Hello Sakhi : 10 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hello Sakhi : 10

હેલ્લો સખી રી...

અંક : ૧૦

માર્ચ, ૨૦૧૬.

“વાર્તા સંગે વૂમન્સ ડે સેલિબ્રેસન”

(સખીઓનું ઈ-સામાયિક..)

વિવિધ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણીકા

•આહ્‌વાનઃ કુંજલ પ્રદીપ છાયા

•વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

•વાંચે સખીરીઃ જાહ્‌નવી અંતાણી

•હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

•રૂગ્ણાંલયઃ ડૉ. ગ્રીવા માંકડ

•સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

•સાતમી ઈન્દ્રીયઃ મિનાક્ષી વખારીયા

•લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

•નાની નિનિઃ કુંજલ પ્રદીપ છાયા

•પ્રતિભા સ્પર્ધાઃ આશા શાહ

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્વાન

હેલ્લો સખીરી અંકઃ ૧૦ પ્રતિભા સ્પર્ધા

વુમન્સ ડે સેલિબ્રેશન સાથે એક સરસ મજાની પ્રતિભા સ્પર્ધા લાવી રહ્યાં છીએ. તારીખ ૨૧.૦૨.૨૦૧૬ સુધીમાં “હેલ્લો સખીરી” શિર્ષક હેઠળ આશરે ૭૦૦થી ૮૦૦ શબ્દોમાં એક મસ્ત વાર્તા લખી મોકલો. વિજેતા લખાણને ૭મી માર્ચ સોમવારે પ્રકશિત થનાર અંકમાં આવરી લેવાશે. જેને પુરસ્કૃત પણ કરાશે.

નિયમોઃ

૧) સખી લેખિકા દ્વારા જ નારી પ્રધાન ટૂંકીવાર્તા. ૨) નકારાત્મક, અયોગ્ય બનાવો કે સરકારી કે ધાર્મિક બાબતો હશે તો સ્વીકારશું નહીં. ૩) શ્રુતિ ફોન્ટમાં સુવ્યવસ્થિત ટાઈપીગ સાથે વર્ડ ડોક્યુમેન્ટ સાથે ફાઈલ એટેચ કરવાની છે. ૪) ઈમેલમાં જેહ્વદ્ઘીષ્ઠં હેલ્લો સખીરી સ્પર્ધા ૨૦૧૬ લખવું. ૫) આપની વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. ૬) અંતિમ નિર્ણય અને સર્વાધિકાર માતૃભારતી અને હેલ્લો સખીરી મેગેઝિન ટીમનો રહેશે.

આયોજકઃ માતૃભારતી પબ્લીકેશન અને હેલ્લો સખીરી

સંર્પક સંપાદકઃ કુંજલ પ્રદીપ છાયા

ઈમેઈલઃ કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

તારીખ ૧૭ ફેબ્રૂઆરીની સાંજે આ ટચૂકડી જાહેરાત ઓનલાઈન ફરતી કરી અને જોતજોતાંમાં બે જ દિવસમાં અનેક ફોન કોલ અને ઈમેલ્સ આવવા શરૂ થઈ ગયા. ટૂંક સમયમાં જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એ બદલ માતૃભારતી અને હેલ્લો સખીરીની ટીમ સૌ પ્રતિસ્પર્ધી સખીઓને અભિનંદન સહ આભાર પાઠવે છે.

વાર્તા શું છે? વિતેલી ઘટનાનું વર્ણનાત્મક કથન. એ પછી કાલ્પનીક હોય કે સત્યઘટનાઓ. વાર્તા વાચાળ હોય, વાચકને જકડી રાખવા સક્ષમ હોય અને સાથો સાથ ભાષાકીય સમૃદ્ઘ હોય. વાર્તાનો આરોહ અવરોહ રસપ્રદ હોય. એકેય પ્રસંગમાં વચ્ચે વાંચતી વખતે અડચણ ન લાગે. સડસડાટ વાંચી જવાનું મન થાય. અંતે વાચક આનંદ, હળવાશ, વિસ્મય કે રોમાંચ અનુભવે એવી સરસ મજાની હોય. હા, ગંભીર અને ગહન વાર્તાઓ પણ વાંચવાની મજા આવે જ. અહીં તો ટૂંકીવાર્તા કહેવાની છે. ઓછા શબ્દોમાં મહત્તમ અભિવ્યક્તિ કરીને શ્રેષ્ટ અનુભૂતિ કરાવે એની મજા જ ઔર છે! હેં ને?

કંઈક કેટલાય મતમતાંતરને અંતે એક વાર્તા પર નિર્ણય લેવો કાયમ કપરૂં હોય જ એમ અહીં પણ અમારી સખીઓની ટૂકડીને થયું જ છે. આ અંકમાં આવરી લેવાય વાર્તાનાં લેખિકાને ખૂબ અભિનંદન. પરંતુ બની શકે કે આવતા અંકે આજ સ્પર્ધામાંથી બીજી એક વાર્તા સામેલ થાય અને એનાં પછીનાં અંકમાં ત્રીજી.

શું કરવું? જેથી હેલ્લો સખીરીનાં માધ્યમથી સખીઓ સાથે સ્ત્રીત્વનાં આ પર્વને ઉમળકા ભેર ઉજવાય? વાર્તા સ્પર્ધા સિવાય બીજું શું હોઈ શકે? સખીઓએ પોતાના મનની વાતો લખી મોકલી છે એ વધાવીએ. વાત છે વૂમન્સ ડે, સ્ત્રીત્વને બિરદાબવાની. વાર્તાઓ છે સમાજનાં પ્રતિબિંબની. ચીલચાલુ અને સેંકડો વાર લખાયેલ વંચાયેલ વાતો નથી કરવી. જુસ્સો અને જોમ છે એને સકારાત્મક દ્રષ્ટિએ દોરીએ. સશક્તિકરણને નવો ઓપ આપીએ. દરેક સ્ત્રી, સખીઓ પોતાની ક્ષમતા અને સંજોગ મુજબ પોતાની મર્યાદાઓ અને આવડતને આવરી લઈને શ્રેષ્ટતમ કામગીરી કરે જ છે. એનો ઉલ્હાસ મનાવીએ. એ જ વૂમન્સ ડેની ઉજવણી! ખરૂં ને?

હેલ્લો સખીરીનાં આ અંકમાં વિસ્તૃતિ લેખમાં વૂમન્સ ડેની શરૂઆત અને એનો ઈતિહાસ વિસ્તૃત રીતે વાંચી શકાશે. વાંચે સખીરી કટાર વધુ મજબૂત થતી જાય છે. જન્મટીપની ચંદાનું પાત્ર ચાર દાયકા પહેલાંનું હોવા છતાંય આજેય પ્રસ્તુત છે એની પ્રતીતિ કરાવે છે. ‘ઉડાણ’ પુસ્તક દ્વારા કેટલીય નામી અનામી સ્ત્રીઓની ગાથા લખનાર વડિલ સખી મ્રૂદુલાબેન પારેખનો પરિચય ગોષ્ટિ વાંચવાની મજા આવશે.

સ્ત્રીત્વનું સૌથી મોટું વરદાન એટલે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા. એમાં વિક્ષેપ પડે તો શારીરિક સ્વાસ્થય પર હૂમલો થાય. અંડાશયની ખામી વિશે માહિતી સભર લેખ વાંચો રૂગ્ણાંલય કટારમાં.

સૂર, શબ્દને સથવારે, શાયર સાહિર લૂધિયાનવી સાહેબની કલમને વાંચીને એ સોનેરી યુગનાં ગીતો ગણગણીએ અને સખીઓ સંગે વૂમન્સ ડે અને એમની જન્મતિથિને ઉજવીએ. સાતમી ઈન્દ્રીયમાં એક સખીએ બીજી સખીઓને અબળા મટીને સબળા બનવા લલકારતો પત્ર લખી મોકલ્યો છે. મોટી બહેન એમનાં ભાઈઓ પ્રત્યેની લાખેણી લાગણીને માન આપી પિતાનાં વારસાને નહીં સ્વીકારીને દસ્તાવેજીકરણ કરીને ભાઈઓને કારોભાર સોંપે છે. લો પંડિત કોલમમાં વધુ એક દાખલો વાંચો.

નાની - નિનિ મજાની નાનકડી નિનિની અને નાનીબાની વાર્તા શ્રુંખલા. અભ્યાસમાં રચીપચીને નિનિ નાનીબા સાથે ચંદ્રારોહણ કરે છે ખરી? વાંચને કહેજો.

પ્રતિભા સ્પર્ધા અંતર્ગત સખીઓ દ્વારા એક નવી પહેલ કરાય એવા હેતુસર આશાબેન શાહની વાર્તા મોર્નિંગ વોકને વધામણાં.

ઉનો ઉનાળો ઉમટીને ઉંબરે પહોંચી આવ્યો છે ત્યારે સૌની સ્વાસ્થય સુખાકારી અને પરિક્ષાઓનાં પરિમાણમાં બેસવા જઈ રહેલ સૌ કૈકારવ કરતાં વિધ્યાર્થીગણને શુભેચ્છાઓ સહ. સ્ત્રી સશક્તિકરણની હેલ્લો સખીરી એક નનકડી પહેલને અંકઃ ૧૦ ડાઉન્લોડ કરી આપના અભિપ્રાય અને આશિર્વચન સાથે વાંચવાનું આહ્‌વાન.

કુંજલ છાયા

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નારી શક્તિ જિંદાબાદઃ

“હમ ભક્તિ મેં મીરાં ,શક્તિ મેં ભવાની,

કર્મ ક્ષેત્રે કલ્યાણી, રણ ક્ષેત્રે રણ ચંડી“

મહિલાઓના અધિકાર અને અનેક માંગણીઓ માટે વિશ્વભરમાં મહિલાઓ દ્વારા વિવિધ આંદોલનો થયા હતા. તેમાં ખાસ ૧૯૧૪ની ૮ માર્ચે યુરોપમાં મહિલાઓ દ્વારા ખાસ રેલી કાઢવામાં આવી હતી..૧૮૫૭માં અમેરિકાના કાપડ મિલની મહિલા કામદારોએ કામની પરિસ્થિતિ સુધારવા અવિરત લડાઈ લડી. આમ તો મહિલાઓની અનેક લડતોનું મૂળ રશિયામાં ૮ માર્ચે થયેલ લડતને આભારી છે. જેનો મુખ્ય મુદો રોટી અને શક્તિ હતો. ૪ દિવસમાં જ રશિયાના ઝરને સતા છોડવી પડી હતી. જે દરમિયાન આવેલી કામચલાઉ સરકારે મહિલાઓને તેમના વિવિધ અધિકારો આપ્યા હતા સંયુક્ત રાષ્ટ્રે ઈ.સ.૧૯૭૫ વર્ષને મહિલા વર્ષ તરીકે પણ જાહેર કર્યું અને પહેલી મહિલા પરિષદ મેક્સિકોમાં બોલાવી. જેમાં ૬ હાજર મહિલાઓએ ભાગ લીધો હતો, એ પરિષદનો મુખ્ય ધ્યેય સમાનતા, શાંતિ,વિકાસનો હતો. આ ઉપરાંત યુરોપમાં અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર માટેની લડત, ઇટાલીની મહિલાઓની મુસોલીનીના ફાસીવાદ સામેની લડત, ઈરાનમાં સ્ત્રીઓની બુરખા સામેની લડત જેવી અનેક લડતો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી એટલું જ નહિ પણ તે જંગ જીતીને નારી શક્તિ ઝીન્દાબાદ છે જ એવું પુરવાર કર્યું!

જે જમાનામાં સ્ત્રીઓ ઘરની બહાર પણ ન નીકળતી એવા જમાનામાં અંતરિયાળ ગામ રેનીમાં વૃક્ષો બચાવવા માટે અનેક સ્ત્રીઓ ખેજરીના વૃક્ષોને વીટળાઈને જંગલો કપતા અટકાવવા કરેલું ‘ચિપકો આંદોલન’ ઇતિહાસમાં મહિલા સશક્તિકરણનું ઉતમ ઉદાહરણ છે. જે બતાવે છે કે વર્ષોથી નારી જે ધારે તો ગમે તે કરી શકે છે.

પુરાણોમાં ગાર્ગી જેવી વિદુષી,ઇતિહા સમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને આજના યુગમાં પોલીસ ક્ષેત્રે શ્રી કિરણ બેદી ,સામાજિકક્ષેત્રે - નીતા અંબાણી,રાજકીય ક્ષેત્રે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ -શ્રી પ્રતિભા પટેલ,રમતમાં- સાનિયા મિર્ઝા કે સીના નેહવાલ,ફેશન ક્ષેત્રે રીતુકુમાર અને અનામિકા ખાનન,વિશ્વફલક પર પરિવાર નિયોજનનો વિચાર પ્રથમ વાર આપનાર-મહિલા માર્ગરેટ સેંગર,આધુનિક નર્સિંગ સિસ્ટમના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટીંગેલ,ભારતની આઝાદીના પ્રથમ લડવૈયા-મેડમ કામા,તો આંતર રાષ્ટ્રીય સ્તરે જાણીતા સંગઠન સેવાના સંસ્થાપક-ઇલાબહેન ભટ્ટ .....યાદી બનાવવા બેસીએ તો કેટલીય લાંબી બને....કેટકેટલી નારી શક્તિને સલામ કરીશું? આ સહુ નારીઓએ પુરવાર કરી જ બતાવ્યું છે એક નારીશક્તિ ઝીન્દાબાદ હતી,છે અને રહેશે જ.!!.

આ બધું હોવા છતાં કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ પડે કે હજી પણ આજના સમાજમાં સ્ત્રીઓની શક્તિને પીછાણવામાં નથી આવતી કા તો દબાવી દેવામાં આવે છે. સ્ત્રીઓમાં જેટલી શક્તિ છે તેનો પુરેપુરો ઉપયોગ નથી થતો એ હકીકત છે. જેના પરિણામે અનેક સ્ત્રીઓનો વિકાસ રૂંધાયેલો છે. મહિલાઓનો વિકાસ તો જ થાય જો એને સમાનતાનો અધિકાર મળે, દુનિયાના સામાજિક, આર્થિક, રાજકીય ત્રણેય પ્રકારના પ્રશ્નો હાલ કરવા હોય તો મહિલાઓને સમાનતા આપવી જ પડશે. પણ કમનસીબે દુનિયાના ઘણા દેશોમાં હજી મહિલાઓને રોજગારી ઓછી મળે છે, પગાર ઓછો મળે છે, જમીન અને મિલકત બાબતે પુરૂષો કરતા સ્ત્રીઓને ઓછા હક મળે છે. જ્યાં સ્ત્રીઓ જાગૃત નથી અથવા જાગૃત હોવા છતાં આગળ આવવાની હિમત નથી કરતી તેમને જાગવું પડશે. તો જ આ પંક્તિ સાચી પડશેઃ“જે કર ઝુલાવે પારણું, તે કરે જગ પર શાસન”

માતા જીજાબાઇ એ મહારાણા પ્રતાપ માતા પુતળીબાઈએ રાષ્ટ્રપિતા ગાંધીજી જેવા સપૂતો ઘડયા કે જેમણે દેશની ધુરા સાંભળી આપણને શાંતિનું જીવન આપ્યું અને એટલે જ સંસ્કૃતમાં કહેવાયું છે :

“યા દેવી સર્વ ભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા.

નમસ્ત્સ્યે નમ્સ્તસ્યે નમસ્ત્સ્યે નામો નમઃ.”

અત્યારની પરિસ્થિતિ જોતાં તો મહિલા દિન કે બેટી બચાવો જેવા દિન ની ઉજવણી સાર્થક ત્યારે જ લેખાય કે જયારે બેટી બચાવીએ, બેટી વધાવીએ, નારીનું સન્માન જાળવીએ, સ્ત્રી સાક્ષરતા અને સમાનતા મેળવતી થાય. સહુ નામી અનામી નારીશક્તિને વંદન સહ મહિલા દિન વિશેષ માસે ખરા અર્થમાં દરેક કિશોરી,દરેક તરૂણી, દરેક મહિલામાં રહેલી શક્તિની પૂરી ઓળખ થાય, દરેકની શક્તિનો પૂરો વિકાસ થાય અને દરેક મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ આવે તેવી શુભકામના...

જાગૃતિ આર. વકીલ

વાંચ સખી રી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી...

પુસ્તકનું નામ : જનમટીપ

લેખક : ઈશ્વર પેટલીકર.

પ્રકાશકઃ લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર

‘વાંચે સખીરી’ અંતર્ગત મારો આ દસમો પુસ્તક પરિચય છે. સ્વાભાવિક છે. મને આનંદ હોય જ. આશા છે કે તમને પણ મારી આ કલમનો આસ્વાદ ગમતો જ હશે.

માર્ચ મહિનો, ૮મી માર્ચ, વુમન્સ ડે. ‘હેલ્લો સખીરી’નો આ અંક સ્ત્રી શક્તિને સમર્પિત છે. એટલે મારી ઈચ્છા જે નવલકથાનું સ્ત્રીપાત્ર મારા પર પોતાની અમીટ છાપ છોડી ગયું છે એ જ વાર્તાનો પરિચય કરાવવાનો મોકો ઝડપી લેવાની છે.

લગભગ ૧૯૭૫માં લોકમિલાપ સાહિત્ય દ્વારા અમુક સંપુટ બહાર પડતા. એમાં પાંચ પુસ્તકો હોય. અને એમાં ‘જનમટીપ’ પણ એક હતી. એ વખતે મારી દસ વર્ષની ઉંમરે મેં આ નવલકથા વાંચી હતી. આ નવલકથાનું પાત્ર ‘ચંદા’ મારૂં પ્રિય પાત્ર બની રહ્યું. એની હિંમત, અડગતા, દ્રઢ નિર્ધાર, ફરજ પરસ્તેનો અભિગમ અને છતાંય એક સ્ત્રી સહજ લાગણીશીલ એવી, પતિ પ્રત્યે પ્રેમનો ધોધ વહેવડાવતી એક સંપૂર્ણ સ્ત્રીત્વથી ભરેલી ચંદા મારા એ વખતનાં કુમળા માનસ પર પોતાની એક છબી અંકિત કરી ગઈ. આજે પણ જયારે મારી સ્ત્રી સહજ હિંમતને કોઈ બિરદાવે છે ત્યારે હું મનોમન ચંદાને અચૂક યાદ કરી લઉં છું.

‘જનમટીપ’ નવલકથામાં પાત્રોમાં ગુજરાતની પાટણવાડિયા નામે ઓળખાતી ખેડૂત-ઠાકરોની એક સૌથી નીચી કોમને વણી લેવામાં આવી છે. એ પ્રજા મારફાડ અને ચોરી લુંટના ગુનાઓ માટે જાણીતી છે અને માણસ જેવા માણસને ધારિયાથી પતાવીને આગમાં શેકી લે એવી પ્રજાનું લોકજીવન આલેખ્યું છે.

આ પ્રજાના માનવીઓનું હાર્દ પકડવા લેખક એમની જીવનલીલાના સાચા સ્થાન એવા ખેતરોમાં વાર્તાની શરૂઆત કરે છે. એક વર્ષ પછી એજ ખેતરમાં વાર્તાને પૂર્ણ કરવામાં આવી છે.

રયજીને ત્રણ દીકરી અને એક દીકરો. ચંદા એના માતાપિતાનું છેલ્લું સંતાન. બચપણમાં જ એની સગાઇ ગામના એક રોગીયલ છોકરા સાથે કરી દેવામાં આવી. ચંદામાં પિતા રાયજીનો જુવાનીનો જુસ્સો અને જોમ ઉતર્યા હતા. સાથેસાથે એક લાવણ્‌યમયી સુંદરતા પણ એને મળી હતી. એની અણીયાળી આંખો,ગર્વિષ્ઠ ચહેરો, અકડાયેલી ડોક, કસથી તસતસતું બાંધેલું યૌવન ગામના યુવાનોને એને પરણવા મોમાં પાણીછુટવા માટે પુરતું હતું. પરંતુ એક પ્રસંગ એવો બન્યો હતો કે જેને કારણે યુવાનો એને પરણવા માટે એક પળ થંભી જતા. એણે ઉભી બજારે ગામના પુરૂષોની સામે શરત મારીને માતેલા સાંઢને નાથ્યો હતો. ગામમાં માતેલા સાંઢને નાથવા માટે ચોરને ચૌટે ચર્ચાઓ થતી પણ કોઈ એને નાથવાની હિંમત કરતુ નહીં. એ કામ આ ચંદાએ બળ નહિ પણ કળ વાપરીને કરી બતાવ્યું હતું. એ કારણથી અને છોકરો નબળો હોવાને કારણે બચપણમાં કરેલી સગાઇ ફોક કરી હતી. વહુ એટલે મર્યાદા, શીલ, લાજવાળી એવી એ વખતની માન્યતા અને આ સાંઢને નાથીને આવેલી ચંદા કોઈ હિસાબે ઘરમાં સમાઈ શકશે નહિ એવી છાપે એને પરણવા તૈયાર થતા ઉત્સુક યુવકો પરણવાની હિંમત કરતા નહિ. એના પિતાને ચિંતા થતી કે મારી આ બહાદુર દીકરી માટે કોઈ હાથ ઝાલવાવાળો નહિ મળે! ત્યારે ચંદા કહે છે, “બાપા, તમે શું કામ ફિકર કરો છો? છેવટે મને તમારો બીજો છોકરો માનજો.” આ સંવાદમાં જે ચંદાની નીડરતા જોવા મળે છે એ મને સ્પર્શી ગઈ હતી. જે જમાનામાં છોકરીને ભારરૂપ ગણવામાં આવતી એ સમયે એક દીકરી પોતાના બાપને કહે કે મને તમારો બીજો દીકરો માનજો! આ કેટલી હિંમતનું કામ હશે.

ત્યાર પછી ગામમાં વેરાફેરી વખતે એનું મિલન ભીમા સાથે થાય છે, ને મેળામાં અછડતો જોયેલો ડાંગ કસીને ઉભેલો એક કડક ચહેરો યાદ આવે છે અને બંને એ સમયે પોતે એકબીજા પરણવું કે નહિ એ નક્કી કરવા માટે પોષી પૂનમની રાતે આંબાવાડીયામાં મળે છે. એમની એ મુલાકાતને વર્ણવતા અહીં લેખક લખે છે, “એ મુલાકાતમાં સંવનનની શબ્દસૃષ્ટિને બદલે એકબીજાએ ખુમારીના જામ પીધા. પ્રેમના સંબોધનોને બદલે સ્વમાનની શરતો થઇ. સૌન્દર્યના નશાને બદલે વીરત્વનું શરબત ચાખ્યું.” કેમ કે ચંદાએ પોતે સાંઢ નાથ્યો છે એવી વાત ઘરમાં નહિ કરે અને ઘરપ્રત્યેની બધી ફરજોમાં કહેવાપણું નહિ રાખે સામે ભીમાએ ચંદાના સ્ત્રીત્વનું સન્માન સાચવવાનું ‘પણ’ આપ્યું. કેટલા અલગ સંવાદો આ એકબીજાને અપનાવવા ઉત્સુક યુગલના.

ભીમો અને ચંદા પરણે છે અને વાર્તાને એક અલગ રોમેન્ટિક વાતાવરણ મળે છે. એ સમયના પ્રણયોત્સુક યુગલોને પોતાના જોબન રંગોને પકડવા માટે શયનગૃહ સાંકડાપડે અને એ કમી પૂરી કરવા આ યુગલની ફાટફાટ થતા જોબનની પ્રણયલીલા અને ધીંગામસ્તીના તોફાનોનું વર્ણન લેખક ખેતરોની હરિયાળીમાં સુંદર રીતે આલેખે છે.

એવામાં એક દિવસ ગામનો એક ઉતાર પૂંજો, ખેતરે ભાથું લઇ જતી ચંદાની છેડતી કરે છે. એ વખતે મોડી આવેલી ચંદા માટે એના સાસુ સસરાએ કરેલા તર્ક-વિતર્‌કો ભીમાને ઉશ્કેરવા માટે પૂરતા હોય છે. પહેલીવાર ભીમો એના પર હાથ ઉપાડે છે. એ રાતે ચંદા ભીમાને પોતે મુકેલી સ્ત્રીત્વના સન્માનની શરત યાદ દેવડાવે છે અને શરૂ થાય છે કસોટીકાળ. જ્યાં સુધી એ શરત પૂરી ન કરે ત્યાં સુધી ચંદા ઘર છોડીને ચાલી નીકળે છે. ચંદાની વિદાય વાચકને ખટકે છે. પાછીએ સગર્ભા હોય છે. ત્યાં વાચકને પ્રશ્ન ઉદ્‌ભવે કે હવે શું શું થશે! પરંતુ ઘર છોડયા પછી પણ જ્યારે જયારે ભીમાના ઘરને એની જરૂરત પડી ત્યારે આવીને ઉભી રહી જતી ચંદા એક સંપૂર્ણ સ્ત્રી સાબિત થતી રહે છે. જયારે પેલી છેડતીનો બદલો લેવા ધીંગાણું થાય છે અને ભીમો હોસ્પિટલમાં હોય છે ત્યારે પણ એની હાજરી દરેક વાંચકને એક સુખભરી આશા આપી જાય છે. સાજો થયા પછી હોસ્પિટલમાંથી ભીમાને ઘેર જવા મળે ત્યારે શરતનું પાલન ન થયું હોવાથી ફરી પોતાના ઘરે જતી ચંદામાં એક અડગ દ્રઢ નિર્ધારવાળી સ્ત્રીના દર્શન થાય છે. છેલ્લે પુંજા સાથે બદલો લેતા ભીમો જયારે પુંજાને ઠાર કરે છે અને ભીમાને અને એના પિતાને જનમટીપ થાય છે ત્યારે વગર બોલાવ્યે ભીમાની ગેરહાજરીમાં એ પોતાના ઘરે પહોંચી જાય છે અને નિરાધાર થઇ ગયેલા કુટુંબને, સાસુ કંકુ, દેર અને નાનકડી નણંદને પોતાની પાંખમાં લઇ લે છે.

બીજું તો આ નવલકથામાં ઘણું છે જેમ કે પોલીસ અને લોકોના સંબંધો-કુટુંબોમાં થતા વેરની વસુલાતો પણ લેખકે દર્શાવી છે. પરંતુ મને સ્પર્શી ગઈ આ એક સમાજના સામાજિક બંધનો સામે લડતી ચંદા. સાંઢ નાથતી નિર્ભયી ચંદા, સ્વમાની ચંદા. એના પતિને ભરપુર પ્રેમ કરતી ચંદા, એના પતિના પરિવારની સદાય પડખે રહેતી ફરજનિષ્ઠ ચંદા. અને હા એના પિતા માટે પુત્રથી પણ સવાયી આબરૂ સાચવતી ચંદા.

તો આ વુમન્સ ડે માં આ પુસ્તક ‘જનમટીપ’ નો આસ્વાદ સેલિબ્રેશન ને અનુરૂપ લાગ્યો ને?

જાહનવી અંતાણી

હેય! વ્હોટસેપ?

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય! વ્હોટસેપ?

તેમનો જન્મ સંસકારી નગરી ગણાતા ભાવનગર શહેરમાં થયો. તેમણે ઇકોનોમીક્સ - પોલીટીક્સ સાથે મુબંઇ યુનીમાંથી એમ એ કરેલ છે શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃતિમાં વધુ રસ લઇ રહ્યાં છે. જેમ કે સાયકલીંગ, સ્વિમીગ, બેડમીન્ટન, વોલીબોલ, રાયફલ શૂટીંગ, ગરબા, ઉપરાંત થર્ડ ગુજરાત ગર્લસ બટાલીયનનાં અન્ડર ઓફીસરના પદે રહી ૨૬ જાન્યુઆરીની રિપબ્લીક ડેની પરેડમાં બેસ્ટ કેડેટનો પારીતોષક મેળવી ચુક્યા છે.

ઉપરાંત નહેરૂ માઉન્ટેન્યરીંગ દાર્જીલીંગ ખાતે પ્રથમ એવરેસ્ટ વિજેતા તેનસીંગ અને નવાંગ ગોમ્બુના રાહબાર નીચે ૧૪૦૦૦ ફૂટ ઉપર "ચંદ્ર વિધાન" શિખર સર કરી ચૂક્યાં છે. શુશીલભાઇ પારેખ સાથે ૧૯૭૮માં લગ્ન ગ્રંથીથી જોડાઇને ગૃહસ્થઆશ્રમમાં બે નાના બાળકો રૂચી - સંકેતના ઉછેર વચ્ચે પતિદેવના સહકારથી "કૈલાશ માનસરોવર"ની કઠીન યાત્રા એક મહિનાના ટ્રેકીંગ સાથે પૂર્ણ કરેલ.

પ્રસંગોપાત સ્વલેખીત નાટકો મંચસ્થ કરી ચુક્યાં છે, તેમની વાર્તાઓ, કાવ્યો, નાટકોનું આકાશવાણી પરથી રજુ થઇ ચુક્યા છે. ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે તેમની કલમનો પરિચય મુંબઇ સમાચાર, અભિયાનમાં કરાવી ચૂક્યા છે. ઓનરરી શોશ્યલ વર્ક તરીકે સુરૂચી મેરજ બ્યુરો. દ્વારા લોકચાહના મેળવી ચૂક્યાં.

બા રિટાયર થવાની ઉંમરે તેમણે કોમ્યુટરનો ક્કકો ખંતથી ઘૂટ્‌યો અને થિયેટર વર્કશોપમાં આજની યુવાન પેઢી સાથે બેસી લેશન લીધુ "દિકરી વ્હાલનો દરિયો" નામક લોકપ્રિય પુસ્તકમાં તેમના લેખ સમાવિષ્ઠ રહ્યો છે. સાહિત્યમાં ઉંડો રસ ધરાવે છે. તેમના ચાર પુસ્તકોઃ

૧) મને કેમ વિસરેપ રે. (હળવા લેખ) ૨) સ્પપંદનના પત્રો. ૩) ઓછપ. (સત્ય ઘટનાત્મક ટૂંકી વાર્તા)

૪) ઉડાણ. (સંઘર્શ કરી ઉપર આવેલી બહેનોની સમાજને ઓળખ) પ્રકાશીત થઇ ચુક્યાં છે.

તેઓ ’સ્પંદન’ના તખલુસથી લખે છે. ’મૃદુ સ્પંદન’ નામક તેમનું ફેસબુક પર પેઝ છે. ‘ચંપાનું ફુલ’ નામક વર્ડપ્રેસ સાઇટ પર તેઓ બ્લોગ લખે છે. ઉપરાંત ગમતાં રસના વિષયો ફોટોગ્રાફી, ક્લાસીક મ્યુઝીક, મુવી અને આર્ટ.

એક નાનો વિચાર પણ માણસને ક્યાંથી ક્યાં બેસાડે છે એનો તાદશ દાખલો એટલે આપણા મૃદુલા બહેન.તાજેતરમાં જ એમના પુસ્તકનું વિમોચન થયું. એક એવું સાહસિક વ્યકિતત્વ જે આપણાં સૌ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આવો એમના વિચારોને "હે વોટસ અપ" માં જાણીએ.

ગોપાલીઃ પહેલો ક્યો વિચાર જે તમને સર્જન માટે પ્રેરણા રૂપ થયો?

મૃદુલાબેનઃ બચપણથી મારા બાને નામી લેખકોના પુસ્તકો વાંચતા જોયાં છે અને તેમની પાસેથી પૂરી વાર્તા સાંભળતાં સાંભળતાં આ રસ્તે આગળ વધી.

ગોપાલીઃ સર્જન સિવાયની બીજી ગમતી પ્રવૃતિ કઇ?

મૃદુલાબેનઃ ફોટોગ્રાફી, કોમ્પુટર અને મ્યુઝીક, મુવીઝ. તેમાં પણ ઓફબીટ મુવી ખાસ જોવું.

ગોપાલીઃ જે સાહિત્ય સમાજમાં આવે છે અને સમાજમાં જેવો બતાવવામાં આવે છે એવો ખરે ખર છે?

મૃદુલાબેનઃ હા બીલકુલ, આપણી આજુબાજુમાં ઘટતી ઘટના જ સાહીત્યમાં નિરૂપણ થતુ દેખાય છે. બીજી રીતે કહી શકાય કે સાહિત્ય સમાજનો આયનો છે જે ઘટના બને તે કથાબીજમાં સમાય છે.

ગોપાલીઃ તમારી દ્રષ્ટિએ "સમાજમાં સ્ત્રી" અંગે શું વિચાર છે?

મૃદુલાબેનઃ સાંપ્રત સમાજમાં સ્ત્રી એક સબળા નારી તરીકે દરેક ક્ષેત્રે ઉભરી આવી છે. કન્યાકેળવણીનો આ પ્રતાપ છે. સ્ત્રી આજે ’બીચારી’ નથી.

ગોપાલીઃ સ્ત્રીઓ માટે ખાસ સંદેશ?

મૃદુલાબેનઃ દરેક સંજોગોમાં સ્વસ્થતાથી સારા માઠા પ્રસંગે સામનો કરી શકવાની ક્ષમતા કેળવવી અને તે માટે સ્વની ખોજ.

અદભુત! આ સ્વને શોધવાની મથામણ જ સર્જન માટેનું શ્રેષ્ઠ પરિબળ છે.

ગોપાલી બુચ

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ઓવેરિયન સિસ્ટ

માર્ચ મહિનો એટલે આપણી નારી હોવાની અસ્મિતાને યાદ કરવાનો મહીનો. વિશ્વ મહિલા દિને આખું વિશ્વ એ વાતને યાદ કરે છે અને સ્વીકારે છે કે ‘સ્ત્રી છે તો સૃષ્ટી છે.’ ભારતીયતા એ તો માટે જ ઈશ્વરીય અસ્તિત્વ માટે જ નારી અસ્તિત્વ અને નારીનું સન્માન પૂર્વ શરત બતાવી છે અને કહ્યું છે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા’

નારીનું સન્માન એ એના અહમની જરૂરીયાત ક્યારેય નથી એ એની લાગણીની જરૂરિયાત છે. કારણ, સ્ત્રીનાં અસ્તિત્વની મોટામાં મોટી તાકાત અને નબળાઈ એની લાગણીશીલતા છે.

આ લાગણીશીલ સ્વભાવ એ ઘણા ખરા અંતઃસ્ત્રાવોની દેન છે. એ જ અંતઃસ્ત્રાવો જે સ્ત્રીને મન અને શરીર એમ બંનેથી સ્ત્રી બનાવે છે. પરિણામે જયારે પણ લાગણીને ઠેસ પહોચે છે, એની સીધી અસર સ્ત્રીનાં માસિક ચક્ર પર, અંડાશયપર, ગર્ભાશય પર વગેરે બધે જ થાય છે.

જેમાંથી આજે વાત કરવી છે અંડાશયમાં થતી ગાંઠ ‘ઓવેરિયન સિસ્ટ’ની. ઓવરીમાં થતી ચોકલેટ સિસ્ટ તરીકે ઓળખાતી ગાંઠનો એક કેસ મને યાદ આવે છે જેમાં ૩ ભાઈ બહેનોમાં સૌથી મોટી અને જેનાં પર સૌથી ઓછું ધ્યાન માતા - પિતા દ્વારા જાણે અજાણે અપાઈ ગયેલું. એક બાળક તરીકેનો તેનો આ અનુભવ અને લાગણીનો આ આઘાત મોટે થતાં આ પ્રકારની સિસ્ટનું કારણ બનેલો. હોમીઓપથીની અકસીર દવા નેટ્રમ્યુરના ઉપયોગથી તેની આ સિસ્ટ ગયેલી.

‘ઓવેરિયન સિસ્ટ’ વિષે જાણતાં પહેલાં પાયાની માહિતીઃ

સ્ત્રીમાં ગર્ભાશયની આજુબાજુ અંડપીંડ નામની પ્રજનનક્ષમ ગ્રંથીની જોડ ગોઠવાયેલી હોય છે. જે બદામ જેવો આકાર અને કદ ધરાવે છે. બંને અંડ પિંડો અન્તઃસ્ત્રવોની અસરથી સ્ત્રીબીજનું નિર્માણ કરે છે તેમજ તે સ્ત્રીમાં અન્તઃસ્ત્રવોનો મુખ્ય સ્ત્રોત છે. આ અંડપીંડ કે અંડાશયને જ ઓવરીઝ કહેવાય છે.

આ અંડાશયમાં થતી ગાંઠને ઓવેરિયન સિસ્ટ કહેવાય છે.

આમ તો ઓવેરિયન સિસ્ટ ઘણાં પ્રકારની હોય છે પણ સામાન્ય રીતે જોવા મળતી ઓવેરિયન સિસ્ટને ફન્કશનલ કે સિમ્પલ પણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ એક જ અંડપીંડમાં બનતી હોય છે પરંતુ કેટલાક કેસીસમાં બંન્નેમાં પણ થઇ શકે.

સ્ત્રીની પ્રજનનક્ષમ ઉંમર દરમિયાન કોઈ પણ ગાળામાં આ પ્રકારની જોવા મળે છે. લગભગ તમામ પ્રકારની સીસ્ટ બીનાઇન એટલે કે નોન કેન્સરસ હોય છે.

અંડપિંડમાં સામાન્ય સ્થિતિમાં અડધા ઈંચથી પણ નાના કદની સીસ્ટ જોવા મળી શકે.

નીચે મુજબના લક્ષણો ધરાવતી સ્ત્રીઓમાં ઓવેરિયન સીસ્ટ થવાનું કે હોવાનું જોખમ રહેલું છે.

જેઓને ભૂતકાળમાં થયેલ હોવું.

માસિકની અનિયમિતતા હોવી.

શરીરના ઉપરના અંગોમાં વધુ મેદસ્વીતા હોવી.

૧૧ વર્ષ કે તેથી નાની ઉમરમાં જ સૌ પ્રથમ વખત માસિક શરૂ થયેલ હોવું.

વંધ્યત્વ હોવું.

વન્ધ્યત્વની સારવાર ગોનેડો ટ્રો પીન પ્રકારની દવાઓથી થતી હોવી.

હીપોથાયરોઈડીઝમ (થાયરોઈડ) હોવું.

ટેમોક્સીફેન પ્રકારની દવાઓ (જે સ્તન કેન્સરની સારવાર માટે વપરાય છે) લીધેલી હોવી.

વધારે પ્રમાણમાં તાણમાં રહેવું કે ડીપ્રેશન હોવું.

ઓવેરિયન સિસ્ટનાં લક્ષણોઃ

પેટના ભાગમાં દબાણ અથવાતો દુખાવો થવો, પેડુમાં દુખાવો થવો, કમરની નીચે તેમજ સાથળમાં જીણો જીણો દુખાવો થવો, સંભોગ સમયે દુખાવો થવો, વજન વધવું, માસિક સમયે દુખાવો થવો, માસિકમાં અનિયમિતતા, યોનિમાર્ગમાં હળવો દુખાવો તેમજ તેમાંથી અનિયમિત રીતે ડાઘા પાડવા, ઉબકા ઉલટી થવા, વંધ્યત્વ.

ઘણાં કિસ્સામાં કોઈ પ્રકારના લક્ષણો દેખીતી રીતે જોવા નથી મળતા હોતા. એવું પણ બને. કે પછી તેનાં પ્રકારો જેમ કે ફોલીક્યુલાર સીસ્ટ, લ્યુટીઅમ સીસ્ટ,પોલીસીસ્ટીક ઓવેરિ, ડર્મોઈડ સીસ્ટ, ચોકલેટ સીસ્ટ કે એન્ડોમટ્રીઓમા પ્રમાણે લક્ષણ બદલાય.

જેમ કે ચોકલેટ સીસ્ટ કે એન્ડોમટ્રીઓમા એટલે એવી સ્થિતિ જેમાં જે કોશો સામાન્ય રીતે ગર્ભાશયમાં વિકાસ પામતા હોય તે ઓવરીમાં વિકસિત થવાનું શરૂ થઇ જાય. જેને એન્ડો મેટ્રીઓસીસ કહેવાય છે. આ શીતીમાં જેમ ગર્ભાશય દ્વારા માસિકસ્ત્રાવ થાય છે એમ માસિકના સમયે અંડ પીંડમાં પણ ક્યારેક એજ રીતે ભૂરા કલરનો સ્ત્રાવ થાય છે. જેને ચોકલેટ સીસ્ટ કહે છે.

આ ઉપરાંત પોલીસીસ્ટીક ઓવેરિ એ પણ અત્યારે જોવા મળતો એક બહુ અગત્યનો રોગ છે જેનાં વિષે ક્યારેક વિસ્તારથી વાત કરશું.

તમામ પ્રકાર ની ઓવેરિયન સીસ્ટ ની એલોપેથી માં, આયુર્વેદ માં , તેમજ હોમીઓપથીમાં દવાઓ છે પણ જો લેખક શ્રી સૌરભ શાહ ની ભાષા માં કહું તો ‘લાગણી નું મેનેજમેન્ટ ’ યોગ્ય કરીએ અને નિયમિત વ્યાયામ થી વજન કંટ્રોલ કરીએ તો ઓવેરિયન સીસ્ટથી ઘણાખરા અંશે બચી શકીએ.

સ્વસ્થ સ્ત્રી - તંત્રો ની સર્વે માટે પ્રાર્થના સાથે ‘ હેલ્લો સખીરી’ ની તમામ વાચક સખી ઓને હેપ્પી વિશ્વ મહિલા દિન ...અને હા માર્ચ છે તો યાદ રાખજો હો પરીક્ષા બાળકો ની છે હો...તમારી નહિ.

ડો. ગ્રીવા માંકડ

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

‘‘ઔરતને જનમ દિયા મરદોં કો, મરદોંને ઉસે બાઝાર દિયા...

જબ જી ચાહા, મસલા-કૂચલા... જબ જી ચાહા ધૂતકાર દિયા...’’

દર વર્ષે આઠ માર્ચે ઊજવાતા ’’વુમન્સ ડે’’ નિમિત્તે ફેસબુક, વોટ્‌સ અપ જેવી સોશ્યલ સાઈટ્‌સ પર ઠલવાતા ઢગલોએક શુભેચ્છા સંદેશાઓ વચ્ચે ૧૯૫૮ની ફિલ્મ ’સાધના’ના એક ગીતની આ પંકિતઓ થોડી અપ્રસ્તુત લાગે પણ આજના સમયના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક આ પંકિતઓ કોઈક ને કોઈક સ્વરૂપે સાચી પડતી હોય એવું નથી લાગતું? સંયોગની વાત જુઓ કે સામાજિક મુદ્દા પર આવી અનોખી રચના આપનાર શાયર સાહિર લુધિયાનવીનો જન્મદિવસ પણ આ જ દિવસે આવે છે. આજે આ અનોખા શાયર-ગીતકાર વિશે થોડી વાતો કરીએ.

૮ માર્ચ, ૧૯૨૧ના રોજ લુધિયાનાના એક અત્યંત ધનાઢય જમીનદાર પરિવારમાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હયી હતું. બાર પત્નિઓ હોવા છતાં અય્‌યાશ જીવન જીવતા પતિની અય્‌યાશી અને વિચિત્ર સ્વભાવથી કંટાળી જઈને અબ્દુલની માતા સરદાર બેગમે એ જમાનામાં ક્રાંતિકારી કહેવાય એવો, એક મુસ્લિમ મહિલા તરીકે સામેથી પોતાના પતિ પાસેથી તલાક લેવાનો નિર્ણય કર્યો. મામલો કોર્ટમાં પહોંચ્યો. ચાર વર્ષના માસૂમ અબ્દુલે ભરી કચેરીમાં માતાની સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી. દોલતમંદ અય્‌યાશ પિતાની સાથે રહીને અભણ ને ગમાર બને તેના કરતા ગરીબ છતાં ખુદ્દાર માતાની પાસે રહીને ભણીગણીને એક સમજદાર નાગરિક બને એ માટે નામદાર જજસાહેબે બાળ અબ્દુલનો કબજો તેની માતાને આપ્યો. અને ત્યાંથી શરૂ થયેલી કાંટાળી સફરનો આખરી પડાવ મોહમયી મુંબઈની જાદૂભરી સિનેસૃષ્ટિ હશે, એવી ત્યારે કોઈને કયાં ખબર હતી?

મોસાળ જાલંધરમાં મા અને મામાની સતત દેખરેખ નીચે ઉછરી રહેલા અબ્દુલની માતાને સતત એ ડર રહેતો કે કયાંક અબ્દુલના પિતા તેને ઉઠાવી ન જાય. ચોવીસ કલાક કોઈને કોઈ અબ્દુલની સાથે ને સાથે જ રહેતું. અસલામતીના વાતાવરણમાં ઉછરતા બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય એ સ્વાભાવિક હતું. જો કે,પરિવારના એક હિતેચ્છુની સમજાવટથી અબ્દુલને શાળામાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે ન તો અબ્દુલને પોતાના મુસ્લિમ હોવા વિશે સમજ હતી કે ન તો ઈસ્લામનું કોઈ જ્ઞાન એમને આપવામાં આવેલું. શાળામાં અને ત્યારબાદ કૉલેજમાં પણ મોટાભાગે શીખ અને હિંદુ સહાધ્યાયીઓ સાથે તેમની ગાઢ દોસ્તી હતી. "અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ..." જેવી રચના તેમની કલમે પ્રસવી તેનું બીજ કદાચ અહીં જ રોપાયુ હશે!

દીકરાને ભણાવીગણાવીને જજ કે સિવિલ સર્જન બનાવવાના સ્વપ્ન જોતી માતાને જો કે, એવો અણસાર સુદ્ધાં નહોતો કે દીકરો મોટો થઈને નામી શાયર બનશે. શાળામાં અબ્દુલને ઉર્દુ અને ફારસી ભણાવનાર શિક્ષકે તેમની સાહિત્ય પ્રત્યેની રૂચિ પારખીને શાયરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં, એ સમયના નામી શાયરોની રચનાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો. મેટ્રિકની પરીક્ષા આવતા સુધીમાં તો અબ્દુલના મનમાં કોળાયેલા શાયરીના બીજ પર કૂંપળો ફૂટવા માંડેલી.

અબ્દુલ હયીનું ’સાહિર લુધિયાનવી’માં કઈ રીતે રૂપાંતર થયું? મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહેલા અબ્દુલનું ધ્યાન, પાઠયપુસ્તકમાં છપાયેલી સુપ્રસિદ્ધ શાયર ઈકબાલની એક નજમ પર પડયું, જે તેમણે ઓગણીસમી સદીના મહાન શાયર દાગ દહેલવીની પ્રશંસામાં લખેલી. તેમાંનો એક શબ્દ ’સાહિર’ કે જેનો શાબ્દિક અર્થ થાય છે ’જાદુગર’, તે અબ્દુલને પોતાના ઉપનામ તરીકે ખૂબ જ ગમી ગયો. શાયરીમાં પોતાના પ્રેરણાસ્રોત એવા મઝાઝ લખનવી, જોશ મલિહાબાદી તેમજ શાયરીની શિક્ષા આપનાર શિક્ષક ફૈયાઝ હરિયાનવી - આ બધા નામોથી પ્રેરાઈને અબ્દુલે ’સાહિર’ સાથે જન્મસ્થળ લુધિયાનાનું નામ જોડી દઈને ’સાહિર લુધિયાનવી’ તરીકે પોતાનું નવું નામકરણ કર્યું. અને આ સાથે જ જાણે કે એક નવા જ વ્યક્તિત્વનો તેમનામાં આવિર્ભાવ થયો.

તેજાબી કલમના આ શાયરે ડર, અપમાન અને અવહેલનામાં વીતેલા પોતાના બાળપણની પીડાને બંડખોર, ઉગ્ર શબ્દોનું રૂપ આપ્યું. મૂડીવાદી સામંતશાહી સમાજ દ્વારા, ગરીબ અને લાચાર લોકો પર થતા અત્યાચાર પર સાહિરની શાયરીના શબ્દોરૂપી કોરડા ધડાધડ વીંઝાવા લાગ્યા.

કોલેજમાં દર્શનશાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસ કરતા કરતા સાહિરની રૂચિ રાજનીતિ તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયો પરત્વે વધવા માંડી. ક્રાંતિકારી વિચારો ધરાવતા આ જલદતેજાબી શાયરની કલમના પરચા અંગ્રેજ સરકારને પણ મળવા લાગ્યા. રાજનીતિક પ્રવૃત્તિઓમાં નિર્ણયાત્મક ભાગ ભજવવા બદલ કોલેજમાં એમને છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહીં. માતાની લાખ ઈચ્છા હોવા છતાં સાહિર ગ્રેજ્યુએટ થઈ શકયા નહીં. જો કે, માત્ર ત્રેવીસ વર્ષની ઉમરે તેમની શાયરીનું સંકલન ’તલ્ખિયાં’ પ્રસિદ્ધ થઈ ચૂકેલું, એ કોઈ નાનીસૂની સિઘ્ધિ ન હતી. સાહિરના જીવનકાળ દરમિયાન જ ’તલ્ખિયાં’ની પચ્ચીસ આવૃતિ બહાર પડેલી! એ સમયે એવું કહેવાતું કે કોઈ પણ નવું પ્રકાશન ગૃહ શરૂ થાય તો એ પહેલવહેલા ’તલ્ખિયાં’ છાપે, પછી બીજા પુસ્તકો બહાર પાડે! જો કે પ્રસિઘ્ધિથી પેટ કયાં ભરાય છે? એકાદ સાહિત્યિક પત્રિકાના સંપાદન માટે ચાલીસ રૂપિયાના પગારે કામ કરતા સાહિરે આખરે ૧૯૪૬માં મુંબઈની વાટ પકડી અને ફિલ્મગીતલેખન ક્ષેત્રે પા પા પગલી માંડી.

એક તરફ એમની કલમે કંઈ કેટલાય ગીતોમાં રોમાન્સના રંગ ભર્યા, તો સામાજિક મુદ્દાઓ પર પણ એમની કલમ જોરશોરથી ચાલી. હિન્દી ફિલ્મોના માળખામાં આવું જવલ્લે જ બને છે. એક રોમેન્ટિક શાયર તરીકે સાહિરના ગીતોના બે-ચાર ઉદાહરણ જોઈએ તો, ’છૂ લેને દો નાઝુક હોંઠોં કો...’ ’યે ઝુલ્ફ અગર ખૂલ કે બિખર જાયે તો અચ્છા.....’ જેવા ’કાજલ’ના ગીતો હોય કે પછી ’પ્યાસા’ નું યાદગાર ગીત ’આજ સજન મોહે અંગ લગા લે...’ કે પછી ફિલ્મ ’શગુન’નું ’તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુઝે દે દો....’ કે પછી ’બહુરાની’નું અત્યંત પ્રેમભર્યુ ગીત ’ઉમ્ર હૂઈ તુમસે મિલે, ફિર ભી જાને ક્યૂં ઐસા લગતા હૈ, જૈસે પહેલી બાર મિલે હૈ...’

સાહિરમાં છૂપાયેલા એક અત્યંત સંવેદનશીલ પ્રેમીને દુનિયા સમક્ષ રજૂ કરી દેતા આ બધા ગીતોની સામે, ’ફિર સુબહ હોગી’નું ગીત ’રહેને કો ઘર નહીં હે,સારા જહાં હમારા...’ હોય કે ’પ્યાસા’નું જ ઓર એક ગીત ’યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે?’ હોય કે પછી કોમી રમખાણો પર આધારિત ફિલ્મ’ધર્મપુત્ર’ના ગીતો ’યે કિસ કા લહુ હૈ, કૌન મરા...’ અને ’યે મસ્જિદ હૈ વો બુતખાના’ હોય. તો અન્ય એક કિસ્સામાં, સામાજિક બુરાઈઓ પર કોરડા વિંઝતી એમની તેજાબી કલમ ’ધૂલ કા ફૂલ’માં અત્યંત મર્મસ્પર્‌શી શબ્દોમાં લખેઃ ‘તુ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા....’

સાહિરની એક યાદગાર નજમ ’કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ ઝિંદગી તેરી ઝૂલ્ફોં કે નર્મ સાયે મેં ગુઝર જાતી તો શાદાબ હો સક્તી થી...’ નો ઉપયોગ થોડા ફેરફાર સાથે ફિલ્મ ’કભી કભી’ના ટાઈટલ સોંગમાં કરવામાં આવેલો. આ જ ફિલ્મનું ઓર એક ગીત ’મૈં પલ દો પલ કા શાયર હૂં’ એ સાહિરની ખુદની જિંદગીનું બયાન છે. આ બંને રચનાઓ ’તલ્ખિયાં’માંથી લેવામાં આવી હતી.

માનવીય સંબંધોની નાજુક અભિવ્યક્તિની સંવેદનશીલ રજૂઆત કરતા ગીતો હિન્દી ફિલ્મોને આપનાર શાયર સાહિર લુધિયાનવીને જન્મજયંતિએ શત શત નમન સહ સ્મરણાંજલિ...

સૌમ્યા જોષી

સાતમી ઈદ્ગિય

મીનાક્ષી વખારિયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દૃટ્ઠારટ્ઠિૈટ્ઠદ્બૈહટ્ઠટૈ૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈદ્ગિય

મારી પ્રિય અબળા નારી,

તને નવાઈ લાગશે, આવું કેવું સંબોધન? કરવું પડયું, ફરજિયાત! મને લાગ્યું કે તું તારૂં અસ્તિત્વ ભૂલી રહી છે, ’તું એક નારી છે, જગતજનની છે’ તને યાદ કરાવવા જ આજે આ પત્રનો સહારો લીધો છે. તું આ પુરૂષપ્રધાન દુનિયામાં ક્યાંક સબંધોનાં તાણાવાણામાં અટવાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે. તું દીકરી, બહેન, મા,પત્ની અને અન્ય સાંસારિક સંબંધોની ભૂમિકા ભજવતાં ભજવતાં ખુદને ભૂલી રહી છે. ફરજ, કર્તવ્ય પરાયણતા, દયાની મુર્તિના ઓઘા પહેરાવી સમાજ તારો ગેરલાભ ઉઠાવી રહ્યો છે. એટલે જ આજે સમગ્ર નારી જાતિને ઉજાગર કરવા હેતુ જાહેરમાં આ પત્ર લખી રહી છું.

‘નારી તું નારાયણી’

‘નારી તું ના હારી’

‘યત્ર પૂજયતે નારી તત્ર રમયતે દેવતા,’

વગેરે વગેરે સુવાક્યો માત્ર પુસ્તકોના, સમાચાર પત્રોના પાનાને શોભાવવા પુરતાં રહી ગયા છે. ખાટલે મોટી ખોડ તો એ છે કે લોકો નારી ઉત્થાનની વાત તો બહુ કરે છે પરંતુ અમલમાં મુકતા નથી તે ખરેખર દુઃખ દાયક છે. આપણાં પૂર્વજોએ નારીને જે ઉચ્ચ સ્થાને બેસાડેલી, તે સ્થાન ડગમગી રહ્યું છે. નારીનાં અસ્તિત્વને મીટાવવા તત્પર આ સમાજ ઘણાં જ રંજ સાથે કહેવું પડે છે કે ’સમાજ’ જે સ્ત્રી અને પુરૂષથી બનેલો છે. માતાની કુખમાં પાંગરી રહેલો જીવ, જો ખબર પડે કે તે કન્યારત્ન છે તો ભ્રૂણ હત્યા કરતાં પણ અચકાતો નથી. ત્યાંથી હારે તો બાળકીને દૂધ પીતી કરી દે છે. કોઈ એક પુરૂષ તો બતાવ કે જેને જનમવા માટે એક સ્ત્રીની કૂખની જરૂર ન પડી હોય. આજે જનમ લઈને અવતરવા માટે ભગવાનને પણ એક નારીની, એક ’મા’ની કૂખની જરૂર પડે છે, તો રાંક હોય કે રંક એ કઈ વાડીનો મૂળો? પાપી પુરૂષની જાતને પૂછ કે તારૂં પડખું સેવનારી તારી પત્નીને એના માબાપે જન્મ જ ના આપ્યો હોત તો? કુળને આગળ વધારવું હોય તો એ નારી વગર અશક્ય જ છે.

અનહદ દુઃખ થાય છે જયારે સાવ નાની બાળકીથી લઈને કિશોરીઓ, યુવતીઓ કે સ્ત્રી માત્ર આજના સમાજમાં નિર્ભય રીતે ફરી શકતી નથી. રોજબરોજ નરરાક્ષસો દ્વારા થતાં બળાત્કારનાં કિસ્સાઓ સાંભળી હૈયું દ્રવી ઊઠે છે. ઘણીવાર ઘર બહારનો સમાજ જ નહીં, નજીકના જ સગા દ્વારા, લોહીનો સંબંધ હોય તેની પણ પરવા કર્યા વગર સ્ત્રી જાતિનું જાતીય શોષણ થઈ રહ્યું છે. નિતનવા કિસ્સા સાંભળવામાં આવે છે ત્યારે લોહી ઉકળી ઊઠે છે.

નારી, કહેવાતા સભ્ય સમાજમાં પણ તારી કંઈ સારી પરિસ્થિતી નથી. સાસરિયાઓ દ્વારા મંગાતા દહેજને કારણે એવું લાગે કે નારી, નારી નથી પણ કોઈ બિકાઉ ચીજ છે. દહેજના દૂષણને લીધે કંઇ કેટલાંય પરિવારો ખુવાર થઈ જાય છે. પતિ માટે તો જાણે સાથે હરવા ફરવા માટે શોભાની પૂતળી અને શયનખંડમાં રમવા માટેનું રમકડું! માબાપને ત્યાં કયો સારાવાટ છે, ત્યાંયે હમેશા પુત્રરત્નની ઇચ્છા રાખતાં માબાપ દીકરી કરતાં દીકરાના અસ્તિત્વને પ્રાધાન્ય આપતાં આવ્યા છે. અહીં દીકરાની નાનામાં નાની ઈચ્છા પૂરી કરતાં માવતર દીકરીની ઇચ્છાઓને ગૌણ સમજે છે. જોકે હવે ઘણાં લોકોનો નજરિયો બદલાયો છે પણ ટકાવારીમાં તો ઉણો જ ઉતરે. દીકરીઓનાં ભણતર પાછળ ખરચો કરતાં અચકાતાં માબાપ પોષાણ હોય કે ન હોય તેનાં લગ્ન પાછળ પૈસાનો ધુમાડો કરી નાખે છે, માત્ર ને માત્ર સમાજમાં વાહવાહી કરાવવા માટે!

લોકો ભૂલી ગયા છે કે નારી કોઇની પુત્રી, બહેન, માતા, પત્ની પણ હોય છે. તારે લોકોને યાદ કરાવવાનું છે ઉઠ ઊભી થા, તારે જ તારી પોતાની રક્ષણહાર બનવાનું છે, સ્ત્રીએ અન્ય સ્ત્રીની રક્ષા કરવા કટ્‌ટિબદ્ઘ થવાનું છે. પોતાનું આત્મ ગૌરવ જાળવવાનું બીડું તારે જ ઉઠાવવું પડશે. નારી આજે તારે એક પ્રણ લેવાનું છે,જો તારી કૂખે કન્યારત્ન જન્મે તો તેને સારામાં સારૂં ભણતર, કેળવણી આપી સમાજમાં સન્માનનીય દરજ્જો અપાવશે. આજની તારી અવસ્થા માટે તારે જ બળવો પોકારવાનો આ ખરો સમય છે. સમજી લે કે તારી કૂખમાં ઉછરી રહેલા કન્યાભ્રૂણ પર માત્ર તારો ને તારો હક્ક છે, એને જનમ આપવો કે નહીં તેનો નિર્ણય તું જ લઈ શકે. કૂખ તારી પોતાની છે અને તું જ તેની માલિક છે. ક્યાં લગી અગણિત અન્યાય, અત્યાચારો, અસહિષ્ણુતા,અપમાન સહ્યા કરશે? તું કોઈ જણસ કે ચીજવસ્તુ નથી. તું ભૂલી ગઈ છે કે તું એક અમોઘ શક્તિનો શ્રોત છે. તું મહાશક્તિ છે. આપી દે જવાબ આ કુંઠિત સમાજને.

તારી જાતને સુશિક્ષિત કર. આત્મરક્ષા કરવા માટે સજ્જ બનાવ. કદી કઈ અઘટિત બની જાય તો આત્મહત્યા એ જ આખરી રસ્તો નથી, તેના દોષ્િાતને સમાજ સામે ખુલ્લો કરવાનું આત્મબળ એકત્રિત કર. નરરાક્ષસોને એમનું સ્થાન બતાવવાનો સમય આવી ચૂક્યો છે. બસ ઘણું કહેવાનું છે પણ થોડામાં ઝાઝું સમજી,તારો દિપક તુ જ છે એમ સમજી લે.

લિ. તારા જેવી જ એક નારી પણ સબળા.

મીનાક્ષી વખારિયા

લો પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લો પંડિત

લતાબહેન એટલે ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટાં. તેમના પિતાજી વાલજીભાઈનાં અવસાન પછી પરિણીત હોવા છતાં દરેક મોટા નિર્ણયોમાં તેમના ભાઈઓ દ્વારા તેમની જ સલાહ લેવાતી. તેમના પિતાજીનાં અવસાન બાદ ઘણી બધી પ્રોપર્ટીનાં ભાગ પાડવાનાં હતા, તેથી તેમના ભાઈઓ સુરેશભાઈ અને રમેશભાઈ એ લતાબહેનને મળીને બધો નિર્ણય લેવાનું નક્કી કર્યું. લતાબહેન તેમના ઘરે આવ્યા, બંને ભાઈઓએ એવું નક્કી કર્યું કે જે કઈ પ્રોપર્ટી છે તેમાં બહેનનો પણ સરખો હિસ્સો રાખવો છે. આ વાત તેમણે લતાબહેનને કહી કે બહેન આટલા વર્ષોમાં તમે અમારા માટે ઘણું કર્યું છે હવે અમારો સમય છે તો અમારી ઈચ્છા એવી છે કે પિતાજીની મિલકતના એક સરખા ત્રણ ભાગ પડે અને એ રીતે મિલકતની વહેચણી થાય.

આ સાંભળીને લતાબહેનની આંખોમાં આંસુ આવી ગયાં કે આ સમયમાં આવા ભાઈઓ ક્યાં મળે? જે મળે એ બધું જ પોતાનું કરી લેવાની વૃતિ જ હોય છે લોકોમાં. તેમણે મનોમન ભગવાનનો અને માતાપિતાનો આભાર વ્યક્ત કર્યો અને પોતાનો નિર્ણય સંભળાવ્યો કે તમે કહ્યું એ તમારી મોટાઈ છે પણ ઈશ્વરની દયાથી મારે કોઈ ખોટ નથી. પૈસે ટકે સુખી છું અને તમારા જેવા ભાઈઓ છે એ પણ એક સુખ જ ને? એટલે મારે પિતાજીની મિલકતોમાંથી કઈ જ ભાગ નથી જોઈતો બસ તમે બંને તમારા કુટુંબ સાથે સુખી રહો એ જ મારા માટે સુખ છે અને એ જ મારો ખુશીનો હિસ્સો છે અને એટલે જ વહેલાસર આપણે આ મિલકતોની વહેચણી બે સરખે હિસ્સે કરી અને મારા તરફથી જે કાગળો બનાવવાના હોય અથવા સહીઓ કરવાની હોય ત્યાં કરી લઈયે અને હા, એનાં માટે કોઈ વકીલનો સંપર્ક કરીને મારે શું કરવાનું છે એ જાણી લઈએ જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ન થાય.

એ વાત બંને ભાઈઓને પણ એટલી જ સાચી લાગી કે વકીલનો સંપર્ક કરી અને તેમની સલાહ અનુસાર જ આગળ વધીએ. એટલે બંને ભાઈઓ એ એક વકીલ નો સંપર્ક કરી અને તેમને મળવા પહોંચી ગયા. તેમણે પોતાની હકીકત કહી કે પિતાજીના અવસાન પછી મિલકતની વહેચણી કરવી છે અને બહેનને એમનો હક્ક નથી જોઈતો તો તેના માટે કઈ સ્પેશિયલ પ્રોસિજર છે કે શું? વકીલ સાહેબે તેમને જણાવ્યું કે જો તમારા ભાઈ બહેનો વચ્ચે કોઈ પણ પ્રકારનો ખટરાગ ન હોય તો બહેન દ્વારા હક જતો કર્યા અંગેનો દસ્તાવેજ એટલે કે ડ્ઢીીઙ્ઘર્ ક િીઙ્મૈહૂેૈજરદ્બીહંર્ ક િૈખ્તરં કરાવવાનો હોય છે. જેમાં સૌપ્રથમ હક્ક કોણ જતો કરે છે અને કોની કોની તરફેણમાં જતો કરે છે તેની વિગત, કઈ મિલકત બાબતે હક્ક જતો કરે છે તેની વિગત, જેના નામની મિલકત છે તે વ્યક્તિના દરેક વારસદારની વિગત, જે વ્યક્તિ હક્ક જતો કરે છે તેનો કેટલો શેર તે જતો કરે છે તેની વિગત રજુ કરવી ખુબ જ જરૂરી છે અને આ ઉપરાંત જો સૌથી વધુ મહત્વનું હોય તો એ છે કે તેમાં એ લખવું જરૂરી છે કે હક્ક જતો કરનાર વ્યક્તિ જેની તરફેણમાં હક્ક જતો કરે છે તેના માટે તેમને કુદરતી લાગણી અને પ્રેમ છે તથા કોઈ પણ જાતનાં નાણાકીય વ્યવહાર કર્યા વગર આ હક્ક જતો કરે છે તથા તેમાં એવી બાહેધરી આપવામાં આવે છે કે આ મિલકતોમાં મારા બાદ મારા વંશ, વાલી, વારસોને પણ આ બંધનકર્તા રહેશે તથા બે સાક્ષીઓની સહી અનિવાર્ય છે. હક્ક જતો કર્યા અંગેનો દસ્તાવેજ ૧૦૦ રૂપિયાનાં સ્ટેમ્પ પેપર ઉપર કરવો ફરેજીયાત છે અને તૈયાર કર્યા બાદ રજીસ્ટ્રેશન એક્ટની કલમ-૧૭ મુજબ તેને રજીસ્ટર કરાવવાનો હોય છે તેના માટે જે તે એરીયાની સબ રજીસ્ટ્રારની ઓફિસમાં જવાનું હોય છે અને જો હક્ક જતો કર્યા અંગે કોઈ નાણાકીય વ્યવહારો થયા હોય તો જે તે રકમ ઉપર સ્ટેમ્પ ડયુટી ભરીને રજીસ્ટર કરવામાં આવે છે.

આ દસ્તાવેજ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે કારણ કે રજીસ્ટર થયેલ હોવાથી ભવિષ્યની તકલીફો નિવારી શકાય છે. આ વાત સાંભળીને ત્રણેય ભાઈ બહેનને સમજાયું કે ખરેખર એ લોકોને શું કરવાનું છે અને તેને તૈયાર કરવાનું કહી, વિગતો આપીને એ લોકો ત્યાંથી ખુશી ખુશી નીકળ્યાં.

શ્લોકા પંડિત

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

નિનિનું ચંદ્રારોહણઃ

શાળાથી પરત ફરીને નિનિ સીધી લેશન કરવા બેઠી. રોજ તો થોડીવાર ટીવી જુએ કે સહેલીઓ સાથે રમવા જાય અથવા તો નાનીબાના ઘરે પહોંચી જાય. આજે તો એ ચિંતિત મુદ્રામાં એ વિજ્ઞાનનાં કેટલાંક પુસ્તકો ફંફોસતી હતી. ઘડીકમાં કોપ્યુટર ખોલીને ગૂગલમાં કંઈક સંશોધન કરવા બેઠી.

એવામાં ઓચિંતી નાનીબાની હાકલ સંભળાઈ. અનુભવની શાળામાંથી નિપૂણ થયેલ નાનીબા કાયમ નિનિને મુંઝવણમાંથી ઉગારતાં. આજે પણ નાનીબ કંઈક સૂઝાડશે એવી આશા નિનિને જાગી.

નિનિઃ જય શ્રી કૃષ્ણ નાનીબા. સારૂં થયું તામે આવ્યા.

નાનીબાઃ કેમ? ક્યાં અટકી આજે મારી નિન્કુ?

નિનિઃ નાનીબા, કેમ ખબર પડી કે હું ક્યાંક અટકી?

નાનીબાઃ તું તો મારૂં વ્યાજ છો. તારા મનની વાત તો હું સમજી ન જાઉં?

નિનિએ નાનીબાને સ્કુલ પ્રોજેક્ટમાં મળેલ વિજ્ઞાનનાં અસાઈન્મેટની વાત કરી. વિષય હતો ચંદ્રારોહણ.

નિનિઃ સવારથી સાઈન્સ પ્રોજેક્ટ માટે વિચારૂં છું કે શું કરૂં?

નાનીબાઃ મને તારૂં આ વિજ્ઞાન કોઠે ન પડે.

નિનિઃ એમ ન કરોને. નાનીબા જરા આઈડિયા આપોને કયો કોન્સેપ્ટ સોલેક્ટ કરૂં? ક્યારની સર્ચ કરૂં છું. કશું સમજાતું જ નથી.

નાનીબાઃ હું તો ચાર સાત ગુજરાતીને ત્રણ અંગ્રેજી ભણી મને આ ન આવડે દીકુ. અમારા વખતે ગણિત, ગુજરાતી અને પર્યાવરણ એમ ત્રણ માંડ વિષય હતા.

નિનિઃ તો હાલો હું ભણાવું તમને. આમ બેસો કોમ્પ્યુટરની સામે. જુઓ મૂન પર સેટેલાઈટ કેમ મોકલાય.

નાનીબાનો હાથ પકડીને એમને પૈડાંવાળી ઊંચીનીચી થાય એવી ખુરશીમાં બેસાડયાં નિનિએ અને જુદાજુદા ચંદ્રારોહણનાં દ્રશ્યો અને દ્‌વિપરિમાણીય નકશાઓ બતાવ્યા. નાનીબાએ એ બધું નિહાળ્યું પણ ખરૂં અને સાથે આત્મસાત કરતાં હોય એમ નિનિને પ્રતિસાદ પણ આપતાં રહ્યાં.

નાનીબાઃ મને તો ચંદર ઉપર રહેતી બકરી ને ડોસલીની વારતાની ખબર હતી. ઈ તમારા આ ભણતરનાં નિયમો મને ન સમજાય હો.

કોઈ કારણસર નિનિનાં બા મળવા આજે દિકરીનાં ઘરે આવ્યા હતાં અને થોડીવારમાં જતાં પણ રહ્યાં. નિનિને એની સમસ્યાનો ઉકેલ જડવામાં હજુય મથામણ હતી. ઉકેલ શોધવા જાડી મોટી ચોપડીઓ અને કોમ્પ્યુટર વારેવારે ફંફોસતી રહી. રાતે એને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ જ ન રહ્યો.

બીજે દિવસે શાળામાં વિજ્ઞાનનો તાસ શરૂ થતાં નિનિ સતેજ થઈ. સૌએ વારાફરતી પોતપોતાનો પ્રોજેક્ટ રજુ કર્યો. નિનિનાં હાથમાં પણ નળાકાર ચાર્ટપેપરનું બંબુડું હતું. એનો વારો આવ્યો. સાહેબે એણે રજુ કરેલ માહિતી સામગ્રી વખાણી. ચંદ્ર પર બકરી અને ડોસી સાથેનું ચિત્ર દોરીને પોતાની ચંદ્રારોહણની પરિકલ્પના અને વૈજ્ઞાનિક તર્ક સાથેનો આલેખ અભ્યાસ સૌને પસંદ આવ્યો.

સખીઓએ એને ટોળે વળીને રીસેસમાં પૂછ્‌યું. “તને આટલી સરસ તૈયારી કોણે કરાવી? કાલે તો તું કેટલી ગભરાયેલ હતી!”

નિનિએ મસ્કુટાઈથી સહેલીઓને ઉત્તર વાળ્યોઃ એ તો મને સપનામાં ચાંદા પરથી બકરી સાથે આવેલ એક ડોસીમા બધું શીખવાડી ગયાં!

હકીકતે તો નાનીબાએ નિનિને કઈ રીતે મુદ્દા ટંકાય, કેવી રીતે છણાંવટ કરાય અને કેમ રજુઆત કરાય એનો નુસ્ખો સમજાવી ગયાં હતા.

- કુંજલ પ્રદિપ છાયા

પ્રતિભા વાર્તા સ્પર્ધા

આશા શાહ

ટ્ઠજરટ્ઠટ્ઠજરટ્ઠર૭૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મોર્નિંગવૉક

“ઓહ! રાગિણીબેન તમે?” બાજુની ગલીમાં રહેતી ચાંપલી કમળાએ ટીખળ કરતાં કહ્યું, “વેઈટલોસ કરીને પતિદેવ ઉપર ઇમ્પ્રેશન પાડવા માટે વૉકિંગ ચાલુ કર્યુ લાગેછે નહીં?” “હાં ભઈ, જેને જે સમજવું હોય તે સમજે...” બોલતાં બોલતાં રાગિણીબેને પોતાના રૂટ ઉપર ચાલવાનું શરૂ કર્યુ.

રાગિણીબેનનો મોર્નિંગવૉક તો જાણે આજુબાજુવાળાઓ માટે જોણું બની ગયું હતું. દરરોજ કોઈને કોઈ ટીખળ કરતું પણ એમણે મક્કમતાથી વૉકિંગ ચાલુ રાખી.

દરરોજ એજ રસ્તો, એજ વૃક્ષો, એજ શાળા અને એ શાળાની એક બારીમાંથી ઊંચો થતો એક હાથ....

આ તો રોજનો ઘટનાક્રમ બની ગયો હતો રાગિણીબેન માટે. લાલ રીબીન નાખીને ઉપર સુધી વાળેલા બે ચોટલાં, ઝીણી બિંદી, અળવું નાક, હાથમાં પ્લાસ્ટિકની બંગડી અને આગળથી તૂટેલા બે દાંત સાથે “માસી.. ટાટા.. બાય.. બાય...” બોલીને હાસ્ય વેરાવતી એ આઠ-દસ વર્ષની બાળકી જાણે રાગિણીબેનના આખો દિવસ સારો જશે’ની એંધાણી બની ગઈ હતી. “જરૂર મારી આ બાળકી સાથેની આગલા જનમની કોઈ લેણા-દેણી હશે, બાકી જેનું નામ પણ નથી ખબર એની સાથે આવી લાગણી!” રાગિણીબેન એ બાળકીને જોઈને લગભગ દરરોજ મનોમન બબડતાં. દોઢેક મહિનાના મોર્નિંગવૉક દરમ્યાન જાહેર રજાના દિવસને બાદ કરતાં એમનો દરરોજનો આ ઘટનાક્રમ થઈ ગયો હતો. જે દિવસે એ બાળકી ન દેખાય તે આખો દિવસ એમનો ઊચાટમાં જતો.

સંતાનમાં એમને એકમાત્ર દીકરી હતી. એ પણ વલ્લભવિદ્યાનગર ખાતે ઉચ્ચ અભ્યાસાર્થે રહેતી. પતિદેવની માર્કેટયાર્‌ડમાં મસમોટી દુકાન હતી. તેઓ સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી જતાં એટલે રાગિણીબેન ઘરમાં એકલાં રહેવાને બદલે સામાજીક પ્રવૃતિમાં પોતાની જાતને વ્યસ્ત રાખતાં. આખો દિવસ પ્રવૃતિમાં વિતાવ્યા બાદ મોડી સાંજે બંને જણાં હમીરસરની પાળે બેસીને દિવસભરનો ઘટનાક્રમ વાગોળતાં.

એવીજ એક મોડી સાંજે પતિદેવે ચિંતાતુર સ્વરે રાગિણીબેનને પૂછ્‌યું, “શું વાત છે રાગિણી? છેલ્લા આઠેક દિવસથી જોઉં છું કે, તારો ચહેરો વધારે પડતો ઉદાસ દેખાય છે અને સાંજે પણ મારી સાથે હોવા છતાં પણ તું પોતાની જાત સાથે જ કશીક ગડમથલ કરતી હોય એવું જ લાગ્યા કરે છે. તારી તબિયત બરાબર નથી કે શું?

“ના.. ના એવું તો કંઈ નથી. મારી તબિયતતો વૉકિંગના કારણે એકદમ બરોબર થઈ ગઈ પણ... મેં તમને ઓલી ટાટા.. બાય.. બાય વાળી બાળકીની વાત નહો’તી કરી....”

“હં...હા..હા પણ એનું શું?”

“તમને તો ખબર જ છેને કે, એનો મંદમંદ મુસ્કુરાતો ચહેરો એકાદ દિવસ પણ ન જોવાથી હું કેટલી બેચેન થઈ જાઉં છું? એ ચહેરો મને છેલ્લા આઠ દિવસથી દેખાયો નથી એટલે...” “ભલામાણસ, તું તો ગજબ કરે છે. હું તો ડરી ગયો’તો કે, તારી તબિયતને કંઈક... ખેર, હવે એમાં આટલી બધી ચિંતા શું કરવાની હોય? એ છોકરી બિમાર હશે કે પછી બહારગામ ગઈ હશે, આવી જશે.”

પતિની કહેલી વાતથી પોતાનું મન મનાવી તો લીધું પણ મહિના જેટલો સમય વીતવા છતાં જ્યારે એ બાળકી ન જ દેખાઈ ત્યારે રાગિણીબેને એકદિવસ મોર્નિંગવૉકથી પાછા વળતાં શાળામાં જઈને તપાસ કરી, ત્યારે એમને ખબર પડી કે, એ બાળકીનું નામ પંછી છે, ધો.૪માં અભ્યાસ કરે છે અને પોતાના માતા-પિતા સાથે શિવનગર વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહે છે. કોઈપણ કારણ આપ્યા વગર છેલ્લા મહિના દિવસથી શાળામાં ગેરહાજર છે.

હવે એમની કુતુહલતા વધી રહી હતી. પોતાના અંગત કામોથી પરવારીને પંછીનું સરનામું શોધતાં-શોધતાં તેઓ એના ઘર સુધી પહોંચી ગયા. અંદરનું દ્રશ્ય જોતાં એમનું હ્ય્દય દ્રવી ઉઠયું. પોતાના ઘરનાં બાથરૂમ કરતાં પણ નાનકડા ઓરડામાં એક્બાજુ પંદર-વીસ વાસણોનો ઢગલો અને બળેલા લાકડાની રાખ પડી હતી. ખખડેલા દરવાજાની સામેની બાજુએ એકબાજુથી તૂટેલા પાયાવાળા ખાટલા પર પાંત્રીસેક વર્ષનો પુરૂષ નશાની હાલતમાં બબડાટ કરતો પડયો હતો અને તેની સામે ત્રીસેક વર્ષની કૃષકાયા, ફિક્કો ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો અને ફાટેલી સાડી પહેરેલી મહિલા કચરામાંથી અનાજ વીણી રહી હતી.

“આ પંછી...પંછી..નું જ ઘર કે, નહીં..???”

“હેં...હા..હા.. પણ તમે કોણ શો બુન...???”

“પંછી ઘરે નથી?? ક્યાં ગઈ છે?? પંછી સ્કૂલે કેમ નથી....”

“ઓ...તારી..ની... તો તમે એની ઈસકૂલના બુન શો. નમસ્તે બુન, હું ભચી પંશીની માડી.. પંશી ઓલા લાલબંગલાવાળા બુનના ઘરે કચરા-પોતા કરવા ગઈ શે.” રાગિણીબેન તો સડક થઈ ગયા. “જો બેન, આમ છોકરીનું ભણતર બગાડીને એને આટલી નાની ઉંમરમાં કામે લગાડીદે એ વસ્તુ ઉચિત્ત ન કે’વાય.”

“બુન, તમારી હમધીયે વાત હાચી પણ શેલ્લા દોઢેક મહિનાથી મારી તેબિયતના કોઈ ઠેકાણા નથ ને એનો બાપ આમને આમ હમધાયે ટેમ પી ને પડયો રે’શે. અમારેતો બુન રોઝનું કમાઈએ ને રોઝનું ખાઈએ એવુંશે.. પંશી બે પૈશા કમાઈને લાવશે... તા’રે.”

“તારી બધી વાત સાચી પણ, મારી બેન એ તો વિચાર કે, આજના જમાનામાં ભણતરનું કેટલું બધું મહત્વ છે. એ કબૂલ કે, અત્યારે પણ તારી પંછી પારકાં કામ કરીને બે પૈસા કમાઈ લાવે છે પણ તારી પંછી જો ભણી-ગણીને આગળ વધશે તો એને સારામાં નોકરી અને સારામાં સારો પગાર મળી શકશે અને તમે સન્માનભેર તમારૂં આગળનું જીવન જીવી શક્શો.” આ સાભંળીને ભચીની આંખમાં ચમક આવી ગઈ પણ બીજી જ મિનિટે એના ચહેરા પર ઉદાસીની લાલિમા છવાઈ ગઈ.

એનો ઉદાસ ચહેરો જોઈને રાગિણીબેન એના ખભ્ભે હાથ રાખતાં બોલ્યા, “જો બેન, હું ઘણી સામાજિક-સંસ્થાઓ સાથે જોડાયેલી છું. તું મારો ભરોસો રાખ હું બધીજ વ્યવસ્થા કરાવી દઈશ. તને સિવણ શીખવાડીને સામાજિક સંસ્થા દ્વારા સિલાઈમશીન અપાવી દઈશ. તું સન્માનભેર તારૂં ગુજરાન ચલાવી શકીશ અને રહી વાત તારા ધણીની, તો એને નશા વિરોધી કેંદ્રમાં દાખલ કરાવડાવીને એની દવા કરાવી આપીશ અને એ જ્યારે સંપૂર્ણપણે સાજો થઈ જાય ત્યારે મારા પતિની ઓળખાણથી એને નોકરી અપાવી દેવાની જવાબદારી પણ મારી. બોલ તો, હવે કાલથી પંછીને શાળાએ જતી કરીશ કે પછી એ જ ઠીબરાં.”

“ના.. ના.. બુન તમારી હમધીયે વાત હું ભરોભર હમજી ગઈ શું. હું તો રહી અંગૂઠાશાપ એટલે મારા નશીબમાં તો આ જોતરાં લખાણાં શે પણ મારી પંશીને તો એ..ને.. ઈસકૂલ ઝતી કરીને તમારા જેવી મેમશાબ બનાવીશ.” સાચેજ બીજા દિવસથી શાળાની એ બારીમાં પંછીનું માસૂમ હાસ્ય ગુંજવા લાગ્યું.

“રાગિણીબેન, ત્રણેક મહિના થ્યા પણ વૉકિંગથી તમારા ફિગરમાં કોઈ ચેંજ તો દેખાતો નથી.” કમળાએ ટોણો મારતાં કહ્યું. “કાંઈ વાંધો નહીં કમળાબેન, ભલે મોર્નિંગવૉકથી મારા ફિગરમાં કોઈ ચેંજ ન લાવી શકી પણ કોઈકના ફ્યુચરમાં તો અવશ્ય ચેંજ લઈ આવી શકી, એનો મને પરમ-સંતોષ છે....” હસતાં-હસતાં રાગિણીબેને પોતાના મોર્નિંગવૉકના રસ્તે જવા ઉંમગભેર પગ ઉપાડયા.

- આશા શાહ