અન્યમનસ્કતા
પ્રકરણ - ૧૩
લેખક : ભવ્ય રાવલ
ravalbhavya7@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
લેખકનો પરિચય
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
અન્યમનસ્કતા : પ્રકરણ ૧૩
સોનાલીને હોસ્પિટલમાંથી પછીના દિવસે સાંજે રજા આપી દેવામાં આવી. આલોકના અવળચંડા વર્તને સાબિત કરી આપ્યું હતું કે તે સોનાલીના મા બનવાથી ખુશ ન હતો. ઘરના ડરોઈંગરૂમમા જ્યાં બાળક આવવાની ઉજવણી થવી જોઈએ ત્યાં શોકમય સન્નાટો વ્યાપેલો હતો. એક તરફ સોફા પર તેના પિતા ભાઈલાલભાઈ, માતા જ્યોતિબહેન અને સસરા હસમુખ પટેલ હતા. આલોક વચ્ચેની ચેરમા બેઠો હતો અને બીજી તરફ સોનાલી તેની સામેની બાજુએ મુજરિમની જેમ નજર ઢાળીને બેઠી હતી જાણે હમણાં જ તેના પર કોઈ મુકદમો શરૂ થઈ તેને એકતરફી સજા આપવામાં આવશે અને બન્યું પણ તેવું જ.
‘પપ્પાજી હવે મારા અને સોનાલીના સંબંધ વધુ ટકી શકે તેમ નથી. હું સોનાલીને લગ્નના બંધનમાંથી મુક્ત કરૂં છું.’ આલોકે એક જ ઝટકામાં એક પક્ષીય ફરમાન સંભળાવતો હોય તેમ પોતાની વાત કહી આપી.
હસમુખ પટેલે નવાઈથી સોનાલીને પૂછ્યું, ‘દીકરી આ આલોકકુમાર શું કહી રહ્યા છે?’
એક પ્રશ્ન સાસુ જ્યોતિબહેન તરફથી પૂછાયો. ‘આમ અચાનક એકાએક તમારા બંને વચ્ચે એવું તો શું થયું?’
સોનાલી ચૂપ રહી. તેની નિઃશબ્દતા તેના ગુનેગાર હોવાની જાણે સાબિતી આપતી હતી.
‘સોનાલી શું બોલશે? હું જ કહી આપું. આ તમારી લાડકી વહુ દીકરીએ મારા ગયા બાદ પાછળથી તમારા લોકોની જાણ બહાર અબોર્શન કરાવી નાખ્યું. સોનાલીએ મારા ખાનદાનના વંશની ગર્ભહત્યા કરવાનું પાપ કર્યું છે.’ આલોકનો અવાજ ફાટ્યો. તે રીતસર ચિલ્લાયો.
‘શું? આ શું વાત કરે છે આલોક?’ આલોકના પિતા વહુ સોનાલી પરના આ આક્ષેપથી થોડા વિચલિત થઈ ઊઠયા.
અત્યાર સુધી ચૂપ સોનાલી મોઢું સંતાડીને રડવા લાગી.
જ્યોતિબહેને ઉત્સુકતાથી, ‘તો પછી આ બાળક કોનું છે?’
‘મારા ગૂમ થયા બાદ સોનાલી મારી શોધખોળ કરવા યુ.એસ.એ. આવી હતી. ત્યારબાદ હું મૃત છું એવું સમજીને અમેરિકાથી પરત આવી. તે સીધી તમારી પાસે આવી ન હતી. એ મોકાનો ફાયદો ઉઠાવીને તેના કોઈ વિવેક નામના જૂના આશિક જોડે દિવમાં રંગરલિયા મનાવતી હતી. આ જન્મેલું નીચ બાળક તેનો જ નતીજો છે. આ ગંદુ ખૂન મારા ઘરમાં નહી રહી શકે.’ સોનાલી તરફ આંગળી ચીંધીને આલોક હસમુખ પટેલ તરફ જોઈ બોલ્યો, ‘મહેરબાની કરીને તમે સોનાલી અને તેના સંતાનને અહીંથી લઈ ચાલ્યા જાવ. ગેટ આઉટ.’
ભાઈલાલભાઈએ દીકરા આલોકને ઠંડો પાડયો. ‘બેટા, કુદરતનો નિયમ છે સ્ત્રી-પુરૂષના શારીરિક સમાગમનું પરિણામ હોય છેઃ બાળક. જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે એકવાર સોનાલીને બોલવાની તક પણ આપ. તેની હાલતનું વિચાર. ઉતાવળે આવેશમાં અને રોષમાં આવી ક્યાંક તું ખુદને જ અન્યાય ન કરી બેસે તેનું ધ્યાન રાખજે.’
ભાઈલાલભાઈની વાતમાં હસમુખ પટેલે સૂર પુરાવ્યો. ‘ખરી વાત છે વેવાઈ. આલોકને એક પતિ તરીકે, એક પુરૂષ તરીકે સોનાલી અને તેના સંતાનને ધિકકારીને મારી નાંખવાની કે તરછોડી દેવાની ઈચ્છા થતી હશે, તે સ્વાભાવિક છે. પરંતુ માત્ર એક સવાલ ખુદની જાતને પૂછજે - તું જે સ્થિતિમાં ગુમ થયો. સોનાલીથી અલગ પડી ગયો ત્યાર પછી તેની જગ્યા એ તું હોતો તો તે શું કર્યું હોત?’
‘હું ક્યારેય મારા સંતાનનો ગર્ભપાત ન કરત. સોનાલીના આ પગલાંને કારણે હવે તેણે ભવિષ્યમાં મા બનવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી છે. ઈશ્વરના ઘર દેર છે અંધેર નહીં.’ આલોકનો અવાજ કડવો થઈ ગયો. ગુસ્સામાં તે વધુ ન બોલ્યો.
આલોકને વિચારતો કરી સોનાલી પાસેથી ત્યાં ઉપસ્થિત સૌએ સચ્ચાઈભરી સફાઈની અપેક્ષા રાખી.
સોનાલીનું અકળાવનારૂં મૌન તૂટ્યું.
‘આલોકના વિરહે મને કમજોર અને મજબૂર બનાવી છોડી હતી. મારે કોઈના સાથની જરૂર હતી. જે માણસની દુનિયા અલગ હોય તેમણે એકલું જીવવું જોઈએ. એ એકલાએકલા જીવી શકે છે. રહી શકે છે. મારી દુનિયા અલગ ન હતી, હું એકલી ન જીવી શકી કેમ કે હું સામાન્ય છું. આઇ એમ નોટ સમબડી, આઇ એમ નોબડી. હું સ્વીકારૂં છું મારી ભૂલ છે. મને મારા ભૂલની સજા કબૂલ છે.’
રડતી સોનાલીએ નિઃશ્વાસ નાંખ્યો.
‘નાદાનીના પરિણામ સ્વરૂપે નાદારી નોંધાવવાનો વારો આવે છે.’ હસમુખ પટેલે આલોકના માતા પિતાને આગળ કહ્યું, ‘આપણે બંનેને એકલા વાત કરવા દેવા જોઈએ. આખરે આ એકથી વધુ જિંદગીઓનો સવાલ છે.’
‘હા, વેવાઈ હવે તેઓ નાના નથી રહ્યાં. આગળના જીવનની દશા અને દિશા નક્કી કરતો તેમનો આખરી નિર્ણય આપણે અપનાવી લેવાનો છે.’
ભાઈલાલભાઈ, જ્યોતિબહેન અને હસમુખ પટેલ બીજા રૂમમાં ચાલ્યા ગયા.
પાનખરમાં વૃક્ષમાંથી પાંદડા ખરે તેમ સોનાલીના આંસુ વહેતા હતા. દિવાનખંડમાં હવે માત્ર આલોક હતો અને સોનાલી હતી.
‘મારી સામે જો સોનાલી...’ આલોકે સોનાલીના બંને બાવડા પકડી હચમચાવી મૂકી. સોનાલી આલોકની નજરથી નજર ન મેળવી શકી. તે રડતી રહી. તેની આંખો આલોકના ચહેરા પરથી ખસી ગઈ.
‘માણસનું સત્ય એની આંખોમાં હોય છે. આંખ એ શરીરનો સૌથી ક્રુર નગ્ન હિસ્સો છે. એને ઢાકી દેશે તો તને પોતાનું સત્ય દેખાતું બંધ થઈ જશે અને બીજાને એ જોવા દેશે તો એને તારૂં સત્ય સમજાઈ જશે. મારે તારૂં સત્ય જોવું છે સોનાલી આંખોમાં આંખ નાંખી વાત કર. જ્યારે દિવમા વિધવાબાઈ હનીમૂન કરતી હતી કોઈ ગૈરમર્દ સાથે ત્યારે શરમ નામનો ભાવ આંખોમાં ન હતો? સિંદૂરની સીમા અને મંગળસૂત્રના મૂલ્યને કલંકિત કરી ત્યારે આંખોમાં શર્મ ન હતી? હવે જ્યારે પાપનો ભાંડો ફૂટ્યો ત્યારે પવિત્ર દેવી હોવાનું નાટક કરે છે?’
આલોકના શબ્દોનો સણસણતો કટાક્ષભાવ સોનાલીના દિલમાં ચૂભ્યો. તેણે આલોકની આંખમાં જોયું જેમાંથી નર્યો વિદ્રોહ નીતરતો હતો.
આલોકના સ્વરમાં કટાક્ષભાવ આવી ગયો. ‘અમેરિકા હું જીવું છું કે નહીં તેની તપાસ કરવા, તું ખાતરી કરવા જ આવી હતી? કે પ્લેનક્રેશ પછી પણ હું જીવતો રહી ગયો હોય તો તારા મજનું જોડે મળી મને મારી નાખવાનું ષડયંત્ર હતું તારૂં?’
‘આલોક, તમે આ શું બોલી રહ્યા છો?’
‘હું એ જ બોલી રહ્યો છું જે તે કર્યું છે, કરવા ઇચ્છતી હતી.’
આલોકની નજર સમક્ષ યથાર્થ જીવનને જીવાતું જોવું જેટલું શ્રમદાયક બની ગયું હતું તેટલું સોનાલી માટે આલોકની તરહ તરહની શંકા-કુશંકા અને સવાલોના ઘેરામાંથી છૂટવું કષ્ટદાયક હતું.
‘આલોક મારા અને વિવેકના સંબંધ એ તમારા આવ્યા પહેલાંના હતા જેમાં પવિત્રતા હતી. તમારા આવ્યા બાદ એ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું હતું. શું મેં આપણા પતિ-પત્નીના સંબંધને નિભાવવામાં કોઈ કસર કે બાંધછોડ કરી હતી? હું ક્યારેય તમને ખુશી ન આપી શકી કે પછી મારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહી હતી? તમારી હયાતીમાં કોઈ પુરૂષ સાથે સામે જોઈ હસીમજાકમાં બોલી છું? સગો ભાઈ ન હોવા છતાં ધર્મના ભાઈના કોઈ છોકરા જોડે વ્યવહાર રાખ્યા હતા?’
‘તો પછી મારા ગયા બાદ કેમ અનર્થ થયો? મારી પીઠ પાછળ તે આ યોગ્ય ન કર્યું.’
‘સંજોગની પકડમાં સપડાઈને સભાન રીતે માણસ કેન્દ્રિય બની જાય છે. માનસિક સ્વતંત્રતા અને ફફડાટ બંધ થઈ ધીમે-ધીમે પરવશતા સ્વીકાર્ય થવા લાગે છે ત્યારે દુઃખી થવાની એકવિધ પ્રક્રિયામાં જીવન જીવવું કઠિન બની જાય છે. હું જે સ્થિતિમાં હતી એ દશામાં મારે કોઈ પોતાનાના સહારા, અંગતના સ્નેહની જરૂરત હતી. અમારી દોસ્તીને તમારા ગયા પછી ફરી વર્ષો બાદ વેગ મળી પ્રેમ થયો.’
‘એ મહોબ્બત નહીં મજા કહેવાય. માંસનો એક ટુકડો બીજા ટુકડા તરફ આકર્ષાય તો તે સેક્સ છે સોનાલી, વાસના છે. શરીરનું ઘસાવું અને વહાલનું ઉત્પન્ન થવું પ્રેમ નથી. એ સ્વાર્થ હતો. એ સમર્પણ નહીં, સંબંધદ્રોહ હતો. એને પ્યાર નહીં પાપ કહેવાય, પાપ.’ આલોકના અવાજે ગંભીર કઠોરતા પકડી.
સોનાલીએ આલોકના કોલર પકડી લીધાં. ‘એક એકલી પતિ વિનાની બેબસ ઔરત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પરપુરૂષ કે ગૈર રિશ્તાઓનો સહારો લેવાથી પાપી ગણાય છે તો હા સમાજની દૃષ્ટિમાં હું પાપી છું. હું ગુનેગાર છું. આલોક સજા આપો મને.’ સોનાલીનો અવાજ આર્દ્ર થઈ ગયો.
‘તું આત્માભિમાની ઔરત બની ગઈ છે.’ આલોકએ સોનાલીથી પીઠ ફેરવી લીધી. ‘હું આ બાળક અપનાવી નહીં શકું. પતિ અને તારા પુત્રમાંથી સોનાલી તારે એકની પસંદગી કરવાની છે.’
‘હું આ બાળક ત્યજી નહીં શકું. આલોક હું તમારી પત્ની બની રહેવા કરતાં બાળકની મા બની જીવવાનું પસંદ કરીશ.’
‘તો હું તને છોડું છું. મારી જિંદગીમાં હવે તારૂં કોઈ સ્થાન નથી.’
‘આ તમારો આખરી નિર્ણય છે?’
‘હા, સોનાલી. શરીરનું બેલેન્સ રહેતું નથી ત્યારે બેંકમાં રહેલું બેલેન્સ ખૂબ કામ લાગે છે. બોલ કેટલા રૂપિયા જોઈએ છે મને છૂટો કરવાના? ડિવોર્સ આપવાના? મારા પૈસા પર તારા લવર જોડે મોજમસ્તી કરવાના?’
‘આલોક તમે કેવી વાત કરી રહ્યા છો?’ સોનાલીએ આલોકના ખભા પર પાછળથી હાથ મૂક્યો.
‘લાગણીના મલમથી વેદનાના ઘાને સાજા કરી શકાતા નથી. હવે આ બધા નખરાંની મારા પર કોઈ અસર થવાની નથી. ચાલી જા અહીંથી. ગેટ લોસ્ટ યૂ બીચ.’ આલોકે રાડ પાડી.
વાતાવરણમાં ગરમાગરમી થઈ ચૂકી હતી. આલોક અને સોનાલીના વધતાં ઝઘડામાં અંદરના રૂમમાંથી બધા બહાર દોડી આવ્યા.
‘પપ્પા, મમ્મી અને સોનાલીના પપ્પા હસમુખ પટેલ. હવે પપ્પાજી નહીં કહું તમે એ હક આજથી ગુમાવી બેઠા છો. કેમ કે, આપ પણ સોનાલી જેટલાં જ ગુનેગાર છો. મારા ગયા બાદ તે તમારી જવાબદારી હતી. એ તમારે ત્યાં રહેતી હતી. શું કરે છે, કોને મળે છે, કેમ રહે છે તે જોવાનું તમારી ફરજમાં આવતું હતું. પણ ના, કંપની સારી રીતે ચલાવવામાં તમે ઘર ચલાવવાનો સમય ન ફાળવી શક્યા, આજની કાબૂ બહારની પરિસ્થિતિ તમારા લાડ-પ્યારનો અંજામ છે.’
‘દીકરા આલોક સાંભળ...’
કડવાશથી આલોક કહ્યું, ‘સાંભળવાનું મારે નથી. મારે તો હવે ફક્ત સંભાળવાનું છે તમારા જેવા વિશ્વાસઘાતીઓથી.’
‘આલોક બસ.’ પિતા ભાઈલાલભાઈએ આલોકને બોલતા રોક્યો, ‘તું તારા સંસ્કાર ન ભૂલીશ. અમે તને મોટાંઓનો આદર કરતાં શીખવ્યું છે, અપમાન નહીં. આક્રોશમાં તારા આદર્શ સાથ બાંધછોડ ન કર બેટા.’
‘પપ્પા મેં અને સોનાલીએ નિર્ણય લઈ લીધો છે. અમે એકબીજાને ડિવોર્સ આપીએ છીએ. તે તેનું બાળક છોડવા તૈયાર નથી અને હું સોનાલીને તેના સંતાન સાથે અપનાવા તૈયાર નથી.’
આલોકે બે હાથ જોડયા, ‘માફ કરજો હસમુખ પટેલ. હું જલ્દીથી આપને છૂટાછેડાના કાગળ અને ભરણપોષણની રકમ મોકલી આપીશ. તમે તમારી દીકરી અને તેના દીકરાને લઈને અહીંથી જઈ શકો છો.’
આલોકની મમ્મીથી પુછાઈ ગયું, ‘શું આ તમારા બંનેનો આખરી ફેંસલો છે?’
આલોક ગુસ્સામાં હા કહી પગ પછાડતો ત્યાથી ચાલતો બન્યો.
સોનાલીએ પણ બાળકને આલોકની મમ્મી પાસેથી લઈ લીધું. બાળકને ઊંચકીને ખભે નાંખતાં કહ્યું, ‘ચાલો પપ્પા. આલોક કરતાં મારા સંતાનને મારી વધુ જરૂર છે. મેં આજે ફરી એકવાર આલોકને મૃત સમજી લીધા. આમ પણ આજે એક વર્ષ બાદ પાછા ફરેલા આ શખ્સ એ આલોક નથી જે આલોક સાથે હું પરણીને આ ઘરમાં આવી હતી. જેમનું સંતાન મારા ગર્ભમાં હતું. અને જે જીવને અનાથની જિંદગી ન મળે તે માટે મેં અબોર્શન કર્યું. ખેર, આલોકનો આત્મા મોતની માર સહન કરી મીણ મટી મશીન જેવો જડ બની ગયો છે.’
સોનાલીએ તેના સંતાન અને પિતા હસમુખ પટેલ સાથે આલોકના ઘરમાંથી ક્ષણભર રોકાયા વિના વિદાય લીધી.
એક સાથે ઘણાં અવાજો સોનાલીના કાનમાં ગૂંજવા લાગ્યા.
લાઇફની આ કેવી ટ્રેજેડી છે? જીવનનો આ સંઘર્ષ શેના માટે? શું આ સંબંધનો અપરાધબોધ હશે? સોનાલીને થયું, સંબંધની દુનિયાનો સૌથી મોટો અને વ્યાપક શબ્દ નસીબ છે. હજુ આજ સુધી એ સાબિત નથી થયું કે આખરે આ નસીબનું સ્થાન માણસના જીવનમાં ક્યાં છે? શું માણસનું નસીબ તેની હાથ અને કપાળની રેખાઓમાં છે? રેખાઓ તો પગની પાનીમાં પણ હોય છે, પ્રાણીઓમાં બંદરના હાથોમાં પણ રેખા હોય છે. બીજી તરફ જે વ્યક્તિનાં હાથ નથી હોતા તેનું પણ નસીબ હોય છે.
જ્યારે આલોક સાથ વિવાહ થયા હતા ત્યારે જ્યોતિષ કહ્યું હતું - બંનેની કુંડળી જે પ્રકારે મળે છે જાણે એકબીજા માટે જ ઘડાયા હોય. પાછલા જ્ન્મના પુણ્યશાળી પાત્રોના બત્રીસ લક્ષણા મેળ છે. લગ્નની તારીખનું મુહૂર્ત પણ એ એકાદશીનું કાઢ્યું છે જે સો વર્ષે એક જ વાર આવે છે. આવી જોડીઓના તો આપણે માત્ર લગ્ન-સંસ્કાર વિધિ કરવાની હોય બાકી તેઓ તો અતૂટ દાંપત્ય ધરાવતા આવતા હોય છે.
અને આજે? સોનાલીના આંસુ રોકાયા રોકતાં ન હતાં.
નસીબના ખેલ કેવા નખરાખોર છે, નાસમજી શકાય તેવા છે. હજુ ગઈકાલે આલોક જીવંત બનીને ઘર-પરિવારમાં સોનાલી અને પોતાના સંતાનને પામવા ફરી આવ્યો અને આજે સોનાલી-આલોકના અર્ધવિરામ મુકાયેલા લગ્નજીવન પર છૂટાછેડા સાથે પૂર્ણવિરામ મૂકાઈ સંબંધનો કરૂણ અંત આવી ગયો.
ક્રમશઃ...