Anyamanaskta - 10 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 10

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૦

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

અન્યમનસ્કતા : પ્રકરણ ૧૦

‘તને લાગતું હશે હું શરાબના નશામાં કંઈ પણ બોલી રહ્યો છું, પણ ના ધૈર્ય, આ શરાબ જે રીતે સ્મૃતિના જાળાં સાફ કરવાનું કામ કરે છે અને પછી ભૂતકાળની જેમ પાછળ પડીને આદત બની પીછો ન છોડે એ રીતે સોનાલી સાથેના સંબંધોએ મને મથામણની માયાનગરીના ભૂલભૂલૈયામાં એવો ફસાવી નાંખ્યો છે કે એ લાગણીભર્યા જડ ચુંગાલમાંથી છૂટવાનો રસ્તો મળતો નથી. હું તરફડી રહ્યો છું’

‘જ્યારે આદતો પોતાના પર આધિપત્ય, અધિકાર જમાવી બેસે છે ત્યારે જીવનનું લચીલાપણું ખોવાઈ જાય છે. તારી ઊભરાઈ જતી લાગણીઓને લગામ લાદવાની જરૂર છે. તારૂં માનવતાભર્યું મળતાવળાપણું, તારા નામ જ જેવો અસ્સલ વિવેકી સ્વભાવ, સૌને ગમી જાય તેવી ટેવ-કુટેવ, ગંભીર વાતચીત કરવાની ઢબ અને અસ્ખલિત વહેતો જીવનપ્રવાહ...’ ધૈર્ય બોલતા અટક્યો. ખાલી પ્યાલાઓમાં શરાબ નાંખતાં કહ્યું, ‘આ બધા કારણો છે, લક્ષણો છે જે તને ઢસડીને મહોબ્બતની માથાકૂટોભર્યા મંઝર સુધી લઈ જઈ એકલો છોડી દે છે.’

‘ધૈર્ય, કદાચ તું સાચો છે.’ વિવેકે લાંબો કશ લઈ સિગારેટ ઍશ-ટ્રેમાં ઠારી. શરાબના ખાલી પ્યાલા ભરવા સૂચવ્યું.

ધૈર્યના શબ્દોમાં તીખાશ આવી. ‘તારી ઘરવાળી તારા બાળકની મા બનવાની છે. એ વ્યક્તિ જેણે તને સુખ-સંપત્તિ અને સંતાન આપ્યું તેની જોડે તને આવું ખોટું કરતાં થોડો પણ વિચાર ન આવ્યો? આમ તો તું બહુ મોટી-મોટી સિદ્ઘાંત અને આદર્શની વાતો કરતો ફરતો હોય છે. સાલા ઊંચી ઊંચીના બંડલબાજ માણસ...’

‘વિચાર આવ્યો હતો ધૈર્ય. પ્રામાણિક બનવા માટે ધર્મ-અધર્‌મની કે પાપ-પુણ્‌યની ફિલસૂફી સમજવી પડતી નથી. જીવનમાં જન્મેલી ઈચ્છાઓને તરત જ મોક્ષ આપી દેવાનો.’

‘તું હજુ પણ પહેલાં જેવો જ રહ્યો. ભૂતકાળને પકડીને લાગણીપ્રધાન સગપણો અને સપનાંમાં જીવતો.’

ધૈર્યની વાત પર વિવેકે અણગમો દર્શાવ્યો. ‘ના, ના, સોનાલીએ કીધું હતું હું બદલાઈ ગયો છું.’

‘એ ભોળા ભગત. વર્તમાનમાં કરેલા કર્મનું પરિણામ જ્યારે ભવિષ્યના બદલે વર્તમાનમાં જ મળવા લાગે ત્યારે સમજવું કે આપણે સમયથી બહુ પાછળ ચાલી રહ્યા છીએ અને જીવનની ચડઉતર સાથે સંકળાયેલા અમુક સગા-સબંધી આપણને છોડવા ઇચ્છતા નથી. સોનાલી પણ તને પામીને ગુમાવવા ન માગતી હોવાથી આવું બોલી હશે. દોસ્તીની વ્યાખ્યા શું હોઈ શકે એ ખબર ન હતી ત્યારથી હું તને દોસ્ત તરીકે ઓળખું છું. તેં અંગત મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના, બાહ્ય સહાય લીધા વગર કોઈ ગણતરીબાજ જેવી નોંધ ક્યારેય લીધી નથી. તારૂં અંગત જીવન કપરૂં હોવા છતાં કોઈ સગા-સ્નેહી કે દોસ્તો પાસે હાથ લાંબો કર્યો નથી. એ કાલ સવારે આવેલી સોનાલી શું તને ઓળખી શકવાની?’

ધૈર્યને વિવેક ભેટી પડયો. ‘વાહ, દોસ્ત..’

‘તું હજુ પણ પહેલાં જેવો જ છે લફડાબાજ. હા, હા, હા.’

શરાબના ગ્લાસ ટકરાયાં, જામ છલકાયાં. જૂના સૂરીલા ગીતો, કડવી શરાબી વાતો અને તૂરી સિગારેટના ગોટાઓમાં શબનમી રાત ક્યારે પસાર થઈ ગઈ એની ખબર ન રહી.

વિવેક ઊઠયો. આંખો ખોલીને તેણે એક લાંબુ બગાસું ખાધું. પલંગ પર એ એકલો સૂતો હતો. ધૈર્ય પોતાના ઘરે જતો રહ્યો હતો. કંપનીનું કામ પતાવી મળવાનો મેસેજ તેણે સેલફોનમાં મૂક્યો હતો. આઠ વાગ્યા હતા. દીવાલ પર લટકેલી જૂની ઘડિયાળ પરથી નજર ફેરવી અરીસામાં પોતાનું નિસ્તેજ તેણે મોઢું જોયું. આંખો જરા ભારેખમ થઈ ગઈ હતી. શરીર તૂટતું હતું. ફટાફટ નિત્યક્રિયા આટોપી એ તૈયાર થઈ ગયો. ઘરની નજીક ચાની રેકડી પર ચા-ગાંઠિયાનો નાસ્તો કરી આવ્યો. સિગારેટ પીધી. પોતાના કામ પર જવા નીકળતી વખતે તેનું ધ્યાન એક પેટી પર ગયું. તે પેટી પાસે આવ્યો અને ધીમેથી પેટી ખોલી.

ભમરડો, કેરમની કૂકરી, ઇષ્ટોની કોડીઓ, લખોટીઓ, શતરંજના પ્યાદાઓ, નાની-નાની મોટરો. તેણે એક કાળી પાટી જોઈ. એની પર ઇષ્ટો રમતના ખાના દોર્યા હતા. પીળાં પડી ગયેલા પાનાંની એક દેશીહિસાબની ચોપડી એ પેટીમાં હતી. ભૂખરા કાટ ખાધેલા કંપાસ બોક્સમાં પેન્સિલ, પેન હતી. ભૂમિતિનો સમાન હતો.

સઘળાં સ્મરણો આંખ સામેથી ફિલ્મની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યાં.

વિવેકની સામે બાળપણના દૃશ્યો એક પછી એક ક્રમબદ્ઘ રીતે આવવા લાગ્યાં.

એ નાનો હતો ત્યારે તેને ચડડી પહેરવી અને માથામાં તેલ નાખવું ગમતું ન હતું. બાળક વિવેક શક્તિમાનનો ફેન હતો. એને અલ્લાઉદ્દીનના કાર્ટૂનની હિરોઈન જેસ્મિન બહુ ગમતી. ગલી-ગલી સીમ-સીમ પોગ્રામ જોવા એ ક્યારેક શાળા ન જતો. એ બહેનપણીઓ પાસે મોટી-મોટી વાતો કરતો અને એમના અક્ષરના વખાણ કરી લેસન કરાવી લેતો. બદલામાં ક્યારેક રાજી થઈ પાવલીવાળી પીપર આપતો. વિવેકે મનોમન કહ્યું...

‘કિસ્મત કહો કે કરામત ગાળ બોલવી, ચોરી કરવી કે કોઈને મારીને ભાગવું એ આજે પણ બાળપણનું જરૂરી લક્ષણ લાગે છે. નાસ્તાનો ડબ્બો હોય કે કરિયાણાની દુકાનમાંથી જીતાતું ઈનામ, બધું ઝૂટવ્યું છે. કપાયેલી પતંગ મારા હાથમાં આવી જોઈએ ભલેને પછી ફાટી જાય.’ વિવેક મનોમન ગમગીન મુસ્કુરાયો.

પપ્પા પાસે આવીને એ અદેખાઈ, લુચ્ચાઈ, ઠગાઈ, બેઈમાનીની વાતો ગર્વથી કહેતો. અને પપ્પા પ્રેમથી ખિજાતા ત્યારે મમ્મી છાતી સરસો ચાંપીને સાડીના છેડામાં સંતાડી દેતી. પપ્પાને વઢતી, ‘કેમ મારા રાજા દીકરાને હેરાન કરો છો?

મમ્મી હંમેશા તેનો પક્ષ લેતી. એકના એક સંતાન વિવેકને લાડ લડાવતી. ક્યારેક તેને ખિજાતી - મારતી અને પછી રિસાયેલા વિવેકને મનાવતી. ઘરમાં ક્યારેક મહેમાન આવતા ને સ્વાદિષ્ટ ભોજન બનતું. બધા બાળકોની જેમ ચિટીંગ કરીને કોઈ વાનગી સેરવી લેવાને વિવેક બહાદુરી સમજતો.’ વિવેકની માથાની રેખા તણાઈ અને હોઠ મરક્યા. તે મનોમન બબડયો, ‘બાળક વિવેક અને આજના સમજદાર પુરૂષ વિવેકમાં ક્યાં કંઈ અંતર છે? ચિટીંગ કરીને આજે પણ તે મજા લઈ જાણે છે, પણ હતાશાય સાથે ભોગવી રહ્યો છે.’ એલ્યુમિનિયમની પેટીને ફંફોસતા એક પિત્તળનો તૂટલો ગલ્લો નીકળ્યો. એ ગલ્લામાં પૈસા ભેગા કરી-કરીને સાઇકલ લીધી હતી. અને પછી સાઇકલ વેચીને વીડિયોગેમ ખરીદી હતી.

ઘરમાં, ઓરડામાં, દીવાલોનાં ખરતાં પોપડામાંથી શૂન્યતા પ્રસરી ગઈ. સીલિંગ ફેનનો ઘરઘરાટ, ઘડિયાળનું ટક... ટક... ટક...

જૂની વસ્તુ સાચવી રાખવાના શોખના કારણે આજ પૂરૂં બાળપણ પટારામાં પડયું છે. જેમાં રમત-ગમતના સાધનો બાળપણની માસૂમિયત, મુલાયમિયત અને આજની કઠોરતા અને કાલીમાં ઊભી કરી અસહ્ય કેફ ચડાવી રહ્યાં છે.

બધા મોટી ઉંમરના માણસો જેવું બાળપણના સ્મરણો તાજા થતાં વિચારે તેવું વિચારી વિવેકે તીવ્ર ઈચ્છા દર્શાવી કે કાશ આ બધું ફરી જીવવા મળે. સજીવન થાય.

વિવેક ધીમી ચાલે ઘરના ફળિયામાં આવ્યો. પાડોશના મકાનની ગેલેરીમાં કપડાં સૂકાવતી એક સ્ત્રીએ તેની સામે જોઈ હાસ્ય વેર્યું. તે પેલી સ્ત્રી સામે જોઈ રહ્યો. એનું નામ ટીના છે. એ નાનપણની ટીનકી જેની જોડે એક પાટલી પર બેસી ભણ્‌યું. જેની જોડે રમ્યું, ઝઘડયું અને એકવાર જ્યારે ઘરમાં મમ્મી ન હતી ત્યારે ટીનાને બોલાવી છત પર લઈ જઈ જીવનમાં પહેલીવાર કોઈ યુવતીને ચુંબન કર્યું હતું તો એ આ ટીના હતી. અને પછી પરણવાનો વાયદો કર્યો હતો. ટીના હાંફતી હાંફતી પોતાનો હાથ છોડાવી સીડીઓ ઊતરી ભાગી છૂટી હતી અને રસ્તામાં મમ્મી મળતાં બુક્સ લેવા આવી હતી એવું બહાનું આપી દીધું હતું. પણ તે આજ અહીં? વિવેક શેરીમાં આવ્યો. ટીના કપડાં સૂકવવાનું છોડીને પોતાના ઘરની ડેલી ખોલી બહાર આવી. થોડીવાર બંનેને શું બોલવું એ જ ના સમજાયું અને પછી ઘરમાંથી એક નાનકડો બાબો બહાર આવ્યો.

ટીનાએ કહ્યું, ‘આ મારો છોકરો છે.’

વિવેકે ટીનાના સંતાનને પૂછ્‌યું, ‘શું નામ છે બેટા તારૂં?’

બાળક અક્ષરો છૂટા પાડી બોલ્યો. ‘વિ...વે...ક.’

વિવેક ટીનાની સામે જોઈ જ રહ્યો.

આસપાસ અન્યમનસ્કતા છવાઈ ગઈ.

જિંદગીમાં એકાએક આ શું-શું થઈ રહ્યું છે?

રાજકોટનું આ ઘર. એ શેરી, એ સોસાયટી, એ મેદાનોની ઊડતી ધૂળ, એ તીવ્ર તડકો, એ શરીર પર અથડાતો મેહુલો, એ લચીલી લહેરાતી હવા, એ પાનની દુકાનો, ચાની કેબિનો. ધૂમાડા છોડતી રિક્ષાઓ, ટ્રાફિક જામ કરતી સીટી બસ, હોટલ, સિનેમાઘર, ઓડિટોરિયમ, બાલ-ભવન, ફનવર્લ્ડ, બાગ-બગીચા, મિત્રોના ઘર, સગા-સંબંધીના મકાનો, દુકાનો, બજારો, પ્રાર્થનાગૃહો, સભા મંડપો, લગ્નહૉલ, મંદિરો, સ્મશાન... પડછાયાની જેમ આ બધું છોડવા તૈયાર નથી અને પડછાયાની જેમ જ રંગ અને આકાર વગરનું ગઈકાલ અને આવતીકાલ વચ્ચે તડફડતું વર્તમાન.

વિવેક વિચારોની આંધી વચ્ચે ઓફિસના કામથી પોતાના મહાગામડાંની ભરચક વાહનોવાળી સડકો પર નીકળી પડયો.

જીવનની ખાસિયત, જીવનની અપનિયત, જીવનની નાદનીયત આજે આ રાજકોટ શહેરમાં આવીને જાણે વિવેકને અકારણ ખૂંચી રહી છે. ભગવાન યાદ આવી ગયા. ચોક દર ચોક આવતી, ગલી હર ગલી જોવા મળતી હનુમાનજીની ડેરીઓ. સૂતા, બાલ, સાત, કપીલા, બોલબાલા, રામદૂત, રોકડિયા, રંગીલા, સૂર્યમુખી, પંચમુખી, સંકટમોચન અને સંકલ્પસિદ્ઘ હનુમાનજી. કેટકેટલાં રામભક્તના ભક્ત છે આ મહાનગરમાં તેમ છતાં ધર્મ દ્વારા આત્માને વ્હાઈટવૉશ કરી શકતો નથી. મિથ્યા આદર્શોની આધાશીશી ઊતારવા માટેની ગોળી પુસ્તકો કે પ્રવચનોમાં ન પણ મળે! શું કરવું તો? અનામી, ગેર સંબંધો નામના હકીકત અને કલ્પના વચ્ચે હીંચકા ખાતા અસ્તિત્વો સમજવાની ફુરસદ કે હિંમત નથી.

વિવેક પોતાના કામ પતાવતો ગયો. ગાડીમાં પંચર પડયું. બપોર થઈ વાદળામાં સંતાતો, છુપાતો સૂર્ય માથે આવ્યો. પરસેવો થઈ આજ મધ્યાહ્‌ન સુધીમાં જ થાક લાગવા લાગ્યો.

રાજકોટ છોડયું તે પહેલાંનું બાળપણ ને કુમારાવસ્થા અને આજનું રાજકોટ. સટ્ટા અને ગુટખાનું સૌરાષ્ટ્રનું પાટનગર. અહીંના લોકોમાં ખંત, ખુન્નસ અને ખુદ્દારી છે. જે ખુદ્દારી આજ મારામાં રહી નથી. તમાકુની વાસવાળા તેજ વ્યસની શહેરીજનો વચ્ચે ગૂંગળામણ થઈ ભૂતકાળની અનેક આંટીઘૂંટીઓમાં અટવાઈને તેને બેચેની થઈ આવી. પોતપોતાની દિશામાં દોડતા લોકોએ જાણે ધસમસતા તેની તરફ ડગલાં માંડયા અને એ ગુનેગારની જેમ ભાગ્યો. દોડયો.

પ્રચંડ અવાજ ગૂંજ્યો. બોમ્બ ફૂટ્‌યો. ફટાકડાના શોરમાં વિવેકનું ધ્યાનભંગ થયું. વિવિધરંગી શણગાર સજેલા લોકોની જાન નાચતી-ગાતી પસાર થઈ.

‘જિંદગી પોતાનાં આદર્શો મુજબ જ હજુ જીવવી પડશે. બીજાની સલાહો પર નહીં જ.’ તેનામાં અદૃશ્ય શક્તિનો અજબ સંચાર થયો. રાજકોટ. લાગણીઓની સુવાળપથી સ્પર્શતું શહેર. આગિયા જેવાં ધમધોકાર અરમાનો વચ્ચે જીવતા લોકોમાં સતત જીવંત દિલની જેમ ધડકતું ધબકતું રાજકોટ. જ્યાં ભૂતકાલીન આશા-અભિલાષા અને વર્તમાન આકાંક્ષાનું સંમિશ્રણ થઈ વિવેકની અંદર મન-મગજમાં એક મક્કમ નિર્ણય નક્કી થઈ ચૂક્યો હતો.

રસિકતાના મનભેદમાં સમાધાનનો સરળ રસ્તો શોધી કાઢવામાં યાદોનો ખજાનો બની ગયું છે એવું આ શહેર. જીવનમાં કરેલાં કેટલાંક અકથિત, અસહ્ય સારા-નરસા કાર્યો, કારસ્તાનોનું ગવાહ બની રહેલું આ રમતિયાળ રાજકોટ આજે મુક્તિધામ બની વિવેકને હાશકારો કરાવી રહ્યું હતું. વિવેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ જેવું જ વૈવિધ્ય અને વિરોધાભાસ ઉપજાવી સળગતા ગૂગળના ધૂપની જેમ સતત મહેકતા, મંથન કરાવતા જાણે તેને તેનું દર્પણ દર્શાવી રહ્યું હતું. નવી દિશા અને દશા સૂચવી રહ્યું હતું.

રાજકોટમાં વિવેકને ઉછેર, સંસ્કાર અને શિખામણ મળ્યાં હતાં. પોતાનાંઓનાં લગન-મરણ, આત્મહત્યા-એક્સિડન્ટ જોયાં. આનંદ-શોક અનુભવ્યાં. ઘણું સમજ્યો અને શીખ્યો. સમૂહ, સંગઠન, સંસ્થા, સમાજ, શહેરીજનો અને આત્મજનોની વ્યાખ્યા અને વ્યવહારથી પરિચિત થયો હતો. ઘડાયો હતો. આ બધામાં આજ જાણે તેને જીવન જ્ઞાન મળ્યું.

મમ્મીનો ફોન આવ્યો. ગાડીનો ટેકો લઈ ઉભેલા પંચર કરાવતા વિવેકે કોલ લીધો.

‘વિવેક, બેટા મમ્મી બોલું છું. જય શ્રી કૃષ્ણ.’

‘જય શ્રી કૃષ્ણ. બોલો મમ્મી. કેમ છો? ખંજનને સારૂં છે ને? હું કાલ સુધીમાં કંપનીનું કામ આટોપીને તમારા બધા પાસે આવી પહોંચીશ.’

‘દીકરા, ડૉક્ટરે ખંજનની ડિલિવરીની ડેટ આપી છે. વેવાઈની એવી ઈચ્છા છે કે ખંજન બાળકને પોતાના પિયરમાં જન્મ આપે. હવે પાછલા દિવસોમાં તું તેને સાથ આપી શકતો નથી અને હું એકલી કેટલે પહુંચી શકું? અમે આજે ફ્લાઈટથી તારા સાસરે મુંબઈ આવી ગયા છીએ. તું અહીં મુંબઈ આવી જા.’

‘સારૂં મમ્મી. હું બિઝનેસનું કામ પતાવીને થોડા દિવસોની રજા લઈ અહીંથી સીધો બોમ્બે આવી જાઉં છું.’

વિવેકે કોલ ડિસકનેક્ટ કર્યો. તુરંત મુંબઈના કોડવાળા લેન્ડલાઈન નંબર પરથી કોલ આવ્યો. ખંજન હશે એવું સમજી તેણે કોલ સ્વીકાર્યો.

‘હલ્લો...’

‘.....’ કોઈ બોલ્યું નહીં.

‘હેલ્લો...’

‘વિવેક, હું સોનાલી.’ સોનાલીના અવાજમાં નમી હતી. તેના બે શબ્દોમાં એક હતાશા અનુભવી વિવેક સીધું બોલ્યો, ‘હું અત્યારે રાજકોટ છું, આજે જ અહીંથી પ્લેનમાં બેસીને બોમ્બે આવવા રવાના થઈ રહ્યો છું.’

સોનાલીને ડુમો ભરાઈ આવ્યો. આંખમાંથી દળદળ કરતું પાણી વહ્યું. ‘હકીકતમાં વિવેક?’

રડતી સોનાલીને અસત્યના અંધારામાં રાખીને વિવેકને જાણે તેની ભૂલ સમજાઈ હોય એ રીતે સ્વયંને દોષ્િાત ગણી ગુનાહિતભાવે કહ્યું ‘હા, પ્રોમીસ. હું તારી પાસે આવું છું. મુંબઈ.’

ક્રમશઃ...