તારા વિના નહિ Nancy Shethwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વિના નહિ

તારા વિના નહિ

મમ્મી...ઓ મમ્મી.. વિદિશા બુમો પાડતી હતી...પાડોશીઓ પણ આ વિદિશા ની બુમોથી ટેવાઈ ગયા હતા. બધાને ખબર કે વિદિશા હવે ઓફીસ જવા નીકળે છે.જ્યાં સુધી મમ્મી વિદિશાને જય શ્રી કૃષ્ણ, રાધે-રાધે ના કહે ત્યાં સુધી વિદિશા ઘરની બહાર પગ ના મુકે.વિદિશા એક મલ્ટી-નેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતી.

પહેલી નજરે જોતા કોઈને પણ ગમી જાય એવી છોકરી હતી વિદિશા.લાંબા કાળા વાળ,શ્યામવર્ણી ત્વચા,શરીરે પણ ભરાવદાર અને હંમેશા ખીલખીલાટ કરતુ એનું એનું હાસ્ય.આજે વિદિશા સફેદ કુર્તી અને ડાર્ક બ્લુ જીન્સમાં ખરેખર અદભૂત લાગતી હતી.ગળામાં સોનાની ચેઈન અને નાનકડું ડાયમંડ પેન્ડલ અને એવી જ કાનમાં નાનકડી બુટ્ટી એની સુંદરતામાં વધારો કરતાં હતાં.ઘુંટણ સુધી લાંબા વાળ માં ફક્ત એક બટર-ફ્લાયનાંખેલું હતું.ચેહરા પર બે-ત્રણ વાળની લટ ઉડાઉડ કરતી હતી. ઇન્દ્રના દરબારની અપ્સરા પણ વિદિશા સામે ઝાંખી પડી જાય એટલી સુંદર લાગતી હતી વિદિશા આજે.

મમ્મી..... હું જવું છું હવે... !

"જય શ્રી કૃષ્ણ, રાધે-રાધે"...સવાર સવારમાં શું બુમાબુમ કરતી હોય છે વિદુ? સામેથી જવાબ આવ્યો.

"પણ મમ્મી તને તો ખબર છે ને કે જ્યાં સુધી તારા મોંઢેથી જય શ્રી કૃષ્ણ, રાધે-રાધે ના સાંભળું ત્યાં સુધી હું ઘરની બહાર પગ પણ નથી મૂકતી તો પછી શું લેવા મારે જવાના ટાઇમે બીજા કામમાં અટવાઈ જાય છે.સારું તો ચલ મને મોડું છે, હું જવું હવે, જય શ્રી કૃષ્ણ, રાધે-રાધે..!!"વિદિશા બોલી.

એ સારું મારી મા..જય શ્રી કૃષ્ણ, રાધે-રાધે..!! વિદિશાના મમ્મી નિર્મળાબેન બોલ્યા. "રામ જાણે આ છોકરીનું શું થશે.? ક્યાં સુધી આવી તોફાની અને રમતિયાળ રહેશે.?" મનમાં બબડાટ કરતા નિર્મળાબેન ઘરમાં પાછા આવી કામમાં પરોવાયા.

ઉફ્ફ...!! આજે ફરીથી મોડું થઇ ગયું.- વિદિશા મનમાં બોલી.આમ તો વિદિશા સમયની બહુ ચોક્કસ હતી પણ ઘણી વાર મમ્મીને કારણે, ના ના મમ્મી નહી પણ પોતાની આદતને કારણે મોડું થઈ જતું.

"ઉફ્ફ્ફ.......! આજે ફરીથી મોડું થઈ જશે ઓફિસે પહોંચવામાં." વિદિશા મનમાં બોલી.આમ તો વિદિશા સમયની બહુ ચોક્કસ હતી. પણ ઘણીવાર પોતાની જૂની આદતને કારણે મોડું થઈ જતું.

"ગુડ મોર્નિંગ,વિદિશા મેમ." આજે ફરીથી મોડું થઈ ગયું. રિસેપ્સન પર બેઠેલી માર્યા હસતાં હસતાં બોલી.

"વેરી ગુડ મોર્નિંગ,માર્યા.." કોમ્પ્યુટરમાં લેટ-કમિંગ એન્ટ્રી કરતા વિદિશાએ જવાબ આપ્યો.

ઉતાવળમાં વિદિશા લીફ્ટ તરફ જતી હતી ત્યાં એક યુવાન સાથે ભટકાઈ.હાથમાં રહેલી ફાઈલ પડી જતા કાગળો વેર-વિખેર થઈ ગયાં. આમ પણ આજે મોડું થઈ ગયું અને એમાં પણ અણી ના ટાઇમ પર આવેલો બોસનો અર્જન્ટ મીટીંગનો મેસેજ આવ્યો. ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો વિદિશાનો.

અરે..ઊંઘમાં ચાલવાની આદત છે કે શું....?? જોઇને નથી ચાલી શકતાં.? વિદિશા બરાડી ઊઠી.પેલા બિચારાએ બધા કાગળો ભેગાં કરીને હાથમાં આપ્યાં અને "સોરી મેડમ" કહીને ત્યાંથી ચુપ-ચાપ ચાલી નીકળ્યો.

હવે,કોણ સમજાવા જાય વિદિશાને કે વાંક પોતાનો હતો,પોતે બેધ્યાન હતી.ઓફીસમાં બધાં જાણતાં હતાં વિદિશાના સ્વભાવને,ઘણીવાર ગુસ્સામાંઆવી જ રીતે વરસી પડતી કોઈના પર. હજી તો પોતાની કેબીનમાં પ્રવેશે છે ત્યાંજ ઈન્ટરકોમ પર રીંગ વાગતી હતી.બોસે અર્જન્ટ બોલાવી હતી કોન્ફરન્સ-રૂમમાં. કોન્ફરન્સ-રૂમની દિશામાં જવા વિદિશાએ ઉતાવળાં પગલાં માંડ્યા.

એક વિશાળ કોન્ફરન્સ રૂમમાં પ્રવેશી વિદિશા.સરસ રીતે સજાવ્યો હતો કોન્ફરન્સ રૂમ.એક દીવાલ પર પ્રોજેક્ટરની સ્ક્રિન હતી.રૂમની બરાબર વચ્ચે ટેબલ હતું. ટેબલ પર લિલીના સરસ મજlના ફૂલો ગોઠવેલાં હતાં.બધા આવી ગયા હતા ફક્ત વિદિશા ની રાહ જોવાતી હતી.

"ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, સોરી ફોર લેટ કમિંગ" વિદિશા પોતાની ચેર પર બેસતાં બોલી. બધાના ચહેરાં પર એક અછડતી નજર ફેરવી લીધી.

"આ છે મિ.આલાપ દેસાઈ, અમદાવાદ બ્રાન્ચના નવા માર્કેટીંગ મેનેજર,આજથી આપણી ઓફીસમાં જોડાયા છે." મિ. કિનારીવાલાએ કહ્યું.

ગૌરવર્ણ, આશરે સાડા પાંચ ફૂટ હાઇટ, કસાયેલું સ્નાયુબધ્ધ શરીર, અને હસતોચહેરો. ડાર્ક બ્લૂ શર્ટ અને ક્રીમ કલરની ફોર્મલ સ્લિમફીટ ટ્રાઉઝર્સમાં અત્યંત સોહામણો લાગતો હતો આલાપ. જોતાંવેંત જ લાગે કે કૉલેજમાં છોકરીઓ પતંગીયાની જેમ આલાપ ની આગળ-પાછળ ભમતી હશે.

વિદિશા બાઘાની જેમ જોતી જ રહી ગઈ. અરે..! આ તો એજ છે જેની સાથે થોડીવાર પેલા અથડાઈ હતી. થોડી ઘણી ઔપચારિક વાતો કરીને બધા છુટા પડ્યા. મીટીંગ પૂરી થયાંને કલાક જેવું થયું હતું પણ વિદિશાના કાનમાં હજી આલાપનો અવાજ રણકતો હતો.કેવું ફાકડું ઇંગ્લિશ બોલતો હતો અને વાતચીત કરવાની કળા પણ અદભૂત હતી.!! વિદિશા વિચારતી હતી.

"ઝરા સી દિલ મેં દે જગાહ તું"........ વિદિશાનો ફોન રણક્યો.

"હા...બોલ મમ્મા,શું હતું?" વિદિશાએ પૂછ્યું.

"એ તો ઓફીસ પહોંચ્યા પછી તારો ફોન આવ્યો નહી એટલે મેં ફોન કર્યો." નિર્મળાબેને જવાબ આપ્યો. ભલું થજો તો નિર્મલાબેનનું કે એમનો ફોન આવ્યો નહિ તો આવી જ રીતે સાંજ પડી જાત.

"મમ્મા, હું મીટીંગમાં હતી એટલે ભૂલી ગઈ ફોન કરવાનું." વિદિશા બોલી અને એની આંખ સામે કોન્ફરન્સ રૂમનું દ્રશ્ય તરવરી ઉઠ્યું.

"સારું મમ્મા,હવે મારે કામ છે સાંજે આવીને વાત કરું". વિદિશાએ જવાબ આપ્યો. વિદિશા મહેતા એન્ડ સન્સ કંપનીમાં ફાઈનાન્સ મેનેજર તરીકે એક વર્ષથી જોડાયેલી હતી. આમનેઆમ કામમાં દિવસ પૂરો થઇ ગયો.

બીજે દિવસે સવારે એ જ રૂટીન વિદીશાનું. એજ બુમાબુમ. આમ જ સમય વીતતો ગયો. હવે, આલાપ અને વિદિશા ઘણા સારા મિત્રો બની ગયા હતા.બંને એકબીજાથી તદ્દન વિરુધ્ધ સ્વભાવનાં તો પણ બંને એકબીજાં વગર ચાલતું નહીં. આલાપ સ્વભાવે શાંત હતો. સૌરાષ્ટ્રના એક નાના ગામનો વતની હતો. અમદાવાદમાં એક ફ્લેટ ભાડે રાખીને એકલો રહેતો હતો. નિર્મળાબેનના આગ્રહને વશ થઈને ઘણીવાર સાંજે વિદીશાને ત્યાં જમી લેતો. વિદિશા રોજ આલાપ માટે ટીફીન લઇ આવતી. આલાપને શું ભાવે છે, શું નથી ભાવતું એ બધું ધ્યાન રાખતી.

એક સાંજે ઓફીસથી ઘરે જતી વખતે વિદીશાને એક્સીડેન્ટ થયો. હાથમાં થોડું છોલાયું અને પગમાં ફ્રેકચર થયું. સતત ત્રણ દિવસ સુધી આલાપ હોસ્પિટલમાં રહ્યો હતો વિદિશા સાથે. ઓફીસથી છુટ્યા પછી વિદિશાને ત્યાં જવું, એ હવે નિત્યક્રમ બની ગયો હતો આલાપનો. ડોક્ટરના કહ્યા મુજબ વિદિશાએ બે મહિના આરામ કરવાનો હતો પણ આલાપ રોજ જાત-જાતની કસરત કરાવતો હતો અને એક મહિનામાં ચાલતી કરી દીધી વિદિશાને. આલાપ બહુ ધ્યાન રાખતો વિદીશાનું.

વિદિશા મનોમન ચાહવા લાગી હતી આલાપને. આલાપ ના વિચાર માત્ર થી મલકાઈ ઊઠતી. ઘણાં વખત પછી રવિવારની સાંજે બંને જણા બહાર નીકળ્યા હતા. આલાપ ના ઘર પાસે આવેલા પ્રહલાદનગર ગાર્ડનમાં ગયા. આસપાસ ગુલાબ અને મોગરાનાં ફૂલોથી વાતાવરણ મહેકતું. વિદિશા નાના બાળકોની ધમાલમસ્તી જોઈને હસી પડતી. એક અજબ ભાવથી વિદીશા આલાપને નિહાળી રહી હતી, બહુ માસૂમ લાગતો હતો આલાપ આજે. ઘણા વખત પછી આલાપને આટલો ખુશ જોયો. ઈશ્વરને મનોમન પ્રાર્થના કરતી રહી કે હંમેશા આલાપને આવો જ ખુશ રાખે. દુનિયા બહુ સુંદર અને રોમાંચક લાગતી હતી, વિદીશાને સમજાતું નહતું કે ખરેખર દુનિયા રોમાંચક છે કે પછી પોતે પ્રેમમાં છે એટલે એને બધું સારું લાગે છે.

મહેતા એન્ડ સન્સ કંપનીની બ્રાંચ ઘણાં બધા દેશોમાં હતી. કંપની આલાપની કાબેલિયત ને કારણે એક વર્ષ માટે ન્યૂયોર્ક મોકલી રહી હતી.બધી તૈયારી થઇ ગઈ હતી. 17 જાન્યુઆરી સાંજે 7 વાગ્યા ની ફ્લાઈટ હતી.સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ભીડ હતી. વિદિશા આલાપને મૂકવા એકલી જ આવી હતી.ફક્ત અડધાની વાર હતી ફ્લાઈટ ઉપડવામાં.

" આલાપ, તારા વિના નહીં જીવી શકાય ". તું મારું એક અભિન્ન અંગ બની ગયો છું. તારા વગર ના જીવનની કલ્પના પણ હવે અશક્ય લાગે છે.આટલું બોલતાં બોલતાં વિદીશાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

" હું જાણું છું વિદિશા, તું મને બહુ ચાહે છે પણ કદાચ તને ખબર નહી હોય કે તારા મોઢે થી અ વાત સાંભળવા બહુ વર્ષો રાહ જોઈ છે."

વિદિશા જોઈ રહી આલાપ ને.

"હા, વિદિશા તને તો યાદ નથી પણ હું એજ તારા બાળપણ નો આલાપ છું, જે રોજ તારા માટે કાચી કેરી તોડી લાવતો હતો રામજીકાકા ના ખેતર માંથી અને રામજીકાકા ની વઢ ખાતો, હું એજ આલાપ છું જેની સાથે તું ઘર-ઘર રમતી. બાળપણ થી એજ સપનું હતું તારી સાથે સાચે જ ઘર માંડવાનું." આલાપ બોલ્યો.

"તો અત્યાર સુધી તું ચુપ કેમ રહ્યો આલાપ,તે કઈ કહ્યું કેમ નહિ? ચાલો માન્યું કે મને બાળપણ ની વાતો યાદ નથી પણ તને તો યાદ હતું ને " વિદિશા બોલી.

"વિદિશા,હું ઈચ્છતો હતો કે તને પણ પ્રેમ નો એહસાસ થાય." આલાપ બોલ્યો.

બહુ ગજબ હોય છે નહીં આ ઝીંદગી. ખાસ મિત્રના પ્રેમમાં પડો ત્યારે મજાની વાત તો એ છે કે જીવનસાથી અને મિત્ર બંને એકસાથે મળી જાય છે પણ બંને માંથી એક પક્ષે પણ ના પડે તો મિત્ર પણ ગુમાવી બેસાય છે.

ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થયું. વિદિશા ની આંખોમાં પાણી ફરી તગતગી ઉઠ્યા.

"આલાપ,તું નહિ જાય તો નહીં ચાલે?" વિદિશા બોલી.

આલાપ ખડખડાટ હસ્યો.

"સાચું કહું તો વિદિશા આપણે નહિ જઈએ તો નહિ ચાલે.ઓફીસમાંથી આપણા બંનેને સાથે જવાનું છે ન્યુયોર્ક. તારી બધી તૈયારી પેલાં થી થઇ ગઈ છે. તારા થી આ સીક્રેટ રાખ્યું હતું." આલાપ બોલ્યો.

આલાપે પ્રગાઢ ચુંબન કર્યું વિદિશાના હોઠ પર અને આલિંગનમાં લીધી.

ફ્લાઈટ તરફ જવા બંને જણાં રવાના થયા.

એક નવી દિશા, એક નવું ભવિષ્ય આવકારી રહ્યું હતું બંને ને.