SUNITA Nikhil Vasani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

SUNITA

વાર્તાનું નામ : “સુનીતા”

--------------------------------------------------------------------------------------------------------------

તેણે આળસ મરડી. પથારીમાંથી ઉઠવાનું જરાય મન નાં થયું. પેટ સુધી સરકી ગયેલી ચાદરને ફરી માથા સુધી ખેચી. પડખું ફેરવ્યું. પડખા નીચે કશુક દબાયું. તેને ફાળ પડી. ચશ્માં? ના ચશ્માં નહોતા. હાશ...........મોબાઇલ હતો. તેણે જોયું, નવ વાગી ગયા હતા. છેલ્લે આટલી બધી વાર ક્યારે સુતો હતો? તેણે યાદ કર્યું. ના............લગ્ન પછી તો ક્યારેય નહીં. મજા આવી ગઈ. કોણ જાણે કેમ પણ........ ગઈ કાલ બપોરથી ; સુનીતા પિયર ગઈ ત્યારથી સાલી મજા જ આવતી હતી. બાર બાર વર્ષે સુનીતાને પિયરયોગ થયો તેનો હરખ મા’તો નહોતો. અચાનક દરવાજે કશુક જોરથી અફળાયું. સાલી આ રોજની ઉપાધી છે. આ શેરી છે કે ક્રિકેટનું મેદાન ? તેને બહાર જઈ છોકરાઓને ધમકાવવાની ઈચ્છા થઇ. ના ના અપમાન કરશે તો? તેને ખુબ ગુસ્સો આવ્યો. પણ હિંમત ના ચાલી. તે દિવસે સુનીતાએ બધી લેડીઝની હાજરીમાં પોતાને બાયલો કહીને ઉતારી પાડેલો ત્યારે પણ ખુબ ગુસ્સો આવેલો. ત્યારે પણ હિંમત નહોતી ચાલી. ઓફિસમાં પણ...... બોસ, મહેતા, મપારા, ડાભી, વ્યાસ, પટાવાળો સુરેશ............બધા નાલાયકો પર ખુબ ગુસ્સો આવતો. પણ શું થાય? હિંમત જ નહોતી ચાલતીને ! બધા સુરેશ પાસે કામ લેતા. પણ તે નહોતો ચીંધી શકતો. સુરેશનું ભલું પૂછવું ...... છ ફૂટીયો છે સાલો........અરે સુનીતાને પણ ક્યા કશું કહેવાય છે? સંતાન હોવું ન હોવું એ તો ઈશ્વર ઈચ્છા છે. એમાં પુરુષ બિચારો શું કરે? સુનીતા રિપોર્ટ કરાવવાની પણ ના પાડે છે. શરૂઆતમાં તો સુનીતા કેટલું હેત બતાવતી ! હવે તો રોજ પડખું ફેરવીને સુઈ જાય છે. આ બાયલો અને નમાલો શબ્દ કોણે શોધ્યા હશે?

ફળિયામાં કશુક ફેકાયું ..... વળી પાછો બોલ? આપું કે ના આપું? ઓહ્હ આ તો છાપું છે. આટલું મોડું? સલીમને ઊભો રાખવાની ઈચ્છા થઇ. સાલો ઘણીવાર મોડો આવે છે. આજે તો ચોપડાવી જ દેવી છે. અગાઉ એક વાર મોડો આવેલો ત્યારે ફક્ત “કેમ મોડો?” એટલું પૂછેલું તેમાં તો સલીમે બધા પાડોશીઓની વચ્ચે મોં તોડી લીધેલું. સામેવાળા શુક્લાએ અને સલીમે આંખ પણ મીચકારેલી. જવા દે ને..... તેણે મન પાછું વાળ્યું. તે ચૂપચાપ છાપું ઉઠાવી અંદર આવ્યો. ફટાફટ બ્રશ કરી જાતે ચા બનાવીને પીધી. આહાહા ...... ચામાં આજે બહુ સ્વાદ આવ્યો. નાહી ધોઈને પરવારી ગયો. દસ વાગી ગયા હતા. બાજુના સ્ટોપ પરથી દસને પંદરની સર્ક્યુલર પકડવાની હતી. ઘરને લોક કર્યું. ચાવી બાજુવાળા શીતલબહેનને આપીને તાકીદ કરી કે કામવાળી આવે તો ચાવી આપજો. પછી યાદ આવ્યું કે સુનીતાએ કામવાળીને આવવાની તો ના પાડી છે. પાછું બોલેલું પણ ખરી કે એકલાં મરદ મા’ણાનો શું ભરોસો? તે દિવસે પહેલીવાર સુનીતા પર દાઝ નહોતી ચઢી. મનોમન ખુશ થઇ જવાયેલું. તેને થયું લાવ શીતલબહેન પાસેથી ચાવી લઇ લઉં પણ હિંમત ના ચાલી.

બસ આવી. પોતે બેઠો. કંડકટર રોજનો પરિચિત હતો. કિંગ્સ સર્કલ સુધી નવ રૂપિયા ટીકીટ થતી. રોજ તે દસની નોટ આપતો. આજ સુધી કંડકટરે ક્યારેય એક રૂપિયો પાછો નહોતો આપ્યો. છેલ્લા દસ વર્ષથી રોજ એક એક રૂપિયો કરીને કુલ કેટલાં રૂપિયા થયા હશે? તેને વધેલો રૂપિયો માગી લેવાની ખુબ ઈચ્છા થતી. પણ હિંમત જ નહોતી ચાલતીને ! ઉલટાનું એકવાર ઘરે પાકીટ ભુલાઈ ગયેલું ત્યારે, રોજની ઓળખાણ હોવા છતા; કંડકટરે તેને તતડાવીને અધવચ્ચે ઉતારી મુકેલો તે યાદ આવ્યું.તે ઓફિસે હંમેશા સમયસર પહોચતો. પણ તે દિવસે માત્ર તે જ દિવસ તે મોડો પહોચેલો. બોસે અરધી સી.એલ. મૂકી દીધેલી અને ઉપર જાતા ખખડાવી નાખેલો તે અલગ ! પોતે પાકીટ ઘરે ભૂલી ગયો હોવાથી આ બધી બબાલ થઇ હોવાનું બોસને કહી દેવાનું ખુબ મન થયેલું. પણ હિંમત જ ન ચાલીને.

આજે તો વાત જ કૈક અલગ હતી. અંદરથી તેને ખુબ મજા આવી રહી હતી. તેને હરખથી સીટી વગાડવાની ઈચ્છા થઇ. આજુબાજુ જોયું. બધા પેસેન્જર પોતપોતામાં મશગૂલ હતા. તેણે ધીરેથી સીટી વગાડી. બાજુમાં બેઠેલા કાકાએ તેની સામે જોયું. તે ગભરાયો. કાકા હસ્યા. હાશ........ કશું થયું નહીં. તેણે ફરીથી સીટી વગાડી ગમતા ગીતને તાલમાં ગોઠવ્યું. તેને ખરેખર મજા આવી. કિંગ્સ સર્કલ આવી ગયું. ઊતરતી વખતે કંડકટર પાસે રૂપિયો પાછો મગાઈ ગયો. કંડકટરે તેની સામું જોયું. તે થથરી ગયો. પગથીયું ઊતરવા જતો જ હતો ત્યાં કંડકટરે “લો સાહેબ” કહીને રૂપિયો પાછો આપ્યો. તેને નવાઈ લાગી. અરે વાહ ! ઓફીસના દાદરા ચઢતા તેણે ખિસ્સામાં હાથ નાખી વધેલાં રૂપિયાને સ્પર્શી લીધું. ખુબ ગમ્યું. ડાભી સામે મળ્યો. તેને ગુડમોર્નિંગ કહી દીધું. ડાભી જોઈ રહ્યો. તેને મજા પડી. સીટી તો ચાલુ જ હતી. પોતાનું ટેબલ વ્યવસ્થિત ગોઠવી તે બેઠો. બાજુના ટેબલ પર બેસતી મિસ મમતાએ પૂછ્યું : “આજે ટીફીન નથી લાવ્યા?”

“ના...... તમારા ભાભી પિયર ગયા છે. હવે એક અઠવાડીયા સુધી આમ જ.

“મારા ટીફીનમાં જમી લેજો.” મિસ મમતાએ વિવેક કર્યો. પટાવાળો સુરેશ બધાને ચા વહેચી રહ્યો હતો. મિસ મમતાના ટેબલ પર ચા મૂકી તે રોજની જેમ આગળ વધી ગયો. તેણે પણ ચા પીવાની તીવ્ર ઈચ્છા થઈ. રોજ તો નહોતી થતી .... આજે કેમ થઇ હશે ? “સુરેશ ...... મારી ચા?” તેનાથી બુમ પડાઈ ગઈ. સુરેશ અટક્યો. તેની સામે જોયું. તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. “ના નથી પીવી” એમ કહી દેવાનું મન થયું. સુરેશે ચાની પ્યાલી તેના ટેબલ પર મૂકી, હસીને ચાલી ગયો. તેને વળી નવાઈ લાગી. આ શું? દિવસો બદલાયા કે? તેણે બડી લિજ્જતથી ચા પીધી. લંચબ્રેકમાં સુરેશ પાસે જ બાજુની રેસ્ટોરન્ટમાંથી ટીફીન મગાવી લીધું. તેને ખુબ ભાવ્યું. હવે એક અઠવાડીયા સુધી આવું મજેદાર જ ખાવાનું. તેને રોમાંચ થઇ આવ્યો. સાઉથ ઇન્ડિયન વાનગી તેની ફેવરીટ હતી. ઘણીવાર ઈચ્છા થતી. પણ એક બે વાર સુનીતાએ છણકો કર્યા બાદ સાલી હિંમત જ નહોતી ચાલતી.

આજે શનિવાર અને કાલે રવિવાર. ઓફ્ફ ડે. કામમાં ચિત્ત નહોતું ચોટતું. તેણે મનોમન રવિવારનો પ્રોગ્રામ બનાવ્યો. શું કરવું? કશી સૂઝ નહોતી પડતી. છેલ્લા દસ બાર વર્ષથી બધા શોખ મરી ગયા હતા. અંતે તેણે રોક્સી સિનેમામાં જઈ જે કોઈ પણ મૂવી ચાલતું હોઈ તે જોવાનું નક્કી કરી નાખ્યું. ફિલ્મો અને ફીલ્મીગીતોનો તેને અનહદ શોખ હતો. તેની પાસે સરસ કલેક્શન પણ હતું. એક દિવાળીએ સુનીતાએ ભંગારની સાથે સાથે સીડીઓ પણ આપી દીધેલી. સુનીતાને ખિજાવાનું ખુબ મન થયેલું. પણ...............!

“સાહેબ બોલાવે છે.....” સુરેશ કહી રહ્યો હતો. ઓહ્હ સાડા ચાર વાગી ગયા છે? શું કામ હશે? તેને ફાળ પડી. આજે તો કાઈ ખાસ કામ પણ નહોતું થયું. ઠપકો આપશે? ધ્રૂજતાં પગલે તે સાહેબની ચેમ્બરમાં દાખલ થયો.

“આવો ભટ્ટજી. હમણાં જ ન્યૂસ આવ્યા કે સોમવારે અને મંગળવારે આપણી ઓફિસમાં ઓડીટ છે. તમે અને આપણા એકાઉન્ટન્ટ આજે બે કલાક રોકાઈ જજો અને બાકી વધેલુ કામ કાલે રવિવારે બેસીને પૂરું કરી નાખજો.”

તેના મૂડમાં પંક્ચર પડી ગયું. આવાં તો કેટલાય રવિવાર બોસે બગાડેલા. ડાભી, વ્યાસ, મપારા ક્યારેય રવિવારે આવતા નહિ. સાહેબ એમને કહેતા પણ નહિ. તેને આવવું નહોતું ગમતું. પણ.........! પણ આ રવિવાર થોડો બીજા રવિવાર જેવો હતો? સુનીતા વિનાનો રવિવાર...... અહાહા......”નહિ સાહેબ કાલે હું નહિ આવું” તેના મોંમાંથી નીકળી ગયું. સાહેબ તેની સામે જોઈ રહ્યાં. તેનાં પસ્તાવાનો પાર ના રહ્યો. કપાળે પરસેવો વળી ગયો. છાતી ફાટી પડશે તેવો ભય લાગ્યો.

“કાઈ વાંધો નહિ ..... હું મપારાને કહી દઉં છું. તે રોકાઈ જશે. ડોન્ટ વરી તમે જાઓ.”

તેના આખા શરીરમાં હાશકારો વ્યાપી ગયો. કેબિનમાંથી બહાર નીકળી તેણે સીટી વગાડી. બોસને ના પાડી દીધી? બોસને? તેને ઘડીભર માનવામાં ના આવ્યું. ટેબલ પર આવ્યો. સુરેશ વગર કહ્યે બપોરની ચા મૂકી ગયો. બેધ્યાનપણે તેણે સામે પડેલી ફાઈલના ઢગલાને ધક્કો માર્યો .કાચની પ્યાલી નીચે પડીને ફૂટી ગઈ. થોડીઘણી વસ્તુ ચાથી ખરડાઈ ગઈ. કાચ વેરાયા. તેને સુરેશ પર રોષ ચડ્યો. સુરેશને બોલાવી ધમકાવી નાખ્યો. સુરેશે ચૂપચાપ બધું ઉઠાવી સાફ કરી નાખ્યું. તેને મજા પડી રહી હતી.

છૂટ્યા બાદ તેને ટેક્સી કરીને ઘરે જવાની ઈચ્છા થઇ. સિગારેટ પીવાની ઈચ્છા થઇ. સિગારેટ ખરીદી, ટેક્સી રોકી તે બેઠો. સિગારેટ સળગાવી. ડ્રાયવરે અણગમાથી સામું જોયું.

“ક્યા હૈ? ગાડી ચલા ના.......”

ડ્રાયવર કશું ના બોલ્યો. આજનો દિવસ ચમત્કારી સાબિત થઇ રહ્યો હતો. રોક્સી જઈ કાલના શોની ટીકીટ ખરીદી. ઘર પાસે ટેક્સી રોકી, પૈસા આપી, “કીપ ધ ચેઈન્જ” કહી તે ઊતરી ગયો. ચાવી લેવા શીતલબહેનના ઘરે જતા જતા શુક્લા સામે જોઈ “કાં શુક્લા” કહ્યું. સ્તબ્ધ શુક્લાના હાવભાવ જોવાની તેને મજા પડી. કાલથી આમ જ જીવવું છે..... તેણે નિર્ણય કરી નાખ્યો.

હાથપગ ધોઈ પથારીમાં લંબાવ્યું. ટીવીમાં કોઈ ફાલતું સમાચાર ચાલી રહ્યાં હતા. તેણે ચેનલ બદલી. એનું એ જ. ફોનની રીંગ વાગી. ફોન બાથરૂમમાં પડ્યો રહ્યો હતો. તેને લેવા જવાની આળસ થઇ. ઉપરાઉપરી ત્રણ ચાર રીંગ વાગી. છો ને વાગે.....થોડી ક્ષણો વીતી. ડોરબેલ વાગી. નાછૂટકે ઊભું થવું પડ્યું. બાજુવાળા શીતલબહેન હતા :

“સુનીતાભાભીનો ફોન છે. તમારા ફોનમાં ક્યારના ટ્રાય કરે છે. આવે તો ઉપાડજો.”

મોબાઈલ બજિ ઉઠ્યો. સુનીતાનો જ હતો. તેણે ઉપાડ્યો.

“કેમ ફોન નહોતા ઉપાડતા? હે? ક્યાં હતા? શું કરતા હતા?” તે થોથવાયો. ત ત પ પ થઇ ગયું. “મને બધી ખબર છે. સવારે શીતલીને ચાવી આપવા કેમ ગ્યા’તા? એ તમારી સગ્લીનું મોઢું જોયા વિના ઊંઘ નથી આવતી તમને? હું બધું સમજુ છું. મારે અહી નથી રોકાવું. કાલ સવારની વહેલી ગાડીમાં આવું છું. સ્ટેશને આવી જજો.”

ફોન કટ થઇ ગયો. તેના ધબકારા વધી ગયા. તેનું માથું ભમવા લાગ્યું. બારીમાંથી ઠંડો પવન આવતો હતો. તેણે બારી બંધ કરી. માથે બામ લગાવ્યું. ટીવી ઓફ્ફ કર્યું. ટેબલ પર પડેલી સિનેમાની ટીકીટ ફાડીને ચાદર ઓઢીને સૂઈ ગયો.