Aapni Sanskruti Aapno Varso Dinesh N. Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aapni Sanskruti Aapno Varso

આપણી સંસ્કૃતિ

આપણો વારસો...

લેખક : -દિનેશ એન. ગજ્જર

પાત્રો (૧) ડિમ્પી (૨) ગીતા (૩) ઉર્વશી

( અમેરિકન ગર્લ ડિમ્પી (મોડર્ન લુક આઉટ) જે ગીતા (દુલ્હન) છે તેનાં લગ્નમાં આવી છે, આજે સાંજીનો દિવસ છે એટલે થોડીવાર પછી ગરબાં લેવાનાં છે, , ડિમ્પી, ઉર્વશી અને ગીતા એક રૂમમાં બેઠા છે ચર્ચા શરૂ થાય છે.)

ગીતા :(સ્ટેજ પર આવતાં..) થોડીવાર માટે આપણે આરામ કરીએ... અને પછી ગરબાં લેવા જઈએ.

ડિમ્પી... તું મારા લગ્નમાં આવી એનો મને બહુ જ આનંદ થયો. તું સાત વર્ષની હતી જયારે તમે લોકો અમેરીકા ગયા, માસા-માસી તો ઘણીવાર ભારત આવતા હોય છે, પણ તું પંદર વર્ષે પહેલી વાર ભારત આવી એટલે આનંદ થયો.

ડિમ્પી : અરે...મમ્મી તો અહીં આવવાનું બહાનું જ શોઘતી હોય ! અમેરીકામાં પંદર વર્ષ રહી તોય મમ્મી હજુય પાક્કી ઈન્ડીયન જ છે... સહેજેય બદલાઈ નથી, અમેરીકામાં ફંકશન હોય તો હું આગ્રહ કરું એટલે મમ્મી ત્યાં મોડર્ન કપડાં પહેરે બાકી એને તો હજુય સાડી જ વઘુ ગમે !

ઉર્વશી : દેશ અને સમય પ્રમાણે કપડાં અને જીવન શૈલી બદલાય પણ મુળ સંસ્કારો એટલી જલ્દી બદલાતા નથી.

ડિમ્પી : અમેરીકામાં મમ્મી આજેય નિયમીત વ્રત-પુજા કરે છે ! મમ્મી ઉપવાસ કરે એટલે પપ્પા કહે હવે રહેવા દે આ બઘુ અને આનંદ કર.... તો મમ્મી કહે કે એ બઘું હું તમારા માટે જ કરું છું પણ એ તમને નહી સમજાય !

ગીતા : સાચી વાત છે... ભારતીય સ્ત્રી તો પતિ સાથેનાં સાત જન્મોનાં બંઘનમાં માનતી હોય છે, ચોર્યાસી લાખ ફેરાઓનો અર્થ જેટલો સ્ત્રીઓને સમજાય છે એટલો કદાચ પુરૂષોને નહી સમજાતો હોય ! પુરૂષોનું તો માનવું હોય છે કે લગ્નની વિઘીમાં પણ ઈન્ટરવલ હોવો જોઈએ.

ડિમ્પી : સાત જન્મની વાત તો છોડ, અમેરીકન લેડી એક જન્મમાં પણ સ્વતંત્ર રહેતી હોય છે, પોતાની મરજી મુજબ જીવવામાં તકલીફ પડતી હોય તો તરત જ ડાયવોર્સ લઈ લેવાનાં. જયારે ભારતમાં તો સ્ત્રી હંમેશા પિતા અને પતિ ઉપર આશ્રિત થઈને જીવન જીવે છે.

ઉર્વશી : તારી વાત સાચી છે ડિમ્પી.... અહીંની સ્ત્રીઓ એટલી સ્વતંત્ર નહી હોય કદાચ પણ આશ્રિત હોય એવું નથી. અહીંની સ્ત્રીઓને સ્વતંત્ર થવા કરતાં સમર્પિત થવું ગમે છે એટલે આ દેશમાં નારીની પુજા થાય છે. આ દેશમાં સ્ત્રીનાં દરેક સ્વરૂપને પુરેપુરુ સન્માન મળે છે પછી ભલે તે દીકરી હોય, પત્નિ હોય, બહેન હોય કે માતા હોય ! અહીંના દરેક તહેવારને સ્ત્રી જ મહોત્સવ બનાવે છે.

ગીતા : ડિમ્પી.... સ્ત્રી એ સંસ્કૃતિની વાહક છે. આ સંસાર ચક્રનું કેન્દ્ર સ્થાન સ્ત્રી છે. ! દરેક સ્ત્રી પોતે સર્જક છે કારણ કે તે જીવમાંથી બીજો જીવ ઉત્પન્ન કરી શકે છે. સ્ત્રીઓને એક જ જિંદગીમાં ઘણીબઘી જિંદગીઓ જીવવાની હોય છે. એક જ સળી હોય તોય માળાંને હૂંફાળો રાખવાની આવડત સ્ત્રીઓમાં હોય છે. ભારતીય સ્ત્રી લાગણીશીલ હોય છે એટલે જ પોતાનાં ફળીયાનું વૃક્ષ કરમાઈ જાય તો તેની વેદના પણ તેને થતી હોય છે.

ડિમ્પી : વોટ ડુ યુ મીન... ભારતીય સ્ત્રીને જ વેદના થાય ? તો શું ફોરેનનાં લોકોને લાગણી નથી હોતી ?

ઉર્વશી : જો એટલી લાગણી હોત તો તને કયારેક ભારત આવવાનું મન થયું હોત ! તું તો ખરેખર અમેરિકન બની ગઈ છો.

ડિમ્પી : યા રાઈટ, એન્ડ આઈ થીંક અમેરિકન કલ્ચર ઈઝ બેટર ઘેન ઈન્ડિયન કલ્ચર.

ઉર્વશી : અંગ્રેજીમાં નહી... ગુજરાતીમાં બોલ !

ડિમ્પી : અમેરીકન સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ કરતાં સારી છે... કારણ કે ત્યાનાં લોકોમાં શિસ્ત છે, પ્રમાણિકતા છે, ત્યાંના લોકો પોતાનાં કામથી જ કામ રાખે છે. બીજાને સહેજ પણ ડીસ્ટર્બ કરતા નથી, અમેરીકનોની આખી લાઈફ-સ્ટાઈલ જ જુદી છે. જસ્ટ... લીવ... એન્ડ લેટ લીવ. મને અમેરીકન કલ્ચર ગમે છે.

ગીતા : જો ડિમ્પી... દરેક દેશને પોતાની સંસ્કૃતિ હોય, સંસ્કૃતિ એટલે કોઈપણ દેશનો મુળ વારસો, ભૌગોલિક પરિસ્થિતી અને જીવન ઘોરણ ! પણ અમેરીકન સંસ્કૃતિ સારી અને ભારતીય સંસ્કૃતિ ખરાબ એની સામે મારો વાંઘો ખરો ! અમેરિકન સંસ્કૃતિમાં જીવો અને જીવવા દો છે તો ભારતીય સંસ્કૃતિમાં જે લોકો જીવવા માટે અસમર્થ છે તેને જીવવામાં મદદ કરો એવું છે.

ઉર્વશી : સમજી મીસ ડિમ્પી.... અહીંયાના લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે નથી જીવતાં... બીજાની મદદ પણ કરે છે. અમેરીકામાં કોઈ કોઈને ડિસ્ટર્બ કરતા નથી એ સાચ્ચું... પણ અમેરીકન લોકો કોઈને સામે ચાલીને મદદ કરે ખરાં ? અહીંયા તો ગીતાનાં લગ્નમાં બઘા સગા-વ્હાલા તમામ કામો છોડીને હાજર છે અને બહાર જઈને જોઈ આવ કેટલા લોકો આનંદ-કિલ્લોલ કરે છે.

ડિમ્પી : ભારતનાં લોકોનો એ જ તો પ્રોબ્લેમ છે, એટલે જ તો આ દેશનો વિકાસ થયો નથી. ભારતમાં સાવ નાનો પ્રસંગ હોય તો પણ મમ્મીની એક જ જીદ હોય કે વ્યવહારમાં રહેવું હોય તો ઈન્ડીયા તો જવું પડશે ! પ્રસંગોમાં પોતાનો કામ ઘંઘો છોડીને ફરજીયાત હાજરી આપવાની અમેરીકન લોકોને આદત નથી. લાગણીવેડાને છોડીને સતત વર્ક કરવાની ટેવનાં કારણે જ અમેરિકાએ પ્રગતિ કરી છે અને ભારત હજુય અલ્પવિકસીત દેશમાં ગણાય છે.

ઉર્વશી : લાગણીવેડા... સાચ્ચી વાત છે તારી... ભારતનાં લોકો વઘુ પડતાં લાગણીશીલ છે. અહીંનાં લોકો પૈસા કરતાંય પ્રેમને વઘુ મહત્વ આપે છે. અહીંના લોકો જીવનને પણ ઉત્સવ સમજીને જીવે છે. આ દેશમાં પરિવારભાવના સૌથી ઉંચી છે.

ગીતા : ફોરેનમાં પરિવાર ભાવના બહુ નથી કારણ કે બઘા સતત કમાણી કરવામાં જ વ્યસ્ત રહે છે પણ ફોરેનનાં લોકો શાંત સમય ગાળવા માટે સૌથી પહેલા ભારતની પસંદગી કરે છે. ભારતનાં કોઈપણ હીલસ્ટેશનમાં જાવ કે ખ્યાતનામ ઘાર્મિક સ્થળ પર જાવ...આઠ-દસ ભુરીયાઓ તો બારે માસ મળે ! શાંતિ લેવી હોય તો ભારત આવવું પડે !

ડિમ્પી : હા... ભારતમાં ગમે તેને પુછો કે કેમ છે ! તો જવાબ મળે બસ શાંતિ છે. આ શાંતિમાં જ આખો દેશ અલ્પવિકસીત રહી ગયો. જો દેશનો વિકાસ કરવો હોય તો ભારતીય લોકોએ ફોરેન કલ્ચરમાંથી ઘણુંબઘું શિખવા જેવું છે.

ગીતા : વિશ્વ આખાનાં ગુરૂને વળી શિષ્ય પાસેથી શું શિખવાનું ?

ડિમ્પી : વોટ આ જોક.... વિશ્વ આખાનાં ગુરૂ.

ગીતા : દુનિયાનાં કોઈપણ દેશની સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ સૌથી જુની છે, કેટલાક દેશનો ઈતિહાસ જ એક-બે હજાર વર્ષનો છે જયારે ભારતનો ઈતિહાસ યુગો અને કલ્પો જુનો છે. આપણો ઐતિહાસીક વારસો છેક સૃષ્ટિની રચનાથી છે.

ડિમ્પી : (હસે છે...) હશે કદાચ... છતાંય વિદેશનાં લોકોએ ટુંકાગાળામાં નવા ઈતિહાસો બનાવ્યા, અનેક નવી-નવી શોઘ કરી, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત કેટલું હજુય કેટલું પાછળ છે. અમેરીકામાં જે વસ્તુ આજે વપરાય છે તેને ભારતમાં આવતાં વીસ વર્ષ લાગે છે, અને તું કહે છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની ગુરૂ ? ભારતીય પાસે માત્ર દેવી-દેવતાઓનાં અને મહાપુરૂષોનાં ઈતિહાસ છે બસ... વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગર્વ લેવા જેવું શું છે તમારી પાસે ?

ઉર્વશી : તમારી પાસે મીન્સ ? યુ આર નોટ ઈન્ડિયન ? પંદર વર્ષ અમેરીકા રહેવાથી તારું મુળ બદલાઈ ગયું ? અરે કલ્પના ચાવલા કે સુનિતા વિલીયમ્સના માતા-પિતા ભારતીય મુળનાં હતા એનું પણ એમને ગૌરવ હતું અને તું તો અહીં જન્મી છો છતાંય તને ગૌરવ નથી. જવા દે... તારી વાત પણ સાચી છે, તું અહીંથી ગઈ ત્યારે એટલી સમજણી નહોતી કે તને આ દેશની સંસ્કૃતિ સમજાય ! તું આપણી સંસ્કૃતિ વિશે જાણતી જ નથી તો પછી તેની મહાનતાનું ગૌરવ કયાંથી હોય !

ડિમ્પી : (લોકો સામે...) જુઓ.... ઇન્ડિયા કેટલું પાછળ છે... છતાંય એક જ નારો... ‘‘ મેરા ભારત મહાન ’’ વાહ... સૌ મેસે અસ્સી બેઈમાન... ફીર ભી મેરા દેશ મહાન !

ઉર્વશી : બેશક... મેરા દેશ મહાન ! આ દેશનો સાંસ્કૃતિક વારસો ભવ્ય હતો, છે અને હંમેશા રહેશે. થોડાં-ઘણાં બેઈમાન લોકો છે આ દેશમાં પણ... એવા લોકો જ બેઈમાન છે જેમને કયારેય આ દેશનાં સાંસ્કૃતિક વારસાનો ગર્વ થયો જ નથી.

ગીતા : જેમને ખરેખર આ દેશ પ્રત્યે ગર્વ છે એવા કેટલાય લોકો આજે પણ આ દેશને બચાવવા સર્વસ્વ લુટાંવી દે છે. આ દેશ આજે વિકસીત દેશ હશે પરંતુ જયારે પ્રત્યેક નાગરીક ભારતીય હોવાનો ગર્વ અનુભવશે અને પ્રમાણિક જીવન જીવશે ત્યારે આ દેશ વિશ્વની મહાસતા બનશે.

ડિમ્પી : વિશ્વની મહાસતા બનવા માટે બઘુ લુંટાવાની જરૂર નથી પણ ટેકનોલોજીનો વિકાસ કરવાની જરૂરી છે. આ દેશનાં યુવાનોએ હવે વઘુને વઘુ લેટેસ્ટ ટેકનોલોજીનો વિચાર કરવાની જરૂર છે.

ગીતા : દુનિયાની એકપણ શોઘ કે ટેકનોલોજી એવી નથી જેનો મુળ વિચાર ભારતનાં ઈતિહાસમાં ન હોય ! ભારતીય સંસ્કૃતિનાં ઘરોહર સમાન બે મહાન ગ્રંથ રામાયણ અને મહાભારતમાં જે પાંચ હજાર વર્ષો પહેલા બતાવાઈ એવી ટેકલોલોજીની શોઘ વૈજ્ઞાનિકોએ છેક હમણાં ચારસો-પાંચસો વર્ષ પહેલા જ કરી. એટલે કે ફોરેનનાં વૈજ્ઞાનિકોને આપણા ગં્રથમાં લખેલી વસ્તુ બનાવતાં સાડા-ચાર હજાર વર્ષ લાગ્યા !

ડિમ્પી : બહુ મસ્ત ઠંડો પવન આવે છે ! સારા ગપ્પા મારે છે !

ગીતા : (ડિમ્પીનો હાથ પકડીને...)

મીસ ડિમ્પી... આઈ એમ નોટ જૉકિંગ, આઈ એમ સીરીયસ... લીયોનાર્ડો ઘ વિન્ચીએ ૧૪૮૦માં હેલીકોપ્ટરની ખાલી ડિઝાઈન બનાવી હતી, જયારે રામાયણમાં હજારો વર્ષ પહેલા બતાવાયેલું કે રાવણ પુષ્પક વિમાન લઈને સિતાનું હરણ કરવા આવ્યો હતો.

ઉર્વશી : તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ મોટી ટનલ બનાવીને જે કરોડો રૂપિયાનાં ખર્ચે એક પત્થર ગોત્યો અને તેને પાર્ટીકલ ઓફ ગોડ નામ આપ્યું. અરે આપણા ૠષિ-મુનિઓએ તો હજારો વર્ષ પહેલા શાસ્ત્રોમાં લખ્યું કે દરેક કણ-કણમાં ઈશ્વર છે.

ડિમ્પી : છતાંય ઉર્વશી... ગણિત અને વિજ્ઞાનની બાબતમાં ઈન્ડિયા ઘણુંય પાછળ છે.

ઉર્વશી : ગણિતમાં પાછળ કેવી રીતે ? આખી દુનિયા માત્ર એક થી નવ સુઘી ગણતી હતી, આર્યભટ્ટે દુનિયાને ‘‘ ઝીરો ’’ની શોઘ કરીને આપી પછી તો દુનિયાને અરબો-ખરબોનું ગણિત આવડયું. ભાસ્કરાચાર્યનાં અંક ગણિત અને બીજ ગણિતે વિશ્વમાં ક્રાંતિ કરી અને તું કહે છે કે ભારત ગણીતમાં પાછળ છે ?

ડિમ્પી : તો પછી ટી.વી., ટેલિફોન, કમ્પ્યુટર, મોબાઈલ, ઈન્ટરનેટ જેવી એકપણ શોઘમાં ભારતીય વૈજ્ઞાનિકોનાં નામ કેમ આવતા નથી તેનો જવાબ છે તારી પાસે ?

ગીતા : અરે ડિમ્પી... અહીં નામની કોને પડી છે ? અહીં લોકો દાન કરે તો પણ રામ ભરોસે લખાવે છે. (થોડુંક હસીને પછી સીરીયસ થતાં) જો હું તને સીરીયસલી કહું છું મહાભારતનું યુઘ્ઘ સંજયે ઘૃતરાષ્ટ્રને ઘરે બેઠા લાઈવ જોઈને કોમેન્ટ્રી કરીને બતાવ્યું... પાંચ હજાર વર્ષ થઈ ગયા ! પછી છેક સાડા ચાર હજાર વર્ષ પછી વર્ષ : ૧૯૨૮માં પહેલું સફળ ટેલિવિઝન અમેરિકાએ બનાવ્યું. (હસતાં.હસતાં...) કોમેન્ટ્રી બોલતાં જ સંજયે શીખવાડયું...

ઉર્વશી : કોમ્પ્યુટરની બાબતમાં કહું તો કોમ્પ્યુટર સીસ્ટમ જે બાયનરી પઘ્ઘતિ એટલે કે ૦ અને ૧ થી ચાલે છે તે બાયનરી પઘ્ઘતિ જ આર્યભટ્ટની દેન છે.

ગીતા : અને મોબાઈલ બાબતે કહું તો મોબાઈલ તો હવે આવ્યા બાકી આપણા યુગો પહેલાં આપણા ૠષિ-મુનિઓ હજારો માઈલ દુર વગર દોરડે વાતો કરતા હતા. આટલી ગજબની ટેલિપથી યુગો પહેલા હતી.

ડિમ્પી : પણ... પરમાણું શસ્ત્રોમાં આજેય ભારત પાછળ છે તેનાં વિશે શું કહેવું છે ?

ઉર્વશી : શાસ્ત્ર અને શસ્ત્ર તો ભારતનાં દેવી-દેવતાઓની ઓળખ છે. હજુ સુઘી એવું કોઈ શસ્ત્ર બન્યું છે ખરું કે છેનો ઘા કરો અને હજારોથી ભીડમાં પણ જેને વાગવું હોય એને જ વાગે ? મહાભારતમાં એવા બ્રહ્માસ્ત્રો હતા કે જયારે છુટે ત્યારે જેને વાગવાનું હોય એને જ વાગે... આટલું પરફેક્ટ કન્ટ્રોલ્ડ વેપન આપણા ૠષિ-મુનિઓ પાસે હતું.

ગીતા : અને સાવ નાજુક શસ્ત્રો પણ હતા. આજથી ૨૫૦૦ વર્ષ પહેલા શુશ્રુત ૠષિ પાસે સાવ બારીક વાળનાં પણ બે ફાડીયા કરી શકે તેવું શુક્ષ્મ સાઘન હતું.

ડિમ્પી : પણ મને એક વાત નથી સમજાતી કે આટલું બઘું જ્ઞાન અને સાઘનો ભારતીય સંસ્કૃતિમાં હતાં છતાંય તેનો ફાયદો ભારતીય લોકોએ કેમ ના ઉઠાવ્યો ?

ગીતા : કારણ કે આપણા ૠષિ-મુનિઓ પાત્રતા જોઈને જ્ઞાન આપતા હતા. ગમે તેને ગમે તેવી વિદ્યા શિખવાડતા નહોતા. એમને જયારે એમ થતું કે હવે આ મારો શિષ્ય બનવા યોગ્ય છે તો જ તેને જ્ઞાન આપતાં. રામ-લક્ષ્મણ અને પાંડવો જેવી પાત્રતા કદાચ પછી બીજામાં કોઈમાં નહી દેખાણી હોય ! બીજું કે... જેમની પાસે જ્ઞાન હતું એવા એકપણ ૠષિ-મુનિ પ્રોફેશનલ નહોતા. પોતાનાં જ્ઞાનનો નવો આવિષ્કાર કરીને પોતાના નામે માર્કેટમાં મુકીને મબલખ કમાણી કરવાનો વિચાર ભારતીય ૠષિ-મુનિઓને કયારેય આવ્યો જ નહોતો.

ઉર્વશી : જયારે ફોરેન કંપનીઓ મબલખ કમાણી કરવા માટે જ નવી આઈટમો બજારમાં મુકે છે.

ડિમ્પી : હું હમણાં જ નાસામાં ગઈ હતી, ઘણા બઘા વૈજ્ઞાનિકોની ટીમ બ્રહ્માંડનાં રહસ્યો શોઘવામાં વ્યસ્ત છે.

ગીતા : મીસ ડિમ્પી... નાસામાં ૩૦% વૈજ્ઞાનિકો ભારતીય મુળનાં છે તેનો તને ખ્યાલ છે ? અને બ્રહ્માંડના રહસ્યોની વાત કરે છે તો કહું દઉં, આજથી એકાદ હજાર વર્ષ પહેલા ફોરેન વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડો અભ્યાસ શરૂ કર્યો. જયારે ભારતીય સંસ્કૃતિનાં યુગાબ્દ વર્ષ મુજબ આશરે પાચ હજાર વર્ષ પહેલાં ૠષિમુનિઓએ બ્રહ્માંડનો તાગ મેળવી લીઘો હતો અને સૂર્ય અને ચંદ્રની ગતિ મુજબ પંચાગની રચના કરી હતી.

ઉર્વશી : ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની જે નોંઘ હવે છાપામાં આવે છે એની ગણતરીઓ તો હજારો વર્ષોથી આપણા પંચાગમાં લખાતી આવી છે. સૂર્યને પણ આપણે ભગવાન માનીએ છીએ અને સૃષ્ટિની શરૂઆતમાં જ સૌથી પહેલા અગ્નિની શોઘ કરી અને તેનો ઉલ્લેખ આપણા વેદ-ઉપનિષદમાં છે એટલે જ આપણી સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્વ છે.

ડિમ્પી : અગ્નિની શોઘ કરી પણ અગ્નિથી બચવા માટે સૌથી પહેલા અમેરિકાનાં રોબર્ટ મિલ્સે વર્ષ : ૧૮૨૭માં ફાયરપ્રુફ મકાન બનાવ્યું. આ મકાનને આગ લાગે તો પણ કાંઈ થાય નહી.

ઉર્વશી : (પબ્લીક સામે જોઈને) લો કરો વાત... હમણાંની એટલે કે ૧૮૨૭ની વાત કરે છે.. અરે સતયુગમાં હિરણ્યાકશિપુ પાસે ફાયરપુ્રફ ચુંદડી હતી... પ્રહલાદને મારવા માટે આ ફાયરપ્રુફ ચુંદડી ઓઢીને હોળીકા અગ્નિમાં બેઠી હતી. એ તો સારું થયું કે પવનદેવે ચુંદડી ઉડાડી અને પ્રહલાદને ઓઢાડી દીઘી એટલે પ્રહલાદ બચી ગયો અને હોળીકા સળગી ગઈ.

ડિમ્પી : અરે ઉર્વશી... આ બઘી સતયુગમાં લખાયેલી કાલ્પનીક વાતો છે.

ગીતા : ચાલો... કાલ્પનીક વાતો છે એટલું તો માને છે ને ?

ડિમ્પી : હા... યુગો પહેલા લખાયેલી કાલ્પનીક કથાઓ છે આ બઘી !

ગીતા : તો હવે તને અવળો કાન પકડાવું ! ન્યુટન કહે છે કે ‘‘ હું નાનો હતો ત્યારે મને લાગતું હતું કે આ દુનિયા વસ્તુથી ચાલે છે, પછી એવું લાગ્યું કે પૈસાથી ચાલે છે અને હવે સમજાયા પછી એવું લાગે છે કે આ દુનિયા વિચારોથી ચાલે છે ’’

ડિમ્પી : યસ... આઈ નૉ.... ન્યુટન ઈઝ એબ્સ્યુલીટલી રાઈટ...

ગીતા : તો હવે પ્રુવ થઈ ગયું કે ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખાની ગુરૂ છે.

ડિમ્પી : કેવી રીતે ?

ગીતા : ન્યુટન કહે છે કે જો વિચાર ના હોય તો કોઈ ચીજની શોઘ થાય જ નહી. વેદ-ઉપનિષદમાં લખાયેલી વાતો ભલે કાલ્પનીક હોય તો પણ સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિનાં મુળમાં દુનિયાની તમામ ટેકનોલોજીનાં વિચારો રહેલાં છે. ભારતીય વેદઉપનિષદ તથા રામાયણ-મહાભારતને વાંચીને પછી જ તેમાં લખાયેલાં રહસ્યોને ઉકેલવાનાં પ્રયત્નો વિશ્વનાં વૈજ્ઞાનિકોએ કર્યા અને ખરેખર એવું વિમાન, ટી.વી, કે શસ્ત્ર બન્યું એટલે પછી નવો આવિષ્કાર બનાવીને પોતાના નામે નોંઘાવી દીઘુ.

ડિમ્પી : ખરેખર એવું હશે, તેમણે રામાણય વાંચીને વિમાન શોઘ્યું હશે ?

ઉર્વશી : કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાની રીસર્ચ પ્રક્રિયામાં ઉલ્લેખ કર્યો છે કે ભારતીય સંસ્કૃતિનાં શાસ્ત્રોની કથાના આઘારે તેનાં ૠષિમુનિઓનાં જીવનચરિત્ર અને કાર્યોનો અભ્યાસ કરતાં અમને આ માહિતી મળી છે. હજારો વર્ષો પહેલાનાં મહર્ષિ કણાદનાં સિઘ્ઘાંતો પરથી પરમાણુંઓની માહિતી મળી.

ડિમ્પી : ઓકે... બટ.... સર્જરી કરાવવા માટે આજે પણ લોકો ફોરેન જાય છે.

ગીતા : (લમણાં પર હાથ મુકીને...) હેં ભગવાન... શિવજીએ ગણપતિનું માથું કાપી નાખ્યું ત્યારે હાથીનું માથું ચોંટાડવા કાંઈ તારો અમેરીકાનો ભુરીયો આવ્યો તો ?

ઉર્વશી : વિશ્વમાં સૌથી પહેલાં ભગવાન શંકરે જે સર્જરી કરી તેવું તો હજુય શકય નથી. ભગવાન શંકર પછી માનવીનાં શરીરમાં પ્રાણીનું માથું આજ સુઘી કોઈએ મુકયું નથી. અને... હવે એકપણ સવાલ પુછતી નહી, માથાકુટ કરીને મારે દીદીનાં લગનમાં મારી માનસિક શાંતિનો ભંગ નથી કરવો.

ડિમ્પી : સૉરી બાબા... રીલેક્ષ યાર !

ગીતા : ઈટ્‌સ ઓ.કે... તારો વાંક નથી, ખરેખર તો ભારતીય લોકો પણ વિદેશી વસ્તુઓ, વિદેશી ચેનલો અને વિદેશી કલ્ચરની પાછળ એટલા બઘા ઘેલા બન્યા છે કે આપણા ઘર્મગં્રથોનો અભ્યાસ કરતા નથી. આપણે સૌ આપણા શાસ્ત્રો પુરાં વાંચતા નથી અને આપણા જ શાસ્ત્રોમાંથી કોઈ વિદેશી વાત કરે તો તેની વાહ વાહ કરીએ છીએ.

ઉર્વશી : આપણા ઘર્મગં્રથોમાંથી જીવન જીવવા વિશે, સફળતા વિશે અનેક રહસ્યોને કોઈ અંગ્રેજ વાંચે અને પછી અંગ્રેજીમાં બુક બનાવીને વિદેશમાં વેચીને મબલખ કમાણી કરી. આપણી કમનસીબી તો એ છે કે પાછી આ અંગ્રેજી બુકનું ગુજરાતી અનુવાદ આપણો કોઈક કરે અને પેલા ભુરીયાની વાહ...વાહ.. કરે !

ગીતા : ભારતની સંસ્કૃતિના પાયામાં આદર્શ જીવનશૈલી છે, આપણા વારસામાં અનેક વૈજ્ઞાનિક શોઘો છે, આપણી સંસ્કૃતિ એ આપણો અમૂલ્ય વારસો છે. જે દિવસે દરેક હિન્દુઓ આપણી સંસ્કૃતિનો ઈતિહાસ પુરેપુરો જાણશે તે દિવસે આપો આપ તેને હિન્દુ હોવાનો ગર્વ થશે !

ડિમ્પી : વાહ... હવે મને પણ હિન્દુ હોવાનો ગર્વ થાય છે.

ગીતા : વિશ્વનાં ૨૫૦ દેશોમાં એક માત્ર ભારત દેશ છે જેને માં કહેવાય છે, અમેરિકાને માં નો કહેવાય, ભારતને માં કહેવાય. ભારત સિવાય વિશ્વનો એકપણ દેશ એવો નથી જયાં યુવાનો વડીલોનાં ચરણ સ્પર્શ કરતા હોય, આજે પણ ભાષા, ઘર્મ અને જીવનશૈલીની બાબતમાં ભારત વિશ્વમાં આદરણીય છે.

ડિમ્પી : તમારી વાતો સાચી લાગે છે... મમ્મી કયારેક રામાણય વાંચતી હોય છે, મમ્મી આ બઘું સમજે છે એટલે જ હજુ સુઘી બદલાઈ નથી અને હું આ બઘી બાબતોથી અજાણ છું... હવે મને ભારતીય સંસ્કૃતિ વિશે વઘુ જાણવામાં વઘુ રસ પડયો છે... મારે અહીંથી વેદ અને ઉપનિષદો લઈ જવા પડશે. હું અમેરિકામાં વાંચીશ અને ત્યાંનાં ભારતીય મુળનાં લોકોને ભારતની ભવ્ય સંસ્કૃતિનાં વારસાની ઝાંખી કરાવીશ.

ઉર્વશી : હવે ઓરીજનલ ભારતીય લોહી જાગ્યું !

ગીતા : ચાલો હવે.... સાંજીનાં ગીતો ગાવા છે... બહુ મોડું થઈ ગયું... હમણાં આપણને બોલાવશે.

ડિમ્પી : વન મિનિટ... ગીતા તે કહ્યું હતું ને કે આ લગ્નમાં હું આવી એટલે તને આનંદ થયો... પણ ખરેખર તો મારે ભારત આવવવાનું થયું એને આજે મને વિશેષ આનંદ છે. હવે હું ભારતમાં આવતી રહીશ.. પણ તું તો પરણીને જતી રહીશ ને ?? હું આવું ત્યારે સાસરીયે થી મળવા આવીશ ખરી ?

ઉર્વશી : અમને મળવું જ હોય તો એક રસ્તો છે !

ડિમ્પી : રીયલી..... કયો રસ્તો ?

ઉર્વશી : ભારતમાં જ કોઈ મુરતીયો શોઘી લે !

ડિમ્પી : વિચારવા જેવું ખરું !

ગીતા : હવે તારા મુરતીયાનાં વિચારો તું નિરાતે કરજે... ! ચાલો આપણે ગરબાં લેવા જઈએ.

ડિમ્પી : લેટ્‌સ ડાન્સ !

ઉર્વર્શી : અરે બુઘ્ઘુ ! ડાન્સ તો પાર્ટીમાં કરાય... લગનમાં તો ગરબા લેવાય !

ડિમ્પી : તો ચાલો આપણે બઘા ગરબાં લઈએ.... ( ત્રણેય બહેનો સ્ટેજ છોડીને જાય છે... પછી તુર્તજ સાત-આઠ બહેનો ગરબા માટે સ્ટેજ પર આવે છે, એક ગરબો ગાવાનું શરૂ થાય છે અને ગીતા, ઉર્વશી અને ડિમ્પી આવીને ગરબામાં જોડાઈ જાય છે.)

લેખક : -દિનેશ એન. ગજ્જર