Ek Manas thi Rais Ketla Shero Nipje Dr. Harish Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Manas thi Rais Ketla Shero Nipje

એક માણસથી ‘રઈશ’ કેટલા શે’રો નીપજે?

- ડૉ. હરીશ ઠક્કર

ayurvedclinic@ymail.com

કવિ રઈશ મનીઆરનું નામ પાડનારે સ્વપ્‍ને પણ નહીં વિચાર્યું હોય કે રઈશભાઈ તેમને આપેલું નામ આ હદે અને આટલી અદ્‍ભુત રીતે સાર્થક કરશે! ન કેવળ સુરતી, પરંતુ વિશ્વભરમાં વસતી ગુજરાતી પ્રજાનો જેવો અને જેટલો આદર અને પ્રેમ રઈશભાઈને મળ્યો છે એ જોઈને એમ કહેવું પડે કે ગુજરાતી ગઝલ હવે ‘મરીઝ’ કે ‘ઘાયલ’ નથી, પણ ‘રઈશ’ થઈ ગઈ છે. પરંપરાનાં શાયરો પણ પ્રસન્‍ન થઈ જાય એવી આધુનિક ગઝલ રઈશ મનીઆરની છે.

પગના છાલા દોડવાની ‘ના’ જ કહેશે,

પ્યાસ તો’યો ઝાંઝવા પીવા જ કહેશે!

શું કદરની આશ, ઉન્‍નત લોક પાસે?

વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે...

બોર કેવા હોય છે શબરીને પૂછો;

રામને પૂછો, તો એ મીઠા જ કહેશે.

‘કાફિયાનગર’થી શરૂ થયેલી તેમની ગઝલયાત્રા ‘આમ લખવું કરાવે અલખની સફર’નાં વળાંક સુધી પહોંચી. વચ્ચે ગઝલોનો ખજાનો ધર્યો તો પણ કેવા શીર્ષકથી? ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ આ ત્રણ એમના ગઝલસંગ્રહો ઉપરાંત થોડી ગઝલો ‘નિહાળતો જા’ નામની નાનકડી પુસ્તિકામાં અને પ્રથમ બે સંગ્રહની પ્રતિનિધિ ગઝલો ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ નામે પણ પ્રગટ થઈ. ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ એ પંક્તિ જે ગઝલમાં છે એ ‘ખામોશી’ રદીફ લઈને તેમણે રચેલી મુસલસલ ગઝલમાં ખામોશીનું જે શબ્દ શિલ્પ તેમણે કંડાર્યુ છે તે આપણી ખામોશી તોડીને ‘વાહ’ કહેવા મજબૂર કરે છેઃ

જિંદગીભર વણી છે ખામોશી,

એક ચાદર બની છે ખામોશી.

આપ-લે થઈ શકે છે વાણીની,

આપણી આપણી છે ખામોશી.

શબ્દ મારા સ્વભાવમાં જ નથી;

એ તો બસ છટપટી છે ખામોશી.

સાંભળ્યા છે અવાજ સૌના રઈશ

ને પછી જાળવી છે ખામોશી.

રઈશ મનીઆરની ગઝલના શે’ર ઊંડા ચિંતન પછી નીપજતા હોય એવું લાગે છે. એ રીતે એ ‘મરીઝ’ના કુળના કવિ છે. તેમનાં શે’રમાં ઊર્મિનાં ઉછાળા કે અલંકારોનાં આભૂષણો ઓછા, પણ જીવનની સચ્ચાઈનાં શણગાર પહેરીને આવતા શબ્દોનું ઊંડાણ ક્યારેક માર્મિકતા તો ક્યારેક શ્લેષ દ્વારા ઊઘડે છે. એમના હૃદયનાં ઊંડાણમાંથી આવતા હોવાથી તેમના શબ્દો ભાવકનાં હૃદયમાં સોંસરા ઊતરી જાય છે. ખૂબ સરળ શબ્દોમાં અને સાદગીપૂર્ણ રીતે કહેવાયેલી વાત પણ બીજી વખત વાંચીએ અને બે લીટી વચ્ચેનો અર્થ પકડીએ ત્યારે આફરીન પોકારી જવાય. રઈશ મનીઆરની ગઝલ પહેલા ‘કાન’ અને પછી ‘ધ્યાન’ માગીને આપણા હૃદયમાં પોતાનું સ્થાન જમાવી દે છે.

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે

ફગાવી દે વજન, નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે.

જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે ઈશ્વર! તને શ્રદ્ધા છે માણસ પર?

કે માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

કવિતાની એ મજા છે કે તે યાદ રહી જાય છે અને ખરા સમયે તે યાદ આવી પણ જાય છે. અનેક લોકોને જીવનના કોઈ ને કોઈ વિકટ પ્રસંગે યાદ આવીને ક્યારેક અજવાળું પાથરે તો ક્યારેક શાતા આપે એવા આ કવિના અનેક શે’ર છે. રત્નોની જેમ ઝળહળતા આ શે’ર ‘ગરથ’ની જેમ ગાંઠે બાંધી રાખવા જેવા છે અને વિદ્યાની જેમ મોઢે કરી રાખવા જેવા છે.

જે મળે માન કે અપમાન સ્વીકારી લઈએ,

એ નથી આપણી પહેચાન સ્વીકારી લઈએ.

કોતરાતા ગયા બેઉ એક ટાંકણે-

સુખને આકાર છે, દુઃખ નિરાકાર છે.

ફરિયાદ લઈને આવું છું હું તારા આંગણે,

નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી દીધી,

પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું.

માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે,

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે.

પાંચ શે’ર લખાય એટલે ગઝલ પૂરી, છપાય એટલે સિક્કો લાગી જાય અને ક્યાંક સંપાદનમાં સ્થાન પામે તો શિલાલેખ બની જાય એવી માનસિકતાવાળા કવિઓને મારે રઈશ મનીઆરનાં એક શે’રનાં ત્રણ અલગ અલગ ‘વર્ઝન’ બતાવવા છે. રઈશભાઈ પોતાનાં લખેલા શબ્દને ક્યારેય અંતિમ નથી માનતા કારણ કે એમનું ‘શ્રેષ્‍ઠતર’ એના શ્રેષ્ઠ સાથે સતત હરીફાઈ કરે છે.

ક્યારે મોઢામોઢ ને સીધી મળી?

રૂપ બદલી બદલી ગમગીની મળી!

ભિન્‍ન ભાષા ને અલગ લિપિ મળી,

બસ યુગેયુગ એ જ ગમગીની મળી.

ટહેલતા રસ્તે એ ઓચિંતી મળી -

સ્મિત લઈ નીકળ્યો’તો ગમગીની મળી.

છેલ્લા પચીસ વર્ષમાં લખાયેલી એમની ગઝલોનું અવલોકન કરતાં એવું સ્પષ્‍ટ થાય છે કે તેઓ સતત વિકસતા ગઝલકાર છે. પોતાની જ રચનાનું આટલું કડક પૃથક્કરણ અને વિવેચન આપણે ત્યાં ભાગ્યે જ બીજા એકાદ કવિ કરે છે એટલે જ તેમની નવી ગઝલનો તેમના ચાહકોને સતત ઈંતઝાર હોય છે. જુઓ તેમની હમણાંની ગઝલના થોડા શે’ર.

સોગાત દુઃખની હોય ભલે દરિયા જેટલી,

આ આંખની કૃતજ્ઞતા તો ટીપા જેટલી.

આંખો મીંચીને બેઠા છીએ, સ્વપ્‍નરત નથી;

જોઈ લીધી છે દુનિયા અમે જોવા જેટલી.

દાદા વિચારે- ક્યાં છે ખૂણો ઘરમાં મારે કાજ?

પણ, ભીંત પર બચી છે જગા, ફોટા જેટલી!

રઈશભાઈનાં અનેક ચાહકોની આ લેખ વાંચીને એ ફરિયાદ રહેશે કે મેં તેમનાં ગમતા શે’ર અહીં ન સમાવ્યા. પણ મને પોતાને એમના જેટલા શે’ર પસંદ છે તેમાંથી દસ ટકા પણ અહીં નથી સમાવી શક્યો તો છેલ્લે, તેમની ‘કાફિયાનગર’ની અતિપ્રિય ગઝલનાં શે’ર.

કોરા કાગળ ઉપર બસ ‘સખી રે’ લખ્યું

એથી આગળ નથી મેં લગી રે લખ્યું

જો લખું આજે હું તો બીજું શું લખું?

ગાલિબે એ લખ્યું. એ જ મીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’?

એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું.