Prerna Kathao Bhag 1 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Prerna Kathao Bhag 1

પ્રેરણા કથાઓ

(ભાગ-૧)

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. સ્વિકાર

૨. સંતોષ

૩. ખુશીઓનો ખજાનો

૪. પ્રેમ એટલે ?

૫. કરુણા

સ્વિકાર

- ગોપાલી બુચ

ચાલો બાબુભાઈ, મોઢું મીઠું કરી જ લઈએ હવે. આ બન્ને જણા એ તો બહુ સમય લીધો. ક્યાંક અંદર ફેરા તો નથી ફરવા લાગ્યા ને ? મનસુખભાઈ એમની ટેવ મુજબ મજાક કરીને હસ્યા.

માયા બહેને પણ સાથ પુરાવ્યો, ‘‘અમારા અક્ષયને તો સીમા જોતાવેત ગમી ગઈ હતી. તમે નહી માનો પણ અક્ષયે અમને સામેથી જ કીધુ કે સીમા સાથે વાત ચલાવો. અને સુકન્યા બહેન, અમને તો સીમા ગમે જ છે. અને તમે તો હમણા જ કીધું કે તમને અમારો પરિવાર અને અક્ષય બન્ને ગમ્યા છે. તો વાત પાક્કી જ સમજો.’’

‘‘વાત સાચી બહેન, પણ જરાક રાહ જોઈએ મોઢુ મીઠું કરતા પહેલા’’. બાબુભાઈ જરાક સંકોચ સાથે પણ મક્કમતાથી બોલ્યા. સુકન્યા બહેન ચુપ રહ્યાં.

સીમા ખુબ સુંદર હતી. જોતાની સાથે ગમી જ જાય. વ્યવહારુ અને મીતભાષી પણ એટલી જ. એમ.બી.એ. થયેલી અને સારી કંપનીમાં જોબ કરતી. પણ કોણ જાણે જે ઉમેદવાર સીમાને જોવા આવતા, મળતા એ જવાબ આપ્યા વગર ચાલ્યા જતા.

માત-પિતાની ચિંતા વધે એ સ્વાભાવિક હતું, પણ એટલે ઉતાવળ ન કરવી એટલી ધીરજ પણ એમણે કેળવી હતી.

અચાનક રુમનો દરવાજો ખુલ્યો અને અક્ષય બહાર આવ્યો, અને સડસડાટ ઘરની બહાર નીકળી ગયો. અરે, બેટા... કરતા મનસુખભાઈ અને માયાબહેન એની પાછળ દોડ્યાં. અક્ષયે કાર સ્ટાર્ટ કરી. મા-બાપ બેઠાં એટલે સનસન કરતી મારી મુકી.

સીમાના માતા-પિતા શુન્ય મનસ્ક બેઠાં રહ્યાં. સીમા બહાર આવી.

તેના ચહેરા પર સંતોષ હતો.

‘‘અક્ષય, શું થયું બેટા ? બોલતો ખરો’’ માયાબહેન ધીમેથી બોલ્યાં.

‘‘મા, મા... અક્ષયની જીભ થોથવાઈ. મા, સીમા સાથે પણ આપણી સંથ્યા જેવું જ....’’ અક્ષયે કાર સાઈડ પર ઉભી રાખી. આંખમાં ખાળી રાખેલાં આંસુ હવે ધોધ બની વરસવા લાગ્યા.

‘‘શું ?’’ કહેતા મનસુખભાઈ સ્તબ્ધ થઈ ગયા. વાતાવરણમાં સન્નાટો પથરાઈ ગયો. તેમની આંખ સામે માસુમ દીકરી સંધ્યા આવીને ઉભી રહી ગઈ. ગૉલેજથી પાછી ફરતી માસુમ સંધ્યા કેટલાક નરાધમોની હેવાનિયતનો ભોગ બની હતી અને ડર અને ક્ષોભની મારી એક સાંજે ઘરના પંખે જ... દીકરીની ચિત્તને અગ્નિદાહ આપ્યા પછી મનસુખભાઈ સાવ ભાંગી પડ્યા હતા, પણ નરાધમોને સજા અપાવવાથી માંડીને ભાંગી પડેલા મા-બાપને ટેકો આપવામા અક્ષય સફળ રહ્યો હતો.

એક પછી એક ઘટનાક્રમ ત્રણેયની આંખ સામેથી સેકન્ડમા પસાર થઈ ગયો. કોઈ કાંઈ ન બોલ્યું. ધીમેથી માયાબહેને અક્ષયના ખભે હાથ મુક્યો. ‘‘દીકરા, મને તારામા પુરો ભરોસો છે.’’

અને અક્ષયે સીમાના ઘર તરફ ગાડી પાછી વાળી.

સંતોષ

- સોનલ ગોસલિયા

આજે પણ ઑફિસે પહોંચવામાં જિજ્ઞાને થોડું મોડું થયું. હજુ પોતાના ટેબલ પર ગોઠવાય એ પહેલાં તો ચપરાસીએ આવીને કહ્યું, ‘‘જિજ્ઞાબહેન સાહેબ તમને બોલાવે છે’’ જિજ્ઞા કપાળ પરથી પરસેવો લૂછતા સાહેબના કેબિનનું ડોર નોક કરી પરમિશન લઈ અંદર દાખલ થઈ. સ...ર...ગુ...ડ... મોર્નિંગ ડરતાં ડરતાં જિજ્ઞાએ વિશ કર્યું. ફાઈલમાં ચહેરો ખુંપાવેલો રાખીને જયરાજે ગુસ્સામાં જવાબ આપ્યો, છેવટે ઑફિસમાં આવવાનો સમય મળ્યો ? શા માટે આવ્યા ? સર... મેં ફોન કરીને વ્યાસભાઈને જણાવ્યું હતું કે મારા પપ્પાની તબિયત સારી ન હોવાથી ત્રણ દિવસની લિવ લઉં છું. જયરાજે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો... તમને ખબર નથી કે લિવ પૂછીને લેવી પડે છે. તમે પૂછ્યું નથી જણાવ્યું હતું. ઘણો ફરક છે આ બે વાતોમાં. આ ઑફિસ છે, ધર્મશાળા નથી કે મન ફાવે ત્યારે આવો, રજા રાખો કે પછી વહેલાં જ નીકળી જાવ છો. પગાર પૂરો લઈને શા માટે કંપનીનાં રૂલ્સ ફોલો નથી કરતાં ? જયરાજે તીખા અવાજે કહ્યું... સર મારે બે બસ બદલીને આવવું પડે છે. હમણાંથી બસનાં ટાઈમિંગ બદલાઈ ગયા છે. બસ... બસ.. બહુ થયું... આ કાયમી ગોખેલાં કારણો મને મોઢે થઈ ગયાં છે... એક કામ કરો તમારા ઘરની નજીક કોઈ જોબ શોધી લો. આ જોબ માટે તમે યોગ્ય નથી. સર પ્લીઝ આવું ના કરો, મારી ઘણી મજબૂરી છે. મારા ઘરની જવાબદારી મારા પર છે સર. આ ઑફિસ જેટલી સુરક્ષિત બીજી કોઈ જગ્યા નથી. સ્ત્રી માટે એનું ચારિત્ર્ય બહુ અણમોલ હોય છે. અહીંનો સ્ટાફ ખૂબ જ કેરિંગ અને ચારિત્ર્યવાન છે. ના એટલે ના... તમે જઈ શકો છો... આ સાંભળી જીજ્ઞા ઉદાસ ચહેરે, ભાંગેલા પગે બહાર જવા લાગી. સાંભળો... કોણ જાણે કઈ વાત વિચારી જયરાજે પાછળથી બુમ મારી... એક છેલ્લો ચાન્સ આપું છું. હવે નહિ ચલાવું. હવે જાવ અને તમારું કામ કરો... થેંક યુ સર બોલી સજળ આંખે બહાર નીકળી ગઈ. મનમાં ગુસ્સો ધૂંધવાઈ રહ્યો હતો. માણસની મજબૂરી જ એની લાચારી બને ? કોઈની મજબૂરી ના સમજે એ માણસ જ ના કહેવાય. પથ્થર જેવા છે જયરાજ સર. કોઈની સાથે હસીને બોલ્યા હોય એવું સપનામાંય બન્યું નથી. બધા એમનાથી ફફડે... ઑફિસમાં આવે ને જાય ત્યાં સુધી સ્મશાન જેવી શાંતિ છવાઈ જાય. અધૂરામાં પૂરું સીસીટીવી કૅમેરા લગાવી દીધા. જે થોડી ઘણી મજાક થતી હતી એ પણ અટકી ગઈ. કમ્પ્યૂટર ઓન કરી જીજ્ઞા કામ લાગી ગઈ. બે દિવસનું પેન્ડિંગ કામ પણ પતાવવાનું હતું. આખી રાતના ઉજાગરાને કારણે માથામાં અસહ્ય પીડા પણ હતી. પર્સમાંથી ટેબ્લેટ કાઢી ગળી લીધી. થોડીવાર પછી ચ્હા પણ પીધી. થોડી રાહત અનુભવી. મનમાં એક જ વિચાર સળવળતો રહ્યો. સાહેબે કેટકેટલું સંભળાવ્યું ? બધાને ઉતારી જ પાડે છે. કોણ જાણે કેવી માટીના બનેલા છે. આવાં વિચારોથી જયરાજ પ્રત્યે એનું મન ખાટું થઈ ગયું. ઑફિસ છૂટતાં જ બસ સ્ટેન્ડ તરફ દોડી પડી. આ બસ ચૂકી જઈશ તો બીજી બસનો ટાઈમ પણ ચૂકી જઈશ.

જયરાજ નીચે ઊતર્યો. ગાડી સ્ટાર્ટ કરી. એણે જીજ્ઞાને દોડતી જોઈ. મનમાં થયું આજે આનું જુઠ્ઠાણું પકડવું જ પડશ. કોઈક સાથે ફરતી હશે. ઑફિસમાં મોડા પડવાના અનેકો બહાનાં બનાવતી આ છોકરી કેટલી સાચી અને કેટલી જુઠ્ઠી છે એ આજે પકડવું છે. જય દૂરથી બધું જોઈ રહ્યો. બસ સ્ટેન્ડ પર ઉભેલી જીજ્ઞા ઘડી ઘડી ઘડિયાળ તરફ જોતાં મોઢા પર અકળામણના ભાવ તરી આવ્યા. બસ આવી, સફાળી ચઢીને જગ્યા મળતા બેસી ગઈ... જયે ગાડી બસની પાછળ દોડાવી. બે સ્ટોપ પછી જીજ્ઞા ઊતરી ઊભી રહી. દસ મિનિટ પછી બીજી બસ આતા ધક્કામુક્કીમાં ચડી ગઈ. ઊભા ઊભા ધક્કા ખાતી, આજનો ઠપકો યાદ કરતાં એની આંખો ભીંજાઈ ગઈ. સ્ટોપ આવતાં ઊતરી ગઈ. બરાબર એક કલાકે એ ઘરે પહોંચી (ઑફિસથી.)

જયરાજ મનોમન બોલ્યો... આ તો સાચું બોલતી હતી. આટલે દૂરથી આવતી હોય તો થોડું ઘણું મોડું તો થાય જ ને ? એને થયું લાવને બીજા બહાનાં સાચાં છે કે ખોટાં એ પણ કન્ફર્મ કરી લઉં ? એણે ગાડી એક ગલીમાં પાર્ક કરી. જીજ્ઞાની પાછળ ચાલવા લાગ્યો... અંધારું ઊતરી ચૂક્યું હતું. જીજ્ઞા ઉતાવળે પગે ઘરમાં દાખલ થઈ. જય ખુલ્લી બારીમાંથી અંદર જોવા લાગ્યો. જીજ્ઞા ખાટલામાં સૂતેલા પિતા પાસે જઈ પાણી પીવડાવવા લાગી. પપ્પા કેવું છે તમને ? બપોરની દવા લીધી હતી ને ? બેટા, ઠીક છે... ખાંસી એટલી આવે છે કે ફેફસાં દુઃખવા લાગ્યા છે. પપ્પા સવારે ડૉક્ટર કાકા પાસે ગઈ હતી. એમણે ઍક્સ-રે પડાવવાનું કહ્યું છે પણ હમણાં મારી ઑફિસથી રજા લેવું અશક્ય છે. આજે સાહેબે લાસ્ટ નોટિસ આપી છે. બેટા મારા લીધે તારે ઘણું સહન કરવું પડે છે ને ? હું કેટલો લાચાર છું... ના પપ્પા... એવું ના કહો. નોકરીમાં આવું ચાલ્યા કરે. ચાલો તમને ચ્હા પીવડાવું. હમણાં બનાવીને લાઉં છું. કળશ ક્યાં ગયો ? બેટા હજી એ ટ્યુશનમાંથી આવ્યો નથી... એને પણ આજે તાવ હતો. મેં મેટાસિન આપી દીધી પણ એનાથી તારી કફોડી હાલત જોવાતી નથી. ખૂબ મહેનત કરે છે ભણવામાં... સારી નોકરી મળે તો દીદીને કામ કરવા જ નથી દેવું, એ જ ઝનૂન એના મનમાં ઘૂમરાયેલું છે. તબિયતના કારણે તારે છેલ્લા ચાર રાતથી ઉજાગરા થાય છે. દિવસે ઑફિસનું કામ... તું માંદી પડીશ તો તારું કોણ ધ્યાન રાખશે, મારી વહાલી દીકરી ? જીજ્ઞા પપ્પાને વળગી પડી. પપ્પા હું તમારું ધ્યાન રાખું છું તો મારું ધ્યાન રાખનારો ઈશ્વર બેઠો છે. આ સેવાનું ફળ એ મને જરૂર આપશે. ક્યારેક આપણું જીવન પણ સુખના સરોવરમાં આનંદની છોળોમાં ભીંજાતું, આનંદ લેતું, હસતું રમતું થશે પપ્પા... બોલતાં બોલતા ભાદરવાના નીર આંખોના સહારે ધમધમાટ વરસી પડ્યા.

બારીની બહાર ઊભેલા જયરાજની આંખોમાંથી લાગણી નીતરવા લાગી. ભીંજાયેલી આંખો લૂંછતા એ ગાડી તરફ ગયો. ગાડીમાં બેસતાની સાથે સ્ટિયરિંગ પર માથું ઢાળીને રડવા લાગ્યો. મારા પથ્થર જેવા હ્ય્દયમાં લાગણીનું એક ટીપું પણ નથી. આ મજબૂર છોકરીને મેં કેટકેટલાં મ્હેણાં માર્યા, આકરા શબ્દો કહ્યા પણ એની મજબૂરીનો એક અંશ પણ ના અનુભવ્યો ? આજે હું એની પાછળ ના આવ્યો હોત તો કાલે કદાચ લેટ થવાથી હું એને કાઢી મૂકત... કેટલો મોટો ગુનો કરત ? એની લાગણી માત્રથી મને વેદના થાય છે. એ જ્યારે મને સોરી સર કહેતી ત્યારે કેમ મેં એના હૈયાની કારમી વ્યથા ના અનુભવી ? ભારે હૈયે એણે ઘર તરફ ગાડી હંકારી... જમ્યા વગર સૂઈ ગયો. સવારમાં વહેલો ઑફિસે પહોંચી ગયો. જિજ્ઞાની વાટ જોવા લાગ્યો.

દસ વાગ્યા... બધો સ્ટાફ આવી ગયો, જીજ્ઞા સિવાય. બાર વાગે જીજ્ઞા આવી. કૅમેરામાંથી એણે જોઈ લીધું. જીજ્ઞાએ કેબિન પાસે આવી નોક કર્યું. કમ ઈન સાંભળતાં જ અંદર ગઈ... એક કવર મૂક્યું ટોબલ પર આ શું ચે જીજ્ઞા ? સર... મારું રેઝિગ્નેશન છે. સોરી સર... મારે રોજ ઑફિસ ટાઈમ કરવા આવવામાં લેટ થઈ જાય છે. મારા પપ્પા ખૂબ જ બીમાર છે ને મારે સતત એમની પાસે રહેવું પડે છે. સર એક વિનંતી છે. મારા મહિનાનો પગાર આજે આપી શકો ખૂબ ખૂબ મહેરબાની. જીજ્ઞા નીચું મોઢું રાખીને ફક્ત આટલું જ બોલી શકી. એનો ડૂમો ભરાઈ ગયો. જયરાજ જીજ્ઞા પાસે ગયો. રેઝિગ્નેશન લેટર ફાડી નાખ્યો. જીજ્ઞા તારે આ જોબ નથી છોડવાની... પણ... સર... પણ બણ કંઈ જ નહિ. આ કંપનીને તારા જેવા એમ્પોઈઝની ખાસ જરૂર છે. તારા જેવી ખુદ્દાર સ્ત્રી જીવનની ઘટમાળમાંથી અંતરની શ્રધ્ધા વડે હળવીફૂલ થઈને બીજાને મીઠાશ વડે સમૃધ્ધ કરે છે. તું તારા પપ્પાની ખૂબ સેવા કર ઘરે જ રહીને. તારો પગાર તને ઘરે મળી જશે. ના... ના... હું તારા પર કોઈ અહેસાન નથી કરી રહ્યો. માનવતા શીખી રહ્યો છું. આ પથ્થરમાં થોડા માનવતાનાં મોજા અથડાઈ રહ્યાં છે. આજથી મારી ઑફિસમાં કોઈની મજબૂરી એની લાચારી નહિ બને. ઐયરને કહું છું તારો પગાર આપી દેશે અને હા ક્યારેય પણ પૈસાની જરૂર પડે તો વગર સંકોચે માંગી લેજે. આજથી તારા પરિવારની જવાબદારી. લોકો બાળકો દત્તક લે, કોઈ ગામોનાં ગામો દત્તક લે... હું તારું કુટુંબ દત્તક લેવા માંગુ છું. જીજ્ઞાની આંખમાં આંસુ ઘસી આવ્યાં. હૈયુ હળવાશ અનુભવવા લાગ્યું. મનમાં બોલી ઊઠી ઈશ્વર તું માણસનાં રૂપમાં પણ હોય છે ખરું ને ? ખૂબ ખુશ થતી, પર્સ ઝુલાવતી, પોતાનો પગાર લઈ ઘર તરફ રવાના થઈ. આજે એના ચહેરા પર સંતોષની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. સંતોષ એક હૂંફનો... સંતોષ એની પ્રામાણિકતાનો.

ખુશીઓનો ખજાનો

- બૈજુ જાની

હોસ્ટેલના એડમીશન રૂમમાં ઓફિસરે વિશેષ અને માનવની ઓળખાણ કરાવી અને એમને એક રૂમની ચાવી આપી. આગામી ત્રણ વર્ષ માટે તેઓ હવે રૂમ પાર્ટનર્સ હતાં. વિશેષે રૂમનું તાળું ખોલ્યું. સામાન મૂકી બં જણા રૂમનું અવલોકન કરવા લાગ્યા. રૂમનું લોકેશન ખુબ સરસ હતું. ચારે બાજુ ઘટાદાર વૃક્ષો, ઠંડો આહલાદક પવન, ચાર માળની બિલ્ડીંગમાં ત્રીજા માળ પર હતો આ રૂમ. બાકી બધું જ બરાબર હતું પણ વિશેષને એક વસ્તુનો વિચાર આવ્યો. સામાન રાખવા માટેનો લાકડાનો કબાટ જરાપણ મજબુત ન હતો.

વિશેષના પપ્પા અક બીઝનેસમેન હતાં. પૈસેટકે એકદમ સુખી. વિશેષને જરૂરી અને શોખની એવી કોઈપણ વસ્તુની કાયરેય કમી ન રહેતી. સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં એડમીશન મળતાં જ પપ્પાએ લેપટોપ, લેટેસ્ટ ફોન વગેરે બધી વસ્તુઓની સુવિધા કરી આપી હતી. વિશેષને ચિંતા એ હતી કે આવા ખખડધજ લાકડાના કબાટમાં આવી મોંઘીદાટ વસ્તુઓ સુરક્ષિત ન રહે. માનવે આ લાકડાના કબાટમાં પોતાનો સામાન ગોઠવવાનો ચાલુ કરી દીધો હતો. વિશેષે માનવને પૂછ્યું, યાર આ લાકડાનાં કબાટની હાલત કેવી બેકાર છે. આમાં આપડી કિંમતી વસ્તુઓ કેવી રીતે રાખીશું.

માનવે કહ્યું હા, કબાટની હાલતતો ખરાબ છે પણ હવે જે છે એનાથી જ ચલાવવું પડશે.

માનવ એક અત્યંત મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતો હતો. એના પપ્પા એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ લખતાં હતાં. ખુબ મહેનત કરીને માનવ એન્જીનીયરીંગ કોલેજ સુધી પહોંચ્યો હતો. એ પોતાનાં કુટુંબની પરિસ્થિતિ વીશે જાણતો હતો અને એને આ વાતનો કોઈ અફસોસ પણ ન હતો. એટલે જ્યારે વિશેષે કહ્યું દોસ્ત આપણે એક મજબુત અલમારી ખરીદવી જ પડશે, ત્યારે માનવે બેધડક કહ્યું કે મને અલમારીનો ખર્ચો પોસાય એમ નથી. આ જવાબે બે મિનીટ માટે વિશેષને વિચારતો કરી મુક્યો પણ માનવની નિખાલસતા એને ગમી. બીજા દિવસે વિશેષના પપ્પાએ અલમારીની વ્યવસ્થા કરી આપી. વિશેષ ઉત્સાહથી એમાં બધી વસ્તુઓ ગોઠવવાં લાગ્યો. માનવ શાંતિથી એને જોતો હતો. વિશેષને જરા અજુગતું લાગ્યું.

એણે માનવને પૂછ્યું, દોસ્ત જો તારે અલમારીની જરૂર હોય તો હું પપ્પાને કહીને બીજી મંગાવી લઉં.

માનવે કહ્યું, આભાર, પણ મારે એની જરૂર નથી કારણ કે મારી પાસે આટલી બધી કિંમતી વસ્તુઓ જ નથી.

વેશેષને નવાઈ લાગી.

એણે પૂછ્યું શું એવી એક પણ ચીજ નથી જે તારા માટે કિંમતી હોય ?

માનવે કહ્યું, હા છે ને.

વિશેષ જાણવા માટે ઉત્સુક હતો.

માનવે લાકડાના કબાટમાંથી પોતાનાં કપડાઓની નીચે રાખેલી એક થેલી કાઢી અને વિશેષને કહ્યું બસ આ મારો કિંમતી સામાન છે.

વિશેષે પૂછ્યું, આ ? શું છે આમાં ?

માનવે કહ્યું ખાસ કઈ નહીં પણ મારા માટે આ બહુ જ કિંમતી છે.

વિશેષને થેલી વિશે વધારે પૂછવું યોગ્ય ન લાગ્યું. એણે માનવને કહ્યું. દોસ્ત, જો આ થેલી તારા માટે ખરેખર કિંમતી હોય તો તું મારી અલમારીમાં મૂકી શકે છે. માનવે વિચારીને કહ્યું, ઠીક છે, પણ એક શરત છે. મારી પરવાનગી વગર તું એને જોઈશ નહીં.

વિશેષે હસીને કહ્યું, ઠીક છે ઠીક છે.

બીજાં દિવસથી કોલેજ શરુ થઈ ગઈ. માનવ અને વિશેષ ધીમે ધીમે સારા મિત્રો બનતાં જતાં હતાં. માનવનું વ્યક્તિત્વ વિશેષને ખુબ ગમતું. વિશેષ જેટલી મોટી ખિસ્સાખર્ચી એને નહોતી મળતી. એટલે એનો હાથ બહુ છુટો ન રહેતો. વિશેષને આ બાબતની જાણ હતી. એ માનવને મદદ કરવા હંમેશા તૈયાર રહેતો પણ માનવ કદીપણ પૈસાની મદદ લેતો નહી. છતાંપણ એ હંમેશા ખુશ રહેતો. ભણવામાં અને બીજી ઈત્તર પ્રવૃત્તિઓમાં માનવ હંમેશા આગળ રહેતો. માનવને પણ વિશેષ સાથે ફાવતું હતું. એક મોટા બીઝનેસમેનના એકમાત્ર સંતાન હોવાનું એને કોઈ અભિમાન ન હતું. બંનેની દોસ્તીમાં વિશેષ ક્યારેય પૈસાને વચ્ચે આવવા દેતો નહી. આમ કરતાં એક વર્ષ પૂરું થઈ ગયું.

માનવ અને વિશેષ હવે જીગરજાન મિત્રો હતાં. કોઈપણ વાત અકબીજાથી ક્યારેય છુપી રહેતી નહીં. આ એક વર્ષમાં માનવ વિશે બસ એક જ વસ્તુ ગુપ્ત હતી એ પેલી થેલી, જે એણે વિશેષના કબાટમાં મૂકી હતી. જ્યારે જ્યારે કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે માનવ વિશેષ પાસેથી થેલી માંગતો, હોસ્ટેલના ધાબા પર જતો. એકલો. ઘણીવાર જ્યારે માનવ ઉદાસ હોય ત્યારે પણ એ આ થેલી લઈને ધાબા પર જતો રહેતો. વિશેષે આ વસ્તુનું ઘણીવાર અવલોકન કરેલું. બે ત્રણ વાર તો એણે પૂછ્યું પણ ખરું.

યાર, આ થેલીમાં એવું શું છે ? તું ખુશ હોય ત્યારે ય એ માંગે છે અને ઉદાસ હોય ત્યારેય માંગે છે ?

કંઈ ખાસ નથી. પણ એકદમ ખાસ પણ કહેવાય. તમે સમય આવે બધી ખબર પડશે. માનવ હસીને કહેતો.

વિશેષને કંઈ સમજાતું નહીં. પણ એ પ્રાઈવસી ને માન આપતો. એણે કદી માનવને પૂછ્યા વગર એની થેલીને અડકી નહોતી. અને કદાચ એની આ પ્રામાણિકતાને માનવ જાણતો હતો એટલે જ પોતાની એક માત્ર કિંમતી વસ્તુ એણે વિશેષના કબાટમાં મૂકી હતી.

વિશેષે નાનપણથી જ એકદમ સુખ સાહ્યબીવાળી જિંદગી જોયેલી. નાની અમથી મુશ્કેલી કે થોડી નિષ્ફળતા એને હલાવી દેતી. એ તરત ઉદાસ થઈ જતો. બસ પછી એ રૂમમાં એકલો બેસી રહેતો. ગુમસુમ. માનવને આ વાતની જાણ હતી. આવા વખતે માનવ એને ઘસડીને બહાર લઈ જતો. બંને નદી કિનારે લટાર મારવા જતાં રહેતાં. વિશેષ માનવને કહેતો કે તું હંમેશા તો મારી પાસે નથી રહેવાનો. જ્યારે તું મારી સાથે નહીં હોય ત્યારે મને તારી ખોટ સાલશે દોસ્ત. માનવ હંમેશા એને કહેતો કે, આપણે આપણી જાતને એટલી મજબુત બનાવવી જોઈએ કે કોઈપણ દુઃખમાંથી આપણે જાતે જ બહાર આવી શકીએ. પણ હા, મારી શુભેચ્છાઓ હંમેશા તારી સાથે રહેશે.

એક રાત્રે માનવના પિતાનો ફોન આવ્યો, વિશેષના મોબાઈલ પર. માનવને કોઈ અગત્યના કામથી ઘરે જવું પડે એમ હતું. બીજા જ દિવસે વિશેષની ટેનીસ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. માનવ મેચ વખતે હાજર નહીં હોય એ જાણી વિશેષ ઉદાસ થયો પણ માનવનું જવું જરૂરી હતું. આજે માનવે ફરી તેની થેલી માંગી. વહેલી સવારે વિશેષને બેસ્ટલક કહી એ ઘરે જવા નીકળી પડ્યો.

વિશેષ એક સારો ટેનીસ પ્લેયર હતો. આ ટુર્નામેન્ટ જીતવા એણે ખાસ્સી મહેનત કરી હતી. પણ આજે એનો જે પ્રતિસ્પર્ધી હતો તે પણ અનુભવી ખેલાડી હતો. મેચ ખુબ રસાકસી ભરી હતી. વિશેષ આજે વિશેષ જુસ્સાથી રમતો હતો પરંતુ ધીમે ધીમે પ્રતિસ્પર્ધી તેના પર હાવી થતો હતો. એક લાંબી લડત આપવા છતાંય વિશેષ મેચ જીતી શક્યો નહીં. રનર્સઅપનું ઈનામ સ્વીકારવા એ ઉભો થયો ત્યારે બધાએ એને તાળીઓથી વધાવી લીધો પણ વિશેષ ઉદાસ હતો. આજે માનવ પણ હતો નહીં.

એ સીધો પોતાનાં રૂમ પર પહોંચ્યો અને રૂમ બંધ કરી બેસી ગયો. થોડીવાર પછી એણે પપ્પાને ફોન કર્યો મેચના સમચાર આપવા. પપ્પાએ ફોન રીસીવ કરતાં જ કહ્યું બેટા વધું વાત નહીં કરી શકું. ધંધામાં એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે તેમાં ફસાયો છું પણ તું ચિંતા ન કરતો રાત્રે ફોન કરીશ. પપ્પા પણ કંઈક મુશ્કેલીમાં છે એ જાણી વિશેષનો મૂડ વધું ખરાબ થઈ ગયો. અત્યારે એને માનવની ખુબ યાદ આવતી હતી.

એણે થોડો સમય લેપટોપ વગેરેથી મન બીજે વાળવા પ્રયાસ કર્યો. પણ બેકાર. એને ક્યાંય ગમતું ન હતું. એવામાં એની નજર માનવના પલંગ પર પડી. માનવની થેલી જે વિશેષની અલમારીમાં રહેતી એ પલંગ પર પડી હતી. વિશેષને નવાઈ લાગી. માનવ જ્યારે પણ એ થેલી માંગતો ત્યારે ફરી એને અલમારીમાં વ્યવસ્થિત મુકાવતો. ક્યારેય આ બાબતમાં ચૂક નહોતી થઈ. વિશેષને લાગ્યું આજે કદાચ ઘરે જવાની ઉતાવળમાં ભૂલી ગયો હશે. એણે થેલી લીધી અને અલમારીમાં મૂકી. અચાનક તેને વિચાર આવ્યો, શું હશે આ થેલીમાં ? માનવ પોતે ઉદાસ હોય ત્યારે આ થેલી લઈ ધાબે જાય અને ખુશ થઈ પાછો આવે. એવું તે શું હોઈ શકે ? લાવ જોઉં ? ના ના, માનવને પૂછ્યા વગર કેમ જોવાય ? માનવે કહ્યું હતું કે સમય આવ્યે તને ખબર પડી જશે આમાં શું છે. કદાચ માનવ જાણી જોઈને થેલી બહાર મુકીને ગયો હશે ? વિશેષ ઘણાંબધા વિચારોથી ઘેરાઈ ગયો. અંતે એ પોતાની જાતને આજે થેલીમાં શું છે એ જોવાની જિજ્ઞાસાથી અટકાવી ન શક્યો. એણે થેલી બહાર કાઢી અને શાંતિથી જોવા પલંગ પર બેઠો.

થેલીમાં એક ડાયરી હતી. ખુબ જ ઉત્સુકતાથી વિશેષે એને ખોલી અને વાંચવાનું શરુ કર્યું. એ ચકિત થઈ ગયો. માનવે આ ડારીમાં પોતાનાં જીવનમાં આવેલી નાનામાં નાની ખુશીઓની નોંધ કરી હતી. શેરીની કુતરીને નાના ગલુડિયાં આવ્યા એની પણ અને પોતાને એન્જીનીયરીંગ કોલેજમાં એડમીશન મળ્યું એની પણ નોંધ એમાં હતી. આટલી બધી ખુશીઓ વીશે વાંચીને વિશેષનું મન પણ આનંદિત થઈ ગયું. ડાયરીના પ્રથમ પાનાં પર માનવે લખ્યું હતું કે, ‘‘ગરીબમાં ગરીબ માણસ પાસે પણ એવા ક્ષણોની પુંજી હોય છે જે ક્ષણોમાં એને આનંદનો અનુભવ થયો હોય. સવાલ એ છે કે આપણે જે રીતે ખરાબ ક્ષણોને યાદ રાખીઅએ છીએ એવી રીતે આનંદના ક્ષણોને યાદ કરીએ છીએ ખરા ?’’

ડાયરીનાં પ્રથમ પાના પર માનવે એક કવિતા લખી હતી, જેની ચાર પંક્તિઓ વિશેષના હ્ય્દયને સ્પર્શી ગઈ.

હોય એટલું જોર હવે લગાવ જિંદગી,

દમ હોય તો મને હવે સતાવ જિંદગી.

ગોતી લઉં છું આનંદ દરેક વાતમાંથી,

દમ હોય તો મને હવે રડાવ જિંદગી.

વિશેષને આજે સમજાયું કે માનવ જ્યારે ખુશ હોય ત્યારે આ ડાયરીમાં એની નોંધ કરતો અને જ્યારે ઉદાસ હોય ત્યારે આ ખુશીની પળોને ફરીથી વાગોળતો. આ જ રીતે એ હંમેશા ખુશ રહી શકતો. એણે પ્રભુનો આભાર માન્યો કે એની પાસે માનવ જેવો મિત્ર છે.

સોમવારે સવારે માનવ પાછો આવ્યો. રૂમમાં એક નવી નક્કોર અલમારી પડી હતી.

માનવે વિશેષને પૂછ્યું આ અલમારી ?

તારી માટે એક નાની ભેટ. તારી ખુશીઓના ખજાનાને સલામત રાખવા. અજકાલ તું એ ખજાનો પલંગ પર ભલૂ જાય છે.

બંને ખડખડાટ હસીને ભેટી પડ્યાં.

પ્રેમ એટલે ?

- રક્ષિત શાહ

‘‘ટેમ્પો વાળો આવી ગયો...’’ આલાપે નીચેથી બૂમ પાડી. સ્વરાએ ગેલેરીમાંથી આલાપ જોડે આંખો મિલાવી. ચાર મજૂરો તૈયાર જ હતા. તરત જ સામાન પહેલા માળે લઈ જવાનું અને ગોઠવવાનું શરુ થઈ ગયું. આલાપની સરકારી નોકરી હતી અને એ લાંચ લેતો નહોતો એટલે એની બદલી થતી રહેતી હતી. હવે વારો હતો અમદાવાદનો. આલાપ અને સ્વરાના લગ્ન થયે પાંચ વર્ષ થયા હતા. ૩ વર્ષનો સૂર એટલે એમના પ્રેમનું પરિણામ. શ્રેયસ ક્રોસિંગ પાસે એક ફ્લેટ ભાડે મળ્યો હતો. બધું ગોઠવાતા ગોઠવાતા રાત પડી ગઈ.

સોમવારની સવારે એક ટ્રેનના અવાજે અલાર્મ પહેલા જ સ્વરા અને આલાપને જગાડી દીધા. ઑફીસ જવાની તૈયારી શરુ થઈ. ‘‘અરે યાર, ટીફીન ભર્યું કે નહિ ? નવ વાગી ગયા અને હજી તો ગાંધીનગર જવાનું છે.’’ આલાપ ઉતાવળો થતો હતો. પહેલા દિવસે મોડો પડવા નહોતો માંગતો.

‘‘હા, હા, લાવી... હજી કાલનો થાક ઉતર્યો નથી. બહુ ઉંઘ આવે છે.’’ સ્વરા વાક્ય પૂરું કરે એ પહેલા જ બારણા પર ટકોરા પડ્યા. જોયું તો એક પ્રૌઢ વ્યક્તિ હતા. ‘‘હું ચીમનભાઈ. આ તમારા સામેના ઘરમાં રહું છું.’’ એમણે એમનો પરિચય આપ્યો. ‘‘આવો, કાકા બેસો.’’ સ્વરાએ આવકાર આપ્યો. આલાપ અકળાયો. ‘‘આ ડોસા એમની વાર્તા શરુ કરશે તો મારું ટીફીન આવી રહ્યું.’’ ચીમનભાઈ બોલ્યા ‘‘અરે, ના, અંદર નથી આવું. તમારી કઈ વસ્તુની જરૂર હોય તો કહેજો.’’ એમ કહીને પાડોશી જોડે પહેલી મુલાકાત પૂરી થઈ.

સાંજે આલાપે પૂછ્યું. ‘‘પેલા કાકા પછી આવેલા કે ?’’ સ્વરા બોલી ‘‘ના, આખો દિવસ એમનું બારણું બંધ જ હતું. કદાચ એકલા જ રહેતા લાગે છે.’’ અને ત્યાં જ ચીમનભાઈ નું આગમન થયું. ‘‘જમવા આનું કે.’’

‘‘અરે આવો કાકા.’’ સ્વરા એ સ્વાગત કર્યું.

‘‘તમે લોકો ક્યાંના છો ?’’

‘‘અમે મૂળ જામનગર પાસે હાલાર ગામના.’’

અને આ રીતે ચીમનભાઈ એ ઘરડા લોકોની ટિપિકલ પ્રશ્નાવલી પૂરી કરી. સ્વરા અને આલાપે જવાબો આપે રાખ્યા. તેમનો સવાલ પૂછવાનો વારો જ ના આવ્યો. રાત્રે પતિ-પત્ની વચ્ચે એમના વિષે ચર્ચા થઈ કે કાકાને બહુ બોલવા જોઈએ છીએ.

થોડા દિવસ વીત્યા. ચીમનકાકા અઠવાડિયામાં એકાદ વાર બે-ચાર મિનીટ જ માટે આવતા હતા. બીજા બધા પાડોશીના બારણા હમેશા બંધ જ રહેતા એટલે ચીમનકાકા વિષે કોઈને પૂછવું પણ શક્ય નહોતું.

સ્વરાની તબિયત થોડી નરમ-ગરમ ચાલતી હતી. બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. એક દિવસ તો આલાપને ટીફીન આપવામાં મોડું થઈ ગયું. સુરની પણ થોડી હેરાનગતિ ચાલુ જ હતી. સ્વરાથી ખવાતું પણ નહોતું. પેટમાં થોડો દુખાવો રહેતો હતો. આલાપ સાંજે ઘેર આવ્યો ને જોયું કે સ્વરા પથારીમાં જ હતી. બંને વચ્ચે સાંજના ખાવાને લઈને થોડી ચકમક ઝરી. નજીકના દાક્તરે કીધું કે ૧૫ દિવસ તો સંપૂર્ણ આરામ કરવો જ પડશે.

‘‘સ્વરા, તું તારા પિયર જતી રહે. ત્યાં તારે સારો આરામ થશે.’’

‘‘ના, હું અહી જ રહીશ. ત્યાં મારી મમ્મીની તબિયત પણ સારી નથી. એ બિચારી મારું શું કરશે ?’’

‘‘અરે, તું સમજતી કેમ નથી, મને તારી સેવા કરવાનું નહિ ફાવે. ૧-૨ દિવસ હોય તો સમજ્યા, પણ આ તો ૧૫-૨૦ દિવસ છે.’’

આ ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્યાં જ ચીમનકાકાની એન્ટ્રી થઈ. ‘‘આજે તો સ્વરાનો સ્વર સંભળાય છે ને કઈ ?’’

‘‘આવો ચીમનકાકા...’’

‘‘સ્વરા, કેમ ઢીલી લાગે છે ?’’

‘‘ટાઈફોઈડ છે. ૨૦ દિવસ આરામ કરવાનો છે. હું કહું છું કે પિયર જતી રહે, પણ માનતી જ નથી. આપડે પુરુષ માણસને આવી રીતે સેવા-ચાકરી કરવી ફાવતી હશે કઈ ?’’ આલાપે એનો બધો બળાપો કાઢ્યો.

‘‘આ તો ૨૦ દિવસ છે, વધારે હોય તો ? પતિ-પત્ની એ એકબીજાની સંભાળ તો રાખવી જ પડે ને.’’ સ્વરાએ ત્વરિત વિરોધ નોંધાવ્યો.

ચીમનકાકાની મુખમુદ્રા ગંભીર થઈ ગઈ. તેમણે આલાપને પૂછ્યું ‘‘તું સ્વરાને પ્રેમ કરે છે ?’’

‘‘એટલે ? આ કેવો સવાલ છે ? એ મારી પત્ની છે એટલે પ્રેમ તો હોય જ ને !’’

‘‘પ્રેમ એટલે શું ?’’ ચીમનકાકાએ ગુગલી ફેંકી.

‘‘પ્રેમ એટલે... અ...અ...એક-બીજાને ગમવું.’’

‘‘બસ...એટલું જ ?’’

‘‘હા... બીજું શું ?’’ આલાપે થોથવાતા જવાબ આપ્યો.

‘‘ના બેટા, પ્રેમ એટલે સમર્પણ, ત્યાગ, હુંફ, સંભાળ વગેરે વગેરે... પ્રેમ તો બહુ બધી લાગણીઓનો સરવાળો છે.’’ ચીમનકાકા એ એમના જમાનાની પ્રેમની વ્યાખ્યા કરી.

‘‘અરે, કાકા એ બધું તો ચોપડીમાં હોય, જીવનમાં નહિ. આ જમાનામાં આવું કોઈ ના કરે. તમે જ કહો, તમે શું કરો ?’’ આલાપે મોઢું મચકોડ્યું.

‘‘હમમ... હું શું કરું ? ચાલો મારી સાથે...’’ ચીમનકાકા ઉભા થઈ ગયા. એમની પાછળ પાછળ આલાપ અને સુર સાથે સ્વરા પણ ચાલી. આજે પહેલી વાર તેઓ ચીમનકાકાના ઘરે જતા હતા.

ચીમનકાકા એ દરવાજો ખોલ્યો. દીવાનખાનું સુવ્યવસ્થિત હતું. શયનખંડમાં એક મહિલા સુતી હતી.

‘‘આ મારી પત્ની, મંગુ.’’ ચીમનકાકા એ બાજુના ટેબલ પર પડેલું પાણી પીધું અને વાત આગળ ચલાવી.

‘‘મારી ઉંમર ૬૮ વર્ષ. અમારા લગ્ન જીવનને ૫૦ વર્ષ થયા. મંગુ ૨૧ વર્ષની હતી. અમારે ત્યાં પારણું બંધાવવાનું હતું. અમે ખુબ ખુશ હતા. ૮માં મહિનામાં મંગુને અચાનક ખૂબ દુખાવો ઉપડ્યો. તે જમાનામાં આજના જેવા સાધનો હતા નહિ. દાક્તરે કોઈ ભૂલ કરી અને મંગુને ગર્ભાશયમાં ઈન્ફેક્શન થયું અને નિદાન થયું કે એ ફરી ક્યારેય માં નહિ બની શકે. આ તો હજી અમારી પરીક્ષાની શરૂઆત હતી. પછીના વર્ષે કેટલીક દવાઓની આડ-અસરને લીધે મંગુને પક્ષાઘાતનો હુમલો આવ્યો. તમામ જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. ઘણી દવા કરી પણ કઈ ખાસ ફર્ક ના પડ્યો. થોડા વર્ષો પહેલા એક બીજો લકવાનો હુમલો થયો હતો, ત્યારથી તો બોલવાનું પણ બંધ થઈ ગયું છે. પહેલા એક બાઈ રાખી હતી પણ પછી લાગ્યું કે બહારના લોકો આપણા જેવી સેવા તો ના જ કરે. મેં નોકરી છોડી દીધી. ઘરે બેઠા કાપડનો ધંધો ચાલુ કર્યો. ધંધા માટે એક માણસ રાખ્યો જેથી મંગુને જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે હું એની પાસે જ હોઉં.

હવે તો ધંધો પણ આટોપી લીધો છે. રોજ સવારે મંગુને બ્રશ કરાવવું, ચા બનાવવી, લીંબુ શરબત આપવું, ખીચડી, ઢોકળી આપવી વગેરે કામમાં દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી પડતી. બસ દર રવિવારે ૧૫-૨૦ મિનીટ દેરાસર જાઉં છું. એ જ મારું વેકેશન.’’

‘‘આપડી બે-ત્રણ મુલાકાતમાં ક્યારેય આ વિષે આપણે કોઈ વાત જ ન થઈ. તમે તો ખરેખર બહુ જ હિમ્મતવાળા છો.’’ આલાપ આશ્ચર્ય પામતા બોલ્યો.

‘‘હું કોઈને મંગુ વિષે કશું કહેતો નથી. હું નથી ઈચ્છતો કે લોકો મારા કે મંગુ પર દયા ખાય. અમે બંને કોઈ સામાન્ય પતિ-પત્નીની જેમ જ રહીએ છીએ. એ લોકો મોઢાથી વાત કરે છે જ્યારે અમે આંખોથી. આલાપ બેટા, મને ઘણા લોકોએ કીધું કે બીજા લગ્ન કરી લે. આવી રીતે જીવતર ના બગાડ. પણ હું ના માન્યો. મંગુની જોડે રહેવાના સોગંદ લીધા હતા મેં. એને તોડી કેવી રીતે નાખું.’’

‘‘કાકા, હું સમજી ગયો. પતિ-પત્નીના સંબંધ માત્ર જોડે રહેવાના અને ફરવાના નથી હોતા. એક-બીજાના સુખ-દુખમાં સાથ આપવો ખૂબ જરૂરી છે. તમારી પ્રેરણાને લીધે હવે સ્વરાને મારા લીધે કોઈ તકલીફ ના થાય એનું હું ધ્યાન રાખીશ.’’

‘‘હા, કાકા, તમારા જીવનમાંથી પ્રેરણા લઈને અમે એકબીજાની પડખે જ રહીશું.’’ સ્વરાએ સ્વર પુરાવ્યો.

‘‘મારા તમને આશિર્વાદ છે. ગમે તેવી પરિસ્થિતિમાં એક બીજાનો સાથ છોડવાનું ના વિચારતા. પ્રેમની કોઈ સીમારેખા નથી હોતી. પ્રેમ તો અનંત હોય છે. પ્રેમની ખરી પરીક્ષા કોઈ મુશ્કેલીમાં જ થાય છે. સોલી કાપડિયાના ‘‘પ્રેમ એટલે કે’’ ગીતના શબ્દો છે ને ‘‘દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.’’

સમયનું ઝરણું જાણે સ્થિર થઈ ગયું હતું અને આઠ આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

કરુણા

- પ્રવિણ સિંહ

મૈત્રીની માતા કરુણા પર સૌને કરુણા ઉપજી આવે એવો એક કિસ્સો એના જીવનમાં બની ગયો. મૈત્રી જ્યારે માત્ર ચાર મહીનાની હતી ત્યારે તેના પિતાને પરમેશ્વરનું તેડું આવી ગયું અને તેમણે પરિવારનો રામ રખેવાળ માની વૈકુંઠની વાટ પકડી. પૃથ્વી પરના આ નાનકડા એવા પરિવારને કોણ જાણે કોની નજર લાગી ગઈ ? કોનાથી આ પરિવારનું સુખ સાંખી શકાયુ નહી ?

કરુણાના દુઃખોનો આ દુનિયામાં કોઈ ભાગીદાર હતું નહી. મૈત્રીને મોટી કરી ભણાવવાની મસમોટી જવાબદારીએ કરુણાના જીવનને વધુ કરુણામયી બનાવી દીધું. પાંચ પાંચ પાડોશીના ઘરકામ કરીને કરુણાને માથે આવી પડેલી જવાબદારીને જડબાતોડ જવાબ આપવા કમરકશી લીધી. થાક શું કહેવાય એની વ્યાખ્યા હવે કરુણા કરી શકે તેમ ન હતી. સમય સમયનું કામ કરી રહ્યો હતો. મૈત્રી મોટી થઈ અને એણે શાળાએ જવાનું પણ શરૂ કરી દીધું હતું. કરુણાના જીવનમાં જો કોઈ વાતનું સુકુન હતું તો એ કે મૈત્રી અભ્યાસમાં તેજસ્વી હતી અને શાળામાં ખુબ સારા નંબરથી પાસ થતી હતી. કિસ્મતને પણ કરુણાની કરુણતા પર કરુણા આવી હોય તેમ હવે તેને શહેરની એક ખુબજ પ્રતિષ્ઠિત એવી એક હોટેલમાં સારા એવા પગારની સફાઈ કામની નોકરી મળી ગઈ. સુખના સરવાળાતો કરુણાએ કદી કર્યા ન હતા પણ હવે દુઃખોની બાદબાકી શરૂ થઈ હતી. થોડા શ્વાસ રાહતની માલિકીના હતા એ હવે કરુણાના નશીબમાં આવી ગયા હોય તેમ લાગતું હતું.

આમને આમ થોડો સમય ઓર વિત્યો મૈત્રી હવે અભ્યાસના મહત્ત્વપૂર્ણ પગથિયા પર આવી પહોંચી હતી. ધોરણ ૧૦માં તેણે શહેરની એક મોટી સારી પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન મળી ગયું હતું પણ કિસ્મત હજી કરુણાથી થોડી ખફા હતી મૈત્રી અચાનક જ ગંભીર તાવની બિમારીમાં સપડાઈ ગઈ. અઠવાડીયાની સારવારથી જો કે તે ફરી હસતું ખીલતું ફૂલ બની ગઈ પણ તેની શાળાના પ્રથમ સત્રની ફી ભરવાના પૈસા જે કરુણાએ સાચવી રાખ્યા હતા તે દવાખાનું અને તેની દવા ખાઈ ગઈ. કરુણાએ મૈત્રીના શાળા સંચાલકોને રૂબરૂ મળીને પોતાની આપવીતી કહી સંભળાવીને પછી શાળાની ફી ભરવા માટે થોડી મુદત માગી. સંચાલકો પણ જાણતા હતા કરુણાની સ્થિતીને વળી મૈત્રી ખુબ હોંશિયાર વિદ્યાર્થીની હતી જે શાળાનું નામ રોશન કરી શકે તેમ હતી. રાહત કરુણાના પગે પડી. સંચાલકો પણ રહેમ રાખીને મૈત્રીની ફી બીજા સત્રની ફી ભરતા સમયે સાથે ભરી દેવી એ શરતે કરુણાને મદદ કરી. કરુણાને પણ મુદત જ જોઈતી હતી કોઈની મહેરબાની નહી. એ ખુબ ખુશ થઈ ગઈ અને શાળા સંચાલકોનો આભાર માનીને તેણે વિદાય લીધી.

કરુણાનો ટારગેટ હવે તેની નજર સામે જ હતો. ચાર મહીનાનો સમય હતો ને બાર હજાર રૂપિયા ફી ભરવાની હતી. કામ કશું અઘરું ન હતું બસ કરકસરથી ઘર ચાલે ને બચત થાય તો બહું તકલીફ પડે તેમ ન હતું એ ગણિત કરુણાએ ગણી લીધુ હતું. પોતાના લક્ષ્યાંકને પાર પાડવા માટે તેણે પાઈ પાઈની ગણતરી શરું કરી દીધી હતી.

સમયને જતા બહુ વાર ન લાગી ચાર મહીના મુદત તો ચપટી વગાડોને અવાજ આવી જાય તેમ આવી ગઈ. આજ સવારથી મૈત્રી ઉદાસ હતી. કરુણાથી જલ્દી આ વાતને કોણ સમજી શકે તે તરત પારખી ગઈ તેની ઉદાસિનતાને. કરુણાએ મૈત્રીને બોલાવી પુછ્યું શું વાત છે પૃથ્વીની પરી બેટા આજ કેમ ઉદાસ છે. મૈત્રી બોલી મમ્મા સ્કૂલેથી મેસેજ આવ્યા છે આપને કે સ્કૂલ ફી બે દિવસમાં ફરજિયાત ભરી જવી. બસ આટલી વાતમાં મારી દિકરી મુંજાય છે. મમ્મા પર ભરોસો રાખ ફી ની સગવડતા થઈ છે કાલે હું શાળાએ આવીને ભરી જઈશ. મમ્માની વાતથી મૈત્રીના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. લવ યુ મમ્મા બોલી એ સ્કૂલે જવા એ નીકળી ગઈ.

કરુણા પણ ઘર બંધ કરી નોકરી એ જવા નીકળી ગઈ. તેને કશી કોઈ ચિંતા હતી નહી કારણકે તેણે હોટલ માલિકને અગાઉથી જ કહી રાખ્યું હતું કે તેને પોતાનો પગાર એક સાથે જોઈશે ને માલિકે પણ કહી દીધું કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે માગી લેવા વિના વિલંબે તમને મળી જશે. કરુણાને આમેય પગાર પેટે દશ હજાર તો જમા નિકળતા જ હતા ને માલિક પણ સારા સ્વભાવના હતા તો બે હજાર રૂપિયા એડવાન્સ માગશે તો તેઓ ના નહી પાડે એની પણ એને ખાત્રી હતી. હોટલની સફાઈનું કામ પતાવીને પોતે પૈસા માગશે એવી નક્કી કરીને તે હોટલના સ્ટોર રૂમમાંથી પાણીની બાલ્ટિ અને કચરાપોતું લઈ તે રૂમની સફાઈ કરવા માટે આગળ વધી જ રહી હતી ત્યાં કાઉન્ટર પરથી માલિકનો અવાજ આવ્યો કરુણાબેન, કમાન્ડરના આદેશથી સેનાનો સૈનિક ઉભો રહી જાય એમ કરુણાના પગ થંભી ગયા. પાછા ફરીને કહ્યું બોલો માલિક શું કહો છો ? માલિકને સ્પષ્ટ અવાજે બોલી ન શકાતા જોઈ કરુણાને વાત કોઈ ગંભીર છે એનો અણસાર આવી ગયો. માલિકે કહ્યું બેન તમે અહીં છ-છ વર્ષથી નોકરી કરો છો આજસુધી આપની ક્યાંય કોઈ ફરીયાદ નથી આવી પણ આજે આપના આવ્યા પહેલા પહેલા જ હોટલના રૂમ નંબર ૧૦૬માં રોકાયેલા શેઠે મને ફરીયાદ કરી છે કે કાલે એમના રૂમની સફાઈ કરીને ગયા ત્યારે એમની કિંમતી ઘડીયાળ તેમના રૂમમાંથી ગુમ થઈ છે ને આ રૂમમાં આપના સિવાય કોઈએ પણ પ્રવેશ કર્યો નથી તો શેઠનું કહેવાનું એમ થાય છે કે એ ઘડીયાળ... આગળ આપ સમજી શકો છો હું શું કહેવા માગું છું. કરુણાના પગ નીચેથી જમીન સરકવા લાગી માલિક આપને શું લાગે છે ? માલિક કાંઈ પણ બોલે તે પહેલા પેલા શેઠ ત્યાં આવી પહોચ્યા. આજ... આજ છે મારી ઘડીયાળની ચોર બોલાવો પોલીસને. હોટલ માલિકે હોટલ વતી શેઠની માફી માગીને પોતે ઘડીયાળની કિંમત ચુકવી આપશે પણ પોલીસને ના બોલાવો હોટલની બદનામી થશે એવી વિનંતી કરી શેઠને. તેઓ પણ આ કામવાળી બાઈને સજા કરો તો જ એ શરત મુકીને હોટલના માલિકની વાત માની. ઝઘડો પત્યો હોટલ માલિકે કહ્યું બહેન હું દિલગીર છું. કરુણા બોલી ના શેઠ ના આપનો શું વાંક મારા નશીબમાં જ લખ્યું હશે બધુ બનવાનું આપ માલિક મને પગારના પૈસા આપો બીજુ રામ જેવો રખેવાળ. માલિકે આપેલા દશ હજાર રૂપિયા લઈને કરૂણા ઘરે આવી.

આફત ફરી કરુણાના આંગણે આવી ઉભી રહી. ફી ભરવાની હતી બાર હજારને સગવડતા હતી દશ હજારની. તાત્કાલિક ધોરણે બે હજાર રૂપિયાની સગવડતા કેવી રીતે કરવી તે કરુણાને સમજાતું ન હતું. એ વિચાર મગ્ન થઈને બેઠી હતી ત્યાં મૈત્રી પણ સ્કૂલેથી આવી ગઈ. માતાની મનોદશાથી વાકેફ થયા પછી એના ચહેરા પરથી પણ રંગ ઉડી ગયો વાતાવરણ ભારે બની બેઠું હતું.

બીજી બાજુ રૂમનંબર ૧૦૬ના શેઠ કોટના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢવા જતા કે તરત જ તેમને આંચકો લાગ્યો યાદ આવ્યું કે તેમની ઘડીયાળ તેમણેજ ખિસ્સામાં મુકી હતી બાથરૂમ જતી વખતે, અરે...રે આ શું મેં કરી નાખ્યું ? નાહક પેલી ગરીબ કામવાળી બાઈને ચોર કહી દીધીને વળી નોકરીમાંથી પણ રજા અપાવી દીધી શેઠને ખુબ પછતાવો થયો. તેમણે તરતજ કાઉન્ટર પર જઈ હોટલના માલિકને મળીને પોતાની ભૂલની વાત કરી. ને ખુબ માફી માગી પછી તેઓ એ કરુણાના ઘરે જઈને પોતે માફી માગવા માગે છે એવી ઈચ્છા દર્શાવી.

હોટલ માલિક પાસેથી સરનામું લઈ તેઓ કરુણાના ઘરે પહોચ્યા. આંગણે શેઠને આવેલા જોઈને મા-દીકરી બંને ખુબ ગભરાઈ ગયા નક્કી શેઠ પોલિસને લઈને આવ્યા લાગે છે. પણ શેઠ અંદર આવી હાથ જોડી પોતાની ભૂલ કબુલ કરી માફી માગી. મૈત્રી એ શેઠને તમારી ભૂલથી મારે શાળાની ફી ભરપાઈ કરવાની હતી તે હવે નહી થઈ શકે એવી પરિસ્થિતી છે એમ વાત કરી. શેઠે કહ્યું દિકરી હું તારા પિતા સમાન છું મારે પણ એક દીકરી જ છે ને એ પણ પરણીને અમેરિકા સાસરે જતી રહી છે. જમાઈરાજ પણ સારા મળ્યા છે તેઓ ત્યાં ખુબ સુખેથી રહે છે. મારા ઘરે હું અને મારી પત્ની બે જ રહીએ છીએ ગરીબો પ્રત્યે મને પણ ખુબ દયાભાવ છે પણ ચોરી જેવી હલકી પ્રવૃત્તીનો હું પ્રખર વિરોધી છું. મને આજની ઘટનાનું ખુબજ દુઃખ છે ને માટેજ હું સ્વયં અહીં માફી માગવા આવ્યો છું બહેન મારી એક વિનતી છે કે હુ મારા બંગલે દરરોજ સો ગરીબો માટે મફત ભોજનની વ્યવસ્થા કરાવું છું તો મારું આપને આમંત્રણ છે કે આપ પણ ત્યાં રહેવા આવો હું આપને માટે અલગ રૂમની વ્યવસ્થા કરાવી આપું ને ગરીબો માટે ભોજન બનાવવાના અને વિતરણના કામમાં આપ સહાય કરો, ને મૈત્રી મારે ઘરે આવશે તો મારું ખાલી ખાલી ઘર દીકરીથી ફરી શોભાયમાન બની જશે. આમેય અમને પણ અમારી દીકરીને પરણાવ્યા પછી ઘર તો ઘર જેવું લાગતું જ નથી ને મારી ભૂલથી આપને જે સહન કરવું પડ્યું છે એ વાતના દુઃખથી લાગેલા મારા મનનો ભાર પણ થોડો હળવો થશે. મૈત્રી આજથી મારી દીકરી છે એની ભણવાની જવાબદારી આજથી એના આ પિતાની છે શહેરની સારામાં સારી શાળામાં એ એનો બધોજ અભ્યાસ પૂર્ણ કરશે એ મારુ વચન છે.

કરુણાએ થોડો વિચાર કરીને કહ્યું મારી એક શરત છે કે શેઠ કે આપ મૈત્રીના ભણતરનો ખર્ચ ઉપાડશો તો આજથી જ આપના બંગલાની સાફ સફાઈનું બધુજ કામ હું પોતે જ કરીશ કારણ કે હું મારા સ્વમાનને પહેલેથી વળગેલી છું અને મારી જિંદગી રહેશે ત્યાં સુધી સ્વમાનને વળગી રહીશ. શેઠને પણ આ વાત ગમીને એમણે કરુણાને શરત પર સ્વિકૃતીની મહોર મારી.

મૈત્રી ખુબ મન લગાવીને ભણી આજ તે શહેરની એક પ્રતિષ્ઠિત ડૉક્ટર બની ગઈ છે એ આજે પણ પોતાની મમ્મા સાથે શેઠના બંગલા પર જ રહે છે. અને તેમની પોતાની માતાપિતાની જેમ સેવા કરે છે. કરુણાના જીવનમાં હવે કોઈ કરુણા ન હતી કોઈ વાતનું દુઃખ ન હતું છતાં આજે પણ તે ગરીબો માટે જાતેજ હોશે હોશે ભોજન બનાવે છે અને બાકી જીવનનો આનંદ માણે છે.

જિંદગી એક જંગ છે,

ઈમાન રાખી લડો.

જીત અચુક તમારી છે,

ન ડરો, ન પાછા ફરો.