અમેરિકાનું પાકિસ્તાન MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમેરિકાનું પાકિસ્તાન

અમેરિકાનું પાકિસ્તાન

ઃ લેખક :

ઝીયા મીઆન, શેરોન કે. વેનર

ઃ અનુવાદ :

સિદ્ધાર્થ છાયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.અમેરિકાનું પાકિસ્તાન

૨.ત્રાસવાદ અને વિશ્વાસ

૩.અમેરિકાનો પાકિસ્તાન સાથે નો સંબંધ

૪.પાકિસ્તાનની મુશ્કેલીઓ

૫.પાકિસ્તાનના પ્રવાહો

૧. અમેરિકાનું પાકિસ્તાન

અમેરિકાના કાયદાકારો અને એમનાં સલાહકારો અત્યારે પાકિસ્તાન નામનાં પ્રશ્ને ગૂંચવાયેલા છે. છેલ્લાં એક દાયકામાં એમણે કેટલીય નીતીસમીક્ષાઓ કરી, કેટલાંય અભ્યાસ જૂથો રચીને એમની પાસેથી અહેવાલો મંગાવ્યા, કોંગ્રેસનાં સભ્યોની સલાહ લીધી અને આ વિષે કેટલોય અભ્યાસ પણ કર્યો અને કેટલાંય લોકપ્રિય પુસ્તકો પણ વાંચી લીધાં કારણકે એમણે પોતે રાખેલી ૨૦૧૪ની ડેડલાઇન મુજબ અમેરિકાનું અફઘાનિસ્તાન માટેનું મોટું યુદ્ધ કોઇપણ રીતે સમાપ્ત કરવાનું હતું. ઉપર જણાવેલી તમામ કવાયદ એ તરફે ઈશારો કરતી હતી કે પાકિસ્તાન એ અમેરિકા માટે એક નીતિવિષયક સમસ્યા બની ચુક્યું છે અને હવે એમણે વોશિંગ્ટન સાથે એબાબતે ચર્ચા કરવાની હતી કે એવુંતો એમણે શું કરવું જોઈએ કે જેથી પાકિસ્તાન અમેરિકા જેમ ઈચ્છે તેમ ચાલે? આ બાબત એક બીજી વાત પણ ઉજાગર કરી રહી હતી કે પાકિસ્તાન બાબતે અમેરિકા પાસે જ્ઞાન અને શક્તિ બંનેની મર્યાદાઓ હતી.

જે નવું સાહિત્ય હાથમાં આવ્યું છે એણે જે બાબતે ખુબ ઉહાપોહ મચાવ્યો છે, તે એ છે કે અહીંયા વોશિંગ્ટનમાં પાકિસ્તાન બાબતે અને એના એક રાષ્ટ્‌ર તરીકે અને એક સમાજ તરીકે ગહન મુંજવણ અનુભવાઈ રહી છે. સી. આઈ. એનાં ભૂતપૂર્વ અધિકારી બ્રુસ રીડલ કે જે ૧૯૯૧થી સતત અમેરિકન પ્રમુખોને નેશનલ સિક્યુરીટી કાઉન્સિલ અને રક્ષા મંત્રાલય દ્વારા સલાહ આપતાં રહ્યાં છે એમનું એવું કહેવું છે કે, ‘‘પાકિસ્તાનનું વર્તન હંમેશા એક કોયડો રહ્યું છે.’’ બ્રુસ રીડલ અત્યારે વોશિંગ્ટનનાં બ્રુકીન્ગ્સ ઇન્સ્ટીટ્યુશનમાં સીનીયર ફેલો તરીકે સેવા આપી રહ્યાં છે. એમણે લખેલું પુસ્તક ‘ડેડલી એમ્બ્રેસ’ પાકિસ્તાન તરફે અમેરિકાની નીતિમાં એક સહભાગી રહેલા એક મહત્વના વ્યક્તિ તરીકેનાં મંતવ્યો છે અને એક નિષ્ણાતનાં તરીકે એમણે પોતાનાં છેલ્લાં બે દાયકાના અનુભવો રજુ કર્યા છે. આ પુસ્તકમાં રીડલ કહે છે કે, ‘‘પાકિસ્તાનનું ગૂંચવાડા ભરેલું વર્તન અને એની પાછળનો એનો હેતુ એક વિદેશીને સમજવા માટે કાયમ મોટી તકલીફો ઉભી કરે છે અને આ ‘વિદેશીઓ’માં તમામ અમેરિકી પ્રમુખો પણ શામેલ છે અને આનાંજ પરિણામે પાકિસ્તાન અમેરિકાને સદાય નાસીપાસ કરે છે.’’

જોકે પાકિસ્તાન પ્રત્યેની આ ઉદાસી અને ગૂંચવાડો નવો નથી. અમેરિકી નિષ્ણાતો તો પાકિસ્તાન ૧૯૪૭માં આઝાદ થયું ત્યારથી એને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. પાકિસ્તાનને અમેરિકી યોજનામાં ફીટ કરવા માટે અમેરિકી ‘નીતિ નિષ્ણાતો’ ની કોશિશો, પાકિસ્તાનના ઈતિહાસ જેટલીજ જૂની છે. ૧૯૫૪ થી ૧૯૬૯ સુધી અમેરિકા પાકિસ્તાનને મધ્ય પૂર્વના તેલના કુવાઓનાં રક્ષણ માટે એક મહત્વના સાથી તરીકે જોતું હતું અને ત્યાર પછી સોવિયેત રશિયાને રોકવા માટેનો એક જરૂરી સાધન તરીકે. ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી પાકિસ્તાનનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સોવિયેત રશિયા સામે છદ્મ યુદ્ધ લડવા માટે કર્યો. ૨૦૦૧ પછી ખરેખરતો પાકિસ્તાને અમેરિકાના મિત્ર તરીકે અલ-કાયદા અને તાલીબાનો સામે શસ્ત્ર યુદ્ધ કરવાનું હતું પણ આ વિષે પણ અમેરિકાની તમામ યોજનાઓ સદંતર નિષ્ફળ નીવડી.

જો કે ઉપર દર્શાવેલા તમામ સમયગાળાઓ દરમ્યાન પાકિસ્તાનને પોતાનાં લાભમાં જ રસ હતો. ૧૯૫૦ અને ૧૯૬૦નાં દાયકામાં પાકિસ્તાને અમેરિકાના ટેકાનો ઉપયોગ શસ્ત્રો જમા કરીને એનો ઉપયોગ ભારત સામે કરવા માટે કર્યો. ૧૯૮૦ના દાયકામાં અફઘાન યુદ્ધનાં બહાને અને અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ જઈને પાકિસ્તાને અણુ શસ્ત્રો બનાવવાનું શરુ કરી દીધું. ૨૦૦૨ પછીથી તાલીબાન સામે યુદ્ધ કરવા માટે અમેરિકાએ આપેલાં શસ્ત્રોનો ઉપયોગ પાકિસ્તાને પોતાનાં ‘ફાટા’ વિસ્તારમાં પોતાનાં વિરુદ્ધ ચાલી રહેલી ચળવળ દબાવવામાં અને ભારત સામે આગલું યુદ્ધ લડવા માટે જમા કરી લીધાં. પાકિસ્તાન એના પરમાણુ શસ્ત્રો ખુબ ખતરનાક રીતે વધારી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાની સરકારે સામે ચાલીને ઉગ્રવાદી ઇસ્લામી સંસ્થાઓને ટેકો જાહેર કર્યો છે જે દીફા-એ-પાકિસ્તાન કાઉન્સિલ (‘પાકિસ્તાનના રક્ષણહારો’) સંસ્થાની વધતી તાકાત અને એના દ્વારા વારંવાર પાકિસ્તાનના દરેક મોટાં શહેરોમાં યોજાતી મોટી રેલીઓ થી સાબિત પણ થાય છે. આ સંસ્થાએ ૪૦ ઇસ્લામી ગ્રુપો ઉપરાંત રાજકીય પક્ષો, જેમાં અમેરિકા દ્વારા પ્રતિબંધિત જમાત — ઉદ્દ — દાવા પણ શામેલ છે (જેનું જુનું નામ લશ્કર — એ — તોયબા હતું) ને પણ શામેલ કર્યા છે. લશ્કર — એ — તોયબા ને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે તૈયાર કરાયું હતું અને એ ૨૦૦૮ના મુંબઈ હુમલાઓમાં પણ શામેલ હતું.

જોકે પાકિસ્તાન પાસેથી આવી બેધારી અથવાતો દોગલી નીતિની અપેક્ષા પહેલાં પણ કરી શકાઈ હોત. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ નાં અમેરિકા પરના આતંકી હુમલા પછી અમુકજ કલાકોમાં ૧૯૯૯માં નવાઝ શરીફ સામે બળવો કરીને સત્તા કબજે કરનાર પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનને રાષ્ટ્‌રજોગું સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘‘આપણું રાષ્ટ્‌ર એક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. આપણી સમક્ષ ફક્ત એકજ વિકલ્પ છે અને એ છે અલ કાયદા અને તાલીબાનો સામે આવનારા નિશ્ચિત યુદ્ધમાં અમેરિકાને સાથ આપવો અને જો આપણે આવું નહી કરીએ તો એના પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે. આપણે આપણા લાભ પહેલા જોવા પડશે. આપણા માટે પાકિસ્તાન હંમેશા પ્રથમ પસંદગી હોવી જોઈએ, બાકીનું બધુંજ ગૌણ છે. જો કે, આપણા માટે સહુથી જટીલ ચિંતા છે આપણું સાર્વભૌમત્વ, ત્યાર પછી આવે છે આપણી અર્થવ્યવસ્થા અને તે પછી આવે છે આપણી વ્યુહાત્મક અક્સ્યામતો (પરમાણું શસ્ત્રો અને મિસાઈલો) અને ચોથી છે આપણું કાશ્મીરનું કાર્ય.’’ મુશર્રફનું આ જ ભાષણ અમેરિકા માટે એમ માનવા માટે પુરતું હોવું જોઈતું હતું કે માત્ર પોતાનાં રસનાં વિષયો માટેજ પાકિસ્તાન અમેરિકાને પોતાનો ટેકો આપી રહ્યું છે અને આમ કરવાથી એણે પોતાની જાતને તાલીબાન, જે એકસમયે એનું સાથી હતું, એનાથી દુર થઇ રહ્યું છે.

૨. ત્રાસવાદ અને વિશ્વાસ

અમેરિકા માટે પાકિસ્તાન સાથે એનો અત્યારનો સંબંધ બે મહત્વના મુદ્દાઓ પર આધારિત છે, એક તો અફઘાનિસ્તાન અને બીજો આતંકવાદનો ભય. અમેરિકાની મૂળ ચિંતા છે તાલીબાનની અફઘાનિસ્તાનમાં અમેરિકી પેઠને ખત્મ કરીને અફઘાનિસ્તાનની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉખાડી ફેંકીને પોતાની સત્તા ફરીથી સ્થાપિત કરવાની કોશિશો. પુનરુત્થાન પામેલ તાલીબાન કદાચ અલ કાયદા અને બીજાં આતંકવાદી સંગઠનોને વધુ મજબુત બનાવવામાં મદદરૂપ સાબીત થઇ શકે છે અને આમ કરીને તે આ તત્વોને પોતાને ત્યાં સંરક્ષણ આપીને અમેરિકી ભૂમિ પર અથવાતો એની વિદેશમાં રહેલી સેનાઓ પર કે એના નાગરિકો પણ હુમલાઓ કરાવી શકે છે. જો કે ઘણા નિષ્ણાતોને એ બાબતની ચિંતા સહુથી વધુ છે કે શું હજીસુધી અલ કાયદા અને તાલીબાન એકબીજા સાથે સંકળાયેલા છે? કે પછી અસંખ્ય અમેરિકન ડ્રોન હુમલાથી નાસતા ફરવા માટે મજબુર એવા અલ કાયદાના આતંકીઓ અને મે ૨૦૧૧માં ઓસામા બિન લાદેનનાં મૃત્યુ થયું હોવા છતાંપણ અલ કાયદાનો જમાનો હજીપણ એટલો જીવંત છે કે નહીં?

લશ્કરી અને આર્થીક મદદરૂપે મળેલી લગભગ ૨૨ મીલીયન ડોલર્સની અમેરિકી લોન પછી પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન તરફની અમેરિકા અને નાટો નાં દળો માટેની લશ્કરી મદદ રોકી દીધી હતી. આ ઉપરાંત અમેરિકાના સતત દબાણ ને નકારીને ને પણ પાકિસ્તાનની આંતરિક જાસુસી સંસ્થા આઈ. એસ. આઈ એ પોતાને ત્યાં કેટલાંક અફઘાન તાલીબાન જૂથો કે જેની સામે અમેરિકા અફઘાનિસ્તાનમાં લડી રહ્યું હતું, ને સહાય, તાલીમ અને પોતાનાં સ્વાર્થ સારું એનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ એક અતિ પુરાણો સંબંધ હતો કે જે ૧૯૯૦ના દાયકાથી શરુ થતો હતો અને બ્રુસ રીડલનાં મત મુજબ તાલીબાનો ને મળતી આ મદદ ઇસ્લામાબાદમાં બેઠેલી સરકાર, જેમાં આઈ. એસ. આઈ પણ શામેલ હતું, અને તાલીબાનોની આંતરિક મામલાઓના મંત્રાલયની આપસી સાઠગાંઠથી શરુ થઇ હતી. આમાં તેલનો પુરવઠો પૂરો પાડવા ઉપરાંત સહુથી મહત્વના એવાં લશ્કરી સલાહ આપવી અને લશ્કરી મદદ કરવી જેવાં વિષયો પણ શામેલ હતાં. તાલીબાનોનાં સર્વેસર્વા એવાં મુલ્લા ઓમરને ૧૯૮૦નાં દાયકામાં સોવિયત રશિયા સામે અફઘાન મુજાહિદ્દીનો ને તૈયાર કરવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી.

ઓસામા બીન લાદેન સાથે તાલીબાની નેતાગીરીની ઓળખાણ કરાવવા માટે આઈ. એસ. આઈ જ જવાબદાર હતું. આ વાત ૧૯૯૮માં ત્યારે બહાર આવી જયારે તે વખતનાં અમેરિકી પ્રમુખ બીલ ક્લીન્ટને અફઘાનિસ્તાનમાં બીન લાદેનનાં ઠેકાણાઓ પર ક્રુઝ મિસાઈલથી હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકી લશ્કરી જાસુસી સંસ્થાના એક અહેવાલ મુજબ આ ઠેકાણા પાકિસ્તાની ઠેકેદારો દ્વારાજ બનાવાયા હતા અને એનો તમામ ખર્ચો આઈ. એસ. આઈ એ જ ઉપાડ્યો હતો. ઉપરોક્ત હુમલામાં એ વખતે ઇસ્લામી આતંકવાદીઓ ને તાલીમ આપી રહેલા કેટલાંક આઈ. એસ. આઈ ઓફિસરોનાં પણ મૃત્યુ થયા હતા. પાકિસ્તાની સેનાના રીટાયર્ડ જનરલ ઝીયાઉદ્દીન ખ્વાજાએ તો એટલી હદે દાવો કર્યો છે કે પરવેઝ મુશર્રફ કે જે પહેલાં પાકિસ્તાની સેનાના સેનાપતિ હતા અને પછી ૧૯૯૯થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનનાં પ્રમુખ પણ રહી ચુક્યા હતા એમને પહેલેથીજ એ બાબતની માહિતી હતી હતી કે પાકિસ્તાની જાસુસી સંસ્થાએ અલ કાયદા નેતા ઓસામા બીન લાદેનને પાકિસ્તાની શહેર અબોટાબાદમાં છુપાવીને રાખ્યો છે.

આવો ઈતિહાસ નજર સામે હોવા છતાંપણ અમેરિકાને એના અલ કાયદા અને તાલીબાનો સામેના યુદ્ધમાં અતિશય બિનવિશ્વાસુ પાકિસ્તાન સેના અને આઈ. એસ. ઈ પર આધાર રાખવો પડ્યો છે. પરત-દર-પરત આ બંને વચ્ચે ચાલી રહેલા આ ‘શંકા અને દાવપેચનાં નૃત્ય’ને ત્યારે ઉજાગર કરવામાં આવ્યું જયારે વોશિંગ્ટન પોસ્ટના કટાર લેખક અને જાસુસી નવલકથાકાર ડેવિડ ઇગ્નેશીયસે પોતાની નવલકથા ‘બ્લડ મની’ પ્રસિદ્ધ કરી. ઇગ્નેશીયસની આ નવલકથામાં સગપણ, બદલો, પસ્તાવાથી ભરપુર વાત હતી જેમાં ફાટા વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને નિર્દોષો ને ડ્રોન હુમલા દ્વારા મારી નાખવાની વ્યાજબી પણ કોઈ કારણોસર અપ્રગટ અને અસ્વીકાર્ય બિન આધિકારિક રખાયેલી કોઈ એકવાત પણ શામેલ હતી જેમાં ક્યારેક ઠંડા ક્લેજાના સી. આઈ .એ અને આઈ. એસ. આઈ એજન્ટો એકબીજાને સહકાર પણ કરી રહ્યાં હતા તો ક્યારેક એકબીજા સાથે હરીફાઈમાં પણ શામેલ થઇ જતાં હતા.

આ આખીયે વાત માં એક રસપ્રદ પાત્ર હોય તો એ છે એક અતિ રાષ્ટ્‌રવાદી આઈ. એસ. આઈ પ્રમુખ. આ પાત્ર ભૂતપૂર્વ આઈ. એસ. આઈ મુખિયા કે જે ૨૦૧૨માં નિવૃત્ત થયેલા એવા જનરલ શુઝા પાશા સાથે જબરદસ્ત સમાનતા ધરાવે છે. ડેવિડ ઇગ્નેશીયસ એના આ કાલ્પનિક જાસુસીમાં નિપુણ એવાં આ વ્યક્તિનું જબરું શબ્દચિત્ર રજુ કરે છે. આ એક એવો વ્યક્તિ હતો જેણે એના યુવાનીના સમયમાં એના જેવાં કેટલાંય યુવાનો સાથે અમેરિકામાં તાલીમ લીધી હતી. આમતો આ વ્યક્તિ હ્‌રદયથી અમેરિકાને નફરત કરતો હતો પણ જાહેરમાં એ એનાથી વિરુદ્ધ હોવાનો નો દેખાડો કરતો હતો. બનાવટી દેખાડો કરવાની કળા એણે જાણેકે આત્મસાત કરી લીધી હતી. આ આઈ. એસ. આઈ પ્રમુખ એક ‘ધંધાદારી જુઠ્ઠો’ હતો પણ સાથે સાથે એ એમપણ માનતો હતો કે સત્તાધીશ વ્યક્તિનું કાયમ સન્માન થવું જોઈએ. રહસ્યો અને પ્રપંચોથી ભરેલી આ દુનિયામાં આ વ્યક્તિ એક તરફ સી. આઈ. એ. ને મદદ કરતો અને બીજીબાજુ તે સી. આઈ. એ ને પાકિસ્તાની નેતાઓના રહસ્યો પહોંચાડતા વ્યક્તિઓને શોધતો રહેતો હતો. એના મતે આવા લોકો દેશદ્રોહીઓ હતા જે દેશનો માલમલીદો ખાઈને પશ્ચિમનાં દેશોની કદમબોસી કરતાં હતા. આવા સંજોગોમાં ડેવિડ ઇગ્નેશીયસનાં મતે આ વ્યક્તિ અમેરિકા સામે માત્ર બેવડી રમત જ રમી રહ્યો હતો એમ કહેવું એ એના પ્રત્યે ન્યાય નહોતો કારણકે એની વ્યૂહરચના તો આ બાબતથી પણ ઘણી આગળ જઈ રહી હતી.

આ ષડ્યંત્રનાં જીવંત ઉદાહરણ તરીકે ડેવિડ ઇગ્નેશીયસ રેમંડ ડેવિસ નો કિસ્સો ટાંકે છે. રેમંડ ડેવિસ એ સી. આઈ. એ નો જાસુસી અધિકારી હતો અને એણે લાહોરમાં બે વ્યક્તિઓની હત્યા કરી હતી, જયારે ત્રીજી વ્યક્તિને રેમંડ ડેવિસને બચાવવા માટે અમેરિકી કોન્સ્યુલેટમાંથી આવેલી કારે એની નીચે કચડી નાખ્યો હતો. આઈ. એસ આઈ. નું એવું માનવું હતું કે ડેવિસ પોતાનું ખાનગી જાસુસી તંત્ર પાકિસ્તાની સત્તાધીશોની જાણ વીના ચલાવી રહ્યો હતો. આ મામલાએ પાકિસ્તાનમાં જબરદસ્ત રોષ પ્રગટાવ્યો હતો અને આઈ. એસ. આઈ એ આ ઘટનામાંથી પણ લાભ લઈને અમેરિકી જાસુસી સર્વિસ પર પોતાનો કાબુ મેળવવાની કોશિશ કરી હતી.

ઇગ્નેશીયસ નું એવું ચોખ્ખું માનવું છે કે પાકિસ્તાન આવી હરકતો કરતાં ક્યારેય થાકતું નથી એ જાણે છે કે દોસ્તીનો હાથ સહુથી પહેલાં એની તરફ અમેરિકાએ લંબાવ્યો હતો એણે નહીં. છ દાયકા સુધી અમેરિકાએ પ્રચંડ ભંડોળ અને વિશ્વાસ પાકિસ્તાનને આપ્યાં છે તેમ છતાંપણ પાકિસ્તાનની સેના, ખાસ કરીને ૧૯૭૯નાં સોવિયેત રશિયાના અફઘાનિસ્તાન પરનાં આક્રમણ પછી, અમેરિકા પ્રત્યે ખુબજ ‘સસ્તી હરકતો’ કરી રહી છે અને આથીજ હવે પાકિસ્તાન અમેરિકાનું એક વિશ્વાસપાત્ર સાથી રહ્યું નથી. આઈ. એસ. આઈ એ અમેરિકા પાસેથી તાલીમ, પૈસા અને શસ્ત્રો લઈને પણ કોઈવાર અમેરિકાને લાભ થતાં જાસુસી કાર્યોમાં સામેથી કોઈ કોશિશ શરુ કરવાની કે અન્યોને એમાં શામેલ કરવાની તસ્દી લીધી નથી. એટલુંજ નહીં આ ક્ષેત્રમાં થતી અમેરિકન જિંદગીઓની ક્ષતિ માટે પોતે જવાબદાર હોવાં છતાંપણ ક્યારેય એણે આ બાબતે વોશિંગ્ટનનાં લગાતાર પૂછાતા સવાલોનો સ્વીકાર કર્યો નથી.

પરંતુ આઈ. એસ. આઈ ની મદદ એક કિંમત સાથે આવતી હોય છે. એ અમેરિકી મદદ અને પોતાનાં આ ક્ષેત્રમાં રહેલા પ્રભાવનો ઉપયોગ કાયમ પાકિસ્તાનને ફાયદો થાય એ રીતે કરે છે અને લગભગ દરેક વખતે એનું આ કાર્ય અમેરિકી લાભની વિરુદ્ધ હોય છે. આ બાબતે એક ઉદાહરણ લઈએ, સપ્ટેમ્બર ૨૦૧૧ની કોંગ્રેસ સમક્ષ આપેલી એક જુબાનીમાં એડમિરલ માઈકલ મુલન, જેઓ અમેરિકી સંયુક્ત રક્ષાધ્યક્ષોનાં ચેરમેન છે, એમણે જણાવ્યું હતું કે હક્કાની નેટવર્ક જે ફાટા વિસ્તારમાં કાર્યરત છે અને જેણે સમગ્ર અફઘાન સરહદે વારંવાર આતંકી હુમલાઓ કર્યા છે, જેમાં ૨૦૧૧નાં કાબુલમાં આવેલા અમેરિકી થાણું, અમેરિકન એલચી કચેરી અને નાટોનાં અફઘાન મુખ્યમથક પરનાં હુમલાઓ પણ શામેલ છે એની કાર્યપદ્ધતી જાણેકે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ. એસ. આઈની જ કોઈ શાખા કરતી હોય એવીજ દેખાય છે.

ઇગ્નેશીયસની કથા એક મહત્વના ભેદ ઉપર પ્રકાશ નથી પાડતી અને એ ભેદ આ પ્રમાણે છે. અમેરિકા અને પાકિસ્તાન વાસ્તવમાં દક્ષીણ એશિયામાં પોતાની વગ અને પગ જમાવવાની કાયમ કોશિશ કરતાં રહ્યાં છે, પણ આ બન્નેમાં ભેદ એ બાબતનો છે કે અમેરિકાનો રસ ટૂંકાગાળા નો છે અને આ ક્ષેત્રમાંથી ત્રાસવાદ દુર કરવા માટે છે, જયારે પાકિસ્તાન આનાથી વિરુદ્ધ પોતાનાં અસ્તિત્વ અને ભારત સામે એની સુરક્ષા માટે ચિંતાતુર છે. આ ભેદના પરિણામે અમેરિકા પાકિસ્તાન પાસેથી કામચલાઉ જોડાણ ઈચ્છે છે અને એના દ્વારા એ પાકિસ્તાનને એનાથી મળતાં સાધનોનો લઘુત્તમ ઉપયોગ કરીને તાલીબાન સામેની એની લડાઈને આગળ લઇ જવા અને અફઘાનિસ્તાનમાં પોતાની (અમેરિકાની) મજબુત સ્થિતિ બનાવવામાં મદદ કરે એવું માને છે. જયારે સામે પક્ષે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઓછામાં ઓછી ભૂમિકા જોઈએ છીએ અને કાશ્મીરની પોતાની છ દાયકા જૂની લડાઈ ને ઇંધણ પૂરું પડતું રહે એવી આશા છે.

વાતચીત દરમ્યાન જે બાબત કાયમ ભુલાઈ જાય છે એ બાબત છે પાકિસ્તાનમાં ચાલી રહેલો આતંકવાદ અને પાકિસ્તાની તાલીબાન. પાકિસ્તાની તાલીબાને ફાટા વિસ્તારમાં એક અલગ ચળવળ શરુ કરી છે. આ એજ વિસ્તાર છે જેમાં અફઘાની તાલીબાનને ત્યારે શરણ મળી હતી જયારે ૨૦૦૧માં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાન તાલીબાન મુખ્યત્વે તેહરિક — એ — તાલીબાન, પાકિસ્તાન ના નામે કામ કરે છે. તેમનું નેટવર્ક પાકિસ્તાની સરકાર સામે એક અઘોષિત યુદ્ધ ચલાવે છે અને એમનો મુખ્ય હેતુ પાકિસ્તાનમાં એક કટ્ટરવાદી ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનો છે. આથી, જો અફઘાનિસ્તાનમાં તાલીબાન મજબુત થાય તો પાકિસ્તાની તાલીબાનની એ આશા મજબુત થશે કે તેઓ અત્યંત ખરાબરીતે વિભાજીત થઇ ગયેલી પાકિસ્તાની સેના અને ઇસ્લામાબાદમાં બેસતાં ખુબજ નબળા વહીવટીતંત્ર સામે આરામથી ‘બે-બે હાથ’ લઇ શકશે. અને આમ થવાથી કદાચ આ લોકો અફઘાનિસ્તાનમાં રહેલા એમનાં છૂપાં સ્થાનોમાંથી મળતી મદદ લઈને પાકિસ્તાનને થકવી નાખતું અભિયાન પણ શરુ કરી શકે છે.

૩. અમેરિકાનો પાકિસ્તાન સાથે નો સંબંધ

આ બધીજ માહિતીઓ અમેરિકા પાસે હોવા છતાં, અમેરિકાનો મુખ્ય ભય એક જ છે અને તે છે પાકિસ્તાનનું સંપૂર્ણ નિયંત્રણ ઇસ્લામી અંતિમવાદીઓનાં હાથમાં જતો રહેવાનો ભય. જો આમ બનશે તો પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ જશે અને પાકિસ્તાનના નાના-મોટાં શસ્ત્રો અથવાતો અણુ હથિયારો આ ત્રાસવાદીઓનાં હાથમાં આવી જશે અને ત્યારબાદ એલોકો આ હથિયારોનો ઉપયોગ કાં તો અમેરિકા અને કાં તો ભારત ઉપર કરી શકે છે અને એનાથી આ પ્રદેશમાં અણુ યુદ્ધ પણ એક વાસ્તવિકતા બનીને ઉભી થઇ શકે છે. ડેવિડ ઇગ્નેશીયસે એમની નવલકથા ‘બ્લડમની’માં અમેરિકન પ્રમુખના ચીફ ઓફ સ્ટાફનાં પાત્રને એમ કહેતાં ટાંક્યું છે કે, પાકિસ્તાન એ વીસ કરોડ નારાજ લોકોનો દેશ છે જેની પાસે પરમાણું હથીયાર પણ છે અને એટલેજ આ આખુંય દ્રશ્ય કોઇપણ વ્યક્તિને કંપાવી નાખવા માટે પુરતું છે.

સામે પક્ષે પાકિસ્તાનમાં પણ ‘અમેરિકા વિરોધીપણું’ સર્વ વ્યાપક છે. ઘણા પાકિસ્તાનીઓ હવે એમ પણ માનવા લાગ્યા છે કે એમનાં આ રોગીષ્ટ દેશની આ પરિસ્થતિ માટે છુપીરીતે અમેરિકા પણ ઘણે અંશે જવાબદાર છે. જુન ૨૦૧૧માં લેવામાં આવેલા એક લોકમતમાં એ બાબત ઉડીને બહાર આવી હતી કે ૭૫ ટકા પાકિસ્તાનીઓ અમેરિકા માટે સારું વિચારતા ન હતાં. આમાંથી પણ ૭૫ ટકા લોકોતો અમેરિકાને પાકિસ્તાનનું દુશ્મન જ માનતા હતા અને ૭૦ ટકા લોકોને ભવિષ્યમાં અમેરિકા પાકિસ્તાન પર આક્રમણ પણ કરી શકે એવો ભય પણ ધરાવતાં હતા. નવેમ્બર ૨૦૧૧માં જયારે અમેરિકન અને નાટો દળોએ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યો જેમાં ૨૩ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાં અને ૧૩ જખમી થયા ત્યારે પાકિસ્તાનીઓનો ભય જાણેકે સાચો પડી રહ્યો હોય એમ લાગ્યું. આ ઘટના પછી પાકિસ્તાને, અફઘાનિસ્તાનમાં નાટોને મળતો તમામ પુરવઠો અટકાવી દીધો હતો અને આ ઉપરાંત શમ્સી એર બેઝ પરથી અમેરિકાને ડ્રોનને લગતી સી. આઈ. એ ની કામગીરીઓ પણ બંધ કરાવી દેવાઈ હતી. જો કે આમાંથી અમુક પ્રતિબંધો હળવા કરવા માં આવ્યાં છે પણ આ બધું અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો માટે બહુ સારી નિશાનીઓ તો નથીજ.

જેમ બ્રુસ રીડલ કાયમ કહે છે એમ અમેરિકાનું પાકિસ્તાન સાથેનું જોડાણ કાયમ અશાંત અને વિનાશક રહ્યું છે. ‘‘છેલ્લા ૬૦ વર્ષમાં અમેરિકાની પાકિસ્તાનની નીતિ બહુ આશ્ચર્ય પમાડે તેવી ‘એક કદમ આગે તો દો કદમ પીછે જેવી રહી છે’.....શરૂઆતનાં પ્રેમથી ભરેલા વર્ષોમાં વોશિંગ્ટને પાકિસ્તાન સાથે ખાનગી રીતે સંબંધો પણ ચલાવ્યા હતા જેને કારણે જ અમેરિકાને ૧૯૮૦ના દાયકામાં મુજાહિદ્દીનો સામે લડવા માટે પેશાવરમાં એર બેઝ સ્થાપવાની મંજુરી મળી હતી. આ ઉપરાંત આ જ સમયગાળા દરમ્યાન અમેરિકાએ પાકિસ્તાનને કરોડો ડોલર્સની મદદ કરી હતી જેનો કોઈજ હિસાબ-કિતાબ રાખવાની જવાબદારી પાકિસ્તાને ઉપાડી ન હતી. જયારે અમુક વર્ષો પછી આ બંને વચ્ચે નફરત પેદા થઇ ત્યારે વોશિંગ્ટને પાકિસ્તાનને અપાતી સહાયમાં એટલો મોટો કાપ મુક્યો કે કદાચ પાકિસ્તાનનું મૃત્યુ થઇ જશે એવું લાગી રહ્યું હતું. પણ આ બંને પ્રયાસો બહુ ખરાબરીતે નિષ્ફળ ગયાં હતા. આ આખાયે સમય દરમ્યાન અમેરિકાએ પાકિસ્તાનના દરેક લશ્કરી શાસકોને પુરજોશ સમર્થન આપ્યું હતું, એ જાણવા છતાં કે આ લોકો કાયમ ભારત સાથે યુદ્ધ કરે છે અને એ ઉપરાંત પાકિસ્તાનને જેહાદીઓનાં હાથમાં વધુને વધુ ફસાવતા જાય છે.

પ્રેમ હોય કે નફરત આ બંને સમયગાળાઓમાં એક વાત ઉડીને આંખે વળગતી હતી કે બંને પક્ષે આ માત્ર અને માત્ર તરંગી વિચારધારાઓ જ સ્થિત હતી. મહદઅંશે એવું માની શકાય કે પાકિસ્તાનને માત્ર પોતાનો લશ્કરી સાથી તરીકે જોતા અમેરિકાએ કાયમ એના આંતરિક રાજકારણનાં પ્રશ્નો, ભારત સાથે પાકિસ્તાનનાં સંબંધો અને એના પરમાણું પ્રસાર જેવાં મહત્વના વિષયોની કાયમ અવગણના કરી છે. જયારે પાકિસ્તાનની સુરક્ષા બાબતે કોઈજ પ્રશ્ન ન હતો ત્યારે અમેરિકાએ, પાકિસ્તાન એક સંપૂર્ણ લોકશાહી દેશ કેમ ન બને? કે પછી ભારત સાથે કાયમી શાંતિ કેમ ન સ્થપાય? અથવાતો પાકિસ્તાનના અણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કેમ ન થાય? એવાં મહત્વના પ્રશ્નો ઉપર કોઈજ ધ્યાન આપ્યું નહીં. આ તમામ વર્ષો દરમ્યાન પાકિસ્તાની નેતાઓ અને સામાન્ય લોકોને એ બાબતનો ખ્યાલ હતો કે અત્યારે શું થઇ રહ્યું છે અને તેમણે આગળ શું કરવાનું છે.

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે અમેરિકાના તમામ પ્રયાસો કેમ કાયમ નિષ્ફળ જાય છે એનું કારણ છે અમેરિકાની અત્યારની વિદેશ નીતિ જે ૬૦ વર્ષનાં ‘સુપર પાવર’ નાં અભિમાનની પ્રથાથી નીચે ઉતરી શકી નથી અને પાકિસ્તાન જેવાં મૂંગામંતર દેશો પાસેથી વાત બહાર કેમ કઢાવવી એ કળા પણ અમેરિકા પાસે કાં તો ઉપલબ્ધ નથી અથવા તો એ કળાને એ ભૂલી ચુક્યું છે. હાવર્ડ શાફર અને એમનાં પત્ની ટેરેસીટા શાફર જેઓએ બહુ લાંબા સમય સુધી અમેરિકન વિદેશ સેવામાં એક ટીમ બનીને કામ કર્યું હતું અને જેમણે એમનાં કામ દરમ્યાન ઘણો લાંબો સમય પાકિસ્તાન નો વિષય પણ સંભાળ્યો હતો એમને એક પુસ્તક લખ્યું છે, ‘હાઉ પાકિસ્તાન નેગોશીએટસ વિથ યુનાઇટેડ સ્ટેટ્‌સ’. આ પુસ્તકમાં આ પતિ-પત્નીએ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને વિસ્તારથી જણાવ્યા છે. આ પુસ્તકમાં એવું જણાવાયું છે કે પાકિસ્તાન કાયમ એવું ઈચ્છે છે કે અમેરિકા કાયમ પાકિસ્તાનને અસર કરે એવાં મુદ્ધાઓમાં રોકાયેલું રહે, જયારે સામેપક્ષે અમેરિકાને આ ક્ષેત્રમાં પોતાની પેઠ વધારવામાં વધુ રસ છે અને આથી આ બંને નાં રસ નાં વિષયો કાયમ જુદા પડે છે. કોણે ક્યાં અને કેવો ફાયદો લેવો એ આ બંને એકબીજા સાથે બેસીને નહીં પણ પોતપોતાની રીતે નક્કી કરે છે, જેમાં એકધારી અમેરિકી નીતિ અને પાકિસ્તાનનું ઘરેલુ રાજકારણ સમાયેલું છે.

આ વિષય ઉપર આ લેખકો એ બાબતે પ્રકાશ પાડે છે કે વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીઓનો ઉછેર એક એવાં સમાજમાં થયો છે કે જે એમના સિવાય અન્ય સમાજના લોકો કાયમ પોતાનાં પર નિર્ભર રહે અને એ પોતેજ જો કોઈવાતને ઉત્તેજન આપે તો જ કોઈ કામ કરી શકે એવું માને છે. અને આ કારણસર જ પાકિસ્તાન કાયમ એની નબળાઈ છુપાવીને અમેરિકાનો અહેસાન લેવા માટે તત્પર હોય છે અને પોતાની જાતને અમેરિકા સમક્ષ શક્તિશાળી અને જવાબદાર રાષ્ટ્‌ર હોવાનો દેખાડો કરતું હોય છે. જો કે આવી ભૂમિકા ભજવતી વખતે પાકિસ્તાનીઓને એ બાબતનો સુપેરે ખ્યાલ છે કે સત્તા બહુ ચંચળ હોય છે જેથી એ અમેરિકાનાં હિતોને પોતાની રીતે વાપરવા બધાંજ પ્રયાસો કરી છૂટે છે. આ બંને લેખકો આ પુસ્તકમાં લખે છે કે ૯/૧૧ની ઘટના બાદ પાકિસ્તાને અમેરિકા તરફ પોતાનું વલણ બે હકીકતો ઉપર નિર્ભર રાખ્યું હતું. એક તો એ કે પાકિસ્તાન પોતે એક નબળું રાષ્ટ્‌ર છે અને બીજું એ કે અમેરિકાને અત્યારે બીજાં કોઈ કરતાં પાકિસ્તાનની અત્યંત જરૂર છે.’’ શાફર દંપત્તિનાં મતે આ હકીકતો એ વખતે કામચલાઉ સમય પુરતીજ માર્યાદિત હતી, કારણકે જો પાકિસ્તાન લોકશાહીનાં પંથે આગળ વધશે તો અમેરિકા તરફે ગુસ્સાની નજરે જોતી પાકિસ્તાની પ્રજા અમેરિકા અને પાકિસ્તાનની ભાગીદારીને પણ આગળ વધતી રોકી શકે છે.

અનાતોલ લીવેનનું પુસ્તક ‘સ્પ્રાવલીંગ પાકિસ્તાન : અ હાર્ડ કન્ટ્રી’ માં એમણે પાકિસ્તાનની નબળાઈ અને અમેરિકાની સત્તાનાં પ્રભુત્વ વિષે ચર્ચા કરી છે. અનાતોલ લીવન એ ટાઈમ્સ ઓફ લંડનનાં ભૂતપૂર્વ પત્રકાર છે અને એમણે પોતાનો ઘણો સમય વોશિંગ્ટનનાં સત્તાધીશો સાથે ગાળ્યો છે. હાલમાં તેઓ કિંગ્સ કોલેજ, લંડનમાં ‘વોર સ્ટડીઝ ડીપાર્ટમેન્ટ’ નાં પ્રોફેસર છે. તેઓ કહે છે કે, ‘‘પાકિસ્તાન એક વિભાજીત, અણઘડ, આર્થિકરીતે પછાત, ભ્રષ્ટાચારી, હિંસક, અન્યાયી, ઘણીવાર ગરીબો અને સ્ત્રીઓ પ્રત્યે જંગલિયતની હદે વર્તતું અને અત્યંત ખતરનાક અંતિમવાદીઓ અને આતંકવાદીઓનું ઘર છે.’’ અનાતોલ લીવેન એમ પણ ઉમેરે છે કે, ‘‘આમ છતાંપણ પાકિસ્તાનમાં એક સફળ આધુનિકતા અને ઉત્તમ વહીવટકર્તાઓ, થોડાંક પ્રભાવશાળી અને આધુનિક ઉદ્યોગો, કેટલાંક સુંદર હાઈવે, લાહોર યુનીવર્સીટી, ખુબ શક્તિશાળી, અત્યંત તાલીમબદ્ધ, ખુબ સારી શિસ્ત ધરાવતી સેના અને મોટી સંખ્યામાં કાર્યક્ષમ, પ્રમાણિક અને કાર્યદક્ષ સરકારી કર્મચારીઓ પણ છે જેણે અત્યારસુધી પાકિસ્તાનને જીવતું રાખ્યું છે. અને આ બધાં ઉપર સગાવાદ પણ પાકિસ્તાનમાં બહુ મોટેપાયે ફેલાયેલો છે જે પાકિસ્તાનની નબળાઈ અને એની સ્થિરતાનું કેન્દ્ર બન્ને છે.’’

સગાવાદ પર પાકિસ્તાનનું નિર્ભર હોવું એ કદાચ એની શક્તિ પણ છે જે વર્ષોથી એ દેશમાં સ્થાપિત હોવા છતાં હજીસુધી એને કોઈજ પડકાર મળ્યો નથી. આ બાબતને ધ્યાનમાં લઈને લીવેન પાકિસ્તાનને પરંપરાગત, સાતત્યપૂર્ણ અને જુના સમાજ પ્રત્યે સમર્પિત હોવાનું ચિત્રિત કરે છે, પણ એની સામે પાકિસ્તાન અત્યારે એની આસપાસ અને એની અંદર જે ફેરફારો થઇ રહ્યાં છે અને જે લડાઈ એણે લડવાની છે એ બાબતને એ ભૂલી રહ્યું છે એ વાત તેઓ નથી કરી રહ્યાં. આ રીતે લીવન કોઈ એક બ્રિટીશ ઓફિસર જે રીતે કોઈ વિલક્ષણ બાબતે પોતાનું વિશ્લેષણ કરી રહ્યો હોય એવું તમને જરૂર લાગે. લીવન વિષેની આ છાપ ત્યારે દ્રઢ બને છે જયારે એ આ પુસ્તકમાં વારંવાર ૧૯મી સદીનાં બ્રિટીશ રાજનાં સમયનાં દક્ષીણ એશિયા અને મુસ્લિમો વચ્ચેના સંબંધો જે સન્માન, વફાદારી, ઇસ્લામીક ગુણો ધરાવતાં કાયદાઓ, ઇસ્લામી સંતોની ભૂમિકા, ઇસ્લામી રજવાડાઓનું ધીરે ધીરે નાશ પામવું, પશ્તુન નેતાગીરી અને એની સંસ્કૃતિ, સિંધી કળા અને બલોચ આદિજાતિ ને લગતી કલ્પનાતીત વાતો કરે છે. લીવનની આ પછાત માનસિકતા ત્યારે ઉડીને આંખે વળગે છે જયારે તેઓ પાકિસ્તાન તાલીબાન વિષેનાં પોતાનાં અવલોકનોને પાકિસ્તાનના છેલ્લાં બ્રિટીશ ગવર્નર ઓલાફ કેરોએ પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સમાં ચાલવા દેવાયેલા બળવા સાથે સરખાવે છે.

જો કે લીવનની તરફેણમાં એટલું તો કહેવું જ પડે કે જયારે એમની આ સગાવાદ તરફની દલીલ ખોટી પડે છે ત્યારે એ એવું સ્વીકારે પણ છે કે ‘‘પઠાણોની અમુક સંસ્કૃતિ અને વૈચારિક રીતભાતો હવે સતત બદલાઈ રહી છે. પઠાણ સમાજ પણ હવે ઘણીખરી રીતે ધરમૂળથી બદલાઈ ચુક્યો છે.’’ પણ એવાતની હજીપણ ખબર નથી પડતી કે લીવનનાં મતે બાકીનું પાકિસ્તાન પણ ધરમૂળથી બદલાઈ ગયું છે કે નહીં?

લીવનનાં મતે પાકિસ્તાન એક નબળું રાષ્ટ્‌ર છે કારણકે એની પાસે એક રાષ્ટ્‌ર તરીકેની કોઈ કાયમી ઓળખ કે રાજકીય પ્રક્રિયા નથી કે જે પેલા સગાવાદને વધુ સારીરીતે આગળ ધપાવી શકે. પાકિસ્તાની સેના પણ કે જે આમતો ખુબ આધુનિક સેના ગણાય છે એપણ વંશવાદથી વંચીત નથી. પાકિસ્તાનની નબળાઈ જેને કારણકે આ વિસ્તારમાં અમેરિકા પણ નબળું દેખાય છે એ ન દેખાય એના માટે લીવન અમેરિકાને સંયમ જાળવવા અને આ બાબતે થોડુંક વધુ મનન કરવાનું પણ કહે છે. લીનનનાં મતે ‘‘પશ્ચિમની નીતિ, ખાનગી તો ખાનગીમાં પણ એવી હોવી જોઈએ કે ૨૦૦૧થી પાકિસ્તાનમાં જે આતંકવાદ અને વિદ્રોહનું વાતાવરણ છે એમાં અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં ચલાવાઈ રહેલું અભિયાન જ જવાબદાર છે એવું એણે સ્વીકારી લેવું જોઈએ. પાકિસ્તાનનાં ફાટા પ્રાંતમાં લશ્કર મોકલીને અમેરિકા માત્ર પાકિસ્તાનનાં સાર્વભૌમત્વનો જ ભંગ નહીં કરે પરંતુ પોતાનાં પગ ઉપરજ કુહાડી મારશે.’’

જયારે સામેપક્ષે બ્રુસ રીડલ એમ માનવા માટે મજબુર છે કે પાકિસ્તાન પાસે એક રાષ્ટ્‌ર તરીકે એટલી શક્તિ તો છે જ કે એ પોતાની વિદેશનીતિ નો ક્રમ પસંદ કરી શકે છે, અને એક સરળ હકીકત એ છે કે આ આખોયે ક્રમ અમેરિકાની પસંદગીનાં ક્રમથી સાવ ઉલટો હોય છે. આ ઉપરાંત તેઓ કહે છે, ‘‘પાકિસ્તાન અને અમેરિકનોની ્રદ્વિપક્ષીય સંબંધો માટેની વિચારધારાઓ સાવ અલગ અલગ હોય છે. પાકિસ્તાન કાયમ અમેરિકાની એ બાબતે ફરિયાદ કરતું હોય છે કે તે વચન એક જાતનું આપે છે જયારે સામે એને આપે છે કશુક જુદીજ જાતનું. જયારે અમેરિકા પાકિસ્તાનને એક કપટી રાષ્ટ્‌ર તરીકે જુવે છે જે કહે છે કઈક અને કરે છે કઈક...આ વલણો રાતવરત બદલી જવાના નથી કે ન તો એ આવનારાં થોડાંક વર્ષોમાં બદલી શકે એમ છે. આ તો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોનો વારસો છે.’’

જો કે રીડલ અને વોશિંગ્ટનમાં બેઠેલાં બીજાં જાણકારો એમ માને છે કે પાકિસ્તાન છેવટે અમેરિકાની સાથે આવશે જ. આ નિષ્ણાતોને આ બાબતનો જવાબ અમેરિકાના પાકિસ્તાનમાં લોકશાહી અને વિકાસને આગળ વધારવા માટેનાં પ્રયાસોમાં મળી રહ્યો છે. આ પ્રયાસ એટલી હદે આગળ વધ્યો કે ૨૦૦૯માં અમેરિકાએ પાકિસ્તાન સાથેની ભાગીદારી વધારતા એક કાયદામાં સુધારો કરીને પાંચ વર્ષ માટે પાકિસ્તાનને ૭.૫ બિલીયન ડોલરનું એક આર્થિક પેકેજ એનાયત કર્યું હતું અને આ સમયમર્યાદા આ વર્ષે પૂરી થવા જઈ રહી છે. આ સુધારો એમપણ દર્શાવે છે કે આ સમયમર્યાદા પતે પછી પણ બીજાં ૭.૫ બિલીયન ડોલર્સનું એક વધારાનું પેકેજ પણ ૨૦૧૫ થી ૨૦૧૯નાં સમય સુધી પણ ચાલુ રાખી શકાય એમ છે. એવી આશા રખાઈ રહી છે કે મદદનો સમયગાળો વધારી આપવાથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધુ લાંબો સમય સુધી આગળ વધશે અને એકબીજાના એકબીજા પ્રત્યેના રસને બનાવી રાખશે. આમાં પણ મુખ્ય ધ્યેય જો કે દક્ષીણ એશિયાને અણુ યુદ્ધથી દુર રાખવાનો છે.જો કે આ તર્ક પણ માત્ર એક ધારણા ઉપરજ આધારિત છે જે એવી છે કે છેવટે પાકિસ્તાન પોતાની ભૂલો સમજશે અને અમેરિકી હિતને સ્વીકારશે અને લોકશાહીને વરેલું પાકિસ્તાન કદાચ જક્કી મતભેદોથી દુર રહેશે.

૪. પાકિસ્તાનની મુશ્કેલીઓ

એક સત્ય ઉડીને આંખે વળગે એવું એ છે કે પાકિસ્તાનમાં લોકશાહીનાં વિકાસમાં તેનાં લશ્કરની તાકાત કાયમ વિઘ્ન બનીને ઉભી હોય છે. વોશિંગ્ટન પાકિસ્તાનનાં લશ્કરનો લોકશાહી વિરોધી આ જુકાવને કમનસીબી ગણે છે પણ ઘણીવાર આ જુકાવ અમેરિકાને મદદરૂપ પણ થયો છે અને એપણ એટલુંજ સત્ય છે. પાકિસ્તાની લશ્કર એ બાબતે જરાપણ ચિંતિત નથી કે એ શા માટે આ હદ સુધી પહોંચ્યું છે. જોકે ફિલિપ ઓલ્ડેનબર્ગે એમનાં પુસ્તક, ‘ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ડેમોક્રસી’માં આ બાબતે ખુબ વિચાર કર્યો છે.

ઓલ્ડેનબર્ગ એવી દલીલ કરે છે કે ભૌગોલિક અને રાજકીય વાસ્તવિકતા એવી છે કે જયારે ૧૯૪૭માં બ્રિટીશ ઇન્ડિયામાંથી ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ એક એવાં રાજકીય પાયા ઉપર ન બની શક્યું જેણે ભારતને એક આયોજનપૂર્ણ રાષ્ટ્‌ર તરીકે ઉભરવામાં મદદ કરી હતી. પાકિસ્તાનનો આ ઈતિહાસ ત્યાની લોકશાહીની વારંવારની નિષ્ફળતાને અને ખાસકરીને લોકભોગ્ય રાજકીય પક્ષોની નિષ્ફળતા પર પ્રકાશ પાડે છે. ઓલ્ડેનબર્ગ કહે છે કે. ‘‘રાજકીય સમાજ ઉપર લોકશાહી સંસ્થાઓ અને રાજકીય નેતાઓનું એક એવું જાડું આવરણ હોવું જોઈએ કે જે નાગરીકો અને રાજનેતાઓ વચ્ચેના સંબંધોને મજબુત કરે અને આ નેતાઓ એ પ્રકારનાં હોવા જોઈએ કે જે પોતાની ઓળખ અને ક્ષમતાઓને એવીરીતે મિવ્રિત કરે કે જેનાથી એ નાગરિકોની સાથે પોતાનાં સંબંધો આવનારી સમસ્યાઓ સાથે લડીને પણ મજબુત કરી શકે અને તોજ એક મજબુત લોકશાહી કોઇપણ રાષ્ટ્‌રમાં ધબકતી થઇ શકે.’’ આગળ તેઓ એમ પણ કહે છે કે રાજકીય ઔચિત્ય ધરાવતાં નેતાઓજ સત્તાધિકાર ધરાવતી બાબુશાહી અને લશ્કર સામે કટોકટી ભર્યા યુદ્ધો જીતી શકે છે. ઓલ્ડેનબર્ગનાં મત મુજબ પાકિસ્તાનમાં લોકો પાસે માત્ર બે જ સમયે સત્તા હસ્તગત હતી, એક તો ૧૯૪૭થી ૧૯૫૮ સુધી (જોકે આ અગિયાર વર્ષોમાંથી પાંચ વર્ષ તો લોકો અથવાતો રાજકીય નેતાઓ કરતાં બાબુઓ પાસે વધુ સત્તા હતી) અને ત્યારબાદ ૧૯૭૨થી ૧૯૭૭ સુધી જયારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં સરમુખત્યારશાહી જેવું સાશન ચાલ્યું હતું ત્યારે. બાકીનાં તમામ વર્ષોમાં પાકિસ્તાન પર સીધી કે આડકતરી રીતે એના લશ્કરનો જ કાબુ રહ્યો છે.

અત્યારસુધી પાકિસ્તાનમાં લશ્કરે ત્રણવાર સત્તા હસ્તગત કરી છે અને કાયમ એણે ઓછામાં ઓછો એક દાયકો તો પાકિસ્તાન પર રાજ કર્યું જ છે. ઘણીવાર તેણે સક્રીયરીતે એવી રાજકીય પ્રક્રિયાઓને પોતાનો હાથો બનાવી કે જે જમણેરી અને ધાર્મિક અંતિમવાદી વલણ ધરાવતી હતી અથવાતો આવા સમૂહોને ટેકો આપતી હતી જેના થકી પાકિસ્તાનમાં લશ્કર તરફી રાજકીય ગઠબંધનોનો જન્મ થાય અથવાતો એમનાં દ્વારા એ તેમનાં રાજકીય વિરોધીઓને ધમકાવી શકે. ૨૦૧૨ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે એક એવાં કેસની સુનાવણી ફરીથી શરુ કરી જે આઈ. એસ. આઈનાં એવાં ગેરકાયદે ભંડોળ પર પ્રકાશ પાડતો હતો કે જે ૧૯૯૦ની સામાન્ય ચૂંટણીઓમાં બેનઝીર ભુટ્ટો અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને સત્તા ઉપર આવતાં રોકવા માટે જમણેરી જૂથોને ફાળવવામાં આવ્યું હતું. તે સમયના આઈ. એસ. આઈ નાં પ્રમુખ જનરલ અસદ દુર્રાનીએ કોર્ટમાં એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે આવું એક ભંડોળ જરૂર બનાવવામાં આવ્યું હતું. આટલુંજ નહીં એમણે એ બાબતનો પણ ખુલાસો કર્યો હતો કે આ ભંડોળનો લાભ કયા વ્યક્તિને અને કેટલો થયો હતો. જનરલ અસદ દુર્રાનીનાં કહેવા મુજબ આ ફંડ પાકિસ્તાન સેનાનાં પ્રમુખ જનરલ અસ્લમ બેગ અને તે વખતનાં પાકિસ્તાનના પ્રમુખ ગુલામ ઇશાક ખાનનાં કહેવાથી બનાવવામાં આવ્યું હતું. કરોડો પાકિસ્તાની રૂપિયા આ ભંડોળ માટે પાકિસ્તાનના એક અગ્રણી બેન્કર પાસેથી ખંડણી સ્વરૂપે લેવામાં આવ્યાં હતા. આ બેન્કરે પાકિસ્તાની સુપ્રીમકોર્ટ સામે સોગંધનામામાં એ તમામ વાતો કરી છે જેમાં એની ગેરકાયદે અટક અને એના પર ગુજારાયેલા અમાનુષી ત્રાસનું વર્ણન કર્યું છે જયારે એણે પહેલીવાર આ ધમકીને તાબે થવાની ના પાડી હતી. આ કેસ પાકિસ્તાન સુપ્રીમકોર્ટમાં સહુથી પહેલીવાર ૧૯૯૬માં આવ્યો હતો પણ તે વખતે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી તરીકે નવાઝ શરીફ હતા જેમણે આ કેસ એટલા માટે ઢીલો કરી દીધો હતો કારણકે તેઓનું નામ પણ આ ભંડોળમાંથી લાભ લેનાર એક વ્યક્તિ તરીકે શામેલ હતું. શરીફ ની સરકાર જોકે પાછળથી જનરલ મુશર્રફ દ્વારા ઉખાડીને ફેંકી દેવામાં આવી હતી.

પાકિસ્તાનમાં લોકશાહીની નિષ્ફળતાના પુરાવાઓ અત્યારે વધુ મળી રહ્યાં છે જયારે ત્યાં રાજકીય હિંસામાં સતત વધારો થઇ રહ્યો છે અને આ હિંસા સતત સત્તા વિરુદ્ધ જ હોય છે એ સત્ય પણ સ્વીકારવું જ રહ્યું. પાકિસ્તાની લોકશાહી સામે સહુથી મોટો ભય છે ધાર્મિક અને સંપ્રદાયવાદી જૂથો કે જે પાકિસ્તાનને એક સંપૂર્ણ ઇસ્લામી રાજ્ય બનાવવા માંગે છે. બીજો ખતરો છે બલુચિસ્તાનમાં ચાલી રહેલી વંશીય ચળવળ છે કે જે પાકિસ્તાનથી જનમત દ્વારા અલગાવ ઈચ્છે છે. પહેલાં ભયને પાકિસ્તાની સત્તાધીશો દ્વારા સાવ અવગણવામાં આવ્યું છે જયારે બીજાં ભયને ઘાતકી રીતે કચડી નાખવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનના રાજકારણમાં ધર્મ પહેલેથી જ શામેલ છે અને આ જ બાબત તો બ્રિટીશ ઇન્ડિયા માંથી મુસ્લિમો માટે ખાસ દેશ બનાવવાની માંગણીમાં પણ ડોકાય છે અને તેણેજ છેવટે ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્‌રોનું નિર્માણ કર્યું હતું. પણ આવું બનતાં એક તકલાદી અને અવિકસિત રાષ્ટ્‌રવાદે જન્મ લીધો અને છેવટે આવા રાષ્ટ્‌રવાદે જ આ દેશનું પાલન પોષણ કર્યું. દેખીતા ભય અને નુકસાનને નજર સમક્ષ જોવા છતાં પાકિસ્તાની સત્તાવાળાઓ એ કાયમ ધર્મનો ઉપયોગ પાકિસ્તાનના મોટાં અને જુદાજુદા વંશીય જૂથો પર પોતાનો પ્રભાવ બરકરાર રાખવા માટે કર્યો, પણ એક પછી એક આ તમામ જૂથો (પંજાબીઓ સિવાય) પાકિસ્તાનથી અલગ થવા માંડ્યા અથવા તો તેમ કરવાની માંગણી કરવા લાગ્યા. ભાગલા વખતે જેમની પાકિસ્તાનમાં સહુથી વધુ વસ્તી હતી એ પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમોએ ૧૯૭૧માં બાંગ્લાદેશ નામે એક અલગ દેશ પણ બનાવી લીધો.

ધર્મનો ઉપયોગ પશ્તુન વંશીય રાષ્ટ્‌રવાદને ખત્મ કરવા માટે પણ થયો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં પશ્તુનો એકબીજા સાથે સંકળાયેલા માને છે અને ઘણીવાર એમણે એક અલગ પશ્તુન રાજ્યની માંગણી પણ કરી છે. પાકિસ્તાની સત્તાવાળાઓ એ વર્ષો સુધી ધર્મનો ઉપયોગ કરીને અલગ પશ્તુન રાજ્યની માંગણીને ગેરમાર્ગે દોરી દીધી છે.

ઇસ્લામિક પક્ષો અને મુસ્લિમ પંથોએ પોતાની રીતે અને પોતાનાં માટે ઇસ્લામિક સમાજની વ્યાખ્યા કરીને એનો પ્રચાર અને પ્રસાર કર્યો, જેમાં એમણે અન્ય સંપ્રદાયોને પોતાનાથી હલકા અને બિન-ઇસ્લામી પણ ગણ્યા હતા, એટલુંજ નહીં આ લોકોએ એકબીજા ઉપર જીવલેણ હુમલાઓ પણ કરાવ્યા. ૨૦૧૧માં ઇસ્લામિક આતંકવાદીઓ એક પંજાબનાં ગવર્નર, સલમાન તાસીર અને ત્યાના લઘુમતી બાબતોનાં મંત્રી શાહબાઝ ભટ્ટીને એટલા માટે મારી નાખ્યા કારણકે આ બંને પાકિસ્તાનના ‘ઈશ નીંદા’ કાયદામાં ફેરફાર કરાવવા માંગતા હતા. આ કાયદા મુજબ, ઇસ્લામ કે પયગંબરની વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારનારને માત્ર મૃત્યુદંડની જ સજા થઇ શકે છે. પાકિસ્તાનમાં હાલના સમયમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધનાં ફોજદારી કેસો ખુબ વધી રહ્યાં છે, આમાં ખાસકરીને ખ્રિસ્તી, હિંદુ અને અહમદીયા મુસ્લિમ સમુદાયોનાં સભ્યો મોટી સંખ્યામાં છે. આનાથી પણ કોઈ વધુ વિચલિત કરતી બાબત હોય તો એ છે સુન્ની આતંકવાદીઓ દ્વારા થતી શિયાઓની કતલ અને એના બદલારૂપે શિયા આતંકવાદીઓ દ્વારા થતી સુન્નીઓ ની કતલ. દરવર્ષે આ કત્લેઆમમાં હજારો લોકો મૃત્યુ પામે છે.

છેલ્લાં પાંચેક વર્ષોમાં પાકિસ્તાનમાં દરેક જગ્યાએ ધાર્મિક અંતિમવાદીઓ દ્વારા થતાં હુમલાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે પાકિસ્તાની ઇસ્લામિક સામાજિક, વ્યવસાયિક, રાજકીય અને જેહાદી સંસ્થાઓ વચ્ચે વૈચારિક, સંસ્થાગત અને વ્યક્તિગત સંબંધો વધી રહ્યાં છે. આમાંથી કેટલાંકતો સીધાં ફાટા વિસ્તાર અને અલ-કાયદા સાથે સીધો સંબંધ પણ ધરાવે છે. તેહરીક — ઈ — તાલીબાનનાં આવવાથી પાકિસ્તાનના ફાટા વિસ્તારમાં પંજાબી ઇસ્લામિક અંતિમવાદીઓને તાલીમ અને ત્યાના આદિવાસી વિસ્તારોમાં લડવાનો મોકો પણ આપવામાં આવે છે. અલ-કાયદાના હાઈપ્રોફાઈલ આતંકવાદીઓ પાકિસ્તાનના મોટાં શહેરોના ઘરો અને મસ્જીદોમાંથી પકડવામાં આવ્યાં છે જેને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે પાકિસ્તાનની સહુથી મોટી ધાર્મિક રાજકીય પાર્ટી જમાત — ઈ — ઇસ્લામી નો ટેકો છે.

ઉપરોક્ત કારણોને હિસાબે પાકિસ્તાનમાં ઇસ્લામી હિંસામાં માત્ર વધારોજ જોવા નથી મળ્યો પણ એ ઉપરાંત એ તીવ્ર અને વધારે ફેલાઈ છે કારણકે હવે તેને અંદરથી મદદ મળી રહી છે. પાકિસ્તાનમાં મોટાં મોટાં રાજકીય નેતાઓની હત્યા કરવાનાં પ્રયાસો પણ વધી રહ્યાં છે જેમાં પરવેઝ મુશર્રફને મારવાના અસંખ્ય નિષ્ફળ પ્રયાસો અને બેનઝીર ભુટ્ટોની હત્યાનાં સફળ પ્રયાસને ગણી શકાય છે. પાકિસ્તાની સેનાનાં મુખ્ય મથક પર , પેશાવરની અને લાહોરની આઈ. એસ. આઈ ઓફિસો પર પણ હુમલાઓ થઇ ચુક્યા છે. સરગોધાનું એરબેઝ સ્ટેશન, કરાચીનું નૌકાદળ બેઝ, વાહ ખાતે આવેલો લશ્કરી શસ્ત્રાગાર અને ઇસ્લામાબાદની મેરિયટ હોટેલ ઉપરાંત લાહોરની અગિયારમી સદીથી સ્થિત એવી દાતા દરબાર ની સમાધી અને અન્ય એવી કેટલીય સમાધિઓ પણ આવા હુમલાઓનાં ટાર્ગેટ બની ચુક્યા છે.

એક અન્ય ધ્યાન દોરતો પ્રશ્ન છે, બલોચ લોકો દ્વારા શરુ કરાયેલી હપ્તાવાર ચળવળ જેણે પાકિસ્તાનની રાજકીય હિંસામાં બહુ મોટો ફાળો આપ્યો છે અને આ બાબત અમેરિકાએ પાકિસ્તાનનાં પ્રશ્ને વિચાર કરતી વખતે કાયમ અવગણી છે. બલુચિસ્તાન એ પાકિસ્તાનના ચારેય રાજ્યો માંથી સહુથી મોટું રાજ્ય છે અને જેની સીમાઓ અફઘાનિસ્તાન, ઈરાન ને લાગેલી છે અને ઉપરાંત એનો થોડો ભાગ અરબી સમુદ્રને પણ અડે છે, પણ તેમ છતાંય આ રાજ્ય બાકીના ત્રણ રાજ્યોથી સહુથી વધુ પછાત છે. બલુચિસ્તાન પાકિસ્તાનની ૪૦% જમીન અને માત્ર ૫% વસ્તી જ ધરાવે છે.નોર્થ વેસ્ટ ફ્રન્ટીયરની આદિવાસી પ્રજાની જેમજ બલુચો પણ એમજ માને છે કે તેઓ ૧૯૭૪માં જ આઝાદ થઇ ચુક્યા હતા પણ ૧૯૭૪માં એમને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવી દેવાયા હતા અને એટલેજ તેઓ માનસિક અને રાજકીય રીતે ક્યારેય પાકિસ્તાનમાં ભળી શક્યાં નથી.

આ બલોચ ચળવળ ૧૯૫૮, ૧૯૬૨ અને ૧૯૭૩-૧૯૭૭ માં ધીરેધીરે વધવા લાગી હતી અને છેલ્લી ચળવળ તો ખુબજ ઘાતકી સાબિત થઇ હતી જેમાં હજારો બલોચ આતંકવાદીઓ, પાકિસ્તાની લશ્કરનાં સૈનિકો અને સામાન્ય પ્રજાનો ભોગ લેવાયો હતો. અત્યારની ચળવળ ૨૦૦૫માં શરુ થઇ હતી જે પાકિસ્તાની સરકારના દમનની વિરુદ્ધ શરુ થઇ હતી. આ દમનમાં બલોચ ચળવળકારીઓ અને એના સમર્થકોનાં અપહરણ, રીબામણી, હત્યા અને કેટલાંય લોકોની લાશોને અજાણી જગ્યાએ દફનાવી દેવા જેવી વાતો બહાર આવી હતી. આનાં જવાબમાં બલોચ રાષ્ટ્‌રવાદી સૈનિકોએ પાકિસ્તાની સૈનિકો, એક મોટી કુદરતી ગેસની પાઈપલાઈન અને અસંખ્ય એવા રસ્તાઓ અને પુલો પર કબજો જમાવી દીધો હતો જે બલુચિસ્તાનને પાકિસ્તાન સાથે જોડતા હતા. આ ઉપરાંત એમણે એમને ત્યાં કામ કરતાં પાકિસ્તાની સરકારના કર્મચારીઓ અને પાકિસ્તાની મજુરો પર પણ હુમલાઓ કર્યા હતા. બલોચ લોકોની દલીલ એ છે કે ઈસ્લામાબાદમાં બેઠેલી પાકિસ્તાની સરકારને બલુચિસ્તાનમાં રહેલા અખૂટ કુદરતી ભંડારોને તો વાપરવા છે પણ એના બદલામાં આ રાજ્યની આર્થિક પ્રગતી કરવી નથી કે નથી આ રાજ્યના લોકોને રાજકીય હક્કો આપવા.

જયારે અમેરિકા બલુચિસ્તાનની વાત કરે છે ત્યારે તે બલુચોની સમસ્યાઓ વિષે વાત નથી કરતું પરંતુ અહિયાં કેટલા અલ-કાયદાનાં આતંકવાદીઓને શરણ મળી છે? કે એટલા અફઘાન તાલિબાનો અહિયાં રહે છે? એના વિશેની જ ચર્ચા એ કરતું હોય છે. આ ઉપરાંત એ ક્વેટામાં સ્થીત એવી પ્રખ્યાત ઇસ્લામી ન્યાય સંસ્થા શૂરાની પણ વાત કરે છે જે ભૂગર્ભમાં રહેતી તાલીબાની નેતાગીરીનો મુખ્ય ભાગ બની ચુકી છે. જયારે બીજીબાજુ પાકિસ્તાન કાયમ એવી દલીલ કરતું હોય છે કે બલુચી ચળવળ ભારતે શરુ કરાવી છે જેથી કરીને પાકિસ્તાનને તે અસ્થિર કરી શકે. બલુચોની નવી પેઢી જો કે એમ કહે છે કે જો એમને પાકિસ્તાનથી આઝાદી મળતી હોય તો એમને ભારતની મદદ લેવામાં કોઈજ છોછ નથી. અમેરિકાને બલુચિસ્તાનનાં પ્રશ્નમાં ત્યારે ઘસેડવામાં આવ્યું જયારે રીપબ્લીકન કોંગ્રેસમેન ડાના રોહરાબેકરે બલુચિસ્તાન પર થયેલી સુનાવણી પછી એવી જાહેરાત કરી હતી કે ‘‘બલુચિસ્તાનનાં નાગરીકો અત્યારે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વહેંચાઇ ગયાં છે અને એમને સ્વ-નિર્ધારણ કરવાનો પૂરો હક્ક છે જેનાથી એ એક સાર્વભોમ રાષ્ટ્‌ર બની શકે.’’ આ ઘટનાએ પાકિસ્તાનમાં જબરી પ્રતિક્રિયા સર્જી હતી અને એને અમેરિકાનાં પાકિસ્તાનનાં આંતરિક મામલામાં કરાયેલી દખલ ગણાવાઈ હતી.

૫. પાકિસ્તાનના પ્રવાહો

પાકિસ્તાનને સમજવા માટે, અમેરિકા કાયમ એને લગતી રક્ષા સંબંધી બાબતો પર જ ધ્યાન આપે છે અને આ ઉપરાંત એના વીષ્ટિકારો એ એને આપેલી સલાહમાં જ એને કાયમ રસ હોય છે. જો કે આ વિષ્ટિકારોમાં પાકિસ્તાની સેનાના લોકો, આઈ. એસ. આઈનાં કેટલાંક અધિકારીઓ અને પાકિસ્તાનના ઉચ્ચ ભદ્રવર્ગનો જ સમાવેશ થાય છે. આમ કરીને અમેરિકાને એવું લાગે છે કે તે પોતાની શરતે આ સંબંધને આગળ વધારી શકશે. આ અભિગમ એ બાબતોને અવગણે છે કે પાકિસ્તાન કેટલી હદે બદલાઈ ચુક્યું છે અને ત્યાં સત્તા મેળવવા માટેની હરીફાઈ કેટલી વધી ચુકી છે અને ઉપરાંત આ ઉપર કહેલી સંસ્થાઓ ઉપરાંત ભદ્ર સમાજ ત્યાં કેટલો ઉપે્રક્ષિત થઇ ચુક્યો છે.

જો કે એક બાબતે નોંધનીય ફેર પડ્યો છે અને એ બાબત એ છે કે પાકિસ્તાન, ભારતને કેવીરીતે જુવે છે. શરૂઆતથી જ પાકિસ્તાની સેના અને તેનાં ટેકાથી ચાલતા રાજકીય પક્ષોએ ભારત વિરોધી વાતાવરણને જન્મ તો આપ્યોજ પણ એને આરામથી ફૂલવા ફાલવા પણ દીધું છે, કારણકે એ તેમને રાષ્ટ્‌રવાદી ભાષણો આપવામાં મદદ કરે છે. જો કે દરેક પાકિસ્તાની ભારત વિરોધી નથી, અને પાકિસ્તાન કાયમ ભારત વિરોધી નથી રહ્યું જેટલું અત્યારે. જો કે ભારત પ્રત્યેનો દ્વેષભાવ અત્યારે તો ઊંડો ઉતરી રહ્યાં હોવાનું ભાન થઇ રહ્યું છે.

પણ સમય બદલાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંય દાયકાઓથી ભારત અને પાકિસ્તાન બંનેની સરકારોએ હથિયારોની હોડ શરુ કરી હતી, યુદ્ધો લડ્યા હતા, પરમાણું શસ્ત્રો પણ વિકસિત કર્યા હતા અને એક પછી એક સંકટો આ બંને રાષ્ટ્‌રો વચ્ચે આવતાંજ જતાં હતા, પણ હવે એક કૃતનિશ્ચયી બંને સરહદપારનાં લોકો વચ્ચેની શાંતિ પ્રક્રિયા પણ ઉભરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. નાગરીકોની મુત્સદીગીરીની એક અલગ જ ઘટનાએ આકાર લીધો છે જેમાં બંને દેશોના ચળવળકારીઓ, વિદ્વાનો, વ્યાપારીઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બધાએ ભેગાં મળીને એક સર્વસ્વીકૃત પાયો નાખ્યો છે જેમાં રાષ્ટ્‌રીય સુરક્ષાથી લઈને સરહદી અથડામણો થી માંડીને આર્થિક અને વ્યાપારી સંબંધો, શૈક્ષણિક સુધારાઓ, વિજ્ઞાન, મહિલાઓ અને લઘુમતીઓનાં હક્કો અને કળા સંસ્કૃતિને લાગતાં વિષયો સમ્મિલિત છે.

બંને રાષ્ટ્‌રોના રાજકીય નેતાઓ ને એકબીજાના દેશોમાંથી પોતાનાં દેશમાં પ્રવાસે આવેલા આવા નાગરિકોના મંડળોને મળવાનું ગમવા લાગ્યું છે. વીસા નાં કાયદાઓ બદલાયા છે અને બંને દેશો વચ્ચે સરહદપારનું પરિવહન પણ સ્થાપિત થયું છે. બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર પણ વધ્યો છે, એકબીજાનાં કલાકારોમાત્ર એકબીજાના દેશમાં જ નથી જતાં પણ ત્યાની ફિલ્મોમાં કે સંગીત કે અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો કે ઉત્સવોમાં ભાગ પણ લઇ રહ્યાં છે. આ બે દેશના બે મુખ્ય મીડિયા હાઉસીસએ બંને દેશો વચ્ચે કાયમી શાંતિ અને સારા સંબંધો સ્થાપિત રહે એ માટેનો એક કાર્યક્રમ પણ શરુ કર્યો છે.

એક સર્વે અનુસાર ૭૦% પાકિસ્તાનીઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે અને એટલીજ મોટી સંખ્યામાં લોકો આ બંને દેશો વચ્ચે વ્યાપાર વધે એવું પણ ઈચ્છી રહ્યાં છે. આ માટે આલોકોને મતે જે જરૂરી પગલાં લેવા પડે એ પગલાં પાકિસ્તાની સરકારે લેવા જોઈએ એવું પણ માને છે. નવેમ્બર ૨૦૧૧માં ૧૫ વર્ષનાં વિલંબ બાદ પાકિસ્તાને ભારતને ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ નો દરજ્જો આપવાનું સ્વીકાર્યું હતું જેનાથી આ બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધ્યો છે. જો કે આમ છતાં પણ આ બન્ને દેશો વચ્ચે લગભગ દસ મીલીયન ડોલર જેટલો વેપાર ગેરકાયદે પણ થાય છે. બંને રાષ્ટ્‌રો વચ્ચેનો વ્યાપાર અમુક વર્ષોમાં ચાલીસ મીલીયન ડોલરનાં આંકડાને પણ વતી જાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પાકિસ્તાની બજારોમાં હવે ભારતીય શાકભાજી અને ફળો પણ દેખાઈ રહ્યાં છે અને કદાચ પાકિસ્તાન ભારતથી પેટ્રોલ પણ બહુ જલ્દીથી આયાત કરવાનું શરુ કરી શકે એવી સંભાવનાઓ પણ વર્તી રહી છે.

પાકિસ્તાન અન્ય ક્ષેત્રોમાં પણ બદલાઈ રહ્યું છે જેમાં સામાજિક ક્ષેત્રે સંબંધો પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ બદલાવ માલ સામાનની સતત હેરફેર, શ્રમિક વર્ગની બહોળા પ્રમાણમાં હાજરી અને માહિતીનાં સાધનોનાં વિસ્તારને આભારી છે. આ ત્રણેય કારણો માત્ર પાકિસ્તાનમાં જ નહી પરંતુ આખાયે દક્ષીણ એશિયામાં દુરદુર સુધી ફેલાઈ ચુક્યા છે. પાકિસ્તાનમાં અસામાન પણ ઝડપી આર્થિક વૃદ્ધિ થઇ રહી છે, નવા જમાનાની અને લાંબો સમય ચાલે તેવી આર્થીક નીતિઓ ઘડાઈ રહી છે. ખાનગી ક્ષેત્રોનું આગમન થઇ ચુક્યું છે, આ ઉપરાંત સરકારી માલિકીની જગ્યાઓ પણ વધી રહી છે અને એમાં પણ વિદેશી મદદ, વિદેશી નિવેશ અને ગલ્ફ દેશોમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા પોતાનાં વેતનોનો એક મોટો ભાગ અહીં રહેતા એના સગાઓને મોકલવાનું શરુ કરતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પણ નવું જીવન મળ્યું છે. વ્યાપાર વિસ્તાર થતાં,ભલે એમાં ગેરકાયદે વ્યાપાર વધુ હોય પણ પાકિસ્તાની મિલકતોનાં ભાવમાં પણ જબરો ઉછાળો આવ્યો છે.

પાકિસ્તાનમાં વસ્તીવધારો પણ ખુબ થઇ રહ્યો છે અને ગામડાઓમાંથી શહેરો તરફ પલાયન પણ વધ્યું છે. ઉત્પાદન કરતાં ઉદ્યોગો અને સેવા આપતી કંપનીઓની સંખ્યા વધી રહી છે જેને લીધે અર્થવ્યવસ્થાને સારોએવો ટેકો મળી રહે છે. ઘણા પાકિસ્તાની સ્ત્રી-પુરુષો આને કારણે સતત કોઈને કોઈ કામમાં ગૂંથાયેલા રહે છે. નવી નવી ટેલીવિઝન ચેનલો શરુ થઇ ગઈ છે જેને ખાનગી કંપનીઓ ચલાવે છે, સેલફોનધારકોની સંખ્યામાં અદ્ભુત વધારો જોવા મળ્યો છે ઉપરાંત અમુક અંશે અક્ષરજ્ઞાન અને શિક્ષણ પ્રત્યે લોકોનો ઝુકાવ પણ વધ્યો છે અને જેનાથી દેશ-વિદેશમાં થતી ઘટનાઓ પર લોકો ચર્ચા કરવા માંડ્યા છે. આ બધુંજ એક પ્રક્રિયા નાં ભાગરૂપે છે જે પાકિસ્તાનની નવી ઓળખ આપવા માટે તત્પર છે.

આ સાથે પાકિસ્તાની સત્તાનું વિકેન્દ્રીકરણ થઇ રહ્યાં હોવાનાં સંકેતો પણ મળી રહ્યાં છે. પાકિસ્તાની બંધારણનો ૧૮મો સુધારો જે ૨૦૧૦માં અમલી બન્યો છે એણે રાજ્યોને વધુ સત્તા આપી છે. એક નવાં કાયદા મુજબ તો મહિલાઓનાં હક્કોને પણ કાયદાકીય સંરક્ષણ મળ્યું છે. પાકિસ્તાની સંસદે પણ ૧૯૬૦ પછી પહેલીવાર લશ્કરી ખર્ચાઓ પર ચર્ચા કરી છે અને પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે પાછલાં કેટલાંક વર્ષોથી સતત પાકિસ્તાની સેના અને રાજકીય નેતાગીરી સામે બાંયો ચડાવવા માંડી છે.

જો કે સામાન્ય પ્રજામાં એક જબરદસ્ત હતાશા જોવા મળી રહી છે જે રોજબરોજની એની જિંદગીમાં આવતી મુસીબતોને લીધે ઉભરી છે. કુદરતી ગેસ અને વીજળીનાં અભાવને કારણે દેશના મોટાભાગનાં વિસ્તારોમાં વારંવાર ફાટી નીકળતા રમખાણોની હવે નવાઈ નથી. આ ઉપરાંત પાકિસ્તાની અર્થતંત્રની, ઉપર જણાવેલા કારણોનું અસ્તિત્વ હોવા છતાં, દારુણ સ્થિતિ, સરકારી કર્મચારીઓ અને નેતાઓ દ્વારા જવાબદારીનો અભાવ અને નાગરિક હક્કોનો અસ્વીકાર પણ લોકોની હતાશામાં વધારો કરી રહ્યાં છે. પાકિસ્તાની લોકશાહીની આ કટોકટી અને અજગરની જેમ ભરડો લઇ ચુકેલી રાજકીય હિંસાને અમેરિકાના અફઘાનિસ્તાનનાં યુદ્ધ સાથે નહાવાનીચોવવાનો પણ સંબંધ નથી. જો સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧નાં હુમલાઓ ન થયા હોત તો પણ આ સમસ્યાઓનો વિસ્ફોટ જરૂર થઇ ચુક્યો હોત અને અમેરિકાએ એને પાકિસ્તાનનો અંદરુની મામલો ગણી ને પાકિસ્તાનને જ પોતાની સ્થિરતા અને વિકાસ પ્રત્યે ધ્યાન આપવાની સલાહ આપી હોત. જો કે આવનાર વર્ષોમાં અમેરિકા પાકિસ્તાનની આંતરિક સમસ્યાઓ પ્રત્યે પણ પોતાની નીતિઓ ઘડશે એવું માનવામાં આવી રહ્યું છે અને જો આમ બન્યું તો એ પાકિસ્તાનના ભવિષ્ય માટે અત્યંત મહત્વ ધરાવતું હશે.