Vishwa shanti na Rahbaro MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vishwa shanti na Rahbaro

VISHWASHANTINA RAHBARO


આલ્ફ્રેડ નોબેલ ૧૮૩૩માં

સ્ટોકહોમ - સ્વીડનમાં જન્મ્યા. એમના

પિતા ઈમેન્યુઅલ, ઈજનેર અને શોધક

હતા. એમની માતા એડ્રિએટ કરિયાણાની

દુકાન ચલાવતી. પિતાની ઈચ્છા હતી કે

પુત્ર ઈજનેર બને પણ આલ્ફ્રેડને કવિતામાં

રસ હતો. પણ અંતે બાપીકા ધંધામાં

જોડાયા.

પછીથી કુટુંબે રશિયામાં

સ્થળાંતર કરવું પડ્યું. આલ્ફ્રેડે

ડાયનેમાઈટની શોધ કરીને એની પેટન્ટ

મેળવેલી.

આલ્ફ્રેડે લગ્ન ના કર્યા. એમનું

પોતાનું કુટુંબ ન હતું. માનવજાતને સૌથી

વધુ લાભ આપનાર લોકોને ઈનામો

આપવાની એમની ઈચ્છા હતી.

૧૦મી ડિસેમ્બરે ૧૮૯૬ સાન

રેમો-ઈટલીમાં એમનું અવસાન થયું.

નિવેદન

આપણે પુસ્તકો શા માટે વાંચીએ છીએ? એકલતાથી બચવા માટે? લેખકનો,

એની ભાષા, શૈલીનો પરિચય પામવા? નવા વિચારો, મૂલ્યો, સિદ્ધાંતો, જીવન વ્યવહારો

ઓળખવા, સમજવા? આપણા વિચારો, ખાસ તો આગ્રહો, માન્યતાઓને પુષ્ટી મળે

એ માટે? કે અભ્યાસક્રમમાં હોવાથી પરીક્ષા પાસ કરવા?

કહેવાય છે કે પુસ્તકો માત્ર માહિતી આપે છે. એનું જ્ઞાનમાં અને પછી એમાંથી

ડહાપણમાં રૂપાંતર કરવા વ્યક્તિએ જાતે મથવું પડે છે.

પુસ્તક વાંચન આપણામાંના કેટલાક માટે માહિતી વધારવાથી વધુ નથી. જેમ

કે - ક્યાંક વાંચ્યું કે ‘અન્યના દોષો જોવા માટે દૂરબીન વાપરવું. પોતાના દોષ જોવા

માઈક્રોસ્કોપ’ કે ‘સંવાદ એટલે આપણામાંથી વહેતો અર્થનો પ્રવાહ’. વાક્ય સરસ લાગ્યું.

પેન્સિલથી અન્ડરલાઈન કરી - એવું વિચારીને કે ક્યાંક કામ આવશે, કોઈ લેખમાં, ચર્ચામાં,

પ્રવચનમાં એનો ઉપયોગ થઈ શકશે. આ થયું ‘માહિતીમાં વધારો’.

ઉત્તમ પુસ્તકો મારી પાસે છે, મેં વાંચ્યા છે, હું સમજ્યો છું એવું કહેવાથી,

લખવાથી સારું લાગે છે. હું ‘વિદ્વાન’ લાગુ છું. લોકો મને આદરથી જુવે છે. આ થયો

પુસ્તકનો ‘સૌંદર્ય પ્રસાધન’ (કોસ્મેટીક) તરીકેનો ઉપયોગ. એણે મારી ભાષા ચોક્કસ

સમૃદ્ધ કરી પણ જે વાક્યની નીચે લીટી કરી તેણે મારી માન્યતા, આગ્રહ, સંસ્કાર,

સંબંધો વિષેની સમજણને જરીકે’ય સ્પર્શ કર્યો? આ વાક્યનું મારા જીવન સાથે અનુસંધાન

ક્યાં, એ વિષે પોતાનામાં વિચારવલોણું અનાયાસ શરૂ થયું? જો હા, તો માહિતીનું

જ્ઞાનમાં રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થઈ કહેવાય.

અને આ પ્રક્રિયાના ભાગરૂપે જીવનમાં નવી રીતે વિચારવાની, જૂના આગ્રહો-

માન્યતાઓને તોડવાની કે એમાં ફેરફાર કરવાની, માનવી સાથેના કે માનવેતર સંબંધોમાં

પરિવર્તનની સજાગપણે શરૂઆત થઈ, તો માનવું કે ડહાપણની દાઢ ઊગવી શરૂ થઈ.

કદાચ આજના આ માહિતીયુગમાં પુસ્તકો ખરીદવા, વાંચવા, એના વિષે

બોલવું કે લખવું એ ફેશન થઈ ગઈ છે. ક્યારેક એ સહજપણે જ્ઞાની હોવાનો, જીવનસાધક

હોવાનો અહ્‌મ પેદા કરે છે. સજાગ વાચકે-સાધકે આનાથી બચવા જેવું છે.

અમે ઈચ્છીએ કે અમારું પુસ્તક જો તમને ‘ગમે’ તો તેને તો જ ‘ગમ્યું’ કહેજો, જો

એ ઘડીથી તમારા ચિત્તમાં, જીવનમાં સૂક્ષ્મ કે સ્થૂળ પરિવર્તન શરૂ થઈ જાય.

આવા પરિવર્તન માટે અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે.

ફોન : (૦૭૯) ૨૬૭૫૧૩૫૭

મુનિ દવે

વિચારવલોણું પરિવાર વતી

શાંતિના ઝંડાધારીઓ

ભૂખ, ગરીબી, પ્રદૂષણો, માનવો દ્વારા માનવોના થતાં શોષણ અને અન્યાય,

અસમાનતા, આતંકવાદ વગેરેના ઘેરાયેલા કાળાં વાદળોમાં રૂપેરી કિનાર જેવી કેટલીક

વ્યકિતઓ ધીરજપૂર્વક અને ચૂપચાપ શાંતિ માટેનાં પાયાનાં કાર્યોમાં લાગેલી હોય છે. તેનો

પરિચય શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક મેળવનારાઓના આ વ્યાખ્યાનોમાંથી થયો.

તેમાંના કેટલાક તો અન્યાય સામેની લડતને કારણ વર્ષોથી કેદ કે એકાંતવાસની

યાતના ભોગવી ચૂકેલા છે. જેમકે નેલ્સન મંડેલા, ઓંગ સાન સૂકી, એન્દ્રેઈ સાખારોવ,

લેચ વાલેસા, વગેરે.

અમેરિકન પ્રમુખ વૂડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધની વિભિષિકામાંથી વિશ્વને

શાંતિના માર્ગે દોરી જવા લીગ ઓફ નેશન્સની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો.

આલ્બર્ટ સ્વાઈત્ઝર એક ધર્મોપદેશક જ નહી પરંતુ મેડિકલ મિશનરી તરીકે

આફ્રિકામાં ગયા અને ગરીબો, પીડિતોની સેવામાં જીવન ગુજાર્યું. તેઓ માનતા કે માત્ર

નૈતિક બળ જ શાંતિ લાવી શકે.

દાગ હેમરશીલ્ડ-જેમણે ખુદ ક્રિયાશીલ બનીને યુનોના મહામંત્રીપદને એક

ગરિમા આપી અને શાંતિ સ્થાપવાના પ્રયાસમાં પોતાના પ્રાણની આહૂતિ પણ આપી.

તેમને મરણોત્તર શાંતિ પારિતોષિક મળ્યું. દાગ હેમરશીલ્ડના મતે શાંતિ અને માનવ

અધિકારો વચ્ચે અભેદ્ય સંબંધ છે.

માર્ટિન લ્યૂથર કિંગે અમેરિકામાં નીગ્રોને સમાન નાગરિક અધિકારો મળે તે

માટે અહિંસક લડત ચલાવી. સૌથી નાની વયે-માત્ર ૩૫ વર્ષની વયે નોબેલ શાંતિ

પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હતા.

વધતી જતી વસ્તીના પેટને પૂરતું અનાજ મળી રહે તે માટે નોર્મન ઈ. બોર્લોગે

ઘઉં, મકાઈ, ચોખા વગેરેમાં સંશોધન કરી અલ્પવિકસિત દેશોમાં હરિયાળી ક્રાંતિ

આણી. તેમનું સૂત્ર છે - ખાલી પેટ પર શાંતિ નિર્માણ ન થઈ શકે.

એન્દ્રઈ સાખારોવ જેવા ભૌતિકશાસ્ત્રીને માનવ અધિકારોના આગ્રહ માટે

રશિયાના સામ્યવાદી શાસન નીચે યાતના ભોગવવી પડી. તેઓના મતે મુકત સમાજ

વિના શાંતિ ન આવી શકે.

મધર ટેરેસા ભારતમાં આવી અનેક અનાથો અને કંગાલોના આશ્રયદાતા

બન્યા. તેઓ માને છે કે પરસ્પર પ્રેમના વિસ્તારથી શાંતિ સ્થાપી શકાય.

લેક વાલેસાએ ટ્રેડ યુનિયનના સ્વાતંત્ર્ય માટે અહિંસક સંઘર્ષ કર્યો. તેમની દૃઢ

માન્યતા છે કે સદભાવનાથી જ શાંતિ સ્થપાય.

રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર રહીને કે ત્યારપછી જેમણે માનવજાતના પ્રશ્નો

પ્રત્યે વિશાળ દૃષ્ટિબિંદુ અપનાવી, તેને ઉકેલવાના યત્કિંચિત પ્રયાસો કર્યા તેવા

મહાનુભાવોમાં વૂડ્રો વિલ્સન, દાગ હેમરશીલ્ડ અને જિમ્મી કાર્ટરનો સમાવેશ થાય છે.

શાંતિ માટે નોબેલ પારિતોષિક મેળવનારાઓમાંના કેટલાકનો આ પરિચય

છે. તેમની કરણી અને કથનનો સાર એ છે કે જ્યાં ક્યાંય ગરીબી, અન્યાય, શોષણ,

અસમાનતા છે તથા માનવ અધિકારોનો ભંગ થાય છે ત્યાં ત્યાં શાંતિ જોખમાય છે.

અને જ્યાં જ્યાં આ બધા સામે શાંતિમય અહિંસક પ્રતિકાર થાય છે ત્યાં ત્યાં શાંતિ

સ્થાપનાનું કાર્ય થાય છે. ભલે પછી તે સ્થાનિક કે નાના વર્તુળ પૂરતું મર્યાદિત હોય - તે

હોય છે શાંતિની દિશામાં આગેકદમ. કેમ કે તે અશાંતિ સર્જનાર પરિબળના મૂળ પર

પ્રહાર કરનારું હોય છે.

હકીકતમાં દુનિયામાંથી ગરીબી કે ભૂખમરો, આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પછી

દૂર કરવાનું અઘરું નથી. તે જ રીતે ન્યાય અને સમાનતા લાવવાનું કે માનવ અધિકારો

સ્થાપિત કરવાનું મુશ્કેલ નથી. માત્ર દાનતનો જ સવાલ છે. કેટલાક લોકોની સત્તા

લાલસા અને ધનલાલસા તેને મુશ્કેલ બનાવે છે. જેને પરિણામે અસંખ્ય બલિદાનો

લેવાય છે અને દુનિયામાં ભૂખમરો, અન્યાય, અસમાનતા વગેરે જેમનાં તેમ રહે છે.

પરંતુ કેટલાક આવા મીઠી વીરડી સમાન લોકો અને સંસ્થાઓ શાંતિ સ્થાપવાનું પાયાનું

કામ ધીરજ અને નિષ્ઠાપૂર્વક કરતા રહે છે તથા પ્રેરણા આપતા રહે છે.

મુનિ દવેએ આ ભાષાંતરનું કામ આગ્રહપૂર્વક સોંપ્યું. આવા કોઈ કાર્યનો

પૂર્વાનુભવ નથી. વળી અહીં દરેક વ્યક્તિને તેના અલગ અલગ વિશિષ્ટ કાર્ય માટે

નવાજેશ થઈ છે તે સૌની ભાષા, અભિવ્યક્તિ પણ અલગ અલગ છે. ઘણી વખત

અધુરું છોડવાનો પણ વિચાર આવ્યો. પરંતુ મુનિભાઈએ ધીરજ રાખી પૂરું કરું ત્યાં સુધી

રાહ જોઈ. ભાષાંતરમાં રહી ગયેલી કચાશોને સુજ્ઞજનો દરગુજર કરશે તેવી આશા છે.

રશ્મિ વ્યાસ

(‘‘વ્યાસ નિવાસ’’, ૧૧/૨, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, મલ્હાર હોલ પાસે, રાજકોટ-૩૬૦૦૦૭. ફોન : ૦૨૮૧ - ૨૫૭૮૪૧૬)

પરિચય

નામ : કુ. રશ્મિબેન ત્રિભુવનભાઈ વ્યાસ

જન્મ : ૯-૬-૧૯૪૬

અભ્યાસ : એમ.એ. - ઈતિહાસ, સન ૧૯૬૮

પીએચ.ડી. સન ૧૯૮૭, વિષય : ‘‘૧૯મી સદીમાં ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાન’’

નોકરી : ૧૯૬૬ થી ૨૦૦૮ ઈતિહાસ વિષયના વ્યાખ્યાતા તરીકે -

માતુશ્રી વીરબાઈમાં મહિલા આટ્‌ર્સ કોલેજ, રાજકોટ

શોખના વિષયો : વાંચન, પ્રવાસ, સંગીત શ્રવણ

સરનામું : ‘‘વ્યાસ નિવાસ’’,

૧૧/૨, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી,

મલ્હાર હોલ પાસે, રાજકોટ-૩૬૦૦૦૭.

ફોન : ૦૨૮૧ - ૨૫૭૮૪૧૬

નનન

અનુક્રમણિકા

૧. ૧૯૧૯ થોમસ વૂડ્રો વિલ્સન - યુ.એસ.એ ૧

૨. ૧૯૫૨ આલ્બર્ટ સ્વાઈત્ઝર - ઓસ્ટ્રિયા ૫

૩. ૧૯૬૧ દાગ હેમરશીલ્ડ - સ્વીડન ૧૬

૪. ૧૯૬૪ માર્ટિન લ્યુથર કિંગ (જુ) - યુ.એસ.એ. ૨૧

૫. ૧૯૭૦ નોર્મન ઈ બોર્લોગ - યુ.એસ. એ. ૩૩

૬. ૧૯૭૫ એન્દ્રેઈ સાખારોવ - રશિયા ૪૫

૭. ૧૯૭૯ મધર ટેરેસા - ઈન્ડિયા ૫૬

થોમસ વૂડ્રો વિલ્સન - યુ.એસ.એ

ધ નોબેલ શાંતિ પારિતોષિક ૧૯૧૯

જન્મ : ૧૮પ૬

અવસાન : ૧૯ર૪

જીવન ઝરમર :

સ્ટૌટેન, વર્જીનીયામાં સ્કોટિશ વારસાનું પ્રાધાન્ય ધરાવતા માતાપિતાને ત્યાં

જન્મ્યા હતા. તેમના પિતા એક પ્રેસ્બિટેરિયન ઉપદેશક હતા અને માતા પ્રેસ્બિટેરિયન

ઉપદેશકના પુત્રી હોવાથી વૂડ્રોનો ઉછેર ધાર્મિક અને વિદ્યાકીય કુટુંબમાં થયો.તેમણે

નોર્થ કેરોલીનામાં ડેવિડસન કોલેજમાં એક વર્ષ ગાળ્યું અને ત્રણ વર્ષ પ્રિન્સટન

યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ૧૮૭૯માં ત્યાંથી બેચલરની ડિગ્રી મેળવી.

વર્જિનિયા યુનિવર્સિટીની કાયદાની સ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ તેમણે એક

વર્ષ માટે જયોર્જિયાના એટલાન્ટામાં કાયદાની પ્રેક્ટિસ કરી, પરંતુ તે નબળી પ્રેક્ટિસ

હતી. ૧૮૮પમાં તેમણે વિદ્વત્તાના ઉમદા ઉદાહરણ સમાન “કોંગ્રેસ્નલ ગર્વમેન્ટ”પ્રકાશિત

કર્યું જેમાં અમેરિકન બંધારણમાં ધારાકીય અને વહીવટી સત્તાઓના વિભાજનથી ઊભી

થતી મુશ્કેલીઓનું વિશ્લેષણ છે.

પ્રિન્સટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્ર અને રાજકીય અર્થતંત્રના પ્રોફેસર તરીકે

જોડાયા પહેલાં વિલ્સને ત્રણ વર્ષ બ્રીન માવ (મ્િર્અહ સ્ટ્ઠુિ) કોલેજ અને બે વર્ષ વેસ્લિયન

કોલેજમાં ભણાવ્યું હતું. તેઓ બેહદ સફળ વ્યાખ્યાતા અને માતબર વિદ્વાન હતા.

૧૯૦રથી ૧૯૧૦ દરમ્યાન પ્રિન્સટન યુનિવર્સિટીના પ્રમુખ તરીકે વિલ્સન તેમના

શિક્ષણ સુધારણાના વિચારોથી ખૂબ ખ્યાતિ પામ્યા હતા. લોકશાહી પધ્ધતિથી પસંદ

થયેલા વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક જીવનને સાકાર કરવાના તેમના પ્રયત્ન રૂપે, તેઓ પ્રવેશ

પદ્ધતિમાં, શિક્ષણ સંબંધી પધ્ધતિમાં, સામાજિક પધ્ધતિમાં, ખુદ કેમ્પસની સ્થાપત્યકીય

રચનામાં પણ પરિવર્તન ઈચ્છતા હતા. પરંતુ વિલ્સન એક વિચારક હતા જે કાર્યરત બને

તે જરૂરી હતું. તેથી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ૧૯૧૧થી૧૯૧૩ દરમ્યાન ન્યુજર્સી

રાજયના ગર્વનર તરીકે રહીને ફરી એકવાર સુધારક તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યા.

૧૯૧રમાં વિલ્સન પ્રમુખની ચૂટંણી જીત્યા ત્યારે વિલિયમ હોવર્ડ અને થિયોડોર

રૂર્ઝવેલ્ટે રિપબ્લિક મતો તોડયા. હોદ્દો ગ્રહણ કરતાં જ તેમણે પોતાનાં પુસ્તક ‘ધ ન્યુ

ફ્રીડમ’ માં જે સુધારાની રૂપરેખા આપી હતી તેને કાર્યરત કરવાનું શરૂ કર્યું. જેમાં

જકાતમાં પરિવર્તન, બેંકિગ પધ્ધતિમાં સુધાર, ઈજારાશાહી અને પ્રપંચી જાહેરાતો પર

અંકુશ, અપ્રમાણિક ધંધાકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થતો હતો.

પરંતુ શાંતિના આ માનવને યુદ્ધ તરફ ધ્યાન આપવાની ફરજ પડી. પ્રથમ

વિશ્વયુદ્ધના શરુઆતના દિવસોમાં વિલ્સન તટસ્થતા જાળવવા દૃઢનિશ્ચયી હતા. તેમણે

બ્રિટન તેમજ જર્મનીના કાર્યોનો વિરોધ કર્યો; તેમણે બંન્ને વચ્ચે મધ્યસ્થી બનવાની

દરખાસ્ત કરી પરંતુ તે ફગાવી દેવાઈ. ૧૯૧૬માં અમેરિકન મતદારોએ “તેણે આપણને

યુદ્ધથી દૂર રાખ્યા” એ સૂત્ર સાથે વિલ્સનને ફરી વખત પ્રમુખપદે ચૂંટી કાઢ્યા. તેમ

છતાં ૧૯૧૭માં દરીયાઈ સ્વતંત્રતાના મુદ્દે નિર્ણાયક પરિવર્તનની ફરજ પડી. ૩૧

જાન્યુઆરીએ જર્મનીએ “અનિયંત્રિત સબમરીન યુદ્ધ”ની જાહેરાત કરી જે ખરેખર શરૂ

થઈ ચૂકયું હતું. માર્ચની ર૭મીએ, ચાર અમેરીકન જહાજોને ડૂબાવી દેવાયા બાદ વિલ્સને

યુદ્ધની ઘોષણા માટે પૂછવાનો નિર્ણય કર્યો. બીજી એપ્રિલે તેમણે કોંગ્રેસને ઔપચારિક

વિનંતી કરી અને છઠ્ઠી એપ્રિલે કોંગ્રેસે મંજૂરી આપી.

વિલ્સનને પરિણામ વિષે કોઈ ચિંતા ન હતી. તેમણે રાષ્ટ્રને ગતિશીલ બનાવી

દીધું - તેની માનવ શકિતને, તેના ઉદ્યોગો, વ્યાપાર, ખેતી, બધાને જ. તેઓ પોતે યુદ્ધ

પ્રચારના મુખ્ય કર્તાહર્તા બન્યા હતા. જાન્યુઆરી ૮, ૧૯૧૮માં તેમણે કોંગ્રેસમાં આપેલ

“ચૌદ મુદ્દાઓ” પરનું વકતવ્ય યુદ્ધ જીતવાનો નિર્ણાયક ફટકો હતો. કેમ કે બધે જ

લોકોએ તેના શાંતિના લક્ષ્યમાં વિશ્વવ્યાપી દર્શન જોયું જેમાં સ્વતંત્રતા,ન્યાય અને શાંતિ

ખીલી શકે.

જો કે વર્સેલ્સમાં ૧૯૧૯માં મળેલ શાંતિ સંમલેન વખતે તેમની કીર્તિ પરાકાષ્ઠાએ

હોવા છતાં વિલ્સન આદર્શ શાંતિ માટેના પોતાના સંપૂર્ણ ખ્યાલનો પ્રભાવ પાડવામાં

નિષ્ફળ ગયા. પરંતુ લીગ ઓફ નેશન્સના કરારના સ્વીકારને તેમણે ચોક્કસ સલામત

બનાવ્યો. આમ છતાં તેમને મોટી નિષ્ફળતા ઘર આંગણે મળી જયારે સેનેટે“લીગ

ઓફ નેશન્સ”ને અમેરિકન સ્વીકૃતિ આપવાનો ઈન્કાર કર્યો. આ આઘાતજનક પરાજયને

પરિણામે ૧૯૧૮ના કોંગ્રેસના ઈલેકશનમાં - હકીકતમાં વિશ્વાસના મતમાં તેમણે કોંગ્રેસ

પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો.

લીગના કરારને અમેરિકન પ્રજાની સ્વીકૃતિ મળે તે માટે સમર્થન મેળવવા તેમણે

જે અતિપ્રયાસ કર્યો તેની તાણને લીધે તેઓ શારીરિક રીતે અશકત બન્યા.

૧૯૧૯ની રપમી સપ્ટેમ્બરે, પુએબ્લો, કોલોરોડોમાં ભાષણ આપ્યા પછી તેઓ

ઢળી પડયા અને એક સપ્તાહ પછી સેરેબ્રલ હેમરેજ થયું, જેની અસરમાંથી તેઓ કદિ

સંપૂર્ણ સારા થયા નહીં. અશકતપણે , તેમણે તેમના હોદ્દાના બાકીના સત્તર મહિના

પૂરા કર્યા અને જીવનના પાછલાં ત્રણ વર્ષો નિવૃત્તિમાં ગાળ્યા.

સ્વીકૃતિ પ્રવચન

અમેરીકન મંત્રી આલ્બર્ટ જી.સ્કેમેડેમેન દ્વારા સ્વીકાર

(૧૯૧૯નું શાંતિ માટેનું ઈનામ જે તે વર્ષે અનામત રખાયું હતું તે ૧૯ર૦માં વુડ્રો વિલ્સનને

તેમના શાંતિ કાર્યક્રમના ચૌદ મુદ્દાઓની સ્વીકૃતિમાં તથા ૧૯૧૯માં વર્સેલ્સની સંધિમાં લીગ ઓફ

નેશન્સના કરારનો સમાવેશ કરવામાં તેમણે મેળવેલી સિદ્ધિ માટે આપવામાં આવ્યું. ડિસેમ્બર૧૦,

૧૯ર૦માં ઈનામ એનાયત સમારંભમાં પ્રમુખ વિલ્સન ઉપસ્થિત ન હોવાથી યુનાઈટેડ સ્ટેટ્‌સના

ઓસ્લોમાંના મંત્રી આલ્બર્ટ જી સ્કેમેડેમેનના ભાષણ જેમાં પ્રમુખ વિલ્સનના સંદેશા વાચનનો સમાવેશ

થતો હતો તે આ પ્રમાણે હતુંઃ)

પ્રમુખ શ્રી, મને એ જણાવતાં ગૌરવ થાય છે કે યુનાઈટેડ સ્ટેટસના પ્રેસિડન્ટ

વૂડ્રો વિલ્સનનો ટેલિગ્રામ લાવનાર હું છું, જેમાં તેમણે ૧૯૧૯ના વર્ષ માટે નોબેલ

શાંતિ સમિતિએ તેમને ઈનામ આપીને જ ે સન્માન આપ્યું છે તે માટે આભાર વ્યકત

કરવાનું માન મને મળ્યું છે. સન્માનનીય સભ્યો સમક્ષ સંદેશ વાંચવાની તથા થોડી નોંધ

રજૂ કરવાની અનુમતિ મને આપવામાં આવશે.

મને પ્રેસિડન્ટ વિલ્સને પ્રમુખ લોવલેન્ડ અને નોબેલ પીસ કમિટીના સભ્યો પ્રત્યે

કૃતજ્ઞતાનો નીચે પ્રમાણેનો સંદેશો પહોંચાડવાની સૂચના આપેલ છે.

“આપના એવોર્ડના સન્માનને સ્વીકારતાં હું માત્ર શાંતિ માટેના મારા નિષ્ઠા

પુર્વકના અને પ્રમાણિક પ્રયત્નોની સ્વીકૃતિ માટે જ નહીં પરંતુ આ કારણ માટેના વિશાળ

કાર્ય સામેની મારી અતિ તુચ્છતાને કારણે પણ હું ઊંડી કૃતજ્ઞતાની લાગણીથી ગદગદિત

થાઉં છું.

આ પ્રસંગે પારિતોષિકની સતત પ્રણાલિનું આયોજન કરવા બદલ તેના સ્થાપકના

દીર્ઘદૃષ્ટિપૂર્ણ ડહાપણ પ્રત્યે મારો આદર વ્યકત કરવાની તક હું ન લઈ શકું ? જો આવું

એક જ અને અંતિમ ઈનામ હોત તો હું ચોક્કસ તે ન સ્વીકારત. કારણ કે માનવજાતે

હજુ યુદ્ધની અકથનીય ભયંકરતામાંથી છૂટકારો મેળવ્યો નથી. મને ખાત્રી થઈ છે કે

આપણી પેઢીએ, ઘાયલ હોવા છતાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ આપણા કાર્યને

પ્રારંભરૂપ ગણીએ તે વધુ ડહાપણભર્યું ગણાશે. એ સતત મહેનત માગી લેશે.

આવનારાં વર્ષોમાં આપણી સમક્ષ બીજાઓ માટે અતિશય તકો ઊભી થશે જે તેમને

ધિક્કાર, ભય અને યુદ્ધ વિરુદ્ધના ધર્મયુદ્ધમાં વિશિષ્ટ બનાવશે.

આ નોબેલ વળતરના ક્રમમાં ખરેખર એક ખાસ ઉપયુકતતા છે, શાંતિનું બીજ

અને સત્યનું બીજ એક જ કુટુંબના છે. એટલે સુધી કે જેઓ વિજ્ઞાનપ્રિય છે અને ફિઝીકસ

કે કેમેસ્ટ્રીને જીવન સમર્પિત કરે છે, જેઓ સાહિત્યમાં માનવજાત માટે નૂતન અને

ઉચ્ચતર વિચારો સર્જે છે, તે જ રીતે જેઓ શાંતિને ચાહે છે, તેની કોઈ સીમા બાંધેલી

નથી. જે કંઈ ભૂતકાળમાં પ્રાપ્ત થયું તે ભવિષ્યની આશા અને મહત્તાની સરખામણીમાં

અતિશય તુચ્છ છે.

વૂડ્રો વિલ્સન

મને અફસોસ છે કે આ સન્માનનીય સભાગૃહને નોર્વેજીયન ભાષામાં સંબોધવા

હું અશકત છું. અને તે શક્ય હોત તો પણ નોબેલ સમિતિએ વૂડ્રો વિલ્સનને નોબેલ

શાંતિ પારિતોષિક એનાયત કરીને જે ઉચ્ચ સન્માન મારા દેશને આપ્યું છે તેનું મૂલ્ય

આંકવા મારી પાસે શબ્દો નથી. જે સન્માન પ્રમુખ વિલ્સનને અર્પણ કરવામાં આવ્યું છે

તે મારે માટે ખૂબ મહત્વનો અને ઊંડા સંતોષનો પ્રસંગ છે જે મારી સ્મૃતિમાં હંમેશા

રહેશે.

પ્રમુખ વિલ્સનની સિદ્ધિઓ કે જેને માટે તેમને આ સન્માન ઉચિત રીતે અર્પણ

થયું છે તેને લંબાણપૂર્વક કહેવાનું મને બિનજરૂરી લાગે છે, આંતરરાષ્ટ્રીય બાબતો

અંગેની તેમની વિશદ સમજણ અને સમસ્ત પ્રજાના કલ્યાણ અને સફળતાને અસરકર્તા

બાબતોમાં તેમની સમજદારી અને નિશ્ચયાત્મક પદ્ધતિ, જે તેમના નિષ્ઠાપૂર્વક અને

જાુસ્સાભર્યા પ્રયત્નોથી લીગ ઓફ નેશન્સની રચનામાં પરિણમ્યા - જેને આપણે સૌ

જાણીએ છીએ. કદાચ કોઈપણ જાહેર વ્યકિતની જેમ તેઓ એ હકીકતથી સજાગ હતા

કે એ સમય વીતી ગયો છે કે કોઈપણ રાષ્ટ્ર પોતે અલિપ્તપણે રહી શકે. તેમના પ્રયત્નો

વૈશ્વિક શાંતિને જીવંત વાસ્તવિકતા બનાવવાની આશાથી પ્રેરિત હતા. વૂડ્રો વિલ્સનનું

યોગ્ય મૂલ્યાંકન કરવાનું અશકય છે. આંતરરાષ્ટ્રીય શાંતિ માટેના તેમના મહાન કાર્યનું

જયાં સુધી સમય તેને વધુ ઉદ્‌ઘાટિત ન કરે ત્યાં સુધી મૂલ્યાંકન કરવું અશકય છે કેમ કે

વર્તમાન તો એક સીલબંધ પુસ્તક છે.

• • •

આલ્બર્ટ સ્વાઈત્ઝર - ઓસ્ટ્રિયા

ધ નોબેલ શાંતિ પારિતોષિક ૧૯૫૨

જન્મ : ૧૮૭૫

અવસાન : ૧૯૬૫

જીવનઝરમર :

આલ્બર્ટ સ્વાઈત્ઝરનો જન્મ એલ્ઝાશીયન કુટુંબમાં થયો હતો. જે પેઢીઓથી ધર્મ સંગીત

અને શિક્ષણ પ્રત્યે સમર્પિત હતું. તેમના પિતા અને નાના પ્રધાનો હતા. તેમના બંને

દાદાઓ નિપૂણ ઓર્ગન બજાવનારા હતા.

આલ્બર્ટ સ્વાઈત્ઝર, યુનિવર્સિટી ઓફ સ્ટ્રેસબર્ગમાં ધર્મશાસ્ત્ર અંગેના ઊંડા

અભ્યાસ માટે ૧૮૯૩માં દાખલ થયા. ૧૮૯૯માં અહીંથી તેમણે કાન્ટની રીલીજીયસ

ફિલોસોફી પર નિબંધ લખીને ફિલોસોફીમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. અને ૧૯૦૦માં

ધર્મશાસ્ત્રમાં લાઈસેન્શિએટ પ્રાપ્ત કરી. ૧૮૯૯માં તેમણે સ્ટ્રેસબર્ગના સેન્ટ નિકોલસ

ચર્ચમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. સેન્ટ થોમસની થિયોલોજિકલ કોલેજમાં ૧૯૦૧થી

૧૯૧ર દરમ્યાન તેમણે વિવિધ ઊંચા હોદાની વહીવટી જગાઓ સંભાળીને સેવા કરી.

તેઓ નાની ઉંમરથી જ પિયાનો અને ઓર્ગન બજાવવા લાગ્યા હતા. તેમાં

નિપૂણતા સાથે સંગીતની કારકિર્દી ચાલુ રાખી. નવ વર્ષની ઉંમરે સૌપ્રથમ તેમણે પિતાના

ચર્ચમાં વગાડયું હતું. અઢાર વર્ષના થતા સુધીમાં તેઓ એક માન્ય આંતરાષ્ટ્રીય ઓર્ગેનીસ્ટ

તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાંથી તેમણે તેમના પછીના મેડિકલ

અભ્યાસ માટે અને તેમની આફ્રિકન હોસ્પિટલ માટે ફંડ એકઠું કર્યું.

એક ધર્મોપદેશક તરીકે નહીં પરંતુ મેડિકલ મીશનરી તરીકે આફ્રિકા જવાનું

નક્કી કરીને સ્વાઈત્ઝરે ૧૯૦પમાં સ્ટ્રેસબર્ગ યુનિ.માં મેડિસીનનો અભ્યાસ શરૂ કર્યો.

૧૯૧૩માં એમ.ડી. ની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ફ્રેંચ ઈક્વાટોરિયલ આફ્રિકામાં

લેમ્બરેનેમાં હોસ્પિટલ શરુ કરી. પરંતુ ૧૯૧૭માં તેમને અને તેમના પત્નીને યુદ્ધકેદી

તરીકે ફ્રેંચ ઈન્ટર્નમેન્ટ કેમ્પમાં મોકલી દેવાયા. ૧૯૧૮માં મુકત થયા બાદ છ વર્ષ

સ્વાઈત્ઝરે યુરોપમાં ગાળ્યા.

૧૯ર૪માં સ્વાઈત્ઝર લેમ્બરેનેમાં પાછા ફર્યા. અને થોડા સમયગાળાને બાદ

કરતાં તેમનું જીવન ત્યાં વિતાવ્યું. પોતાની રોયલ્ટીમાંથી તેમજ વ્યકિતગત ફીમાંથી

મેળવેલી રકમ તથા દુનિયાના બધા ભાગોમાંથી મળેલ દાનમાંથી તેમણે હોસ્પિટલને

સિત્તેર બિલ્ડીંગ સુધી વિસ્તૃત બનાવી.૧૯૬૦ની શરૂઆતમાં તેમાં એક સાથે પ૦૦

દર્દીઓની સંભાળ લઈ શકાય તેટલી સુવિધા થઈ.

લેમ્બરેનેમાં સ્વાઈત્ઝર હોસ્પિટલમાં ડૉક્ટર અને સર્જન હતા, ધર્મસભાના

ઉપદેશક, ગામના વહીવટકર્તા, મકાનો અને મેદાનોના સુપ્રિટેન્ડન્ટ, વિદ્વતાપૂર્ણ ગ્રંથોના

લેખક, સાંપ્રત ઈતિહાસ પરના ભાષ્યકાર, સંગીતકાર અને અસંખ્ય મુલાકાતીઓના

યજમાન હતા. તેમણે અનેક સન્માનો મેળવ્યા. જેમાં ફ્રેંકફર્ટના ગોએથ પુરસ્કારનો

સમાવેશ થાય છે. અનેક યુનિવર્સિટીઓમાંથી તેમને ડૉક્ટરેટની માનદ્‌ પદવી તેમની

એક યા બીજી સિદ્ધિઓ માટે આપવામાં આવી. ૧૯પર માટેનું નોબેલ શાંતિ પારિતોષિક

તેમને જાહેર થયું. જે ૧૯પ૩ની ૧૦ ડિસેમ્બરે તેમને આપવામાં આવ્યું. તે ૩૩૦૦૦

ડૉલરના ઈનામથી તેમણે લેમ્બરેનેમાં લેપ્રોસેરીયમ શરૂ કર્યું.

આલ્બર્ટ સ્વાઈટઝર ૪ સપ્ટેમ્બર, ૧૯૬પમાં મૃત્યુ પામ્યા. તેમને લેમ્બરેનેમાં

દફનાવવામાં આવ્યા.

સ્વીકૃતિ પ્રવચન નવેંબર ૪, ૧૯૫૪

નોબેલ શાંતિ પારિતોષિકનું જે રોમાંચકારી સન્માન મને આપવામાં આવ્યું છે તે

માટે મારા વ્યાખ્યાનનો વિષય મેં આજે જે શાંતિની સમસ્યા છે તે પસંદ કર્યો છે. હું માનું

છું કે આમ કરીને હું આ પારિતોષિકના પ્રણેતા કે જેમણે તેમના સમયમાં આ સમસ્યાના

અભ્યાસ માટે પોતાને સમર્પિત કર્યા હતા અને શાંતિ માટેના ઉપાયોના વિચારને

પ્રોત્સાહિત કરવાની આશા તેમના આ ફાઉન્ડેશન પાસે હતી, તેમના હાર્દને હું અનુસર્યો

છું.

જેમાંથી આપણે હમણાં જ પસાર થયા તે બે યુદ્ધના અંત પછીની પરિસ્થિતિના

નિરૂપણથી હું શરુ કરીશ.

આ બે યુદ્ધો પછી વાટાઘાટો દ્વારા આજની દુનિયાને આકાર આપવા માટે

જવાબદાર રાજપુરુષોએ જોયું કે હવે બાજી તેમના હાથમાં નથી. તેમનો હેતુ કંઈક

વ્યાપક અને સમૃદ્ધ વિકાસનો એટલો ન હતો જેટલો વિજયના પરિણામોને કાયમી

ધોરણે સ્થાપવાનો હતો. એટલું જ નહિ, તેમનું અનુમાન ભૂલ વગરનું હોત તો પણ

તેમણે માર્ગદર્શક બનાવ્યું ન હોત. પ્રજાઓ વચ્ચે ન્યાયી અને ઉચિત પાયા પર સંબંધો

સ્થાપવાનું તેઓ ઇચ્છી શકયા નહિ. તેમના બધા પ્રયત્નો - વિજેતાઓ દ્વારા થતી

અતાર્કિક માગણીઓને અટકાવવાની જરૂરિયાતને કારણે થયા. ઉપરાંત તેમને વિજેતા

રાષ્ટ્રોને, જ્યારે કયારેય તેમના દૃષ્ટિબિંદુ અને હિતો પરસ્પર ટકરાતા હોય ત્યારે સમાધાન

કરવા સમજાવવાના હતા.

આપણી સાંપ્રત પરિસ્થિતિમાં સાચું મૂળ(કારણ) અપ્રતિપાદનીય છે અને

વિજેતાઓ તેનાથી પરાજિતોની જેમ જ સહન કરતા થઈ ગયા છે. સાચું મૂળ એ

હકીકતમાં છે કે ઐતિહાસિક વાસ્તવિકતા તરફ પૂરતું ધ્યાન અપાયું નથી અને પરિણામે

શું યોગ્ય અને લાભકારક છે તે પ્રત્યે પણ ધ્યાન અપાયું નથી.

યુરોપની ઐતિહાસિક સમસ્યા એ હકીકતથી નિર્માણ થઈ છે કે વીતેલી

સદીઓમાં, ખાસ કરીને કહેવાતા મહાન આક્રમણોના યુગમાં પૂર્વમાંથી પ્રજાઓ

પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં આગળ ને આગળ ઘૂસતી ગઈ અને ભૂમિનો કબ્જો

લેતી ગઈ. તેથી થયું એવું કે પાછળના વસાહતીઓ અહીં પહેલેથી સ્થિર થયેલા

વસાહતીઓ સાથે ભળી ગયા.

આ લોકોનું અંશતઃ મિશ્રણ આ સમય દરમિયાન થયું; નવી સીમાઓની અંદર,

નવી સંબંધિત સ્વજાતિના રાજકીય સમૂહો ઊભા થયા. પશ્ચિમ અને મધ્ય યુરોપમાં આ

પ્રક્રિયાએ એવી નક્કર કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જી અને ઓગણીસમી સદીનું તે

મુખ્ય લક્ષણ બની ગઈ.

બીજી બાજુ પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં તે પ્રક્રિયા આ તબક્કે પહોંચી નહીં. જે

રાષ્ટ્રીયતાઓના સહઅસ્તિત્વ સાથે અટકી ગઈ અને મિશ્રિત થવામાં નિષ્ફળ ગઈ.

ભૂમિ પર અધિકૃત માલિકીનો દરેક કોઈને કોઈ દાવો કરી શકે. એક લાંબા સમયના

કબજા અને સંખ્યાબળના આધારે પ્રાદેશિક અધિકારોનો દાવો કરે તો બીજા તે પ્રદેશના

વિકાસમાં પોતાના પ્રદાનનો મુદ્દો આગળ ધરે. આનો એકમાત્ર વ્યવહારુ ઉકેલ એ છે

કે બંને જૂથો એક જ વિસ્તારમાં અને એક જ રાજકીય સમાજમાં બંનેને સ્વીકાર્ય હોય

તેવા સમાધાન સાથે એકબીજા સાથે રહેવા સંમત થાય. આમ છતાં ૧૯મી સદીના

ઉતરાર્ધમાં આ પરિસ્થિતિ એ તબક્કે પહોંચી હતી કે તે કરવું જરૂરી બની ગયું હતું.

કેમકે તે પછીથી રાષ્ટ્રીય સભાનતા એટલી પ્રબળ રીતે વધી કે તેના ગંભીર પરિણામો

આવ્યા. આ પ્રગતિએ પ્રજાઓને ઐતિહાસિક સત્ય અને તર્કનું માર્ગદર્શન લેવા દીધું

નહીં.

પૂર્વ અને દક્ષિણ પૂર્વ યૂરોપમાં જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેમાં પ્રથમ

વિશ્વયુદ્ધનાં બીજ રહેલાં હતાં. બંને વિશ્વયુદ્ધો પછી જે નવી વ્યવસ્થા રચવામાં આવી

તે ભાવિ સંઘર્ષના બીજ ધરાવે છે. નવું યુદ્ધોત્તર માળખું સંઘર્ષના બીજ ધરાવવા

મજબૂર છે, સિવાય કે તે ઐતિહાસિક સત્યને ધ્યાનમાં લે અને તે સત્યના પ્રકાશમાં

સમસ્યાઓનું ન્યાયી અને હેતુલક્ષી સમાધાન તૈયાર કરી આપે. માત્ર આવું જ સમાધાન

કાયમી બની શકે.

જ્યારે બે દુશ્મન પ્રજાઓ એક જ પ્રદેશ માટે દાવો કરતી હોય અને જો એકનો જ

દાવો માન્ય રખાતો હોય તો ઐતિહાસિક સત્ય પગતળે કચડાય છે. યુરોપના વિવાદાસ્પદ

ભાગો માટે બે રાષ્ટ્રો નામ ધરાવતા હોય તેનું સાપેક્ષ મૂલ્ય કયારેય વધુ નથી કેમકે

હકીકતમાં તે બંને પ્રજાઓ વસાહતી છે.

તે જ રીતે નવી વ્યવસ્થા સ્થાપવામાં જ્યારે સીમાઓ નક્કી કરીએ ત્યારે આર્થિક

વાસ્તવિક્તાઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જઈએ તો આપણે ઇતિહાસના તિરસ્કાર

માટે દોષી છીએ. એવા કિસ્સા બને છે કે જો આપણે કુદરતી સમુદ્ર વિસ્તારથી તેના

બંદરને અલગ પાડી દઈએ અથવા સમૃદ્ધ કાચામાલવાળા રાજ્ય અને ખાસ શોષણ

માટે ઉપયુક્ત એવા બીજા રાજ્ય વચ્ચે એવી સીમા ઊભી કરીએ તો આવા માપદંડોથી

જે આર્થિક રીતે ટકી ન શકે તેવા રાજ્યો આપણે સર્જીએ છીએ.

જે પ્રજા જે પ્રદેશમાં વસતી હોય ત્યાં તેને જીવવાનો અધિકાર છે. ચોક્કસ પ્રજાને

બળજબરીથી અન્ય પ્રદેશમાં જવાની ફરજ પાડવી તે ઐતિહાસિક અધિકારોનો અને

ખરેખર માનવઅધિકારોનો સૌથી વધુ આઘાતજનક ભંગ છે. બીજા વિશ્વયુદ્ધ

પછી વિજયી સત્તાઓએ સેંકડો અને હજારો લોકોના ભાગ્યમાં આ નિર્ણય લાદ્યો અને તે

પણ અત્યંત કઠિન પરિસ્થિતિમાં. તેના ૫રથી આપણે ધારી શકીએ કે પુનઃવ્યવસ્થા

માટે કામ કરવાના કોઈપણ ધ્યેય માટે આપણે કેટલા ઓછા જાગૃત છીએ.

બીજા વિશ્વયુદ્ધની સ્વાભાવિક લાક્ષણિકતા તે હકીકત પરથી જણાય છે કે હજુ

સુધી એક પણ સંધિ પર સહી નથી થઈ. યુદ્ધવિરામ પ્રકારના કામચલાઉ કરારો દ્વારા

યુદ્ધનો અંત આવ્યો. અને તેનું ખરું કારણ ગમે તેટલી પાયાની હોવા છતાં પુનઃવ્યવસ્થાને

પ્રભાવિત કરવાની આપણી અશક્તિ છે. જે તે ક્ષણની જરૂરિયાતથી દોરવાયેલા આપણે

તે કામચલાઉ યુદ્ધવિરામથી સંતુષ્ટ રહેવા બંધાયેલા છીએ. જેમાં ભવિષ્ય માટેની કોઈ

દીર્ઘદૃષ્ટિ નથી.

તો વર્તમાન પરિસ્થિતિ આ છે. હવે આપણે શાંતિની સમસ્યાને કઈ રીતે સમજીશું?

જેમ આધુનિક યુદ્ધ ભૂતકાળના યુદ્ધથી અલગ છે તે જ રીતે તદ્દન નવા પ્રકાશમાં

એટલી જ હદે શાંતિ માટે અલગ રીતે વિચારવું રહ્યું. ભૂતકાળ કરતાં હવે યુદ્ધમાં મૃત્યુ

અને વિનાશના શસ્ત્રો વધુ અસરકારક બન્યા છે. અને તેથી પહેલાં કરતાં યુદ્ધ ઘણું

વધારે ખરાબ બન્યું છે. અત્યાર સુધી યુદ્ધને એક દૂષણ તરીકે જોવાતું હતું, જેનાથી

માણસોએ પોતાની જાતને દૂર રાખવી જોઈએ કેમકે તો પ્રગતિ થાય અને તે જરૂરી પણ

હતું. કોઈ એવી દલીલ કરી શકે કે જે પ્રજાઓ પ્રબળ શક્તિ ધરાવતી હોય તે જ ટકી

રહી અને આમ ઇતિહાસનો માર્ગ નિશ્ચિત કરવાનું યુદ્ધને આભારી છે.

દૃષ્ટાંત રૂપે એવો દાવો થઈ શકે કે બેબિલોનિયન પર સાયરસના વિજયે નજીક

પૂર્વમાં એક સામ્રાજ્ય સર્જ્યું, જેની સભ્યતા તેણે ઉખેડી નાખેલ સામ્રાજ્ય કરતા ઊંચી

હતી તથા મહાન સિંકદરના વિજયોએ ગ્રીક સભ્યતા માટે નાઈલથી સિંધુ સુધીનો માર્ગ

ખુલ્લો કર્યો. આમ છતાં કયારેક તેનાથી ઊલટું પણ બન્યુ કે જ્યારે યુદ્ધે ચઢિયાતી

સભ્યતાને દૂર કરી ઊતરતા દરજ્જાની સભ્યતાને સ્થાપી હોય. દા.ત. સાતમી અને

આઠમી સદીની શરૂઆતમાં આરબોએ પર્શિયા, એશિયા માઈનોર, પેલેસ્ટાઈન, ઉત્તર

આફ્રિકા અને સ્પેનને જીત્યા. આ દેશો ગ્રીક-રોમન સભ્યતા નીચે અત્યાર સુધી

ફૂલ્યાફાલ્યા હતા.

તેથી એમ જણાય છે કે ભૂતકાળમાં યુદ્ધ પ્રગતિની તરફેણમાં કે વિરુદ્ધમાં હોઈ

શકતું હતું. આધુનિક યુદ્ધ પ્રગતિનું પ્રતિનિધિ હોય તેવો દાવો ખાતરીપૂર્વક કરી શકાય

તેમ નથી. પહેલાં કયારેય હોય તેના કરતાં ઘણો વધારે યુદ્ધના દૂષણોનો બોજો આપણા

પર પડે છે.

એ સ્મરણ કરવું પ્રાસંગિક છે કે ૧૯૧૪ પહેલાંની પેઢીએ મોટા પ્રમાણમાં

હથિયારોનો જથ્થો રાખવાનું યોગ્ય માન્યું હતું. દલીલ એ હતી કે લશ્કરી નિર્ણયો ઝડપથી

લેવા પડે અને ઘણાં નાનાં યુદ્ધોની શકયતા લાગતી હતી. આ અભિપ્રાય વિરોધ વિના

સ્વીકારાયો હતો.

કારણ કે તેઓ યુદ્ધ પદ્ધતિના પ્રગતિશીલ માનવીયકરણની ગણતરી રાખતા હતા.

લોકો પણ માનતા હતા કે ભવિષ્યમાં ઘર્ષણના પરિણામરૂપ દૂષણો પ્રમાણમાં ઓછાં

હશે. રેડક્રોસના પ્રયત્નોના અનુસંધાનમાં ૧૮૬૪ના જીનીવા કન્વેશનની શરતો મુજબ

રાષ્ટ્રોએ બંધનો સ્વીકાર્યાં હતાં તેથી આવી ધારણા વધી હતી. ઘાયલો માટે સંભાળ

અંગેની, યુદ્ધ કેદીઓ પ્રત્યે માનવીય વર્તનની અને નાગરિક વસતિના કલ્યાણ સંબંધી

પરસ્પર ખાત્રીઓ આપવામાં આવી. આ કરારે ખરેખર કંઈક મહત્ત્વના પરિણામો

આણ્યાં જે માટે આવનારા યુદ્ધોમાં સેંકડો અને હજારો સૈનિકો અને નાગરિકો આભારી

હતા. પરંતુ મોત અને વિનાશના આધુનિક શસ્ત્રોના આગમન સાથે યુદ્ધ સર્જિત યાતના

અમાપ વધી ગઈ છે. તેની સરખામણીમાં આ કરારના લાભો ખરેખર તુચ્છ છે, સાચે

જ યુદ્ધના માનવીયકરણનો પ્રશ્ન હોઈ શકે નહીં.

નાના યુદ્ધનો ખ્યાલ અને તેની પદ્ધતિના માનવીયકરણોનો ખ્યાલ ૧૯૧૪માં

જ્યારે યુદ્ધ આવી પહોંચ્યું ત્યારે લોકોએ યુદ્ધને જેટલી ગંભીરતાથી લેવું જોઈએ તેટલી

ગંભીરતાથી ન લેવા તરફ દોરી ગયો. તેમણે તેને તોફાન તરીકે જોયું જે રાજકીય

હવાને ચોખ્ખી કરવા માટે હતું. તેમણે તેને રાષ્ટ્રોની વિનાશક શસ્ત્રદોડનો અંત લાવવા

માટેની ઘટના તરીકે જોયું.

કેટલાકે યુદ્ધમાંથી નફો મેળવવાની ગણતરીએ યુદ્ધનું થોડું ઘણું સમર્થન કર્યું, તો

બીજાઓએ ઉમદા હેતુથી એમ કહ્યું કે આ યુદ્ધ યુદ્ધોનો અંત લાવવા માટેનું હોવું જોઈએ.

કેટલાય બહાદુર માણસો યુદ્ધ માટે તત્પર થયા કેમકે તેઓ એમ માનતા હતા કે તેઓ

એવા દિવસ માટે લડે છે કે જ્યારે યુદ્ધ હશે જ નહિ.

૧૯૩૯ની જેમ આ સંઘર્ષમાં બે ધારણાઓ સદંતર ખોટી પડી. કતલ અને વિનાશ

પ્રતિવર્ષ ચાલુ રહ્યા અને સૌથી પાશવી રીતે થતાં રહ્યાં. ૧૮૭૪ના યુદ્ધથી વિપરિત

આ દ્વંદ્વ બે અલગ રાષ્ટ્રો વચ્ચેનું નહિ પરંતુ રાષ્ટ્રોના બે જૂથો વચ્ચે હતું અને તેથી

માનવજાતનો મોટો સમૂહ આ કરુણતાના નિર્માણમાં ગૂંચવાયેલો રહ્યો.

હવે આપણે જ્યારે જાણીએ છીએ કે યુદ્ધ ભયંકર દૂષણ છે ત્યારે આપણે તેનું

પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્ન કરવામાં કોઈ કસર રાખવી ન જોઈએ. તેમાં એક

નૈતિક કારણ પણ ઉમેરવું જોઈએ. છેલ્લાં બે યુદ્ધોમાં આપણે માનવજાત થથરી જાય

તેવાં કાર્યોનાં દોષી છીએ અને ભવિષ્યનું યુદ્ધ ચોક્કસ આપણને વધુ ખરાબ

અપરાધભાવથી ભરી દેશે. આવું ન જ બનવું જોઈએ !

ચાલો, હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીએ. માનવ હવે સુપરમેન બની ગયો

છે કેમકે તેની પાસે માત્ર કુદરતી શારીરિક બળ છે તેમ નહીં પરંતુ વિજ્ઞાન અને

ટેકનોલોજીની પ્રગતિને કારણે તેની પાસે સત્તા છે. કુદરતના ગુપ્ત બળોને તે હવે

પોતાના ઉપયોગ માટે પ્રયોજી શકે છે. દૂરનાને મારવા માણસને પોતાના જ બળ પર

સંપૂર્ણ આધાર રાખવો પડતો; તે ધનુષને ખેંચી તીર છોડતો પરંતુ સુપરમેન એ તબક્કે

પ્રગતિ સાધી ચૂકયો કે ચોક્કસ રાસાયણિક પદાર્થોના મિશ્રણના દહનથી છૂટ્ટી પડતી

ઊર્જાનો ઉપયોગ કરી શકે છે. આથી તે વધુ અસરકારક પ્રક્ષેપણો ખૂબ ખૂબ દૂર સુધી

છોડી શકે છે.

આમ છતાં આ સુપરમેન ઘાતક ખામી અનુભવે છે. તે સુપરહ્યુમનની બુદ્ધિ અને

બળ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો છે. તેને એવી બુદ્ધિની જરૂર છે જે આ વ્યાપક શક્તિને

સંપૂર્ણપણે વ્યાજબી અને ઉપયોગી લક્ષ્ય માટે પ્રયોજી શકે, નહિ કે વિનાશક અને હત્યાના

હેતુઓ માટે. કારણ કે તે આવી બુદ્ધિની ખામી ધરાવે છે તેથી વિજ્ઞાન અને ટેકનોલોજીની

સિદ્ધિઓ તેને માટે આશીર્વાદ બનવાને બદલે પ્રાણઘાતક બની છે.

હવા પરનો વિજય માનવજાતની એક નિશ્ચયાત્મક પ્રગતિ નોંધાઈ છે છતાં માણસે

તીવ્રતાથી એ તક ઝડપી અને તેનો ઉપયોગ આકાશમાંથી સંહાર અને વિનાશ કરવા

માટે કર્યો. આ શોધ એ હકીકત નોંધે છે કે જેનો અહીં સજ્જડ ઇન્કાર થાય છે કે

સુપરમેન જેમ વધુ શક્તિ મેળવે છે તેમ તેમ તે વધુ ગરીબ-હીન બનતો જાય છે.

આકાશમાંથી થતા વિનાશથી પોતાને બચાવવા નાસતા પ્રાણીની જેમ સુરક્ષિત છાવણીમાં

તેને આશ્રય શોધવાની ફરજ પડે છે. માણસે સાંસ્કૃતિક મૂલ્યોના બિનપ્રણાલિગત

વિનાશના સમર્થનથી દૂર થઈ જવું જોઈએ.

પરંતુ જે મૂળભૂત વાત આપણે ઘણા સમય પહેલાં જાણી શકયા હોત તે આપણે

અંતઃકરણમાં સમજી લેવી જોઈએ કે આપણે એટલી હદે અમાનવીય બન્યાં છીએ કે

આપણે સુપરમેન બની ગયા છીએ. આપણે યુદ્ધની એવી વાસ્તવિક્તા સહન કરતાં

શીખ્યા કે માણસોને મોટા સમૂહમાં મારી નાખી શકાય- બીજા વિશ્વયુદ્ધમાં લગભગ ૨૦

મિલિયન (૨ કરોડ) લોકો માર્યા ગયા. સંપૂર્ણ શહેરો અને તેના રહેવાસીઓનો

અણુબૉંબથી ઉચ્છેદ થયો; માણસો આ દાહક બૉંબથી જીવતી મશાલોમાં ફેરવાઈ ગયા

છે. આપણે આ બધું રેડિયો કે ન્યૂઝપેપરમાંથી જાણીને તે લોકો આપણા સમૂહના છે કે

આપણા દુશ્મનના - તેને આધારે તેની સફળતાનો ન્યાય તોળીએ છીએ. જ્યારે આપણી

જાતને આપણે આવા અમાનવીય વર્તનમાં, કાર્યોમાં જોડીએ છીએ ત્યારે એ વિચાર

સાથે જોડાય છે કે યુદ્ધની વાસ્તવિક્તાએ તેને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ

રહેવા નથી દીધો. સંઘર્ષ વિના આપણી નિયતિથી જાતને દૂર કરીને આપણે માનવતાના

દોષી બનીએ છીએ.

ખરેખર હકીકત એ છે કે આપણને સૌને અમાનવતાના ગુન્હાની પ્રતીતિ થવી

જોઈએ. આ પ્રતીતિની ભયંકરતા આપણા પ્રમાદને હચમચાવશે. જેથી આપણી

આશાઓ અને ઈરાદાઓ એ યુગમાં દોરી શકે જ્યાં યુદ્ધને કોઈ સ્થાન ન હોય.

આ આશા અને ઇચ્છાને એક જ ધ્યેય પ્રાપ્ત કરવાનું હોઈ શકે; ભાવનામાં પરિવર્તન

દ્વારા આપણી ચઢિયાતી બુદ્ધિ આપણી પાસે રહેલી શક્તિનો દુરુપ્રયોગ કરવાનું

અટકાવશે.

આજે આપણે જીનીવામાં લીગ ઑફ નેશન્સ (રાષ્ટ્ર સંઘ) અને યુનાઈટેડ નેશન્સ

(સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા) સાથેના આપણા અનુભવને આધારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની

સફળતાને મૂલવી શકીએ છીએ. આવી સંસ્થાઓ સંઘર્ષોના પ્રારંભ વખતે મધ્યસ્થી

બનીને મહત્ત્વની સેવા અદા કરી શકે. તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પોની ગોઠવણમાં

અને તે પ્રકારનાં અન્ય કાર્યો દ્વારા પહેલ કરી શકે. યુદ્ધને પરિણામે રાજ્ય વિહોણા

બનેલા લોકોના લાભમાં ૧૯૨૨માં આંતરરાષ્ટ્રીય અધિકૃત પાસપોર્ટના સર્જન દ્વારા

લીગ ઑફ નેશન્સે ઘણી મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. જો યુનાઈટેડ નેશન્સ ન હોત તો

૧૯૪૫માં વિસ્થાપિત થયેલાનું ભાવિ કેવું હોત!

અલબત્ત, આ બંને સંસ્થાઓ શાંતિ લાવવામાં અશક્ત રહી. તેમના પ્રયાસો

નિષ્ફળ જવા નિર્માયેલા હતા કેમકે શાંતિની દિશામાં જેમની ભાવના પ્રવૃત ન હતી

તેવી દુનિયામાં તેમને શાંતિના પ્રયાસોની ફરજ પડી હતી અને માત્ર કાનૂની સંસ્થાઓ

હોવાને કારણે તે આવી ભાવના સર્જવા પણ અશક્ત હતી. માત્ર નૈતિક બળ જ આવી

શક્તિનો સંચાર કરી શકે.

આપણે તેની શક્તિને ઓછી ન આંકીએ - માનવજાતના સળંગ ઇતિહાસમાં

તેના પૂરાવા જોઈ શકાય છે. આ નૈતિકબળે માનવતાવાદનું નિર્માણ કર્યું કે જે કંઈક વધુ

ઉચ્ચતર અસ્તિત્વ તરફની પ્રગતિનું મૂળ છે. માનવતાવાદથી પ્રેરિત આપણે આપણી

જાત પ્રત્યે સાચા અને સર્જન માટે શક્તિમાન બનીએ છીએ. તેની વિરુદ્ધના બળથી

પ્રેરિત આપણે આપણી જાતને બેવફા અને દરેક પ્રકારની ભૂલના ભોગ બનીએ છીએ.

નૈતિકબળ કઈ ઊંચાઈ સુધી પહોંચે છે તે ૧૭મી અને ૧૮મી સદીમાં પ્રગટ થયું.

યુરોપના જે લોકો તે ધરાવતા હતા તેમને તેણે મધ્યયુગમાંથી બહાર આણ્યા. વહેમો,

વિરોધીઓ પ્રત્યે ત્રાસ, યાતના અને ક્રૂરતાના અન્ય વિવિધ સ્વરૂપો અથવા પરંપરાગત

મૂર્ખતાનો અંત આણીને તેણે ધીમે ધીમે જૂનાને સ્થાને નવું પ્રગટ કર્યું. અને જેઓ તેને

નિહાળતા હતા તેમને તેણે સતત આશ્ચર્ય પમાડ્યા. કયારેય પણ સાચી સભ્યતાના

જે કંઈ ગુણો આપણી પાસે હતા અને ખરેખર હજૂ પણ જો આપણે તે બધા ધરાવતા

હોઈએ તો તે આ નૈતિક બળના જ પ્રગટીકરણ રૂપે લેખી શકાય.

પાછળથી તેની શક્તિ ઘટી કારણ કે નૈતિક બળ, વૈજ્ઞાનિક શોધખોળો પાછળની

લગનમાં વ્યસ્ત દુનિયામાં તેના નૈતિક સ્વરૂપ માટે સમર્થન શોધવામાં અસફળ રહ્યું.

તેનું સ્થાન માનવતાની ગતિ માટેના મોળા નિશ્ચયવાળા ભાવે તથા ઓછા આદર્શો

અને વધુ સામગ્રીએ લીધું. જો આજે આપણે આપણું પતન અટકાવવા માગતા હોઈએ

તો આપણે ફરી એક વખત તે નૈતિકબળને શરણે જવું જોઈએ. મધ્યયુગમાં તેણે જે

ચમત્કાર કર્યો હતો તેનાથી પણ વધુ મોટો ચમત્કાર તે કરશે.

તે બળ મરી પરવાર્યું નથી. તે અલિપ્તતામાં જીવી રહ્યું છે. સંવાદિતા વિનાની

દુનિયામાં તેના નૈતિક સ્વરૂપ સાથે અસ્તિત્વ ટકાવી રાખવાની મૂશ્કેલી તે પાર કરી ગયું

છે. તેને ખાત્રી થઈ છે કે મનુષ્યની મૂળભૂત પ્રકૃતિ વિના અન્યત્ર કયાંય તેનો નિવાસ ન

હોઈ શકે. આ પ્રતીતિના સ્વીકારથી જે સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે તે વધારાની અસ્ક્યામત

છે.

તે નિસંદેહ વાત છે કે જેના મૂળ નૈતિકતામાં રહેલાં છે તે કરુણા જ્યાં સુધી માત્ર

માનવો જ નહીં પરંતુ પ્રાણીમાત્ર પ્રત્યે ન વહે ત્યાં સુધી તેનું સાચું પ્રમાણ ધરાવી શકશે

નહિ. જૂનું નીતિશાસ્ત્ર કે જે આટલું ઊંડાણ અને દૃઢ માન્યતાની ખામી ધરાવતું હતું તેમાં

જીવન પ્રત્યેના આદરની નૈતિકતાનો ઉમેરો થયો છે. અને તેનું સામર્થ્ય એકધારું સ્વીકારાતું

જાય છે.

ફરી એકવાર સમગ્ર માનવજાતને તેની વિચારવાની અને સંવેદવાની ક્ષમતાને

અપીલ કરીએ. તે તેની જાતને સમજે અને તેના પ્રત્યે વફાદાર રહે તેવી સૂચના આપવાની

હિંમત કરીએ. તેની પ્રકૃતિમાં રહેલા ઊંડા ગુણોમાં આપણો વિશ્વાસ પુનઃસ્થાપિત

કરીએ અને આપણા જીવનના અનુભવો આપણે સાચા છીએ તેમ સાબિત કરે.

એ સમય નિશ્ચિતપણે આવી ગયો છે જ્યારે સરકારોએ પોતાને લોકોની ઈચ્છાનો

અમલ કરનાર તરીકે જોવી જોઈએ. પરંતુ લોકોના શાંતિ માટેના સ્વાભાવિક પ્રેમ પરનો

કાન્ટનો વિશ્વાસ વ્યાજબી ઠર્યો નથી. કારણ કે લોકોની ઈચ્છા, સમૂહની ઈચ્છા હોવાથી

અસ્થિરતાનો ભય રહે છે અને આથી યોગ્ય તર્કના માર્ગથી ફંટાઈને તીવ્ર લાગણીયુક્ત

અવ્યવસ્થાનું જોખમ રહે છે. તે (લોકોની ઈચ્છા) જવાબદારીની ઊંડી સમજ પ્રદર્શિત

કરવામાં નિષ્ફળ ગઈ છે. છેલ્લા બે યુદ્ધોમાં નિષ્કૃષ્ટ પ્રકારના રાષ્ટ્રવાદનું પ્રદર્શન થયું.

અને તે પ્રજાઓ વચ્ચેના પારસ્પરિક સદ્‌ભાવમાં સૌથી મોટા અવરોધરૂપે આજે ધ્યાનમાં

લેવાવું જોઈએ.

આવો રાષ્ટ્રવાદ ફક્ત લોકોના માનવતાવાદી આદર્શોના પુનર્જન્મ દ્વારા જ પાછો

ઠેલી શકાય. જે સાચા આદર્શોથી પ્રેરિત તેમની રાષ્ટ્રભક્તિને સ્વાભાવિક બનાવશે.

દંભી રાષ્ટ્રવાદ સમુદ્રપારના દેશોમાં પણ નિરંકુશ છે. ખાસ કરીને એ પ્રજાઓમાં

કે જે પહેલાં ગોરાઓના પ્રભુત્વ નીચે હતી અને હમણાં જ જેમણે સ્વતંત્રતા મેળવી છે,

તેઓ રાષ્ટ્રવાદને પોતાનો એકમાત્ર આદર્શ તરીકે સ્વીકારીને જોખમમાં છે. ખરેખર

ઘણા વિસ્તારોમાં હજુ સુધી શાંતિ જળવાયેલી હતી તે આજે ભયમાં છે.

સભ્યતાના ચોક્કસ સ્તરે પહોંચેલ સંખ્યાબંધ લોકોએ એ વિચાર વ્યક્ત કર્યો છે કે

એક દિવસ શાંતિનું રાજ્ય સ્થપાશે. પેલેસ્ટાઈનમાં ઈ.સ.આઠમી સદીમાં પયગંબર

એમોસના શબ્દોમાં તે પ્રથમ વખત પ્રગટ થયો અને યહૂદી અને ખ્રિસ્તી ધર્મોમાં ઈશ્વરના

સામ્રાજ્યની માન્યતારૂપે તે સતત જીવંત રહ્યો. ચીનના મહાન ચિંતકો કોન્ફયુશિયસ

અને લાઓત્સેએ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં, મિત્સેએ પાંચમી અને મૅંગે-ત્સેએ ચોથી

સદીમાં શીખવેલા સિદ્ધાંતોમાં તે અંકિત થયો. તે ટોલ્સટોયમાં અને અન્ય સમકાલીન

યુરોપીયન ચિંતકોમાં ફરી દૃષ્ટિમાન થયો. લોકોએ તેને યુટોપિયાનું લેબલ દીધું. પરંતુ

આજે પરિસ્થિતિ એ છે કે તે એક યા બીજી રીતે વાસ્તવિક બનવો જોઈએ નહિ તો

માનવજાત નાશ પામશે.

હું એ બાબતથી સારી રીતે સભાન છું કે શાંતિની સમસ્યા માટે મારે જે કંઈ

કહેવાનું છે તેમાં મૂળભૂત રીતે કંઈ નવું નથી. મને ઊંડી ખાત્રી છે કે તેનો ઉકેલ એવા

નૈતિક તર્ક પર યુદ્ધને નકારવામાં રહ્યો છે કે યુદ્ધ આપણને અમાનુષી ગુન્હાના દોષી

બનાવે છે.

મારી મૌલિક્તાનો હું માત્ર એટલો દાવો કરું છું કે મારે માટે આ સત્ય એ બૌદ્ધિક

નિશ્ચયાત્મકતાની સાથે જાય છે કે આપણા સમયમાં માનવ આત્મા નવી માનસિકતા

સર્જવા શક્તિમાન છે, એક નૈતિક માનસિકતા. હું પણ આ સત્ય એવી આશામાં જાહેર

કરું છું કે મારું નિવેદન તેનો એક પ્રશંસનીય સંવેદના તરીકે નહીં પણ વ્યવહારુ

અસંભવિતતા તરીકે થતા ઈન્કારને રોકવામાં મદદરૂપ બનશે. ઘણા સત્યો લાંબા સમયથી

નોંધમાં લેવાયા વિનાના પડેલાં છે, ઉપેક્ષિત છે, માત્ર એટલા માટે કે તેના વાસ્તવિક

બનવાની ક્ષમતા તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી.

જ્યારે પ્રજાઓના મનમાં શાંતિનો આદર્શ પેદા થશે ત્યારે જ માત્ર શાંતિ જાળવવા

માટે સ્થપાયેલી સંસ્થાઓ તેનું કાર્ય અસરકારક કરી શકશે.

અત્યારે પણ આપણે શાંતિના અભાવના લક્ષણવાળા યુગમાં જીવીએ છીએ.

આજે પણ રાષ્ટ્રો બીજા રાષ્ટ્રોથી ભયભીત છે. આજે પણ આપણે દરેક રાષ્ટ્રને અવગત

કરાવવું જોઈએ કે તેની પાસે રહેલા ભયાનક જોખમોથી પોતાને રક્ષવા તૈયાર રહે.

આવી મૂંઝવનારી પરિસ્થિતિમાં આપણે નૈતિકતાનું પ્રથમ ચિહ્ન શોધીએ છીએ

જેમાં આપણે વિશ્વાસ મૂકવો જોઈએ. આવું ચિહ્ન એ સિવાય બીજું ન હોઈ શકે કે પ્રજાઓ

છેલ્લા યુદ્ધ દરમિયાન એકબીજા ઉપર જે દુષ્કર્મોની નસીહત દેતી હતી તેનું પ્રાયશ્ચિત

કરવા પ્રયત્ન કરે. લાખો કેદીઓ અને દેશનિકાલ લોકો પોતાના ઘરે પાછા ફરવાની રાહ

જોઈ રહ્યા છે. બીજાઓ અન્યાયી રીતે વિદેશી સત્તા દ્વારા સજા પામેલા છે અને મુક્ત

બનવાની રાહમાં છે. અન્ય અસંખ્ય અન્યાયો હજૂ પણ સુધારાની રાહમાં છે.

આ બધાના નામે શાંતિ માટે કોણ મહેનત કરશે ? હું લોકોને આ નવા રાજમાર્ગ

પર પહેલા કદમ ભરવા માટે વિનવું છું તેમાંના કોઈ પોતાના રક્ષણ માટે જરૂરી સત્તાનો

ભાગ ગુમાવશે નહીં.

જો આપણે હમણાં જ અનુભવેલા યુદ્ધના અન્યાયોને ઓગાળવાના પગલાં લઈએ

તો આપણે બધા લોકોમાં થોડો વિશ્વાસ ધીમે ધીમે જગાડીશું. કોઈપણ સાહસમાં વિશ્વાસ

એ મૂડી છે જેના વગર અસરકારક કામ ચાલી શકે નહીં. તે દરેક કાર્યક્ષેત્રમાં ફળદાયી

વિકાસની પરિસ્થિતિ સર્જે છે. આ રીતે સર્જાયેલા વિશ્વાસના વાતાવરણમાં બે યુદ્ધોએ

સર્જેલા પ્રશ્નોનો ન્યાયી ઉકેલ આપણે શોધી શકીએ.

હું માનું છું કે યુદ્ધના ભયમાં જીવતા દુનિયાના આપણા વિભાગના લાખો લોકોની

આશાઓ અને વિચારોને મેં વ્યક્ત કર્યા છે. મારા શબ્દો દુનિયાના બીજા ભાગ -

સીમારેખાની બીજી બાજુએ પણ આવી જ ભીતિ નીચે રહેલા લોકો સુધી તેના નિશ્ચિત

અર્થ સાથે ભલે પહોંચે.

જે માણસોના હાથમાં લોકોની નિયતિ રહેલી છે તેઓ એવું કંઈ પણ કરવાથી દૂર

રહે જેનાથી વર્તમાન પરિસ્થિતિ બગડે અને વધુ ભયજનક બની જાય. તેઓ એપોસ્ટલ

પોલના એ શબ્દો દિલમાં રાખે કે ‘‘જો શકય હોય તો જ્યાં સુધી તમારામાં જીવન હોય

ત્યાં સુધી બધા માણસો સાથે શાંતિપૂર્વક જીવો.’’ આ શબ્દો માત્ર વ્યક્તિઓ માટે જ

ઉપયુક્ત નથી, પરંતુ રાષ્ટ્રો માટે પણ તેમ જ છે. આ બધાં રાષ્ટ્રો શાંતિ જાળવવાના

તેમના પ્રયાસમાં આ ભાવના વિકસાવવા તથા કાર્યરત થવા માટે સમય આપવા બધું

જ કરે.

(ડૉ.સ્વાઈત્ઝરે આ વ્યાખ્યાન એમને એવૉર્ડ મળ્યા પછી લગભગ એક વર્ષ બાદ

ઓસ્લો યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આપ્યું હતું.)

• • •

દાગ હેમરશીલ્ડ - સ્વીડન

નોબેલ શાંતિ પારિતોષિક ૧૯૬૧

જન્મ : ૨૯-૭-૧૯૦૫

અવસાન : ૧૮-૯-૧૯૬૧

જીવનચરિત્ર :

દાગ હલ્જમાર એગ્ને, હેમરશીલ્ડ એગ્નેસ(આમકીસ્ટ) હેમરશીલ્ડ અને હજલ્માર

હેમરશીલ્ડના ચાર પુત્રોમાં સૌથી નાના હતા. તેઓ સ્વીડનના વડાપ્રધાન, હેગ

ટ્રીબ્યુનલના સભ્ય, ઉપલેન્ડના ગર્વનર અને નોબેલ ફાઉન્ડેશન બોર્ડના અધ્યક્ષ હતા.

દાગ હેમરશીલ્ડ, ઉપસલા યુનિવર્સિટીમાં તેમના સમયના અસાધારણ વિદ્યાર્થી

તરીકે ઓળખાતા હતા. તેમણે અહીંથી ૧૯રપમાં ભાષાશાસ્ત્ર, સાહિત્ય અને ઈતિહાસ

સાથે ડિગ્રી મેળવી. આ વર્ષો દરમ્યાન તેમણે અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષા પરના

પ્રભુત્વ માટે આધાર તૈયાર કર્યો. સ્વભાષામાં કલાત્મક સ્પર્શ સાથેનું છટાદાર કૌશલ્ય

વિકસાવ્યું. તેઓ જર્મન હરમાન હેસની અને અમેરિકન એમિલી ડિકિન્સનની કવિતા

સમજી શકતાં, ચિત્રોમાં આનંદ માણી શકતા - ખાસ કરીને ફ્રેંચ ઈમ્પ્રેસનીસ્ટના ચિત્રોમાં,

સંગીત પર, ખાસ કરીને બિથોવનના કમ્પોઝીશન્સ પર બોલી શકતાં અને પાછળના

વર્ષોમાં, ખ્રિસ્તી અધ્યાત્મશાસ્ત્ર પરના જટીલ સંવાદોમાં ભાગ લેતા. અંગ કસરતોમાં

તેઓ ઉત્તમ વ્યાયામવીર, એક મજબૂત સ્કીઅર અને પર્વતરોહક હતા કે જેમણે સ્વીડિશ

આલ્પીનીસ્ટ કલબના પ્રમુખપદે રહીને કેટલાંક વર્ષો સેવા આપી હતી. ટૂંકમાં દાગ

હેમરશીલ્ડ એક વિદ્યા સંપન્ન પુરૂષ હતા.

આમ છતાં થોડાં વર્ષો પૂરતો તેમનો મુખ્ય બૌદ્ધિક અને વ્યવસાયિક રસ રાજકીય

અર્થતંત્ર હતો. તેમણે ઉપસલામાં ૧૯ર૮માં અર્થશાસ્ત્રમાં બીજી ડિગ્રી લીધી. ૧૯૩૦માં

કાયદાની ડીગ્રી અને ૧૯૩૪માં અર્થશાસ્ત્રમાં ડોકટરેટની ડિગ્રી મેળવી. સ્ટોકહોમની

યુનિવર્સિટીમાં ૧૯૩૩ના એક વર્ષ માટે હેમરશીલ્ડે અર્થશાસ્ત્ર ભણાવ્યું. પરંતુ તેમની

પોતાની અભિપ્સા અને વારસો તેમને જાહેર સેવામાં પ્રવેશવા તરફ દોરી ગયો. જેને

પરિણામે તેમણે સ્વીડિશ નાણાંકીય બાબતો, સ્વીડિશ પરદેશ સંબંધો અને વૈશ્વિક

આંતરરાષ્ટ્રીય બાબતો માટે ૩૧ વર્ષ ગાળ્યાં. ૧૯૩૦થી ૧૯૩૪ દરમ્યાન બેરોજગાર

માટેના સરકારી કમિશનના સેક્રેટરી તરીકેની તેમની સફળતાએ બેન્ક ઓફ સ્વીડનના

ડાયરેક્ટરનું ધ્યાન દોર્યું. તેમણે તેમને ૧૯૩પમાં બેંકના સેક્રેટરી બનાવ્યા. ૧૯૩૬ થી

૧૯૪પ દરમ્યાન તેમણે નાણા મંત્રાલયના અંડર સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પદ સાથે

તેમને ૧૯૪૧ થી ૧૯૪૮ દરમ્યાન દેશના સૌથી પ્રભાવશાળી નાણાંકીય માળખા -

બેંક ઓફ સ્વીડન - ના ઉપરી તરીકે નીમવામાં આવ્યા.

હેમરશીલ્ડે રાષ્ટ્રસંઘમાં ૧૯૪૯માં અને ફરીથી ૧૯પ૧થી ૧૯પ૩ દરમ્યાન

સ્વીડનનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯પ૩માં ૬૦માંથી પ૭ મતો મેળવીને હેમરશીલ્ડ

રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે પાંચ વર્ષ માટે ચૂંટાયા અને ફરીથી ૧૯પ૭માં ચૂંટાયાં.

રાહ જોતા વૈશ્વિક પ્રશ્નો પ્રત્યે વળતાં પહેલાં તેમણે પ્રવૃત્તિ માટેનો દૃઢ પાયો નાખ્યો.

પોતાના કાર્યકાળ દરમ્યાન મધ્યપૂર્વમાં પેલેસ્ટાઈનમાં ૧૯પ૬ની સુએઝ નહેર

કટોકટી દરમ્યાન તેમાં સંડોવાયેલાં રાષ્ટ્રો સાથે તેમણે આગોતરા બચાવની મુત્સદ્દીગીરી

(ઁિીદૃીહૈંદૃી ડ્ઢૈર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ)નો ઉપયોગ કર્યો. રાષ્ટ્રસંઘના આદેશથી નાસરે નહેરનો

કબ્જો લેતાં ઈઝરાયેલ, ફ્રાંસ અને ગ્રેટબ્રિટન બળનો ઉપયોગ ન કરે તે માટે, અન્ય

રાષ્ટ્રોને સાથે રાખીને રાષ્ટ્રસંઘ તેમને અટકાવે તેમ ગોઠવ્યું. તેમણે રાષ્ટ્રસંઘના ઈમરજન્સી

ફોર્સ(ેંદ્ગઈહ્લ)ને નિયોજ્યું જે આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા સૌપ્રથમ વખત ગતિશીલ

થયું. ૧૯પ૯માં જયારે કમ્બોડિયા અને થાઈલેન્ડે તેમના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા

ત્યારે તેમણે અગ્નિ એશિયામાં પોતાના વ્યકિતગત પ્રતિનિધિને મોકલ્યા. તે જ રીતે

લાઓસમાં પ્રશ્ન ઊભો થયો ત્યારે પણ તેમ કર્યું.

આ પ્રણાલિઓની સ્થાપના સાથે રાષ્ટ્રસંઘ અને હેમરશીલ્ડે વિવિધ વિકાસશીલ

દેશોના નવી સ્વતંત્રતાથી ઉદભવતા પ્રશ્નો હાથ ધર્યા. તેમાં સૌથી વધુ જોખમી પ્રશ્ન

૧૯૬૦ના જુલાઈમાં નવા જ સ્વતંત્ર થયેલ કોંગોનો હતો. જયારે ત્યાંની નવી સરકાર

તેના જ સૈન્યના બળવાનો સામનો કરતી હતી, કટંગા પ્રાંત અલગ થયો અને બેલ્જીયન

દળોનો હસ્તક્ષેપ થયો ત્યારે તેણે રાષ્ટ્રસંઘની મદદ માંગી.ત્યારે રાષ્ટ્રસંઘે શાંતિરક્ષક

દળ મોકલીને પ્રતિભાવ આપ્યો. આ પ્રવૃત્તિની જવાબદારી હેમરશીલ્ડે સંભાળી.

રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષકદળો અને કટંગાના પ્રમુખ ત્શોમ્બે સાથે વ્યકિતગત ગોષ્ઠિ

માટે તેઓ પ્લેન દ્વારા રવાના થયા. ૧૭-૧૮ સપ્ટેમ્બરની રાત્રિએ કટંગા અને ઉત્તર

રહોડેશિયા વચ્ચે સીમા નજીક તેમનું પ્લેન તૂટી પડતાં તેઓ અને સાથેના અન્ય પંદર

મૃત્યુ પામ્યા.

જયારે તેઓ યુવાન હતા ત્યારે લખેલું -

“આવતીકાલે અમે મળીશું, મૃત્યુ અને હું- અને તે તેની તલવાર વીંઝશે

જે ખૂબ પ્રબુદ્ધ છે તેના પર”

સ્વીકૃતિ પ્રવચન

(૧૯૬૧ની ૧૦ ડિસેમ્બરે એવોર્ડ અર્પણ વિધિમાં મિ. લુટુલિએ તેમનું શાંતિ ઈનામ સ્વીકાર્યા

બાદ નોર્વેમાંના સ્વિડિશ એમ્બેસેડર સેલ્ફ એડબર્ગે, હેમરશીલ્ડના પરિવારનું પ્રતિનિધિત્વ કરીને દાગ

હેમરશીલ્ડને ૧૯૬૧નું મરણોત્તર અપાયેલું શાંતિ ઈનામ સ્વીકાર્યું.)

દાગ હેમરશીલ્ડની સંપત્તિના સંચાલકોની વિનંતીથી ૧૯૬૧નું આ ઈનામ જે મારા

મિત્ર અને દેશબાંધવને મરણોત્તર અપાય છે તે અસીમ વિષાદ સાથે હું સ્વીકારું છું.

તેઓ આજે અહીં ઊભા હોત તો તેમણે શું વિચાર્યું અને કહ્યું હોત તે જો હું તમને

દર્શાવી શકું તો હું કેટલો આભારી થઈશ!

મારા સ્વદેશબંધુ જાગી રહેલા ને ઊભરી રહેલા આફ્રિકા ખંડ માટે ઘણી દરકાર

રાખતા હતા જે તેમની નિયતિ બનનાર હતો. તેમણે એક વખત કહેલું કે હવે પછીનો

દાયકો કાં તો આફ્રિકાનો અથવા એટમ બોમ્બનો હશે. તેઓ દૃઢપણે માનતા હતા કે

નવા દેશો પાસે રાષ્ટ્રોની પ્રજાને પૂરો પાડવાનો મહત્વનો સંદેશ છે. તેથી તેમણે પોતાનું

બધું ઈચ્છાબળ અને છેલ્લે તો તેથી પણ વધુ -તેમનો (નવા દેશોનો) ભવિષ્યનો માર્ગ

સુગમ બને તે માટે વાપર્યું.

રાષ્ટ્રસંઘ દ્વારા જીવનમાં આવેલ ફિલોસોફીની મોટી કસોટી આફ્રિકા બને તેમ

તે જોવા ઈચ્છતા હતા.

સમય સાથે તેમને ફરી ફરી થયું કે શાંતિ અને માનવ અધિકારો વચ્ચે અભેદ્ય સંબંધ

છે. બધા નાગરિકો માટે સહિષ્ણુતા, કાયદા દ્વારા રક્ષણ, સમાન રાજકીય અધિકારો અને

સમાન આર્થિક તકો - કોઈપણ દેશોમાં સંવાદી જીવન માટે પૂર્વ અપેક્ષિત બાબતો છે.

તેમણે આપણને યાદ અપાવ્યું હોત કે કેવી રીતે માણસ પોતે કુટુંબ રચે છે,

કુટુંબો ભેગા મળીને જાતિ અને ગામડાંઓના લોકો પ્રજા અને રાષ્ટ્રોમાં વિકસે છે. પરંતુ

રાષ્ટ્ર પછી વિકાસની ગતિ બંધ ન થવી જોઈએ. રાષ્ટ્રસંઘના ખતપત્રમાં તેમણે તેનું

દિશાસૂચન જોયું, જેને તેમણે સંગઠિત આંતરરાષ્ટ્રીય સમુદાય કહ્યો.

પ્રતિવર્ષે સામાન્ય સભાના તેમના વાર્ષિક અહેવાલમાં તેઓ વધુ દૃઢતાથી

તીવ્રપણે એ બાબત પર ભાર મૂકતા હતા કે વિકાસના કાર્યોમાં રાષ્ટ્રસંઘને એક ગતિશીલ

સાધન તરીકે આકાર આપવો જોઈએ. તેમના છેલ્લા અહેવાલમાં, સશસ્ત્ર હરીફાઈમાં

રાજયોના સાર્વભૌમત્વની સમયોચિત ફિલોસોફીને વળગી રહેલાં ને જેમાંના ઘણા

એવી આશા સેવતા હતા કે શાંતિમય સહઅસ્તિત્વ તેઓ મેળવશે. તેવા સભ્ય રાષ્ટ્રોને

તેમણે ઘણા સંયમથી પણ વેધક અવાજમાં મોઢામોઢ કહ્યું. ‘‘જયાં રાષ્ટ્રો પાસે આજસુધી

ગુપ્ત વિનાશકારી શસ્ત્રોની યોજના હોય ત્યાં દુનિયામાં સતત વધી રહેલા પરસ્પરાવલંબન

સાથે આ ફિલસૂફીનો મેળ ખાતો નથી.’’ આંતરરાષ્ટ્રીય સહકાર માટેના વધુ વિકસિત

સ્વરૂપો માટે રાષ્ટ્રસંઘે માર્ગો ખોલવા જોઈએ.

તેમણે રિપોર્ટમાં આ વર્ષની ૧૭મી ઓગસ્ટની તારીખ નાંખી. હવે આ તેમનો

છેલ્લો દસ્તાવેજ બની રહ્યો છે.

નાના અને મોટા બધા રાષ્ટ્રોના સમાન અધિકારો સંબંધી ખતપત્રના શબ્દોમાં

તેમણે હાર્દ અને મહત્વ શોધ્યાં - ખાસ કરીને નાના વિકાસશીલ દેશો, જેમને પોતાના

રક્ષણ અને ભવિષ્ય માટે રાષ્ટ્રસંઘની જરૂર હતી. તેથી જ મોટા રાષ્ટ્રોમાંના એકે જયારે

તેમનું રાજીનામું માગ્યું ત્યારે તેમણે હટી જવાનો કે સંગઠનને તોફાનને હવાલે કરવાનો

ઈન્કાર કર્યો.

પોતાના પિતા વિશે એક વખત તેમણે લખેલા શબ્દોને યાદ કર્યા “દૃઢ નિશ્ચયવાળો

માણસ પૂછતો નથી તેમજ જેમની સાથે સંઘર્ષમાં આવવાનું થયું હોય તેની પાસેથી

સમજદારી મેળવતો નથી.’’ આ તેમણે હાજલ્માર હેમરશીલ્ડ વિશે લખેલું. ‘‘એક

પરિપકવ માણસ પોતે જ પોતાનો ન્યાયાધીશ છે. છેલ્લે સુધી, પોતાના નિર્ણય પ્રત્યેની

નિષ્ઠા જ તેનો એક માત્ર મજબૂત ટેકો બને છે.” આ શબ્દો તેમને પોતાને જ કેટલા

ઉચિત રીતે લાગુ પડે છે, જયારે તેઓ કોંગો ગતિવિધિમાં પત્રના સિદ્ધાંતને જાળવવા

અથવા સિવિલ સર્વન્ટસના સાચા આંતરરાષ્ટ્રીય માળખાના વિચારના રક્ષણ માટે

ખચકાટ વિના ખડા થયા હતા!

શાંતિ અને લોકોના કલ્યાણ સંબંધી પ્રશ્નોને જયારે અતિશય ગરમ વાતાવરણમાં

ચર્ચવામાં આવ્યા ત્યારે તેમણે બેચેની અનુભવી. એક પ્રત્યક્ષદર્શીએ તેમને ત્યાં ખૂબ

ગંભીર, જમણા હાથની આંગળીઓ તેમના ગાલ સામે રાખીને બેઠેલા જોયા- તેઓ

હંમેશા આ રીતે ધ્યાનથી સાંભળતા. તેઓ પોતાને પ્રશ્ન પૂછતા હશે? શું તેઓ લીલા

આરસ ટેબલ પાછળથી એક નબળા માણસને રજૂ કરે છે? નવા ઘોંઘાટના ઊછળતા

મોજામાં શિષ્ટ અને શાંત રાજનીતિની પ્રણાલીને ડૂબાડી નાશ થવા દેનાર છે ? અથવા

તે તેના વિશ્વસમુદાયના સ્વપ્ન સાથે ભવિષ્યની છડી પોકારનાર છે ? છેલ્લું આપણને

માનવું ગમશે.

તેમને પોતાના આદર્શોના પ્રતીતિજનક બળ અંગે જરા પણ શંકા ન હતી. તેની

અભિવ્યકિત તેમણે તેમના છેલ્લા લેખમાં આ રીતે લખીને કરી - “આદર્શોને સાકાર

કરવાના પ્રયત્નમાં મળેલી નિષ્ફળતાથી એ સાબિત નથી થતું કે આદર્શો ખોટા છે.”

આવો નિશ્ચય જીવનની ચોક્કસ ફિલોસોફી પર આધારિત હોવો જોઈએ. તેમને

મળનારામાં કોઈક જ એ નોંધી શકતા કે તેમની ભીતરમાં એક અવકાશ હતો. સંભવતઃ

કોઈપણ એ અવકાશમાં પ્રવેશવા શકિતમાન બન્યું ન હતું.

પરંતુ તેમને જે કંઈક આવશ્યક હતું તે તેમણે શોધી કાઢયું હતું તેમ આપણે માની

શકીએ. તેમણે જે છેલ્લા પુસ્તકનું ભાષાંતર કર્યું તે પુસ્તકમાં જયુઈશ ફિલોસોફર માર્ટીન

બુબરે તેમની માન્યતા જણાવી છે કે તમામ વાસ્તવિક જીવન એ સંયોગ છે. તેઓ પોતે

માનતા હતા કે વિચારસરણીઓ, જાતિઓ અને રાષ્ટ્રોના અવરોધોથી પર એવા અદૃશ્ય

પુલો છે જયાં લોકો માનવ તરીકે મળી શકે.

અને કદાચ આપણે અંધકાર અને દેખાતી નિરર્થકતામાં તે સપ્ટેમ્બરની આફ્રિકન

રાત્રે શું બન્યું તેમાં કંઈક સંકેત જોવાની હિંમત કરી શકીએ. એરોપ્લેનના વિખરાયેલા

અવશેષોમાં કેટલાંક પુસ્તકો હતા તેમાનું એક જેનું સ્વીડિશમાં તાજું ભાષાંતર હતું. તે

રાતની ફલાઈટ ઉપડે તેની થોડી જ વાર પહેલાં તેમના મિત્ર થોમસ કેમ્પિસનું પુસ્તક

આપી ગયેલા. તેના પાના વચ્ચે મહામંત્રીના હોદૃા માટેનો શપથપત્ર દાબેલો હતો.

“હું, દાગ હેમરશીલ્ડ ગંભીરપણે શપથ લઉં છું કે હું પૂર્ણ નિષ્ઠા ડહાપણ અને

અંતઃકરણપૂર્વક રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે મને જે કાર્યો સોંપવામાં આવ્યા છે તે

બજાવીશ, રાષ્ટ્રસંઘને જ માત્ર ધ્યાનમાં રાખીને તેના હિતમાં કાર્યો કરવા માટે હું આચરણ

કરીશ.

જો તેઓ આજે અહીં ઊભા હોત તો મને લાગે છે કે તેમણે પોતાનાં કર્તવ્યો

કાર્યો અંગે સ્પષ્ટ કહ્યું હોત.

મારા દેશ બાંધવ એક વિશ્વનાગરિક બન્યા. જે લોકોમાંથી તેઓ આવતા હતા

તેઓ તેમને આ રીતે માન આપતા હતા. પરંતુ તે ખરતા પાનની પાનખરમાં જયારે

તેમની યુવાનીમાં ઉપ્પસલામાં પાછા આવ્યા ત્યારે તેઓ ફરી અમારા બની ગયા- તેઓ

ઘરે પાછા ફર્યા. તેમણે શરમાળપણે પોતાની આંતરિક દુનિયાને સંભાળી રાખી હતી,

પરંતુ તે જ ક્ષણે દૂરી દૂર થઈ અને અમે અનુભવ્યું કે તે અમારી ઘણી નજીક હતા.

તેથી એક માણસને મળતું સર્વોચ્ચ સન્માન જયારે અમારા દેશ બાંધવને અપાય

છે ત્યારે હું અમારા સમગ્ર લોકો વતી માનપૂર્વક આભાર વ્યકત કરું છું. દાગ હેમરશીલ્ડને

અપાયેલ શાંતિ માટેના ઈનામમાંથી તેમના નામથી એક ફંડ રચાશે અને જેનો ઉપયોગ

તેમને પ્રિય એવા કાર્યોમાં થશે.

• • •

માર્ટિન લ્યુથર કિંગ (જુ) - યુ.એસ.એ.

નોબેલ શાંતિ પારિતોષિક (૧૯૬૪)

જન્મ : ૧૯ર૯

અવસાન : ૧૯૬૮

જીવન ઝરમર :

૧૯૧૪થી ૧૯૩૧ દરમ્યાન એટલાન્ટામાં એબેનેઝર બાપ્ટિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી

ધર્મોપદેશક તરીકે સેવા આપીને તેમના દાદાએ કુંટુંબના લાંબા કાર્યકાળનો આરંભ

કર્યો. તેમના પિતાએ અને તે પછી મૃત્યુ સુધી માર્ટિન લ્યુથર કિંગે સહઉપદેશક તરીકે

સેવા આપી. માર્ટિન લ્યુથર જયોર્જિયામાં અલાયદી પબ્લિક સ્કૂલમાં ભણ્યા. પંદર વર્ષની

વયે હાઈસ્કૂલમાંથી ગ્રેજયુએટ થયા, મોરહાઉસ કોલેજમાંથી ૧૯૪૮માં બી.એ. ની

ડિગ્રી પ્રાપ્ત કરી- જે એટલાન્ટાની વિશિષ્ટ નિગ્રો સંસ્થા હતી, જયાંથી તેમના પિતા

અને દાદા બંન્ને ગ્રેજયુએટ થયા હતા. પેન્સિલવેનિયામાં ક્રોઝર સેમિનારી કે જયાં

પ્રભાવશાળી શ્વેતોના સિનિયર કલાસમાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ત્યાં તેમણે

ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો અને ૧૯પ૧માં તેમને બી.ડી. એનાયત કરવામાં આવી.

ક્રોઝરમાંથી ફેલોશીપ મેળવી તેઓ બોસ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજયુએટ અભ્યાસમાં દાખલ

થયા. ૧૯પ૩માં ડૉકટરેટ માટેનો નિવાસ પૂરો કર્યા બાદ ૧૯પપમાં તેમણે ડિગ્રી મેળવી.

બોસ્ટનમાં તેઓ અસામાન્ય બુદ્ધિ અને કલામાં અભિરૂચિ ધરાવનાર યુવતી કોરેટા

સ્કોટને મળ્યા અને તેમની સાથે લગ્ન કર્યા. તેમના કુટુંબમાં બે પુત્રો અને બે પુત્રીઓનો

જન્મ થયો.

૧૯પ૪માં માર્ટિન લ્યુથર કિંગ મોન્ટગોમરી આલ્બામામાં ડેકસ્ટર એવન્યુ બાપ્ટિસ્ટ

ચર્ચમાં ધર્મોપદેશક બન્યા. પોતાની જાતિના સભ્યોના નાગરિક અધિકારો માટેના હંમેશા

મજબૂત કાર્યકર એવા કિંગ આ સમયે, રાષ્ટ્રના એક અગ્રગણ્ય સંગઠન - ‘નેશનલ

એસોસિયેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલ’ની કારોબારી સમિતિના સભ્ય

હતા. ૧૯પપના ડિસેમ્બરની શરુઆતમાં તેઓ યુનાઈટેડ સ્ટેટ્‌સમાં સાંપ્રત સમયના

પહેલા મહાન નિગ્રો અહિંસક પ્રદર્શનનું નેતૃત્વ લેવા તૈયાર હતા. એ બસ બહિષ્કાર

૩૮ર દિવસ ચાલ્યો હતો. ૧૯પ૬ની ર૧મી ડિસેમ્બરે યુનાઈટેડ સ્ટેટસની સુપ્રિમ કોર્ટે

જયારે જાહેર કર્યું કે બસોમાં અલાયદાપણું રાખવું તે ગેરબંધારણીય છે, ત્યારે નિગ્રો

અને શ્વેતો બસમાં સમાનપણે ચડયા. બહિષ્કારના આ દિવસો દરમ્યાન કિંગની ધરકપકડ

થઈ. તેમના ઘર પર બોંબ ફેેંકાયો, તેમને વ્યકિતગત રીતે નિંદવામાં આવ્યા. પરંતુ તે

સાથે જ તેઓ પ્રથમ કક્ષાના નિગ્રો નેતા તરીકે ઊભરી આવ્યા.

૧૯પ૭માં તેમને વેગ પકડી રહેલી નાગરિક અધિકારોની ચળવળને નવું નેતૃત્વ

આપવા માટે રચાયેલ સંગઠન ‘સધર્ન ક્રિશ્ચિયન લીડરશીપ કોન્ફરન્સ’ના પ્રમુખ તરીકે

ચૂંટવામાં આવ્યા. આ સંગઠન માટેનો વિચાર તેમણે ખ્રિસ્તી ધર્મમાંથી મેળવ્યો. તેને

અમલમાં મૂકવાની પદ્ધતિ ગાંધી પાસેથી મેળવી. ૧૯પ૭ અને ૧૯૬૮ વચ્ચેના અગિયાર

વર્ષના ગાળામાં કિંગે લગભગ સાઠ લાખ માઈલનો પ્રવાસ કર્યો અને પચીસસોથી વધુ

વખત સંબોધન કર્યું. અને તે દરમ્યાન તેમણે પાંચ પુસ્તકો તથા અનેક લેખો લખ્યા. આ

વર્ષોમાં તેમણે બાર્મિંગહામ- આલ્બામામાં એક વિશાળ વિરોધનું નેતૃત્વ કર્યું જેણે સમગ્ર

દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આ આયોજનને તેમણે ન્યાયનું સંગઠન કહ્યું. તેમણે આલ્બામામાં

નિગ્રોના મતદાર તરીકેના રજીસ્ટ્રેશન માટે યોજના બનાવી. તેમણે ર,પ૦,૦૦૦ લોકોને

વોશિંગ્ટન ડીસી સુધીની શાંતિપૂર્ણ કૂચ માટે દોર્યા, જ્યાં તેમણે “મારું એક સ્વપ્ન છે”

એ ઉદબોધન કર્યું. તેમણે પ્રમુખ જહોન એફ કેનેડી સાથે મસલત કરી અને પ્રમુખ

લિન્ડન બી જ્હોનસન માટે અભિયાન ચલાવ્યું. તેમને વીસથી વધુ વખત પકડવામાં

આવ્યા અને ઓછામાં ઓછા ચાર વખત તેમના પર હુમલો થયો. તેમને પાંચ માનદ્‌

ડિગ્રીઓથી નવાજવામાં આવ્યા, ૧૯૬૩માં ‘ટાઈમ મેગેઝિન’માં ‘મેન ઓફ ધ ઈયર’

માં તેમનું નામ મૂકાયું- આ બધું જ પ્રેરણાદાયી બની રહ્યું. તેઓ માત્ર અમેરિકન અશ્વેતોના

જ પ્રતીક રૂપ નેતા ન રહ્યા પરંતુ એક વૈશ્વિક વ્યકિત બન્યા.

પાંત્રીસ વર્ષની વયે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનારા માર્ટિન લ્યુથર કિંગ

જુ સૌથી નાના હતા. જયારે તેમની પસંદગીની નોંધ થઈ ત્યારે તેમણે જાહેર કર્યું કે આ

પ્રાઈઝની રકમ પ૪,૧ર૩ ડૉલર તેઓ નાગરિક અધિકારોની ચળવળને આગળ

ધપાવવામાં વાપરશે.

૧૯૬૮ની ૪થી એપ્રિલે, સાંજે જયારે તેઓ મેમ્ફિસ- ટેનિસમાં તેમની મોટેલના

રૂમની બાલ્કનીમાં ઊભા હતા જયાંથી તેઓ નગરના સફાઈ કર્મચારીઓની હડતાલની

સહાનુભૂતિમાં વિરોધ કૂચ દોરવાના હતા, ત્યારે તેમની હત્યા થઈ.

સ્વીકૃતિ પ્રવચન ડિસેમ્બર ૧૧,૧૯૬૪

શાંતિ અને ન્યાય માટેન ી ખોજ :

યુનાઈટેડ સ્ટેટસમાંની નાગરિક અધિકારો માટેની ચળવળને અને મને આવું

મહાન સન્માન બક્ષવા બદલ નોર્વેજિયન પાર્લામેન્ટની નોબેલ સમિતિ પ્રત્યે ફરીથી

મારી ઊંડી આભારવૃત્તિ વ્યકત કર્યા વિના આ વ્યાખ્યાનની શરૂઆત કરવાનું અશકય

છે. જીવનમાં ઘણી વખત એવા અવર્ણનીય સંતોષની ક્ષણો આવે છે જેને શબ્દોમાં

સંપૂર્ણપણે વ્યકત ન કરી શકાય. હૃદયની મૌન ભાષા દ્વારા જ તેનો અર્થ સમજાવી

શકાય. તેવી અનુભૂતિ હું આ ક્ષણે કરી રહ્યો છું. આ ઉત્તમ અને આનંદપૂર્ણ ક્ષણ હું

માત્ર મારા એકલા માટે અનુભવતો નથી. પરંતુ અહિંસાના તે ઉપાસકો કે જેઓ જાતિગત

અન્યાયના કિલ્લા સામે હિંમતપૂર્વક આગળ વધ્યા અને તે કાર્યમાં પોતાનું મનુષ્યને

યોગ્ય એવું નવું માન પ્રાપ્ત કર્યું. તેમાંના ઘણા યુવાન, સૌજન્યશીલ છે. બીજા મધ્યમ

વયના અને મધ્યમ વર્ગના છે. બહુમતી ગરીબ અને અશિક્ષિત છે. પરંતુ તેઓ બધા -

અપમાનિત ભેદભાવ સ્વીકારવા કરતાં ગૌરવભેર સહન કરવું વધુ સારું તેવા દૃઢ

નિશ્ચયમાં સંગઠિત હતા. સ્વાતંત્ર્ય સંઘર્ષના તેઓ સાચા નાયકો છે. તે ઉમદા લોકો

માટે હું આ નોબેલ પારિતોષિક સ્વીકારું છું.

આ સાંજે આ ભવ્ય અને ઐતિહાસિક પ્લેટફોર્મનો ઉપયોગ , આજે માનવજાત

સમક્ષ સૌથી મહત્વની સમસ્યા મને જે લાગે છે તેની ચર્ચા કરવા માટે કરવાનું મને ગમશે.

આધુનિક માનવે સમગ્ર દુનિયાને ધાસ્તી પ્રેરક ભાવિના ઉંબર પર લાવીને મૂકી છે. તેણે

વૈજ્ઞાનિક સિદ્ધિઓના નવા અને આશ્વર્યજનક શિખરો પ્રાપ્ત કર્યા છે. તેણે એવાં મશીનો

પેદા કર્યા છે કે જે વિચાર કરે અને એવાં સાધનો કે જે અવકાશના અસીમ વિસ્તારમાં

અવલોકન કરે. તેણે સમુદ્રો ઉપર ભવ્ય પૂલો અને ગગનચૂંબી ભવ્ય ઈમારતો બાંધ્યા છે.

તેના હવાઈ જહાજો અને અવકાશયાનોએ અંતર ઘટાડી નાખ્યું છે, સમયને સાંકળી લીધો

છે. અને પૃથ્વીના મૃદાવરણમાં મહામાર્ગો અંકિત કર્યા છે. આધુનિક માનવની વૈજ્ઞાનિક

અને ટેકનોલોજીકલ પ્રગતિનું આ આંજી નાખનારું ચિત્ર છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ ભવ્ય ઝડપી પ્રગતિ હજુ ઘણી થશે તેમ છતાં,

કશુંક પાયાનું ખૂટે છે તે છે આત્માની એક પ્રકારની દરિદ્રતા. જે આપણી વૈજ્ઞાનિક અને

ટેકનોલોજીકલ વિપુલતામાં ચમકતા વિરોધાભાસ રૂપે ખડી છે. ભૌતિક રીતે આપણે

જેટલા વધુ સમૃદ્ધ બન્યા, નૈતિક અને આધ્યાત્મિક રીતે તેટલા વધુ ગરીબ બન્યા.

આપણે પક્ષીની જેમ હવામાં ઊડતા શીખ્યા અને માછલીની જેમ તરતા શીખ્યા પરંતુ

ભાતૃભાવથી સાથે જીવવાની સાદી કળા શીખ્યા નથી.

દરેક માનવ બે સ્તરે જીવતો હોય છે - આંતરિક અને બાહ્ય. આંતરિક ક્ષેત્રમાં

આધ્યાત્મિક હેતુઓ કલા, સાહિત્ય, નૈતિકતા અને ધર્મમાં વ્યકત થતા હોય છે.

બાહ્યક્ષેત્રમાં છે કરામતોનું મિશ્રણ, ટેકનીકો, યંત્રરચના અને યાંત્રિકતાઓના ઉદ્દેશો,

જેનાથી આપણે જીવીએ છીએ. આજે પ્રશ્ન એ છે કે આપણે આંતરિક ક્ષેત્રને બાહ્યમાં

ખોવાઈ જવાની છૂટ આપી છે. આપણે જે ઉદૃેશો માટે જીવીએ છીએ તેને દૂર કરીને જે

સાધનો વડે આપણે જીવીએ છીએ તેને પ્રવેશ આપ્યો છે. આધુનિક જીવન વિષે આ

બધું કવિ થોરોની નોંધપાત્ર ઉકિતમાં સંક્ષિપ્ત થઈ શકે છે.ઃ “કનિષ્ઠ હેતુઓ માટે ઉન્નત

સાધનો” આધુનિક માનવ સમક્ષ આ ગૂંચવાડો ગંભીર, ઊંડો અને ઉપદ્રવી છે. જો

આજે આપણે બચવા માગતા હોઈએ તો આપણી નૈતિક અને આધ્યાત્મિક ક્ષુદ્રતા દૂર

થવી જોઈએ. અતિશય ભૌતિક શકિતની સાથે જો પ્રમાણસર આત્માનો વિકાસ ન

થયો હોય તો મોટો વિનાશ સર્જે છે. જયારે માનવીની પ્રકૃતિનું ખાલીપણું સીમિતને

તાબે થાય છે, ત્યારે દુનિયામાં કાળાં તોફાની વાદળો ઘેરાવા શરુ થાય છે.

આ આધ્યાત્મિક અને નૈતિક ક્ષુદ્રતા જે આધુનિક માનવનું મુખ્ય સંકટ ઊભું

કરે છે તે ત્રણ મોટી સમસ્યા રૂપે વ્યકત થાય છે, જે માનવની અપરિપકવ

નૈતિકતામાંથી સર્જાય છે. તેમાંની દરેક સમસ્યા અલગ અને અલિપ્ત દેખાય છે. પણ

એકબીજા સાથે અંદરથી સંકળાયેલી છે. મારો સંદર્ભ- વંશીય (જાતિગત) અન્યાય,

ગરીબાઈ અને યુદ્ધ છે.

સૌ પ્રથમ હું વંશીય અન્યાયના પ્રશ્નનો નિર્દેશ કરવાનું પસંદ કરીશ. વંશીય

અન્યાયના દૂષણને દૂર કરવાના સંઘર્ષે આપણા સમયના સૌથી મોટા સંઘર્ષને ઊભો

કર્યો છે. યુનાઈટેડ સ્ટેટસના નિગ્રો લોકોનું વર્તમાન ઉત્થાન, તેમની સ્વતંત્રતા અને

સમાનતાને ‘અહીં’ અને ‘અત્યારે’ જ વાસ્તવિક બનાવવાના ઊંડા અને દૃઢ નિશ્ચયમાંથી

સર્જાયું છે. એક દૃષ્ટિએ યુનાઈટેડ સ્ટેટસમાં નાગરિક અધિકારોની ચળવળ એ વિશિષ્ટ

અમેરિકન ઘટના છે. જેને અમેરિકન ઈતિહાસના પ્રકાશમાં સમજવી જોઈએ અને

અમેરિકન પરિસ્થિતિના સંદર્ભમાં ઉકેલવી જોઈએ. પરંતુ બીજા અને વધુ મહત્વના

સ્તરે, આજે યુનાઈટેડ સ્ટેટસમાં જે બની રહ્યું છે તે સાપેક્ષ રીતે વિશ્વવ્યાપી વિકાસનો

એક નાનો અંશ છે.

ફિલોસોફર આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટ કહે છે “આપણે એવા સમયમાં જીવીએ છીએ

કે જયારે સભ્યતા તેના પાયાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી રહી છે. ઈતિહાસમાં આ

મોટો વળાંક છે. જયાં, જેના પર સમાજ રચાયો છે તે ધારણાઓનું પૃથક્કરણ થઈ રહ્યું

છે, જે તીવ્રપણે પડકારરૂપ છે અને બેહદ પરિવર્તન પામે છે.” અત્યારે આપણે જે જોઈ

રહ્યા છીએ તે સ્વાતંત્ર્યનો વિસ્ફોટ છે.

આ વિકાસ ઈતિહાસના કોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય નહીં પમાડે. પીડિત લોકો

હંમેશ માટે પીડિત રહી શકે નહી. સ્વાતંત્ર્ય માટેનો તલસાટ આખરે જાતે જ પ્રગટ થાય

છે. બાઈબલ તે વિષે રોમાંચક કથા આપે છે કે કેવી રીતે મોઝિઝ ફેરોહના દરબારમાં

સદીઓ પહેલાં ઊભો રહ્યો અને બરાડી ઊઠયો-“મારા લોકોને જવા દો.” એ જ કથાના

સાતત્યમાં આ એક પ્રારંભનું પ્રકરણ છે. નિગ્રોને કંઈક અંદરનો અવાજ આવ્યો કે

સ્વાતંત્ર્ય તેનો જન્મસિદ્ધ અધિકાર છે અને કંઈક અભાવે એ યાદ અપાવ્યું કે તે મેળવી

શકાય છે.સભાનપણે કે અભાનપણે તે નૈતિક અને સાંસ્કૃતિક વલણોથી પડકાર્યો. તેના

આફ્રિકાના અશ્વેત ભાઈઓ અને એશિયા, દક્ષિણ અમેરિકા અને કેરેબિયનમાંથી તેના

ભૂરા અને પીળા ભાઈઓ સાથે, યુનાઈટેડ સ્ટેટસના નિગ્રો (વંશીય) જાતિગત ન્યાયની

ઝંખના તરફ તાતી જરૂરિયાતની માંગણીથી આગળ વધી રહ્યા છે.

પ્રગતિ થઈ રહી છે તેનો બીજો નિર્દેશ યુનાઈટેડ સ્ટેટ્‌સની હમણાંની પ્રમુખની

ચૂંટણીમાં મળ્યો. અંતિમવાદ, વંશવાદ અને વિપરીત વિચારોથી ઓળખાયેલ

પ્રમુખપદના ઉમેદવારને દૃઢપણે નકારીને અમેરિકન પ્રજાએ પોતાની મહાન પરિપકવતાને

પ્રગટ કરી અંતિમવાદીઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેઓએ શ્વેત વિરુદ્ધ નિગ્રોને સામસામે

લાવવા માગતા અને દેશને ભયજનક ફાસિસ્ટ માર્ગે લઈ જનારા આપણા સમાજના તે

પરિબળોને પરાજિત કર્યા.

તમારા પર હું ખોટી અસર ઊભી નહીં કરું, સમસ્યા ઉકેલથી ઘણી દૂર છે. યુનાઈટેડ

સ્ટેટ્‌સમાં નિગ્રો માટે સ્વાતંત્ર્યના સ્વપ્નને વાસ્તવિકતા બનાવવા માટે હજુ લાંબો લાંબો

પંથ કાપવાનો છે.બાઈબલની આલંકારિક ભાષામાં કહીએ તો અમે ઈજિપ્તની રેતાળ

ભૂમિ છોડી દીધી છે. અને રાતો સમુદ્ર પાર કર્યો છે કે જેનાં પાણી વર્ષોથી જબ્બર અવરોધરૂપી

ઘાતક શિયાળાથી તોફાની રહ્યાં છે. પરંતુ અમે તે “પ્રોમિસ્ડ લેન્ડ”ના ભવ્ય કિનારા પર

પહોંચીએ તે પહેલાં હતાશાજનક અને વ્યાકુળ કરનાર અરણ્ય ત્યાં રહેલું છે અમારે હજુ

વિરોધની ગંજાવર ટેકરીઓનો અને નડતરના જબરા પર્વતોનો સામનો કરવાનો છે. પરંતુ

ધીરજ અને દૃઢ નિશ્ચયબળથી અમે, જયાં સુધી નવાં આશાનાં શિખરો સુધી દરેક નિરાશાની

ખીણો ઊંચી નહીં આવે, જ્યાં સુધી ગર્વ અને અજ્ઞાનતાનો દરેક પર્વત નમ્રતા અને કરૂણાની

સમાન કરનારી પ્રક્રિયાઓ દ્વારા ઝૂકે નહીં, જયાં સુધી અન્યાયના ખડબચડા સ્થાનો-તકોની

સમાનતા રૂપી સુંવાળા સમથળ સ્થાનોમાં ફેરવાય નહીં અને જયાં સુધી પૂર્વગ્રહોનાં બેડોળ

સ્થાનો, તેજસ્વી દૃષ્ટિયુકત ડહાપણની પ્રક્રિયા દ્વારા સુડોળમાં ફેરવાય નહીં ત્યાં સુધી

આગ્રહપૂર્વક આ અભિયાનને વળગી રહીશું.

અમારા અભિયાનના હાર્દ અને બાહ્ય સ્વરૂપના લક્ષણને દર્શાવનાર શબ્દ છેઅ

હિંસા અને તે નિઃશંકપણે એ પરિબળ છે જે આ સંઘર્ષ સાથે એકરૂપ વ્યકિતને શાંતિ

પારિતોષિક એનાયત કરવા માટે યોગ્ય બનાવતું જણાય છે. વિસ્તારથી કહેતાં, નાગરિક

અધિકારોના સંધર્ષમાં અહિંસાનો અર્થ સંઘર્ષ માટે હથિયારો અને શસ્ત્રોનો આધાર ન

લેવો તે. તેનો અર્થ ગુલામ કરનારા અને ભેદભાવ કરનારા મૂળભૂત અભિગમોવાળા

શાસનના નિયમો અને કાયદાઓ પ્રત્યે અસહકાર. તેનો અર્થ એ છે કે વિરોધ માટે

પરોક્ષ પદ્ધતિઓ જે ઘણીવાર આમ સમૂહને સક્રિયપણે સામેલ નથી કરતી, તેને બદલે

આમ સમૂહની પ્રત્યક્ષ ભાગીદારી હોવી તે.

અહિંસાનો અર્થ એ પણ છે કે મારા લોકોએ હમણાંના વર્ષોની કષ્ટદાયક લડતમાં

બીજાને પીડા દેવા કરતાં પીડાને પોતાની જાત પર વહોરી લીધી છે. તેનો મતલબ મેં જે

હમણાં કહ્યું તે કે અમે હવે ડરતા નથી કે નાહિંમત થતા નથી. પરંતુ કંઈક સંગીન માત્રામાં

તેનો અર્થ એ છે કે જે સમાજના અમે ભાગ છીએ તેમાં ભય પ્રસરાવવા માગતા નથી, આ

ચળવળ શ્વેતોની સ્વતંત્રતા કે સન્માનના ભોગે નિગ્રોને મુકત કરવા માગતી નથી. તે

કોઈપણ પર વિજય મેળવવા માગતી નથી. તે અમેરિકન સમાજને મુકત કરવા માંગે છે.

અને બધા લોકોને સ્વસ્વાતંત્ર્યમાં ભાગીદાર બનાવવા માંગે છે.

વંશીય ન્યાય મેળવવાના માર્ગ રૂપે હિંસા અવ્યવહારૂ અને અનૈતિક બંને છે. હું

એ હકીકત પ્રત્યે બેધ્યાન નથી કે હિંસા ઘણીવાર તાત્કાલિક પરિણામ લાવે છે. ઘણા

રાષ્ટ્રોએ યુદ્ધો દ્વારા ઘણીવાર મુકિત મેળવી છે. પરંતુ ક્ષણજીવી વિજયો છતાં, હિંસા

કયારેય કાયમી શાંતિ આણી શકે નહિ. તે કોઈ સામાજિક પ્રશ્નોને ઉકેલતી નથી. તે

નવા ગૂંચવાડા ઊભા કરે છે. હિંસા અવ્યવહારૂ(બિનઉપયોગી) છે. કારણ કે તે બધા

માટે વિનાશનું અનંત ચક્ર ઊતારે છે. તે અનૈતિક છે કેમ કે તે વિરોધીઓને સમજવા

કરતાં જીતવા ઈચ્છે છે. તે તેમને બદલવા કરતાં નાશ કરવા માંગે છે. તે સમુદાયોનો

નાશ કરે છે. અને ભ્રાતૃભાવને અશકય બનાવે છે. એ સમાજને સંવાદને બદલે

એકોક્તિમાં છોડી દે છે. હિંસાનો અંત સ્વનાશથી આવે છે, તે બચેલાઓમાં કડવાશ

ઊભી કરે છે, અને નાશકર્તાઓમાં જંગાલિયત ઊભી કરે છે.

હું આ પદ્ધતિમાં માનું છું કેમ કે મને લાગે છે કે એક ભગ્ન સમૂદાયને પુનઃસ્થાપિત

કરવાનો આ એક જ માર્ગ છે. આ એ પદ્ધતિ છે જે ન્યાયી કાયદાના અમલ માટે તે

મહાન પ્રતિષ્ઠિત બહુમતી કે જેણે અંધતા, ડર, ગર્વ અને અતાર્કિકતા દ્વારા પોતાના

આત્માને ઊંઘતો રાખ્યો છે તેમને અપીલ કરવા માંગે છે.

અહિંસક પ્રતિકાર કરનારાઓને નીચેના સાદા સંદેશથી સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય

ઃ ‘સરકારી કે અન્ય અધિકૃત એજન્સીઓની પ્રથમ પગલાં ભરવામાં નિષ્ફળતા સામે

અમે અન્યાયી દ્વેષ વિરૂદ્ધ સીધા પગલાં લઈશું.અમે અન્યાયી કાયદાઓને તાબે નહીં

થઈએ કે અન્યાયી વ્યવહારોને સ્વીકારીશું નહીં. અમે આ શાંતિપૂર્વક, ખુલ્લી

રીતે આનંદથી કરીશું કેમ કે અમારો હેતુ સમજાવવાનો છે. અમે અહિંસાનું સાધન

અપનાવ્યું છે કેમ કે અમારું લક્ષ્ય શાંતિમય સમુદાય બને તે છે. અમે અમારા શબ્દોથી

સમજાવવાની કોશિષ કરીશું, પરંતુ જો તેમાં નિષ્ફળ જઈશું તો અમારાં કાર્યો દ્વારા

સમજાવવાની કોશિષ કરીશું. અમે હંમેશા વાતચીત કરવા અને વ્યાજબી સમાધાન

શોધવા ઈચ્છુક રહીશું, પરંતુ વધારે જરૂર પડે ત્યારે સહન કરવા તેમજ સત્યને અમે જે

રીતે જોઈએ તેના સાક્ષી બનવા માટે અમારા જીવનનું જોખમ લેવા પણ તૈયાર રહીશું.’

વંશીય અન્યાયના પ્રશ્ન પ્રત્યેનું આ વલણ સફળ દૃષ્ટાંતો વિનાનું નથી. બ્રિટિશ

સામ્રાજયના બળને પડકારીને મોહનદાસ કે. ગાંધીએ ભવ્ય રીતે તેનો ઉપયોગ કર્યો

હતો અને સદીઓથી રાજકીય આધિપત્ય અને આર્થિક શોષણની સજા ભોગવી રહેલ

પોતાના લોકોને તેમણે મુકત કર્યાં. તેમણે માત્ર સત્ય, આત્મબળ, અહિંસા અને હિંમતના

શસ્ત્રોથી જ સંઘર્ષ કર્યો.

છેલ્લાં દસ વર્ષોમાં યુનાઈટેડ સ્ટેટ્‌સના પ્રતાપી સ્ત્રી પુરુષોએ અહિંસાની નૈતિક

શકિત અને પ્રભાવનો જીવંત પૂરાવો આપેલ છે. હજારો શ્વેત અને અશ્વેત અનામી,

અવિશ્રામી યુવાનોએ પૂર્વગ્રહોનો કિલ્લો તોડવા કામચલાઉ ધોરણે વિદ્યાના ધામો છોડી

દીધા છે. તેમની શૌર્યપૂર્ણ અને શિસ્તબદ્ધ પ્રવૃત્તિઓ, અન્યાયના ગરમ રણમાં તાજગી

આપનાર છાંયડી સમાન બની છે. તેઓ અમારા સમગ્ર રાષ્ટ્રને લોકશાહીના તે મહાન

ભંડાર તરફ પાછા લઈ ગયા જેને બંધારણ અને સ્વાતંત્ર્યની ઘોષણાના સ્વરૂપમાં તેના

સ્થાપક જનકોએ ઊંડો ખોદ્યો હતો, એક દિવસ સમગ્ર અમેરિકા તેમની સિદ્ધિઓ માટે

ગૌરવ અનુભવશે.

હું મનુષ્યની નબળાઈઓ અને નિષ્ફળતાઓથી જ નહીં પણ અહિંસાની

અસરકારકતા અંગેની શંકાઓ અને કેટલાક દ્વારા હિંસાની થતી ખુલ્લી તરફેણથી સારી

રીતે વાકેફ છું. પરંતુ તેમ છતાં હજુ મને ખાત્રી છે કે વંશીય અન્યાયની યુગો જૂની

સમસ્યા સામે બાથ ભીડવા માટે અહિંસા વ્યવહારુ દૃષ્ટિએ સૌથી વધુ સાબૂત અને

નૈતિક રીતે ઉત્તમ માર્ગ છે.

બીજું દૂષણ જે આધુનિક દુનિયાને પીડે છે તે ગરીબાઈ, ભયંકર ઓકટોપસની

જેમ દુનિયાભરની ભૂમિ અને ગામડાઓમાં તે સંતાપનારી યોજના કરે છે. દુનિયાના

લગભગ બે તૃતીયાંશ લોકો રાત્રે ભૂખ્યા સૂવે છે. તેઓ અપોષણયુકત, ગંદા રહેઠાણવાળા

અને ચીંથરેહાલ છે. તેમાંના ઘણાની પાસે સૂવા માટે પથારી કે ઘર નથી. તેમની પથારી

માત્ર શહેરોની ફૂટપાથો કે ગામડાના ધૂળિયા રસ્તા છે. ગરીબીનો માર ખાધેલ ઈશ્વરના

એ બાળકોએ કયારેય કોઈ ફિઝિશયન કે ડેન્ટીસ્ટને જોયો નથી. ગરીબીનો આ પ્રશ્ન

માત્ર ખૂબ ઔદ્યોગિક વિકાસ પામેલા અને કહેવાતા અવિકસિત રાષ્ટ્રો વચ્ચેના

વર્ગભેદમાં જ જોવા નથી મળતો, પરંતુ સમૃદ્ધ રાષ્ટ્રોની પોતાની અંદર મોટું આર્થિક

અંતર જોવા મળે છે.

મારા દેશનો જ દાખલો લો. ઈતિહાસમાં કયારેય જોવા ન મળી હોય તેવી

ઉત્પાદનની સૌથી વિશાળ પદ્ધતિ અમે વિકસિત કરી છે. અમે દુનિયાનું સૌથી સમૃદ્ધ

રાષ્ટ્ર બન્યાં છીએ. આ વર્ષે અમારું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન લગભગ ૬પ૦ મિલિયન

ડૉલરના આશ્ચર્યજનક આંકડા પર પહોંચશે. આમ છતાં, અમારા કમસે કમ એક પંચમાશ

સહનાગરિકો, લગભગ દસ મિલીયન કુટુંબો, આશરે ચાલીસ મિલિયન લોકો ગરીબીની

દુઃખદ સંસ્કૃતિમાં જીવવા બંધાયેલા છે. એક અર્થમાં અમેરિકામાં ગરીબોની ગરીબી

આફ્રિકા અને એશિયાની ગરીબી કરતાં વધુ હતાશ કરનારી છે. આફ્રિકા અને એશિયાના

ગરીબોનું દુઃખ સમભાગે વહેચાયેલું છે. તે વિશાળ બહુમતીની જીદંગીની હકીકત છે,

તેઓ વર્ષોના શોષણ અને અવિકસિતપણાના પરિણામે બધા સાથે ગરીબ છે.

તેનાથી દુઃખદ રીતે ઉલટું અમેરિકાના ગરીબો જાણે છે કે તેઓ દુનિયાના સૌથી

વધુ સમૃદ્ધ રાષ્ટ્રમાં જીવે છે, અને તેમ છતાં ભૌતિક સમૃદ્ધિના વિશાળ સમદ્રની વચ્ચે

તેઓ ગરીબીના એકાંત ટાપુ પર મરી રહ્યા છે. લગભગ આખી રાત કાચ અને સ્ટીલથી

પ્રકાશિત ગગનચુંબી ઈમારતો તેમના ઝૂંપડપટ્ટીના રહેઠાણમાંથી સરળતાથી જોઈ શકાય

છે. જેટ વિમાનો કલાકની ૬૦૦ માઈલની ઝડપથી તેમની વસાહતો પરથી ઉડે છે.

સેટેલાઈટસ અંતરિક્ષમાં લિસોટા કરે છે અને ચંદ્રની વિગતો આપે છે. પ્રમુખ જ્હોનસને

તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન મેસેજમાં આ વિરોધાભાસ ઉપર ભાર મૂકયો, જયારે

તેમણે યુનાઈટેડ સ્ટેટસના “વિશ્વમાં સૌથી ઊંચા જીવનધોરણ”નો ઢંઢેરો પીટ્યો અને

દિલગીરી દર્શાવી કે તેની સંગાથે જુદા પડી ગયેલા, રોજગારી ગુમાવેલા અને વિપુલતાની

વચ્ચે ગરીબીની છાયામાં રહેલા લોકો પણ છે.

તેથી એ દેખીતું છે કે જો માણસ તેની આધ્યાત્મિક અને નૈતિક ક્ષુદ્રતામાંથી પાછો

ફરવા માંગતો હોય તો, તેણે દુનિયાના ‘સહિતો’ અને ‘રહિતો’ વચ્ચેની સામાજિક

અને આર્થિક ખાઈ વચ્ચે પુલ બાંધવો પડશે. ગરીબી આધુનિક જીવનની યાદીમાં સૌથી

અગત્યની બાબતોમાંની એક છે.

થોડાં વર્ષો પહેલાં હાવર્ડના ભૂસ્તરશાસ્ત્રી ડૉ કિટર્લે માથરે ‘ઈનફ એન્ડ ટુ સ્પેર”

નામનું પુસ્તક લખ્યું. તેમણે પાયાની વસ્તુ એ રજૂ કરી કે આધુનિક વિશ્વમાં દુષ્કાળ

સંપૂર્ણપણે બિનજરૂરી છે. તેથી આજે પ્રાથમિકતાનો પ્રશ્ન આ હોવો જોઈએ. શા માટે

કોઈપણ દેશ, શહેર કે ટેબલ પર ભૂખ અને દરિદ્રતા હોવા જોઈએ કે જયારે માનવ પાસે

સમગ્ર માનવજાતને જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટેનાં સાધનો

તથા વૈજ્ઞાનિક જાણકારી છે ? જયારે રણમાં પણ સિંચાઈ કરી શકાય છે અને ઉપરથી

જમીન બદલી શકાય છે? આપણે જમીનની તંગીની ફરિયાદ કરી શકીએ નહીં કેમ કે

પચીસ મિલિયન ચોરસ માઈલ ખેડી શકાય તેવી જમીન છે. તેમાંથી આપણે સાત

મિલિયનથી પણ ઓછી જમીનનો ઉપયોગ કરીએ છીએ. આપણી પાસે વિટામિન્સ,

પોષણ અને ખોરાકના રસાયણ અંગેનું તથા અણુની ચપળતાનું ચક્તિ કરનારું જ્ઞાન

છે. માનવ સાધનોની ખોટ નથી, માનવ ઈચ્છાની ખોટ છે, સમૃદ્ધ અને સલામતો

વારંવાર તેમની વચ્ચે રહેલ ગરીબી અને અભાવ પ્રત્યે બેપરવા બને છે અને વિસારી દે

છે . આપણા દેશોમાં ગરીબોને આપણે મનમાંથી બહાર કરી દીધા છે. અને તેમને

આપણા સમાનોની મુખ્ય ધારાથી દૂર હાંકી કાઢયા છે. કારણ કે આપણે તેમને અદૃશ્ય

બનવા દીધા છે. જેમ અહિંસાએ વંશીય અન્યાયની કદરૂપતા ખુલ્લી કરી છે, તેમ

ગરીબીનો ચેપ અને માંદગી પણ ખુલ્લાં થવાં જોઈએ અને માત્ર તેનાં ચિહ્નો નહીં પણ

તેનાં મૂળ કારણોની સારવાર થવી જોઈએ. આ પણ એક ઉગ્ર સંઘર્ષ હશે, પરંતુ આપણે

આ અભિયાન ગમે તેટલું બિહામણું હોય તો પણ તેના ઉપાયનાં પગલાં લેતાં અચકાઈશું

નહીં.

ગરીબીને સમગ્ર દુનિયામાંથી હટાવવા માટેનો સમય આવી પહોંચ્યો છે. સમૃદ્ધ

રાષ્ટ્રોએ તેની સંપત્તિના બૃહદ સ્ત્રોતોનો ઉપયોગ અવિકસિતને વિકસિત કરવામાં,

જયાં નિશાળો નથી ત્યાં નિશાળો માટે તથા ભૂખ્યાને ખવડાવવા માટે કરવો જોઈએ.

આખરે તો મહાન રાષ્ટ્ર તે છે જે દયાવાન હોય. કોઈ વ્યકિત કે રાષ્ટ્ર જો તે વંચિતો માટે

નિસ્બત ન ધરાવતા હોય તો મહાન થઈ શકે નહીં. આપણી ધાર્મિક પરંપરાના

તાણાવાણામાં ઊંડાણથી એ વિશ્વાસ કોતરાયેલ છે કે મનુષ્ય ઈશ્વરના પ્રતિબિંબમાંથી

બનાવાયા છે. તથા તેઓ અપાર આધ્યાત્મિક મૂલ્ય ધરાવતા આત્માઓ છે. તેઓ

ઉન્નતતા અને ભવ્યતાના વારસાના વારસદારો છે. જો આપણે આને ગંભીર નૈતિક

બાબત માનતા હોઈએ તો , આપણે કોઈ માણસને ભૂખ્યો જોઈને, કોઈને ભૂખમરાનો

કે માંદગીનો શિકાર બનેલો જોઈને સુખી રહી શકીએ નહીં - કે જયારે આપણી પાસે

તેમને મદદ કરવાનાં સાધનો હોય, સમૃદ્ધ રાષ્ટ્રોએ ધનિક લઘુમતી અને ગરીબ બહુમતી

વચ્ચેની ખાઈ પર પુલ બાંધવા બધું કરવું જોઈએ.

અંતિમ પૃથક્કરણમાં ધનિકોએ ગરીબોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં કેમ કે

ધનિક અને ગરીબ બન્ને વિધિના એક જ વસ્ત્રમાં વણાયેલા છે. તમામ જીવન પરસ્પર

સંકળાયેલાં છે અને બધા માનવો પરસ્પરાવલંબી છે. જહોન ડોન્નેને જયારે આ સત્યની

પ્રતીતિ થઈ ત્યારે તેણે તેને આબેહૂબ શબ્દોમાં મૂકયું.

‘‘કોઈપણ માનવ એક ટાપુ નથી, તેના સમગ્ર અસ્તિત્વમાં દરેક માનવ ખંડનો

ભાગ છે. મુખ્યનો અંશ છે. કોઈપણ માણસનું મૃત્યુ મારામાં કશુંક ઘટાડે છે, કારણ કે હું

માનવજાત સાથે સંકળાયેલો છું અને તેથી કોને માટે ઘંટ વાગે છે તે જાણવા કયારેય

કોઈને મોકલતો નહીં, તે તારા માટે વાગે છે.’’

ત્રીજું મહાદૂષણ જે આપણી દુનિયા સમક્ષ છે તે છે યુદ્ધ. હમણાંની ઘટનાઓએ

તીવ્રપણે આપણને યાદ અપાવ્યું છે કે રાષ્ટ્રો તેમના સમૂહ વિનાશના શસ્ત્ર ભંડારોને

ઘટાડતા નથી પરંતુ વધારે છે, દુનિયાના અતિવિકસિત રાષ્ટ્રોની ઉત્તમ બુદ્ધિ પ્રતિભા

લશ્કરી ટેકનોલોજી પ્રત્યે સમર્પિત છે. ‘લિમિટેડ ટેસ્ટ બાન ટ્રિટી’ છતાં અણુશસ્ત્રોના

ઝડપી પ્રસારને અટકાવી શકાયો નથી. ઉલટાનું અણુપ્રયોગોના ધડાકા પ્રથમ અશ્વેત,

પાશ્ચાત્ય નહીં તેવા અને કહેવાતા અવિકસિત એટલે કે ચાઈનીઝ પીપલ્સ રિપબ્લિકે

કરીને, તેણે વિશાળ સમૂહ પર સમગ્ર માનવજાત પર સતત વિનાશના ભય દ્વારા

ત્રાસજનક જુલ્મ માટેના નવા માર્ગો ખોલ્યા છે. હકીકતમાં અણુયુદ્ધના સ્વરૂપ અને

જોખમો અંગેના સત્યને લોકો મોટાભાગે તેમના મનમાંથી દૂર રાખે છે. કેમ કે તે અત્યંત

દુઃખદાયક છે અને તેથી સ્વીકાર્ય નથી, આવું વલણ આવા યુદ્ધના સ્વરૂપ કે જોખમોને

બદલતું નથી. નકારવાની આ યુકિત થોડા સમય પૂરતી ચિંતાને ઢાંકી શકે, પરંતુ તે

મનની શાંતિ કે લાગણીની સલામતી બક્ષી શકે નહિ.

આમ માનવનો ઝૂકાવ હજુ પણ યુદ્ધમાં પ્રવૃત્ત રહેવાનો છે, તે એક હકીકત છે.

પરંતુ અનુભવમાંથી જન્મેલ જ્ઞાન કહેશે કે યુદ્ધ નિરર્થક છે. એવો સમય આવી શકયો

હોત કે જયારે યુદ્ધે દુષ્ટ પરિબળોના પ્રસાર અને વિકાસ રોકવાનું નકારાત્મક સારું કામ

કર્યું હોત, પરંતુ આધુનિક શસ્ત્રોના વિનાશકારી બળે યુદ્ધની નકારાત્મક સારાપણા

તરીકેની શકયતા પણ દૂર કરી છે. જો આપણે એમ માનતા હોઈએ કે જીવન જીવવા

જેવું છે અને દરેક માનવને તેને સંરક્ષવાનો અધિકાર છે, તો પછી આપણે યુદ્ધનો

વિકલ્પ શોધવો જોઈએ. કોઈક દિવસ જયારે બાહ્ય અવકાશમાં યાનો અથડાશે અને

ગાઈડેડ બેલેસ્ટિક મિસાઈલ્સ વાતાવરણમાં મોતના રાજમાર્ગો અંકિત કરી દેશે, ત્યારે

કોઈપણ રાષ્ટ્ર યુદ્ધમાં વિજયનો દાવો કરી શકશે નહીં. કહેવાતું મર્યાદિત યુદ્ધ માનવ

વિનાશક વારસામાં થોડું વધારે છોડી જશે. એક વધુ વિશ્વયુદ્ધ, ભગવાન બચાવે! - જો

થશે તો તે માનવજાતની માત્ર ધૂંધવાતી રાખની મૂક સાબિતી છોડી જશે કે જેની મૂર્ખાઈ

નિર્દયતાથી અંતિમ મૃત્યુ સુધી ગઈ હશે. તેથી જો આધુનિક માનવ ખચકાયા વગર યુદ્ધ

સાથે અડપલાં કરવાનું ચાલુ રાખશે તો તેનું ધરતી પરનું રહેઠાણ એવા નરકમાં ફેરવાઈ

જશે જેની કલ્પના ખુદ ડાન્ટેના મગજમાં પણ નહીં હોય.

કોઈ નકારાત્મક માર્ગ લઈને આપણે શાંતિમય વિશ્વ નિર્માણ કરીશું નહીં.“અમે

યુદ્ધમાં ઉતરશું નહીં” તેમ કહેવું પૂરતું નથી. શાંતિને ચાહવી અને તે માટે બલિદાન

આપવું જરૂરી છે. આપણે યુદ્ધની નકારાત્મક બાબતો દૂર કરવા તરફ જ માત્ર ધ્યાન

કેન્દ્રિત કરવાનું નથી પરંતુ શાંતિની હકારાત્મક બાબતોને દૃઢ કરવા તરફ પણ ધ્યાન

આપવાનું છે.

આમ આપણે આપણું દર્શન માત્ર યુદ્ધની નકારાત્મક બાજુ પર જ નહીં પરંતુ

શાંતિની વિધેયાત્મક બાજુ પર કેન્દ્રિત કરવું જોઈએ. આપણે જોવું જોઈએ કે શાંતિ વધુ

મધુર સંગીત રજૂ કરે છે. સૃષ્ટિનું સંગીત જે યુદ્ધના કુસંપ કરતાં અનેકગણું ચઢિયાતું છે.

કોઈપણ રીતે વિશ્વની સત્તાના સંઘર્ષની ગતિને આપણે નકારાત્મક અણુશસ્ત્રોની

હરીફાઈમાંથી વિધેયાત્મક હરીફાઈમાં બદલી નાખવી જોઈએ. વિશ્વના બધા રાષ્ટ્રો

માટે સાચી શાંતિ અને સમૃદ્ધિ સર્જવા માટે માણસની સર્જનાત્મક પ્રતિભાને રક્ષવાની

વિધેયાત્મક હરીફાઈને કોઈ જીતી ન શકે. ટૂંકમાં આપણે શસ્ત્ર હરીફાઈને બદલે શાંતિ

હરીફાઈ કરવી જોઈએ. જો આવા શાંતિ અભિયાન માટે ઉપર ચડવાની આપણી ઈચ્છા

અને દૃઢ નિશ્ચય હોય તો આપણે અત્યાર સુધી આશાના ભોગળ દીધેલા દરવાજાને

ખોલી શકીશું અને આપણા ઝળુંબી રહેલા વૈશ્વિક મરશિયાને સર્જનાત્મક કૃતાર્થતાના

ભકિતગીતમાં બદલી શકીશું.

વિશ્વવ્યાપી મૈત્રી માટેનું આ આહ્‌વાન જાતિ, વંશ, વર્ગ અને રાષ્ટ્રની નજીકની

નિસ્બતથી ઉપર ઊઠવા માટેનું છે. તે બધા માનવો માટેના સર્વવ્યાપી અને બિનશરતી

પ્રેમ માટેનું આહ્‌વાન છે. હું જયારે પ્રેમ અંગે કહું છું, ત્યારે કંઈક કોમળ અને નબળા

પ્રતિભાવ કે જે તીવ્ર લાગણીના દમામથી કંઈક વધુ હોય તેના વિશે નથી કહેતો, હું તે

બળ વિશે કહું છું જેને જીવનને સર્વોચ્ચ રીતે જોડનારા સિદ્ધાંત રૂપે બધા મહાન ધર્મોએ

જોયો છે. પ્રેમ કોઈક એવી ચાવી છે જે આખરી સત્ય તરફ દોરી જનારા દ્વારોનાં તાળાં

ખોલે છે. આખરી સત્ય વિશેની હિંદુ-મુસ્લીમ-ખ્રિસ્તી-યહૂદી-બૌદ્ધ માન્યતાઓ સેન્ટ

જહોનના પ્રથમ પત્રમાં સુંદર રીતે ગૂંથી લેવાઈ છે.

‘‘ચાલો આપણે એકબીજાને ચાહીએઃ કેમ કે પ્રેમ પ્રભુનો છે, અને દરેક કે જે

પ્રેમ કરે છે તે પ્રભુ જનિત છે અને પ્રભુને જાણે છે.

જે પ્રેમ કરતો નથી તે પ્રભુને જાણતો નથી, કારણ કે પ્રભુ (જ) પ્રેમ છે.

જો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પ્રભુ આપણામાં વસે છે. અને

તેનો પ્રેમ આપણને પૂર્ણ બનાવે છે.’’

આપણે આશા રાખીએ કે આ જુસ્સો આ દિવસની પરંપરા બની રહેશે. આર્નોલ્ડ

ટૉયન્બી કહે છેઃ “પ્રેમ એ આખરી શકિત છે જે જીવનને ઉગારનારી પસંદગી છે અને

મૃત્યુ તથા દુષ્ટતાની ધિક્કારનારી પસંદગીથી એકદમ વિરૂદ્ધની છે. તેથી આપણી ઉલટા

ક્રમની યાદીમાં પહેલી આશ એ હોવી જોઈએ કે પ્રેમ છેલ્લો શબ્દ બની રહે.” આપણે

વધુ વખત ધિક્કારના પ્રભુની પૂજા કરી શકીએ નહીં - અથવા પ્રતિશોધની વેદિ આગળ

ઝૂકી શકીએ નહીં. ધિક્કારની ભરતીના સતત ઊઠતા મોજાંથી ઈતિહાસનો સાગર

તોફાની બન્યો છે. ધિક્કારના આ આત્મઘાતી માર્ગને અનુસરનારા રાષ્ટ્રો અને

વ્યકિતઓના અવશેષોથી ઈતિહાસ ખડકાયેલો છે. દુનિયાના પ્રશ્નોના ઉકેલ માટે પ્રેમ

ચાવી રૂપ છે.

મારા પ્રવચનને અંતે કહીશ કે મને અંગત વિશ્વાસ છે કે માનવજાત કોઈક રીતે

આ પ્રયોજનથી ઉપર ઊઠશે અને ઝડપથી નિર્માણ પામી રહેલા યુગને નવી દિશાઓ

આપશે. તનાવના અને અનિશ્ચિતતાના આ સમય છતાં કંઈક ઊંડું અર્થસભર આવી

રહ્યું છે. શોષણ અને દમનની જૂની પદ્ધતિ દૂર જઈ રહી છે. અને દુર્બળ દુનિયાના

ગર્ભમાંથી ન્યાય અને સમાનતાની નવી પદ્ધતિ જન્મી રહી છે. સમાજના તળિયે રહેલાઓ

માટે અવસરનાં દ્વારો ધીમે ધીમે ઉઘડી રહ્યાં છે. આ ભૂમિના પહેરણ વિનાના અને

ઉઘાડાપગા લોકો કંઈક હોવાની નવી ભાવના વિકસાવી રહ્યા છે અને નિરાશાના

અંધકારભર્યા પર્વતમાંથી આશાનો બુગદો કોતરી રહ્યા છે. અંધકારમાં જે લોકો બેઠા છે

તેમણે મહાન પ્રકાશ જોયો છે. અહીં તહીં વ્યકિત કે સમૂહ પ્રેમની હિંમત કરે છે અને

નૈતિક પરિપકવતાની ભવ્ય ઊંચાઈએ ઊઠે છે. આમ ખરા અર્થમાં જીવવા માટેનો આ

મહાન સમય છે. તેથી ભવિષ્ય માટે નાઉમેદ નથી. એ ખરું કે ગઈકાલનો સબળ

આશાવાદ અશકય છે.એ પણ સાચું કે શાંતિ અને સ્વાતંત્ર્યની આ લડતના પ્રેરકો હજુ

જેલમાં અસુવિધા ભોગવે છે. મૃત્યુની પીડાદાયક ધમકીઓનો સામનો કરે છે. તેઓ

હવે વધુ ભારે બોજો નહીં વહી શકે તેવી સતાવનારી લાગણી તરફ લઈ જતા જુલ્મના

તોફાનોથી અને શાંત અને નિર્મળ જીવન તરફ પાછા ફરવાની લલાસાથી તેઓ વધુ

સારા બનશે.

એ ખરું કે આપણે વૈશ્વિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જેણે જીવનના અશાંત

સમુદ્રની છોળોના ઘૂઘવાટ વચ્ચે આપણને ઊભા રાખી દીધા છે, પરંતુ દરેક કટોકટીને તેના

જોખમો અને તકો બંને હોય છે, જેને હું કાં તો મુકિત અથવા વિનાશ કહી શકું . અંધકારભરી

વ્યગ્ર દુનિયામાં આમ છતાં માનવોના હૃદયમાં પ્રભુનું રાજય છે.

• • •

નોર્મન ઈ બોર્લોગ - યુ.એસ. એ

ધ નોબેલ શાંતિ પારિતોષિક ૧૯૭૦

જન્મ : ૧૯૧૪

અવસાન :૨૦૧૦

જીવન ઝરમર :

“હરિયાળી ક્રાંતિ”ના જનકસમા નોર્મેન અર્નેસ્ટ બોર્લોગનો જન્મ ક્રેસ્કો- આયોવા

નજીક ફાર્મમાં હેન્રી અને કલેરા બોર્લોગને ત્યાં થયો. છેલ્લા ર૭ વર્ષથી તેમણે મેકિસકન

વૈજ્ઞાનિકોને ઘઉં સુધારણાના પ્રશ્નો અંગે સહયોગ આપ્યો છે. તેમાંનાં છેલ્લાં દસેક

વર્ષથી તેઓએ દુનિયાના બીજા ભાગોમાં ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના

વૈજ્ઞાનિકો સાથે નવા ઘઉં નવી જમીનમાં ઉપયુકત કરવા માટે તથા તેના ઉત્પાદનની

લાભદાયી સ્વીકૃતિ માટે સહયોગ કર્યો છે. એક સારગ્રાહી, કુશળ, હેતુલક્ષી વૈજ્ઞાનિક

એવા તેઓ વધુ ફળદાયી અને અસરકારક સંશોધન માટેની પદ્ધતિઓ અને પરિણામોને

તેમના સંશોધનમાં સતત સ્વીકારતા કે નકારતા રહે છે. તે સાથે જેને તેઓ“સાક્ષર

પતંગિયાઓ” કહે છે તેમના અનુસરણથી અળગા રહે છે.

ક્રેસ્કોમાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ બોર્લોગે મિનેસોટા

યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. ૧૯૩૭માં બેચલર ઓફ સાયન્સની ડીગ્રી

પ્રાપ્ત કર્યા પહેલાં અને પછી તુરત જ તેમણે મેસેચ્યુસેટસ અને ઈડાહોમાં યુ.એસ.

ફોરેસ્ટરી સર્વિસના મથકોમાં કામ કર્યું. મિનેસોટા યુનિવર્સિટીમાં પ્લાન્ટ પેથોલોજીના

અભ્યાસ માટે પાછા ફર્યા બાદ તેમણે ૧૯૩૯માં માસ્ટર ડીગ્રી અને ૧૯૪રમાં ડોકટરેટની

ડિગ્રી મેળવી.

૧૯૪રથી ૧૯૪૪ દરમ્યાન ડુ પોન્ટ ડી નેમૌર્સ ફાઉન્ડેશનના સ્ટાફમાં તેઓ એક

માઈક્રોબાયોલોજીસ્ટ હતા, જયાં તેઓ ઈન્ડસ્ટ્રીઅલ અને એગ્રીકલ્ચરલ બેકટ્રીસીડ્‌સ,

ફમ્જીસીડ્‌સ અને પ્રિઝર્વેટીવ્સના સંશોધનોના ઈન્ચાર્જ હતા.

૧૯૪૪માં તેમણે જેનેટીસીટ્‌સ અને પ્લાન્ટ પેથોલોજીસ્ટ તરીકેની નિમણૂક

સ્વીકારી. મેકિસકોમાં કોઓપરેટીવ રિસર્ચ એન્ડ પ્રોડક્શન પ્રોગ્રામનું વ્યવસ્થાપન અને

માર્ગદર્શન કરવાનું કાર્ય સંભાળ્યું. મેક્સિકન સરકાર અને રોકફેલર ફાઉન્ડેશનના સયુંકત

નેજા હેઠળના આ પ્રોગ્રામમાં જેનેટીકસ, પ્લાન્ટબ્રીડીંગ, પ્લાન્ટ પેથોલોજી,

એન્ટોમોલોજી,એગ્રોનોમી,સોઈલ સાયન્સ અને સિરિયલ ટેકનોલોજીમાં વૈજ્ઞાનિક

સંશોધનોનો સમાવેશ થતો હતો. વીસ વર્ષની અંદર તેઓ ઊંચી ઉત્પાદકતા, ટૂંકી

પરાળના અને રોગ પ્રતિકારતાવાળા ઘઉંને શોધવામાં આશ્વર્યજનક રીતે સફળ થયા.

તેમના વૈજ્ઞાનિક આદર્શમાં તેમણે તુરત વ્યવહારિક માનવતાવાદનો ઉમેરો કર્યો.

તેમણે નવા અનાજને ઉત્પાદન વૃદ્ધિમાં એટલા વિસ્તાર્યા કે જેથી દુનિયાના ભૂખ્યા

માણસોને ખવડાવી શકાય. અને આમ તેમના કહેવા પ્રમાણે “માણસના ભૂખ અને

વિનાશ સામેના યુદ્ધમાં કામચલાઉ સફળતા” મેળવી.“વસ્તીની ભૂતાવળ” ને નિપટવા

માટે અને તેને અનુવર્તી પર્યાવરણીય અને સામાજિક દૂષણો જે વારંવાર માનવો અને

રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષ તરફ દોરી જાય છે, તેમાં શ્વાસોચ્છ્‌વાસનો અવકાશ પૂરો પાડયો.

રોકફેલર અને ફોર્ડ ફાઉન્ડેશનોએ મેકિસકન સરકારના સહકારમાં ઈન્ટરનેશનલ

મેઈઝ એન્ડ વ્હિટ ઈમ્પ્રુવમેન્ટ સેન્ટરની સ્થાપના કરી, જે આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓનું

બોર્ડ અને સ્ટાફ ધરાવતું હતું તે સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સંશોધન તાલીમ સંસ્થાના અને

ઘઉં સુધારણા કાર્યક્રમના ડાયરેક્ટર ડૉ. બોર્લોગને બનાવાયા હતા. આ તબક્કે તેઓ

ત્રીજા લક્ષ્યને સંપૂર્ણપણે સમજવા શકિતમાન થયા કે સંશોધન અને ઉત્પાદનની

પદ્ધતિઓમાં યુવા વૈજ્ઞાનિકોને તાલીમ આપવી. મેકિસકોમાં શરુઆતના દિવસોમાં

ખરેખર તેઓએ એ દેશ પૂરતો જ આ કાર્યક્રમ ચલાવ્યો. પરંતુ સેન્ટરની સ્થાપના સાથે

તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા શકિતમાન બન્યા. છેલ્લાં સાત વર્ષમાં સાત જેટલા

દેશોમાંના ( આ આંકડા સતત ઉપર તરફ ગતિ કરે છે.) ૧૯૪૦ જેટલા યુવા વૈજ્ઞાનિકોએ

સેન્ટરમાં અભ્યાસ કર્યો અને કામ કર્યું.

અત્યારે ડૉ. બોર્લોગ ટ્રિટકાલે-એક માનવ - સર્જિત અનાજના નમૂના કે જે ઘઉં

અને રાઈ (જવના પ્રકારનું અનાજ)ના મિશ્રણમાંથી આવેલું અનાજ છે- તેના વિસ્તૃત

પ્રયોગોમાં સહભાગી રહ્યા. આ નમૂનો ઘઉં કે રાઈની ઉત્પાદકતામાં અને પોષણની

ગુણવત્તામાં ચડિયાતો હોવાની ખાત્રી દર્શાવે છે.

નોબેલ શાંતિ પારિતોષિક ઉપરાંત ડૉ. બોર્લોગે છ દેશો - કેનેડા, ભારત, મેકિસકો,

નોર્વે, પાકિસ્તાન, યુનાઈટેડ સ્ટેટસની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા બૃહદ સ્વીકૃતિ

મેળવી. ૧૯૬૮માં તેમને વિશિષ્ટ સંતૃપ્ત કરનારી અંજલિ મળી કે જયારે સિયુડાડ ઓબ્રેગોન,

સોનારા- મેકિસકો કે જેના ક્ષેત્રમાં તેમણે પ્રથમ પ્રયોગો કર્યા હતા. ત્યાં એક માર્ગને તેમના

મ૩૪ાનમા ં તમે ન ું નામ અપાય.ુ ર૦૧૦મા ં તમે ન ુંઅવસાન થય.

સ્વીકૃતિ પ્રવચન, ડિસેમ્બર ૧૧, ૧૯૭૦

મહાન હરિયાળી ક્રાંતિ, શાંતિ અને માનવતા :

આજની જાણીતી સભ્યતાઓ પૂરતા અન્નપુરવઠા વિના ન તો પાંગરી શકી હોત

કે ન તો બચી શકી હોત, છતાં હકીકત એ છે કે દુનિયાની અર્ધાથી વધુ વસ્તી ભૂખી

હોવા છતાં દુનિયાના મોટાભાગના નેતાઓએ એને એ કંઈક ચલાવી લેવા જેવી બાબત

હોય તેમ સ્વીકારી લીધું છે. ઈતિહાસમાંથી પ્રાપ્ત પાકોની ઉપેક્ષા કરવાનો આગ્રહ

માણસ રાખતો જણાય છે.

જયારે માનવ ભટકતા શિકારીનું જીવન જીવતો હતો તે લાંબા અને નિસ્તેજ

યુગ દરમ્યાન વારંવારની ખોરાકની તંગીએ ગ્રામસભ્યતાઓના વિકાસને રૂંધ્યો હોવો

જોઈએ. ધૂંધળા અને અસ્પષ્ટ ભૂતકાળમાંથી જયારે ઉત્તરપાષાણ યુગ આવ્યો ત્યારે

અચાનક વિસ્તૃત રીતે અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં દુનિયાએ કયારેય ન જાણ્યા હોય તેવા

શોધકો અને ક્રાંતિકારીઓનાં ઘણાં સફળ જૂથે દેખા દીધી. દેખીતી રીતે નવ હજાર વર્ષ

પહેલા ઝેગ્રો પર્વતોની ટેકરીઓમાં માનવ ખેડૂત અને પશુપાલક બંને બની ચૂકયો

હતો. તે તુરત જ તેને શ્રમની નિપૂણતા અને ગ્રામજીવનના વિકાસ તરફ દોરી ગયો.

અન્યત્ર આ જ પ્રકારની શોધખોળો અને વિકાસોએ પાયાનું કામ કર્યું જેમાંથી આધુનિક

ખેતી અને પશુઉદ્યોગો તથા ખરેખર દુનિયાની બધી અનુવર્તી સભ્યતાઓ ખીલી.

તેમના આ પ્રદાનનું અનહદ મૂલ્ય હોવા છતાં માનવજાતના આ કલ્યાણકર્તાઓનાં કોઈ

નામ આપણે જાણતા નથી.

આમ છતાં ખેતીની શોધે માનવને ખોરાકની તંગી, ભૂખ અને દુષ્કાળના ભયમાંથી

કાયમી મુકિત આપી નહીં. અનાજ પેદા કરવાની શકિત કરતાં વધુ વસ્તી, અનાવૃષ્ટિ,

રોગચાળો અને પાકનો નાશ કરનારા હાનિકારક જંતુઓને પરિણામે દુષ્કાળ ઊભો

થતો. પ્રાચીન સમયમાં આવી આપત્તિ વારંવાર આવતી તે બાઈબલના અસંખ્ય

ઉલ્લેખોમાંથી બહુ સ્પષ્ટ છે.

પાકના રોગો, અનાવૃષ્ટિ, વિનાશ, હતાશા તે યુગો દરમ્યાન વારંવાર થતી

પાયમાલીઓ હતી- અને પ્રાચીન ઉપાયો હતા, દૈવી આત્માઓ અથવા દેવને થતી

પ્રાર્થનાઓ.

પરંતુ આજે આપણે આપણા દેવોની અને આપણા વિજ્ઞાનની સહાયથી ઘણા

વધારે સમજદાર થવું જોઈએ. આપણે માત્ર અન્નના પુરવઠામાં જ વધારો નથી કરવાનો

પરંતુ અન્નને પ્રાણીજન્ય અને પ્રાકૃતિક આપત્તિઓ સામે રક્ષણ તથા જરૂરિયાતના સમયે

ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય ભંડારોમાં અનામત અનાજ પૂરું પાડવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નો

કરવા જોઈએ. અને તે અનામત અનાજ જેને જરૂર હોય તે બધાને દુષ્કાળ પડયા પછી

નહીં પરંતુ પહેલાં મળવું જોઈએ. માનવ ભવિષ્યમાં દુષ્કાળની કરૂણતા અટકાવી શકે છે

અને અટકાવવી જોઈએ. જો આપણે ભવિષ્યમાં દુષ્કાળને આવવા દઈએ તો ગુનાહિત

ઉપેક્ષાના દોષી હોઈશું. માનવજાત આવા પાપને ચલાવી લઈ શકે નહીં.

આલ્ફ્રેડ નોબેલ પણ અન્નના મહત્વથી ઘણા જાગૃત હતા, કેમ કે એક વખત

તેમણે લખેલું, “હું અવશેષોમાં નાશ પામેલી ભવ્યતા કરતાં જીવતા લોકોના પેટની

ચિંતા વધુ કરું”.

સમગ્ર માનવજાત માટે સુંદર જીવનધોરણ પૂરું પાડવા પર વિશ્વસભ્યતાનું ભાવિ

નિર્ભર છે. ૧૯૬૯ના નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા ઈન્ટરનેશનલ લેબર

ઓર્ગેનીઝેશનના માર્ગદર્શક સિંદ્ધાંતોના પ્રકરણમાં આ શબ્દો દર્શાવાયા છે.“વિશ્વવ્યાપી

અને દીર્ઘજીવી શાંતિ, માત્ર તે સામાજિક ન્યાયના પાયા પર સ્થાપિત હોય તો જ શકય

બને. જો તમે શાંતિ ઝંખતા હો તો ન્યાય પર વિશેષ ધ્યાન આપો.” આ ઘણું ઉદાત્ત છે

જેનો કોઈ ઇન્કાર કરી શકે નહીં.

આમ છતાં, લગભગ ચોક્કસપણે સામાજિક ન્યાયનો મૂળભૂત ભાગ છે- સમગ્ર

માનવજાત માટે પૂરતો ખોરાક. આ દુનિયામાં જન્મતા બધા માટે ખોરાક તેમનો નૈતિક

અધિકાર છે. છતાં આજે દુનિયાની પચાસ ટકા વસ્તી ભૂખી છે. અન્ન વિના સામાજિક

ન્યાયનાં બીજાં બધાં સાધનો અર્થહીન છે. તેથી મને લાગે છે કે ઉપર્યુકત માર્ગદર્શક

સિદ્ધાંતને આ રીતે રૂપાંતરિત કરવો જોઈએ. ‘જો તમે શાંતિ ઝંખતા હો તો ન્યાય પર

વિશેષ ધ્યાન આપો, પરંતુ તે સાથે જ વધુ રોટી પેદા કરવા માટે ખેતરો ખેડો, નહિ તો

શાંતિ નહીં હોય.’

(અન્ન) ખોરાક અને શાંતિ વચ્ચેનો આંતર સંબંધ આધુનિક સમયમાં નોબેલ

વિજેતા લોર્ડ બોઈડ ઓરથી વધુ મર્મભેદી રીતે કદાચ કોઈએ વ્યકત નથી કર્યો. ભૂખ

સામેના મહાન યોદ્ધા અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનિઝેશનના ડાયરેકટર જનરલ,

તેમના આ પ્રસિદ્ધ શબ્દો હતા- “તમે ખાલી પેટ ઉપર શાંતિ નિર્માણ કરી શકો નહીં.”

લોર્ડ ઓરની ચેતવણીની ઉપેક્ષા કરવાનું પરિણામ વિશ્વવ્યાપી અવ્યવસ્થા અને સામાજિક

અરાજકતામાં આવશે. કેમ કે જીવશાસ્ત્રનો એ મૂળભૂત સિદ્ધાંત છે કે જયારે પ્રાણીનું

જીવન ખોરાકની તંગીને કારણે જોખમાયું હોય ત્યારે જીવન ટકાવવાના સાધનો મેળવવા

તેઓ જમા થાય અને હિંસાનો ઉપયોગ કરે.

એ દુઃખદ હકીકત છે કે આટલા સમય પછી પણ આ પૃથ્વી પર બે દુનિયા

છે,“વિશેષાધિકૃતોની દુનિયા” અને “ભૂલાયેલાઓની દુનિયા”. વિશેષાધિકૃતોની દુનિયા

ધનાઢય, વિકસીત દેશોની, દુનિયાની રપથી ૩૦ ટકા વસ્તીની બનેલી છે. જે અત્યંત

વૈભવી રીતે જીવે છે. ભૂલાયેલાઓની દુનિયા પ્રાથમિક વિકાસના દેશોની બનેલી છે, જે

દુનિયાની પ૦%થી વધુ વસ્તી ધરાવે છે. તેઓ ગરીબીમાં જીવે છે. ભૂખ તેમની સતત

સાથી છે અને દુષ્કાળની સતત દહેશતમાં તેઓ જીવે છે.

જયારે નોબેલ શાંતિ પારિતોષિક સમિતિએ મારા “હરિયાળી ક્રાંતિ”ના પ્રદાન

માટે મને ૧૯૭૦નો એવોર્ડ વિજેતા બનાવ્યો, ત્યારે હકીકતમાં હું માનું છું કે તેઓએ

એવી એક વ્યકિતને પસંદ કરી છે જેણે, જે દુનિયા રોટી અને શાંતિ - બંન્ને માટે ભૂખી છે

તેમાં અન્ન ઉત્પાદનની વિશાળ ભૂમિકાને પ્રતીક બનાવી છે. પરંતુ હું ઘણાં સંગઠનોની

બનેલી વિશાળ ટીમનો એક સભ્ય છું- જેમાં અધિકારીઓ, હજારો વૈજ્ઞાનિકો અને

લાખો ખેડૂતો- મોટા ભાગના નાના અને નમ્ર, જેઓ વર્ષોથી અનાજ ઉત્પાદનના ક્ષેત્રે

એક શાંત અને ઘણીવાર પરાજિત કરનારું યુદ્ધ લડે છે.- તેમનો સમાવેશ થાય છે.

જયાં હજુ માત્ર પાંચ વર્ષ પહેલાં રોકી ન શકાય તેવો વિસ્તૃત દુષ્કાળ દેખાયો

હતો તેવા દક્ષિણ એશિયાના સૌથી વધુ વસ્તીવાળા વિકાસશીલ ઘણા દેશોમાં ઘઉં,

ચોખા અને મકાઈની ઉત્પાદનવૃદ્ધિમાં દેખીતી પ્રગતિ છેલ્લાં ત્રણ વર્ષમાં સાધવામાં

આવી છે. પેદાશમાં ઘણીખરી વૃદ્ધિ, એકરદીઠ અનાજની પેદાશમાં થયેલા વધારાથી

થઈ છે. આ ખાસ મહત્વનો વિકાસ છે કારણ કે સઘન વસ્તી ધરાવતા એશિયાના

વિસ્તારોમાં ખેતરોના વિકાસની શકયતા ઓછી છે.

અત્યાર સુધી નોંધપાત્ર અસર પામેલા પાકો માત્ર ઘઉં, ચોખા અને મકાઈ છે.

બીજા અગત્યના પાકો જેવા કે જુવાર અને બાજરી બહુ ઓછા અસર પામ્યા છે.

વટાણા, ચણા જેવા કઠોળના ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. વળી

ઉત્પાદનમાં વધારો સિંચાઈયુકત વિસ્તારોમાં જ થયો છે. જો કે નાના તેમ જ મોટા

અસંખ્ય ખેડૂતો કે જેમણે નવી ટેકનોલોજી અને નવું બિયારણ અપનાવ્યાં છે તેઓ

ઝડપથી વધારો મેળવી શક્યાં છે.

આ બધી મર્યાદા છતાં,છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન ભારત, પાકિસ્તાન અને

ફિલિપાઈન્સમાં અનાજ ઉત્પાદન વૃદ્ધિમાં જબરદસ્ત પ્રગતિ સધાઈ છે. બીજા દેશોઅફ

ઘાનિસ્તાન, સિલોન , ઈન્ડોનેશિયા, ઈરાક, કેન્યા, મલાયા, મોરોક્કો, થાઈલેન્ડ,

ટયુનિશિયા અને તુર્કી જેવાએ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો દર્શાવવાનું શરૂ કર્યું છે.

હરિયાળી ક્રાંતિના મહત્વનું મૂલ્યાંકન કરવાના પ્રયત્ન પહેલાં મૂલ્યાંકન કરનારનું

દૃષ્ટિબિંદુ સ્થાપિત થવું જોઈએ. વિશેષાધિકૃત દુનિયાના ઘનાઢય દેશોના મોટાભાગના

લોકોની દૃષ્ટિએ હરિયાળી ક્રાંતિનો અર્થ, ભૂલાયેલી દુનિયાના વિકાસશીલ દેશોના

લોકો કરતાં સાવ જૂદો છે. ધનાઢય, ઔદ્યોગિક દેશોમાં ઘઉં, મકાઈ, સોરઘુમનો વિશાળ

ફાજલ જથ્થો સામાન્ય છે. સંતુલિત આહાર ઘણું ખરું પ્રયત્ન વિના જ પ્રાપ્ય છે. અને

અનાજ ઉત્પાદનનો બહુ ઓછો ઉપયોગ “રોજિંદી રોટી”માં થાય છે. પરિણામે આવા

સમાજોના મોટાભાગના લોકોને, વિકાસશીલ દેશોના લોકો માટે ઘઉં, ચોખા મકાઈ,

સોરઘુમ અને મિલેટના ઊંચા ઉત્પાદનનું વ્યાજબી મહત્વ સમજવાનું કે પારખવાનું

મુશ્કેલ હોય છે. ઔદ્યોગિક દેશોના બહુમતી શહેરીઓ જાણે છે કે અનાજ સુપર માર્કેટમાંથી

આવે છે, પરંતુ માત્ર થોડા જ તેની પારનું- જરૂરી મૂડીરોકાણ, પરિશ્રમ, સંઘર્ષ, ખેડૂતોની

હતાશાઓ અને તેમની રોજની રોટી રળી આપતું પશુધન - જુએ છે. જયારથી

શહેરીજનોએ જમીન સાથેનો સંપર્ક ગુમાવ્યો છે ત્યારથી તેઓ અનાજને બક્ષિસ ગણી

લે છે અને તેમના ખેડૂતો અને પશુઓની પ્રચંડ ક્ષમતાને પારખવામાં નિષ્ફળ જાય છે.

જો કે તેઓ યુનાઈટેડ સ્ટેટસ જેવા દેશમાં માત્ર પાંચ ટકાના શ્રમબળથી તેમના દેશ માટે

પૂરતા અનાજથી વધુ અનાજ પેદા કરે છે.

તેનાથી તદ્દ્‌ન ઉલટું ભારત , પાકિસ્તાન અને એશિયા તથા આફ્રિકાના ઘણાખરા

વિકાસશીલ દેશોમાં ૭૦ થી ૮૦% વસ્તી ખેતીમાં રોકાયેલી છે. મોટાભાગની જમીન

શ્રમિત, ઘસાઈ ગયેલી, છોડના પોષણથી ખાલી થઈ ગયેલી, વારંવાર સડતી, લગભગ

ભૂખમરાના સ્તર જેટલું પાકનું ઓછું ઉત્પાદન કરતી અને સદીઓથી સ્થગિત થયેલ

છે. ભૂખનું પ્રાબલ્ય અને તેનાથી રક્ષણ મહદ્‌અંશે અનાજના પાકોની વાર્ષિક સફળતા

કે નિષ્ફળતા પર આધારિત છે. આ દેશોમાં અર્ધપોષણ અને કુપોષણ બંને ખૂબ ફેલાયેલાં

છે. અને તે માનસિક અને શારીરિક વિકાસ માટેની જેનેટિક ક્ષમતા સંપાદન કરવા

અને તેને રક્ષવા માટે સતત પડકારરૂપ છે. આમાંના ઘણા દેશો બીજા વિશ્વયુદ્ધ પહેલાં

સ્વાવલંબી હતા અને કેટલાક તો અબજોના નિકાસકાર હતા, તેઓ હવે સ્પષ્ટ આયાતકાર

બન્યા છે, ખેતવિષયક પેદાશને અતિક્રમી જનારા વસ્તી વધારાના તેઓ ભોગ બન્યા

છે. આ દેશોમાં વધતી જતી માંગ સાથે તાલ મિલાવવા ખેતી નીચેના વિસ્તારને

વધારવાની બહુ ઓછી શકયતા છે. પાકની પેદાશ સ્થિર રહી છે, જયારે માનવ સંખ્યા

ભયજનક દરે વધવાનું ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ બગડી છે.

ભૂલાયેલ દુનિયાના, વિશેષાધિકાર વગરના કરોડો લોકો માટે ભૂખ કાયમી સાથીદાર

બની છે અને ભૂખમરો વારંવાર પડછાયાની જેમ છૂપાયેલો રહે છે. આ લાખો કમનસીબો

કે જેઓ લાંબા સમયથી હતાશામાં જીવ્યા હતા, તેમને હરિયાળી ક્રાંતિ એક ચમત્કાર

સમાન જણાય છે, જેણે તેમનામાં ભવિષ્ય માટે નવી આશા જગાડી છે.

ભારત અને પાકિસ્તાન બંનેમાં હેકટર દીઠ ઘઉંની પેદાશમાં ઝડપી વધારો,

હરિયાળીક્રાંતિએ આપેલ મોટો ધક્કો છે. પશ્ચિમ પાકિસ્તાનમાં ચોખાની પેદાશના

વધારાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. ભારતમાં ચોખાની પેદાશનો માત્ર નાનો ભાગ

છે, પરંતુ બંને દેશોમાં અનાજની પેદાશના વધારાની ભૂમિકા મહત્વની રહી છે.

ભારત અને પાકિસ્તાનમાં હરિયાળી ક્રાંતિ હજુ પણ ઘઉં ઉત્પાદનમાં

આશ્વર્યજનક શોધનું પરિણામ છે, નહિ કે નસીબ કે કુદરતી ચમત્કારનું પરિણામ.

તેની સફળતા સઘન સંશોધન પર આધારિત છે. મેકિસકોમાં થયેલા બે દાયકા સુધીના

ઘઉં પરના પ્રબળ સંશોધને મેકિસકો માટે ઘઉં ઉત્પાદનમાં ઝડપી વધારો કરવાનો

માર્ગ ખુલ્લો કર્યો.

ખેતીની પેદાશમાં કોઈ ચમત્કાર હોતા નથી.ન તો ઘઉં, ચોખા કે મકાઈની

જાતોમાં કોઈ એવો ચમત્કાર બને કે જેને કારણે સ્થગિત, પરંપરાગત ખેતીની બધી

બિમારીઓ દૂર કરવા તે ઓસડ બની શકે. પરંતુ એ મેક્સિકન નાના કદના ઘઉંની જુદી

જુદી જાતો છે જેને અનુસરીને ભારત અને પાકિસ્તાન હરિયાળી ક્રાંતિના મુખ્ય

પરિવર્તનકર્તા બન્યા છે. ઊંચી જેનેટીક ઉત્પાદન ક્ષમતા સાથે યોગ્ય જોડાણનો અસાધારણ

સંભવ, નાના પરાળ, મજબૂત પ્રતિવળતર અને ખાતરોના વધુ ઊંચા પ્રમાણમાં

ઉપયોગમાં કુશળતા તથા રોગ પ્રતિકારકતાએ મેક્સિકન નાની વિવિધ જાતોને જબરદસ્ત

પરિવર્તન કરનારી બનાવી. ૧૯૬૯-૧૯૭૦ માં પાકિસ્તાનમાં ૬ મિલિયન હેકટરમાંથી

પપ ટકા જમીનમાં ઘઉં વવાયા અને ભારતમાં ૧૪ મિલિયન હેકટરના ૩પ%માં મેકિસકન

જુદી જુદી જાતો વાવવામાં આવી. આ વિવિધ જાતોની ઊંચી ઉત્પાદન ક્ષમતા મેળવવા

માટે સમગ્ર નવી ઉત્પાદન ટેકનોલોજી પણ મેકિસકોથી પાકિસ્તાન અને ભારતમાં

લાવવામાં આવી. મેકિસકોમાં થયેલાં સંશોધનના પરિણામના ૭પ% ટકા સીધા જ

પાકિસ્તાન અને ભારતમાં અમલમાં મૂકાયા. બાકી રહેલા રપ % અંગે તે બંન્ને દેશોના

વૈજ્ઞાનિકો દ્વારા ઉત્તમ સંશોધન થયું.

ખેતીના ઈતિહાસમાં આટલા ટૂકાં ગાળામાં અને આટલી મોટી સફળતા, આટલા

મોટા પાયા પરના સ્તરે ઊંચી પેદાશની જાતોનું સમગ્ર નવી ટેકનોલોજી અને વ્યૂહ સાથે

એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવવાનું આ પહેલાં કયારેય સિદ્ધ થયું ન હતું. પાકના

આ સ્થળાંતરની સફળતા વૈજ્ઞાનિક અને સામાજિક બંને રીતે ઘણું મહત્વ ધરાવતી

ઘટના છે.

ભારત અને પાકિસ્તાન બંન્નેમાં ૧૯૬૩માં નાના કદની મેક્સિકન જાતોના પ્રયોગો

શરૂ થયા. બંને દેશોમાં તેના પરિણામો ઘણાં આશાજનક રહ્યાં. પરિણામે ૧૯૬પમાં

ખેતરોમાં વિશાળ પાયા પર પ્રયોગો માટે મેકિસકન નાના ઘઉંની જાતોનું બિયારણ

૩પ૦ ટન અને રપ૦ ટન, અનુક્રમે પાકિસ્તાન અને ભારતમાં આયાત કરવામાં આવ્યું.

ફરીથી તેના પરિણામો ખૂબ આશાસ્પદ આવ્યા. તેની પ્રતિક્રિયા રૂપે ભારતે ૧૯૬૬માં

૧૮૦૦૦ ટનની અને પછીના વર્ષે પાકિસ્તાને ૪ર૦૦૦ ટનની આયાત કરી. તે સાથે

બંને દેશોમાં ઘઉં ઉત્પાદનની ક્રાંતિએ માર્ગ મેળવ્યો. ઈતિહાસમાં પહેલી જ વખત

આટલા મોટા પ્રમાણમાં દૂરની ભૂમિમાંથી બિયારણ આયાત કરવામાં આવ્યું અને તેમના

નવા ઘરમાં તે સફળતાપૂર્વક ઊગ્યું. આ આયાતોએ હરિયાળી ક્રાંતિના લાભો લણવામાં

ત્રણથી પાંચ વર્ષો બચાવ્યા.

છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન બંને દેશોમાં ઘઉં ઉત્પાદન સ્પષ્ટ રીતે વધ્યું છે. હરિયાળી

ક્રાંતિ પૂર્વે ૧૯૬૪-૬પના વર્ષો બંને દેશોમાં વિક્રમ ફસલના વર્ષો હતા. તેને આધાર

વર્ષ ગણીએ તો પાકિસ્તાનમાં ૧૯૬પમાં ઉત્પાદન ૪.૬ મીલીયન ટનમાંથી

૧૯૬૮,૧૯૬૯,૧૯૭૦ માં અનુક્રમે ૬.૭, ૭.ર,૮.૪ મિલિયન ટન વધ્યું. પશ્ચિમ

પાકિસ્તાન ૧૯૬૮માં પહેલી જ વખત ઘઉં ઉત્પાદનમાં સ્વનિર્ભર બન્યું. ભારતમાં

૧૯૬૪-૬પમાં ૧ર.૩ મિલિયન ટનના વિક્રમથી ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦ની ફસલોમાં

૧૬.પ,૧૮.૭,અને ર૦ મિલિયન ટનનો વધારો થયો. ભારત સ્વનિર્ભરતાને પહોંચી

ગયું છે.

ફિલિપાઈન્સમાં ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (ૈંઇઇૈં) દ્વારા નવી

ટેકનોલોજીના સંયોગથી વિકસાવવામાં આવેલ ઊંચી ઉત્પાદકતાવાળા નાના ચોખાની

જાતનો અમલ પશ્ચિમ પાકિસ્તાનમાં થયો. તેના પરિણામે છેલ્લાં બે વર્ષ દરમ્યાન ફસલ

અને ઉત્પાદનમાં ચમત્કારિક વધારો થયો છે. કમનસીબે આ જાત ભારત અને પૂર્વ

પાકિસ્તાનના વરસાદી ક્ષેત્રોની હવામાનની પરિસ્થિતિને ઓછી બંધ બેસતી છે.

ઘઉં અને ચોખાના ઉત્પાદનની આ ક્રાંતિએ માત્ર ઉત્પાદન જ વધાર્યું નથી પરંતુ

તેની ઘણી પરોક્ષ અસરો ખેડૂતો અને અર્થતંત્ર બંનેને થઈ છે. એક અંદાજ મુજબ

ભારતીય અને પાકિસ્તાની ખેડૂતોની ચોખ્ખી આવક જે હેકટર દીઠ ૩૭ ડૉલર હતી તે

વધીને ૧૬ર ડૉલર થઈ છે. છેલ્લી ત્રણ ફસલો દરમ્યાન, ઘઉં ઉત્પાદનના વધારાથી

ભારત અને પાકિસ્તાનની કુલ રાષ્ટ્રીય પેદાશ (ય્દ્ગઁ) અનુક્રમે ૧.૪ મિલિયન હેકટર

અને ૬૪૦ મિલિયન ડોલર વધી છે.

હરિયાળી ક્રાંતિને આગળ ધપાવવામાં રાસાયણિક ખાતરે પણ ફાળો આપ્યો.

જૂની લાંબા કદની(ઘઉંની) જાતો પ્રત્યેક એક કિલો નાઈટ્રોજન દીઠ દસ કિલો વધારાનું

અનાજ પેદા કરતી હતી જયારે નવી જાતો પ્રત્યેક એક કિલો નાઈટ્રોજન દીઠ ર૦ થી

રપ કિલો વધુ અનાજ ઉગાડે છે. ભારતમાં નાઈટ્રોજનનો ઉપયોગ ૧૯પ૦-પ૧માં

પ૮૦૦૦ મેટ્રિક ટનથી વધીને ૧૯૬૪માં પ,૩૮,૦૦૦ અને ૧૯૬૯ -૭૦માં ૧.ર

મિલિયન મેટ્રિક ટન થયો.

ઘઉં ઉત્પાદનમાં સંશોધનને ખેતીનું યાંત્રીકરણ ઝડપથી અનુસરે છે. અત્યારે

૧૮૦૦૦ એકમોના ઉત્પાદનથી પાંચ ફેકટરીઓ ટ્રેકટરોનું ઉત્પાદન કરી રહી છે.

બળદ દ્વારા અનાજને છૂટું પાડવાની જૂની પદ્ધતી હવે અપૂરતી છે. છેલ્લાં ત્રણ

વર્ષમાં હજારો નાના થ્રેશિંગ મશીનોનું ઉત્પાદન થયું અને સેંકડો ગામોમાં વેચાણ થયું.

આમ ફસલ પછી પાકની વધુ હાનિ અટકાવી શકાઈ તથા ઘણા નાના ગામોના ઉદ્યોગોમાં

વધારાની રોજગારી ઊભી થઈ.

વળી થ્રેશરે બળદોને હટાવ્યા તો બળદોનો ઉપયોગ બીજા પાક માટે સમયસર

જમીન તૈયાર કરવામાં થઈ શકવા લાગ્યો. મોટાભાગના ખેડૂતો શિયાળા દરમ્યાન(રવિ

પાકમાં) આશરે એક મેટ્રિક ટન ઘઉંની ફસલ અને ઉનાળા દરમ્યાન (ખરીફ) આશરે

દોઢ મેટ્રિક ટન ચોખાની ફસલની ધારણા રાખતા. આમ દર વર્ષે હેકટર દીઠ કુલ અઢી

મેટ્રીક ટન અનાજ ઉગાડાતું. પરંતુ ઊંચી ઉત્પાદકતાવાળી જાતોનો ઉપયોગ, યોગ્ય

ખાતર , યોગ્ય સમયે વાવણી અને ખેતરની યોગ્ય સંભાળથી તે જ ખેડૂત તે જ જમીન

પર હવે હેકટર દીઠ પાંચ ટન ઘઉં અને સાત ટન ચોખાનો કુલ બાર મેટ્રિક ટન પ્રતિ

વર્ષ, પ્રતિ હેકટરે પાક ઉતારે છે. સૌથી પ્રગતિશીલ ખેડૂતો હવે એક જ વર્ષમાં ત્રણ

પાકો-ઘઉં-મગ-ચોખા અથવા ઘઉં, ચોખા, બટાટા અથવા ત્રણ આનુષાંગિક ચોખાના

પાકો સાંકળે છે. પાકોની વધેલી સઘનતાથી અનાજ ઉત્પાદન ક્ષમતા અને રોજગારી

બંનેમાં વધારો થયો છે.

અનાજ ઉત્પાદનના યાંત્રીકરણે આમ શ્રમિકો માટે રોજગારીની તકો ઘટાડવાને

બદલે વધારી અને ખાસ કરીને ભારતમાં તો તેણે સખત શ્રમ ઘટાડવામાં તથા

માનવશકિતની કુશળતા વધારવામાં મદદ કરી.

લાખો ખેડૂતો, જેમણે સફળતાપૂર્વક નવા ઘઉં, ચોખા અને મકાઈ ઉગાડયાં,

તેમની આવકમાં ઘણો વધારો થયો અને તેણે ખાતરો, પમ્પ, મશીનરી તથા અન્ય

સામગ્રીઓ અને સેવાઓની માંગ વધારીને એગ્રો ઈન્ડસ્ટ્રીના ઝડપી વિકાસને ઉત્તેજન

આપ્યું છે.

હરિયાળી ક્રાંતિએ ભારત સરકારને તેની ઘણી જાહેર સેવાઓ સુધારવાનું દબાણ

કર્યું હતું. ૧૯૬૮ પહેલાં વિક્રમજનક ઉત્પાદન માટે સંગ્રહસ્થાનની (કોઠાર)અત્યંત

તંગી હતી. છેલ્લાં બે વર્ષ દરમ્યાન ખેડૂતો અને પ્રેસની ટીકાઓથી ઉત્તેજન પામી,

વધતા અનાજ ઉત્પાદન માટે કોઠારો પૂરા પાડવાનું શરુ થયું છે. ગામડાંઓ વધુ સારા

રસ્તાઓ, આવાગમનનાં સારા જાહેર સાધનો અનેવધુ સારી શાળાઓ માગી રહ્યા છે

અને તેમને મળવાં શરુ થયાં છે.

ભારતમાં ઘઉં ક્રાંતિ માટે મોટા પાયે જવાબદાર ઓલ ઈન્ડિયા કોઓર્ડીનેટેડ

વ્હિટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામે દુનિયામાં સૌથી વધુ વિસ્તૃત અને ઘણા ભિન્નતાવાળા ઘઉં

સંશોધન કાર્યક્રમોમાંનો એક વિકસાવ્યો છે. ભારતમાં ચાલુ ઘઉં ઉપરનું એગ્રોનોમિક

સંશોધન દુનિયામાં શ્રેષ્ઠ છે. આ પાંગરી રહેલ કાર્યક્રમ મોટો, ભિન્નતાયુકત અને પહેલ

કરનારો છે. તેણે ૧૯૬પમાં મેક્સિકોમાંથી જે મૂળ જાતોને દાખલ કરી હતી તેને

અતિક્રમીને અનાજની જાતો ઉપજાવી લીધી છે.

ખૂબ પ્રચલિત અને ભ્રાંતિયુકત અભિપ્રાયથી ઉલટું ભારતીય સ્થાનિક પ્રકાર જે

તેમણે બદલાવ્યો, તેના કરતાં મેક્સિકોથી આયાત કરેલા મૂળ નાની જાતના ઘઉં

ચોક્કસપણે ઘણી રોગ પ્રતિકારક શકિત ધરાવતા હતા. પરંતુ વધુ નવી ભારતીય જાતો

તેનાથી પણ વધુ પ્રતિકારકતાવાળી છે અને મૂળ દાખલ કરેલી તેના કરતાં અલગ

જીનેટિક પ્રકારની છે. ભારતીય કાર્યક્રમ ઘઉંની બાયોકેમિકલ ઇન્ડસ્ટ્રીઓ અને ન્યુટ્રીશનલ

સમૃદ્ધિના સંશોધનમાં પણ નિપૂણતા વિકસાવી રહેલ છે.

કોઈપણ ઉત્પાદન અભિયાનની સફળતામાં વૈજ્ઞાનિક નેતૃત્વની ગુણવત્તા

ચોક્કસપણે મુખ્ય પરિબળ છે. એ દુઃખદ છતાં સાચું છે કે કેટલાક વિકસિત દેશોમાં કૃષિ

વૈજ્ઞાનિકોએ કૃષિ પ્રત્યેની તેમની નિષ્ઠા છોડી દીધી છે. કેટલીક સંશોધન સંસ્થાઓ

તેમને છુપાવા માટે સુવિધાઓ આપે છે.

હું ફરીફરીને ભારપૂર્વક કહેવા માગું છું કે હવે ખેતીનાં વધારાનાં ક્ષેત્રોમાં હરિયાળી

ક્રાંતિનો વિસ્તાર કરવા માટે ક્ષમતા મૂલ્ય ધરાવતી ટેકનીક અને સામગ્રી ઘણી ઉપલબ્ધ છે.

પરંતુ તે ક્ષમતાને વાસ્તવિક મૂલ્યમાં પરિવર્તન કરવા માટે વૈજ્ઞાનિક અને સંગઠનાત્મક

નેતૃત્વની જરૂર છે. આ નેતાઓ કયાં છે? આપણને તેમની સખત જરૂર છે.

મેક્સિકન અનુભવે દર્શાવ્યું કે વિકાસશીલ દેશોમાં તાલીમ પામેલા લોકોની

અછત તે ખેત સુધારણામાં સૌથી મોટું વિધ્ન હતું. અન્નની તંગી સામે પૂરતા વૈજ્ઞાનિકોને

તૈયાર કરવાનો જરૂરી સમય ન હતો. તેથી એક ટૂંકો અને સંગઠનાત્મક માર્ગ શોધાયો.

આમ ૧૯૬૦માં પ્રથમ સાચી આંતરરાષ્ટ્રીય સંશોધન અને તાલીમ સંસ્થાનો જન્મ

થયો- ધ ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ૈંઇઇૈં) ફિલિપાઈન્સના લોસ બેનોસમાં

સ્થપાઈ. આ સંસ્થાને ફોર્ડ અને રોકફેલર ફાઉન્ડેશને ફિલિપાઈન્સ સરકારના સહયોગમાં

નાણાકીય મદદ કરી.

૧૯૬૩માં બીજું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થપાયું. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર મેઈઝ

એન્ડ વ્હિટ ઈમ્પ્રુવમેન્ટ (ઝ્રૈંસ્સ્રૂ્‌) ને પણ ફોર્ડ અને રોકફેલર ફાઉન્ડેશને મેક્સિકન

સરકારના સહયોગમાં સહાય આપી.

ત્રીજું કેન્દ્ર, ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ ટ્રોપિકલ એગ્રીકલ્ચર (ઝ્રૈંછ્‌) કોલમ્બિયામાં

અને ચોથું ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટ્રોપિકલ એગ્રીકલ્ચર (ૈૈંં્‌છ) નાઈજીરીયામાં

હમણાં જ સ્થપાયાં છે. તેમને પણ ફોર્ડ અને રોકફેલર ફાઉન્ડેશનની સહાય મળી છે.

આ ચાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ-સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય

સંશોધનના તથા તાલીમ કેન્દ્રોમાં વિશ્વવ્યાપી નેટવર્કના નિર્માણ તરફની ધીમી પરંતુ

મહત્વની શરૂઆત દર્શાવે છે. આ નેટવર્ક સમગ્ર માનવજાતને વિજ્ઞાનના વેરવિખેર

લાભોને એકત્રિત કરવામાં તથા પ્રશ્નોને ઓછામાં ઓછી કિંમતે ઉકેલવામાં સહાય

કરશે.

મને ખાતરી છે કે આ આંતરરાષ્ટ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ અન્ન ઉત્પાદન

વૃદ્ધિની જરૂરિયાતના પાયા પર દેશો વચ્ચે સમજદારીની સાંકળ વિકસાવે છે. આપણે

બધાએ આ સાંકળને મજબૂત બનાવવાનો પ્રયત્ન -આલ્ફ્રેડ નોબેલના શબ્દોમાં “રાષ્ટ્રો

વચ્ચે ભ્રાતૃભાવ પ્રેરવા” માટે કરવો જોઈએ.

છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાનની હરિયાળી ક્રાંતિના સારસંક્ષેપમાં હું ફરી એ કહેવા

ઈચ્છું છું કે ચોખા, મકાઈ અને ખાસ કરીને ઘઉંના ઉત્પાદનમાં વધારો દર્શનીય અને લાખો

માનવોના કલ્યાણ માટે ઘણો મહત્વનો છે. તે હજી કુલ જરૂરિયાતની સામે ઓછો છે. એ

યાદ રાખીએ કે દુનિયાની વસ્તીના પ૦% અપોષિત છે અને તેનાથી પણ વધુ ૬પ% કુપોષિત

છે ત્યારે સંતોષને કોઈ અવકાશ નથી. અત્યંત ખરાબ પરિસ્થિતિને વસ્તી વધારાની સાથે

બગડતી રોકવાનું જ પૂરતું નથી. આપણો હેતુ ઉત્પાદન વધારવાની સાથે જ કુપોષણમાં

સુધારા માટે પ્રયત્ન કરવાનો પણ છે. વિકાસશીલ દેશોમાંથી ભૂખ દૂર કરવા માટે હવે

આપણને દુનિયાનું અનાજ ઉત્પાદન ૩૦% વિસ્તારવાની જરૂર છે. તે થાય તો પણ જયાં

સુધી વધારાના અન્નની વહેંચણી કરવાના અસરકારક માર્ગો, સંબંધિત સામાજિક આર્થિક

પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ દૂર નહીં થાય.

હરિયાળી ક્રાંતિ એ સાચી દિશામાં પરિવર્તન છે પરંતુ તેણે દુનિયાને યુટોપિયામાં

બદલી નથી. તેની મર્યાદાઓથી હું સભાન છું. હું તે હકીકત સખત ભારપૂર્વક કહેવા

માગું છું કે આગળની પ્રગતિ, સરકારના નેતાઓ, રાજપુરુષો, વેપારીઓ, વૈજ્ઞાનિકો,

શિક્ષણકારો અને પ્રેસ, રેડિયો તથા ટેલિવિઝન જેવી સંપર્ક એજન્સીઓના બૌદ્ધિક,

એકાગ્ર અને સતત પ્રયત્નો પર આધાર રાખે છે.

અત્યારે છે તેના કરતાં વધુ પોષણની ગુણવત્તા અને વધુ ઉત્પાદનક્ષમતા સાથેના

માનવસર્જિત નવા અનાજના પ્રયોગ થાય છે. ટ્રિટીકાલે આવો માનવસર્જિત પ્રકાર છે

જે ઘઉં અને રાઈના સંકરણમાંથી ઊતર્યો છે.

છેલ્લાં છ વર્ષથી મેક્સિકોમાંના ઈન્ટરનેશનલ કોર્ન એન્ડ વ્હિટ સેન્ટરે મેનિટોબા

યુનિવર્સિટીના સહકારથી ટ્રિટીકાલેના વિશાળ ઉત્પાદનને સુધારવાનો કાર્યક્રમ અપનાવ્યો

છે. હું અનાજ અને કઠોળ બંને માટે વિશાળ સંકરણનો એક હિંમતભર્યો કાર્યક્રમ સૂચવું

છું. નવા મિશ્રણની શ્રેણી બનાવી શકાય અને તેને બે ગણી કરી શકાય. જેમ કે, મકાઈ

અને જુવાર, ઘઉં અને જવ વચ્ચે અથવા ઘઉં અને ચોખા વચ્ચે.

વિકસિત તથા વિકાસશીલ બધા દેશોમાં વિશાળ રકમો સશસ્ત્રીકરણ, નવાં

અણુશસ્ત્રો અને અન્ય હથિયારો પાછળ ખર્ચાય છે, જયારે દયાજનક નાની રકમ કૃષિ

સંશોધન અને શિક્ષણની યોજના માટે તથા જીવનને પતિત કે નાશ કરવા કરતાં માનવીય

બનાવવા પાછળ ખર્ચાય છે.

હરિયાળી ક્રાંતિએ માનવના ભૂખ અને અછત સામેના યુદ્ધમાં કામચલાઉ સફળતા

મેળવી છે. તેણે માનવને શ્વાસ લેવાનો અવકાશ આપ્યો છે. જો તે સંપૂર્ણપણે અમલમાં

મૂકાય તો આ ક્રાંતિ પછીના ત્રણ દાયકા દરમ્યાન પૂરતું અન્ન પૂરું પાડી શકે. પરંતુ

ભયજનક માનવવસ્તી અંકુશિત હોવી જોઈએ, અન્યથા હરિયાળી ક્રાંતિ માત્ર કામચલાઉ

બની જશે.

આપણે તે હકીકત સ્વીકારવી જોઈએ કે પૂરતો ખોરાક તે જીવનની એક માત્ર

પહેલી જરૂરિયાત છે, સુંદર માનવજીવન માટે આપણે સારું શિક્ષણ, વળતર આપનારી

રોજગારી, સુવિધાયુકત મકાનો, સારાં કપડાં અને અસરકારક તથા દયાપૂર્ણ આરોગ્ય

સંભાળની તકો પણ પૂરાં પાડવાં જોઈએ. જો આપણે તે નહીં કરી શકીએ તો માનવ

ભૂખ કરતાં પર્યાવરણીય રોગોથી ઝડપથી ક્ષીણ થઈ જશે.

મને વિશ્વાસ છે કે હવે પછીના બે દાયકામાં માનવ બેજવાબદાર વસ્તી વધારાના

આત્મવિનાશક માર્ગને ઓળખશે અને સમગ્ર માનવજાતને સુંદર જીવનધોરણ મળી

શકે તેને અનુરુપ વધારો કરશે, જો માનવ નિર્ણય લેવા માટે પૂરતો શાણો થાય અને જો

બધા દેશો તેમના યુદ્ધદેવોની મૂર્તિપૂજા છોડી દે તો ત્યારે નોબેલ શાંતિ પારિતોષિક કે જે

“રાષ્ટ્રોમાં સૌથી વધુ ભ્રાતૃભાવ પ્રેરનાર વ્યકિતને અપાય છે,” તે માનવજાત પોતે

મેળવશે.

પછી, વીસમી સદીની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ કુશળતાઓ વિકસાવીને

અને તેનો ઉપયોગ“સમગ્ર દુનિયામાં માનવજાતના કલ્યાણ માટે” કરીને તે જોઈ શકશે

કે ઈસાઈઆહની ભવિષ્યવાણી સાચી પડી.....

... ‘‘અને રણ આનંદ પામશે અને ગુલાબ જેમ ખીલશે..... અને સૂકું મેદાન

ઝરણું બનશે. અને તરસી ધરતી પાણીથી ઉછળશે.....’’

અને આ શબ્દો સાચા પડો!

• • •

એન્દ્રેઈ સાખારોવ - રશિયા

ધ નોબેલ શાંતિ પારિતોષિક - ૧૯૭૫

જન્મ : ૧૯૨૧

અવસાન : ૧૯૮૯

જીવન ઝરમર :

સાખારોવના પિતા ફિઝિક્સના શિક્ષક હતા. તેઓ પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાય

પુસ્તકો તથા પ્રચલિત વિજ્ઞાન અંગેના લેખક હતા. તેઓ એક જમાતના વિશાળ ભવનમાં

ઉછર્યા જ્યાં મોટાભાગના ઓરડાઓ એમના કુટુંબીઓ અને સગાઓના કબજામાં હતા

અને બહુ થોડા (લોકો) બહારના હતા. કામ માટેના જીવંત ઉત્સાહ અને વ્યાવસાયિક

કાર્યદક્ષતા માટેના આદરયુક્ત દૃઢ પરંપરાગત કૌટુંબિક જુસ્સાથી તે ઘર સભર હતું.

કુટુંબમાં તેઓ પરસ્પર સમર્થન પૂરું પાડતા - જેમ સાહિત્ય અને વિજ્ઞાન અંગેના પ્રેમમાં

સહભાગી થતા તેમ.

ઘરના પ્રભાવનું તેમને મન ઘણું મહત્ત્વ હતું. ખાસ કારણ એ છે કે તેઓ

તેમના પ્રથમ પાઠો ઘરમાંથી શીખ્યા અને પાછળથી વર્ગમિત્રો સાથે મેળ પાડવામાં

સૌથી વધુ મુશ્કેલી અનુભવી. ૧૯૩૮માં તેમણે સ્કૂલની ફાઈનલ પરીક્ષા ડિસ્ટિંકશન

સાથે પાસ કરી અને તુરત જ મોસ્કો યુનિવર્સિટીમાં ફિઝિક્સની વિદ્યાશાખામાં અભ્યાસ

શરૂ કર્યો. અહીં પણ ફાઈનલ તેમણે ડિસ્ટિંકશન સાથે પાસ કરી. ૧૯૪૨માં યુદ્ધને

કારણે તેમને અશ્ખાબાદથી દૂર કરાયા.

૧૯૪૨ના ઉનાળા અને પાનખરમાં થોડા અઠવાડિયા કોવરોવમાં રહ્યા -

જ્યાં તેમને મૂળ તો ગ્રેજ્યુએશન પછી કામ કરવા મોકલાયા હતા. પાછળથી મેલેક્સ

નજીકની ઉજ્જડ ગ્રામ્ય વસાહતમાં તેમણે લાકડાફાડુનું કામ કર્યું. મજૂરો અને ખેડૂતોના

જીવનની તેમની દુખદાયક છાપ તે ખૂબ ખરાબ સમયમાંથી ઉતરી આવી છે. ૧૯૪૨ના

સપ્ટેમ્બરમાં ૧૯૪૫ સુધી તેમને વોલ્ગા પાસેની યુદ્ધ સામગ્રીની મોટી ફેકટરીમાં

એન્જિનિયર અને યોજક તરીકે મોકલવામાં આવ્યા. એ ફેકટરીમાં તેમણે ઉત્પાદન

નિયમનના ક્ષેત્રે અનેક શોધો કરી. પરંતુ ૧૯૪૪માં હજુ ફેકટરીમાં જ નિમાયેલા હતા

ત્યારે તેમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રને લગતા કેટલાક વૈજ્ઞાનિક લેખો લખ્યા અને તે

મૂલ્યાંકન અને ટીકા માટે મોસ્કો મોકલ્યા. આ પ્રથમ લખાણ ક્યારેય પ્રગટ થયું નહીં,

પરંતુ તેણે સંશોધક માટે જરૂરી તેવો આત્મવિશ્વાસ તેમને આપ્યો.

૧૯૪૫માં યુ.એસ.એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના ફિઝિક્સ

વિભાગ-લેબેડેવ ઈન્સ્ટિટ્યૂટમાં તેમણે ડોક્ટરેટ માટે અભ્યાસ શરૂ કર્યો. તેમના ગુરુ

મહાન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી આઈગોર ઈવ્ગેનિયેવિચ ટામ્મ હતા.

તેમણે તેમને અત્યંત પ્રભાવિત કર્યા. ૧૯૪૭માં તેમણે ન્યુક્લિયર ફિઝિક્સ

પરની થિસિસ રજૂ કરી અને ૧૯૪૮માં વૈજ્ઞાનિક સંશોધકોના એ ગ્રુપમાં તેમને સામેલ

કરવામાં આવ્યા, જેનું મુખ્ય કાર્ય ન્યુક્લિયર શસ્ત્રોનો વિકાસ કરવાનું હતું.

પછીનાં ૨૦ વર્ષ તેમણે સર્વોચ્ચ સલામતી અને અત્યંત દબાણ નીચે કામ કર્યું

- પહેલાં મોસ્કોમાં અને તે પછી વિશેષ ગુપ્ત રિસર્ચ સેન્ટરમાં. તે સમયે તેમને બધાને

પ્રતીતિ થયેલી કે આ કાર્ય વિશ્વમાં સત્તાની સમતુલા માટે અત્યંત મહત્તા ધરાવે છે અને

તેમના કાર્યની ભવ્યતાથી તેઓ મુગ્ધ થયેલા હતા. ‘‘સાખારોવ સ્પિક્સ’’ એ તેમના

પુસ્તકની પ્રસ્તાવનામાં તેમજ ‘‘માય કન્ટ્રી એન્ડ ધ વર્લ્ડ’’માં તેઓ ૧૯૫૩-૬૩ના

સમયગાળામાં તેમના સામાજિક-રાજકીય વિચારો દર્શાવી ચૂક્યા છે. તથા તેમાં ફાળો

આપનાર નાટકીય ઘટનાઓ અથવા આ વિકાસની અભિવ્યક્તિ દર્શાવી છે. ૧૯૫૩થી

૧૯૬૨ દરમ્યાન જે કંઈ બન્યું તે આ અણુશસ્ત્રોના વિકાસ સાથે તથા તેની તૈયારીઓ

સાથે અને અણુપ્રયોગોના સાક્ષાત્કાર સાથે સંબંધિત છે. તે જ સમયે તેઓ આ કાર્ય

સાથે સંકળાયેલ નૈતિક પ્રશ્નો પ્રત્યે વધુ સજાગ બની રહ્યા હતા. ૧૯૬૭ પછી આ

પ્રશ્નો ત્યાં સુધી પહોંચ્યા કે તેમની બેચેની એટલી હદે વધી ગઈ કે તેણે ૧૯૬૮માં

વિચારો પ્રગટ કરવાની તેમને ફરજ પાડી.

આ રીતે ‘‘પ્રોગ્રેસ, પીસફુલ કોએક્ઝિસ્ટન્સ એન્ડ ઈન્ટલેક્ચ્યુઅલ ફ્રીડમ’’નો

લેખ લખાયો. હકીકતમાં આ એ જ વિષય છે જે સાડા સાત વર્ષ પછી તેમના નોબેલ

વ્યાખ્યાન (પીસ, પ્રોગ્રેસ એન્ડ હ્યુમન રાઈટ્‌સ)નું શીર્ષક બન્યો. તેઓ માનતા કે આ

બાબતો મૂળભૂત રીતે મહત્ત્વની અને પરસ્પર નિકટતાથી સંબંધિત છે. તેમના જાહેર

વિચાર તેમના માટે અને તેમના સમગ્ર ભાવિ માટે વળાંક આપનારા હતા. આ લેખ

ખૂબ ઝડપથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થયો.

૧૯૬૮ના જુલાઈથી જ્યારથી તેમનો લેખ પરદેશમાં પ્રસિદ્ધ થયો ત્યારથી

તેમને અતિ-ગુપ્ત કામમાંથી દૂર હટાવાયા અને સોવિયેટમાં ‘‘નોમેનક્લેટુરા’’ (સોવિયેટ

પ્રણાલિનો ઉચ્ચ વિશેષાધિકૃત વર્ગ)ના તેમના વિશેષાધિકારોથી બાકાત કરવામાં આવ્યા.

આમ છતાં સામાજિક પ્રશ્નો, તેઓ વ્યક્તિગત પ્રયત્નોથી જવાબદારી લે તે

માટે સતત માગણી કરી રહ્યા હતા. તે પણ તેમની શારીરિક અને માનસિક શક્તિ પર

દબાવ વધારી રહ્યા હતા. તેમને માટે નૈતિક મુશ્કેલીઓ એ હતી કે તેમના મિત્રો અને

નજીકના કુટુંબીઓ પર સતત દબાણ સહન કરવાનું આવતું હતું. વ્યક્તિગત રીતે

તેમની વિરુદ્ધ સીધું દબાણ ન હતું. પરંતુ તે તેમની આસપાસ તો હતું જ.

તેઓ ઘણીવખત લેખિતમાં જણાવી ચૂક્યા છે કે તેઓ કોઈપણ નક્કર રાજકીય

નિદાનથી દૂર રહેવા ઈચ્છે છે. વર્તમાનમાં તેમના જીવનમાં અમાપ કરુણતા રહેલી છે.

તેમના નજીકના મિત્રો પર છેલ્લે સજાઓ કરવામાં આવી છે. સરગેઈ કોવાલેવ (બરાબર

નોબેલ પ્રાઈઝના સમારંભ વખતે જ તેને સાત વર્ષની કેદની અને ત્રણ વર્ષના દેશવટાની

સજા થઈ છે) અને એન્દ્રેઈ ત્વેરડોખ્લેબોવ-તેનાં સ્પષ્ટ અને અસામાન્ય ઉદાહરણ છે.

નોબેલ ઈનામ મેળવ્યા પછી, સાખારોવે માનવઅધિકારો માટે કામ કરવાનું

ચાલુ રાખ્યું અને મોસ્કોમાં પશ્ચિમના સંવાદદાતાઓ દ્વારા પશ્ચિમને અહેવાલો મોકલ્યા

કર્યા. ૧૯૮૦ની શરૂઆતમાં અફઘાનિસ્તાન પરના સોવિયેટ આક્રમણનો તેમણે વિરોધ

કર્યા પછી તેમને ગોર્કીમાં દેશનિકાલ કરવામાં આવ્યા. ૧૯૮૪માં એલેના બોનર પણ

દેશનિકાલ પામીને તેમની સાથે જોડાયા. મિત્રો અને કુટુંબીજનોથી દૂર, તેઓ કેજીબી

દ્વારા સતત રંજાડાતા રહ્યા. બોનર માટે ઔષધીય સારવાર મેળવવા સાખારોવે ભૂખ

હડતાલનો આશરો લીધો. આખરે તેણીને ૧૯૮૫માં હાર્ટની સર્જરી માટે સોવિયેટ

યુનિયન છોડવાની મંજૂરી આપવામાં આવી. ૧૯૮૬માં મિખાઈલ ગોર્બાચોવ સત્તામાં

આવ્યા બાદ ઉદારતાની નીતિ અપનાવાતાં તેઓને મુક્ત કરાયા અને મોસ્કોમાં પાછા

ફરવાની છૂટ મળી. હવે શક્ય તેટલા સ્વાતંત્ર્યના ઉપાય લેવાયા,જે તેમને લોકોના

પ્રતિનિધિઓની કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય તરીકે રાજકીય ભૂમિકા અદા કરવા શક્તિમાન

બનાવતા હતા. છતાં સાખારોવ ગોર્બાચોવના આલોચક હતા. તેમણે ભાર મૂક્યો કે

સુધારા હજુ વધુ આગળ જવા જોઈએ.

૧૯૮૯ની ૧૪મી ડિસેમ્બરે મોસ્કોમાં તેમનું અવસાન થયું.

સ્વીકૃતિ પ્રવચન, ડિસેમ્બર ૧૧, ૧૯૭૫

શાંતિ, પ્રગતિ, માનવ અધિકારો :

નોબેલ સમિતિના માનનીય સભ્યો, સન્નારીઓ અને સજ્જનો,

શાંતિ, પ્રગતિ અને માનવ અધિકારો - આ ત્રણ લક્ષ્યો એકબીજા સાથે ગૂઢપણે

સંકળાયેલાં છે. કોઈપણ એક લક્ષ્યને, બીજા બેની ઉપેક્ષા કરીને સિદ્ધ કરવાનું અશક્ય

છે. મારા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાનો આ પ્રબળ વિચાર છે. આ મહાન અને મહત્ત્વના

પારિતોષિક, નોબેલ શાંતિ પારિતોષિકથી મને નવાજવા માટે તથા આજે અહીં ઉદ્‌બોધન

કરવાની તક આપવા માટે હું તમારો આભારી છું. સાચા અને ટકાઉ આંતરરાષ્ટ્રીય

સહકાર માટે માનવઅધિકારોનું રક્ષણ એ જ એક માત્ર ખરો આધાર છે, તેવો કમિટિનો

નિર્દેશ મને વિશેષ આનંદ આપનારો છે. હું માનું છું કે આ વિચાર ઘણો મહત્ત્વનો છે.

મને ખાત્રી થઈ ગઈ છે કે આંતરરાષ્ટ્રીય સલામતી તે ખુલ્લા સમાજ વિના કલ્પી શકાય

નહીં. ખુલ્લો સમાજ કે જ્યાં માહિતીનું સ્વાતંત્ર્ય, વિચારોનું સ્વાતંત્ર્ય, પ્રકાશનનો

અધિકાર તથા પ્રવાસનો અને પોતે જ્યાં જીવવા માગતો હોય તે દેશ પસંદ કરવાનો

વ્યક્તિને અધિકાર હોય.

તે જ રીતે મને જણાયું છે કે અન્ય નાગરિક અધિકારો સાથે, બૌદ્ધિક સ્વાતંત્ર્ય,

વૈજ્ઞાનિક પ્રગતિ માટે આધાર પૂરો પાડે છે અને વૈજ્ઞાનિક વિકાસનો માનવજાતને લૂંટી

લેવા માટે ઉપયોગ નહીં કરાય તેવી ખાત્રી નિર્માણ કરે છે. માનવજાતને તે (બૌદ્ધિક

સ્વાતંત્ર્ય) આર્થિક અને સામાજિક પ્રગતિ માટે આધાર પૂરો પાડે છે. તેના પરિણામે

સામાજિક અધિકારોના અસરકારક રક્ષણની શક્યતા માટે રાજકીય બાંહેધરી મળે છે. તે

સાથે જ માનવજાતનું ભાવિ ઘડવામાં નાગરિક અને રાજકીય અધિકારો મૂળભૂત અને

નિર્ણાયક મહત્ત્વના છે તેવા વિચાર (થિસિસ)નો બચાવ કરવાનું મને ગમશે. આ દૃષ્ટિબિંદુ

મૂળભૂત રીતે વિશાળ રીતે સ્વીકૃત માર્ક્સવાદી દૃષ્ટિબિંદુથી જુદું પડે છે. તેમજ ટેકનોક્રેટિક

અભિપ્રાયો જે મુજબ ખરેખર ભૌતિક બાબતો અને સામાજિક તથા આર્થિક પરિસ્થિતિઓ

નિર્ણાયક મહત્ત્વ ધરાવે છે - તેનાથી પણ જુદું પડે છે. (જો કે આમ કહેતાં, અલબત્ત મારો

હેતુ લોકોની ભૌતિક પરિસ્થિતિઓના મહત્ત્વને નકારવાનો નથી.)

મને આ બધા વિચારો મારા વ્યાખ્યાનમાં વ્યક્ત કરવાનું ગમશે તથા ખાસ

કરીને માનવ અધિકારોને હણનારા અનેક નક્કર પ્રશ્નો પર (લંબાણથી) વિવેચન કરવાનું

ગમશે. આ પ્રશ્નોનો ઉકેલ આવશ્યક છે અને આપણી પાસે સમય ઓછો છે તેમ મને

લાગે છે.

તેથી જ મેં મારા વ્યાખ્યાનને ‘‘શાંતિ, પ્રગતિ અને માનવ અધિકારો’’ તેવું

શીર્ષક આપ્યું છે. ૧૯૬૮ના મારા લેખ ‘‘પ્રગતિ, શાંતિમય સહઅસ્તિત્વ અને બૌદ્ધિક

સ્વાતંત્ર્ય’’ના શીર્ષક સાથે તેની સ્વાભાવિક દેખીતી સમાનતા છે. મારા વ્યાખ્યાનના

મુદ્દાઓ અને ફલિતાર્થ તેની સાથે નિકટની સમાનતા ધરાવે છે.

એવું ઘણું સૂચવાય છે કે વીસમી સદીના પૂર્વાર્ધમાં માનવજાત તેના ઈતિહાસના

વિશેષ નિર્ણાયક અને ભયજનક યુગમાં પ્રવેશી છે.

થર્મોન્યુક્લિયર મિસાઈલ્સ કે જે સમગ્ર માનવજાતનો વિનાશ કરવા શક્તિમાન

છે તે અસ્તિત્વમાં છે, તે આપણા યુગનો સૌથી મોટો પડકારરૂપ ભય છે. આર્થિક,

ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસને આભારી કહેવાતા ‘‘પ્રચલિત’’ શસ્ત્રો તેની જેમ

અનન્યપણે વધુ ભયજનક વિકસ્યા છે, અહીં યુદ્ધના રાસાયણિક કે જૈવિક શસ્ત્રોનો

નિર્દેશ નથી.

તેમાં કોઈ શક નથી કે ઔદ્યોગિક અને ટેકનોલોજીની પ્રગતિ ગરીબી, દુષ્કાળ

અને રોગો પર કાબૂ મેળવવામાં સૌથી વધુ મહત્ત્વની છે. પરંતુ તે સાથે જ આ પ્રગતિ,

જેમાં આપણે જીવીએ છીએ તે પર્યાવરણમાં તેમ જ આપણા કુદરતી સ્રોતોના શોષણમાં

અનિષ્ટકારી પરિવર્તન તરફ દોરી જાય છે. આ રીતે માનવજાત ગંભીર (પર્યાવરણીય

અસમતુલા) ભયનો સામનો કરી રહી છે.

પરંપરાગત સ્વરૂપના જીવનમાં ઝડપી પરિવર્તનોનું પરિણામ નિરંકુશ વસ્તી

વિસ્ફોટમાં આવ્યું છે કે જે ખાસ કરીને ત્રીજા વિશ્વના વિકાસશીલ દેશોમાં નોંધપાત્ર છે.

આ વસ્તી વધારાએ આર્થિક, સામાજિક અને માનસિક અતિ જટિલ પ્રશ્નો સર્જી દીધા

છે અને ભવિષ્યમાં અનિવાર્યપણે વધુ ગંભીર પ્રશ્નો હજુ સર્જશે. ખાસ કરીને એશિયા,

આફ્રિકા અને લેટિન અમેરિકાના ઘણા મહાન દેશોમાં, લાખો લોકોના જીવનમાં ખોરાકની

તંગી મુખ્ય બાબત બની જશે. તેમના જન્મની ક્ષણથી જ તેઓ ભૂખમરાના સ્તરે હતભાગી

અસ્તિત્વની સજા ભોગવે છે. તે દૃષ્ટિએ ઘણા વિશેષજ્ઞોના મતે ‘‘હરિયાળી ક્રાંતિ’’ની

બેશક સફળતા છતાં ભાવિ દુઃખદ અને ભયજનક છે.

અને છતાં વિકસિત દેશોમાં પણ લોકો ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યા

છે. તેમાંનો એક, અતિશય શહેરીકરણના પરિણામે ઊભા થયેલા દબાણનો છે. આથી

ઉભા થતાં બધાં જ પરિવર્તનો સામાજિક અને માનસિક સ્થિરતા તોડી નાખે છે. શિરસ્તા

અને પ્રવાહનું સતત અનુસરણ, અતિ-ઉત્પાદન, જીવનની બુદ્ધિહીન અને ઘેલી ગતિ,

જ્ઞાનતંતુને લગતી તથા માનસિક બિમારીમાં વધારો, કુદરતથી વિખૂટા પડી રહેલા

તેમજ દુનિયાની પરંપરાગત દૃષ્ટિએ સામાન્ય જીવનથી વિખૂટા પડી રહેલા લોકોની

સંખ્યામાં વધારો, કુટુંબોના વિચ્છેદ અને સાદા માનવજીવનના આનંદો અને ખુશીઓનો

લોપ, કોમના નૈતિક અને સદાચારી નિયમોનું પતન, તથા વધુ ને વધુ લોકોની એવી

અનુભૂતિ કે તેમના જીવનમાં કોઈ વ્યાજબી લક્ષ્ય નથી - આ પૃષ્ઠભૂમિમાં અશાંતિજનક

ઘટનાઓના આપણે સાક્ષી છીએ. ગુન્હાખોરીમાં, નશાખોરીમાં, વ્યસનોમાં, ત્રાસવાદી

કૃત્યોમાં અને એવા બધામાં વધારો, દુનિયાના સ્રોતોનો જોખમી નાશ, અતિ વસ્તીનો

ભય, સતત અને ઊંડા મૂળના આંતરરાષ્ટ્રીય, રાજકીય અને સામાજિક પ્રશ્નો વિકસિત

દેશો પર પણ વધુ ને વધુ દબાણયુક્ત પ્રભાવ પાડી રહ્યા છે.

આમ છતાં, આજે વિશ્વ જે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે તેની તરાહમાં વધુ

નિર્ણાયક અને મહત્ત્વની ભૂમિકા માનવજાતના વૈશ્વિક રાજકીય ધ્રુવીકરણે ભજવી છે.

તેણે વિશ્વને કહેવાતા પ્રથમ વિશ્વ (જે વ્યવહારમાં પશ્ચિમ જગત કહેવાય છે), દ્વિતીય

વિશ્વ (સમાજવાદી) અને તૃતીય વિશ્વ (વિકાસશીલ દેશો)માં વિભાજિત કરી દીધું છે.

બે શક્તિશાળી સમાજવાદી રાજ્યો, હકીકતમાં દુશ્મન, જુલ્મી સામ્રાજ્યો છે જેમાં એક

જ પક્ષ અને સરકાર જીવનના તમામ ક્ષેત્રો પર અસામાન્ય સત્તા ભોગવે છે. તેઓ

વિસ્તરણની અપાર ક્ષમતા ધરાવે છે. વિશ્વના વિશાળ વિસ્તારને કબજે કરવા તેઓ

પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્નશીલ છે. તેમાંનુ એક રાજ્ય - ચાઈનીઝ પીપલ્સ

રિપબ્લિક તો હજુ આર્થિક વિકાસના સાધારણ તબક્કે હમણાં પહોંચ્યું છે. જ્યારે બીજું

- સોવિયેટ યુનિયન - તેના કુદરતી સ્રોતોના અજોડ શોષણ દ્વારા, તેના રહેવાસીઓની

બધી સત્તા કબજે કરીને તથા તેમની ક્ષમતાને સતત ખૂંચવી લઈને આજે અતિ યુદ્ધ

ક્ષમતાવાળું અને સાપેક્ષ રીતે જો કે એકમાર્ગી, પણ ઊંચો આર્થિક વિકાસ ધરાવતું

રાજ્ય બન્યું છે. પરંતુ સોવિયેટ યુનિયનમાં પણ લોકોનું જીવનધોરણ નીચું છે, નાગરિક

અધિકારો નાના સમાજવાદી દેશો કરતાં વધુ નિયંત્રિત છે.

વધુમાં, આવું ધ્રુવીકરણ વિશ્વ માટે વધુ ગંભીર ભય ઊભા કરે છે - અણુ

પ્રલય, દુષ્કાળ, પર્યાવરણનો બગાડ, સ્રોતોનો નાશ, અતિ વસ્તી અને માનવતાના

હ્રાસ જેવા ભય.

લોકો કૃત્રિમ ખાતરો, યાંત્રિક ખેતી, ઝેરી રસાયણો અને સઘન ખેતીવિષયક

પદ્ધતિઓથી અજાણ હોય તેને બહુ લાંબો સમય નથી થયો. હવે વધુ પરંપરાગત અને

શક્ય તેટલી ઓછી જોખમી ખેતીનું સ્વરૂપ પાછું લાવવાના અવાજો આવે છે પરંતુ જ્યાં

લાખો લોકો ભૂખના દર્દથી પીડાતા હોય તેવી દુનિયામાં આપણે તેને વ્યવહારમાં મૂકી

શકીએ? ઊલટાનું, તેમાં શક નથી કે આપણે ખેતીની વધુ ને વધુ સઘન પદ્ધતિઓની

જરૂર છે અને આધુનિક પદ્ધતિઓ વિશ્વભરમાં તેમજ વિકાસશીલ દેશોમાં પણ ફેલાવવાની

જરૂર છે.

આપણે ચિકિત્સા સંબંધી સંશોધન અથવા તેની બધી શાખાઓમાં વિસ્તૃત

સંશોધનના ફળનો ઉપયોગ વધુ ને વધુ વ્યાપક રીતે થાય તેવા વિચારને નકારી શકીએ

નહીં. તેમાં બેક્ટેરિયોલોજી, વાયરોલોજી, ન્યુરો-ફિઝિયોલોજી, હ્યુમન જિનેટિક્સ તથા

જીન સર્જરીનો સમાવેશ થાય છે. ભલે પછી આ સંશોધનને કારણે અનિચ્છનીય સામાજિક

પરિણામો અને તેના ગેરઉપયોગનું જોખમ ઊભું થતું હોય.

બૌદ્ધિક પ્રક્રિયાની નકલ માટેની પદ્ધતિ સર્જવાના સંશોધનને પણ તે લાગુ પડે

છે. લોકસમૂહની વર્તણૂંકને નિયંત્રિત કરવાનું સંશોધન, એક સમાન વૈશ્વિક સંપર્ક પદ્ધતિનું

નિર્માણ, માહિતીની પસંદગી અને સંગ્રહ કરવાની પદ્ધતિઓ અને આવા બધાના

સંશોધનનો પણ સમાવેશ થાય છે.એ તદ્દન સ્પષ્ટ છે કે બેજવાબદાર ગુપ્તતાના ઓઠા

નીચે જડ નોકરશાહી અમલદારોના હાથમાં આ બધાં સંશોધનો અસામાન્યપણે જોખમી

સાબિત થઈ શકે. પરંતુ તે સાથે જ જો તે રાજ્યના નિયંત્રણ, પરીક્ષણ અને સામાજિકવૈ

જ્ઞાનિક ચકાસણી સાથે સ્વીકારાય તો માનવજાત માટે અતિશય મહત્ત્વના અને

ઉપયોગી સાબિત થઈ શકે. આપણે વિસ્તૃતપણે ઉપયોગમાં લેવાતા જતા કૃત્રિમ પદાર્થો,

કૃત્રિમ ખોરાક અથવા જીવનના દરેક ક્ષેત્રે વધતા આધુનિકીકરણને ઈન્કારી શકીએ

નહીં. આપણે વધતા જતા સ્વયંસંચાલન અને ઔદ્યોગિક ઉત્પાદનના વધારાનો, તેનાથી

થતા સામાજિક પ્રશ્નો છતાં વિરોધ કરી શકીએ નહીં.

જ્યારે ઊર્જા તે આપણી સભ્યતાના આધારોમાંનો એક આધાર છે ત્યારે આપણે

મોટા અને વધુ મોટા થર્મોન્યુક્લિયર પાવર સ્ટેશનના નિર્માણનો કે ન્યુક્લિયર ફિઝિક્સમાં

સંશોધનોનો વિરોધ કરી શકીએ નહીં. આ સંદર્ભમાં મને આપને પચીસ વર્ષ પહેલાની

તે હકીકત યાદ કરાવવી ગમશે કે જ્યારે મેં અને મારા ગુરુ-ફિઝિક્સ માટેના નોબેલ

પ્રાઈઝ વિજેતા - આઈગર જેઉગેનિવિચ ટામ્મે અમારા દેશમાં ન્યુક્લિયર ફિઝિકલ

રિસર્ચનો પાયો નાખ્યો હતો. આ સંશોધને મેગ્નેટિક હિટ આઈસોલેશનના પ્રશિષ્ટ

માળખાથી લઈને લેસર્સના ઉપયોગની પદ્ધતિઓ સુધીના અત્યંત વિવિધ દિશાઓમાં

વિસ્તરતા જબરદસ્ત કાર્યક્ષેત્રને હાંસલ કર્યું છે.

આપણે એ પ્રયોગોનો વિરોધ કરી ન શકીએ જેનો હેતુ માત્ર આપણી પૃથ્વીની

આસપાસના વિશ્વને જ નિયંત્રિત કરવાનો નહીં, પણ બ્રહ્માંડના બીજા વિભાગો,

આપણી પૃથ્વીની બહારની સભ્યતાઓના સંકેતો ઝીલવાનો છે. આ પ્રકારના પ્રયોગોની

સફળતાની શક્યતા બહુ ઓછી છે પરંતુ ચોક્કસપણે આ કારણે તેનાં પરિણામો

જબરદસ્ત હોઈ શકે.

મેં માત્ર થોડાં ઉદાહરણો દર્શાવ્યાં છે, પરંતુ બેશકપણે બીજાં ઘણાં છે. ખરેખર

હકીકતમાં પ્રગતિનાં મહત્ત્વનાં બધાં સારાં-માઠાં ફળો પરસ્પર નજીકથી ગૂંથાયેલા છે.

આપણી સભ્યતાના સમગ્ર માળખાના નાશના જોખમ વિના તેમાંના કોઈને અલગ કરી

શકાય નહીં. પ્રગતિ અવિભાજ્ય છે. પરંતુ બૌદ્ધિક પરિબળો પ્રગતિની સંરચનામાં

વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.

હવે હું નિઃશસ્ત્રીકરણના પ્રશ્ન પર આવીશ. આંતરરાષ્ટ્રીય નિરીક્ષક સમુહોની

મદદથી નિયમનનાં પગલાં લેવા અને રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ જગાવવો આવશ્યક છે. તે

ત્યારે જ શક્ય છે જ્યારે સમજૂતીનો વિસ્તાર વિચારધારાના ક્ષેત્રે થયો હોય અને તે માટે

વધુ વિશાળ સામાજિક ખુલ્લાપણાની આવશ્યક્તા છે. મેં, અન્ય રાજ્યોને શસ્ત્રો પૂરા

પાડવા પર મર્યાદા મૂકતા આંતરરાષ્ટ્રીય કરારોની જરૂરિયાત, પરસ્પર કરાર પર આધારિત

નવી શસ્ત્રપ્રણાલીના ઉત્પાદનને અટકાવવું, પુનઃશસ્ત્રીકરણની ખાનગી સમજૂતીઓ પર

પ્રતિબંધ, વ્યૂહાત્મક રીતે અનિશ્ચિત પરિબળોને ફેંકી દેવા અને વિશેષ તો અનેક વોરહેડ

ધરાવતા ન્યુકિલયર મિસાઈલ્સ પર પ્રતિબંધ મૂકવા પર ભાર મૂક્યો છે.

નિઃશસ્ત્રીકરણની વાત કરતાં પહેલાં મને ફરી એક વખત મારી સામાન્ય

સ્વરૂપની દરખાસ્તોનું સ્મરણ કરાવવું ગમશે. તેમાં પહેલી અને અગત્યની છે -

નિઃશસ્ત્રીકરણ, માનવીય અધિકારો અને પર્યાવરણના રક્ષણ માટે યુનાઈટેડ નેશન્સની

નિશ્રામાં એક આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના. મારા મતે આ પ્રકારની

સમિતિને બધી સરકારો તરફથી તેમને નિરિક્ષણો અને ભલામણોનો જવાબ મેળવવાની

સત્તા હોવી જોઈએ. આ પ્રકારની સમિતિ માનવજાતના ભવિષ્યને અસરકર્તા મહત્ત્વના

પ્રશ્નો પરની આંતરરાષ્ટ્રીય માહિતી અને ચર્ચા કરનાર મહત્ત્વનું કાર્યશીલ અંગ બની

શકે. હું આ વિચારના સમર્થન અને ચર્ચા માટે રાહ જોઉં છું.

હું જે ધારું છું તે નિઃશસ્ત્રીકરણના ટેકનિકલ મુદ્દે આંતરરાષ્ટ્રીય કરાર આદર્શ

હશે?

હું માનું છું કે આ પ્રકારના કરાર પહેલાં લશ્કરી ક્ષમતાની મોજુદગી અંગે

(ન્યુક્લિયર વોરહેડની સંખ્યાથી લઈને લશ્કરી સેવામાં જવાબદાર વ્યક્તિઓની સંખ્યા

સુધી) આપણે જાહેરાત કરવી જોઈએ. જો કે આરંભના તબક્કે તે અધિકૃત હોય તે

જરૂરી નથી. દાખલા તરીકે ‘‘સંભવિત મુકાબલા’’નાં ક્ષેત્રોનું સૂચન. આ કરારનું પહેલું

પગલું હશે તે દરેક વ્યૂહાત્મક ક્ષેત્ર માટે અને બધા જ પ્રકારની લશ્કરી સંભાવનાઓ

માટે એવી ગોઠવણ કરવામાં આવે કે કરારના કોઈ એક પક્ષની દરેક બાબતમાં બીજાના

સંદર્ભમાં ચઢિયાતાપણાને સખત રીતે દૂર રખાશે તેવી ખાત્રી અપાય. (સ્વાભાવિક જ

આ પ્રકારની પદ્ધતિ કેટલીક ગોઠવણને પાત્ર હશે.) સૌ પ્રથમ તો એક વ્યૂહાત્મક ક્ષેત્ર

(દા.ત. યુરોપ)માં આ કરારને અટકાવવાની સંભાવના બીજા ક્ષેત્રમાં (દા.ત. સોવિયેટ-

ચીન)માં લશ્કરી સ્થિતિ સુદૃઢ કરવા તેને ઉપયોગમાં નહીં લેવાય. બીજું, જુદા જુદા

પ્રકારની ક્ષમતાઓના મહત્ત્વને અનુલક્ષીને સંખ્યાત્મક સરખામણી પર આધારિત

સંભવિત અન્યાય દૂર કરાશે. (દાખલા તરીકે એક ક્રૂઝરમાં કેટલી, કઈ પ્રકારની બેટરી

બંધ બેસશે વગેરે કહેવું મુશ્કેલ હશે.) નિઃશસ્ત્રીકરણનું પછીનું પગલું-પ્રમાણસર અને

સમાંતર રીતે બધા વ્યૂહાત્મક ક્ષેત્રોમાંથી બધા દેશોએ પાછા વળવાનું હશે.

આ પ્રકારના સમતુલન માટે બે તબક્કાના નિઃશસ્ત્રીકરણની ફોર્મ્યુલા બધા

દેશોને સતત સલામતીની ખાત્રી આપશે. જે બધાં ક્ષેત્રોમાં મુકાબલાના ભયનો સંભવ

હોય ત્યાં સશસ્ત્ર દળો વચ્ચે પરસ્પર સાંકળતી સમાનતા હોય. તે સાથે જ લશ્કરીકરણને

પરિણામે ઊભા થયેલા આર્થિક અને સામાજિક પ્રશ્નોનો મૂળગત ઉકેલ આપવામાં

આવે. સમય જતાં ઘણા મોટા નિષ્ણાતો અને રાજનીતિજ્ઞોએ આ પ્રકારના દૃષ્ટિબિંદુ

રજૂ કર્યા છે પરંતુ આજ સુધી કંઈ મહત્ત્વની પ્રગતિ થઈ નથી. આમ છતાં (જો કે) હવે

માનવજાત અણુવિસ્ફોટના ભોગથી વિનાશના સાચા ભયનો સામનો કરે છે. હું આશા

રાખું છું કે માનવ બુદ્ધિ, આ પગલાં લેતાં અચકાશે નહીં. મૂળગત અને સમતોલ

નિઃશસ્ત્રીકરણનો અમલ જરૂરી અને શક્ય છે. દુનિયા સમક્ષના આ ભયજનક અને

તાત્કાલિક પ્રશ્નોના ઉકેલ માટે બહુવિધ અને જટિલ પ્રક્રિયા તેનો એક અંતર્ગત ભાગ

છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવો તબક્કો, જેને પારસ્પરિક સમજૂતી કહે છે અને જે

હેલસિન્કી પરિષદમાં ઉન્નત થયેલો જણાયો, તે આ દિશામાં ગતિની ચોક્કસ શક્યતાઓ

ખોલે છે.

મારા વ્યાખ્યાનનો અંતિમ ભાગ મેં ખાસ કરીને માનવ અધિકારોના પ્રશ્ન

અંગે ફાળવ્યો છે. હું મુખ્ય તો મારા પોતાના દેશ વિષે બોલવાનું પસંદ કરીશ. હેલસિન્કી

પરિષદ પછીના મહિનાઓ દરમ્યાન આ દિશામાં કોઈ જ સુધારો થયો નથી. હકીકતમાં

કેટલાક કિસ્સાઓમાં વાટાઘાટકર્તાઓના પ્રયત્નો ‘‘સ્ક્રૂને વધુ વળ ચડાવવા’’ જેવા

કહી શકાય.

તમે બધા મારાથી પણ વધુ સારી રીતે જાણો છો કે દા.ત. ડેન્માર્કનાં બાળકો

તેમની બાઈસિકલ પર એડ્રિયાટિક સુધી જઈ શકે છે. તેઓ કિશોર અવસ્થાના જાસૂસો

છે તેવું સૂચન કરવાનું પણ કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય. પરંતુ સોવિયેટ બાળકોને

આમ કરવાની છૂટ નથી! મને ખાત્રી છે કે તમે બધા આને લગતા અને સરખી

પરિસ્થિતિનાં ઉદાહરણો જોઈ શકશો.

સોવિયેટ યુનિયનમાં કૃત્રિમ અવયવોની તથા અપંગો માટે તેવા જ સાધનોની

અતિ તંગી છે. પરંતુ કોઈપણ અપંગ સોવિયેટ (નાગરિક) ભલે તેની પાસે પરદેશી

સંસ્થાનું વિધિસરનું આમંત્રણ હોય તો પણ તેને પરદેશ જવાની છૂટ નથી.

પ્રવાસનું સ્વાતંત્ર્ય, ઈચ્છિત જગ્યાએ રહેવા તથા કામ કરવાની પસંદગીના

સ્વાતંત્ર્યનો હજુ પણ લાખો કોલખોઝ કામદારોના બારામાં ધ્વંસ થાય છે. તથા લાખો

ક્રિમિયન તાર્તારોના - જેમને ક્રિમિયામાંથી ત્રીસ વર્ષ પહેલાં ક્રૂરતાથી અને પાશવી

રીતે ખદેડી મૂકાયા હતા - પિતૃભૂમિમાં પાછા ફરવાના અધિકારનો આજ સુધી ઈન્કાર

કરાય છે.

આ મંગલ પ્રસંગે આ ખંડમાં એકઠા મળેલા છીએ ત્યારે આ ક્ષણે એ વિચાર

અસહ્ય બન ે છ ે ક ે સકેં ડા ેઅન ે હજારા ે કદે ીઆ,ે વષાર્ ે જન્ૂ ાી ભખૂ , પ્રાિે ટન અન ે વિટામિનાન્ે ાા

દૈનિક ખોરાકમાં સદંતર અભાવને કારણે અપૂરતા પોષણથી પીડાય છે. દવાઓની તંગી

(નજરકેદીઓને વિટામિનો કે દવાઓ મોકલવા પર પ્રતિબંધ છે) અને વધુ પડતા શ્રમથી

તેઓ પીડાય છે. તેઓ ઠંડીથી ધ્રૂજે છે અને અંધારા ભંડકિયામાં થાકે છે જ્યાં તેમણે ‘‘યાંત્રિક

શિક્ષણ’’ વિરુદ્ધ પોતાની ધારણાઓ અને તેમના માનવીય ગૌરવ માટે અટક્યા વિના

સંઘર્ષ કરવાની ફરજ પડાય છે - હકીકતમાં તે તેમના આત્માના નાશ સામેનો સંઘર્ષ છે.

યાતના છાવણીની પદ્ધતિના ખાસ લક્ષણો સાવચેતીપૂર્વક ગુપ્ત રખાયા છે. થોડા મુઠ્ઠીભર

લોકોએ આ બધાં કષ્ટો વેઠ્યા કારણકે તેમણે પરદો હટાવીને તેમના આક્ષેપો અને ગુન્હાઓના

સત્યનો શ્રેષ્ઠ પુરાવો પૂરો પાડ્યો. માનવગૌરવ અંગેના આપણા ખ્યાલોની એ માંગ છે કે

ભલે ગમે તેવો અપરાધી હોય, બધા યુદ્ધકેદી લોકો માટેની આ પદ્ધતિમાં તાત્કાલિક પરિવર્તન

થવું જોઈએ. પરંતુ જે નિર્દોષ છે તેમની યાતનાઓનું શું? નર્કથી પણ ખરાબ વિશિષ્ટ

સાઈકીઆટ્રિક ક્લિનીકો છે જે સિત્શેવ્ક, કઝાન, ચેર્નોકોવ્સ્ક, ઓરિએલ, લેનિનગ્રાડ,

તાશ્કેન્ટ ...માં છે.

અલગ દૃષ્ટિબિંદુ માટે સજા ભોગવતા લોકોના પ્રશ્નનો મુખ્ય ઉકેલ

આંતરરાષ્ટ્રીય કરારના આધારે મુક્તિ હોવો જોઈએ. બધા જ રાજકીય કેદીઓની મુક્તિ,

જેલમાં રહેલા, યુદ્ધ છાવણીઓમાં તથા મનોચિકિત્સાલયોમાંના બધા જ બૌદ્ધિક કેદીઓ

(કેદ આત્માઓની)ની મુક્તિ, જરૂરી હોય તો યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં

ઠરાવ પસાર કરીને તેના આધાર પર થવી જોઈએ. આ દરખાસ્ત કોઈ દેશની આંતરિક

બાબતોમાં દખલગીરીને સાંકળતી નથી. આખરે તે સમાન આધાર પર દરેક દેશમાં

લાગુ થઈ શકે - સોવિયેટ યુનિયનને, ઈન્ડોનેશિયાને, ચીલીને, રિપબ્લિક ઓફ સાઉથ

આફ્રિકાને, સ્પેનને, બ્રાઝિલને તથા દરેક બીજા દેશને.

જ્યારે યુનાઈટેડ સ્ટેટસના માનવ અધિકારોના જાહેરનામામાં માનવ

અધિકારોના રક્ષણની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે તેને કારણે આ બાબત નરી

આંતરિક કે ઘરેલુ નિસ્બત ધરાવતી કહી શકાય નહીં. આ મહાન ધ્યેય હાંસલ કરવામાં

રસ્તો ગમે તેટલો લાંબો જણાતો હોય તો પણ કોઈપણ પ્રયત્ન એટલો મોટો નથી.

યુનાઈટેડ નેશન્સની હમણાંની બેઠકમાં તે સ્પષ્ટ જણાયું કે રસ્તો લાંબો છે. જે દરમ્યાન

યુનાઈટેડ સ્ટેટ્‌સે રાજકીય ક્ષમા માટેની દરખાસ્ત મૂકી પરંતુ યુ.એસ.એ.ના મતે ઘણા

બધા દેશોએ ક્ષમાના વિચારને આવરી લેતા આ દરખાસ્તના માળખાને અયોગ્ય રીતે

વિસ્તારવાનો પ્રયત્ન કર્યો તેથી યુ.એસ.એ.એ દરખાસ્ત પાછી ખેંચી. જે બન્યું તેનું

મને ઘણું દુઃખ છે. એક પ્રશ્ન વર્તુળની બહાર લઈ જઈ શકાતો નથી. મને ઊંડાણપૂર્વક

ખાત્રી થયેલી છે કે હજારો નિર્દોષ લોકોને જેલમાં રાખવા અને સતાવવા કરતાં તો

ચોક્કસ સંખ્યાના લોકો, ભલે તેઓ એક યા બીજા વિરોધના ગુન્હેગાર હોય - તો પણ

તેમને મુક્ત કરવા તે વધુ સારું હશે.

આ પ્રકારના સમગ્ર ઉકેલ માટેની દૃષ્ટિ ગુમાવ્યા વિના, આપણે માનવ

અધિકારોના હ્રાસ અને અન્યાય વિરુદ્ધ વ્યક્તિગત રીતે અલગ રીતે લડવું જોઈએ.

આપણું ઘણું ભાવિ તેના આધારે છે.

હજારો વર્ષ પહેલાં આદિવાસી માનવો જીવનરક્ષાના સંઘર્ષમાં જરૂરિયાતો

માટે ઘણું સહન કરતા હતા. આ સંઘર્ષમાં માત્ર મંડળીને સાચવવા શક્તિમાન હોવું જ

મહત્ત્વનું ન હતું પરંતુ તાર્કિક રીતે વિચારવાની શક્તિ હોવી, આદિવાસી જાતિએ

સંઘરેલા અનુભવો અને જ્ઞાનની સંભાળ લેવી તથા અન્ય ટોળીઓ સાથેનો સહકાર

પૂરો પાડતી કડી વિકસાવવાનું પણ મહત્ત્વનું હતું. આજે સમગ્ર માનવજાત આવી જ

કસોટીનો સામનો કરી રહી છે. અસીમ અવકાશમાં ઘણી સભ્યતાઓ અસ્તિત્વમાં હશે

જ. તેમાંની આપણા કરતાં વધુ સમજદાર અને વધુ સફળ હોય.

હું બ્રહ્માંડ સંબંધી તે પૂર્વધારણાનું સમર્થન કરું છું જે દર્શાવે છે કે અનંત વખત

સૃષ્ટિના વિકાસના મૂળભૂત લક્ષણો પુનરાવર્તિત થાય છે. તેના અનુસંધાનમાં વધુ

‘‘સફળ’’ સભ્યતાઓ સહિતની બીજી સભ્યતાઓ સૃષ્ટિના પુસ્તકમાં આપણા પહેલાનાં

અને હવે પછીનાં પૃષ્ઠોમાં અનંત વખત અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. છતાં આ

બાબતથી આપણી દુનિયાના આપણા પવિત્ર પ્રયત્નોનું મહત્ત્વ ઓછું નથી થતું, જ્યાં

અંધકારમાં ઝાંખા પ્રકાશના ચળકાટની જેમ આપણે એક ક્ષણ માટે ભૌતિક અસ્તિત્વની

ઘેરી નિશ્ચેતનાની શૂન્યતામાંથી બહાર ઊભરી આવ્યા છીએ. ડહાપણની માંગ છે કે

આપણે સારું કરવું જોઈએ અને આપણે લાયક અને ઝાંખા દૃશ્યમાન લક્ષ્યોને લાયક

જીવન નિર્માણ કરવું જ જોઈએ.

• • •

મધર ટેરેસા - ઈન્ડિયા

ધ નોબેલ શાંતિ પારિતોષિક ૧૯૭૯

જન્મ : ૧૯૧૦

અવસાન : ૧૯૯૭

જીવન ઝરમર :

મધર ટેરેસા (મૂળ નામ : એગ્નેસ ગોન્કસ્હા બોજાકસ્હીયુ) સ્કોપ્જે - હાલ તુર્કી

- મેસિડોનિયામાં જન્મ્યા હતા. તેમનું કુટુંબ આલ્બેનીયન વંશનું હતું. બાર વર્ષની વયે

તેમને ઈશ્વરના અવાજની ઊંડી અનુભૂતિ થઈ. તેમણે જાણ્યું કે ખ્રિસ્તના પ્રેમનો પ્રસાર

કરવા તેમણે મિશનરી થવાનું છે. અઢાર વર્ષની વયે તેમણે સ્કોપ્જેનું પિતાનું ઘર છોડી

દીધું અને ભારતમાં પ્રચારક એવા સાધ્વીઓના આયરીશ સમુદાય સિસ્ટર્સ ઓફ લોરેટોમાં

જોડાયા. ડબ્લિનમાં થોડા મહિનાઓની તાલીમ બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા,

જયાં ૧૯૩૧ની ર૪ મે એ તેમણે સાધ્વી તરીકેની પ્રારંભિક પ્રતિજ્ઞા લીધી. ૧૯૩૧ થી

૧૯૪૮ સુધી મધર ટેરેસાએ કલકત્તામાં સેંટ મેરીઝ હાઈસ્કુલમાં ભણાવ્યું. પરંતુ કોન્વેન્ટની

દીવાલોની બહાર તેમણે જે ગરીબાઈ અને યાતનાની ઝાંખી કરી, તેણે તેમના પર ઊંડી

અસર પાડી. તેથી ૧૯૪૮માં કલક્તાની ઝૂપડપટ્ટીમાં સૌથી વધુ ગરીબ વચ્ચે કામ

કરવા, પોતાને તેમાં જોડી દેવા તેમણે તેમના ઉપરીઓ પાસેથી કોન્વેન્ટ સ્કૂલ છોડવાની

મંજૂરી મેળવી. જોકે તેમની પાસે કોઈ ફંડ ન હતું. તેમણે ઝૂપડાંના બાળકો માટે ખુલ્લામાં

નિશાળ શરૂ કરી. તુરત જ તેમની સાથે સ્વયંસેવી મદદકર્તાઓ જોડાયા અને નાણાંકીય

સહાય પણ મળવા લાગી. તેથી તેમને તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવાનું શકય બન્યું.

૧૯પ૦ની ૭ ઓકટોબરે મધર ટેરેસાએ ‘હોલિ સી’ (ર્ૐઙ્મઅ જીીી) પાસેથી પોતાની

જ સંસ્થા, “ધ મિશનરીઝ ઓફ ચેરીટી” શરૂ કરવાની પરવાનગી મેળવી. તેનું પાયાનું

કાર્ય, જેની કોઈ સંભાળ લેવા તૈયાર ન હોય તેવા લોકોને પ્રેમ આપવાનું અને સંભાળ

લેવાનું હતું. પોપ પોલ-ફૈંના આદેશથી ૧૯૬પ માં આ મંડળી ઈન્ટરનેશનલ રિલિજીયસ

ફેમિલી બની.

મધર ટેરેસાનું અવસાન ૫ સપ્ટેમ્બર, ૧૯૯૭માં થયું.

સ્વીકૃતિ પ્રવચન

અહીં આપણે સૌ નોબેલ શાંતિ પારિતોષિક માટે ઈશ્વરનો આભાર માનવા

એકઠા થયા છીએ. સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસ્સિસીની પ્રાર્થના જે મને હંમેશાં મુગ્ધ કરે છે

તે પ્રાર્થના કરવાનું સરસ રહેશે. અમે દરરોજ પવિત્ર સત્સંગ પછી આ પ્રાર્થના કરીએ

છીએ કેમ કે તે અમારામાંના દરેકને માટે બહુ બંધબેસતી છે. મને હંમેશાં આશ્ચર્ય થાય

છે કે ૪૦૦-પ૦૦ વર્ષો પહેલાં સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસ્સિસીએ આ પ્રાર્થના રચી ત્યારે

તેમને જેવી હતી તેવી જ મુશ્કેલીઓ આજે અમને છે. જયારે અમે આ પ્રાર્થના ગાઈએ

છીએ ત્યારે લાગે છે કે તે સરસ રીતે અમને પણ બંધ બેસે છે. મને લાગે છે કે તમારામાંના

કેટલાક પાસે તે છે તેથી આપણે સૌ સાથે પ્રાર્થના કરીશું.

આપણે સૌ આજે સાથે મળ્યા તે પ્રસંગે આપણે ઈશ્વરનો આભાર માનીએ,

શાંતિની આ બક્ષિસ માટે કે જે આપણને યાદ કરાવે છે કે આપણને તે શાંતિમાં જીવવા

માટે સર્જવામાં આવ્યા છે અને જિસસ આ મંગળ સંદેશ ગરીબ સુધી પહોંચાડવા માટે

માનવ બન્યા. ઈશ્વર હોવા છતાં તેઓ બધા પ્રકારે આપણા જેવા માનવ બન્યા, સિવાય

કે પાપ. તેમણે ઘણું સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ મંગળ સંદેશ આપવા આવ્યા છે. તે

સંદેશ હતો - ‘કલ્યાણના ઈચ્છનારા બધા માટે શાંતિ’, અને એવું જ કંઈક આપણે

ઝંખતા હતા - હૃદયની શાંતિ - અને ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ આપ્યો છે કે તેણે

પોતાના પુત્રને આપ્યો. તે એટલું મોટું પ્રદાન હતું કે એ આપતાં ઈશ્વરને ચોટ પહોંચી

તેમ કહી શકાય, કારણ કે તેણે દુનિયાને એટલી બધી ચાહી કે તેણે પોતાના પુત્રને

આપી દીધો, અને તે તેણે વર્જીન મેરીને આપ્યો.

જેવો તેણે મેરીના જીવનમાં પ્રવેશ કર્યો કે તુરત જ તેણી ઉતાવળમાં આ શુભ

સમાચાર આપવા તેના પિત્રાઈના ઘરમાં પ્રવેશી. એલિઝાબેથના ગર્ભમાં રહેલ બાળક

આનંદથી ઉછળ્યું તે નાનું અજન્મા બાળક શાંતિનું પ્રથમ દૂત હતું. તે શાંતિના રાજકુમાર

ખ્રિસ્તને ઓળખી ગયું અને આ શુભ સમાચાર તમને અને મને આપવા માટે આવ્યું.

અને આટલું જ પૂરતું ન હતું. તે માનવ બને તે પૂરતું ન હતું, તે પોતાનો વધુ વિશદ

પ્રેમ દર્શાવવા ક્રોસ પર મૃત્યુ પામ્યા. તેઓ મૃત્યુ પામ્યા તમારા અને મારા માટે,

રકતપિતીયા માટે અને ભૂખથી મરતા માણસ માટે. માત્ર કલકત્તાના જ નહીં પરંતુ

આફ્રિકાની, ન્યૂયોર્કની, લંડનની અને ઓસ્લોની શેરીમાં નગ્ન પડેલા માણસ માટે,

અને તેમણે આગ્રહ રાખ્યો કે જેમ તે આપણામાંના દરેકને ચાહે છે તેમ આપણે એકબીજાને

ચાહવા જોઈએ. આપણે ગોસ્પેલમાં ખૂબ સ્પષ્ટ રીતે વાંચીએ છીએ - મેં જેમ તમને પ્રેમ

કર્યો તેમ તમે પણ કરો. જેમ પરમપિતાએ મને પ્રેમ કર્યો છે, હું તમને કરું છું અને

જેટલી દૃઢતાથી પરમપિતાએ તેમને (જિસસને) ચાહ્યા, તેમને આપણને આપ્યા, આપણે

પણ એકબીજાને એટલો પ્રેમ આપીએ - જયાં સુધી તેની ચોટ ન પહોંચે ત્યાં સુધી

પરસ્પર પ્રેમ આપવો જોઈએ.

આપણા માટે એમ કહેવું પૂરતું નથી કે હું ઈશ્વરને ચાહું છું પરંતુ મારા પડોશીને

નહીં. સંત જ્હોન કહે છે કે ‘જો તમે કહેતા હો કે તમે ઈશ્વરને ચાહો છો પરંતુ તમારા

પાડોશીને નહીં તો તમે જૂઠ્ઠા છો. જેને તમે જોતા નથી તેવા ઈશ્વરને તમે કેવી રીતે પ્રેમ

કરી શકો, જો તમે જેને જૂઓ છો, જેને સ્પર્શી શકો છો અને જેની સાથે જીવો છો તે

પડોશીઓને ન કરી શકતા હો તો!’ અને તેથી આપણા માટે એ સમજાય તે ખૂબ

મહત્વનું છે કે હકીકતમાં પ્રેમ ચોટ પહોંચાડે છે. તેણે જીસસને આપણને પ્રેમ કરવા માટે

વ્યથિત કર્યા. અને તેની પ્રતીતિ કરવા તેમનો મહાન પ્રેમ આપણે યાદ રાખીએ કે

આપણી પ્રેમની ભૂખ ભાંગવા તેમણે પોતાની જાતને જીવન માટેની બ્રેડ (રોટી) બનાવી

દીધી. આપણે તેના પ્રતિબિંબમાંથી સર્જવામાં આવ્યા છીએ. આપણે પ્રેમ આપવા

અને પ્રેમપાત્ર બનવા સર્જવામાં આવ્યા છીએ. અને તે પછી જે રીતે તેમણે આપણને

પ્રેમ કર્યો તે રીતે આપણે પ્રેમ કરીએ તે શકય બનાવવા માટે તેઓ માનવ થયા. તેમણે

પોતાની જાતને એક ભૂખ્યા- નગ્ન, બેઘર, બીમાર, કેદી, એક અટૂલા, એક અણવાંછિત

માનવ બનાવી કહ્યુ : ‘મને આ કરનાર તમે છો.’ આપણા પ્રેમ માટે ભૂખ્યા છે, અને તે

ભૂખ આપણા ગરીબ લોકોની છે. આ તે ભૂખ છે જે તમારે અને મારે શોધવી જોઈએ.

તે આપણા ઘરમાં હોય તેમ પણ બને.

હું એ પ્રસંગ કયારેય નહીં ભૂલું કે જયારે મેં એક ઘરડાઘરની મુલાકાત લીધી

હતી, જયાં વૃદ્ધ મા-બાપોને તેમના દીકરા - દીકરી છોડી ગયા હતા, કદાચ ભૂલી ગયા

હતા. હું ત્યાં ગઈ અને મેં જોયું કે ત્યાં બધું જ હતું, સુંદર વસ્તુઓ હતી પરંતુ બધા જ

બારણા તરફ જોતા હતા. અને તેમના કોઈના ચેહરા પર મેં સ્મિત ન જોયું. હું સિસ્ટર

તરફ વળી ને પૂછયું કે આમ કેમ ? આ લોકો પાસે બધું જ છે છતાં બારણાં તરફ વળીને

જુએ છે અને હસતા કેમ નથી ? હું અમારા લોકોના ખુદ મરતા માણસનું સ્મિત જોવાથી

એટલા પરિચિત હતી. તેણીએ કહ્યું : આવું હંમેશ હોય છે. તેઓ આશા રાખે છે કે

તેમનો દીકરો કે દીકરી આવશે અને તેમને મળશે. તેઓ દુઃખી છે કેમ કે તેઓ ભૂલાયેલા

છે અને જુઓ -ત્યાં આ પ્રેમ આવે છે. પ્રેમની ઉપેક્ષાથી ગરીબી સીધી આપણા પોતાના

ઘરમાં પ્રવેશે છે. બની શકે કે આપણા પોતાના જ કુટુંબમાં કોઈક હોય જે અટૂલાપણું

અનુભવતું હોય, જે બિમારી અનુભવતું હોય, જે ચિંતામગ્ન હોય- અને આ બધા માટે

મુશ્કેલ દિવસો હોય છે. શું આપણે તેમને સત્કારવા ત્યાં છીએ? શું માતા તે બાળકોને

સત્કારવા ત્યાં છે ?

પશ્ચિમમાં ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને ડ્રગ્સમાં પડેલા જોઈને મને

આશ્ચર્ય થયું, અને મેં તેનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો કે શા માટે આમ છે? અને

જવાબ હતો કારણ કે કુટુંબમાં તેમને કોઈ સત્કારનાર ન હતું. મા-બાપ એટલા વ્યસ્ત

હોય કે તેમને સમય નથી હોતો.યુવાન માતાપિતા કોઈ સંસ્થામાં હોય અને બાળક

પાછળથી શેરીઓને હવાલે થાય અને કશાકમાં પ્રવૃત્ત થાય.

આપણે શાંતિની વાતો કરીએ છીએ. આ એ બાબતો છે જે શાંતિનો ભંગ કરે

છે. પરંતુ મને લાગે છે કે આજે શાંતિનું સૌથી મોટું ઘાતક પરિબળ ગર્ભપાત છે, કારણ

કે તે એક સીધું યુદ્ધ, એક સીધી હત્યા - ખુદ માતા દ્વારા છે. અને આપણે ધર્મશાસ્ત્રમાં

વાંચ્યું છે, ઈશ્વરે બહુ સ્પષ્ટતાથી કહ્યું છેઃ ‘પણ ખુદ માતા પણ તેના બાળકને ભૂલી શકે

- પણ હું તમને ભૂલીશ નહીં. મેં તમને મારા હાથની હથેળીમાં કોતરી લીધા છે.’

આપણે તેની ઈશ્વરની હથેળીમાં કોતરાયેલા છીએ. તેની એટલી નજીક કે ગર્ભમાંનું

બાળક ઈશ્વરના હાથમાં કોતરાઈ ગયું હોય છે. અને તેથી આ વાક્યનો પ્રારંભ મને

સૌથી વધુ ચક્તિ કરે છે કે જો ખુદ માતા ભૂલી જાય - જે કંઈક અસંભવિત છે- છતાં જો

તે ભૂલી શકે(તો પણ ) હું તમને ભૂલીશ નહીં. અને આજે શાંતિનો સૌથી વધુ નાશ

કરનાર, સૌથી મોટું અધમ કૃત્ય ગર્ભપાત છે. અને આપણે અહીંયા બધાં છીએ તે

આપણા માતાપિતા ઈચ્છતા હતા માટે છીએ. જો આપણા માતાપિતાએ તેમ કર્યું હોત

તો આપણે અહીં ન હોત. આપણાં બાળકોને આપણે ઈચ્છીએ છીએ, તેમને ચાહીએ

છીએ, પરંતુ બીજા લાખોનું શું?

ભારતમાં અને આફ્રિકામાં જયાં ઘણાં બાળકો ભૂખ કે અપોષણ કે એવા કારણોથી

મૃત્યુ પામે છે તેની સાથે ઘણા લોકો ખૂબ નિસ્બત ધરાવે છે. પરંતુ લાખો બાળકો

માતાની ઈચ્છાથી ઈરાદાપૂર્વક મરી રહ્યા છે. અને તે આજે શાંતિનો સૌથી વધુ નાશ

કરનારું છે. કારણ કે જો એક મા તેના પોતાના બાળકને મારી નાખી શકતી હોય તો

બાકી શું રહે? હું તમારી હત્યા કરું તમે મારી હત્યા કરો- વચ્ચે કશું આવતું નથી. અને

આ વિનંતી હું ભારતમાં અને બધે જ કરું છુંઃ ચાલો આપણે બાળકને પાછું લાવીએ અને

આ વર્ષ બાળકનું વર્ષ છે. આપણે બાળક માટે શું કર્યું? આ વર્ષની શરૂઆતમાં મેં કહ્યું

હતું : ચાલો આ વર્ષને આપણે એવું બનાવીએ કે દરેક જન્મેલ કે ન જન્મેલ બાળક

આવકાર્ય છે. અને આજે વર્ષના અંતે ખરેખર શું આપણે બાળકોને જરૂરી માન્યાં છે?

હું તમને કેટલુંક ત્રાસદાયક જણાવીશ. અમે દત્તકવિધાન દ્વારા ગર્ભપાત સામે

લડી રહ્યા છીએ. અમે હજારો જીંદગીઓ બચાવી છે. અમે બધા કિલનીક, હોસ્પિટલો,

પોલીસ સ્ટેશનો બધાંને કહી રાખ્યું છે કે મહેરબાની કરી બાળકોનો નાશ ન કરો, અમે

તે બાળકને અપનાવીશું. તેથી દિવસ ને રાત દરેક કલાકે હંમેશા કોઈ ને કોઈ હોય છે.

ઘણી કુંવારી માતાઓ- અમે તેમને આવવા કહીએ, અમે તમારી સંભાળ લઈશું, અને

તમારું બાળક રાખીશું અને તે બાળક માટે ઘર આપીશું. અને અમારી પાસે જેમને

બાળકો નથી તેવાં અસંખ્ય કુટુંબોની માગણી છે, તે ઈશ્વરની અમારા પરની કૃપા છે.

અને તે સાથે અમે બીજી ઘણી સુંદર બાબત પણ કરીએ છીએ. અમે અમારા ભિખારીઓ,

અમારા રકતપિત્તના દર્દી, અમારા ગંદી વસ્તીના રહેનારા, શેરીમાં વસનારા લોકોને

કુદરતી કુટુંબનિયોજન શીખવીએ છીએ.

અને છ વર્ષમાં એકલા કલકત્તામાં જ, જે કુટુંબોને બાળકો હોઈ શકત તે પરસ્પરના

પ્રેમ છતાં આત્મસંયમના કુદરતી માર્ગને અનુસરવાથી તેટલાં બાળકો ઓછાં થયાં છે.

અમે તેમને ટેમ્પરેચર મીટર શીખવ્યું જે ઘણું સરળ અને સુંદર છે અને અમારા ગરીબ

લોકો સમજે છે અને તમે જાણો છો તેમણે શું કહ્યું ? અમારું કુટુંબ તદુંરસ્ત છે, અમારું

કુટુંબ જોડાએલું છે અને અમે જયારે ઈચ્છીએ ત્યારે અમને બાળક હોઈ શકે છે. તે

શેરીના લોકો, તે ભિખારીઓ આટલા સ્પષ્ટ છે- અને મને થાય છે કે જો આપણા લોકો

આ પ્રમાણે કરી શકે તો ઈશ્વરે આપણામાં રચેલા જીવનનો નાશ કર્યા વિના તમારામાંના

અને બીજા કેટલા બધા લોકો તે માર્ગો અને ઉદૃેશો જાણી શકે!

ગરીબ લોકો ઘણા મહાન હોય છે. તેઓ આપણને ઘણી સુંદર બાબતો શીખવી

શકે છે. એક દિવસ તેમાંના એકે આભાર માનવા આવીને કહ્યું : તમે લોકો જેમણે

સાધુપણાની પ્રતિજ્ઞા લીધી છે તેઓ અમને કુટુંબ નિયોજન શીખવનાર ઉત્તમ લોકો છો.

જેમ કે પરસ્પરના પ્રેમ છતાં આત્મસંયમથી વધુ કંઈ નથી. અને મને લાગે છે કે તેમણે

સુંદર વિધાન કહ્યું અને આ બધા એ લોકો છે જેમને સંભવ છે ખાવાનું કંઈ ન હોય,

રહેવા માટે ઘર ન હોય, પરંતુ તેઓ ઉત્તમ લોકો છે. ગરીબ લોકો બહુ અદ્‌ભુત હોય

છે.

એક સાંજે અમે બહાર ગયા અને શેરીમાંથી ચાર લોકોને લઈ આવ્યા. તેમાંના

એકની હાલત ઘણી ભયંકર હતી. મેં સિસ્ટર્સને કહ્યુંઃ તમે બીજા ત્રણની સંભાળ લો.

આ કે જેની સૌથી ખરાબ હાલત છે તેની સંભાળ હું લઉં છું. આ રીતે મેં તેણી માટે મારી

કરૂણા જે કરી શકે તે બધું જ કર્યું, મેં તેણીને પથારીમાં સુવાડી અને તેના ચહેરા પર એક

સુંદર સ્મિત આવ્યું, તેણીએ મારો હાથ પકડયો, તેણી માત્ર એક જ શબ્દ બોલીઃ

‘તમારો આભાર’. અને મૃત્યુ પામી.

હું તેણી પાસે મારા આત્માને તપાસવા સિવાય કંઈ કરી શકી નહીં. અને મેં

પૂછયું કે જો હું તેની જગ્યાએ હોત તો મેં શું કહ્યું હોત! અને મારો જવાબ ઘણો સાદો

હતો. મેં મારી જાત પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હોત, મેં કહ્યું હોત કે હું ભૂખી છું,

કે હું મરી રહી છું, ઠંડીથી ધ્રૂજુ છું, હું પીડા પામું છું અથવા કંઈ પણ. પરંતુ તેણીએ

મને ઘણું વધારે આપ્યું. તેણીએ મને તેનો કૃતજ્ઞ પ્રેમ આપ્યો. અને તેણી ચહેરા પર

સ્મિત સાથે મૃત્યુ પામી. અને તે માણસ કે જેને અમે ગટરમાંથી ઉઠાવી લાવ્યા, કીડાઓથી

અર્ધ ખવાયેલો તેને અમે હોમમાં લાવ્યા. ‘‘હું શેરીમાં એક પશુની જેમ જીવતો હતો.

પરંતુ હવે પ્રેમ અને સંભાળને કારણે એક દેવદૂતની જેમ મરીશ’’- આવું કહી શકનાર

તે માણસની મહાનતા જોવાનું એટલું અદભૂત હતું કે જે કોઈને પણ દોષ આપ્યા વિના,

કોઈને બદદુઆ દીધા વિના, કશાની સરખામણી કર્યા વિના આ રીતે મરી શકે. એક

દેવદૂતની જેમ આ અમારા લોકોની મહાનતા છે. અને તેથી જીસસે જે કહ્યું તેમાં અમને

શ્રદ્ધા છેઃ ‘હું ભૂખ્યો હતો, હું વસ્ત્રહીન હતો, હું બેઘર હતો, હું અણવાંછિત, ઉપેક્ષિત

અને સંભાળરહિત હતો. તમે આ મારે માટે કર્યું.’

હું માનું છું કે અમે સાચા સામાજિક કાર્યકરો નથી. અમે લોકોની નજરે કદાચ

સામાજિક કાર્ય કરતા હોઈશું પરંતુ ખરેખર તો દુનિયાના હૃદયમાં અમે ચિંતનશીલો

છીએ. કેમ કે અમે ૨૪ કલાક ક્રાઈસ્ટના શરીરને સ્પર્શીએ છીએ. તેઓ ૨૪ કલાક

આપણી સાથે હોય છે એટલે કે તમારી ને મારી સાથે. જે કુટુંબ સાથે મળીને રહે છે,

સાથે મળીને પ્રાર્થના કરે છે તેવા તમારા કુટુંબમાં તમે પણ ઈશ્વરની હાજરી લાવવાની

કોશિષ કરો અને મને લાગે છે કે આપણા કુટુંબમાં શાંતિ લાવવા માટે વિનાશ માટેના

બોંબ કે બંદૂકની જરૂર નથી - માત્ર સાથે મળવું, એકબીજાને પ્રેમ આપવો, તે શાંતિ, તે

આનંદ, ઘરમાં પરસ્પરની હાજરીની તે શક્તિ લાવવાં અને આપણે દુનિયામાં રહેલાં તે

બધાં દૂષણો પર કાબૂ મેળવવા શક્તિમાન બનીશું.

અહીં ઘણી યાતના, ઘણો તિરસ્કાર અને ઘણાં દુઃખ છે અને આપણે આપણી

પ્રાર્થનાથી, આપણા ત્યાગથી, ઘરથી શરૂઆત કરીએ છીએ. પ્રેમની શરૂઆત ઘરથી

થાય છે અને આપણે કેટલું કરીએ છીએ તે નહીં પરંતુ કેટલા પ્રેમપૂર્વક તે કરીએ છીએ

તે અગત્યનું છે. આપણે કેટલું કરીએ છીએ તે મહત્વનું નથી- તે સર્વોપરી ઈશ્વર ઉપર

છે કેમ કે તે અસીમ છે, પરંતુ આપણા કાર્યમાં કેટલો પ્રેમ દાખવીએ છીએ તે મહત્વનું

છે. આપણે સેવા કરીએ છીએ ત્યારે વ્યકિતમાં રહેલા ઈશ્વરને માટે કેટલું કરીએ છીએ,

તે મહત્વનું છે.

કેટલાક સમય પહેલાં કલકત્તામાં ખાંડ મેળવવાની મોટી મુશ્કેલી અમને થઈ

અને મને ખબર નથી કે તે વાત આસપાસનાં બાળકો સુધી કેવી રીતે પહોંચી અને એક

નાના ચાર વર્ષના હિંદુ છોકરાએ ઘરે જઈ તેના માબાપને કહ્યું કે હું ત્રણ દિવસ માટે

ખાંડ નહીં ખાઉં અને મારી ખાંડ મધર ટેરેસાને તેમનાં બાળકો માટે આપીશ. ત્રણ

દિવસ પછી તેના પિતા અને માતા અમારા હોમમાં તેને લઈને આવ્યા. હું આ પહેલાં

તેમને કયારેય મળી ન હતી. અને આ નાનો છોકરો ભાગ્યે જ મારું નામ ઉચ્ચારી શકતો

હતો, પરંતુ તે બરાબર જાણતો હતો કે તે શું કરવા આવ્યો છે. તે જાણતો હતો કે તે

પ્રેમમાં સહભાગી બનવા માગતો હતો.

અને એટલા માટે મેં તમારા સૌનો આટલો બધો પ્રેમ મેળવ્યો છે. જયારથી હું

અહીં આવી છું , હું માત્ર પ્રેમથી અને પ્રેમની સાચી સમજદારીથી ઘેરાયેલી રહી છું.

જાણે કે ભારતમાં દરેક, આફ્રિકામાં દરેક એવું અનુભવી શકે કે તમારું કોઈક ખાસ છે.

હું અહીં ખૂબ ઘર જેવું અનુભવું છું. હું આજે સિસ્ટર્સને કહી રહી હતી, જાણે કે કલકત્તામાં

મારાં પોતાના સિસ્ટર્સ સાથે હોંઉ તેવું હું કોન્વેન્ટની સિસ્ટર્સ સાથે અનુભવું છું. તેથી

અહીં બરાબર સંપૂર્ણપણે ઘર જેવું લાગે છે.

મને એક સૌથી અસામાન્ય અનુભવ એક હિંદુ કુટુંબનો થયો. એક સદગૃહસ્થ

અમારી પાસે આવ્યા અને કહ્યુંઃ ‘મધર ટેરેસા, એક આઠ બાળકોવાળું કુટુંબ છે અને

તેમણે ઘણા સમયથી ખાધું નથી- તેને માટે કંઈક કરો.’ તેથી હું થોડા ભાત લઈને તુરત

જ ત્યાં ગઈ અને મેં એ બાળકો જોયા, જેમની આંખોમાં ભૂખ ડોકાતી હતી. મને ખબર

નથી, તમે કયારેય ભૂખ જોઈ છે કે નહીં, પરંતુ મેં તે ઘણીવાર જોઈ છે. અને એ

બાળકોની માએ ભાત લીધા અને તેનો ભાગ પાડયો અને તેણી બહાર ગઈ. જયારે

તેણી પાછી આવી ત્યારે મેં પૂછયું કે ‘કયાં ગઈ હતી ને શું કર્યું ?’ અને તેણીએ મને ઘણો

સાદો જવાબ આપ્યોઃ ‘તેઓ પણ ભૂખ્યા હતા’. હું આશ્ચર્યમાં પડી કે તેણી જાણતી

હતી- તેઓ કોણ હતા- એક મુસ્લીમ કુટુંબ હતું. હું તે સાંજે વધુ ભાત ન લઈ ગઈ

કારણ કે હું ઈચ્છતી હતી કે તેઓ સહભાગિતાનો આનંદ લૂંટે. પરંતુ તેઓ એ બાળકો,

આનંદથી ઉલ્લાસિત, તેમની માતાની સાથે સહભાગિતાનો આનંદ લેનારા હતા કેમ કે

તેણી પાસે આપવા માટે પ્રેમ હતો અને તમે જુઓ, ઘર એ છે જયાંથી પ્રેમ શરુ થાય છે.

હું સારી રીતે જાણું છું કે તમે તે ભરપૂર હોવાથી નથી આપ્યો, પરંતુ જયાં સુધી

તેણે તમને ચોટ ન પહોંચાડી ત્યાં સુધી નથી આપ્યો. તો આપણે ઈશ્વરનો આભાર

માનીએ કે આપણને એકબીજાને જાણવાની તક આપી અને પિછાનથી આપણે

એકબીજાની નજીક આવ્યા છીએ. આપણે માત્ર ઈન્ડિયા કે આફ્રિકાના જ નહીં પરંતુ

સમગ્ર દુનિયાનાં બાળકોને મદદ કરવા શકિતમાન બનીશું, કારણ કે તમે જાણો છો તેમ

અમારી સિસ્ટર્સ સમગ્ર દુનિયામાં છે. આ જે શાંતિનું ઈનામ મને મળ્યું છે તેમાંથી જેમને

ઘર નથી તેવા ઘણા લોકો માટે ઘર બનાવવાની હું કોશિષ કરીશ. મને લાગે છે કે વધુ ને

વધુ પ્રેમ પ્રસરશે અને આપણે શાંતિ લાવવા માટેના પ્રેમની આ સમજદારી

દ્વારા તેમ કરી શકીશું. એ વાત ગરીબ માટે શુભ સમાચાર બનો. તે ગરીબ પ્રથમ

આપણા કુટુંબમાં, પછી આપણા દેશમાં અને તે પછી દુનિયામાં.

જયારે હું કોઈ માણસને શેરીમાંથી ભૂખ્યો લાવું છું તો હું તેને એક ભાતની પ્લેટ,

બ્રેડનો એક ટૂકડો આપીને સંતોષ લઉ છ ું- મેં ભૂખ દૂર કરી. પરંતુ જે વ્યકિત તરછોડાયેલો

છે, જે પોતાને અણવાંછિત અનુભવે છે, જે પ્રેમવિહીન, ત્રસ્ત અને સમાજમાંથી

ફેંકાઈ ગયેલ માણસ છે - તેની ગરીબાઈ એટલી વ્યથાકારક અને એટલી બધી છે કે મને

લાગે છે કે તેને દૂર કરવાનું ઘણું મુશ્કેલ છે. અમારી સિસ્ટર્સ પશ્ચિમમાં આ પ્રકારના

લોકો વચ્ચે કામ કરે છે. તો તમારે અમારા માટે પ્રાર્થના કરવી જોઈએ કે અમે તે મંગળ

સમાચાર બની શકીએ, પરંતુ આ અમે તમારા વગર કરી શકીએ નહીં. તમારે તે અહીં

તમારા દેશમાં કરવાનું છે. તમારે ગરીબને જાણવા જોઈએ. એવું બની શકે કે આપણા

લોકો પાસે બધી ભૌતિક વસ્તુઓ હોય પરંતુ મને લાગે છે કે જો આપણે બધા આપણા

ઘરોમાં ઝાંખીએ તો કેટલીક વખત એકબીજા પ્રત્યે સ્મિત આપવાનું પણ મુશ્કેલ જણાય

છે અને તે સ્મિત તે પ્રેમની શરૂઆત છે.

તો ચાલો આપણે હંમેશાં પરસ્પર સ્મિત સાથે મળીએ, કેમ કે સ્મિત તે પ્રેમની

શરુઆત છે અને એક વખત આપણે પરસ્પર સ્વાભાવિક પ્રેમ આપીશું તો આપણે

કંઈક કરવા ઈચ્છીશું. તેથી તમે અમારાં સિસ્ટર્સ માટે, મારા માટે, અમારા બ્રધર્સ અને

દુનિયાભરમાં રહેલા અમારા સહકાર્યકરો માટે પ્રાર્થના કરો કે અમે ઈશ્વરની બક્ષિસ

પ્રત્યે વફાદાર રહીએ, તમારી સાથે મળીને ગરીબની સેવા કરીએ, તેને પ્રેમ કરીએ. જો

તમારી પ્રાર્થનાઓ, ભેટો, તમારા સતત પ્રદાન સાથે તમે સહભાગી ન થયા હોત તો

અમે જે કંઈ કર્યું તે કરી શકવા સમર્થ ન થાત. પરંતુ હું તમારી ભરપૂર સંપત્તિમાંથી તમે

આપો તેમ નથી માંગતી પણ તમને તે ચોટ પહોંચાડે પછી મને આ આપો તેમ ઈચ્છું છું.

એક દિવસ એક માણસ તરફથી મને ૧પ ડૉલર મળ્યા. તે માત્ર પોતાનો જમણો

હાથ હલાવી શકતો હતો અને તેનું એક માત્ર સાથીદાર ધૂમ્રપાન છે. તેણે મને કહ્યું : મેં

એક અઠવાડિયા સુધી સિગરેટ ફૂંકી નથી અને આ પૈસા તમને મોકલું છું. તેને માટે આ

ત્યાગ ઘણો ત્રાસદાયક રહ્યો હશે પરંતુ જુઓ તે કેટલું સુંદર કે તેણે ભાગ પડાવ્યો, અને

તે પૈસામાંથી મેં બ્રેડ ખરીદી જે ભૂખ્યા હતા તેમને આપી. આમ બંને પક્ષે આનંદ થયો.-

તે આપી રહ્યો હતો, ગરીબો મેળવી રહ્યા હતા. આ કંઈક છે જે તમે અને હું કરી

શકીએ- ઈશ્વરની આપણા માટે બક્ષિસ છે કે આપણે બીજા સાથે પ્રેમ ના સહભાગી થઈ

શકીએ અને તે જાણે જિસસ માટે હતું તેમ ભલે બને. તેણે આપણને જેમ પ્રેમ આપ્યો

તેમ આપણે એકબીજાને આપીએ. આપણે તેની સાથે અવિભાજય પ્રેમ કરીએ અને

તેને તથા એકબીજાને પ્રેમ કરવાનો આનંદ લઈએ- નાતાલ નજીક આવી રહી છે, ચાલો

અત્યારે જ કરીએ. ચાલો જિસસને ચાહવાનો આનંદ આપણા હૃદયમાં રાખીએ અને

આપણે જે બધાના સંપર્કમાં આવીએ, તેમની સાથે આ આનંદ લૂંટાવીએ. આવો ઉજજવલ

આનંદ જ સાચો છે કારણ કે જો આપણી પાસે ક્રાઈસ્ટ નથી તો આપણે સુખી હોવાનું

કોઈ કારણ નથી. ક્રાઈસ્ટ આપણા હૃદયમાં છે, ક્રાઈસ્ટ જે ગરીબને આપણે મળીએ

તેમાં છે, ક્રાઈસ્ટ આપણે જે સ્મિત આપીએ અને મેળવીએ તેમાં છે. આપણે એક મુદ્દો

ધ્યાનમાં લઈએઃ કોઈપણ બાળક અણવાંછિત નથી તથા જયારે પરસ્પર મળીએ ત્યારે

સ્મિત સાથે મળીએ, ખાસ કરીને જયારે સ્મિત કરવાનું મુશ્કેલ હોય ત્યારે.

હું કયારેય નહિ ભૂલું - થોડા સમય પહેલાં યુનાઈટેડ સ્ટેટસની વિવિધ

યુનિવર્સિટીઓમાંથી ચૌદ જેટલા પ્રોફેસરો આવ્યા હતા. તેઓ કલકત્તામાં અમારા નિવાસે

આવ્યા, તેઓ મરણોન્મુખ માટેના હોમમાં હતા તે સંબંધી વાતો કરતા હતા. કલકત્તામાં

અમારું પણ મરણોન્મુખ લોકો માટેનું હોમ છે. જયાં અમે માત્ર કલકત્તાની ગલીઓમાંથી

૩૬૦૦૦થી વધુને ઉઠાવ્યા હતા અને તેમાંના ૧૮૦૦૦ સરસ મૃત્યુને પામ્યા. તેઓ

એમ જ ઈશ્વરના ઘરે ગયા અને તેઓ અમારા નિવાસે આવ્યા ત્યારે અમે પ્રેમની,

કરૂણાની વાતો કરી, તેમાંના એકે પૂછયુંઃ ‘મધર, કૃપા કરીને અમને યાદ રહે તેવું કંઈક

કહો’, અને મેં તેમને કહ્યું : ’પરસ્પર સ્મિત કરો, તમારા કુટુંબમાં એકબીજા માટે સમય

કાઢો.’ હું બીજા કશા માટે સ્વર્ગમાં નહીં જાઉં તો પણ આ બધી પ્રસિદ્ધિ માટે સ્વર્ગમાં

જઈશ કારણ કે તેણે મને વિશુદ્ધ બનાવી છે, સમર્પિત બનાવી છે અને ખરેખર સ્વર્ગમાં

જવા માટે તૈયાર કરી છે.

મને લાગે છે કે આ એવું કંઈક છે જેથી આપણે જીવન સુંદર રીતે જીવવું જોઈએ.

આપણી સાથે જીસસ છે. અને તે આપણને ચાહે છે. જો આપણે એટલું યાદ રાખીએ કે

ઈશ્વર મને ચાહે છે, અને તે જે રીતે ચાહે છે તેમ બીજાને ચાહવાની મને તક મળી છે,

તે બહુ મોટી બાબતોમાં નહીં પરંતુ બૃહદ પ્રેમ સાથે નાની બાબતોમાં. ત્યારે નોર્વે

પ્રેમનો માળો બનશે. જ્યારે શાંતિ માટેનું કેન્દ્ર અહીં રચાયું હશે તે કેટલું સુંદર હશે, કે

ન જન્મેલાં બાળકના જીવનનો આનંદ અહીંથી પ્રગટ થશે. તમે શાંતિની દુનિયામાં

જલતી જયોત બનશો ત્યારે ખરેખર નોબેલ શાંતિ પારિતોષિક નોર્વેજીયન લોકોની ભેટ

બનશે.

ઈશ્વરની કૃપા તમારા પર હો!

• • •

વિચારવલોણું પરિવાર

વીસમી સદીમાં વિજ્ઞાન અને ટકનોલોજીનો ખૂબ વિકાસ થયો. તેમાંયે છેલ્લાં

પચ્ચીસેક વર્ષમાં ટકનોલોજી આપણા જીવનનાં દરેક ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે, એણે

જીવનની ગતિને આપણી જાણ બહાર વધારી દીધી છે. આપણી પાસે હજારેક વર્ષની

જીવંત સાંસ્કૃતિક પરંપરા છે, જેની અસર આપણા વિચારોમાં, વર્તનમાં અનાયાસ

ડોકાયા કરે છે. ઉપરાંત વિકસિત દેશોની અસરથી પણ આપણે મુક્ત નથી.

આપણી આજની મથામણ છે આ પરંપરા, વિજ્ઞાન અને ટકનોલોજી અને

વિદેશી અસર, આ બધા વચ્ચે મેળ બેસાડી સ્વસ્થ રીતે જીવવું. ‘વિચારવલોણું પરિવાર’

એવા લોકોનો પરિવાર છે, જેના પ્રયાસો છે કે -

• વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની જરૂરિયાતો અને પ્રશ્નોને ઓળખીએ,

સમજીએ અને ‘આજ’ના સત્યની શોધનો પ્રયાસ કરીએ.

• નવા વિચારોને, નવા અર્થઘટનોને સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની

ક્ષમતા કેળવીએ.

• કોઈ વ્યક્તિ-વિચારધારાના ચોકઠામાં બંધાઈ ન જવાની સજાગતા રાખીએ.

• વિરોધી વિચારને ઉગ્રતા વગર સાંભળવાની, સમજવાની ધીરજ રાખીએ.

• આપણને ગમતા વિચારોના પ્રચારક ન બનતાં પ્રસારક બનીએ.

• સર્વગ્રાહી, માનવકેન્દ્રી વિચારોને આચરણમાં મૂકી એની કસોટી કરતા રહીએ.

• પોતાની વાત રજૂ કરતી વખતે વિચારશુદ્ધિની, ભાષાના યોગ્ય ઉપયોગની,

અનાગ્રહની અને બિનજરૂરી વિસ્તારના જોખમની કાળજી રાખીએ.

• વિશ્વસમસ્તમાં ઊઠતા વિચારવમળોથી અવગત રહીને એને સમજવા

પ્રયત્નશીલ રહીએ.

• અવિરત ચાલતી આ વિચારવલોણાની પ્રક્રિયામાં વધુ ને વધુ લોકોને સહજ

સામેલ કરીએ.

• સૌંદર્યદૃષ્ટિ કેળવીએ.

• વ્યક્તિગત આગ્રહો છોડીને સમૂહમાં સ્વસ્થપણે જીવવા પ્રયત્ન કરીએ.

આપ સર્વેને આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે.