પરમ પૂજ્ય દાદાશ્રીનું બાળપણ Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમ પૂજ્ય દાદાશ્રીનું બાળપણ

આગળના ભાગમાં આપણે દાદાશ્રી વિશે સંક્ષિપ્તમાં પરિચય મળવ્યો. એમને લોકો ‘દાદા ભગવાન’ કહીને કેમ બોલાવે છે, એ પણ આપણે જાણ્યું. પણ શું તમને ખબર છે કે, લાખો લોકોના જીવનને તાર્યા એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું બાળપણ કેવું હતું? શું એમનું બાળપણ પણ આપણા જેવું જ હતું? શું આપણે જેવી તોફાન-મસ્તી આપણા બાળપણમાં કરી હતી, એવી જ તોફાન-મસ્તી એમણે પણ એમના બાળપણમાં કરી હતી? આવા મહાન પુરુષની બાળપણ જાણવાની ઉત્સુકતા દરેકના મનમાં સહેજે જન્મે છે.
લોકોએ એમના બાળપણ વિશે એમને ઘણા પ્રશ્નો પૂછ્યા છે, તો સરળતાથી એમણે જવાબો પણ આપ્યા છે. આપનું જીવનચરિત્ર ટૂંકમાં કહો, તો કહ્યું કે મારું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ છે. હું ભાદરણ ગામનો રહેવાસી છું. મારા મધર ઝવેરબા, મારા ફાધર મૂળજીભાઈ, મારા મોટાભાઈ મણિભાઈ. હું મેટ્રિક ફેલ થયો છું, તે પણ કહી દીધું. લગ્ન સંબંધીયે કહ્યું કે, પંદર વર્ષે લગ્ન થયેલા, વાઈફનું નામ હીરાબા. બે સંતાનો થયેલા (મધુસૂદન, કપિલા). બંને નાનપણમાં જ ગુજરી ગયેલા.
પરમ પૂજ્ય દાદાશ્રીનો જન્મ એમના મોસાળમાં તરસાળી ગામમાં (વડોદરા જિલ્લો) થયો હતો. એમની જન્મ તારીખ સાતમી નવેમ્બર, ૧૯૦૮ અને આમ વિક્રમ સંવત ૧૯૬૫, કારતક સુદ ચૌદસ હતી. દાદાશ્રી પોતે ભાદરણ ગામના હતા. ભાદરણ ચરોતરમાં આવ્યું ને ચરોતર પ્રદેશને બહુ વખાણ્યો છે ઘણા સંતોએ. એટલે ટૉપ ક્લાસના ચરોતરના ગામોમાં એની ગણતરી થાય. ખુદ કૃપાળુદેવે પણ કહ્યું હતું કે, અમારો જન્મ ચરોતરમાં થયો હોત તો વધુ લોકોનું કલ્યાણ થાત. ભાદરણના પાટીદારો મૂળ અડાલજ ગામથી આવેલા હતા. એટલે દાદાજી કહેતા કે, ‘અમે છ ગામવાળા એ બધા મૂળ અડાલજના છીએ.’
દાદાશ્રીનો જન્મ સંસ્કારી કુટુંબમાં થયો હતો. એમના મધર ઝવેરબા જાતવાન, મુલાયમ હૃદયવાળા, દયાળુ, લાગણીવાળો સ્વભાવ અને ઊંચી સમજણવાળા હતા. ફાધર મૂળજીભાઈ કુળવાન, બ્રોડ વિઝનવાળા, કોઈ ડાઘ-ચોરી-લુચ્ચાઈ જોવા ન મળે તેવા હતા. એમના ફાધર-મધર પ્યૉરિટીવાળા અને હંમેશાં લોકોને કેમ કરીને મદદ થાય, એવું જીવન એમનું હતું. એ સંસ્કાર બાળ અંબાલાલને મળેલા. એમના વખતમાં એવું કહેવાતું કે આવા મધર કો’ક કાળમાં જ હોય. એટલે ફેમિલી ઘણું સારું, મધર બહુ સંસ્કારી!
દાદાશ્રીનું કુટુંબ ઊંચું પણ મિલકત મોટી નહોતી, એટલે ખાનદાનીની જ કિંમત હતી. સાડા છ વીઘા જમીન મોસાળમાં હતી અને દસ વીઘા જમીન ભાદરણમાં હતી, આટલી જ એમની મિલકત હતી.
લોકો દાદાજીને જ્યારે પૂછતા કે, “પુણ્ય એવું હોય તો ઊંચી જગ્યાએ જન્મ થાય, જ્યાં બંગલા ને બધું તૈયાર હોય, તો આપનો જન્મ એવી વૈભવવાળી જગ્યાએ કેમ ના થયો?” ત્યારે દાદાશ્રી કહે છે કે, “પાછલા અવતારોમાં એ વૈભવ જોઈને જ આવેલો છું. મને તો ભૌતિક વૈભવ પહેલેથી જ જરાય ગમતો જ નહીં. વૈભવવાળી ચીજ આવે તે પહેલેથી જ ગમતી નહોતી.” આ એક એમની વિશેષતા હતી નાનપણથી જ. દાદાશ્રી કહેતા કે, આ પૂર્વભવનો હિસાબ આવો લઈને આવેલો, તેથી આવા કુટુંબમાં જન્મ થયો. મૂળ બીજ મારું હતું અને એમનામાં દેખવાથી, એમના નિમિત્તે મારા પૂર્વના પ્રાકૃતિક ગુણો-સંસ્કારો પ્રગટ થયા.
લોકોએ દાદાશ્રીને પૂછ્યું કે, “દાદા, તમારું અંબાલાલ નામ કેવી રીતે પડ્યું?” ત્યારે દાદાશ્રી કહેતા કે, “અમારા મધરે આઠેક વર્ષ ઘી નહીં ખાવાની બાધા લીધેલી અને તેઓ નિરંતર અંબામાની ભક્તિ કરતા. તે ઉપરથી મારું નામ ‘અંબાલાલ’ પાડેલું.” નાનપણમાં દાદાશ્રીનો ચહેરો ગલગોટા જેવો અને શરીર સારું હતું, એટલે એમનું હુલામણું નામ ‘ગલો’ પડેલું.
એમના જમાનામાં કપડાંની ખૂબ અછત હતી, એટલે નાનપણમાં નવ-દસ વર્ષના છોકરાં થાય, તોયે કપડાં ના પહેરાવે. એટલે નાના બાળકોને વિકાર જાગૃત થયેલા જ નહીં. ચૌદ-પંદર વર્ષના થાય તોય ગામની છોકરીઓને બેન કહેવાય. બેન એટલે તો મોટામાં મોટું એ સંબંધની સમજ. એટલે કોઈના પ્રત્યે ખરાબ વિચાર જ નહીં આવેલા. એટલે એ જમાનામાં ખૂબ જ ભોળી અને ભદ્રિક વિચારોવાળી પ્રજા હતી.
લોકોએ નાનપણમાં દાદાશ્રીને ‘સાત સમોલિયો’ એવું ઉપનામ પણ આપેલું હતું. આમ તો બળદને ખેડવા લઈ જાય ત્યારે સમોલ હળમાં જોતરવામાં આવે છે, તેને કહેવાય છે. બધા જ બળદ કંઈ ‘સાત સમોલિયા’ ના હોય. આ સો બળદમાં એક-બે બળદ ‘સાત સમોલિયા’ હોય. તે સાત સમોલિયા બળદની કિંમત ઘણી વધારે આવે. એ બળદ ખેતીવાડીની જમીન ખેડે, કૂવેથી પાણી કાઢવાનો કોશ ખેંચે, બળદગાડું ચલાવે, આંખે દાબડા બાંધીને ચક્કી પીલવાની હોય તો એમાંય કામ લાગે. આમ, સાત જાતના કામમાં આવે. એટલે દાદાશ્રી કહેતા કે, “મારામાં કંઈક શક્તિ છે, તેથી બધા મને ‘સાત સમોલિયો’ કહે છે, ‘સાત સમોલિયો’ એટલે બધી બાજુ એક્સપર્ટ હોય એવો માણસ છે. અને હું મારી જાતને સમજી ગયેલો કે ખરું કહે છે આ લોકો. એટલે મને પાણી ચડે કે ઓહોહો... આપણો રોફ વધી ગયો! તે લોકોએ પાણી પાયેલું મને. એટલે હું મારા મનમાં ખુશ થાઉં કે ઓહોહો... આટલી બધી મારામાં શક્તિ. હું જાણું કે મારામાં કંઈક છે.” આમ લોકો ‘સાત સમોલિયો’ કહેતા એનો પણ એમણે અહંકાર કરેલો, એ પણ દાદાશ્રીએ ખુલ્લું કરી દીધેલું.
આ ભણતરવાળા હોય એ એક સમોલિયો કહેવાય. એને ભણતર એટલે કે એ એક કૉર્નર (ખૂણો) જ ફાવે. એને બીજી બધી બાજુ વિચારવાનું ના ફાવે. જ્યારે સાત સમોલિયો તો ઘરમાં રહેતો હોય અને ભણતો હોય તોય હિસાબ કાઢતો હોય કે આપણે આવક કેટલી, જાવક કેટલી, મા-બાપને કેટલી તકલીફ પડતી હશે, એ બધા હિસાબ હોય એની પાસે. એવો એ વિચક્ષણ હોય. સામસામી લોકો વાતો કરતા હોય તોય સમજી શકે કે શું વાત કરી રહ્યા છે! દરેક બાબતનું ધ્યાન રાખે. મા-બાપની સેવા કરે, પૈસા કેવી રીતે આવે છે, ક્યાં ખોટ જાય છે, મા-બાપની શું સ્થિતિ છે, બધું જ એમને લક્ષમાં હોય. એવો સાત સમોલિયો કો’ક જ માણસ હોય. અંબાલાલ એવા હતા. તેથી દાદાશ્રી કહેતા ને કે મને ભણતર ના આવડ્યું, મેટ્રિક નાપાસ થયો. ભણવાનું આવડે-કરે નહીં. પણ એમનું ધ્યાન ચોગરદમ ફરતું હોય. ભણતરમાં એકાગ્રતા રહે નહીં, પણ ગણતર-ઘડતર ઊંચું હતું નાનપણથી.
વિશેષતા તો એ છે કે નાનપણની વિચારશ્રેણી ઠેઠ સિત્તેર-પંચોતેર-એંસી વર્ષે પણ બધું જાણે આજે જ બન્યું હોય, તે જોઈને બોલતા હોય તેવું કહી શક્યા છે, એ જ જ્ઞાની પુરુષની અદ્‌ભુતતા છે. દાદાશ્રી કહેતા કે નાનપણથી ચિત્ત ચોંટી જાય એવા કોઈ મોહ જ નહોતા. તેથી નાની ઉંમરે શું બનેલું તે બધું તદ્દન ખ્યાલમાં રહેલું. તે આમ અમુક દિવસે, અમુક જગ્યાએ આમ બનેલું, એ બધું જ દેખાય. જીવનના દરેક વર્ષમાં શું બનેલું તે બધું સમજી શકે અને મોટી ઉંમરના થયા તોય તે બધું જેમ છે તેમ લક્ષમાં રહેલું. પૂછે તો વાત નીકળે, તે પછી દેખીને બધું કહી શકતા.
નાનપણમાં બીજા બાળકો સાથે ભેગા મળી તોફાન-મસ્તી કરતા. મોસાળમાં જાય તો ગામડામાં ભેંસો તળાવમાં બેઠી હોય તો એની ઉપર બેસી જાય. મોસાળમાં બધા જ ભાણાભાઈનો રોફ રાખે, એમને માનભેર રાખે. દાદાશ્રી કહેતા કે, “આટલો અમથો તોય મોટા ભાણાભાઈ, ભાણાભાઈ, તરીકે માને. મેં અપમાન તો જિંદગીમાં જોયેલું જ નહીં, કોઈ જગ્યાએ. અમારા ગામમાંય નહીં જોયેલું અને બહારેય નહીં જોયેલું.”
આપણે નાના હતા અને મકરસંક્રાંતિનો તહેવાર આવતો, ત્યારે પતંગ ઉડાડવાની એક અલગ જ મજા આવતી હતી. સવારથી જ છત પર દોડધામ શરૂ થઈ જતી, હાથમાં દોરી અને પતંગો લઈને અગાસી ચડી જતા હતા. રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા હતા અને એ જોઈને જ આપણું દિલ ખુશ થઈ જતું હતું. એ દિવસોમાં ન તો સમયનો અહેસાસ રહેતો, ન તો થાકનો.
પણ શું તમને ખબર છે કે, દાદાશ્રીની મકરસંક્રાંતિના તહેવાર વિશે એકદમ અલગ જ વિચારસરણી હતી? તો ચાલો, હવે એમના જ શ્રીમુખેથી નીચેના સંવાદ દ્વારા એ અનોખી એ વાતને જાણીએ.
પ્રશ્નકર્તા: બીજા નાના છોકરાં રમતો રમતા એવી તમે પણ રમતા?
દાદાશ્રી: નાનપણમાં એક ભઈબંધ આવ્યો. એને પતંગ ઊડાડી ને પછી એમાં ફાયદો શું થાય પૂછ્યું. ઊડાડવામાં ફાયદો શાનો? ‘આ તો બહુ મજા આવે’ કહે છે. મેં કહ્યું, ‘એ તો પાછો હાથ આમ આમ કરવો પડે બળ્યો.’ તે એને જોયા કરું, પછી નીચે ઠોકર વાગે છે કે નહીં તે જોવાનું નહીં અને આપણે દોડ-દોડ કરવાનું બળ્યું! મેં કહ્યું, ‘આ વેપાર મારે ના પોસાય. અઘટિત વેપાર મારે જોઈએ નહીં, તું કર બા.’
એટલે હું નાનો હતો ત્યારે પતંગો લોક ઉડાડતા અને હું ભાઈબંધ સાથે બેસતો અને જોતો. ત્યારે ભાઈબંધો કહેતા કે ‘ત્રણ વરસ થયા, કોઈ દી પતંગ-દોરો તમે લાવ્યા?’ ત્યારે મેં કહ્યું, ‘મારી પાસે પૈસા છે, તારે જોઈતા હોય તો લાવી આપું. આ ઊંચું જોવાનું, ઠૂમકા મારવાનું તે મારું કામ નહીં.’
એટલે હું મારી જિંદગીમાં કોઈ દહાડો પતંગ વેચાતી લાવ્યો નથી. આ લોકો દોરા કરે, તે હાથે પેલા ઘસરડા પડે ને કહે, ‘જો મારા હાથ કેવા થઈ ગયા છે!’ ‘હું તો શું કરું? તમે ઉડાડો છો ને હું જોઉં છું.’ કિંમત જોવાની છે!
પ્રશ્નકર્તા: એ ના સમજાયું, કિંમત જોવાની છે એ કેવી રીતે?
દાદાશ્રી: આ પતંગ જોઈએ ને, એટલે સૂર્યનારાયણેય આપણી આંખમાં થોડા થોડા દેખાય. એટલે બહુ ઉત્તમ ફળ આપે એવું છે, આ મકરસક્રાંતિના ટાઈમમાં. તે આ સૂર્યને જોવા માટેનું જ છે, આ પતંગ ઉડાડવા માટે નથી. ઉડાડવી હોય તો ગમે તેમ બાંધી દો અને શક્તિ હોય તો ચઢ્યા કરે એની મેળે, દોરી ઊકલ્યા કરે.
આમ, દાદાશ્રીની અનોખી જ વિચારસરણી હતી. લોકો પતંગ ઉડાડે, તે પોતે જોતા. લોકો દેખાદેખીથી કરે, તેવું તેમણે ક્યારેય કરેલું નહીં.
ફટાકડા ફોડવામાંય દાદાશ્રીએ તારણ કાઢેલું. રાજા પોતે ફટાકડા ફોડે કે નોકર પાસે ફટાકડા ફોડાવડાવે? કોઈ રાજાએ દારૂખાનું ફોડેલું નહીં, નોકરો પાસે જ ફોડાવે. એ પોતે ફોડે નહીં ફટાકડા પણ પોતે ખુરશીમાં બેસીને જુએ. શેમાં લાભ છે, એ એમની વિચક્ષણ બુદ્ધિમાં તાળો બેસી જ જતો.
એ જમાનામાં દાદાશ્રી નાનપણમાં એમના ભાભી જોડે હોળી રમેલા. એમના ભાભી અગિયાર વર્ષના હતા અને પોતે દસ વર્ષના હતા. બંને વચ્ચે ઘણી વાર બનતું પણ નહોતું, પણ છતાં, બંને રાગ-દ્વેષ ભૂલી જઈને હોળી રમતા અને પછી ચોખ્ખું ઘી-ગોળ નાખેલી સુંવાળી સેવો ખાઈને આનંદ પણ કરતા. એવું નિર્દોષ ગ્રામ્યજીવન હતું ત્યારે.
આમ, બાળપણના દરેક પ્રસંગોમાં એમણે તારણ કાઢેલા, દરેક બાબતમાં ઘણા બધા પરિણામના વિચાર કરી નાખતા. હજી તો દાદાશ્રીના શૈક્ષણિક જીવન વિશે અનેક બાબતો જાણવાની બાકી છે, જે આપણે આવતા અંકમાં જાણીશું.