પ્રેમનો પવન સરહદોનો મોહતાજ નથી હોતો. Nihir Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો પવન સરહદોનો મોહતાજ નથી હોતો.

પ્રેમનો પવન સરહદોનો મોહતાજ નથી હોતો.

-નિહિર પટેલ

  • તૈયાર કાર્ડને બદલે હૃદયથી નિકળેલા શબ્દ અને મોંઘી ભેટોને બદલે સચ્ચાઈથી સાથ નિભાવવાનું વચન વધુ મુલ્યવાન હોય છે.
  • પ્રોમિસ ડેમાં વિશ્વાસ અને વફાદારીનું વચન, ચોકલેટ ડેમાં સબંધોની મીઠાશ, રોઝ ડેમાં લાગણીની સુવાસ હોવી જોઈએ. ત્યાગની ભાવના વિહોણો પ્રેમ ફૂલ કરતા’ય વહેલો કરમાય જાય છે.
  • પ્રેમલા-પ્રેમલીને બદલે મા-બાપ, ભાઈ-બહેન, કે સંતાનને સરસ મજાનું ફૂલ આપીને કેમ ન કહી શકીએ કે હું તને ચાહું છું. દ્રષ્ટિકોણ બદવલો પડશે.
  • અઢી અક્ષરના પ્રેમની આખા જગતે અસંખ્ય વ્યાખ્યાઓ આપી છે. પણ એકદમ સરળ ભાષામાં પ્રેમને વર્ણવીએ તો અમથું અમથું એકબીજાને મળવું એટલે પ્રેમ, આરસ જેવા આરસનું ઓગળવું એટલે પ્રેમ. વેલેન્ટાઈન વીકની શરૂઆત થાય એટલે યુવા હૈયામાં એવો થનગનાટ થવા લાગે કે જાણે ભર શિયાળે હવા ગુલાબી લાગે, ઠંડી હૂંફાળી લાગે. કારણકે ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે યુવા પેઢીની આતુરતાનો અંત. પવન જેમ સરહદોનો મોહતાજ નથી એમ પ્રેમરૂપી લાગણી પણ કોઈ સરહદોની મોહતાજ ન હોવી જોઈએ.

    વેલેન્ટાઈન ડે એટલે પ્રેમીઓની કશ્મકશ દુર કરવાનો દિવસ, એકમેકને વ્હાલ કરવાનો દિવસ, દિલની અંદર મચલતી લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ, મનમાં ઉછળતા સેંકડો અરમાનોનો ઈઝહાર કરવાનો દિવસ, અને ખરા અર્થમાં તો જીવનને પ્રેમની પવિત્ર દીક્ષા આપવાનું મંગલ પર્વ એટલે વેલેન્ટાઈન ડે. કહેવાય છે કે સંત વેલેન્ટાઈન પોતાની પ્રેમિકાને પોતાની આંખો દાનમાં આપી ગયા હતા. એમના આવા જ બલિદાનના કારણે તેઓ અસંખ્ય લોકોના દિલોમાં અમર બની ગયા. અને બસ ત્યારથી જ સંત વેલેન્ટાઈન પ્રેમના પર્યાય બનીને વિશ્વભરના પ્રેમીઓના દિલોમાં શ્વાસ રૂપે ધડકી રહ્યા છે.

    પ્રેમની આ મહેકથી ધીમે ધીમે આખા વિશ્વના પ્રેમી-પ્રેમિકાઓ મહેકી ઉઠ્યા છે. લાંબા સમયથી દબાયેલી અને છુપાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો અવસર વેલેન્ટાઈન ડે બન્યો છે. વિશ્વભરના લવ બર્ડ્સ આ દિવસની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. અને પ્રેમને અભિવ્યક્ત કરવાના આ રૂડા અવસરને ઉજવવા યુવા હૈયામાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે.

    આમ તો ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની પ્રથા તો પશ્ચિમી સંસ્કૃતિની દેન છે. ખરેખર આપની હિંદુ સંસ્કૃતિ મુજબ આખી વસંતઋતુ પ્રેમના એકરાર માટે છે. વસંતઋતુ જ પ્રણયઋતુ કહેવાય. અને પ્રેમની અભિવ્યક્તિ પણ આ જ ઋતુમાં કરવામાં આવે છે. પ્રેમ અને પ્રણયની મૌસમ એટલે વસંતઋતુ એમ કહી શકાય. વેલેન્ટાઈન ડે તો માત્ર એક જ દિવસનો હોય છે. પણ આપની સંસ્કૃતિમાં પ્રેમને અભિવ્યક્ત કરવા આખી વસંતઋતુ આપી છે.

    દરેક વિસ્તાર, શહેર, રાજ્ય, કે દેશની સાથે તેની ભાષા અને સંસ્કૃતિ બદલે છે એવી જ રીતે દરેક દેશોમાં આ વેલેન્ટાઈન ડે અંગેની વિચારસરણી બદલે છે. બાકી ખરેખર તો મનગમતી વ્યક્તિ આપની સાથે હોય તો પાનખરમાં પણ વસંત પુરબહાર ખીલી ઉઠે છે. બીજી બાજુ જોઈએ તો પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવી ખોટું નથી પરંતુ એનું આંધળું અનુકરણ ક્યારેક દિશાહીન બની જતું હોય છે. આજના યુગને એકદમ ફીટ બેસતું એક ઉદાહરણ જોઈએ, આજની યુવા પેઢીને ભાગવત સપ્તાહમાં સામેલ થવાનું કહેવામાં આવે તો કદાચ આંખો પહોળી થઇ જશે, કે હા-ના ની ગડમથલ વચ્ચે અસમર્થતા દર્શાવશે. પરંતુ આ જ યુવા પેઢી વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં હોંશભેર જોડાશે.

    ચોકલેટ ડે, રોઝ ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે, ટેડી ડે જેવા દિવસોને માત્ર નામથી જ આજની યુવા પેઢી ઉજવી જાણે છે. ખરેખર વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ સફળ જીવનનો સંદેશો પાઠવે છે. જેનાથી આજની યુવા પેઢી ખરેખર અજાણ છે. અને ઘણાખરા કિસ્સાઓમાં યુવક-યુવતીઓ પ્રેમના પવિત્ર નામે આકર્ષણનો ભોગ બની જતા હોય છે. સાચા અર્થમાં પ્રોમિસ ડે ઉજવતા યુવાઓમાં વિશ્વાસ અને વફાદારીનું વચન હોવું જરૂરી હોય છે. ચોકલેટ ડે ઉજવવાની સાથે સાથે સબંધોમાં મીઠાશ હોવી જરૂરી હોય છે. રોઝ ડેની સાથે લાગણીની સુવાસ જરૂરી હોય છે. ટેડી ડે સાથે મનની સુંદરતા જરૂરી હોય છે. હગ ડેની સાથે સબંધોમાં પવિત્રતા હોવી જરૂરી હોય છે. ઉધાર લીધેલા શબ્દો કે તૈયાર લીધેલા કાર્ડ થકી પ્રેમનો ડોળ કરવાને બદલે દિલમાંથી નિખાલસતાથી નીકળેલો એક જ શબ્દ વધુ અસરકારક સાબિત થશે. સચ્ચાઈથી સાથ નિભાવવાનું વચન મોંઘી ભેટોથી વધુ મુલ્યવાન છે.

    વેલેન્ટાઈન ડે દિવસે એકબીજાને ગીફ્ટ આપી પ્રેમ વ્યક્ત કરાતો હોય છે. પરંતુ ગીફ્ટ-ભેટ-સોગાત આ બધી વસ્તુ લાગણીઓને વ્યક્ત કરવાનું માત્ર સાધન છે, પણ લાગણીઓને માપવાનું થર્મોમીટર નથી. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે જ આજની જનરેશનને બધું જ ફેશનના ઉંધા ચશ્માં પાછળથી જોવાની કુટેવ પાડી દીધી છે. જેના કારણે જ આજે વેલેન્ટાઈન ડેનો અર્થ અને મહત્વ વિસરાયું છે. આજે ડીનર-ડાન્સ-પાર્ટીથી આ પવિત્ર પર્વની ઉજવણી થાય છે. લવ બર્ડ્સથી છલકતા રેસ્ટોરેન્ટ, બાગ-બગીચાઓ અને થિયેટર નજરે પડે છે. હાથમાં હાથ લઈને બેઠેલા પ્રેમલા-પ્રેમલીને એ ખબર પણ નહીં હોય કે આવતા વેલેન્ટાઈન ડે વખતે હાથમાં કોનો હાથ હશે!

    પ્રેમ અને લાગણીના સહારે એક તાંતણે બંધાવાની અને સફળ જીવન જીવવાના કોડ સેવવાના બદલે આજે આ બધું માત્ર એક ફેશન, એક દેખાડો, અને ઢોંગ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. એક-બે વેલેન્ટાઈન ડે સાથે વિતાવ્યા પછી કેટલાક કિસ્સાઓમાં પાત્રો બદલી જતા હોય છે. ખરેખર આજે વેલેન્ટાઈન ડેનો દ્રષ્ટિકોણ પણ બદલવાની જરૂર છે. શું એક પ્રેમી અને એક પ્રેમિકા જ એકબીજાને વેલેન્ટાઈન ડે વિશ કરી શકે? શું તેઓ જ પોતાની લાગણી કે ગમા-અણગમા વ્યક્ત કરી શકે? મા-બાપ, સંતાન, ભાઈ-બહેન કે અન્ય પ્રિયજનને એક સરસ મજાનું ફૂલ આપીને કેમ ન કહી શકાય કે અમે તને ચાહિયે છીએ.

    ‘આઈ લવ યુ’ આ ત્રણ એવા મેજિક વર્ડ્સ છે જે સંભાળતા જ આજની યુવા પેઢીને એક નશો ચઢી જાય છે, પરંતુ એ વાત ભૂલવી ન જોઈએ કે આ ત્રણ શબ્દમાંથી અઢી અક્ષરનો ‘પ્રેમ’ ગાયબ હશે તો એ શબ્દો માત્ર ડિક્સનરીમાં જ રહી જશે. પ્રેમ એક અનુભૂતિ છે. પ્રેમમાં હોઈએ તો એકમેકને માફ કરવા માટે પ્રયાસ ન કરવો પડે. આપમેળે માફી અપાય જાય. પ્રેમમાં એકમેક પ્રત્યેની સમાજ તો વિકસે જ છે, પણ સાથે સાથે જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ પણ બદલાય છે. સંકુચિતતાને બદલે વિશાળતાનો અનુભવ થાય ત્યારે સમજવું કે, પ્રેમનો સાચો અર્થ આપણે સમજી શક્યા છીએ. પ્રેમની દરેક વ્યક્તિને એક તરસ હોય છે પરંતુ એ અકળાવનારી નથી હોતી, ઉલટાનું એ ‘તરસ’થી મનમાં એક અલગ જ તાજગી, એક સુકુન, ટાઢકનો આહલાદક એહસાસ થાય છે.

    પ્રેમમાં વિહરવાની પણ એક મજા છે. મોંમાંથી સરતા દરેક શબ્દો ગઝલ જેવા લાગે, અને દરેક શબ્દ સુરમય અને તેનો અવાજ ઝાંઝર જેવો લાગે, તું છે તો હું છું, તું છે તો બધું જ છે , તારા વિનાની આ દુનિયા ચારેબાજુ વેરાન છે, મારા શ્વાસ ઉપર તારું જ અધિપત્ય, અને મારા સ્વપ્નમાં પણ તારી જ છબી છે. પ્રેમના સ્વીકાર સાથે બધું જ મળી ગયાનો એહસાસ એ જ આપનો સંતોષ છે, અને એજ પ્રેમ છે.

    ફૂલોની જેમ કોમળ આ ખુબસુરત દિવસને વધારે સુંદર બનાવવા માટે કંઈક એવું સુંદર અને ભાવપૂર્ણ યાદીને સજાવવી જોઈએ કે જે જીવનભર પોતાની ખુશ્બુ વેરતી રહે અને સામેની વ્યક્તિ માટે પણ આ દિવસ એટલો જ યાદગાર રહે કે તે વ્યક્તિ કાયમ આ દિવસની રાહ જુએ. તો ચાલો સૌને પ્રેમ કરીએ, માત્ર પ્રેમિકા જ નહીં જેમની સાથે તન, મનના અતુટ તાર જોડાયેલા છે એવા સ્નેહીજનોને, પ્રકૃતિને નિ:સ્વાર્થ ભાવે ચાહિયે.

    THANK YOU

    -NIHIR PATEL