અસ્તિત્વ - ૨૧ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - ૨૧

ડૉક્ટરને ચંપાબેનના મુખેથી આસ્થા અનુરાધાની દીકરી છે એ જાણી થોડું અચરજ તો થયું પણ અત્યારે એમને કઈ પૂછવું યોગ્ય ન લાગ્યું. 

"બેટા! બિલકુલ ચિંતા ન કરીશ અનુરાધાને કોઈ વધુ ઈજા નથી થઈ. ઘા ઉપરના ભાગ પર જ છે, ઊંડે સુધી જખ્મની અસર નથી પહોંચી." આસ્થાને સંબોધીને ડૉક્ટરે કહ્યું.

"તો મમ્મી કેમ હજુ ભાનમાં આવ્યા નથી?  એમને પડ્યા હતા એને અડધી કલાકથી વધુ સમય થયો." આસ્થાએ પોતાના મનમાં ચાલતી ચિંતા જતાવી.

"અનુરાધા કોઈક કારણસર ચિંતામાં હશે! એના લીધે બ્લડપ્રેશરમાં ફેરફાર થવાથી એમને ચક્કર આવ્યા અને એ પોતાનું સંતુલન ગુમાવી બેઠા. સહેજ મૂર્છિત થયા અને એજ સમયે પડી જવાથી એમને લાગ્યું. લોહી વધુ પ્રમાણમાં વહી ગયું આથી બ્લડપ્રેશર ખૂબ ઘટી ગયું. આ કારણે તેઓ બેભાન છે. મેં ઇન્જેક્શન અને બોટલ ચડાવી છે. ધીરે ધીરે એમને બધું જ નોર્મલ થશે એટલે એ અમુક સમયમાં ફરી ભાનમાં આવી જશે." વધુ ચિંતા જેવું કઈ નથી. ડૉ.મનીષે વધુ ચોખવટથી વાત રજૂ કરતા કહ્યું.

આસ્થાએ સહેજ હળવું સ્મિત ડૉ.મનીષ સામે કર્યું. જરૂરી બધી સૂચના અને દવાઓ આપી ડૉક્ટર જતાં રહ્યા.

ચંપાબહેન પણ આસ્થાને કંઇ જરૂર પડે તો બોલાવવાનું કહીને એમનું કામ પતાવવા ગયા. 

આસ્થા હવે એકલી પડી. એ અનુરાધાની બાજુમાં બેઠી. એ અનુરાધાને ધ્યાનથી નિરખી રહી. આસ્થાને અનુરાધાની એક એક વાત યાદ આવવા લાગી. દરેક બાબતમાં એના માટે જે એ કાળજી રાખતી હતી એ બધું જ યાદ આવવા લાગ્યું. અનુરાધા એના દુઃખમાં દુઃખી થઈ જતા એ દરેક ક્ષણ એને યાદ આવી. 

અનુરાધાના લાગણીભર્યા શબ્દો અને મમ્મી જેવી જ આત્મીયતાનો ઉષ્માભર્યો અનુભવ બધું જ એના હૃદયને પ્રેમથી તરબતર કરી રહ્યું. આસ્થા અત્યંત ભાવુક થઈ ગઈ. જેટલું દુઃખ એણે અનુભવ્યું હતું એનાથી અપાર માતાના પ્રેમરૂપી સુખ એની ઝોળીમાં કુદરતે આપ્યું હતું. આસ્થા એટલી લાગણીમાં બંધાઈ ગઈ હતી કે હવે અનુરાધાના સાથ વગરનું જીવન એને કલ્પના માત્રથી કંપાવી રહ્યું હતું. અનુરાધાથી એણે દૂર થવું પડશે તો એ વિચાર માત્ર એને હચમચાવી ગયો. એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા, એ આંસુના ટીપા અનુરાધાના હાથ પર પડ્યા. અનુરાધા આંસુના હૂંફાળા સ્પર્શથી ભાનમાં આવ્યા.

એમને ધીરે ધીરે આંખ ખોલી અને સામે જ આસ્થાનો આંસુવાળો ગમગીન ચહેરો નજર આવ્યો. આસ્થા અને એમની નજર એકબીજાની નજરથી મળી. બંને એકબીજાને અમી નજરે જોઈ રહ્યા. બંનેના મનમાં એક જ ડર હતો, ક્યાંક હવે બંને એકબીજાથી અલગ તો નહી થઈ જાય! એક જેવી જ લાગણી અને એક જેવા જ વિચાર! બંને એક સાથે બોલી ઉઠ્યા, "મારા જીવનમાંથી દૂર તો નહી .."

એકબીજાના મુખેથી એકબીજા માટેના આ શબ્દો સાંભળી બંને અત્યંત ભાવુક થઈ ગયા. બંને એકબીજાને ભેટી પડ્યા. બંનેનું ઉષ્માભર્યું આલિંગન એકબીજાના જીવનમાં બંનેનું કેટલું મહત્વ છે એ જણાવી રહ્યું. પ્રેમનો સેતુ વધુ ગાઢ બન્યો. અમુક મિનિટો બંને આમ જ એકબીજાના સાનિધ્યમાં રહ્યા બાદ બંનેના મન હળવા થયા. બંને એકબીજાથી સહેજ અળગા થયા. 

આસ્થાએ અનુરાધાને પાણી આપ્યું. પાણી પીધા બાદ અનુરાધાએ હવે પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોનાં જવાબ જાણવાના હેતુથી આસ્થાને પૂછ્યું, "બેટા મને એવું લાગે છે કે તને અનિમેષ કોણ અને તારો ભૂતકાળ શું છે એ યાદ આવ્યું. હું શું સાચું સમજું છું?"

"હા મમ્મી!"

"મમ્મી" નું સંબોધન સાંભળીને અનુરાધાને હાશ થઈ. એના મનમાં જે ભય હતો કે,"કદાચ એ મારો સ્વીકાર માતા તરીકે નહી કરે તો??" એ દૂર થયો. 

"બેટા તારું સાચું નામ શું છે? એ અનિમેષ કોણ છે? બેટા જો તું ઈચ્છે તો તું તારો ભૂતકાળ જણાવી શકે છે. હું તારા પર કોઈ દબાણ આવે એવું ઇચ્છતી નથી." સહેજ ધીરા અવાજે અનુરાધાએ પૂછ્યું.

"મમ્મી! મારું નામ રાધિકા છે. હું રાધિકા પ્રવિણભાઇ દિક્ષિત છું. અનિમેષ મારો ભાઈ છે. તે IPS અધિકારી છે." આટલું કહી એ અટકી.

"વાહ દીકરા! તારું નામ પણ તારા મન જેટલું જ સુંદર છે. અનિમેષ તારો ભાઈ છે એ જાણી મને આનંદ થયો. તું ક્યાં રહે છે? તારા મમ્મી પપ્પા કોણ છે?" આતુરતા પૂર્વક અનુરાધાએ પૂછ્યું.

"અમે અમદાવાદના મેઘાણીનગરના વિસ્તારમાં રહીએ છીએ. મારા મમ્મી પપ્પા બંને હું બારમાં ધોરણમાં હતી ત્યારે એક એક્સિડન્ટમાં ગુજરી ગયા. એમના ગુજરી ગયા બાદ હું અને ભાઈ બંને એકલા થઈ ગયા." આટલું તો આસ્થા માંડ બોલી શકી. એના ગળે ડૂમો ભરાઈ ગયો. એનું મન જાણે રડું રડું થઈ ગયું.

આસ્થાની સ્થિતિને જોઈને અનુરાધા તુરંત બોલ્યા, "બેટા હું છું ને! હવે તમે એકલા નથી."

આસ્થાએ તુરંત એક સુંદર સ્મિત આપ્યું. આસ્થાએ આગળ વાત જણાવતા કહ્યું, "બે વર્ષ પહેલા મારા ભાઈને નોકરી મળી. IPS તરીકેની એ ફરજ બજાવી રહ્યો હતો. એ ખૂબ જ મજબૂત મનોબળનો અને સાહસિક વ્યક્તિત્વ ધરાવે છે. એણે મારા માતાપિતાને પણ કહ્યું હતું કે, હું મારું જીવન દેશહિત માટે જ અર્પણ કરીશ. તમે મારી પાસે કોઈ અન્ય અપેક્ષા રાખશો નહી. અને વળી, મારા માતાપિતા પણ ભાઈના આવા શબ્દો સાંભળીને ખૂબ ગર્વ લેતા. બંનેએ ક્યારેય ભાઈ પર કોઈ જાતનું બંધન થોપ્યું નહોતું. ભાઈ નિર્દોષ લોકો અને જેમની સાથે ખોટી રીતે અન્યાય થતો હોય એ સર્વને માટે હંમેશા મદદ કરવા તત્પર રહેતો. ટૂંક સમયમાં જ એનું નામ બધા જ ખોટા કાર્ય કરનાર વ્યક્તિને ખુચવા લાગ્યું. એ લોકોના કાર્ય સરળતાથી થતા હતા, એમાં ભાઈ દ્વારા વિક્ષેપ પડવા લાગ્યો. દાણચોરી, લુંટફાટ, ચોરી, ખૂન,  કેફીદ્રવ્યના વેચાણ, કિશોરીબાળાનું વેચાણ અને વસૂલીના ધંધા જે પણ જગ્યાએ ચાલતા હતા એમાં હવે ભાઈ અડચણ રૂપ બનતો હતો. જે પણ લોકો આ પ્રવૃતિમાં હતા એ બધાના કામમાં ખૂબ વિક્ષેપ પડવા લાગ્યો. બધા ખૂબ ચેતીને કાર્ય કરતા તેમ છતાં પણ કોઈ પકડાય જાય એટલે ભાઈ એને ખૂબ માર મારતો અને એ વ્યક્તિ પાસેથી બધી જ પ્રાથમિક માહિતી ભેગી કરતો હતો. આ બધાની પાછળ કોણ ભાગ ભજવે છે એ વક્તિને પકડવાના સબૂત ભેગા કરવા લાગ્યો.

એક દિવસ પચાસ જેટલી કિશોરી બાળાઓને એની મરજી વિરુદ્ધ ઉઠાંતરી કરી વેચી નાખવાનું કાવતરું ભાઈ દ્વારા પકડાયું. ભાઈએ એ દરેક બાળાઓને સહીસલામત એમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડી. આ સમાચારથી દરેક ન્યૂઝપેપર અને ટીવી ચેનલ પર મારો ભાઈ જ ચમકી ગયો પણ ભાઈને ગુંડાઓ દ્વારા ધાકધમકીઓ આવવા લાગી.

અનુરાધાએ આસ્થાની વાત વચ્ચેથી અટકાવતા કહ્યું, "હા, યાદ આવ્યું. અનિમેષ પી. દીક્ષિત. એ તો ખૂબ જબરજસ્ત વ્યક્તિત્વ ધરાવતા હતા."

"ના મમ્મી! હતા નહી છે. મારો ભાઈ હજુ પણ છે."

"આસ્થા એનું તો ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું છે. એ થોડા મહિના પહેલા તું જ્યારે કોમામાં હતી ત્યારે જ મૃત્યુ પામ્યા." થોડા ગંભીર અને ગમગીન અવાજ સાથે અનુરાધાએ ચોખવટ કરી.

"અરે મમ્મી મેં ભાઈને જોયો. અંબામાઁના મંદિરમાં જ મેં એને જોયો. હું કઈ સમજુ વિચારું બોલું એ પહેલાં જ મને ખૂબ ચક્કર આવવા લાગ્યા અને જ્યારે જાગી ત્યારે હું અહીં હતી. મને બધું જ એક પછી એક યાદ આવવા લાગ્યું. અને ત્યારબાદ જે પણ થયું એ બધું જ તમે જાણો છો."

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻