8. ગુરુ અને ધ્યાન
ગુરુ ...નાથ કદાચ આ અઘોરી ગુરુના પણ ગુરુ હશે તેમ લાગ્યું. તો તેમણે દેહ છોડતાં પહેલાં કે દેહ છોડ્યા પછી તુરતમાં સૂક્ષ્મ વિચારદેહે અઘોરાને મારા વિશે આજ્ઞા આપી હતી, જે મને અઘોરાએ પાછળથી કહેલું. તે અનુસાર મને નવાઈ લાગે તેવી પણ અઘોરીઓની દુનિયામાં દાખલ થવાની પ્રાથમિક ક્રિયાઓ (induction?) મારી ઉપર તેણે કરેલી.
અઘોરાને મારી દયા આવી હશે એટલે તે પેલી ખોપરીમાંથી જળની આચમની મારી પર છાંટવા આજ્ઞા માંગી રહી. ગુરુજીએ ‘થોભો‘ ની મુદ્રામાં હાથ કર્યો અને કહ્યું,
"હજુ રાત્રી અને દિવસના સંક્રાંતિકાળને વાર છે. બરાબર તે ઘડીએ જ આને જાગૃત કરી શકીશું."
અહીં સવાર ખૂબ વહેલી પડે છે. જલ્દી આ સમય આવી પહોંચે તેવી પ્રાર્થના અર્ધભાનમાં રહ્યે પણ હું કરી શક્યો.
તેમણે અઘોરાને મને અગ્નિકુંડ પાસે સુવાડવા કહ્યું. અઘોરાએ હવે અત્યંત હળવેથી તેમ કર્યું.
તો, થોડા જ સમય પછી, હજુ પરોઢના ૩.૩૦ કે ૪ વાગ્યા હશે, ગુરુજીએ કોઈક જળનાં ટીપાંઓનો મારી પર કોઈ હાડકામાં બોળી છંટકાવ કર્યો. આ જળ તેઓ ક્યાંથી લાવ્યા હશે? તેમનું સ્વમૂત્ર હશે કે અમે જે ઝરણાંના ધોધમાં થઈ આવ્યા તેનું જળ હશે? મને થયું. ખરેખર તો એ કામાખ્યા માતાનું યોનિજળ કહેવાય છે જે આસામના ગુવાહાટી ખાતેનાં કામાખ્યા મંદિરમાં એક ગૌમુખી જેવી જગ્યાએથી ધીમુંધીમું વહેતું રહે છે અને અઘોરી પંથીઓ તેને પોતાની પાસે ગંગાજળની જેમ અલ્પ માત્રામાં રાખી જરૂર પડ્યે વાપરે છે. એ મેં પાછળથી જાણેલું. તેમાં સાચી સ્ત્રીનું યોનિસ્રાવનું જળ ક્યારેક ઉમેરેલું હોય છે એમ પણ કહેવાય છે. (તો અઘોરાના એ સ્રાવનું ટીપું ઉમેર્યું હોઈ શકે? ખબર નથી.) એ જળમાં યજ્ઞની રાખ ઉપરાંત કોઈ રક્ત જેવું પણ ભળેલું લાગ્યું. સિંદૂર કે કંકુ હોય તો એ ગરમ અને આવું જાડું પ્રવાહી ન હોઈ શકે. એ કોઈ પ્રાણીનું રક્ત હોવાની સંભાવના વધુ લાગી.
હવે એ છંટકાવ મારી પર પડતાં જ હું સામાન્ય કદનો સ્વસ્થ માનવ બની ગયો. હું વિચારવા, સમજવા લાગ્યો.
તેમણે શુદ્ધ, સંસ્કૃત જેવા ઉચ્ચારોવાળી હિન્દીમાં મને કહ્યું, “જીવાત્મા, તને ખબર છે તું ક્યાં આવી ચડ્યો છે? અઘોરીઓની દુનિયામાં. જો આ પુણ્યાત્માએ (અઘોરા સામે આંગળી ચીંધતાં) તને બચાવ્યો ન હોત તો તને કોબ્રાથી પણ અનેક ગણો ઝેરી કોઈ સાપ કરડી ગયો હોત, કોઈ અજગરથી પણ મોટો સર્પજીવ તારો ભરડો લઈ કચડીને ખાઈ ગયો હોત કે કોઈ જંગલી પ્રાણીનો કોળિયો બની ગયો હોત. તું ખીણમાં પડતાં જ આ દેહ ત્યાગ કરી ચુક્યો હોત. ઓચિંતો અજાણી જગ્યાએ દેહત્યાગ થવાથી આગળ ગતિ ક્યાં કરવી તે તારા સૂક્ષ્મ દેહને ખબર ન પડત. તું અનેક પ્રેતોની જેમ ભટક્યા કરત અને સવાર પડતાં જ ગીધો તારા સૂક્ષ્મ દેહની નજર સામે તારાં શરીરને ચુંથી નાખત. માટે આભાર માન શ્રી મહાકાળનો અને આ મારી શિષ્યાનો.
હવે મુખ્ય વાત. તું હવે એક અઘોરી છો. તું શું હતો ને શું કરતો હતો તે ભૂલી જા. અહીંથી કોઈ પાછું જઈ શકતું નથી. તું શિવજીના નિરંજન નિરાકાર સ્વરૂપની આરાધના કરતા અઘોરી પંથનો સાધક છે. આજીવન."
ગુરુજીએ અઘોરાને પૂછ્યું "વો સબ ઠીક હુઆ લેકિન જો કામ કે લિએ તું ગઈ થી વો તો બાકી રહા ના?"
અઘોરાએ હા કહી અને તેને જે મુશ્કેલીઓ પડેલી તેની યાદ અપાવી.
ગુરુજીએ કહ્યું કે એ કામ મને જાગૃત કરતાં જ કરવું અને મને સાથે લેવો.
રાત અને દિવસનાં મિલનનો કસ્પ આવી પહોંચ્યો. મને શ્વાસમાં ખૂબ તાજી હવા નાકમાં ગઈ હોય તેમ લાગ્યું. વાતાવરણ એકદમ શાંત હતું. હવે બ્રાહ્મમુહૂર્ત પૂરું થવામાં હતું.
ગુરુએ મારે માથે હાથ મુક્યો. ફરી તેમણે મારાં શરીરનાં ચક્રોને હળવે હાથે દબાણ આપી સ્પર્શ કર્યાં અને મારી પાસે રટણ કરાવ્યું - "સાંબ સાંબ સદા શિવ."
થોડો સમય ગુરુજી મારાં બ્રહ્મરંધ્ર એટલે મસ્તકની ટોચ પર એક ખાસ પોઇન્ટ પર દબાણ આપી એ મંત્ર બોલતા અને મારી પાસે બોલાવતા રહ્યા. પછી હું તે રટતો રહ્યો.
કેટલીયે વાર હું તે રટતો રહ્યો અને એમ કરતાં ઊભોઊભો જ સમાધિમાં ચાલ્યો ગયો.
કેટલો વખત હું એ સમાધિમાં રહ્યો એ ખ્યાલ નથી. ખૂબ લાંબો સમય. શરૂમાં મને મારા શ્વાસ ધીમા પડતા લાગ્યા. પછી ઊભો જ રહેલો તેથી પગો કઠણ લાગવા લાગ્યા. પગ જાણે પત્થરના હોય તેવા લાગ્યા. શરીરમાં મસ્તક તરફથી પગ તરફ વહેતા પ્રવાહનો અનુભવ થયો. એ ગરમ હતો તેનો ખ્યાલ આવ્યો. મારા ધબકારા ખૂબ ધીમા પડેલા એ પણ ખ્યાલ આવ્યો. મારાથી આંખ ખોલાય તેમ નહોતું છતાં એક ક્ષણે આંખ ખોલવા ગયો પણ પોપચાં જ ન ખૂલ્યાં. મને લાગ્યું કે હું એકદમ ઝડપથી નિર્વિચાર થઈ રહ્યો છું.
કોઈએ મને સહેજ દૂરથી સ્પર્શ કર્યો કે તે માત્ર હવાની લહેરખી હતી. આખા શરીરે કોઈ હળવું પીંછું ફરતું હોય તેવો સ્પર્શ થયો અને શરીર એકદમ હળવાશ અનુભવી રહ્યું.
હું એમ તો યોગ શિબિરોમાં યોગ શીખ્યો છું. ધ્યાન પણ મને ફાવે છે. પણ એ દસ પંદર મિનિટ માટે જ હોય. અને એ વખતે આજુબાજુ કોઈ ને કોઈ અવાજ, કોઈ સુગંધ કે ગંધ કાઈંક તો હોય જ. આ પહેલા જ અનુભવમાં મને નિરવ શાંતિ કેવી હોય તેનો અનુભવ થયો. શરીર હવે પીંછાં જેવું હળવું લાગ્યું. મને લાગ્યું કે જાણે જરુર પૂરતા જ મારા શ્વાસ અને ધબકારા ચાલી રહ્યા છે. મારા વિચારો પણ મંદ પડી રહેલા. બસ, એક જ અવાજ, મને મારો પોતાનો સંભળાતો હતો જે હું મનોમન બોલતો હતો - 'સાંબ સાંબ સદા શિવ..'
અજપાજપ એટલે શું તે હવે સમજ્યો. મનમાંથી એ એક જ અવાજ નીકળતો હતો, વિલીન થઈને ફરી એ જ જાપ.
થોડી વારમાં ઓમકાર જેવો અવાજ મારાં સમસ્ત શરીરપિંડમાં ઘૂમી રહ્યો અને એનાં વલયો પણ શાંત થઈ ગયાં.
ગાઢ ઉંઘ થી પણ ઊંડી આ અવસ્થા હતી. ડોકટરો એનેસ્થેસીયા આપે પછી ઓપરેશન દરમ્યાન પેશન્ટની હોતી હશે તે પ્રકારની પણ તેનાથી સાવ અલગ.
ઊંડે ઊંડે મને કોઈ બીજો જ ગેબી અવાજ સંભળાતો હતો. તેનો નાદ નહોતો આ જાપ કે નહોતો ઓમકાર. એકધારો એ અવાજ મારાં શરીરમાં અને આસપાસ ગુંજી રહ્યો હતો. હું પોતે એ વાતાવરણમાં ઓગળી ગયો હતો. હું જ સૃષ્ટિનો એક ભાગ હતો અને મારામાં જ સંપૂર્ણ સૃષ્ટિ હતી.
આમ ને આમ કેટલો વખત આવું ચાલ્યું તે કહી શકું એમ નથી. સમય પણ એક ડાયમેંશન છે. લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ જેવું. હું સમયથી પર હતો.
આ એ ગુરુજીની કૃપા હોય કે સાથે પેલાં ટીપાંના છંટકાવની અસર, ઘણો લાંબો સમય આ ચાલ્યું. ફરી મને એ ગેબી અવાજ સંભળાયો અને એ જ ઊંધા ક્રમમાં જતાં આખરે ગુરૂજીનો અગ્નિ સામે મંત્ર ભણતો પ્રચંડ અવાજ આખી ગુફામાં ગુંજતો સંભળાયો "સાંબ સાંબ સદા શિવ".
હું ધીમેથી જાગૃત થયો અને મેં આંખ ખોલી.
ગુરુજીએ કહ્યું "આપ પ્રથમ પરીક્ષા મેં પાસ હો ગયે. ચલો, અબ મેરી શિષ્યાકે સાથ કામ પર."
અઘોરા મને દોરી ગુફાની બહાર આવી.
ક્રમશ: