Plato (પ્લેટો) Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Plato (પ્લેટો)

કંદર્પ પટેલ

+91 9687515557

: પ્લેટો :

“Out of Plato come all things that are still written and debated among men of thoughts.”

 • Ralph Waldo Emerson

 • સોક્રેટિસ અને એરિસ્ટોટલની ‘ફિલોસોફીકલ ચેઈન’ને જોડતી કડી એટલે પ્લેટો. આ ત્રિમૂર્તિનું અભિન્ન અંગ. વેસ્ટર્ન ફિલોસોફીના દર્શનશાસ્ત્રને એક નવા બીબાઢાળમાં ઉતાર્યું. સોક્રેટિસના પ્રસિદ્ધ ઉપદેશોને પોતાની મહેનત વડે નિખાર્યા અને લોકભોગ્ય બનાવ્યા. દર્શનશાસ્ત્રથી માંડીને રાજનીતિ, કાવ્યાત્મકતા અને રાજનીતિ, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તથા શિક્ષણશાસ્ત્ર સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની જ્ઞાનવિશાળતા દર્શાવી.

  ‘To find yourself, think for yourself.’ – Socrates ના આ વાક્યને પ્લેટોએ ત્યાં સુધી પ્રચારિત કર્યું જ્યાં સુધી પશ્ચિમી વિચારધારાની ઓળખ ન બની. સોક્રેટિસના વિચારો અને તેના સિદ્ધાંતોને પ્રસિદ્ધ કરવાનો સૌથી અધિક શ્રેય પ્લેટોને જાય છે. પ્લેટો પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી પાયથાગોરસ અને દાર્શનિક (ફિલોસોફર) હેરાક્લિટસથી પણ ઘણું બધું શીખ્યા હતા.

 • ‘બર્થ પ્લેટ (એજ્યુકેશન & ફેમિલી)’:-
 • ઈ.સ પૂર્વે ૪૨૭માં એથેન્સ, ગ્રીસના અતિ-સમૃદ્ધ પરિવારમાં પ્લેટોનો જન્મ થયો. તેમના પિતા એરિસ્ટન એથેન્સના રાજા કોડ્રસ અને મેસ્સેનિયાના રાજા મેલેન્થસના શાહી વંશ સાથે સંબંધ હતો. શરૂઆતમાં પ્લેટોનું નામકરણ તેના દાદા એરિસ્ટોકલેશના નામથી પાડવામાં આવ્યું હતું. પરંતુ, તેના પહોળા ખભા અને મજબૂત શારીરિક બનાવટના આધારે કુસ્તીબાજીના શિક્ષકે તેનું નામ ‘પ્લેટો’ રાખ્યું. પ્લેટોની માતા પેરિક્શન, એ ચાર્માઈડ્સની બહેન અને ક્રિટીયસની ભત્રીજી હતી. જે બંને ‘થર્ટી ટાયરન્સ’ની પ્રમુખ સદસ્ય હતી, જેમણે જૂની લોકતાંત્રિક સરકારને હટાવીને એથેન્સના રાજ્યો અને શહેરો પર રાજ્ય કર્યું હતું.

  પ્લેટોનો જન્મ એવા સમયે થયો જયારે તત્કાલીન યુનાન (ગ્રીસ)ના નગર-રાજ્યના લોકો એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા. ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારોનું આદાન-પ્રદાન હોવા છતાં હંમેશા કલેશપૂર્ણ વાતાવરણ રહેતું હતું. આ વાત આશ્ચર્યજનક નહોતી, તેનું કારણ લોકો હંમેશા શાંતિ અને આદર્શવાદનું મૂળ પકડીને બેઠા હતા. પ્લેટો હંમેશા એથેન્સના લોકોના મનમાં શાંતિ અને સદાચારનું રોપણ કરવા માંગતા હતા. પરંતુ, તેમનું બાળપણ હંમેશા સતત ચાલતા યુદ્ધોને લીધે અશાંતિમાં વીત્યું હતું. ‘પેલોપોલેસિયન યુદ્ધ’ ઈ.સ. પૂર્વે (૪૦૪-૪૦૩) સુધી એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે ચાલેલું યુદ્ધ મુખ્ય હતું. લિયોનાઈડ્સ અને જર્ક્સિસ વચ્ચે ચાલેલા યુદ્ધો એ એથેન્સ ને ઘણું હતાશ કર્યું હતું.

  આ દરેક વિપરીત પરિસ્થિતિએ બાળકોનું શિક્ષણને શારીરિક શિક્ષામાં ફેરવી નાખ્યું હતું. પ્લેટોને પણ આ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકો યુદ્ધમાં લડવા તૈયાર થાય તે માટે તેમને નાનપણથી જ શારીરિક શિક્ષા આપવામાં આવતી. કુસ્તી, ભાલાફેંક, ચક્ર, ઘોડેસવારી જેવી શારીરિક શિક્ષા પ્લેટોએ નાનપણથી લીધી હતી. ‘ઇસ્થેમિયન ગેમ્સ’માં પણ કુસ્તી કરીને પોતાની શારીરિક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. પ્લેટોના ચાર સગા ભાઈ-બહેન હતા. ભાઈઓ એડિમેન્ટ અને ગ્લોકન. એક બહેન પોટોન.

  એવું માનવામાં આવે છે કે, પ્લેટો બહુ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેની માતાએ પોતાના મામા પાયરીલેમ્પસ જોડે લગ્ન કર્યા. પાયરીલેમ્પસ ફારસી ન્યાયાલયમાં રાજદૂત હતા. ઉપરાંત, લોકતાંત્રિક સંઘના નેતા પેરિકલ્સના મિત્ર હતા. પાયરીલેમ્પસને બે પુત્રો હતા, જેઓ પ્લેટો અને તેના ભાઈ-બહેન જોડે જ રહેતા હતા. પ્લેટોએ વ્યાકરણ, સંગીત, વ્યાયામ અને ચિત્રકલાની શિક્ષા ખૂબ ઉચ્ચ કક્ષાના શિક્ષકો પાસેથી લીધી. યુવાવસ્થામાં જ પ્લેટોએ કાવ્યને પોતાના મુખ્ય વિષય સ્વરૂપે ગણ્યો હતો. શારીરિક શિક્ષા સાથે અન્ય પ્રકારની કળામાં નિપુણ હોવું એ બહુ મહત્વની વાત ગણાતી. સર્વ પ્રથમ તેમણે અતિઉત્સાહથી ભરેલ ભજનો લખવાનું શરુ કર્યું. ત્યારબાદ તે ગીત, કવિતાઓ અને દુઃખથી ભરેલ નાટકો સુધી પહોચ્યું. તેઓ લખતા હતા, તેનું કોઈ લિખિત પ્રમાણ નથી પરંતુ જો તેમણે લખવાનું શરુ રાખ્યું હોત તો કદાચ તેઓ ખૂબ સારા કવિ બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નહોતું.

 • ગુરુ શિષ્ય પરંપરા:-
 • પ્લેટો બે મહાન વ્યક્તિઓને પોતાના ગુરુ કહેતા હતા. તેમાંના એક એટલે હેરાક્લિટસ અને બીજા એટલે સોક્રેટિસ. કૈટિલસ, જેઓ મહાન દાર્શનિક (ફિલોસોફર) હેરાક્લિટસના શિષ્ય હતા. તેમણે પ્લેટો અને તેના ભાઈઓ એડિમેન્ટસ અને ગ્લોકનને દર્શનશાસ્ત્રોથી અવગત કરાવ્યા હતા. હેરાક્લિટસે જ સૌપ્રથમ ભૌતિક સંસારમાં પરિવર્તનના વિચારને લોકપ્રિય બનાવ્યો હતો. તેઓ હંમેશા કહેતા, “સંસાર એ નથી જે આપણે રોજ જોઈએ છીએ. તે નિરંતર પરિવર્તિત થતો રહે છે.” જયારે પ્લેટોએ સોક્રેટિસ વિષે સાંભળ્યું ત્યારે તેમનાથી ગહન દર્શનશાસ્ત્રમાં ઊંડું ઉતરવામાં જરાયે સમય ન લાગ્યો.

  સોક્રેટિસના વિષયમાં એક પ્રચલિત કથા અનુસાર,

  સોક્રેટિસે એક રાત્રે સ્વપ્ન જોયું. સ્વપ્નમાં એક બાળક સોક્રેટિસના ખોળામાં બેસીને રમવા લાગે છે. તરત જ એ બાળક મોટું થઈને અતુલનીય હંસ બની જાય છે અને મધુર ગીત ગાય છે. યુનાનવાસી માટે સ્વપ્ન બહુ મહત્વપૂર્ણ હતા. સોક્રેટિસને વિશ્વાસ હતો કે તેમને સપનામાં આવેલ બાળક પ્લેટો જ છે. તેમનો એ વિશ્વાસ વધુ દૃઢ થયો, કારણ કે ગ્રીસ પ્રસિદ્ધ ભવિષ્ય વક્તાઓની ધરતી છે. ગ્રીસમાં રહેતા લોકોને વિશ્વાસ હતો કે ઈશ્વર સ્વયં તેમના મુખેથી વાત કરે છે. એ જ ભવિષ્યવાણીઓના આધારે કેટલાયે યુદ્ધો લડયા.

  સોક્રેટિસના દ્રષ્ટિકોણે પ્લેટોને ઓતપ્રોત કરી દીધો હતો. પહેલાના સમયમાં અવકાશ, પૃથ્વી, દેવતા, જીવન જેવા મુદ્દાઓ પર ફિલોસોફીની ચર્ચાઓ થતી હતી. જયારે સોક્રેટિસ આ દરેક ચર્ચાઓને ઠુકરાવીને સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ માટે ફિલોસોફી હોવી જોઈએ તેવું માનતા હતા. આ વિચારો પ્લેટોને ગમી ગયા. પ્લેટોએ પોતાની તર્કશક્તિ અને બુદ્ધિક્ષમતા વડે વિખ્યાત ગુરુનો શ્રેષ્ઠ શિષ્ય બનવામાં જરા પણ સમય ન લીધો. પોતાના ગુરુ સોક્રેટિસની બૌદ્ધિક ચપળતા જોઇને તેઓ હંમેશા એવું કહેતા કે, “ઈશ્વરનો આભારી છું કે મને સોક્રેટિસના યુગમાં જન્મ આપ્યો.”

 • પ્લેટોએ માત્ર ૯ વર્ષ જ સોક્રેટિસ સાથે વિતાવ્યા હતા. પ્લેટો અને ઝેનોફોન બંને સોક્રેટિસના વિચારોને કાગળ પર ઉતારતા હતા. ઘણી વખત તેઓ સોક્રેટિસ બનીને પણ લખતા હતા. નિષ્ઠાપૂર્વક પ્લેટોએ સોક્રેટિસના વિચારોને પોતાના લખાણ વડે લોકભોગ્ય બનાવ્યા.
 • સોક્રેટિસ રાજનીતિજ્ઞ લોકોને જાહેરમાં ખુલ્લા પાડીને ન્યાયપ્રણાલી પર વિશ્વાસ મૂકવા લોકોને સમજાવતા હતા. તેથી સોક્રેટીસને વિકલ્પ આપવામાં આવ્યો, “માફી માંગીને અથવા દંડ ચૂકવીને સોક્રેટિસ મુક્ત થઇ શકે.” પરંતુ, સોક્રેટિસે કોઈ જ વિકલ્પ પસંદ કર્યો નહિ. મૃત્યુનો સ્વીકાર કર્યો.
 • પ્લેટો અને અન્ય શિષ્યો પોતાના ગુરુ સોક્રેટિસને મનાવવા બહુ પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ, જે નીડરતા અને સચ્ચાઈના આધારે મૃત્યુને ગળે લગાવ્યું તે કલ્પનામાં પણ આવે તેની વાત નહોતી. ‘ફેડો’માં સોક્રેટિસને આપવામાં આવેલા ઝેર માટે વિલાપ કરતા કહે છે, “અમે રાહ જોઈ, વિચાર કર્યો. પોતાના દુઃખો સમજ્યા. સોક્રેટિસ અમારા પિતા સમાન હતા જેમનાથી અમને વંચિત કરવામાં આવી રહ્યા છે. હવે અમે સમગ્ર જીવન અનાથની જેમ પસાર કરીશું. જયારે અમે જોયું કે તેમને વિષનો પ્યાલો પી લીધો છે ત્યારે મારી આંખમાંથી આંસુ આપમેળે જ ખૂબ ઝડપથી વહેવા લાગ્યા. અમે સહન ન કરી શક્યા.”

 • પ્લેટોનિક સફર:
 • થોડા સમય માટે પોતાના ગુરુ સોક્રેટિસની મૃત્યુ પર શોકાકુળ રહ્યા. ત્યારબાદ તેમને એથેન્સની બહાર નીકળીને દૂરના દેશો મિસ્ર, રોમ અને ભારતની યાત્રા કરવાની ઈચ્છા પ્રગટ કરી. મિસ્રના પુરોહિત શાસકોએ ગ્રીક સભ્યતાથી અજાણ હોવા છતાં તેમનું બહુમાન કર્યું. તેમના કાર્યોના વખાણ કર્યા. રોમમાં એક નાની શિક્ષણ સંસ્થાની સ્થાપના થઇ, જેને પાઈથાગોરસ એ પ્રેરણા આપી. આ શિક્ષણ સંસ્થાના અનેક આધારભૂત તત્વો ભારતના વૈદિક જ્ઞાન સાથે મળી આવતા હતા. પ્લેટો અને સોક્રેટિસના અનુયાયીઓ અસ્થાયી રૂપે મેગારામાં યુક્લિડની શરણમાં રહ્યા હતા. યુક્લિડ જીયોમેટ્રી (ભૂમિતિ)ના પિતા તરીકે ઓળખાય છે. ચાલીસ વર્ષની ઉંમરે પ્લેટોએ ઇટલી, મિસ્ર અને સિરેન જેવા દેશોની યાત્રા પૂરી કરીને એથેન્સ પાછા આવ્યા હતા.

 • પ્લેટો હંમેશા સિસલીના શહેર સેરાક્યુસની રાજનીતિમાં જોડાયેલા રહેતા હતા. જીવનના બદલતા ઘટનાક્રમ પરથી પ્લેટોને લાગ્યું કે પોતાના જ બનાવેલા નિયમોને વ્યવહારિક જીવનમાં લાગુ કરવામાં કેટલી બધી તકલીફો પડે છે.
 • ડાયોનીસીયસના શાસન સમયે સેરાક્યુસ શહેરની યાત્રા પ્લેટોએ કરી હતી. આ યાત્રા દરમિયાન ડાયોનીસીયસના જીજા અને શહેરના ઉત્તરાધિકારી તેમના મિત્ર બની ગયા. તેઓ પ્લેટોના સિદ્ધાંતોને સમજી ન શક્યા અને પ્લેટોની વિરુદ્ધમાં ઉભા રહીને તેમને ગુલામ બનાવીને વેચી દીધા.
 • એક મહાન દાર્શનિકની આવી કરુણાજનક પરિસ્થિતિનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે. ગરીબી, દુઃખ અને અનેક તકલીફોની સાથે તેમને લગભગ મૃત્યુની નજીક સીરેન શહેરમાં છોડી મુકવામાં આવ્યા.
 • સીરેન સાથે એથેન્સનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભાગ્યવશ તેમને એક પ્રસંશકે ઓળખી લીધા અને એથેન્સ મોકલી આપ્યા. આ ઘટનાએ તેમના મનોબળને ચકનાચૂર કરી નાખ્યું પરંતુ તેમને હાર માની નહિ.
 • ફરીથી તેમણે સેરાક્યુસ શહેર જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ડાયોનીસીયસનું મૃત્યુ થઇ ચુક્યું હતું. પોતાના જ્ઞાન અને આદર્શોને ડરની ઉપર રાખ્યા અને ફરીથી સેરાક્યુસને દાર્શનિક શાસક રાજ્ય અને આદર્શવાદી બનાવવા માટે તેઓ નીકળી પડ્યા. પ્લેટો ત્યારે કહે છે, “મેં ઘરની બહાર ફરી પગ મૂક્યો. કારણ કે, હું પોતાની નજરમાં જ શર્મસાર ન થઇ જાઉં. મારા જેવો માણસ માત્ર બોલે જ છે, કઈ કરી શકતો નથી એવું ક્યારેય ન બનવું જોઈએ.”
 • ડાયોનીસીયસ દ્વિતીય શરૂઆતમાં પ્લેટોના વિચારો સાથે સહમત હતો, પરંતુ ફરીથી તેણે પ્લેટો સાથે મજાક કરી. પ્લેટો ફરીથી અહી રાજનીતિના કીચડમાં ફસાઈ જાય તેવી પુરેપુરી શક્યતાઓ હતી. પરિણામ એ આવ્યું કે, ડાયોનીસીયસ દ્વિતીય પોતાના કાકા ડાઈન પર શંકાની નજરે જોવા લાગ્યો અને તેમને દેશનિકાલનું ફરમાન સંભળાવ્યું. પ્લેટોને નજરબંધ રાખ્યા. અંતમાં, પ્લેટો ડાયોનીસીયસ દ્વિતીય સાથે ચર્ચા-વિચારણા કરીને ડાઈનને પાછા લાવવામાં સફળ રહ્યા. અંતે, ભાગ્યે પ્લેટોનો સાથ આપ્યો. ડાઈન સેરાક્યુસ શહેરમાં આવ્યો અને ડાયોનીસીયસ દ્વિતીય સાથે યુદ્ધ કરીને તેને શાસન પરથી હટાવ્યો. થોડો સમય ડાઈને શાસન કર્યા પછી પ્લેટોનો જ શિષ્ય કૈલિપસે ડાઈનને હરાવીને સેરાક્યુસ શહેર પર કબજો કરી લીધો.

 • પ્લેટોનિઝ્મ:
 • ઈ.સ.પૂર્વે ૩૮૭માં લગભગ ૪૦ વર્ષની ઉંમરે લાંબા અંતરાલ પછી એથેન્સ પાછા ફરીને પ્લેટોએ એથેન્સના ૬ઠ્ઠી શતાબ્દીના હિરો ‘હેકાડેમસ’ ની ધરતી પર ‘ધ એકેડેમી’ ની સ્થાપના કરી. જે પાશ્ચાત્ય સભ્યતાની સૌથી પુરાણી શિક્ષણ સંસ્થાઓમાંની એક ગણવામાં આવે છે. ઘણા બધા બુદ્ધિજીવીઓએ આ શિક્ષણ સંસ્થામાંથી શિક્ષા પ્રાપ્ત કરી, જેમાંના એક એરીસ્ટોટલ પણ હતા. આ સમયે પ્લેટો એ ખૂબ લખ્યું. વિસ્તારપૂર્વક પ્લેટો એ સંસ્થાના વિકાસ માટેના પ્રયત્નો શરુ કર્યા અને લેખન કાર્ય પણ શરુ રાખ્યું.

  સૌપ્રથમ તેમને ‘સોક્રેટિસના સંવાદો’ નામનો ગ્રંથ લખ્યો. સોક્રેટિસના નિધન પછી તરત જ ‘ધ એપોલોજી’ નામનું પુસ્તક લખ્યું. ‘ક્રિટો’, ‘લેચેસ’, ‘લિસીસ’, ‘ચર્માઈડસ’, ‘યુથ્રિકો’,’હિપ્પીઅસ : માઈનર & મેજર’, ‘પ્રોટાગોરસ’, ‘ગોર્જિયસ’, ‘આયોન’. આ દરેક પુસ્તક ૩૯૯ થી ૩૮૭ વચ્ચેના ૧૨ વર્ષના સમયગાળામાં જ લખાઈ હોય તેવી ધારણાઓ છે. પ્લેટોની દાર્શનિક પ્રતિભા વધુ નિખરીને બહાર આવી રહી હતી. ઉપરાંત, નાટ્યલેખનમાં પણ ખૂબ જ રસાળ સંવાદો પ્લેટો લખતા હતા. જેમ કે, ‘ધ મેનો’, ‘યુથિદેમસ’, ‘રિપબ્લિક’, ‘ફેદ્રસ’, ‘સિમ્પોઝીયમ’, ‘કેટાઈલસ’.

  પ્લેટો કહે છે, “સ્વાભાવિક રીતે દરેક લોકો ભલા જ હોય છે. જે કોઈ ખોટું કાર્ય અથવા અપરાધ તેમનાથી થાય છે તે અજ્ઞાનતામાં થાય છે. તેથી આવા લોકો જોડે નફરત કરવા કરતા તેમને સાચા રસ્તા પર લાવવા જોઈએ. કોઈ સોફિસ્ટ (તર્કશાસ્ત્રી) લોકોના મનમાં ખોટો ભ્રમ ફેલાવી રહ્યો હોય તો તેને પણ માર્ગદર્શન આપવું જોઈએ.”

  પ્લેટોનું પ્રસિદ્ધ કાર્ય ‘એલેગ્રી ઓફ ધ ક્રેવ’ માં સાર્વભૌમિકતાનો સિદ્ધાંત કહ્યો અને પરિવર્તનશીલ સૃષ્ટિ પર નિરંતર પરિવર્તનને સ્વીકારવાની વાત કહી.

  ‘ધ રિપબ્લિક’ના છઠ્ઠા અધ્યાયમાં સોક્રેટિસ અને પ્લેટોના ભાઈ ગ્લોકન વચ્ચે થયેલ સંવાદ ખૂબ સારી રીતે વર્ણવ્યો છે. પ્રકૃતિના પરિવર્તનનું ઉદાહરણ આપીને પ્લેટો સમજાવે છે. એક-બીજા સાથે બંધાયેલા લોકો એક ગુફાની દીવાલ સામે ઉભા છે અને માત્ર પોતાનો પડછાયો જ જોઈ શકવા સક્ષમ છે. તેમની પાછળ આગ ઉત્પન્ન થાય છે. દાર્શનિક ગુફાની બહાર આવે છે અને વાસ્તવિકતા જુએ છે. દાર્શનિક લોકોને આગથી દૂર જવા કહે છે પરંતુ તેની વાત કોઈ જ માનવા તૈયાર થતું નથી. આત્મા એ જ શાશ્વત સત્ય છે, જે સત્યના વર્તુળમાં આવે છે અને માનવ સ્વરૂપમાં જન્મ લે છે. તે ત્યાં સુધી જન્મ લીધા કરે છે જ્યાં સુધી તે આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજી ન શકે !

  પ્લેટો હંમેશા સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણની તુલના તે ગુફાની દીવાલની સામે ઉભા રહેલા લોકોની જેમ કરે છે. આગ લાગે છે ત્યારે તેઓ પોતાનો પડછાયો જુએ છે. પરંતુ, વાસ્તવિકતા અલગ જ હોય છે. તેના પુસ્તક ‘ઇયોન’માં સોક્રેટીસના વાક્યને સમર્થન આપતા કહે છે કે, ‘કાવ્યાત્મકતા એ વ્યક્તિની દરેક અભિલાષાઓનું પાલન-પોષણ કરે છે. અસ્થિરતા અને વ્યર્થતાને હૃદયમાં ઉત્પન્ન કરે છે જે નૈતિકતાની વિરુદ્ધ છે.’

  ‘ગોર્જિયસ’ નામના પુસ્તકમાં તેઓ લખે છે કે, ‘જીવન જીવવાનો સૌથી સફળ રસ્તો ધાર્મિકતા અને સદાચારનો નિરંતર અભ્યાસ કરવો તે છે. ભલે પછી જીવન મળે કે મૃત્યુ...!’

  પ્લેટો કાવ્યાત્મકતાને અંદરથી મનોમન પસંદ કરતા હતા. પરંતુ, પોતાના ગુરુ પ્રત્યે પૂર્ણ ભાવને લીધે તેમના લખાણોમાં પણ કાવ્યાત્મકતાનો ઉલ્લેખ થતો બંધ થયો.


 • પ્લેટોનિક લવ:
 • પ્લેટોની વાસ્તવિકતા અથવા સર્વભૌમિકતાનો સિદ્ધાંત તેમને પ્રેમ, કળા, કાવ્ય, સાહિત્ય અને તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ એ વિરોધાભાસ જન્માવે છે. પ્લેટોનિક પ્રેમની ઘણી હદ સુધી ખોટી સમજાયેલ ધારણાઓ તેના સિદ્ધાંતોથી સાબિત થાય છે. પ્લેટો કહે છે, “પ્રેમ સુંદરતામાં જન્મ લે છે. આત્મા, કે જે પરિપૂર્ણ છે તે જ્ઞાન અને નૈતિકતાનું ચિંતન કરે છે.

  ‘ફેદ્રસ’માં પ્લેટો કહે છે, “અભિલાષાઓ પરિપૂર્ણ કરવી માત્ર એ જ પ્રેમ નથી. શારીરિક સુંદરતા આવતી-જતી રહેશે, તેનાથી પ્રેમને વ્યાખ્યાયિત કરી શકાય નહિ. કેવળ પ્રેમની શુદ્ધતા જ વાસ્તવિક સુંદરતાને પ્રાપ્ત કરી શકે છે.”

  જે વાસ્તવિકતાની સૌથી વધુ નજીક છે તે જ પ્રેમની સુંદરતાને જન્મ આપે છે. શારીરિક સંસર્ગ અથવા કામુક અભિવ્યક્તિને પ્રેમનું સૌથી નિમ્ન લક્ષણ પ્લેટો માને છે. પ્લેટોના કહેવા અનુસાર, જે વાસ્તવિક સુંદરતા છે તે જ સાચો પ્રેમ જન્માવી શકે. તેથી જ પ્લેટો કહે છે કે, વ્યક્તિ પોતાની ઈચ્છાઓને સંતોષીને પ્રેમના વાસ્તવિક રૂપને ક્યારેય પણ સમજી શકતો નથી.

  *****

  એક દિવસ પોતાના શિષ્યના વિવાહમાં ભોજન સમયે પ્લેટો દરેક લોકોને મળી રહ્યા હતા. ખુશ-મિજાજ મનથી ભોજન લઈને અલ્પનિંદ્રા માટે તેઓ પોતાના શયનખંડમાં ગયા. લાંબા સમય સુધી શયનખંડનો દરવાજો ન ખૂલ્યો. ત્યારે શિષ્યો એ તેમને જગાડવાની ઘણી કોશિશ કરી. પરંતુ, પ્લેટો અલ્પનિંદ્રામાં જ વિદાય લઇ ચુક્યા હતા.

  “જીવન જીવવાનો સૌથી અર્થપૂર્ણ રસ્તો : ન્યાયપરાયણતા અને ઉત્તમ ગુણોનો નિરંતર અભ્યાસ કરવો. ભલે પછી જીવન મળે કે મૃત્યુ...!” – પ્લેટો