Hu Gujarati 9 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 9

હું ગુજરાતી - ૯

આરામ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી — સિદ્ધાર્થ છાયા

૨.કલશોર — ગોપાલી બૂચ

૩.હ્મદ્વરઇપીંછ — કાનજી મકવાણા

૪.કૌતુક કથા — હર્ષ પંડ્યા

૫.માર્કેટિંગ મંચ — મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી — આકાંક્ષા ઠાકોર

૭.ગ્લોબલ મેનેજમેન્ટ — દીપક ભટ્ટ

૮.સંજય દ્રષ્ટિ — સંજય પીઠડીયા

૯.મિર્ચી ક્યારો — યશવંત ઠક્કર

૧૦.પ્રાઈમ ટાઈમ — હેલી વોરા

૧૧.બોલીવુડ બઝ — સિદ્ધાર્થ છાયા

૧૨.લઘરી વાતો — વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી

સિદ્ધાર્થ છાયા

‘આરામ’

ગઈકાલેજ આપણે જેમની ૧૨૫ જન્મજયંતિ ઉજવી એ ભારતનાં પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આપણા દેશની આઝાદી સમયે એક સૂત્ર આપ્યું હતું, ‘આરામ હરામ હૈ’! એટલેકે દેશ હમણાંજ આઝાદ થયો છે એટલે હવે દેશની ઝડપી પ્રગતી માટે આપણે કામે લાગી જવું જોઈએ અને બિલકુલ આરામ ન કરવો જોઈએ. પણ આપણે ત્યાં આઝાદીનાં સમયથી જ ઘણાલોકોએ ‘આરામ હરામ હૈ’ સુત્રને ફગાવી દઈને ‘આરામ હી રામ હૈ’ નામનું પોતાનું જાતે બનાવેલું સૂત્ર આત્મસાત કરી લીધું હતું અને કદાચ એટલેજ આપણો દેશ, આપણી સાથેજ આઝાદ થયેલા દેશો જેવાં કે ચીન કે ઇઝરાયેલ અથવાતો સાવ તહસનહસ થઇ ગયેલા જાપાન કરતાં પાછળ રહી ગયો છે.

પણ, એનો મતલબ બિલકુલ એવો નથી કે આરામ ખરેખર હરામ છે. આરામની તો ખુબ જરૂર છે અને આ જરૂરને ન સમજનારા જ કદાચ ‘વર્કોહોલીક’ નું બિરુદ આપોઆપ મેળવી લેતાં હોય છે. આ પ્રકારનાં લોકો કદાચ એમની ઢળતી ઉંમરે સ્વાસ્થ્ય સાથે સમજુતી કરી લેતાં હોય છે. આરામ એટલે એવું નહી કે બધાંય કામ પડતા મુકીને ફક્ત આરામ જ માણવો. આરામ એટલે કામનો થાક ઉતારવો અથવાતો જે સ્ટીરિયોટાઇપ જિંદગી ચાલી રહી છે એનાથી થોડા સમય માટે છુટકારો મેળવવો. આરામ એટલે મોબાઈલમાં ખતમ થઇ ગયેલા બેલેન્સને રીચાર્જ કરવા જેવું છે. ઉપર જણાવેલા વર્કોહોલીક્સ નહીં પણ મહેનતુ લોકોને પણ ડોકટરો ચોવીસ કલાકમાંથી એટલીસ્ટ સાતેક કલાકની ઊંઘ એટલેકે બીજાં શબ્દોમાં આરામ લેવાનું કહે છે અને તો જ શરીરની સાયકલ બરોબર ચાલે છે.

આ તો થઇ રોજની વાત. દર અઠવાડીએ એકવાર સવારે ક્રિકેટ, ટેનીસ કે ફૂટબોલની રમત રમીએ તો પણ આવનારાં અઠવાડિયા માટે માનસિક આરામ મળી જાય છે. દસ-પંદર દિવસે એકવાર કોઈ ફિલ્મ કે નાટક જોવાથી પણ આ પ્રકારનો જ માનસિક આરામ મળી જાય છે. રજાના દિવસે બપોરે બે-ત્રણ કલાકની ઊંઘ પણ શરીરને સારો એવો આરામ આપે છે. જો લાંબા ગાળા માટે શરીર અને મગજને આરામ આપવો હોય તો દર છ મહીને એકવાર ચાર-પાંચ દિવસ શહેરની ભીડથી દુર કુદરતને ખોળે જવાની સલાહ પણ ઘણાલોકો આપતાં હોય છે.

આરામ એક કામનું મહત્વ વધારે છે કારણકે ‘જીવન ચલનેકા નામ, ચલતે રહો સુબહો શામ!’ બરોબરને?

કલશોર

ગોપાલી બૂચ

‘‘મેરે ઘર આના ,આના જીંદગી,જીંદગી...’’

જીવનની સૌથી આરામદાયક પળ હોય છે જ્યારે જીંદગીને ખુલ્લા હાથથી સત્કારવા તત્પર હોઈએ.્રક્ષિતિજ પર ઢળી રહેલા સુરજ સાથે જીંદગીની સાંજ પણ ઢળી રહી હોય ,સામે અફાટ દરિયો કિનારાને આંબવા ઘૂઘવાટ કરતો હોય એવા સમયે જરાક પાછુ વાળી સરી ગયેલી સફરને હાથવગી કરવાની ઘટના ઉર્ફે ‘‘આરામ‘‘.

હાથમાથી દુર સરકી ગયેલી,હાથમા સચવાઈ રહેલી અને હસ્તરેખાની લાઈફ લાઈનમા હજી સચવાઈ રહેલી ધડકનો સાથે કવિ -ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાના અલગારી અંદાજમા ગુફતેગુ કરી રહયા છે.છપ્પનની છાતી સાથે જીંદગીને સાવ સહજ રીતે વહેવડાવવાનુ ગજુ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી.આવતી જતી ક્ષણને પચાવી શકવાની ક્ષમતા આ ગઝલ બખુબી પુરવાર કરે છે.

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,

હું ક્યાં કહુ છું કે મારામાં ઓગળી જાજે.

જો મૌન થઈને તું મારા હ્‌રદયમા રહી ન શકે,

તો સાવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે.

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો ય નથી,

હું ગુંગળઔં નહી એ રીતે વહી જાજે.

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,

જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.

‘‘જવું જ હોય તો કોણ રોકી શકે છે તને,

હું તો અહીં જ હોઈશ,આવ તો મળી જાજે‘‘

(જવાહર બક્ષી)

‘‘જવું જ હોય તો કોણ રોકી શકે છે તને,

હું તો અહીં જ હોઈશ,આવ તો મળી જાજે’’ કહેવાનો રુઆબ કાબિલ એ દાદ છે.આમ તો જીંદગી અને પ્રેમ બન્નેની ખુશમિજાજી સરખી જ છે.સાથ આપે ત્યા સુધી જ આપણાં !અને જીવતરના રેશમી-મખમલિ ફલક પર ઝાકળના ટીપાંની જેમ ક્યારે સરી જાય કહેવાય નહી.ત્યારે એને વહી જવાનો રસ્તો કરી પણ આપવો પડે.

ભગિરથ થઈ જાણે જીવતરને જીલવા ઉભા રહીએ અને તો પણ જલકમલવત !આમંત્રણ પણ કેવુ ?બરફનો પહાડ થઈ વહેવાનું.ઉષ્મા તો આપણે નિરંતર સ્નેહની આપવાની અને છત્તા મારામા એકરસ થવાની કે ઓગળી જવાની અપેક્ષા રાખ્યા વગર.‘હું’ પણુ ત્યાગીને ‘હોવાપણુ’ કેળવવાની સહજ ઊર્મી.

લાગણીઓને મૌન થઈને હ્‌રદયમા ન રહી શકાય તો શબ્દ થઈ ઉડી જવાની છૂટ.આખી ગઝલમા જોઇએ તો બધી જ છૂટ સામેવાળાને છે.સંપૂર્ણ સમર્પિત ભાવ.તું આમ કરજેની જ વાત છે.પણ શબ્દ થઈ ઊડી જાવું પણ ક્યાં સહેલું છે.ઉડવા માટે હળવા હોવું પણ જરુરી છે.અને હળવાશ અને મોકળાશ જાણે એકમેકમા પુરક છે.મૌનમા જ્યા સુધી હળવાશ છે ત્યાં સુધી જ સંબંધોની ઉષ્મા યથાવત છે.ભાર તો ખાલિપાનું વહન કરે છે.વજનદાર ખાલિપો !

અને પછી પ્રેમ ગુંગળાય છે.

આતિ નિકટતા જેમ ઉપેક્ષાનું કારણ બને છે એજ રીતે બંધન પણ બને છે એ સત્ય આ શેરમા મુખર થયું છે.

‘‘હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો ય નથી,

હું ગુંગળાવ નહી એ રીતે વહી જાજે‘‘

જો સંબંધોના દ્રષ્ટિકોણથી જોઈએ તો સંબંધોમા અતિ સમીપે માલિકીભાવ સર્જે છે.જ્યા અધિકાર આવે ત્યા સંબંધ બોજ બને.ગુંગળાવા લાગે અને મુરઝાવા લાગે. એને વહેતો રાખવો પડે.પ્રેમ બાંધવાની નહી પણ સ્વયં બંધાવાની વાત છે.

આ જ શેરને જીંદગી સાથે સાંકળી વિચારીએ તો વાસ્તવિકતાનો પરિચય છે કે શ્વાસ સતત તો સાથ અપવના નથી જ,બસ ફક્ત ગુંગળામણ ન થાય એ રીતે જાય.જીવનને આટલી સહજતાથી વિદાય થવાનુ કહી શકવું એ સત્ય સાથેનુ સામીપ્ય સુચવે છે.

શ્વાસ હોય કે સંબંધ ,શાશ્વત તો કશું જ નથી.માલિકીભાવ નીચે સંબંધ તરફડે છે,છુટકારો ઈચ્છે છે ત્યારે આપણે જ તૂટું તૂટું થઈ રહેલાં સંબંધોને કાયમી તિલાંજલી આપવી પડે છે.ભસ્મીભૂત થઈ ગયેલાં સંબંધો સાથેનું લાંબુ જીવન વધુ ખાલિપો સર્જે છે.ીનું હોવુ પણ નહી હોવા બરાબર જ છે .ખબર છે કે ‘‘જિંદગીકે સફર મે ગુઝર જાતે હે જો મકામ,વો ફીર નહી આતે....‘‘અને એટલે જ તુટી રહેલાં સંબંધોની વેદના સાથે જીવન સાથેની ખુમારી અકબંધ જાળવી રાખવાનો પ્રયાસ પણ છે જ કે ‘‘જવુ હોય તો હમણા જ નીકળી જાજે ‘‘.

કશુ જ સ્થાયી નથી.શાશ્વત છે તો માત્ર શુન્ય માથી સર્જન અને શુન્યમા જ વિસર્જન.જીવનની આ જ નિયતી છે,ગતિ છે. અને આ બધી જ અવઢવ વચ્ચે પણ ગઝલકારની ખુમારી યથાવહ છે. એટલે જ એ બહુ જ સરળતાથી કહી શકે છે કે ,

’’ ‘‘જવું જ હોય તો કોણ રોકી શકે છે તને,

હું તો અહીં જ હોઈશ,આવ તો મળી જાજે‘‘.

જીંદગીને પામવી છે,બાંધવી નથી.બંધાવાની પણ નથી,જવાની જ છે,જવા દેવાની પણ છે.આ બધું જ જોતા રહેવાનું છે અને તો પણ એને સિંચતા રહેવાનું છે,હથેળીમાથી ક્ષણે ક્ષણે જઈ રહેલી જીંદગીને કહેતા રહેવાનું છે,

મેરે ઘર આના ,આના જીંદગી...જીંદગી...રે...જીંદગી.મેરે ઘર આના...

હ્મદ્વરઇ-પીંછ

કાનજી મકવાણા

હ્મદ્વરઇ-પીંછ

કૌતુક કથા

હર્ષ પંડ્યા

ત્ઇમઇમબઇર ત્ઇમઇમબઇર તહઇ ૫તહ દ્વફ ણદ્વવઇમબઇર

ટાઈટલ વાંચીને એમ ન સમજતા કે આ શું કથા આ કાગડો માંડી રહ્યો છે? આ તો એક ફિલ્મનો સંવાદ છે જે ફિલ્મમાં વારંવાર રીપીટ થાય છે. શ્વ ફદ્વર શ્વઇનદઇતતઅ નામની આ બહુ ચગેલી ફિલ્મ ખરું જોતા ઘણીબધી રીતે એક બહુ જૂની વાતને અને એક સદાબહાર નોવેલને અપાયેલી અંજલિ છે.

ઈ.સ.૧૯૪૯ માં જ્યોર્જ ઓરવેલ નામના લેખકે એક નોવેલ લખી. જેમાં એવો પ્લોટ હતો કે ભવિષ્યમાં કોઈ એક બીગ બ્રધર હશે જે આખા શહેર પર વિવિધ યંત્રો-કેમેરાઓ-છુપી પોલીસ વગેરેથી લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખતો હશે. ‘૧૯૮૪’ એવું ટાઈટલ ધરાવતી આ નોવેલ ચપોચપ ઉપડી ગઈ. અમેરિકન રીયાલીટી શો ‘બીગ બ્રધર’ અને આપણો નખરાયુક્ત નવરા સેલીબ્રીટીઓથી ભર્યોભર્યો રહેતો રીયાલીટી શો ‘બીગ બોસ’ એ આ જ નોવેલના પ્લોટ પરથી બનેલ છે. હવે આપણે જે ઉપર ફિલ્મની વાત કરી એ ફિલ્મમાં પણ આવું જ કંઇક છે. એક સરકાર છે જે સતત પોતાની ધાક જમાવવા માટે નાગરિકો પર નજર રાખે છે. લોકશાહી જેવી કોઈ વાત પણ ઉચ્ચારવી અહિયાં દ્રોહ ગણાય છે. એવે વખતે એક વ્યક્તિ આ બધામાંથી છુટકારો મેળવવા માટે મેદાને પડે છે. આ પ્રકારની સીનાજોરીનો વિરોધ અંધાધુંધી અને ‘‘ડાર્ક નાઈટ’’ના મશહુર વિલન ‘જોકર’ની સ્ટાઈલમાં આપવા. એ બર્મિંગહામ પેલેસ, ઇંગ્લેન્ડની સંસદ અને લંડનના મહત્વના ગણાય એવા સ્થળોએ પોતે સંગઠિત કરેલા પોતાના જેવા મિત્રોની મદદથી એક જ સમયે સાગમટે ધડાકા કરાવવાનો પ્લાન ઘડે છે. આ પ્લાન સફળ થાય છે કે નહીં એ જાણવા માટે તો ફિલ્મ જોવી પડશે, પણ આપણે વાત કરીએ આ ફિલ્મની પાછળ રહેલા સાવ સાચા ઘટનાક્રમની.

ઈ.સ. ૧૬૦૫ ની ચોથી નવેમ્બરની રાત.સ્થળ- ઇંગ્લેન્ડની સંસદની નીચે કોઈ દિવસ ન ખુલતા વોલ્ટ્‌સના ભંડકિયા. ગાય ફોકસ નામના બારૂદ નિષ્ણાંત અને એના બીજા સાગરીતોએ ત્યાં ગન પાઉડર ભરેલા પીપ ગોઠવ્યા હતા. જરાક તણખો થાય તો આખું બિલ્ડીંગ ધડાકાભેર તૂટી પડે એટલા પ્રમાણમાં ઠાંસીને ભરેલ બારૂદના પીપોની વચ્ચે ટીમ લીડર અને હાડોહાડ રોમન કેથોલિક ગાય ફોકસ એકલો બિલકુલ મૌજથી આરામ ફરમાવતો બેઠો હતો. એનો ચહેરો ગૌરવથી મંડિત હતો. એ એવું કામ કરવાનો હતો જેનાથી રોમન કેથોલિક સંપ્રદાય ફરીથી સત્તા પર આવી જવાનો હતો અને ફરીથી ચર્ચ એની પકડ ઇંગ્લેન્ડ પર લઇ લેવાનું હતું. યોજના હતી ઇંગ્લેન્ડની સંસદ ચાલુ હોય ત્યારે બિલકુલ નીચે બારૂદના અગાઉથી ગોઠવેલ પીપોની મદદથી જબરદસ્ત ધડાકો કરી આખી સંસદ અને ભેગાભેગ રાજા જેમ્સ-૧ નું નામોનિશાન મિટાવી દેવું. આવું શું કામ કરવું પડ્યું? વેઇટ એન્ડ રીડ.

એક વખત એવું બન્યું કે ઈ.સ. ૧૫૧૭ માં માર્ટીન લ્યુથરે પરંપરાગત કેથોલિક ધર્મને પડકારતો પ્રોટેસ્ટંટ સંપ્રદાય ઉભો કર્યો. ઈ.સ. ૧૫૩૩ માં ઇંગ્લેન્ડના રાજા હેન્રી આઠમાને એની પત્નીને પુરુષ સંતાન ન આપી શકવાને લીધે ડિવોર્સ આપવાની ત્યારના ચર્ચે મનાઈ ફરમાવી. ગુસ્સે ભરાયેલ રાજાએ એ જ દિવસથી કેથોલિક ચર્ચ સાથે છેડો ફાડી નાંખ્યો અને તરત જ ઇંગ્લેન્ડની સંસદે એને ઇંગ્લેન્ડના ચર્ચનો સુપ્રીમ હેડ નીમી દીધો. આ અસરથી પ્રજામાં પ્રોટેસ્ટંટ પંથીઓની સંખ્યા વધતી ચાલી. ઈ.સ. ૧૯૪૭ માં હેન્રી ના નવ વર્ષીય પુત્ર એડવર્ડ છઠ્ઠાને સત્તા પર બેસવું પડ્યું જેને પરિણામે પ્રોટેસ્ટંટ રિફોર્મ્સ ના નામ હેઠળ રીજન્સી કાઉન્સિલ બની જેણે પ્રોટેસ્ટંટ અને કેથોલિક એમ બેય પક્ષોને ખુશ કરવા માટે મધ્યમ સુધારાઓ સૂચવ્યા. ઈ.સ.૧૫૫૮ માં રાજા હેન્રી અને એની બીજી પત્ની એની બોલીનની દીકરી એલીઝાબેથ-૧ એ હાડોહાડ રોમન કેથોલિક હોવાને નાતે ફરીવાર રોમન કેથોલિક સંપ્રદાય દાખલ કર્યો જેનો ઈ.સ.૧૫૭૦ માં પોપ પીયુસ-૫ મા એ વિરોધ કર્યો. એટલે તમામ ધર્મગુરુઓ તરફના કાયદાઓ વધુને વધુ આકરા બનાવવામાં આવ્યા. તેઓ રાજદ્રોહ માટેના આરોપીઓ તરીકે જોવામાં આવ્યા. બીજી તરફ, ઈ.સ. ૧૬૦૩ માં એલીઝાબેથનો સ્કોટીશ માસીયાઈ ભાઈ જેમ્સ-૧ સત્તા પર આવ્યો. જેણે પ્રોટેસ્ટંટ સંપ્રદાયમાં સુધારાઓ ચાલુ રાખ્યા પરંતુ એલિઝાબેથના કડક કાયદાઓ પણ ચાલુ રાખ્યા. જેને પરિણામે ગાય ફોકસને એક ખતરનાક વિચાર આવ્યો અને એણે ઉપર કહી એ યોજના બનાવી.

આખા પ્લાનમાં ફિલ્મોની માફક કોઈક તો ફૂટી જ જાય એ ન્યાયે રાજાને ખબર પડી ગઈ અને ગાય ફોક્સને જાહેરમાં શુળીએ ચડાવવામાં આવ્યો. એનું માથું લટકાવ્યું જેથી બીજા આ પ્રકારની ‘પ્રેરણા’ ન લે. પછી રાજાએ સંસદ બચી ગયાના માનમાં ઉજવણીની જાહેરાત કરી, અને આજે ચારસો વર્ષ પછી પણ ૫ નવેમ્બર ગાય ફોકસ ડે તરીકે ઈંગ્લેન્ડમાં ઉજવાય છે. લોકો આતશબાજી કરે છે પણ મૂળમાં તો એ અન્યાયી કાયદાઓના વિરોધની કથા છે જેને ફિલ્મમાં આબાદ અંજલિ અપાઈ છે. ફિલ્મ જોવા જેવી છે પણ બેકગ્રાઉન્ડ વગર મજા નહીં આવે એટલે આ વખતે આ આપ્યું.

પાપીની કાગવાણીઃ

મો કો કહા ઢૂંઢે રે બન્દે, મેં તો તેરે પાસમેં,

ના તીરથ મેં ના મુરતમેં, ના એકાંત નિવાસમેં,

ખોજી હો તુરત મિલ જાઉં, એક પલ કી તલાશ મેં,

કહત કબીર સુનો ભાઈ સાધો, મેં તો હું વિશ્વાસ મેં...

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

‘પારસી ક્વીઝીન’

તેઓએ સદીઓ પહેલા, દૂધ ભરેલા વાડકામાં ખાંડ ઉમેરીને ભળી જવાનું વચન આપ્યું હતું, અને આજે તેઓ દેખીતી રીતે પોતાના વચન પર શતપ્રતિશત ખરા ઊતરીને ઝોરાષ્ટ્રિયન ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ગયા છે. આ સમુદાય વર્ષોથી વાણિજ્ય, ઔદ્યોગિક ઉદ્યોગો, કાયદા અને અન્ય ઘણા જટિલ વ્યવસાયોમાં આદરણીય સ્થાન ધરાવે જ છે પરંતુ તેની સાથે સાથે તેઓ ખાનપાનના મામલે પણ એટલા જ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ પૂર્ણ છે, અને માંસાહારીઓ માટે શુદ્ધ આનંદ સ્વરૂપ છે.

લાક્ષણિક પારસી ભોજનમાં માંસ, માછલી કે શાકભાજી સાથે ચોખાનો સમાવેશ થાય છે. ઇંડા એ પારસી ભોજનનું એક મહત્વનું ઘટક છે અને ઘણી પારસી વાનગીઓનો મુખ્ય ભાગ છે. તેઓ માટે ડિનર દિવસનું મુખ્ય ભોજન હોય છે, અને મેઈન કોર્સ ઉપરાંત વિવિધ ફળ અને સૂકામેવાનો પણ સમાવેશ થાય છે.

આપણામાંના મોટાભાગના લોકો પારસી ક્વીઝીનને મુખ્યત્વે ખૂબ જ લોકપ્રિય અને જાણીતી વાનગી ‘ધાનસાક’ સાથે સાંકળે છે જે વિવિધ દાળ ને શાકભાજી કે માંસ સાથે ઓઅક્વીને બનાવવામાં આવે છે. જો કે, ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે પારસી સંસ્કૃતિ માં ધાનસાક એ શોક સાથે સંકળાયેલ છે, પરિણામે તે ઉત્સવ પ્રસંગો માટેની પસંદગી નથી.

પારસી રાંધણકળાની સૌથી પ્રચલિત માછલીની વાનગીઓમાંની એક છે ‘‘પાત્રાની મચ્છી‘‘. આ ઉપરાંત ‘‘તરેલી મચ્છી’’ પણ એક પ્રખ્યાત વાનગી છે જેમાં મસાલામાં મેરીનેટેડ માછલીને તલના તેલમાં ક્રિસ્પી પડ આવે ત્યાં શોધી શેલો ફ્રાય કરવામાં આવે છે.

પારસી ખાનપાન ઇંડા પર ભારે આધાર રાખે છે, અને તેથી તમે સ્ક્રેમ્બલ્ડ એગ્સની ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ માની શકો છો. આવી જ એક વાનગી છે ‘અકૂરી’, જે એક મસાલા સ્ક્રેમ્બલ્ડ એગ છે, જેમાં ટામેટા, કાંદા અને મસાલા સાથે લસણનો આગવો સ્વાદ હોય છે. અકૂરીને રોટી અથવા તો બ્રેડ સાથે ખાવામાં આવે છે.

પારસી ક્વીઝીનની જાણકારી ‘‘સલ્લી‘‘, વેફરનો એક પ્રકાર,ના ઉલ્લેખ વિના અપૂર્ણ હશે. પાતળી સ્લાઈસ કરેલા કે એકદમ પાતળી સળીમાં સમારેલા બટાકાને, તેમાંથી સ્ટાર્ચ દૂર કરવા, વારંવાર ધોવામાં આવે છે અને પછી મીઠું ચડાવેલું ઠંડા પાણીમાં ડૂબાડી તેની સૂકવણી કરવામાં આવે છે અને છેલ્લે, આ ચીપ્સને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવામાં આવે છે. સલ્લી એ કદાચ પારસી ઘરોમાં ખવાતું એક ખૂબ પ્રચલિત ‘મીડ ડે સ્નેક’ છે .

પારસી ક્વિઝીન મીઠાઈઓ અને મીઠી વાનગીઓથી સમૃદ્ધ છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે સૂતરફેણી એ એક પરંપરાગત પારસી મીઠી વાનગી છે. જો કે, તેઓની સૌથી પ્રખ્યાત મીઠી, કે જે તેઓ લગભગ દરેક પ્રસંગે બનાવે છે, તે છે ‘રવો’. ‘રવો’, એ સાદો રવાનો શીરો જ છે, જેમાં રાવને થોડીવાર માટે ઘીમાં શેકી તેમાં દૂધ અને પાણી ઉમેરી તેમાંથી પાણી શોષાઈ જાય ત્યાં સુધી રાંધવા માં આવે છે. ‘રવો’ સામન્ય રીતે ઠંડો અને વિવિધ નટ્‌સ સાથે સર્વ કરવામાં આવે છે.

એક અનન્ય અને પરંપરાગત પારસી ડેઝર્ટ, કે જે લગ્ન દરમિયાન પીરસવામાં આવે છે, ‘‘લગન નું કસ્ટાર્ડ’’ આ એક બ્રિટિશ ક્વિઝીન દ્વારા પ્રભાવિત વાનગી છે. તેમાં પરંપરાગત કસ્ટર્ડમાં સ્વાદ માટે, એલચી પાવડર અને જાયફળ ઉમેરવામાં આવે છે. આ પછી પાણી ભરેલા વાસણમાં શેકવામાં આવે છે અને એકદમ ઠંડુ પીરસવામાં આવે છે.

ગોર આમલીનું ડોરુંઃ

સામગ્રીઃ

૮ સરગવાની શીંગ, છોલીને ૩ ઇંચ ટુકડાઓમાં કાપેલી

હળદર ૧ ચમચી

મરચાંનો પાવડર ૧ ચમચી

૨ તસપ ધાનસાક મસાલા પાવડર (બાદશાહ/ એવરેસ્ટ)

ચણાનો લોટ ૧ પીરસવાનો મોટો ચમચો

૩૦૦ ગ્રામ આમલી એક કપ પાણીમાં પલાળેલી

ગોળ ૧૦૦ ગ્રામ

સ્વાદ મુજબ મીઠું

૩ તબસપ ઘી અથવા તેલ

ડુંગળી ૩ (સમારેલી)

બી કાઢેલા ૬-૮ લીલા મરચાં,

કોથમીર ૩/૪ કપ (સમારેલી)

આદુ ૨ ઇંચ (સમારેલું)

૧ મોટી કળી લસણ

૨ તબસપ સમારેલી કોથમીર સજાવટ માટે

રીતઃ

સરગવાની શીંગને લગભગ પકી જાય ત્યાં સુધી ઉકળવા દો.

એક પેન ફ્રાયમાં ઘી/તેલ ગરમ કરો, તેમાં ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.

બાકીની સમારેલી સામગ્રી અને મસાલા ઉમેરી, લગભગ એકાદ મિનીટ સુધી સાંતળો.

ચણાનો લોટ ઉમેરો અને એક બે મિનીટ સુધી સાંતળો. જો જરૂરી હોય તો થોડું પાણી ઉમેરો.

આમલીનો રસ અને ગોળ ઉમેરો અને ઉકળવા દો.

શીંગ ઉમેરો અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકવા દો.

સમારેલી કોથમીરનાં પાંદડા સાથે સજાવો અને ખીચડી અને પાપડ સાથે સર્વ કરો.

ધાનસાકઃ

સામગ્રીઃ

૧/૩ કપ તુવેર દાળ

૧/૩ કપ મસૂર દાળ

૧/૩ કપ મગની દાળ

૧/૪ કપ ચણા દાળ

૨ મધ્યમ કદની ડુંગળી, બારીક સમારેલી

૧ મોટા બટેકા, છોલીને સમારેલા

૧ મધ્યમ રીંગણ સમારેલા

૧ કપ લાલ કોળું, છોલીને સમારેલું

૧ મોટું ટામેટું સમારેલું

૧/૪તસપ હળદર પાવડર

૧ તબસપ કસૂરી મેથી

૩/૪ ચમચી આમલીની પેસ્ટ

૧ તસપ ગોળ (અથવા ખાંડ)

૧ ૧/૨ તબસપ તેલ / ઘી

સ્વાદ માટે મીઠું

૨ તબસપ કોથમીર સમારેલી, સજાવટ માટે

મસાલા પેસ્ટ માટેઃ

૨ કળી લસણ

આદુ ૧/૨ ઇંચ નો ટુકડો

૧ તસપ જીરુ

૧ ૧/૨ તસપ ધાણા

તજ ૧ ઈંચનો ટુકડો

૨ લીલી એલચીની શીંગોમાંથી કાઢેલા બી

૩ લવિંગ

૪ કાળા મરીના

૨ સૂકા લાલ મરચાં

રીતઃ

પ્રથમ મસાલાની પેસ્ટ કરો. મધ્યમ ગરમી પર એક નાની પેનમાં બધા જ મસાલાને એક પછી એક તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરો. ત્યારબાદ સહેજ ઠંડા પડે એટલે તેમાં આદુ અને મરચા ઉમેરી પીસી લો. આ પેસ્ટ માં એક — બે ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ બનાવો અને તેને બાજુ પર રાખો.

એક બાઉલમાં બધી દાળ મૂકો અને તેમને સારી રીતે ધોઈ તેમાં પૂરતું પાણી અને શાકભાજી (રીંગણા, બટાકા અને કોળું) ઉમેરી તેને પ્રેશર કૂકરમાં બાફી લો.

પ્રેશર કૂકર ખોલી, તેમાંથી દાળ અને શાકભાજી કાઢી તેમને સારી રીતે મેશ કરી લો.

ગરમ પાણી ૨ તબસપ માં કસૂરી મેથી પલાળો.

એક કઢાઈ / પાન માં તેલ ગરમ કરો અને આદુ-લસણની પેસ્ટ અને મસાલા પેસ્ટ ઉમેરો.

મધ્યમ ગરમી પર એક મિનિટ સુધી પકવો. તે બળતું નથી તે જોતા રહી, વારંવાર હલાવતા રહો.

ડુંગળી ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટાં ઉમેરો અને તેઓ સોફ્‌ટ બને ત્યાં સુધી રાંધો.

છુન્દેલું મિશ્રણ, હળદર પાવડર, પાણી, આમલીનો રસો, ખાંડ અને મીઠું સાથે પલાલેઈ કસૂરી મેથી ઉમેરો, અને તે ૧૦ મિનિટ માટે પકવો.

ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો.

તાજી કોથમીર સાથે સજાવી બ્રાઉન રાઈસ, કચુંબર અને પાપડ સાથે પીરસો.

દૂધના પફ્‌ફઃ

સામગ્રીઃ

૨ લિટર ફુલ ક્રીમ દૂધ

૨૫૦ ગ્રામ ખાંડ

સ્વાદ મુજબ ગુલાબજળ

સ્વાદ મુજબ છીણેલું જાયફળ

નોંધઃ આ વાનગી સામાન્ય રીતે સાંજના સમયે જ બનાવવી

રીતઃ

એક પેનમાં દૂધ અને ખાંડ મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો.

દૂધમાં ત્રણ થી ચાર વખત ઉભરો આવવા દો. ત્યારબાદ દૂધને ઠંડુ થવા દો.

દૂધને આખી રાત ફ્રીજમાં રહેવા દો.

બીજા દિવસે, દૂધમાં તેના ઉપર જામેલી મલાઈ અને ગુલાબજળ નાખી મિક્સ કરી દો.

અડધા દૂધને એક ઠંડા બાઉલમાં કાઢો ફીણ ઉપર આપે ત્યાં સુધી ચર્ન કરો.

આ ફીણને બાઉલ પરથી કાઢી ઠંડા ગ્લાસમાં ભરતા જાઓ. આખો ગ્લાસ ફીણથી ભરી દો.

ઉપરથી જાયફળ પાવડર નાખી, તરત જ પીરસો.

નોંધઃ દૂધના પફને તરત જ પીરસવું, કેમકે જો લાંબો સમય પહેલા બનાવીને રાખશો તો ફીણ બેસી જશે.

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

બોસ તો મારે શ્રેષ્ઠ જ બનવું રહ્યું...

કંપનીમાં સ્ટાફની નિમણુકથી લઈને તેમને યોગ્ય કામ સોંપવું, તેમની પાસેથી વસ્તુ કેટલા પ્રમાણમાં વહેચાઈ છે તેનું માહિતીપત્રક માંગવું, સવાર પડ્યે સેલ્સના ટાર્ગેટ આપીને સાંજ પડ્યે રીપોર્ટની માંગણી કરવી, જો કોઈ ભૂલ કરે તો તુરંત જ નોટીસ અથવા ઠપકો આપવો વગેરે જેવા કામો તમે કંપનીમાં દરરોજ કરો છો પરંતુ શું તમે ક્યારેય તેના શ્રેષ્ઠ બોસ બનવાનો પ્રયત્ન કર્યો છે? તમારા સ્ટાફના શ્રેષ્ઠ બોસ બનીને તેને મોટીવેટ કરીને સાથ આપો એક મિત્ર તરીકે તેને કરિયરમાં આગળ વધવાનો મોકો આપો. પહેલાના જમાનામાં કંપનીઓ કર્મચારીઓને પોતાની મિલકત તરીકે દર્શાવતા હતા પરંતુ આજે તદન ઉલટું છે. પરફોર્મન્સ આપો અને પગાર લો તેવી પરિસ્થિતિ આજે જોવા મળે છે. તો આવા સમયમાં તમારા કર્મચારીનો જુસ્સો ટકાવી રાખવા માટે એ જોઈશું કે એક શ્રેષ્ઠ બોસ કેવી રીતે કર્મચારી અને કંપનીની પ્રગતિમાં અમુલ્ય ફાળો આપી શકે છે.

કર્મચારીઓનું મહત્વ સમજોઃ હંમેશા યાદ રાખો કે કંપનીનું સંચાલન કર્મચારીઓના પ્રયાસોથી થાય છે. જ્યાં સુધી તમે કર્મચારીને કામ અંગે સપોર્ટ નહિ આપો ત્યાં સુધી તે કામને માત્ર એક કંપનીની ગતિવિધિ તરીકે જ ગણશે. તેમણે કરેલા દરેક કામને ક્રેડીટ આપો. તેમનું કામ તમારા આગળના કામ સાથે પરોક્ષ રીતે જોડાયેલું રહેશે. તમારો સ્ટાફ તમારી પાસે એક સારા બોસની અપેક્ષા રાખે છે તો તેવા સમયમાં તમે તેને યોગ્ય સાથ અને સહકાર આપો. જે કંપની કે વિભાગ પોતાના કર્મચારીને મહત્વ આપતો નથી તે લાંબાગાળે માન-સ્વમાન ગુમાવે છે.

સ્ટાફને જવાબદાર પ્રતિનિધિ બનાવોઃ જયારે પણ તમે લોકોને કોઈ કામ સોંપો છો ત્યારે તેમને તે કામ અંગેની જવાબદારી વિશે સભાનતા કેળવો. તમારી હાથ નીચે કામ કરતા લોકોને કામની પરિસ્થિતિની સ્થિતિ સ્થાપકતા વિશે ખ્યાલ હોવો જરૂરી છે. જવાબદારી સ્વીકારવાથી કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ અને નિર્ણયશક્તિમાં એક ખાસ અભિગમ જોવા મળે છે. તેઓ કામને પોતાનું કામ ગણીને તેનો ઝડપથી નિકાલ લાવે છે જે કંપની માટે ફાયદારૂપ બને છે.

સ્ટાફને સ્વતંત્ર નિર્ણય લેવાની તક આપવીઃ

આજે દરેક કંપનીમાં બોસ ખુબ જ વ્યસ્ત જોવા મળે છે. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાનો હોય કે ટોપ મેનેજમેન્ટને ઝડપથી રીઝલ્ટ આપવાનું હોય, બોસનું કામ જે તે સમયમાં ખુબ જ વધી જાય છે અને આવા સમયે તે પોતાના સ્ટાફને વધારાના કામની સોંપણી કરતા હોય છે. જો આવા સમયે બોસ પોતાના કર્મચારીને જે તે કામ અંગે નિર્ણય લેવાની સત્તા આપે તો તેમનામાં કામ કરવાનો જુસ્સો વધી જાય છે અને કર્મચારીની નિર્ણય લેવાની કળામાં પણ વિકાસ થાય છે. તમારા સ્ટાફને કામની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ આપો.

સ્ટાફને કામની બાબતમાં મદદ કરવીઃ

દરેક કોર્પોરેટ કંપનીમાં કામનું પ્રમાણ વધી ગયું છે અને આવા સમયે તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ ક્યારેક કામની બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય છે અને જો તે વખતે તમે તેઓને મદદ કરશો તો તેઓ પાસે તમારી હકારાત્મક છાપ ઉભી થશે. એક સારો બોસ પોતાના કર્મચારીને હંમેશા મદદ માટે તૈયાર હોય છે અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ સ્ટીવ જોબ્સ છે જે હંમેશા પોતાના કર્મચારીને મદદ માટે તૈયાર રહેતા.

અસરકારક સાંભળનાર બનોઃ

તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ વિશ્વની મોટાભાગની કંપનીઓમાં બોસ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને અસરકારક રીતે સાંભળતા હોતા નથી અને તેના પરિણામે કંપનીને મોટું નુકશાન થતું હોય છે. જયારે પણ તમારા કર્મચારી તમને કોઈ પણ કામ બાબતે વાતચીત કરે ત્યારે બધું જ કામ પડતું મુકીને તેને ધ્યાનથી સાંભળવા જોઈએ. જો તમને સમજવામાં કોઈ તકલીફ પડે તો તેમને પોતાના શબ્દો અથવા પોઈન્ટને પુનરાવર્તન કરવાનું કહો.

આભાર માનોઃ

જયારે પણ તમારા કર્મચારી તમારું કામ કરી આપે ત્યારે આભારના શબ્દો જેવા કે થેંક યુ, વેલ ડન જેવા શબ્દોનો ઉપયોગ કરો. આવા શબ્દોથી તેમનું મોટીવેશન લેવલ વધી જશે. વિલિયમ મેઝોર્કના કહેવા પ્રમાણે દિવસમાં તમે જેટલી વખત થેંક યુ અને આભાર જેવા શબ્દોનો ઉપયોગ કરશો તેટલી વખત લોકો તમને માનની લાગણીથી જોશે.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

આરામ કરવો છે!

આહાહાહા....આજે તો ગરમા-ગરમ દાળઢોકળી મન ભરીને ખાધી છે, અને ફોનને મૂક કરીને ઘસઘસાટ-લગાલગાટ બે કલાક બપોરની ઊંઘ ખેંચી છે. આને જ ‘‘આરામ’’ કહેવાય ને?

ના! આરામની સીધી અને સરળ વ્યાખ્યા છે ‘‘થાક ઉતારવાની દવા‘‘! બપોરે પાર વગરનું જમીને ઘોંટાઈ જઈએ, એને આરામ ન કહેવાય! ‘કામ કરે ઈ જીતે રે માલણ, કામ કરે ઈ જીતે - આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે’ એવું ગાવાવાળા આપણે ભૂલી જઈએ છીએ કે ‘કામ‘દેવની કાળી ઘટામાં ‘આ-રામદેવ‘ની આષાઢી હેલી પણ જરૂરી છે. વૈજ્ઞાનિક કારણો એવું બતાવે છે કે કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરો ત્યારે આપણા શરીરમાં (ખાસ કરીને સાંધાઓમાં) લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એ કારણે જ વધુ પડતા શારીરિક શ્રમ કર્યા પછી સાંધામાં દુઃખાવો થાય છે. આરામ કર્યા પછી એ લેક્ટિક એસિડ લોહીમાં ઓગળી જાય છે.

ભારતીય સાહિત્યમાં એવો કોઈ વિષય નહીં જડે કે જેની ઉપર કવિતાઓ ન લખાઈ હોય (પછી એ કોઈ પણ ભાષા હોય). દરેક ભાષાની આગવી કળા છે, રજૂઆત છે, સમૃદ્ધિ છે જેના કારણે જે તે ભાષાના કવિઓ અને લેખકોને ક્યાં ‘આરામ’ કરવા જ મળે છે? નથી માનવામાં આવતું - તો વાંચો કેટલીક આરામદાયક કવિતાઓના અંશ!

નાના ગામડામાં આરામની વ્યાખ્યા કરવી હોય તો એવું કહેવાય કે - બળબળતા બપોરના ધોમ તડકામાં ખેતરમાં કામ કરીને, ઘરેથી આવેલા રોટલા-ચટણી-છાશ ખાધા પછીનો મીઠો ઓડકાર ખાઈને, એકાદ આંબાના ઝાડ નીચે, જેની આરપાર દેખાય એવું પાતળું કપડું ટાઢા પાણીમાં બોળીને, પગના અંગૂઠામાં ભરાવીને માથા સુધી ખેંચીને ઓઢી લો અને પછી જે દેશીમાં એ.સી.નો અહેસાસ થાય - એને કહેવાય ‘‘આરામ‘‘! ખેતરનો થાક લાગ્યો હોય ત્યારે એ ‘‘આરામ’’ શબ્દ ‘‘પોરો’’ બની જાય છે. મોટા શહેરમાં આવી કુદરતી ‘સુવિધા‘ઓનો અભાવ હોય એટલે ટ્રેન-બસના ધક્કા ખાઈને, રીક્ષાવાળા સાથે રકઝક કરીને, દિવસભર ઓફિસમાં બોસ સાથે માથાકૂટ કરીને, આખા ગામના લોહીઉકાળા કરીને, પરિવારની-કામની-પગારની-બચતની-ખર્ચાની ચિંતા કરીને માણસ શારીરિક અને માનસિક રીતે વધુ થાકી જાય છે. આવા જ તનના અને મનના થાકેલા લોકો માટે કવિ જીગર જોષી ‘પ્રેમ‘ની એક સુંદર કવિતા છે, જેનું નામ છે - ‘‘આરામ કરવો છે!‘‘

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,

બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,

બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે.

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદીઓથી,

જુઓ, નફ્‌ફટ ઉદાસીને હવે આરામ કરવો છે !

‘કશો તો મર્મ છે એમાં, અમસ્તું કંઈ નથી થાતું’

ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,

આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,

‘જિગર’! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.

આળસમાં અને આરામમાં ફરક છે. નાનપણથી જ આપણને સસલાં-કાચબાની વાર્તા સંભળાવીને એવું શીખવવામાં આવે છે કે ‘આરામ હરામ હૈ‘. ખરેખર, તો સસલાને આરામ નહોતો નડ્યો, એની સમયસર સજાગ ન રહેવાની ઉણપ નડી હતી. થોડો આરામ કરીને જો એ જાગી ગયો હોત તો કદાચ જીતી જાત. જાણીતા વાર્તાકાર શ્રીમતી વંદનાબેન ભટ્ટનું એક બાળગીતોનું પુસ્તક છે જેનું નામ છેઃ ‘એકડા બગડા આરામ કરે છે’. આ પુસ્તકમાં એક સરસ બાળકાવ્ય છે. આજની પેઢીના કોઈ સ્કૂલમાં જતાં બાળકને રજાના દિવસે જો હોમવર્ક કરવાનું કહેવામાં આવે તો એમનો કંઈક આવો જવાબ મળે -

થાકી ગયા છે એકડા-બગડા એને આરામ કરવા દે,

અકળાઈ ગયા છે ક, ખ, ગ, ઘ એને થોડા ફરવા દે,

સૂતા છે ચોપડીમાં ઘડિયા મમ્મી તું દફતર ન ખોર્લીં

હિંદી ભાષાના હાસ્યકવિ ગોપાલપ્રસાદ વ્યાસના એક વ્યંગકાવ્યનો અંશ કંઈક આવો છે. પણ અહીં ‘આરામ‘નો મર્મ એક આળસુના સંદર્ભમાં કહેવાયો છેઃ

एक मित्र मिले, बोले, ‘‘लाला, तुम किस चक्की का खाते हो?

इस डेढ़ छँटाक के राशन में भी तोंद बढ़ाए जाते हो।

क्या रक्खा है माँस बढ़ाने में, मनहूस, अक्ल से काम करो।

संक्रान्ति-काल की बेला है, मर मिटो, जगत में नाम करो।‘‘

हम बोले, ‘‘रहने दो लेक्चर, पुरुषों को मत बदनाम करो।

इस दौड़-धूप में क्या रक्खा, आराम करो, आराम करो।

आराम ज़िन्दगी की कुंजी, इससे न तपेदिक होती है।

आराम सुधा की एक बूंद, तन का दुबलापन खोती है।

आराम शब्द में ‘राम’ छिपा जो भव-बंधन को खोता है।

आराम शब्द का ज्ञाता तो विरला ही योगी होता है।

इसलिए तुम्हें समझाता हूँ, मेरे अनुभव से काम करो।

ये जीवन, यौवन क्षणभंगुर, आराम करो, आराम करो।

જેમ કજીયાળું બાળક ખૂબ સમય સુધી રડ્યા પછી પારણામાં સૂઈ જાય અને એ બાળકની માતા જે અનુભવે એવી શાંતિભાવના સ્વ. સુરેશ દલાલની કાનુડા માટે લખાયેલી કવિતામાં પણ ઝળકી ઊઠે છેઃ

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ

અમને થાય પછી આરાર્મીં

આ જ કૃષ્ણકનૈયા માટે વિરહી ગોપીના મનનો તરવરાટ ક્યારે શમે? ક્યારે એને આરામ મળે?

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ

તમ હોઠોં પર હું બંસી થાઉં પછી અજબ આરામ

આરામને તો ભારતીય કવિઓએ વધાવ્યો છે પણ એની પાછળના મુખ્ય કારણને જાણવું જરૂરી છે, અને એ છે ‘થાક‘. દંતાળીવાળા સચ્ચિદાનંદજી એવું કહેતાં કે ‘‘તમે ઘરની બહાર નીકળો એટલે તમને થાક લાગવાનું શરૂ થઈ જાય. કરોડપતિ હોય કે રોડપતિ - થાક દરેકને લાગે! અને તમે ઘરે પાછા આવો ત્યારે ઘરનું વાતાવરણ અને ઘરના લોકોને જોઈને તમારો થાક ઉતરી જાય. પણ જેને ઘરમાં થાક લાગે એને દુનિયામાં બીજે ક્યાંય આરામ ન મળે‘‘. દામ્પત્ય જીવનને એવું સુગંધિત બનાવવું કે આખી દુનિયાનો થાક ઘરે ઊતરી જાય. આ જ કારણે ઘર એ દરેક માટે ફક્ત ઘર નથી. ધરતીનો છેડો ઘર - એ કહેવત ખોટી નથી. એક શેર યાદ આવે છે, શાયરનું નામ ખબર નથી પણ બેશેર લોહી ચઢે એવો આ શેર છેઃ

અહીં છે એવો સરંજામ નથી મળવાનો,

તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો

લાખ જન્નત તું દેશે મને મારા ખુદા

મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો!

પડઘોઃ

એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું, ‘શું કરો છો, ભાઈ ?’ પેલાએ કહ્યું, ‘જોતા નથી ? આરામ કરું છું.’

‘પણ એ કરતાં કોઈ કામ કરતાં હોવ તો ?’

‘શા માટે મારે કામ કરવું જોઈએ ?’

‘કામ કરવાથી પૈસા મળે. પૈસામાંથી ગાડી, બંગલો, કપડાં બધું આવે. અને પૈસા વધે એમાંથી બચત કરવાની.’

‘બચત શાના માટે કરવાની ?’

‘બચત કરીએ તો પાછલી જિંદગી આરામથી જીવી શકાય ને ?’

‘એ તો હું અત્યારે ક્યાં આરામથી નથી જીવતો ?’

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

‘આરામ-લીલા’

પ્રસિદ્ધ વક્તા શ્રી દલસુખ દાવડા, ’ જીવનમાં આરામનું મહત્ત્વ’ એ વિષય પર પોતાનું વક્તવ્ય આપવા માટે જ્યારે સભાખંડમાં દાખલ થયા ત્યારે એમના હરખનો પાર ન રહ્યો. ખેડૂતને પાકથી હર્યુંભર્યું પોતાનું ખેતર જોઈને જેવો આનદ થાય એવો જ આનંદ શ્રી દલસુખ દાવડાને શ્રોતાઓથી છલોછલ ભરેલા સભાખંડને જોઈને થયો. શ્રોતાઓની હાજરીનો રંગ વક્તા પર કેવો ચડે છે એ તો જે જાણતા હોય એ જ જાણે! ઓછા શ્રોતાઓ જોઈને વક્તા ઘણી વખત કહેતા હોય છે કેઃ ‘ભલે ઓછા શ્રોતાઓ છે પણ જેટલા છે એટલા બધા સુજ્ઞ શ્રોતાઓ છે એ વાતનો મને આનંદ છે.’ વકતાની આ વાત તો માત્ર શ્રોતાઓને સારું લગાડવાની. બાકી, મનમાં ને મનમાં તો એ કોચવાતા જ હોય. ધુબાકા મારવા કાજે જેણે દરિયાની આશા રાખી હોય ને એને ખોબો પાણી મળે તો એની શી હાલત થાય? એ ખોબો પાણી ભલે ગમે એટલું ગુણવત્તા ધરાવનારું હોય પણ ધુબાકાપ્રેમીને તો એ ઓછું જ લાગેને?

શ્રી દલસુખ દાવડા મન મૂકીને વરસ્યા! એમણે સતત દોઢ કલાક સુધી વિરામ લીધા વગર વિવિધ દાખલા દલીલો સહિત આરામના મહત્ત્વ વિષે પોતાનું વક્તવ્ય આપ્યું. જેને લીધે કાર્યક્રમના આયોજકોને તો એવું જ લાગ્યું કે આજનું આ વક્તવ્ય સાંભળ્યા પછી દરેક શ્રોતા ઘેર જઈને સીધો જ પથારીભેગો થશે. પરંતુ શ્રોતાઓની અઢળક હાજરીનું રહસ્ય જ્યરે પ્રગટ થયું ત્યારે આયોજકોને જ નહીં, વક્તાશ્રીને પણ આનંદ સાથે આઘાતની લાગણી થઈ.

ઘટના એવી બની કે, વક્તાશ્રીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યા પછી શ્રોતાઓને કહ્યું કેઃ ‘તમારાંમાંથી જે લોકો પૂરતો આરામ કરતા હોય એ લોકો હાથ ઊંચો કરે.’ ત્યારે બધાએ પોતાના હાથ ઊંચા કર્યા. પછી શ્રોતાઓ સાથે વક્તાશ્રીએ વિશેષ સંવાદ સાધ્યો ત્યારે એ રહસ્ય બહાર આવ્યું કે, શ્રોતા તરીકે એ લોકો જ આવ્યા હતા કે જેમની પાસે કામ જ નહોતું અને જેમને બારે મહિના આરામ હતો. શ્રોતાઓમાંથી જે યુવાન વયના હતા એમને નોકરીધંધો મળ્યો જ નહોતો અને જે મોટી ઉમરના હતાં એ લોકો નોકરીધંધામાંથી નિવૃત્ત થઈ ગયા હતા. અર્થાત, જે લોકોએ આરામનું મહત્ત્વ સમજવાની જરૂર હતી એ લોકો તો કામે ગયા હોવાથી આવ્યા જ નહોતા અને જેમને આરામનું મહત્ત્વ સમજવાની જરૂર નહોતી એ લોકો નવરા હોવાથી આવ્યા હતા.

શ્રોતાઓને આરામનું મહત્ત્વ સમજાવવાની જરૂર નહોતી એવો ખ્યાલ આવતાં જ આયોજકોએ શ્રોતાઓના મંતવ્યોનો કાર્યક્રમ રદ કરીને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી. પરંતુ શ્રોતાઓએ વિરોધ કર્યો. એમણે એવી રજૂઆત કરી કે : ‘વક્તાશ્રીને દોઢ કલાક બોલવા મળ્યું તો અમને થોડુંક તો બોલવા મળવું જ જોઈએને? સાવ એકતરફી ચાલતું હશે? ન્યાયની વાત કરો. ગમે તેમ તોય વક્તાશ્રી કરતાં અમને આરામનો વધારે અનુભવ છે.’

મોટી ઉમરના કેટલાંક શ્રોતાઓ તો અહિંસક રીતે વિરોધ નોંધાવવા ગાંધીજીની અદામાં જ મંચ પર બેસી ગયા. તો કેટલાંક યુવાન શ્રોતાઓ હિંસક રીતે વિરોધ નોંધાવવાનાં લક્ષણો દર્શાવવા લાગ્યા. પરિસ્થિતિને પારખીને આયોજકોએ શ્રોતાઓની લાગને માન આપ્યું અને શ્રોતાઓનાં મંતવ્યોનો કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમમાં શ્રોતાઓએ ઉદાર જીભે પોતાનો ફાળો આપ્યો.

એમબીએ થવા છતાં કમાતાં નહીં થયેલા એક યુવાને ઊભા થઈને પહેલાં તો એક ક્રાંતિકારી કવિતાનું ગાન કર્યું. પછી પોતાના મનની વાત જણાવતાં એણે ઊગ્ર ભાષામાં કહ્યું કેઃ ‘આ કાર્યક્રમ તો ભૂખ્યા લોકોને ઉપવાસનું મહત્ત્વ સમજાવતો હોય એવો હતો. માત્ર આરામના જ ગુણગાન ગાવામાં આવ્યાં. અમારે તો કામ જોઈએ છે કામ. પહેલાં કામ આપો પછી આરામની વાતો કરો. આરામ તો અમે કરી જ છીએ. જો અમારો આરામ વહેલી તકે દૂર નહીં થાય તો તમામ નોકરીધંધા બંધ કરાવીને સમાજના તમામ લોકોને આરામ કરતાં કરી દઈશું.’

એક વડીલે એ યુવાનને પાડ્યો. પછી એ પોતેજ પોતાના જીવનનો સાર રજૂ કરવા લાગ્યાઃ ‘મેં સરકારી નોકરીમાં પાંત્રીસ વર્ષો કાઢ્યાં છે. અને ખૂબ જ આરામથી કાઢ્યાં છે. હું પહેલેથી જ આરામનું મહત્ત્વ જાણતો હતો એટલે કોઈ પણ કામ ખૂબ જ આરામથી કરતો હતો. મારી આ ખૂબીના કારણે મને મારા ખાતા તરફથી ક્યારેય ઝડપથી કરવા જેવું કામ સોંપવામાં જ આવતું જ નહોતું. એવાં કામ બિચારા કામઢા લોકો કરતા હતા અને હું આરામથી એમને જોયા કરતો હતો. એમાંથી કેટલાંય લોકોએ થાકીને વહેલાસર નોકરી છોડી દીધી પણ હું મારા આરામપ્રિય સ્વભાવના કારણે ટકી રહ્યો. થોડા દિવસો પહેલાં જ હું નોકરીમાંથી હેમખેમ નિવૃત્ત થયો છું અને હવે ભરપૂર આરામ કરું છું. આમ, મારા જીવનમાં આરામનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. આરામ કરવાનો ગુણ જન્મજાત હોય છે. બધામાં એ ગુણ હોતો નથી...’

વડીલશ્રીનાં મંતવ્યો સહન ન થવાથી બીજા એક યુવાને એમને વચ્ચેથી જ અટકાવીને પોતાનાં મંતવ્યો રૂપી બાણ છોડવા લાગ્યોઃ ‘તમારા જેવા કામચોર વડીલોના કારણે જ સરકારી ખાતાં આજે મરવા વાંકે જીવે છે. આવાં ખાતાંમાંથી આરામપ્રિય લોકોને ઘરભેગા કરવા જોઈએ. એમને સંપૂર્ણ આરામ આપવો જોઈએ અને એમની જગ્યાએ અમારા જેવા કામ કરવા માટે થનગનતા યુવાનોને તક આપવી જોઈએ. આજે જમાનો ઝડપી થઈ ગયો છે પણ તમારા જેવા વડીલો સરકારી ઓફિસોમાં આરામથી એક આંગળીએ કમ્પ્યૂટરના કીબૉર્ડ પર ટાઈપ કરે છે. એ જોઈને અમારાં મગજ ફાટ ફાટ થાય છે. કોઈ કોઈ સરકારી ઓફિસમાં તો ઘરડાઘર જેવું વતાવરણ હોય છે. આ રીતે દેશ આગળ ન આવે. આ પરિસ્થિતિ બદલાવી જ જોઈએ.’

‘યુવાન મિત્રો, તમારો આક્રોશ સમજી શકાય એમ છે.’ બીજા એક વડીલે ઊભા થઈને યુવાનોના સૂરમાં પોતાનો સૂર પુરાવ્યોઃ ‘પણ હવે પરિસ્થિતિ બદલાવાની છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર ભરોસો રાખો. દરેકને કામ મળશે અને જેની પાસે કામ છે એણે કરવું પડશે. સરકારી નોકરિયાતોની લાલિયાવાડી હવે નહીં ચાલે. ઘણાખરા તો સીધા થઈ ગયા છે અને નહીં થયા હોય એ હવે થઈ જશે. એમના આરામના દિવસો હવે પૂરા થઈ ગયા છે. હવે આપણી પાસે અઢાર અઢાર કલાક કામ કરનારા વડાપ્રધાન છે.’

‘મોદી સાહેબ અઢાર કલાક કામ કરે એટલે બધાએ કરવાનું? જરાય આરામ નહીં કરવાનો?’ ધગધગતી તપેલી જેવા એક બહેને ઊભાં થઈને પોતાની હૈયા-વરાળનું વિમોચન કર્યુંઃ ‘જેને નોકરી કરી હોય તો એને પડે. અમે નોકરી કરી છે એટલે ખબર છે કે નોકરી કેમની થાય છે. પાંચ વરસની નોકરી બાકી હતી તોય મેં વીઆરએસ લઈ લીધું. તમારા મોદીને લીધે.’ એટલું બોલતાં બોલતાં એ બહેનનો અવાજ ફાટી ગયો. એ બહેન વધારે બોલે એ પહેલાં કેટલાંક શ્રોતાઓએ એમને શાંત પાડીને બેસાડી દીધાં.

ત્યાં તો પેલા મોદીપ્રેમી વડીલ ફરીથી ઊભા થઈ ગયા ને કામનું મહત્ત્વ સમજાવવા લાગ્યાઃ ‘કામ કરવાની ત્રેવડ ન હોય એમણે નોકરી છોડી જ દેવી જોઈએ. નોકરી કરનારા જાણે કામ કરી કરીને ઊંધા પડી જતાં હોય એવી વાતો કરે છે. અરે! અમને ધંધાવાળાને પૂછો કે કેટલું કામ કરીએ છીએ. મારે ભજિયાંની દુકાન છે. ચાલીસ વરસથી એકધારી એકલા હાથે દુકાન ચલાવી છે. સવારના છ વાગ્યાથી રાતના દસ સુધી કાળી મજૂરી કરી છે. હવે છોકરો તૈયાર થઈ ગયો છે એટલે ઘેર આરામ કરું છું. છતાંય જરૂર પડે તો ભજિયાંના ઘાણ કાઢવા દુકાને પહોંચી જઉં છું. કામ તો કરવું જ પડેને? વિકાસ કરવો છે કે નહીં?’

પછી તો ચાની તપેલીમાંથી ચા ઉભરાતી હોય એમ સભાખંડમાં મંતવ્યો ઊભરાવા લાગ્યાં...

‘ઓ ભઈ, કામ તો કરવું જ પડે. અમિતાભ બચ્ચન બોતેર વરહનો છે તોય કેટલું કામ કરે છે! માત્ર ચાર જ કલાક જ ઊંઘે છે.’

‘બચ્ચનની વાત જવા દો. એ તો એની ઊંઘ ઓછી છે એટલે ચાર જ કલાક ઊંઘતો હશે. બધાથી એવા ઉજાગરા ન થાય. લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય.’

‘અમિતાભને તો કામ બહુ મળે છે એટલે આરામ ઓછો કરે છે. એના દીકરા અભિષેકની જ વાત કરોને. એને કામ બહુ નથી મળતું તો એ આરામ કરે જ છેને? આરામ કે કામ એ બધી નસીબની વાત છે. જેના નસીબમાં આરામ ન હોય એ સપનાંમાંય કામ કરે.’

‘કામ કર્યા પછી જે આરામ મળે એજ સાચો આરામ. બાકીનો આરામ એ હરામનો આરામ. એવા આરામથી ભગવાન બચાવે.’

જોતજોતાંમાં સભાખંડ સમરાંગણમાં ફેરવાઈ ગયો. કોણ કોના પર મંતવ્યથી પ્રહાર કરે છે એ નક્કી કરવું જ મુશ્કેલ બની ગયું. બેકાબુ બનેલા શ્રોતાઓ પર આયોજકોએ માઈક પરથી વિનંતીનો મારો ચલાવ્યો. જેને લીધે પરિસ્થતિ વધારે અશાંત થઈ.

શ્રોતાઓની આ મંતવ્ય-લીલા જોઈ રહેલા વક્તાશ્રી દલસુખ દાવડાને પોતાના તરફથી કશો પ્રતિભાવ આપવાનું મન થયું એટલે એ ઊભા થયા. પરંતુ, એ ઊભા થયા ન થયા ત્યાં તો ઢળી પડ્યા!

આયોજકો એમને લઈને તાત્કાલિક મોટા દવાખાને પહોંચી ગયા.

સભાખંડનાં રખેવાળોએ શ્રોતાઓને મહા મહેનતે ખંડની બહાર કાઢ્યા. એમાંથી કેટલાંક દલસુખ દાવડાની ખબર કાઢવા ગયા તો કેટલાંક ઘર તરફ રવાના થયા. કેટલાંક લોકોએ સભાખંડની બહાર પણ પોતાની મંતવ્ય-લીલા મોડે સુધી ચાલુ રાખી. માંડ માંડ મનની વાત કહેવાનો મોકો મળ્યો હોવાથી એ લોકોએ મોકાનો ભરપૂર લાભ ઉઠાવ્યો.

બીજે દિવસે છાપામાં સમાચાર આવ્યા કેઃ

ગઈ કાલે શહેરના પ્રસિદ્ધ ચિંતક અને વકતા શ્રી દલસુખ દાવડા એક જાહેર કાર્યક્રમ દરમ્યાન મંચ પર જ ઢળી પડ્યા હતા. આથી કાર્યક્રમના આયોજકોએ એમને તાત્કાલિક મોટા દવાખાનામાં દાખલ કરી દીધા હતા. જ્યાં એમની તબિયત સુધારા પર છે.

શ્રી દલસુખ દાવડા ગઈ કાલે શહેરના સભાખંડમાં એમેના ‘આરામ-લીલા’ કાર્યક્રમના અનુસંધાને ‘જીવનમાં આરામનું મહત્ત્વ’ એ વિષય પર વક્તવ્ય આપવા પધાર્યા હતા. એમને દોઢ કલાક સુધી અસ્ખલિત વાણીમાં પોતાનું વકતવ્ય આપ્યું હતું. એમના વકતવ્ય બાદ શ્રોતાઓએ આરામ વિષે પોતપોતાનાં મંતવ્યો આપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે સભાખંડમાં આરાજકતા ભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ દરમ્યાન શ્રી દલસુખ દાવડા પોતાના તરફથી પ્રતિભાવ આપવા ઊભા થયા હતા. પરંતુ નબળાઈના કારણે મંચ પર જ ઢળી પડ્યા હતા.

શ્રી દલસુખ દાવડાની નબળાઈનું કારણ એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા એક મહિનાથી તેઓ સતત વક્તવ્યો આપીને શ્રોતાઓને આરામનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા. ગઈકાલે એમનું આખા દિવસનું ત્રીજું અને મહિનાનું પચાસમું વક્તવ્ય હતું. છેલા એક મહિનાથી એમણે પૂરતો આરામ કર્યો ન હતો. જેની અસર એમના આરોગ્ય પર થઈ હતી. ડોકટરે એમને સલહ આપી છે કે, ‘લોકોને આરામનું મહત્ત્વ સમજાવવાનું હાલ પૂરતું બંધ રાખીને પોતે જ આરામનું મહત્ત્વ સમજે અને આરામ કરે.

છેલ્લા સમાચાર મુજબ શ્રી દલસુખ દાવડાને દવાખાનામાંથી રજા મળી ગઈ છે અને તેઓ હવે પોતાના નિવાસસ્થાને આરામ ફરમાવે છે.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

હા........શ

વેકેશન પૂરું થયું પછી આ આર્ટીકલ લખ્યો એના માટે પેલા માફી માગી લઉં એટલે શું કે કોઈ ના નિસાસા ન લાગે. પણ હોલ્ડ ઓન વિકેન્ડસ તો ક્યાય નથી જવાના કે નથી જવાની રજાઓ. એટલે લાભ તો મળશે આ અંક ડાઉનલોડ કરવાનો અને આ આર્ટીકલ ને થોડી મીનીટો આપવાનો એ નક્કી.સો યુ કેન ઇન્વેસ્ટ સમ ટાઈમ. ધ.ધુ.પ.પુ. વોટ્‌સેપ સંદેશાઓ મુજબ જીવન ને તર-બતર કરી દેતા શબ્દો છે પ્રેમ, કરુણા, ઈશ્વર..... વિગેરે. પણ મારા બહુ સબળ અનુભવ મુજબ અત્યંત સ્તુત્ય શબ્દો છે આરામ, ઊંઘ, રેલેક્ષેશન..... વિગરે. હે...હે...હે.... એક્ચ્યુલી આપણો એક બહુ સીરીયસ પ્રોબ્લેમ એ છે કે આપણે લાઈફ ને બહુ સીરીયસલી લઇ લીધી છે. સામાન્ય બાબતો આપણે છીછરી લાગે છે. પણ મારી એક દોસ્ત હમેશા કહેતી એમ ગાંધીજી વગર પણ દેશ હાલ્યો ને? એટલે થાય એટલું અંતર થી કરીએ બાકી ટેક ઈટ ઇઝી મેન.

સગવડો પુષ્કળ વધી છે. સો મેની હોમ એપ્લાયન્સીસ એન્ડ હાર્ડલી કપલ ઓફ કિડ્‌સ....ગરીબ કે અત્યંત ગરીબ વર્ગ ને બાદ કરીએ તો સામાન્ય નોકરિયાત પણ સ્મૂધલી ઘર ચલાવી શકે એટલું કમાય છે..... સમાજ અને સરકાર વધુ જાગ્રત બન્યા છે પહેલા ની સરખામણીએ.... માતા પિતાઓ સારું શિક્ષણ આપવા માટે કે ભવિષ્ય સેટ કરવા માટે બહુ જ પ્રીપેર્ડ છે. અત્યંત આકસ્મિક સંજોગો ને બાદ કરતા લાઈફ સેટ છે..... બધી વાત સાચી પણ તોય સતત સ્ટ્રેસ છે એ હકીકત છે, દોડધામ વાળી લાઈફ છે એ પણ હકીકત... ઉચાટ અને થાક છે એ પણ હકીકત જ છે. સ્ટ્રોંગ કન્ટ્રોવર્સી છે ને? લેટ્‌સ નોટ ગેટ ઇન ટુ ઈટ... બસ દોડ ધામ ને ઉચાટ વાળી લાઈફ ને સ્વીકારી લઈએ એક તથ્ય તરીકે અને વાત કરીએ આરામની. ભાઈ મને તો આરામ માં જ રામ દેખાય છે. આ જ રામ છે. સાલું અઠવાડિયા ના છ દિવસ રૂપિયા માટે, ઘર માટે ને સમાજ માટે મર્યા પછી સંડે એટલે ફન ડે અને વેકેશન એટલે લાઈફ ઇન મોશન.

ગોલી માર ભેજે મેં ... ભેજા શોર કરતા હૈ... થોડા દી મગજ ને નહિ પણ મગજમારી ને રવાના કરી દેવાની. તેલ લેવા ગયો બોસ.... ખાડા માં પડે કંપની.... ચુલા માં જાય કસ્ટમરસ..... એવું વિચારવાનું, પણ બોલવાનું નહિ, એમાં જોખમ છે. કારણકે પાછુ ત્યાજ આવવાનું છે. બસ પોતાના માટે ને પોતાના પ્રિયજનો માટે જ બધો સમય. આરામ એટલે ખેંચાઈ, કોચવાઇ, તણાઈ,કરમાઈ જતા શરીર મગજ અને મન ને થોડા ફ્રી અને ઇઝી કરવા. એમાં ઓઈલીંગ કરવું. એટલે આરામ એ કાર્યક્ષમતા વધારતી એક્ટીવીટી થઇ કે નહિ?

શરીર માં આપણે સ્વૈચ્છિક જે પ્રવૃતિઓ કરીએ છીએ તે સિવાય પણ સ્વયંભુ પ્રવૃત્તિઓ થતી રહે છે અને એ બહુ જ જરૂરી છે. ખાઈએ પછી પાચન અને ઉત્સર્જન, પોષક તત્વો નું શોષણ, વૃદ્ધિ, રુધિરાભિસરણ.... આ બધું ઓટોમેટીક ચાલે. પણ આપણે આપણા બોસ ની જેમ શરીર ને સમય ન આપીએ ફક્ત ટાર્ગેટ આપીએ તો એ ય કંટાળેલા કર્મચારી ની જેમ ગોટાળા કરે. આપણે મગજ ને થોડા ઓછા પ્રોજેક્ટ આપીએ તો એ બોડી ના પ્રોજેક્ટ પર ધ્યાન આપી શકે. એટલા માટે જરૂરી છે ઊંઘ. માહિતી ના મારા થી મગજ નું કોપ્યુટર હેંગ થઇ જાય. એને સમય આપવા માટે પણ જરૂરી છે ઊંઘ. અને સૌથી ખતરનાક છાની છરી છે મન. એને ન ગમતા કામો સતત કરવા પડે એટલે એ બહુ ટેકનીક થી આપણે ફસાવે. ઉંધા વિચારો આપે. ગુસ્સો કરાવે. ઉદાસી અને ડીપ્રેશન નો અનુભવ કરાવે. એટલે કજિયા નું મોં કાળું. એને તો પેલો આરામ આપવો.

આરામ ભાઈની પેલી ચોઈસ છે ઊંઘ. સમય મળે એટલે ઘસઘસાટ ઊંઘ નો પરમ આનંદ માણી જ લેવાનો. અને રજા ના દિવસ માં જાની દુશ્મન એલાર્મ વગર ફક્ત બોડી ના એલાર્મ પર આધાર રાખી સુઈ લેવાનું. બોડી ને માઈન્ડ બંને ને સંતોષ થાય એટલે પોતે ઉઠાડશે આપણને. એટલે બિન્દાસ મજા લઇ લેવાની. પરોઢે ઉઠવાવાળા પરમ પૂજ્ય લોકો વહેલા પથારી નો લાભ લઇ શકે. નીદ્દ્‌રાદેવીનું કોઈ મંદિર કેમ નથી યાર? આ દેવી નો બહુ પરચો છે સીરીઅસલી. પતિ કે પત્ની સાથે ઝગડો કરીને આ દેવી ના શરણે જતું રેવાનું. સવાર સુધી બધું શાંત. છે ને પરચો?

ઊંઘ પછી આવે રેક્રિએશન નો વારો. હવે આમાં થોડું ખિસ્સા પર જોખમ ખરું. પણ સાલું દીવેલ પીધેલા ડાચા ને ભંગારીયા મૂડ સાથે જીવવા કરતા થોડું ખિસ્સું હળવું કરવું ચોક્કસ આવકારદાયક વિચાર છે. વેલ સલામત સવારી માં એકાદી નાની કન્ટ્રી સાઈડ ટ્રીપ પણ રેફ્રેશીંગ બની શકે. કોઈ જેન્યુઈન રસ નો વિષય હોય તો એના જેવું કાઈ નહિ.જેમકે ઈતિહાસ કે સ્થાપત્ય કે કુદરતી સ્થળો કે પછી ધર્મ ...એવી કોઈ ચોક્કસ ચોઈસ હોય તો પ્રવાસ વધુ રસપ્રદ બને. ધોળાવીરા ના ભૂતકાળ ની અતિ અદભૂત ઝલક નિહાળવાની કે મોઢેરા ના સૂર્ય મંદિર ના સ્થાપત્ય ની કમાલ ની વૈજ્ઞાનિક વસ્તુ શાસ્ત્ર નો લહાવો એક યાદગાર અનુભવ બની શકે. ઉત્તરાંચલ ના પહાડો ની ગોદ માં બેઠેલું શિમલા કે ડેલહાઉસી ની અલમસ્ત રોમાન્ટિક હવા નો કોઈ જવાબ જ નથી. તો સામે જંગલ આચ્છાદિત મહાબળેશ્વર કે માથેરાન પણ ઉત્તમ... પ્રવાસ નો આનંદ અને શાંતિ નો અનુભવ બેય મળે.અને બીચ તો ગોઆ હોય કે દીવ, માંડવી હોય કે તીથલ ...ઓલ્વેઝ ફન... અને ખિસ્સું ખણકતું હોય તો થાઈલેન્ડ કે મોરેશિયસ કે પછી યુરોપ ટુર નો ટેસડો....

માત્ર ફરવા થી કઈક આગળ કરવું હોય તો ટ્રેકિંગ ઈઝ અ ગુડ આઈડિયા. યે જવાની હૈ દીવાની જોઈ નાખજો જો ન જોઈ હોય તો. ટ્રેકિંગ કરવાનું મન થઇ જશે.એડવેન્ચર ટુરીઝમ માટે ઇન્ડિયા માં લીમીટેડ ઓપ્શન્સ છે.પણ તોય હોર્સ રાઈડ કે રીવર રાફટીંગ માય મજા પડે. વિદેશો માં સ્કુબા ડાયવિંગ ને સર્ફિંગ નો ય ઇઝીલી લાભ મળે.

થોડા ઇન્ટેલેક્ચ્યુઅલ ઓપ્શન્સ પણ છે. એમાય આપણી તો પહેલી ને વહાલી પસંદ છે વાંચન. લખલૂટ ઓપ્શન્સ છે એમાં તો. હળવું વાંચન કરીએ કે પછી ફિલોસોફી પણ વાંચી શકાય. થ્રીલર્સ ની તો આગવી મજા છે તો ઉત્તમ કાવ્યો અને ગઝલો હમેશા મૂડ ચેન્જીગ હોય. યુથ કે સાહિત્ય વાંચવું હોય તોય ચેતન ભગત કે અમીષ ત્રિપાઠી અવેલેબલ છે. કરંટ ક્રેઝ છે સકસેસ સ્ટોરીઝ અને સકસેસ માટે તૈયાર કરતી સ્ટોરીઝ.... અને આ બધુજ અંગુઠા ના વેઢે....આઈ મીન ઓન લાઈન. સારા સેમિનાર્સ એટેન્ડ કરી શકાય વેકેશન દરમિયાન સારા વક્તાઓ ને સાંભળવા. તો બોલીવુડ કે હોલીવુડ ની અને આપણી ગુજ્જુ પણ ઓલ ટાઈમ હિટ મુવીઝ તો ખરીજ. આપણો દ્રષ્ટિકોણ સિફત થી અને આસાની થી બદલાવી શકતી ફિલ્મો નો અચૂક લાભ લેવો રહ્યો. યુ ટ્યુબ પર કેટલીક ખરેખર મસ્ત કહી શકાય એવા ટીવી શોઝ પણ લોડ કરી શકાય વન બાય વન....કરો જલસા.

આ ‘રજા ની મજા’ ફિલમ નો ક્લાઈમેક્સ હવે આવે છે ઢેન ટે ણે કરતો. એક સિક્રેટ તો હવે રીવીલ કરવાનું છે કે દા વિન્ચી કોડ આખરે ઉકેલવો કેમ? હા હા હા. આ વાંચવા ની મજા તો પડી હશે સાથે મન માં એવા વિચારોય આવ્યા હશે એ નક્કી કે એવું સહેલું ઓછું જ છે મજા કરવાનું?ટ્યુશન માંથી રજા નથી મળતી, બે બાળકો ભણતા હોય એની ફીઝ ભરવાની હોય ત્યાં પૈસા ક્યાંથી ખર્ચવા કે પછી અમારા પતિદેવો ધંધા માંથી ફ્રી થાય તો ને કે પછી ફલાણા ના લગ્ન માં નહિ જઈએ તો ખરાબ લાગશે એને અને ટીકીટ બુક નથી થતી સહેલાઇ થી કે પછી સામાજિક બંધન નડે છે... આ બધું તો રહેવાનું. તો? તો એમ કે બસ આરામ નો મર્મ પકડવાનો. શરીર અને મન ને અરામ અને રિલેક્સ કરવાનો. જે શક્ય નથી એના માટે અફસોસ કરવાને બદલે જે શક્ય છે એની મજા લઇ લેવાની. ઉગતો ને આથમતો સૂર્ય શાંતિ થી જોઈ શકાય એ પણ આરામ છે. જમવામાં સારા શેપ માં સલાડ સમારી ને ખાઈ શકાય શકાય એ પણ આરામ છે. બાળક ને ખોળા માં બેસાડી ને થોડી વાર ટોમ એન્ડ જેરી જોઈ શકાય એ પણ રેલેક્સેશન છે. ભાઈબંધ સાથે ચા વાળા ને ત્યાં ગપ્પા મારી શકાય તો એ પણ રીક્રીએશન છે.....

વેલ ક્રેઝી લાઈફ સ્ટાઈલ માટે આરામ એ રામ ના નામ જેવો જ સુધીંગ છે. એટલે આપને આ રામ ને માણીએ ને બીજા ના આ રામ માટે રાવણ ન થઈએ એવી શુભેચ્છા.

બોલીવુડ બઝ

સિદ્ધાર્થ છાયા

‘આરામ’થી જોવાય એવી ત્રણ સુપ્પક ફિલ્મો

આરામના સમયમાં માણસ શું કરે? વાંચે, આસપાસ ફરવા જાય, ગીતો સાંભળે, ટીવી જોવે, બાળકો કે પરિવાર સાથે ઘરેલુ રમતો રમે અથવાતો ફિલ્મ જોવા જાય. જોકે મારાં જેવો અતિશય આરામપ્રિય વ્યક્તિ હોય તો આ સમયનો સદુપયોગ બે-ત્રણ કલાકની ઊંઘ ખેંચી નાખવામાં કરે. આગળ કીધા એ ઓપ્શન્સમાંનો એક ટાઈમપાસ એટલેકે ફિલ્મો જોવાનું જો મન તમારાં આરામના સમયમાં થાય તો કદાચ તમે એવી ફિલ્મ જોવાની પસંદ કરો કે જે તમારાં આ આરામના સમયને વધુ આનંદિત બનાવે બરોબરને? જો એવી કોઈ ફિલ્મ તમને જોવા મળી જાય જે આમતો બહુ લોકપ્રિય ન થઇ હોય પણ જો અચાનક જોવા મળી જાય તો બહુ મજા આવી જાય. તો જો આવો કોઈ મોકો તમને મળે તો તમે એવી ફિલ્મો જોવાનું પસંદ કરો કે નહીં? આઈ થીંક કે જરૂર પસંદ કરો. તો આજે આપણે એવી એક નહીં પણ ત્રણ ફિલ્મો વિષે વાત કરીશું જે આમ બહુ લોકપ્રિય નહોતી થઇ પરંતુ જો જોવા મળે તો ભરપુર મનોરંજન મળે.

‘સાહિબ બહાદુર’

પહેલીવાર તમે આ ફિલ્મ એમનેમ જોઈ નાખો અને પછી તમને કોઈ એવું કહે કે આ ફિલ્મને ચેતન આનંદે નિર્દેશિત કરી છે તો તમે એ વ્યક્તિ સાથે અગ્રી કરોજ નહીં. આ ફિલ્મ દેવ આનંદની હોવા છતાં એકદમ મેડ કોમેડી છે. દેવ આનંદ એક એવાં નાના શહેરમાં આવે છે જેના તમામ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. અહીં નાનામાંનાનુ કામ કરાવવું હોય તોપણ એ અધિકારીનું ખિસ્સું ગરમ કરવું જ પડે. દેવ આનંદ પણ પોતાનાં કામો કરાવવા માટે આવી લાંચ આપતો હોય છે. પણ એકવાર ડેપ્યુટી કલેકટર હરે મુરારી એટલેકે ઓમપ્રકાશને શંકા જાય છે આ દેવ આનંદ એટલેકે પ્રેમ પ્રતાપ એ સરકાર દ્વારા છુપી રીતે મોકલાયેલો કોઈ ઉચ્ચ અધિકારી તો નથી? બસ પછી જોઈતુંતું જ શું? આ ગામનું આખુંય તંત્ર પોતાની સારી છાપ પાડવા દેવ આનંદની સેવામાં લાગી જાય છે. ફિલ્મ તો આખેઆખી સારી જ છે પણ એનો અંત એ જમાનાની ફોર્મ્યુલા મુજબ સાવ જુદો અને અને ખુબ માણવાલાયક છે જે આ ફિલ્મને અન્યથી જુદી પાડે છે. એકાદ-બેવાર આ ફિલ્મ દુરદર્શન પર આવી ગઈ છે પણ કોઈ ખાનગી ચેનલ પર હજીસુધી જોવા નથી મળી, આથી જો જોવાનો ચાન્સ મળે તો જરૂર જોજો.

‘દો ફૂલ’

જો તમે ગોવિંદા અને ચંકી પાંડેની ‘આંખે’ જોઈ હશે તો તમે ‘દો ફૂલ’ જોતાંજ કદાચ એમ બોલી પડો કે, ‘‘અરે?, આ તો ‘આંખે’ની કોપી છે!!’’ પણ આવું કશુંક કહો એ પહેલાં હું તમને એટલું જણાવી દઉં કે ‘દો ફૂલ’ ૧૯૭૩માં આવી હતી અને આંખે એના લગભગ વીસેક વર્ષ પછી બની હતી. ‘દો ફૂલ’નાં મુખ્ય કલાકારો મહેમુદ અને વિનોદ મહેરા છે અને આ બંને ઉપરાંત, બીજો મહત્વનો રોલ અશોકકુમારનો છે જેમણે એમની કોમેડીની ઊંડાઈ આ ફિલ્મમાં ભરપુર દેખાડી છે, ખાસ કરીને બે તોફાની ટારઝન જેવાં છોકરાઓના બાપ તરીકે. આ ઉપરાંત ‘આંખે’ ની જેમ અહીં પણ એક વાંદરાભાઈ છે પણ એમનો મહેમાન કલાકાર જેટલોજ રોલ છે. ફિલ્મનું એક સરપ્રાઈઝ છે અદાકાર જીવનને કોમેડી કરતાં જોવાનું. ‘‘મુથ્થુ કુડી ક્વ્વાડી હડા’’ ‘દો ફૂલ’ નું બહુ જાણીતું ગીત છે. ઓલ ઇન ઓલ ‘દો ફૂલ’ ‘આંખે’ની કમ્પેરીઝનમાં સાવ નિર્દોષ કોમેડી છે અને એક સારો ટાઈમપાસ પણ છે. અમસ્તુંય મહેમુદનું તો મોઢુંજ જોઈએ ત્યાંજ આપણું હસવાનું ચાલુ થઇ જાય.

‘કથા’

ઉપર જણાવેલી બંને ફિલ્મો કરતાં ‘કથા’ વધુ જાણીતી છે પણ ટીવી ઉપર ઓછી જોવા મળે છે. નસીરુદ્દીન શાહ, ફારુખ શેખ અને દિપ્તી નવલ જેવાં મંજેલા કલાકારોને લઈને સઈ પરાંજપે એ આ ફિલ્મ બનાવી હતી. ‘કથા’ને કોમેડી ફિલ્મ કહેવા કરતાં એને એક હળવી ફિલ્મ કહેવી વધારે યોગ્ય રહેશે. ફિલ્મની વાર્તા બે મિત્રોની છે જેમાંથી એક મિત્રની દુષ્ટતા અને બીજાં મિત્રનાં ભોળપણની ‘કથા’ પણ છે. આ ઉપરાંત પ્રેમની એક અલગજ વ્યાખ્યા આ ફિલ્મ કરે છે. આ વ્યાખ્યા એમ છે કે જો તમને કોઈ પાત્ર ગમતું હોય તો પછી એને કોઇપણ સંજોગોમાં, ખાસકરીને જો તે તકલીફમાં હોય તો એને સ્વીકારી લેવું જોઈએ. ‘કથા’ આપણને મુંબઈની ચાલ નાં જીવનની અંદર પણ ડોકિયું કરાવે છે. ફિલ્મનો મૂળ થીમ પેલા કાચબા અને સસલાની વાર્તા પરથી લેવામાં આવ્યો છે પણ અહીંયા પણ છેલ્લે કાચબાનો વિજય થાય છે પણ એને થોડોક જુદીરીતે દેખાડાયો છે.

ઉપર કહેલી ત્રણેય ફિલ્મો તમે કોઇપણ સમયે જોવો તો તમને નિર્ભેળ આનંદ આપવા માં ખરી ઉતરે છે પણ જો સ્પેશિયલી તમને આરામનાં સમયમાં કોઈ ફિલ્મ જોવી હોય અને નામ ન સુજતુ હોય તો આ ત્રણ માંથી કોઈ એક અથવાતો ત્રણેય ફિલ્મો જોવાની આ બંદાની રીક્વેસ્ટ છે.

રસ્તા

‘દો ફૂલ’ ફિલ્મમાં વિનોદ મહેરા અને મહેમૂદના નામો અનુક્રમે ‘છુટ્ટન’ અને ‘પુત્તન’ રાખવામાં આવ્યાં હતા!! આવાં નામોતો ફક્ત મહેમુદ સર જ વિચારી શકે!!

લઘરી વાતો

વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

‘’ગબ્બર’’ નો અડ્ડો જો કોઈ સોસાયટીમાં હોય

ગબ્બર કે તાપ સે તુમ્હે એક હી આદમી બચા સકતા હૈ વો હૈ ખુદ ગબ્બર ,

અરે ઓય સાંભા કિતના ઇનામ રખ્ખે હૈ સરકાર હમ પે ??,

ક્યા સમજ કે આયે થે સરદાર ખુશ હોગા શાબાશી દેગા ??,

કાલિયા તેરા ક્યા હોગા ?

હોલી કબ હૈ કબ હૈ હોલી ?

જેણે જેણે શોલે મુવી જોયું છે એ બધા ને રાત્રે ઉઘમાંથી ઉઠાડીને પૂછો કે ગબ્બર નાં ડાયલોગ બોલ તો ઉપરોક્ત મુજબ નાં ડાયલોગ કડકડાટ બોલી જાય પણ આ મુવી વિષે અમારું માનવું છે કે ખરેખર જો ગબ્બર નો અડ્ડો કોઈ સોસાયટી માં હોત તો એણે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોત. સવારે ઉઠે કે તરત પહાડ પરથી ઉતરીને નજીક નાં ગામ ‘’રામગઢ ‘’ માં દૂધ લેવા જવાનું, ચા બનાવાની પછી બીજા ડાકુઓ ઉઠે એ પેહલા કોઈ ઝાડી શોધી ને કામ પતાવાનું એમાં પણ કોઈ જગ્યાએ સ્વચ્છ ભારત નાં કોઈ કાર્યકર જોઈ નાં જાય એનું ધ્યાન રાખવાનું , નહિ તો પચાસ પચાસ કોસ દુર સુધી કોઈ બાળક રોવે તો માં એને કહે છે કે ચુપ થઇ જા નહિ તો ‘’ગબ્બર ‘’ આવી જશે એવી સમાજમાં ઉભી કરેલી ઈજ્જત પાણીમાં ફ્‌લશ થઇ જાય . ત્યાર બાદ આપણે સોસાયટી માં બાઈક અને કાર ધોઈએ એવી રીતે પોતાના ઘોડાઓ ને નહવડાવાના એમાં પણ આજુ બાજુ નાં ઘર સુધી પાણી જાય નહિ એનું ધ્યાન રાખવાનું નહિ તો બાજુ ની સોસાયટી કે ઘર વાળા તમારા અડ્ડા પર બહુ પાણી ઢોળો છો એવું સવાર સવાર માં ઝઘડવા આવી જાય પછી પાછા ઘોડા ને સરખા કોઈ નાં વિહિકલ ને અડે નહિ એ રીતે પાર્ક કરવાના પાર્કિગ માં પણ ઘોડો ગંદકી કરે નહિ એનું ધ્યાન રાખવાનું , ઘોડા નાં મૈઈનટેનન્સ નું અડ્ડા નાં મૈઈનટેનન્સ નો ખર્ચો કરવાનો, એમાં કાલિયા અને એના સાગરીતો ગ્રાઉન્ડ ફ્‌લોર પર હોય એટલે એ લોકો સાંભા ને પહાડ પર ચઢાવા માટે મુકાયેલી સીડી નો ખર્ચો નાં આપે એ અંદરો અંદર નાં ઝઘડા સોલ્વ કરવાના , પાન નો ગલ્લો પણ પાછો દુર એટલે ગબ્બર ની ‘’ખૈની ‘’ નું સેટીગ પાડવાનું નવા બેલ્ટ અને સફારી બુસ્કોટ પણ ગબ્બર ને દિવાળી આવે ત્યારે ‘’ગબ્બર અને ગેંગ ઓનર્સ એસોસિએશન’’ તરફથી ગીફ્‌ટ આપવાનો રામગઢ માંથી ઉઘરાવેલ અનાજ નાં પીપડામાં ભરવાના અનાજ બગાડે નહિ માટે દિવેલ થી મોહવાનું અંદર લીમડાના પાન મુકવાના અનાજ ની ઉઘરાણી અને બફર સ્ટોક નાં રજીસ્ટર મૈઈન્ટેન કરવા નાં આવક જાવક નાં હિસાબો રાખવાના સમયસર એનું ઓડીટ કરાવાનું, દાળ માં કે એમાં ધાનેરા થાય તો સાંભા નાં પથ્થર પર તપાવવાં મુકવાના. સાંભા ની બાલ્કનીમાંથી કપડા ઉડી નાં જાય માટે યાદ રાખીને પીનો મારવાની નહિતો સાભા નાં કપડા ઉડીને કાલિયા નાં વરંડા માં પડે અને ખોટું કાલિયા અને સાંભાની માથાકૂટ થાય , દશેરા દિવાળી વગેરે તેહવારો એ અંદરો અંદર ડાકુઓ જોડેથી ફાળો ઉઘરાવી ને જમણવાર રાખવાનો બધા ડાકુઓ હોય એટલે અંદરો અંદર લુટાલુટ નાં થાય એનું ધ્યાન રાખવાનું ચેરમેન અને સેક્રેટરી એવા ગબ્બર ને વાતે વાતે વાંધો પાડી ને હેરાન કરવાનો સરખો વહીવટ નહિ કરવા દેવાનો , હું વહીવટ કરું નહિ કરવા દઉ નહિ ની દરેક સોસાયટી ની વર્ષો જૂની નીતિ પકડી રાખવાની ખરેખર તો ગબ્બર કઈ જન્મ થી જ ડાકુઓનો સરદાર નહિ હોય પણ રામગઢ ની કોઈ સોસાયટી નો ચેરમેન સેક્રેટરી હશે જે સોસાયટી નાં વહીવટ થી કંટાળી ને ડાકુ બની ગયો હશે. તો હસો હસાવો , અને વહીવટ કરો વહીવટ કરવા દો નાં નારા સાથે આવજો જ્ય રામગઢ,