Devdut Mudula Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Devdut

દેવદૂત

હબસી કૃષિ વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા (સંક્ષિપ્ત)

લેખિકા

મૃદુલા મહેતા

વિચારવલોણું પરિવાર પ્રકાશન

નિવેદન

આપણે પુસ્તકો શા માટે વાંચીએ છીએ? એકલતાથી બચવા માટે? લેખકનો,

એની ભાષા, શૈલીનો પરિચય પામવા? નવા વિચારો, મૂલ્યો, સિદ્ધાંતો, જીવન વ્યવહારો

ઓળખવા, સમજવા? આપણા વિચારો, ખાસ તો આગ્રહો, માન્યતાઓને પુષ્ટી મળે

એ માટે? કે અભ્યાસક્રમમાં હોવાથી પરીક્ષા પાસ કરવા?

કહેવાય છે કે પુસ્તકો માત્ર માહિતી આપે છે. એનું જ્ઞાનમાં અને પછી એમાંથી

ડહાપણમાં રૂપાંતર કરવા વ્યક્તિએ જાતે મથવું પડે છે.

પુસ્તક વાંચન આપણામાંના કેટલાક માટે માહિતી વધારવાથી વધુ નથી. જેમ

કે - ક્યાંક વાંચ્યું કે ‘અન્યના દોષો જોવા માટે દૂરબીન વાપરવું. પોતાના દોષ જોવા

માઈક્રોસ્કોપ’ કે ‘સંવાદ એટલે આપણામાંથી વહેતો અર્થનો પ્રવાહ’. વાક્ય સરસ લાગ્યું.

પેન્સિલથી અન્ડરલાઈન કરી - એવું વિચારીને કે ક્યાંક કામ આવશે, કોઈ લેખમાં, ચર્ચામાં,

પ્રવચનમાં એનો ઉપયોગ થઈ શકશે. આ થયું ‘માહિતીમાં વધારો’.

ઉત્તમ પુસ્તકો મારી પાસે છે, મેં વાંચ્યા છે, હું સમજ્યો છું એવું કહેવાથી,

લખવાથી સારું લાગે છે. હું ‘વિદ્વાન’ લાગું છું. લોકો મને આદરથી જુવે છે. આ થયો

પુસ્તકનો ‘સૌંદર્ય પ્રસાધન’ (કોસ્મેટીક) તરીકેનો ઉપયોગ. એણે મારી ભાષા ચોક્કસ

સમૃદ્ધ કરી પણ જે વાક્યની નીચે લીટી કરી તેણે મારી માન્યતા, આગ્રહ, સંસ્કાર,

સંબંધો વિષેની સમજણને જરીકે’ય સ્પર્શ કર્યો? આ વાક્યનું મારા જીવન સાથે અનુસંધાન

ક્યાં, એ વિષે પોતાનામાં વિચારવલોણું અનાયાસ શરૂ થયું? જો હા, તો માહિતીનું

જ્ઞાનમાં રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થઈ કહેવાય.

અને આ પ્રક્રિયાના ભાગરૂપે જીવનમાં નવી રીતે વિચારવાની, જૂના આગ્રહો-

માન્યતાઓને તોડવાની કે એમાં ફેરફાર કરવાની, માનવી સાથેના કે માનવેતર સંબંધોમાં

પરિવર્તનની સજાગપણે શરૂઆત થઈ, તો માનવું કે ડહાપણની દાઢ ઊગવી શરૂ થઈ.

કદાચ આજના આ માહિતીયુગમાં પુસ્તકો ખરીદવા, વાંચવા, એના વિષે

બોલવું કે લખવું એ ફેશન થઈ ગઈ છે. ક્યારેક એ સહજપણે જ્ઞાની હોવાનો, જીવનસાધક

હોવાનો અહ્‌મ પેદા કરે છે. સજાગ વાચકે-સાધકે આનાથી બચવા જેવું છે.

અમે ઈચ્છીએ કે અમારું પુસ્તક જો તમને ‘ગમે’ તો તેને તો જ ‘ગમ્યું’ કહેજો, જો

એ ઘડીથી તમારા ચિત્તમાં, જીવનમાં સૂક્ષ્મ કે સ્થૂળ પરિવર્તન શરૂ થઈ જાય.

આવા પરિવર્તન માટે અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે.

ફોન : (૦૭૯) ૨૬૭૫૧૩૫૭

મુનિ દવે

વિચારવલોણું પરિવાર વતી

પ્રસ્તાવના

કલ્પદ્રુમ કાર્વર

કાર્વરની જીવનકથા વાંચતાં પૌરાણિક કલ્પદ્રુપોનું સ્મરણ થાય છે. પુરાણોમાં

કલ્પદ્રુમની વાત આવે છે. એમાં કહેવાયું છે કે સત્યયુગમાં એવાં ઝાડ હતાં કે કોઈ પણ

માણસ એ ઝાડ નીચે બેસી ઈચ્છે તે મેળવી શકતો. ખાવાની કે પીવાની, ઓઢવાની કે

પહેરવાની કોઈ પણ વસ્તુ માંગી કે તરત જ તે વૃક્ષો નીચે હાજર. માણસ આશ્રય માટે

ચાહે તો મકાન પણ તૈયાર. આ રીતે સત્યયુગના આવાં વૃક્ષોને કલ્પદ્રુમ કહી પુરાણકારોએ

વર્ણવ્યાં છે. આમ તો આ વર્ણનને બૃદ્ધિજીવી વર્ગ પુરાણોના ગપ્પાં કહી અવગણે, પણ

આ વર્ણન પાછળ ખરું સત્ય એ છૂપાયેલ છે કે તે સ્થિતિ વનવાસી યુગની, એટલે કે

મોટાં મોટાં અને જાતજાતનાં વૃક્ષોથી સઘન એવા જંગલના નિવાસકાળની છે અને

આગળ જતાં જનપદો, ગામડાંઓ, નગરો અને મહાનગરોની સંસ્કૃતિ આવી ત્યારે

આદિકાળનો વનવાસ નજર સામેથી લુપ્ત થયો, પણ એ વનવાસીઓનું સ્મરણ આવી

પૌરાણિક કલ્પનાઓમાં સચવાઈ રહ્યું.

કાર્વર એ અમેરિકાવાસી હબસી છે. તેણે જીવનમાં જે અકલ્પ્ય અને અસાધારણ

ઉત્ક્રાંતિ સાધી છે તેના મૂળમાં સત્યયુગનાં કલ્પવૃક્ષોનું નવી રીતે પ્રગટ થતું તત્વ છે.

કાર્વરને કોઈ એવી આત્મશ્રદ્ધા અને ઈશ્વરશ્રદ્ધા લાધી કે તેના બળે તે ઝાડ - પાંદડામાંથી

ધાર્યું પેદા કરી લેવા લાગ્યો. તેને લોકો વનસ્પતિ વૈદ્ય તરીકે ઓળખાવતા, પણ ખરી

રીતે તે જેમ વનસ્પતિઓનો વૈદ્ય અને વનસ્પતિઓ દ્વારા ઈતર પ્રાણીજગતનો વૈદ્ય

હતો તેવી જ રીતે તે વનસ્પતિમાં રહેલાં પ્રચ્છન તત્ત્વોનો સાક્ષાત્કાર કરનાર ઋષિ પણ

હતો. એટલે તે એક રીતે વનસ્પતિનો દેવ હતો એમ કહી શકાય. તેણે મગફળી,

કપાસ વગેરે વનસ્પતિઓમાંથી આપસુઝે કરેલા પ્રયોગો મારફત એટલી બધી

જીવનજરૂરિયાતની વસ્તુઓ નિર્માણ કરી છે કે તેને આ કલિયુગમાં સત્યયુગી કલ્પવૃક્ષોનો

જન્મદાતા કહી શકાય. એણે મગફળી જેવી એક વસ્તુમાંથી ખાવાપીવાની જ વસ્તુઓ

પેદા નથી કરી, પણ એમાંથી રંગ, દવાઓ, કપડાં આદિ સેંકડો ઉપયોગી વસ્તુઓ

બનાવી વ્યવહારમાં મૂકી છે. આ વિષેની કાર્વરની તપસ્યા અને સિદ્ધિ એ માનવશકિત,

બુદ્ધિ અને માનવતાના વિકાસમાં વિશ્વાસ પેદા કરાવે એવી અદભૂત છે.

કાર્વરની જીવનકથા સાંભળતાં પદે પદે ગાંધીજી યાદ આવે છે. ગાંધીજી એક

સાધનસંપન્ન સવર્ણ પણ અસ્પૃશ્યતાના હિંદુત્વ રોગથી ગ્રસ્ત એવા કુટુંબમાં જન્મેલા

અને વાતાવરણબમાં ઉછરેલા, તેમજ ભણેલા. પણ કાર્વર તો તેથી તદન ઉલટી

સ્થિતિમાં. એના જન્મનું કે ઉછેરનું કોઈ ઠેકાણું નહીં. એને ભણવાની કે આદર પામવાની

કોઈ તક નહીં અને છતાં ગાંધીજી અને કાર્વર બંન્ને માત્ર સત્ય, અહિંસા અને ઈશ્વરશ્રદ્ધાને

બળે માનવતાના વિકાસની ઉચ્ચ અને ઉચ્ચતર ભૂમિકા સુધી પહોંચ્યા. ગાંધીજી નાતજાત

અને સવર્ણ કુટુંબના મિથ્યાભિમાની મોટાઈના મહેલથી ઉતરી સમાજના છેક નીચલે

પગથિયે ઉતર્યા અને હડધૂત તેમ જ તિરસ્કૃત માનવબંધુઓમાં જ માત્ર વસવાનું જ

પસંદ ન કર્યું, પણ તેમણે એ દીનોમાં અવતાર લેવા સુધીનું સંકલ્પબળ કેળવ્યું ને એ રીતે

તેમણે ઉપરથી નીચે ઉતરી માનવતાને સાકાર કરી. જયારે કાર્વર જન્મથી જ અનેક

રીતે હડધૂત અને તિરસ્કૃત કુટુંબમાં તેમ જ નિરાધાર સ્થિતિમાં હતો છતાં તેણે સત્ય,

અહિંસા અને ઈશ્વરશ્રદ્ધાના અતૂટ તંતુનું અવલંબન લઈ એટલો બધો માનવતાનો

વિકાસ સાધ્યો કે જેને લીધે ચોમેરથી હડધૂત થતા કાળા હબસી વર્ગમાં જ નહી પણ તેને

હડધૂત કરનાર અને કોઈ પણ સારી બાબતમાં તક ન આપનાર મિથ્યાભિમાની ગોરા

વર્ગ સુદ્ધામાં દૈવી કહી શકાય એવાં માનપાન મેળવ્યા. એક વ્યકિત બાહ્ય સામાજિક

દૃષ્ટિએ ઉપરથી નીચે ઉતરે છે, બીજી વ્યકિત એ જ દૃષ્ટિએ નીચેથી ઉપર ચડે છે અને

પરિણામે તે બંન્ને ઉત્કૃષ્ટ માનવતાના વિકાસની સમાન કક્ષાએ જઈ બિરાજે છે. કહેવાતા

આ કલિયુગની કેવી સિદ્ધિ!

ગાંધીજી અને કાર્વરના જીવનમાં નાનુંમોટું એટલું બધું સામ્ય છે કે બંનેની

જીવનકથા વાંચનારની દૃષ્ટિની બહાર તે કોઈ પણ રીતે રહી શકે જ નહીં. સમયની

કિંમત આંકનાર બંન્ને સરખા. એક પણ મિનિટ કે સેકન્ડ વ્યર્થ ન જાય એવી જાગૃતિ

રાખનાર બંને સરખા. દુનિયા અને સાધારણ લોકો જે વસ્તુ તુચ્છ કે નકામી ગણી ફેંકી

દે તેનો સમજપૂર્વક ઉપયોગ કરી તે નકામી વસ્તુમાં પણ શું મહત્વ છે એ પૂરવાર કરી

આપવામાં પણ બંન્ને સરખા. નાતજાત, દેશવિદેશ કે ગરીબ તવંગરનો કશો જ ભેદ

રાખ્યા વિના બધાની એકસરખી નિઃસ્વાર્થ સેવા અને સારવાર કરવામાં પણ બન્ને સરખા.

માનવી સિવાય ઈતર પ્રાણીવર્ગ પ્રત્યે પણ બંન્નેની કુમળી લાગણી સમાન. ઉકરડામાંથી

દરાખ પેદા કરવાની કળા પણ બંન્નેની સરખી. આમ કાર્વર અને ગાંધીજીએ છેલ્લા

સૈકાના અનેક નાસ્તિકોને માનવતાના મૂલ્યમાં શ્રદ્ધાળુ બનાવ્યા છે અને તેથી જ અસ્ત્રશસ્ત્રની

હોડથી ભડકે બળતા વિશ્વમાં શાંતિનું શીતળ જળ છાંટી શકે એવા થોડા પણ માણસોને

ક્રિયાશીલ બનાવ્યા છે.

કાર્વર એક હબસી આફ્રિકન અને કાળા વર્ણને કારણે તેની આખી કોમ દુનિયામાં

હડધૂત અને તિરસ્કૃત. એ જંગલી વાતાવરણમાંથી તિરસ્કાર કરનાર અને તિરસ્કાર

પામનાર બંન્નેનો ઉદ્ધાર કરનાર તરીકે પ્રખ્યાત બુકર ટી. વોશિંગ્ટન. એ જ વોશિંગ્ટનના

વર્ગનો અને તેની છાયામાં રહી જીવનકાર્ય કરનાર આ જ્યૉર્જ વોશિંગ્ટન કાર્વર. આ

બંન્ને જણે જે માનવતાને વિકસાવી છે તેનું દર્શન અત્યારે માર્ટિન લ્યુથર

કિંગમાં થઈ રહ્યું છે. એ હબસી છે પણ એણે પઠાણ અબ્દુલ ગફારખાનની પેઠે ગાંધીજીનો

સત્ય, અહિંસામુલક માર્ગ અંતઃકરણથી સ્વીકાર્યો છે; જેનાં પરિણામોનો જાદુ સમજુ

વર્ગ ઉપર અકલ્પ રીતે થતો દેખાય છે.

કાર્વરની પ્રસ્તુત ગુજરાતી જીવનકથા બહેન મૃદુલા મહેતાએ તૈયાર કરી છે.

એ બહેન પાંચેક વર્ષ પહેલાં અમદાવાદમાં થોડો વખત મારી સાથે રહેલા, તે વખતે

એમણે મને કાર્વરની ઈંગ્લીશ જીવનકથા સંભળાવેલી ત્યારથી જ એને ગુજરાતીમાં

મૂકવાનો વિચાર થયેલો. ત્યાર પછી એમણે કાર્વરના જીવનને લગતી નાનીમોટી અનેક

ચોપડીઓ વાંચી. વાંચી; એટલું નહિ પણ જે લોકશાળામાં તેઓ વર્ગ લેતાં ત્યાં તેમણે

ઉપરના વર્ગમાં ભણતાં વિદ્યાર્થીઓને એ જીવનકથાનું રસાયણ પાયું. આ લાંબા

અનુભવને અંતે તેમણે કાર્વરની જીવકથાનું પ્રસ્તુત ગુજરાતી તારણ તૈયાર કર્યુું છે.

આ પુસ્તક આમ તો લોકશાળામાં ભણતા ઉપરના વર્ગની દૃષ્ટિએ તૈયાર થયું

છે, પણ એની મોહિની એવી છે કે તે ઘેર ઘેર વાંચવા અને સંઘરવા લાયક છે એટલું જ

નહિં પણ ગમે તેવા હતાશ કે નિરાશ થયેલ ભાઈબહેનને એ જીવનની તાજગી આપે

એવું સત્ય ધરાવે છે. આ પુસ્તકમાં પ્રસંગોની રજૂઆત એવી આકર્ષક થઈ છે કે વાંચનાર

એકાદ પ્રસંગ વાંચે ને આગળનો બીજો પ્રસંગ વાંચવા અધીરો બને. એ રીતે વાંચનારની

જિજ્ઞાસા ઉત્તરોઉત્તર વધે અને સાથે પુરુષાર્થ કરવાની અદમ્ય લાલસા પણ ઉદ્‌ભવે.

વાંચનારાઓની સંખ્યા વધી છે. અને ઘણી વાર એમ બને છે કે જે આવ્યું તે વાંચી જવું;

પછી તે કામનું હોય કે નકામું. નવલકથાઓ અને વાર્તાઓનો પણ રાફડો ફાટયો છે.

અને આપબળે આગળ વધેલ મહાપુરુષની સાચી અને નક્કર જીવનકથા વાંચનારના

હાથમાં પડે તો એ એના જીવનમાં કાંઈક અમી છાંટે. આ દૃષ્ટિથી વિચારતાં કહેવાનું

મન થાય છે કે કાર્વરની આ જીવનકથા ઘેરઘેર અને નાના મોટા બધામાં વંચાતી થાય

તેમજ શાળાઓમાં ભણાવાય તો આપણી ઘરડી અને પરોપજીવી માનસ ધરાવતી

પ્રજામાં જુવાની અને સ્વાવલંબી જીવનનો નાદ સ્ફૂરે.

બહેન મૃદુલાએ પ્રસ્તુત ગુજરાતી પુસ્તક પૂરી કાળજી અને જવાબદારી સાથે

લોકહિતની દૃષ્ટિએ નિઃસ્વાર્થપણે તૈયાર કર્યું છે તે બદલ હું તેમને મારા હાર્દિક અભિનંદન

આપું છું.

પંડિત સુખલાલજી

લેખિકાનું નિવેદન

પરમ પૂજય પંડિતજીના પાવન સાનિધ્યમાં કાર્વરની જીવનયાત્રાનું અમૃતપાન

કરવાનો સુભગ અવસર સાંપડયો. કાર્વરના સંતજીવનથી પ્રભાવિત થવાનું સ્વાભાવિક

હતું. આ કથામૃત ગુર્જરી ગિરામાં વહાવાય તો કેવું? પૂ. પંડિતજીને મુખેથી સરેલી આ

અભિલાષવાણીમાં મારા અંતરની જ વાત વ્યકત થઈ હતી.. પૂ. મનુભાઈએ આ

વાતને આગવી રીતે વધાવી લીધી. લોકભારતીની સ્થાપના પાછળ રહેલું ગુપ્ત પ્રેરકબળ

તે આ બે મહાનુભાવો, બુકર ટી. વૉશિંગ્ટન અને કાર્વરનું પાવન જીવન.... કાર્વર

અંગે વિશેષ વાંચતાં ઈચ્છા પ્રબળ થતી ગઈ અને છેવટે કલમ ચલાવી.

લખવા બેઠી ત્યારે લખતાં આવડશે તેવી કલ્પના પણ ન હતી અને શ્રદ્ધા પણ

ન હતી, શ્રદ્ધા-અખૂટ શ્રદ્ધા હતી માત્ર, દેવદૂત સમા એ સંત વૈજ્ઞાનિકની કલ્યાણમય

જીવનયાત્રામાં. તેના મંગલમય વ્યકિત્ત્વના આલેખનમાં કંઈ ત્રુટી રહી હોય તો તે

લખનારની અણઆવડત સમજી ક્ષમ્ય ગણશો.

પૂ. પંડિતજીની પ્રસ્તાવના આ પુસ્તકને સાંપડે તે મારી અલ્પતા માટે વધારે

પડતું ગણાય., પણ એ અહોભાગ્ય કાર્વરના ઋષીત્વને આભારી છે તેમ સમજું છું અને

છતાં પૂજ્ય પંડિતજીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

કાર્વરની આ જીવનકથા શુભમાર્ગના યાત્રીઓને પ્રેરનારી નીવડશે તેવી પરમ

શ્રદ્ધા છે; કારણ કાર્વરના જીવનમાં જ તે સામર્થ્ય છે.

મૃદુલા પ્ર. મહેતા

‘એય ટાબરા, ઊઠ! ચાલ જલ્દી કર!’

બહાર તો હજી અંધારાં પથરાયાં હતાં. કડકડતી ટાઢમાં વહેલી સવારમાં એક

જર્મન ખેડૂત એક હબસી છોકરાને ઢંઢોળી રહ્યો હતો.

‘અલ્યા ઊભો થાય છે કે દઉં એક થોબડામાં! ચાલ ઊઠ!’

ટૂટિયું વળીને પડેલો નાનકડો છોકરો ચડપ કરતો બેઠો થઈ ગયો. પાતળા દોરડી

જેવા હાથપગ, દૂબળું ફિક્કું મુખ અને માંડ માંડ દેખાય તેવી નાની શી કાયા! ફેબ્રુઆરી

માસની આકરી ટાઢ અને ખેડૂતનાં એથીયે વધારે આકરાં વેણ સાંભળીને બિચારો બાળ

ધ્રૂજતો ઊભો રહ્યો. આખાયે બેડોળ અંગમાં તેની બે ચમકતી તેજસ્વી આંખો ધ્યાન ખેંચે

તેવી હતી. જો કે તે બહું બોલી શકતો નહિ પણ તેની ચપળચકોર આંખો બધે ફરી

વળતી.

તે છ સાત વર્ષનો થયો હતો. મરઘાં-બતકાંનું ધ્યાન રાખવું, ગાય દોહવી,

બગીચામાં નીંદામણ કરવું એવું તો છ સાત વર્ષનો ઢાંઢો કરી જ શકે ને ! ગઈ કાલે તેણે

કલાકો સુધી બગીચામાં કામ કર્યું હતું. તેની કમ્મર ભાંગી પડતી હતી. આંખોમાં ઊંઘ

અને થાક ભર્યો હતો. પરાણે પરાણે તે નીચે આવ્યો. રસોડામાં સુઝનની હેતાળ નજર

ભાળતાં જ તેની આંખો વાત્સલ્યથી ચમકી ઉઠી.

‘ના,ના હજી તે ઘણો નાનો છે. કાલનો તે ખૂબ થાકી ગયો છે.’ ખેડૂત ગુસ્સામાં

બરાડી ઊઠયો,‘આપણી પાસે પૈસા છે ?....આ બધો મોલ સડી જશે તેનું શું ?....મરજે

પછી ભૂખે.’

‘દેવાવાળો બેઠો છે. કીડીને કણ ને હાથીને મણ પૂરો પાડશે. બિચારા છોકરાને

સુખે રહેવા દો. કાલ સવારે કમાતો ધમાતો થઈ જશે.’ સુઝનના શબ્દે શબ્દે કરુણા

ટપકતી હતી. છોકરો એકીટશે તેના તરફ જોઈ રહ્યો હતો. જાણે તેની વાણીમાંથી

અમીરસનાં ઘૂંટડા પી રહ્યો હતો.

‘બહુ થયું’,‘ખેડૂત ભભૂકી ઊઠયો,‘ કેવો રૂપાળો ઘોડો હતો. બદલામાં આ

આવ્યું ને ?’ કહેતાં તેણે બાળક તરફ એક વેધક દૃષ્ટિ નાખી અને બારણું ધડાક કરતું

પછાડતો બહાર નીકળી ગયો.

સુઝને બાળક પાસે આવી તેને છાતીસરસું ચાપ્યું. બાળકની આંખમાં આસું

ઊભરાતા હતા. માથે હાથ ફેરવતાં તે બોલી, ‘એ તો બોલે એટલું જ ! ભકભકિયો

સ્વભાવ પડયો. ચાલ આપણે જલ્દી ચૂલો પેટાવીએ. એક વાર રોટલા પેટમાં પડશે

એટલે બધું ઠીક થઈ જશે..’

દૂર દૂર ક્ષિતિજ પરની ટેકરીઓ પર ઉષાની આછી છાંટ ઊઘડી રહી હતી. ખેડુ

કાર્વર બહાર નીકળીને મોટા કોઠાર તરફ વળ્યો. તેનાથી નિઃશ્વાસ નંખાઈ ગયો. એક

દિવસ ધાનથી ભરેલો કોઠાર આજે કેવો ખાલીખમ પડયો હતો!

સંયુકત અમેરિકાના પ્રજાજીવનમાં એક ભારે મોટો ઝંઝાવાત ઊભો થયો હતો.

ગુલામનાબૂદીનો પવન ફૂંકાયો હતો. ગુલામીનાબૂદી કરવા ઈચ્છતા અને ગુલામી જાળવી

રાખવા ઈચ્છતા પ્રાંતો વચ્ચે ભારે રસાકસી અને ખેંચતાણ ઊભાં થયાં. રાજયો વચ્ચેના

આ વિગ્રહમાં સૌથી વધારે સાઠમારી મીસુરી રાજયના ભાગ્યમાં આવી હતી. ત્યાંની

પ્રાંતીય સરકારે જાહેર કરેલુંઃ

‘શહેરને ધજાપતાકાથી શણગારો. દરેક વ્યકિતને જાણ થાઓ કે આજે ઇ.સ.

૧૮૬પના જાન્યુઆરી માસના ૧૧મા દિવસે મીસુરી પ્રાંતમાં સદાને માટે ગુલામી નાબૂદ

થાય છે. હવે પછી ઈશ્વર સિવાય કોઈ માલિક નથી, કોઈ ગુલામ નથી. સ્વાતંત્ર્યની

ચેતના પ્રગટી છે. પ્રભુનાં શ્યામલ સંતાનો માટેનું સુવર્ણ પ્રભાત ખીલ્યું છે.’

જાહેરાત રોમાંચક હતી. પ્રભુના એ શ્યામલ સંતાનો સુધી પહોંચી ન પહોંચી તે

પહેલાં તો રાજયો રાજયો વચ્ચેના વિગ્રહે એવું સ્વરૂપ પકડયું હતું કે આ પ્રદેશમાં

આવેલા ખંતીલા જર્મન ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તેમને ગુલામીપ્રથા ગમતી

જ ન હતી. તેમને મદદની જરૂર પડતી એટલે ગુલામો ખરીદવા પડતા, પણ જર્મનીમાં

પડેલી ટેવ મુજબ તેની સાથે સાથીના જેવો વર્તાવ રાખતા.

કાર્વરને પણ ખેતર પર કામની ખેંચ પડવા લાગી. મજૂરો મળતા નહિ અને તેને

પરાણે પકડી લાવેલા ગુલામોના વ્યાપારના સહભાગી થવાનું ગમતું નહીં, પણ શું કરે?

તે વખતે કાર્વરની પત્ની સુઝન નોકરડી મેરીને લાવેલી. અત્યંત શરમાળ અને

નમ્ર મેરી ઘરકામમાં ઉપયોગી થતી. તેનો પતિ થોડા માઈલો પર એક જમીનદારને ત્યાં

ગુલામ હતો. ઘણી વાર મહિનાઓ સુધી તે તેની પત્નીને મળવા આવી શકતો નહિ.

તેના મૃત્યુના સમાચાર પણ ઘણા મોડા મળ્યા હતા. કોઈકે કહ્યું હતું કે કંઈક લાકડું માથે

પડતાં તેનું મૃત્યુ થયું હતું.

તે પછી મેરી જાણે મૂંગી થઈ ગઈ હતી. તેની વાણી, તેનું હાસ્ય સૂકાઈ ગયાં

હતાં. કવચિત્‌ પોતાના નાના બાળક જયૉર્જને ઊંઘાડતાં તેનું એકાદ હાલરડું સંભળાતું.

મેરી અને તેનાં બાળકો જ્યાં રહેતાં તે ભાંગી પડેલી ઝૂંપડી તરફ કાર્વરની નજર

પડી. તેનો ગુસ્સો ઓસરી ગયો. તેની પત્નિની વાત તેને સાચી લાગી. તે બિચારા

માંદલા બાળક પાસેથી કામની શી આશા રાખવી!

પાંચ વર્ષનો ભૂતકાળ તેની નજર સામે તરવા લાગ્યો. કેવી ભયંકર ઠંડી હતી તે

રાતે? ચાબખા વીંઝાતા હોય તેવા પવનના સૂસવાટા વચ્ચે સમાચાર જાણવા મળ્યા

હતાઃ ‘ગુલામોને સાચવજો. લેભાગુઓ સરહદ વટાવીને આ પ્રદેશમાં આવી પહોંચ્યા

છે.’ પગ દોડતા હતા તે કરતાં વધારે વેગથી તેનું મન કામ કરી રહ્યું હતુ. આજુબાજુ

દરેક ઘરનાં બારણાં ટપોટપ બંધ થઈ રહ્યાં હતાં.’

ગુલામી નાબૂદી અંગેના આંતરવિગ્રહના તે દિવસો હતા. અમેરિકા આખું ખળભળી

ઊઠયું હતું. યુદ્ધના છેલ્લા દિવસો હતાં છતાં કેટલાંક પ્રાન્તોમાં ગુલામોની બહુ જ સારી

કિંમત ઉપજતી. બીજી ચોરીઓ કરતાં ગુલામોની ચોરીમાં ઘણો નફો રહેતો.

પોતે ઘરે પહોંચ્યો એટલે તરત જ ઘોડાને તબેલામાં મૂકી બરાબર તાળું વાસ્યું.

લૂંટારાઓનું ભલું પૂછો! હાથ આવ્યું તે ગમે તે લેતા જાય!

દૂરથી મેરીના હાલરડાનો ધીમો સૂર કાને પડતો હતો. ઘરમાં પગ મૂકતાં તેણે

સુઝનનો ચિંતાતુર ચહેરો જોયો.સમાચાર અહીં સુધી પહોંચી ગયાં હતા. બંનેએ સાંભળેલી

વાતો એકબીજાને કહી.

‘આપણે મેરી અને તેનાં બાળકોને ઘરમાં લઈ લઈએ તો કેમ ? ’છેવટે સુઝને કહ્યું.

‘પેલાઓ તો મરદોની શોધમાં છે, સ્ત્રીઓને કોઈ નહીં કનડે!’કહેતાં કહેતાં પોતે

પથારીમાં લંબાવ્યું. આખા દિવસના થાકે તેની આંખોને ઘેરી લીધી.

પરંતુ તેની ગણતરી ખોટી પડી. મધરાતને સુમારે વાતાવરણને ભેદી નાખતી

એક કારમી ચીસ સંભળાઈ. એ મેરીનો જ અવાજ હતો. કાર્વરે એકદમ બંદૂક ઉપાડી

અને છલાંગ મારતો બહાર નીકળી ગયો. કાળી ઘોર અંધારી રાતમાં તેને પોતાનો હાથ

પણ દેખાતો ન હતો. માત્ર દૂર દૂર સરી જતા ઘોડાના દાબડા અને કોઈની ગૂંગળાતી

દબાતી ચીસોના પડઘા તેના કાન પર અથડાયા. તે મેરીની ઝૂંપડી તરફ દોડયો. તેને

પગે કાંઈક અથડાયું. મેરીની નાની છોકરી ઝૂંપડી બહાર અર્ધબેભાન દશામાં પડી હતી.

તેના માથામાંથી લોહીની ધારા વહેતી હતી. તેનો ભાઈ ખૂણામાં ધ્રૂજતો ઊભો હતો

ઝૂપડી નિર્જન હતી. મા અને સૌથી નાના બાળકનો પત્તો ન હતો.

ગામમાં મદદ મેળવવા તે પહોંચે તે પહેલાં ઘણો સમય વીતી ગયો હતો. ગામમાં

તેને ઘણા સમદુખિયા મળ્યા. લૂંટારાઓની પાછળ પડવું તેમ સૌને લાગ્યું હતું.

‘મારા ઘોડા પર કોઈ તેમની પાછળ પડે તો જરૂર આંબી શકાય. કોઈ જાય તો

હું મારો ઘોડો આપું.’કાર્વરે સૂચન મૂકયું. બધાએ તે વધાવી લીધું અને જનારા પણ મળી

આવ્યા.

તેમણે કહ્યું,‘તમે પૈસા લાવ્યા છો ?’‘હં...તમારે પૈસાની જરૂર પડશે. હા.

પણ એમ કરોને, તે લૂંટારુંને બદલામાં ઘોડો આપી દેજો, પણ જુઓ, ના છૂટકે જ ઘોડો

આપજો. પાછા આવે તો સાથે લાવજો. એટલે હું તેમને પૈસા ચૂકવી દઈશ. ન જ માને

તો પછી ઘોડો આપીને મેરીને છોડાવી લાવજો.’

દિવસો પસાર થઈ ગયા. કંઈ સમાચાર ન હતા. પખવાડિયા પછી પેલા

આવ્યા.‘તેમણે તો અમને ભારે ઠગ્યા. વાંકોચૂકો એવો માર્ગ પકડ્યો હતો કે ભલભલા

ગોથાં ખાય. માંડ હાથ આવ્યા. છેવટે ઘોડાના બદલામાં મા-દીકરાને મુકત કરવાનું

કબૂલ્યું. કહેવડાવ્યુંઃ‘ઘોડાને ઝાડે બાંધીને તમે દૂર ચાલ્યા જાઓ. અમે ઘોડાને તપાસશું

અને જયારે અમારું રણશીંગુ સંભળાય ત્યારે આવીને મા દીકરાને લઈ જજો. ઝાડ નીચે

પાણીથી તરબોળ ધ્રૂજતા બાળકનું આ પોટકું મળ્યું. ઘોડો અને મેરીને લઈને તેઓ

પલાયન થઈ ગયા હતા.’ આવનારે એકસામટી બધી વાત કરી નાંખી.

વાત સાંભળતાં જ સુઝનની આંખમાંથી દડદડ આંસુ સરી પડયાં. તેણે બાળકને

લઈ લીધું. તેનું ટાઢુંબોળ શરીર પહેલાં તો નિશ્ચેતન લાગ્યું. સુઝન ધ્રૂજી ગઈ. થોડા

દિવસ પહેલાં જ અનેક સારવાર છતાં મેરીની દીકરી હાથતાળી દઈને ચાલી નીકળી

હતી. ઊંડે ઊંડે પણ આ બાળકમાં પ્રાણ ટકી રહ્યો છે તેમ વર્તાયું અને સુઝનની વત્સલતાએ

ઉપચારો કરવામાં કંઈ બાકી ન રાખ્યું. દિવસો સુધી એ ટચૂકડો છોકરો ઉધરસમાં

બેવડો વળી જતો. જાણે શ્વાસ જતો જ રહેશે. વખત જતાં જરાક ચેતન આવ્યું. તો પણ

તેનો વિકાસ એટલો મંદ હતો કે લાંબુ જીવશે તેમ લાગતું ન હતું.

પાડોશણો કહેતીઃ‘આટલી દુર્બળ કાયા અને આવી ભારે ઉધરસ છતાં તેનામાં

તેની સામે લડવા જેટલી હામ છે ખરી!’

સૌ કહેતાં કે મહેનત નિરર્થક જશે. પણ સુઝન હિંમત હારવા તૈયાર ન હતી.

‘મેરીનું બાળક જીવવું જ જોઈએ. તે જીવશે જ.’ મક્કમ સ્વરે તે કહેતી.

ધીમે ધીમે બાળકમાં જીવન આવ્યું. ઊઠતાં બેસતાં અને ડગલીઓ ભરતાં તે

શીખી ગયો. આમ ધીમે ધીમે તે મોટો થવા લાગ્યો પણ તે બોલી શકતો નહીં.પેલી

જીવલેણ ઉધરસમાં જાણે તેનો કંઠ ગૂંગળાઈ ગયો હતો. ગમે તેવા પ્રયત્ન છતાં તે એક

શબ્દ પણ ઉચ્ચારી શકતો નહીં. કયારેક ગોટા વાળતો પણ તેની તે ભાષા કોઈ ઉકેલી

શકતું નહી.ં.

પરંતુ વાણીમાં જે વ્યકત ન થતું તે તેની ચમકતી આંખોમાં બહુ સ્પષ્ટ રીતે

વ્યકત થતું. સુઝને કહ્યું, ‘મારા જીવનમાં કયારેય મેં આવી તેજસ્વી આંખો જોઈ નથી..’

‘ એ તેજસ્વિતાની શી કિંમત છે જયારે તે આવા દુર્બળ અને કંગાળ શરીર સાથે

વીંટાઈ છે ?’ કાર્વરે જવાબ આપ્યો.

‘ભગવાનને ખબર!’ સુઝને કહ્યું, ‘પણ તેણે આ બાળકને આપણે ભરોસે મૂકયું છે.’

મેરી વિષે ફરી કાંઈ સાંભળવા મળ્યું નહીં. એટલે છેવટે પેલા કિંમતી ઘોડાના

બદલામાં આ મૂંગો અપંગ બાળક તેમને માથે પડયો હતો.

આ બધાં જૂનાં સંસ્મરણોમાં ડૂબેલા કાર્વરે નિરાશામાં ડોકું ધુણાવ્યું. ત્યાં કોઈકે તેનું

પહેરણ ખંચ્યું. તેણે પાછળ વળી જોયું. પેલો નાનો છોકરો ધીમું ધીમું હસતો ઊભો હતો.

કાર્વરથી હસ્યા વગર ન રહેવાયું.‘વાહ નાસ્તો તૈયાર છે, એમ ને! ચાલ, હું

પણ તૈયાર છું.’ તેણે પ્રેમથી બાળકનો કાળો ટચૂકડો હાથ પોતાના હાથમાં લીધો અને

ખુશમિજાજે ઘર તરફ વળ્યો. આ જોઈને સુઝને સંતોષનો દમ લીધો. તે બોલીઃ‘એ

બોલે એટલું જ. મનમાં કાંઈ નહીં.’

‘મોટાનું શું થયું ?’ પાડોશણે પૂછયું.

‘થોડો વખત તો તે અમારી સાથે જ રહ્યો હતો. જયૉર્જ કરતાં તે ઘણો સુંદર

અને સશકત હતો. કામ પણ ઘણું કરતો અને બંન્ને ભાઈઓ હળીમળીને રહેતા. જો કે

પ્રકૃતી બંન્નેની ભિન્ન હતી. તે અવારનવાર શહેરમાં લટાર મારવા જતો. તે દિવસોમાં

ગુલામી નાબૂદીની વાતો ઠેર ઠેર સમજાવવામાં આવતી હતી. જેઇમ્સ મોટો અને સમજણો

હતો. તેણે પણ આ બધી વાતો સાંભળી હશે એટલે એક વાર ઘરેથી ગયા પછી પાછો

આવ્યો નથી..’

‘હા, ને ગુલામી નાબૂદી પછી તો...’

‘હા ....પેલો આવે છે.’મિસિસ મૂલરને બોલતાં અટકાવીને જયૉર્જ તરફ તેનું

ધ્યાન દોરતાં સુઝન બોલી. જયૉર્જની હાજરીમાં તેના ભાઈબહેનોનો ભૂતકાળ ઉખેડવાનું

સુઝનને ગમતું નહિ. વૃક્ષો વચ્ચેથી માર્ગ કરતો એક નાનો કાળો છોકરો આવી રહ્યો

હતો. હાથમાંની ટોપલી ખૂબ સાવચેતીપૂર્વક સંભાળતો. તે બગીચાના એક ભાગમાં

આવી પહોંચ્યો. ખોદીને તૈયાર કરેલા કયારા પાસે ટોપલી મૂકીને તે કામે લાગી ગયો.

પોતાની ધૂનમાં તે એવો મગ્ન હતો કે આજુબાજુ નજર ફેરવવા જેટલી ફુરસદ તેને ન

હતી.

‘આ બગીચા જોડે તેને ભારે મમતા છે. જંગલમાં જઈને કંઈક રોપાઓ તે લાવ્યો

લાગે છે.’સુઝન બોલી.

‘કેવો સરસ બગીચો બનાવ્યો છે!’મિસિસ મૂલરને મુખેથી પ્રશંસાના ઉદગાર

સરી પડયા.

મુખ્ય દરવાજા પાસે નાના ગુલાબી ગુલાબની એક સુંદર વેલ ચડાવી હતી. એક

કયારામાં ગલગોટાંના રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતા. કેના કે જાસૂદ ને ટગર, વળી બીજાં

કેટલાંયે રંગબેરંગી ફૂલોથી આખો બગીચો ખીલી ઊઠયો હતો. કેટલાંક ફૂલોના નામની

પણ ખબર ન હતી.

ટોપલીમાંથી કાળી ભીની માટીના દડબા લઈને જયૉર્જ એક કૂંડામાં ગોઠવી રહ્યો

હતો. અને પછી હાથ વતી ધીમે રહીને તેને થાપતો હતો. મિસિસ મૂલર આશ્ચર્યથી

તેના તરફ જોઈ રહ્યા.

‘અરે!આ શું કરે છે ?’તે બોલી ઊઠી.

સુઝન હસી પડીઃ ‘ એ પછી સમજાવીશ. તે જંગલમાં જઈને જાતજાતના જંગલી

ફૂલના છોડ લાવીને અહીં ફરી વાવે છે. પણ તેનો હાથ લાગ્યા પછી બધાં ફૂલ નોખી જ

ભાત પાડે છે. ચાલો, હું તમને એક સરસ કયારો બતાવું.’

બંન્ને પોતાનું ગૂંથણ છોડીને બહાર નીકળ્યા તો જયૉર્જ ઊંધું ઘાલીને કામમાં મચ્યો

હતો. તેની નજીક બંન્ને આવી પહોંચ્યા ત્યારે કંઈક ગણગણતાં તેમણે સાંભળ્યો.

‘ તે મૂંગો છે એવું કહેતા હતા ને ? મિસિસ મૂલરે ધીમેથી પૂછયું.

‘હા, બેચાર શબ્દો સિવાય. પણ અત્યારે તો તે તેનાં વહાલાં ફૂલોને ગીત

સંભળાવી રહ્યો છે.’

‘ગીત!’ મિસિસ મૂલરને આ બાળકની વિચિત્રતા સમજાતી ન હતી. બરાબર

ત્યારે જ જયૉર્જે ઊંચે જોયું. તે એકદમ ઊભો થઈ ગયો.

‘ એ તો અમે છીએ, જયૉર્જ! તું તારે તારું કામ કર. હું મિસિસ મૂલરને બગીચો

બતાવું છું.’

‘બગીચો સરસ છે, હોં, જયૉર્જ!’ મિસિસ મૂલરે પ્રેમપૂર્વક હસીને કહ્યું.

જયૉર્જ ખુશ થયો પણ શરમાઈને તે પાછો પોતાને કામે લાગી ગયો.

કામ કરતાં કરતાં તે પેલાં બંન્ને તરફ વારેવારે જોયા કરતો હતો. તેને મનમાં થયું

હતું કે મિસિસ મૂલર ખરેખર પૂરું ભાળતાં હશે કે કેમ ! બે વર્ષમાં તે ઘણું જાણતો થયો

હતો. લોકો પૂરું ભાળતા જ નથી તેમ તેને ચોક્કસ લાગતું. પેલા સફરજનના વૃક્ષનો

કિસ્સો જ લોને ! રે કેવું થયું હતું! પેલાં ઝીણાં જીવડાં ઝાડને ફોલી ખાય છે તે પોતાની

એકની જ નજરમાં આવ્યું હતું. એટલા મજૂરો, ખેડૂ કાર્વર અને ખુદ સુઝનનું - એ બધા

છતાં પણ બધું અંધારામાં ગયું હતું. તેણે એક બે વખત કાર્વરને તે અંગે ચેતવવા પ્રયત્ન

કરી જોયો. કાર્વર છંછેડાઈ ગયો. કહે : હવે જા ને અહીંથી! એક શબ્દ સમજાતો નથી ને

શી લમણાંઝિંક કરે છે ?’

છેવટે કંટાળીને પોતે કરવત લીધી. જીવડાં બેઠાં હતાં તે ડાળી કાપવા માંડી. ઓ

હો! શું જંગ મચ્યો! કાર્વર દોડતો આવ્યો. ટાંટિયો ઝાલીને મને પોતાને ઝાડ પરથી ખેંચી

પાડયો અને તેના ગુસ્સાનો પાર ન હતો. જો સુઝન આવી પહોંચી ન હોત તો અધમૂઓ

કરી નાખત. સુઝનને લાગ્યું કે આને કંઈક જરૂરી વાત કહેવી. છે. તે ધ્યાન દઈને તેના

ગોટાળિયા બોલ સાંભળી કંઈક સમજી. છેવટ કાર્વરનું અને તેનું ધ્યાન પેલાં જીવડાં પર

પડયું. આટઆટલી દેખભાળ રાખવા છતાં તેમનું કોઈનું આ તરફ ધ્યાન નહોતું ગયું.

આ જયૉર્જ શી રીતે ભાળી ગયો! સુઝન અને કાર્વરની નવાઈનો પાર ન હતો. સુઝનને

પ્રતાપે પોતે માંડ ઉગરી ગયો અને ઝાડ પણ બચી ગયાં.

થોડું આગળ ચાલીને તે મિસિસ મૂલરને ચેરીના એક ઝાડ નીચે લઈ ગઈ. તેની

ડાળ ઉપરથી કંઈક કાઢીને તેણે પડોશણના હાથમાં મૂકયું. અને પૂછયું, આ શું છે?’

મિસિસ મૂલરે તે હાથમાં લઈને કહ્યું : ‘કેમ વળી, કોઈ પક્ષીનો માળો છે.’

‘ઘાસના તરણાંને પાંદડાં સાથે ગૂંથેલા પીછાં, સુંવાળા વાળ અને કૂમળી ડાળખીઓ

બધું દેખાય છે ને ? તમે જોયેલા બીજા માળા કરતાં કંઈક જૂદું આમાં લાગે છે?

‘ના રે ના’, મિસિસ મૂલર હસી પડી, ‘મને કંઈ આ બધાનો બહુ અભ્યાસ નથી

પણ આમાં ખાસ ભેદ શો છે ?’

‘એટલો જ કે તે જયૉર્જે બનાવ્યો છે, કોઈ પક્ષીએ નહિે’

‘શું કહો છો ?’

‘હા, તે કહે છે કે કેવી રીતે કરવું તે બધું મને પક્ષીઓએ બતાવ્યું. તે દરેક નાના

જીવ-જંતુનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કર્યા કરતો હોય છે. કલાકો સુધી પેટભર પડી

રહીને ઉધઈની બધી હિલચાલનું અવલોકન કરતાં મેં તેને જોયો છે. અરે, તમને હું શી

વાત કરું ? કયારેક તો તેના ખીસામાંથી રંગબેરંગી પતંગિયા કે ખડમાંકડી, કયારેક

ડ્રાંઉ,ડ્રાંઉ કરતાં દેડકાંઓ કે વિવિધ પીંછાઓ નીકળી પડે! તેના મિત્રો કહો કે રમકડાં

કહો, આમાં બધું સમાઈ જાય. દરરોજ સવારે તે આ માળાની મુલાકાતે આવે છે ને

જુએ છે કે કોઈ પંખીએ તેમાં ઈંડાં મૂકયાં છે ?’

તેણે ધીમે રહીને માળાને તેની જગ્યાએ ગોઠવી દીધો અને બંન્ને પાછાં ફર્યા.

‘તમે તેને જયૉર્જ કહો છો તેનું આખું નામ શું છે ?’

‘ગુલામોને પોતાની ઓળખ નથી હોતી. માલિકને નામે તે ઓળખાય છે. આ

છોકરો જન્મ્યો ત્યારે ગુલામ હતો એટલે અમારી ઓળખ તેની ઓળખ. તેના બાપનું

નામ જયૉર્જ હતું કે એટલે તે નામ આપ્યું. આ છોકરો એટલો પ્રામાણીક અને સાચૂકલો

છે કે મને તો પેલો છોકરો જે કદી જુઠું બોલ્યો ન હતો, તેનું નામ આપવાનું મન થાયએટલે

તેનું આખું નામ જયૉર્જ વૉશિંગ્ટન કાર્વર.

‘બહુ ભારે નામ તમે તો આપી દીધું!’

‘કોને ખબર છે !’ મને શ્રદ્ધા છે કે તે આ નામ દીપાવશે. આખરે ઈશ્વર માણસના

હૃદયનાં પારખાં કરે છે ને!’

હજુ મોં સૂઝણૂંય થયું ન હતું. જયૉર્જ પથારી છોડીને કયારનોયે કામે વળગી

ગયો. ગાય દોહી લીધી. ઢોર માટે ખાણ તૈયાર કરી લીધું. ઘોડીને ચાર નીરીને પોતે

મરઘાંબતકાંના વાડા તરફ વળ્યો. તેના પગમાં આજે અનેરો ઉત્સાહ હતો. આજ તેને

દૂર દૂર મુસાફરીએ જવાનું હતું. ઘોડીને ઘાસ નીરતા તેણે તેના કાનમાં કહી દીધું હતુંઃ

‘ધરાઈને ખાઈ લેજે, હોં... આજે ઘણો લાંબો પંથ કાપવાનો છે.’

વાડા તરફ જતાં તે દ્રાક્ષના વેલાઓ પાસે થંભી ગયો. વાહ! કેવી સરસ દ્રાક્ષ

લચી પડતી હતી. ઝૂમખેઝૂમખાં. તેની મીઠી સુવાસથી વાતાવરણ મહેંકી રહ્યું હતું.

તેના મોંમાં પાણી છૂટયું. દ્રાક્ષનો આ પ્રયોગ કરવામાં તો કાર્વર ખમચાયો હતો પણ

પેલા સ્વીસ ખેડુ હર્મન જેગરની ધગશથી થોડુંક કરી જોવા પ્રેરાયો હતો. જેગરે બાજુના

પ્રદેશમાંથી અહીં આવીને ખેડૂતોને સમજાવવા ખૂબ જહેમત ઉઠાવીહતી. તેણે કહેલું કે

‘આ જમીન અને આબોહવા દ્રાક્ષને બહુ અનુકૂળ છે. આ ડાળખીઓ આપું છું તે તમે

બધા ઉછેરી જુઓ.’

તેનો સૌથી વધારે આજ્ઞાંકિત શિષ્ય જયૉર્જ હતો. તેની ઝીણામાં ઝીણી સૂચનાનો

અમલ તેણે કરેલો. તેણે જ વેલા ઉછેર્યા હતા. મા કરતાંયે વધારે કાળજીથી તેણે એક

એક પાંદડાં કે ડાળીઓને રોગ ન લાગે, કોઈ જીવડાં ફોલી ન ખાય તેની સાવચેતી રાખી

હતી. જયૉર્જે મમતાપૂર્વક દ્રાક્ષના એક ઝૂમખા પર હાથ ફેરવ્યો. આજે તેને એ હર્મન

જેગરને ત્યાં જ જવાનું હતું. તે પોતાના કામે દોડી ગયો.

કાર્વરને તાલુકા સમિતિની બેઠકમાં ‘નીઓશો’જવાનું હતું. નજીકમાં જ આવેલી

હર્મન જેગરની મોટી ફળવાડી જોઈ આવવાનું તેણે વિચાર્યું હતું. લૂમે લચી પડતી દ્રાક્ષ

જોઈને વધારે વેલાઓ ઉછેરવા તરફ તેનું મન ઢળ્યું હતું.અને એટલે જ જયૉર્જને સાથે

લઈને જવો હતો. જેથી તે જરૂરી માહિતી ને સૂચનો પકડી લે.

‘ આ વનસ્પતિ ઉછેરવાની વાત આવે છે તે કોણ જાણે આ છોકરાને ન હોય

ત્યાંથી સમજણ પડવા માંડે છે.’ પોતાની પત્ની સાથે કાર્વર વાત કરી રહ્યો હતો.

‘આજુબાજુ તો બધાં એને વનસ્પતિવૈદ્ય તરીકે જ ઓળખે છે. કોઈની મરવા

પડેલી વેલને સજીવ કરી આવે તો કોઈના પીળા પડી જતા છોડને ઓછો તાપ આપો કે

વધારે પાણી આપો કે એવી બધી સૂચના દેતો આવે. એનો હાથ પડયો ને કોઈ છોડ ન

ઊગે તેવું બને નહિ. શી ખબર કયાંથી તેને આ બધું સુઝે છે!‘પૂછયે નર પંડિત થાય’

એવું છે એનું. ! સુઝને ગૌરવપૂર્વક પોતાના બાળકની પ્રશંસા કરી.

‘અરે બાપ તોબા એના પ્રશ્નોથી. મને તો કયારેક એવું થઈ જાય કે આને તો

જીભ નહોતી તે જ સારું હતું.’કાર્વરે વરાળ કાઢી. આજે બપોરે કોઠારમાં મને યાદ

કરતાં કરતાં કહેઃ ‘ઘાસ શા માટે લીલું હોય છે ? આ તીડડાં શા માટે કૂદકાં મારે છે ?

પ્રભાતનાં સુંદર રંગો બપોરના કેમ વિલાઈ જાય છે? આ મેઘઘનુષ્ય બનાવતાં કેટલો

સમય થતો હશે ? કંઈક લવારો કરતો હતો!’

સુઝન હસી પડીઃ‘એટલે તમે એને અહીં મોકલી દીધો હતો એમ ને ?’ભલું થયું!

મારું કામ તો એક કલાક વહેલું પતી ગયું !

‘હા, તેને કોદાળી કરતાં ભઠિયારું સારું ફાવે છે.’કાર્વરની અકળામણ હજુ

ઓછી થઈ નહતી.

‘શરીરે ભલે ખડતલ નથી પણ ચકોર છોકરો છે. હવે તે નવદસ વર્ષનો થયો, તેને

ભણવા બેસાડવો જોઈએ.’કાર્વર આંખો કાઢતાં કહ્યું,‘અહીં આ કાળા છોકરાને નિશાળમાં

કોણ લેતું હતું ? અને કાળા મંકોડા પાડતાં શીખવીને તે શું લીલું કરવાનો હતો ?’

‘થોડું લખતાં વાંચતાં તો આવડવું જોઈએ ને ? તેને ભણવાની ભારે ધગશ છે. મિસિસ

મૂલરે આપેલી એક સ્પેલિંગની ચોપડી લઈને તે રોજ સ્પેલિંગ પાકા કરતો હોય છે.’

ભણવા અંગેની વાત અહીં અધૂરી રહી. સાંજે વાળું પછી જયૉર્જને કહ્યું, ‘કાલે

સવારે આપણે વહેલા ઊઠવાનું છે. તારે મારી સાથે હર્મન જેગરને ત્યાં આવવાનું છે.’

‘પેલા દ્રાક્ષવાળાને ત્યાં ?’ જયૉર્જે ઉત્સાહમાં આવી જઈ પોતાના તીણા સૂરે પૂછી

નાખ્યું. પછી એકાએક બોલી ઊઠયો. ‘હં, પણ દ્રાક્ષ જાંબલી રંગની કેમ હોય છે?’

‘મને ખબર નથી! બધી દ્રાક્ષ જાંબલી નથી હોતી. અમુક લીલી પણ હોય છે.

પણ લીલી કે જાંબલી શા માટે તેની કોઈનેય ખબર નથી.!’ કાર્વરે જવાબ તો આપ્યો

પણ સુઝન મરક મરક હસી રહી હતી તે જોતાં તેનો પિત્તો ઉછળું ઉછળું થતો હતો. ત્યાં

જયૉર્જે પૂછયું,‘ભગવાન તો જાણતો હશે ?’

‘હાસ્તો! ભગવાન તો જાણે જ ને ?’

‘ત્યારે હું એને જ પૂછી જોઈશ’. કહેતો જયૉર્જ ઘર બહાર દોડી ગયો.

કાર્વરનું મોં ગુસ્સાથી લાલ થઈ ગયું. તે જયૉર્જને બોલાવીને કંઈક કહેવા જતો

હતો પણ સુઝને તેમને વારતાં કહ્યું,‘શું તમે પણ?જવા દો ને !’

‘પણ આ કંઈ બરાબર કહેવાય ? જાણે ભગવાન તેને મળવાનો હોય તેવી વાત

કરે છે? ના, ના તેને ભણાવવો જોઈએ. ઓછામાં ઓછું બાઈબલ વાંચી શકે એટલે

ઘણું. આવું જંગલી પ્રાણી આપણે ત્યાં ઉછરવા ન દેવાય. ભગવાનની મરજાદ રાખતાં

તેણે શીખવું જ જોઈએ. ચુસ્ત પ્રોસ્ટેસ્ટંટધર્મી કાર્વરથી આ સહ્યું જાય તેમ ન હતું.

જયૉર્જ માટે લાંબી મુસાફરીનો આ પહેલા પ્રસંગ હતો. ગાડાના પાછળના

ભાગમાં પગ લટકતા રાખીને બેઠો બેઠો તે પ્રભાતનાં ખુશનુમા વાતાવરણનો આનંદ

માણી રહ્યો હતો. તેનાં કપડાંના ઢંગની તેને પોતાને કે કોઈનેય પડી ન હતી. અંગ

ઢાંકયું એટલે પત્યું.

અફાટ હરિયાળા ખેતરો વચ્ચે થઈને ગાડી દોડી રહી હતી. પેટ ભરી ભરીને

જયૉર્જ બધું નીરખી રહ્યો હતો. બાલસૂર્યના કિરણ જેવાં ગોલ્ડન રોડનાં સુકોમળ પીળાં

પુષ્પો વૃક્ષને અનોખી શોભા આપતા હતાં. સફરજનની વાડી પાસે પહોંચ્યા ને પાકાં

સફરજનની ખુશ્બો મહેકી રહી. લાલપીળી બત્તીનાં ઝૂમખાઓ મૂકયાં હોય તેવાં વૃક્ષો

લચી પડતાં હતા.

અહીં તહીં કાળા લોકો ખેતરમાં કામ કરતા દેખાતા હતા. જયૉર્જને મનમાં થતું

હતું કે આવી સરસ વેલ અને ફૂલછોડ અહીં થાય છે તે લઈને પોતાના ઘરની આસપાસ

વાવવાનું કેમ કોઈને સૂઝતું નહિં હોય !

બપોર સુધીમાં હેગરને ગામ પહોંચી ગયા. હર્મન જેગરની વાડી જોઈને કાર્વર પણ

ખુશ થઈ ગયો. આશ્ચર્ય અને આનંદમાં જયૉર્જનો તો જાણે શ્વાસ રુધાંઈ ગયો. ચારેબાજુ

ટેકરીઓ પર દ્રાક્ષના વેલાઓની હારમાળા પથરાઈ હતી. જાણે લીલાં પરવાળાંનો સાતસરો

હાર! અને આ બધાં વચ્ચે એક નાજુકડું સફેદ મઝાનું ઘર હતું. ઘરની પાછળ એક નાનું

કાચનું ઘર હતું. જયૉર્જ તો ફાટી આંખે તેની સામે જોઈ જ રહ્યો. નાનાં મોટાં કુંડા અને

કાચની પેટીઓમાંથી જુદા જુદા પ્રકારની વનસ્પતિ ઉગાડી હતી.

કાર્વર હર્મન જેગર સાથે કંઈક વાત કરવા રહ્યો ત્યાં જયૉર્જ સરકીને કાચના

ઘરમાં પાટલીઓ વચ્ચે ફરવા લાગ્યો. સ્વર્ગની વાતો તેણે સાંભળી હતી. તેને થયું કે

આ જ તે છે. બીતાં બીતાં તેણે એકાદ છોડનાં કૂમળાં પાંદડાં પર હાથ ફેરવી જોયો. એક

પેટી પાસે ઊભા રહીને તેણે બહુ બારીકાઈથી તેની અંદરની માટી જોવા માંડી. અંદર

ફૂટેલા નાના નાના ફણગા અને કુમળી કૂંપળો સાથે તે તો પોતાની કાલી કાલી ભાષામાં

વાતો કરવા લાગ્યો.

મોંશ્યર જેગરનું ધ્યાન પડયું. તેણે કાર્વરને ચૂપ રહેવા સૂચવ્યું અને શાંતિથી

જયૉર્જની હિલચાલ નિહાળતો ઉભો રહ્યો.

કાર્વર કંઈ સમજયો નહિ પણ છોકરાનું કુતૂહલ અછાનું ન રહ્યું. તેણે ધીમેથી

કહ્યું,‘તેને વનસ્પતી પર ખૂબ વહાલ છે. મારા દ્રાક્ષના વેલાઓ તેણે જ ઉછેર્યા છે.’

ધીમે રહીને જેગર જયૉર્જની નજીક આવ્યો અને વહાલસોયા અવાજે તેને કહ્યું,

‘તેને આ બહુ ગમે છે , ખરું ?’

જયૉર્જે ઊંચે જોયું. બંનેની નજર મળી. કોણ જાણે કેમ પણ જયૉર્જને લાગ્યું કે

બરાબર પોતાની જેમ જ આ માણસ પણ ભાળતો હતો. તેણે એકદમ પહોળા હાથ

કરીને કહ્યું,‘હા, હા, મને આ બધું બહુ ગમે.’

સ્વીસ ખેડુએ તેનો કાળો હાથ લેતા કહ્યું, ‘વાહ ! હાથ તો ખેડુના છે. તેના

સ્પર્શે વસ્તુઓ સજીવન થવાની. હં, પણ આનો હાથ તો બહુ નાનો છે! તેણે તમારા

વેલા ઉછેર્યા?’ કાર્વર તરફ વળતાં હર્મન જેગરે પૂછયું, કાર્વરે માંડીને તેની જીવનકથા

કહી. તેની માને કેવી રીતે ઉપાડી ગયા.- આ બાળક કેવી રીતે હાથ આવ્યું, તેની

ગૃહિણીએ (સુઝને) કેવી કાળજીથી તેને ઉછેર્યો. પૂરું કરતાં કહે,‘ તે કોઈ દિવસ ખડતલ

મજબૂત થાય તેવી મને તો આશા નથી. ગુલામમાંથી તે સ્વતંત્ર તો થયો પણ સ્વાવલંબી

જીવી શકે તેવું કયાં છે ?કાળા લોકો મજૂરી સિવાય બીજું શું કરે ? કાર્વરના

અવાજમાં દર્દ હતું. હર્મન જેગર જયૉર્જ તરફ વળ્યો. તે તો હજી કૂંડાં અને પેટીઓ

જોવામાં મશગૂલ હતો. તેણે હસતાં હસતાં કહ્યું ‘ચાલ, હું તને દ્રાક્ષ અંગે કંઈક બતાવું.’

એક પેટી તરફ લઈ જઈને હર્મન જેગરે કહ્યું, ‘જો આ દ્રાક્ષના જંગલી વેલા છે.

ટેકરી પરથી હું તેને તોડી લાવ્યો અને અહીં વાવ્યા. તેની દ્રાક્ષ નાની અને ખાટી હોય છે.’

‘હા, પણ તે સારી લાગે છે.,’ જયૉર્જ વચ્ચે જ બોલી ઉઠયો, મને અને સસલાઓને

તે બહુ ભાવે છે.’

હર્મન જેગર હસ્યો. પછી કહે,‘ અને જો, આ વર્જીનિયામા વાવવામાં આવતા

દ્રાક્ષના વેલાઓ છે. તે ખૂબ મીઠા હોય છે, પણ વેલાઓ નબળા છે. તેને રોગ લાગતાં

વાર નથી લાગતી. હવે ધ્યાનથી આ જો.’

તેણે બંને વેલામાંથી એક એક ડાળખી ભાંગી અને બંનેને એક સાથે બાંધી લીધી.

બંનેને સાથે એક પેટીમાં વાવતાં તેણે કહ્યું,‘આમાંથી એક છોડ ઊગશે. હું ભગવાનની

જેમ વધારે સારી દ્રાક્ષ ઉછેરવાનું કામ કરું છું. પેલા જંગલી વેલા મજબૂત પણ ખાટા છે.

વર્જીનિયામાં મીઠી જાતનું મિશ્રણ તેની સાથે કરવાથી આ સામે તેં ટેકરીઓ પર જોઈ

તેવી સરસ દ્રાક્ષ ઉછરે છે.

એક ધ્યાન થઈને જયૉર્જ બધું સાંભળી રહ્યો હતો. તેને આ માણસ ઈશ્વર સમાન

લાગતો હતો.

જયૉર્જ આજે પહેલી જ વાર ફેરવી ફેરવીને પોતાના હાથ જોવા લાગ્યો. પોતાના

હાથ ખેડુના હતા તેમ આ દેવ જેવો માણસ કહેતો હતો. તેણે પેટીમાંથી ધૂળ સાથે રમત

કર્યા કરી. ઈશ્વર આ બધાંનો માલિક હતો. ઈશ્વર આપણો પિતા, ધરતી આપણી મા.

તેને યાદ આવ્યું. હા, બાઈબલમાંથી કાર્વરે આજે સવારે વાંચ્યુંઃ ્‌રી ીટ્ઠિંર ૈજ ંરી

ર્ન્ઙ્ઘિ’જ. બરાબર છે. ઈશ્વર આ બધાનો માલિક અને પોતે તેનો નાનો બાળ.

બપોર પછી તેઓ ઘર તરફ પાછા કર્યા.

જયૉર્જના મનમાં વળી જુદી જ મથામણો ચાલતી હતી. તેને માટે તો આ અવનવો

દિવસ હતો. હર્મન જેગરે તેને પોતાના ઘરમાં આવકારતાં કહેલું, ‘જયૉર્જ, અહીં

આવ. તારે માટે એક નાની ભેટ લાવ્યો છું.’

જયૉર્જની આંખો ઉલ્લાસથી ચમકી ઉઠી. ભેટ! તેના જીવનમાં તેને ભાગ્યે જ

ભેટ સાંપડી હતી! શું ભેટ હશે? તેનું બાલમન ઉત્સુક થઈ ઉઠયું.

હર્મન જેગરે વહાલથી તેના હાથમાં એક પુસ્તક મૂકયું. જયૉર્જે હર્ષભેર તે

લીધું.વહાલપૂર્વક છાતીએ વળગાડયું. નીરખી રહ્યો પછી એકાએક તેનું મોં પડી ગયું.

શરમિંદા બની તેણે કહ્યું ,‘મને વાંચતાં નથી આવડતું.’

‘કંઈ હરકત નહીં. મોઝીકાકાને કક્કો શીખવવા કહેજે. અક્ષરો શીખી જઈશ

એટલે તને જુદા જુદા શબ્દોના સ્પેલિંગ ઉકેલતાં આવડશે.’

જયૉર્જે પુસ્તકનું પહેલું પાનું ખોલ્યું. પહેલા પાના ઉપર એક ચિત્ર હતું એક

માણસ પર્વત પર ચડી રહ્યો હતો. પર્વતના શિખર ઉપર એક મોટું ઘર હતું, જેના ઉપર

સૂર્ય પ્રકાશી રહ્યો હતો.

‘આ કોનું ઘર છે ?’ જયૉર્જે પુછયું.

‘ એ જ્ઞાનમંદિર છે,’ હર્મન જેગરે જવાબ આપ્યો. ‘અને કોઈક દિવસ,’ જયૉર્જના

વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં તેમણે વહાલથી કહ્યું , ‘તારે તે મંદિરમાં પ્રવેશવાનો

પ્રયત્ન કરવાનો છે. મને ખાતરી છે કે તું ત્યાં પહોંચી શકીશ કારણ કે તું બીજા કરતાં

ઘણું વધારે અવલોકન કરી શકે છે. કોઈક દિવસ તું આ પુસ્તક વાંચી શકીશ. તારે

બીજાં ઘણાં પુસ્તકો વાંચવાના છે. પછી ધરતીમાતા અને ઈશ્વર બંને તારા પર પ્રસન્ન

થશે અને ઘણું ઘણું જ્ઞાન આપશે.’

જયૉર્જના મોટા ખીસામાં પુસ્તક પડયું હતું. હર્મન જેગરની વાતો સાંભળતાં

તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આભારનો એક શબ્દ તેનાથી બોલાયો ન

હતો. તેનું અંતર ગદ્‌ગદિત થઈ ગયું હતું.

આ પછી પર્વતારોહણ કરીને જ્ઞાનમંદિરમાં પ્રવેશવાનું જયૉર્જનું સ્વપ્ન બની

ગયું. કક્કો શીખી લઈને પુસ્તકના શબ્દો ઓળખવાનું કામ તેણે ઝપટાબંધ આટોપવા

માંડયું. બે શબ્દો તેને ખાસ ગમી ગયા : ર્ય્ર્ઙ્ઘ અને ર્ય્ઙ્ઘ.

સુઝન કહેતી,‘જયૉર્જ, જો આ બંને શબ્દો કેટલા એકબીજાને મળતા આવે છે?

કારણ જાણે છે ? કારણ ર્ય્ઙ્ઘ ૈજ ર્ખ્તર્ઙ્ઘ. ઈશ્વર ભલો છે.’

જયૉર્જ પૂછતો ,‘શું તે બધાં પ્રત્યે ભલો છે ?’

‘અલબત્ત,’ સુઝને કહ્યું.

‘બધાં માણસો, સ્ત્રીઓ, બાળકો બધાં તરફ ?’ જયૉર્જને વિશ્વાસ બેસતો ન હતો.

‘હા, હા, અવશ્ય’

‘રંગીન બાળકો પ્રત્યે પણ ? ’

‘ઈશ્વરને રંગ સાથે સંબંધ નથી કારણ કે આપણે સૌ તેનાં જ બાળકો છીએ અને

તે આપણો પિતા છે.’ સુઝને શાંતીથી જવાબ આપ્યો.

‘સુઝન, શું તે મારો પણ પિતા છે ?’ જયૉર્જે અત્યંત કુતૂહલથી પૂછયું.

‘હા, જયૉર્જ.’ સુઝને ભાવપૂર્ણ અવાજે કહ્યું.

‘એક દિવસ મારા પિતા માટે ગૌરવ લઈ શકે તેવું હું જરૂર કરીશ. ’ જયૉર્જે પૂરા

વિશ્વાસ સાથે હિમંતભેર કહ્યું.

ઘરે આવ્યા પછી કાર્વરે સુઝનને કહ્યુંઃ‘હર્મન જેગરે કહ્યું છે કે આટલામાં કાળા

છોકરાઓની એક શાળા છે. ત્યાં જયૉર્જને ભણવા મોકલવાનો છે.’

એક અઠવાડિયા પછી જયૉર્જ ફરી પાછો નીઓશા તરફ જઈ રહ્યો હતો. આ

વખતે પગે ચાલીને. તપાસ કરતાં ખબર પડી હતી કે બે દિવસ પહેલાં જ નવા સત્રની

શરુઆત થઈ ચૂકી હતી. કાર્વર જયૉર્જને મૂકવા જવાનો હતો પણ આગલી રાતે વાછડો

માંદો પડી ગયો એટલે તેનાથી નીકળાય તેમ ન હતું. જયૉર્જને હવે એક દિવસનું પણ

મોડું થાય તે પાલવે તેમ જ હતું.

શાળાને યોગ્ય પૂરતાં કપડાં તો કયાંથી હોય ! પણ સુઝન અને મિસિસ મૂલરે

થઈને કંઈક ભેળું કરી આપ્યું હતું. તદન નવા જેવા એકલા જોડા જ હતા. એને તો તેણે

હારની જેમ ગળે જ દોરી બાંધીને લટકાવ્યા હતા! આ ધૂળિયા રસ્તા પર તેને બગાડી

નાખવાનો તેનો જીવ ન ચાલ્યો. પેન્ટનાં પાયચાં તો તેણે પોતે જ ઓટયાં હતાં. ઉપરનો

ભાગ કાપીને બંધ બેસતો કરવાનું કામ સુઝને કર્યું. એક જૂની પણ જાડી ગોદડા જેવી

શાલમાં સુઝને બધો સરસામાન બાંધ્યો. થોડું ભાતું, તેની સ્પેલીંગ બુક, જેગરે આપેલું

પેલું કિંમતી પુસ્તક, એક નાનું ચપ્પુ અને બે મોટા સફરજન..... વધારામાં એક મોટી

ચિંદરડીમાં બાંધીને ગળે ભેરવેલ પોટકીમાં હતા પૈસા. જયૉર્જની સૌપ્રથમ

કમાણી.....સૌપ્રથમ મૂડી.

આગલે દિવસે જયારે તે મિસિસ મૂલરના બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યારે

મી. મૂલરે તેને પૈસા આપતાં કહ્યું હતું. ‘જયૉર્જ આ વખતે તું રોકડા લઈ જા, શાળામાં

તને તેની જરૂર પડશે.’

મૂઠી ભરીને આપેલા પૈસા ગણી જોયા તો એક ડૉલર જેટલા થયા! સુઝન નવાઈ

પામી, પણ ખુશ થઈ.... હવે શાળામાં દાખલ થવામાં જયૉર્જને મુસીબત નહીં પડે.

આંખમાં ઝળઝળિયા સાથે વિદાય આપતાં સુઝને કહ્યુ હતુંઃ ‘કોઈ પણ મોટા ઘરે

જઈને કામ માગજે. કહેજે કે મને ચૂલો ચેતાવતાં, રાંધતાં, ધોતાં આવડે છે. કામ

કરનારાની બધે ખેંચ છે. એટલે તને કોઈ ના નહીં પાડે.... અને જો આ શાલ સારી ઠંડી

ઝીલી શકે છે. રાત્રે ઠંડીમાં ગળે બરાબર લપેટીને સૂઈ જજે ને શરીર જાળવજે હોં.’ તે

માંદો પડી જશે તો શું થશે તે વિચારે તેનું અંતર કોરાઈ જતું હતું. તેની હાડમારીની

સંભાવનાનો ખ્યાલ સુઝનને હતો. અને છતાં તેને રોકવાનું તેને ઉચિત લાગતું ન હતું.

રસ્તો વળાંક લેતો હતો ત્યાં પાછા વળીને, પોતાના વહાલા ઘરને, વહાલા

બગીચાને છેલ્લી સલામ કરવા જયૉર્જ થોભ્યો. તે માત્ર દસ વર્ષનો હતો અને પોતાને

જાણીતું બધું છોડીને દૂર દૂર જઈ રહ્યો હતો. એક ક્ષણ તે ધ્રુજી ઊઠયો. પછી તેને યાદ

આવ્યું.....‘ઈશ્વર આ ધરતીનો માલિક છે, ધરતી મારી મા છે, હું તેનો બાળક છું’

મક્કમ પગલે તે ચાલી નીકળ્યો. ફરી આ ધરતી પર પગ મૂકતાં દસ દસ વર્ષના વહાણાં

વીતવાનાં હતાં!

ચાલી ચાલીને પગ થાંભલા જેવા થયા હતા. ઉપર આભ ને નીચે ધરતી, કયાં

જવું ? રાત અંધારી હતી. છેવટે તે કોઈક એક જૂના તબેલામાં ભરાઈ ગયો. પરાળ

ઉપર પડ્યો તેવો જ ઊંઘી ગયો હતો.

બીજે દિવસે સવારે તે શાળાએ ગયો. વર્ગમાં બીજા ઘણા કાળા છોકરાઓ

હતા. બધા તેની તરફ આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા હતા. એક તો પોતે નવો હતો

અને કપડાંના ઢંગ અનોખા હતા. તેણે જોડાં પહેર્યા હતા અને ચીવટ લઈને કપડાં પરની

ધૂળ ખંખેરી હતી. પણ પાછળ નકરું ખડ ચોંટેલું હતું તેનો તેને ખ્યાલ ન હતો.

‘મારું નામ જયૉર્જ વોશિંગ્ટન કાર્વર.’પોતાના તીણા સૂરે જયારે તેણે શિક્ષકને

જવાબ આપ્યો ત્યારે તો બધા ખડખડાટ હસી પડયાં. પછી તો પોતે મોંમાં મગ ભર્યા

હોય તેવો મૂંગોમંતર થઈ ગયો હતો.

શાળા છૂટી ગયા પછી પોતે પાટલી પર બેસી રહ્યો. કયાં જવું ? છેવટે શિક્ષકે

કહ્યું, ‘ચાલ ત્યારે, હવે તું ઘર ભેગો થઈ જા.’

પણ ઘર હતું કયાં?

તે બહાર નીકળ્યો. ઘરેઘરે ભટકયો પણ કોઈને આવા ટચૂકડા છોકરાની કામ

કરનાર તરીકે જરૂર ન હતી.!

બીજા બે દિવસ દરમિયાન પોતે ગમે તેનું કામ કરવા લાગ્યો. કોઈનાં લાકડાં

ફાડી આપ્યાં. કોઈનો સંદેશો પહોંચાડયો, કોઈનું ફળિયું વાળી આપ્યું. કામ મેળવવા

માટે આમથી તેમ તેને ઘણું રખડવું પડતું. કોઈ કહે કે મારી સાથે ચાલ, તને કામ

મળશે, તો તે માઈલો સુધી તેની સાથે થતો. કંઈ કામ મળી રહેતું. પણ આજે રાતે કયાં

સૂવું અને કાલે શું ખાવું, એકાદી નોટ, પુસ્તક કયાંથી મેળવવા કે આજે કોની સ્લેટ

વાપરવી, તેવી અનેક ચિંતામાં તેના અભ્યાસમાં અવારનવાર વિક્ષેપ પડ્યા કરતો.

કોઈક દુકાનેથી થોડું ચવાણું લઈને ફાકી લેવું, નિશાળે જવું, નવરાશના સમયમાં

આડું અવળું કામ કરવું અને રાત્રે પેલા ખખડધજ તબેલામાં જઈએ સૂઇ જવુંઃ આ હતો

નિત્યક્રમ.

જ્ઞાન માટેની તેની તીવ્રતા અદમ્ય હતી, કયારેક ભૂખ શમાવી શકાતી. મોટે

ભાગે તે માટે ટટળવું પડતું. અનેક શાળાઓ છતાં પોતે તેમાં શા માટે દાખલ ન થઈ

શકે-તેનું કારણ જાણવા છતાં તેને તે કદી ગળે ન ઉતરતું. કુદરતે આપેલી શકિતનો

યોગ્ય માર્ગે વિકાસ સાધવામાં અવરોધો શા માટે હોઈ શકે, તેનો કોઈ તર્કશુદ્ધ જવાબ

તેને મળતો નહીં.

ઘણીવાર તે એવા માણસો વચ્ચે આવી પડતો, જેઓને કાળા રંગ માટે સ્હેજે

સહાનુભૂતી ન હોય. લોકોના તિરસ્કારને કેમ સહી લેવો તે અંગે તે રીઢો થઈ ગયો

હતો. જો કે તેને કયારેક થતું કે પોતાના કરતાં ગધેડો પણ વધારે નસીબદાર હતો કારણ

કે તેને શારીરિક મારની જ ખબર પડતી. આત્માના ઘાનો સ્પર્શ ન થતો. પોતાનું

દુર્ભાગ્ય કંઈ ઓછું હતું કે જેને પોતાની જન્મતારીખ કે સાલની ખબર ન હતી. માનું મોં

જોવા મળ્યું ન હતું અને અધૂરામાં પૂરું પોતાનાં વહાલાં ભાઈબહેન પણ ગુમાવ્યા હતાં.

મનમાં વિષાદનો ભાવ ઘેરાતો ત્યારે આવા બધા વિચારો ઊભરાઈ આવતાં.

તેની અનાથતાના કેટલાક લાભ હતા. તે સંપૂર્ણપણે સ્વાશ્રયી અને સ્વાવલંબી

બની રહ્યો હતો. કોઈ તેને કંઈ મફત આપે તે લેવાનું તે કદી ન સ્વીકારતો . કામનું

વધારે વળતર પણ તે કદી ન સ્વીકારતો. વધારે આપનાર દયાળુ ગણાય પણ તે લેવામાં

વિવેક ન ગણાય તેમ તે માનતો.

પહેલા શિયાળાની અસહ્ય ટાઢમાં તે ભૂખે અને ટાઢે મરી કેમ ન ગયો તે જ તેને મન

કોયડો હતો.! પણ તે જીવ્યો અને શિયાળો પૂરો થયો. ને વસંત ઋતુ આવી પહોંચી.

તે દિવસોમાં હબસી છોકરાઓ માટેની બધી શાળાઓમાં વસંતની શરૂઆતમાં

જ રજાઓ પડી જતી. જેથી બધાં બાળકો વાવણીમાં મદદ કરી શકે.

રજાઓ પડે એટલે શું કરવું તે જયૉર્જે નક્કી કરી રાખ્યું હતું. તે ધ્યાન દઈને

ભણતો, પણ હજી બીજા છોકરાંઓ તેની સાથે ભળતાં નહીં અને શિક્ષક પણ તેની

અવગણના કરતા. તે પોતે હવે હર્મન જેગરનું આપેલું અમૂલ્ય પુસ્તક વાંચી શકશે તે

આશાએ જ તેણે કંઈ કેટલાયે કઠિન દિવસો વિતાવ્યા હતા. રજા પડી તેનું દુઃખ ન થાય

તે સ્વાભાવિક છે.

વહેલી સવારે હર્મન જેગરની વાડી તરફ તેણે પગ ઉપાડયા. તેને ખાતરી હતી કે

ત્યાં પોતાને મનગમતું કામ મળી રહેશે.શાળાના દિવસો દરમ્યાન ઘણીયે વાર તેને પેલી

હરિયાળી ટેકરીઓ પર ભાગી આવવાનું મન થયું હતું. પણ વાડી ઘણી દૂર હતી. અને

કામ કર્યા વગર તેને ચાલે તેમ ન હતું. હવે દિવસો સુધી પોતે હર્મન જેગરના સહવાસમાં

રહી શકશે તે વિચારે જ તેનામાં નવી સ્ફુર્તિ અને પ્રેરણાનો સંચાર થયો હતો.

વાડીની નજીક પહોંચતાં સફેદ મકાન દેખાયું. તેને આનંદમાં લલકારવાનું મન

થઈ આવ્યું. તે દોડયો. કાચના ઘર નજીક આવતાં તે એકદમ થંભી ગયો, કોઈક અજાણી

વ્યકિત ત્યાં ઊભી હતી. તેણે પૂછયું, ‘કેમ છોકરા! શું જોઈએ છે ?’

શું કહેવું તે જયૉર્જને કંઈ સમજાયું નહિ. પેલાએ ફરી પૂછયું, ‘શું જોઈએ છે ?’

જયૉર્જ હાંફળોફાંફળો જવાબ આપવા મથી રહ્યો. પેલાને થયું કે આ કોઈક

ચસકેલ લાગે છે. કેટલીય વાર પછી તેણે ટૂંકામાં જવાબ આપ્યોઃ ‘ હું વાડીના માલિક

હર્મન જેગરને મળવા આવ્યો છું.’

‘કોણ માંજેગર?’ ના, ના, તે તો ગુજરી ગયા.’

જયૉર્જને માથે વીજળી પડી. ઘડીભર તો તેને સાચું માન્યામાં ન આવ્યું. શિયાળાની

સખત ઠંડીમાં મોં જેગર મૃત્યુ પામ્યા હતા. હવે આ બધી વાડીની માલિકી કોઈ બીજાની

હતી.

જયૉર્જ હતાશ હૃદયે પાછો ફર્યો. કેવી રીતે ઘર ભેગો થયો તે તો તેનો પ્રભુ જ

જાણતો હતો. તેની વ્યથાનો પાર ન હતો.

તબેલામાં એક સવારે કોઈનો પગ તેના પડખામાં વાગતાં તે એકદમ જાગી

ગયો. તે પકડાઈ ગયો હતો. તેને થયું કે હવે આ માલિક મારું છોડિયું ઉતારી નાંખશે.

તે ખૂબ થાકેલો હતો. અતિશય ભૂખ્યો હતો અને તેની નિરાશાનો પાર ન હતો. તેનાથી

રડી પડાયું. ધ્રુસ્કે ધ્રુસ્કે તે રડવા લાગ્યો.

પેલા માણસે નીચા નમી ધીમે ધીમે તેને થાબડતાં કહ્યું‘છાનો રહે ભાઈ, છાનો

રહે, હું તને નહિં મારું. વાત તો કર. તું કોણ છે ? અહીં કેમ પડયો હતો?.... કંઈ કહે

તો ખરો !’

માંડ માંડ ધ્રુસ્કાં દબાવીને જયૉર્જે કંઈક કહ્યું.

પેલો કહેઃ‘કંઈ વાંધો નહિ. ચાલ મારી સાથે.’તેના અવાજમાં સચ્ચાઈનો રણકો

હતો. ડૂસકાં ખાતો ખાતો જયૉર્જ પાછળ ચાલ્યો.

થોડી વાર પછી જયૉર્જ એક સ્વચ્છ મેજ ઉપર ભોજન લઈ રહ્યો હતો. ઘણા

મહિના પછી તેને ઘર જેવું ભોજન મળ્યું હતું. બંન્ને પતિ પત્ની પાસે ઊભા ઊભા વાતો

કરી રહ્યાં હતા. અને જયૉર્જને પ્રેમથી પીરસી રહ્યા હતા. સ્ત્રી બોલી ઊઠી, ‘બિચારો

ભૂખે કેવો લેવાઈ ગયો છે!’

જમી રહ્યા પછી તેમણે તેને એક નાની ખાટલી બતાવી. સૂતાવેંત જયૉર્જ ઘસઘસાટ

ઊંઘી ગયો.

પાછળનું છાપરું ખાલી કરીને સ્વચ્છ કરવામાં આવ્યું. તેમાં એક નાની ખાટલી

અને પુસ્તકો રાખવા એક નાનું મેજ મૂકવામાં આવ્યું. આ બધું પોતાના માટે છે તેવું

જયૉર્જે જાણ્યું ત્યારે આનંદથી તેનું હૃદય છલકાઈ ગયું. ખૂબ ચોળી ચોળીને તે નાહ્યો.

તેનાં જૂનાં કપડાં બાળી નાખવામાં આવ્યાં હતાં. તેની જગ્યાએ જોન માર્ટીનનાં કપડાં

ધોઈને તેને પહેરવા માટે આપવામાં આવ્યાં હતાં. જયૉર્જને મન તો આ રાજકુંવર

કરતાંયે સવાયું સુખ હતું.

રાત્રે ગપાટા મારવા બેઠાં હતા, ત્યારે પોતાના વિષે જે કંઈ જાણતો હતો તે બધું

કહ્યું. ન કહ્યું માત્ર હર્મન જેગર વિષે કે તેના પુસ્તક વિષે.

બીજે દિવસે સવારે માર્ટિન દંપતીના વિસ્મયનો પાર ન હતો. મિ. માર્ટિનને

દરરોજ સવારે સાત વાગ્યે કામ પર ચડી જવાનું રહેતું. તે એક આટા મીલમાં કામ

કરતા. સવારે વહેલા ઊઠીને ચૂલો ચેતવવાનું કામ તે જ કરતા. તે કપડાં પહેરીને તૈયાર

થાય ત્યાં સુધીમાં મિસિસ માર્ટીન નાસ્તો તૈયાર કરી મૂકતી. આજે સવારે તે ઊઠે તે

પહેલાં જ તેને ગરમાગરમ બ્રેડ અને લહેજદાર કૉફીની સુવાસ આવી! તેને થયું કે આ

તો સ્વપ્ન હોવું જોઈએ. પણ નહિ. ફરી એ જ મધુર સુવાસ આવી. તેણે ફરી સૂંઘી જોયું.

તેમાં કંઈ ભૂલ હતી જ નહિ અને આ તો કંઈક તળવાનો અવાજ પણ આવ્યો.

છલાંગ મારીને તે ખાટલા પરથી ઊભા થઈ ગયા. રસોડામાં જાય ત્યાં તો જયૉર્જે

ઝીણું ઝીણું ગણગણતો પોતાના કામમાં મસ્ત હતો.

‘નમસ્તે’ તેણે હર્ષિત સ્વરે કહ્યુ.

મિં માર્ટિન તો ફાટી આંખે જોઈ જ રહ્યા.

ગરમ બ્રેડ એક થાળમાં પડી હતી. કૉફીનું પાણી ઉકાળીને તપેલી ઢાંકી હતી.

બીજી બાજુ દૂધ ગરમ થતું હતું.

‘અરે! તું રાંધતા કયારે શીખ્યો ?’

‘સુઝન કાર્વર સાથે હું ઘણી વાર રાંધતો. મને ઘણું રાંધતા આવડે છે. જુઓ.’

‘મને કપડાં ધોતાં પણ આવડે છે.!’ ધીમેથી તેણે ઉમેર્યું. મેલા કપડાં કાઢી આપવા

કહ્યું. ઢગલો જોઈ જયૉર્જ સહેજ નિરાશ થયો. જોઈએ તેવડો ઢગ ન હતો. કપડાં બહુ

ગંદા ન હતાં. ઘડીક વારમાં તો દોરીએ બગલાની પાંખ જેવાં કપડાં સૂકાવા લાગ્યા!

જયૉર્જની આવડતથી માર્ટીન દંપત્તિ ખુશ હતા. ત્રણેયને માટે નવા જ જીવનનું પ્રભાત

જાણે ફૂટયું હતું.

છેવટે દરરોજ સવારે નાસ્તાના કામમાં મદદ કરીને તે બહાર નીકળી જતો.

ગામમાં ખૂણેખૂણો ફરી વળતો અને મળે તે કામ કરતો. હવે તેને પૂરો ખોરાક મળતો

હતો. તે સુખી અને સલામત હતો. ગામમાં પણ તેની માંગ વધતી જતી હતી.તેને કોઈ

જાકારો આપતું નહિ.

તે લોકોથી ગભરાતો નહિ. તેણે ઘણા મિત્રો પણ બનાવ્યા હતા. કાર્વર કરતાં

માર્ટીનનો સ્વભાવ તદ્‌ન ભિન્ન હતો. પ્રશ્નો પૂછી પૂછીને, જયૉર્જ પાસે વાતો કરાવવામાં

તે કુશળ હતો.

‘છોકરો હરણાં જેવો ચપળ છે પણ મને તેની થોડીક ચિંતા થાય છે. તે કોઈ

કાળા લોકોના સહવાસમાં આવ્યો નથી અને કદી રમવાયે જતો નથી. વગર ઉંમરે

તેનામાં પીઢતા આવી જશે.’ જોન માર્ટીન તેની પત્નીને કહી રહ્યો હતો.

મિસિસ માર્ટીન થોડીવાર વિચાર કરીને કહ્યું,‘અહીં નજીકમાં એક કાળા લોકોનું

મોટું દેવળ છે. એકાદ રવિવાર તેને ત્યાં લઈ જાઓ તો કેમ ?

‘હા, તે જાતે જ ત્યાં જાય તેવું કરીએ. ત્યાં તેના જેવડા છોકરાઓ સાથે તે

ભળતો થશે તો ફેર પડશે.’

તે જ રાત્રે વાળુ પછી મિસિસ માર્ટીને કહ્યું, ‘જયૉર્જ, રવિવારે તને દેવળ

જવાનું ન ગમે ?’

જયૉર્જ ઓસરીની પાળ પર બેઠોબેઠો ,ચપ્પુથી લાકડું ખોતરી રહ્યો હતો. તેણે

પૂછયું,‘દેવળમાં ?ત્યાં શું કરે ?’

‘દેવળ એટલે ભગવાનનું ઘર, જયૉર્જ!’ભાવુકતાથી મિસિસ માર્ટીને કહ્યું.

‘ભગવાન કદી ઘરમાં પુરાતો હશે ? આખું વિશ્વ જ ઈશ્વરનું મંદિર છે.’ જયૉર્જે

નમ્રતાથી પણ મક્કમ સ્વરે જવાબ આપ્યો.

મિ.માર્ટીનને આ વાર્તાલાપમાં રસ પડયો. તેમણે કહ્યું ‘પણ તેની ભકિત કરવા

લોકો દેવળમાં જ જાય છે.’

‘એવું શા માટે ? દેવળ કરતાં તો જંગલ સારું’

ક્ષણભર શાંતિ પથરાઈ ગઈ. મિ.માર્ટીને ધીમે કહ્યું, પણ મને લાગે છે કે તને

ત્યાં ગમશે,ઘણા લોકો સાથે હળાશે, મળાશે અને ત્યાંનું મધુર સંગીત, ભજનો તે બધું

તને ગમશે.’

જયૉર્જ તેની સામે જોઈ હસ્યો, ‘હું ત્યાં જાંઉ તેવું તમે ઈચ્છો છો ?’

‘મને લાગે છે કે તને ત્યાં ગોઠશે, અને એમ પણ લાગે છે કે એમાં તારું ભલું છે.’

બીજે રવિવારે બરાબર તૈયાર થઈને જયૉર્જ દેવળમાં ગયો. પહેલાં તો અંદર જતાં

તે અચકાયો. તે બધા કાળા લોકો તેને માટે અજાણ્યા ન હતા. પણ તેમનાં ધોળાં દૂધ જેવાં

ઇસ્ત્રીબંધ કપડાં જોઈને તેને સહેજ નવાઈ લાગી. પોતાના ઢંગની બહુ પડી ન હતી, એટલે

સરકીને તે એક પાછલી બેઠક પર બેસી ગયો. સંગીત શરૂ થયું. તે એમાં લીન થઈ ગયો.

એકચિત્તે તેણે સાંભળ્યા કર્યું. પણ પછી વ્યાખ્યાનમાં તે કંટાળી ગયો. તે પછી ઘણા લોકોએ

તેની સાથે ભળવાનો પ્રયત્ન કર્યો તેમાં પણ તેને કંઈ મજા ન આવી. ત્યાં આંટ મારીઆ

તેની પાસે આવ્યાં. બધાં તેમની તરફ આદર અને પ્રેમથી જોતાં હતાં તે સ્પષ્ટ દેખાતું હતું.

તેમણે મીઠાશથી જયૉર્જને પૂછયું : ‘બેટા! તું એકલો જ છે ?’

‘હા...મે...મ....! ’ જયૉર્જ અચકાતાં અચકાતાં કહી નાખ્યું.

‘વાધો નહિ ભઈલા, હજાર હાથવાળો બેઠો છે ત્યાં સુધી એકલાં શાનાં ? ’

કહેતાં કહેતાં આન્ટ મારીઆ દૂર નીકળી ગયા.

જયૉર્જ તેમની પાછળ જોઈ રહ્યો. તેની માયાળુ નજર તે વિસરી ન શકયો. તેની

ગોદમાં આળોટી પડવાનું મન થયું. તેને પોતાની મા યાદ આવી. કેવી હશે એ ? આવી

જ સ્નેહાળ નહિ હોય શું ?

વસંતના આગમન સુધીમાં અણધારી આફત આવી પડી. આટામીલ બંધ થઈ

ગઈ. મિ. માર્ટીનને કંઈ કામ ન રહ્યું.

કેલિફોર્નિયા આવીને પોતાના ધંધામાં સાથે જોડાવાની તેવી એક ખાસ ઈચ્છા

માર્ટીનના કાકાની હતી. અહીં બીજા કામની કંઈ શકયતા ન લાગી એટલે છેવટે તેમણે

કેલિફોર્નિયા જવાનું નક્કી કર્યું.

માર્ટીન દંપતી એક પડોશીને ત્યાં તેના રહેવાની સગવડ કરી ગયાં હતાં.પણ

આ સ્નેહાળ પતિ-પત્નીના મીઠા સહવાસનાં સંસ્મરણોથી તેનું હૃદય ભરાઈ આવ્યું .

તે કયાંય સુધી પાછળ મીટ માંડી રહ્યો. તેનાં સ્વજનો દૂર દૂર જઈ રહ્યા હતા.

આન્ટ મારીઆ કયારે પોતાની પાસે આવીને ઊભા રહ્યાં તેની પણ તેને ખબર

ન હતી.

‘હું તને ઘરે લઈ જવા આવી છું.’ આન્ટ મારીઓએ સીધી જ વાત શરૂ કરી.

જેમને ત્યાં પોતાને રહેવાનું નક્કી કર્યું હતું તેમના ઘર તરફ આંગળી ચીંધતા

જયૉર્જે કહ્યું, ‘તેમણે મને....તેમને મને ત્યાં.....’

‘હા,હા, એ બધી મને ખબર છે. પણ તારે મારે ત્યાં જ આવવાનું છે. ’ મક્કમ સ્વરે

તેમણે કહી દીધું. અને જયૉર્જની બધી વસ્તુઓ એક પછી એક લેવા માંડી.આન્ટ મારીઆને તે

દેવળમાં પહેલી વખત મળ્યો ત્યારે જ તેમના સ્નેહબંધનમાં તે જકડાયો હતો. જાણે તેની

ખોવાઈ ગયેલી મા પાછી ફરી હતી. તેમની વાત તે અવગણી શકયો નહિ.

મિસિસ માર્ટીન બહુ સંભાળપૂર્વક તેને માટે થોડું ખાવાનું મૂકી ગયા હતાઃ પાંઉનો

એક ટુકડો,બાફેલા બટાકા, સફરજન અને ઈંડા.

પોતાની બધી વસ્તુઓ એક થેલામાં ભરીને આન્ટ મારીઆની પાછળ તે ચાલી

નીકળ્યો.

નિશાળની પાછળ આવેલા નાનકડા ઘર પાસે આવતાં જ આન્ટ મારીઆની

સુઘડતા અને વ્યવસ્થા દેખાઈ આવ્યાં. ઘરમાં એક એક વસ્તુ તેની જગ્યાએ સરસ રીતે

ગોઠવેલી હતી. ઘરમાં જ નહિ, ફળિયામાં પણ કયાંય એક તણખલું નજરે ન ચડે.

ઘરમાં એક બાજુ પાટલી પર પોતાના સાધનો સરસ રીતેગોઠવેલા હતાં.

આવા એક વત્સલ ઘરમાં જયૉર્જને હૂંફાળો આશ્રય મળ્યો. સાંજે એન્ડ્રીકાકાનો

પરિચય થયો.શાંત અને નમ્ર. ભગવાનના ઘરનું માણસ હતા, ને એક જ દુઃખ હતું

તેમનું, તે દારૂ પીતા અને એટલે કોઈ કામમાં સ્થિર ટકી શકતા નહિ, તેથી ઘરનો બધો

ભાર આન્ટ ઉપર જ હતો. આન્ટ મારીઆ બીજાંના કપડાં ધોવાનું કામ પણ કરતી.

દરરોજ સૂર્ય ડૂબે તે પહેલાં આન્ટ અને એન્ડ્રીકાકા ફળિયામાં આરામખુરશી

નાખીંને બેસતાં અને એન્ડ્રીકાકા બાઈબલમાંથી થોડું વાંચી સંભળાવતા. જયૉર્જ આવ્યા

પછી તે ફરજ તેના પર આવી પડી. શરુઆતમાં થોથવાયો, ગભરાયો પણ પછી

ટેવાઈ ગયો. એવું તો સરસ તે વાંચતો કે આજુબાજુથી લોકો તે સાંભળવા ઊભા

રહેતા.

‘તું સારો ઉપદેશક થઈ શકશે, હોં, જયૉર્જ.’આન્ટ મારીઆ આનંદમાં આવી

જઈ કહેતાં.

‘ઉપદેશક!’જયૉર્જનું મોં બગડી જતું.‘તો શિક્ષક થઈશ ?’ એન્ડ્રીકાકા કહેતા. ‘

ઉપદેશક કે શિક્ષક-કંઈક તો જરૂર થશે’.

આમ આનંદમાં દિવસો વીતવા લાગ્યા. સાંકડી જગ્યામાં ત્રણે જણ કેવી રીતે

સુઘડતાથી રહેવું તેની જીવંત તાલીમ જયૉર્જને મળવા લાગી. ગરીબાઈમાં પણ આશા,

શ્રદ્ધા અને પ્રેમથી જીવન કેવું સંવાદી અને સભર બની શકે તેનો અનુભવ અહીં થયો.

અહીંની શાળાનો અભ્યાસ જયૉર્જે પૂરો કરી નાખ્યો હતો. તેના પ્રશ્નોના ઉત્તર

આપવા શિક્ષક હવે અસમર્થ હતા. હવે તેણે કયાંક બીજે જવું જોઈએ. તેમ તેને લાગવા

માંડયું. તેણે કાન્સાસ અંગે પૂછપરછ કરવા માંડી.

કાન્સાસમાં પહેલેથી જ ગુલામી નાબૂદી થઈ હતી. તેથી તેની ઘણીયે આકર્ષક

વાતો કાને પડી. ત્યાં જવાનું તેણે મનથી નક્કી કરી નાખ્યું. હજી તો તેણે ‘ઘણું શીખીને

ઘણું વાંચવાનું હતું.’ હર્મન જેગરના આ શબ્દો તેના અંતરમાંથી દૂર ખસતા નહિ. તેણે

જવું જ જોઈએ.

મીસુરી પ્રાંતથી પાંચ માઈલ પશ્ચિમે આવેલા ‘ફોર્ટ સ્કુલ’ તરફ જયૉર્જ ચાલી

નીકળ્યો.

તે હજુ ઘણો દૂબળોપાતળો જ હતો.પણ હવે તેના પગ ઠીક ખડતલ થયા હતા.

તે લખી- વાંચી જાણતો અને આત્મવિશ્વાસ પણ સારો કેળવ્યો હતો. તેની પાસે વ્યવસ્થિત

રીતે બાંધેલું સામાનનું પોટકું હતું. મારીઆ આન્ટે કરી આપેલું નવુંનકોર બાઈબલ....

વિદાય વેળાની આન્ટ મારીઆની સ્નેહભીની ભેટ.

બેચાર માઈલનો પંથ કાપ્યા પછી તેને એક ખચ્ચરગાડી મળી ગઈ, હાંકનાર

ઓળખાતો હતો. તેણે આગ્રહ કરીને જયૉર્જને અંદર બેસાડયો.

વીલ્ડર ભોજનગૃહની સામે મુખ્ય રસ્તા પર અવરજવરનો પાર ન હતો.

આજુબાજુનાં ગામડાંમાંથી આવતાં ગાડાં અહીં પોરો ખાવા થોભતાં. અહીં જ કાન્સાસ

શહેરનાં સિગરામ ઊભાં રહેતા. ફોર્ટ સ્કૉટના આ લત્તામાં જ જયૉર્જને કામ મળી ગયું.

એક મોટા ભોજનગૃહના પછવાડેના ભાગમાં જયૉર્જનો ધીકતો ધંધો ચાલતો.

આમ તો તેણે ભોજનગૃહમાં રસોઈ કરનાર બાઈના મદદનીશ તરીકે કામ શરુ કર્યું

હતું. તેમાં તે એવો કાબેલ નીવડયો કે ઘડીક વારમાં તો તેનું કામ પૂરું થઈ જતું. તેમાંથી

તેને સૂઝયું. દરરોજ અનેક મુસાફરો ત્યાં આવતા જતા. મુસાફરીના થાક પછી કોઈ

કપડાં ધોઈ દેનાર મળે તો ઘણી રાહત રહે.

મનમાં સૂઝયું કે તરત જ જયૉર્જના હાથ કામે વળગી જતા. જોતજોતામાં

ભોજનગૃહના પાછળના ભાગમાં ધોબીનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. તેન લીધે

ભોજનગૃહને પણ ઘણો લાભ થતો એટલે તે લોકો પણ જયૉર્જને બધી રીતે અનુકૂળ

રહેતા.

રસોયણ બાઈ તો તેની ખૂબ કાળજી રાખતી. વહેલી સવારે ઊઠીને જયૉર્જ તેને

માટે ચૂલા સાફ કરી લીપીને સળગાવી દેતો. અવારનવાર ભોજનગૃહમાં જમનાર

સંખ્યાનો ધસારો હોય ત્યારે જયૉર્જ અચૂક મદદે દોડી જતો.

‘આટલું કામ ઢસડે છે છતાં પૂરું ખાતો નથી. તારું શરીર તો જો ?’ આગ્રહ

કરીને રસોયણ તેને જમાડતી.

તેર વર્ષ ગટકાવી ગયો છતાં જયૉર્જની ઉંચાઈ ખાસ વધી ન હતી. અભરાઈએ

પહોંચવા તેને હંમેશા સ્ટૂલ લેવું પડતું.

રજાઓ પૂરી થઈ અને જયારે પહેલી જ વાર ‘ફાર્ટ સ્કોટની ’શાળામાં તે ગયો

ત્યારે ત્યાંનાં શિક્ષક તો તેને ઓળખતા હતા. કેટલાંયે છોકરાંઓના મા-બાપે તેને કામ

આપ્યું હતું.

શાળાના વિશાળ મકાનમાં કઈ તરફ જવું તે મૂંઝવણ અનુભવતો જયૉર્જ ખંડના

એક ખૂણામાં ઊભો હતો.

‘તું શાળામાં દાખલ થવા આવ્યો છો?’ જયૉર્જની મૂંઝવણને પારખી સ્નેહપુર્વક

હસીને એક બહેને પૂછયું. તેણે પોતે શાળામાં દાખલ થવા આવતાં આવાં ઘણાંય શરમાતાં

છોકરાંઓ જોયાં હતા.

શરૂઆતમાં તો તેને કયા વર્ગમાં દાખલ કરવો તે કોયડારૂપ થયું હતું. તેને વાંચતા

સારું આવડતું પણ લખતાં તો મુદ્દલ ન આવડતું. ગણિત બહુ ઓછું આવડતું પણ

ઝડપથી શીખી શકતો. પણ ઈતિહાસ-ભૂગોળમાં દિનદિશાનું ભાન ન પડતું અને

કુદરતના જ્ઞાનમાં તે શિક્ષકને પણ ભણાવી શકતો!

પણ આ શાળામાં તેને સારું ગોઠી ગયું. પળેપળનો તે ઉપયોગ કરતો. જે કોઈ

પુસ્તક હાથ પડે તેનો અક્ષરેઅક્ષર તે એકાગ્રચિત્તે વાંચી જતો. તેના શિક્ષકો તેને

જોઈએએટલાં પુસ્તકો આપતાં, ભોજનગૃહમાંથી છાપાં મળી રહેતાં, મુસાફરો પાસેથી

વિવિધ વાતોની લહાણ મતી. બધું તે વાંચતો, સાંભળતો અને કશુંય ભૂલી ન જતો.

તેની સ્મૃતિ તેજ હતી.

હા! એક દુઃખ તેને હતું. તેને જંગલ અને જંગલના તેના મિત્રો વારેવારે યાદ

આવતા. એકાદ ફૂલ કે છોડ માટે તે ઝંખતો. પણ કામ અને શાળામાંથી માથું ઊંચું

કરવાનીય ફુરસદ રહેતી નહિ! પ્રકૃતિને માણવાની ઝંખના તીવ્ર ઊઠતી ત્યારે તે કાગળ

પર તેની આકૃતિઓ દોરવા લાગી પડતો. સરસ ઘટાદાર વૃક્ષો, ખળખળ વહેતાં ઝરણાં,

સસલાં, ખિસકોલી અને ફૂલો એક પછી એક ચિત્રોમાં તેનાં અંતરની ઝંખના આલેખાતી.

આમાંથી એક દિવસ વર્ગમાં ભારે થઈ. શિક્ષકે કડક સ્વરે પૂછયું,‘જયૉર્જ, શું

ચાલી રહ્યું છે ?’

જયૉર્જ વર્ગમાં ધ્યાન આપતો ન હતો તે શિક્ષકની નજરમાં આવ્યું હતું. વગર

બોલાવ્યે જ તેનું ધ્યાન ખેંચવા શિક્ષકે પ્રયત્ન કરી જોયો, પણ જયૉર્જ તો ઊંધું ઘાલીને

કાગળ પર પેન્સિલ ઘસડી રહ્યો હતો.

શિક્ષકને મોઢે પોતાનું નામ સાંભળતાં જ જયૉર્જ ચમકી ગયો હતો.

‘પેલા કાગળમાં શું છે ?’ શિક્ષકે પૂછયું.

જયૉર્જને થયું : મારી નાખ્યા! હવે બધું છતું થઈ જશે.

‘તે કાગળ અહીં લાવ.’ ફરી અવાજ આવ્યો. યંત્રવત જયૉર્જે કાગળ શિક્ષકના

હાથમાં મૂકયો. શિક્ષકે બારીકાઈથી તે નિહાળ્યો.

‘આ ટેકરીઓ તેં કયાં જોઈ હતી ?’ તેણે જવાબ આપવા મથામણ કરી પણ તેનો

અવાજ ગળામાં જ સમાઈ ગયો. શિક્ષકે ધીરજ રાખી. તેનો ગભરાટ ઓછો થવા

દીધો. છેવટે તેણે સ્થળની વાત કરી.

શિક્ષકે ધીમે રહીને કહ્યું, ‘શાળા પૂરી થયા પછી તું થોડી વાર થોભજે.’

જયૉર્જ અને બધાંને લાગ્યું કે તેને હવે સજા થશે.

ઘંટ વાગ્યા પછી તરત જ શિક્ષકે તેની પાસે ગયા. અને બીજા ચિત્રો હોય તો

બતાવવા કહ્યું. જયૉર્જે બીજા કેટલાક બતાવ્યાં. તેને થયું કે આ બધાં ચિત્રો તે લઈ લેશે

પણ શિક્ષકે એમ ન કર્યું. ચિત્રો બધાં બરાબર જોઈ લીધાં અને પછી તે પાછાં આપ્યાં

અને કહ્યુ,‘તારે મિસ લાંગના ચિત્રવર્ગમાં જવું જોઈએ. હું તેમને વાત કરીશ.’

જયૉર્જ હસ્યો. તેના ચિત્રો પસંદ પડ્યા હતાં તેમ તેને ખાતરી થઈ. તેણે ઉત્સાહમાં

આવી જઈ કહ્યું, ‘મારી પાસે બીજાં પણ થોડાં છે.’

‘એમ?ત્યારે કાલે બધાં સાથે લઈને આવજે.’

અને થોડા દિવસમાં તો જયૉર્જ મિસ લોંગનો પ્રિય શિષ્ય થઈ પડયો.! ક્રિસમસની

રજા વખતે તેમણે તેને એક રંગપેટી અને પીંછીં ભેટ આપ્યાં ત્યારે તો તેના આનંદનો

પાર ન રહ્યો.

જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં. જયૉર્જ હવે છેલ્લા ધોરણમાં હતો. અને

વર્ષાન્ત પરીક્ષા પછીની રજાઓ નજીકમાં જ હતી. પછી શું કરવું તે કોયડો હતો.

રજાઓ દરમિયાન આજુબાજુના પ્રદેશ જોઈ આવવાનું તેને મન થયું.તેને પર્વતો

જોવા હતા. તેને સથવારો પણ મળી રહ્યો. ન્યૂ મેકિસકોનો પ્રદેશ તેને ગમી ગયો.

રણપ્રદેશનાં ફૂલો નીરખવા પાછળ તે ઘણા કલાક ગાળતો. કામની નિશ્ચિંતતા અને

ખૂલી હવાએ તેના શરીર-વિકાસમાં અદભૂત કામ કર્યું.

એક સાંજે તેણ તદ્દન નવી જાતનો છોડ જોયો, તે મોટો હતો અને જાણે રેતીમાંથી

જ ફૂટી નીકળતો હોય તેવું લાગનું હતું. તરત જ સાથેની ટોપલી પર ઢાંકેલો કાગળ

કાઢી દોરવા મંડી પડયો. (વર્ષો પછી આ છોડનું કરેલું ચિત્ર ચિકાગોમાં ભરાયેલા

દુનિયાભરના ચિત્ર-પ્રદર્શનમાં ખ્યાતનામ થયું.)

શિયાળાની શરૂઆત થઈ એટલે તરત જ જયૉર્જ કાન્સાસ તરફ પાછો કર્યો.

કાન્સાસના એક ગામમાં તે રોકાયો, એક હજામની દુકાનમાં તેને તે દિવસ પૂરતું

કામ અને રાતવાસો મળી ગયાં. બીજે દિવસે સવારે તે નહાવા ગયો. દિવસોની મુસાફરીનો

મેલ ઘસીને કાઢયો. ખૂબ લહેરથી તે કલાકો સુધી પાણીમાં પડી રહ્યો, પણ પછી પેટ કહે

મારું કામ.

ક્યાં જમવું તે જરા ચિંતા જેવું હતું. પૈસા હોય તો પણ અહીં બધે જમી શકાય

તેવું ન હતું. કાળા લોકો માટે સૂગ છે કે નહિ તે પૂછવાનું તે ભૂલી ગયો હતો. તેણે ગામ

તરફ ટૂંકો રસ્તો પકડયો. એક ખૂણા આગળથી વળતાં તે એકદમ થંભી ગયો. તેની

ભૂખ ભાગી ગઈ.

ઘણે દિવસે એક રળિયામણો બગીચો તેને નજરે પડયો હતો. જાણે ફૂલો તેને

સાદ કરી રહ્યાં હતાં.કોઈના બગીચામાં એમ ન ઘૂસી શકાય તેની તેને જાણ હતી, છતાં

તેના પગ રોકયા ન રહ્યા. તે વાંકો વળી વળીને ફૂલવેલો તપાસી રહ્યો હતો ત્યાં ઘરની

માલિક આવી પહોંચી.

જયૉર્જે તો તરત કહેવા માંડયું : અમુક વેલને કાપવાની જરૂર છે, કોઈને ખાતરની

જરૂર છે, કોઈને ફરી રોપવાની.આમ બધી સૂચના આપતાં આપતાં તેણે માવજત પણ

શરૂ કરી દીધી.

આંટ લુસી સીમોર આ છોકરાના જ્ઞાન પર ફિદા થઈ ગયાં. તેઓ વર્જીનિયાના

એક શ્રીમંત કુટુંબના ફરજંદ હતા.

જયૉર્જને તેમણે પોતાને ત્યાં રાખી લીધો. ધીમે ધીમે જયૉર્જ પર તેમની વત્સલતા

ઢોળતી ગઈ. જયૉર્જ પણ બોજારૂપ થાય તેવો ઓછો હતો ? તે શાળાએ જતો. સાંજના

અને શનિવારે પેલા હજામની દુકાનમાં કામ કરવા જતો અને છતાં આંટ લુસીના

બગીચાની પૂરી સંભાળ રાખવાનો સમય પણ તેને મળીરહેતો.

સીમોર દંપતી મીનાપોલીસે રહેવા ગયાં ત્યારે જયૉર્જ પણ સાથે ગયો. ત્યાંની

શાળાઓ અહીંના કરતાં વધારે સારી હતી. માધ્યમિક શાળાનો અભ્યાસ જયૉર્જે અહીં

જ પૂરો કર્યો. આ દિવસો દરમ્યાન તેને તેના ભાઈના સમાચાર મળેલા. તે શીતળામાં

મૃત્યુ પામ્યો હતો. કોઈક દિવસ પણ પોતાનો ભાઈ મળશે તે આશા આમ એકાએક

ભાંગી ગઈ. ગુલામી નાબુદીના જુવાળમાં આ બંને ભાઈઓ કેવા ફંગોળાયા હતા!

ગુલામી નાબુદીના જુવાળમાં નહોતાં મા-બાપ, નહોતું ઘર કે નહોતું સગાંવહાલાં.

એમાંનું એક તો ત્યાં જ પછડાઈને ભાંગી ગયું. બીજાએ પહાડ સમાં આકરાં ચઢાણ

માંડયાં હતાં.

જયૉર્જ કૉલેજમાં જઈ રહ્યો હતો. હાઈલેન્ડ યુનિવર્સિટી તરફથી જે જાહેરાતો

આવી હતી તેને લીધે તેણે આશાના મિનારા રચ્યા હતા. હાઈલેન્ડ કાન્સાસની એક

નાની કૉલેજ હતી. તેના પરિપત્રમાં એમ હતું કે તે કોઈ પણ યુવક-યુવતીને ગમે તે

વિષયનો ઉચ્ચ અભ્યાસ કરાવવા તૈયાર છે.

સીમોરકાકાની પ્રેરણાથી જયૉર્જે તે અંગે અરજીપત્ર ભરીને રવાના કર્યું હતું.

થોડા જ સમયમાં જવાબ મળી ગયો. જયૉર્જના આનંદનો પાર ન હતો. તેને દાખલ

કર્યો હતો એટલું જ નહિં, પણ પૂરી શિષ્યવૃત્તિ સાથે.

મહામાત્રના ઓરડામાં દાખલ થતાં તે અંજાઈ ગયો. ઓરડામાં ચારે તરફ ગોઠવેલાં

કબાટોમાં ચોપડીઓ, અને વચ્ચે વ્યવસ્થિત મોટું મેજ, બધું ઊડીને આંખે વળગે તેવું

હતું. પણ મેજ પાસેની ખુરશી પર બેઠેલા માણસે જયૉર્જ સામે જોયું અને તેના મોઢા પર

જે ફેરફારો થયા તેણે જયૉર્જને ટાઢોબોળ કરી નાંખ્યો.

આશાની તેની બધી ઈમારતો ક્ષણવારમાં જ કકડભૂસ કરતી પડી ભાંગી.

મહામાત્રે કહ્યું, ‘માફ કરજો, કંઈક ગેરસમજ થઈ લાગે છે!’ ઠંડે કલેજે નીકળેલા

આ શબ્દોમાં ભારોભાર મક્કમતા હતી.

‘પણ...પણ આજે જ આવવાનું હતું...તમારો પત્ર...’જયૉર્જે પોતાને

ગૂંગળાવી રહેલી હતાશાને પ્રગટ ન કરવા બહુયે પ્રયત્ન કર્યો. પત્ર મુજબ તે બરાબર

પંદરમીએ હાજર થયો હતો. તેણે કાગળ રજૂ કર્યો.

મહામાત્ર પોતાની સહીના તે પત્ર તરફ એકીટસે જોઈ રહ્યા. પણ શંકા આવે

તેવું કયાં હતું? આ અરજી સાથે શાળાનું પ્રમાણપત્ર હતું અને માર્ક પણ કેવા ઉત્તમ

હતા! એ રાજયની ઉત્તમ શાળા ગણાતી. આ અરજી એક કાળા છોકરાની હશે તેવું

કલ્પનામાંયે કેમ આવે- મહામાત્રની મુંઝવણનો પાર ન હતો. ઉત્સુકતાના અગ્નિથી

ભરેલી આ કાળા છોકરાની નજર તેને માટે અસહ્ય થઈ પડી.

અકળાઈને તેણે કહ્યું, ‘તમે જાતે હબસી છો તેવી સ્પષ્ટતા અરજીપત્રમાં કરી

ન હતી.’

‘અરજીપત્રના બધા પ્રશ્નોના ઉત્તર મેં આપ્યા હતા, મને ખબર નહિ કે આવી

સ્પષ્ટતાની....’

‘હું ઘણો દિલગીર છું, પણ કાળા વિદ્યાર્થી માટે અહીં કોઈ પણ પ્રકારનો અવકાશ

નથી. મારી જાણ પ્રમાણે તો આ પહેલો જ પ્રસંગ છે જયારે કોઈ કાળા વિદ્યાર્થીએ

અરજી કરી હોય.’

જયૉર્જે ચૂપચાપ બારણા તરફ જવા માંડયું,‘અને તમારે વધારે ભણીને કરવાનું

શું ? મને લાગે છે કે તમે નિરર્થક સમય બગાડો છો. તમારા લોકોની સ્થિતિ જોતાં

માધ્યમિક શિક્ષણ તમે મેળવી શકયા તે ઘણું ઉત્તમ ગણાય. આથી વધારેની તમારે કાળા

લોકોની શી જરૂર....લાભ પણ શો ?’

જયૉર્જની ધીરજની હદ આવી ગઈ. તેણે પાછા ફરી મક્કમતાથી

કહ્યું,‘જ્ઞાનસાધનામાં રંગ આડે આવતો હશે તેવી મને ખબર નહિ અને જ્ઞાનનો ઈજારો

હોઈ શકે તે પણ આજે જ જાણ્યું.’ દરવાજો ધીમે રહીને બંધ કરતો તે બહાર નીકળી ગયો.

મેજ પર બેઠેલ વ્યકિત સ્તબ્ધ બનીને બેસી રહી. આ જ્ઞાનપિપાસુ છોકરાને

બોલાવી લેવા એનું અંતર તલપી રહ્યું, પણ તેનાથી તે ન થઈ શકયું.

પગથિયાં ઉતરીને જયોર્જ કૉલેજની બહાર નીકળ્યો ત્યાં સુધી તો તેણે જડવત

ચાલ્યા કર્યું. તેનું મગજ બહેર મારી ગયું હતું, પણ જેમ જેમ મન શાંત થતું ગયું તેમ

તેણે ચોપાસ નજર ફેરવવા માંડી. છાત્રાલયો, વિદ્યાર્થીઓ અને પુસ્તકભંડાર નજરે

પડતાં તેનાથી નિઃશ્વાસ નંખાઈ ગયો. આ બધા માટે તે અધિકારી ન હતો.

હવે શું કરવું ? તેણે તેની પાસે હતા તેટલા પૈસા કૉલેજમાં પહોંચવાની તૈયારીમાં

જ પૂરા કર્યા હતા. બધાને તેણે કહ્યું હતું કે પોતે પૂરી શિષ્યવૃત્તિ મેળવીને કોલેજમાં જઈ

રહ્યો છે.

પરંતુ પોતાની જાતની દયા ખાવાનું તે શીખ્યો જ ન હતો. તે કહેતો : ‘જે

પોતાની દયા ખાય છે તે પોતાનો જ નાશ નોતરે છે.’ જીવનને પહેલે પગથિયે જ તે

શીખ્યો હતો કે દરેક બંધ દ્વાર માટે બીજાં બે ખુલ્લાં દ્વાર હોય છે. કૉલેજનાં દ્વાર બંધ થયા

તો બીજો કોઈ માર્ગ શોધી કાઢવો રહ્યો. પાછા ફરવાનું માંડી વાળી તેણે ત્યાં જ કામ

મેળવી લીધું.

૧૮૮૬ની આ સાલ હતી. ખેતરો પર કામ કરતા જયૉર્જને ખબર પડી કે પશ્ચિમ

કાન્સાસમાં સરકાર મફત જમીન આપે છે. ખેડે તેની જમીન એ વિચાર તેને ગમી

ગયો. ૧૬૦ એકરનું ખેતર રાખી તે કામે લાગી ગયો. બધાં દુઃખો અને અપમાનો

ખંખેરીને તેણે કામમાં ચિત્ત પરોવ્યું.

ખેતીની મોસમને વાર હતી એટલે પહેલાં તો તેણે પોતાને માટે માટીનું એક

નાનું ઘર બાંધ્યું. નજીકમાં જે ગામ હતું ત્યાં માત્ર બે પાંચ ખોરડાં હતા અને એક નાની

દુકાન હતી. ત્યાંની એક ગૌશાળામાં તે કામે જતો. વીન્ટરસેટમાં એક ભોજનગૃહમાં

તેણે કામ લીધું. કામ આકરું હતું પણ ખાવાપીવા ઉપરાંત પગાર મળતો એટલે તે ઠીક

બચાવી શકતો. દૂબળા-પાતળા છોકરામાંથી હવે તે યુવાન થયો હતો. પૂરી છ ફૂટ

ઉંચાઈ ને એકવડિયો પણ મજબૂત બાંધો. મૂછના દોર પણ ફૂટવા લાગ્યા હતા.

શરમાળપણું પણ કંઈક અંશે ઓછું થતું જતું હતું. તે દૂર કરવા તેણે ફરી દેવળમાં

જવાનું વિચાર્યું. એક દિવસ બરાબર તૈયાર થઈને શહેરની મધ્યમાં આવેલ દેવળમાં તે

ગયો. એક ખૂણાની બેઠક પર બેસીને તે આજુબાજુ જોવા લાગ્યો. સામે જ વ્યાસપીઠ

પર વાજિંત્રો સાથે કેટલાક લોકો બેઠાં હતા. પહેલું ભજન શરૂ થયું હતું. જયૉર્જે પણ

સાથે ગાવા માંડયું. તેને પોતાને ભોજનોનો શોખ હતો અને સમૂહમાં ગાવાની ટેવ પણ

હતી. તે તાનમાં મસ્ત હતો. તેને ખ્યાલ ન હતો કે બધાંની નજર તેના તરફ મંડાણી

હતી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે નીચે ઊભેલા સમૂહમાંથી તેના સિવાય કોઈ ગાતું

ન હતું. તે એકદમ અટકી ગયો. પાછળથી એક બાઈએ તેને કહ્યુંઃ ભાઈ,ઇશ્વરે આવો

સરસ કંઠ આપ્યો છે તો ગા ને!’ જયૉર્જ તેની સામે જોઈને હસ્યો પણ પછી સમૂહગીત

શરૂ ન થયું ત્યાં સુધી જયૉર્જનો કંઠ બહાર નીકળી ન શકયો. સમૂહગીતમાં તેનો સૂરીલો

અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો.

પ્રાર્થના પછી ઘણાં લોકોએ તેને સ્નેહપૂર્વક આવકાર્યો અને પરિચય વધારવા

પ્રયત્ન કર્યો. આમ દેવળમાં તે અવાનવાર જવા લાગ્યો. એક બપોરે ભોજનગૃહનું કામ

પૂરું થયા પછી રસોડામાં બેઠોબેઠો જયૉર્જ ઝોલાં ખાતો હતો. કોઈકે તેને જગાડતાં

કહ્યું,‘તને કોઈ મળવા આવે છે.’

તે આંખો ચોળતો ઊભો થાય અને કંઈક પોતાના ઢંગ સરખા કરે તે પહેલાં તો

એક બેઠી દડીનો ઠીંગણો માણસ અંદર દાખલ થયો. જયૉર્જને યાદ આવ્યું. આમને

દેવળમાં પોતે મળ્યો હતો. હસીને તેમણે જયૉર્જને કહ્યું,‘જયૉર્જ! તારા કામમાં ખોટી ન

થઈશ. મને ખબર પડી કે તું અહીં રહે છે એટલે બે મિનિટ મળવા જવાનું મન થયું.’

આ રસોડામાં મહેમાનને કયાં બેસાડવા તેની મુંઝવણમાં જયૉર્જ હતો. તે પારખી

જઈ તેમણે કહ્યું, ‘અરે! તું કંઈ ચિંતા ન કર. કામને વખતે મારે આવીને તને ખોટી જ

નહોતો કરવો જોઈતો, પણ મારી પત્નીએ મને ખાસ કહ્યું હતું કે અને આપણે ત્યાં

આવવાનું કહેતા આવજો. મારું નામ મીલ હોલેન્ડ.

જયૉર્જ આ અણધાર્યા આંમત્રણથી એકદમ હેબતાઈ ગયો. શું કહેવું તેની સુઝ

તેને ન પડી.

મિ. મીલહોલૅન્ડે કહ્યું,‘દેવળમાં પ્રાર્થના વખતે ભજન અને સમૂહગીતનો કાર્યક્રમ

મારી પત્ની સંભાળે છે. તેણે તને ગાતાં સાંભળ્યો હતો. તે સંગીતવિશારદ છે. પરદેશ

જઈને તેણે પોતાનો અભ્યાસ કરેલો છે. સરસ અવાજ પારખી લેતાં તેને વાર નથી લાગતી.!’

‘એટલે મારો કંઠ તેમને....’ જયૉર્જ આગળ ન બોલી શકયો. તેને મન આ

વધારે પડતું હતું.

એક સાંજે જવાનું નક્કી થયું. ઘરનું સરનામું આપીને મીલહોલૅન્ડે વિદાય લીધી.

જયૉર્જને આનંદ થયો. તે દિવસોમાં શ્રીમંત લોકો જ વિદેશ જઈ શકતા એટલે જયૉર્જે

અનુમાન બાંધ્યું કે આ લોકો સાધન સંપન્ન હોવાં જોઈએ. પોતાને આવા મોટા માણસોને

ત્યાં જવાનું આમંત્રણ મળે તે તેને પોતાનું સદ્‌ભાગ્ય લાગ્યું.

આખરે તે મહત્વની પળ આવી પહોંચી. જીવનમાં પહેલી વાર જયૉર્જને પોતાનાં

કપડાં અણછાજતા લાગ્યાં. તેણે પોતાનાં જોડા સાંધ્યા અને ઘસીને તેને ચકચકતા બનાવ્યા.

કપડાં ભલે તૂટેલા હતાં પણ પોતે જાતે જ ધોઈને સ્વચ્છ કર્યા હતા. ઇસ્ત્રી પણ કરી

હતી. તૈયાર થઈને તે બહાર નીકળ્યો.

એક ભેખડના છૂપા ખૂણામાં તેણે એક સરસ ફૂલ જોયું! એકલું અટુલું.....જયૉર્જ

ઊભો રહ્યો.

‘પ્યારા મિત્ર, તું મારી જ રાહ જોતું હતું ને! કહે!’ એમ બોલતાં જયૉર્જે તે ફૂલ

ધીમે રહીને ચૂંટયું અને પોતાના કોટમાં ભેરવ્યું. આજે ઘણે દિવસે તેને ફૂલના દર્શન

થયાં હતા. જાણે ભૂલું પડેલું સ્વજન પાછું આવ્યું હતું.

મિ.મીલહોલૅન્ડ ઘરમાં હતા. તેમણે તેને આવકારતાં કહ્યું,‘જયૉર્જ અહીં

દીવાનખાનામાં બેસ, હું મિસિસને બોલાવી લાવું.’

ચાલું રિવાજ મુજબ દીવાનખંડમાં કંઈ ઠાઠમાઠ દેખાતો ન હતો. પણ એક બાજુ

પડેલા સુંદર પિયાના ઉપર જયૉર્જની નજર પડી. મિસિસ હોલૅન્ડ આવ્યા પછી તેમણે

પિયાના ઉપર ઘણાં ગીતો વગાડયાં. જયૉર્જે એક ચિત્તે સાંળળ્યા.

આ એક સાંજના પરિચયમાં જયૉર્જ તથા હોલૅન્ડ દંપતી ખૂબ નિકટના મિત્રો

બની ગયાં. તે ઘરે પાછો કર્યો તે પહેલાં તેને પોતાને કોલેજમાંથી મળેલા નિર્દય જાકારા

અંગે વાત કરી. કાર્વર દંપતીથી માંડીને આજ સુધીના જીવનની ટૂંકી કથા પણ કહી.

આજ સુધીમાં આટલી બધી છૂટ અને નિકટતા તેણે કોઈ પાસે અનુભવવી ન હતી.

વિદાય લેતી વખતે પોતાનાં મિત્રો સાથે ફરી પાછા આવવાનું તેણે વચન આપ્યું.

મીલહોલૅન્ડે તેને માટે કોલેજની તપાસ કરવાનું માથે લીધું. છેવટ મિસિસ મીલહોલૅન્ડે

કહ્યું,‘સમયનો કંઈ ને કંઈ સદુપયોગ થઈ શકે છે.’ તું અહીં રહે તે દરમ્યાન હું તને

સંગીત શીખવીશ.’

એક ઉનાળાની સાંજે જયૉર્જ આવ્યો ત્યારે મિ. મીલહોલૅન્ડ એક મહેમાન સાથે

ઓસરીમાં બેઠા હતા. જયૉર્જ તો વાડા તરફ વળ્યો. મિ. મીલ હોલૅન્ડે તેને બોલવાતાં

કહ્યું, ‘જયૉર્જ આપણે ત્યાં મહેમાન આવ્યા છે. તું અહીં આવશે ? જયૉર્જ, આ મારો

ભત્રીજો છે. એનું નામ ડાન બ્રાઉન અને તમે જયૉર્જ વોશિંગ્ટન કાર્વર.’

‘જયૉર્જ બેસ તો ખરો! ડાન કંઈક સારા સમાચાર લાવ્યો છે.’ મી. મીલ હોલૅન્ડે કહ્યું.

ઉત્સુકતા સાથે જયૉર્જ ખુરશી પર બેસી ગયો. તેની જિજ્ઞાસા અને આતુરતા

જોતાં ડાન ખુશ થયો. તેણે કહ્યું ‘કોઈ કહે છે કે તમે આગળ ભણવા ઈચ્છો છો, સીમ્પસન

કોલેજ તમારે માટે ખુલ્લી છે.’

સીમ્પસન ? તે વળી કયાં આવી ? મેં તો કદી તે નામ સાંભળ્યું નથી. અને તમને

લાગે છે કે તેઓ મને દાખલ કરશે ?’

‘વાહ ભાઈ વાહ, તમે તો ભારે ઉતાવળા થઈ ગયા! એક સામટા આટલા

પ્રશ્નો? સીમ્પસન આયોવામાં આવેલી એક શાળા છે. ગુલામી નાબૂદીમાં દૃઢપણે માનનાર

અને જીવનભરના અબ્રાહમ લિંકનના મિત્ર બીશપ મેથ્યુ સીમ્પસન, આ સંસ્થાની

સ્થાપના માટે પોતાની મૂડીનો ઘણો ભાગ મૂકતા ગયા હતા. મને ચોક્કસ ખાતરી છે કે

તેઓ તમને દાખલ કરશે.’

જયૉર્જની આંખોમાં આશાની ચમક ઊઠી. મિસિસ મીલહોલૅન્ડે કહ્યું, ડોન પોતે

ત્યાંનો વિદ્યાર્થી છે અને મને કહે છે કે તે તરત જ આચાર્યને લખશે.’

‘એમ, તમે લખશો?’

‘હા, જરૂર, આવતા સત્રમાં તેઓ તમને દાખલ કરશે. તે ગામ મોટું છે. એટલે

તમને ત્યાં કામ પણ મળી રહેશે.’

‘પણ ત્યાં કોઈ બીજા કાળા વિદ્યાર્થી છે ?’

‘ના, હાલ તો નથી.’ પછી જરા વિચારીને કહે, પણ તેથી મૂંઝાવા જેવું નથી.

તેઓ તમને દાખલ કરે જ ..... ન કરે તો બીશપ સીમ્પસન જીવનભર જે મૂલ્યો માટે

લડ્યાા તેને ખાતર કબરમાંથી બેઠા થાય તેમ છે.’

‘ત્યાં એક ચિત્રકલાનો સરસ વિભાગ પણ છે.’ મિ. મીલહોલૅન્ડે એ રસપૂર્વક

કહ્યું, ‘ડાન, મને લાગે છે કે, જયૉર્જે ચિત્રકામમાં નિષ્ણાંત થવું જોઈએ. તે ઘણી વસ્તુઓ

સરસ રીતે કરી જાણે છે. સંગીતમાં પણ ઘણો આગળ વધી શકે તેમ છે.’

ડાન જયૉર્જનું અવલોકન કરી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, ‘હા,ચિત્રો

અસાધારણ જરૂર છે. પણ.....

‘પણ શું? મિ. મીસહોલેન્ડે વાતનો તંતુ છોડ્યો નહિ.

‘મારું અનુમાન ખોટું પણ હોઈ શકે. પરંતુ ગયા ઉનાળામાં મેં આ બગીચો જોયો

હતો અને આજે જોઉં છું તો મને તો ચોક્કસ લાગે છે કે જયૉર્જની કોઈ મોટામાં મોટી

શકિત કે કુદરતી બક્ષીસ હોય તો તે આ વનસ્પતિ ઉછેરની છે.તે માત્ર કેનવાસ ઉપર

તેની આબેહૂબ નકલ ઉતારે કે પીઆના પર સંગીતના સુર છેડે તેના કરતાં આ જીવંત

જગતમાં તેની શકિત વધારે પાંગરશે તેમ મને લાગે... જો કે મારા આ વચન માટે હું

તમારી અને બધા કલાકારોની માફી માંગું છું.’

આ સાંભળી જયૉર્જ હસ્યો. તેને તે વાત સાચી લાગી હતી.

હવે તો એક એક દિવસ નવી આશા અને નવાં સ્વપ્નો લઈને આવતો હતો.

પોતે સીમ્પસન કૉલેજમાં જઈ રહ્યો હતો. તે વખતે તેણે પોતાના મિત્રોને આગળથી

સમાચાર આપવાનું માંડી વાળ્યું.

ટૂંક સમયમાં જ તેણે મીલહોલૅન્ડ દંપતીની વિદાય લીધી. આયોવાની સીમ્પસન

કૉલેજમાં તે દાખલ થઈ ગયો. મુસાફરી ખર્ચના અને સત્ર ફીના પૈસા ચૂકવ્યા પછી

બાકી રહ્યો રોકડો ડૉલર. પલાળેલાં પૌંઆમાં મીઠું -મરચું કે ખાંડ ભેળવીને અઠવાડિયા

સુધી ગબડાવ્યું. દરમિયાનમાં તેણે અનેક નાનાંમોટા કામ મેળવી લીધા. તેમાંથી બચાવીને

- ધોબી ઘર માટે જરૂરી સામાન ખરીદી લીધો.

પોતાની જ કોલેજના વિદ્યાર્થીઓનાં કપડાં ધોઈ આપવાનું કામ તેણે શરૂ કરી

દીધું. તે માત્ર તેમનાં કપડાં ધોઈને ઈસ્ત્રી કરી આપતો એટલું જ નહિ, કોઈનાં ફાટેલાં

સાંધી આપતો. કોઈનાં બટન ટાંકી આપતો. કોઈના ગાજ ઓટી આપતો. આવું બધું

કામ તે કરતો હોય ત્યારે ઘણાં વિદ્યાર્થીઓ તેની આસપાસ વીંટળાઈ વળતા અને

વાતોના ગપાટા મારતાં.

જયારે તેણે ચિત્રકામના વર્ગો ભરવાની માંગણી મૂકી ત્યારે સૌની નવાઈનો પાર

ન રહ્યો. હબસીને વળી ચિત્રકામ શું ? તેના શિક્ષકોએ તેને સલાહ આપી કે ચિત્રકામ

જેવા વિષય પાછળ સમય બગાડવા કરતાં કાંઈક એવો વિષય પસંદ કરવો જોઈએ કે

જેમાંથી આગળ ઉપર રળી શકાય.

સૌને તેના વિચાર માટે તેની દયા આવતી. જયૉર્જ તેમની દૃષ્ટિ સમજી શકતો

હતો, પરંતુ તેને ચિત્રકામ અંગેની પોતાની શકિતમાં પણ તેટલો જ વિશ્વાસ હતો. તે

પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો અને છેવટે તેણે ચિત્ર શિક્ષિકા પાસે જ પોતાની વાત

મૂકી. તેમણે ઉત્સાહથી હા તો ન પાડી પરંતુ ના પણ ન પાડી શકયા. અઠવાડિયાની

મુદત પછી ચોક્કસ નિર્ણય આપશે તેમ કહ્યુ.

અઠવાડિયા પછી જયૉર્જ મીસ બડનો સૌથી પ્રિય શિષ્ય ગણાવા લાગ્યો. જયૉર્જને

શકય તેટલી મદદ કરવા તે સૌથી વધારે ઉત્સુક રહેતાં.

શિક્ષકોમાં સૌથી વધારે નિકટતા તેને મિસ બડ સાથે લાગતી, કારણ ચિત્રકામ

તેના અંતરનો વિષય હતો. પરંતુ મિસ બડ પણ તેને કયારેક ન સમજી શકતા.

શરૂઆતમાં તેઓ જયૉર્જ પાસે કુદરતી દૃશ્યો દોરવવા પાછળ પડયા હતા. અભ્યાસક્રમને

ચીલે ચાલવામાં જયૉર્જનું મન કોળતું નહિ. મિસ બડને તેનો અંતર્ગત રસ ઓળખવાની

નવરાશ નહોતી.

કૉલેજના એક અભ્યાસવર્તુળમાં તે દાખલ થયો હતો. વિજ્ઞાન અને સાહિત્યના

વિકાસ તથા જાહેરમાં પ્રવચન કરવાની ત્યાં તાલીમ મળતી.

જાહેરમાં બોલવામાં જયૉર્જને ભારે મુશ્કેલી પડતી. તેનો અવાજ ઘડીક તદ્‌ન

ધીમો પડી જતો તો વળી એકાએક એકદમ તીવ્ર થઈ ઉઠતો. પહેલી વખતે તે જાહેરમાં

બોલ્યો ત્યારે શિક્ષકે કહેલું,‘જે બધા વિચિત્ર અવાજ મેં અત્યારે સુધી સાંભળ્યા છે. તેમાં

સૌથી વધારે વિચિત્ર અવાજ તારો છે.’

ઘડીભર તો જયૉર્જને ભારે દુઃખ થયું પણ પછી મન વાળ્યું. એક વાર પૂરેપૂરો

પ્રયત્ન કરી લેવા હામ ભીડી અને શિક્ષક -વિદ્યાર્થી બંન્નેએ કમ્મર કસી.

અવારનવાર તે મીલહોલૅન્ડ દંપતીને પત્રો લખતો. ફૂલછોડ અને બગીચાની

નાનીમોટી વિગતો તથા પોતાના અભ્યાસ અને કામની સફળતા-નિષ્ફળતાનું તારણ

એક બાળક પોતાનાં માતાપિતા પાસે કરે તે પ્રકારનો આ પત્રવ્યવહાર રહેતો.

જીવનમાં પ્રથમ વાર જયૉર્જ વૉશિંગ્ટન કાર્વરને ગંભીર નિર્ણય લેવાનો વખત

આવ્યો. તેના ચિત્રશિક્ષક તેની પાસે પેરિસના મહાવિદ્યાલયોની વાતો દ્વારા પ્રતિષ્ઠા

અને કીર્તિના મિનારા ખડા કરવા લાગ્યા. આવી સરસ તક જતી ન કરવા લલચાવવા

લાગ્યા. પરંતુ લાંબા-સુંદર આંગળાઓ વચ્ચે કલાકારની અદાથી ચાલતી તેની પીંછીં

પણ તેને હર્મન જેગરનો અવાજ ભૂલવા દે તેમ ન હતું. ‘તારા હાથ તો ખેડૂના છે....તેના

સ્પર્શે જીવન પાંગરશે.’

ચિત્રકામ પાછળ જીવનકર્તવ્ય કેમ ભૂલાય ? પોતાના જાતિભાઈઓને ઉપયોગી

થવું હોય તો માત્ર પીંછીંના લસરકા કર્યે ચાલે તેમ ન હતું. તુમુલ ઘર્ષણ વચ્ચે પણ પેલો

મક્કમ સૂર દીવાદાંડીરૂપ બની રહ્યો. તેણે નક્કી કરી નાખ્યું કે તેણે એઈમ્સના

કૃષિવિદ્યાલયમાં જ અભ્યાસ કરવો.

રંગ પીંછીંને ઊંચે ચડાવવાનો આ નિર્ણય લેવાયા પછી તેને આખો દિવસ કયાંય

ગોઠયું નહિ. જીવનમાં પહેલી જ વાર તે દિવસભર આળસુની જેમ પડયો રહ્યો.

પણ તે જઈ રહ્યો હતો.

ર્‌ હ્વિૈહખ્ત ઙ્મૈકી, ર્હં દ્બીિીઙ્મઅ ર્ષ્ઠઅ ઙ્મૈકી.

૧૮૯૧માં જયૉર્જ, સીમ્પસન કોલેજ છોડીને એઈમ્સમાંની આયોવા સ્ટેટ કૉલેજમાં

દાખલ થયો. ખેતી વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના શિક્ષણ માટે

આ વિદ્યાલય ઉત્તમ ગણાતું.

જયૉર્જ કૃષિવિદ્યાલયમાં આવ્યો ત્યારે સત્ર શરૂ થઈ ગયું

હતું. સીમ્પસન કોલેજની તેની ઉજ્જવળ કારકિર્દી અને

ભલામણપત્રો જોતાં તેને દાખલ થવામાં કંઈ મુશ્કેલી ન પડી.

જરૂરી પૈસા પણ તેની પાસે હતા. પણ અહીં બીજી મુશ્કેલી

ઊભી થઈ. કાળા વિદ્યાર્થીને છાત્રાલયમાં રહેવા દેવામાં નહિ આવે. વિદ્યાલયનો આ

નિયમ હતો. તંત્રવાહકો તેમાં કંઈ ફેરફાર કરી શકે તેમ ન હતું.

જેમ્સ વિલ્સન(પાછળથી અમેરિકાના સેક્રેટરી વિલ્સન) તે વખતે આયોવા

કૉલેજમાંથી સરકારી કૃષિપ્રયોગકેન્દ્રના સંચાલક હતા. તેમણે આ વાત જાણી અત્યંત

સહજ રીતે જયૉર્જને ખોળી કાઢી તેમણે કહ્યુ,‘જયૉર્જ, તું તારે સીધો મારી ઑફિસમાં

રહેવા આવી જા. એમના નિયમો તેઓને પાળવા દે!’

થોડા કલાકમાં વિલ્સનની ઑફિસમાં જયૉર્જનો મુકામ ગોઠવાઈ ગયો. આટલેથી

પતે તેમ ન હતું. ભોજનઘરમાં બીજો પ્રશ્ન ઊભો થયો. ગોરા વિદ્યાર્થીઓ સાથે તે ભોજન

લેવા બેસી શકે નહિ તેવી સૂચના આપવામાં આવી. તેણે નોકરો સાથે જમવાનું હતું.

અનેક વિષયોનો તે અભ્યાસ કરતો. ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિ

શાસ્ત્ર,રસાયણશાસ્ત્ર, કીટાણુંશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને જીવાણુશાસ્ત્ર.

જો કે તે ભણવામાં સૌની મોખરે રહી શકતો તેનું કારણ માત્ર તેનું વાંચન ન હતું.

તેનું વધારે મહત્વનું કારણ એ હતું કે તેની ઝીણી નજરમાં ઘણું જોવાનું આવતું. બીજાંઓને

જે બધું પુસ્તકોમાંથી મેળવવાનું રહેતું તે બધું તો તેણે નજરે જ જોઈ નાખ્યું હતુ.

તેની પાસે જ્ઞાનનો રસિક ભંડાર હતો અને જે કોઈ તેની કદર કરી શકે તેને

તેમાંથી લહાણ આપવામાં તેને આનંદ થતો. પોતાને ગમતી વાતોમાં, બીજાને રસ

લેતા કરવાની પણ એક સુંદર આવડત તેનામાં હતી. બગીચાના ચાહકો તેના ખાસ

મિત્રો હતા. તેમને માટે તે પથદર્શક અને જ્ઞાનકોષ જેવો હતો. કોઈ કોઈ એકાદ ફૂલછોડની

સહેજ પણ ઈચ્છા બતાવે કે તે તેને માટે આવ્યું જ હોય.

કૉલેજનો સામાન્ય નિયમ એવો હતો કે રોકડી રકમ જ ચૂકવવી, પણ કોઈ ખાસ

હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થી માટે અપવાદ હતો. મજૂરીના રૂપમાં તેની રકમ લેવાતી.

કૉલેજના લેજરમાં નીચેની વિગતો નોંધાયેલી છે.

જયૉર્જ વૉશિંગ્ટન કાર્વરનો હિસાબઃ વિદ્યાર્થી વિભાગ

સફાઈકામ : એક દિવસ ૮ કલાક

સફાઈકામ : એક દિવસ ૩ કલાક

સફાઈકામ : એક દિવસ પ કલાક

પોતે હંમેશા પૈસાની ભીંસ હોવા છતાં કોઈ પણ વસ્તુના પૈસા ચૂકવ્યા વગર તે

કદાપિ ન વાપરવી તે અંગેની તેની ચોકસાઈ ઘણી હતી. પુસ્તક મંગાવ્યું હોય તો આવે

એટલે જોઈ લે કે મંગાવેલું પુસ્તક આવ્યું છે ને! પછી એક બાજુ રાખી મૂકે. પુસ્તકવિક્રેતાને

ત્યાંથી મનીઓર્ડર પહોંચ્યાની પહોંચ આવે તે પછી જ પુસ્તક વાપરે.

કોઈની પાસેથી મફત એક પાઈ ન લેવી કે વધારે વળતર ન લેવું તે નાનપણની

મક્કમતામાં સહેજ પણ ઢીલાશ આવી ન હતી. આમાં અપવાદરૂપ એક માત્ર પ્રાધ્યાપક

વિલ્સન હતા. તેમની પાસે જયૉર્જનું કંઈ જ ન ચાલતું. એક વખત તેમની નજર

તદ્દન ઘસાઈને તૂટી ગયેલા જયૉર્જના જોડા તરફ પડી. તેમણે જયૉર્જને બે ડૉલર

આપતાં કહ્યું,‘જા, જઈને જોડા લઈ આવ. એક શબ્દ બોલવાનો નથી. કહી દીધું.’

એવા મક્કમ સ્વરે આ હુકમ થયો હતો કે તેનો અમલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો

જયૉર્જ માટે ન હતો.

૧૮૯૪માં જયૉર્જ વિજ્ઞાનનો સ્નાતક થઈ ગયો. જયૉર્જને માટે આ એક મહત્વનો

દિવસ હતો. કોલંબિયાના વિશ્વપ્રદર્શનમાં તેના ચાર ચિત્રોને પસંદગી મળી હતી.

આયોવા કોલેજના ઉત્તમ વિદ્યાર્થીઓમાં તેની ગણના થતી હતી. રાષ્ટ્રીય દળમાં તે

કૅપ્ટન હતો. કદાચ અમેરિકામાં આ જગ્યાએ નીમાનાર આ પ્રથમ હબસી હશે.

તાળીઓના ગડગડાટ વચ્ચે સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી.

અત્યાર સુધી જયોર્જ પોતાના કામમાં એવો મગ્ન રહ્યો હતો કે હવે પછી શું ?

તેવો વિચાર જ તેના મગજમાં પ્રવેશી શકયો ન હતો. પરંતુ પદવીદાન સમારંભ પૂરો

થયો કે તરત જ તેની પાસે પહેલો પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો કે હવે શું ?

હા, ઘણા વર્ષો પહેલાં તેને કહેવામાં આવ્યું હતું કે ઉચ્ચ વિદ્યા લીધા પછી તેને

માટે કામના દરવાજા બંધ રહેશે. ઘણાં મિત્રો તેને અભિનંદન આપવા આવ્યાં.

વિદ્યાર્થીઓનાં ટોળાં તેને ઘેરી વળ્યાં. બધાંનો તે માનીતો, વહાલસોયો વિદ્યાર્થી હતો,

બધા તેની શકિત માટે ગૌરવ લેતાં પણ તે જ સાંજે જ્યોર્જ કૉલેજના ચોગાનમાં એકલો

ફરતો હતો....તેની એકલતાનો પાર ન હતો. લોકોએ તેના તરફ અનહદ પ્રેમ વરસાવ્યો

હતો....એટલા બધા સ્નેહે નવડાવ્યો હતો. અને છતાં....

તે પોતાની ઓરડીમાં આવ્યો. એક ખૂણામાં પોતાની માતાનો ચરખો પડયો

હતો. ધીમે રહીને તેણે બારણું ઠેલ્યું અને તે ચરખા પર ઢળી પડયો, જેની ગોદમાંથી તે

ક્રૂર રીતે ઝૂટવી લેવાયો હતો, તેની પાસે તેનું બાલ-અંતર રડી રહ્યું. પોતાની વહાલી

માતાને કોણ લઈ ગયું, કયાં લઈ ગયું, તેનું શું થયું ? શું કદી જાણ નહીં થાય ? શું કદી

માતાની કબર પર બે સુંદર ફૂલ ચડાવી હૃદયને હળવું કરવાનું નહીં બને ? કદી નહિ?

આજે જયારે પોતે સફળતાનું એક શિખર વટાવ્યું હતું ત્યારે માતાની હૂફાળી ગોદમાં

માથું મૂકીને સંતોષનો એક શ્વાસ લેવા તેનું હૃદય તલપી રહ્યું.

ધીમે ધીમે અંધારું પથરાઈ ગયું અને છતાં જયૉર્જ ત્યાં નિશ્ચેતન જેવો પડયો

રહ્યો. નીચેથી તેને કોઈ સાદ કરી રહ્યું છે તેવો તેને જાણે આભાસ થયો.

‘જયૉર્જ!જયૉર્જ! તું કયાં છે ?’

...કોઈક પગથિયાં ચડતું હોય તેમ લાગ્યું.... દરવાજે ટકોરા પડયા....‘તું

ઊંઘી ગયો છે ? જયૉર્જ ?....’ અને બારણું ઊઘડયું.

પ્રોફેસર વિલ્સન અંદર દાખલ થયા, પણ એકદમ અટકી ગયા.... જયૉર્જને

ખૂણામાં પડેલો તેમણે જોયો.

‘અરે! અંધારામાં એકલો શું કરે છે ? કેમ....’ તેમને સમજાયું. તેમનાં અવાજમાં

એકદમ કોમળતા આવી ગઈ. ‘ભલા ભાઈ! અમે તો ઘરે ભોજનમાં તારી રાહ જોઈ

રહ્યા હતા. લે ચાલ, મિસિસ વિલ્સને મને મોકલ્યો છે.’

‘જયૉર્જ તું જાણે છે!તું હવે આ કૉલેજમાં એક અધ્યાપક છે.!’ વિલ્સને ઉમેર્યું.

જયૉર્જના હાથમાંથી ફાનસનો ગોળો સરી ગયો. સેંકડો ટુકડા થઈ ગયા.! વિલ્સને

હસી ટાળતાં કહ્યું,‘કાંઈ નહિ,કાંઈ નહિ ચાલ, તું તો આ બધી જગ્યાથી ટેવાયેલ છે ને!

અંધારામાં જ આપણે નીચે ઉતરી જઈશું.’

પણ જયૉર્જને હજી માન્યામાં આવતું ન હતું. કંઈ ભૂલ તો નહોતી થતી ને !

‘તમે... તમે કહ્યુ કે....’

‘હા....હા તારી નિમણૂક આજે બપોરે થઈ ગઈ છે. વનસ્પતિશાસ્ત્ર ભણાવવાનું

અને સંસ્થા સંભાળવાની.’ પછી જરા કડક સૂરે કહે,‘અરે, આજે તો આનંદોત્સવ

મનાવવાનો છે. હવે ચાલે છે કે નહિ! કેપ્ટન કાર્વર! હોંશિયાર, ચલ દો!

જયૉર્જના હાથમાં પોતાનો હાથ ભેરવી પ્રોફેસર વિલ્સન તેને હસતા રમાડતા

નીચે લઈ ગયા.

આયોવા સ્ટેટ કૉલેજમાં પોતે પ્રાધ્યાપક! સ્વપ્ન છે કે સાચું ! જયૉર્જના વિસ્મયનો

પાર ન હતો.

રાત્રે સૂતા પહેલાં તેના બે હાથ જોડાયા. મસ્તક નમ્યું....કોનો કેટલો આભાર

માનવો! પ્રભ ુ! પ્રભુ !

જયૉર્જ જયારે મીનોપોલીસની શાળામાં હજી સાતમીની પરીક્ષાની મથામણમાં

પડયો હતો ત્યારે તેના જ જેવો એક હબસી પોતાના જાતિભાઈઓને અજ્ઞાનતાના

અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ ખેંચી જવા મથી રહ્યો હતો.

દક્ષિણના વિશાળ પ્રદેશમાં હજારો કાળાં સ્ત્રી-પુરુષો સ્વતંત્રતાનાં અધિકારી બન્યાં

હતા. વર્ષોની ટેવ મૂજબ માત્ર આજ્ઞા ઉઠાવવા અને કાળી મજૂરી કરવા સિવાય દુનિયાદારીની

કોઈ ગતાગમ તેમને નહોતી. તેમને કાયદો પોતાના પગ ઉપર ઊભા રહેવા આહ્વાન

આવી રહ્યો હતો. કાલની ચિંતા કરવાની જેમને સૂઝ ન હતી તેઓ અચાનક ઠામ-ઠેકાણાં

વિનાનાં બની બેઠાં. જેમની પોતાની સ્ત્રીઓ, પોતાની હતી તે કરતાં પ્રથમ ગોરા માલિકોની

હતી, કુટુંબજીવનનો લહાવો જેમને વર્ષો થયાં સ્વપ્ને પણ મહાલવા મળ્યો નહોતો તેમને

માથે કૌટુંબિક જવાબદારીઓ આવી હતી. હિંમત અને સ્વમાન તો કે’દિનાં ઝૂંટવાઈ,

રગદોળાઈ ગયાં હતાં. કંગાલિયત અને અજ્ઞાન તેમની આસપાસ વીંટળાઈ વળ્યાં હતાં.

જેમને કોઈ પણ હિસાબે આગળ આવવા દેવા નથી તેમ જે ગોરાઓએ એક દહાડો નક્કી

કર્યું હતું તે ગોરાઓની સામે આજે હોડ માંડવાનો, તેમના કદમે કદમ મિલાવીને તેમની

બરોબરી કરવાનો હક ને મોકો તેમને મળ્યો હતો.

કાળા લોકો માટેનો શિક્ષણ અંગેના કાયદા ઘણા કઠિન હતા. દક્ષિણના મોટા

ભાગના ગોરાઓ એમ માનતા કે હબસી બાળક અમૂક ઉંમર સુધી ગોરા બાળક જેટલી

જ બુદ્ધિ અને ગ્રહણ શકિત ધરાવે છે, પણ અમુક ઉંમર પછી તેની આ શકિત કુંઠિત થઈ

જાય છે. એને ભણાવશો તો તે ઉલટાનો ભયંકર બનશે. એ તો આપણા ઉપયોગ માટે

સર્જાયો છે. અને આપણે તેનો ઠીક લાગે તેવો ઉપયોગ કરીએ તે માટે સર્જાયો છે. અને

આપણે તેનો ઠીક લાગે તેવો ઉપયોગ કરવો તે જ ધર્મ છે. ... સમાજના મોટા ભાગના

લોકોના માનસનું આ પ્રતિબિંબ હતું.... વળી કેટલાંક ભદ્ર લોકોને એમ ભીતિ હતી કે

આ બધા કાળાને ભણાવશો તો પછી નોકરો કયાંથી મળશે?

પરંતુ થોડા.... બહુ થોડા કંઈક જુદું માનનારા પણ હતા. તેઓ માનતા કે

સ્વતંત્રતા આવ્યા પછી અજ્ઞાનતાની બેડીમાં જકડી રાખવા તે ઘાતક નીવડશે. તેમની

બુદ્ધિને કેળવીને તેમની ઉપયોગિતા વધારવામાં જ સરવાળે સૌનું સારું છે.

જે કેટલાક કાળા લોકોને થોડું એક ભણવાની તક સાંપડી હતી તેઓ તો પામી જ

ગયાં હતાં કે અજ્ઞાનતાની ઊંડી ખાઈમાંથી મુકિત મળે તો જ સાચી સ્વતંત્રતા હાંસલ થશે.

એટલે ઠેકઠેકાણે નાની મોટી શાળા ઊભી કરવાના પ્રયત્નો ચાલતા હતા. જેઓ પોતે બહુ

ભણ્યા ન હતા તેઓ પણ પોતાના જાતીભાઈઓને કંઈક શીખવવા મથતા હતા.

આલ્બામાં પ્રાન્તમાં હબસીઓ માટેની રચનાત્મક સંસ્થાએ જોયું કે રચનાત્મક

કામનું પહેલું પગથિયું કેળવણી છે. મફત કેળવણીની શુભ શરુઆત તેણે કરી.

ટસ્કેજી, બે હજારની વસ્તીનું એક ગામ હતું. જેમાં મોટા ભાગના લોકો કાળા

હતા. લૂઈ એડમ્સ ત્યાંનો વતની હતો.તેના સારા નસીબે તેને ગુલામીકાળમાં પણ

આગળ વધવાની તક મળી હતી. તે કુશળ કારીગર હતો અને જોડા સીવવા સાંધવાથી

માંડીને બંદૂકના સમારકામ સુધી બધે કામગીરીના કામમાં તેનું મગજ અને હાથ ચાલતા.

ગુલામીનાબુદી પછી ધારાસભામાં જવાનો આધાર કાળા લોકોના મત ઉપર પણ

રહેતો. એટલે એડમ્સને તક મળી ગઈ. ચૂંટાઈ આવનાર પ્રતિનિધિએ કાળા લોકો માટે સરકાર

એક શાળા ઊભી કરી આપે એવી માંગણી કરી અને એની માંગણી મુજબ પ્રતિનિધિના

પ્રયાસ ચાલ્યા. છેવટે ૧૮૮૧માં ટસ્કેજીની શાળા માટે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ.

પણ કોયડો તો હવે જ ઊભો થયોઃ કાળાને ભણાવે કોણ? હબસીઓમાં હજુ તો

શિક્ષણની શરૂઆત જ હતી એટલે હબસી શિક્ષક કયાંથી મળે! અને ગોરો તો ભણાવે

જ શાનો ?

છેવટે હેમ્પટનની કૉલેજનો એક સ્નાતક હબસી છે તેવા

સમાચાર મળ્યા.પત્રવ્યવહાર ચાલ્યો અને બુકર ટી. વૉશિંગ્ટનના

હાથમાં નવી શાળા સોંપાઈ.

રૂપિયા બે હજારની ગ્રાન્ટ તો માત્ર શિક્ષકોના પગાર માટે

હતી. તેમાં મકાન પાછળ ખર્ચ કરવાનો કંઈ અવકાશ ન હતો.દૂર

ટેકરી પર એક જૂનું જર્જરીત દેવળ ઊભું હતું. વરસાદના દિવસોમાં

ત્યાં ઊભા રહેવા જેટલી કોરી જગ્યા રહેતી નહિ. આ મકાન અને ત્રીસ વિદ્યાર્થીઓ

સાથે બુકર ટી. વૉશિંગ્ટને પોતાનો પ્રયોગ શરુ કરી દીધો.

ખૂબ મહેનત કરી તેણે થોડા પૈસા એકઠા કર્યા. લખવા-વાંચવા ઉપરાંત તેણે

વિદ્યાર્થીઓને ઈંટો પાડતા શીખવવા માંડયું. વિદ્યાર્થીઓએ હોંશથી કામ કર્યું અને

પહેલું ઈંટનું મકાન ચણાયું.

ધીમે ધીમે ઈંટો પાડવાનું કામ આગળ વધ્યું. ગામમાં અને આજુબાજુના પ્રદેશમાં

ઈંટો પૂરી પાડવાનું કામ આ વિદ્યાર્થીઓ કરવા લાગ્યા. વિદ્યાર્થીઓ વધ્યા. બીજાં મકાનો

ઊભાં થતા ગયા. નવા ઉદ્યોગોનો થોડો વિકાસ પણ થયો. કાળા અને ધોળા બધાંની

અજાયબી વચ્ચે ચાર માળનું એક આલિશાન મકાન પણ તેણે વિદ્યાર્થીઓ પાસે તૈયાર

કરાવ્યું હતું. સ્થળની પસંદગી અને પ્લાનથી માંડીને પાયાના મોભ સુધીનું બધું જ કામ,

વિદ્યાર્થીઓએ કરેલું!

‘કાળાઓને શું આવડે ?’ તેવું કહેનારા ગોરાઓ મોંમાં આંગળા ઘાલી ગયા

હતા અને કાળાઓ ભારે આત્મવિશ્વાસ અને ગૌરવ અનુભવતા હતા.

વિદ્યાર્થીઓના સંસ્કારઘડતરમાં પણ તેને ઠીકઠીક સફળતા મળી હતી. પરમ

સંતોષ ન થાય તો પણ સદંતર નિષ્ફળતા ન હતી.

એવા ઘણા વિદ્યાર્થીઓ આવતા જે ઉંમરમાં યુવાન હોય પણ માનસિક ઉંમરમાં

બાલિશતાનો ઉંબરો વટાવ્યો ન હોય. ખરી કસોટી ત્યારે થતી પણ તે કદી ધીરજ ન

ખોતો.

આલ્બામાનો પ્રદેશ એક વાર આંખો ઠારે તેવો હરીયાળો હતો. આલ્બામાનો

અર્થ છે‘આરામગ્રહ’. વર્ષો પહેલાં ત્યાંના મૂળ વતનીઓનો એક કાફલો ત્યાં આવીને

ઠરી ઠામ થયેલો. તેમનો મુખી આ પ્રદેશની ફળદ્રુપતા પર એવો પ્રસન્ન થઈ ગયેલો કે

આલ્બામા તેને મુખેથી સરી પડયું.

પરંતુ ટસ્કેજી શરૂ થયું તે વખતે આ બધી જમીન ધોવાઈને કસહીન બની ગઈ

હતી. કાંટા , કાંકરા અને જાળાંઝાંખરાંનો પાર નહોતો.

અને અહીં બુકર ટી વૉશિંગ્ટન અલખ જગાવીને બેઠો હતો. ... કેવા મીઠા

મનોરથ સેવ્યા હતા!

પણ.....પણ....આજ પંદર પંદર વર્ષની મહેનત જાણે પાણીમાં મળતી હતી.

શાળામાં માત્ર ઈંટકામ શીખવ્યે શું વળે? એકાદ બે ઉદ્યોગ ચાલે તેથી શું? હબસી

સમાજને અન્નના જ સાંસા હોય ત્યાં અર્ધ ભૂખ્યા બાળકોને ભણાવે કોણ ? કંગાલિયતની

કારમી વેદના વેઠતા લોકો વચ્ચે પોતે પંદર પંદર વર્ષથી ધૂણી ધખાવી બેઠો હતો પણ

વ્યર્થ, બધું વ્યર્થ, તેમની ભૂખ ભાંગી શકયો ન હતો.

ડૉ.વૉશિંગ્ટન બારીમાં ઊભો ઊભો અનિમેષ નજરે નિહાળી રહયો હતો.

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પોતાનાં હાથમાં રહી-સહી આશા પણ આજે

ધોવાઈ રહી છે તેમ તેને લાગ્યું.

કેટલાક મહિના પહેલા તેનું વ્યાખ્યાન પૂરું થયા પછી એક અજાણ્યો માણસ તેની

પાસે આવ્યો હતો. પ્રેમપૂર્વક તેનો હાથ હાથમાં લઈ હસ્તધૂનન કરતાં કહેઃ સ્વાતંત્ર્યના

અધિકારી બીજા વિદ્ધાન હબસી સાથે હાથ મિલાવતાં મને ખૂબ જ આનંદ થાય છે.!’

ડૉ.વૉશિંગ્ટને આભારવશ બની કહ્યું,‘અમે અમારાથી બનતું કરવા મથીએ છીએ.’

પેલો કહે,‘ના,ના, બધા નથી કરતા, તમારા જેવો બીજો એક જ મેં જોયો ....જયૉજ

વૉશિંગ્ટન કાર્વર.’

‘કાર્વર! એ વળી કોણ છે?’

‘તે એક હબસી છે. આયોવા સ્ટેટ કૉલેજમાં પ્રાધ્યાપક છે.’

‘આયોવા કૉલેજમાં હબસી પ્રાધ્યાપક!’ ડૉ. વૉશિંગ્ટનના વિસ્મયનો પાર ન હતો.

‘અરે, એ તો પ્રતિભાશાળી વ્યકિત છે-પાણામાંથી પાક લે તેવો.’ કહેતો કહેતો

પેલો સજ્જન શ્રોતાઓના ટોળામાં ભળી ગયો.

પથ્થર પર અન્ન પકવે તેવો! હા, પોતાને એની જ જરૂર હતી. આ ધોવાઈ જતી

ધરતીમાંથી સોનું નીપજાવનારની ....પણ તે આવશે ? તેણે તપાસ શરૂ કરી. વધારે

કંઈ વિગતો ન મળી. જાણવા મળ્યું માત્ર એટલું કે તે નામની એક વ્યકિત આયોવા સ્ટેટ

કૉલેજમાં જરૂર છે. ત્યાંનું રોપઉછેર-ઘર તે જ સંભાળે છે.

જયૉર્જ વૉશિંગ્ટન કાર્વર!! શું ખબર. કયાંનો હશે.! ઉત્તરમાં અનેક ગુલામો જે

દયાળુ શ્રીમંતોના શીળા આશ્રયે આગળ વળ્યા હતા... તેવા કંઈક ભાગ્યશાળી તો આ

ન હોય? ને હોય તો એને કંગાલિયત, આ દુઃખો આ દારિદ્રયની કલ્પના જ કયાંથી હોય

? કોઈકની શીતળ છાયા તળે ઉછરીને તે પ્રતિષ્ઠિત હોદ્દો ભોગવી રહ્યો હશે.

સરસ મજાની આવક હશે.... અહીં આ ઉજ્જડ ગામ અને રીબાતા લોકો વચ્ચે આવીને

પોતાની શકિત નીચોવવાનું પ્રેરણાબળ શું ? અશકય ! અશકય! પોતે ગમે તેટલું ઈચ્છે

તો યે તે અસંભવિત હતું.

હા, પણ તેને આ કસ વગરની જમીનમાં પાક લેવાની જરૂર હતી. પોતે તો

તેમાંથી ઈંટો જ પકવી શકયો હતો.રહીસહી જમીન પણ ધોવાઈ જતી હતી.... હવે

તો અસહ્ય હતું. બસ લખવું તો ખરું જ. નિશ્ચય કરી તે લખવા બેઠો.

તેણે વિગતે બધું લખ્યું. ગુલામી નાબુદીના પ્રભાતથી હબસીઓની દશા, લોકોની

કંગાલિયત અને અજ્ઞાનતા કેળવણીના પ્રયત્ન સંસ્થાપકોના મનોરથ-પોતાની મથામણ

અને નિરાશાઓની -કામની શકયતા અને મર્યાદા-આશા અને નિરાશા-બધાનો તેણે

સ્પષ્ટ ચિતાર આપ્યો.

છેલ્લે ઉમેર્યું,‘હું તમને હોદ્દો, સંપત્તિ કે પ્રતિષ્ઠા કંઈ આપી શકતો નથી. પહેલાં

બે તો આજે તમને મળ્યાં જ છે. બીજું પણ ત્યાં રહ્યાં તમે સિદ્ધ કરી શકશો. આ બધું

છોડવાનું કહેવા હું આજે લખી રહ્યો છું ને બદલામાં અહીં તમને મળશે કામ,કામ ને

કામ. કેડ ભાંગી નાંખે એવું વૈતરું-કચડાયેલી, તરછોડાયલી, ભાંગી પડેલી પ્રજાને બેઠી

કરવાનું મહા ગૌરવપૂર્ણ કામ.

અનેક અરજીઓ છતાં આયોવા કૉલેજમાં કાર્વરને પસંદગી

આપવામાં આવી હતી. ડૉ.પમેલ નીચે તેણે પ્રયોગશાળામાં

મદદનીશ વનસ્પતિશાસ્ત્રી તરીકે કામ કરવાનું હતું. સંસ્થાનું

રોપ-ઉછેર-ઘર પણ તેને સોંપાયું. એમાં એણે ભેટકલમ, ગુટી

કલમ અને સંકરણના ભાતભાતના અખતરા કર્યા.

કાર્વરે એના અગાઉના સંકરણના કામે વનસ્પતિ જગતમાં

નવી જાતિઓ ઉપજાવવામાં કુશળતા સાબિત કરેલ. એટલે ફળઝાડ મંડળીએ આ ઢબે

નવા ફળઝાડો ઉપજાવવાની કામગીરી માટે તેને રોકયો હતો.

ડૉ.પમેલની સંસ્થામાં હતો ત્યારથી કાર્વરે ફૂગીઓની વિવિધ જાતો ભેગી કરવાનું

શરૂ કર્યું હતું. આ સંગ્રહમાં રહેતે રહેતે વીશ હજાર નમૂનાઓ એકઠા થયા

હતા.સ્વપ્રયત્ને જ હવે ફૂગીવિદ્યાના નોંધપાત્ર જાણકાર તરીકે સ્વીકારાયો હતો. ફૂગીમાં

કોઈ નવો રોગ જણાય છે ત્યારે સારો ફૂગી વિશારદ પણ તેનું શું પરિણામ આવશે તે

કહી શકતો નથી. કેટલા કાળે તે કેટલુ નુકસાન કરે છે તે તેણે જાણવું પડે છે. વનસ્પતિ-

સૃષ્ટિમાં ફૂગી અંતિમ થરની વનસ્પતિ ગણાય છે. બિલાડીના વિવિધ પ્રકારના ટોપો

સડતા પદાર્થોમાં જામતી ધોળી છારીની જાતની આ વનસ્પતિ પોતાના બીજ દ્વારા

વિસ્તરે છે. આ જાતની ફૂગીમાં વનસ્પતિમાં હોય છે તેવી લીલાશ(ઝ્રરર્ઙ્મર્િરઅઙ્મ) હોતી

નથી એટલે તે પોતાનું પોષણ બીજી વનસ્પતિની જેમ સૂર્ય કે જડ પદાર્થોમાંથી લઈ

શકતી નથી. કોઈ સેન્દ્રિય પદાર્થ પર જ આ ફૂગીના પોષણનો આધાર છે. તેથી મોટે

ભાગે આ ફૂગી તરત ઉછરતા છોડોને લાગુ પડે છે.

નાનપણમાં જયૉર્જને વનસ્પતિવૈદ્યનું નામ મળ્યું હતું. આજે તે ખરેખર વૈજ્ઞાનિક

અર્થમાં વનસ્પતિવૈદ્ય બની રહ્યો હતો. ફૂગીજન્ય એક પણ રોગ તેની નજર બહાર ન

જતો. બહુ એકાગ્રચિત્તે તે તેનો અભ્યાસ કરતો.‘શા માટે?’ તે સનાતન પ્રશ્ન જાણે

તેની પ્રકૃતિ સાથે વણાઈ ચૂકયો હતો.

ચિત્રકામ તરફની તેની તીવ્ર અભિરૂચિમાં સહેજ પણ ફરક પડયો ન હતો. અલબત્ત

હવે તે ફૂલોના (સ્અર્ષ્ઠર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ) ચિત્રો કરતો. ડૉ.પમેલે તેને વૈજ્ઞાનિક સામાયિકો માટે

ચિત્રો દોરવા સૂચવ્યું હતું અને થોડા વખતમાં તેનાં સુદર તલસ્પર્શી ચિત્રો બહાર પડવાં

લાગ્યા, જેમાં ઝીણામાં ઝીણી રેખા અને રંગો ઉત્તમ રીતે નીખરી ઊઠતા.

કુદરતનું એકેએક અંગ જયૉર્જને મન પ્રેમનો વિષય હતો. નાનામાં નાનાં જીવજંતુ,

પ્રાણીપક્ષી, વનસ્પતિ બધાં તેનાં જિગરજાન દોસ્તો હતા.

નાનાં બાળકોને કાર્વરની સોબત ગમતી- એવો સરળ અને સ્નેહાળ હતો તેનો

સ્વભાવ! છ ફૂટનો કાર્વર અને છ વર્ષના બાળક હેન્રી વોલેસ અનેક વાર જંગલોમાં

ભટકતા દેખાતા. અમેરિકાના ઉપપ્રમુખપદે આવ્યા પછી હેન્રી વોલેસ ઘણી વાર કહેતાઃ

‘મારા પિતા સાથેની મૈત્રીને લીધે કે પછી બાળકો તરફ સ્નેહને કારણે જયૉર્જ કાર્વર

ઘણી વાર મને તેમની સાથે કુદરતની ગોદમાં લઈ જતા. હું બહુ નાનો હતો છતાં ઘાસ

ઓળખવાની મારી શકિતની તેઓ ખૂબ પ્રશંસા કરતા. મને ચોક્કસ લાગે છે કે મારી

આ શકિતની વધારે પડતી કદર પાછળ તેમના હૃદયની મોટાઈ જ હતી, પરંતુ એમની

શ્રદ્ધાએ મારામાં નવાં જોમ અને ઉત્સાહ પ્રેર્યાં અને તે વિષયમાં ઊંડા ઉતરવાની મારી

ધગશ ઊભી થઈ. વિદ્યાર્થીમાં પડેલી સુષુપ્ત શકિતનું દર્શન કરી તેને પ્રગટ કરવા

પ્રોત્સાહન આપવું એક ઉત્તમ શિક્ષકનું લક્ષણ છે. વનસ્પતિ સાથેનો મારો સંબંધ તે

પેલા વૈજ્ઞાનિકને જ આભારી છે તેમ હું બેધડક કહીશ.’

આયોવા કૉલેજમાં કાર્વરનો ઘણો સમય જેમ્સ વિલ્સન સાથે વીતતો. જેમ્સ

વિલ્સન વ્યાખ્યાન કરવા જાય ત્યારે કાર્વર અચૂક તેની સાથે હોય. વિલ્સન ખેતીશાસ્ત્ર

વિશે બોલે તો જયૉર્જ ફૂગી અંગે, બાગાયાત અંગે કે ફૂલ ઉછેર અંગે બોલે. તે બહુ મોટો

વક્તા ન હતો પણ તેના પ્રિય વિષય અંગે બોલતાં તેની વાણી નિર્મળ ઝરણાં જેમ સરળ

ને સ્પષ્ટ હતી.

રંગભેદના પ્રશ્નને કાર્વર ભાગ્યે જ સ્પર્શતો. તો પોતે પ્રધાનતઃ પોતાને વિજ્ઞાની

ગણતો. ક્રાંતિકારી કે સામાજિક સુધારક નહિ. તે સમજતો હતો કે જો એક વખત તે

આ પ્રશ્નમાં સંડોવાય તો પછી પોતાનું કામ કરવાનો તેને કોઈ અવકાશ રહેશે

નહિ....તેણે જાતે ઘણો અન્યાય સહન કર્યો હતો. પણ તે બધું ભૂલી જવામાં જ પોતાની

શક્તિનો સદ્‌ઉપયોગ છે અને તેનો વિચાર સરખો કરવો તે પોતાની શકિતનો દુર્વ્યય છે

તેવું તેને બહુ સ્પષ્ટ ઠસી ગયું હતું. પોતાની જાતિ વિજ્ઞાનની મૂક ઉપાસના દ્વારા પોતાના

અધિકારો આપોઆપ મેળવે. તેમની યોગ્યતા વિશે શંકા ઉઠાવવાનું તો દૂર રહ્યું, પણ

તેમને અવગણવાનું પણ ગોરા સમાજને પરવડે તેવી આધ્યાત્મિક, બૌદ્ધિક સંપત્તિના

તેઓ માલિક બને તેવું કરવાનો પોતાનો માર્ગ છે તેમ તેને લાગતું હતું. ખ્રિસ્તી ધર્મનું

જે ઊંડું રહસ્ય તેણે આત્મસાત્‌ કર્યું હતું, તે પણ તેને આમ જ કરવા પ્રેરે તેવું હતું.

ખ્રિસ્તે પોતાનો અક્ષય અધિકાર ક્રુસ પર ચડીને જ સાબિત નહોતો કર્યો?

આખરે તો તેની મૂક સેવાઓએ જ રંગભેદને ટાળવાનું અને તેની કચડાયેલી

જાતિને ગૌરવ આપવાનું કામ અનાયાસે જ કર્યું.

દિવસે દિવસે કાર્વરની પ્રતિષ્ઠા વધતી જતી હતી. સારામાં સારા વનસ્પતિશાસ્ત્રી

તરીકે તેનું કામ પંકાતું હતું. ૧૮૯પમાં મીસીસીપીની એગ્રીકલ્ચર અને મિકેનિકલ

કૉલેજ તરફથી કાર્વરની માંગણી આવી. તેમણે સીધું આયોવા કૉલેજના પ્રિન્સિપાલ

ડૉ. પમેલને જ લખ્યું હતું.

આયોવા કૉલેજમાંથી કોઈ કાર્વરને ગુમાવવા તૈયાર ન હતું. ડૉ. પમેલે બહુ

વિચારપૂર્વક લખ્યું :

‘મિ. કાર્વર અહીં વિદ્યાર્થીઓ અને કાર્યકરોના ખૂબ માનીતા છે. તેમનાં કામમાં

તેઓ ઘણા કુશળ છે. જો તેમને ત્યાં અહીં કરતાં કંઈ વિશેષ ન મળવાનું હોય તો અમે

તેમને ગુમાવવા તૈયાર નથી.’

સંસ્થાનું અનન્ય નિષ્ઠાપૂર્વક કામ કરવા ઉપરાંત ડૉ. પમેલે લખેલી બે પત્રિકાઓમાં

કાર્વર મદદનીશ રહ્યો હતો. કાર્વરનું હિત તેમને હૈયે રહે તે સ્વાભાવિક હતું. કાર્વરને

પણ તેમના પ્રત્યે ખૂબ માન અને પ્રેમ હતાં. ૧૯૦રમાં પોતે લખેલું એક પુસ્તક તેણે

અત્યંત આદરપૂર્વક ડૉ. પમેલને અર્પણ કર્યું હતું.

વળી થોડા વખત પછી એક બીજું આમંત્રણ આવ્યું : રાજયનું ખેતીવાડીખાતું

સંભાળવાનું.

કાર્વરે સલાહ માટે સંસ્થા પાસે વાત મૂકી. તેના હિતચિંતકો તેની પ્રગતિને આડે

તો કેમ આવે ? તેના બધા ઉપરી અધિકારીઓએ તેને સરસ પ્રમાણપત્રો લખી આપ્યાં.

જયૉર્જ એક વાર પ્રયોગશાળામાં પોતાના કામમાં હતો. તેને એક પત્ર મળ્યો.

પત્ર ખોલતાં પહેલાં જ તેને કંઈક નવાજૂનીની આશંકા ઊભી થઈ. તેનો પત્રવ્યવહાર

બહુ ટૂંકો હતો અને વળી આ તો દૂર દૂરના પ્રાંતમાંથી આવ્યો હતો. એકીટશે તે આખો

પત્ર વાંચી ગયો. એક પણ શબ્દ બોલ્યા વગર તે બહાર નીકળી ગયો. રસ્તે અનેક

લોકોએ તેને સલામ ભરી, પણ ઝીલવા જેટલું સ્વસ્થ તેનું મન ન હતું.

સીમાડે આવીને નદીકિનારે ઝાડની ઓથે એક પથ્થર પર તે બેઠો. પત્ર કાઢયો

અને ધીમે ધીમે ફરી વાંચવા લાગ્યો.

‘ઉઘાડે પગે માઈલો ખૂંદીને બાળકો અહીં આવે છે. નાગા-અર્ધભૂખ્યાં, દૂબળાં

-પાતળાં. તમને કદાચ આ કંગાલિયતની કલ્પના નહિ આવે...’ જયૉર્જે ઘડીભર પત્ર

પરથી નજર ખેસવી લીધી અને ખળખળ વહેતા ઝરણાં ભણી જોઈ રહ્યો....‘ આ

બધાંને ખેડતાં-વાવતાં કે લણતાં કંઈ આવડતું નથી. મને પોતાનેય આ ફાવતું નથી. હું

તેમને લખતાં વાંચતાં શીખવું છું. જોડાં સીવતાં કે ઈંટો પાડતાં શીખવું છું, પણ હું તેમને

પૂરતું ખાવા આપી શકતો નથી અને તેઓ ભૂખે મરે છે.’

છેલ્લો ફકરો તેણે ફરી ફરી વાગોળ્યો. ‘ધન, પ્રતિષ્ઠા અને મોભો છોડીને હું

તમને વૈતરું....કાળી મજૂરી કરવા આમંત્રણ આપું છું...કચડાયેલી, તરછોડાયેલી,

ભાંગી પડેલી પ્રજાને બેઠી કરવા.’

પોતાની નોંધપોથીમાંથી એક ચબરખી ફાડી તેણે અંદર ત્રણ શબ્દો ઢસડયા.

નીચે પોતાનું નામ લખ્યું. ગામની પોસ્ટ ઑફિસે આવી એક પરબિડીયું ખરીદ્યું.

બુકર ટી. વૉશિંગ્ટન -ટસ્કેજી-આલ્બાના- સરનામું કરી રવાના કર્યું.

પછી પ્રયોગશાળામાં તે કામે લાગી ગયો. ઘણા દિવસ સુધી આ અંગે તેણે

કોઈને કંઈ કહ્યું નહિ. કામને વ્યવસ્થિત સંકેલવા તરફ તેનું મન રોકાયું હતું. તે જાણતો

હતો કે અત્યારે તે આયોવા કૉલેજ છોડી જાય તેથી ઘણાને મુશ્કેલી પડશે. પોતાના

મદદનીશને તેણે ઝીણામાં ઝીણી વિગતો સમજાવવા પાછળ તેનો ઘણો સમય વીત્યો.

ટસ્કેજીમાં બુકર ટી. વૉશિંગ્ટનને પત્ર મળ્યો. તેમાં માત્ર આટલું જ હતું., ‘હું

આવીશ.’ નીચે હતી સહીઃ જી. ડબલ્યુ. કાર્વર. બીજું કંઈ જ નહિ. ન તારીખ, ન કંઈ

પ્રશ્ન, ન કંઈ પ્રસ્તાવના. ડૉ. વૉશિંગ્ટનનું અંતર આભારની લાગણીથી ભરાઈ આવ્યું.

તેનો ઘણો સંતોષ થયો.

જયૉર્જે બધી તૈયારી કરી લીધી. બધું પૂરું થયું તે સાંજે તે ઓફિસમાં ગયો.

પ્રોફેસર વિલ્સન ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા.

જયૉર્જે પૂછયુ,‘મિ. વિલ્સન! આપને સમય છે? મારે થોડું કામ છે.’

જયૉર્જના મુખ પર પથરાયેલી ગંભીરતાએ તેમને સહેજ ચોંકાવ્યા. તરત જ તેમણે

ઑફિસનું બારણું અટકાવ્યું અને જયૉર્જની નજીક આવ્યા. જયૉર્જે પરબિડીયું આપ્યું.

પ્રોફેસર વિલ્સને વાંચ્યું. તેમના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ.... તેમણે

પત્ર પાછો આપતાં જયૉર્જ તરફ સૂચક નજરે જોયું. જયોર્જ સમજયો. અબોલ પ્રશ્નનો

જવાબ આપતાં જયૉર્જે કહ્યું, ‘મેં લખી નાખ્યું છે.’

વિલ્સને કહ્યું,‘અનિવાર્ય જ હતું. અમે તને વધારે વખત રોકી શકયા ન હોત.’

થોડા શબ્દોમાં જયૉર્જે બધું કહી દીધું. પોતાની નીચે કામ કરનારા બધાને

સમજાવેલી વિગતો અને આપેલી સૂચનાઓનો આછો ખ્યાલ આપી દીધો.

વિલ્સને સાંભળી લીધા પછી નિઃશ્વાસ નાંખતાં કહ્યુ,‘ એ બધું બરાબર છે જયૉર્જ,

પણ તારું સ્થાન કોઈ ન લઈ શકે.’

બીજે દિવસે તેઓ બન્ને ડૉ. પમેલ પાસે ગયા. આવો અધ્યાપક ખોવા તેમનું મન

તૈયાર ન હતું. જયૉર્જને હજી હમણાં જ એમ.એ. ની પદવી આપવામાં આવી હતી.

આવી સોનેરી તક ગુમાવવાનું ઉચિત ન ગણાય તેમ તેમણે સૂચવ્યું. તેને આગળ લાવવામાં

આયોવા કૉલેજનો ફાળો છે તે ન ભૂલવું.... આયોવા કૉલેજને તેની ઘણી ખોટ પડશે.

જયૉર્જને ઘણું દુઃખ લાગ્યું. આયોવા કૉલેજ તરફનું ઋણ પોતે અવશ્ય સમજે છે

તેમ કહીને તેણે બુકર ટી. વૉશિંગ્ટનનો પત્ર પ્રમુખના હાથમાં મૂકયો. ઓરડામાં નિઃસ્તબ્ધ

શાંતિ છવાઈ ગઈ.

પ્રમુખે જયૉર્જનો હાથ હાથમાં લઈ સજળ આંખે કહ્યું,‘જા,જરૂર જા. ઈશ્વરના

તારા પર આર્શીવાદ છે.’

છેવટે ડૉ. પમેલ ઊભા થયા અને ધીમેથી બોલ્યા, આ યુગમાં આપણે જીવનની

સાચી મહત્તા તરફ આંખમીંચામણા કરવા ટેવાઈ ગયા છીએ. આ માણસ તમને ધન,

પ્રતિષ્ઠા અને મોભો છોડવા લખે છે પણ તેને બદલે આપે છે અમરત્વ, જીવનની સાચી

ચરિતાર્થતા!’

૧૮૯૬ની સાલના આખરના દિવસો હતા. સંસ્થાની ઘોડાગાડીમાં સ્ટેશનમાં

આવી ઊભી રહે તે પહેલાં તો ગાડી આવીને ચાલી ગઈ હતી. પરંતુ કાર્વરને અધીરા

થવાપણું ન હતું. ઈશ્વરની ધરતી પર પેટ ભરી નીરખવાનું કયાં ઓછું હતું ? તે ગાડીમાં

ચડ્યો ત્યારે તેના હાથમાં રસ્તાની બાજુ પર ઊગેલી વનસ્પતીનાં

ડાંખળાં અને પાંદડા હતાં. ગાડીવાન સાથે મિત્રભાવ કેળવતાં

તેને વાર ન લાગી.

ટસ્કેજીના કાર્યાલયના પગથિયા ઉપર બંન્ને મિત્રોનું પ્રથમ

મિલન થયું. દસપંદર મિનિટ વાતો કરતાં બંન્ને ત્યાં ઊભા.

ભવિષ્યમાં ઘણીયે વાર આ રીતે વાતચીત કરતાં ઊભા રહેવાનું

બનશે તેની કદાચ તેમને ત્યારે કલ્પના નહિ હોય. બંન્નેના દેખાવમાં ભારે વિરોધાભાસ

હતો. બુકર ટી. વૉશિંગ્ટન દેહે પડછંદ હતો. છ સાડા છ ફૂટની ઊંચાઈ, વિશાળ

બદન, ભારે શરીર અને સાગર જેવો ઘેરો ગંભીર અવાજ. તેના ભરાવદાર મુખ ઉપર

તેનું પ્રતિભાશાળી વ્યકિતત્વ ઊપસી આવતું. જયારે કાર્વરની દુર્બળ કાયા, તેની નાજુક

તબીયતની ચાડી ખાતી. ખભેથી સહેજ વાંકો વળેલો તે હંમેશા પ્રશ્નાર્થચિહ્નની પ્રતિકૃતિ

જેવો લાગતો. સાગરના ઘેરા ઘૂઘવાટ આગળ તેનો નરમ સૂર બંસીવાદનની જેમ મળી

જતો. તેના શ્યામ મુખારવિંદમાં સૌથી વધારે નજરે ચડે તેવી હતી તેની આંતરિક

શકિતની આરસી સમી તેજસ્વી આંખો.

વાતો કરતાં કરતાં તેની ચકોર આંખો ચોતરફ ફરી વળી. જેમ જેમ નિહાળતો

જતો હતો તેમ તેમ તેનું આશ્ચર્ય વધતું જતું હતું. શું વિવિધ રંગોની પુરવણી હતી!

આટલું વૈવિધ્ય તો કદી કયાંય ભાળ્યું ન હતું! બધું હતું, નહોતી માત્ર વનસ્પતિ કે

ઘાસનું તણખલું. નજરે ચડતાં હતાં ધોવાણ દ્વારા રચાયેલા મોટા મોટા નહેરાં. નાળાં ય

કેવડાં! સાંઢિયો સમાઈ જાય એવડાં!

ઘોડાગાડી થોડી મોડી મોકલાવાઈ હતી તે બદલ ડૉ. વૉશિંગ્ટને કાર્વરની માફી

માંગી એટલે હસતાં હસતાં તે કહે,‘છોકરાઓ મને કહેતા હતા કે જયારે મોટા માણસો

આવે ત્યારે જ તમારી આ સરસ ઘોડાગાડી તેમને લેવા આવે છે. આજે આ કેમ આવી

તે કંઈ સમજાતું નથી!’

વૉશિંગ્ટનને હસવું આવ્યું. આ નિખાલસ વૈજ્ઞાનિક તરફ તેનું મન વિશેષ

આકર્પાતું રહ્યું. તે કોણ હશે અને કયાંનો હશે તે અંગે તેની જિજ્ઞાસા વધી પણ કાર્વર

પોતાની વાતોમાં સમય ગાળે તેમ ન હતો. તેણે તો સંસ્થા, આજુબાજુનો પ્રદેશ અને

પોતાને કરવાના કામ અંગે ભારે ઝીણવટભર્યા પ્રશ્નો પૂછી નાખ્યા. છેવટે તેણે પ્રયોગશાળા

જોવા જવાની ઈચ્છા દર્શાવી.

ડૉ.વૉશિંગ્ટને તરત કહ્યું,‘હા ચાલો આપણે રોપઘર જોવા જઈએ. વિદ્યાર્થીઓએ

જાતે જ ચણ્યું છે. અને તેનું તેમને ભારે ગૌરવ છે.’

‘પણ પ્રયોગશાળા પહેલાં....’કાર્વર કહેવા ગયો.

વૉશિંગ્ટન તેનો હાથ પકડતાં કહે,‘અરે એ તો ઘણી વિશાળ જગ્યા છે.’

પહેલાં તો કાર્વર સમજયો નહિ. પછી કહે ‘ઠીક, તમે એમ કહેવા માંગો છો કે

હું તમને ફકત જમીન આપી શકું તેમ છું.’

‘હા, અને બુદ્ધિ તો તમને ઈશ્વરે ભરપૂર આપી છે!’ વૉશિંગ્ટને પૂરું કર્યું.

‘બરાબર છે, બરાબર! આપણે બંન્ને કંઈક ઊભું કરશું,થઈ રહેશે એ તો!’

બંન્ને એકબીજા સામે જોઈ રહ્યા. પછી ખડખડાટ હસી પડયા. જીવનભરની

અતૂટ મૈત્રીના તાંતણા ઝડપથી વીંટાઈ રહ્યા હતા.

અહીં નહોતો બગીચો, નહોતી પ્રયોગશાળા કે નહોતું રોપઉછેરઘર..... પોતે

તે બધું છોડીને આવ્યો તેનું દુઃખ તેના અંતરમાં કદીયે થયું હતું કે કેમ તે તો ઈશ્વર જાણે,

પણ નિરાશાની એક રેખા પણ દેખાવા દીધા વગર તે કામે ચડી ગયો.

એક વખત વૉશિંગ્ટનના માનીતા ઘોડાને અકસ્માતે બંદૂકની ગોળી વાગી. ખાસ્સો

ઊંડો ઘસરકો થયેલો. વૉશિંગ્ટને કાર્વરને બોલાવ્યો. ઘોડો મજબૂત અને તંદુરસ્ત હતો.

વળી જખમ ખાસ કંઈ નહોતો. એટલે આપોઆપ રુઝાઈ જશે તેવો અભિપ્રાય કાર્વરે

આપ્યો. નવું નવું હોઈને વૉશિંગ્ટનને વિશ્વાસ ન બેઠો. પોતાના વહાલસોયા ઘોડાને

ગુમાવવા તૈયાર ન હતો. તેણે બાજુના શહેરમાંથી ડીગ્રીધારી પશુઓના ડૉકટરને

બોલાવ્યા.બધું જોયા તપાસ્યા પછી તેમણે કહ્યું તમારા નવા માણસનો અભિપ્રાય બરાબર

છે. તે કહે છે તેમ કરો.’

તે પછી કદી કોઈ બાબતમાં અવિશ્વાસનું કારણ વૉશિંગ્ટનને મળ્યું નહતું.

થોડા જ વખતમાં કાર્વરે કળી લીધું કે વિદ્યાર્થીઓને ખેતી શિક્ષણ અંગે ભારે

અણગમો હતો, સામાન્ય રીતે કાળાઓને ભાગે ખેતી સિવાય કોઈ ધંધો ગોરાઓએ

રહેવા દીધો ન હતો. એમાંથી છૂટવા તો આ બધા અહીં આવ્યા હતા! ખેતી જ કરવી

હોય તો ઘરે જ ના રહેત! એ તો નસીબમાં લખાયું જ હતું! ખેતી તો સૌ કોઈ કરી શકે.

એમાં શીખવાનું શું હતું તે જ સમજાતું ન હતું.

અધૂરામાં પૂરું શિક્ષારૂપે ખેતીકામ સોંપાતું એટલે ખેતીકામ કાયમ સજારૂપ જ લાગતું.

એક બાજુ વિદ્યાર્થીઓનો અણગમો અને બીજી બાજુથી સામાન્ય જ્ઞાન કે કોઈ

પણ પ્રકારની પૂર્વભૂમિકાનો અભાવ. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પોતાના

વિષયમાં રસ લેતા કેમ કરવા તે મહાકોયડો હતો. પણ કાર્વર પોતાના વિષયમાં તજજ્ઞ

હતો, એટલું જ નહિ તે ઉત્તમ શિક્ષક હતો.

તેને મન કોઈ વિદ્યાર્થી ઠોઠ ન હતો. દરેકની વિવિધ શકિત મુજબ વિવિધ કામ

સોંપી તેની કક્ષાએથી ઊંચે લેવો તે શિક્ષકનું કર્તવ્ય છે. તેમ તે માનતો. તે કહેતો,‘તમે

માણસને કંઈ ભણાવી શકતા નથી. તેમનામાં જે પડેલું છે તે ખોળી કાઢીને માત્ર પ્રગટ

કરી શકો છો.’

તેને દરેક વિદ્યાર્થીનો એક જ ઉત્તમ ગુણ મળી રહેતો અને તે વિકસાવવાની

ચાવી પણ મળી રહેતી.

વર્ગની શરૂઆતમાં તે હંમેશા થોડીક સામાન્ય વાતો કહેતો. પહેલાં જ વર્ગમાં

તેણે શરૂ કર્યું,‘યુવાન મિત્રો, મારે તમને એક વિનંતી કરવાની છે. કુદરતમાતા પાસે જે

અખૂટ જ્ઞાનભંડાર પડયો છે તે પામવા તમારા આંખ અને કાન ખુલ્લાં રાખતાં શીખો.

એમ કરશો તો એવો એકે દિવસ નહીં જાય કે જયારે નવું જાણવા ન મળે. જેઓ માતા

કુદરતને અનન્ય ભાવે ચાહે છે તેમની સાથે કુદરત પોતાની અનોખી જ ભાષામાં વાતો

કરે છે. તેમ તમે અનુભવી શકશો.’

વિચાર કરો! જૂની જ ઘરેડમાં ટેવાયેલા વિદ્યાર્થીઓને આ કેવું લાગ્યું હશે ! આ

નવો શિક્ષક ઘેલો તો નથી ને ! પણ તેની શૈલી આકર્ષક હતી, કોઈ પણ મહાપુરુષની

વાણી વગર તેનો વર્ગ ભાગ્યે જ શરૂ થતો. બાઈબલ કે અન્ય પુસ્તકોમાંથી કંઈક ને

કંઈકતો પીરસતો અને તે જ વિદ્યાર્થીઓને જીવનભર યાદ રહેતું. પુસ્તકો કરતાં વધારે

કુદરત પાસેથી મળી શકે તેવો સ્વાનુભવ વિદ્યાર્થીઓને પણ થતો.

ચાલુ અભ્યાસક્રમ મુજબ ચાલવાનું કાર્વરને ફાવતું જ નહિ. તે કહેતો, ‘નાહકનો

બોજો છે આ બધો. આટલો બધો ભાર લાદવાથી શો લાભ! મૂળ હેતુ તો વનસ્પતિની

ઓળખનો છે! નકરા પારિભાષિક શબ્દો ગોખાવી ગોખાવીને વિષયને એવો કૃત્રિમ

અને કંટાળાજનક બનાવી દેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ શબ્દોની ઓળખશકિત પણ

ગુમાવી બેસે છે.’

તે કહેતો,‘આ વર્ગીકરણ ગોખાવવાની લપમાં શીદને પડો છો ? તમે બાળકની

પ્રવૃત્તિ અને તેનાં કુદરતી વલણો સહેજ તો નિહાળો! ભાતભાતની વનસ્પતિ વચ્ચે

તેને મૂકી દો. વગર કહ્યે તે વર્ગીકરણ કરશે. માનવપ્રકૃતિ જ એ રીતે ઘડાઈ છે.

વિદ્યાર્થીઓની અવલોકનશકિત સતેજ કરો. બાકીનું તેઓ આપોઆપ ગોઠવી લેશે.’

અભ્યાસક્રમ અંગે તેની હંમેશની ફરિયાદ હતી કે લાંબી પહોળી વિગતો જ

વિદ્યાર્થીઓની શકિત કુંઠિત કરી નાંખે છે. વિદ્યાર્થીઓને મૂળ મુદ્દા પર એકાગ્ર કરવાની

તેની લાક્ષણિકતાનો એક સુંદર નમૂનો છે.

‘હું તમને વૃક્ષોની વાત કહેવાનો છે એમ કહું એટલે તમારી નજર સામે હજારો

વૃક્ષો ખડાં થાય. વનસ્પતિ સૃષ્ટિનો એક ભારે મોટો વિભાગ તે છે. પણ તેથી હું કોને

અંગે ખરેખર કહેવા માગું છું તેની કલ્પના ન આવે. તમારી મુંઝવણ ઉલટી વધે, કારણ

કે તે ગજા બહારની વાત છે. પણ હું કહુંઃબાવળ. એટલે આપોઆપ એ હજારોની

સંખ્યામાં ઘણા તમારી નજરમાંથી અદૃશ્ય થાય. હવે તમે ખરેખર કંઈક મેળની વાત પર

આવ્યાં હો તેમ લાગે.’

‘પણ છતાં તમે ચોક્કસ મુદ્દા પર તો નથી જ આવતાં. અમુક વૃક્ષને જ બાવળ

શા માટે ઓળખીએ છીએ ? તેનાં વિશિષ્ટ લક્ષણો છે. પરંતુ બાવળનીયે નહિ નહિ તો

સો બસો જાતો છે. એટલે પછી હું તમને એક ખાસ જાત પર એકાગ્ર થવા કહું છું. દેશી

બાવળ કહું એટલે તમે બાવળની અનેક વિધ જાતિઓના ગૂંચવાડામાંથી બચી જાઓ

છો. ક્ષેત્રનો વિસ્તાર ઘટાડીએ તેમ જ્ઞાનનું ઊંડાણ વધે એ સાદો નિયમ છે. એકાગ્રતા

પણ ત્યારે જ વિકસે.’

વૈજ્ઞાનિકની જરૂરિયાત પ્રયોગશાળા. પણ શાળાની આર્થિક સ્થિતિ ઘણી તંગ

રહેતી. એટલે કાર્વરે પ્રયોગશાળાનાં સાધનો તો જાતે જ બનાવી લેવાનાં રહેતાં.

ગમે ત્યાંથી વસ્તુઓ ઊભી કરવામાં કાર્વર માનતો. ‘ફલાણું હોય તો હું જરૂર

કરત એવું ન કહેવું. આસપાસ જે કંઈ હોય તેમાંથી બેઠું કરો.’ તેમ તે કહેતો અને

ખરેખર આખી પ્રયોગશાળા જ તેણે તે રીતે ઊભી કરી હતી.

તે જોઈને તરત કહે,‘પહેલાં કદી ન થયું હોય તેવું કંઈક કરવા, નવો ચીલો

પાડવા આજે આપણે જવું છે. આજે આપણે બધાને બહાર જવાનું છે અને આખું ગામ

ખૂંદી વળવાનું છે. આપણે એક પ્રયોગશાળા તૈયાર કરવાની છે. ગામના એકેએક ઊકરડા

પર આપણે પહોંચી જવાનું. ગામની મહિલાઓ પાસે પણ માંગણી કરવી. તૂટેલાં-

ફૂટેલાં વાસણ, કોઈ ભૂંગળીઓ, કટોરા, નકામા કપડાં, ફાનસ જે મળે તે બધું લાવો.

કંઈ નકામું નહિ હોય. કંઈક ને કંઈક ઉપયોગમાં આપણે તેને લઈ શકશું. ચોપડી કાઢીને

વિજ્ઞાનના સાધનોના ચિત્રો તેણે બધાને બતાવ્યાં,‘આવાં સાધનો પણ આપણે ઊભાં

કરવાનાં છે. ચાલો, જઈએ, કેટલું મળે છે તે જોઈએ. આપણી જરૂરિયાતોની ઈશ્વરને

ખબર છે એટલે તે જ આપણને દોરશે.’

વર્ગમાં ગોંધાઈ રહેવા કરતાં, વિદ્યાર્થીઓને મન આ ભારે રસનું કામ હતું.

પાછા ફર્યા ત્યારે તેઓ જે કંઈ લાવ્યા તેની કાર્વરે પ્રશંસા કરી અને સાચવીને બધું મૂકી

દીધું. ઝીણામાં ઝીણી અને તદ્‌ન નકામી લાગે તેવી વસ્તુ પણ તેણે નકામી ન ગણી.

જગતમાં કશું જ નિરુપયોગી નથી.

બીજા જે નાખી દે છે તે કાર્વર સંઘરી રાખે અને તે સંગ્રહ કેવો વ્યવસ્થિત! એક

વખત કરકસર અંગે વાત કરતા વિદ્યાર્થીઓને કહે, ‘માત્ર નાંખી ન દેવું એ પૂરતું

નથી. સાચવવામાં પણ સુઘડતા આવશ્યક છે.’ એમ કહીને તેણે એક ડબ્બો ખોલ્યો.

પડીકાં કે ટપાલમાં આવેલી નાનીમોટી દોરીનાં ગૂંચળાં અંદર અસ્તવ્યસ્ત પડયાં હતાં.

તે બતાવીને કહે,‘આ છે અજ્ઞાનતા.’ બીજા ડબ્બામાં સરસ રીતે વાળેલા દોરીના દડા

બતાવીને કહે, આ છે વિજ્ઞાન- સાચું જ્ઞાન!’

કોઈ પણ કામમાં સહેજ પણ અચોકસાઈ કાર્વરને રુચતી નહિ. અભ્યાસમાં

વિદ્યાર્થીઓની લગીરે બેદરકારી તે ચલાવી લેતો નહિ. તે કહેતો,‘માત્ર બે જ માર્ગ છેઃ

સાચો અને જૂઠો. લગભગ સાચું એવું કંઈ છે જ નહિ. તમે એક નદી પાસે આવો. પાંચ

ફૂટની તેની પહોળાઈ છે. તમે પાંચ ફૂટને બદલે લગભગ પાંચ ફૂટ કૂદો તો તમે કિનારે

ન પહોંચો. તરતા ન આવડતું હોય તો જીવતા પણ ન રહો! એટલે કોઈએ આવીને મને

એમ ન કહેવું કે લગભગ સાચું છે. લગભગ હોય તે સત્ય હોતું નથી.’

તે ઘણી વાર સલાહ આપતો,‘જો કંઈ ખરેખર જાણતા હો તો નમ્રતાપૂર્વક તે

કહેવું અને ન જાણતા હો તો અજ્ઞાનતાનો હિંમતભેર સ્વીકાર કરવો.’

બીજી એક સરસ વાત પણ તે વિદ્યાર્થીઓને કહેતો,‘એક ચકલી એક વાર સુંદર

રંગબેરંગી પીંછા ખોસીને કહેવા લાગી વાહ! હું કેવું અદ્‌ભૂત પક્ષી છું!’

‘સુદર પીંછા ખોસવાથી કંઈ સુંદર ન થવાય.’

એક છોકરી કહે,‘પણ ચકલી સુંદર ગાઈ શકે છે.’

‘હું તે જ કહેવા માંગું છું. ઈશ્વરે ચકલીને ભલે સાદા પીંછા આપ્યાં પણ કંઠ તો

સરસ આપ્યો છે., એટલે આપણે આપણને મળેલી શકિતઓને વિકસાવવી જોઈએ,

પણ બીજા કંઈ થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

વિદ્યાર્થીઓ વચ્ચે તે હંમેશા ખુશમિજાજમાં રહેતો, હસતો હસાવતો અને સલાહ

આપતો,‘નાનપણથી જ એવી ટેવ પાડો કે કપાળની કરચલી હંમેશા આડી પડે. ઊભી

ન પડે.’ (એટલે કે મોં પર હાસ્ય રહે - ગુસ્સો નહિ)

નબળા વિદ્યાર્થીઓ પાછળ તે મહેનત લેતો પણ તેમને થોડા વખતમાં એટલું

સ્પષ્ટ સમજાવી દેતો કે,‘હું તમને ત્યાં સુધી જ મદદ કરીશ કે જયાં સુધી તમે મહેનત

લેશો, તમે મહેનત છોડશો કે બીજી જ ક્ષણે હું પણ તમને છોડી દઈશ.’

કરકસર કાર્વરના જીવનમાં વણાઈ ગઈ હતી. તેની પેન્સિલ હાથમાં ન પકડી શકાય

તેટલી નાની થઈ જાય એટલે તેને તે એક ભૂંગળીમાં ભરાવીને વાપરતો. કેટલાંકને આ

કંજૂસાઈ લાગતી, પણ અવારનવાર બુકર ટી. વૉશિંગ્ટનને પૈસાની જરૂર પડતી. જયારે

કયાંયથી તેને પૈસા ન મળે ત્યારે કાર્વર પાસેથી તેને ખાલી હાથે પાછા ફરવું ન પડતું.

પ્રયોગશાળાનાં ઘણાંખરાં સાધનો તો ગોઠવાઈ ગયા હતા. કાચકાગળ કેવી

રીતે મેળવવો તેની મથામણમાં તે હતો. ચિંતામાં ને ચિંતામાં ઊંઘી ગયો, ઊંઘમાં સ્વપ્ન

આવ્યુંઃ લુહારની કોઢમાં તે હતો.‘કાચકાગળ કેવી રીતે બનાવાય તે ખબર છે?’ મનમાં

ઘોળાતો પ્રશ્ન તેણે પૂછી નાખ્યો. લુહારે હા પાડી, પણ વિગતો ન આપી. આપવાની

મરજી ન બતાવી! કાર્વર કયાં ગાંજયો જાય તેમ હતો! તેણે કહ્યુ,‘ઊભા રહો! કેવી રીતે

થઈ શકે છે તેનું અનુમાન હું કરી શકું છું તે કહી જાઉં. ભૂલ હોય તો કહેજો.’કાર્વરે બધું

કહયું. એટલે લુહાર કહે, ‘બરાબર છે. એક માત્ર રેતી ઉકાળવી જોઈએ તે તમે ચૂકી

ગયા!’ કાર્વર જાગી ગયો. તરત પ્રયોગશાળામાં ગયો અને વાતચીત થયા મુજબ તેણે

કામ શરૂ કરી દીધું. સાચે જ કાચકાગળ તૈયાર થઈ ગયો.!

કૃષિકેન્દ્રમાં વીસ એકર જમીનનો ટુકડો તેને સોંપવામાં આવ્યો હતો. જમીન

હતી તદ્દન ભંગાર. વિદ્યાર્થીની મદદથી તેણે તે બધી સાફ કરી. પથ્થર-જાળાંઝાંખરાં

બધું કાઢયા પછી તેણે હળની માંગણી કરી. ઘોડાથી હળ હાંકી શકાય અને ખેડ થઈ શકે

તેવી કલ્પના જ તે પ્રદેશમાં કોઈને નહિ..... સૌને બહુ નવાઈ લાગી. કેટલાંકને તો

પોથી પંડિતની મૂર્ખાઈ પર હસવું આવ્યું. પણ જયારે હળ આવ્યું અને કાર્વર પોતે

ખેડવા લાગ્યો ત્યારે તો સૌને મોંમાં આંગળાં નાખવાનો વારો આવ્યો.

ખાડાખડિયાઓમાંથી કાળી માટી અને દૂર જંગલમાં સડેલાં પાંદડાંનું ખાતર

વિદ્યાર્થીઓ ઉસેડી લાવ્યા. ખેડેલી જમીનમાં બધું સરસ રીતે મેળવી દેવામાં આવ્યું.

અને આ બધી મહેનત પછી સૌએ જાણ્યું કે આમાં કપાસને બદલે વટાણા વાવવાના છે

ત્યારે સૌને ભારે ખેદ થયો.

ફોફાં જેવી વટાણાંની શીંગો જયારે ઊતરી ત્યારે વિદ્યાર્થીઓનો બધો ઉત્સાહ

જાણે ભાંગી પડયો.! માત્ર ઢોરના ખાણ માટે આટલી મહેનત! બધા વિસ્મય વચ્ચે

કાર્વરે કહ્યું,‘ચાલો હવે આમાંથી સ્વાદિષ્ટ ભોજન તૈયાર કેમ કરવું તે હું તમને બતાવીશ.!’

ઘેલો તો છે જ ! હવે કોઈને શંકા ન રહી. પણ એક સાંજે પોતાના અધ્યાપકના

હાથે તૈયાર થયેલી સ્વાદિષ્ટ રસોઈ જમ્યા પછી તેમનો મત કાયમ માટે પલટાઈ ગયો.

દરેક વાનગી વટાણામાંથી બનાવવામાં આવી હતી. અને દરેક દરેક વાનગી એવી

સરસ થઈ હતી કે સૌ તપેલાં પણ ચાટી ગયા! હવે કાર્વરના વર્ગો ભરવા માટે પડાપડી

થવા લાગી. લોકોમાં અનેક વાતો થવા લાગી.

બીજી વાર બટાટા વાવ્યા. અઢળક પાક ઊતર્યો અને પહેલાની નિરાશા કયાંય

ધોવાઈ ગઈ.

નવા સત્રની શરુઆતમાં તેના ભરચક વર્ગમાં તેણે વાત મૂકી.

‘તમે જોયું કે આપણે આ જમીન ઉપર પાકની ફેરબદલી કરી તેને પડતર રાખી

આરામ આપ્યો, તાજી કરી અને ફળદ્રુપ બનાવી. હવે એમાં આપણે કપાસ વાવી જોશું.’

આટલું તો સહેજે સમજાય તેમ હતું. કપાસ વીણી લેવાય તે પહેલાં દૂર દૂરથી

અનેક લોકો તે જોવા આવતા તેના સુંદર ઊંચા છોડ અને ફાટ ફાટ થતાં કાલાં જોઈને સહુના

પગમાં જાણે નવું જોમ પૂરાતું. એકરે પ૦૦ પાઉન્ડ કપાસ ઉતર્યો. કાળા અને ગોરા સૌને

મન કાર્વર દેવ સમો થઈ પડ્યો. આટલો પાક તો કયારેય કોઈ લઈ શકયું ન હતું.

દરમ્યાન કાર્વર આજુબાજુના પ્રદેશ અને લોકો સાથે પરિચય કેળવી રહ્યો હતો.

દરરોજ પ્રભાતનાં ચાર વાગ્યે તે અચૂક ઊઠતો. જંગલમાં એક આંટો મારવો તે તેનો

નિત્યક્રમ હતો. ધીમે ધીમે તેણે કહેવા અને લખવા માંડયું કે આજુબાજુ જે બધો પ્રદેશ

પડયો છે ત્યાં અઢળક સંપત્તિ છે. આખા યુરોપમાં પણ ન મળે તેટલાં વિવિધ વૃક્ષો આ

પ્રદેશમાં છે. કલ્પનામાંય ન આવે તેટલાં પ્રકારનાં જંગલી ફૂલો તેણે જોયાં છે.

લોકોએ તેને જુદીજુદી માટી ખોદી કાઢતાં અને વનસ્પતિના મળે તેટલા નમૂના

એકઠા કરતાં જોયો. સૌએ કહ્યુ,‘કોઈ વૈદ્ય લાગે છે.’

દૂર દૂરથી લોકો અનેક જાતના રોગની ચિકિત્સા કરાવવા તેની પાસે આવવા

લાગ્યા. મોટા ભાગે રોગમાં વિટામીનના તત્વો ખૂટે છે એમ કાર્વરને લાગ્યું અને તેણે

વિટામીનથી ભરપૂર એવી વનસ્પતિ દવા તરીકે આપવા માંડી. કાર્વર તો તેમનો માનીતો

ડૉકટર બની ગયો.

લોકો બીજી સલાહ પણ હવે માગવા આવવા લાગ્યા. કાર્વર તેમને છૂટથી

સમજાવવા મથતો-ખાતર, પાણી, બિયારણ બધાં વિશે બાળકોને સમજાવતો હોય

તેમ દૃષ્ટાંત આપી એકબીજાનો સંબંધ તેમનાં અબોધ ભોળાં મનમાં એવી સરસ રીતે

ઠસાવી દેતો કે ફરી તેમને પૂછવા આવવાનું રહેતું નહિ.

દરેક જગ્યાએથી જુદી જુદી અનેક માટીનું તે પૃથ્થકરણ કરતો. તેની પ્રયોગશાળામાં

કેટલાંયે ડબલાં ને ડોલ માટીથી ભરેલાં રહેતાં. એક વાર એક વિદ્યાર્થીને કાર્વર માટે

પ્રયોગશાળા સરસ સાફ કરવાનો ઉત્સાહ ચડી આવ્યો.

એ તો એક પછી એક ડબલાં ઉપાડીને બધી માટી ફેંકી આવવાની તૈયારીમાં જ

હતો ત્યાં કાર્વર આવી ચડયો. બારણામાં જ અટકી જઈને કાર્વરે પૂછયું,‘અલ્યા શું

માંડયું છે ?’

પેલો ઉત્સાહથી કહે,‘ આ બધું ગંદુ અને અસ્તવ્યસ્ત પડયું છે તે મને થયું કે સાફ

કરી નાખું!’

શિક્ષક પ્રશંસાના બે શબ્દ કહેશે જ. વિદ્યાર્થીએ માનેલું પણ પેલાએ તો પૂછયું,‘આ

માટી કયાં ઉપાડી જાય છે ?’

‘આનું કામ તો પતી ગયું છે. બધાનું પૃથ્થકરણ થઈ ગયું છે એટલે હવે ફેંકી દઉં?

માટીનો બીજો શો ઉપયોગ હોઈ શકે!’

કાર્વર નીચા નમીને ડોલમાંથી થોડી ધૂળ હાથમાં સેરવીને કહે ,‘અરે ભલા

માણસ! જો તો ખરો! આમાં તને કંઈ દેખાય છે ?’

ઘણા વખતના અનુભવે વિદ્યાર્થી એટલું તો સમજયો કે એમાં કંઈક ખરેખર

જોવા જેવું હશે. પણ એને તો માટી સિવાય વિશેષ કંઈ ન દેખાયું!

કાર્વર કહે, રંગ.... આમાં રંગ નથી દેખાતા તને? જો ને પીળો, લાલ, જાબંલી

કેટલા રંગ છે? આ રંગ કેમ હશે ?’

કંટાળીને વિદ્યાર્થી કહે,‘લે, માટી એવી જ હોય ને!’

‘હા, એવી જ હોય તે બરાબર, પણ શા માટે? ’ સનાતન પ્રશ્ન આવીને ઊભો રહ્યો.

‘ભગવાન સાથે તે વાત થઈ શકતી હશે ?’ જર્મન કાર્વરને જેવું વિચિત્ર લાગ્યું

હતું તેવું જ વિચિત્ર આ વિદ્યાર્થીને પણ લાગ્યું.

કાર્વર વિચારમાં ડૂબી ગયો. વિચારમાં મગ્ન તે બહાર નીકળી ગયો. ચાલતાં

ચાલતાં તેનો એક પગ ખાડામાં પડયો અને તે ગબડી પડયો. ઊભા થઈને તેણે પોતાનાં

કપડાં ખંખેર્યા. ધૂળ ને રેતી ખરી ગયાં. પણ ડાઘ જાય નહિ! તેનો રૂમાલ તો એકદમ

ભૂરો થઈ ગયો હતો. તેણે તેને પાણીમાં પલાળી ધોઈ જોયો. માટી, રેતી ખરી ગયાં પણ

રંગ! રંગ તો એવો ને એવો જ રહ્યો.

‘વાહ!વાહ!વહાલા સર્જનહાર, અપાર છે તારી લીલા, પણ આખરે મને

સમજાવ્યું ખરું!’

પ્રયોગશાળામાં પ્રયોગો શરૂ થઈ ગયા.

‘આહ!રંગ!રંગ! જેને ખૂંદીએ છીએ તે તો મજાનો સરસ પાકો રંગ છે. ’ પ્રયોગોને

અંતે કાર્વરનું મોં ઝળકી ઊઠયું. તેનાં અંતરમાં આનંદ માતો ન હતો. પ્રભુ જાણે તેની

પાસે વિવિધરૂપે પ્રગટ થતો હતો.

અનેક વિધિ કરીને તેણે તેના માટીમાંથી ભાતભાતના સરસ રંગો તૈયાર કર્યા.

થોડા વખત પછી લોકોના પ્રેમને વશ થઈને તેને એક નવા ચણાયેલા દેવળમાં

જવાનું થયું. દેવળ ચણાયું તો હતું. રંગવાનો કંઈ મેળ પડયો ન હતો. પાક સારો થાય

તો આવતે વર્ષે રંગવાની લોકોની ધારણા હતી. પણ દરમ્યાનમાં ઠીક ઠીક નુકસાન

પહોંચે તે સ્વાભાવિક હતું. બધી વિગત જાણીને કાર્વર કહે,‘આ તો ઈશ્વરનું ઘર છે.

ઉત્તમ રંગનો તેને હક્ક છે. તેણે આપવામાં કયાં કંજૂસાઈ કરી છે! અઢળક આપ્યું છે.

અઢળક ભોગવવાનો અધિકારી છે. તમને હું રંગ મોકલીશ.’

લોકો તો ફાટી આંખે જોઈ રહ્યા. આવડા મોટા દેવળને રંગવા પૂરતો બધો રંગ

તે આપશે! પણ કાર્વરે તો સહજ રીતે ચાલુ રાખ્યું,‘જુઓ તો ખરા, આ તમારી ચોપાસ

પડેલી ટેકરીઓ અને ધરતીમાં અખૂટ રંગભંડાર છે. એમાંથી આપણે તો ખોબો એક

લેવું છે. અને તે પણ તેનું જ દેવળ રંગવા!’

લોકો માની શકતા ન હતા. પણ થોડા દિવસ પછી એક ગાડું આવીને દેવળને

બારણે ઊભું રહ્યુ, કેટલાક વિદ્યાર્થીઓ અને કાર્વર નીચે ઊતર્યા. પાછળના ભાગમાંથી

આસમાની રંગની બાલદીઓ ઉતારવામાં આવી. કાર્વરની સૂચના મુજબ ઈશ્વરનો

આવાસ શણગારાઈ રહ્યો.

વરસાદ આવી ગયો પણ રંગ ન ઊતર્યો, ન તો ઊખડી ગયો, ન તરડાયો!

દર રવિવારે સાંજે ટસ્કેજીમાં પ્રાર્થનાનો એક કાર્યક્રમ રહેતો. મધુર કંઠે, કલામય

રીતે જે મંગલ સૂરો છેડાતા તે સાંભળવા જાણે સંધ્યા બેઘડી થોભી જતી. બુકર ટી.

વૉશિંગ્ટનના પ્રભાવથી ખેંચાઈને અનેક લોકો ટસ્કેજીમાં આવતા. ખાસ તો તેઓ

કેળવાયેલા શ્રમજીવીઓ ઘડવાની તેની શિક્ષણપદ્ધતિનું કુતૂહલપૂર્વક અવલોકન કરતાં.

આ સાયંપ્રાર્થનામાં કાર્વર અચૂક આવતો. સમયપાલન કાર્વરનો સહજ સ્વભાવ

હતો. ઘડિયાળ વહેલી મોડી થાય પણ કાર્વર એક સેકન્ડ પણ મોડો ન હોય. એક દિવસ

અચાનક પ્રાર્થના પછી તે સંસ્થાના દીવાનખંડમાં આવી ચડયો. વિદ્યાર્થીઓ બધાં આ

આરામના સમયમાં બહાર નીકળી પડયાં હતાં. મકાનમાં ભાગ્યે જ કોઈ હતું. આ

ઓરડો પણ ખાલી હતો. એકાએક તેની નજર પીઆનો પર પડી. સંસ્થાના અનેકવિધ

કામકાજમાં તે એવો ખૂંચી ગયો હતો કે સંગીતવાદન સામે નજર સરખી માંડવાની

ફુરસદ તેને રહી ન હતી. તેનાં પગલાં આપોઆપ પીઆનો તરફ વળ્યાં. આંગળીઓ

ફરવા લાગી. ટસ્કેજી તેના ભાવભીના સૂરોમાં તરબોળ થઈ ઊઠયું.

સંગીત બંધ થયું. કાર્વર ઊભો થયો ત્યાં તો દરવાજામાં વિદ્યાર્થીઓનાં ટોળાં

એકચિત્તે ઊભાં રહેલાં તેણે જોયાં. ઘૂંટાઈ ઘૂંટાઈને આવતો એ સ્વરધ્વનિ હજી તેમનાં

કાનમાં ગૂંજી રહ્યો હતો.

કેટલાકે તેમને હજી વધારે બજાવવા વિનંતી કરી, તેના વાદન પર મુગ્ધ થઈ

ઊઠેલી એક છોકરી કહે,‘આહ! તમે દેવળમાં ગાવા આવતા હો તો કેવું સારું! આ

રવિવારે અવશ્ય આવો, આવશો ?’

શરમાળપણાથી કાર્વર હજી મુકત થયો ન હતો.‘ના,રે ના! હું શા માટે દેવળમાં

ગાવા આવું ?’

પેલી કહે,‘કેમ નહિ? તમે જ કહેતા હતા ને, આપણી પાસે હોય તે આપવું

જોઈએ.....ને તમારી પાસે કેવું ભવ્ય સંગીત છે!’

નિત્યનિયમ મુજબના સવારના ભ્રમણ વખતે તેને અનેક વિચારો આવી ગયા.

છેલ્લા કેટલાક વખતથી તેના વિકસતા જતા વિભાગમાં પૈસાની ખેંચ પડતી હતી.

ખેતીની જમીન વધી હતી. પાકની ફેરબદલી, ખાતરના પ્રયોગો બધાં માટે અનેક

પ્રકારનાં સાધનસરંજામની આવશ્યકતા હતી. કોઠારની જોઈએ તેવી સગવડતા ન

હતી. ઢોરઢાંખર વધારવાની તેની મુરાદ હતી. બધે કેમ પહોંચવું? ડૉ. વૉશિંગ્ટન તો

ત્યારે પણ ફંડફાળાનાં કામે દિવસોથી ગયા હતા.

વૉશિંગ્ટનને બહારનું કામ ઘણું રહેતું. વિકસતી સંસ્થા માટે પુષ્કળ પૈસાની

જરૂર રહેતી અને તે એકઠા કરવા પાછળ તેને ખૂબ ખૂબ જહેમત ઉઠાવવી પડતી.

તેને ઘણા દિવસ બહાર રહેવું પડતું અને અવિરતપણે ભાષણો કર્યા કરવાં

પડતાં. તેની પોતાની પ્રતિભા અને સિદ્ધિઓ તે જ તેની ઉત્તમ દલીલ બની શકતી.

ઘોડાના દાબડા પરથી તેના આગમનની જાણ ચોકીદારને થતી. રાતે ગમે તેટલો

મોડો સંસ્થામાં આવ્યો હોય તો પણ મળસકે તે સંસ્થાની લટારે નીકળી પડે. ટાઢ હોય

કે વરસાદ, હાથમાં નોટો પેન્સિલ લઈને તે સંસ્થાના એક એક વિભાગમાં ફરી વળે.

કયાં શું ખૂટે છે, શું કરવાની જરૂર છે, કયારે કેટલું કરવું વગેરે બધું બારીકાઈથી નિહાળી

વિચારી લે અને નોટમાં ટપકાવી લે. બપોર પહેલાં તો દરેકેદરેક વિભાગને અને

કાર્યકરને નાનીમોટી સૂચના મળી ગઈ હોય.

વૉશિંગ્ટનની અદભુત વકતૃત્વકળા અને સાચી નિષ્ઠાએ ટસ્કેજીને ઘણા પૈસાની

સગવડ આપી હતી. કાર્વરને ઘણીએ વાર થતું કે તેની પોતાની પાસે એવી શકિત હોત

તો તે જરૂર વૉશિંગ્ટનને મદદરૂપ થાત! તેમાં ઈર્ષા લગીર નહોતી-હતી એક માત્ર

તમન્ના-વૉશિંગ્ટનનો બોજો હળવો કરવાની. કાલે તેને કંઈ સૂઝયું. જાણે બાળપ્રભુએ

તેને સુઝાડયું હતું. તારી પાસે સંગીત છે. પ્રભુની અર્પેલી આ દિવ્ય શકિતનો ઉપયોગ

કેમ નથી કરતો ?

બહુ સંકોચપૂર્વક તેણે પ્રસ્તાવ મૂકયો. ઉનાળાની રજાઓમાં પોતે સંગીતજલાસામ

ાં ભાગ લેશે. કાર્વરે તો માત્ર પીઆના પર થોડું વાદન કરવાની જ વાત કરી

હતી. પણ તેની શકિત ઉપર મુગ્ધ એવા સૌએ ભાતભાતના કાર્યક્રમો ગોઠવવા માંડયા.

ઠેરઠેર સૂચનાઓ અને પરિપત્રો પાઠવવામાં આવ્યા.

લોકહૃદયમાં કાર્વર સ્થાન પામી ચૂકયો હતો. સૌએ હોંશભેર આ કાર્યક્રમને

આવકાર્યો.

રજાઓ શરૂ થઈ અને કાર્વરનો કાર્યક્રમ પણ શરુ થઈ ગયો. મોન્ટગોમરી અને

આલ્બમા જેવાં મોટાં શહેરોમાં અને લુસીના, જર્યોજીઆના જેવા નાના ગામડાં, દેવળમાં

શાળાઓમાં, સભાગૃહોમાં અને કયારેક તો ગામડાને ચોરે એમ અનેક જગ્યાએ તે

ફર્યો, ગાયું અને બજાવ્યું. લોકોને સંગીત અને સંગીતકાર બંન્ને મોહક લાગતાં હતાં.

રજાઓ પૂરી થાય તે પહેલાં કાર્વર સંસ્થામાં પાછો ફર્યો. તેની જરૂરિયાત સંતોષાય

તેટલા થોડાક પૈસા તો તે લાવ્યો હતો, પણ તે સિવાય બીજું ઘણું તે લાવ્યો હતો. તેના

અંતરમાં ભાવિ કાર્યક્રમનો એક સ્પષ્ટ આલેખ ઊપસી આવ્યો હતો.

કાર્વરને જીવનમાં પ્રથમવાર જ દક્ષિણના આખા પ્રદેશનું અવલોકન કરવાની

તક મળી. એ પ્રદેશની સાથે તેને પોતાના કર્તવ્યનું પણ જાણે દર્શન થયું.

તેણે શું જોયું ? હજારો ભાંગી તૂટી લાકડાંની ઝૂપડીઓમાં ઢોરથીયે બદતર

રીતે જીવતા તેના જાતિભાઈઓ. પહેરવા પૂરાં કપડાં નહીં, ખાવા અન્ન નહીં,

ઘરમાં બારીબારણાંનું કંઈ ઠેકાણું નહીં, ગંદકી, જીવજંતુ અને રોગચાળાનો પાર

નહીં. નાના સરખા ઝૂપડાંમાં દસબારની સંખ્યા તો ઓછામાં ઓછી હોય. દિવસે

કસ વગરની ધરતીમાં એકધારી કાળી મજૂરી કર્યા કરવી, રાત પડયે ઘોલકામાં આવીને

ગોંધાઈ જવું. વર્ષભરની તનતોડ મહેનત પછી ધરતી આપે એટલું કે માંડ માંડ

હાડચામ ભેગાં રહે.

કલાકો સુધી ડૉ. વૉશિંગ્ટન અને કાર્વરની વાતો ચાલતી. પોતાની યોજનાની

એક એક વિગતથી વૉશિંગ્ટનને વાકેફ કરવા અને પોતાની એક એક વાત તેમને ગળે

ઊતરાવવા કાર્વર મથતો.

૧૮૯રથી દર સાલ હબસીઓનું એક સ્નેહ-સંમેલન ભરવાની પ્રથા વૉશિંગ્ટને

શરૂ કરી હતી. ઘણી મોટી સંખ્યામાં લોકો હાજરી આપતા. પ્રગતિશીલ ખેડૂતોને ભેગાં

કરી સમગ્ર પ્રજાને બેઠી કરવાની તેની મુરાદ હતી. ચોથા વાર્ષિક સંમેલનમાં કેટલાક

સુંદર ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.

કાર્વર તેઓને સમજાવવા માંગતો હતો કે ઉત્પાદન વધારવું એવો ઠરાવ ગમે

તેટલી સુંદર ભાષામાં થયો હોય તો પણ ઠરાવ થયો તેથી ઉત્પાદન વધી જતું નથી.

‘આપણે જાતે તેમની વચ્ચે જવું પડશે. કેમ ઉત્પાદન વધારવું તેટલું જ નહિ, કયું

ઉત્પાદન વધારવું અને તે બધાનો શું ઉપયોગ, કેવી રીતે કરવો તે બધું જ આપણે તેમને

બતાવવું પડશે. તેમની વચ્ચે એક સુઘડ ઘર બાંધી તેમાં કેમ રહેવું તે પણ આપણે તેમને

શીખવવું પડશે. એકલું ઘર બાંધી આપ્યે પણ નહીં ચાલે. ગાય આપીને બેસી નહીં

રહેવાય, ગાયની માવજત જાતે જઈને શીખવવી પડશે.’

આ બધાને વૉશિંગ્ટનની સહર્ષ સંમતિ મળી. વૉશિંગ્ટને કાર્વરના પ્રમુખપદે

એક કમિટી સ્થાપી. આ સમિતિના માર્ગદર્શન નીચે એક ફરતી શાળા ચાલુ થઈ.

કયાંકથી દાન મળ્યું. એક ઘોડાગાડી વસાવી. ખેતીને લગતા સાધનસરંજામનું તેમાં

પ્રદર્શન ગોઠવ્યું. ટસ્કેજીના એક સ્નાતક કાર્વરની સલાહ મુજબ ગામડેગામડે ફરે, લોકોને

સમજાવે, બતાવે, જરૂર પડયે જાતે કામ કરી આપે.

લોકોની માંગ વધતી ગઈ તેમ કામ વ્યવસ્થિત ગોઠવાતું ગયું. સામાન્ય ક્રમ

એવો રહેતો કે કોઈ પણ એક ગામડે આ ફરતી શાળાનો ત્રણ દિવસનો મુકામ રહેતો.

નજીકનું એકાદ ખેતર પ્રયોગભૂમિ બની રહેતું. ખેડવા, વાવવા, લણવાના કામથી

માંડીને રોગોનું નિદાન, તેની દવા, ફળઝાડની કાપણી, વગેરે બધું બતાવવામાં આવતું.

એક તદન ભાંગ્યુંતૂટયું ઘર પસંદ કરી તેને સમારી બતાવતા. તેમાં સાદામાં સાદી

વસ્તુમાં જરૂરી રાચરચીલું કેમ વસાવવું, તેને કેમ વાપરવું એવી ઝીણામાં ઝીણી વિગત

પણ દેખાડવામાં આવી..... આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ રસોઈ કેમ કરવી, કપડાં કેમ

ધોવાં આ પણ બતાવવાનું શરૂ કર્યું. અને એક મહિલા કાર્યકર્તાને આ માટે રોકયાં....

બાળઉછેર અંગે ઘટતી સૂચનાઓ આપવા માંડી.

જોતજોતામાં આલ્બામાની સિકલ પલટાવા લાગી. વૉશિંગ્ટનને આ બધા વર્ષોના

પરિશ્રમનું સાચું ફળ આજે મળતું દેખાયું.

કોઈ એક ઊકરડા વચ્ચે કાર્વરે એક વખત દૂધી ઊગેલી જોઈ. કાર્વરને મન આ

મોટો પદાર્થપાઠ હતો. એ પ્રદેશની ધરતીને થોડુંક સેંદ્રિય ખાતર મળે તો અમૂલ્ય પાક

નીપજે. તરત તેણે તે જગ્યા સાફ કરી ડુંગળી, તરબૂચ, બટાટા વગેરે વાવી જોયું.

કચરો બધો નકામો જાય તે કરતાં ખાડો ખોદી કમ્પોસ્ટ ખાતર કરવાનો કાર્યક્રમ તેણે

ગામડે ગામડે શરૂ કરાવ્યો.

અવારનવાર તે બજારમાં પણ જઈ ચડે. ખેડૂતો કોથળા ભરીને, પોતાનો માલ

લાવ્યા હોય તેમાંથી નમૂનાઓ ખેંચી કાઢે- એકબીજા સાથે સરખાવી જુએ. કોઈનાં

ગાજર કે બટાકાં નાના મોટાં થયાં હોય તો કોણે કયું ખાતર વાપર્યું, કયું બિયારણ હતું

વગેરે પ્રશ્નો પૂછી એકબીજાને ઉપયોગી થતાં શીખવે.

તેનું લોકો વચ્ચેનું કામ એટલું વધી પડયું કે કયારે શું જરૂરી માંગ ઊભી થશે તેની

કંઈ ખાતરી જ ન રહે. પણ તેણે એક નીતિ અખત્યાર કરી. પોતે લોકોની માંગણી પૂરી

પાડવા સતત હાજર રહેવું અને એટલે તેનો વિભાગ કદી બંધ હોય જ નહીં. માંડ લોકો

વૈજ્ઞાનિક મદદ માંગતાં થયા હતા. મદદ લેવા આવનારે એક પણ વાર પાછા ફરવું પડે

તે કેમ ચલાવાય!

ધીમે ધીમે લોકો ત્યાંનું પાણી, જમીન વગેરેનું પૃથ્થકરણ કરાવવા આવતા. જાતે

ન આવી શકતા તો ટપાલમાં મોકલતા. કાર્વરનું કામ વધતું જ ચાલ્યું. આમેય સંસ્થા

તરફથી તેને કયાં ઓછાં ખાતાં સોંપાયા હતાં! જેને માટે કોઈ યોગ્ય માણસ ન મળે તે

બધું નિશ્ચીત મને વૉશિંગ્ટન કાર્વરને સોંપી દે. અને પોતાને આવડતું હોય તે કામની ના

પાડવાનું તો કાર્વરના સ્વભાવમાં જ ન હતું. દિવસ અને રાત તેનું કામ અનવિરતપણે

ચાલ્યા જ કરતું.

ફળફળાદિ અને શાકભાજીનો ઠીક ઠીક પાક થયા પછી કાર્વર જાતે અથાણાં

અને મુરબ્બા કરી તે બધું કેમ સાચવી રાખવું તે શીખવતો.

દર વર્ષે મોસમ પછી જે ખેડૂત સંમેલન ભરાતું તેનું સ્વરૂપ બદલાઈ ગયું. માત્ર

ઠરાવોને બદલે સુંદર પ્રદર્શન પણ ભરાવા લાગ્યું. દૂર દૂરથી ખેડૂતો આવતા. કાર્વરનાં

ભાષણો અને તેણે બહાર પાડેલી પત્રિકાઓ દ્વારા જે સલાહ મળી હોય તે મુજબ કરેલા

પાકના નમૂનાઓ, અથાણાં-મુરબ્બાના નમૂનાઓ અને સાથે સાથે નવાં ભરત -ગૂંથણ

લઈ મહિલાઓ પણ આવતી.

પાછળથી આ મેળાઓએ વ્યાપક સ્વરૂપ પકડેલું અને કેટલાંક ગોરાં સ્ત્રી-પુરુષો

પણ તેનો લાભ લેવા આવતાં. લોકોને કાર્વર દેવ સમો લાગતો. તેમને ત્યાં જાય ત્યારે

દયાળુ દેવદૂત પધાર્યા હોય તેટલો આનંદ અને રાહત તેમને મળતાં. વૉશિંગ્ટને પણ

કાર્વરની ભગીરથ સેવા માટે પોતાનો પ્રેમ અને આદર પ્રગટ કર્યા. કાર્વરનો પગાર

વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

‘વધારે પૈસા લઈને નાંખવા કયાં ?’ કાર્વરે જવાબ વાળ્યો!

સૌને નવાઈ લાગી. ઘેલછાની કંઈ હદ હોય કે નહિ!

પણ વૉશિંગ્ટન આ ઓલિયાની કદર ન કરી શકે તેવો અબૂધ ન હતો. તેણે લોકો અર્થે

તે પૈસાનો ઉપયોગ કરવાનું વિચારી લીધું. કાર્વરને પૈસાની જરૂર કયાંથી હોય ?

તે વર્ષે કપાસનો પાક જોઈને આંખ ઠરતી હતી. મોટા ભાગના ખેડૂતોએ કાર્વરની

સલાહ મુજબ પહેલાં શક્કરિયાં કે વટાણા વાવીને જમીનને આરામ આપ્યો હતો.

ખાતર નાખીને તેને ફળદ્રુપ બનાવી હતી. તે પછી સૌ કપાસ તરફ વળ્યા હતા. કપાસ

બહુ કિંમતી પાક ગણાતો. આલ્બામાંના ભાગ્ય ઊઘડી ગયા હતા. છાતી સમાણાં છોડ

ઉપર રૂપાના કટોરા ભરીભરીને લક્ષ્મી જાણે તેમને ત્યાં આવી હતી.

એકાએક એક દિવસ તેમની આશાનો મિનાર કડડભૂસ કરતો પડયો. એક જ

રાતમાં ધોળાં દૂધ જેવાં કાલાં ઝાંખા પડી ગયાં. એકાએક કરમાઈને નમી પડયા, ખરવા

લાગ્યાં. લોકોનાં હૈયામાંથી એક કારમી ચીસ ઊઠી, સ્ત્રીઓ રડવા લાગી. બાળકો ફાટી

આંખે જોઈ રહ્યાં. કપાસને રોગ લાગુ પડતો હતો. ધનેડાં ફરી વળ્યાં હતાં. આમાંથી

ઊગરવાનો કોઈ આરો ન હતો. બધી મહેનત, બધો ઉત્સાહ, બધી આશાઓ ધોવાઈને

સાફ થઈ રહી હતી.

કાર્વરને કાને આ બધી બૂમો અથડાઈ.

તેણે પોતે પણ કેટલાક એકર જમીન કપાસ પાછળ રોકી હતી. ધનેડાં તો ત્યાં

પણ વળગ્યાં હતાં. પણ બાજુનાં શીંગના ખેતર એવાં ને એવાં લીલાછમ ઊભાં

હતાં.વિચાર માટે તેને ખોરાક મળી ગયો. શીંગ વિશે તેણે ઠીક ઠીક અભ્યાસ કર્યો

હતો. હવે તેણે વધારે સંશોધન શરૂ કર્યું.

ગામડે ગામડે ફરી કાર્વરે લોકોને હાકલ પાડી.‘કપાસનાં ખેતરો ખેડી નાખો,

ઝેરી દવા છાંટો, એક મહિના પછી શીંગ વાવો.’

લોકોએ સાંભળ્યુ. ‘પણ સમાધાન શેં થાય ? શીંગ? આ રોકડિયો પાક સર્વનાશ

કરતો ગયો. હવે શીંગ વાવવી? શું કરવા ? ડુક્કરને ખવડાવવા? હવે ધોવાઈ તો ગયા

જ છીએ....

કાર્વર ફરી ફરી સમજાવવા માંડયો, ‘ના,ના. શીંગ ઉત્તમ ખોરાક છે. શીંગ

વાવો.’ તેણે નાની નાની પત્રિકાઓ બહાર પાડી. શીંગની ઉપયોગિતા અને તેની ખેતી

પદ્ધતી અંગે નાનામાં નાની વિગત સમજાવતી પત્રિકાઓ તેણે ઘરેઘરે પહોંચાડી.

લોકોએ વાંચ્યું, સાંભળ્યું કે કદાચ સંપૂર્ણ વિનાશમાંથી બચી જઈએ. પોતે ધારતા

હતા તે કરતા કદાચ આ શીંગ વધારે ઉપયોગી હોય પણ ખરી. ગમે તેમ ટસ્કેજીમાંથી

આ કાળા માણસે કહેલી ઘણી વાતો સાચી ઠરી છે. માટે થવા દો અને કાર્વર પરના

વિશ્વાસને આધારે તેમણે તેમની સલાહ મુજબ શીંગનું વાવેતર કર્યું.

પહેલી વાર પાક સારો થયો. મોટા ભાગના બજારોમાં ખપી ગયો. બાકી રહ્યો

તે કાર્વરની સલાહ પ્રમાણે ઉપયોગમાં લેવાઈ ગયો. દરમ્યાનમાં બીજી પત્રિકાઓ બહાર

પાડી હતી. તેમાં શીંગમાંથી પાંઉ, મીઠાઈ, મુરબ્બો એવી ભાતભાતની વાનગીઓ

કઈ રીતે કરવી તે બધું લખ્યું હતું. આઈસ્ક્રીમ પણ તેમાંથી તૈયાર થઈ શકતો હતો.

એટલે વધારે લોકોએ શીંગનું વાવેતર કર્યું. અને બજાર બેસી ગયાં! પાણીનાં

મૂલે શીંગ વેચાવા લાગી. ખેતરમાં પડી પડી સડી જાય તો પણ કોઈ સામે ન જુએ તેટલી

કિંમત ઘટી ગઈ.

લોકો ઉશ્કેરાઈ ગયા! મૂરખ હતા કે ટસ્કેજીના પેલા વૈજ્ઞાનિકાની સલાહ માની!

દોષનો ટોપલો આવ્યો કાર્વર માથે. ભૂખની ઝાળમાં દેવદૂત સમો કાર્વર હવે જાણે

કાળમુખો લાગતો હતો. લોકો પૂછતા,‘આ ઢગલાબંધ શીંગ પડી છે.કહો એનું શું

કરીએ ?’ કાર્વર પાસે જવાબ ન હતો.

એક ઘડી તેણે ભારે આઘાત અનુભવ્યો. બધા દોષનો ટોપલો તેણે ઓઢી લીધો.

પોતે પહાડ જેવડી ભૂલ કરી હતી. આ પરિસ્થિતિનો તેને પહેલેથી જ ખ્યાલ આવવો

જોઈતો હતો. પણ નહિ! ઈશ્વરની લીલ અકળ છે.! તેને જરૂર કંઈક કહેવાનું છે.

તેણે આસુંભીની આંખો ઈશ્વર તરફ માંડી અને પૂછયુ, ‘ઓ સર્જનહાર! કહે, તેં

શા માટે આ શીંગનું સર્જન કર્યું? તે શું છે? અમારે તેનું શું કરવું?

રાત્રિની નિઃસ્તબ્ધ શાંતિમાં સર્જનહારે તેના આર્ત સ્વરને સાંભળ્યો. તેની તીવ્ર

જિજ્ઞાસાને શાંત કરી. તેને જવાબ આપ્યો.

કાર્વરે ટોપલા ભરી ભરી શીંગ મંગાવી. શીંગ આવી ગઈ કે દરવાજા બંધ થઈ

ગયા. દિવસ અને રાત તેનું કામ ચાલતું. રાત્રે એક અડધી ઘડી પણ બત્તી બુઝાતી

નહિ. પ્રયોગશાળામાં જ તેની થાળી મોકલવામાં આવતી. પણ સ્પર્શ થયા વગર જ તે

પાછી ફરતી. કોઈ ધીમે રહીને બારણું ખખડાવે તો અંદરથી જવાબ આવતો,‘ચાલ્યા

જાઓ! અમે કામમાં છીએ.’

બધા એકબીજા સામે જોતાં! અમે એટલે કોણ? કોણ બીજું ત્યાં છે ? કોઈ વિદ્યાર્થી

તો નથી જ. નથી કોઈ મદદનીશ. ડૉ. વૉશિંગ્ટન પણ નથી. ત્યારે બીજું કોણ?

આમ ને આમ છ દિવસ અને છ રાત પસાર થયાં. સાતમે દિવસે તે

પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો. લથડિયાં લેતો પોતાના ઓરડામાં આવી પલંગ પર

પડયો. પડયો તેવો ઊંઘી ગયો.... તે છેક બીજા દિવસની સવાર સુધી! મળસ્કે ઊઠીને

જંગલની વાટે ફરી આવ્યો. અને પછી તેણે નાસ્તો કર્યો.

મૌન તો તે પછી જ છૂટયું. કેટલાક વિદ્યાર્થીઓને ભેગા કરીને કહે, ચાલો મારી

સાથે.’

સૌ ચાલ્યાં પ્રયોગશાળામાં . દાખલ થયા ત્યારે અનેક શીશીઓ અને બરણીઓથી

મેજ ભરચક હતું. એકસો ચાર વાનગી હતી.! તેણે એક પછી એક નામ આપવા

માંડયાં! વિદ્યાર્થીઓ દિગ્મૂઢ થઈ જોઈ રહ્યાં. કેડી મળી ચૂકી હતી.

આલ્બામાના એક નાનકડા ગામમાં એક સ્મૃતિસ્તંભ ઊભો છે. તે ઊભો કરવા

પાછળ લોકોએ ૩,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યા હતા. નીચે લખ્યુ છેઃ

‘સમૃદ્ધિનો સાગર નોતરનાર ધનેડાંને કોટિ વંદન’

કદાચ આ એક જ સ્મૃતિસ્તંભ છે જે એક જંતુના માનમાં ઊભો કરવામાં આવ્યો

હોય, જયારે ખરેખર તે માન કે યશ એક મહાપુરુષને મળવાં જોઈએ.

૧૯૧પની એક સવારે વૉશિંગ્ટન બહાર જવા તૈયાર થઈ ગયો હતો. પગથિયાં

ઊતરતાં તેણે કાર્વરને પૂછયુ,‘પેલી ફરતી શાળાનું પ્રદર્શન પૂરું થઈ ગયું ?’

કાર્વર કહે,‘ના, એ કદીયે પૂરું થાય તેવું લાગતું નથી. બે ગાડાં ભરાય તેટલું તો

અત્યારે થયું છે.’

વૉશિંગ્ટન કહે, ‘ મને લાગે છે કે તે પ્રદર્શન દ્વારા જ દક્ષિણના ગોરાઓનેકાળા

લોકોની કેળવણીની તીવ્ર જરૂરિયાતનો સાચો ખ્યાલ આવશે.’ ઘડીભર વિચારમાં ડૂબી

જઈને કહે,‘ આ ગાડાને બદલે ટ્રેઈનમાં પ્રદર્શન ગોઠવ્યું હોય તો ? ધારાસભાની બેઠક

હોય ત્યાં પહેલું બતાવવું અને પછી આગળનો વિચાર કરવો. તમને શું લાગે છે ?’

કાર્વર કહે,‘વિચારવા જેવું ખરુ!’

‘વિચારજો.’

અને આ અંતિમ સૂચન હતું. ૧૯૧પના ઑકટોબરની રપમી તારીખે રંગભેદ

ઉપર છેલ્લું ભાષણ આપ્યું. બીમાર હાલતમાં તેને ટસ્કેજીમાં પાછો લાવ્યા....મૃત્યુને

ખોળે ધરવા.

૧૪મી નવેમ્બરે સંસ્થાને જીવનભરની સેવા આપીને તેણે વિદાય લીધી.

ટસ્કેજી પોતાના પ્રણેતા માટે ચોંધાર આંસુએ રડયું. આલ્બામાના લોકોનો એક

માત્ર આધારદીપ ઓલાઈ ગયો. કાળા લોકોનો દીપક બૂઝાયો. અમેરિકાએ આંચકો

અનુભવ્યો. કાર્વર પોતાના દિલોજાન દોસ્ત માટે ખોબો આંસુ ખાળી રહ્યો.

વૉશિંગ્ટનની કબર પર એક સ્મૃતિશિલા ગોઠવાઈ પણ તેની સાચી સ્મૃતિશિલા

તો હતી ટસ્કેજી સંસ્થા પોતે. માણસે કદી ન સર્જી હોય તેવી પવિત્ર ઈમારત.

સંસ્થા હવે રળિયામણી બની હતી. સાગનાં ઊંચા વૃક્ષો, ઘેઘૂર દેવદાર,રબ્બર

અને મેગ્નોલિયા અનેક વૃક્ષો સંસ્થાની વિશાળ ભૂમિ પર પથરાયાં હતાં. સંસ્થાનો

બગીચો પણ આકર્ષક હતો. અવનવા આકારમાં ઘાસ છાયેલા કયારાઓ અને વિવિધરંગી

પુષ્પો ઠેકઠેકાણે શોભી ઊઠતાં લતામંડપો, આખા બગીચાને ફરતી લીલીછમ વાડ પણ

એવાં સુદર આકારો આપીને કાપવામાં આવતી કે જોનાર કોઈ પણ સમજી શકે કે અહીં

કલાકારનો હાથનો સ્પર્શ છે.

મકાનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. ૪ર મકાનોની જગ્યાએ

૧૯૦૬માં ૧પ૬ અને ૧૯૧પમાં ૧૮૪ મકાનો હતાં. લાલ ઈંટોની દિવાલો અને સફેદ

સ્તંભ, ઊંચા અને સુંદર આકાર આપેલાં મકાનો હતાં. ઈંટ ખરીદવાની શકયતા ઊભી

થઈ ત્યારે પણ મકાન બાંધવામાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ રહેતા. કેટલાંક તો તેમણે જ

બાંધેલા હતા.

ગોથીક બાંધણીનું એક સરસ નાજુક દેવળ હતું. પુસ્તકાલય અને પ્રયોગશાળા

ચોક્કસ બાંધણીના હતાં. હૉસ્પીટલ આકર્ષક અને સુરેખ હતી.

સંસ્થાનું વાર્ષિક ખર્ચ ૮૦ હજાર ડૉલરનું થતું, જેના ૬૦ હજાર ફંડફાળામાંથી

મેળવવા પડતા. નાનામોટા ૮૬ કાર્યકરો હતા.

પહેલાની પ્રાથમિક શાળામાંથી માધ્યમિક, મહાવિદ્યાલય શરૂ થયાં હતાં.

વિજ્ઞાનની અનેક શાખાના સ્નાતકો અહીં તૈયાર થતા.

૧૮૦૦ વિદ્યાર્થીઓ ઉપર પણ સમયની અસર વર્તાતી હતી. ચીથરેહાલ કપડાંમાં

હવે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી નજરે પડતા. વૉશિંગ્ટન અને કાર્વર બંનેએ આ જોઈને

નિરાંત અનુભવી હશે.

શરૂઆતમાં સંસ્થા ઉદ્યોગપ્રધાન હતી. પણ પછી ધંધાકીય અને સાક્ષરી બંને

શાખાઓ શરૂ કરવામાં આવી હતી. સાક્ષરી શાળાના વિદ્યાર્થીઓને પણ અઠવાડિયાના

છ કલાક કોઈ ને કોઈ ઉદ્યોગમાં આપવાના રહેતા. વિવિધ પ્રકારના બેંતાલીશ ઉદ્યોગો

શીખવાતા. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક યોજના હતી.

જેમાં વિદ્યાર્થી આઠ કલાક આપતો અને રાત્રિ વર્ગોમાં અભ્યાસ કરતો.

કાર્વરે એક વખત ભાષણમાં કહેલું,‘વિદ્ધતા મેળવે તે જીવનભર શ્રમ ન કરે

એવો શિક્ષણનો હેતુ એક કાળે હતો. પણ આજે આનંદ, સંપત્તિ અને જ્ઞાન ત્રણેય

મેળવવાનું સુભગ સાધન જે આપણને સાચા જીવનનો સ્પર્શ કરાવે છે.’

સત્રાંત પ્રવચનમાં વૉશિંગ્ટન કહેતા,‘ તમે જયાંથી આવ્યા હો ત્યાં પાછા જાઓ

અને કામ કરો. વધારે વેતન મળે તેવી નોકરીની શોધમાં સમય ન બગાડશો. વગર

વેતને પણ કામ કરવાની તક માંગો.’

કાળા તરીકે ગળવા પડતા ઝેરનાં ઘૂંટડાનો પાર નહોતો. ડગલે ને પગલે

અપમાનની ઠોકર આવીને ઊભી જ હોય. મુસાફરી વખતે ટ્રેઈનમાં, હોટેલમાં કે

આરામગૃહમાં કોઈને કોઈ ગોરાને હાથ હડધૂત થવાનું તેને આવ્યું જ હોય. તેના જેવા

સંકોચશીલ સ્વભાવને કારણે, માત્ર કાળા હોવાને કારણે સૌનું ધ્યાન ખેંચાય તે પરિસ્થિતિ

અતિશય દુઃખદ લાગતી. પોતાનાં વ્યકિતગત સુખસગવડોનો એને ઓછોમાં ઓછો

ખ્યાલ રહેતો. પરંતુ જાહેરમાં થતાં આવાં અપમાનોથી તે ગભરાતો. અપમાનો સહેજે

સ્વીકારી લેવાની તેની ગમે તેટલી તૈયારી છતાં જયારે જયારે તે આવી પડતાં ત્યારે

ત્યારે તે તેને ચોંકાવી જતાં. તેના નાજુક હૈયામાં એક ભારે ઘા કોરી જતા.

અને છતાં જયાં જવું જરૂરી છે તેમ તેને લાગતું ત્યાં જવામાં કદી કંઈ આડે ન

આવતું. થોડું ઘણું પણ ઉપયોગી કામ હોય તો તે બધી મુશ્કેલી કોરે મૂકી અવશ્ય જતો.

મુસાફરીમાં કયાં ખાવું-પીવું, કયાં સૂવું તે પ્રશ્ન સૌને આવે જ. દક્ષિણનાં એ

રાજયોમાં જયાં કાળા લોકોને સુખસગવડ મેળવવાનો કોઈ અધિકાર છે તેવું કલ્પનામાંય

ન આવતું ત્યાં કાર્વરને માટે આ પ્રશ્નો હંમેશાં કંટાળાજનક બની રહેતા. તે તરસે

પીડાતો હોય તો પણ જાહેર નળેથી તેનાથી પાણી ન પીવાય. દૂર નીચાણના ભાગમાં

‘કાળાઓ માટે’ એવું પાટિયું મારેલું હોય તેવા નળે તેને પહોંચવું રહ્યું. કોઈ મકાનમાં

ઉપલે માળે સભા મળવાની હોય તો તેનાથી લીફટનો ઉપયોગ થઈ શકે નહિ. કયારેક

દાદરેથી પણ ન ચડાય તો તેણે પાછલા ભાગમાં સામાન ચડાવવાનો જે માર્ગ હોય

ત્યાંથી ઉપર જવું પડે.

રાત કયાં ગાળવી તે તો કાયમનો કોયડો. સ્થાનિક કાયદા પ્રમાણે કોઈ પણ

ગોરા સાથે એક જ છાપરા નીચે લોકોને રાત ગાળવા માટે અલગ વ્યવસ્થા રહેતી,

પણ નાના ગામોમાં રાત રહેવાની જગ્યા શોધવામાં જ તેના કલાકો વીતતા. ત્યાં સુધીમાં

તે થાકીને તંગ આવી જતો. અને જગ્યામાં તો કંઈ ઠેકાણું હોય નહિ એટલે મોટે ભાગે

તેની તે રાત બગડતી.

મુસાફરીના તેના અનુભવો ઘણી વાર ભારે વિચિત્ર, કંઈક અંશે વિરોધાભાસી

બની રહેતાં.

માનવતાથી ઊભરાતા કાર્વરના હૃદયને કંઈક કડવાશ ઘોળીને પી જવી પડી હતી.

એક વાર તે સ્ટેશનમાં ગાડીની રાહ જોઈને ઉભો હતો. એક માણસ એંજિનમાં કોલસો

પૂરવા મથતો હતો. હાથે કંઈક ખોડ હતી એટલે તેને ખૂબ મહેનત પડતી હતી.તે જોઈને

કાર્વર કહે,‘હું મદદ કરું ?’ દયાભાવના સિવાય તેના દિલમાં કંઈ ન હતું.

પેલાએ ઊંચું જોયું. કાળી ચામડી જોતાં જ ઘૂરકીને કહે,‘ના.’

‘હશે! સમજતા નથી. અણસમજનું શું દુઃખ લગાડવું!’ કાર્વર મન વાળતો.

પણ જો કોઈ દુકાનમાં કાર્વરને અપમાનજનક જવાબ મળે તો તે તરત જ દુકાનનાં

પગથિયાં ઊતરી જતો. વસ્તુ વગર ચલાવે પણ ત્યાં તો અપમાન ન જ ચલાવી લે.

પરંતુ મોટે ભાગે પરિસ્થિતિ એવી રહેતી કે કોને શું કહેવું! કેટલાક લોકો એટલા મોટા

હતા કે તેમને કોરડા વીંઝી ન શકાય. જયારે કેટલાક તો એટલા નાના હતા કે તેમની

સાથે શું ચર્ચા કરવી? સહમત ન થયો એટલે બરાબર ધીબ્યો એમ જરૂર કહી શકાય પણ

આખરે તમારી ને એની વચ્ચે ભેદ શું રહ્યો? ઊલટા તમે એની કક્ષાએ ઊતર્યા. કાર્વર

એમ માનીને જ ચાલતો કે જેઓ અન્યાય કરે છે તેઓ પોતે જ હીન બની રહ્યા છે. તે

કહેતો,“ મને બહુ વિશ્વાસપૂર્વક એમ લાગે છે કે સૃષ્ટિના સનાતન નિયમોમાં ઈશ્વરને

કંઈ ફેરફાર કરવાનું કહેવાનો અધિકાર આપણને નથી. થોર પર કેળાં કેમ નીપજે ?

એટલે અન્યાય અને દ્વેષ જ જીવનમાં વાવીએ તો તેનો ભયંકર પરિણામો ઝીલવાની

તૈયારી રાખવી જોઈએ.’’

ઘણી વાર વિદ્યાર્થીઓને રંગદ્વેષનો કડવો અનુભવ થતો. તેમની આકરી ટીકાઓ

થતી. અને તેનો બદલો વાળવા તેઓ તલપાપડ થઈ ઊઠતા. પણ કાર્વર તેમને કહેતો.

‘એમ કરવાથી તમે કંઈ મેળવી નહિ શકો. જો કોઈ આપણી ભૂલ કાઢે, ભલે ને ગમે

તેવી ઊદ્ધતાઈપૂર્વક, તો પણ આપણે તેની વાતમાં કેટલું તથ્ય છે તે વિચારવું જોઈએ.

અને જે કંઈ થોડી ભૂલ હોય તે સુધારવા મથવું જોઈએ. અત્યંત દુશ્મનાવટભરી ટીકા

પણ આપણું ભલું કરી જાય.’

યુદ્ધકાળમાં ખેતરો રઝળતાં મૂકયાં હતાં. લોકો ભૂખે મરતાં. કાર્વરે સૌને શાકભાજી

અને ફળફળાદિના વાડા કરવા પ્રેર્યા. તે સમજાવતો, ‘ કોઈ ભૂખી પ્રજા લાંબો વખત

સુધી પોતાના ધ્વજને અણનમ રાખી શકતી નથી.’

તેણે ટસ્કેજીમાં આનાં પ્રતીકરૂપે એક અન્ન ધ્વજ બનાવ્યો. બીટ અને ગાજરનાં

લાંબા પતીકાં પટ્ટા તરીકે અને ચમકતા બટાકાને તારા તરીકે મૂકયા.

એક વખત એક અજાણ્યો માણસ ટસ્કેજીમાં આવી ચડયો. ટસ્કેજી શું છે તેની તેને

ખબર નહિ. મુખ્ય દ્વાર પાસે જ કાર્વર મળ્યો એટલે તેણે પૂછયું‘અહીં શું વેચો છો?’

કાર્વર હસીને કહે,‘હું એક વસ્તુ વેચું છું, બંધુત્વ.’

અખબારો અને માસિકોમાં કાર્વરનું નામ, તેની વાતો, તેનાં ભાષણો, ટૂંકી

નોંધ, તેના જીવન પ્રસંગો આવવા લાગ્યા હતા. કેટલાંક તેને ટસ્કેજીનો જાદુગર કહેતા,

જમીન વિદ્યાનો કોલંબસ કહેતા. કોઈક ‘કાળા લોકોનું ગૌરવ’ એવું મથાળું પણ આપતું.

જયોર્જિયાના એક માસિકમાં લખાયું હતું,‘ડૉ.કાર્વર એક અવતારી પુરુષ છે.

એની પોતાના જાતિની સમગ્ર પ્રતિભાનું એ પ્રતીક છે. એક એવું વ્યકિતત્વ છે જેમાં

જમાનાઓની હબસી જાતિની બધી જ ખાસ શકિતઓ એકત્રિત થઈને પવિત્રરૂપે પ્રગટ

થઈ છે.’

કાર્વરને ટસ્કેજીમાં કાર્વર જ કહેતા, પરંતુ બહારના લોકો તેને ડૉકટર કહેતા થઈ

ગયા હતા. મિસ્ટર કહેવાનું ગેરકાયદેસર હતું. એકલું કાર્વર હવે તોછડું લાગતું એટલે

ડૉકટર પ્રચલિત થવા માંડયું.

લંડનના એક માસિકમાં નીચેની લીટીઓ પ્રગટ થઈ હતીઃ‘ જો મને કોઈ પૂછે કે

એવો કયો જીવતો પુરુષ છે જેના જીવનનો આરંભ ક્ષુદ્ર હોય અને જેનો અંતકાળ

ઉત્તમોત્તમ હોય તો હું બેધડક કહીશ કે તે ડૉ.કાર્વર. આપણે ત્યાં ઈંગ્લાંડમાં આવી કોઈ

વ્યકિત નથી તે આપણું દારિદ્ર છે.’

૧૯ર૮માં પ્રથમવાર કાર્વરને વિધિસર ડૉકટરની પદવી એનાયત કરવામાં

આવી. તેની સૌ પહેલી કૉલેજ સિમ્પસન કૉલેજે આ બહુ ઘટતું પગલું ભર્યું હતું.

ત્યાંના પ્રમુખે પદવી એનાયત કરતાં કહ્યું,‘ડૉ. કાર્વર સિમ્પસન કૉલેજના સૌથી

વધારે માનીતા સંતાન છે. સિમ્પસન કૉલેજ માટે નિરંતર પ્રેરણાદાયી યાદગીરી તે

રહેશે કે જયારે જ્ઞાન માટે દરવાજા ખખડાવતા કાર્વર અહીં આવ્યા ત્યારે તેને જાકારો

નહોતો આપ્યો. રંગ કે જાતિભેદને જ્ઞાન આડે આપણે આવવા દીધાં નથી. તે અમૂલ્ય

સિદ્ધાંત સતત આપણી નજર સામે રહે.’

કોઈ પણ નવી શોધ અંગે લોકોનું વલણ કેવું રહે તે અંગે વાત કરતાં એક વખત

કાર્વર કહે,‘ સંશોધકે ત્રણ પગથિયાં વટાવવાં પડે છે, જે બધાં મહત્વનાં છે. અને તદન

સ્વાભાવિક છે. પહેલું પગથિયું સામેનાને ઊતારી પાડવાનું છે. કોઈ પણ નવી વસ્તુ

પ્રજા સમક્ષ આવે એટલે કેટલાક આકરા ટીકાકારો નીકળી આવે : ‘આ બિલકુલ નકામી

વસ્તુ છે. તેની ઉપયોગિતા વિષે દાવો કરનાર મૂરખ લાગે છે. જૂની વસ્તુ સારી જ હતી

આ નથી જોઈતી.’ બધા તે વસ્તુની વિરૂદ્ધ થઈ જાય છે. જે ખૂબ સારી વાત છે. નવી

વસ્તુએ આ બધા પ્રહારો સહન કરીને પોતની શ્રેષ્ઠતા સાબિત કરવી જોઈએ.

આ ધમાલ પછી નિષ્ક્રીયતાનું એક પગથિયું આવશે, જયારે બધા મૌન ધારણ

કરશે. તેની ઉપયોગિતા વિષે જાણનારાં પણ મૌન ધારણ કરશે.‘જવા દો, ભલે નકામી

વાતો થાય.’ ન જાણનારા બીજાનું મૌન જોઈ રસ ખોઈ બેસશે.

બીજું પગથિયું પસાર થયું તો પછી સૌથી મહત્ત્વનું અને રસિક ત્રીજું પગથિયું

આવશે. જયારે વિરોધ કરનારાઓ પણ તે વસ્તુ,તેના સંશોધક અને તેના સાથે સંકળાયેલી

બધી વિગતોની પ્રશંસા બહેલાવીને કરવા માંડશે. ઘણાં રસ લેવા માંડશે. એટલે વ્યાપારી

જગત તેની સંભાળ રાખવામાં સહેજે પાછું નહિ પડે તેની ખાતરી રાખવી.

તેની આંતરિક અનુભૂતી અંગે કયારેક ભારે ગેરસમજ થતી. એક વખત ભાષણ

કરતાં તેણે કહેલુંઃ ‘આપણે ઈશ્વરના હાથ સાથે આપણો હાથ મિલાવીએ તો તે આપણી

સમક્ષ પહેલાં કદીએ ન પ્રગટ કર્યાં હોય તેવાં રહસ્યો પ્રગટ કરશે. મારી પ્રયોગશાળામાં

કદી કોઈ પુસ્તકો કામમાં આવતાં નથી. જે મારે કરવાનું છે તે અને તે કરવાની પદ્ધતિ

માટે કયારેય મારે ફાંફા મારવાં પડતાં નથી. જે ક્ષણે કંઈક નવું શોધવાની પ્રેરણા થાય છે

તે જ ક્ષણે તેની પદ્ધતિનું રહસ્ય પણ પ્રગટ થાય છે. જ્ઞાન આડેનું આ આવરણ ખસેડનાર

ઈશ્વર વગર હું લાચાર હોત.’

પણ આની ગેરસમજ કરનારા પણ હતા. એકે લખ્યું, ‘વૈજ્ઞાનિકો માટે આ

વિચારી લેવાનો પ્રશ્ન છે કે ડૉ. કાર્વરને કેટલા આધારભૂત ગણવા. અલબત્ત તેની

જાતિમાં ઘણામાં જે શકિત નથી તે તેણે બતાવી છે, પણ જે ભાષામાં વૈજ્ઞાનિકતા નથી

તેનો શો અર્થ ? સાચા વૈજ્ઞાનિકો પુસ્તકોનો દ્વેષ નથી કરતા અને પોતાની સિદ્ધિને

ઈશ્વરી પ્રેરણા નથી ગણાવતા. એથી તો વહેમો અને અજ્ઞાનતાભરી માન્યતાઓને

સમર્થન મળશે. ડૉ. કાર્વરનાં સંશોધનો વૈજ્ઞાનિક નહિ, પણ ચમત્કારિક લેખાશે.’

કાર્વરને આ વાંચીને દુઃખ થયું હતું. આવી ગેરસમજની તેને કલ્પના જ ન હતી.

તેની પ્રકૃતિ મુજબ તે પોતે મૌન રાખતો પણ સંસ્થાના સંચાલકોએ આગ્રહ કરી તેને

પ્રત્યુત્તર આપવા સમજાવેલો.

વિલ્સન ટસ્કેજીની નવી બેંન્ક સંભાળવા આવ્યો હતો. ટસ્કેજીમાં હવે વીજળીઘર,

પોસ્ટઑફિસ, પુસ્તકાલય, દેવળ તથા વસ્તુભંડાર હતાં. હવે આ બેન્ક ઊભી કરવામાં

આવી હતી, જે શાળાની બધી જ આર્થિક બાબતો સંભાળવાની હતી.

ઘણા દિવસે વિલ્સને કાર્વરને બૅન્કની બારી તરફ રાહ જોતા જોયા. બૅંન્ક બંધ

કરવાનો સમય થવા આવ્યો હતો. એટલે તે તરત તેમની પાસે પહોંચ્યો.

‘મારે મારો ચૅક જોઈએ છે.’ સંકોચસહ સ્મિત કરતાં કાર્વરે કહ્યું.

વિલ્સન વિચારમાં પડયો. વેતનના ચૅક ત્યાંથી જ આપતા હતા તે તે જાણતો

હતો પરંતુ વેતન તો પહેલીએ જ અપાતું અને આ તો હજી ર૩મી હતી.

‘મિ. કાર્વર! હું દિલગીર છું ચૅક..... ’ કાર્વર કહે,‘તમે નવા છો એટલે ખબર

નથી તેથી કહો છો..... જેમને ખબર છે તે કોઈકને બોલાવો.’

ત્યાં બીજો એક જૂનો કારકૂન આવી ચડયો. તે તરત સમજી ગયો તેણે કહ્યું‘થોભો

મિ. કાર્વર! હું હમણાં જ ચૅક લાવી આપું.’

સહેજ ખિજાઈને વિલ્સન પાછો ફર્યો. પેલા કારકુને કબાટનું એક ખાનું ખોલી

કાગળોની એક ઢગલી કાઢી. છેક નીચેથી એક ચૅક કાઢીને કાર્વરને આપ્યો. કાર્વરે તેની

સામે જોયા વગર ચૅક ખીસામાં નાખી દીધો અને તરત ચાલ્યો ગયો.

કારકુન વિલ્સન સામે જોઈને સહેજ હસ્યો,‘ હવે એટલું બધું ગંભીર મોં ન

કરશો. હજી ઘણું શીખવાનું છે.’ તેણે વિલ્સનને કહ્યું. છેડાઈને વિલ્સન કહે,‘ એમાં

નવું શું શીખવાનું છે ? પહેલી તારીખ પહેલાં એમને ચૅક શા માટે મળે ?’ કારકુન હસી

પડયો, કહે;‘ ચાલો આજે જ તેમને સમજાવી દઉં.’

ફરી પેલું ખાનું ખોલી તેણે કહ્યું,‘આખું ખાનું ચૅકથી જ ભરેલું છે! ખરું ને ?’

‘એટલે ?’ં

‘આ બધા ચૅક કાર્વરના નામે જ છે.’ તેણે સમજાવ્યું.

વિલ્સન કહે,‘ઠીક, આ એના વધારાના પૈસા છે. બરાબર છે. તેના સંશોધનમાં

તેને ઘણા પૈસા મળે છે. તે હું જાણતો હતો.’

કારકુન ડોકું ધુણાવી કહે,‘ અરે ભાઈ, આ તો બધા પગારના જ ચૅક છે, જો!

તેણે મેજ પર ખાનું ઠાલવ્યું. અને છેક તળિયેથી ચૅક કાઢીને કહે,‘ જો, હવે ફરી

જયારે કાર્વર આવે ત્યારે તેને આ ચૅક આપવાનો છે. તારીખ સામે જો. મે ૧૯૧પ’

વિલ્સન આભો બનીને જોઈ જ રહ્યો. તેને માન્યામાં આવતું ન હતું. જોયું ? તેણે હજુ

એપ્રિલનો ચેક જ લીધો છે. ફરી આવે ત્યારે મે મહિનાનો લઈ જશે.’ ...‘પણ...પણ

આ તો ૧૯ર૩ છે.’

‘ પણ તું જો તો ખરો.... તે આવ્યા તે દિવસે જે વેતન લેતો હતો તે જ આજે છે!’

‘બહુ ભારે કહેવાય! આવા શકિતશાળી માણસની સંસ્થા કદર ન કરે તે સંસ્થા

માટે જ શરમજનક ગણાય.’

‘શરમજનક શું? તે વધારો સ્વીકારે જ નહિ તેનું શું ? કેટલી વાર તેને કહ્યું છે,

પણ વધારો લે તે બીજા.!’

તેને મન પૈસો તે માત્ર વસ્તુઓની અદલાબદલી માટેનું એક સરસ સાધન હતું.

જરૂર પડયે તે વાપરતો. મોટે ભાગે તેને જરૂર જ ન પડતી.

કોઈ ખાસ આગ્રહ કે સંયમનો આ પ્રશ્ન હતો એમ નહિ. થોકબંધ પૈસાનો તેણે

હંમેશા ઈનકાર કર્યો હતો. એને મન પૈસો એ લોભાવનારી વસ્તુ જ ન હતી, ‘લઈને

નાંખવા કયાં ?’ એ એની મૂંઝવણ હતી.’

૧૯૩૩ની શરૂઆતમાં ઘણી બેન્કો ડૂબવા માંડી હતી. તેમાંની બે ટસ્કેજીની અને

એક એઈન્સની પણ હતી. ત્રણેયમાં કાર્વરનાં ખાતાં હતાં . કોઈકને ચિંતા થઈ અને

તેણે કાર્વરને એ અંગે કંઈ ખબર છે કે કેમ તે પૂછી જોયું. કાર્વર કહે,‘ હા, તે વિષે મેં

સાંભળ્યું છે ખરું.મારી બધી બચત તે ત્રણ બૅંન્કમાં છે. મને તો લાગે છે કે કોઈકને તે

પૈસાનો ઉપયોગ હાથ આવ્યો હશે. હું તો વાપરતો ન હતો.’

તેણે નહિ નહિ તો ૪૦ હજાર ડૉલર ગુમાવ્યા હશે પણ તેને વિષે કદી એક શબ્દ

તેને મોંઢે કોઈએ સાંભળ્યો ન હતો.

તે પોતે એવા તારણ પર આવ્યો હતો કે પૈસાની બહુ વધારે પડતી કિંમત

આંકવી તે જ જગતનું સૌથી વિનાશક બળ છે. પૈસાનો સર્જનાત્મક ઉપયોગ થઈ શકે

ત્યાં તે તેને આવકારતો, પણ તેનું પ્રમાણ પણ જે લોકો વચ્ચે તેને કામ કરવાનું હતું તે

મુજબનું જ તે રાખતો.

વધારામાં જરૂર હતી એક છાપરાની, જેની નીચે પોતે એકલો સહેજ પણ દખલ

વગર કામ કરી શકે. સ્વપ્નાં માણી શકે, ગગનચુંબી ર્ઉીયનો અનુભવી શકે, જગતને

વધારે સુખી અને સમૃદ્ધ કરવાની યોજનાઓ કંડારી શકે. ધરતી પર સ્વર્ગ ઉતારી

માનવીને સુખી કરવાની તીવ્ર અંતરેચ્છાને મૂર્ત સ્વરૂપ આપી શકે..... એવું છાપરું

એટલે કે તેની પ્રયોગશાળા-પ્રભુનું નાનું મંદિર; જેમાં તે પોતાના ઈશ્વર સાથે એકરૂપ

થઈ શકતો. પોતાની જાતને મહાચૈતન્યમાં સમાવી દઈ શકતો.

ડૉ. કાર્વર પોતાના ગામની કૉલેજમાં જ ભાષણ કરવા આવવાના છે તેવું જહૉન

હોપકિન્સ યુનિવર્સિટીએ જાણ્યું એટલે તેમણે કાર્વરને માનપત્ર આપવાનું વિચાર્યું. પોતાની

અમૂલ્ય સેવાના બદલામાં જેણે પૈસા કે પ્રસિદ્ધિ કંઈ જ સ્વીકારવાની ના પાડી હતી તેવા

મૂક સેવકની કદર કર્યા વગર કેમ રહી શકાય ?

અસ્ખલિતપણે તેની વાગ્ધારા ચાલતી રહી- વચ્ચે વચ્ચે પેટીમાંથી નમૂનાઓ

કાઢીને બતાવવાનું પણ ચાલુ રહ્યુ,‘ જે બધું તમે ફેંકી દો છો , શીંગનાં છોંતરાં-કુવળ-

જાળાં -ઝાંખરાં.... .ઉકરડામાંથી આ શોધેલી સંપત્તિ છે.’ પૂરું કરતાં તેણે કહ્યું,‘સત્યની

ખોજ કરો, સત્ય જ તમને મુકિત અપાવશે.’

તેને બેસવા દેવા કોઈ તૈયાર ન હતું. આવો મધુર વાણી પ્રવાહ અટકે તે કેમ

સહન થાય ? તેમણે તાળીઓ પાડી. વાહ વાહ પોકારી અને ફરી વાતો કહેવા વિનવણી

કરી..... છેવટે જયારે વ્યાખ્યાન પુરું જ થયું ત્યારે સૌ કાર્વરને ઘેરી વળ્યા. સૌને ધરાઈ

ધરાઈને કાર્વરને નીરખી લેવો હતો.

‘તમે મહાત્મા ગાંધીને તેમને યોગ્ય ખોરાકની પસંદગી કરી આપી છે ?’ હા,

મને તે લાભ મળ્યો છે.’ કાર્વરે જવાબ આપ્યો. ‘ તે ભગવાનના ઘરનું માણસ છે, પણ

અત્યંત સુકલકડી દેહ. તેમને જરૂરી એવાં બધા તત્વો આ ધરતીમાંથી પાકે છે તેમ હું

માનું છું.’

‘ગાંધી માંસ નથી ખાતા ?’

‘ એ અનિવાર્ય નથી. ઈશ્વરની ધરતીમાંથી ઈશ્વરનો તે પુત્ર બધી જ શકિત

મેળવી શકે તેમ છે. અણુએ અણુમાં ઈશ્વર વ્યાપેલો છે. ઈશ્વરની આસ્થા વિનાની કોઈ

સર્જક પ્રતિભા ખીલી શકે નહિ.’

‘પણ એડીસનનું શું? તે તો નાસ્તિક હતો એમ કહેવાય છે.’

કાર્વરની આંખો ચમકી. તે કહે, ‘નાસ્તિક! જે લોકો ઈશ્વરનું સાચું દર્શન પામ્યા

નથી, તેઓ તેને નાસ્તિક જરૂર કહે કારણ તેમની વ્યાખ્યા તે એડીસનની વ્યાખ્યા

નથી. એટલે તેમને તે કેમ કરી સમજાય ? મારે એડીસન સાથે પત્રવ્યવહાર છે અને

ગાંધીજી સાથેના પત્રવ્યવહાર જેટલી જ કિંમત મારે મન તેની છે. ગાંધીજીની જેમ જ

એડીસન પણ પામી શકયો છે કે જ્ઞાન માત્ર ઈશ્વર દ્વારા મળે છે.’

જેમ જેમ કામ વધતું ગયું તેમ તેમ એક મદદનીશની અનિવાર્ય જરૂર ઊભી થતી

ગઈ. ઘણા સારા વિદ્યાર્થીને મૂકવામાં આવ્યા. પરંતુ કાર્વરને એક્કેથી પૂરો સંતોષ ન

થયો. એક વાર તે જરા બિમાર હતો ત્યારે એકાદને પસંદ કર્યો તેની સાથે કામની

વિગતો પણ વિચારી. પણ જેવો તે સાજો થયો તેવું બધું સરી ગયું.

કાર્વરે ૭૦ વટાવ્યાં હતાં. તેની ચોક્કસ જન્મતારીખની ખબર ન હતી પણ

ટસ્કેજીમાં આવ્યે ૪૦ વર્ષ થયાં હતાં. તેનું કામ વધ્યા કરતું હતું. ૭૦ વર્ષની ઉંમરે પણ

તે નિયમિત ૪ વાગ્યે ઊઠતો. જંગલમાં લટાર મારી નાસ્તો કરતો અને પછી તે ભલો

અને ભલી તેની પ્રયોગશાળા. દુનિયાભરમાંથી લોકો પત્ર લખતા. એક એક પત્રની

છેલ્લામાં છેલ્લી લીટી વાંચીને તેનો જવાબ આપવાનો તે ખાસ આગ્રહી હતો. કેટલાક

પત્રોનો જવાબ તો તે જાતે જ લખતો. અને બીજા માટે બે મંત્રીઓ રોકવામાં આવ્યા

હતા, જેમનો આખો સમય કાર્વર લખાવે તે જવાબો લખવામાં, તે બધાને સરનામાં

કરી પોસ્ટ કરવામાં જ વીતતો.

૧૯ર૪માં ડૉ. પેટર્સન ટસ્કેજી સંસ્થાના પ્રમુખપદે આવ્યા એટલે પહેલું કામ

તેમણે કાર્વરને સમજાવવાનું માથે લીધું. તેણે સંશોધનકામમાં કોઈ મદદનીશને સ્વીકારવો

જ જોઈએ. માત્ર તે હિસાબે કોઈને કોઈ યોગ્ય માણસોને શોધી કાઢી તેને યોગ્ય કામ

આપે તે રીતે પલોટવો જોઈએ. આ વાત પર પહેલા તો કાર્વરે ધ્યાન દીધું નહિ.ં

અમેરિકાના ખેતીવાડી ખાતાના ફુગી અને વનસ્પતિ રોગોની માહિતી વિભાગમાં

મદદ આપવાનું આમંત્રણ કાર્વર પર આવ્યું. આ ઘણી મોટી જવાબદારી હતી; એટલે

છેવટે તેણે મદદનીશ સ્વીકારવાનું કબૂલ્યું.

ઓસ્ટીન કર્ટિસ નામનો એક હોંશિયાર નવયુવાનનો ખ્યાલ ડૉ. પેટર્સનને મનમાં

હતો. એક કૉલેજમાં તે કૃષિવિજ્ઞાનનો અધ્યાપક હતો. તેનામાં અભ્યાસની એકાગ્રતા

ઉપરાંત સૂક્ષ્મ અવલોકનશકિત અને કોઈ પણ હકીકતોનો ઉપયોગ કેળવવાની સૂઝે,

તેને ત્યાંની કૉલેજની આગળ પડતું સ્થાન અપાવ્યું હતું.

૧૯૩પના સમારંભનો સમય હતો. સપ્ટેમ્બર માસના

એ શીતળ પ્રભાતે કાર્વર ઊઠયો. હવે તે ઊઠતો ત્યારે તેને પહેલાંના

જેવી સ્ફૂર્તિ ન લાગતી. આજે પણ તેનું શરીર અસ્વસ્થ હતું. તે

અરીસામાં ભાગ્યે જ જોતો. આજે તેણે ખાસ જોયું હં.....બરાબર

છે, પોતે હવે ઘરડો થઈ રહ્યો હતો, ધોળા આવ્યાં હતાં. ખભેથી

વળી ગયો હતો. તેણે સાંભળ્યું હતું કે તેનો મદદનીશ આગલી

રાતે આવી ગયો હતો. કેવો હશે ? તે ખરેખર ભાળતો હશે ?

મોટા ભાગના તો એ બાબતમાં અબુધ જેવા જ મળતા.

ચાલતાં ચાલતાં તે બબડયો,‘સમય વીતી રહ્યો છે, હું ઘરડો થઈ રહ્યો છું. થોડો

થાકયો પણ છું, પણ વચ્ચે કંઈ અડચણ ઊભી થવા દેવા હું માંગતો નથી.’

તે પાછો ફર્યો ત્યારે તેના હાથમાં કેટલાક છોડવાઓ હતા. તે આનંદમાં હતો

અને બધું ભૂલી ગયો હતો. લહેરથી નાસ્તો કરવા બેઠો.

ભોજનઘરમાં આજે આનંદની છોળો લહેરાતી હતી. લાંબી રજાઓ પછી

એકબીજાને સૌ ભેટી આવકારી રહ્યા હતા.

કોઈકે કાર્વરને કહ્યુ,‘ડૉ. કાર્વર, તમારા મદદનીશ આવી રહ્યા છે.’ કાર્વરે ઊંચું

જોયું. ચાર-પાંચ અપરિચિત યુવકો દરવાજામાં ઊભા હતા. કાર્વરે દરેક તરફ ધારીને

જોયું! આમાં કયો તેનો મદદનીશ હતો ? એકમાં તેનું મન ચોંટયું. ઊંચો સુડોળ દેહ અને

સૌથી વધારે ગમી જાય તેવી તેની ઊંડી ચમકતી આંખો હતી.

કાર્વરે કહ્યું,‘પેલો હોય તો બહુ સારું,’ અને તરત જ તે યુવકે આગળ આવીને

કહ્યું,‘ડૉ. કાર્વર, હું ઓસ્ટીન કર્ટીસ.’

પછી બંન્ને ઑફિસ સુધી સાથે ગયા. બિચારો યુવક મૂંઝાયો કારણ કે આ

મહાપુરુષને મૌન જ પસંદ હતું. તેણે પ્રથમ મુલાકાતમાં એટલું જ કહ્યું,‘તમને શેમાં

રસ છે ? તમે શું કરવા ધારો છો ?.... ઠીક. જુઓ, બધાથી પરિચિત થઈ જાઓ.

જયારે મને તમારી જરૂર પડશે ત્યારે હું તમને જણાવીશ.’

આમાં શું સમજવું? કાર્વરે તેને પોતાના મદદનીશ તરીકે સ્વીકાર્યો હતો કે નહિ?

કાર્વરની વિચિત્રતા વિશે તેણે ઘણું સાંભળ્યું હતું, અને છતાં આજે ઓસ્ટીન

કર્ટીસ કહે છે,‘ એનાથી વધારે પ્રેમાળ મુખ મેં કોઈનું જોયું નથી. વાત્સલ્ય કરતાં પણ

કંઈક વિશેષ તેમાં હતું. તે સવારે મેં જે જોયું તે મને પાછળથી સમજાયું પણ તેમાં જરૂર

દૈવીપણું હતું..... એ સિવાય બીજો શબ્દ તેને માટે મૂકી ન શકાય.’

તે સવારે તે દૂર સુધી ફરી આવ્યો. તેણે આલ્બામાનો પ્રદેશ કદી જોયો ન હતો. તેને

આજુબાજુની વનસ્પતિ આકર્ષક લાગી. તેણે લાલ માટી જોઈ અને કાર્વરે તેમાંથી મેળવેલા

રંગોનો ખ્યાલ આવ્યો. પાસેના એક વૃક્ષ પરનું ફળ તેના હાથમાં આવ્યું. તેનાં બી લાલ

હતાં. તેમાંના કેટલાંક બી તેણે હાથમાં ચોળ્યાં. ખરડાયેલા આંગળાં લૂછતાં લૂૃછતાં તેને

વિચાર આવ્યો કે આમાંથી રંગ મેળવવાનું કાર્વરને કદી સૂઝયું હશે કે કેમ ?

આ વિચાર તેના મગજમાં રમ્યા કર્યો. કાર્વરે હજી તેને બોલાવ્યો ન હતો. એક

સાંજે તે પ્રયોગશાળામાં ઘૂસી ગયો અને તેણે પ્રયોગ કરવા માંડયાં.

કલાકો વીત્યા. બહાર અંધકારના ઓળા પથરાવા લાગ્યા પણ ઓસ્ટીનને કશાયનું

ભાન ન હતું. તે પોતાના કામમાં એકાગ્ર હતો. બારણું ખૂલ્યું તેનોય તેને ખ્યાલ ન આવ્યો.

કાર્વર પાછળ આવીને ઊભો હતો તેનો ખ્યાલ તો તે બોલ્યો ત્યારે જ આવ્યો. ઓસ્ટીને

કાચની નળી ઊંચી કરીને જોવા માંડયું એટલે કાર્વરે પૂછયું,‘શું છે એ?’

મોઢું ફેરવ્યા વગર જ ઓસ્ટીન કહે.‘રંગ’. ત્યાં એને એકદમ ખ્યાલ આવ્યો કે

પોતે કોને જવાબ આપ્યો હતો. એટલે એકદમ પાછા ફરીને કહે ‘હું....હું..’

‘શેમાંથી ?’ કાર્વરને રસ પડયો હતો.

‘મેગ્નોલિયાના બીમાંથી!’

કાર્વરે નળી હાથમાં લીધી. પ્રકાશમાં રાખીને તેના તરફ તીક્ષ્ણ નજરે જોઈને કડકાઈથી

કહે,‘ મેગ્નોલિયાના બીમાંથી કોઈએ રંગ બનાવ્યો હોય તેવું કદી સાંભળ્યું છે?’

‘ ના જી, પણ એ તો સ્પષ્ટ છે ને કે.....’

ધીમું હાસ્ય સાંભળતાં તે અટકી ગયો. તેના ગળે હાથ વીંટતા વહાલથી કાર્વર

કહે,‘ મારા વહાલા મિત્ર, તું યોગ્ય છે....તું મને ગમશે.’

જીવનમાં પહેલી વાર કાર્વરને પોતાનો જેવો સત્યશોધક પોતા સરખો જ્ઞાનપિપાસુ

સાંપડયો હતો.

અને પછી તો તેમને છૂટા પાડવા અશકય હતું. કાર્વર હોંશથી કર્ટીસથી શકિતની

વાતો કરતો, હંમેશા તેને આગળ લાવવા તેના પર આધાર રાખવા તત્પર રહેતો.

જયાં જયાં તે જતો ત્યાં મોટા ભાગે કર્ટીસ સાથે જ હોય.

કર્ટીસે તે પછી ઘણી શોધો કરી હતી. મેગ્નોલિયાના બીમાંથી જ સસ્તા રંગો

તેણે શોધ્યા હતા.

‘ મને સંતોષ છે,’ કાર્વરે ગૌરવપૂર્વક કહેલું. તે પોતાના મદદનીશને બેબી

કહેતો અને ટસ્કેજીમાં તો ઓસ્ટીન કર્ટીસ ‘બેબી કાર્વર’ તરીકે જ ઓળખાતો.

કાર્વર પ્રેમપૂર્વક તેના પ્રયોગો નીરખતો, તેની વાતો, યોજના સાંભળતો અને

અવારનવાર સલાહસૂચન કરતો. કર્ટીસના સૌપ્રથમ ભાષણ અંગે અભિપ્રાય આપતાં

કાર્વરે કહેલું,‘ તારી રજૂઆત સારી હતી અને તારે કહેવાનું હતું તે તો ઉત્તમ જ હતું

પણ લોકો તને સમજી શકયા નહિ, ધરતી પર પગ મૂકતો થા.... ઘોડો પહોંચી ન શકે

એટલે ઊંચે ચારો મૂકવાથી શો લાભ ?’

ધીમે ધીમે કર્ટીસ એને પુત્ર સમો વહાલો થઈ પડયો. તેને પોતાની પાસે મોકલવામાં

ઈશ્વરનો હાથ છે તેમ તો તેણે માન્યું જ હતું. વૈજ્ઞાનિક શોધખોળમાં અને બહારનાં તેના

કામમાં કર્ટીસ પર સંપૂર્ણ વિશ્વાસ અને આધાર રાખી શકાય તેટલી લાયકાત તો હતી

જ.

ઉપરાંત કર્ટીસ બહુ મમતાપૂર્વક કાર્વરની દેખભાળ પણ રાખતો. ઠંડીમાં બહાર

ઊભેલા કાર્વરને કર્ટીસ ટકોર કરે તો પેલો જવાબ આપે : ‘મને નવાઈ લાગે છે કે

આટલાં બધાં વર્ષ હું તારા વગર કેવી રીતે જીવી શકયો! તું મને પજવતો જ રહીશ તો

હું પછી ચીડાઈ જઈશ. ગઈ રાતે હું તારી ચિંતામાં જાગતો જ રહ્યો. આમથી તેમ

પડખાં ઘસતો અને અકળાતો રહ્યો, પૂરી અડધી મિનિટ.’

ચશ્માં દૂર કરીને કર્ટીસ સામે તીરછી આંખે જોઈને કહે,‘ખરેખર તું મને કંટાળો

આપે છે, મને તારી સાથે બિલકુલ ફાવતું નથી.’

કર્ટીસ પણ બરાબર જવાબ વાળતોઃ‘માળું... પણ બધા એમ કહે છે કે હું

દિવસે દિવસે વધારે ને વધારે કાર્વર જેવો થતો જાંઉ છું.’

‘ એ બધા ખોટા છે, તું ખરેખર માથું ખાઈ જાય છે.’ અને કર્ટીસને ગળે હાથ

ભેરવીને તેનો રંગપ્રયોગ જોવા તે ઊપડી જતો.

આ જ અરસામાં હેન્રી ફોર્ડ સાથે તેનો ભેટો થઈ ગયો. કાળા અને ગોરાનું

મિલન અત્યંત લાભદાયી નીવડયું. બંન્ને જિગરજાન મિત્રો બની ગયા. એક કરોડોનો

માલિક ઉદ્યોગપતિ અને બીજો મૂક સેવક. એકને સત્તાસંપત્તિનો પાર ન હતો, બીજાને

રોજનાં અપમાન અને અગવડતાનો સુમાર ન હતો અને છતાં બંન્ને વચ્ચે ઐકય હતું.

કદાચ એક જ વર્ષે બંન્નેના જન્મ થયો હશે. બંન્નેએ નાનપણમાં ખેતર છોડયાં

હતાં. કોઈક અપ્રગટ પ્રેરણાને જોરે બંન્નેએ પોતાનો માર્ગ ખોળવા, છૂપાં રહસ્યોને

પ્રગટ કરવા અનેક મથામણો ભોગવી હતી. ગોરા છોકરાનો માર્ગ કંઈક અંશે સરળ

હતો. રસ્તા પર ચાલતા એક બેડોળ વરાળયંત્રમાંથી તેને તેના જીવનભરના કામની

પ્રેરણા મળી હતી. ગરીબાઈ, હાંસી કે એકલતાની પરવા કર્યા વગર તેણે પોતાને માર્ગે

વધ્યે રાખ્યું હતું. અને છેવટે ફોર્ડ મોટર બનાવીને તે જંપ્યો. જો કે હજી કામ કરવાની

તેની ધગશ જરાયે મંદ પડી ન હતી. નિત્ય નવી ખોજમાં તે હતો. તેણે કાર્વર વિષે ઘણું

સાંભળ્યું હતું. તેનો અત્યંત મહેનતુ સ્વભાવ, એકધારો શ્રમ અને અખૂટ ઉત્સાહ....

આ બધાએ તેને કાર્વર તરફ ખેંચ્યો. પહેલી મુલાકાત વખતે બંન્ને એકબીજાને આદરપૂર્વક

નમ્યા. પણ બંન્નેએ લાગ્યું કે,‘ હું જેને મળવા ઝંખતો હતો તે જ ખરેખર આ!’

તેઓ મિત્રો બન્યા. મૈત્રી એટલે એમને મન વધારે કામ. કામની એકબીજાની

હૂંફમાં અવિરત ખોજ.

હેન્રી ફોર્ડે સોયાબીન્સ અંગે ઠીક ઠીક સંશોધન અને પ્રયોગો કર્યા હતા. તેની

પ્રયોગશાળાની નજીકમાં જ હજારો એકરમાં સોયાબીન્સનું વાવેતર કર્યું હતું. આ

સોયાબીન્સ તે કાયમી સમૃદ્ધિ તરફનું ફોર્ડનું એક પગલું હતું. આ દિશાના તેના પ્રયોગો

ભારે આવકારપાત્ર હતા. તેની પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો સોયાબીન્સનું રૂપાંતર ઉપયોગી

વસ્તુઓમાં કરી રહ્યા હતા. આ બધામાં કાર્વરને ખૂબ રસ પડયો.

તેમની પહેલી મુલાકાત પછી કાર્વરે ડીઅરબોર્ન આવવાનું ફોર્ડનું આમંત્રણ સહર્ષ

સ્વીકાર્યું. તેણે ત્યાં થોડો વખત ગાળ્યો. પાછા ફર્યા પછી તેણે સોયાબીન્સ અંગે અનેક

પ્રયોગો કર્યા. થોડા જ વખતમાં તેણે તેમાંથી ‘પ્લાસ્ટીક’ શોધી કાઢયું અને મોટરમાં

તેનો સરસ ઉપયોગ ફોર્ડ કરી શકયો.

ફોર્ડને હવે દક્ષિણના પ્રદેશમાં રસ પડવા માંડયો હતો. તેણે વિશાળ જમીન

ખરીદી અને તે ગરીબ પ્રદેશને કૃષિપ્રયોગ કેન્દ્રમાં ફેરવી નાંખીને તેની સિકલ પલટી

નાખી. બાજુના બીજા પ્રદેશને સાફ કરી ત્યાં બે શાળાઓ શરૂ કરી. નામ આપ્યું કાર્વર

શાળા. ખેડૂતોને પૂરતાં સાધનો અને ઘરબારની સગવડતા આપવામાં આવી. મોટા

પ્રમાણમાં ‘ગોલ્ડન રોડ’ વાવવામાં આવ્યા હતા. તેમાંથી રબ્બર મેળવવાના પ્રયોગ

માટે જ આ ગોલ્ડન રોડનું વાવેતર હતું.

વસાહતની રચનામાં કાર્વરે ઠીક રસ લીધો. કાર્વરનો જ બનાવેલો રંગ મકાન

ઉપર વાપરવામાં આવ્યો હતો. તે પ્રદેશની પેદાશમાંથી જીવનજરૂરિયાતની નાનીમોટી

વસ્તુઓ કેવી રીતે ઊભી કરવી અને એક પણ વસ્તુ નાંખી ન દેતાં તેનો ઊપયોગ શોધી

કાઢવાની કળા કેવી હોય તે તેણે લોકોને શીખવવા માંડયું.

ફોર્ડ અને કાર્વર બંન્નેને એકબીજા સાથે કામ કરવાની ખૂબ મજા પડતી. અવારનવાર

ફોર્ડ ટસ્કેજીમાં આવતો. ગમે ત્યારે આવી ચડતો. તેની મોટર દેખાય એટલે સૌ સમજે

કે ભાઈ આવ્યા છે. તેમની બેની વચ્ચે આવવાનું કોઈને ગમતું નહિ. કલાકો સુધી તેઓ

સાથે બેસતા, ગપાટા મારતા અને યોજનાઓ ઘડતા ફરવા જતા.

હવે કાર્વરની તબિયત કંઈક નરમ થતી જતી હતી છતાં તેણે આટલાં વર્ષમાં આ

પહેલી જ વાર ટસ્કેજી છોડયું. ડીઅરબોર્નમાં ફોર્ડ મોટર કંપની પાસે જ ફોર્ડે ઊભી કરેલી

પ્રયોગશાળામાં તે કામે ચડયો. ખબરપત્રીઓ ટોળે મળ્યા. કાર્વર શેની શોધમાં છે તે

તેમને જાણવું હતું. પણ કોઈને ય તેણે કહ્યું નહિ કે તે શું કરવા માંગે છે. ફોર્ડ પાસેથી

પણ જવાબ ન મળી શકયો. કેટલાક ખાસ પસંદ કરેલા મદદનીશ સાથે દિવસો સુધી

બંધ બારણે તેણે કામ કર્યા કર્યું. આટલી ઉંમરે પણ કંઈક નવી શોધ શકય હોય તો તેને

ખાવાનું સુદ્ધાં યાદ આવતું નહીં. ફોર્ડ કયારેક અકળાઈ ઊઠતો. આજ દિવસ સુધી

ધનની સત્તાથી તે એટલો બધો ટેવાઈ ગયો હતો અને આજે તેને એક એવી વ્યકિત

પાસેથી કામ લેવાનું હતું કે જેને પાઈની પણ જરૂર પડતી નહિ.

ફોર્ડે કાર્વર માટે એક ભવ્ય મકાન બંધાવ્યું. કાર્વરે તો લાકડાની ઝૂપડી માંગી.

પોતાની મા એક વખત રહેતી તેવી જ ઝૂપડી તેને તૃપ્તિ આપશે તેમ કહ્યુ. માતા તરફનાં

સ્નેહ અને આદર ફોર્ડનાં પોતાનાં એટલાં ઊંડા હતાં કે તે કાર્વરની લાગણીને તરત

સમજી શકયો. તરત જ તેણે સારામાં સારું લાકડું મંગાવી એક સરસ ઝૂંપડી તૈયાર

કરાવી.

કાર્વર-ઘર તૈયાર થઈ ગયું. કાર્વરને તે ગમ્યું.

બમણા ઉત્સાહથી કાર્વર કામે લાગ્યો હતો. તેમાં તેને એક નવા યુગનું દર્શન

થઈ રહ્યું હતું. એ યુગ એવો હશે જેમાં વસ્તુઓની વિપુલતા હશે. ચાલુ વપરાશની

ચીજો ખેતરમાં ઉછરતા પાકોમાંથી મેળવી શકાશે. વળી આજે છે તે કરતાં વધારે ઊંચી

કક્ષાની તે વસ્તુઓ હશે. ખેતી અને ઉદ્યોગો વચ્ચે એવી આર્થિક સમતુલા હશે કે લોકો

પાસે પૂરતી ખરીદશકિત હશે. વસ્તુઓ સર્વસુલભ થઈ શકે તેવી સસ્તી અને સુદૃઢ

હશે.’ આ હતું તેનું સ્વપ્ન. એંશી વર્ષની વયે જગતને વધારે સુખી જોવાની એની

મહેચ્છા હતી. ‘હું માત્ર પુલ બની શકું તો કેટલું સારું.’ માત્ર પુલ બનવું હતું. તેનાં

યશપોટલાં તો બીજાઓ માટે જ અનામત હતા!

તેના ચિત્રોથી એક મોટો ખંડ ભરાઈ ગયો હતો. ઓસ્ટીન કર્ટીસની પ્રસ્તાવના

સાથે આ ચિત્રો અંગે પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી હતી. ઓસ્ટીન કર્ટીસે લખ્યું

હતુંઃ કલાકાર જયારે પોતાના સર્જનની એક દુનિયા રચે છે ત્યારે તેનો આત્મા તેમાં

પ્રતિબિંબિંત થાય છે. ડૉ. જયૉર્જ વૉશિંગ્ટન કાર્વરે જીવનના ચૈતન્યપ્રવાહો જે કોઈ

તેની આંખે વળગ્યા અને કિંમતી લાગ્યા તે બધાંને એકત્ર કર્યા છે.’

એક ફળનું ચિત્ર પેરિસની લકઝમ્બર્ગ ગેલેરીએ ખરીદ્યું હતું. કોઈક દિવસ

મુક્તફાંસ કળાના ઉત્તમ નમૂનાની કદર કરી શકશે. બધામાં કાર્વરને પોતાને ખાસ

ગમતું એક ચિત્ર હતું. શાંત નિર્મળ ઝરણા પર સૂર્યાસ્ત.

કાર્વર આગ્રહ રાખતો કે તેનાં બધાં ચિત્રોને સાદી ફ્રેઈમમાં જ મૂકવાં. સાદી

લાકડાની ફ્રેઈમ, વાર્નિશ કે ગિલ્ટ પણ નહિ. ‘માત્ર સાદી, મારા જેવી.’ તે કહેતો.

એનાં ચિત્રોના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન થયું તે પછી કેટલાંક મહત્વનાં માસિકોએ

તેને શ્યામલીઓના ડૉ. ડીવીન્સનું ઉપનામ આપેલું. એકે કાર્વરના વર્ણનમાં ‘બોખો

વૃદ્ધ’ એ શબ્દો વાપરેલો. કાર્વર મજાક કરતાં કહે,‘હું વૃદ્ધ છું પણ બોખો નથી. તેણે

કહ્યું હોત તો હું તેને મારા બધાં દાંત બતાવત.... ખિસ્સામાંથી!’

તેના મિત્રો તેને હવે આરામ લેવા વિનવવા લાગ્યા. ‘હવે તો કંઈક હળવા

થાવ!’ પણ કાર્વર અડગ હતો. તેનું કામ હજી પૂરું થયું ન હતું. તેની ધગશ તેવી જ

તીવ્ર હતી. શરીર વૃદ્ધ થયું હતું જરૂર, આત્માને કયાં તેનો સ્પર્શ હતો ?

એક સવારે ટસ્કેજીના દેવળમાં એક જાહેરાત થઈ. તેણે લોકોને આશ્ચર્યચકિત

કરી મૂકયા. ડૉ. પેટર્સને ધીરા ગંભીર અવાજે સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સમક્ષ

નીચેના શબ્દો વાંચી સંભળાવ્યા. ‘હું જયૉર્જ વૉશિંગ્ટન કાર્વર જીવનભરની મારી

બચત તેત્રીસ હજાર ડૉલરની મૂડી સોંપીને જયૉર્જ વૉશિંગ્ટન કાર્વર ફાઉન્ડેશનની સ્થાપના

કરું છું.’

શૂન્યમાંથી સમૃદ્ધિની છોળો રેલાવા પાછળ તેણે જીવન ખર્ચ્યું હતું. ચૈતન્યના

વિકાસ પાછળ તેણે પોતાની કળા સમર્પી હતી.

પતિત પ્રજાને બેઠી કરી માનવતાનો સંચાર કરવાનું બુકર ટી. વૉશિંગ્ટને આપેલું

વચન જેણે પાળ્યું હતું- તે આ બધી સેવાઓ બદલ સંસ્થાએ તેને જે અલ્પ આપ્યું હતું

તે બધું સંસ્થાને પાછું આપી રહ્યો હતો.

કાળના ઉદ્યાનમાં તે વધારે ફળદાયી બી વેરી રહ્યો હતો તેની કાર્વરને શ્રદ્ધા હતી.

૧૯૪રના નવેમ્બર માસમાં કૉંગ્રેસ સામે એક ખરડો આવ્યો. મીસુરીમાં ભાંગી

પડતી લાકડાની ઝૂંપડીને રાષ્ટ્રના સ્મૃતિ-ગૃહમાં ફેરવો.

એક પખવાડિકે નોંધ્યું ‘અમને શ્રદ્ધા છે કે એક મૂક સેવકે વેરાન પ્રદેશમાં જે

અદ્‌ભૂત કામ કર્યું છે તેના સ્મૃતિગૃહ અંગે કૉંગ્રેસ એવી રીતે વર્તશે કે સર્વને સમાન

તકના અમેરિકાના દાવાની પ્રતીતિ થાય.’

મીસુરીના રાજમાર્ગ ઉપર દિશા બતાવતું એક પાટિયું મુકાયું. ‘વિશ્વવિખ્યાત

હબસી વૈજ્ઞાનિક જયૉર્જ વૉશિંગ્ટન કાર્વરનું જન્મ સ્થળ’. આ ઝૂંપડી માટે રાષ્ટ્રના એક

એક રાજયે પોતાને ત્યાંનું ઉત્તમ લાકડું મોકલ્યું.

પરંતુ આ વખતે નૂતન વર્ષને પ્રથમ દિવસે ડોરોથી હૉલમાં ઉત્સવનું ચિહ્ન નજરે

પડતું ન હતું. ડૉ. કાર્વર પથારીવશ હતા.

બે અઠવાડિયાં પહેલાં મળસ્કે કાર્વર પથારીમાંથી ઊઠયો હતો. ડિસેમ્બર મહિનાની

કડકડતી ટાઢના દિવસો હતા. નિત્યક્રમ મુજબ તે બહાર નીકળ્યો- આગળની પરસાળ

પાસેથી ઊતરવા જતાં તેનો પગ બરફ પર લપસ્યો અને તે પડી ગયો. ગૃહપતિએ

અવાજ સાંભળ્યો. તેઓ તરત બહાર આવ્યા. બે ત્રણ છોકરા પણ દોડી આવ્યા. તેને

બેઠાં કરતાં સૌએ તેને વિનવી જોયો. ‘ અમે તમને ઉપર લઈ જઈએ. હવે થોડીવાર

બહાર ન નીકળો. આરામ કરો......’ કાકલૂદીભર્યા શબ્દોની કાંઈ અસર ન થઈ.

ચોખ્ખી ના સંભળાવી દીધી. ‘ મારે ઘણું કામ છે.!’

છોકરાઓને ખભે હાથ ટેકવીને તે પ્રયોગશાળામાં પહોંચ્યો. હવે તેને સારું છે

કહી છોકરાઓને વિદાય આપી. થોડી વાર પછી તે ઑફિસમાં ગયો. તે હજી થોડો

લંગડાતો હતો. પણ તેણે કાગળો લખાવ્યા, કેટલીક વિગતો જોઈ ગયો. - ઑસ્ટીન

કર્ટીસ સાથે કેટલીક વાતો કરી - બપોરે પોતાના ઓરડામાં દાખલ થયો. ફરી કદી

બહાર ન નીકળી શકયો.

બે ત્રણ ઓશિકાં નીચે માથું ટેકવીને સૂતો હતો. ક્રિસમસ માટે સુંદર પત્રિકાઓ

રંગી રહ્યો હતો. ધરતી પર શાંતિ, અને લોકો વચ્ચે માનવતાની સુવાસ પાંગરો.... તે

હતી ક્રિસમસ અને નવા વર્ષની તેની શુભેચ્છા.

આલ્બામામાં વરસાદ વરસી રહ્યો હતો. કાળાં ભમ્મર જેવાં વાદળો વચ્ચે સૂર્ય

ઢંકાઈ ગયો હતો.નીલાકાશ રડી રહ્યું હતું. જે ધરતીને પલટવા તેણે કાયા ઘસી નાખી

હતી તે ધરતી પર ગગનગોખેથી અશ્રુધારા વહેતી હતી. અંતર નીચોવીને જે વનસ્પતિ

તેણે ઉછેરી હતી તેને જાણે આશ્વાસન આપવા ધરતી પર અશ્રુધારાની આ સરવાણીઓ

છલકાતી હતી. મા કુદરતનો વહાલસોયો પુત્ર આજે મૃત્યુને ખોળે સૂતો હતો.

વહેલી સવારથી લોકોની કતાર લાગી હતી. ટસ્કેજીમાં માણસ માતું ન હતું.

માઈલો ખૂંદતા લોકો આવ્યા હતા. કાદવ, કીચડ, તાપ, ટાઢ-કશાયનીએ પરવા કરી

ન હતી. નાનાં, મોટાં, અબાલવૃદ્ધ, કાળાંધોળાં સૌ આવ્યાં હતો. તેમનાં જીવનદાતાને

આખરી સલામ કરવાનું કેમ ચૂકે ? ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. લોકોનાં

ટોળેટોળાં શાંતિથી રાહ જોતાં ઊભા હતાં. ... છેલ્લા દર્શનની આતુરતા આંખોમાં

ઊભરાતી હતી.

કાર્વરનો દેહ ફૂલો વચ્ચે ઢંકાઈ ગયો હતો. લોકો તેનાં મુખારવિંદને નીરખી રહ્યા

હતા. આંખમાં આંસું હતાં. હૃદયમાં ગૌરવ અને આનંદ માતાં નહોતાં. કાચની બારીમાંથી

ડોકિયું કરીને રવિરાજે પણ તે તેજસ્વરૂપનાં દર્શન કર્યા.

ગાડાં-ખટારા, મોટર, સાયકલો, નાનાંમોટાં વાહનોનો પાર ન હતો. -નાનકડું

ગામ અને નાનકડી સંસ્થા શકય તેટલી સગવડ પૂરી પાડવા મથી રહ્યાં હતાં. થોકબંધ

તાર અને સંદેશાઓ આવતા હતો.

નિયત સમયે સૌ ચાલ્યાં. પૂર્ણ પોશાકમાં સજજ સૌનિકો અને અમલદારો કદમ

બઢાવી રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને સહકાર્યકરો, કોઈએ કાળો પોશાક પહેર્યો ન

હતો. સાદા પોશાકના કૉલર પર સૌએ શ્વેત પુષ્પ ખોસ્યું હતું. એથી વિશેષ કાર્વરને શું

ગમે?

દેવળની પ્રાર્થના ચાલી. ભાવભીને હૃદયે કાર્વરને પ્રિય ભજનો ગવાયા.

સંદેશાઓમાં અમેરિકાના પ્રમુખનો એક સંદેશો વંચાયો. બીજો વંચાયો ઉપપ્રમુખનોપેલો

નાનકડો છોકરો જેને આંગળીએ વળગાડીને પોતે ફેરવ્યો હતો, જેની સુપ્ત શકિતને

જેણે જગાડી હતી તેનો.

દેવળના પાદરીએ અંજલિ આપતાં કહ્યું- જગત માટે ઈશ્વરને એટલી ચાહના

છે કે માનવી સુખશાંતિમાં જીવી શકે તે માટે તે પોતાના ઉત્તમ પુત્રને આપણે ચરણે

ધરે છે.

તેના અસંખ્ય સંશોધનોમાં એક પણ વિનાશક સાધન ન હતું. જીવનનો નાશ

તેના સર્જનમાં ન હતો.

આજે બુકર ટી. વૉશિંગ્ટનના સ્મૃતિઘાટ પાસે એક સરસ કલાત્મક આકારની

પથ્થરની બેઠક છે. તેની પીઠિકા પર માનવલંબાઈનો એક આરસપહાણ છે; જેના

ઉપર કોતરેલું છેઃ

જયૉર્જ વૉશિંગ્ટન કાર્વર

ટસ્કેજી, આલ્બામા

દેવલોક પામ્યો જાન્યુ.પ, ૧૯૪૩

લેખિકાનો પરિચય

નામ ઃ મૃદુલા પ્રવીણભાઈ મહેતા

અભ્યાસ ઃ સિનિયર કેમ્બ્રિજ સુધી નાઈરોબી (અંગ્રેજી માધ્યમમાં)

લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ

સહવાસ ઃ રવિશંકર મહારાજ, પં. સુખલાલજી, મનુભાઈ પંચોળી

પ્રવૃત્તિ ઃ મણારની લોકશાળામાં અધ્યાપક, ગૃહમાતા,

અન્ય પુસ્તકો : • બે પુણ્યશ્લોક પુરૂષો

• નવજાગરણ - જ્હોન સ્ટ્રેચીના વ્યાખ્યાનો (અનુવાદ)

• બર્ટ્રાંડ રસેલના વાર્તાલાપો (અનુવાદ)

• આપણી લૂંટાતી ધરતી - ફેરફિલ્ડ ઓસ્બોન (અનુવાદ)

• હિંદુ ધર્મની વિકાસયાત્રા-ડી.એસ. શર્મા (અનુવાદ)

• ચેતોવિસ્તારની યાત્રા

• પત્રતીર્થ

• ઈતિહાસ સૌરભ

• યુરોપ દર્શન

અવસાન ઃ ૧૧-૮-૧૯૮૭, કેન્સરની લાંબી બિમારી બાદ.