ટૂંકી વાર્તા
"યે ઈશ્ક સૂફ઼ીઆના..........."
લિફ઼્ટ ૫માં મજલે રોકાઇને માલાની તંદ્રા અચાનક તૂટી,આસ્તેથી લિફ઼્ટ બંધ કરી,પર્સમાંથી ચાવી લેવા હાથ મૂક્યો, ને સોનેરી અક્ષરવાળુ સફ઼ેદ કાર્ડ નીચે પડ્યુ.લોક ખોલ્યુ ને સરકતા દુપટ્ટાને સરખો કરતા કાર્ડ હાથમાં લિધુ.નામ નવુ તો ન હતુ છતાં જાણે અપરિચિત હોવાની એક લાગણી મનમાં થઈ આવી.એ.સી.ની સ્વીચ ઓન કરી,મોબાઈલ ચેક કરતા બેડમાં તકિયા બરાબર કરી લંબાવ્યુ.એરપોર્ટ તન્મય ને મૂકવા ગઈ ત્યારે કેવી હળવીફ઼ૂલ હતી.હા,એ જવાનો હતો અને પૂરા એક અઠવાડિયા પછી પાછો આવવાનો હતો,પણ એ તો આવુ ઘણીવાર જતો હતો,એ ખાલીપો ભરવા એ ક્લબ ,ફ઼િલ્મ ને મિત્રોને મળવાનુ બખૂબી ગોઠવી લેતી,પણ આજે આ ભાર એક સફ઼ેદ કાર્ડ નો લાગે છે,સોનેરી અક્ષરો ઉછળતા હોય તેવુ કેમ લાગે છે !
યશને કેટલા સમયે જોયો?કદાચ વીસ વરસ પછી !એણે તો આત્મીયતા જાળવી ને અકબંધ રાખી હતી એમ લાગ્યુ ,પણ જાણેઅજાણે માલાને એ ધબકારો ચૂકી ગઈ છે એવુ લાગવા દેવુ જ ના હતુ.પહેલા તો ઓળખી ને નજર ફ઼ેરવી લીધી હતી,પણ એ સુપેરે જાણતી કે આ યશ છે!એ છોડે!તન્મયની ફ઼્લાઈટ ગઈ ને પાછી વળતી હતી ને સામે યશ ધસી આવ્યો,એ કાયમ તોફ઼ાન જેવો જ રહ્યો,માલા સમજે એ પહેલા તો બરોબર સામે સવાલ લૈ ઉભો રહ્યો!કેમ?માલા એ નજરનો આજેય જવાબ ન વાળી શકી.૨ મીનિટ માટે તો તન્મય જોડે ગઈ હોત તો સારૂ હતુ,એમ મન બોલી ઉઠ્યુ.
યશ એટલે એક ઘૂઘવતો પ્રેમનો દરિયો !મારા દિલમાં ટ્કોરા દીધા વિના હળવેથી પ્રવેશેલુ એક એવુ પાત્ર જેનો નાદ,સાદ, સૂર આજેય હવામાં ગુંજે ત્યરે ધડકન ચૂકી જવાય.અંગત બની ખૂણે વસેલો આજે પારકો લાગવાનો આભાસ થતો હતો,ગમે એમ ભૂલવા મથો તોય એ રેતમાં પડેલા પગલા થોડા હતા!કોલેજ માં આમ તો ભણવામાં સામાન્ય પણ વકતૃત્વ કળામાં અવ્વલ જ રહેતો.આકર્ષક વ્યક્તીત્વ નો માલિક અને સરળ અને સદાય સ્મિતથી ભરેલો એનો ચેહરો આજેય યાદ આવે છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જાય છે.એન્યુઅલ પ્રોગ્રામ માં એનો પ્રથમ પરિચય ,એણે એક સામાજીક નાટક માં ભાગ લીધેલો અને મેં એક ગીત ગાવામાં,રોજ રિહર્સલ માં મળવાનુ થતુ,એમ કરતા એમાં એના નાટકને પ્રથમ ઈનામ મળ્યુ,અને ત્યારે એ એટલો ખુશ હતો કે હું પાસે ઉભેલી તો મારો હાથ એણે ઉષ્માથી દબાવેલો,મારી રગોમાં પ્રેમ વહેતો થયેલો અને મારી આંખથી પણ સ્નેહ વરસેલો,પરિચય વધતો ગયો,સાનિધ્યમાં પરસ્પરનાં અમે મહોરી ઉઠતા હતા.યશથી સવારનો સોનેરી સૂરજ ઉગતો અને મઘમઘતા સ્વપ્નો થી મારી રાત થતી!
છેલ્લી પરિક્ષા આપી ત્યારે પ્રશ્ન થયો હવે?ધીમી ધારે વરસાદ ચાલુ હતો,ત્યારે કોફ઼ીની ચૂસકી લેતા મેં કહ્યુ:યશ હવે ?ત્યારે એનુ મૌન મને અકળાવી ગયુ હતુ,એ ૨ મિનિટ સુધી મારા ચેહરાને એક નજરે તાકી રહ્યો ,પછી એ સમજી ગયો હતો કે હું શું પૂછવા માંગતી હતી,એ બોલ્યો:મારે માત્ર મારી મોમ જ છે,જે મારા માટે સર્વસ્વ છે,એની તબિયત નરમ જ રહે છે,એની ઈચ્છા મારા લગ્ન મારી નાતમાં કરાવાની જ રહી છે ,પણ મને વિશ્વાસ છે કે તને એ સ્વીકારી જ લેશે.થોડો સમય વહ્યો,મારા ડેડ મને હવે મને પૂછતા હતા,મારૂ મૌન એમને અકળાવતુ હતુ પણ હું જવાબ શું આપુ?
એવામાં એણે સામેથી કહ્યુ :આજે ચાલ હું તને મારી મોમને મેળવુ.હું જાણે હવામાં ઉડતી હોવ એવી અનુભુતિ થતી હતી.
એના મોમે દરવાજો ખોલ્યો ,અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ !મેં પ્રણામ કર્યા ,એ પછી સાથે ચા પીતા ઘણી બધી સરળ અને સરસ વાતો થઈ.યશને એની પસંદ પર પૂરો ભરોસો હતો,અને મને મારા પર કે હું એટલી કાબેલ અને સંસ્કારી હતી કે દિલ જીતી લઈશ,હું ઉઠતી જ હતી ને યશે કહ્યુ:મોમ હું માલા સાથે લગ્ન કરવા માંગુ છુ.એ બે પળ મને તાકી રહ્યા ને અચાનક ફ઼સડાઈ પડ્યા.અમે બે સ્તબ્ધ થઈ ગયા.એણે તાત્કાલિક ડોક્ટરને ફ઼ોન કર્યો,હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા,એમને હાર્ટ પ્રોબ્લેમ્બ હતો જ,સાનભાન હું તો સાવ જ ગુમાવી બેઠેલી,એટલુ અચાનક બનેલુ કે આજેય મને કમકમાટી થઈ આવે છે.ત્યાર પછી એમની માંદગી લંબાતી ચાલી ,યશ એમનાંમાં પરોવાયેલો રહેતો હતો.એમને ઘરે લઈ ગયા અને યશે મને મળવા બોલાવી ,હું પહોંચી ત્યારે એ મારી રાહ જોતો હતો.અમે બે એ જ ટેબલ પર બેઠા,વેઈટર પણ ઓળખતો કોફ઼ી લાવ્યો અમે બન્ને ચૂપચાપ બેઠા હતા.આખી કોફ઼ી પિવાઇ ગઈ ત્યારે એણે મૌન તોડ્યુ; માલુ,તું લગ્ન કરી લે,ક્યારેય ના જોયેલી વેદના મેં એની આંખમાં ઉગેલી જોયેલી,ને ચમકતા આંસુ!એણે હળવે થી મારી હથેળી દાબી ,મારી ધડકન કદાચ બંધ થૈ ગઈ એટલી ગુંગળામણ મેં અનુભવી,હોઠ આંખ ,શબ્દ કશું જ સાથ આપતા ના હતા,હું એની આંખોથી સોંસરવુ દર્દ મારી આંખમાં ઉતારી રહી.કોઈ શરત એની પણ ન હતી ,મારી પણ ન હતી ,એણે મને વાયદો કર્યો ન હતો કે તોડ્યો એમ કહુ,આ એક અદભૂત સંબધની અનુભુતિ હતી ,શાશ્વત!!નામ વિનાનો છતાં આત્મીય અને ઉદ્દાત બંધન!
હા,એ પછી બે વાર મળી ,પણ અમે પરિણામ લાવી શકીએ એમ ન હતા.મારી હિંમત પણ ફ઼રી એના મોમને મળવાની હતી.કોઇ નામ ન આપી શક્યા એવા સંબધનો અંત આવી ગયો.મારા ડેડની પસંદ એવા થનગનતા તન્મય સાથે મેં લગ્નની હા પાડી.એની મોમને ચાહતો સદાય હસતો મારો યશ એ દિવસે રીતસર પોક મૂકી રોયેલો.એ છેલ્લી મુલાકાત હતી ,એની પરવશતા મને દેખાતી હતી!ત્યારે ઈશ્વર મને ક્રુર લાગેલો!એ પછી તો હું એનાથી દૂર બેંગલોર આવી ગયેલી.તન્મયે મને વ્હાલમાં ભીંજવી દીધેલી,એના પ્રેમે મારા ઘાવ ભરી દીધા,મારી પ્રતિક્રુતિ એવી અણમોલ દીકરી હલક મને મળી ગઈ.એ મોટી થતી ગઈ એના ઉછેરમાં મારો સમય વીતી ગયો.તન્મયનાં બિઝનેસ માં હું રસ લેતી ,ઓફ઼િસ જતી હતી.
સમય આટલો બધો વહી ગયો!આજે તન્મયને મૂકવા ગઈ ને યશ મળ્યો એરપોર્ટ પર મને અને આ કાર્ડ!એમાં એ જે હોટેલમાં રહેલો એનો નંબર હતો.હોટેલ તો દૂર ના હતી,યશ આજેય અંગત ક્યાં ના હતો?આજેય ઘૂઘવતો પ્રેમ મેં જોયો હતો એની આંખમાં .હું બાલ્કની માં હીંચકા પર બેઠી ,બે વાર ટેરવા ફ઼ોન સુધી ગયા અને અટકી ગયા.તન્મયનો આંધળો પ્રેમ અને વિશ્વાસ મારા દિલે અટવાતા હતા.હા,મેં ફ઼ોન ના કર્યો.ફ઼િલ્મની જેમ હું મૂક બની એક પછી એક બદલાતા દ્રશ્યો જોતી રહી ને સવાર પડી ગઈ.ન્યૂઝપેપર લેવા બારણુ ખોલ્યુ.એની ઉપર એક સફ઼ેદ કવર મળ્યુ.ઉપર કશું જ લખેલુ ના હતુ.અચરજ સાથે મેં ખોલ્યુ.એક પત્ર હતો.
"માલુ,તારા ગયા પછી મોમ પણ ગઈ ,હું જિંદગી વેંઢારતો રહ્યો,હા,તારી ગુલાબી યાદોને અકબંધ રાખીને.તારા શહેરમાં ડોક્ટરની સલાહ લેવા આવેલો,મને કેન્સર છે,પણ એમ થયેલુ કે ઉપરવાળાને જવાબ આપુ એ પહેલા તને મળુ,અને મન ભરી ને પ્રાયશ્ચિત કરી લઊ,અને ઉંડે એમ પણ હતુ તને જોઇ તારો એ મીઠો અવાજ સાંભળુ,તું મને મળવા નહિ આવે એવુ ઈશ્વરને કદાચ ખબર હશે એટલેજ અચાનક તું એરપોર્ટ મળી ગઈ,હા,તારો અવાજ મને સાંભળવા ના મળ્યો.હું જાઉ છું,સદાય તારો યશ."
કાગળ હાથમાં એમ જ રહી ગયો મારા,એ મારા ઘરનુ સરનામુ જાણતો હતો,છતા એ ન્મને મળ્યો નહિ!ઉંબરે સડક થઈને હું ઉભી રહી ગઈ !એ ગયો મને મળ્યા વિના ,નામ વિનાનો નાતો એ બખૂબી નિભાવી ગયો મારી જ સાથે,હું મૂકપ્રેક્ષક બની ને જોતી રહી!
પૌરવી
રેડિયોમાં ગીત સંભળાતુ હતુ,"યે ઈશ્ક સૂફ઼ીઆના......"
..............પૌરવી................