કાંટો કાઢ્યો 4
વાહે ઉભેલા બે પોલીસ અરજણ સિંગ પાહે આવ્યા અને એમના કાનમા કંઈક ગુસપૂસ કરી.
અને અરજણ સિંગ હંધુય સમજી ગયા.
તરત એમણે પોલીસોને હુકમ દીધો કે આને અને ઓલાને બેવને થાણે લઈ લ્યો.
"પણ હુ લેવા?કર્યુ સે મેં ઈ તો કયો?"
સુરસિંગે મોટા અવાજે પૂછ્યુ.
તો કાશીને ય થોડી હિંમત આવી.
"તમે આમ વાંક ગુના વીના પોલીસ ટેશને નો લઈ જઈ હકો."
અરજણ સિંગે ટાઢા કાળજે જવાબ દીધો.
"પેલા સાના માના હાલોને હવે.તમે કંઈ નય કર્યું હશે તો તમને તરત મૂકી દેહુ પસી તમ તમારે જે કરવુ હોય એ કરજો ને."
ના છુટકે કાશી અને સુરસિંગ પોલીસની જીપમાં બેઠા.
પોલીસ સ્ટેશને પુગતાજ સુરસિંગ અને કાશીએ ત્યા મકનાની લાશ જોઈ.અને એ બેઉ સમજી ગયા કે તેમનો ભાંડો ફુટી ગયો છે.
એમણે કરેલુ એમનુ પાપ છતુ થઈ ગયુ છે.
અને હવે ગુનો કબૂલી લીધા વિના બીજો છૂટકો નથી.
અરજણ સિંગે એક વેધક નજર એ બન્ને ઉપર નાખી અને પછી કડક અવાજે બોલ્યા.
"સીધી રીતે ગુનો કબૂલો સો કે મારે તમને ચૌદમું રતન દેખાડવું પડશે?"
સુરસિંગે ગુનાની કબુલાત આ રીતે કરી.
"સાબ.હું અને કાશી પંદરેક મહિનાથી એક બીજાના પ્રેમમાં છીએ પણ અમારા બેવની વચ્ચે કાશીનો વર આડખીલી રૂપ હતો.અમે બેવ જ્યારે પણ મળતા તો બીતા બીતા જ મળતા.અમને મકનાની બીક લાગતી.એ ક્યારે અચાનક આવી જાય કંઈ નક્કી નય.બીતા બીતા કેવોક પ્રેમ થાય સાહેબ?એમા મજાય હુ આવે?એટલે આજે રાતે મેં કાશીને ઉંદરડા મારવાની દવા લાવીને આપી અને મકનાને શાકમાં ભેળવીને આપવાનું કહ્યુ.અને મેં મારી ગાને પણ ખાણમાં ઇજ દવા નાખીને આપી.ખાણ ખાધા પછી મારી ગા એ થોડાક તરફડીયા નાખ્યા થોડુક ભાંભરી ને પસી શાંત થઈ ગઈ.એમજ કાશીએ એના વરને શાકમાં ભેળવીને એ દવા આપી ત્યારે મકનાએ ય ઘણા તરફડીયા માર્યા એ ય રાડ્યું પાડત પણ મેં જઈને એના મોઢે લૂગડું કસકસાવીને બાંધી દીધુ હતુ પસી આખરે એનો જીવ નીકળી જ ગ્યો.મેં પહેલા મારી ગાનુ પેટ ચીરયુ એમાંથી આંતરડાનો લોચો બાર કાઢ્યો અને એ લોચો મેં મારા વાડામાં જ દાટી દીધો.અને મકનાની લાશને ગાના પેટમાં નાખી સીવી લીધી.ગાની ઉપર સફેદ લૂગડું ઢાંકી દીધુ જેથી સિવેલું પેટ કોઈને દેખાય નય.સવારે ઊઠીને મેં મારી ગા મરી ગઈ એમ થોડીક રોકકળ કરી અને પછી જંગલમાં જઈને દાટી દીધી.મને એમ કે કોઈને કંઈ ખબર નહીં પડે.ગામ માં કોઈ મકના ના હાટુ પૂછે તો કમાવા બાર ગામ ગયો સે એમ કહેવાનુ મેં કાશીને શીખવાડી રાખ્યું હતુ.પણ આ તો બે કલાકમાં જ અમારી પોલ ખુલી ગઇ સાહેબ.મને માફ કરી દો."
સુરસિંગ હાથ જોડીને કરગરતા બોલ્યો.
"હા.હા તને તો માફ કરવો જ જોઈએ ને."
અરજણ સિંગે કટાક્ષમાં કીધુ.
પછી શિખામણ આપતા હોય એમ બોલ્યા.
"અરે ડોબા.ગા ના આતરડા કાઢીને વાડામાં દાટયા એના કરતા સીધે સીધો મકનાને જ ન્યા દાટ્યો હોત તો જટ કોઈને ખબરે ય નો પડત અને તારે ગો હત્યાય નો કરવી પડત.અને તમારા આ ગુનાની ખબર પડત ન્યા લગી તો કાશી હારે લેર કરવા મળતને?હવે જેલમાં લેર કરજો બેઉ જણ."
અને પછી ઉદાસ સ્વરે કહ્યુ.
"ગાને આપણે માં નો દરજ્જો દઈએ છીએ અને તે તારા શરીર સુખ માટે માં ને મારી?એનુ પેટ ચીરયુ?એના આંતરડા કાઢ્યા?અલ્યા ફટ સે તને.તને તો કમ થી કમ ફાંસીની જ સજા થાય એવી પૂરે પુરી હું કોશીષ કરીશ."
કાશી ત્રુટક ત્રુટક અવાજે બીતા બીતા બોલી.
"સાહેબ.બધો ગુનો સુરસિંગનો જ સે એણે જ મને ફોવલાવીને મારા ધણીને મરવી નાખ્યો મને સોડી દેહો ને?"
"હા.હા.તુ તો રય સતી સાવિત્રી પારકા મરદનુ પડખુ સેવવા પોતાના નિર્દોષ ધણીને ઉંદરડા મારવાની દવા દેતા જરાય તુ શર્માણી નય?તને ય જનમ ટીપ તો કરાવીશ જ."
પછી અરજણ સિંગે નથુને કીધુ.
"તુ તારે ગાને લઈ જજે હો."
અને નથુને પોતાના સપના સાકાર થતા લાગ્યા.
સમાપ્ત