પ્રેમ એક પડકાર Gaurav Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એક પડકાર

પ્રેમ એક પડકાર

-ગૌરવ દવે

સિનેમા જગતમાં પ્રેમ કહાની પર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. તેવી જ એક ફિલ્મે બોલિવુડમાં ધમાલ મચાવી દીધી હતી. બોલિવુડની દુનિયામાં ડિરેક્ટર દિબાકર બેનર્જીએ બનાવેલી ફિલ્મ "લવ, સેક્સ અને ધોખા" 19 માર્ચ, 2010નાં રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં હાલની વાસ્તવિક સ્થિતી દર્શાવવામાં આવી હતી. યુવાનો પ્રેમને સેક્સ સાથે જોડે છે તે દર્શાવવાનો ડિરેક્ટરનો પ્રયાસ હતો..યુવાનો પ્રેમને સેક્સ સાથે જોડીને પ્રેમ શબ્દનો કેવી રીતે દુરઉપયોગ કરે છે તેનું સ્પષ્ટ ચિત્ર આ ફિલ્મનાં માધ્યમથી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મે સમાજમાં પ્રેમના નામે ચાલતી ખરાબ પ્રવૃતિઓ પણ લોકો સમક્ષ રજૂ કરી સમાજને જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો. વાસ્તવિક સ્થિતીની વાત કરવામાં આવે તો "પ્રેમ" શબ્દનો સમાજમાં ખુબ જ મોટા પ્રમાણમાં દુરઉપયોગ વધી રહ્યો છે. "પ્રેમ"ના નામે યુવતીઓને પ્રલોભનો આપીને લલચાવીને ખરાબ કૃત્રયો કરવામાં આવતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ખરેખર સમાજમાં "પ્રેમ" શબ્દનો દુરઉપયોગ વધ્યો છે ત્યારે યુવાનોને ખાસ પ્રેમ શું છે અને પ્રેમનો પડકાર શું છે તે જાણવું જરૂરી બની ગયુ છે.

આધુનિક ટેકનોલોજીની 21મી સદી ખુબ જ ઝડપી સદી કહેવામાં આવે છે. હાઇવે પર કાર લઇને જતા હોય ત્યારે સ્લોગનો લખેલા જોવા મળતા હોય છે "ઝડપની મજા, મોતની સજા". આ 21મી સદીએ જે ઝડપ પકડી છે તે જોતા એવી ભીતી થાય છે કે ક્યારેક આપણા સમાજને મુસ્કેલીનો સામનો કરવો પડશે. યુવાનો પ્રેમ પણ એટલી જ ઝડપથી કરતા થયા છે કે વાત પુછો મા. એટલુ જ નહીં પ્રેમ જેટલી ઝડપથી થાય છે તેટલી જ ઝડપથી બ્રેકઅપ પણ કરે છે. આ ઝડપ જ બતાવે છે કે આજનાં યુવાનોમાં પ્રેમનો પડકાર કરવાની સહનશક્તિનો અભાવ છે. લોકો પોતાની સહનશક્તિ અને ધૌર્ય ગુમાવી રહ્યા છે. જેમ જેમ આધુનિક ટેકનોલોજી સાથે સમાજનું જોડાણ થતુ જાય છે તેમ તેમ સમાજમાં પ્રેમ શબ્દ ઓછો થતો જાય છે.

દુનિયામાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ જો કોઇ હોય તો ભારત દેશ છે. યુવાનો તમામ ક્ષેત્રમાં પોતાની કુશળતા દર્શાવીને સફળતા બતાવી શકે છે. પરંતુ ભારતનાં મોટાભાગનાં યુવાનો પ્રેમ અને સોશ્યલ મિડીયામાં વ્યસ્ત રહે છે. ત્યારે આધુનિક જમાનામાં સોશ્યલ મિડીયા પણ એટલું જ જરૂરી છે જેટલુ આપણા શરીરને ખોરાક. આપણા યુવાનો સોશ્યલને એટલી હદે સોશ્યલ મિડીયાની ઘેલછા લાગી છે કે ચોવીસ કલાકમાંથી બાર કલાકનો સમય સોશ્યલ મિડીયાને આપે છે. આધુનિકતાની સાથે સોશ્યલ મિડીયાને ઝડપી માધ્યમ ગણવામાં આવે છે. પરંતુ યુવાનો તેનો સદઉપયોગ કરવાને બદલે દુરઉપયોગ કરતા થયા છે. યુવક હોય કે પછી યુવતી જાણે કે સોશ્યલ મિડીયા તેના માટે સર્વસ્વ છે. સતત ઓનલાઇન રહેવાની જાણે કે રેસ લાગી હોય તેમ યુવક - યુવતીઓ ચાની લારીએ, પાનનાં ગલ્લે, શેરી ગલ્લીમાં ઉભા રહીને ચેટીંગ અને ચિટીંગ કરતા જોવા મળતા હોય છે. એટલે થી આ વાતનો અંત નથી આવતો યુવક - યુવતીઓ પોતાનાં જીવન સાથીની પણ ઓનલાઇન જ પસંદગી કરી લીધા હોવાનાં અનેક બનાવો સમાજ સામે આવ્યા છે.

કોલેજ લાઇફમાં જીવતા યુવાનો પોતાની જીંદગીનો ફેસલો ગણતરીની મિનીટોમાં કરી લેતા હોય છે. ઘણાં ખરા એવા પણ યુવાનો છે કે જેને સોશ્યલ મિડીયાનાં માધ્યમથી પ્રેમ થાય છે અને બાદમાં 20 વર્ષ જુના માતા-પિતાનાં પ્રેમને ભુલીને પ્રિયતમાનાં પ્રેમની સાથે ફરાર થઇ જાય છે. આવા પ્રેમ લગ્ન કરનારા યુવાનોનાં માતા-પિતા સમાજમાં મોઢું બતાવવાને લાયક પણ રહેતા નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું આ છે પ્રેમ> દરેક વ્યક્તિનાં માનસમાં આ સવાલ ઉદ્દભવે છે. આધુનિક જમાનાનો આધુનિક પ્રેમ જેટલો કરવો સહેલો છે તેટલો નિભાવવો સહેલો નથી એટલે જ કહેવાય છે કે પ્રેમ એક પડકાર છે.

"પ્રેમ"...આ અઢી અક્ષરનાં શબ્દએ અનેક લોકોને જીંદગી જીવતા શીખવી દીધી છે. "પ્રેમ" શબ્દમાં જ વિચિત્ર આકર્ષણ અને અદભુત જાદુ સમાયેલો છે કે તમારો શત્રુ પણ તમારો મિત્ર બની જાય છે. ક્રોધ થી ક્રોધ, તિરસ્કાર થી તિરસ્કાર અને દ્વેષ થી દ્વેષ...જો તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારી સાથે પ્રેમનો વ્યવહાર રાખે તો મિત્રો તમારે પણ બધા લોકો સાથે પ્રેમનો વ્યવહાર રાખવો પડશે. પરંતુ એવો નિર્દોષ પ્રેમ કે એક માતા પોતાનાં સંતાનને જે પ્રકારે નિર્દોષ કરે છે...એક બહેન પોતાનાં ભાઇને જે પ્રકારે પ્રેમ કરે છે અને એક મિત્ર પોતાની મિત્રતાને કરે છે તેવો નિર્દોષ પ્રેમ જ આ સમાજને ટકાવી શકશે..કારણ કે જીંદગીમાં માત્ર પ્રેમ મેળવવાથી બઘુ સારાવાના થઇ ગયુ તેવુ ન સમજવું અને જો તેવુ સમજશો તો પણ એક મુર્ખામી છે. તેના માટે સારા વ્યવહાર અને પ્રેમાળ સ્વભાવ પણ જરૂરી છે. એટલે જ પ્રેમને પડકાર ગણાવવામાં આવ્યો છે. "પ્રેમ"ની જ વાત કરીએ છીંએ નાનપણનો નિર્દોષ પ્રેમ કેવો હોય તેની એક પંક્તી એક વેબસાઇટ પર વાંચી હતી જેનાં શબ્દો હતા ‘યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું’.

મિત્રો ‘પ્રેમ’ અતલ ઉંડાણ છે. પ્રેમની અપેક્ષા એ છે કે, કંઇ પણ અપેક્ષા વિના તમારી જાતને એવા અધાગ ઉંડાણને હવાલે કરી દો. ‘પ્રેમ’ એ એક ગાઢ પ્રવાહ છે જેના એક કિનારે તમે ઉભા છો અને જો તમે બીજા કિનારે પહોંચવા માંગતા હો તો તમારા માટે પ્રેમનાં પ્રવાહમાં ઝંપલાવવું અનિવાર્ય છે. ઝંપલાવ્યા બાદ પણ એ પ્રવાહમાં થાક્યા વિના સતત તરતા રહેવુ તે પણ એટલુ જ અનિવાર્ય છે. આ એક વિકટ સાહસ છે કે જેમાં હારી જનારે ગુમાવવાનું ઘણું છે પરંતુ તરી જનારા માટે કોઇ ઇનામ જાહેર થયેલુ નથી હોતું. પ્રેમએ કોઇને વચન નથી આપતા કે નથી આપતો ખાતરી. એટલે જ પ્રેમથી લોકો અમુક સમયે હારી જાય છે અને પડકાર સમાન ગણાવે છે..બાકી તો પ્રેમની મજા જ કાંઇક અલગ છે.

દરેક ક્ષણનો ઇતિહાસ રચાતો હોય છે. તેવી જ રીતે "પ્રેમ"નો પણ ઇતિહાસ રચાયેલો છે. જે સ્પષ્ટ પણે લોકોને કહે છે કે હિંમત વિના પ્રેમ થઇ શકતો નથી. પ્રેમ ઘણું માંગી લે છે. એ બધું આપી દેવા માટે હિમ્મત પણ એટલી જ જરૂરી છે. પ્રેમનાં ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો, મિરાએ જે આપી જાણ્યુ, જે ત્યાગી જાણ્યુ તેનો માત્ર વિચાર જ કરી જુઓ...નરસૌયાએ જે વેઠી જાણ્યુ તેનો માત્ર વિચાર જ કરી જુઓ...કબીર જે વિષમતાની ચક્કીમાં પીસાયા, ઇસુએ જે ખિલ્લા ખમ્યા...ચૈતન્યએ જે અધાગ જળમાં ઝંપલાવ્યુ અને રાધાએ પોતાપણાને જ ઓળખી નાખ્યુ આ બધા મહાનુભવોનો માત્ર વિચાર કરતા જ સ્તબ્ધ થઇ જવાશે. અને મોં માંથી માત્ર એટલો જ અવાજ આવશે કે આટલી બધી હિંમત...!

આ બધા મહાનુભાવોની બાબતમાં જે સાચું છે તે આપણા જેવા સામાન્ય મનુષ્યના જીવનમાં પણ એટલુ જ સાચું છે. કમ સે કમ "પ્રેમ"ની બાબતમાં તો સાચું છે જ. પ્રેમનો પડકાર જીલવા માટે હિંમતની ખરી જરૂર પડે જ છે. ઇતિહાસ રચનારા લોકો પાસે હિંમતની સાથે ધૈર્ય હતું. આજનાં યુવાનોમાં ધૈર્યની જ મોટી ખામી સર્જાય છે. જેને કારણે પ્રેમમાં મોટા પ્રમાણમાં નિષ્ફળ નિવડે છે. અને પ્રેમનો પડકાર ઝીલી શકતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે ‘પ્રેમ’ કરવો સહેલો નથી. નાનપણથી જ એક માતા પોતાનાં સંતાનને જે નિર્દોષ પ્રેમ આપીને ઉછેરતી હોય છે...તે જ સંતાન મોટો થઇને પોતાની વૃધ્ધમાતાને વૃધ્ધાશ્રમનાં દરવાજા સુધી છોડી આવતો હોય છે...ત્યારે માતા હસતા મોઢે વૃધ્ધાશ્રમમાં પણ રહીને પોતાનાં સંતાનને પ્રેમ આપવાની કોશિષ કરતી હોય છે. આ શક્તિ એટલે જ ‘પ્રેમ’..અને આ પ્રેમનાં પડકારને સહન કરવા માટે ઘણી હિમ્મત જોઇએ.

મારા આ લેખ "પ્રેમનો પડકાર"થી લોકો અને સમાજને એક બીજા સાથે પ્રેમથી જોડવાનો ઉદ્દેશ છે..મેં આ લેખમાં લોકોમાં ધૈર્ય અને સહનશક્તિમાં વઘારો થાય તેવા ઉદાહરણો આપીને લોકોને ‘પ્રેમ’નો સાચો અર્થ સમજાવવાનો પ્રયત્નો કર્યો છે. શક્તિને પણ પ્રેમનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે આપ સહુની વચ્ચે થોડા સમય બાદ પ્રેમનું એક નવું નજરાણું રજૂ કરીશ.