🌺
વૃશાલી 🌺🌺 પ્રકરણ – 8 🌺
લેખક — VISHAKHA BHATT
🌺 સત્યનો પડદો ઊઘડ્યો 🌺
એક પછી એક સૌ ગૃહના ખંડો નિહાળતા આગળ વધતા ગયા.
સૌથી પહેલાં અતિથિગૃહ આવ્યું. સ્વચ્છ આસનો પર રંગીન ગાદલાં પાથરેલાં હતાં. ખૂણામાં તાજાં ફૂલોની સજાવટ હતી અને હળવી સુગંધ આખા ખંડમાં પ્રસરી રહી હતી.
પછી સૌ રસોઈઘર તરફ વળ્યા. ત્યાં પકતાં પકવાનોની સુગંધ, ઘીમાં તળાતા મિષ્ટાન્નની મહેક અને વાસણોના મધુર ખણખણાટથી આખું રસોઈઘર જીવંત લાગતું હતું. રાધામા ગર્વભેર રસોઈઘર તરફ જોઈ રહ્યાં હતાં.
ત્યારબાદ પૂજાઘર આવ્યું. ત્યાં દીપકની શાંત જ્યોત ઝળહળી રહી હતી. ધૂપની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવી રહી હતી અને તાજાં પુષ્પોથી દેવતાઓનાં આસન શોભી રહ્યાં હતાં.
એમ એક પછી એક ખંડ વટાવતા તેઓ આગળ વધ્યા. દરેક ખંડમાં અલગ રંગની રંગોળી, તાજાં પુષ્પો અને નાની-નાની સજાવટો કરવામાં આવી હતી.
વૃશાલીએ આ ગૃહ અગાઉ જોયું હતું, પરંતુ આજે દરેક ખંડ જાણે નવી જ આભા ધારણ કરીને તેની સામે ઊભો હતો.
ચાલતાં ચાલતાં તેઓ અધિરથ અને રાધામાના ખંડ પાસે આવી પહોંચ્યા.
અધિરથે હળવેથી રાધામા સામે જોયું.
રાધામા તેમની નજર સમજી ગયાં. તેમણે સ્મિત કર્યું અને ધીમેથી દ્વાર ખોલ્યું.
અંદર પ્રવેશતાં જ શીતળ અને સુગંધિત વાતાવરણ સૌને સ્પર્શી ગયું. સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. મખમલી આસનો, કોતરણીવાળા સિંહાસનો અને બાજુમાં મૂકેલાં સ્વચ્છ જળપાત્રો ખંડની શોભા વધારી રહ્યાં હતાં.
ચારે તરફ ગોઠવાયેલા આછા રંગનાં પુષ્પોમાંથી મંદ સુગંધ પ્રસરી રહી હતી.
સામે ભગવાન સદાશિવનું એક વિશાળ ચિત્ર શોભી રહ્યું હતું. ભગવાન શિવના મુખ પરનું પ્રસન્ન સ્મિત અને આંખોમાંની શાંતિ જાણે આખા ખંડને જ શાંત કરી રહી હતી.
વૃશાલીની નજર ચિત્ર પર પડતાં જ તે સહજતાથી થંભી ગઈ. તેણે હાથ જોડ્યા અને ભક્તિપૂર્વક ભગવાન શિવને નમન કર્યું.
રાધામા આ જોઈને પ્રસન્ન થઈ ગયાં.
તેમના મનમાં પ્રેમભર્યો વિચાર આવ્યો—
“કેટલી સંસ્કારી દીકરી છે… આવી જ તો હોવી જોઈએ મારા કર્ણના ગૃહની ગૃહલક્ષ્મી.”
અધિરથે સૌને બેસવા માટે કહ્યું.
“આ ખંડમાં આપણે શાંતિથી વાત કરી શકીશું. કોઈ વિક્ષેપ પણ નહીં થાય. માટે આપણે અહીં જ બેસીએ.”
વૃશાલીના પિતાએ સંમતિમાં માથું હલાવ્યું.
અધિરથે કહ્યું,
“માન્યવર, આપ પહેલાં બેસો.”
રાધાએ વૃશાલીને પોતાની બાજુમાં બેસાડી અને પ્રેમથી પૂછ્યું,
“પુત્રી, તું મારી પાસે બેસીશ?”
વૃશાલીની માતાએ રાધા તરફ જોઈને હળવું સ્મિત કર્યું.
“કેમ નહીં? હવે વૃશાલી પર તમારો પણ અમારા જેટલો જ અધિકાર છે.”
આ શબ્દો સાંભળીને રાધાના હૃદયમાં આનંદની લહેર ફરી વળી.
પરંતુ મનના કોઈ ખૂણે એક નાની ચિંતા પણ જાગી—
“આ અધિકાર આ સત્ય જાણ્યા પછી પણ રહેશે?”
બહારનું હળવું વાતાવરણ હવે ધીમે ધીમે ગંભીર બની ગયું હતું.
અધિરથના ચહેરા પર ગંભીરતા હતી.
ઓરડામાં થોડા સમય માટે મૌન છવાઈ ગયું.
પછી અધિરથે ધીમે, પરંતુ સ્પષ્ટ સ્વરે કહ્યું,
“માન્યવર, મને ખ્યાલ નથી કે આપને આ વાતની જાણ હશે કે નહીં. પરંતુ એક પવિત્ર સંબંધમાં બંધાતા પહેલાં હું આપની સમક્ષ કર્ણના જીવનનું સંપૂર્ણ ચિત્ર મૂકવા માગું છું.
અને વૃશાલીને પણ કર્ણના જીવનની કોઈ વાતથી અજાણ રાખવા માગતો નથી.
હોય શકે કે આપને આ બધાની જાણ હોય… અને એવું પણ હોઈ શકે કે આપને કશી જ જાણ ન હોય.
પરંતુ કર્ણના જીવન સાથે જોડાયેલું દરેક સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર આપને અને વૃશાલીને છે.
આથી હું જે કંઈ જાણું છું, તે બધું જ સત્ય અને નિષ્પક્ષ રીતે આપની સમક્ષ કહેવા માગું છું.”
અધિરથે થોડો વિરામ લીધો.
પછી કર્ણના જન્મની વાત શરૂ કરી.
“પરંતુ અત્યારે આગળની વાત કહું તે પહેલાં… આપને ખ્યાલ તો હશે જ કે મને અને રાધાને વર્ષો સુધી કોઈ સંતાન ન હતું.
રાધા પોતાના જીવનમાં અત્યંત દુઃખી હતી, કેમ કે તેને ‘મા’ કહીને બોલાવે એવું કોઈ ન હતું. છતાં મારા સુખને જ પોતાનું સુખ માનીને તે પોતાના મનોભાવોને દબાવીને રાખતી.
તેણે કેટલાંય વ્રત, ઉપવાસ અને પૂજા-પાઠ કર્યા, પરંતુ અમારે સંતાન ન થયું. આમ કરતાં કરતાં ઘણાં વર્ષો વીતી ગયાં.
એક વખત હું સવારના સમયે રથના ઘોડાઓને લઈને ગંગા તટે ગયો હતો. ત્યાં હું ઘોડાઓને નવડાવતો હતો. પ્રાતઃકાળનો સમય હતો, એટલે મેં સૂર્યદેવને જળ અર્પણ કર્યું અને પછી મારા કામમાં લાગી ગયો.
એટલામાં અચાનક મારી નજર દૂર ગંગાના પ્રવાહ તરફ ગઈ.
મને કંઈક મોટું પટારા જેવું વસ્તુ પાણીમાં તરતું આવતું દેખાયું. હું થોડો નજીક ગયો તો લાગ્યું કે જાણે કોઈ મોટી પુષ્પોની ટોપલી હોય.
હું વધુ નજીક ગયો.
મને એવું લાગ્યું કે… આ ટોપલીની અંદર કંઈક છે.
ધીમે ધીમે એ ટોપલી પાણીના પ્રવાહ સાથે મારી તરફ આવવા લાગી.
હજી તે મારાથી ઘણી દૂર હતી, ત્યાં જ મને અંદરથી જાણે કોઈના રડવાનો અવાજ સંભળાયો.
પહેલાં તો મને ભ્રમ થયો હશે એમ લાગ્યું.
પરંતુ ટોપલી જેમ જેમ નજીક આવતી ગઈ, તેમ તેમ એ રડવાનો અવાજ વધુ સ્પષ્ટ થતો ગયો.
મારા મનમાં વિચાર આવ્યો—
‘આ શું હશે? હજી તો ઉજાસ પણ થયો નથી… આ રડવાનો અવાજ શેનો છે?’
મને તો એવું જ લાગ્યું કે કદાચ કોઈ શ્વાનનું બચ્ચું હશે… અથવા કોઈ પશુનું બાળ હશે.
માનવબાળ હશે એવો વિચાર તો મારા મનમાં દૂર દૂર સુધી આવ્યો જ નહોતો.”
અધિરથનો સ્વર થોડો ધીમો થયો.
“હું તરત જ પાણીમાં કૂદી પડ્યો.
તરતો તરતો એ ટોપલી સુધી પહોંચ્યો અને એને કિનારે ખેંચી લાવ્યો.
ઉપર એક હળવું મખમલનું વસ્ત્ર ઢાંકેલું હતું.
મેં ધીમેથી એ વસ્ત્ર હટાવ્યું…”
અધિરથ થોડી ક્ષણ અટક્યો.
“અને અંદર એક નાનકડું બાળક હતું.
અતિશય તેજસ્વી મુખ… ગુલાબની પાંખડી જેવું કોમળ શરીર… નાનકડા હાથ-પગ… અને આંખોમાં જાણે નિર્દોષતાનો આખો સાગર.
એના ચહેરા પર એવું તેજ હતું જાણે કોઈ ઋષિ પોતાની તપસ્યા પૂર્ણ કરીને પૃથ્વી પર આવ્યો હોય.”
અધિરથની નજર એ નાનકડા નિર્દોષ શિશુ પર સ્થિર થઈ ગઈ.
બાળકના નાનકડા હોઠ ધ્રૂજી રહ્યા હતા. રડતાં રડતાં એની આંખોમાં આંસુ ભરાઈ ગયાં હતાં.
અધિરથનું હૃદય એક ક્ષણ માટે દ્રવી ઊઠ્યું.
“આટલું નાનું બાળક… અને આ નિર્જન ગંગા નદી માં એકલું?”
એણે બાળકને પોતાના હાથમાં ઊંચકી લીધું.
બાળકની નાનકડી આંગળીઓ જાણે અજાણતાં જ અધિરથની આંગળી સાથે વીંટળાઈ ગઈ.
એ સ્પર્શે અધિરથના હૃદયને અંદર સુધી સ્પર્શી લીધું.
એ ક્ષણે કોઈ રહસ્ય , કોઈ વિચાર મારા મનમાં રહ્યો નહીં.
મને માત્ર એક જ વાત સમજાઈ......
“આ બાળકને હવે એકલું છોડવું શક્ય નથી.”
અને એ જ ક્ષણે મારા મનમાં રાધાનો વિચાર આવ્યો....
“રાધા જો આ બાળકને જોશે, તો કદાચ એની વર્ષોની ખાલી ગોદને આજે કોઈ ઉત્તર મળી જશે.”
મે બાળકને હાથમાં લીધું.
“એ વખતે મારી નજર એની નાની નાની સુવર્ણ કુંડળીઓ પર પડી.
અને પછી મેં જોયું… એના શરીર પર કુદરતી કવચ હતું.
હું તો આશ્ચર્યમાં પડી ગયો.
‘કવચ અને કુંડળવાળું બાળક?’
મારા મનમાં તરત વિચાર આવ્યો કે કદાચ આ કોઈ રાજકુળનું બાળક હશે.”
મે. ગંગાના કિનારે ઘણું શોધ્યું. આસપાસ જોયું. ઝાડીઓમાં જોયું. કોઈ આ બાળકને મૂકીને ગયું હોય તો એની કોઈ નિશાની મળે કે નહીં એ પણ જોયું.
પરંતુ કોઈ જ મળ્યું નહીં.
મારા મનમાં એક જ ભય હતો.....
આ બાળકને અહીં છોડી દઉં તો શું થશે?
કોઈ પ્રાણી એને નુકસાન પહોંચાડે તો?
આખરે હું એને ઘરે લઈ આવ્યો.
પરંતુ ઘેર જતાં રસ્તામાં મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો...
“રાધા આ બાળકને જોઈને શું કહેશે?”
ઘરે પહોંચીને મેં તરત જ રાધા ને બોલાવી દ્વાર બંધ કરી આ બાળક રાધાના હાથમાં સોંપ્યું.
રાધા ખૂબ ડરી ગઈ ને તેણે એક સાથે અનેક પ્રશ્નો પૂછ્યા.
“આ બાળક કોણ છે?
તમે એને ક્યાંથી લાવ્યા?
એના શરીર પર આ કવચ અને કુંડળ કેવી રીતે?
આ તો કોઈ રાજકુળના બાળક જેવું લાગે છે!
કોઈએ આપને એની જવાબદારી સોંપી છે?
આ કોનું બાળક છે?”
પ્રશ્નો અનેક…
જવાબ એક પણ નહીં.
અધિરથે રાધાને શાંત કરતાં કહ્યું,
“રાધે, શાંત થા… શાંતિથી મારી વાત સાંભળ.”
અને પછી તેણે ગંગામાં બાળક મળ્યું ત્યારથી લઈને ઘરે લાવ્યો ત્યાં સુધીની આખી વાત રાધાને કહી.
રાધા ચિંતામાં પડી ગઈ.
“પણ સ્વામી, જો આ કોઈ રાજકુળનું બાળક હશે તો? જો કોઈ આપણાં પર ચોરી નો આરોપ મૂકે તો? કોઈ રાજાના સૈનિકો અહીં આવીને બાળકને લઈ જાય તો?”
અધિરથે કહ્યું,
“પ્રથમવાર મને રાધા પર ક્રોધ આવ્યો હતો.મેં રાધા ને કહ્યું તો શું કરું? એને ગંગા તટે જ મૂકી આવું???, જેથી કોઈ પશુ કે શ્વાન આ બાળનો ભક્ષ્ય કરી જાય? કે ફરીવાર એને ગંગામાં તરતો મૂકાવું, જેથી એ ડૂબી જાય અને મૃત્યુ પામે?
આપણે બાળક નથી એવું અભિશાપિત જીવન જીવીએ છીએ,અને આ બાળક ને તરછોડવું??? અને કદાચ સદાશિવે આપણા પર કૃપા કરી હોય એવું પણ હોય ને......
એક વાર એના ચહેરા તરફ નજર તો નાખ.
આવા બાળકને મૂકવાનું મારો જીવ કેમ ચાલે?
છતાં તું કહે તો ફરીવાર તરતો મૂકાવું?”
રાધા ગભરાઈ ગઈ.
“સ્વામી, આ શું બોલો છો? હું તો સ્ત્રીસહજ ચિંતાથી કહું છું. આવું ન કરીએ. આવું કરીએ તો પાપમાં પડીએ.
લાવો બાળક મને આપો.
એ ભીનું છે. હું એને સાફ કરી દઉં અને એને સુવડાવી દઉં.”
અધિરથે બાળક રાધાના હાથમાં સોંપી દીધું.
રાધાએ મખમલનું વસ્ત્ર હટાવ્યું.
બાળકનો ચહેરો સામે આવતાં જ રાધા એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.
અતિશય તેજસ્વી મુખ… ગુલાબની પાંખડી જેવું કોમળ શરીર… નાનકડા હાથ-પગ… અને આંખોમાં જાણે નિર્દોષતાનો આખો સાગર.
રાધાની આંખો અચાનક છલકાઈ ગઈ.
વર્ષોથી હૃદયમાં દબાવી રાખેલી ‘મા’ બનવાની તીવ્ર ઈચ્છા જાણે એ ક્ષણે જાગી ઊઠી.
તેણે ધીમેથી બાળકના માથા પર હાથ ફેરવ્યો.
નાનકડા હાથને પોતાની આંગળીમાં લેતાં જ તેના હૃદયમાં જાણે મમત્વનો પ્રવાહ ફૂટી નીકળ્યો.
કોઈ વિચાર કર્યા વિના તેણે બાળકને પોતાની છાતીસરસો ચાંપી લીધું.
બાળક પણ જાણે એને હુંફ મળી હોય એમ રાધાની છાતી સાથે ચાંપતાં જ રડતું અટકી ગયું.
રાધાને એવું લાગ્યું જાણે ઈશ્વરે તેના પર કૃપા કરી અને વર્ષોથી ખાલી રહેલું તેનું હૃદય આજે પહેલી વાર પૂર્ણ થયું.
આંખોમાંથી વહેતાં આંસુ સાથે તેણે બાળકને વધુ મજબૂતીથી હૃદયસરસુ ચાંપ્યું અને ધીમા, ભરાયેલા સ્વરે કહ્યું—
“મારો રાધેય…”
એ બે શબ્દોમાં તેની વર્ષોની તરસ, પ્રાર્થના અને આખું માતૃત્વ સમાઈ ગયું.
હવે રાધાએ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો.
“શરૂઆતમાં મને સતત એક જ ભય રહેતો .....કોઈ અચાનક આવીને આ બાળકને મારી પાસેથી લઈ જશે તો?
પરંતુ દિવસો પસાર થતા ગયા.
મારો રાધેય મારી સાથે એટલો જોડાતો ગયો કે મને લાગતું જ નહીં કે એ મારું પોતાનું બાળક નથી.
હું એને મારી જ સંતાનની જેમ ઉછેરવા લાગી.
ધીમે ધીમે સૌ એને" રાધેય" કહેવા લાગ્યા.
પણ એક વાત એવી હતી, જે મને આજ સુધી સમજાઈ નથી.”
રાધામાનો સ્વર થોડો ધીમો થયો.
“જ્યારે હું નાનકડા રાધેયને નવડાવવા બેસતી, ત્યારે એનું કવચ ધીમે ધીમે જાણે અદૃશ્ય થઈ જતું.
ક્યારે ગાયબ થઈ જતું, એની મને ખબર જ પડતી નહીં.
હું એને હાથથી શોધતી… સ્પર્શ કરીને જોતી… પણ શરીર પર કવચનું નામોનિશાન પણ ન હોતું.
નવડાવીને એને બહાર કાઢું ત્યારે પણ કવચ દેખાતું નહીં.
પણ ક્યારેક થોડા સમય પછી હું જોઉં તો એ ફરી એની છાતી પર દેખાતું!
એ ક્યાંથી આવતું? કેવી રીતે આવતું? મને કંઈ જ સમજાતું નહોતું.
શરૂઆતમાં તો એ કવચ અને કુંડળ પણ બાળકના શરીર જેટલાં જ નાનાં હતાં....
પરંતુ સમય પસાર થતો ગયો તેમ રાધેયનું શરીર વધતું ગયું અને તેની સાથે એનું કવચ અને કુંડળ પણ ધીમે ધીમે કદમાં વધતાં ગયાં.
મારા માટે આ પણ એક અજબ રહસ્ય હતું....
બાળક વધે… અને એની સાથે કવચ-કુંડળ પણ વધે… જાણે એ બંને રાધેયના શરીરથી અલગ કોઈ વસ્તુ જ ન હોય.
હું ઘણીવાર એ કવચને હાથથી સ્પર્શીને વિચારતી.....
‘આ શું ઈશ્વરની કોઈ દિવ્ય રક્ષા છે? કે મારા રાધેયના જન્મ સાથે જોડાયેલું કોઈ એવું રહસ્ય છે, જેનો ઉત્તર સમય જ આપશે?’
ધીમે ધીમે મને લાગવા માંડ્યું કે આ કોઈ સામાન્ય કવચ નથી.
જાણે એ રાધેયના શરીરનો જ એક ભાગ હોય… અને એની પોતાની ઈચ્છાથી જ પ્રગટતું કે અદૃશ્ય થતું હોય.”
રાધામાએ કર્ણના બાળપણની એક ઘટના યાદ કરી.
“એક વખત એવું થયું કે મારો રાધે 6 મહિના નો થયો અને હું એને નાની એવી ખાટલી પર સુવડાવી, એના માટે દૂધ બનાવવા ગઈ.
અચાનક મને રાધેય નો અવાજ આવ્યો.
હું દોડીને જોવા ગઈ તો એ પડખું ફરી રહ્યો હતો.
અચાનક એ પડખું ફરતાં ફરતાં નાની ખાટલીમાંથી નીચે પડી ગયો.
હું તો એકદમ દોડીને આવી.
મને થયું....
‘ખલાસ! આજે તો રાધેય ને કંઈક થઈ જ જશે. હું અભાગણી… મારા નસીબમાં બાળક જ નહીં હોય!’
પણ મેં આવીને જોયું તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
એ તો હસતો-હસતો રમતો હતો!
અને એના શરીર પર… જાણે ક્યાંથી… પેલું સુવર્ણ કવચ ફરી આવી ગયું હતું.
એ કવચ જાણે એની રક્ષા કરવા માટે જ એ ક્ષણે પ્રગટ્યું હોય!
ત્યારે પહેલી વાર મારા મનમાં વિચાર આવ્યો.
‘આ બાળક ખરેખર કોણ છે?’”
થોડી ક્ષણ માટે રાધા મૌન રહી.
પછી ધીમેથી બોલી,
“પછી દરેક વખતે મેં જોયું કે જ્યારે મારો રાધેય શાંતિથી રહેતો, ત્યારે એના શરીર પર બિલકુલ કવચ ન હોય.
એ પણ બીજા કોઈ સામાન્ય બાળકની જેમ જ રમતો, હસતો અને મારી આસપાસ ફરતો.
પણ અચાનક ક્યાંકથી પડી જાય, ભાગતાં કોઈ વસ્તુ સાથે અથડાય કે એને જરા પણ ઈજા થવાની શક્યતા હોય… એ જ ક્ષણે જાણે કોઈ અદૃશ્ય શક્તિ એની રક્ષા કરવા આવી જતી.
પેલું કવચ અચાનક એની છાતી પર પ્રગટ થઈ જતું.
પહેલા તો મને લાગતું કે આ માત્ર સંયોગ હશે.
પરંતુ આવું એક-બે વાર નહીં, વારંવાર થવા લાગ્યું.
ઘણી વખત અધિરથ પણ એની કોઈ વાત પર ક્રોધ કરતા, ત્યારે મને એક અજબ વાત દેખાતી—જાણે એ કવચ રાધેયને ઢાંકવા માટે આવી જતું.
એ ક્ષણે મારા હૃદયમાં એક અજાણી ધ્રૂજારી થતી.
હું વિચારતી...
‘આ બાળકને કોણ બચાવે છે?’
ધીમે ધીમે મને અને અધિરથને પણ સમજાવા લાગ્યું કે રાધેય માત્ર કોઈ રાજસી બાળક છે એવું નથી.
એમાં કંઈક એવું છે, જે આપણી સમજથી પર છે.
કદાચ એ કોઈ દેવાંશ છે…
કદાચ કોઈ દેવની કૃપા એની સાથે છે…
અને કદાચ જે દિવસે ગંગાએ એને અમારી પાસે મોકલ્યો, એ દિવસે માત્ર એક બાળક જ નહીં, પરંતુ ઈશ્વરે અમને પોતાની કોઈ અમૂલ્ય ભેટ સોંપી હતી.
એ વિચાર આવતા જ મારી આંખો ભીની થઈ જતી.
મને તો બસ એટલું જ લાગતું......
‘ કે કોઈએ આ બાળકને જન્મ આપ્યો હોય, એણે એને ગંગામાં વહાવી દીધો હશે… પરંતુ કદાચ ઈશ્વરે એને મારી ખોળા માં મોકલ્યો છે.’”
વાત કહેતાં કહેતાં રાધામાએ વૃશાલીના માતા-પિતા અને વૃશાલી તરફ નજર કરી.
વૃશાલીના માતા-પિતા તો આ વાત સાંભળીને આશ્ચર્યચકિત અને સ્તબ્ધ હતા.
પરંતુ રાધામાના આશ્ચર્યથી વિપરીત, વૃશાલીના ચહેરા પર કોઈ જ ફેરફાર નહોતો.
જાણે તે આ બધું પહેલાંથી જ જાણતી હોય!
રાધામાએ હળવેથી વૃશાલીનો હાથ પકડીને પૂછ્યું,
“પુત્રી, તું સાંભળી રહી છે ને?”
વૃશાલી સહજ સ્મિત સાથે બોલી,
“હા મા… સાંભળું છું. પણ તમે જે કહો છો ને, એ વાત મને પહેલાંથી જ ખબર છે.”
રાધામાને નવાઈ લાગી.
“પહેલેથી ખબર છે? તને કેવી રીતે ખબર?”
વૃશાલી હળવેથી બોલી,
“મા, તમે જે કહો છો એ સાચું છે. રાધેય જ્યારે પણ કોઈ સંકટમાં આવે ને, ત્યારે એના શરીર ઉપર પેલું કવચ આવી જાય છે.
તમને યાદ છે? એક વાર અમે નાના હતા ત્યારે અમારાથી મોટી ઉંમરના છોકરાઓ કર્ણને હેરાન કરતા હતા… એને મારતા હતા.
હું તો ગભરાઈને દોડતી તમારી પાસે આવી હતી—
‘કાકાશ્રી! કાકીશ્રી! કર્ણને બીજા છોકરાઓ મારે છે!’
પણ એ જ વખતે મેં જોયું હતું… કર્ણના શરીર ઉપર પેલું કવચ આવી ગયું હતું.
પછી જ્યારે એ ધનુષ-બાણ નો અભ્યાસ કરતો અને બીજા લોકો સાથે તીરંદાજી કરતો, ત્યારે પણ જો કોઈનું તીર એને વાગવાની શક્યતા હોય, તો એ જ ક્ષણે, એ જ પળે, એના શરીર ઉપર કવચ આવી જતું મેં જોયું છે.
મા, જે વાત તમે આજે કહો છો, હું તો વર્ષોથી જાણું જ છું....
હું તો રાધેય સાથે જ મોટી થઈ છું ને, મા.”
વૃશાલીની વાત સાંભળતાં રાધામાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.
એને થયું....
જે વાતને પોતે વર્ષોથી રહસ્ય સમજતા હતા અને જેને લઈને ચિંતિત રહેતા હતા, એ વાતને તો વૃશાલીએ કેટલી સહજતાથી સ્વીકારી લીધી હતી!!!
રાધામાએ ફરી વૃશાલી તરફ પ્રેમથી જોયું અને પછી વૃશાલીના માતા-પિતા તરફ નજર કરી.
“બસ… આજ છે કર્ણના જન્મનું રહસ્ય.”
આ શબ્દો સાથે ફરી એકવાર ઓરડામાં ગંભીર મૌન છવાઈ ગયું.અધિરથે એક ઊંડો શ્વાસ લીધો.
પછી બંને હાથ જોડીને વૃશાલીના પિતા સામે જોઈને કહ્યું,
“માન્યવર, કર્ણ મારો પુત્ર નથી… એવું આપે કદાચ સાંભળ્યું હશે.
આજે હું સ્પષ્ટ કહી દઉં છું.....કર્ણ મારો પુત્ર નથી.
પરંતુ ....આપ વૃશાલીના પિતા છો. વૃશાલીના હિતમાં જે નિર્ણય લેવો હોય, એ નિર્ણય લેવા માટે આપ સંપૂર્ણ સ્વતંત્ર છો.
આપે જે કરવું હોય… વૃશાલીના હિતને ધ્યાનમાં રાખીને કરી શકો છો.”
અધિરથના શબ્દો પછી કોઈ તરત બોલ્યું નહીં.
વૃશાલીના માતા-પિતા થોડી ક્ષણ એકબીજા સામે જોઈ રહ્યા.
રાધામાની આંખોમાંથી આંસુ સરકી પડ્યાં.
એણે ધીમેથી પોતાના આંસુ લૂછ્યા અને ભરાયેલા સ્વરે કહ્યું,
“હા… સત્યવચન.
તમે વૃશાલીના માતા-પિતા છો. વૃશાલીના હિત માટે જે પણ નિર્ણય લેવો હોય, એ નિર્ણય લેવા માટે તમે સંપૂર્ણ સ્વતંત્ર છો.અમે તમારા નિર્ણય ને માન્ય રાખીશું ”
ફરી મૌન છવાઈ ગયું.
વૃશાલીની માતા કંઈક બોલવા જતી હતી, એ પહેલાં વૃશાલીના પિતાએ હળવેથી તેનો હાથ સ્પર્શ કર્યો......
આંખોમાં આંખો મેળવીને જાણે એટલું જ કહ્યું હોય...
“વાત હું કરીશ.”
વૃશાલીની માતાએ સંમતિમાં ધીમેથી માથું હલાવ્યું.
આખી વાત સાંભળીને હવે વૃશાલી પણ ચિંતિત થઈ ગઈ હતી.
એના મનમાં એક જ વિચાર આવ્યો......
“તો… શું આ બધું અમારા ભાગ્યમાં જ હતું?”
હમણાં સુધી જે વાતને તે સહજતાથી સાંભળી રહી હતી, એ જ વાત હવે તેના હૃદયમાં અજાણી ચિંતા જગાવી રહી હતી.
એ ચિંતાતુર હૃદયથી પોતાના પિતાની વાત સાંભળવા લાગી.
વૃશાલીના પિતાએ અધિરથ તરફ જોયું.
થોડી ક્ષણ તેઓ કંઈ બોલ્યા નહીં.
પછી ધીમેથી કહ્યું,
“અધિરથજી, આપે આ રહસ્ય અમને કહીને બહુ મોટી કૃપા કરી છે. આપની ભાવનાનો હું હૃદયપૂર્વક આદર કરું છું.
આપ સાચું કહો છો. કોઈ પણ સંબંધ સત્યના પાયા ઉપર જ રચાય, તો જ એ ટકી રહે.
પરંતુ… મારે વૃશાલી વિશે પણ વિચારવું રહ્યું.”
વૃશાલીના હૃદયના ધબકારા વધી ગયા.
એણે પોતાના પિતાની સામે જોયું.
મનમાં એક જ ભય હતો...
“કદાચ પિતાજી આ સંબંધ માટે સંમત નહીં થાય…”
વૃશાલી શ્વાસ રોકીને પોતાના પિતાના આગામી શબ્દોની રાહ જોવા લાગી.
પિતાએ અધિરથ તરફ જોયું.
તેમની આંખોમાં ગંભીરતા હતી… પરંતુ એ ગંભીરતાની પાછળ જાણે કોઈ નિર્ણય પહેલેથી જ લેવાઈ ચૂક્યો હોય એવું લાગતું હતું.
થોડી ક્ષણ ફરી મૌન રહ્યું.
વૃશાલીને લાગ્યું જાણે સમય પણ થંભી ગયો હોય.
ત્યારે તેના પિતાએ ધીમેથી કહ્યું,
“અધિરથજી… આ વાતનો નિર્ણય હું માત્ર આપના એક મિત્ર તરીકે નહીં, પરંતુ વૃશાલીના પિતા તરીકે કરીશ.”
ફરી એક ક્ષણનું મૌન.
ઓરડામાં બેઠેલા સૌની નજર હવે વૃશાલીના પિતા પર જ હતી.
વૃશાલીએ શ્વાસ રોકી લીધો.
તેના પિતાના હોઠ પરથી હવે કયો નિર્ણય બહાર આવશે ?…
એની રાહમાં આખું વાતાવરણ ખંડ ની હવા પણ જાણે કે સ્થિર થઈ ગઈ.... અધીરથ ની આંખો માં આતુરતા હતી ને રાધા માં ને વૃશાલી ની આંખો માં ભય હતો ....એક માત્ર વૃશાલી ના માતા ચૂપ હતા જાણે આવનારા શબ્દો ને જાણતા હોય એમ......
ક્રમશઃ