સમયનું ચક્ર - 1 Hiral Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમયનું ચક્ર - 1

ભાદરવાની સોનેરી સાંજે અમદાવાદના એક શાંત અને વૃક્ષોથી ઘેરાયેલા રસ્તા પરથી અથર્વ પસાર થઈ રહ્યો હતો. આકાશમાંથી સૂરજ આવજો કહેવાની તૈયારીમાં હતો અને પક્ષીઓ પોતાના માળા તરફ પ્રયાણ કરતા હતા. ચોવીસ વર્ષનો અથર્વ આમ તો છેલ્લા બે મહિનાથી દરરોજ આ રસ્તેથી પસાર થતો હતો, પણ ઓફિસના કામના બોજમાં તે એટલો અંદર અને બહારથી ગૂંચવાયેલો રહેતો કે હવે એને લાગી રહ્યું હતું કે જીવનમાં આવી રહેલા ચઢાવ અને ઉતારમાં તે બસ જીવનની લારીને ધક્કાઓ મારી મારીને આગળ ધપાવી રહ્યો હતો! જાણે વર્ષોના ગૂંચવાળાઓને ઉકેલી રહ્યો હોય. 

અચાનક એક અવાજ અથર્વની વિચારમાળાઓને તોડી તેના કાન સુધી પહોંચ્યો. તાળીઓના ગડગડાટ અને ખુશીથી કિકિયારીઓ કરતા લોકોનો સામૂહિક કલરવ! આવી નિર્ભેળ ખુશી આજના આ દોડધામ ભરેલા યુગમાં? અથર્વનું ધ્યાન એ અવાજોની દિશા તરફ વળ્યું. રસ્તાની ડાબી બાજુએ આવેલા એક જૂના પણ વિશાળ ગેટ પર લટકતા બોર્ડ પર લખ્યું હતું "સન્માન ઓલ્ડ એજ હોમ". અથર્વના પગ આપોઆપ એ તરફ વળ્યા, તે ગેટની અંદર પ્રવેશ્યો. સામે એક સુંદર બગીચો હતો અને ત્યાં એક ટેબલની આસપાસ ઘણા બધા વૃદ્ધો ભેગા થયા હતા. સન્માન ઓલ્ડ એજ હોમની એ સાંજ સામાન્ય સાંજ કરતાં થોડી જુદી હતી. અથર્વ નજીક ગયો. એક તરફ કરચલીઓથી ભરેલો, ધ્રૂજતો હાથ ચેસના ઊંટને આગળ વધારી રહ્યો હતો અને સામે તરફ એક યુવાન ઉચાટમાં પોતાના નખને દાંતથી ચાવી રહ્યો હતો. પંદર મિનિટની અત્યંત રોમાંચક અને તણાવભરી રમત પછી, અચાનક એ વૃદ્ધ દાદાએ જોરથી બૂમ પાડી, "ચેકમેટ!" આજુબાજુ ઊભેલા બધા વડીલો એક ક્ષણ માટે ડઘાઈ ગયા પણ તરતજ કોઈકે જીતને વધાવી લેવા થાળી વગાડવાનું શરૂ કર્યું અને સર્વે નાચી ઊઠ્યા. તે વૃદ્ધની આંખોમાં જે ચમક અને સંતોષ હતો, તે કદાચ કરોડો રૂપિયા ખર્ચતા પણ ન જોવા મળે તેવો હતો. 
થોડી વાર પછી જ્યારે ભીડ ઓછી થઈ, ત્યારે અથર્વ પેલા સામી બાજુ બેઠેલા યુવાન પાસે ગયો. અથર્વ કોઈ ગુપ્ત રહસ્ય કળી ગયો હોય તેમ ધીમે રહીને બોલ્યો, "ભાઈ, તમે છેલ્લે જાણીજોઈને હારી ગયા, ખરું ને?"
યુવાનની આંખોમાં નમ્રતા ઊપસી આવી, તેણે નિર્મળ હાસ્ય કરતા કહ્યું, "તમારી વાત સાચી છે. આ દુબેજી છે. એમની જિંદગીની એક જ ઈચ્છા હતી, કે તેઓ ક્યારેક કોઈ ચેસ ટુર્નામેન્ટ જીતે. અહીં કોઈને વધારે ચેસ રમતા આવડતું નથી, એટલે અમે બહારથી જેમને આવડતું હોય તેવા ખેલાડીઓ બોલાવ્યા, આખી ટુર્નામેન્ટ રમવાનું નાટક રચ્યું અને એમને ફાઈનલ સુધી પહોંચાડ્યા. છેલ્લે મેં જાણીજોઈને ભૂલ કરી જેથી તેઓ જીતી શકે" તેણે આંખ મિચકારી. તે ટેબલ અને ખુરશી ઉઠાવવા લાગ્યો, અથર્વ તેમાં જોડાયો. તેણે અથર્વને સહકાર આપતો જોઈ આગળ બોલવાનું ચાલુ રાખ્યું, "એમના પોતાના સંતાનો એમને અહીં છોડી ગયા છે, હવે પૂછતાં પણ નથી. હવે એમની આ નાની ઈચ્છાઓ પૂરી કરવાવાળું કોણ છે? અમારાથી જે બને તે કરી લઈએ છીએ." આ સાંભળીને અથર્વના હૃદયમાં એક અજીબ હલચલ મચી ગઈ. તેણે કુતૂહલવશ સંસ્થા વિશે વધુ પૂછપરછ કરવાનું શરૂ કર્યું. તે યુવકનું નામ વિનમ્ર હતું. તેણે જણાવ્યું કે અહીં રહેતા વડીલો માટે તેઓ આ એક અનોખી પ્રવૃત્તિ ચલાવે છે. દર ૧૫ દિવસે આ વડીલો પોતાના સગા-વહાલા, મિત્રો કે સંતાનોને પત્રો લખે છે. આ પત્રોમાં તેઓ પોતાની જૂની યાદો, અધૂરી ઈચ્છાઓ અને સુખ-દુઃખની વાતો લખે છે. પરંતુ કડવું સત્ય એ છે કે તેમના પરિવાર તરફથી ક્યારેય કોઈ જવાબ આવતો નથી. વડીલો નિરાશ ન થાય તે માટે સંસ્થાની એક ટીમ પોતે જ સગા-વહાલા બનીને આ પત્રોના પ્રેમભર્યા જવાબો આપે છે. આ સાંભળી અથર્વના મનમાં કંઈક ન કળી શકાય એવી લાગણીઓ ઉદ્ભવી ઊઠી. જાણે આ પત્રો તેને ખેંચી રહ્યા હોય. તેણે ભાવુક થઈ તરતજ કહ્યું, "શું હું પણ અહીં આવીને આ પત્રો વાંચવામાં અને તેના જવાબો લખવામાં મદદ કરી શકું?" આ સાંભળી વિનમ્રની આંખોમાં આભાર છલકાયો.

ત્યારબાદ અથર્વનો એક નવો નિયમ બની ગયો. દર પંદર દિવસે પોતાની ઓફિસથી પાછા ફરતા તે કેટલો પણ થાકેલો કેમ ન હોય તો પણ તે સન્માન ઓલ્ડ એજ હોમ પહોંચી જતો. સંસ્થાની ઓફિસના એક નાના રૂમમાં આ પત્રો એકત્રિત કરી રાખવામાં આવતા. આ પત્રોમાં કેટલાએ વણજોયેલા સપનાઓ, કંઈક કરવાનું સાહસ, ન ઉકેલી શકાયેલી લાગણીઓની પ્રતીતિ થતી. શરૂઆતમાં અથર્વને લાગતું કે આ કોઈની 'સિક્રેટ ડાયરી' વાંચવા જેવું પાપ છે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે આ પત્રો જ આ વડીલોની જિંદગીની એકમાત્ર આશા છે. એ પત્રના જવાબની રાહ જોવી અને તેમાં શું લખ્યું હશે તેની ઉત્સુકતા જ તેમને જીવાડતી હતી. અથર્વને જાણવા મળ્યું કે એક સુમિત્રાબા છે. તેઓ દર વખતે પોતાના દીકરાને અમેરિકા પત્ર લખતા અને પૂછતા કે, "બેટા, ત્યાં બહુ ઠંડી હશે નહીં? સ્વેટર બરાબર પહેરજે. તેં મને આ વખતે દિવાળી પર બોલાવવાનું કહ્યું હતું ને? હું મારી બેગ તૈયાર કરીને બેઠી છું." શાહ સાહેબના પત્રોમાં તેઓ પોતાના જૂના બિઝનેસ પાર્ટનરને પત્રો લખીને જૂની ઉઘરાણીઓ અને જૂના હિસાબોની વાતો કરતા, જાણે તેઓ હજુ પણ ઓફિસમાં બેઠા હોય! ભાનુશંકર દાદાના પત્રોમાં ભક્તિ અને શ્રદ્ઘાનો સુમેળ જોવા મળતો. અથર્વ પહેલા થોડા અઠવાડીયા અહીં આવી ફક્ત પત્રો વાંચતો અને અહીંના લોકોએ આપેલા જવાબ જાણતો. તેનું માનવું હતું કે કોઈ એ કીધું છે એટલે પતાવવા માટે કામ કરો એવા ભાવ સાથે કોઈ કામ કરવું નહીં. અને આ તો પત્રો હતા!... માત્ર કાગળના ટુકડા નહીં, પણ વડીલોના શ્વાસ હતા.

પરંતુ આ બધાની વચ્ચે, એક પત્ર એવો આવ્યો જે અથર્વ માટે ઘણો ગૂઢ સાબિત થવાનો હતો. એ પત્ર હતો ૧૦૪ નંબરની ઓરડીમાં રહેતા કપાડિયા સરનો. કપાડિયા સરે હજું સુધી કોઈ પત્ર લખ્યો જ નહોતો, જાણે તેમને અથર્વની જ પ્રતીક્ષા હતી! તેમના પત્રો પણ સામાન્ય પત્ર નહોતા. તેમના પત્રો ફિલસૂફી, વિજ્ઞાન, સમયની ગૂંચવણો અને રહસ્યોથી ભરેલા હતા. તેઓ કોઈ સગાને નહીં, પણ એક અજ્ઞાત મિત્રને પત્ર લખતા. પહેલી વાર જ્યારે એક ભાઈના હાથમાં તેમનો પત્ર આવ્યો ત્યારે શું પ્રતિક્રિયા આપવી એ તેમને ન સમજાતા તેમણે આ પત્ર અથર્વને સરકાવી દીધો. "અથર્વ તમે સાયન્સ રિસર્ચ કંપનીમાં કામ કરો છો ને, આમાં તમને ગમે તેવો વિષય છે." અને અથર્વએ કપાડિયા સરના પત્રો વાંચી જવાબો આપવાનું શરૂ કર્યું... ધીમે ધીમે આ પત્રવ્યવહાર એટલો ગાઢ બની ગયો કે અથર્વ માત્ર કાપડિયા સરના પત્રોની જ રાહ જોતો. અથર્વ કપાડિયા સરને ક્યારેય રૂબરૂ મળ્યો નહીં કારણ કે આ વ્યવહારનો નિયમ હતો કે પત્ર લખનાર વડીલો અને જવાબ આપનાર વોલન્ટિયર્સ સામસામે ન મળે તેમાંજ બંને પક્ષની ભલાઈ છે, જેથી પત્રોમાં કોઈ પક્ષપાત ન રહે અને સાતત્ય જળવાઈ રહે..

એક દિવસ, અથર્વ ઓફિસનું કામ ઘણું હોવાથી, કાપડિયા સરનો પત્ર ઓલ્ડ એજ હોમમાંથી વાંચ્યા વગર પોતાની સાથે ઘરે લઈ આવ્યો. પણ તેને ક્યાં ખબર હતી કે આ એક એવો પત્ર હતો જે તેની આખી જિંદગી બદલી નાખવાનો હતો. એ પત્રમાં લખેલી વાતો અજીબ હતી. પત્રમાં લખ્યું હતું:
"પ્રિય મિત્ર, આજે હું તને મારા ભૂતકાળની એક વાત કહેવા માંગુ છું. વર્ષો પહેલાં મેં એક બહુ મોટી ભૂલ કરી હતી. મારી ઓફિસના કામની વ્યસ્તતામાં અને એક ક્વોન્ટમ થિયરીના રિસર્ચ પેપર પાછળ દોડતા, મેં મારી માની છેલ્લી ક્ષણો ગુમાવી દીધી હતી. એ દિવસે ૨૮મી સપ્ટેમ્બર હતી, રાત્રે બરાબર દસ વાગ્યે મને હોસ્પિટલથી ફોન આવ્યો હતો પણ હું મીટિંગમાં હતો. આજે પણ સમયનો એ ડંખ મને કોરી ખાય છે." અથર્વના હાથમાંથી પેન સરી પડી. તે પેન લેવા નીચે ઝૂક્યો, તેની નજર અચાનક ઘડિયાળ પર પડી સાડા નવ થવા આવ્યા હતા. તેની મિટિંગનો સમય થઈ રહ્યો હતો. તેણે લેપટોપ ઓન કર્યું...હજી તો પત્રમાં શું લખ્યું છે તે સમજવાની કોશિશ કરે ન કરે કે સામે સ્ક્રીન પર કોલ માટે કનેક્ટ થવાનું નોટિફિકેશન આવ્યું. અને બરાબર રાત્રે દસ વાગ્યે અથર્વના ફોનની રિંગ વાગી. હોસ્પિટલમાંથી ફોન હતો કે તેની માતાની તબિયત અચાનક બહુ બગડી છે. અથર્વનું ધ્યાન લેપટોપની સ્ક્રીન પર દેખાતા ઘડિયાળ પર ગયું '૨૮મી સપ્ટેમ્બર!' પત્રમાં આજની જ તારીખ હતી!!! અથર્વ સ્તબ્ધ થઈ ગયો! શું તેણે તરતજ હોસ્પિટલમાં જવું?... શું તેણે કપાડિયા સરનાં આ પત્રના જવાબમાં પૂછવું કે આ બધું શું છે?... કે તેમની પાસે પ્રત્યક્ષ જઈને જાણવું? શું આ બધું એને ફસાવા માટેનું કોઈ ષડયંત્ર નથી ને? અથર્વ હવે ધર્મસંકટમાં પડ્યો...

અથર્વ ઉશ્કેરાટમાં હતો, "ભાઈ, મારે ગમે તેમ કરીને કપાડિયા સરને અત્યારે જ મળવું છે. આ પત્ર કોઈ સામાન્ય પત્ર નથી, મારું તેમને હમણાં જ મળવું જરૂરી છે." કાઉન્ટર પર બેસેલા ભાઈએ અથર્વની આંખોમાં ગભરાટ જોયો અને, "હું હેડ કેરટેકરને તમારા આવવાની જાણ કરું, થોડું થોભો!" કહી તે ફોન કરવા લાગ્યો. અથર્વના મનમાં આ થોડા સમયમાં કેટલાય વિચાર વંટોળ ચાલી રહ્યા અને તેને અંતે રૂમ નંબર ૧૦૪ તરફ જવાની પરવાનગી મળી.

અથર્વ ઉતાવળમાં મોટા મોટા ડગલા ભરી રૂમ નંબર ૧૦૪ પાસે પહોંચ્યો. આખું ઓલ્ડ એજ હોમ શાંતિની ચાદર ઓઢી ઊંઘી રહ્યું હતું. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો, જાણે તેની જ રાહ જોવાતી હોય એમ થોડો ધક્કો લાગતાં જ દરવાજો ખુલી ગયો. રૂમમાં એક વિચિત્ર ઠંડક હતી. ઝાંખા બલ્બનાં પ્રકાશમાં પણ રૂમમાં ચારેય તરફ લગાવેલા ગણિતના સમીકરણો, બ્લેકબોર્ડ પર દોરેલા સ્પેસ-ટાઇમના ગ્રાફ્સ અથર્વની નજર બહાર ન રહ્યા. પલંગની બાજુના ટેબલ પર મૂકેલું ચેસ બોર્ડ અને ખુરશી પર પીઠ ફેરવીને બેઠાલા કપાડિયા સર!
"આવ અથર્વ, હું તારી જ રાહ જોતો હતો," કપાડિયા સરે પાછળ જોયા વગર જ કહ્યું. તેમનો અવાજ ગંભીર અને અત્યંત પરિચિત લાગતો હતો.
અથર્વ આશ્ચર્યચકિત થઈ ગયો, "સર, તમે મારું નામ કેવી રીતે જાણો છો? અને પત્રમાં લખેલી એ ૨૮મી સપ્ટેમ્બરની વાત?!..."
કપાડિયા સર ધીમેથી ખુરશી ફેરવીને ઊભા થયા. જ્યારે તેમનો ચહેરો પ્રકાશમાં આવ્યો, ત્યારે અથર્વના હોશ ઊડી ગયા. કપાડિયા સરના ચહેરા પરની કરચલીઓ, તેમના સફેદ વાળ અને તેમની આંખો... એમનો ચેહરો અદ્ભુત રીતે અથર્વના ચહેરાને મળતો આવતો હતો! જાણે અથર્વ પોતે જ ૫૦ વર્ષ મોટો થઈને તેની સામે ઊભો હોય!
કપાડિયા સર હસ્યા. તેમણે ટેબલ પર પડેલી જૂની ડાયરી બતાવી, જેના પર સોનેરી અક્ષરોમાં લખ્યું હતું: "અથર્વ કપાડિયા".
અથર્વ એક ઝટકા સાથે પાછળ હટ્યો, "આ... આ કેવી રીતે શક્ય છે? તમે કોણ છો?" કપાડિયા સરે ઈશારો કરી અથર્વને પલંગ પર બેસવા કહ્યું અને શાંતિથી બોલવા લાગ્યા, "અથર્વ, તું જેને સાદો પત્ર સમજે છે, તે ખરેખર એક 'ક્વોન્ટમ પત્ર' છે. ભવિષ્યના વર્ષ ૨૦૭૬માંથી મોકલેલો! મેં અગાધ રિસર્ચ પછી એક અનોખી ટેકનોલોજી વિકસાવી, જે સમાંતર બ્રહ્માંડ (Parallel Universe) ના રસ્તે સ્પેસ-ટાઈમ ફેબ્રિકને ચીરીને ભૂતકાળમાં પત્ર મોકલી શકે. હું જ તારું ભવિષ્ય છું, અથર્વ."

અથર્વને આ વાક્યો પચાવવામાં થોડો સમય ગયો..પણ તેના માટે આ બધી વાતો કંઈ નવી નહોતી. તે સાયન્સ રિસર્ચ કંપનીમાં હતો અને તેના માટે ક્વોન્ટમ ફિઝિક્સ, સમાંતર બ્રહ્માંડ આ બધું સામાન્ય હતું, પણ આ તેની સાથે થઈ રહ્યું હતું એ હજું માનવામાં ન હતું આવતું. ધ્રૂજતા અવાજે તે બોલ્યો, "પણ... જો તમે... ભવિષ્ય છો, તો આ પત્ર... મને ચેતવવા કેમ મોકલ્યો? મારી... મા...?"
કપાડિયા સરે નિસાસો નાખ્યો, "એ જ તો ક્વોન્ટમ પેરાડોક્સ છે! યુવાનીમાં મેં મીટિંગ ખાતર માની છેલ્લી ક્ષણો ગુમાવી દીધી. એ પસ્તાવો મિટાવવા માટે મેં આ પત્ર તને મોકલ્યો જેથી તું અત્યારે જ હોસ્પિટલ દોડી જાય અને ઈતિહાસ બદલી નાખે! પણ વિજ્ઞાનનો નિયમ છે કે સમય ક્યારેય સીધી રેખામાં નથી ચાલતો. જે ક્ષણે મેં તને પત્ર મોકલ્યો, સમય સીધો વહેવાને બદલે એક અનંત ટાઈમ લૂપ બની ગયો!". અથર્વ એક ક્ષણ કંઈક વિચારી અટકી બોલ્યો, "મતલબ?!..."
"મતલબ એ જ કે જો તું આ પત્ર વાંચીને હોસ્પિટલ જાય અને માનો જીવ બચાવી લે, તો તારી જિંદગીમાં ક્યારેય આ પસ્તાવો રહેશે જ નહીં કે તે તારી મા ની અંતિમ ક્ષણો ગુમાવી.. અને જો પસ્તાવો નહીં હોય, તો તું ભવિષ્યમાં ક્યારેય ટાઈમ ટ્રાવેલ પર આટલું મોટું રિસર્ચ નહીં કરે અને ક્યારેય આ પત્ર ભૂતકાળમાં મોકલીશ જ નહીં! અને જો તું પત્ર નહીં મોકલે, તો ભૂતકાળનો અથર્વ ક્યારેય હોસ્પિટલ નહીં જાય કારણકે તે મિટિંગ ને મહત્વ આપશે! એટલે કે મા ફરી મૃત્યુ પામશે!" કપાડિયા સરે એક ઊંડો નિશ્વાસ લેતા આગળ ઉમેર્યું, "મતલબ, આપણે સમયના એક એવા ચક્રવ્યૂહમાં કેદ થઈ ગયા છીએ જ્યાં દર ૫૦ વર્ષે આ વાર્તા રિપીટ થાય છે. તું જ ભવિષ્યનો કપાડિયા સર છે અને હું જ ભૂતકાળનો અથર્વ!"

અથર્વ સ્તબ્ધ થઈને પોતાની જ ભવિષ્યની આંખોમાં જોઈ રહ્યો...રૂમની ઘડિયાળમાં રાતના બરાબર ૧૨ ના ટકોરા પડ્યા, અને સમય જાણે ક્ષણભર માટે થંભી ગયો. તે સમજી ગયો હતો કે તે વર્ષોનાં ગૂંચવાળાઓ અને થાક કોઈ બીજાના નહીં, પણ સમયના અનંત ગર્ભમાં કેદ પોતાની જ કરેલી ભૂલોના છે! 
તે એક અટ્ટહાસ્ય સાથે બોલ્યો, "હું પોતાના જ પત્રોનો ઉત્તર પોતે આપી રહ્યો હતો!!!"

(ક્રમશ)