૨૪ કલાક આગળ - ભાગ 1 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૪ કલાક આગળ - ભાગ 1

સવારનો કૂમળો તડકો સોસાયટીના ગેટ પાસે આવેલા મૈત્રીના ઘરની અગાસી પરથી સરકીને રસોડાની બારીમાંથી અંદર ડોકિયું કરી રહ્યો હતો. ગેસ પર ઉકળી રહેલી આદુ અને ઈલાયચીવાળી ચાની સુગંધ આખા ઘરમાં એક તાજગી ભરી રહી હતી. મૈત્રીના હાથમાં પહેરેલી કાચની બંગડીઓનો રણકાર રસોડાના વાસણોના અવાજ સાથે ભળીને એક મીઠું સંગીત ઊભું કરતો હતો. લગ્નને હજુ માંડ છ મહિના થયા હતા, પણ મૈત્રીએ આ ઘરને એવી રીતે અપનાવી લીધું હતું કે જાણે એ જન્મથી જ આ જ દિવાલો વચ્ચે ઉછરી હોય.
"મૈત્રી... મારી બ્લુ શર્ટ ક્યાં છે?" બેડરૂમમાંથી મોહનનો અવાજ આવ્યો.
મૈત્રી હળવું મલકાઈ. ગેસ ધીમો કરીને એ બેડરૂમ તરફ ગઈ. કબાટમાંથી ઇસ્ત્રી કરેલો શર્ટ કાઢીને મોહનના હાથમાં આપતા એણે પ્રેમથી કહ્યું, "તમારી આંખો સામે જ હતો, પણ તમારું ધ્યાન તો કાયમ બીજે જ હોય છે."
મોહને શર્ટ લેતી વખતે હળવેથી મૈત્રીનો હાથ પકડી લીધો અને એને પોતાની તરફ ખેંચી. "મારું ધ્યાન તો ફક્ત તારામાં જ હોય છે મૈત્રી. બેંકમાં કેશ કાઉન્ટર પર બેઠો હોઉં ત્યારે પણ નોટોમાં તારો જ ચહેરો દેખાય છે."
"રહેવા દો હવે, આ મસ્કા મારવાનું બંધ કરો અને જલ્દી તૈયાર થાઓ, બેંક જવામાં મોડું થશે." મૈત્રીએ કૃત્રિમ ગુસ્સો બતાવતા પોતાનો હાથ છોડાવ્યો, પણ એના ગાલ પર આવેલી શરમની લાલાશ મોહનથી છુપી ન રહી. બંને વચ્ચેનો આ નિર્દોષ પ્રેમ અને રોમાન્સ એમના દાંપત્યજીવનની સૌથી સુંદર મૂડી હતી.
"અરે ભાઈ, રોમાન્સ પછી કરજો, પહેલા મને મારો નાસ્તો આપો ભાભી, પ્રેસમાં આજે બહુ કામ છે!" ડાઈનિંગ ટેબલ પરથી રાહુલનો અવાજ ગુંજ્યો.
રાહુલ, મોહનનો નાનો ભાઈ. શહેરના એક જાણીતા ન્યૂઝ પેપરમાં પત્રકાર તરીકે કામ કરતો હતો. મૈત્રી માટે એ દિયર ઓછો અને એક નાના ભાઈ કે એક પાકા દોસ્ત જેવો વધારે હતો. મૈત્રી તરત રસોડામાં ગઈ અને ગરમાગરમ પૌંઆની પ્લેટ રાહુલ સામે મૂકી.
"રાહુલ, તું ધીમે ધીમે ખા બેટા, ઉતાવળમાં ગળે અટવાઈ જશે." રાધાબેન પોતાના રૂમમાંથી ભગવાનની પૂજા કરીને બહાર આવ્યા. રાધાબેન એટલે મૈત્રીના સાસુ. પણ મૈત્રીએ એમને ક્યારેય સાસુ નહોતા માન્યા, અને રાધાબેને મૈત્રીને ક્યારેય વહુ નહોતી માની. ઘરમાં બંને વચ્ચેનો સંબંધ એક સગી મા-દીકરી જેવો હતો. મૈત્રીએ ચાનો કપ રાધાબેન સામે મૂક્યો એટલે રાધાબેને એના માથે હાથ ફેરવ્યો, "મારી દીકરી સવારની કામમાં લાગી ગઈ છે, તેં ચા પીધી કે નહીં?"
"હા મમ્મી, હું પી લઉં છું, તમે શાંતિથી ચા પીઓ." મૈત્રીએ સ્મિત આપતા કહ્યું. આ પરિવાર એકદમ સામાન્ય, મધ્યમવર્ગીય પણ અઢળક પ્રેમ અને લાગણીઓથી ભરેલો હતો.
બધાને જમાડી, મોહન અને રાહુલને પોતપોતાના કામે વળાવીને મૈત્રી પોતાની તૈયારીમાં લાગી. એ નજીકની જ એક પ્રાઈવેટ શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. ઘર સોસાયટીના ગેટ પાસે જ એટલે બસ પકડવા માટે બહુ દૂર જવું ન પડે.
મૈત્રી તૈયાર થઈને, પોતાની હેન્ડબેગ ખભે ભરાવીને ઘરની બહાર નીકળી. રસ્તા પર સવારની ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. સ્કૂલ બસો, નોકરીએ જતા લોકોના વાહનોની ભીડ અને હોર્નનો અવાજ. મૈત્રી ફૂટપાથ પર ચાલી રહી હતી. એના મનમાં સ્કૂલના બાળકોના લેસન અને આજે ભણાવવાના વિષયો ચાલતા હતા.
ત્યાં જ અચાનક... કિચ્ચડડડ... ધડામ!
એક જોરદાર અવાજ આવ્યો. મૈત્રીની નજર અવાજની દિશામાં ગઈ. સોસાયટીના ગેટથી થોડે દૂર ચાર રસ્તા પાસે એક ભીડ જમા થવા લાગી હતી. એક બાઈકવાળો પૂરઝડપે આવ્યો હતો અને રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. મૈત્રીના પગમાં જાણે પૈડાં લાગી ગયા. એ દોડીને ત્યાં પહોંચી.
દ્રશ્ય જોઈને એના હૃદયમાં કંપારી છૂટી ગઈ. ૭૦-૭૫ વર્ષના એક વૃદ્ધ કાકા રસ્તાની વચ્ચે પડ્યા હતા. એમના હાથમાં રહેલી સફેદ લાકડી થોડે દૂર પડી હતી, અને એમના જાડા કાચના ચશ્મા તૂટી ગયા હતા. કાકા પ્રજ્ઞાચક્ષુ (અંધ) હતા. એમના ઘૂંટણ અને કોણીમાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ પીડાથી કણસી રહ્યા હતા.
આસપાસ તમાશો જોનારી ભીડ ઊભી હતી. કોઈ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યું હતું, તો કોઈ મોટે મોટેથી બાઈકવાળાને ગાળો આપી રહ્યું હતું, પણ કોઈ એ વૃદ્ધને ઊભા કરવાની તસ્દી લઈ રહ્યું નહોતું. આજનો આધુનિક સમાજ, જે સંવેદનાઓ ભૂલીને માત્ર સોશિયલ મીડિયાના વ્યુઝ પાછળ ભાગી રહ્યો છે, એ જોઈને મૈત્રીને ભારે ચીડ ચઢી.
"તમે લોકો શું જોઈ રહ્યા છો? કોઈ મદદ તો કરો!" મૈત્રીએ ગુસ્સામાં બૂમ પાડી અને પોતાની બેગ રસ્તાની બાજુમાં મૂકીને તરત જ કાકા પાસે બેસી ગઈ.
"કાકા, તમને બહુ વાગ્યું તો નથી ને? તમે ચિંતા ન કરો, હું છું." મૈત્રીએ ખૂબ જ હળવાશથી એમના ખભા પર ટેકો આપીને એમને બેઠા કર્યા. પોતાનો દુપટ્ટો ફાડીને એણે કાકાના ઘૂંટણ પર બાંધી દીધો જેથી લોહી વહેતું અટકે.
ત્યાં ઊભેલા એક યુવાનને શરમ આવી એટલે એણે આગળ વધીને મૈત્રીની મદદ કરી. મૈત્રીએ તરત જ રિક્ષા ઊભી રખાવી અને કાકાને લઈને નજીકના ક્લિનિકમાં પહોંચી. ડોક્ટરે કાકાના ઘા સાફ કર્યા, પાટાપીંડી કરી અને દુખાવાની દવા આપી.
જ્યારે કાકા થોડા સ્વસ્થ થયા, ત્યારે મૈત્રી એમની પાસે બેઠી. એણે કાકાને પાણી પીવડાવ્યું. કાકાના ચહેરા પર એક અજીબ પ્રકારની શાંતિ હતી. એમની આંખો ભલે જોઈ શકતી નહોતી, પણ એમનો ચહેરો જાણે બધું જ સમજી રહ્યો હોય એવો તેજસ્વી હતો.
કાકાએ પોતાનો ધ્રુજતો હાથ આગળ કર્યો. મૈત્રીએ પોતાનો હાથ એમના હાથમાં આપ્યો. કાકાએ એના માથા પર હાથ મૂક્યો અને એકદમ ઊંડા, ગંભીર અને રહસ્યમય અવાજમાં કહ્યું,
"બેટા, તું બહુ પ્રેમાળ દીકરી છે. આજના સ્વાર્થી જમાનામાં કોઈ પારકા માટે આટલી હમદર્દી નથી બતાવતું. ભગવાને તારું હૃદય બહુ પવિત્ર બનાવ્યું છે. જા, મારા તને આશીર્વાદ છે... તને બધી જ ખબર એક દિવસ પહેલાં મળી જશે."
મૈત્રીને કાકાના આ શબ્દોમાં કંઈ સમજ ન પડી. 'એક દિવસ પહેલાં ખબર મળી જશે?' એનો અર્થ શું? એણે વિચાર્યું કે કદાચ કાકા કોઈ ધાર્મિક વાત કરી રહ્યા હશે અથવા મોટી ઉંમરને કારણે કંઈક અગડમ-બગડમ બોલી ગયા હશે. મૈત્રીએ માત્ર હસીને એમના આશીર્વાદ માથે ચડાવ્યા. કાકાને એમના ઘરે પહોંચાડવા માટે વ્યવસ્થા કરી આપી અને પોતે મોડી પડી હોવાથી ઝડપથી સ્કૂલ તરફ રવાના થઈ ગઈ.
એ આખો દિવસ સામાન્ય જ રહ્યો. સાંજ પડી, મૈત્રી ઘરે આવી. રાત્રે મોહન સાથે જમતી વખતે એણે કાકાના એક્સીડન્ટની વાત કરી.
"તમે પણ ખરા છો મૈત્રી, લોકોની મદદ કરવી સારી વાત છે, પણ આજેકાલ જમાનો ખરાબ છે. ક્યારેય કોઈ પોલીસ કેસમાં ન ફસાઈ જવાય એનું ધ્યાન રાખવું." મોહને પ્રેક્ટિકલ બનીને સલાહ આપી.
"અરે મોહન, એ બિચારા અંધ કાકા હતા. એમને રસ્તા પર તરફડતા કઈ રીતે મૂકી દેવાય? અને હા, એમણે તો મને આશીર્વાદ પણ આપ્યા કે મને બધું એક દિવસ પહેલા જ ખબર પડી જશે!" મૈત્રીએ હસતા હસતા વાત પૂરી કરી.
રાહુલ ડાઈનિંગ ટેબલ પર પાણી પીતો હતો, એ પણ હસી પડ્યો, "અરે વાહ ભાભી! તો તો જરા જોઈને કહો કે આવતા મહિને મારી પ્રમોશનની ફાઈલ પાસ થશે કે નહીં? બધું એક દિવસ પહેલા જ ખબર પડવાની છે તો સેન્સેક્સના આંકડા પણ જણાવી દેજો, આપણે કરોડપતિ થઈ જઈશું!"
આખું ઘર ખડખડાટ હસી પડ્યું. મૈત્રી પણ હસી અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. એ રાત પણ એકદમ સામાન્ય રીતે પસાર થઈ ગઈ. કોને ખબર હતી કે બીજી સવાર મૈત્રીના જીવનમાં એક એવું તોફાન લઈને આવવાની છે, જેની કલ્પના કોઈ વિજ્ઞાન કે તર્ક પણ ન કરી શકે!
બીજા દિવસની સવાર.
રોજિંદો ક્રમ શરૂ થયો. ચા બની, નાસ્તો થયો. મોહન બેંક જવા માટે નીકળી ગયો અને રાહુલ પોતાની પ્રેસની ઓફિસે જવા રવાના થયો. રાધાબેન પૂજાપાઠ પૂરા કરીને પડોશમાં રહેતા કંચનમાસી સાથે સત્સંગમાં બેસવા જતા રહ્યા. મૈત્રીને સ્કૂલે જવાનો સમય હજુ બાકી હતો. ઘરનું બધું કામ પતાવીને એ હોલમાં સોફા પર બેઠી.
એની નજર ટીપોય પર પડેલા છાપા પર ગઈ. રોજ સવારે ન્યૂઝ પેપર નાખવાવાળો ગેટ પરથી જ છાપું ફેંકી જતો, જે સીધું વરંડામાં પડતું. મોહનને સવારે ઉતાવળ હોય એટલે એ છાપું વાંચતો નહીં, અને રાહુલ તો ખુદ પ્રેસમાં જ કામ કરતો એટલે એને છાપાના સમાચારો પહેલાથી જ ખબર હોય. રાધાબેનને દુનિયાદારીના સમાચારોમાં કોઈ રસ નહોતો. એટલે ઘરમાં જો કોઈ શાંતિથી છાપું ખોલતું હોય, તો એ માત્ર મૈત્રી જ હતી.
મૈત્રીએ હળવાશથી છાપાની ગડી ખોલી. પહેલું પાનું ફેરવ્યું. મોટા કાળા અક્ષરોમાં એક હેડલાઈન છપાયેલી હતી.
“શહેરના SM મેગા મોલમાં ભીષણ આગ: ચોથા માળે ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભડકી, ૮ થી ૧૦ લોકોના શ્વાસ રૂંધાવાથી કરૂણ મોત, ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે.”
મૈત્રીએ આ સમાચાર વાંચ્યા અને એના ચહેરા પર એક ગમગીની છવાઈ ગઈ. "હે ભગવાન! બિચારા નિર્દોષ લોકો... કેટલું મોટું નુકસાન થયું છે." એણે મનમાં જ પ્રાર્થના કરી. એ SM મેગા મોલ એમના ઘરથી માંડ એકાદ કિલોમીટર દૂર જ હતો. મોહન અને મૈત્રી દર રવિવારે ત્યાં જ ફિલ્મ જોવા અને શોપિંગ કરવા જતા હતા.
એણે પાનું ફેરવ્યું અને ત્રીજા પાના પર લોકલ શહેરના સમાચાર વાંચવા લાગી. ત્યાં એક બીજો સમાચાર હતો.
“૧૫ વર્ષના સગીર વયના છોકરાનો કાર સાથે આતંક: પૂરઝડપે કાર ચલાવીને સોસાયટીના ગેટ અને ત્રણ-ચાર દુકાનોનો કચ્ચરઘાણ વાળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.”
વાંચતા વાંચતા મૈત્રીની નજર ફોટા પર ગઈ. અને એના શ્વાસ એક પળ માટે થંભી ગયા. ફોટામાં જે સોસાયટીનો ગેટ તૂટેલો દેખાતો હતો, એ એની પોતાની જ સોસાયટીનો ગેટ હતો! અને બાજુમાં જે પાનની અને કરિયાણાની દુકાનોના શટર તૂટેલા હતા, એ પણ એના ઘરની બાજુની જ દુકાનો હતી.
"આ શું? આપણી સોસાયટીમાં એક્સીડન્ટ થયો? અને મને ખબર પણ ન પડી?" મૈત્રી વિચારમાં પડી ગઈ. ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધી એ ઘરમાં જ હતી. જો ગેટ પાસે આટલો મોટો અકસ્માત થયો હોય તો એને અવાજ કેમ ન આવ્યો? કદાચ મોડી રાત્રે બન્યું હશે જ્યારે બધા ગાઢ ઊંઘમાં હશે. એણે પોતાને જ સમજાવી.
એણે હજુ આગળ વાંચવાનું શરૂ જ કર્યું હતું ત્યાં એક નાનકડી ખબર પર એની નજર અટકી.
“પડોશી ધર્મ લજવાયો: ચાર માસૂમ બાળકો અને પતિને નોંધારા મૂકીને પત્ની પોતાના પ્રેમી સાથે ફરાર. પોલીસ તપાસ શરૂ.”
મૈત્રીએ નીચે વિગતો વાંચી. એમાં લખ્યું હતું કે આ બનાવ પણ એમની જ સોસાયટીનો છે અને એ સ્ત્રીનું નામ ‘સુધા’ છે.
સુધા! મૈત્રીના હાથમાંથી છાપું સરકી ગયું. સુધા તો એમની બરોબર સામેના ઘરમાં જ રહેતી હતી. કાલે સાંજે તો સુધા એની પાસેથી મિક્સરની વાટકી માંગવા આવી હતી અને એકદમ નોર્મલ વાત કરતી હતી. એના ચાર નાના નાના બાળકો તો ગઈકાલે પણ શેરીમાં રમતા હતા. સુધા આવું પગલું ભરે? અને રાતોરાત ભાગી પણ ગઈ?
મૈત્રીનું દિમાગ ચકરાવે ચઢ્યું. આટલી બધી મોટી ઘટનાઓ એની આસપાસ બની ગઈ અને એને કશી જ ખબર નથી? એ ઉભી થઈ. બારી ખોલીને સામે સુધાના ઘર તરફ જોયું. સુધાના ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદરથી વાસણ ઘસવાનો અવાજ આવતો હતો. મૈત્રીને નવાઈ લાગી. એણે બહાર વરંડામાં આવીને જોયું તો સુધા સાવરણી લઈને પોતાનું આંગણું વાળી રહી હતી!
"સુધાભાભી?" મૈત્રીથી અચાનક બોલાઈ ગયું.
"હા મૈત્રી, કેમ સવાર સવારમાં? સ્કૂલે જવાનું મોડું નથી થતું?" સુધાએ સાવ નોર્મલ રીતે પૂછ્યું.
મૈત્રી અવાક રહી ગઈ. સુધા તો અહીં જ છે! તો પછી છાપામાં એના ભાગી જવાના સમાચાર કેમ છપાયા છે?
એણે તરત ગેટ તરફ જોયું. સોસાયટીનો વિશાળ લોખંડનો ગેટ એકદમ અડીખમ ઉભો હતો. બાજુની દુકાનો પણ વ્યવસ્થિત રીતે ખુલી ચૂકી હતી. કોઈ જ એક્સીડન્ટના નિશાન નહોતા. કોઈ કાર ઘૂસી નહોતી. બધું જ એકદમ સામાન્ય હતું.
મૈત્રી દોડીને પાછી ઘરમાં ગઈ. એણે ટીપોય પરથી ધ્રુજતા હાથે છાપું ઉપાડ્યું. એણે ધ્યાનથી તારીખ જોઈ.
એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના આખા શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું. છાપામાં આજની તારીખ નહોતી... એમાં આવતીકાલની તારીખ છપાયેલી હતી!
"આ... આ કેવી રીતે શક્ય છે?" મૈત્રી જોરથી શ્વાસ લેવા લાગી. આવતીકાલનું છાપું આજે કઈ રીતે આવી શકે? અને જો આ આવતીકાલનું છાપું છે, તો એનો મતલબ કે આ જે પણ ઘટનાઓ અંદર છપાયેલી છે... એ ગઈકાલે બની નથી, પણ... પણ એ... આવતીકાલે બનવાની છે!
એને તરત જ પેલા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ કાકાનો અવાજ કાનોમાં ગુંજવા લાગ્યો...
“બેટા... તને બધી જ ખબર એક દિવસ પહેલાં મળી જશે.”
મૈત્રી સોફા પર ફસડાઈ પડી. આ કોઈ મજાક હતી કે સત્ય? શું ખરેખર એના હાથમાં જે કાગળ છે એ ભવિષ્યનો દસ્તાવેજ છે? એણે તરત પોતાનો મોબાઈલ લીધો અને મોહનને કોલ લગાવ્યો.
"હા મૈત્રી, બોલ. હું બેંકમાં પહોંચી ગયો છું." મોહનનો અવાજ આવ્યો.
"મોહન... અહીંયા... આ છાપું... આમાં..." મૈત્રીના અવાજમાં ગભરાહટ અને ધ્રુજારી સ્પષ્ટ હતી.
"શું થયું છે? તું કેમ આમ હાંફે છે? કોઈ ખરાબ સમાચાર છે?"
"મોહન, આપણા ઘરે જે છાપું આવ્યું છે એ આવતીકાલનું છે! એમાં આવતીકાલની તારીખ છે અને અંદર એવા સમાચાર છે જે હજુ બન્યા જ નથી! આપણા સોસાયટીના ગેટનું તૂટવું, સુધાભાભીનું ભાગી જવું, SM મેગા મોલમાં આગ લાગવી..."
મોહન ફોનમાં જ મોટેથી હસી પડ્યો. "મૈત્રી, તું પણ કમાલ કરે છે! તને પેલા કાકાની વાત મગજમાં ઘૂસી ગઈ લાગે છે. અરે ગાંડી, પ્રેસવાળાથી તારીખ છાપવામાં ભૂલ થઈ ગઈ હશે. પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય આને. ક્યારેક તારીખ બદલવાનું ભૂલી જાય મશીનમાં. અને એ જે સમાચાર છે ને, એ ગઈકાલના હશે, ક્યાંક બીજે બન્યા હશે ને તું ખોટી ગભરાય છે. સુધાભાભી અને એક્સીડન્ટવાળું તો તેં વાંચવામાં કંઈ ગોટાળો કર્યો હશે. જા હવે, શાંતિથી સ્કૂલે જા, અને આ ભૂત-ભવિષ્યના વિચારો પડતા મૂક."
મોહને ફોન મૂકી દીધો.
મૈત્રીને પણ એક પળ માટે લાગ્યું કે કદાચ મોહન સાચો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. પણ... ફોટાનું શું? એણે જે ફોટો જોયો હતો ગેટ તૂટવાનો, એ તો એની જ સોસાયટીનો હતો. અને સુધાનું નામ સ્પષ્ટ લખેલું હતું.
પોતાના મનની શંકા દૂર કરવા મૈત્રી ઘરની બહાર નીકળી. બાજુમાં જ રહેતા રમેશભાઈના ઘરે ગઈ. રમેશભાઈ નિવૃત્ત હતા અને ઓટલા પર બેસીને છાપું વાંચી રહ્યા હતા.
"રમેશકાકા, જરા તમારું છાપું આપો ને, મારે એક જાહેરાત જોવી છે." મૈત્રીએ વિનંતી કરી.
"હા બેટા, લે ને."
મૈત્રીએ રમેશભાઈના હાથમાંથી એ જ કંપનીનું છાપું લીધું. એણે તારીખ જોઈ. આજની તારીખ હતી! એણે પહેલું પાનું જોયું. એમાં મોલમાં આગ લાગવાના કોઈ જ સમાચાર નહોતા. એણે ત્રીજું પાનું ખોલ્યું. એમાં ન તો ગેટ તૂટવાનો કોઈ ઉલ્લેખ હતો કે ન તો સુધા વિશે કોઈ ખબર હતી! આખું છાપું એકદમ સામાન્ય હતું.
મૈત્રીએ રમેશભાઈને છાપું પાછું આપ્યું. એના દિમાગની નસો ખેંચાવા લાગી હતી. એનો મતલબ એ હતો કે આખા શહેરમાં, આખી સોસાયટીમાં જે છાપા વહેંચાયા છે એ સામાન્ય છે, આજની તારીખના છે. માત્ર અને માત્ર એના જ ઘરના વરંડામાં જે છાપું પડ્યું છે... એ આવતીકાલનું છે! ભવિષ્યનું છે!
એ દોડતી પોતાના ઘરમાં આવી. એણે એ રહસ્યમય છાપાને ફરીથી હાથમાં લીધું. એ કાગળનો સ્પર્શ પણ હવે એને ભારે લાગી રહ્યો હતો. શું ખરેખર પેલો અકસ્માત, એ આગ અને એ પડોશણનું ભાગવું સત્ય થવાનું છે? જો આ સાચું હોય, તો શું એ બેસીને માત્ર આ બધું થવાની રાહ જોશે?
હવે તો સ્કૂલ જવાની પણ એની હિંમત નહોતી. એણે સ્કૂલમાં ફોન કરીને બીમારીની રજા મૂકી દીધી. આખો દિવસ એ ઘરની બારી પાસે બેસી રહી. એની નજર સોસાયટીના ગેટ પર જ મંડાયેલી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. બપોર ઢળી, સાંજ પડવા આવી.
સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા હશે. સોસાયટીમાં બાળકો રમવા માટે બહાર આવી રહ્યા હતા. સુધાભાભીના ચારેય બાળકો પણ શેરીમાં ક્રિકેટ રમી રહ્યા હતા.
ત્યાં જ... દૂરથી એક કાર પૂરઝડપે આવતી દેખાઈ. એની સ્પીડ કંટ્રોલ બહાર હતી. કાર ચલાવનાર કોઈ ટ્રેઈન્ડ ડ્રાઈવર નહોતો, પણ એક નાનો છોકરો દેખાઈ રહ્યો હતો જેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
કાર સીધી સોસાયટીના ગેટ તરફ ધસી આવી.
મૈત્રીની આંખો પહોળી થઈ ગઈ. એના ગળામાંથી ચીસ નીકળી ગઈ, "ભાગજો..."
પણ કોઈ કંઈ સમજે એ પહેલા જ... ધડાક!
એક ભયાનક અવાજ સાથે કાર સોસાયટીના મોટા લોખંડના ગેટ સાથે ટકરાઈ. ગેટનો એક હિસ્સો તૂટીને જમીન પર પટકાયો અને કાર લપસીને બાજુની પાનની દુકાનના શટરમાં ઘૂસી ગઈ. ચારે તરફ ધૂળ અને કાચના ટુકડા ઉડવા લાગ્યા. લોકોમાં નાસભાગ મચી ગઈ.
મૈત્રી બારીના સળિયા પકડીને થીજી ગઈ. આ આબેહૂબ એ જ દ્રશ્ય હતું, એ જ કાર હતી, એ જ ગેટ હતો અને એ જ દુકાનો હતી... જેનો ફોટો એણે સવારે એ રહસ્યમય છાપામાં જોયો હતો!
એના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે. હજુ આ આઘાતમાંથી એ બહાર આવે એ પહેલા જ, એના કાને બીજા અવાજો પડ્યા.
સુધાભાભીના ઘરમાંથી રોકકળનો અવાજ આવી રહ્યો હતો. સુધાના પતિ નોકરીએથી પાછા આવ્યા હતા અને એમના હાથમાં એક ચિઠ્ઠી હતી. એ માથું કૂટીને રડી રહ્યા હતા, "મને દગો આપીને જતી રહી... આ ચાર બાળકોને કોના ભરોસે મૂકી ગઈ..."
આસપાસની સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ ગઈ. પડોશીઓ વાતો કરવા લાગ્યા કે સુધા બપોરે કોઈના બાઈક પર બેસીને જતા જોઈ હતી કોઈએ.
મૈત્રીના પગ ધ્રુજવા લાગ્યા. એક પછી એક, છાપામાં લખેલી ઘટનાઓ એની નજર સામે સાકાર થઈ રહી હતી. એ દીવાલનો ટેકો લઈને નીચે બેસી ગઈ.
અને બરોબર એ જ સમયે, ઘરમાં પડેલો ટીવીનો પડદો અચાનક બદલાયો. રાધાબેને ચેનલ ચેન્જ કરી, કોઈ પ્રાદેશિક ન્યૂઝ ચેનલ આવી. સ્ક્રીન પર લાલ કલરમાં 'બ્રેકિંગ ન્યૂઝ' ફ્લેશ થવા લાગ્યા.
ન્યૂઝ રીડરનો અવાજ હોલમાં ગુંજી ઉઠ્યો, "આજના સૌથી મોટા અને દુઃખદ સમાચાર... શહેરના જાણીતા SM મેગા મોલમાં ભયંકર આગ ફાટી નીકળી છે. ચોથા માળે આવેલા ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે આગ શરૂ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. અત્યાર સુધીમાં ૮ થી ૧૦ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે..."
ટીવી પર આગની ભયાનક જ્વાળાઓ અને લોકોની ચીસો સંભળાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરનનો અવાજ હવે મૈત્રીને પોતાના ઘર સુધી સંભળાઈ રહ્યો હતો.
મૈત્રીએ પોતાના બંને હાથ ચહેરા પર મૂકી દીધા અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ ખુશીના આંસુ નહોતા, આ એક ભયાનક સત્યનો સ્વીકાર હતો. પેલા કાકાના આશીર્વાદ ફળ્યા હતા.
એના ઘરમાં આવતું છાપું... ખરેખર ભવિષ્ય બતાવી રહ્યું હતું.
દરવાજે ચાવીનો અવાજ આવ્યો. મોહન અને પાછળ રાહુલ ઘરમાં પ્રવેશ્યા. બંનેના ચહેરા પર ગભરાહટ અને આશ્ચર્યના મિશ્ર ભાવો હતા.
મોહને અંદર આવતા જ સીધી મૈત્રી તરફ દોટ મૂકી. "મૈત્રી! તેં સવારે ફોન પર જે કહ્યું હતું... એ બધું જ..."
મૈત્રી ભીની આંખે ઉભી થઈ. એણે ટીપોય પર પડેલું એ છાપું ઉઠાવ્યું અને મોહન તથા રાહુલની સામે ધરી દીધું.
"મેં કહ્યું હતું ને મોહન... આ છાપું આવતીકાલનું છે. આ ભવિષ્ય છે. અને હવે... હવે આ ભવિષ્ય આપણા હાથમાં છે."
રૂમમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ, જેમાં માત્ર ટીવી પર આવતા મૃત્યુના આંકડા અને ફાયર બ્રિગેડના સાયરન ગુંજી રહ્યા હતા.
To be continue...