Sunday eMahefil-1 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sunday eMahefil-1


સન્ડે ઈ-મહેફીલ

પ્રાસ્તાવીક

વીશ્વભરમાં વસેલાં ગુજરાતી પરીવારોને દર રવીવારે કશુંક બે પાન જેટલું, જીવનપોષક ગુજરાતી વાચન મળી રહે તે હેતુથી અમે સ્ટ્ઠઅ ૨૯, ૨૦૦૫ના દીવસથી આ ‘સન્ડે ઈ-મહેફીલ’ નામે ‘વાચનયાત્રા’ શરુ કરેલી. ત્યારે તો આ ગુજરાતી યુનીકોડ ફોન્ટ નહોતા. તેથી અમે ‘કલાપી’ અને પછીથી ‘વીજયા’ નોનયુનીકોડ ફોન્ટ વાપરતા. પછીથી યુનીકોડ ફોન્ટ ‘શ્રુતી’ આવતાં જ અમે તે વાપરવા શરુ કર્યા. શરુઆતમાં માંડ બસોથી બે હજાર પરીવારોને પહોંચતી આ ‘સ.મ.’, આજે પંદરેક હજારથીયે વધારે વાચકોને (હવે દર પંદર દીવસે) નીયમીત મોકલીએ છીએ. એક વાચકનો પ્રતીભાવ યાદ આવે કે : “તમારી આ ‘સ.મ.’, એ મારા ઘરનું ‘અખંડ આનંદ’ છે.” આ પ્રતીભાવને સાચો પાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ. તેના બધા અંકોનું ઈ-બુક સ્વરુપનું સંકલીત વાચન આપ સમક્ષ રજુ કરવાનો અને અવકાશે જ્યારેય સમય મળે ત્યારે વાંચી શકાય કે કોઈને મોકલવા સુલભ કરી આપવાનો આ પ્રયાસ છે.

‘સ.મ.’ને સક્રીય અને જીવન્ત સાથ-સહકાર આપનાર સૌ વડીલો અને મીત્રોનો અમે, તા. ૨૫ મે ૨૦૦૮ની ‘૧૫૫-એ’ની ‘વીદાય-સલામ’ નામક ‘સ.મ’માં વીગતે આભાર માન્યો છે. તોય ત્યાર પછીની ‘કાવ્ય-ગઝલ’ની અત્યાર સુધીની બધી ‘સ.મ.’ના અતીથી સમ્પાદક તરીકે નીષ્ઠાથી સેવા આપનાર સુરતના ગઝલકાર શ્રી ગૌરાંગ ઠાકર અને તેવી બધી ‘સ.મ.’નું પ્રેમથી અક્ષરાંકન કરી આપનાર આચાર્ય મીત્ર શ્રી સુનીલ શાહના અમે સવીશેષ આભારી છીએ.

આ નવ વરસમાં દુનીયાના એકેએક દેશમાં વસતા વાચનપ્રેમી ભાવકોનો સહયોગ, પ્રોત્સાહન અને હુંફ અમને મળ્યાં. ભરોસો મુકે એવા હજારો મીત્રો મળ્યા. ‘સ.મ.’ પહોંચે ને પ્રતીભાવોનો વરસાદ વરસે. સ્વ-પ્રશસ્તીના દોષને ખાળવા અમે તેને જાહેરમાં પ્રકાશીત કરવાનું શરુઆતથી જ ટાળ્યું છે. હા, તેવા દરેક પ્રતીભાવકને અંગત મેલ લખી તેમને દીલી આભાર પહોંચાડવાનું અમે ચુક્યા નથી. છતાં પણ એક જ વાર, આવો દોષ ગણો તો દોષ, અમે કર્યો છે.

થયું એવું કે ૧૫૫ સપ્તાહ પછી અમે ‘સ.મ.’ને બંધ કરવાનું નહીં; માત્ર વીરામ આપવાનું જાહેર કર્યું. (જુઓ, ‘સ.મ.’ ઈ-બુક ક્રમાંક - ૭માં, ‘સ.મ.’ ‘વીદાય-સલામ’ ૧૫૫-૧ : ૧૮-૦૫-૨૦૦૮). આ ‘સ.મ.’ વાચકોને પહોંચતાં જ અમારા પર પ્રતીભાવોની મુશળધાર વર્ષા થઈ. ફરી શરુ કરવાના આગ્રહની ઝડી વરસી. તેમાંના એક સો જેટલા વાચકોના ઉદગાર યથાતથ અમે એક ‘સ.મ.’માં પ્રકાશીત કર્યા હતા. (જુઓ, ‘સ.મ.’ ઈ-બુક ક્રમાંક - ૭માં, ‘સ.મ.’ ‘ઉી જટ્ઠઙ્મેીં ર્એિ ’હ્લઈઈન્ૈંદ્ગય્જી’ ર્કિ ’જીીસ્’’ ૧૫૫-૨ : ૧૩-૦૭-૨૦૦૮). એણે અમને એવા ભાવવીભોર કર્યા કે અમારે માત્ર થોડા જ માસના વીરામ પછી ‘સ.મ.’ ફરી શરુ કરવી પડી જે હજી ચાલુ છે. અલબત્ત, હવે તે પાક્ષીક બની છે. સાથે સાથે બહુ નમ્રતાપુર્વક અનુભવે એટલું તો કહી શકાય કે ઈ-બુકનો કોઈ પણ ભાગ વાંચવાનું શરુ કરનારને તેની દીલપસંદ એકાદબે કૃતી તો મળી જ રહેશે. કાવ્ય, ગઝલ, વાર્તા, આરોગ્ય, હાસ્ય, શીક્ષણ અને જીવનપોષક કંઈ કેટલીય કૃતી! પોતાની કૃતી ‘સ.મ.’માં મુકવાની હેતથી પરવાનગી આપનાર આપણા માનીતા સર્જકોનો આભાર માનવા તો અમારી પાસે શબ્દો જ નથી!

અર્નીઓન ટૅક્નૉલૉજીસમાંથી બહેન શ્રુતી પટેલ અને મીનલ મેવાડા નો ભક્તીભાવભર્યો સહકાર ‘સ.મ.’ને ન મળ્યો હોત તો પંદર હજારથી ઘણા વધારે વાચકો સુધી દર પખવાડીયે પહોંચવાનું અમારાથી શક્ય ના બનત. રોજે રોજ નવા વાચકોની આઈડી ઉમેરવાની, કો’કની બદલાઈ હોય તો તે સુધારવાની, મંગળવારથી ‘સ.મ.’ મોકલવાનું શરુ કરવાનું તે.... છેલ્લો લૉટ શુક્રવારે રવાને થાય! સૌનો સાથ લઈ બહેન શ્રુતી-મીનલ નીષ્ઠાપુર્વક આ બધું કરે. આ ઈ-બુક બનાવવાનુંય પછી તો બહેન શ્રુતીએ માથે લીધું. આપના સ્ક્રીન પર ‘સ.મ.’ની જે ઈ-બુક છે તેમાં અનેકોની સાથે બહેન શ્રુતીના હૃદયનો ભાવ ભર્યો છે.

જનહીતનું કોઈ પણ નીઃસ્વાર્થ અને સારું કામ કદી અટકતું નથી એ વાતની પાકી પ્રતીતી અમને ‘લેક્સીકોન’ નીર્માણના લાંબા પ્રવાસે કરાવેલી. તે જ વાત અહીં પણ સાચી પડી રહી છે.

આજનો સમય ઝડપથી ‘ઈ-બુક’ વાચનનો જમાનો બનવા જઈ રહ્યો હોય તેવી તેની ગતીવીધીની અમને પ્રતીતી થઈ રહી છે તેથી જ આ ઈ-બુક સૌ વાચકોને સપ્રેમ સમર્પીત કરીએ છીએ.

કદાચ નવાયુગને પીછાણીને જ આદરણીય શ્રી, (હવે સ્વર્ગસ્થ-હૃદયસ્થ) રતીલાલ ચંદરયાએ આપણ સૌ ગુજરાતીઓને ગુજરાતી ભાષાનો આખો ‘ઈ-શબ્દસાગર’ સમો ‘ગુજરાતીલેક્સીકોન’ આંગળીનાં ટેરવાંવગો કરી આપ્યો છે. ભવીષ્ય માટે નીર્માયેલ આ અદ્ભુત વારસાની ખુબી અને વીશીષ્ટતાઓ વીશે પણ અમે થોડી જાણકારી આપતા રહીશું, જેથી સૌ કોઈ એમાં મળતી સવલત-સુવીધાથી પરીચીત થતા રહે અને તેનો ભરપેટ લાભ લેતા રહે.

ઈ-બુક બનાવવાની પ્રેરણા આપનાર અમેરીકાસ્થીત સ્નેહી ભાઈ અતુલ રાવલ નો, તે ‘ઈ-બુક’ને આઈ-પૅડ માટે વાચનક્ષમ ઈ-બુક બનાવવામાં પોતાનો સક્રીય સાથ-સહકાર આપનાર જૅક્સન-મીસીસીપી, અમેરીકાના આલ્ફાગ્રાફીક્સના માલીક રમેશ-શીલ્પા ગજ્જર નો, પીસી માટે વાચનક્ષમ ઈ-બુક બનાવી આપનાર અમારા અઝીઝ મીત્રો-સાથીદારો અને શરુઆતથી જ લેક્સીકોન સાથે ભાષાસેવાના કાર્યમાં દીલ રેડનાર ભાઈ અશોક કરણીયા , ભાઈ કાર્તીક મીસ્ત્રી, તથા અર્નીઓન ટૅક્નૉલૉજીસમાંનાં સૌ ભાઈ-બહેનો, ખાસ કરીને, અમેરીકાસ્થીત ભાઈ રાજેશ મશરુવાળાના માર્ગદર્શન હેઠળ આ ઈ-પબ તૈયાર કરનાર બહેન મૈત્રી શાહ અને બહેન શ્રુતી પટેલ વગેરે સૌનો હૃદયપુર્વક ખુબ ખુબ આભાર.

હજી બીજા બે સાવ અંગત અંગત નામોલ્લેખ કર્યા વીના રહેવાતું નથી. અતીવ્યસ્તતા છતાં છેલ્લી ઘડીએ ભક્તીભાવપુર્વક આ ઈ-બુકનું સરસ મુખપૃષ્ઠ-ટાઈટલ બનાવી આપનાર અમદાવાદની રેડીયન્ટ એડવર્ટાઈઝીંગના માલીક શ્રી જયેશ-ઉર્વશી મીસ્ત્રી નો ખુબ ખુબ આભાર.

અને જેનો સૌથી પહેલો આભાર માનવો જોઈએ તેનો સૌથી છેલ્લે માનું : ૨૦૦૦ની સાલમાં, કમ્પ્યુટરનો ‘ક’ નહીં જાણનાર મારા જેવા અભણને, સ્નેહને નાતે; પણ હઠપુર્વક લેપટૉપ ભેટ આપી કમ્પ્યુટરના આ નેટક્ષેત્રમાં પ્રવેશવા માટે ધક્કો મારનાર ફ્લોરીડાની વીખ્યાત ડીજીટ્રૉન સીસ્ટમ્સ ના માલીક શ્રી. દીપક-ભાવના મીસ્ત્રી નો તો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. નીવૃત્તી પછી શું કરવું તેનો નકશો જેની પાસે ન હોય તેને, કોઈ આગ્રહપુર્વક કામે લગાડી દે અને તે પાછું તે જ તેના જીવનનું ધ્યેય બની રહે તે તો કોના નસીબમાં!

સૌ ઈ-બુક વાચનરસીયા વાચકોનું અમે ભાવભીનું સ્વાગત કરીએ છીએ અને શ્રદ્ધા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ પણ સૌને પસંદ પડશે.

અનુક્રમણિકા

પ્રાસ્તાવીક

સિનિયર સિટિઝનનું સ્વરાજ

કુમુદસુન્દરી, મંજરી, કુસુમ અને સુશીલા પછી......ગરવી ગુજરાતણનું નવલું સ્વરુપ

ધુપછાંવ : ..એરીંગ અને મંગળસુત્ર..

..ગઝલ અને હઝલ..

‘ચાલ, કાગળ વાંચીએ..’

જીન્દગી, જીન્દગી : શોખથી જીવવું, શાનથી મરવું

પહેલાં સુનામી અને હવે ગુજરાત પર ‘આસમાની’ સુનામી !

મારા બાપુની કહાણી

દાદા મને...

પાનખરે વસંતની લહેર ...

કમુબહેન

ફ્લેટને ત્રીજે માળેથી..

ઘડપણ-મનની અવસ્થા

‘પ્રાસ્તાવીક’

આપણા હાથની વાત...

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

ચાલો, ફરી બાળક બનીએ...

મારી મમ્મી

ગાંધી-વાણી

માનસીક તાણથી બચવાના વીસ ઉપાયોઃ

માધીનો છોકરો

પટલાણી

ખોવાયેલું પાકીટ

ધર્મ અને વીજ્ઞાન

ભલો સાધક

માની ન લેશો કે હું સુખી છું

‘કવનમાં વક્રીભવન’

‘વીચારોના વૃંદાવન’માં - બપોરના તડકામાં સુરજની શોધ !

છોટુકાકાનાં અસીલોં

સિનિયર સિટિઝનનું સ્વરાજ

-ગુણવંત શાહ

સિનિયર સિટિઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો ? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છેઃ ‘સમય’ અને ‘અવકાશ.’ સિનિયર સિટિઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલિક દુઃખી શી રીતે હોઈ શકે ? એ દુઃખી હોય છે; કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસિક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ ? સિનિયર સિટિઝન પોતે !

ઘણાખરા સિનિયર સિટિઝનોને ‘ગ્રહદશા’ નહીં ‘આગ્રહદશા ’ નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધિ ખીલે તેનું નામ અનાગ્રહ છે. સિનિયર સિટિઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મૂર્ખ છે. મૂર્ખતા પણ ખાસ્સી સિનિયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભિપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દિવ્ય હોય છે. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સિટિઝન મફત સલાહ કેન્દ્રનો માલિક હોય તે દુઃખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ કવિતાઓ, નાટકો, શિલ્પો, ચિત્રો, ફિલ્મો, ગીતો અને કલાકૃતિઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. કવિ વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ ‘મેગ્નીફિશંટ આઈડ્લર’ તરીકે ગૌરવભેર ઓળખાવતો. નોબેલ પારિતોષિક વિજેતા કવિ પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહિમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સિનિયર સિટિઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મિજાજમાં રહેલું છે. એ મિજાજ એટલે સ્વરાજનો મિજાજ. સ્વરાજનો મિજાજ એટલે શું ? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલિક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલિકને, માલિકની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સિનિયર સિટિઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

જે વડીલોને સાહિત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નિસ્બત ન હોય તેમણે દુઃખી થવાની પૂરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. નવરાશ એટલે કર્મશૂન્યતા નહીં; પણ મનગમતા કર્મની સમૃદ્ધિ. વડીલોએ વારંવાર પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે, ‘મારો માહ્યલો શેમાં રાજી ?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વિશેષાધિકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. આ દુનિયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તિકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુઃખનું ડિવિડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છૂટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

સિનિયર સિટિઝનના સુખનો ખરો આધાર ‘પગ’ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબૂત તેનું ચાલવાનું સાબૂત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભૂખ લાગે. કકડીને લાગતી ભૂખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભૂખવૈભવમાં સમાયું છે. જે સિનિયર સિટિઝન રોજ પાંચ કિલોમીટર સ્ફૂર્તિથી ચાલે તેને ભૂખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઊંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભૂખવૈભવ, થાકવૈભવ, અને ઊંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફૂર્તિવૈભવ મળી રહે છે. સ્ફૂર્તિ છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્દ્ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડિયાતી અંજલિ બીજી શી હોઈ શકે ? એને કહેવાય ‘રળિયામણું મૃત્યુ’ !

વડીલોએ કોઈ પણ હિસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરિવારના જુનિયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સિનિયર સિટિઝનને પોતાના સ્વરાજની જેમ જુનિયર સિટિઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખૂબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પિતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છૂટાં રહેવું સારું, છેટાં રહેવું સારું; પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતિથિ યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધૂની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચૂકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરિવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છૂટે છે.

પૂજ્ય રવિશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તિક હોય તોય આધ્યાત્મિક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુઃખ થાય છે.

કેટલાક સિનિયર નાગરિકો ભક્તિમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભૂત છે. સિનિયર સિટિઝનની ખુમારી ખૂટવી ન જોઈએ.

ખુમારી ખૂટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સિનિયર સિટિઝન હોવાને નાતે ગુજરાતના સૌ સિનિયર સિટિઝન્સને ખાસ વિનંતી છે. ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચૂકશો નહીં.’

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું; પરંતુ આપણું હસવાનું ઓછું થયું, તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં ! - ‘અનામી ચિંતક’

-ગુણવંત શાહ

* * * * * * * * * * *

કુમુદસુન્દરી, મંજરી, કુસુમ અને સુશીલા પછી......ગરવી ગુજરાતણનું નવલું સ્વરુપ

-ગુણવંત શાહ

વર્ષો પહેલાં એક સુજ્ઞ વાચકે પુછ્યું હતુંઃ ‘નર્મદા અને તાપીમાં વધારે સુન્દર કોણ ?’ તત્ક્ષણ જવાબ જડ્યો તે હતોઃ ‘નર્મદા જાજરમાન છે; ત્યારે તાપી નમણી છે.’ સરેરાશ ગુજરાતી ગૃહીણી જાજરમાન વધારે અને નમણી ઓછી ! ગઈ કાલ સુધી ગુજરાતી સ્ત્રી ફીગરની કે વાઈટલ સ્ટેટીસ્ટીક્સની પરવા કરતી ન હતી. હવે એની કમ્મરનો ઘેરાવો ધીરે ધીરે ઘટતો જાય છે. વાલ્મીકીના શબ્દપ્રયોગો કરીએ તો કહી શકાય કે ગુજરાતી કન્યા હજી ‘તનુમધ્યા’ (પાતળી કમ્મરવાળી) બની નથી. સીતાની સુંદરતાનું વર્ણન કરતી વેળાએ વાલ્મીકીએ પ્રયોજેલો બીજો શબ્દ ‘વરોરાહા’ (સુંદર નીતમ્બવાળી) છે. શરીરની જાળવણી વધતી જશે, તેમ તેમ એ સીતા જેવી ‘તનુમધ્યા’ અને વળી સુન્દર નીતમ્બવાળી ‘વરોરાહા’ બની રહેશે. જીમમાં જવાનું વધી રહ્યું છે અને સીમમાં જવાનું મટી રહ્યું છે. બ્યુટી-પાર્લરોમાં લાઈન લમ્બાતી જાય છે. હવે વીધવા બહેનો પણ ત્યાં જાય છે. સારી વાત છે.

એ જમાનો હતો, જ્યારે સુશીક્ષીત ગુજરાતી સ્ત્રીઓના ભાવજગતમાં ગોવર્ધનરામ ત્રીપાઠીની નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’ની નાયીકા કુમુદસુન્દરીના પ્રેમ અને ત્યાગ માટેનો અહોભાવ હૃદયસ્થ હતો. એ જ રીતે જાજરમાન સ્ત્રીત્વના ગૌરવથી ઓપતી ક. મા. મુનશીની અમર નાયીકા મંજરી પણ પ્રભાવ પાથરનારી હતી. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’માં આદર્શવાદી નાયીકા કુસુમ પોતે હોય એવા વહેમમાં રાચનારી ભણેલી ગુજરાતણો પણ થોડીક હતી. મેઘાણીની નવલકથા ‘વેવીશાળ’ની નાયીકા સુશીલા હતી; પરન્તુ જાજરમાન ભાભુનું પાત્ર ભારે પ્રભાવશાળી હતું. આજે સમય બદલાયો છે. આદર્શો ભોંઠા પડતા જાય છે. પરીવારનું રસાયણશાસ્ત્ર બદલાયું છે. ટી.વી.સીરીયલો દુર દુરનાં ગામોમાં અનેક સ્ત્રી પાત્રોને રોજ રાતે આગલી પરસાળમાં પહોંચાડતી થઈ ગઈ છે. એ સીરીયલોમાં ચાલાકી, બદમાશી અને કપટનો હવાલો સ્ત્રી પાત્રોએ પુરુષો પાસેથી છીનવી લીધો છે. સ્ત્રી સશક્તીકરણનો કદાચ એ પણ એક ભુંડો પ્રકાર જ ગણાય. આજની ટી.વી.સીરીયલોમાં કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને કંપનીનો કારભાર કરનારી સ્ત્રીઓને કડવાચોથનું વ્રત કરતી બતાવવામાં આવે છે. સંયુક્ત પરીવારમાં જો સતત છળકપટ જ ચાલવાનું હોય તો કહેવું પડશે કે એનાકરતાં તો વીભક્ત (ન્યુ ક્લીયર) કુટુમ્બ હોય એ સો દરજ્જે સારું !

ગરવી ગુજરાતણનું નવલું સ્વરુપ મનોહર છે. એક ગૃહીણી ઈન્ટરનેટ પર પરદેશની બહેનપણીને કોઈ વાનગીની રેસીપી મોકલી રહી હતી. અંગ્રેજી લખાણમાં પણ જીરું, અજમો, મરચું, કોપરું અને વઘાર જેવા શબ્દો જેમના તેમ રાખવામાં આવ્યા હતા. ભાષાને શું વળગે ભુર, જે રણમાં જીતે તે શુર ! પરદેશોમાં વસનારી ગુજરાતણોએ ત્યાં પણ આપણાં અથાણાં, પાપડ, મઠીયાં, ગાંઠીયાં અને ચેવડાને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવન્ત રાખ્યાં છે. સુખી ગુજરાતણ હવે ઘરના બનાવેલા પાપડનો આગ્રહ રાખતી નથી. પરીણામે અનેક પરીવારોમાં સ્ત્રીઓને રોજી મળતી થઈ છે. સ્ત્રીમુક્તીમાં સ્કુટરનો ફાળો અનન્ય છે. નોકરીએથી ઘરે આવેલી ગૃહીણી પતી સાથે બહાર ઉપડી જાય છે અને રસ્તા પર ક્યાંક સ્કુટર ટેકવી દઈને ખાવાનું પતાવી દે છે. વાનગીના સ્વાદમાં મુક્તવીહારનો સ્વાદ પણ ભળે છે. ક્યાંક મોટરબાઈકને લારી સામે ખડી કરી દઈને બે સીટ પર બેઠેલાં બે યુવાન હૈયાં જોવા મળે ત્યારે મનોમન કળીયુગની પ્રશંસા થઈ જાય છે. ધીરેધીરે ગુજરાતની ગૃહીણી પતીની કહ્યાગરી મટીને પાર્ટનર બનતી જાય છે. સ્વચ્છતા અને સુઘડતામાં વૈષ્ણવ સ્ત્રીને કોઈ ન પહોંચે. મહેમાનગતીમાં પટલાણીને કોઈ ન પહોંચે. શુદ્ધઉચ્ચારની બાબતે નાગર સન્નારીને કોઈ ન પહોંચે. નીર્મળ સ્મીત વહેતું મુકવામાં આદીવાસી સ્ત્રીને કોઈ ન પહોંચે. ગુજરાતી ગૃહીણી પૈસા કમાઈ જાણે, પૈસા ખરચી જાણે અને વળી પૈસા બચાવી પણ જાણે ! એ જ ગૃહીણી અન્ય માટે ઘસાઈ છુટવામાં પણ પાછી પાની ન કરે. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પોતાના મીત્રપરીવારને ભાવતી વાનગીઓ પીરસતી વખતે અજાણ્યા પ્રવાસીને પણ પેપરડીશ આપીને ખાવાનો આગ્રહ કરનારી સ્ત્રી જોવા મળે, તો તે ગુજરાતણ હોવાની શક્યતા ઘણી વધારે છે. .

સુખી ગુજરાતણ ક્યારેક વધારે પડતી આવકને પહોંચી વળવા માટે ખોટા ખર્ચા કરવામાં રાચતી થઈ છે. સાડીની ભવ્ય દુકાનોમાં વેપારી એના હાથમાં કોકાકોલાની બાટલી પકડાવી દઈને એની પર્સનું વજન હળવું કરી નાખે છે. ક્યારેક કોઈ કહેવાતા સાધુબાવા એને સહેલાઈથી છેતરી શકે છે. ભોળી ઉદારતા અને ભોટ મુર્ખતા વચ્ચેનો વીવેક ગુજરાતણો ખુબ સહેલાઈથી ગુમાવી બેસે છે. પ્રબુદ્ધ ગુજરાતી ગૃહીણી પાસે સારાં પુસ્તકો અને સારાં સામયીકો વાંચવાનો સમય હોય છે. ભોટ મુર્ખતા ધાર્મીક વેવલાવેડામાં રાચતી જણાય છે. ધીરે ધીરે અંધશ્રદ્ધા ઘટતી જશે અને યોગ તથા ધ્યાનનું પ્રમાણ વધતું જશે. ગુજરાતી ગૃહીણીના શબ્દકોશમાં કેટલાક અગત્યના શબ્દો છેઃ દેરાણી, જેઠાણી, નણંદ, ભોજાઈ, માસી, કાકી, ફોઈ ઈત્યાદી. એના શબ્દકોશનો સૌથી સંકુલ શબ્દ ‘સાસુ’ છે. પછીના નંબરે માસીસાસુ, મામીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ જેવા શબ્દો આવે છે. એના જીવનમાં પીયર નેપથ્યમાં રહી જાય પછી સસરા, કાકાસસરા, ફુઆસસરા અને મામાસસરા ઉપરાંત નણદોઈ જેવા વીચીત્ર શબ્દો પણ ઉમેરાય છે. યાદ રહે કે સીતાને પણ શાન્તા નામની નણંદ હતી, જે મુની ઋષ્યશૃંગને પરણી હતી. ઋષ્યશૃંગ સીતાના નણદોઈ (નનાન્દુઃ) હતા. આ વાત મહાકવી ભવભુતીએ ‘ઉત્તરામચરીત્ર’માં ઉલ્લેખી છે. ગુજરાતણના શબ્દકોશમાં સૌથી પ્રીય શબ્દ ‘પતી’ છે. પતી શાણો અને સમજુ હોય તો પત્નીનો જીવનસાથી યાને પાર્ટનર બની રહે છે. બહુ ઓછી સ્ત્રીઓ હૃદયને છેતર્યા વગર ગરબામાં ગાઈ શકે : ‘મૈં તો ભુલ ચલી બાબુલકા દેશ, પીયાકા ઘર પ્યારા લગે.’ જ્યાં દહેજની ગંદી ગણતરી હોય ત્યાં સ્વચ્છ પ્રેમ ટકી ન શકે. આ બાબતે ચરોતરનું ‘સમૃદ્ધ પછાતપણું’ ખટકે તેવું છે. ગ્રીનકાર્ડથી ખરડાયેલાં લગ્નો ઘણુંખરું દહેજની ગંદકી ધરાવનારાં હોય છે. ડુસકાં ખાનગીમાં અને શરણાઈવાદન જાહેરમાં ! મહાકવી શુદ્રકનું સર્જન ‘મૃચ્છકટીકમ્’ યાદ આવે છે. નાયીકા વસંતસેના ગૃહસ્થ સ્ત્રીનું ગૌરવ જાળવવા માટે ગણીકાવૃત્તી ત્યજીને પ્રીયતમ ચારુ દત્ત જેવા પ્રતાપી પુરુષની પત્ની બને છે અને મરવા સુધીનું જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. એ જ રીતે ઉર્વશી સ્વર્ગની અપ્સરા હતી તોય પુરરવા જેવા પૃથ્વીય રાજા સાથે પ્રેમમાં મગ્ન થઈને પુત્રને જન્મ આપે છે. એટલું ખરું કે ઉર્વશી ખાસ્સી પઝેસીવ ‘અધીકારાપેક્ષી’ સ્ત્રી હતી. મહાકવી કાલીદાસના નાટક ‘વીક્રર્મોવશીયમ્’માં આ વીગતો વાંચવા મળે છે. .

ગુજરાતણની એક ખુબી નોંધવા જેવી છે.

એ કરીયરમાં આગળ વધે તોય પોતાના પરીવારને જાળવી જાણે છે. એ ઉંચા હોદ્દા પર હોય તોય ઘરે સુંદર રસોઈ મહેમાનોને પીરસી શકે છે. અને હા, એ કલેક્ટર બને તોય નવરાત્રીમાં ગરબે ઘુમી શકે છે. તમે એ ગરવી ગુજરાતણને મળ્યા છો ?

‘પાઘડીનો વળ છેડે’

ગુજરાતના ધર્મપતીઓને પાંચ અગત્યનાં સુચનો :

૧. પત્નીની સાચી પ્રશંસા કરવામાં કરકસર ન કરો.

૨. પત્ની ઈચ્છે ત્યારે તેને ખુશીથી પીયર જવા દો.

૩. પત્નીને લાગવા દો કે તમે તેની સુરક્ષા કરી શકો તેવા સક્ષમ ‘મરદ’ છો.

૪. બીજું કોઈ પત્નીની ખોટી ટીકા કરે ત્યારે મનથી એનો બચાવ કરો.

૫. પત્નીને ભરપુર પ્રેમથી ભીંજવી દો અને એને બાવાઓથી દુર રાખો.

તા. ૨૯ મે ૨૦૦૪ના ‘સંદેશ’ની સાપ્તાહીક રવીવારીય પુર્તી ‘સંસ્કાર’માંથી સાભાર..

(ગઈકાલે ટેલીફોન પર વાત થયા મુજબ આદરણીય ગુણવંતભાઈએ, એમના લેખોનું આમ, ‘ઉંઝાજોડણી’માં પુનર્લેખન કરી, મીત્રોને તેની લહાણી કરવાની કાયમી પરવાનગી આપી તે બદલ તેમનું ઋણ વ્યક્ત કરું છું.- ઉત્તમ ગજ્જર, જુન ૧, ૨૦૦૫ બુધવાર)

-ગુણવંત શાહ

* * * * * * * * * * *

ધુપછાંવ : ..એરીંગ અને મંગળસુત્ર..

-દીનેશ પંચાલ

એક યુવતીને સવારે પોતાના પતીની પથારીમાંથી એની નાની બહેનના કાનનું એરીંગ મળી આવ્યું. યુવતીએ પતીની હાજરીમાં નાની બહેનને તે સુપરત કર્યું. સાળી-બનેવી બન્નેની ગરદન શરમથી ઝુકી ગઈ. થોડા દીવસો બાદ પતીએ પત્નીને કહ્યું, ‘તું ખરેખર મહાન છે. તેં મને ક્ષમા કરી દીધો.’ પત્નીએ પોતાની આંખોમાં અશ્રુ સ્વરુપે રેલાઈ જતો એક પ્રશ્ન પુછી જ નાખ્યોઃ ‘મેં તો તમને માફ કરી દીધા; પણ ધારો કે મારું મંગળસુત્ર તમારા ભાઈની પથારીમાંથી મળી આવ્યું હોત તો તમે મને માફ કરી શક્યા હોત ખરા ?’ પતીની નજર શરમના ભારથી ઝુકી ગઈ. (પાનઃ૧૫)

..અદ્યતન અર્ધાંગના..

ફર્સ પર પોતું મારતી વહુ કરતાં પીએચ.ડીનો થીસીસ લખતી પુત્રવધુ બૌદ્ધીકોને ગમે. વૈભવલક્ષ્મીનું વ્રત કરતી કન્યા કરતાં બીઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી યુવતી વીશેષ આવકાર્ય ! તુલસીક્યારા સામે બેસી સંતોષીમાતાની ચોપડી વાંચતી યુવતી કરતાં; લાઈબ્રેરીમાં બેસી ટાઈમ્સ ઓફ ઈન્ડીયા વાંચતી યુવતીમાં નારીસમાજનું વીશેષ કલ્યાણ છુપાયેલું છે. કડવાચોથને દીવસે પતીના પગ ધોઈ પી જતી ધાર્મીક સન્નારી કરતાં; પતીની ભુલો બદલ પ્રેમથી તેના કાન આમળતી મૉડર્ન નારીની આજે વીશેષ જરુર છે. એકાદ હાર-કંગનની ખરીદી કરવા પતીદેવ ખુશમીજાજમાં હોય તેવી તકની પ્રતીક્ષા કરતી હાઉસહોલ્ડ ગૃહીણી કરતાં; પોતાના પગારમાંથી પતીને પેન્ટ ખરીદી આપી તેને ખુશ કરી દેતી કમાઉ પત્ની આજે પુરુષને વધારે ગમે છે. (પાનઃ૧૯)

..જીજીવીષાની ઝડપ..

એક કુતરો ખીસકોલીની પાછળ દોડ્યો. ખીસકોલી દોડીને ઝાડ પર ચડી ગઈ. કુતરો નીચેથી ખીસકોલીને જોઈ રહ્યો. પછી એણે ખીસકોલીને પુછ્યું, "તું મારા કરતાં વધુ ઝડપથી કેવી રીતે દોડી શકે છે ? તારામાં આ શક્તી આવી ક્યાંથી ?"

ખીસકોલીએ જવાબ આપ્યો, "પગમાંથી..."

કુતરાએ કહ્યું, "પગ તો તારા કરતાં મારા મોટા છે; છતાં હું તને પકડી ન શક્યો !"

ખીસકોલીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, "તારી વાત સાચી છે. આપણે બન્ને પગ વડે જ દોડ્યા; પણ તારા પગને તારી ભુખનો સાથ હતો, જ્યારે મારા પગને મારી જીજીવીષાનો સાથ હતો. ભુખ કરતાં જીવી જવાની ઈચ્છા વધુ બળવાન હોય છે. એ બન્નેની રેસમાં જીજીવીષાનો ઘોડો આગળ નીકળી જાય છે ! તારી પાછળ વાઘ દોડે તો જ તને આ વાત સમજાઈ શકે !" (પાનઃ૧૦૦)

..વીશ્વાસઘાત..

દુકાનદાર રોજ સવારે પોતાની દુકાનનું શટર ખોલી ઉંબરને બેત્રણ વાર શ્રદ્ધાથી પગે લાગે છે. ત્યાર બાદ ગ્રાહકોને પણ એવી જ નીષ્ઠાથી લુંટે છે. આવું થાય ત્યારે ઉંબરો કેવો વીશ્વાસઘાત અનુભવતો હશે ? મરહુમ માનવતા અને ગંગાસ્વરુપ પ્રામાણીકતાનો આ દેશ છે ! જ્યાં માણસ પોતાનાં ગલ્લા-તીજોરીમાં અગરબત્તી ફેરવે છે; પરંતુ ત્યાર બાદ વેપલો કરવામાં એ ગલ્લાની એવી હાલત કરે છે કે લક્ષ્મીદેવી ખુદ સ્વહસ્તે ધુએ તોય એ ગલ્લો પવીત્ર થઈ શકતો નથી. પ્રામાણીકતા વીનાનો વ્યવહાર, સુગંધ વીનાની અગરબત્તી જેવો બેઅસર રહે છે. અગરબત્તીમાં અંતે રાખ બચે છે. અપ્રામાણીક વ્યવહારમાં અંતે શાખ પણ બચતી નથી. (પાનઃ૨૩)

..સુસંસ્કારનું બીયારણ..

સદ્દગુણોનો છોડવો સુસંસ્કારના બીયારણ વીના ઉગી શકતો નથી. દુર્ગુણો ઘાસની જેમ વીના વાવેતરે ઉગી નીકળે છે. છોડવાઓને રોગ લાગી શકે છે. ઘાસને રોગ લાગતો નથી. કળીયુગના દર્યોધનો અર્જુન કરતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે. આજના રક્તપીત્તીયા રાજકારણમાં અજીબોગરીબ તમાશા જોવા મળે છે. અહીં હીરણ્યકશ્યપુ અને રાવણ ભેગા મળી રામની ‘સોપારી’ સ્વીકારે છે. સી.બી.આઈ. રાવણો માટે અભયારણ્યની હીમાયત કરે છે; પણ રામને ‘રામભરોસે’ છોડી દેવામાં આવે છે ! દેશમાં અશાંતી જળવાઈ રહે તેની જવાબદારી અન્ડરવર્લ્ડના ગેંગસ્ટરો અને રાજકારણીઓની જોઈન્ટ લાયાબીલીટીઝ ગણાય છે. શોધવા નીકળીએ તો દેશમાંથી લાલુપ્રસાદો ઘણા મળી રહે. લાલ બહાદુર શાસ્ત્રી શોધ્યા જડતા નથી ! (પાનઃ૨૯)

..કાચબાછાપ પુણ્ય..

હું મોરારીબાપુ હોઉં તો રામકથામાં લોકોને ભારપુર્વક સમજાવું : ‘ભગવાનની મુર્તી આગળ મોંઘી ધુપસળી સળગાવવાને બદલે ઘરડાં માબાપના ઓરડામાં રાત્રે કાચબાછાપ અગરબત્તી સળગાવશો તો વધુ પુણ્ય મળશે.’ (પાનઃ૩૩)

...પોંક અને જુવાર..

પ્રેમ આંધળો નહીં, આંધળી વાનીના પોંક જેવો હોય છે. દીલના કુણા કણસલા પર લાગેલા લાગણીના દુધાળા દાણા એટલે પ્રેમ ! એકવીસમે વરસે દીલના ડુંડા પર પ્રેમના પ્રથમ દાણા ફુટે છે, એની મઝા કંઈક ઓર હોય છે. એકાવનમા વરસે એ દાણા પાકી જુવાર બની જાય છે. એકવીસનો પ્રેમ અને એકાવનનો પ્રેમ વચ્ચે પોંક અને જુવાર જેટલું છેટું પડી જાય છે. પોંકના વડાં થઈ શકે ને જુવારના રોટલા ! માણસને પોંક-વડાં વીના ચાલી શકે; રોટલા વીના નહીં. એથી માણસ જુવારનાં પીપડાં ભરે છે-પોંકનાં નહીં. (પાનઃ૪૬)

..માપદંડ..

ક્યારે કહી શકાય કે લગ્નજીવન સફળ થયું છે? પ્રશ્ન અઘરો છે. છતાં એક નાનકડો માપદંડ સુઝે છે. આજે મારે ફરીથી લગ્ન કરવાના આવે તો હું મારા અત્યારના જીવનસાથીને જ પસંદ કરું એવો (હોઠ પરથી નહીં; અંતરમાંથી) અવાજ આવે તો કહી શકાય કે લગ્નજીવન સફળ થયું છે. (પાનઃ૭૮)

..મનના મરોડ..

બે સંતાનો થઈ ગયા પછી સ્ત્રીઓનું દૈહીક સૌંદર્ય બરફના ટુકડાની જેમ ઓગળવા માંડે છે. અંગમરોડ લાચાર બને છે ત્યારે મનના મરોડ કામ આવે છે. આઈબ્રોના સૌંદર્ય કરતાં આઈક્યુનો પ્રભાવ વધી જાય છે. હોઠોના સૌંદર્ય કરતાં હૈયાનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દીલ પીગળી જાય એવા બે શબ્દો હોઠોની લીપસ્ટીક કરતાં હજાર ગણા પ્રભાવક સીદ્ધ થાય છે. નજરનાં કામણ પળ બે પળના કીમીયાગર હોય છે; શબ્દોનાં કામણ હૈયું આરપાર વીંધી નાખે છે. શરીરના સૌંદર્ય કરતાં સ્વભાવનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દેહસૌંદર્યની હદ બ્યુટી પાર્લરથી શરુ થઈ વૉશબેઝીનમાં ખતમ થઈ જાય છે. મનના સૌંદર્યની હદ દીલથી શરુ થઈ પુરા કદની આખી જીન્દગી કવર કરી લે છે. દેહસૌંદર્યનો બુખાર દારુના નશાની જેમ ઉતરી જાય છે. દીલનો બુખાર ઝટ ઉતરતો નથી. દેહના સૌંદર્યને સૅક્સની ગરજ રહે છે. મનનું સૌંદર્ય સૅક્સનું ઓશીયાળું હોતું નથી ! મલેરીયા અને લવેરીયા વચ્ચે આટલો જ ફેર .. એકની દવા હોય છે; બીજાની નથી હોતી ! (પાનઃ૧૦૨)

..પુરુષ પગારમાં.. સ્ત્રી વઘારમાં..

પુરુષપ્રધાન સમાજમાં વહુનો દાડમ જેવો નાનો દોષ પણ સાસરીયાને તડબુચ જેટલો મોટો દેખાતો હોય છે. આપણા સમાજમાં સાઈકલ ચલાવતાં ન આવડતી હોય એવા મુરતીયા કરતાં રોટલી વણતાં ન આવડતી હોય એવી દીકરીઓ જ વધુ વગોવાય છે. દીકરી કૉલેજમાં પ્રતીવર્ષ શ્રેષ્ઠ નાટ્યદીગ્દર્શનનો એવોર્ડ જીતી લાવતી હશે; પણ તેને દાળ વઘારતાં નહીં આવડતું હશે, તો સાસરાના સ્ટેજ પર કરુણ રસનું નાટક ભજવાયું જ સમજો ! એટલે ઉત્તમ તો એ જ છે કે બે બદામની દાળને ખાતર દીગ્દર્શન-કલાએ વગોવાવું નહીં પડે તે માટે, છોકરીઓએ રોજબરોજનાં ઘરકામો શીખી લેવાં જોઈએ. વીશેષતઃ રસોઈકામ તો ખાસ ! કોઈ બૅન્ક-કૅશીયરને એકથી સો સુધીની પાકી ગણતરી આવડવી જેટલી જરુરી હોય છે; તેટલું જ એક સ્ત્રી માટે રસોઈકામ જરુરી બની રહે છે. યાદ રહે, મુરતીયો સલમાન ખાન જેટલો રુપાળો દેખાતો હશે; પણ ભણ્યો નહીં હોય, નોકરી ના કરતો હોય તો કોઈ યુવતી તેને પરણવા તૈયાર થશે ખરી ? સામાજીક અપેક્ષાનુસાર પુરુષ પગારમાં અને સ્ત્રી વઘાર(પાકકલા)માં શ્રેષ્ઠ હોવી જોઈએ ! (પાનઃ૯૪)

..દીનેશ પંચાલ..

* * * * * * * * * * *

..ગઝલ અને હઝલ..

ગઝલકાર - બેકાર

ગઝલનો એક પ્રકાર તે હઝલ. ગઝલકાર બેકારે હાસ્ય, વ્યંગ, કટાક્ષ ભરપુર હઝલો આપી છે. જોઈએ થોડીક હઝલોમાં બેકારની હઝલનીષ્ઠા, સ્વાભીમાન અને ખુદ્દારી :

હઝલનીષ્ઠા, સ્વાભીમાન અને ખુદ્દારી :

એ ખરું કે એની પાસે પાઈ પણ રાતી નથી,

એ ખરું કે એણે લીધી કીર્તી વેચાતી નથી;

હું જ એ બેકાર છું દર્શન કરીને ધન્ય થા,

ઓળખ્યો તેં ના મને ? તો જા, તું ગુજરાતી નથી.

પશ્ચીમી સંસ્કૃતીના આક્રમણ પરઃ

દાળની સાથે એ બીસ્કીટ ખાય છે,

એમાં તારા બાપનું શું જાય છે ?

દૃષ્ટી મર્યાદાને તારી શું કહું ?

પુર્વ-પશ્ચીમ એકતા તો થાય છે !

પ્રેમ પણ વેચાય પાઉન્ડ પેન્સમાં,

કેમ ઉતરે મારી કોમનસેન્સમાં ?

સાથીઓ બદલ્યા કરે જે ડેન્સમાં,

એ ભમરડી શું રહે બેલેન્સમાં ?

ફેશનપરસ્તી પરઃ

હવે તો કાંસકી-દર્પણ, યુવાનોને થયા અર્પણ,

ફક્ત ચોળી અને ચણીયા તથા શણગાર બાકી છે;

યુવકની ચાલ લટકાળી, ને માથે વાળનાં પટીયાં,

ફક્ત નાજુક પગે ઝાંઝર તણા ઝણકાર બાકી છે.

જીવનની વીષમતા વીશેઃ

નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો ?

ગયું ખોવાઈ તાળું સાચવી ચાવીને શું કરશો ?

જનારા ચેતવી દેજે બીજા અહીં આવનારાને,

અમે કાઢ્યા નથી કાંદા, તમે આવીને શું કરશો ?

પોપલા પ્રેમ વીશેઃ

દર્દે’દીલની આ જુઓ કેવી થઈ ઉલટી અસર,

લયલાને બદલે અહીં આવી છે લયલાની મધર !

રમુજી શૈલીમાં જીવનની અવસ્થાઓ વીશેઃ

આંખ ચુંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા,

જોતજોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા !

વર્તમાન વીશ્વની સ્ફોટક પરીસ્થીતી વીશેઃ

મહીં અગ્નીના ભડકા છે, ઉપરથી પીસ લાગે છે;

મને આખું જગત એક સેફ્ટી મેચીસ લાગે છે.

ભારતની મોંઘવારી અને ભેળસેળની સમસ્યા વીશેઃ

મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,

કૈંક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો;

રેશનીંગના અન્નની ઉલટી અસર થઈ પ્રેમ પર,

ચુંક લયલાને થઈ, મજનુને મરડો થઈ ગયો !

આધુનીક પ્રેમ વીશેઃ

મહોબ્બત પણ હવે તો એટલો વીચાર માગે છે,

કે જંગલમાં રખડવા કાજ મજનુ કાર માગે છે.

લંડનથી પ્રગટતા ‘ઓપીનીયન’માંથી કવીશ્રી અને સમ્પાદકશ્રીના સૌજન્યથી સાભાર..

‘ચાલ, કાગળ વાંચીએ..’

- ભગવતીકુમાર શર્મા

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,

કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડ્યા તો શું થયું?

તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે ?

મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,

આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,

શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,

કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

-ભગવતીકુમાર શર્મા-

* * * * * * * * * * *

જીન્દગી, જીન્દગી : શોખથી જીવવું, શાનથી મરવું

-ચન્દ્રકાંત બક્ષી

લંડનના ‘ટાઈમ્સ’માં જુન ૨, ૨૦૦૩ના અંકમાં એક વીજ્ઞાપન હતું. એ લોકો માટે, જેઓ આંખની રોશની ખોવાના હતા, જેમની આવતી કાલ અંધકારમાં ડુબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે ? આજે : - લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો. ઈન્ટરનેટને સર્ફ કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રુમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપરમાર્કેટ ફરો. ઈલેક્ટ્રીકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો ક્રોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટીકીટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો અને ફાડી નાખો. લોકલ ટ્રેનમાં આંટો મારી આવો. સીધા સુઈને એક પુસ્તક વાંચો. રુમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અણજાણ સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈને કહો કે એ સરસ લાગે છે. હસો. આવતી કાલે કદાચ આંખોની રોશની ચાલી જશે ! - આ પુરી સુચી અંગ્રેજ જીવનની છે; પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. છાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદીરમાં જઈને આરસની ફર્શ પર ખુણામાં બેસીને જે વીધીઓ થાય છે તે જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઉંઘી જાઓ ! ડાબી તરફ પડખું ફરીને. ઘસઘસાટ......

ઘણા માણસો ૮૫મે વરસે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનીંગ કરતા હોય છે. ઘણાને ૫૮મે નીવૃત્ત થયા પછી શંન કરીશું એ ખબર હોતી નથી. રુપીયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હીમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયાં છે. હવે જે છોકરાને તમે ૬ઠ્ઠે મહીને તકીયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઉડી રહ્યો છે. હવે લોકોના સ્મીતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલીફોન અને ડોરબેલ ઓછા વાગે છે. હવે ગઈકાલનો પશ્ચાત્તાપ અર્થહીન છે, હવે આવતીકાલની ચીંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વરસના ૩૬૫ દીવસો છે અને એક દીવસના ૨૪ કલાકો છે અને એક વરસના ૮૭૬૦ કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનીક સંશોધન કરીને નીષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે એક જર્મન માણસ વરસના ૮૭૬૦ કલાકોમાંથી ૨૯૦૦ કલાક સુઈ રહે છે, એટલે જાગૃત અવસ્થાના એની પાસે ૫૮૬૦ કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ ૧૨૦ મીનીટ જેટલો લાંબો હોય છે. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનીક ડૉક્ટર આલ્બર્ટ આઈનસ્ટાઈનને અંતીમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યુંઃ ‘બનાવટી રીતે જીન્દગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વીદાયનો સમય થઈ ગયો છે !’ મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે અને શાનથી મરતાં આવડે છે...

અને ઘણા એવા હોય છે જે જીન્દગીના છેલ્લા કલાકો કે દીવસો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઈન્દ્રીયોની ભરપુર મજા લુંટતા હોય છે. ગર્દીશે-આસ્માની ત્રાટકે ત્યારે બડી મહર્બાની...નાં ગીતો ગાઈ શકનારા ખુશદીલ લોકો પણ હોય છે. શરીરનાં સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રીય થવાનાં નથી, કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર ૪૦ વરસની હશે, ડાબી આંખ ૬૦ની થઈ હશે. જમણો કાન ત્રીસ ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તી હજી ૮૦ ટકા રહી હશે. હીંદુ માણસોએ શુભ અને અશુભની જુદીજુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચીતા ઉપર નીશ્ચેતન દેહની સાથે સાથે બધાં જ વીશેષણો સળગી જાય છે. અને વીશેષણોની રાખ પડતી નથી, વીશેષણોમાંથી ધુમાડો ઉઠતો નથી...

પ્રશ્ન એક જ છે : જીન્દગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું ? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરુ થઈ જાય છે ! દરેક જીવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નીર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું છું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચીકર વ્યંજન ઉપર આકર્ષીત કરવા માટે ગાર્નીશ કર્યું હોય એવી ફીલીંગ થયા કરે છે.

મૃત્યુ વીશેની મારી માન્યતા જુદી છે. જીન્દગી ફાની છે, લા-ફાની નથી. બેક્ટેરીયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમીત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી ‘સમકાલ’ નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયીકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વીશેના સૌથી પ્રામાણીક વીચારો લાગ્યા છે : ‘આશ્ના ! સાથે સુખી થવા કરતાં સાથે દુઃખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુઃખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાનાં તકદીરમાં સાથે દુઃખી થનાર મળે છે ? સાથે સાથે દુઃખો જીવવાની ઉષ્મા, કેટલાનાં ભાગ્યમાં હોય છે ? આશ્ના ! ખુશીથી રડી લે ! ખુબ ખુશીથી રડી લે ! આંસુઓ ભીંજવી શકે એવી છાતીઓ મળતી નથી... અને એક દીવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે !...’

જીવન અને મૃત્યુ વીશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દીવસ બરફનું બંધન ઓગળશે કે તુટશે. એક દીવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દીવસ અંદરનું બંધ પાણી બહારનાં વહેતાં પાણીમાં ડુબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તીનું બીજું નામ.

મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણા માટે નીવૃત્તીની વ્યાખ્યા છે. નીવૃત્તી એટલે, મારી દૃષ્ટીએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતીમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તી, જેમાં હું જ માલીક છું, અને હું જ નોકર છું, હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તી મળે છે. નીવૃત્તી અને પ્રવૃત્તીની વ્યાખ્યાઓ દરેક વ્યક્તીએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે. સન ૨૦૧૬ સુધીમાં દર ૧૦૦૦ ભારતીયોમાંથી ૮૬ની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વ્યક્તીમાંથી માત્ર અગીયાર ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશલ સીક્યુરીટી કે સામાજીક સલામતીનું કવર છે. નીવૃત્તીનું આયોજન એક એવો વીષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી !

અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ‘ઉંઘ’ એ મૃત્યુનો ‘ડ્રાય રન’ છે, રીહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચીરનીદ્રા’ જેવો શબ્દ આવ્યો છે.

ક્લોઝ અપઃ

ભગત જગત કો ઠગત હૈ, ભગતહીં ઠગૈ સો સંત;

જો સંતન કો ઠગત હૈ, તીન કો નામ મહંત.

--ઉત્તર ભારતની લોકોક્તી

(અર્થઃ ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે; જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે.)

-ચન્દ્રકાંત બક્ષી

* * * * * * * * * * *

પહેલાં સુનામી અને હવે ગુજરાત પર ‘આસમાની’ સુનામી !

- ઉશનસ્

(૮૫ વરસના મુર્ધન્ય કવી ઉશનસ્ સુનામીની આફતને શી રીતે મુલવે છે તે જાણવું રસપ્રદ થશે.)

‘સુનામી’ ત્રાટક્યું એના હૃદયવીદારક ને હચમચાવી નાખનારાં વર્ણનો સાથે એક પરમ આશ્વાસક વીશ્વવલણ ઉપસી આવ્યું એની વાત કરવા જ આ પત્ર....

વીશ્વના ઈતીહાસમાં ક્યારેય નહીં એવું માનવએકતાનું એક સંવાદી ચીત્ર ત્યારે જોવા મળ્યું. આખું વીશ્વ જાણે સાચે જ ર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મ ફૈઙ્મઙ્મટ્ઠખ્તી - વીશ્વગ્રામ હોય એટલું હમદર્દ બની મદદે ધાયું. દેશવીદેશના સીમાડા જાણે ભુંસાઈ ગયા ! ધર્મ અને રાજકારણના મતભેદો પણ જાણે ઓગળી ગયા. આપણે ત્યાં કહેવાયું છે તેમ ‘વીશ્વ એક નીડ’ બની ગયું ! માનવજાત આટલી નીકટ ક્યારેય આ પુર્વે આવી ન હતી. કેવું પરમ આશ્વાસક ચીત્ર આ !

વીજ્ઞાને બીજું વીશ્વયુદ્ધ મહાવીનાશક રીતે આટોપી લીધું હતું. ત્યારે આપણે વીજ્ઞાનને ઘણી ગાળો દીધી હતી; પણ એ જ વીજ્ઞાન એકવીસમી સદીમાં પરમ પ્રેમ લઈને જાણે આવ્યું છે. ઈલેક્ટ્રોનીક મીડીયાને કારણે કચ્છના ધરતીકંપ પછી સુનામીની વીકરાળતાની વાત વીશ્વભરમાં તરત જ ફેલાઈ ગઈ. આપદા પ્રબંધન-ડીઝાસ્ટર મેનેજમેન્ટ-જેવાં શાસકીય તંત્રો યોજનાબદ્ધ રીતે કામે લાગી ગયાં. પરસ્પર સહકારીતાથી જોડાઈને, કશુંય વેડફાય નહીં એમ. વીજ્ઞાનપ્રધાન યુગ છે તેનો પણ પુરો લાભ લેવાયો, અમેરીકા જેવી સત્તાએ પાંચ દીવસનો શોક જાહેર કર્યો, યુનો પણ વહારે ધાયું. આપણા પુર્વના રહસ્યવાદી વીચારકો કહે છે તેમ કોઈ સુક્ષ્મ રીતે જગત બદલાઈ રહ્યું છે. જગતની એકતા તરફ ઘણાં બધાં વીઘ્નો વચ્ચે આમ કાંઈક સુક્ષ્મ રીતે થતું આવે છે. ઝીણી રીતે જોઈએ તો આધુનીક ઈતીહાસમાં આવાં મંગળ વલણો સપાટી પર આવતાં દેખાય છે. વીસમી સદીના અંતે આપણે જોઈ શક્યા કે, યુદ્ધ વખતે વીભક્ત થયેલા દેશો એક થવા માગે છે, ક્યાંક થયા પણ છે. રાજાશાહી, એકાધીકારવાદ, લશ્કરવાદ, ધાર્મીક રાજ્યો અપ્રસ્તુત અને અપ્રતીષ્ઠ થવા માંડ્યાં છે. બીન સાંપ્રદાયીક લોકશાહી તરફનું વલણ વધતું જાય છે. યુદ્ધનો માર્ગ હવે ઈલાજ તરીકે બીનઅસરકારક અને વ્યર્થ ગણાતો આવે છે. જુનાં વીજેતા રાષ્ટ્રો યુદ્ધહીંસા બદલ પરાજીત રાષ્ટ્રની માફી માગે છે. આ બધાં નવાં વલણો સકારાત્મક નથી ?

આપણે ત્યાં પણ સામ્પ્રદાયીકતા સામે સર્વ ધર્મોમાં વીરોધ નથી ? ધર્મ, ધર્મને ઠેકાણે રાખી લોકોના ઐહીક જીવનધોરણને ઉંચું લાવવા માટે જ વલણ વધતું જતું હોય એમ મને તો એકંદરે લાગે છે. ધર્મસંપ્રદાયો પણ હવે પ્રજાજીવનના ઐહીક સુખના કાર્યક્રમો તરફ ધ્યાન આપતા જોઈ શકાય છે. હવે આપણા ભાવી ચીંતનના એકમ તરીકે ‘વીશ્વ’ છે. વીશ્વથી નાનું એકમ જાણે અપ્રસ્તુત બની ગયું છે. યુનોના ડ્ઢટ્ઠઅજ જુઓ, તો તરત ખ્યાલમાં આવશે. ‘પોલીયો’ની રસીકરણ દ્વારા આ રોગને વીશ્વભરમાંથી નાબુદ કરવાનું વલણ, ઠેર ઠેર પર્યાવરણમાં વધતો જતો રસ - દુરનું કોઈ સ્વર્ગ કે મોક્ષ નહીં; અહીં જ આપણી આ વહાલી પૃથ્વી પર જ સુખ લાવવાનો જાણે યજ્ઞ ચાલી રહ્યો છે. ‘વીઘ્નો’ તો આવે જ, વાર પણ લાગશે; પણ સરવાળે માનવજાતે એક કુટુંબ હોય તે રીતે નજીક આવ્યા વગર છુટકો જ નથી.

-‘ઉશનસ્’

લક્ષ્મી શેરી, મદનવાડ, વલસાડ-૩૯૬૦૦૧

(કવીનું આ આશાવાદી ચીંતન બહુ મીઠું લાગ્યું. આપણે પ્રાર્થીએ કે આર્ષદ્રષ્ટા કવીનો આશાવાદ ફળતો રહે.. ઉત્તમ ગજ્જર)

વૈશાખી બપોર - ઉશનસ્

(શીખરીણી - સૉનેટ)

બળે ભડ્કે ઉભું ભડભડતું લાક્ષાનું ઘર આ :

દીશાઓની ભીંતો તતડતી; ઈંટેઈંટ દ્રવતી,

ચણેલી તે લાવા રસ થઈ થઈ ઓગળી જતી,

દ્રવે છે સીસાશી ગગન છત માથા ઉપર આ.

બળે તડ્કા ભડ્કે, પવન પણ ચંપાય થઈ લુ

પથે ઉંડે આંધી રણ સરખી રેતી કણકણે.

ઝગારા મારે શું અખીલ રવી પ્રત્યેક કીરણે !

ગણાતી સંગાથી નીતની, ગઈ છાયાય છું.

બધું જે ઉભું છે ગતીહીન, બળે ત્યાં જ ભડકે,

બીચારું ઉભું’ભું, તસુ પણ ખસી એ નવ શકે.

વહે જે લાવા સરખું રગડામાં, ન ખબકે,

જવું ક્યાં? છાયાયે ખદખદ થતી, કોણ અડકે?

નીડે પાંખો, ચાંચો અડકી લુની આંચોથી ચુપ છે;

સમુચો સાંચો છે ઠપ; ભભુકતો માત્ર ધુપ છે.

ઉશનસ્

* * * * * * * * * * *

મારા બાપુની કહાણી

-મંજુલા એમ. પારેખ

કોણ કહે છે કે માતા મહાન છે અને પીતા પડછાયા સમાન છે ?

મારા જીવનમાં આવેલા મારા બન્ને પીતાને મારા પ્રણામ.. એક પીતાએ મારાં ગુમુતર ધોયાં; જયારે બીજા પીતાનાં ગુમુતર મેં ધોયાં.

એકની બની હું લક્ષ્મી; જયારે બીજાની હું હતી કુળલક્ષ્મી. એક પીતાએ મને ખાતાં શીખવ્યું; જયારે બીજા પીતાને મેં રાંધી ખવડાવ્યું.

એકે મને આંગળી આપી ચાલતાં શીખવ્યું; જ્યારે બીજાની હું ઘડપણમાં લાકડી બની.

એકે મને જન્મતાંની સાથે કપડાં પહેરાવ્યાં; જ્યારે બીજાને મેં

મૃત્યુ સુધી કપડાંથી ઢાંક્યા.

છેલ્લે દીધી વીદાય કફનમાં.

એકે દીકરીને વીદાય આપી; જ્યારે મેં બીજાને મૃત્યુની ચીર શાંતીમાં વીદાય આપી.

એકે મને કન્યાદાન આપ્યું; જ્યારે બીજાના અગ્નીદાનમાં મેં ભાગ લીધો.

એકે મને વીદ્યા આપી; બીજાને મેં વીદ્યાના ફળરુપી કમાણી આપી.

એકે મને સંસ્કાર આપ્યા; બીજાને મેં મળેલા સંસ્કારથી દીપાવ્યા.

એકે મને બાળપણનું સુખ આપ્યું; બીજાનું મેં ઘડપણ સંભાળ્યું.

એકને મેં ‘નાના’ બનાવ્યા; જ્યારે બીજાને મેં ‘દાદા’ બનાવી કુળમાં વધારો કર્યો.

મેં નથી માગ્યું મારું નામ તેઓનાં વસીયતનામામાં.

ઈચ્છા હતી દીલમાં સેવા કરવાની અને આશીર્વાદ લેવાની.

આ હતું મારું જીવનભરનું ભાથું. આ બંને પીતાને મેં પ્રણામ

કર્યાં, ત્યારે બંને પીતાએ મને આશીર્વાદરુપી મુડી આપી.

પીતા, તમે મને સહારો આપતા. તમે મારા મનની શાંતી લઈને બન્ને ભરઉંઘમાં પોઢી ગયા.

હું એકને મળી મારા જીવનના પ્રભાતે; બીજાનો સંગાથ રહ્યો બાપુ, તમારી જીવનસંધ્યાએ.

ફક્ત એ જ તમારા બંનેમાં ફરક હતો; તેમ છતાં તમે બંને હતા મારા પીતા.

હું હતી એકની પુત્રી અને બીજાની હતી પુત્રવધુ.

આ તો મારું જીવન હતું બન્ને પીતાઓ સાથેનું, જેનું સંભારણું જ હવે મારી પાસે છે;

અને તેમની મીઠી યાદ છે.

આ તો જન્મથી મૃત્યુ સુધીની મારા બંને પીતાની કહાણી છે.

-મંજુલા એમ. પારેખ

* * * * * * * * * * *

દાદા મને...

-બળવંત પટેલ

દાદા, મને વાંચવાનું કહેશો નહીં....

રુડી રુપાળી ચોપડીને

પુંઠું ચડાવી દઉં,

તમને ગમે તો સરસ મઝાનું

સ્ટીકર લગાવી દઉં.

દાદા, મને વાંચવાનું કહેશો નહીં....

તમે કહો તો બુટ તમારા

પાલીસ કરી દઉં,

બ્રશ લગાવી, કપડું મારી

ચકચક કરી દઉં.

દાદા, મને વાંચવાનું કહેશો નહીં....

તુળસી ફુદી રસે રસેલી

ચાય બનાવી દઉં,ે

ખાંડ ખપાવો ખોબો તોયે

દાદીને ના કહું.

દાદા, મને લખવાનું કહેશો નહીં....

દાદા, મને ભણવાનું કહેશો નહીં....

મા’દેવ-મંદીર દર્શન જવું તો

તમારી લાકડી થઉં,

પગ માંડ્યેથી પીડા થાય તો

કાવડમાં લઈ જઉં.

દાદા, મને ભણવાનું કહેશો નહીં....

-બળવંત પટેલ

* * * * * * * * * * *

પાનખરે વસંતની લહેર ...

‘અનંત’

યુગ પલટાયો છતાં, સ્ત્રીને આજે પણ વધતા ઓછા પ્રમાણમાં પીતા, પતી અને પુત્રના અંકુશ હેઠળ જીવવું પડે છે.

પ્રેમાળ, સમજુ, પીતા, પતી, પુત્ર મળે તો આ અંકુશનો એને અહેસાસ થવા દેતા નથી; પણ અંકુશ નેપથ્યે તો હોય જ છે. આ બંધનમાં કુનેહભરી રીતે જીવી જાણવું એ સ્ત્રીની આગવી સુઝની બાબત છે.

ખાસ કરીને તેના જીવનની પાનખરે, જ્યારે પુત્ર પોતાના કુટુંબમાં ગરકાવ થઈ ગયો હોય ત્યારે, ‘મા’ એમાં ‘બોજારુપ’ - ‘બંધનરુપ’ જણાય છે. આવે વખતે સ્ત્રીએ સ્વેચ્છાએ દુર ખસી, પોતાની આગવી પ્રવૃત્તી વીકસાવી, અન્યની અપેક્ષારહીત જીવન જીવવું.

પુત્ર મુશ્કેલીમાં હોય, મુંઝાયેલો હોય, એને સહાયની જરુર હોય તો બધી જ પ્રવૃત્તી દુર હડસેલી હાજર થઈ જવું, બાકી કોઈ બાબતમાં માથું નહીં મારવું. અનુભવોની વણઝારમાંથી પ્રાપ્ત થયેલી ઉંડી સુઝસમજની જો પુત્ર કદર કરે અને સલાહ માગે તો જરુર આપવી; બાકી વણમાગી સલાહ કે અભીપ્રાય ક્યારેય રજુ નહીં કરવાં. ું

ગમે તેટલી સધ્ધર આર્થીક વ્યવસ્થા કરી હોવા છતાં; પાનખરના કોઈક તબક્કે તો કટોકટી જણાશે જ, તો આ કપરા કાળ માટે અગમચેતી વાપરી પહેલેથી જ બચત કરવી. શક્ય હોય ત્યાં સુધી પુત્ર પાસેથી આર્થીક અપેક્ષા નહીં રાખવી.

પરીવાર, મીત્રવર્ગ, સમાજ દરેકને ઉપયોગી બની જીવી જાણવું. ક્યારેય ‘બીચારા’ કે ‘દયાપાત્ર’ નહીં બનવું, સ્વાવલંબી બની પારકાની સેવા કરતા રહેવું, જેથી બધે આવકારપાત્ર બનાય. નહીં તો સ્વજનો પણ બોજારુપ ગણી તરછોડશે. ખોટી લાગણીનાં પુરમાં કદી તણાવું નહીં.

જાડી ચામડીના બની, નીજાનંદમાં ડુબી, સેવામય, નીઃસ્પૃહ જીવન અપનાવી, સંજોગો સાથે સમાધાન કરી લેવું. ડગલે ને પગલે જો અપમાન, ઉપેક્ષા, ઉદ્ધતાઈ, તોછડાઈના કડવા ઘુંટડા પીવાનો વારો આવે તો નીલકંઠ બની જઈ હસતે મોઢે તે પી જવા. વીષમતામાં સમતા કેળવવી, સહીષ્ણુ બની, મીજાજ કાબુમાં રાખી, મીતભાષી બની જવું. પોતાનાં દુઃખ પોતાનાં દીલમાં જ સમાવી દેવાં. ભુતકાળમાં કરેલ ઉપકારો ભુલથી પણ ક્યારેય યાદ ન કરવા; કારણ કે તે યાદો અત્યંત દુખદાયી પુરવાર થશે.

જીવનનો આ સૌથી કપરો કાળ, જ્યારે ગાત્રો શીથીલ બની જાય, નેત્રો ઝાંખપ અનુભવે, જ્યારે દીલ પ્રેમ, સહકાર, આધાર માટે સૌથી વધુ તડપે ત્યારે જ તે બધા વગર જ જીવતાં શીખી જવું.

આવે વખતે ફક્ત બીજાના ગુણ જ જોવાની દૃષ્ટી કેળવવી અને જો કોઈ નીર્ગુણ જ હોય તો, તે તરફ દુર્લક્ષ કરી, ઉપેક્ષા સેવી, ૠણાનુબંધ સ્વીકારી, અલીપ્ત થઈ જવું. તો જ જીવનમાં શાંતી પ્રાપ્ત થશે.

આ બધું એક માનવનું નહીં પણ; કદાચ એક ‘મહામાનવ’નું કામ છે. ક્યારેક તો સહીષ્ણુતાનો બંધ તુટી પડશે અને મન ભાંગી પડશે; પણ તે વખતે આત્મામાં લીન થઈ જઈ, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરવો.

ઘરના કોઈક અંધારા ખુણે એકાંતે બેસી આંસુ સારી લેવાં. વરસાદ વરસી ગયા પછી , કાળાં ડીબાંગ વાદળો હટી જાય છે અને નભ ફરી એકવાર સ્વચ્છ બની જાય તેવી રાહતનો અહેસાસ થશે અને જીવનની પાનખરે પણ વસંતની લહેર અનુભવાશે.

લેખકઃ ‘અનંત’

* * * * * * * * * * *

કમુબહેન

ડૉ. જયન્ત મહેતા- સ્.ડ્ઢ.

(સમાજના સમ્વેદનશીલ પ્રશ્નો, ગમ્ભીર લેખો દ્વારા ચર્ચવાને બદલે, વાર્તારુપે રજુ કરવાની ‘ગુંજન’ની પ્રણાલીકા મને ગહુ ગમે છે.-લેખક)

કમુબહેન માટે આજનો દીવસ કંઈ જુદો જ હતો. કંઈક વીશેષ હતો. નવા પાટા ઉપર એમની જીન્દગી આજે ચડવાની હતી. અરીસા સામે ઉભાં ઉભાં એ પોતાની જાતનું નીરીક્ષણ કરી રહ્યાં હતાં. થોડો ગભરાટ થતો હતો. થોડી મુંઝવણ થતી હતી. બધું ગુંચવાડા જેવું લાગતું હતું. પરન્તુ અન્દરખાને એક પ્રકારની આનન્દની ઉર્મીઓ પણ ઉછળતી હતી.

હવે તો શીરસ્તો પડી ગયો છે કે, સન્તાનો અમેરીકા હોય એટલે રીટાયર્ડ થઈને માબાપો પણ આવે જ છે. કમળાબહેન અને પતી રમણભાઈ પણ એ રીતે જ પોતાના બન્ને દીકરાઓને મળવા અને બને એટલું અમેરીકા જોઈ લેવા આવેલાં. અમદાવાદનું ઘર બન્ધ કરી દીધેલું. છ મહીના માટે આવેલાં. ગમી જાય અને ફાવી જાય તો પછી ગ્રીનકાર્ડની વાત આગળ ચાલે.

કમળાબહેનની ઉંમર હશે ૫૩-૫૪ વર્ષ અને રમણભાઈ હશે ૫૯-૬૦ જેટલા.

મોટો દીકરો સુધીર અને તેની પત્ની એક નાનો સ્ટોર ચલાવતાં. આવક ઠીક ઠીક હતી. કમુબહેન અને રમણભાઈનાં શરુઆતનાં બે અઠવાડીયાં તો સારાં ગયાં. રમણભાઈ સુધીરના સ્ટોરમાં જતા અને વસ્તુઓ આઘીપાછી ગોઠવવામાં મદદ કરતા. એકાદ મહીનો વીત્યો હશે ત્યાં રમણભાઈનું માથું બહુ જ દુખવા માંડ્યું.

"વાંધો નહીં પપ્પા, આ બે ટાયનેનોલ લઈ લો... સારું થઈ જશે." દીકરા સુધીરે બે ગોળીઓ અને પાણી આપ્યું. અઠવાડીયા સુધી ગોળીઓ લીધા કરી પણ કંઈ ફેર પડ્યો નહીં. દુખાવો અસહ્ય બનતો ગયો.

"બેટા, તારા બાપુજીને કોઈ ડૉક્ટર પાસે લઈ જા...નહીંતર નહીં મટે."

"બા, આ અમેરીકા છે. વીમા વગર ડૉક્ટરો હાથ પણ ના મુકે. ૨૦૦-૪૦૦ ડૉલર થઈ જાય. હમણાં હવે એવી સગવડ પણ મારી પાસે ક્યાં છે ? એ તો મટી જશે.”

બે દીવસ પછી છેવટે એક દેશી ડૉક્ટરની ઓળખાણ કાઢી અને એને ત્યાં લઈ ગયા. ડૉક્ટરે રમણભાઈને તપાસ્યા. ડૉક્ટરે કહ્યું,“ હાઈ બ્લડ પ્રેશર છે. તાત્કાલીક દવા શરુ કરો અને થોડા ટેસ્ટ પણ કરાવી લો...વીલમ્બ કરવા જેવો નથી.”

ડૉક્ટરે પોતાની ફી લીધી નહીં. ઉપરથી થોડી સેમ્પલની દવાઓ આપી.

ટેસ્ટ કરાવ્યાનો ખર્ચ ૨૫૦ ડૉલર જેટલો થઈ ગયો. બ્રેઈન-સ્કેન કરાવવાનું તો હજી બાકી હતું.

આ બાબતમાં રાત્રે સુધીરભાઈ અને એમનાં પત્ની વચ્ચે ઝગડો થઈ ગયો. પત્નીનો આગ્રહ હતો કે બાબાપુજીને હવે વહેલી તકે દેશ ભેગાં કરી દેવાં એ જ વ્યવહારુ પગલું છે. વીમા વગર આ ખરચા પોષાય નહીં.

દીકરા-વહુ વચ્ચેની આ તંગદીલીની વાસ કમળાબહેનને આવી ગઈ. અહીંનાં દવાદારુ અને દાક્તરી સારવાર આટલાં ખર્ચાળ હશે એનો એમને ખ્યાલ નહોતો.

“બેટા, તારા બાપુજીને કંઈ વધારે થાય તે પહેલાં અમે અહીંથી દેશભેગાં થઈ જઈએ એવું કર. અમારે પણ તમને બોજારુપ નથી થવું.”

નીર્ણય લેવાયો કે આવતે મહીને હવે બાબાપુજીને ભારત મોકલી દેવાં. એ રીતનું રીઝર્વેશન પણ કરાવી નાખ્યું. ઘરમાં હવે શાંતી છવાઈ.

બેત્રણ દીવસ વીત્યા ત્યાં અચાનક રમણભાઈના માથાનો દુખાવો ખુબ વધી ગયો...અડધા કલાકમાં એમનો જમણો હાથ જુઠ્ઠો પડી ગયો. બ્લડપ્રેશર વધી ગયું. બીજા અડધા કલાકમાં ડાબો હાથ પણ જુઠ્ઠો પડી ગયો. ઈમર્જન્સીમાં લઈ ગયા...

“લકવો...મગજમાં લોહીની ગાંઠ બંધાઈ ગઈ છે.” ડૉક્ટરે નીદાન કર્યું.

પતીના આ સમાચાર સાંભળીને કમળાબહેનને માથે વીજળી પડી. સુધીરભાઈ પણ ગભરાઈ ગયા. હવે ? આ તો સાવ જ અણધારી આફત આવી પડી !

વીમા વગર રમણભાઈને પુરતી સારવાર મળવી મુશ્કેલ થઈ ગઈ. હૉસ્પીટલમાં થોડા દીવસ રાખી એમને કસરત વગેરેની ટ્રીટમેન્ટ મળવી જોઈએ

તેવું કશું શક્ય બન્યું નહીં.

દીવસે દીવસે રમણભાઈની હાલત કથળતી ગઈ. પથારીમાં જ ઝાડા અને પીશાબ થઈ જતા. સુધીરભાઈ અને એમનાં પત્ની તો સવારથી જ પોતાના સ્ટોરમાં ચાલ્યાં જતાં. રમણભાઈની બધી જ સેવા કમળાબહેનના શીરે જ આવી પડી. કમર કસીને બધું કરતા તો ખરાં પણ હવે એમની પણ ઉમ્મર તો થઈ હતી. રમણભાઈને એકલે હાથે પથારીમાંથી ઉભા કરવા, બાથરુમ સુધી લઈ જવા, નવરાવવા, સાફસુફ રાખવા... આ બધું કરવા જેટલી તાકાત એમના શરીરમાં નહોતી.

નાનો દીકરો વીસેક માઈલ દુર રહેતો હતો. એણે તો સ્પષ્ટ જણાવી દીધું કે અમે બંને નોકરી કરીએ છીએ. અમારાં બે નાનાં બાળકો છે. એટલે અમે કોઈ રીતે મદદરુપ થઈ શકીએ એમ નથી. ઉપરથી સલાહ આપી કે દેશમાં ચાલ્યા જાઓ એ જ સારું છે. અમે અમારાથી બનતો ખર્ચ મોકલતા રહીશું. “માતાપીતાનું ૠણ”; “માબાપની સેવા”; “માબાપને ભુલશો નહીં”; “ભારતીય સંસ્કૃતીનો વારસો”...આ બધા પરોપદેશના શબ્દો જીન્દગીની વાસ્તવીકતામાં ક્યાંય ઓગળી ગયા.

દીવસે દીવસે, દીકરા અને વહુનો માબાપ પ્રત્યેનો પ્રેમ ઘટવા લાગ્યો. માબાપ હવે ત્રાસરુપ બની ગયાં હતાં. કમળાબહેન તો બાથરુમમાં જઈને રડી લેતાં. માણસનું મન કેટલુંક સહન કરી શકે ! આ હાલતમાં એમને પ્લેનમાં બેસાડીને દેશમાં પણ કેવી રીતે લઈ જવા ! કુદરતે આ કેવી જાળમાં અમને ફસાવી દીધાં ! અમે તો ક્યાંયનાં ના રહ્યાં !

ચોવીસે કલાક રમણભાઈની સેવામાં ખડે પગે રહીને કમળાબહેનનું શરીર થાકી જતું. મન પણ તુટી પડતું.

એક દીવસ ગભરાતાં ગભરાતાં કમળાબહેને દીકરા સુધીરને કહ્યું, "બેટા, તારા બાપુજીની તબીયત તો વધારે ને વધારે બગડતી જાય છે. પથારીમાં જ બધું કરે છે. હું એકલી થાકી જાઉં છું. કોઈ નર્સીંગ હોમમાં સગવડ થાય તો કર. અથવા થોડા કલાક નર્સ મળે તો જો. છેવટે, આપણે જે મંદીરમાં જઈએ છીએ એ મંદીરવાળા આ રીતની કટોકટીના સમયમાં મદદનો હાથ નહીં લંબાવે ?”

સુધીરભાઈ બા પર ઉકળી ગયા. " બા, આ અમેરીકા છે અમેરીકા. નર્સીંગ હોમનો ખર્ચ મહીને બે હજારથી ઉપર આવે. મારી પાસે એટલા પૈસા છે જ ક્યાં ? મને તો એમ થાય છે કે તમે લોકો અહીં આવ્યાં જ ન હોત તો સારું થાત.”

“બેટા, તો હવે ગમે તેમ કરીને અમને દેશમાં પહોંચાડી દે.”

“એમાં પણ મુશ્કેલી છે. બાપુજી લગભગ બેભાન જેવા રહે છે. બધું જ પથારીમાં કરે છે. આ હાલતમાં એમને પ્લેનમાં કેવી રીતે લઈ જવાશે ? બા, હું મુંઝાઈ ગયો છું.”

આખા ઘરની પરીસ્થીતી બગડતી જતી હતી. બધાને માથે માનસીક તનાવ, સ્ટ્રેસ વધતો જતો હતો.

કમળાબહેન તો બધી રીતે તુટવા માંડયાં હતાં. કુટુંબની લાગણી, પ્રેમ, આટલાં વર્ષોનો સંસાર... આ બધામાં તરાડો પડતી એમને દેખાતી હતી અને દુખી થતાં હતાં. પૈસા સીવાય સંસ્કાર નથી ?

એક બપોરે કમળાબહેન રમણભાઈને પથારીમાં સ્પંજ-બાથ આપી રહ્યાં હતાં. જેમ તેમ રમણભાઈને પથારીમાં બેઠા કરેલા. અચાનક રમણભાઈના હાથ-પગ ધ્રુજવા લાગ્યા. નસો ખેંચાઈ ને તાણ આવતી હોય એવું લાગ્યું અને એ એકદમ જ પથારીમાંથી ઢળીને નીચે પડી ગયા. કમળાબહેન ફફડી ઉઠ્યાં. રમણભાઈને ઉંચકીને પાછા પથારીમાં મુકવા તેમણે બહુ પ્રયત્ન કર્યા. પણ એકલે હાથે તેઓ એમને ઉઠાવી શક્યાં નહીં. હવે શું કરવું ? બહુ ગભરાયાં. કોઈ રસ્તો દેખાતો નહોતો. સ્ટોર પર દીકરાને ફોન કરવો ? એ ખીજાતો ખીજાતો આવશે અને એને આવતાં કેટલી વાર લાગે કોને ખબર ?

એકાએક એમને કાંઈક સુઝ્યું અને બારણું ખોલી બહાર દોડ્યાં. પડોશીનું બારણું ખખડાવ્યું. સાઠેક વરસની ઉંમરના મીસ્ટર જૉન્સન બહાર આવ્યા. કમળાબહેનનો ગભરાટ જોઈ એમને ખ્યાલ આવી ગયો હતો કે, કાંઈક ગંભીર બીના છે. ભાંગી-તુટી અંગ્રેજીમાં કમળાબહેને એમની પરીસ્થીતી સમજાવી અને ઘરમાં આવવા જણાવ્યું.

મી. જૉન્સને રમણભાઈને ઉંચકીને પથારીમાં સુવાડ્યા. તાત્કાલીક સારવાર આપી. સ્પંજ-બાથ પુરું કરવામાં મદદ કરી. એકાદ કલાક પછી એ ઘરે જવા બહાર નીકળ્યા.

“માય નેમ ઈઝ ચાર્લી.. પ્લીઝ, ફીલ ફ્રી ટુ કોલ મી ફોર એની હેલ્પ.” અજાણ્યા માણસના ચહેરા પર મૈત્રીનું સ્મીત જોઈ કમળાબહેનને આનંદાશ્ચર્ય થયું.

ભારતીય રીવાજ પ્રમાણે કમળાબહેને ચાર્લીને ચા-કૉફી કે કંઈક લેવા કહ્યું. પણ એમણે વીનયપુર્વક ના પાડી. કમળાબહેનની આંખમાં આભારનાં આંસુ આવી ગયાં.

બીજા દીવસે એક ઈલેક્ટ્રીક બેડ, પથારીની બાજુમાં મુકી શકાય એવી સંડાસની ખાસ ખુરસી અને પથારીવશ દરદીની સેવામાં મદદરુપ થાય એવાં સાધનો કમળાબહેનના ઘરમાં આવી ગયાં.

ચાર્લીએ ચર્ચમાં એની વાત કરી હતી એટલે જેમના ઘરમાં પોતાના સમ્બન્ધીની સારવાર પછી બીનજરુરી લાગતાં સાધનો પડ્યાં હતાં તે બધાએ આપવા માંડ્યાં હતાં. પોતાની જ નાની ગાડીમાં મુકી જતા હતા.. અને તે પણ સહેજેય ઉપકારની ભાવના સીવાય ! કમળાબહેન આ ઉદારતાથી ગદગદીત થઈ જતાં. રમણભાઈની સારવાર કરવામાં હવે તેમને બહુ સરળતા થઈ. ચર્ચમાંથી દર અઠવાડીએ એક-બે બહેનો પણ થોડા કલાક માટે આવતી. કમળાબહેનને મદદ કરતી અને આશ્વાસન આપી એમને ભાંગી પડતાં અટકાવતી.

ખ્રીસ્તી સમાજની આ ભલાઈનો કમળાબહેનને પહેલી વાર અનુભવ થઈ રહ્યો હતો. "ગોરીયા", "કાળીયા" અને બીજા "અમેરીકનો" વીશે આજ સુધી એમના મગજમાં બંધાયેલી ગાંઠો ઓગળવા માંડી. પોતાના ધર્મના સંસ્કારનો નશો એમને ફોતરાં જેવો વ્યર્થ લાગવા માંડ્યો.

કશી પણ મહેનત કે ખર્ચ વીના મળી આવેલી આ મદદથી સુધીરભાઈ તો મનોમન ખુશ હતા. મદદ ક્યાંથી અને કેવી રીતે આવે છે એની એમને પડી નહોતી.

મી. જૉન્સન અવારનવાર કમળાબહેનની ખબર કાઢતા. “કમળા” બોલતાં ફાવતું નહોતું એટલે “કમુ” કહીને સંબોધતા. ચાર્લીએ પોતાની સંસ્થા દ્વારા રમણભાઈને મેડીકલની મદદ મળે તથા ગ્રીનકાર્ડ મળે તે માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો શરુ કરી દીધા હતા.

કમળાબહેનની અથાગ મહેનત અને શક્ય તે બધી દવાદારુનો બંદોબસ્ત થયા છતાં રમણભાઈની તબીયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. છેલ્લા બે-ચાર દીવસથી તો એમને ન્યુમોનીયા પણ થઈ ગયો હતો. કમળાબહેનની સાથે ચાર્લી પણ રમણભાઈની સેવામાં મદદે રહેતો.

રમણભાઈને સરકારી ર્હંસ્પીટલમાં દાખલ કર્યા. એમનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું હતું. કોઈ ટ્રીટમેન્ટને ગણકારતું નહોતું. અંતે... એક રાત્રે એ ચાલ્યા ગયા. કમળાબહેન ખુબ રડ્યાં.

થોડા દીવસનો શોક પાળીને કમળાબહેન ભારત જવા તૈયાર થયાં. એરપોર્ટ પર સુધીરભાઈની સાથે ચાર્લી અને ચર્ચના બે-ત્રણ સભ્યો પણ આવ્યા હતા.

“કમુ, યુ વીલ બી લોનલી ઈન ઈન્ડીયા નાઉ...” ચાર્લીએ કહ્યું. કમળાબહેને મુંગે મોઢે આંસુ લુછ્યાં.

“બા, હવે તો તારા ગ્રીનકાર્ડનું એપ્રુવલ પણ થોડા વખતમાં આવી જશે. પછી તું...” સુધીરભાઈ વાક્ય પુરું કરે તે પહેલાં જ એમનાં પત્ની બોલી ઉઠ્યાં, “હા.. બા, તમને ત્યાં ગ્રીનકાર્ડ મળે એટલે તરત પાછાં આવીને અમારી જોડે રહેજો. તમને એકલું એકલું નહીં લાગે. તમારું જ ઘર છે ને ?”

કમળાબહેન અમદાવાદ પહોંચ્યાં. જુનું ઘર ખોલતાં એમના હાથ ધ્રુજી ગયા. રમણભાઈના પેન્શનમાં રોટલો તો નીકળશે; પણ માનસીક અશાંતી, એકલતા, અમેરીકામાં વહુ-દીકરાઓનો થયેલો અનુભવ અને ચાર્લી અને એના ચર્ચના માણસોનો અનુભવ... આ બધું એમના મનમાં ઘોળાયા કરતું હતું.

એક સાંજે પડોશીનો દીકરો દોડતો આવ્યો. કહે, “ કમુમાસી..કમુમાસી, તમારો ફોન છે. અમેરીકાથી છે. જલદી ચાલો.” દીકરા સુધીર સાથે વાત કરવાના ઉમળકાથી કમળાબહેન જલદી જલદી પડોશીને ત્યાં પહોંચ્યાં. ફોન લીધો , “હલો..”

સામેથી એકદમ પરીચીત અવાજ સંભળાયો.

“ હલો.. કમુ.. હાવ આર યુ ? ધીસ ઈઝ ચાર્લી.. રીમેમ્બર ?”

થોડી ક્ષણો સુધી તો કમળાબહેન કંઈ બોલી શક્યાં નહીં. આટલે દુર સુધી આ માણસ મને ફોન કરીને મારી કાળજી કરે છે ! કમળાબહેને ગળામાં ભરાયેલા ડુમા ઉપર કાબુ મેળવી, જુના દીવસોની સુખદુઃખની ઘણી વાતો ચાર્લી સાથે કરી.. અને ફોન મુક્યો.

આ ફોન ઉપરની વાતચીતથી એમનાં અંગોમાં જાણે સ્ફુર્તી આવી ગઈ. અત્યાર સુધીની ઉદાસીનતા, નીરાશા અને ચીંતાઓ જાણે હળવી બની ગઈ ! પ્રફુલ્લીત મન સાથે એ પોતાને ઘરે ગયાં.

છ-સાત મહીના વીત્યા. અચાનક એક દીવસ મુંબઈથી એમના ગ્રીનકાર્ડ માટેના ઈન્ટરવ્યુનો પત્ર આવ્યો.

એકાદ વર્ષમાં કમળાબહેન ગ્રીનકાર્ડના અધીકારીણી બનીને પાછાં અમેરીકા આવી ગયાં. સુધીરભાઈ અને એમનાં પત્નીને નીરાંત થઈ. હાશ...! ઘર અને બાળકો હવે સારી રીતે સચવાશે. અને પોતે પોતાના સ્ટોર પર વધારે ધ્યાન આપી તેને વીકસાવી શકશે.

દસેક દીવસ કમળાબહેન દીકરાના ઘરમાં રહ્યાં. "બા, ઉપરનો રુમ હવે કાયમને માટે અમે તમારે માટે ફાળવી દઈએ છીએ. તમને અનુકુળ આવે તેવું થોડું ફરનીચર પણ લાવી દઈશું.”

“ બેટા, એવું કશું કરવાની જરુર નથી. આવતા અઠવાડીયાથી હવે હું બીજે રહેવા જવાની છું. આ ઘરમાં તારા બાપુજીની દુઃખદ યાદો બહુ ભરેલી છે. કાલે મને પણ કંઈ થાય તો તમારે માથે પાછી જવાબદારી આવી પડે.”

“તમે ક્યાં જશો ?” સુધીરભાઈના અવાજમાં આશ્ચર્ય અને અકળામણ રણકી ઉઠ્યાં !

"ચાર્લીની બાજુમાં એક એપાર્ટમેન્ટ બીલ્ડીંગ છે. એમાં એણે મારે માટે એક રુમની વ્યવસ્થા કરી છે. ચર્ચના બાલમંદીરના રસોડામાં મને કામ પણ મળી ગયું છે. હવે તમે મારી જવાબદારીમાંથી છુટા છો. કંઈ જરુર લાગશે તો હું તમને જણાવીશ.” આ વ્યવસ્થા સાંભળતાં જ સુધીરભાઈ ખાસ્સા ઝંખવાણા પડી ગયા. એમની જુની માન્યતાના પુતળાને કોઈએ જોરથી તમાચો માર્યો હોય તેવો ભાવ એમના મનમાં જનમ્યો.

બાલમંદીરની ડે-કૅરની નોકરીથી કમળાબહેનની નવી અને સ્વતંત્ર જીન્દગી શરુ થઈ. કમળાબહેન દર રવીવારે ચર્ચમાં પણ જતાં. ત્યાં બધા એમનો પ્રેમથી સત્કાર કરતા. જરુર પડ્યે મદદ કરવા પણ સૌ ખડે પગે તૈયાર રહેતા.

આજનો દીવસ એ વીશેષ દીવસ હતો. ચાર્લીએ કમળાબહેન આગળ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. બહુ મનોમંથનને અંતે કમળાબહેને “ હા ” પાડેલી. એ ઠીક ઠીક ખુશ હતાં. એટલે અરીસા સામે પોતાની જાતને જોઈને શરમાતાં હતાં.

કમળાબહેને આ વાત જ્યારે સુધીરભાઈને કરી ત્યારે તે દાવાનળની જેમ ભભુકી ઉઠ્યા; “ તમને શરમ આવવી જોઈએ બા,.. આપણે અમેરીકન નથી..આપણો સમાજ શું કહેશે ?”

“ કયા સમાજની વાત તું કરે છે, દીકરા ?” બહુ જ ઠંડા અવાજે કમળાબહેને પુછ્યું.

"બેટા, તારા બાપુજી પથારીવશ હતા ત્યારે કયો સમાજ વહારે ધાયો હતો ? બેટા, તારો સમાજ તારી પાસે તું રાખ.. હું તો જે કરવાની છું તે કરવાની જ છું.” કમળાબહેનના મોં પર તરી આવેલી મક્કમતા અને ખુમારી જોઈને સુધીરભાઈ ડઘાઈ જ ગયા ! માતાના આ સ્વરુપનો એમને સ્વપ્નેય ખ્યાલ નહોતો !

લગ્નમાં હાજર રહેવા કમળાબહેને સુધીરભાઈને બહુ આગ્રહ કર્યો. પણ સુધીરભાઈ કે એમનો નાનો ભાઈ કોઈ હાજર રહ્યું નહીં. મોટી ઉમ્મરની માનું લગ્ન ! એમાં એનાં દીકરાઓ, વહુઓ, ગ્રાંડ ચીલ્ડ્રન પણ જાય ! એમના મગજમાં આ વાત જ ઉતરતી નહોતી !

ચાર્લી અને કમળાબહેન સાદાઈથી પરણી ગયાં. બંનેને એકબીજાની હુંફ મળી ગઈ. સુધીરભાઈની બાજુવાળું ઘર વેચી એ બંને જણાં ચર્ચની બાજુમાં રહેવા જતાં રહ્યાં.

દર રવીવારે બંને ચર્ચમાં જાય છે. ત્યાં સન-ડે સ્કુલમાં બાળકોને સાચવે છે. જે અમેરીકન સ્ત્રીઓને શાકાહારી વાનગીઓમાં રસ હોય તેમને તેઓ શીખવે છે. બીજી જે કોઈ પ્રકારની સેવા પોતાનાથી થઈ શકતી હોય તે કરીને સંતોષની જીન્દગી જીવે છે.

ગમે તેમ તોય હીન્દુ જીવ એટલે કમળાબહેનને કોઈ વાર મન્દીરમાં જઈને ભગવાનનાં દર્શન કરવાનું પણ મન થઈ આવે. ચાર્લી એમની એ ઈચ્છા પણ પુરી કરે. એમને મન્દીરના પ્રાંગણમાં ઉતારીને આસપાસના સ્ટોરમાં પોતાનું નાનુંમોટું કામ પતાવવા જતો રહેતો. ક્યારેક મન્દીરના પાર્કીંગ લૉટમાં, દુરના ખુણે ગાડી પાર્ક કરી, કાંઈક વાંચતો, ગાડીમાં જ બેસી રહેતો. એને ખબર છે કે એ મન્દીરમાં જશે તો સુધીરને અને તેના ફેમીલીને નહીં ગમે. કમળાબહેન તો મંદીરમાં ગુસપુસનો વીષય બની જ ગયાં છે. પણ એ તરફ ધ્યાન નહીં આપતાં, ચુપચાપ દર્શન કરીને એ પાછાં ફરતાં.

છેલ્લાં બે વર્ષથી ચાર્લીએ કમળાબહેન સાથે જીવન જોડ્યું હોવા છતાં આજ સુધી એણે કદી એમને ખ્રીસ્તી બનવાની વાત સુધ્ધાં કરી નથી !

દુઃખની વાત તો એ છે કે ગાડીમાં બેઠેલા ચાર્લી ઉપર મંદીરમાં જતા આવતા ઘણા ભક્તોની નજર પડતી. પણ કોઈ એની ગાડી પાસે જઈ એની સાથે વાત કરવાની પરવા કરતા નહીં. મંદીરમાં આવનાર કોઈ પણ વ્યક્તીને “ અતીથી દેવો ભવ”ના ઉમળકાથી આવકારવી જોઈએ એ ભાવના જ જાણે ભુલાઈ ગઈ હતી. ભક્તો તો ઠીક પણ મંદીરના પુજારીએ પણ કદી એવું નથી કહ્યું કે, "સ્િ. ર્ત્નરહર્જહ, ઙ્મીટ્ઠજી ર્ષ્ઠદ્બી ૈહ. ન્ીં ેજ ટ્ઠિઅ ર્ંખ્તીંરીિ. ૐટ્ઠદૃી ર્જદ્બી ઁટ્ઠિજટ્ઠઙ્ઘ. હ્લીીઙ્મ ટ્ઠં ર્રદ્બી."

પણ ચાર્લીને આ બાબતે કોઈ અફસોસ નહોતો. હીન્દુ ધર્મના એણે કરેલા અભ્યાસ પરથી એ જાણતો હતો કે માત્ર પોતાના જ આત્માના કલ્યાણની અને પરલોકનાં સુખોની વાતો કર્યા કરનારા આ ભક્તો અને પુજારીઓને સમાજના પ્રશ્નોનું કે સમાજમાં દુખી થતી કોઈ વ્યક્તીનું જરા જેટલુંય મહત્ત્વ નથી.

હમણાં એટલું જાણવા મળ્યું છે કે ચાર્લી અને કમળાબહેનનું દામ્પત્ય બહુ જ સુખી છે.

જાણે પાનખરમાં વસંત..!!

ડૉ. જયન્ત મહેતા- સ્.ડ્ઢ.

અમેરીકાનું ‘ગુંજન’ દ્વૈમાસીક

કેલીફોર્નીયા અમેરીકામાં ત્રણેક દાયકાથી રહેતા શ્રી. આનન્દરાવ લીંગાયત સુપ્રતીષ્ઠીત વાર્તાકાર અને ભાષાન્તરકાર છે. ‘ગુંજન’ નામનું ગુજરાતી દ્વૈમાસીક પ્રકાશીત કરી સૌ ગુજરાતી પરીવારોને તેઓ મફત વહેંચે છે. વીદેશમાં વસી ગુર્જરગીરાનો દીપ રોશન રાખનાર સૌ ગુજરાતીપ્રેમીઓને સલામ !

માર્ચ-એપ્રીલ ૨૦૦૪ના ‘ગુંજન’માં પ્રકાશીત આ વાર્તા અમેરીકા સ્થીત ડૉ. જયન્ત મહેતાએ લખી છે. સમાજના પ્રશ્નોને રોચક વાર્તા દ્વારા કલાત્મક રીતે સમાજ સામે રજુ કરવાનો તેમનો આ કસબ દાદ માગી લે તેવો છે.

દેશમાં કે વીદેશમાં ‘ઘરઘરકી કહાની’ જેવી આ વાર્તા સૌને ગમશે. કમુબહેને ભરેલા અંતીમ પગલા વીશે આપણે સમ્મત થઈએ કે નહીં થઈએ; ભારતમાં પણ હવે આ જ વાસ્તવીકતા છે. વૃદ્ધોની સમસ્યા વીશે સૌ અને વીશેષતઃ સંતાનો સભાન અને ઉદારમતવાદી બને તો જ પારીવારીક શાંતી દ્વારા સામાજીક આરોગ્ય સધાશે. આ દૃષ્ટીબીન્દુ ગમે તો આ વાર્તા વાંચજો, વંચાવજો અને વીચારજો..

..ઉત્તમ ગજજર..

* * * * * * * * * * *

ફ્લેટને ત્રીજે માળેથી..

નીર્મીશ ઠાકર

(કલાપીનું કાવ્ય ‘તે પંખીની ઉપર પથરોપ’ યાદ કરી, કલ્પના કરો કે કોઈ મુસાફર-પંથી; કોઈ ફ્લેટ પાસેથી પસાર થાય છે અને ત્રીજે માળથી ફેંકાયેલો કચરો એના પર આવી પડે છે.. હવે નીર્મીશનું પ્રતીકાવ્ય માણોપ નીર્મીશનું પ્રતીકાવ્ય માણોપ)

ફ્લેટને ત્રીજે માળેથી..

-નીર્મીશ ઠાકર

તે પંથીની ઉપર કચરો ફેંકતાં ફેંકી દીધો,

નીચે આવ્યો તન ઉપર ને તુર્ત ફેલાઈ જાતાં;

પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રુંધાઈ જાતાં.

"શું છે, શું છે" અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,

છાંટ્યું કો’કે તરત જળ ને ઉઘડ્યો સ્હેજ ચહેરો.

(ગેલેરીથી ઘટઘટ પીતો દૃશ્ય હું ભવ્યતાનું.)

ઉઠ્યો એ હા..કડક-હલકી ગાળ દેવા ફરીને !

નાઠો હું તો ઘર મહીં, ડરી ઈચ્છતો ઉડવાને !

(!વાનેઈઈચ્છતો ઝુડ ,નીચે પેલો કર ઘસી રહ્યો )

ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને.

હે પંથીડા ! સુખથી ફરજો ફ્લેટ પાસે ફરીથી !

રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?

આવે તોયે છતરી લઈને, બ્હાર કાઢે ન માથું

કાઢે ક્યાંથી!સ્મરણ નડશે ક્રુર આ હસ્તનું ત્યાં

લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે ?

-નીર્મીશ ઠાકર

* * * * * * * * * * *

ઘડપણ-મનની અવસ્થા

-ડૉ. ગુણવંત શાહ

પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મુકતો જાય છે. પ્રત્યેક સુર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

છાશ પીવાનું ઘટતું જાય છે અને બીયર પીવાનું વધતું જાય છે. ગોળપાપડી ખાવાનું ું.

ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે. ગાય પાળવાનું ઘટતું જાય છે અને કુતરાં પાળવાનું વધતું જાય છે. ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કુટરવા’નું વધતું જાય છે. વીચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.

લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે અને મનમેળનાં માનપાન વધતાં જાય છે. માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે. ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાંની જગ્યાએ પીત્ઝાનું ચલણ વધતું જાય છે.

લીંબુનું શરબત એકાએક લીમકા બની જાય છે. યુગલ હોય એવાં કપ-રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે. ઘરેઘરે ગૃહીણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’ સ્કુટર નારીમુક્તીનું વાહન બની રહ્યું છે.

જુની આંખે નવા તમાશા જોવાની પણ એક મઝા હોય છે. આવી મઝા ન માણી શકે તેવી અવસ્થાને જ ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે.

(‘વીરાટને હીંડોળે’ પુસ્તકમાંથી સાભાર......)

-ડૉ. ગુણવંત શાહ

* * * * * * * * * * *

‘પ્રાસ્તાવીક’

પ્રીય મીત્ર,

નવો પરીચય કેળવવાનો, પરીચીતો સાથે સંબંધ દૃઢ અને ઉંડો કરવાનો, સાથોસાથ ગુજરાતી ભાષાના વ્યાપ અને વીકાસ માટેનો આ અમારો ઉપક્રમ છે.

કમ્પ્યુટરે ખાસ્સી સવલતો ઉપલબ્ધ કરી છે. ઈ-મેઈલે મીત્રો, પરીચીતો, સ્નેહીઓ સાથે સંપર્ક જાળવવાના અને નવા મીત્રો મેળવવાના જાણે દરવાજા જ ખોલી દીધા છે ! તેનો લાભ લઈ ‘ઈ-ભારતી’ તથા ‘સન્ડે ઈ-મહેફીલ’ ઉપક્રમ હાથ ધરવાનું અમે વીચાર્યું છે.

ગુજરાતી લીપીમાં ઈ-મેઈલ થઈ શકે છે; પરંતુ તેમાં સમય થોડો વધુ જાય છે અને ફોન્ટનો સવાલ રહે છે. ગુજરાતી ફોન્ટ અંગે એકસુત્રતા- યુનીફોર્મીટી હજી સુધી સ્થપાઈ શકી નથી. જો કે કમ્પ્યુટર વાપરનારા, બનાવનારા અને સરકારી કામકાજ માટે યુનીકોડ નામના એક નવા સર્વસામાન્ય ફોન્ટ તૈયાર થઈ રહ્યા છે, જેમાં ગુજરાતી તેમ જ ભારતની બધી જ ભાષાઓના ફોન્ટનો સમાવેશ થાય છે. પણ તે તો કુદરત જ જાણે કે ક્યારે તે તૈયાર થશે, અને વળી સોફ્ટવેર બનાવનારા અને વાપરનારાઓ બધા એને સ્વીકારશે કે કેમ ! વળી ગુજરાતી બોલી શકતા અને સમજી શકતા પરંતુ; ગુજરાતી લીપી નહીં જાણતા હોય તેવા મુળગુજરાતના વતનીઓ આ સવલતનો લાભ લઈ શકે તેમ નથી; ખાસ કરીને વીદેશમાં અને કેટલેક અંશે ભારતનાં અન્ય રાજયોમાં સ્થળાંતર કરી સ્થીર થયેલા ગુજરાતીઓ.

‘ઈ-ભારતી’ એ રોમનાઈઝ્ડ ગુજરાતી છે. અંગ્રેજી વર્ણમાળામાં જેને માટે સ્વતંત્ર વર્ણ નથી તેવા, ‘આ, છ, ટ, ઠ, ડ, ઢ, ણ, ળ’ જેવા વર્ણો, એકમાત્ર ‘સીંગલ અવતરણ ચીહ્ન’ જેવી નીશાનીની મદદથી સરળતાથી-અને તેય શીફ્ટ કીના કશાય ઉપયોગ વીના-વ્યક્ત કરી શકાય છે.

જેમ કે : અ=ટ્ઠ, આ=ટ્ઠ’, છ=ષ્ઠર’, ટ=ં’ ; ઠ=ંર’, ડ=ઙ્ઘ’, ઢ=ઙ્ઘર’, ણ=હ’, ળ=ઙ્મ’

આ(આકાશઃટ્ઠ’ાટ્ઠ’જર); છ(છત્રીઃ ષ્ઠર’ટ્ઠિંૈ); ટ(ટપાલીઃ ં’ટ્ઠટ્ઠ’ઙ્મૈ); ઠ(ઠળીયોઃંર’ટ્ઠઙ્મૈ’ર્અ);

ડ(ડગલોઃઙ્ઘ’ટ્ઠખ્તર્ઙ્મ); ઢ(ઢગલોઃ ઙ્ઘર’ટ્ઠખ્તર્ઙ્મ); ણ(ફેણઃકીહ’); ળ(નળઃ હટ્ઠઙ્મ’)

અમે મીત્રોને દર અઠવાડીયે, વીક એન્ડના દીવસે મળે તેમ, ઈ-મેઈલથી એક પાના જેટલું ગુજરાતી સાહીત્યમાંથી પસંદ કરેલું વાચનક્ષમ અને રસપ્રદ લખાણ ઈ-ભારતીમાં પણ મોકલવા ઈચ્છીએ છીએ.

તેની સાથોસાથ તે લખાણ ગુજરાતી લીપીમાં પી.ડી.એફ. ફાઈલ બનાવી મોકલીશું, જેથી તમે ફોન્ટ વીના પણ વાંચી શકો અને ઈ-ભારતી સાથે સરખાવી શકો. આનો ફાયદો એ કે, ઈ-ભારતી વીશેનો આપનો પ્રતીભાવ અમને મળે અને તેને વધુ સરળ અને કાર્યક્ષમ કરી શકાય. (‘ઈ-ભારતી’ની સમજ સાથેની લીખીત યોજના તૈયાર છે. તમે મંગાવી શકો છો.)

ગુજરાતી લખાણ ગુજરાતી લીપીમાં સામેલ કરવાના ઉપક્રમને અમે ‘સન્ડે ઈ-મહેફીલ’ નામ આપ્યું છે. વીદેશમાં વસતા મુળ ગુજરાતના વતનીઓને ગુજરાતી લખાણ ગુજરાતી લીપીમાં, ઘરબેઠા, કમસેકમ અઠવાડીયે એકવાર પણ ‘સન્ડે ઈ-મહેફીલ’ મારફત મળી રહે તો તેમનો લીપી અને સાહીત્ય જોડેનો સંપર્ક જળવાઈ રહે.

ગુજરાતી ભાષાની જોડણી વીશે પણ પુનર્વીચારની આવશ્યકતા છે, એમ ઘણાની જેમ અમને પણ લાગે છે. ‘ઉંઝાજોડણી પરીષદે’ આ અંગે જે અભીગમ અપનાવ્યો છે તે સ્તુત્ય, સરાહનીય અને લખાતી ગુજરાતીને સરળ બનાવવામાં ઉપકારક છે. તેથી ગુજરાતી લખાણો ‘ઉંઝાજોડણી’માં આપવા અમે ધાર્યું છે. ‘નયામાર્ગ’ જેવાં ઘણાં પ્રગતીશીલ સામયીકો ‘ઉંઝા જોડણી’માં પ્રગટ થાય છે. આ લખાણો આપ સરળતાથી અને કશા અર્થભ્રમ વીના વાંચી શકો છો કે કેમ તે અંગે આપનો પ્રતીભાવ આપવા અમારી આગ્રહભરી વીનંતી છે.

આ બે ઉપક્રમો મારફત બીજા પણ કેટલાક એટલા જ અગત્યના ઉદ્દેશ, જેવા કે સુવાચન વડે લોકરુચીની કેળવણી, મૈત્રીવર્તુળનો વીકાસ સાધવો વગેરે પણ બર આવશે એવો અમને વીશ્વાસ છે.

છેલ્લે ફોન્ટની વાત. કલાપી, વીજયા, ગુર્જરી અને કેતન ફોન્ટ અમે વીકસાવ્યા છે. ગુજરાતી લીપી માટે સર્વસ્વીકૃત યુનીફોર્મ ફોન્ટ હોય તે જરુરી છે. તે માટેના અમારા પ્રયાસોમાં પણ આપ સહભાગી થાઓ એવી અમારી ઈચ્છા છે. પરંતુ મીત્રો સાથે આત્મીય પરીચય કેળવાય ત્યાર બાદ બીજા તબક્કામાં તે કામ હાથ ધરવા વીચાર્યું છે.

આપ ઈચ્છો તો ગુજરાતીના ‘કલાપી, વીજયા, ગુર્જરી’ અને હીંદીના ‘કેતન’ ફોન્ટ તમે મંગાવી શકો છો. તેની ટી.ટી.એફ ફાઈલ મોકલી આપીશું. તે ચાલુ કરવા સાવ સરળ છે, વળી ચારેની કી-બોર્ડની રચના ફોનેટીક છે જેથી તે સરળતાથી યાદ રહી જાય છે.

આ પત્ર લાંબો તો થઈ જ ગયો છે, તો પણ અંતમાં એટલી વીનંતી કે, આ ઉપક્રમો અંગે આપનો નીખાલસ પ્રતીભાવ, બેધડક, વીના સંકોચે જરુરથી આપશો. આપની કુશળતા ઈચ્છીએ છીએ.

* * * * * * * * * * *

આપણા હાથની વાત...

-શાંતીલાલ ડગલી

(ગુજરાતીમાં અત્યારે વાર્તા નવલકથાથી અળગું એવું ઘણું કથેતર સાહીત્ય પ્રકાશીત થઈ રહ્યું છે અને લોકચાહના પામી રહ્યું છે. ઈન્ટરનેટ અને ઈ-મેઈલ મારફત મળતા હૃદયસ્પર્શી પ્રસંગોમાંથી ગમી ગયેલા પ્રસંગોને ગુજરાતી વાચક સાથે ‘ગમતાનો ગુલાલ કરવાનો’ વીચાર શ્રી શાંતીલાલ ડગલીને આવ્યો અને જન્મી ૩૨ પાનાંની એક નાનકડી પણ પ્રેરક પુસ્તીકાઃ ‘આપણા હાથની વાત’. ૧૦૦ પુસ્તીકા લો તો પાંચ રુપીયાની એક પડે ! શુભ પ્રસંગોએ લોકો ઉદારતાથી મીત્રોને ભેટ આપે. સુરતમાં એવા અમારા એક સખાવતી મીત્ર છે અકબર મુળજી. દર મહીને એકાદ પુસ્તીકા તો તેઓ અનેકોને મોકલે. મને પણ મળે. આપણી આ ‘સન્ડે ઈ-મહેફીલ’ પણ તો ‘ગમતાના ગુલાલ’ની જ એક પ્રવૃત્તી છેને? ચાલો, બે-ચાર વાનગી ચાખીએ..ઉત્તમ ગજ્જર..)

મનની ખીંટી

અમારા ઘરમાં રીપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દીવસની આ વાત છેઃ કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરુ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રીક કરવત બગડી ગઈ. દીવસ પુરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં.

હું એને મારી ગાડીમાં એના ઘરે મુકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે એણે કહ્યુંઃ " ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે."

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બંને હાથ એણે ઝાડ પર મુક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મીત ફરી વળ્યું. એનાં બે બાળકોને એ વહાલથી ભેટ્યો અને પત્નીને પણ ચુમી આપી.

મને એ કાર સુધી મુકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતુહલ હું રોકી શક્યો નહીં. મેં એને પુછ્યુંઃ "ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?"

ચારેક દીવસ પછી મને મારા જેવું જ પોસ્ટકાર્ડ મળ્યું. ફક્ત ચાર લીટીનું. ‘મુ. બહેન, ખુબ ખુબ આભાર. હું આપને મળવા આતુર છું. અનુકુળ તારીખ, સ્થળ તથા સમય જણાવશો. લી....’

"અરે ! હા, આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈને કોઈ તકલીફ તો આવવાની; પણ એક વાત તો નક્કી કે ઘરે મારાં બાળકો અને પત્નીને એની સાથે શી લેવાદેવા ? એટલે, જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું.

"સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું; પણ નવાઈની વાત તો એ છે કે રાતે મુકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી !" (પાનઃ૭)

હા, મળી ગયું !

એક દાદા-દાદીની આ વાત છે. સામાન્ય રીતે દરેકના જીવનમાં બનતું હોય છે એવું એક દીવસ એ બન્ને વચ્ચે બન્યું. આમ તો, બન્ને વચ્ચે ઘણો પ્રેમ હતો; પણ એક દીવસ કોઈ નજીવી બાબતમાં બોલાચાલી થઈ અને દાદીમા એટલાં ગુસ્સે થઈ ગયાં કે એમણે દાદાજી જોડે બોલવાનું જ બંધ કરી દીધું !

બીજે દીવસે દાદાજી તો બધું ભુલી ગયા હતા; પણ દાદીમાનો રોષ ઉતર્યો નહોતો. એમનાં અબોલાં હજી ચાલુ હતાં. એમનો રોષ ઉતરે એ માટે દાદાજીએ ઘણા પ્રયાસો કરી જોયા; પણ દાદીમા પલળ્યાં નહીં. કબાટનાં ખાનાં ખોલી દાદાજી કંઈ શોધવા લાગ્યા. થોડો વખત આમ ચાલ્યું એટલે દાદીમાથી રહેવાયું નહીં.

"તમે ક્યારના શું શોધી રહ્યા છો ?" દાદીમાએ અકળાઈને પુછ્યું.

"અરે, હા, મને મળી ગયું !" દાદાજીએ હસતાં હસતાં કહ્યું અને ઉમેર્યુંઃ "હું તો તારો અવાજ શોધતો હતો ! ભગવાનની કેવી મોટી દયા !" (પાનઃ૨૦)

અંકલને શું કહ્યું હતું ?

બીજાની કાળજી લેવાની એક અનોખી સ્પર્ધામાં વીજેતા બનેલા ચાર વરસના એક છોકરાની આ વાત છે.

એની પાડોશમાં મોટી ઉંમરના એક ભાઈ રહેતા હતા. એ એકલા હતા. થોડા વખત પહેલાં જ એમનાં પત્ની ગુજરી ગયાં હતાં. એક વાર આ અંકલને રડતાં જોઈને એ છોકરો એમની પાસે ગયો અને એમના ખોળામાં બેસી ગયો. એનાં મમ્મીએ આ જોયું. એ છોકરો ઘરે પાછો આવ્યો ત્યારે મમ્મીએ એને પુછ્યુંઃ "તેં અંકલને શું કહ્યું હતું ?"

"મેં અંકલને કાંઈ કહ્યું ન હતું. મેં તો બસ એમને રડવામાં મદદ કરી." છોકરાએ કહ્યું. (પાનઃ૧૭)

હૃદયમાં મોટા થાવ

અમેરીકાની એક શાળામાં પહેલા ધોરણના વીદ્યાર્થીઓ એક કુટુંબનો ફોટો જોતા હતા. એમાં એક નાનો છોકરો કુટુંબના બીજા સભ્ય કરતાં સાવ જુદો લાગતો હતો.

એક બાળકે કહ્યું કે એને માબાપે દત્તક લીધો હશે. જોન્સલીન નામની એક નાની છોકરી બોલીઃ "દત્તક લેવા વીશે મને બધી ખબર છે; કારણ કે મારાં માબાપે મને દત્તક લીધી છે.""દત્તક લેવું એટલે શું ?" એક છોકરાએ પુછ્યું.

જોન્સલીને કહ્યુંઃ "એનો અર્થ એ કે તમે મમ્મીના પેટમાં નહીં; પણ મમ્મીના હૃદયમાં મોટા થાવ."

અમેરીકામાં પોતાનાં બાળકો હોય છતાં દત્તક લેવાની પ્રથા બહુ પ્રચલીત છે.(પાનઃ૧૨)

-શાંતીલાલ ડગલી

* * * * * * * * * * *

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

-ડૉ. ગુણવંત શાહ

કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અંધારીયા કુવાઓ વેઠી લે; પરંતુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરંતુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરંતુ પરસ્પરની સંમતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં૧

યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સંપ્રદાયો, પંથો અને પેટાપંથો આવ્યા છે ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અંધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છેઃ ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’

ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે, પરંતુ બદનામ સીસ્ટમની નીંદા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સંપ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પંથના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તંદુરસ્ત સમાજનું નીર્માણ તંદુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીંદુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?

સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સંભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસંબંધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા, તેથી જ કદાચ આવા સુંદર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.

‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અંધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી-ગંધાતું પાણી પણ પી લે છે.’

બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.

ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછયોઃ "ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?" તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યોઃ "હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચંદ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી." આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?

સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યંત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીંદુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુંદર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે : પરસ્પરની સંમતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અંદરખાનેથી વસંતવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સંબંધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દંભ છે અને નીંદાકુથલી એ એની હોબી છે.

જરુર છે પ્રેમક્રાંતીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાંતીના ચાર પાયા છેઃ .૧. તંદુરસ્ત સેક્સ .૨. નીર્ભય માતૃત્વ .૩. ઉદાત્ત પ્રેમસંબંધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ-ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીંદા ન હોય. પ્રેમસંબંધની નીંદા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમના મંદીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મંદીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતુંઃ

‘શીવમંદીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમંદીરમાં પ્રેમપત્રનું છે.’

- ડૉ.ગુણવંત શાહ

* * * * * * * * * * *

ચાલો, ફરી બાળક બનીએ...

-મોહમ્મદ માંકડ

ન્ૈકી’જ ંટ્ઠિખ્તીઙ્ઘઅ ૈજ ંરટ્ઠં ુી ખ્તીંર્ ઙ્મઙ્ઘ ર્ંર્ ર્જર્હ ટ્ઠહઙ્ઘ ુૈજી ર્ંર્ ઙ્મટ્ઠીં.

મ્ીહદ્ઘટ્ઠદ્બૈહ હ્લિૈહાઙ્મૈહ

માણસમાં સમજણ આવે તે પહેલાં ઘડપણ આવી જાય છે. સમગ્ર સૃષ્ટીમાં કોઈ પણ જીવનો જન્મ પણ તેની પોતાની ઈચ્છાથી થતો નથી. બાળકમાંથી કીશોર કે કીશોરમાંથી યુવાન થવાનું કે નહીં થવાનું પણ માણસના હાથમાં નથી. એટલું જ નહીં, કાળા વાળમાંથી સફેદ વાળ માણસની સંમતી વીના જ થાય છે અને ચહેરા પરની કરચલીઓ પણ માણસની સંમતી વીના જ પડે છે. જીવનની આવી મહત્ત્વની ઘટનાઓમાં માનવીની ઈચ્છા પ્રમાણે કશું થતું નથી.

આમ છતાં, કેટલીક વાર સામાન્ય કારણોસર પણ માણસ ઘણીવાર દુખી થઈ જતો હોય છે. એ સહજ અને સ્વાભાવીક છે કે કોઈ પ્રીયજનનું મૃત્યુ, પુત્રપુત્રી સાથેનો અણબનાવ, ધંધામાં મોટી ખોટ કે નોકરીમાં બરતરફી જેવી ઘટના માણસને દુખી અને થોડો વખત બેચેન બનાવી દે છે.

પરંતુ, આધુનીક માનવી તે ધનીક હોય કે ગરીબ, વીકસીત દેશનો હોય કે પછાત દેશનો, સતત માનસીક તાણમાં અજંપાભરી જીન્દગી જીવી રહ્યો છે. તણાવમાંથી મુક્તી મેળવવા તે યોગ, કસરત, ધર્મસ્થાનો કે ક્લબો તરફ વળી રહ્યો છે.

વર્ષોના અભ્યાસ પછી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે બાળક જેવા ગુણ ધરાવતી વ્યક્તીઓ સદાબહાર, તનાવમુક્ત, સુખી રહીને દીર્ઘ આયુષ્ય ભોગવે છે.

માણસ હમેશાં બાળક રહી શકતો નથી; પરંતુ સદાબહાર જીવન જીવતા માણસોમાં બાળક જેવા કેટલાક ગુણ અવશ્ય જોવા મળે છે. મહાન જર્મન લેખક થોમસ માન વીશે એની પુત્રીએ લખ્યું છે કે, ‘મારા પીતાની કુતુહલવૃત્તી બાળક જેવી હતી. એમની પાસે કોઈ મીણબત્તી આવે તો પણ એ કઈ રીતે બનતી હશે એની પુછપરછ કરવા માંડતા. સર્કસ જોવા જાય તો પ્રાણીઓ વીશે, એમના ખોરાક વીશે, એમની આદતો વીશે એટલું બધું પુછતાં કે સર્કસવાળાને પણ એનું આશ્ચર્ય થતું.’

એક પ્રસીદ્ધ ફોટોગ્રાફર મીત્રની વાત છે. ગુજરાતના શ્રેષ્ઠ ચીત્રકારોમાં એમની ગણના કરી શકાય. વીસેક વરસ પહેલાં મળવાનું થયું, ત્યારે સાંઠે પહોંચવાને એમને ઝાઝી વાર નહોતી; પણ એમના ચહેરા પર કરચલીઓ નહોતી. વાળમાં સફેદ છાંટ નહોતી, આંખોનાં પોપચાં પર વીદ્યા કે મોટાઈનો ભાર નહોતો. બાળક જેવો ટીખળી ચહેરો અને એવું જ ટીખળી હાસ્ય. એ માણસ ક્યારનીયે અડધી સદી વટાવી ગયો હતો; પરંતુ ચહેરા પર કોઈ અણસાર પણ કેમ નહીં ?

મેં કહ્યુંઃ ‘કમાલ છે ! તમારા ચહેરા પર ઉંમરના કોઈ ઉઝરડા પડયા નથી !’

એમણે મને સામે પુછયુંઃ ‘ઘર પરથી અચાનક ઘરેરાટી કરતું વીમાન પસાર થઈ જાય તો એ જોવા માટે તમે કામ છોડીને દોડો છો ? કમળાબહેન અને ચંપાબહેન વચ્ચે ઝઘડો થઈ ગયો હોય તો હાથમાં અડધી પીધેલી ચાનો કપ લઈને એ સાંભળવા જવાનું મન તમને થાય છે ? સોસાયટીમાં ઘોડું કે ગધેડું ઘુસી ગયું હોય અને સોસાયટીના છોકરાઓ તેને દોડાવતા હોય તો કઢીવાળાં આગળાં ચાટતાં પોર્ચમાં ઉભા રહીને તમે હસો છો ?’

હું એમની સામે જ જોઈ રહ્યો !

એમણે કહ્યુંઃ ‘હું એમ કરું છું.’

તો એ હતું એ માણસનું રહસ્ય. જીન્દગીનું હળ તો એના પર પણ ચાલ્યું હતું; પણ એના ચાસ પડ્યા નહોતા. બાળક જેવા સ્વભાવને કારણે એ માણસ સદાબહાર લાગતો હતો.

કુતુહલવૃત્તી અને દંભ એક સાથે રહી શકતાં નથી; એટલે જ બાળકો ક્યારેય દંભી હોતાં નથી. તેઓ સદાય વીકાસશીલ હોય છે. બાળક કોઈની નીંદા કરતું નથી અને એના મનમાં કોઈના પ્રત્યે કાયમી વેર હોતું નથી.

ટોલ્સ્ટોયની એક વાર્તામાં બાળકનું ખરું સ્વરુપ જોવા મળે છે.

શેરીમાં રમવા ભેગા થયેલાં પડોશીઓનાં બે બાળકો વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થોડો લાંબો ચાલ્યો. બન્ને બાળકોનાં માતાપીતા બહાર નીકળી બરાબરના ઝઘડવા મંડ્યાં. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું. પણ ઘડી પહેલાં ઝઘડતાં પેલાં બાળકો તો વડીલોની નજર ચુકવીને ફરી હેતથી, વહેતાં પાણીમાં કાગળની હોડીઓ તરતી મુકવાની નવી રમતે લાગે છે. બાળકોને લીધે ઝઘડતાં પેલાં માબાપો અને સૌ આ જોઈ નવાઈ અને નવીન સંદેશ બન્ને પામે છે.

બાળકમાં જે તાજગી હોય છે તે મોટી ઉંમરે આપણે ગુમાવી બેસીએ છીએ. બાળક વીતેલી ક્ષણનો વીચાર કરતું નથી. એ તો નવી તાજી ક્ષણે, એ ક્ષણની નવી તાજગીથી જ વર્તે છે. ભુતકાળનો બોજો તેને કચડી શકતો નથી. જીવનની દરેક ક્ષણને તે ઉત્સાહથી માણી શકે છે.

બાળક તરીકેની આપણી પોતાની સીદ્ધીઓનો આપણે વીચાર કરીએ તો એની સામે કોઈ મહાપુરુષની સીદ્ધીઓ પણ વામણી લાગે. બાળક તરીકે આપણે બોલતાં શીખ્યા, લખતાં શીખ્યા, વાંચતાં શીખ્યા. એ બધાં કામો એટલાં તો મુશ્કેલ હતાં કે એની સામે આપણી મોટી ઉંમરની મુશ્કેલીઓ તો કશી વીસાતમાં જ નહીં ગણાય.

આપણે બાળક હોઈએ અને બોલતાં શીખીએ ત્યારે કેટલી નીષ્ફળતાઓમાંથી પસાર થવું પડે છે ? દીવસો સુધી માત્ર લોચા વાળ્યા કરીએ છીએ ! પછી એકાદ સ્પષ્ટ અક્ષર, પછી એકાદ શબ્દ અને પછી એકાદ ભાંગ્યુંતુટયું વાક્ય બોલી શકીએ છીએ; પરંતુ એ વખતે નીષ્ફળતાથી આપણે ડરી જતા નથી. મોટી ઉંમરે આપણે અંગ્રેજી કે ફ્રેંચ કે કમ્પ્યુટર શીખતા હોઈએ અને એમાં થોડી ભુલો થાય ત્યાં માની લઈએ છીએ કે હવે આપણને નહીં આવડે. આપણે કદી વીચાર કરતા નથી કે આ કરતાં પણ વીકટ સંજોગોમાં અને ઓછી સમજ હોવા છતાં આપણે આપણી માતૃભાષા સરસ રીતે શીખી શક્યા હતા.

બાળક ચાલતાં ચાલતાં પાંચ વાર, પંદર વાર, પચાસ વાર પડી જાય તો પણ એવું તારણ કાઢતું નથી કે ચાલવાથી પડી જવાય છે તેથી ક્યારેય ચાલી શકાશે જ નહીં. એ તો પચાસ વાર પડી ગયા પછી પણ ઉભું થઈને ચાલવા માટે પગલાં ભરવા માંડે છે. બાળક નીષ્ફળતાથી ડરતું નથી. એ જ રીતે તનાવમુક્ત જીવવા માટે કોઈ પણ પ્રકારની નીષ્ફળતાનો ડર માણસે મનમાંથી કાઢી નાખવો જોઈએ. નીષ્ફળતાને સફળતામાં પલટવા માટે બાળકની જેમ જ ધીરજપુર્વક સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

એક કવીનો શેર છેઃ

પેન ખાધી ત્યાં લગી સારા હતા,

પેન ઘુંટી એ પછી દીવસો ફર્યા.

પેન ઘુંટવાનું શરુ કર્યું ત્યારથી બાળક મટી જવાની પ્રક્રીયા શરુ થઈ.

બાળકની કુતુહલવૃત્તી, નવું નવું શીખવાની વૃત્તી, અજાતશત્રુતા અને નીષ્ફળતાઓ સામે ઝઝુમવાની અખુટ ધીરજ માણસને સરળ, દીર્ઘ અને તનાવમુક્ત જીવન જીવવાનો રાહ ચીંધે છે અને જીવનના ઝરણાને વહેતું રાખે છે.

-મોહમ્મદ માંકડ

* * * * * * * * * * *

મારી મમ્મી

-બળવન્ત પટેલ

લોકો ભલે કહેઃ

કુકડો બોલ્યે સવાર થાય;

હું જાણું છુંને કે,

મમ્મીની બુમે જ સુરજ ઉગે..!

પથારીમાંથી ઉઠતાં વાર લાગે તો

કહે : ‘ઝટ્ટ ઉઠ, આળસુના પીર !’

ઝટ ઝટ બ્રશ કરી નાખું તો

કહે : ‘સાવ ઉતાવળો ! શાન્તીથી બ્રશ કર..’

મમ્મી કહે એટલે નાહી લેવાનું,

મારે તો શું ! પપ્પાએ પણ..!

ભુખ લાગી હોય કે નહીં;

જમી લેવાનું..! કારણ એ કે

‘હમણાં રામો આવશે, વાસણ ઘસવા...’ે

રાતે ઉંઘ આવતી હોય ત્યારે

વાંચવા બેસાડે,

કહે : ‘ઉંઘણશી ! પાછો નપાસ થઈશ..’

રાતે મોડે સુધી વાંચતો હોઉં,

-પરીક્ષા પાસે હોય ત્યારે જ સ્તો-

તો કહે : ‘ઉંઘી જા, માંદો પડીશ..’

મમ્મી એટલે બસ મમ્મી જ !

મને તો સમજાતી જ નથી !

પણ ક્યાંથી સમજાય ?

પપ્પાય ઘણી વાર કહે છે :

"તને સમજવી અઘરી છે !"

હોશીયાર પણ કેવી ? પાકી મુત્સદ્દી જ !

પપ્પાના નામે ડરાવે :

‘તારા ગંદા ટાંટીયા ધોઈ નાખ,

જ્યારે જ્યારે જાય પ્રવાસ,

પપ્પા જોશે તો વઢશે..’

પણ પપ્પા તો એનાથીયે ડરતા હોય છે..

મમ્મી કહે તે અને તેટલું જ

દારુખાનું અપાવે;

મમ્મી કહે તો જ મીઠાઈ લાવે..

તોય મમ્મી મને બહુ ગમે,

સવારની નીશાળ હોય ત્યારે,

મારું દફ્તર બી તૈયાર કરી દે;

બુટ-મોજાં પહેરાવી દે ફટાફટ..!

કોઈક વાર તો લેસન પણ કરી દે,

આગલી તારે પીક્ચર જોઈ,

મોડા બાર વાગ્યે આવ્યાં હોય,

ત્યારે તો ખાસમ્ ખાસ..!

અને મારા જન્મદીવસે !

મઝા જ મઝા;

મારા પર તો શું; મારા દોસ્તો પર પણ

કેવાં વહાલ વરસાવે !

કેવા લાડ લડાવે !

અને કેવું ગાય - - -

ના, ના, : ‘હેપી બર્થ-ડે ટુ યુ’ એવું નહીં..

એ તો ગુંજે :

‘તમ્મે મારા દેવના દીધેલ છો,

તમ્મે મારા માંગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો..’

અને માંદો પડું તો ?

બાપ રે ! એનો તો જીવ જ અધ્ધર થઈ જાય !

પટાવીને દવા પીવડાવે,

બાધા-આખડી રાખે !

આવી મમ્મી કોને ન ગમે ?

મમ્મી એટલે બસ, મમ્મી જ... !

મારા દાદા

દાદા મારા ભુલકણા,

એવા તો એ ભુલકણા;

જ્યારે જ્યારે જાય પ્રવાસ,

ભુલી આવે બીસ્તર-બેગ.

ચશ્માં મુકે પહેરણ-ખીસ્સે,

ખોળે ઘરને ખુણે ખુણે.

આઘા થાય, પાછા થાય,

‘ચશ્માં ચશ્માં’ બોલતા જાય !

શોધ્યા કરે ચારે પાસ,

ખીસ્સું બતાવું થાયે ખુશ.

રોજ પુછે બેત્રણ વાર :

‘આજે થયો કયો વાર ?’

રવીવાર ના રહેતો યાદ,

પુછે કેમ ન ગયો નીશાળ ?

દાદા આવા ભુલકણા,

બીજી પણ ના કોઈ મણા !

-બળવન્ત પટેલ

* * * * * * * * * * *

ગાંધી-વાણી

-મંજરી મેઘાણી

બુરાઈ આ જગતમાં શાથી છે અને શી ચીજ છે, એ પ્રશ્નો આપણી મર્યાદીત બુદ્ધીથી પર છે. આપણે એટલું જાણીએ એટલે બસ છે કે બુરાઈ તથા ભલાઈ બંને છે અને જ્યારે આપણે એ બન્ને મુદ્દા ઓળખી શકીએ ત્યારે આપણે ભલાઈને પસંદ કરવી જોઈએ અને બુરાઈને ત્યજવી જોઈએ.

योगः कर्मसु कौशलम् કર્મ એટલે સેવાકાર્ય, યજ્ઞ. આપણી બધી મુસીબતો આપણી અકુશળતામાં છે. કુશળતા આવે તો આપણને અત્યારે જે અકુશળ લાગે છે તે આનંદદાયી લાગે. મારો દૃઢ અભીપ્રાય છે કે સુવ્યવસ્થીત સાત્ત્વીક તંત્રમાં ખેંચ જણાવી ન જોઈએ.

ખળભળાટ વીનાનું જીવન નીરસ વસ્તુ થઈ પડે. એવી આશા જ ન રાખવી. એટલે વીષમતાઓ સહી લેવામાં જ ડહાપણ છે. રામાયણમાંથી આ જ શીખવાનું છે.

આપણાં રોજનાં કામ ગમે તેટલાં નાનાં હોય; પણ તેમાંથી આપણે પુરો સંતોષ મેળવી લઈએ એના જેવું બીજું કશું નથી. જેઓ રાહ જુએ છે, જાગ્રત રહે છે અને પ્રાર્થના કરે છે તેને ઈશ્વર હંમેશાં મોટાં કામો અને મોટી જવાબદારીઓ મેળવી આપે છે.

-મો. ક. ગાંધી

* * * * * * * * * * *

માનસીક તાણથી બચવાના વીસ ઉપાયોઃ

૧. એકી વખતે એક જ કામ કરો.

૨. મીત્રો, સગાંઓની મંડળીને મળતા રહો. શક્ય હોય ત્યારે બાળકો સાથે સમય વીતાવો.

૩. શરીર ઘાટીલું રાખો-સ્થુળપણું ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

૪. બીજા લોકો તમારાથી જુદું વીચારે તો તે સ્વીકારો-ખાસ કરીને તમારા જીવનસાથી.

૫. સંભવીત ઘટના માટે તૈયાર રહો.

૬. દરેક ચીજ તેની યોગ્ય જગ્યાએ મુકો. કરવાનાં કામો, સરનામાં, ફોન નંબર વગેરેની નોંધ કરી રાખો.

૭. દરેક બાબતમાં માથું ન મારો તથા અગત્યની ન હોય તેવી બાબત વીશે ચીંતા ન કરો.

૮. વધુ પડતા સેવાભાવી ન બનો.

૯. સ્થાનીક લાગણીપ્રધાન સમાચાર વધુ પડતા વાંચો કે જુઓ નહીં. સામયીકોને બદલે સારાં પુસ્તકો વાંચો.

૧૦. દીવસ દરમીયાન એક નાનકડું ઝોકું ખાઈ લ્યો, કંટાળાજનક રુટીનમાંથી છુટ્ટી લેતા રહો. ફોનનો જવાબ ન આપવા ઈચ્છતા હો, તો ન આપો.

૧૧. ભારે ટ્રાફીકવાળા સમયે બહાર જવાનું ટાળો.

૧૨. તમારી પાસે જે છે જ, અથવા જરુરી નથી, એવી વસ્તુ ન ખરીદો.

૧૩. ભુતકાળના બનાવોની નકલ ન કરો. બીજાને સાંભળો. જે સાંભળવા ઉત્સુક હોય એની સામે જ ભુતકાળના અનુભવોની વાત કરો.

૧૪. ધીમે ખાઓ, અને ભોજનને આનંદથી માણતા શીખો. ઈચ્છા ન હોય ત્યારે ન ખાવ.

૧૫. બીજાને ક્ષમા કરતા રહો. ગુસ્સાને બદલે સમજદારીથી તમારી વાત રજુ કરો. શીસ્તને વળગી રહો.

૧૬. બીલોની ચુકવણીના કાર્યને હકારાત્મક ભાવથી પુરાં કરો.

૧૭. વાતાવરણને અનુકુળ કપડાં પહેરો.

૧૮. તમારા જીવન માટે ખુદને જ જવાબદાર ગણો.

૧૯.વીચારપુર્વક અને સ્પષ્ટ બોલો.

૨૦. દરેક બાબતમાં હાસ્ય જુઓ, હસતાં શીખો-ખાસ કરીને તમારી જાત પ્રત્યે.

ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપ-પ્રમુખ શ્રી. એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ.

અનુવાદક : મંજરી મેઘાણી

* * * * * * * * * * *

માધીનો છોકરો

અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે એને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સુતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : "મારી માધીને આપીશ ! મારી માધીને આપીશ."

એના મુખ ઉપરનો મલકાટ નીહાળી મને થયું : આ છોકરાને માધી પર કેટલો સ્નેહ છે ! હું જાણતો હતો કે માધી એ છોકરાની માતા નથી. એ છોકરાની માતા મરી ગઈ એટલે માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. છોકરાનો માધી પરનો સ્નેહ દેખાતો હતો; પણ માધીને છોકરા માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વીચાર આવ્યો.

એક વાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઉપડ્યાં. માધીને ઘરે હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતુટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે તે સામે બેસી વાતો કરવા લાગી. ત્યાં છસાત વરસનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે; પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે.

મેં પુછ્યું. "આ કોણ છે ?"

માધી કહે, "વાણીયાનો છોકરો છે. મેં ઉછેરેલો." મેં પુછ્યું, ‘કેમ તારે ઉછેરવો પડ્યો ?"

બાઈ કહે, "તેની મા સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેઢું છોડાય ?’ (માધી સુયાણી હતી.)

"શેઠે શું આલ્યું ?"

"આલે શું ? - મેં કંઈ લીધું જ નથી, મા’રાજ ! વખતે મફત આપે તેથી ભુલેચુકેય તેની દુકાનને ઉંબરે ચડી નથી." બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો.

"ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારુ અંગે શું કર્યું ?" મારા મનમાં તો હજુ આ બધું કોયડારુપ જ હતું.

થોડી વાર અટકીને બાઈ કહે, "એ શું બોલ્યા મા’રાજ ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો કાંડું ન કાપી કાઢીએ ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી ! માંદાં પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને ?"

-રવીશંકર વ્યાસ(મહારાજ)

* * * * * * * * * * *

પટલાણી

-મનસુખ નારીયા

ઓણ ધોધમાર પઈડાં છે પાણી,

પછી હરખે ના કેમ પટલાણી ?

ઓણ ધોધમાર પઈડાં છે પાણી !

ખેતરના શેઢા પર પાણકાનો ઢગલો

ને એના પર ઉભો પટેલ,

આંખોએ હાથોનાં નેજવાં ધરીને જુએ

આંગણીએ અવસરનાં સપનાંઓ સાચવવાં,

રહેશે ના ઓણ ખેંચતાણી

પછી હરખે ના કેમ પટલાણી ?.

ખેતરમાં ઉગ્યો છે મબલખનો મોલ,

અને છોકરાને ઉગી છે મુછો,

‘પટલાણી કહેતી કે જાગો પટેલ,

હવે આસપાસ ગામ જઈ પુછો.

ઠોંસો મારીને કરે સનકારો સ્હેજ ત્યાં તો, આખીયે વાત સમજાણી

પછી હરખે ના કેમ પટલાણી ?

જુનવાણી ખોરડાનાં નળીયાંને બદલો,

ને ઉંચેરી મેડીયું ચણાવો,

જાણીતા સોનીની પાસે જઈને,

શેર સોનાનો હારલો ઘડાવો.

ધુમાડાબંધ ગામ કરવું છે, કણબીની

ખાનદાની હોય ના અજાણી,

પછી હરખે ના કેમ પટલાણી ?

ઓણ ધોધમાર પઈડાં છે પાણી,

પછી હરખે ના કેમ પટલાણી ?

-મનસુખ નારીયા

* * * * * * * * * * *

ખોવાયેલું પાકીટ

-હરીશ્ચંદ્ર

એક દીવસ હું ઘરે આવતો હતો, ત્યારે રસ્તામાં મેં કોઈનું પડેલું પાકીટ જોયું. જેનું હોય તેને પહોંચાડી દઉં, એમ માની મેં લીધું; પણ પહોંચાડવું કોને ? તેના માલીકનું ઠેકાણું તો જાણવું જોઈએ ને ! પાકીટ લઈને મેં ઉઘાડ્યું. તેમાંથી ચાર ડૉલરની નોટો નીકળી. બીજું કાંઈ પાકીટમાં નહોતું. મેં વધુ થોડું ફંફોસ્યું, તો અંદર એક નાનું ખાનું હતું અને તેમાંથી એક કાગળ મળ્યો. તે કોઈનો એક નાનકડો પત્ર હતો. કાગળ બહુ જુનો લાગતો હતો અને સાવ ચોળાઈ ગયેલો. એ પત્ર તે પાકીટમાં વર્ષોથી પડેલો હશે.

કોઈનો પત્ર તો કેમ વંચાય ? પણ પાકીટ તેના માલીકને પહોંચાડવું હોય, તો કાંઈક ઠામ-ઠેકાણું તો શોધવું જ પડે ને ! એટલે મેં પત્ર લીધો. જોયું તો તેના ઉપર તારીખ ત્રીસેક વરસ પહેલાંની હતી અને મોકલનારનું સરનામું પણ હતું. પત્ર ‘મારા વહાલા માઈકલ..’-એવા સંબોધન સાથે હતો અને તેમાં માત્ર એટલું લખ્યું હતું કે, ‘તું મને ભુલી જજે. હવે હું તને ક્યારેય નહીં મળું. આપણાં લગ્ન મારાં માતા-પીતાને મંજુર નથી. એમણે તને મળવાનીયે મને બંધી કરી દીધી છે. સદાકાળ હું તને ચાહતી રહીશ.જ’ અને છેલ્લે સહી હતી-‘તારી, બસ તારી જ, માર્ગારેટ.’

વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો. ત્રીસ વરસ પહેલાંનો એક પ્રેમપત્ર, જો કે પ્રેમભંગનો પત્ર; છતાં આ માણસે હજી સાચવી રાખ્યો છે ! પાકીટ તો ઠીક, આ પત્ર મારે તેને પહોંચાડવો જોઈએ; પણ કેવી રીતે પહોંચાડું ? માઈકલ કે જેના પરનો આ પત્ર છે અને જેનું આ પાકીટ છે, તેનું કોઈ ઠામ-ઠેકાણું તો છે નહીં ! હા, પત્ર લખનાર માર્ગારેટનું ઠેકાણું છે; પણ તેય ત્રીસ વરસ પહેલાંનું. હવે તે ત્યાં હશે ? અને તે પણ હવે માઈકલનો પત્તો જાણતી હશે ? છતાં લાવ, કોશીશ તો કરું !

પત્રમાંના સરનામે હું પહોંચી ગયો. માર્ગારેટ તો ત્યાં નહીં મળ્યાં; પણ અત્યારે તે મકાનમાં રહેતાં હતાં તે બહેને મને કહ્યું કે, ‘વીસેક વરસ પહેલાં અમે આ મકાન જેમની પાસેથી ખરીદ્યું. એમની એક દીકરી હતી, જેનું નામ માર્ગારેટ હતું. માર્ગારેટ સાસુન હૉસ્પીટલમાં કામ કરતી અને હૉસ્પીટલના ક્વાર્ટર્સમાં રહેતી. આ મકાનનાં માલીકો પોતાની દીકરી સાથે રહેવા જવાનાં હતાં, એટલું મને યાદ છે.’

મેં હૉસ્પીટલનો સંપર્ક કર્યો, તો જાણવા મળ્યું કે માર્ગારેટ તો હવે નોકરીમાંથી નીવૃત્ત થઈ ગયાં છે; પણ હજી અહીં ક્વાર્ટર્સમાં રહે છે. બસ, મને આટલું જ જોઈતું હતું. હું ત્યાં પહોંચ્યો.

બારણું ઉઘાડ્યું. મારી સામે એક ઉંમરલાયક બહેન ઉભાં હતાં. વાળ તો બધા ધોળા થઈ ગયેલા; પણ ચહેરો સુંદર લાગતો હતો અને તેના ઉપર તેજ હતું. ઘડીભર એમની સામે જોતાં રહી મેં પુછયું, ‘તમે જ માર્ગારેટ ને ?’

‘હા, અંદર આવો ને !’

અમે અંદર જઈ બેઠાં. મેં ખીસામાંથી પેલો પત્ર કાઢી એમના હાથમાં મુક્યો. એમના મોઢા પર અનેરી ચમક આવી ગઈ.

‘અરે બેટા, આતો મારો જ પત્ર. માઈકેલ સાથેનો આ છેલ્લો સંપર્ક. તને ક્યાંથી મળ્યો ? તું માઈકેલને ઓળખે છે ? માઈકેલ હજી જીવે છે ? ક્યાં છે ?’

મેં માંડીને રસ્તેથી મને મળેલા પાકીટની બધી વાત કહી, પાકીટ તેમના હાથમાં મુક્યું. એ માઈકેલનાં મધુર સ્મરણોમાં ખોવાઈ ગયાં....

‘માઈકેલ....મારો માઈકેલ !....હું હજીયે એને ભુલી નથી....પછી મેં લગ્ન પણ ન કર્યાં. માઈકેલ જેવો બીજો કોણ મળે ?...દીકરા, આ પાકીટના માલીકને શોધી કાઢ !’ તેવામાં એમની કામવાળી આવી. પેલા પાકીટ ઉપર એની નજર પડી કે એ ચમકી ઉઠી.

‘લાવો તો ! આ પાકીટ તો અમારા માઈકેલદાદાનું. હું બરાબર ઓળખું ને ! એમનું આ લાલ રીબનવાળું જુના જમાનાનું પાકીટ. કહેતા હતા કે મારું પાકીટ ગુમ થયું છે. પૈસા તો એવા નથી, પણ એમાં મારી ખાસ ચીજ છે.’

‘કેમ નહીં ? પેલા વૃદ્ધાશ્રમમાં રહે છે. હું ત્યાં પણ કામ કરું ને !’

હું તુરત તેને લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. માઈકેલના વાળ પણ ધોળા થઈ ગયેલા. મેં એમના હાથમાં પાકીટ મુક્યું. પાકીટ જોઈને એવા તો ખુશ-ખુશ થઈ ગયા ! ઝટઝટ ખોલીને એણે જોઈ લીધું કે અંદરના ખાનામાં પેલો પત્ર તો છે ને ! મેં તે અંદર મુકી જ દીધો હતો. ‘દીકરા, ભગવાન તારું ભલું કરે ! તેં મારા જીવનની અણમોલ મુડી મને પાછી મેળવી આપી.’ ‘દાદા, ખરી મુડી તો હજી મારે તમને સોંપવાની બાકી છે.’

અને અમારી સવારી પહોંચી માર્ગારેટના ઘરે. માર્ગારેટ તો ઉત્સુકતાથી તલપાપડ થતી બેઠી જ હતી.

બન્નેએ એકમેકને જોયાં, અને કેટલીયે વાર સુધી નીરખી-નીરખીને એકમેકને જોતાં જ રહ્યાં. પછી માર્ગારેટ બોલી ઉઠી, ‘માઈકેલ, તું ? મારો માઈકેલ !’ અને ઉછળીને એ માઈકેલને વળગી પડી. બન્નેને એકલાં મુકી હું બહાર નીકળી ગયો.

થોડા દીવસ પછી માઈકેલનો ફોન આવ્યો, ‘અમે લગ્ન કરીએ છીએ. દીકરા, તારે તો હાજર રહેવાનું જ છે. તું મારો ફર્સ્ટ ફ્રેન્ડ(અણવર).’

આ ત્રીસ વરસનો અણવર, સાઠ વરસની દુલ્હન અને બાસઠ વરસના દુલ્હાના લગ્નમાં હમણાં જ હાજર રહીને આવ્યો. તમનેય આ અનોખા પ્રેમ-મીલનમાં હાજર રહેવાનું ગમ્યું હોત ને ?!?

-હરીશ્ચંદ્ર

* * * * * * * * * * *

ધર્મ અને વીજ્ઞાન

-ખીમજી કચ્છી-

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;

આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;

આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;

આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;

આપણે પુજાપાઠ-ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;

આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ-પ્રદુષણથી જ્યારે જગત આખું છે ચીંતામાં;

આપણે વૃક્ષો-જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,

સન્તાનોને ફસાવી જન્મકુન્ડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ-ડુંગળી-બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બૅન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

..ખીમજી કચ્છી..

* * * * * * * * * * *

ભલો સાધક

વોલ્ટેર

ગંગાકીનારે હું ફરતો હતો. ભારતના આધ્યાત્મીક મહાનુભાવોનો સમાગમ કરવા હું આવ્યો હતો. આશ્રમોમાં ફર્યો, ત્યાંના સંતોમહંતોને મળ્યો; પહાડોમાં રખડ્યો. ગુફાઓમાં ધ્યાન ધરતા સાધુઓને મળ્યો. તેમની તીતીક્ષાથી હું પ્રભાવીત થયો. કોઈ અનંતની શોધમાં હતા, કોઈ આ વીશ્વની ઉત્પત્તીનો વીચાર કરતા હતા. કોઈ પોતાની જાતને ઓળખવા મથતા હતા. તેમની જ્ઞાનપીપાસા તીવ્ર હતી; પરંતુ તેઓ જે શોધતા હતા તે કોઈને પણ મળ્યું ન હતું.

મારે સ્વદેશ ફરવાનું છેલ્લું અઠવાડીયું હતું. ઝાઝી રઝળપાટ પછી ગંગાના કીનારે ઠંડી હવા, તેનો ઝટપટ વહી જતો જળરાશી અને કીનારા પરના વનનો આનંદ માણવાનું મને મન થયું. નદીકીનારે સરસ સ્થળની મેં શોધ આદરી. એક નાનું ગામ, તેની પાસે જ નદીકીનારે ટેકરી હતી. ટેકરી પર કોઈ સાધુએ ત્યજી દીધેલ ઝુંપડી હતી. જગ્યા મને ગમી ગઈ. તે ઝુંપડીમાં મેં ડેરો લગાવ્યો. ખાવાપીવાની બધી સામગ્રી મારી પાસે હતી, સાથે મારો ચાકર પણ હતો.

નદીકીનારે ધ્યાન લગાવી બેઠેલ એક સાધક ત્રણ દીવસથી મારા જોવામાં આવતો. સફેદ ધોતીયું, ખભે જનોઈ, તે સીવાય અંગ પર કશું વસ્ત્ર ન હતું. બપોર સુધી શાંતચીત્તે ધ્યાન ધરતો; પણ તે કોઈ સાધુ ન હતો. ભગવાં કપડાં પહેરેલા ઘણા સાધુઓ સાથે વાતચીત થઈ હતી; પણ ધ્યાન ધરતો ગૃહસ્થ પ્રથમ વાર નજરે ચડ્યો.

હું તેની પાસે ગયો. બપોર થઈ હતી. તે ધ્યાનમાંથી ઉઠ્યો. મેં નમસ્તે કર્યાં. તેણે પણ જવાબ વાળ્યો. તેણે મારા વીશે પુછપરછ કરી. મેં મારી બે માસના રઝળપાટની વાત કરી.

આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

"રોજ ગંગાકીનારે શાની ખોજ કરો છો ?" મેં પુછ્યું. "મને થાય છે કે હું જનમ્યો જ ન હોત તો સારું !” તેણે વેદના ઠાલવી.

"એમ શા માટે ?" મેં પુછ્યું.

તેણે જવાબ વાળ્યો, " ચાલીસ વર્ષ થયાં કશું સમજાતું નથી. આટલાં વર્ષો એળે ગયાં. આ શરીર તો દુન્યવી પદાર્થોનું બનેલું છે તે સમજાય છે. પણ વીચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાતું નથી. ચાલવાની કે પાચનક્રીયાના જેવી તે સામાન્ય ભૌતીક ક્રીયા છે કે કેમ તેય મને સમજાતું નથી. મારા મસ્તીષ્કથી હું વીચારું છું. હાથથી કોઈ વસ્તુ પકડું તેવી જ એ કોઈ સ્વાભાવીક ક્રીયા છે કે કેમ તેનો પણ મને તાગ મળતો નથી. હું જ્ઞાનની વાતો તો ઘણી કરું છું; પણ વાતો પુરી થયે હું જ ગુંચવાડામાં પડી જાઉં છું. હું જે બડબડાટ કરી નાખું છું તેની મને શરમ આવે છે"

તે જ દીવસે તેમના પડોશમાં રહેતી એક અભણ વૃદ્ધા સાથે મારે વાતચીત થઈ. મેં તેને પુછ્યું, "તમારો આત્મા શાનો બનેલો છે તેની સમજ ન પડવાથી તમને કદી વીષાદ થયો છે ? કદી દુઃખ થયું છે ?"

મારી સામે તે તાકી રહી. હું શું પુછું છું તેની તેને સમજ ન પડી. જે વીષયો પર વીચાર કરી કરીને પેલો સાધક પોતાની જાતથી વાજ આવી ગયો હતો તે વીશે વૃદ્ધાને એક ક્ષણ વાર પણ વીચાર આવ્યો ન હતો ! એના અંતરમાં પાકી શ્રદ્ધા હતી. ભગવાનના સૃષ્ટીનીર્માણમાં તે માનતી. ભગવાનને ચઢાવવા એક લોટી ગંગાજળ મળી જાય તો તે પોતાની જાતને સુખી સુખી માનતી.

આ વૃદ્ધાના સુખથી હું પ્રભાવીત થયો. તત્ત્વજ્ઞાનના કોયડા તોડવા મથતા પેલા સાધક પાસે હું ગયો. મેં તેને કહ્યું, "ભલા માણસ, તમારાથી પચાસ ડગલાં માંડ દુર રહેતી વૃદ્ધા કેવા સંતોષથી જીવે છે ! કોઈ અદૃશ્ય શક્તીથી પરંપરાગત રીતે જીવતી વૃદ્ધા- જેને કદી કશો વીચાર સતાવતો નથી ! તેને જોઈનેય દ્વીધામાં પડી, અંતરથી દુઃખી દુઃખી થવામાં તમને ગ્લાની નથી થતી ?"

તેણે કહ્યું,"ભાઈ, તમારી વાત સાચી છે. મારી જાતને મેં હજાર વાર કોસી છે. મારી વૃદ્ધ પડોશણ જેટલો હું અજ્ઞાન હોત તો હું સુખી હોત. પરંતુ એવા સુખની મને કોઈ કામના નથી." બે માસ હું ઘણે બધે રખડ્યો, પર્વતોમાં, જંગલોમાં, વસ્તીઓમાં, સાધુ-સંતોના અખાડાઓમાં; ઘણી વાતો કરી, ઘણું બધું સાંભળ્યું; પરંતુ આ ભલા સાધકે મને ખુબ જ પ્રભાવીત કર્યો. અણદીઠાની શોધ, અણજાણને જાણવાની તાલાવેલી, એ માણસ જાત માટે મોટામાં મોટું સાહસ છે અને વરદાન પણ છે.

રુપાન્તરઃ બળવંત પટેલ

* * * * * * * * * * *

માની ન લેશો કે હું સુખી છું

-સુરેશ દલાલ

એક દીવસ પુરો થયો. કૅલેન્ડરની તારીખનું એક પાનું, વૃક્ષ પરના પાંદડાની જેમ ખરી ગયું. ધુળમાં ભળી ગયું. ડાળી પર ઝુલ્યું હતું એ વાત ભુલી ગયું. કશુંક યાદ રાખવાનો અર્થ નથી. અર્થ નથી ભુતકાળની ડાળને વળગવાનો. સ્મરણ એ વરદાન નથી અને વીસ્મરણ એ શાપ નથી. જીવનને સુખ કે દુખનાં, પુણ્ય કે પાપનાં, શુભ કે અશુભનાં ખાનાંમાં ગોઠવવાથી કંઈ વળતું નથી. આ બધાં આપણા મનના કરોળીયાનાં જાળાં છે. જે પુરું થાય છે એ પુર્ણવીરામ, શરુ થાય છે એ પ્રારંભ. પ્રારંભની સાથે જ અન્ત સંકળાયેલો છે અને અન્તની સાથે જ પુનર્જન્મ. જીવન એ મરણ સુધી લંબાતું વાક્ય છે. આ વાક્યમાં અલ્પવીરામ, અર્ધવીરામ, આશ્ચર્યચીહ્ન, આઘાતચીહ્ન, પ્રશ્નાર્થચીહ્ન બધું જ આવતું હોય છે. કશુંક ખડક જેવું હોય છે, કશુંક જળ જેવું; કશુંક સરળ હોય છે, કશુંક જટીલ હોય છે; કશું કાયમને માટે ટકતું નથી તો કશુંય કાયમને માટે અટકતું નથી. બધી ક્ષણની રમત હોય છે. ક્ષણ ક્ષણજીવી છે એ જાણીને ક્ષણેક્ષણ જીવવાની છે.

જીવવું એટલે જે કંઈ મળે કે ન મળે તેના આનંદ સાથે કે વસવસા વીના જીરવી જવું.

પડદો ઉઘડે છે, પડદો બન્ધ થાય છે. સમારંભો શરુ થાય છે, સમારંભો પુરા થાય છે. અઢી-ત્રણ કલાકનું આયુષ્ય હોય છે એનું. પછી રંગમંચ પર શબ્દો નથી હોતા. શબ્દો પછીનું મૌન હોય છે. ખુરશીઓ ખાલી હોય છે. તાળીઓના ગડગડાટ આપમેળે શમી જાય છે. ફુલોની લેવડદેવડ પતી જતી હોય છે. કાગળમાં ગુંગળાઈ ગયેલાં ફુલોનાં ડુસકાંયે સંભળાતાં નથી. માઈકનું સામ્રાજ્ય પણ સમેટાઈ જાય છે. તાળીઓના ગડગડાટને કાનમાં પુરી રાખવાનો કોઈ અર્થ નથી. તાળીઓ એ કાનનો માત્ર ખેલ પુરવાર થાય છે. બોલાતા શબ્દો એ માત્ર રમત છે. પડતી તાળીઓ રમત છે. એની મમતમાં પડ્યા તો અંદરોઅંદર સડવા લાગીશું. કાનને તાળીઓની ટેવ પડી જશે તો આ વ્યસનમાંથી કદીયે છુટકારો નહીં મળે.

પ્રશંસા અને ખુશામત વચ્ચે પાતળી રેખા છે. કશાયથી ફુલાઈને ફાળકો થવાની જરુર નથી. લાડ અને લાતને નજીકનો સમ્બન્ધ છે. આપણી વાતમાં બધાને રસ પડે છે એવી ભ્રમણામાં જીવ્યા કરીએ છીએ અને જાતછેતરામણી કરીએ છીએ. તાત્કાલીક મનોરંજનના ધુળીયા ગાલીચા ઉપર આળોટીએ છીએ.

દરેક માણસને ઉંડેઉંડે એમ હોય છે કે મારી કોઈ કદર કરે, પ્રશંસા કરે. મહત્ત્વની ઘટનાઓમાં મને ‘કન્સલ્ટ’ કરે. માણસ પાસે પોતાનો વૈયક્તીક અહંકાર છે અને સામાજીક અહંકાર છે. અહંકારને તો રોજેરોજ કશોક ખોરાક જોઈએ એવો એ ખાઉધરો છે. માણસે એક ક્ષણ વીચારી લેવું જોઈએ કે ક્યાંક વખાણ થાય છે ત્યારે એને જે લાગણી થાય છે, તો ટીકા થાય છે ત્યારે એને શું થાય છે ? આ પ્રશંસા-ટીકા એ તો આપણને આપણા રાજમાર્ગથી દુર ને દુર લઈ જતી ગલીકુંચીઓ છે. માણસે પોતાનાં સંવેદનોને સાક્ષીભાવે જોવાં જોઈએ. સુખી થવા માટે આપણી પાસે પુરતાં કારણો હોવાં છતાં; આપણા સ્વકેન્દ્રી અભીગમને કારણે આપણે પોતે જ આપણાં દુઃખના વીધાયક થઈએ છીએ.

ક્યાંક નીરાંતને જીવે ધામો નાખીને પડવાની કળા આપણે ગુમાવી બેઠા છીએ. ફાંફાઓ મારીએ છીએ. સુખને બાહ્ય દુનીયામાં ફંફોસીએ છીએ. આપણે જ અગ્ની પ્રગટાવીએ છીએ અને કહીએ છીએ અમારે નસીબે રોજેરોજ અગ્નીપરીક્ષા છે.

આપણે જ લાકડું, આપણે જ અગ્ની પ્રગટાવનાર અને આપણે જ બળનાર; અને કહીએ છીએ ક્યાંય સુખનું કે શાન્તીનું સરોવર નથી. અગ્નીમાં બેસીને જળની વાત કરવાથી કશું વળતું નથી. આપણા બધા જ ઉધામા ઈંધણનું કામ કરે છે. આપણી એષણા, મહેચ્છા, અપેક્ષા આ બધા બળતામાં ઘી હોમે તેવાં તત્ત્વો છે.

* * * * * * * * * * *

‘કવનમાં વક્રીભવન’

..શેરમાં નીર્મીશાત્મક સુધારા..

સમયની સાથે બધું જ બદલાતું હોય છે. જુની કવીતાને પણ નવા યુગ પ્રમાણે સુધારી નાખવી જોઈએ. દરેક વ્યક્તી સામાવાળાને સુધારી નાખવા તત્પર હોય છે. મેં પણ ખુબ ઉત્સાહપુર્વક બીજા શાયરોના શેરને સુધારી નાખ્યા.તો લો, હવે વાંચવા માંડો :

-નીર્મીશ ઠાકર-સુરત

૧.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી !

-બરકત વીરાણી

રડ્યા સૌ લેણદારો મુજ મરણ પર એ જ કારણથી

હતો હા, વાયદો આજે ને મારી હાજરી નહોતી !

૨.

ડોળીનો ભાર ક્યાં, અરે ! દુલ્હનનો ભાર ક્યાં ?

અશ્રુનો ભાર હોય છે ઝાઝો કહાર પર.

-હરીન્દ્ર દવે

ડોળીનો ભાર ક્યાં ? અરે ! દુલ્હનનો ભાર ક્યાં ?

બધ્ધો જ ભાર હોય છે અંતે પગાર પર.

૩.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

-ઓજસ પાલનપુરી

મારી પસ્તી કાવ્ય સાબીત ન થઈ, વેચાઈ ગઈ;

કૈંક પાનાંમાં તો ખારી શીંગ પણ જોખાઈ ગઈ.

૪.

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું;

પ્રસંગોપાત્ત જીવનમાં, પરીવર્તન કરી લઉં છું.

-અકબરઅલી જસદણવાળા

જીવનમાં સ્થીરતા કેવી ? મનોરંજન કરી લઉં છું;

મીસીસ છે કોરીઓગ્રાફર ને હું નર્તન કરી લઉં છું.

૫.

દુનીયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,

ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !

-મરીઝ

બ્રહ્મા, મહેશ, વીષ્ણુ મને કંઈ ન ધીરે,

ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !

૬.

જીન્દગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,

એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે !

-મરીઝ

નોટ લઈને વોટ દેવામાં કરો જલદી તમે !

એક તો આવ્યા ફરીથી, ને આ ભળતું નામ છે !

૭.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફક્ત બે-ચાર સંખ્યામાં

ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે ?

-જલન માતરી

આ મુક્તકથી મળ્યાં છે સ્ટેજ પર બે-ચાર ટમેટાં,

જો ફટકારું ગઝલ તો સ્ટેજ પર પથ્થર નહીં આવે ?

૮.

બને તો એમને કહેજો કે ખુશ્બો મ્યાનમાં રાખે

બગીચામાં બધાં ફુલોની હમણાં ઘાત ચાલે છે.

-મનહર મોદી

રસોડે જઈને કહેજો કે મઠીયાં મ્યાનમાં રાખે

તળ્યાં તે તેલ ખોરાં છે, ગળાની ઘાત ચાલે છે.

૯.

મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે !

-મનોજ ખંડેરીયા

લઈ સુટકેસ આવો તો તરત નેતા સુધી પહોંચો

ચરણ લઈ દોડવા બેસો તો વરસોનાં વરસ લાગે !

૧૦.

જીન્દગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’

હોય ના વ્યક્તી ને એનું નામ બોલાયા કરે !

-ગની દહીંવાળા

લેણદારોના હૃદયનો તું જ પડઘો છે કવી,

થાય ના કશું ને એનું નામ બોલાયા કરે !

૧૧.

ગુરે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતી પ્યારું ગણી લેજે.

-બાલાશંકર કંથારીયા

ગુજારે જે શીરે તારે આ ઘરની નાર તે સહેજે

હજી તો દાળ ખારી છે, જીવન ખારું ગણી લેજે.

૧૨.

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું,

નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-બરકત વીરાણી ‘બેફામ’

બગડ્યું તો ‘નીર્મીશ’ ખેંચતાં હાંફી જવું પડ્યું,

નહીં તો સ્કુટરનો માર્ગ છે ઓફીસથી ઘર સુધી.

૧૩.

વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,

હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી !

-હરીન્દ્ર દવે

ઝાંખા પ્રકાશે પત્નીને સાળી ગણ્યા પછી,

શું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી !

* * * * * * * * * * *

‘વીચારોના વૃંદાવન’માં - બપોરના તડકામાં સુરજની શોધ !

-ગુણવંત શાહ

એક જમાનામાં આદીમાનવ ખુબ ચાલતો; પરંતુ એને કીલોમીટરનું અંતર એટલે શું તેની ખબર ન હતી. આજના માણસને કીલોમીટરનું અંતર એટલે શું તેની જાણકારી છે; પરંતુ એની ચાલવાની ટેવ છુટી ગઈ છે. ઓલીમ્પીક રમતમાં ભાગ લેનારા દોડવીરો માઈલપુર્વક અને સેકંડપુર્વક દોડતા હોય છે; પણ આનંદપુર્વક દોડવાનું અને ચાલવાનું બહુ ઓછા માણસના નસીબમાં હોય છે.

જીવનનાં સઘળાં કર્મોમાંથી આનંદની બાદબાકી થઈ રહી છે. આવું બને ત્યારે માણસ કલાકાર મટીને કામદાર બની રહે છે. આનંદપુર્વક ન ભણાવનારો પ્રાધ્યાપક પણ કામદાર ગણાય. આનંદપુર્વક પોતાની ફરજ ન બજાવનાર મેયર, કમીશ્નર, કલેક્ટર અને પ્રધાન પણ કામદાર જ ગણાય. કોઈ પણ મનુષ્ય પગારપુર્વક, લોભપુર્વક અને મોહપુર્વક કામ કરે ત્યારે આનંદપુર્વક કામ કરવાનું ચુકી જાય છે. આખો સમાજ ધીરે ધીરે કામદારોનો સમાજ બનતો જાય છે. કોઈ કામદાર કદી સુખી ન હોઈ શકે. મલ્ટીનેશનલ કંપનીનો ચીફ ઑફીસર પણ ‘કામદાર’ હોઈ શકે છે.

દુનીયામાં પ્રતીક્ષણ એક શોધ ચાલી રહી છે. મનુષ્ય કલાકાર હોય કે કામદાર હોય; પણ બન્ને સુખની શોધમાં જ રમમાણ હોય છે. સાધુ પણ સુખની શોધમાં હોય છે. સાધુ શાશ્વત સુખની શોધમાં હોય છે. સુખી થવાની ઝંખના મનુયને હોય તેમાં કશું ખોટું નથી. સુખની શોધ જ્યારે બહારની દીશા પકડે ત્યારે ટૅક્નૉલૉજીનો વીકાસ થાય છે. એ જ શોધ જ્યારે અંદર તરફ વળે ત્યારે અધ્યાત્મનો વીકાસ થાય છે. મનુયને બન્નેની જરુર છે.

કબીર જરા જુદી વાત કરે છે. તેઓ સુખની શોધમાં સાવ નવો આયામ ઉમેરી કહે છેઃ

પાની બીચ મીન પીયાસી..

મોહીં સુન સુન આવત હાંસી..

કબીરની વાત મૌલીક છે. જરા કલ્પના કરો કે કોઈ મનુષ્ય ભર બપોરના તડકામાં સુરજની શોધ કરી રહ્યો છે. એ ભુલી જાય છે કે તડકો સુર્યનો જ પ્રસાદ છે. મનુષ્ય તડકામય બને તો સુરજની શોધ અપ્રસ્તુત બની જાય છે. જેની શોધ કરવી પડે તે વસ્તુ ગેરહાજર હોય એ જરુરી છે. જે છે, તેની પ્રતીક્ષા ન હોય શકે. એની તો પ્રતીતી જ હોઈ શકે. કામદાર તે છે, જે સુખની કે આનંદની પ્રતીતીથી વંચીત છે. જ્યાં પ્રતીતી ગેરહાજર હોય ત્યાં હળપતી કે રાષ્ટ્રપતી સરખા બની રહે છે.

કેટલીક લોકપ્રીય ભ્રમણાઓ સદીઓથી ટકી રહેલી જણાય છે. સ્ત્રી વીધવા બને એટલે દુખી જ હોય એવી ભ્રમણા ઝટ છુટતી નથી. પ્રત્યેક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી સુખી જ હોય એવી ભ્રમણા પણ ખાસ્સી લોકપ્રીય છે. કેટલીક ભ્રમણાઓ પણ સુખદાયીની હોય છે. પતીના મૃત્યુ પછી કેટલીક વીધવાઓને જીવનમાં પહેલીવાર સ્વરાજનો અનુભવ થતો હોય છે. કેટલાક પુરુષો ખાનગીમાં આતંકવાદી હોય છે. એમની અખંડ દુર્ભાગ્યવતી પત્ની એમને વેઠતી રહે છે; કારણ કે પીયરમાં માબાપ એને સતત ધણીને નીભાવી લેવાની સલાહ આપતાં રહે છે. આવી મજબુર પત્નીના ગળામાં ઝગારા મારતું મંગળસુત્ર બેડી બનીને ગળામાં વળગેલું રહે છે. કોઈ કારણસર પતી ગુજરી જાય ત્યારે પત્ની ક્યારેક લોકનીંદાના ડરથી રડતી હોય છે. પતીના અવસાન પછી મંગળસુત્ર સાથે વળગેલી ચળકતી મજબુરી ખરી પડે છે અને સુખનો સુર્યોદય ‘ગંગાસ્વરુપ’ સ્ત્રીને નવજીવન બક્ષે છે.

બધી વીધવાઓ દુખી નથી હોતી. બધી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખી નથી હોતી. એકબીજામાં ઓતપ્રોત એવાં યુગલો ભારતીય સમાજમાં તીર્થસ્વરુપ જણાય છે. તીર્થસ્થાનોનું હોવું એટલું જ સાબીત કરે છે કે અન્ય સામાન્ય સ્થાનો તીર્થસ્થાનો નથી. ગૃહીણી અને ગણીકા વચ્ચે તફાવત શો ? ગૃહીણીનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા માગે છે તેની સાથે સુઈ નથી શકતી. રીવાજ અને સંસ્કારનાં બંધનો એમાં નડે છે. ગણીકાનું દર્દ પણ સમજવા જેવું છે. ગણીકાનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા નથી માગતી તેની સાથે એણે સુવું પડે છે. ભારતીય સમાજમાં આવાં સાર્વત્રીક છતાં પ્રચ્છન્ન દર્દનો કોઈ પાર નથી. આવો સમાજ એક વીરાટ મેન્ટલ હૉસ્પીટલ જેવો બની રહે છે. આવા રુગ્ણ સમાજમાં પ્રસન્ન યુગલત્વ તીર્થસ્વરુપ બની રહે છે. એવું યુગલત્વ કાયમ અગ્નીની સાક્ષીએ થયેલાં લગ્નબંધનનું ઓશીયાળું નથી હોતું. લગ્ન પવીત્ર હોય કે ન પણ હોય; પરંતુ પ્રેમ તો પવીત્ર જ હોવાનો ! માણસ અનેક વાર લગ્ન કરી શકે; પરંતુ સો ટચનો પ્રેમ તો કેવળ એક જ વાર કરી શકે છે. પ્રેમ પરમેશ્વર છે અને પરમેશ્વર એક જ છે.

એકવીસમી સદીમાં યુગલત્વ કેન્દ્રસ્થાને હશે. છાંદોગ્ય ઉપનીષદના પ્રારંભે જ મીથુનત્વ(જોડકું)ની પ્રતીષ્ઠાપના થઈ છે. ઋષી તો ત્યાં સુધી કહે છે કે ‘ૐ’ સંજ્ઞામાં પણ મીથુનત્વ ‘સંતુષ્ટ’ છે. બે ‘મળેલા જીવ’ ઘર માંડીને રહે તે ઘટના એટલી તો પવીત્ર છે કે એમને અગ્નીના ટેકાની ઝાઝી જરુર નથી. આપણે એવો સમાજ રચી બેઠા છીએ કે જ્યાં પ્રસન્ન યુગલત્વ હજી માંડ પ્રગટે ત્યાં તો ક્રૌંચવધ થવાની શક્યતા વધી જાય છે. હજી આપણે રામાયણ-યુગમાં જ છીએ ! જ્યાં જ્યાં પંચવટી હોય અને રામ-સીતાનું યુગલત્વ મુક્તપણે વીહાર કરતું હોય ત્યાં કોઈને કોઈ રીતે ભયાનક રાવણત્વ પહોંચી જાય છે. આ વાતમાં કોઈ શંકા હોય તો રોજ રોજ અખબારોની હેડલાઈનો જોઈ લેવી. સ્વસ્થ યુગલગાન જ્યાં નથી હોતાં ત્યાં યૌવનને પણ ઘડપણનો રંગ લાગી જાય છે. નાની ઉંમરનાં વૃદ્ધ સ્ત્રી-પુરુષો જોઈ જોઈને હવે આંખો પણ થાકી ગઈ છે.

પાઘડીનો વળ છેડે

એક માણસ બે ભુરી આંખોના પ્રેમમાં પડ્યો અને આખા શરીરને પરણવાની ભુલ કરી બેઠો !

* * * * * * * * * * *

છોટુકાકાનાં અસીલોં

-સ્વામી આનંદ

વાપીના વસવાટનાં વરસો દરમ્યાન અમારા છોટુભાઈનો એક ક્રમ એ થઈ પડ્યો કે અઠવાડીયામાં બેત્રણ દીવસ આસપાસનાં ગામો કે ફળીયામાં વસતાં હરીજનો કે દુબળા લોકોના કાગળો લખી દેવા જવું. જોતજોતામાં આખી વસ્તીમાં ‘સોટુકાકા’ ગરીબોના બેલી થઈ પડ્યા.

અભણ-નીરક્ષર વસ્તીમાં ઢેડ-દુબળાંની બૈરીઓને કે ડોસીઓને, તેમના ધણી-દીકરાઓને શહેરોમાં, મોટે ભાગે મુંબઈમાં રળતા હોય તેમના પર ઘરખબરના કાગળો હરહંમેશ લખવાના હોય. ગામપડોશનો કાપડી, દુકાનદાર વાણીયો પેલીએ આપેલું ત્રણ પૈસાનું પત્તું એક આનો લખામણી લઈ લખી આપે ! બાઈ, ઘરકુટુંબના બધા સમાચાર લાંબી લાંબી વીગતે લખાવે, ને લખનારો કાપડી કાનમાં પુમડાં ભર્યાં હોય તેમ સાંભળ્યે જાય. પછી ટાઢે કોઠે ચાર લીટી ચીતરી આપે !

બોલનારી ચાહે તેટલું બોલી હોય-ઘરના ખુશીખબર, પોયરાંની તાવઉધરસ ને પૈસાનું મનીઓર્ડર મોકલવાની તાકીદ ઉપરાંત બીજું કશું લખી આપવાના કાપડીએ સોગંદ ખાધા હોય ! બસ, લખામણીનો આનો લઈ પેલીને વીદાય કરે. બાપડી બાઈ ઘણુંયે સમજે, કે પોતે લખાવેલું તેનો દસમો ભાગ પણ કાપડીએ કાગળ પર પાડ્યો નથી. પણ શું કરે ? ફરી લખાવવા-વંચાવવા આવવાની ગરજ. એટલે વગર ફરીયાદે, લખેલું કાર્ડ લઈને ચોકી પરની ટપાલપેટીમાં નાખે, ને ઘેર જાય.

આ દૃશ્ય, અહીં આવ્યાને બે-ત્રણ દીવસ જ થયા હશે, ને છોટુકાકાએ જોયું. લાગલો જ ઉપલો ક્રમ શરુ થયો. ખીસામાં અડધો ડઝન કાર્ડ ઘાલીને નીકળે, ને ફળીયે ફળીયે ફરે.

"કેમ, ડોહીમા, કેમ છેવ ? કાગલ લખાવવાનો કી ની ? આ હું આવેલ છેવ."

"હા, હા આવોની ભાય, આવો. ગાંધી મા’ત્મા. ધન ભાએગ અમું લોકનાં. આમરે કાંય ની લખાવવો હોય ? તમે ધરમી લોક. મા’ધેવના મંદીરમાં આવીને રે’વલા. કીમ ન ઓરખું !"

પછી ડોસી ઘરમાં જઈ, પોસ્ટ-કાર્ડ ક્યાંક મેલી રાખ્યું હોય તે ફંફોસવા માંડે.

"એ કાંય કરો, માય ? આય હું ખીસ્સામાં જ કારડફારડ બધું તીયાર લી આવેલો જે !"

ડોસી ખુશખુશ થઈ જાય. મનમાં ગગણેઃ "ગાંધી મા’ત્માનું લોક. ધરમી લોક. નીકર આવું તે વરી કોણ કરે ? ”

છોટુકાકા ઓટલાની કોરાણે બેસી કાર્ડ-કલમ કાઢી લખવા માંડે. ડોસી સામે લખાવવા બેસે. ઘરની વહુઓ અને પોયરાં બીતેબીતે ખુણેખાંચરે કે બારણાંની આડશે ઉભાં રહી તાલ જુએ. એકાદ ગોબરું પણ હીંમતવાળું છોકરું વળી ડોસી પાસે આવી એના ખોળામાં ચડી બેસે, અને છોટુકાકા લખતા હોય તે સામું તાકીતાકીને જોઈ રહે.

ડોસી લખાવતી જાય અને છોટુકાકા લખે. ડોસી બોલતી જાય, ને બોલેબોલ કાગળ પર પડતો જાયઃ

"લખો-તાવ નાની પોરીની પુંઠે પડેલો, ની મુકતો. મોટી વહુ ઈના બાપને ઘેર ભાત રોપવા ગેયલી. વાપીવારો વાનીયો હેઠ પૈહાનું વીયાજ ભરી જવા કે. હું કીયાંથી દેવ ? તુંને કેયલું કે દીવાહા અગાઉ પસાહ રુપીયાનું મનીઓર્ડર કરી મુકજે. પન આય આથમનો મહીનો થીયો ને ભાદરો હઉ આવહે. પન તારા પૈહાનો પત્તા નીમ્રે.

“લખો-ભીખલો, ઈનો છા’બ વેલાત ચાલી ગીયો તી દા’ડાનો ધંધા વના બેઠો સે. ઉદવાડાના પારહી મંભઈ લી ગેયલા. પન બે મઈનામાં પાસો આવી રીયો. માંટી મરદથી આમ ઘેર આંગને કેટલાં બેહી રેવાવાનું ઉતું? તું એને મંભઈ બોલાવી લેવ. મારાથી ઈને આય પરમાને તાડીને માંડવે દા’ડો બધો પીને પડી રેયલો ની જોવાતું.”

ખાસી દસ મીનીટનું ડીક્ટેશન. લખવાને છેડે છોટુકાકા કાગળ પહેલેથી છેલ્લે લગણ ડોસીને વાંચી સભળાવે. બોલેલો જ બોલેબોલ, ટુંકાક્ષરીમાં લીધો હોય તેમ, ફરી પાછો ડોસીને કાને પડે ને ડોસી ડોલે ! ફળીયાની હરીજન સ્ત્રીઓ ભેળી થાય, સાંભળે ને કોઈ પત્તું લાવી હોય તે છોટુકાકાની આગળ ધરે. કાકા ન લે. પોતાનું જ ખીસામાંથી કાઢે, ને એનુંય લખી આપે. એ જ લખનાર અને એ જ લખાવટ. લખીને આખું એનેય વાંચી સંભળાવે. લખામણી ન લે-અને કાપડીથી દસ ગણું લખી આપે!

પછી ટપાલમાં પણ ‘હું જ લાખી દેવા’ કહી છોટુકાકા ઘણાઘણા હેતે કરીને ડોસીની વીદાય લે, ને બીજે ફળીયે જાય, કે ઘર ભણી વળે. લખેલા કાગળો સાથે લીધા હોય તે ટપાલપેટીમાં નાખે. કોકવાર વળી ‘રીપ્લાય’ કાર્ડો પણ લખી આપે, ને અઠવાડીયામાં જવાબ આવી પહોંચે ત્યારે લખાવનારી હેરત થઈ જાય. કોઈના મનીઓર્ડર પણ આવી પુગે.

* * * * * * * * * * *