાણી વહી ન જાય તે માટે છોડ કે વૃક્ષો વાવી શકાય. પણ વાવ્યા પછી તેની કાળજી લેવી એ વધારે મહત્વની બાબત છે.
 • બધાને પોતાના વાહનો છાંયામાં મુકવા હોય છે પણ કોઈને એ છાંયો વાવવો નથી તો કેમ ચાલશે?
 • વૃક્ષો ભૂગર્ભજળની સપાટી ઉચી લાવવામાં મદદ કરે છે. જે ભૂગર્ભજળ હાલના સમયમાં ખુબ જ નીચે જતા રહ્યા છે.
 • યુવાનો સોશિઅલ મીડિયા નો ઉપયોગ લોક-જાગૃતિ માટે કરી શકે છે.
 • ઘરનાં કામમાં બહેનો પાણીનો બગાડ ન કરે. જરૂર પુરતું જ પાણી વાપરો. શાકભાજી અને અનાજ ધોયેલું પાણી સિંક માં ઢોળી દેવાના બદલે ક્યારાઓમાં આપી શકાય.
 • વાહનોની સફાઈ માટે વધુ પડતા પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ.
 • કુદરતી આફતો કે મુશ્કેલીઓને આપણે જ ઉભી કરી છે, તેથી તેને નિવારવાની જવાબદારી માંથી પણ છટકી શકાય નહિ.
 • Free Hit :-

  “વિશ્વના ઇતિહાસમાં ગત વર્ષ એટલે કે ૨૦૧૫નુ વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ નોંધાયું. અમારી પ્રોડક્શન ટીમ એ બરફના શુટિંગ માટે ખાસ દક્ષીણ ધ્રુવ સુધી જવું પડ્યું. ક્લાઈમેટ ચેંજ એ વાસ્તવિક છે, અને હાલમાં પણ થઇ જ રહ્યું છે. અત્યારે સૌથી વધુ ખતરો આપણી માનવજાતને અને બીજા જીવો ને આ બાબતથી છે. આપણે આ વિશ્વને, આ પૃથ્વીને હળવાશથી ન લેવી જોઈએ. હું આજની રાતને પણ હળવાશથી નહિ લઉં...”

  ~ લિઓનાર્ડો ડીકાપ્રીઓ

  ( ૨૦૧૬ નાં સર્વશ્રેષ્ઠ એક્ટર માટેનો ઓસ્કાર એવોર્ડ મેળવ્યા પછી સ્ટેજ પરથી આપેલી અંગ્રેજી સ્પીચના એક અંશનો ગુજરાતી અનુવાદ. )

  ***