હું એક અઘોરી - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું એક અઘોરી - 5

5. વહ કૌન થી?

તરત તે સાધુ ઊભો થઈ ગયો. હવે તેના કપાળમાંથી લોહી નીતરતું હતું. તેની આંખો એકદમ લાલ તો હતી જ, હવે પહોળી થઈ અંધારામાં ચમકતી હતી. તે મને ધક્કો મારી એ સ્ત્રી તરફ જવા પૂરી તાકાત સાથે માથું નીચું કરી વિકરાળ અવાજ કરતો ધસ્યો.

ઓચિંતી તે સ્ત્રી દોડતી આવી, તેણે પાછળથી મારું શર્ટ ખેંચ્યું. આગળ આવી શર્ટ ખેંચીને ઉતારવા ઈશારો કર્યો .

હું કાઈં સમજું તે પહેલાં તેણે જ મારા બટન ખોલવાની રાહ જોયા વગર શર્ટ ત્યાંથી  ખેંચી ફાડીને ઉતાર્યું. તેણે  એ શર્ટ નજીક કોઈ ખાબોચિયા જેવાંમાં એના લેપ જેવા જ કાળા કાદવમાં લપેટ્યું અને કોઈ બે વસ્તુ ઘસી હથેળીથી ફૂંક મારી સળગાવ્યું. તે વેગથી  મને ખેંચી  સાધુઓથી દૂર દોડતી ગઈ અને હનુમાનજીએ લંકા સળગાવી હતી તેમ આખા રસ્તે નજીક નજીક ઊભેલાં ઝાડ તે શર્ટથી સળગાવતી  આગળ દોડતી ગઈ. હું તેની પાછળ.

થોડે જ આગળ જમીનનો અંત આવ્યો. તે જે થડ પર બેઠેલી તે પોતે સાથે ઢસડી આવેલી. થડ મોટું પણ પોલું લાગ્યું.  તે પીપની જેમ ગબડવા લાગ્યું. મેં ટ્રીપોડનો રહ્યોસહ્યો અવશેષ તેને ગબડતું અટકાવવા તેના માર્ગમાં મૂકી દીધો.  પઠ્ઠો સાધુ તેની સાથે અથડાઈ ગબડ્યો હોત પણ તે ત્યાં જ અટકી ગયો. બીજા અમને ઘેરવા દોડતા સાધુઓએ તે સાધુ સામે જોયું.

ઓચિંતી તે મારૂં કાંડું પકડી જમીનના અંત તરફ દોડી અને એકદમ મારી પીઠે પાછળથી લટકી ગઈ અને એટલું જ બોલી, "કૂદી પડો."

"ભગીરથ તેરી ગંગા, ઉતરે હમ નંગા.. સમાલ સમ સમ.. સમાલ સમ સમ.." લગભગ આવું બોલી મને પીઠમાં પગ માર્યો.

મેં સ્કાય ડાઈવિંગ કરતો હોઉં તેમ વિના પેરેશુટ બે હાથ પહોળા કરી નીચે ખીણમાં ખૂબ જ ઊંડે વહેતી નદીમાં ઝુકાવ્યું.

મોટેથી 'છપાક' અવાજ થયો, પાણીની ધાર ખૂબ ઊંચે ઊડી અને અમે બે સીધાં નીચે ખૂબ જ ઊંડાં પાણીમાં ખાબક્યાં.

મેં ઉપર જોયું. નજર પહોંચે ત્યાં સુધી પાણી જ દેખાતું હતું. સપાટી ઉપર જવા મેં વેગથી પગ હલાવવા માંડ્યા. તે પણ મારી પીઠ પાછળ હાથ ભીડી  મને ચીપકીને મારી જેમ જ ઊભી અવસ્થામાં પગ હલાવતી હતી. અત્યારે તો હું પગો સાથે મારા બે હાથ પણ પહોળા કરી પાણીમાં મારવા  લાગ્યો. થોડી વારમાં અમે સપાટી ઉપર આવી ગયાં.

મેં જોયું કે પેલું થડ નદીમાં તરતું હતું અને તેની ઉપર પેલો નગ્ન સાધુ. તેની લાશ હોઈ શકે. અત્યારે તો અમે છૂટાં થઈ તરવાનું ચાલુ રાખ્યું. નદી ખૂબ જ ઠંડી હતી અને અમારે એ તીવ્ર ગતિથી વહેતાં વહેણની જ દિશામાં તરવું પડે એમ હતું. 

મેં થોડા ઊંડા શ્વાસ લીધા અને કાઈંક હિંમત આવતાં ફરી તેને પૂછ્યું "તું કોણ છે? આવાં ભયાનક જંગલમાં એકલી કેમ? અને  પેલાઓ તારો પીછો કેમ કરે છે?"

તે મારી નજીક આવી અને તરતાં તરતાં જ મારા કાન પાસે મોં લાવી બોલી "કહીશ. હમણાં તરવાનું ચાલુ રાખો."

એકાએક તેણે મારી મુંડી નીચે પાણીમાં ડૂબાડી દીધી અને પોતે ઊંડી ડૂબકી મારી. મેં પણ તરત તેનું અનુકરણ કર્યું. નજીકથી પેલું થડ તરતું પસાર થયું. હવે તેની ઉપર કોઈ ન હતું. મેં હાથથી થડ પકડ્યું, તેણે પણ. મને ફરી પાણીમાં ડૂબકી મારવા ઈશારો કર્યો. અમે ડૂબકી મારી આડા પાડી ફરી થોડું તર્યે રાખ્યું અને હવે થડ પકડી હું તેની ઉપર બેસી ગયો, તે પણ હળવેથી મારી પાછળ બેસી ગઈ. મેં પાછળ જોયું તો એક ઓળો અંધારામાં કાંઠે કાંઠે તરતો પરત જઈ રહ્યો હતો. એટલે તેણીને પીછાનો અંદેશો આવી જતાં મને પણ ચેતવ્યો, પોતે પણ છુપાઈ.  

તે પગથી થડને હલેસાં મારવા લાગી. મેં આડા સૂઈ હાથ જોરથી હલાવી થડ સાથે તરવાની ઝડપ વધારી અને અમે એમ ને એમ કદાચ અર્ધો કલાક તરતાં જ્યાં કોઈ ખેતરો અને ગામ જેવું લાગ્યું ત્યાંથી પસાર થયાં. અમે કોઈ પાણી પર ઝળુંબતાં વૃક્ષની ડાળી પકડી નદીમાંથી બહાર આવ્યાં.

અમે એ વિશાળ જળરાશિના કિનારે કિનારે, વહેણની દિશામાં જ તરતાં હતાં. સામે કાંઠે જવું તો અશક્ય હતું. ખૂબ વિશાળ જળરાશિ અત્યંત ઝડપથી વહેતો હતો અને કાંઠાની સાવ પાતળી રેખા પણ દેખાતી નહોતી. માત્ર દૂર કોઈ ટમટમતા પ્રકાશને લીધે ત્યાં સામો કાંઠો હોય અને ત્યાં કોઈ ગામ હોય તેવું અનુમાન કરી શકાય એમ હતું.

અમે બેય અત્યંત ભીનાં હતાં. અમે સંપૂર્ણ નગ્ન હતાં. તેના શરીર ઉપરનો લેપ ધોવાઈ જતાં તેની ચંદ્ર પ્રકાશમાં ચમકતી ગોરી ત્વચા પણ જોઈ શકાતી હતી.

તેણે એક ડાળી તોડી પોતાના નીચેનાં શરીર આડે રાખી એમ લાજ ઢાંકી.

તે કાંઠાની રેતીમાં જ  બે ચાર ઝાડની આડશ મળે તેમ બેસી ગઈ અને ફરી મારે ખભે હાથ મૂક્યો. હાથનું જોર કોઈ પ્રાણીનો પંજો હોય એવું આવ્યું.

"તેં પૂછ્યું કે હું કોણ છું. ખરેખર તો મારે તને એ પૂછવું જોઈએ. પહેલાં હું કહું છું. હું એક અઘોરી સન્યાસિની છું. જે લોકો આપણી, ખાસ તો મારી પાછળ પડ્યા હતા તેઓ પણ અઘોરીઓ છે અને ખૂબ ખતરનાક છે. તેઓ કોઈ પણ રીતે મને તેમની ટોળી માટે ઉપાડી જવા માંગે છે અને મારો હું કહી શકું નહીં તેવો દુરુપયોગ કરવા માગે છે.

મેં તને સાપથી બચાવ્યો એ અમારા માટે રમત વાત છે પણ તેં જે રીતે જીવ સટોસટનો ખેલ ખેલી મને  તે લોકોથી બચાવી એ માટે તારો આભાર માનું એટલો ઓછો.

હવે તું કહે કે તું કોણ છે અને અહીં આવી જગ્યાએ કેવી રીતે આવી ચડ્યો, આ કાળી રાત્રે અહીં શું કરે છે."

મારાથી બધું તો અજાણી અઘોરીને પણ કહેવાય એમ નહોતું. મેં એટલું કહ્યું કે હું સરકાર તરફથી રાષ્ટ્રને ઉપયોગી કોઈ ખાનગી કામે આવેલો અને મોડું થતાં જંગલમાં ભૂલો પડી ગયો છું.

તેણે કહ્યું કે આમેય હું ફસાઈ ગયો છું. એકલો સામા પ્રવાહે તરીને જ્યાંથી શરૂ કર્યું ત્યાં પહોંચી નહીં શકું અને પેલા ખતરનાક અઘોરીઓ જો મળે તો મને જીવતો નહીં રહેવા દે. જંગલી પ્રાણીઓ અને ખુબ ઝેરી સાપ તથા અજગરનો પણ આ જંગલોમાં ભય રહેશે. મારે માટે હાલ પૂરતું કહો કે કાયમી, તેના પંથમાં જોડાઈ અઘોરી બની રહ્યા સિવાય છૂટકો નથી.

મને યાદ આવ્યું કે મારી રિસ્ટવોચ, આઈકાર્ડ સાથેનું પર્સ વગેરે તો ભૂલો પડી ખીણમાં જતો રહી ગયેલો ત્યારે જ ખીણમાં પડી ગયેલાં.

મારું ધ્યાન પડ્યું કે મારી ઉપર તો એક પણ વસ્ત્ર નહોતું. મારાં રહ્યાંસહ્યાં વસ્ત્રો પણ એ લડાઈ અને તે પહેલાં પડવા આખડવામાં ફાટી ગયેલાં.  ઝપાઝપી અને દોડાદોડીમાં મારા  બુટ પણ ફાટી ગયેલા. ઇમરજન્સીની સ્થિતિ આવતાં મારું શર્ટ પણ તેણે ફાડી, ખેંચીને દૂર કરેલ.  હવે હું  અનુભવી  શક્યો કે હું પણ એના જેવો સંપૂર્ણ નગ્ન છું.  બાકી હવે ચંદ્ર વાદળમાં જતો રહેતાં  આ ઘોર અંધારી જગ્યાએ હું મને જ જોઈ શકતો ન હતો. તેણીએ મારો સ્પર્શ કરી ખાત્રી કરાવી કે હું એકલો નથી.

"તેં મને બચાવ્યો એટલે તારી ઋણી છું. ચાલ, તને મારા ગુરુ પાસે લઈ જાઉં. ચિંતા ન કરીશ, અમારો પંથ સારા લોકોનો છે. 

હવે તું મારી જેવો અઘોરી છો." કહી એ ચાલવા લાગી. મારે તેની પાછળપાછળ ગયા વગર છૂટકો ન હતો.

ક્રમશ: